Opinion Magazine
Number of visits: 9577289
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

ગાંધીથી પ્રભાવિત: ઍડોલ્ફો પેરિસ એસ્કિવિયેલ [Adolfo Perez Esquivel]

આશા બૂચ|Opinion - Opinion|1 April 2019

ગાંધી – એક વિશ્વ માનવ શ્રેણી મણકો – 6

વીસમી સદીના પૂર્વાર્ધમાં એક સ્પેનિશ યુવાન તેના પરિવાર સાથે સ્થળાંતર કરીને આર્જેન્ટિના ગયા. તેમનો વ્યવસાય માછીમારીનો હતો.

આ માછીમારનો પુત્ર માતા-પિતાને સહાયરૂપ થવા દસ વર્ષની ઉંમરે શેરીમાં ઊભા રહીને અને ટ્રામમાં છાપાં વેંચવાનો ધંધો કરવા લાગ્યો. જો કે એ કામમાં એ બાળકને આનંદ આવતો અને તેમાંથી મળતો થોડો ઘણો નફો તેને ખુશ રાખતો. એ સમયે ગામના ચોક – “Plaza de Mayo"માં જૂની ચોપડીઓ વેંચતી દુકાનો પણ પોતાનો ધંધો કરતી. આ બાળક ત્યાંથી પુસ્તકો ખરીદીને પોતાના મિત્રો સાથે Parque Lezama નામક એક બગીચામાં બેસીને વાંચતો. એ પુસ્તકોમાં ‘ધ સ્ટોરી ઓફ માય એક્સપેરિમેન્ટ વીથ ટ્રુથ’ (ગાંધીજીની આત્મકથા) અને થોમસ મર્ટનનું ‘ધ સેવન સ્ટોરી (માળ) માઉન્ટન’નો પણ સમાવેશ હતો.

પોતાના આ અનુભવોની વાત કરતાં આ કથાનો બાળ નાયક વધુમાં ઉમેરે છે કે તેણે ગાંધી અને તેમની ભારતમાં ચાલતી લડતો વિષે સમાચાર વાંચેલા. પણ એક પુસ્તક વેંચનાર ‘ડોન’ ગાંધી કોણ હતા અને ભારતને બ્રિટિશ સામ્રાજ્યમાંથી મુક્ત કરવા ઉપાડેલી તેમની અહિંસક લડત વિષે વાત કરી. તેણે એમ પણ કહ્યું કે ગાંધીને પોતાના દેશબાંધવોની મુક્તિ ખાતર જેલમાં ત્રાસદાયક જીવન પણ જીવવું પડેલું; જેની આ નાના બાળમાનસ પર ઘેરી અસર પડી.

આ બાળક તે ઍડોલ્ફો પેરિસ એસ્કિવિયેલ – Adolfo Pérez Esquivel. જન્મ 26 નવેમ્બર 1931 – બેનેસ એરિસમાં. માત્ર ત્રણ વર્ષની કુમળી વયે માતાનું છત્ર ગુમાવ્યું. ગરીબીના સંકજામાં સપડાયેલ હોવા છતાં માનુએલ બેલગ્રાનો ફાઈન આર્ટસ સ્કૂલમાં અભ્યાસ કર્યો અને નેશનલ યુનિવર્સિટી ઓફ લા પ્લાટામાં ઉચ્ચ શિક્ષણ મેળવી એક સુંદર ચિત્રકાર અને શિલ્પી પણ બન્યો. વર્ષો વીતતાં માત્ર આર્જેન્ટિના જ નહીં પણ સારાયે વિશ્વમાં તેની ઓળખ એક કર્મશીલ, ચિત્રકાર, લેખક, શિલ્પી અને સામાજિક કાર્યકર તરીકે ઉપસી આવી, એટલું જ નહીં, તેમને આર્જેન્ટિનાની આપખુદ સત્તા સામે જંગ ખેલવા બદલ 1980માં શાંતિ નોબેલ પારિતોષિક પણ એનાયત થયું. જો કે એ દરમ્યાન જ (1976-1983) તેમણે 14 મહિના સુધી કેસ ચલાવ્યા વિના જેલવાસ ભોગવ્યો અને તેમના પર દમન કરવામાં આવ્યું. જોવાનું એ છે કે એ ગાળા દરમ્યાન જ તેમને બીજાં અનેક પારિતોષિકો એનાયત કરવામાં આવ્યાં જેમાંનું એક પૉપ જ્હોન XXIII તરફથી પણ હતું! માનવ અધિકારની રક્ષા માટેનું નોબેલ પારિતોષિક ઍડોલ્ફોએ પોતાના ‘ગરીબમાં ગરીબ અને નાનામાં નાના ભાઈઓ અને બહેનો વતી’ સ્વીકારેલ જેની પૂરેપૂરી રકમ એ સંસ્થાને દાનમાં આપી દીધી.  

જે સત્તા સામે જંગ ખેલવા બદલ ઍડોલ્ફોને નોબેલ પારિતોષિક મળ્યું તે વિષે થોડું જાણીએ. આર્જેન્ટિનામાં 1976 બાદ લશ્કરી શાસન આવ્યું. એ આપખુદ શાસકો કોઈ પણ પ્રકારની રાજકીય માન્યતા ધરાવનારાઓ, સમાજવાદી વિચારો ધરાવનારાઓ કે ડાબેરી વિચારસરણી ધરાવનારાઓને શોધી, પકડી, તેમના પર જુલમ કરીને ખતમ કરી દેતા. આપખુદ સરકારને આ રીતે માનવ અધિકારોનો ભંગ કરીને આતંક ફેલાવવા પાછળ અમેરિકાનો સાથ-ટેકો મળી રહ્યાં. બચાવ એવો કરવામાં આવ્યો કે સામ્યવાદનો પ્રસાર આર્જેન્ટિના અને પૃથ્વીના પશ્ચિમી પડમાં ફેલાતો અટકાવવા આ પગલાં ભરવામાં આવેલ. લગભગ 30,000 જેટલાં નિર્દોષ માણસો અદ્રશ્ય થઇ ગયાં. અપહરણ કરીને હત્યા કરી નાખી એ આંકડાઓ તો સેંકડો અને હજારોમાં પહોંચેલો. ઍડોલ્ફોએ આર્જેન્ટિનાની Dirty War તરીકે ઓળખાયેલ લડાઈનો ભોગ બનેલાઓના માનવ અધિકારોની રક્ષા કરવા માટે સંગઠનોની સ્થાપના કરીને નાણાકીય ટેકો આપવામાં અગ્ર ભાગ ભજવ્યો હતો.

શિક્ષણ ક્ષેત્રે સફળતા પ્રાપ્ત કરી ચૂકેલા ઍડોલ્ફોને લેટિન અમેરિકા સ્થિત એક સંગઠનના સંયોજક તરીકે પસંદ કરવામાં આવ્યા. સમાજના છેવાડાના લોકોને કારમી ગરીબીમાંથી અહિંસક માર્ગે છોડાવવા તેમણે શિક્ષણને તિલાંજલિ આપી. આપણે જાણીએ છીએ કે અસમાનતા, અન્યાય, ગરીબી અને પ્રાથમિક જરૂરિયાતોનો અભાવ લોકોમાં નિરાશા, હતાશા અને આખર હિંસાની લાગણી જન્માવતી હોય છે. સત્ય અને અહિંસાનો માર્ગ સરળ નથી એ હકીકત ઍડોલ્ફો ગાંધીજીની જીવનકથા વાંચીને જ સમજી ગયા હતા. આ પરમવીરને 1975માં બ્રાઝિલની લશ્કરી પોલીસે અટકાયતમાં રાખ્યા અને એક્વાડોરમાં લેટિન અમેરિકા અને ઉત્તર અમેરિકાના બિશપ સાથે જેલમાં ધકેલ્યા. આમ વ્યક્તિગત યાતનાઓ સહન કરવા છતાં ઍડોલ્ફો શસ્ત્રોનો આશરો લીધા વિના ન્યાય અને અધિકાર માટે શાંતિમય ઉપાયો અજમાવીને લડતા રહ્યા.

માનવ અધિકાર માટે લાડનારાઓ કોઈ દેશના સીમાડા કે કોઈ કહેવાતા ‘શક્તિશાળી નેતાઓ’ના નિર્ણયો સામે પોતાનો અભિપ્રાય દર્શાવતા હિચકિચાહટ નથી અનુભવતા હોતા. તેમણે 2011માં લીબિયાના અને સીરિયાના આંતરિક સંઘર્ષમાં હસ્તક્ષેપ કરવાના યુરોપના નિર્ણયનો વિરોધ કરેલો. સત્યવાદીને કોઈ જાતનો ભય નથી સતાવતો હોતો. ઓસામા બિન લાદેનની હત્યા બાદ ઍડોલ્ફોએ અમેરિકાના તત્કાલીન પ્રેસિડેન્ટ બારાક ઓબામાને પત્ર લખીને સ્પષ્ટ જણાવેલું કે યુ.એસ.એ. દ્વારા બિન લાદેનની ધરપકડ કરવાને બદલે તેની હત્યા કરવામાં આવી કેમ કે તેણે 9/11ની ઘટના વિષે એવી વિગતો કહી હોત જેનાથી અમેરિકાની કેટલીક ગુપ્ત બાબતો ઉઘાડી પડી જાત એવી શક્યતા હતી. તેમનું એવું માનવું હતું કે એ ઘટના અમેરિકનોએ કરાવડાવેલ સ્વઘાતી હુમલો જ હતો જેથી તેમને અફઘાનિસ્તાન, ઇરાક અને લિબિયા સામે જંગ છેડવાનું બહાનું મળી રહે. અફઘાનિસ્તાન પાસે કેમિકલ શસ્ત્રોનો જથ્થો છે, જેનો એ ઉપયોગ કરશે અને બ્રિટન પર 45 મિનિટમાં હુમલો કરશે એ ભીતિ સદંતર જૂઠી સાબિત થઇ.

ઍડોલ્ફોને પ્રતીત થયું કે ગાંધીજીનું જીવન માનવતાને ઉજાગર કરે છે. ગાંધીજીએ સત્યનો માર્ગ પુરાણ કાળના પવિત્ર શાસ્ત્રોમાંથી ગ્રહણ કર્યો, પરંતુ તેનો વિનિયોગ બહોળા સમાજમાં કરીને આખા દેશને પરદેશની ધૂંસરીમાંથી છોડાવવા માટે કરનાર તેઓ પહેલા હતા. ઍડોલ્ફોને ગાંધી ચિંધ્યા માર્ગે કાર્ય કરવાની પ્રેરણા ક્યાંથી મળી એ સવાલ થાય. એક સ્પેનિશ માછીમારનો પુત્ર, અત્યંત ગરીબાઈમાં આર્જેન્ટિનામાં ઉછરેલો, તેને આ ગાંધી વિચારનો ચેપ ક્યાંથી લાગ્યો? ગાંધી વિશેના અને ગાંધીજીએ લખેલ પુસ્તકો ઍડોલ્ફોએ એક કરતાં વધુ વખત વાંચ્યાં બાદ એમને ગાંધીજીના અધ્યાત્મ અને સામાજિક-રાજકીય કાર્યો વચ્ચેના અનુબંધને જોવાની એક દ્રષ્ટિ ખીલી અને તેમના કાર્યોને મૂલવવા એક નવો જ દ્રષ્ટિકોણ લાધ્યો. ગાંધીજીની એક લાક્ષણિકતા જો કોઈને પણ વધુ મોહિત કરી ગઈ હોય તો તે છે તેમની નમ્રતા, ત્યાગ ભાવના અને દરિદ્રો પ્રત્યે સમભાવ. તેમણે ધાર્યું હોત તો વકીલ તરીકે સારી એવી કમાણી પર આરામથી જીવન વ્યતીત કર્યું હોત. પણ એ સઘળું છોડીને એક સામાન્યમાં સામાન્ય આદમી જેટલી જ જરૂરિયાતો પર જીવન વ્યતીત કર્યું જે ઍડોલ્ફોને ખૂબ જ સ્પર્શી ગયું. માત્ર બ્રિટિશ સામ્રાજ્યની હકાલપટ્ટી સાથે જ ગાંધીજીએ લડત લડવાની નહોતી, પરંતુ પોતાના દેશની પ્રજાના આચાર-વિચારો અને મૂલ્યોમાં પણ આમૂલ પરિવર્તન લાવવા સામે, સમાજના રૂઢિગત ખ્યાલો સામે અને હિંસક પ્રતિકાર કરવાના વલણો સામે પણ તેમણે બાથ બીડવાની હતી. હિન્દુ-મુસ્લિમની એકતા માટે તેમણે અથાગ પ્રયત્નો કર્યા અને આ બધું જ ઍડોલ્ફો જેવા સંવેદનશીલ કર્મશીલને આકર્ષી ગયું.

ગરીબ અને છેવાડેના લોકોની યાતનાઓનું નિર્મૂલન કરવાના પ્રયાસો દરમ્યાન ઍડોલ્ફોને ગાંધીજીના સમગ્ર જીવન અને કાર્ય વિષે સતત જાણકારી મળતી રહી. તેમને પ્રતીત થયું કે અહિંસાની ચળવળ એ માત્ર સામ્રાજ્યનો અંત લાવવા માટેનું એક શસ્ત્ર નહોતું, પણ એ તો ગાંધીજીની જીવનપદ્ધતિ હતી. ગાંધીના મતે અહિંસાનો અમલ જીવનના દરેક સંબંધમાં થવો જોઈએ, માત્ર વ્યક્તિગત જ નહીં, પણ સામૂહિક સ્તરે પણ. ગાંધીજીનો પ્રાર્થના અને અધ્યાત્મ સાથેનો ઘનિષ્ઠ નાતો, તેમની  આમ પ્રજા માટેની નિષ્ઠા અને તેના કલ્યાણ માટે ઉઠાવવા પડતા કષ્ટો માટેની હિંમત ઍડોલ્ફોને હંમેશ માર્ગ બતાવતા રહ્યા.

‘ગાંધી – એક વિશ્વ માનવ’ શ્રેણીમાં લાન્ઝા દેલ વાસ્તો ઉર્ફે શાંતિદાસ વિષે અગાઉ લખ્યું છે. શાંતિદાસ ઉપરાંત Jean અને Hildegard Goss Goss-Mayr જેવા અહિંસાના પ્રમુખ પ્રચારકો અને અમલ કરનારાઓ પાસેથી પણ ઍડોલ્ફોને પ્રેરણા મળી. શાંતિદાસને બેનેસ એરિસમાં અહિંસા પર પ્રવચન આપતા સાંભળ્યા બાદ “Friends of Ark”ની સ્થાપનામાં ઍડોલ્ફો મદદરૂપ થયા. આમ અહિંસક માર્ગે સંઘર્ષના હલ કરવા પરની તેમની શ્રદ્ધા વધુ દ્રઢ બનતી ચાલી. ઘણાં વર્ષો સુધી ફ્રેન્ડ્સ ઓફ આર્ક સંગઠન દ્વારા સામૂહિક જીવન અને  પ્રાર્થના જીવનમાં વણી લેવા, મજદૂરી કરવી અને કારીગરનું જીવન જીવવું, અલગ અલગ કોમ અને ધર્મના લોકો વચ્ચે એકતા સાધવી અને જરૂર પડ્યે અહિંસક લડતો ચલાવવી વગેરે કાર્યોમાં તેઓ રત રહ્યા.

આજે જ્યારે ચોતરફ નફરત, હિંસા અને સંહારનું તાંડવ ખેલાઈ રહ્યું છે, ત્યારે હિંસાની આગમાં હોમાતાં લાખો-કરોડો નિર્દોષ લોકોને બચાવવા એ એક પડકાર છે. પણ એથી કરીને હાથ પર હાથ મૂકીને બેસી રહીએ તો માનવતા લાજે. શાંતિ સ્થાપવા માટેના પ્રયત્નો દસ ગણા કેમ વધારવા ન પડે, ન્યાયના પાયા પર રચાયેલ માનવીય સમાજની રચના કરવાની આપણી મથામણ ચાલુ જ રહેવી જોઈશે. ઍડોલ્ફો દ્રઢપણે માને છે કે સવિનય કાનૂન ભંગ અને અહિંસક પ્રતિકારનો ઉપયોગ ઘણાં વર્ષે થયો, જેણે બહોળા સમાજને ભાગીદાર બનાવ્યા જેથી કરીને હવે માનવ અધિકારો અને અહિંસક મૂલ્યો અવિભાજ્ય બની ગયાં છે. તેમને એમ પણ લાગે છે કે રાજકારણમાં પણ અહિંસક માર્ગે સામાજિક અને માળખાકીય પરિવર્તન લાવવા આપણે પ્રવૃત્ત થવું જોઈએ. ગાંધીજી સ્વાતંત્ર્ય સંગ્રામના ઉદ્દેશો અને તેના સાધન રૂપ અહિંસક લડાઈ માટે ખૂબ સ્પષ્ટ અભિપ્રાય ધરાવતા હતા, તેવી શ્રદ્ધા આપણે પણ કેળવવી રહી.  

માનવ જાત આજે જાણે લડાઈના રૂપમાં પ્લેગ જેવા રોગથી ગ્રસ્ત થઇ રહી છે, જ્યાં જુઓ ત્યાં કોમી સંઘર્ષની જ્વાળા ભભૂકે છે, ભૂખમરો અને પર્યાવરણની સમતુલા જોખમાઈ હોવાને પરિણામે સંહાર વધતો રહ્યો છે અને કુદરતી સંપત્તિ નાશ પામતી રહી છે. આપણે કુદરત, વ્યક્તિ અને સમાજ  વચ્ચે સમતોલન પાછું મેળવવું જરૂરી છે તેમ સહુ સ્વીકારે છે. પણ એ માટે કયો માર્ગ લેવો તે સૂઝતું નથી ત્યારે ઍડોલ્ફો કહે છે કે ગાંધીજીએ અહિંસાને માનવ જીવનને સમૂળગું પરિવર્તિત કરી નાખે એવી શક્તિમાં રૂપાંતરિત કરી હતી તેના તરફ નજર નાખો તો તમને માનવી અને કુદરત વચ્ચેના સંબંધનો તંતુ જોડાતો દેખાશે. ગાંધીજીની લડત ભલે મુખ્યત્વે રાજકીય હેતુસરની હતી, પરંતુ સાથે સાથે નૈતિક, આધ્યાત્મિક અને સામાજિક ઉદ્દેશ્યથી પણ રસાયેલી હતી. આથી જ તો તેમનું લક્ષ્ય દરેક વ્યક્તિ અને તમામ સામાજિક સમૂહોની મુક્તિનું હતું.

આર્જેન્ટિનાના એક નાનકડા ગામના પુસ્તક વેંચનારા પાસેથી ગાંધી વિષે માહિતી મળી, ગાંધીની આત્મકથા અને બીજાં પુસ્તકો વાંચીને જાતને સત્ય, અહિંસા, કરુણા અને ત્યાગના પાઠો શીખવ્યા અને પોતાના દેશબાંધવો અને દુનિયાના અનેક તરછોડાયેલ લોકોને અન્યાય અને દુઃખની ગર્તામાંથી બહાર કાઢ્યા એવા ઍડોલ્ફો પેરિસ એસ્કિવિયેલને ગાંધી 150 નિમિત્તે લાખ લાખ વંદન.

e.mail : 71abuch@gmail.com

Loading

જગ વંદનીય કસ્તૂરબા

આશા બૂચ|Gandhiana|1 April 2019

આ ઉક્તિ અગણિત વખત કહેવાઈ ચૂકી છે. તો આજે ફરી તેનો ઉલ્લેખ શા માટે? ગાંધી 150 નિમિત્તે ભારત અને દુનિયાના અન્ય દેશોમાં અસંખ્ય કાર્યક્રમોનું આયોજન થઇ રહ્યું છે, જે ઉચિત જ છે. માર્ક ટવેઇને જાણે કે આપણને તેવા મહાનુભાવોની સિદ્ધિ પાછળ કોનો કોનો ફાળો હોઈ શકે એ તપાસવા સૂચન કર્યું હતું. આ એમણે દીધું અવતરણ છે : ‘Behind every successful man, there is a woman.’ — Mark Twain

ગાંધીજીના સંદર્ભમાં જોઈએ તો તેમના ચારિત્ર્ય ઘડતરમાં પિતાશ્રી કરમચંદ ગાંધી જેટલું જ અથવા તેથી ય વિશેષ માતા પૂતળીબાઈનું પ્રદાન રહ્યાંનું પ્રમાણ તેમની આત્મકથામાંથી મળી રહે છે. આપણે ગાંધીજીને જેવા જાણીએ છીએ તેવા બનાવવામાં બીજી વ્યક્તિ કે જેણે જાણ્યે અજાણ્યે ભાગ ભજવ્યો હોય તો તે છે કસ્તૂરબા. એ હકીકત નિર્વિવાદ છે. છતાં આપણે ‘બા’ વિષે કેટલું જાણીએ છીએ?

એપ્રિલ 1869(એક સ્ત્રોત મુજબ 11 એપ્રિલ 1869)માં પોરબંદર ખાતે ગોકળદાસ અને વ્રજકુંવરબા કાપડિયાને આંગણે બે ભાઈની લાડકી બહેન કસ્તૂરનો જન્મ. પિતા કાપડ, અનાજ અને રૂનો વેપાર દેશદેશાવરમાં કરતા અને દરિયો પણ ખેડેલો. કસ્તૂર ખૂબ લાડમાં ઉછરેલી. વ્રજકુંવરબા અને ગાંધીજીનાં માતા પૂતળીબાઈ સહિયર. આટલું તેમના બાળપણ વિષે જાણીએ છીએ.

જગતને તો ‘સત્યના પ્રયોગો’ મારફત જ કસ્તૂરબાનો પ્રથમ પરિચય થયો ગણાય. ત્યાર બાદ સ્વાતંત્ર્ય સંગ્રામની વિગતોમાં કસ્તૂરબાનો ઉલ્લેખ જોવા મળે ખરો, પરંતુ તેમની જીવની લખાઈ નથી. ગાંધીજીના પુત્ર મણિલાલના સુપુત્ર અરુણભાઈ ગાંધીએ એ કાર્ય પાર પાડવાનું બીડું ઝડપ્યું. તેઓ લખે છે, “મોટા ભાગના લોકો એવું માનતા કે બા એક અલ્પશિક્ષિત, સાધારણ અને સુશીલ સન્નારી હતાં. તેઓ પોતાના પતિને જરૂર અનુસરતાં પણ પતિ જે વિરાટ કાર્યો કરતા તે ભાગ્યે જ સમજતાં”. આ માન્યતાને હકીકતનો આયનો બતાવવા અરુણભાઈએ કસ્તૂરબા વિષે લખવાનું નિરધાર્યું. આ કામ ધાર્યા કરતાં કઠિન સાબિત થયું. માતા-પિતા અને ભાઈઓનું નાની વયે અવસાન અને પોરબંદરના પૂરમાં ધોવાઈ ગયેલા તમામ દસ્તાવેજોને કારણે મૌખિક ઇતિહાસ એ જ એક માત્ર સંશોધન માટેનો સ્ત્રોત બની રહ્યો. અહીં નોંધવાનું એ છે કે મુલાકાત આપનારાઓ ગાંધીજીના પ્રેરક વ્યક્તિત્વ અને તેમની અતુલ સિદ્ધિઓથી અંજાયેલા હતા, તેથી કસ્તૂરબાને કેન્દ્રમાં રાખીને માહિતી એકઠી કરવી મુશ્કેલ હતી. આ હકીકત પૂર્વના એક તત્ત્વજ્ઞાનીનાં કથન ‘વટવૃક્ષ નીચે બીજું કશું ઊગી શકતું નથી’ એ પૂરવાર કરે છે. છેવટ ‘અ ફરગોટન વુમન’ પુસ્તક તૈયાર તો થયું, પણ જોજો, તેને પ્રકાશિત કરવામાં ય અડચણો આવી. યુરોપ-અમેરિકાના પ્રકાશકો તરફથી ‘કસ્તૂરબામાં કોને રસ પડે? તમે તમારા દાદા મહાત્મા ગાંધી વિષે કેમ નથી લખતા?’ એવા પ્રતિભાવો મળ્યા. છેવટ 1979માં એક જર્મન પ્રકાશકે તેની જર્મન આવૃત્તિ પ્રગટ કરી. સોનલ પરીખે તેનો ગુજરાતી અનુવાદ આપીને આપણા સહુ પર મોટો ઉપકાર કર્યો. એક બેઠકે વાંચવું ગમે તેવું પુસ્તક. એ પુસ્તકના વાંચનમાંથી ચયન કરીને થોડું પીરસું છું.

ગાંધીજીનાં ઉત્તમ અર્ધાંગિની હોવા ઉપરાંત કસ્તૂરબા ખરેખર કેવાં ગુણો અને શક્તિઓનાં ધની હતાં એ ભાગ્યે જ પ્રકાશમાં આવ્યું છે.

આપણે એ જાણીએ છીએ કે ગાંધીજીએ અન્યાયી કાયદાઓ અને સામાજિક-રાજકીય મુદ્દાઓ લઈને અનેક લડાઈઓ કરી. એ લડાઈના રથના ચક્ર હતાં સત્ય અને અહિંસા. પણ અહિંસાની એક સાધન તરીકેની પોતાની ખોજ વિષે ગાંધીજીના જ શબ્દો ટાંકું, “હું અહિંસા (સત્યાગ્રહ)નો પહેલો પાઠ મારી પત્ની પાસેથી શીખ્યો. મેં તેને મારી ઈચ્છા મુજબ વાળવાનો પ્રયત્ન કર્યો. એક તરફ મારી ઇચ્છાનો મક્કમ પ્રતિકાર અને બીજી તરફ મારી મૂર્ખામીને કારણે પડતાં કષ્ટોનો મૂંગે મોઢે સહન કરવાની તેની શક્તિ, કે જેણે છેવટ મને શરમિંદો બનાવ્યો અને હું તેના પર ધણીપણું કરવા જન્મ્યો છું એવી માન્યતામાંથી બચાવી લીધો. અને અંતે તે મારી અહિંસાની ગુરુ બની.” તો એ હતું કસ્તૂરબાનું વ્યક્તિત્વ જે તેર-ચૌદ વર્ષની કુમળી વયે ગાંધીજીના જીવનને સ્પર્શી ગયું અને એક જુદો જ વળાંક આપી ગયું.

મોહનદાસ અને કસ્તૂરબાઈનાં લગ્ન માત્ર તેર વર્ષની કુમળી વયે થયેલ. બંનેને ઉત્તમ સંસ્કાર વારસો મળ્યો, પણ એક તફાવત હતો; કિશોર મોહનને શાળાનું શિક્ષણ મળતું હતું જ્યારે કસ્તૂરને ઘરકામની તાલીમ મળતી હતી. લગ્ન બાદ ગાંધીજીએ કસ્તૂરબાને લખતાં-વાંચતાં શીખવવા માટે ભરચક પ્રયાસો કર્યા, પણ જે અધિકાર સદીઓથી કન્યાઓને કે સ્ત્રીઓને મળેલો જ નહોતો તેની ઝંખના કસ્તૂરબામાં જાગે એ સંભવ નહોતું. જો કે અહીં નાની વયમાં પણ ગાંધીજીમાં સુધારાવાદી વિચારો હોવાનો પુરાવો મળે છે. પરંતુ સમયનાં વહેણ સાથે જે બાળાને ઘરમાં પોતાના પતિ પાસે લખતાં-વાંચતાં શીખવા પ્રત્યે અણગમો હતો, તે કસ્તૂરબા એ તો શીખી જ ગયાં એટલું જ નહીં, જાહેરમાં પ્રવચનો પણ આપવા લાગ્યાં. તેમનું કાઠું કેટલું મોટું થઇ ગયું હશે?

કિશોર વયની ગૃહિણી કસ્તૂરબાનાં સ્વભાવ અને વર્તન વિષે મુખ્યત્વે ‘સત્યના પ્રયોગો’ પરથી માહિતી મળે છે. તે સમયના ગાંધીજીના કસ્તૂરબા પ્રત્યેના અધિકાર જમાવવા હેતુ ફરમાવેલ નિષેધોનો શાંત પ્રતિકાર તેમના વ્યક્તિત્વનું એક પાસું બતાવે છે. તેઓ એક સ્વતંત્ર નારી છે અને કોઈ પણ અયોગ્ય માગણીઓ કે આજ્ઞાઓને આધીન નહીં થાય તેવો સંદેશ એ કુમળી વયે આપેલો, જે સદાય પાળતાં રહ્યાં. આમ છતાં ગાંધીજીના અનેક નિર્ણયોમાં સમજપૂર્વક સાથ આપ્યો અને પોતાની ઈચ્છાઓને મનમાં ધરબી દીધી એ પણ જાણીએ છીએ. ગાંધીજી અને કસ્તૂરબાનાં સુદીર્ઘ પરિણીત જીવનમાં પરસ્પર સાથે અસહમત થવાના અનેક પ્રસંગો આવ્યા. ગાંધીજી રાજકીય, સામાજિક અને આધ્યાત્મિક ક્ષેત્રોમાં ઘણી ઊંચાઈને આંબી ગયા; પણ ખરું જોતાં કસ્તૂરબા જ એક માત્ર એવી વ્યક્તિ હતાં જે ગાંધીજી સાથે અસહમત થઇ શકે એટલું જ નહીં, તેમની ભૂલો તરફ આંગળી પણ ચીંધી શકે. આવો અધિકાર પરસ્પર પ્રત્યેના પ્રેમ અને આદરમાંથી જ જન્મી શકે. કસ્તૂરબાનું આવું મહત્ત્વનું સ્થાન બતાવી આપે છે કે તેઓની વ્યવહારિક સૂઝ, અન્યોની જરૂરિયાતો સમજવાની દ્રષ્ટિ અને સિદ્ધાંતોથી પર ઊઠીને પોતાના અને અન્યના અધિકારોની રક્ષા કરવાની આંતરસૂઝ અનોખી હતી.

ગાંધીજી અને કસ્તૂરબાનાં જીવનની ઘટનાઓ પર નજર નાખતાં વિચાર આવે કે તેમના જીવન પંથમાં કંટકો ઘણા વેરાયેલા. કસ્તૂરબાને તરુણ વયે માતૃત્વ મળ્યું અને હાથમાંથી સરી ગયું. પછી જ્યારે ખોળામાં તંદુરસ્ત બાળક રમતો થયો ત્યારે ગાંધીજી વિલાયત આગળ અભ્યાસાર્થે ગયા. ત્રણ વર્ષ જુદાઈમાં વિતાવ્યા. બીજા સંતાનનો જન્મ થયો તેવામાં ગાંધીજી પોતાનું નસીબ અજમાવવા દક્ષિણ આફ્રિકા રવાના થયા. ફરીને કસ્તૂરબાને એકલે હાથે શ્વસુર ગૃહે રહીને સંતાનોના ઉછેરની જવબદારી આવી. આખર કસ્તૂરબા દક્ષિણ આફ્રિકા ગયા ત્યારે પરિવાર તરીકે સાથે રહેવાનો અને આર્થિક સંકડામણમાંથી છુટકારો મળ્યાનો આનંદ ભોગવી શક્યાં. એ સુખ અલ્પજીવી નીવડ્યું. બે સંતાનોની પ્રાપ્તિ થઇ એ લાભ થયો, પણ દક્ષિણ આફ્રિકાના વસવાટનાં વર્ષો ગાંધીજી જાહેર જીવનમાં પડયા હોવાને કારણે તેમની જેમ જ આખા પરિવારે અનેક પ્રકારના લોકોની સાથે રહેવામાં, સત્યાગ્રહમાં ભાગ લઈને જેલવાસ ભોગવવામાં અને બે જુદાં શહેરોમાં રહીને કઠિનમાં કઠિન પરિસ્થિતિઓનો સામનો કરવામાં ગાળ્યો. તે સમયે કસ્તૂરબાની ધીરજ, ક્ષમાશીલતા, હિંમત અને પ્રેમભાવના ચરમ સીમાએ પહોંચેલી. ભારત પરત થયા બાદ, અસહકારના આંદોલનો સમયે, રચનાત્મક કાર્યોના પ્રસાર અર્થે અને બાકીના સમયમાં જેલવાસને કારણે ગાંધીજીનો પરિવાર ભાગ્યે જ એક જગ્યાએ ઠરીઠામ થયો. જે નારી પોતે, તેના પતિ અને બે પુત્રો એકી સમયે જેલમાં સખત મજૂરીની સજા ભોગવતા હોય તેનું મનોબળ કેટલું અમાપ હશે?

ગાંધીજીની વિચારસરણી અને કાર્યો જેમ જેમ બહોળા સમાજના હિતને વરીને સાર્વત્રિક બનવા લાગ્યા તેમ તેમ કસ્તૂરબાની પણ એ સિદ્ધાંતો અને કાર્યપદ્ધતિને સમજીને અપનાવવાની ક્ષમતા ખીલતી ગઈ. દક્ષિણ આફ્રિકામાં કસ્તૂરબાએ તે સમયની કોઈ મહિલા વિચારી પણ ન શકે એવું હિંમત ભર્યું પગલું ભર્યું અને સત્યાગ્રહમાં ભાગ લઇ જેલવાસ સ્વીકાર્યો. પોતાની સાથેની બહેનોને જેલનો ત્રાસ સહન કરવા અને અહિંસક માર્ગમાંથી ન ડગવા પ્રેરણા આપી, હિંમત આપી. 1914માં ભારત પરત થયા બાદ પોતાનું સ્વાસ્થ્ય નબળું હોવા છતાં નારી ઉત્થાન, સ્ત્રી શિક્ષણ, સફાઈ જેવાં ગ્રામોદ્ધારનાં કાર્યો અને અસહકારની ચળવળોમાં પૂરી શક્તિથી ભાગ લીધો, એટલું જ નહીં, આગેવાની પણ કરી. આ બધાં કાર્યો માટે ફાળો ઉઘરાવવામાં કસ્તૂરબા આગળ પડતો ભાગ લેતાં. અસ્પૃશ્યતા નિવારણ માટે દક્ષિણ ભારતમાં ભ્રમણ કર્યું. માનવ માત્ર પ્રત્યે અનુકંપા અનુભવતાં હોવાને કારણે કસ્તૂરબા 1904ના જોહાનિસબર્ગમાં ફાટી નીકળેલ પ્લેગ દરમ્યાન લોકોને સ્વચ્છતાનું મહત્ત્વ સમજાવવું અને પ્લેગના ચિન્હોને કેમ પારખવાં એ શીખવવા દિવસ રાત મજૂર વસ્તીમાં ફર્યાં. તેમ જ ગાંધીજીએ પ્રથમ સત્યાગ્રહ ચંપારણમાં શરૂ કર્યો ત્યારે કસ્તૂરબાએ એ વિસ્તારની બહેનોને વ્યક્તિગત સ્વચ્છતા અને જાહેર આરોગ્યના નિયમોનું કઈ રીતે પાલન કરવું એ સમજાવવાનું અને મહિલાઓને આર્થિક રીતે પગભર કરવાના કાર્યક્રમો હાથ ધરેલા.

દક્ષિણ આફ્રિકાના સત્યાગ્રહમાં ભાગ લીધો ત્યારથી કસ્તૂરબાએ જાહેર જીવનમાં ઝંપલાવેલું જે 1915માં ભારત આવ્યા બાદ અવિરત પણે ચાલુ રહ્યું. આ તબક્કે જાણે પ્રતીત થાય કે કસ્તૂરબા હવે માત્ર પોતાના પતિના માર્ગે ચાલવાનો એક હિન્દુ સ્ત્રીનો ધર્મ છે માટે જ તેમના કાર્યોમાં સાથ નથી આપતાં, પણ એ સઘળા સિદ્ધાંતો અને કાર્યક્રમોમાં તેમની એક અલગ અને અતૂટ શ્રદ્ધા છે માટે સ્વેચ્છાએ કરતાં હતાં. રાજકીય વાટાઘાટો અને બ્રિટિશ રાજના પદાધિકારીઓ સાથે તથા પક્ષીય નેતાઓ સાથેની મંત્રણાઓમાં ગાંધીજી વ્યસ્ત રહેતા, જ્યારે કસ્તૂરબા રચનાત્મક કાર્યોમાં ગળાબૂડ રહેતાં. કોઈ વખત હરિલાલ પાસે થોડા દિવસ રહે કે દેવદાસના સંતાનોની સંભાળ રાખવા પહોંચી જાય. ક્યારેક દક્ષિણ ભારતમાં અસ્પૃશ્યતા નિવારણનાં કામ અંગે દોડી જતાં એ વાંચતાં વિચાર આવે કે શું તેઓ એકલાં અથવા એકાદ-બે સાથીઓ સાથે આટલી સફર ખેડતાં હશે જ ને? અસહકારના આંદોલનો વખતે પહેલી હરોળના નેતાઓની ધરપકડ થાય તો બીજી હરોળમા અન્ય મહિલાઓ સાથે કસ્તૂરબાનું સ્થાન અચૂક રહેતું.

કસ્તૂરબા અને તેમના જેવી હિંમતવાન મહિલાઓ પારંપરિક દાયરામાંથી બહાર નીકળીને સામાજિક દૂષણોની નાબૂદી, શિક્ષણનો પ્રસાર, સ્વચ્છતા અને સ્વાસ્થ્યની જાળવણી, ખાદી અને ગ્રામોદ્યોગની પુન: સ્થાપના જેવાં રચનાત્મક કાર્યોથી માંડીને રાજકીય ચળવળોમાં ખભ્ભે ખભ્ભા મિલાવીને સ્વાતંત્ર્ય સંગ્રમમાં કૂદી પડી, એ જોઈને જ ગાંધીજીએ કહેલું, “મારી એવી મક્કમ માન્યતા છે કે ભારતની મુક્તિનો આધાર તેની મહિલાઓની જાગૃતિ અને બલિદાન પર આધાર રાખે છે.” આ વિધાન કરવા પાછળ તેમનો કસ્તૂરબા અને તેમનાં જેવી અસંખ્ય મહિલાઓની ઊંડી સમજણ શક્તિ, સંકલ્પ બળ અને ત્યાગનો પ્રત્યક્ષ અનુભવ હોઈ શકે. આપણે જાણીએ છીએ કે ગાંધીજીની દ્રઢ માન્યતા હતી કે પુરુષો કરતાં મહિલાઓ નૈતિક બળમાં ચડિયાતી હોય છે. તેમના મતે સ્ત્રીઓ અહિંસાનું જ મૂર્ત સ્વરૂપ હોય છે અને એનો અહેસાસ તેમને કસ્તૂરબા સાથેના વ્યવહારમાં એક કરતાં વધુ વખત થયેલો. આથી જ તો તેમણે સત્યાગ્રહની લડાઈમાં સ્ત્રીઓને હંમેશ શામેલ કરી.  

આજે કસ્તૂરબાની 150મી વર્ષગાંઠ ઉજવતાં વિચાર આવે કે કાઠિયાવાડની એક સંસ્કારી પણ નિરક્ષર કન્યામાંથી રાષ્ટ્રમાતા બનતાં સુધીની બાની યાત્રા કેવી રહી હશે? તેમને પોતાને તો પ્રેમ અને કરુણાથી દોરવાઈને દેશવાસીઓ માટે મુક્તિ સંગ્રમમાં ભાગ લેવો એ સહજ સાધ્ય ધ્યેય લાગ્યું હશે, પણ બાપુને તેનું ઘણું ગૌરવ થયું હશે.

1931માં મીઠુબહેન પિટીટ અને કલ્યાણજીભાઈની નિશ્રામાં નવસારી જિલ્લાના મરોલી ગામે કસ્તૂરબા સેવાશ્રમનો પાયો ગાંધીજીના હાથે નંખાયો. એ સેવાશ્રમની પ્રવૃત્તિઓ હજુ આજે પણ પૂરી નિષ્ઠાથી ચાલતી રહી છે. વધુ રસ ધરાવનારા માટે નીચેની લિંક ઉપયોગી થશે.

http://www.kasturbasevashram.org/#

22 ફેબ્રુઆરી 1944 – આગાખાન મહેલ(કારાવાસ)માં છેવટ બાપુના ખોળામાં કસ્તૂરબાએ નશ્વર દેહ છોડ્યો. ગાંધીજીને કસ્તૂરબા માટે અપરંપાર પ્રેમ, છતાં કસ્તૂરબાના “મારા જેવો પતિ તો દુનિયામાં કોઈને નહીં હોય” એ વચન કસ્તૂરબાનું ગાંધીજી સાથેનું સંવાદી જીવન અને ગાંધીજીના તેમણે આંકેલ મૂલ્યની શાખ પૂરે છે.   

અરુણ ગાંધીએ સાચું જ કહેલું, “ગાંધીજીએ સત્યના પ્રયોગો કર્યા, કસ્તૂરબા સત્યનો અનુભવ કરતાં.”

ભારતની જ નહીં, વિશ્વ આખાની મહિલાઓ માટે એક ધ્રુવતારક સમાં બની ગયેલ આપણા સહુની ‘બા’ને આજે માતૃ દિવસ નિમિત્તે વંદન.

મુખ્ય સ્ત્રોત “બા: મહાત્માનાં અર્ધાંગિની” (મૂળ પુસ્તક Forgotten Woman – લેખક: અરુણ ગાંધી) અનુવાદ: સોનલ પરીખ

e.mail : 71abuch@gmail.com

Loading

આંકડા : શ્વાસ અને વિશ્વાસ

રમેશ બી. શાહ|Opinion - Opinion|1 April 2019

આર્થિક અને અન્ય નીતિઓના ઘડતર અને તેમની અસરકારકતા તપાસવા માટે સંબંધિત ક્ષેત્રના વિશ્વાસપાત્ર આંકડા આધારસામગ્રી બની રહે છે. એ જ રીતે સામાજિક શાસ્ત્રોમાં રજૂ થતા સિદ્ધાંતોની ચકાસણી માટે ભરોસાપાત્ર આંકડાઓની ઉપલબ્ધિ જરૂરી થઈ પડે છે. આ માટે સ્વતંત્ર કે સ્વાયત્ત સંસ્થાઓ એ કામગીરી બજાવતી હોય તે આવશ્યક છે. તેથી દેશમાં આયોજનના આરંભ સાથે નૅશનલ સેમ્પલ સર્વે ઓર્ગેનાઇઝેશન(એન.એસ.એસ.ઓ.)ની રચના કરવામાં આવી હતી. એ પછી નેશનલ સ્ટેટેસ્ટિક્સ કમિશનની સ્થાપના કરવામાં આવી. આ સંસ્થાઓ પોતાની રીતે કામ કરવા અને એના આધાર પર પ્રાપ્ત થતી માહિતી પ્રગટ કરવા મુક્ત હતી. ‘હતી’ એમ લખવું પડે છે કેમ કે સરકારે તેમની કામગીરીમાં હસ્તક્ષેપ શરૂ કર્યો છે. એની શરૂઆત જી.ડી.પી.ના વૃદ્ધિદરથી થઈ.

મોદી સરકારે જી.ડી.પી. ગણવા માટેનું આધાર વર્ષ બદલ્યું. પૂર્વે જે ૨૦૦૪-૦૫ હતું તે ૨૦૧૧-૧૨ કરવામાં આવ્યું. તેથી ૨૦૧૧-૧૨ પૂર્વેમાં વર્ષોથી જી.ડી.પી. અને તેના વૃદ્ધિદરને પછીનાં વર્ષો સાથે તુલનાત્મક બનાવવા માટે તેનું ૨૦૧૧-૧૨ના ભાવોએ નવેસરથી આગણન કરવાનો પ્રશ્ન ઉપસ્થિત થયો. એ કામગીરી માટે કમિશને એક સમિતિ નીમી. તેણે જે અંદાજો રજૂ કર્યા તે સરકારને માફક ન આવ્યા. સમિતિએ આપેલા તુલનાત્મક અંદાજો આ પ્રમાણે હતા : યુ.પી.એ.-૧ (૨૦૦૪-૨૦૦૫થી ૨૦૦૮-૦૯) જી.ડી.પી.નો વૃદ્ધિદર : ૮.૮૭ ટકા, યુ.પી.એ.-૨ (૨૦૦૯-૧૦થી ૨૦૧૩-૧૪) ૭.૩૯ ટકા. મોદી સરકાર (૨૦૧૪-૧૫થી ૨૦૧૭-૧૮) ૭.૩૫ ટકા. યુ.પી.એ. શાસનનો જી.ડી.પી.નો વૃદ્ધિદર પોતાના શાસનની તુલનામાં વધારે હોય એ મોદી સરકારને માન્ય ન હોય તે સમજી શકાય તેવું છે. તેથી તેણે નીતિઆયોગને કામે લગાડ્યું. તેણે અપેક્ષા પ્રમાણે મોદી સરકારને ઊજળી દેખાડતા અંદાજો આપ્યા. ૨૦૦૫-૦૬થી ૨૦૧૩-૧૪ : જી.ડી.પી.નો વૃદ્ધિદર ઘટીને ૬.૭ ટકા થઈ ગયો અને મોદીસરકારનાં શાસનનાં પ્રથમ ચાર વર્ષનો વૃદ્ધિદર સહેજ વધીને ૭.૪ ટકા થયો. આ દર હજીયે વધશે; કેમ કે વચગાળાનું અંદાજપત્ર રજૂ કરી તત્કાલીન નાણાપ્રધાને નોટબંધીના વર્ષે ૨૦૧૬-૧૭ની જી.ડી.પી.નો વૃદ્ધિદર ૭.૧ ટકાથી વધારીને ૮.૧ ટકા કર્યો છે. મતલબ કે નોટબંધીથી અર્થતંત્રને ફટકો પડ્યો હતો એવા અર્થશાસ્ત્રીઓના મતમાં કોઈ તથ્ય નથી. મોદીસરકારનું કોઈ પગલું ભૂલભરેલું હોઈ શકે જ નહિ!

બીજો પ્રશ્ન બેકારીના આંકડાઓના સંદર્ભમાં ઊભો થયો છે. સેન્ટર ફોર મોનિટરિંગ ઇન્ડિયન ઇકોનોમી નામની સંસ્થા ખાનગી સ્વરૂપની છે. તેની સ્થાપના ૧૯૭૬માં નરોત્તમ શાહે કરેલી. તેણે નોટબંધી પછી, વર્ષ ૨૦૧૮માં દેશમાં એક કરોડથી અધિક લોકોએ રોજગારી ગુમાવી હોવાનો અંદાજ આપ્યો. એ અંદાજને એક બીજા સ્રોતમાંથી સમર્થન સાંપડ્યું. સત્તાવાર રીતે સમયાન્તરે કરવામાં આવતી શ્રમિકો (લેબર ફાર્સ) અંગેની એક મોજણીનાં તારણોનો હેવાલ ડિસેમ્બર ૨૦૧૮માં તૈયાર હતો જે સરકાર પ્રગટ કરવા માગતી નથી. પણ એ હેવાલનું મોટું તારણ બહાર આવી ગયું. તે પ્રમાણે દેશમાં બેકારીનું પ્રમાણ છ ટકાથી અધિક છે, જે છેલ્લાં ૪૫ વર્ષોમાં સહુથી વધારે છે. સરકારે એ રિપોર્ટ કેમ દબાવી રાખ્યો છે તે બહાર આવેલી વિગત ઉપરથી સમજી શકાય છે. આ માટે પણ સરકારે નીતિઆયોગને કામે લગાડ્યું છે. એ પોતાના નવા અને અલબત્ત, સરકારને અનુકૂળ આવે એવા અંદાજો સાથે બહાર આવે એ દરમિયાન નીતિ આયોગના વહીવટી વડાએ એક અંદાજ રજૂ કરી દીધો છે : ૨૦૧૪-૧૬નાં વર્ષોમાં દેશમાં બે કરોડથી અધિક રોજગારી સર્જાઈ છે. મતલબ કે દેશમાં બેકારીના પ્રશ્ને ખોટો ઊહાપોહ કરવામાં આવી રહ્યો છે.

સરકાર આંકડાઓની બાબતમાં કેટલી સંવેદનશીલ બની છે તેના બીજા બે દાખલા નોંધીએ. સરકારનું એક ઔદ્યોગિક ખાતું સીધાં વિદેશી રોકાણો(એફ.ડી.આઈ.)ની વિગતો એની સત્તાવાર વેબસાઇટ પર રજૂ કરતું હતું. ડિસેમ્બર ૨૦૧૭ પછી એ વેબસાઈટ પર કોઈ વિગતો મૂકવામાં આવી નહીં. હવે ફેબ્રુઆરી ૨૦૧૯થી ફરીથી એ વિગતો મૂકવામાં આવી છે. મોદી સરકારના આરંભનાં વર્ષોમાં વિદેશી મૂડીરોકાણના પ્રવાહમાં આવેલા ઉછાળાને સરકાર પોતાની સિદ્ધિ તરીકે રજૂ કરતી હતી. હવે એને અંગે મૌન પાળી રહી છે. કારણ સમજી શકાય તેવું છે : વિદેશી રોકાણો ઘટી રહ્યાં છે.

એક બિનઆર્થિક ક્ષેત્રનો દાખલો નોંધીએ. ૧૯૯૫થી નેશનલ ક્રાઈમ રેકોર્ડ બ્યૂરો દેશમાં થતા આત્મહત્યાના આંકડા પ્રગટ કરતો હતો. તેમાંથી ખેડૂતો દ્વારા કરાતી આત્મહત્યાનો પ્રશ્ન કેટલો ગંભીર છે તેનો ખ્યાલ આવતો હતો. કેન્દ્ર સરકારના ગૃહખાતાએ ૨૦૧૬થી આંકડા પ્રગટ કરવાનું જ બંધ કરી દીધું છે. આંકડા પ્રગટ થાય તો ઊહાપોહ થાય ને ? પણ સરકારે ખેડૂતોની આત્મહત્યાના આંકડા દબાવી રાખ્યા એનાથી ખેડૂતોમાં પ્રવર્તતા અસંતોષને પ્રગટ થતો રોકી શકાયો નથી. આવું જ, ફુલાવીને રજૂ કરાતા જી.ડી.પી. અને રોજગારીનાં આંકડાઓની બાબતમાં બની રહ્યું છે.

ગયા દાયકામાં જી.ડી.પી.માં સાત ટકાના વૃદ્ધિદરને ચમત્કારિક ગણવામાં આવ્યો હતો. છેલ્લાં પાંચ વર્ષથી આ ચમત્કારિક દરે અર્થતંત્ર વૃદ્ધિ પામી રહ્યાના આંકડા પ્રગટ કરવામાં આવી રહ્યા છે, પણ લોકો કોઈ રીતે તે અનુભવી રહ્યા નથી. કદાચ આ વૃદ્ધિનો સિંહભાગ ઉપલા ૧૦ ટકાને જ મળી રહ્યો છે. આવું જ રોજગારીની બાબતમાં બની રહ્યું છે. શિક્ષિત યુવાનો અને ગ્રામીણ વિસ્તારમાં મજૂરી કરતા લોકોને દેશમાં રોજગારી વધી રહ્યાનો અનુભવ થતો નથી. ઉપજાવી કાઢેલા આંકડાથી લોકોને કેટલો સમય છેતરી શકાશે ? આંકડા

એમની વિશ્વસનીયતા ગુમાવે તેના સંદર્ભમાં વિનોબાજીનું એક માર્મિક અવલોકન ધ્યાનમાં રાખવાનું છે : જે સ્થાન માનવજીવનમાં શ્વાસનું છે તે સમાજજીવનમાં વિશ્વાસનું છે.                                            

પાલડી, અમદાવાદ

સૌજન્ય : “નિરીક્ષક”, 01 ઍપ્રિલ 2019; પૃ. 01-02

Loading

...102030...2,8312,8322,8332,834...2,8402,8502,860...

Search by

Opinion

  • પાલિકા-પંચાયત ચૂંટણીઓમાં વિલંબ લોકતંત્ર માટે ઘાતક છે
  • અદાણી ભારત કે અંબાણી ઈન્ડિયા થશે કે શું?
  • પ્રતાપ ભાનુ મહેતા : સત્તા સામે સવાલો ઉઠાવતો એક અટલ બૌદ્ધિક અવાજ
  • લાઈક-રીલ્સથી દૂર : જ્યારે ઓનલાઈનથી ઓફલાઈન જિંદગી બહેતર થવા લાગે
  • રુદ્રવીણાનો ઝંકાર ભાનુભાઈ અધ્વર્યુની કલમે

Diaspora

  • દીપક બારડોલીકરની પુણ્યતિથિએ એમની આત્મકથા(ઉત્તરાર્ધ)ની ચંદ્રકાન્ત બક્ષીએ લખેલી પ્રસ્તાવના.
  • ગાંધીને જાણવા, સમજવાની વાટ
  • કેવળ દવાથી રોગ અમારો નહીં મટે …
  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !
  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ

Gandhiana

  • ગાંધીસાહિત્યનું ઘરેણું ‘જીવનનું પરોઢ’ હવે અંગ્રેજીમાં …
  • સરદાર પટેલ–જવાહરલાલ નેહરુ પત્રવ્યવહાર
  • ‘મન લાગો મેરો યાર ફકીરી મેં’ : સરદાર પટેલ 
  • બે શાશ્વત કોયડા
  • ગાંધીનું રામરાજ્ય એટલે અન્યાયની ગેરહાજરીવાળી વ્યવસ્થા

Poetry

  • ગઝલ
  • કક્કો ઘૂંટ્યો …
  • રાખો..
  • ગઝલ
  • ગઝલ 

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved