Opinion Magazine
Number of visits: 9685150
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

રામુ – બમ્બઈ કા બાબુ

હરનિશ જાની|Opinion - Opinion|20 June 2019

લેખક હરનિશ જાની હવે સદેહે આપણી વચ્ચે નથી; પણ તેઓ વિપુલ હાસ્યસાહિત્ય સર્જી ગુજરાતી હાસ્યજગતને સમૃદ્ધ કરી ગયા છે.

તેઓ કહેતા કે, ‘હું જીવનમાં એવાં એવાં પાત્રોને મળ્યો છું કે વર્ષો પછી પણ તેઓ મારો પીછો જ નથી છોડતાં. મારા મગજમાં તેમનું ચિત્ર, વર્તન, સ્વભાવ હજી વર્ષોથી અટવાય, અથડાય, મારી અડફેટે ચડે. મારે એમને મારા લેખોમાં ઊતારવાં છે.’

અમારા વારંવારના અતિશય ઘોંચપરોણાથી તેમણે થોડાંક પાત્રો વિશે લખ્યું. ‘મારા દાજીબાપુ’ પછી ‘વ્યાસસાહેબ’, ‘અંધેરી નગરી અને ગંડુ રાજા’, ‘હાર્વી વિલિયમ્સ’, ‘એક ઈઝરાયલી’ વગેરે તેમના લેખો આ શ્રેણીના છે. લખીને તેઓ પહેલાં મને મોકલતા. અમે પછી તે અમારી ‘સન્ડે ઈ.મહેફીલ’માં પ્રકાશિત કરતા.

આ લેખ તે પહેલાનો August 1, 2011નો લખાયેલો છે. આ ‘રામુ’ને તમે એક વાર વાંચો તો, એ મુમ્બઈનું એક વિશિષ્ટ પાત્ર ભુલાય ખરું કે

વહાલા હરનિશભાઈની કલમને સો સલામ!

— ઉત્તમ ગજ્જર

° ° °

મારા બાળપણના મિત્રની વાત કરું છું. તેનું નામ રામુ – રામુ પરીખ. આજે 65 વરસની ઉંમરે તે મુંબઈમાં રહે છે. આખું  જીવન તેણે મુંબઈમાં ગાળ્યું છે. મળવા જેવી વ્યક્તિ છે.

તેનો એક શોખ છે. અમેરિકા જતા સગાંવહાલાંઓની બેગો ગોઠવવાનો. તેના લગભગ વીસેક સગાંવહાલાં અમેરિકામાં રહે છે. હવે તેના આ શોખનો કોઈને વાંધો હોય એમ મને નથી લાગતું. મને તો નહીં જ. બહાર ગામના લગભગ બધાં સગાંવહાલાં એના મુંબઈના ખીરાનગરના ઘરેથી જ એરપોર્ટ જવા નીકળે છે. અમને એરપોર્ટ પર લેવા પણ એ જ આવે છે. હું અમદાવાદથી અમેરિકા જવા સવારે નીકળું. મુંબઈ ઊતરીને સીધો એને ઘરે જાઉં. બપોરે રામુ એટલા જ પ્રેમથી મારી બેગો જોશે અને કહેશે, ‘લાવ, ચાવી. મને ખબર છે કે તેં અંદર લોચા ભર્યા હશે.’ રામુથી કોઈની વાત ખાનગી નથી. તે એટલા હક્કથી આપણને કહે કે આપણે એને આપણી બેગની ચાવી તો આપીએ અને ધન્યતા પણ અનુભવીએ. મારી ‘સેમસોનાઈટ’ની બેગ જોઈને કહે, ‘મને ખાતરી છે કે તારી બેગના લૉકનો કોડ 000 હશે. તું ડોબો જ રહ્યો. અમેરિકા જઈને પણ તું ના સુધરે.’

રામુ મારી બેગના કોડ વિશે ખરો હતો. ખરે જ, મેં નવી લીધેલી બેગના લૉકનો કોડ ફેરવવાની તસ્દી નહોતી લીધી. પછી તે મારી બેગ ખોલશે. મારી બેગની બધી વસ્તુઓ એ જોશે. પછી તે મારા તરફ જોશે. પછી આંખો ઉપર ચઢાવી કહેશે, ‘અલા, આ અથાણું તો લઈ જવાતું હશે ? તું અમેરિકા રહે છે કે અલીબાગમાં? નુવાર્કના એરપોર્ટ પર ફેંકાવી દેશે. એના કરતાં ઓક ટ્રી રોડ પર પટેલ બ્રધર્સમાં જજે. ત્યાં બે પૈસા વધારે થાય પણ સારો – ચોખ્ખો માલ મળશે.’

હવે એક અગત્યની વાત. રામુએ કદી મુંબઈ છોડ્યું નથી. પરદેશ જોયો નથી. પછી હું સમજાવું કે મારી પત્ની હંસાની બહેને ખૂબ પ્રેમથી, ઘરે બનાવેલું આ અથાણું આપ્યું છે. પછી મારી બૅગ ચેક કરશે. ‘અલા, આટલી બધી ચોપડીઓ કોના માટે લીધી છે? ગુજરાતી ચોપડીઓ જ વાંચવી હતી તો અમેરિકા શા માટે ગયો? આ રઘુવીર ચૌધરી કોણ છે ? કોઈ બાવો હશે. આ શરીફા વીજળીવાલા? એ તે કાંઈ નામ છે? આ કુમારપાળ કોણ છે? તું ધાર્મિક ક્યારનો થઈ ગયો? ત્યાં એની પત્ની પૂર્ણિમાનો અવાજ આવશે. ‘ચોપડીઓ છોડ એ તારો વિષય ન્હોય.’ 

બીજી એક અગત્યની વાત રામુએ ઇંગ્લિશ મીડિયમવાળી વડોદરાની એમ.એસ. યુનિવર્સિટીમાંથી ગુજરાતીના વિષયમાં બી.એ. કર્યું છે. પછી મારા શર્ટ–પેંટ ગોઠવશે. પછી ચીસ પાડશે. ‘તારી વાઈફ માટે શું લીધું ? એકે સાડી નથી દેખાતી ! તું સાવ ડોબો જ રહ્યો.’ પછી પૂર્ણિમા તરફ જોઈને કહેશે, ‘એકબે કલાક એને કલાનિકેતનમાં લઈ જવો પડશે. એને બે ત્રણ સાડીઓ અપાવીએ.’ હું દલીલ કરું કે અમેરિકામાં હંસાને સાડીઓ પહેરવાના બહુ ઓછા પ્રસંગ આવે છે. ‘અલા, તું ડોબાનો ડોબો રહ્યો. તને સ્ત્રીઓમાં શી સમજ પડે? મને કોઈ સ્ત્રી બતાવ કે જેને સાડી ના ગમતી હોય? તું તે કાંઈ માણસ છે?’

અમારું મિલન તેર વરસની ઉંમરે રાજપીપળા હાઇ સ્કૂલના આઠમા ધોરણમાં થયું હતું. હું સાતમા ધોરણમાં પાસ થયો હતો અને રામુ નપાસ થવાથી આઠમા ધોરણમાં હતો. તેનો પહેલો સવાલ એ હતો કે, ‘તેં દેવ આનંદનું ‘મુનીમજી’ પિક્ચર જોયું છે?’ ત્યારે ગામના એક માત્ર થિયેટરમાં દેવ આનંદની એ ફિલ્મ ચાલતી હતી. મેં જવાબ આપ્યો, ‘ના.’. તેણે મને નવાજ્યો, ‘તું સાવ ડોબો છે.’ જ્યારે વાસ્તવમાં, હું ફર્સ્ટ કલાસમાં પહેલે નંબરે પાસ થયો હતો. પછી કહે કે, ‘મારે તને હોશિયાર બનાવવો પડશે.’ તેણે મને સમજાવ્યું કે જો હિન્દી ભાષાના પેપરમાં પાસ થવું હોય તો ફિલ્મો જોવી પડે અને તો જ હિન્દી પાકું થાય. આમ જોઈએ તો એક રીતે એની વાતમાં કાંઈક દમ હતો. તે હિન્દીના પેપરમાં પાસ થયો હતો અને બાકીના બધા વિષયોમાં – ગુજરાતીમાં પણ – તે નપાસ થયો હતો. ફિલ્મોને કારણે વાત વાતમાં થોડું હિન્દી પણ બોલતો : ‘આદમી કામ કા માલુમ લગતા હૈ’; ‘તુમ મુઝે સમજને કી કોશિશ કરો.’ વગેરે .. એક વાત ચોક્કસ હતી કે રામુને ભણવા કરતાં ફિલ્મો અને કપડાંમાં વધુ રસ રહ્યો છે. મને યાદ છે કે ઇતિહાસના ક્લાસમાં પંચોલી સાહેબે મૌખિક પરીક્ષામાં પૂછ્યું કે, ‘આપણા દેશના રાષ્ટ્રપતિનું નામ બોલો.’ રામુએ જવાબ આપ્યો. ‘રાજેન્દ્રકુમાર.’ સાહેબે ગુસ્સે થઈને સામે પૂછ્યું, ‘રાજેન્દ્રકુમાર?’ અને રામુભાઈ તો ગુંચવાયા! ‘તો તો પછી જવાહરલાલ હશે.’

એ નપાસ થયો છે એનો વસવસો એને જરા ય નહોતો. મને તો લાગે છે કે એ નપાસ થયો છે એ વાતનો કદાચ એને ખ્યાલ પણ ન હતો. અને એ વાતનો ખ્યાલ હોય તો ય, નપાસ થયાનો તેને આનંદ હતો. ક્લાસમાં તે સીનિયર હતો. એટલે એ ઓટોમેટિક ક્લાસ મોનિટર બની ગયો હતો. મને એક જ વાતનો વસવસો હતો. એના શરીરનો બાંધો બહુ સરસ હતો. એટલે રમતના મેદાનમાં કબડ્ડીમાં એની ટીમ હમ્મેશાં જીતતી. મારું શરીર તદ્દન સૂકલું. મને જોઈને કહેતો : ‘તારું શરીર તો જો! સાવ ડોબો છે. ક્લાસમાં પહેલો નંબર આવે તેથી તું હોશિયાર ન ગણાય. તેં કાંઈ ધાડ નથી મારી. શરીર કસાયેલું હોવું જોઈએ. સિનેમામાં સીટ માટે ઝઘડો થાય તો તું તારી સીટ કેવી રીતે બચાવીશ? અરે, ટિકિટની લાઈનમાં ધક્કામુક્કી થાય, તો ટિકિટ કેવી રીતે મેળવીશ? લોકોને ‘ડોબા’ની જેમ તારા પહેલા નંબરનું સર્ટીફિકેટ બતાવવાનો છે?’

આમ, રામુ મારો કાયમનો મિત્ર બન્યો અથવા તો એમ કહો કે મને એણે એનો મિત્ર બનવા દીધો. આમ જોઈએ તો રામુ જેને મિત્ર ગણે, એ છોકરો પોતાની જાતને ભાગ્યશાળી માનતો. મારા સ્કૂલ યુનિફોર્મના શર્ટ અને ચડ્ડી તેને નહોતાં ગમતાં. તે અમેરિકન સ્ટાઈલની ચડ્ડી પહેરતો. તેણે પહેલું કામ મારા બાપુજીને સમજાવવાનું કર્યું : ‘હરનિશના કપડાં મારા દરજી પાસે સીવડાવવાનાં. તમારો દરજી જાતે ‘ડોસો’ છે. એટલે ડોસા જેવા કપડાં સીવે છે.’ મારા બાપુજીએ હસતાં હસતાં તેની વાત માની. રામુ મને તેના દરજી પાસે લઈ ગયો. મારા બાપુજીને રામુ ગમતો. ગામના બધા જ મોટા માણસોને તે ગમતો. એ હમ્મેશાં હસતો રહેતો. પૂરો બિન્દાસ. મારા બાપુજી મને એનો દાખલો આપતા કે, ‘રામુ જેવો હોશિયાર થા.’

રામુને ક્લાસમાં કોઈ વિષયના કોર્સની ખબર ન હોય; પરંતુ મુંબઈના એક્ટરોની લેટેસ્ટ ફેશનની જાણ રહેતી. નવા એક્ટર રાજેન્દ્રકુમારે ફિલ્મ ‘તુફાન ઔર દીયા’માં પટ્ટાવાળો બુશર્ટ પહેર્યો હતો. બીજે દિવસે એવું કાપડ શોધી કાઢ્યું અને એવો જ બુશશર્ટ સીવડાવ્યો. એકાદ મહિનામાં ફિલ્મફેરમાં કાંઈ નવું જોયું. પછી તેવું સીવડાવ્યું અને પેલો બુશશર્ટ કલાસમાં કોઈને વેચી દીધો. મને યાદ છે. એક વખતે તેણે એવો પંદર જ દિવસ પહેરેલો બુશશર્ટ મને ભેટ આપ્યો. સ્કૂલમાં છોકરાઓ કહેતા : ‘ઓહ, રામુનો બુશશર્ટ? તેણે તને બકરો બનાવ્યો.’ બીજે દિવસ એને એની ભેટ મેં પાછી આપી દીધી.

એક વાત, રામુને રસોઈમાં બહુ સમજ પડે. પત્નીને મદદ પણ કરે. કોઈ કલાકારની ચીવટથી તે શાક સમારતો. રામુ સ્ત્રીઓની બધી વસ્તુ ખરીદવામાં પણ હોશિયાર. મેં એ જ પુરુષ એવો જોયો, જેને શૉપિંગ ગમતું હોય. તેથી તેની પત્ની પૂર્ણિમા પોતાની સાડીની ખરીદી એની પાસે કરાવતી. રામુના દસ–બાર સગાં ન્યુ જર્સીમાં રહે છે અને એ બધાં એના જ ઘરે ઊતરે. એટલે એને ન્યુ જર્સીનું પૂરું જ્ઞાન. અમેરિકાની બધી જ વસ્તુઓ એના ઘરમાં મળે. એક વખતે મારા ગોગલ્સ પ્લેનમાં રહી ગયા. મેં એરપોર્ટથી ઘેર જતાં કહ્યું, ‘હત્તારીની, ગોગલ્સ તો પ્લેનમાં રહી ગયાં!’ તો એ કહે, ‘ઘરે ચાલ, તને નવા ‘રે બેન’ના ‘સન ગ્લાસીસ’ આપીશ. અને અલા, અમેરિકામાં કોઈ ગોગલ્સ નથી બોલતું અને તું ક્યાંથી એ શબ્દ પકડી લાવ્યો. તું અમેરિકા જઈને પણ ગામડિયો જ રહ્યો.’

રામુની મારે ચોક્કસ એક વાત કહેવી હોય તો કહું કે તે આખી જિન્દગી ‘બેસ્ટ ડ્રેસમેન’ તરીકે રહ્યો છે. મુંબઈમાં એની સાથે આપણે બહાર ગયા હોઈએ તો એ એન.આર.આઈ. લાગે અને આપણે આર.આઈ. લાગીએ! નાનપણમાં આઠમા ધોરણથી કે મેટ્રીક થતાં સુધી એ કદી ઈસ્ત્રી વિનાનાં કપડાં પહેરીને ક્લાસમાં આવ્યો નથી. તે પૈસાદાર નહોતો; હા, છ બહેનો વચ્ચે એકનો એક ભાઈ હતો. એટલે ગિફ્ટના ઢગલા થતા. તે દેખાવડો હતો. અમે બધાં તેને ‘સુનીલ દત્ત’ કહેતા. કૉલેજ પછી એ મર્ફી રેડિયોના કેલેન્ડરોમાં દેખાતો. અમદાવાદમાં જ્યારે એક ફાર્મસીમાં એનો ફોટો જોયો, ત્યારે મેં તેને મુંબઈ પોસ્ટ કાર્ડ લખ્યું હતું. તે મને કૉલેજમાં કહેતો, ‘યાર, તારા જેવું ભણવામાં મારું મગજ ચાલતું હોત તો, હું બહુ છોકરીઓને ફેરવતો હોત.’ તેની વાત ખરી હતી. છોકરીઓને જોતાંમાં જ બધા ડાયલોગ તે ભૂલી જતો. યોગેશ પુરોહિત અને હું એના પરમ મિત્રો. ક્લાસમાં અમારાં કપડાં લઘરવગર રહેતાં. તે કહેતો કે : ‘કોઈ બીજા આવાં કપડાં પહેરે તો એમને મારી સાથે ચાલવા પણ ન દઉં.’ એને અમારા વિના ચાલતું નહીં. રામુ કોઈ પણ પ્રકારની ચોપડીઓ નહોતો વાંચતો; ભણવાની એકેય ટેક્સ્ટ બૂક પણ નહીં. તેમ છતાં પરીક્ષામાં પાસ થતો. કેવી રીતે થતો – એ વાત અલગ છે.

અમે કૉલેજ પતાવી દીધી. હું ટેક્સ્ટાઈલની ડિગ્રી લઈને અમદાવાદની મીલમાં જોડાયો. અને રામુએ ગુજરાતી વિષય સાથે બી.એ. કરીને મુંબઈમાં મોડેલિંગ ચાલુ કર્યું. મર્ફી રેિડયોનાં કેલેન્ડરો પર એનો હસતો ચહેરો ચમકવા લાગ્યો. એનાં લગ્નમાં હું અને યોગેશ સુરત ગયા. મારે મીલની નોકરી છે. જાણીને એને દુ:ખ થયું. ‘ગયા જનમમાં સો ‘બામણ’ માર્યા હોય તેને ‘મીલ’ની નોકરી મળે’ એમ એ કહેતો. પરંતુ એ ગાળામાં મને અમેરિકન યુનિવર્સિટીમાં કેમેસ્ટ્રીમાં એડમિશન મળી ગયું હતું અને એકાદ મહિનામાં હું અમેરિકા જવાનો હતો. જ્યારે એને મેં એ વાત એના લગ્નમંડપમાં કહી, ત્યારે પરણતાં પરણતાં મને કહે કે : ‘તું અમેરિકા જા. ત્યાં જ તારો ઉદ્ધાર થશે. જેમનું ઇન્ડિયામાં ઠેકાણું ન પડે, તેમને માટે અમેરિકા સારું.’ હું કાંઈ બોલું તે પહેલાં કહે, ‘અમેરિકનોને તો આપણા લોકો ગમે. કારણ કે ત્યાં હલકાં જૉબ કરવા કોઈક તો જોઈએ ને! (ત્યારે સાલ હતી 1969) તેનાં લગ્ન પછી, અમેરિકા આવતાં પહેલાં એને ન મળાયું. ત્યાર પછી મારે એની સાથે ચારપાંચ વરસ સમ્પર્ક ન રહ્યો. તે ગાળામાં એની મોડેલિંગ કેરિયરનો અન્ત આવ્યો. એ ક્યાં હતો તેની ખબર નહોતી. પાંચ વરસ પછી હું ઇન્ડિયા ગયો. ત્યારે તેને મળવાનું થયું. તે મુંબઈમાં જ ટેક્સટાઈલમાં, ‘બોમ્બે ડાઈંગ’ના સેલ્સવિભાગમાં કામ કરતો હતો. વેકેશન પછી દેશ છોડતાં પહેલાં મુંબઈ એને ત્યાં જ રહ્યો હતો. અને હવે તો મારો ને મારા કુટુમ્બનો શિરસ્તો બની ગયો છે કે અમેરિકાથી જઈએ તો રામુને ઘરે જ. અને અમેરિકા આવવા નીકળીએ ત્યારે પણ રામુના ઘરેથી જ.

2001માં જ્યારે 9/11નો ટેરરિસ્ટોનો હુમલો અમેરિકા પર થયો, ત્યારે હું એકલો ઇન્ડિયામાં હતો. દસેક દિવસ પછી ઘેર પત્ની સાથે વાતો કરી અને જલદી અમેરિકા પાછા ફરવાનું નક્કી કર્યું. સવારે અમદાવાદ છોડ્યું અને રાતનું પ્લેન પકડવા મુંબઈ રામુને ઘેર આવ્યો. આ વખતે મેં મારી બેગ બરાબર ગોઠવી હતી; છતાં રામુ જેનું નામ! મારી બેગ ગોઠવવા બેઠો. મારી બેગમાં ગુજરાતી ચોપડીઓ જોઈ એનો પિત્તો ગયો. તે કહે કે હજુ તારે આ બધી ચોપડીઓ વાંચવાની રહી ગઈ છે? આ ચોપડી કોણે લખી છે? ‘વિનોદ ભટ્ટ’ કોણ? આપણી સાથે ભણતો હતો તે? અને આ ‘કૃષ્ણનું જીવનસંગીત’? ભજનોની ચોપડી છે? તું શ્રીનાથજીમાં ક્યારથી માનતો થઈ ગયો? તું ડોબો જ રહ્યો. અમેરિકામાં જલસા કરવાના કે આ બધું વાંચવામાં સમય બગાડવાનો? અને આ ‘કવિતા’ની ચોપડીઓ? તને યાદ છે? હાઇ સ્કૂલમાં – પેલો દામો, જે કવિતા લખતો હતો અને જેને આપણે માર્યો હતો? ત્યારથી એણે કવિતા લખવાનું છોડી દીધું અને બીચારો સુખી થઈ ગયો. બાકી ક્યાંક ગુજરાતી ભણાવતો હોત. મારી તને એટલી જ સલાહ કે આ ચોપડીઓ અમેરિકા લઈ જવાનું છોડી દે.’ જો કે એને ખબર હતી કે હું એની વાત માનવાનો નહોતો. તે રાતે મારે ન્યુ યોર્કની ફ્લાઈટ લેવાની હતી. બપોરે મારી દીકરીના સાસરે મારે મળવા જવાનું હતું. મારી જાતે ટેક્સી લઈને નીકળી ગયો. છેક મોડી સાંજે આવ્યો. એણે બેગ તૈયાર રાખી હતી. એ મને જમીને એરપોર્ટ પર મૂકી ગયો.

દસ દિવસ પહેલાં અમેરિકા પર થયેલ હુમલાના કારણે સિક્યુરિટી બહુ કડક હતી. સામાનમાં મારી પાસે એક બૅગ જ હતી. તેને એક્સ–રેમાંથી પસાર કરી. મને પણ સમ્પૂર્ણ રીતે તપાસ્યો. મારી હેન્ડબૅગ પણ અંદર હાથ નાખી નાખીને ચેક કરી. મુંબઈના સહારા એરપોર્ટ પર તો જાણે યુદ્ધની તૈયારી હોય એમ લાગ્યું! ચારે બાજુ મિલિટરીના જવાનો ગોઠવાઈ ગયા હતા. લગભગ બે કલાકના ચેકીંગ પછી પ્લેનમાં બેસવા મળ્યું. ફ્લાઈટ તો સરસ પસાર થઈ.

ન્યુયોર્ક આવ્યું. ઇમિગ્રેશન પતાવી, કસ્ટમમાં જવા માટે સામાનના કન્વેયર બૅલ્ટ પર મારી બેગ લેવા ગયો. પાંચ સાત ન્યુયોર્ક પોલીસ, લોકોને ત્યાં જતાં રોકતા હતા અને જે લોકો ત્યાં હતા, તેમને બહાર કાઢતા હતા. મેં જોયું તો ચાર ન્યુયોર્ક પોલીસના કમાન્ડો, એક જર્મન શેપર્ડ કૂતરા સાથે મારી બેગને ઘેરીને ઊભા હતા. જ્યારે બેગ લેવા ગયો ત્યારે તેમાંના એકે પૂછ્યું, ‘ઈઝ ધીસ યોર બેગ?’ મેં હા પાડી. એક કમાન્ડોએ મને ધક્કો મારી ફલોર પર સુવડાવી દીધો. અને મારા પર એક પગ મૂકીને ઊભો રહ્યો. અને મારી તલાસી લેવા માંડ્યો. ટેરરિસ્ટના હુમલા પછી અમેરિકા વધારે સજાગ બનશે એમ મને લાગતું તો હતું જ; પરંતુ મારા દેશનો મિજાજ આટલો બદલાશે એનો ખ્યાલ નહોતો. જે અમેરિકા છોડ્યું હતું, તે બીજું હતું અને આ અમેરિકા તદ્દન જુદું હતું. મેં જોયું તો કૂતરો મારી બૅગને જોઈને – સૂંઘીને ભસ્યે જતો હતો. કમાન્ડો મને અને મારી બેગને ઘસડીને બાજુની રૂમમાં લઈ ગયા. અને સવાલોની ઝડી શરૂ થઈ. કયાંથી આવ્યો? કેટલા દિવસ ત્યાં રહ્યો? ક્યાં ક્યાં ફર્યો? વગેરે .. વગેરે .. હું અમેરિકન સિટિઝન હતો એ એક રાહત હતી. મારા ડ્રાઈવીંગ લાયસન્સ પરથી તેમણે મારો હીસ્ટ્રી શોધી કાઢ્યો. તેમને કાંઈ વાંધાજનક ન મળ્યું. તેમને વાંધો હતો તો તે મારી બ્રાઉન ચામડીનો અને બેગને જોઈને ભસતા કૂતરાનો. તેમણે મને મારી બેગમાં શું છે તેની પૂછપરછ કરી. મેં જણાવ્યું કે પુસ્તકો અને કપડાં છે. તેમણે બેગ ખોલવા કહ્યું. મેં જરા ય ગભરાયા વિના બેગ ખોલી.

મેં જોયું તો મારા બધાં પુસ્તકો ગાયબ હતાં અને તેની જગ્યાએ પાંચ–સાત કિલો ‘મોહનલાલ મીઠાઈવાળા’ની મીઠાઈઓનાં બૉક્સીસ હતાં! જેવી બેગ ખોલી કે કૂતરાએ જોર જોરથી ભસવા માંડ્યું. મેં જોયું કે સાથે સાથે તેની પૂંછડી પણ પટપટતી હતી. લાગ્યું કે આ  કૂતરો કોઈ ઇન્ડિયનને ઘેર ટ્રેઈન થયો હશે. ન્યુયોર્ક પોલીસને મીઠાઈઓમાં સમજ ન પડી. મારી પાસે બોક્સીસ ખોલાવ્યાં. એટલી વારમાં કસ્ટમ ઓફિસરો પણ ધસી આવ્યા. મારી પાસે આ એગ્રીકલ્ચરલ પ્રોડક્ટ – ‘મોહનલાલ મીઠાઈવાળા’ની મીઠાઈઓ બહાર નખાવી દીધી. મારી બેગની એકે એક વસ્તુને ચકાસીને ફંફોસી અને પછી મને બે કલાકની માથાકૂટ પછી જવા દીધો.

આ દરમિયાન એક પોલીસ પેલા કૂતરાને થાબડતો હતો ને કહેતો હતો : ‘બૅડ ડોગ’ હવે આ ‘બૅડ’ એટલે ‘સારું’ કે ‘ખરાબ’? મને સમજ ન પડી. પરંતુ મારે રામુને શું કહેવું ? રામુ આમ તો ‘ગુડ’; પણ આમ થોડો ‘બૅડ’! બરાબર ને?

સમ્પર્ક : હંસા જાની – NJ-USA – Phone : +1-609-585-0861

♦●♦

સૌજન્ય :  ‘સન્ડે ઈ.મહેફીલ’ – વર્ષઃ પંદરમું – અંકઃ 429 – June 23, 2019

Loading

અરુણ કોલટકર : મૃત્યુપશ્ચાત આંતરરાષ્ટ્રીય કીર્તિ

હેમાંગ દેસાઈ|Poetry|19 June 2019

[હેમાંગ દેસાઈ (1978-) કવિ, અનુવાદક અને નૉન-કનફોર્મિસ્ટ નાગરિક-ચિંતક છે. હાલમાં જ તેમણે કોલટકરના ‘કાલાઘોડા પૉએમ્સ કાવ્યસંગ્રહનો ગુજરાતીમાં અનુવાદ કર્યો છે.]

અરુણ કોલટકર (૧૯૩૨-૨૦૦૪) સદીના એક મહત્ત્વના, વૈશ્વિક કદના સર્જક છે. મરાઠી અને અંગ્રેજી ભાષામાં આધુનિક અને પ્રયોગવાદી, પરંતુ સામાજિક સરોકાર અને કળાકીય કટિબદ્ધતાને વરેલી કવિતાની ધારાનો આવિષ્કાર અને પ્રસાર કરવામાં એમનો મહત્ત્વનો ફાળો રહ્યો છે. ‘જેઝુરી’ (૧૯૭૮) કાવ્યસંગ્રહના પ્રકાશનથી ભારતીય સાહિત્યમાં ખળભળાટ મચાવી દેનાર આ એકાકી અને અંતર્મુખી કવિ ત્યાર બાદ જાણે સુષુપ્તાવસ્થામાં સરી ગયા. પરંતુ ૨૦૦૪માં અકાળ અવસાનના અમુક મહિના પહેલાં જ એમના બે મહત્ત્વના અંગ્રેજી કાવ્યસંગ્રહો ‘કાલાઘોડા પોએમ્સ’ અને ‘સર્પસત્ર’ પ્રકાશિત થયા અને પાશ્ચાત્ય સાહિત્યજગત તેમની ધારદાર સર્જકતાનું કાયલ બની ગયું. ‘જેઝુરી’ માટે ખ્યાતનામ કૉમનવેલ્થ પોએટ્રી પ્રાઇઝ મેળવનાર કોલટકરને મૃત્યુપશ્ચાત આંતરરાષ્ટ્રીય કીર્તિ મળી છે. પ્રસ્તુત કાવ્ય એમના ‘કાલાઘોડા પોએમ્સ’માંથી લેવામાં આવ્યું છે.

મીરાં

ટોચના જીવનથી ત્રાસી,
થોડું રસનું ને/કે
થોડું ખપનું,

એવું કંઈક કરવાની આશે
મૂક્યું પડતું નાળિયેરીના નફકરા ટપરાએ,
કરવાનું શું ઉપર બેઠાબેઠા

આખો દિવસ ને આખી રાત ઠેઠાઠેઠ
ખેંચો ફોડોમરોડો ત્રણસો આંગળાં
કે પછી વારેઘડીએ ને વળીવળી

કરો ચાંદાને બગલમાં ગલીપચી –
કરી લીધી છે દોસ્તી, મળી ગયું છે એનું મન,
આપણી ખરી ગયેલાં ફૂલોની રાણી સંગ,

– શહેરના આ ભાગમાં કાર્યરત
મ્યુનિસિપાલિટીની શેરી-સફાઈટુકડીનો
ગમગીન આંખાળો અર્ધનારી પ્રભાગ. –

હવે એના હાથમાં, એના ઇશારે
શીખી રહ્યું છે બેરોકટોક,
નવી તરકીબ, નવ લોકસબ રોજેરોજ,

અને મફતના સોદામાં
માણી રહ્યું છે
ભંગુર જીવનની મોજારીમોજ.

૨.

બદલામાં આપણી રાણીને મળ્યું,
વધુ જીવંત, વધુ મજેદાર,
વધુ નહિ તો એટલું જ કામઢું ઝાડુ.

નોકરી સાથે પકડાવી દીધેલા,
પંખ-પૂંછાળા ચીલાચાલુ ઠૂંઠા કરતાં
લાંબી પહોંચ, બહોળા લસરકાવાળું,

પેલું સરકારી તો બળ્યું સાવ બરડ ને જડ,
આ ભાયડાઓને કો’જાણે કેમવધારે ફાવે એ
એય મૂઆ એવા જ ને? અડિયલ ને અક્કડ.

અલગ જ મજા છે ટપરાંને જોવાની,
ફુદકતું આમથી તેમ, રંગલાની જેમ
જાણે ખેલ કરતું રીંછ, લીલુંછમ મોરપીંછ.

એની આગળ આગળ દોડતું,
એના રસ્તે આડું ઊતરતું,
એનો માર્ગ મોકળો કરતું;

એની ગોળગોળ ફરતું,
એને માથાભેર કુદાવતું,
ને થોભે ત્યારે થોભી જતું;

જુઓ તો, કેવું ધસી જાય છે એ
માર્ગભ્રષ્ટ કાગળિયાંને તો આડે હાથે લે,
રસ્તા વચ્ચે રમતાં હલકાં પાંદડાંઓને પડકારો દે.

૩.

મોટા ભાગના કલાવિવેચક,
ખિસ્સે ઘાલેલા,
કાજુના ગુપ્ત ભંડાર સાથે,

રાત્રે ઢીંચેલા મફત દારૂનું,
ઘેન ઉતારતા, ઘોરતા
ખાટલે પડયા હોય,

ત્યારે તાજાતરીન ઇન્સ્ટોલેશનનું
કોઈ જાતની ધામધૂમ વિના
થાય શ્રેણીબદ્ધ અનાવરણ,

– હંમેશની માફક
મોઢું વકાસી ઊંઘતી –
જહાંગીર આર્ટગૅલેરી સમક્ષ,

પારખુ કાગડા ને બિલાડીનાં બચ્ચાં સિવાય
બાકી બધાથી સદંતર ઉપેક્ષિત,
સાદી સહજ કચરાની ઢગલીઓનું પ્રદર્શન.

રસ્તાની ધારેધારે પડેલી પગલી,
પંદરેક પગલાંના અંતરે માંડેલી ઢગલી,
મોટે ભાગે સૂકાં પાંદડાં, ઊડતાં કાગળિયાં

ઝીંગાના કોટલા, કાંદાબટાકાની છાલ
ગાંઠ મારેલા કોન્ડોમ ને મરેલાં ફૂલ
– ખાસ કરી ગરમાળા અને ગુલમહોર –

ઇન્સ્ટોલેશનનું શીર્ષક, રાખવું હોય તો,
રાખી શકાય,
મુંબઈને શ્રદ્ધાંજલિ એક … બે … ત્રણ …

કેમ કે ખાસ્સું એવું શહેર
સદંતર નિર્ભર છે, આવી વાળઝૂડ પર
આખેઆખું કોલાબા કે ખેતવાડી સદરબદર.

૪.

દર સવારે
ફક્ત અડધોએક કલાક
ખુલ્લું મુકાય પ્રદર્શન.

કચરાની છેલ્લી ઢગલી,
જતનથી ગોઠવાઈ રહે,
ત્યાં તો પહેલી ઊપડી જાય, ટ્રોલીમાં ઠલવાય.

ખરું પૂછો તો એ જ છે પ્રયોજન.
કળાના અનિવાર્ય ભંગુરત્વનું
સ્તવન.

૫.

યુક્લિડના દિલમાં વસી ગઈ હોત
– પેલી ખખડધજ જર્જરિત
કચરાની ટ્રોલી –

સાબિતી આપ્યા વિનાના,
પ્રમેય જેવી,
ગુ-ગાડી,

એમાં બાળકોએ કાળા ક્રેયોનથી
દોરેલા ચિત્રની
સાદગી અને સ્થિરતાનો સ્પર્શ.

આમ તો, બે બાજુએ
સમબાજુ ત્રિકોણથી જકડાયેલી,
લોન્ડરી બાસ્કેટ જેવડી,

બે નેતરની ટોપલીને
ઘોડિયે ઘાલતી
ઘડતર લોઢાની ટ્રે છે બસ.

ભોંયભેગી રહે
પ્રેમની જેમ ધકેલાય.
વાટ વિનાનાં લોખંડી પૈડે,

દડબડ દડબડ ગબડે,
ત્યારે પોતાના જ ઘોંઘાટથી,
મેહ્યુના લંડનના નરમ

ખરીને અનુકૂળ રસ્તાનાં શમણેથી
– પોતે પણ એ જ રસ્તા માટે બની હશે –
ઝબકી, થથરી જવાની સભ્યતા છે એનામાં.

આ શહેરને સાફ કરવાના
ઉમદા ઉદ્દેશથી
છેક ૧૮૭૨ કે એવી જ કોઈ સાલમાં

દરિયાકાંઠે આવી ચડેલી ટ્રૉલીઓની
પહેલી ખંતીલી પેઢીની,
વારસદાર છે આ ટ્રૉલી,

એવું બહાર આવે કોઈ દિ’
તો નવાઈ નહીં.
સંજોગો સાનુકૂળ રહે ને બધું સીધું ઊતરે,

તોયે ખાસ્સું કાઠું લાગે એ અભિયાન
ને જે રીતે દરિયામાંથી,
મૅલેરિયા ને મીઠાંના ભીનાં કડણોમાંથી,

નેશ હેર ફરતી ખાડીઓમાંથી,
બેફામ તફડાવેલી જમીન પર
તથા શહેરમાં દિવસે ને દિવસે

વધતી જતી આવી વાળઝૂડ થકી,
પચાવી પાડેલી નવી ને નવી જમીન પર
ફૂટી રહ્યું છે નવું ને નવું બૉમ્બે,

એ જોતાં તો લગભગ
અશક્ય થઇ પડ્યું છે,
આ અથાક ટ્રૉલીનું મિશન.

પરિણામ એ કે,
જેટલું વધારે સાફ કરો બૉમ્બે
એટલું જ વધારે સાફ કરવાનું રહે બૉમ્બે.

૬.

જેવી નેતરની ટોપલી ભરાય,
– લગભગ ગળા સુધી –
કે તરત એની ઉપર ચડી જાય,

એની સાંકડી પરિધિમાં
ઊભી ઊભી
ડોલવા લાગે ધીમું-ધીમું,

પ્રભુ સમક્ષ નાચતી મીરાં, કેવું રૂડું સમણું!
એકતારો નથી હાથમાં, ઊભી ઝાડુ ઝાલી,
આલી રે આલી મીરાં ઝાડુવાલી;

શરીર આખાનું વજન,
વારાફરતી
એક પછી બીજા પગ પર ધરે,

ધીમે ધીમે
જાણે પોતાની જ પ્રદક્ષિણા કરે,
પગનાં એકેએક આંગળાંને,

ઘૂંટણિયે પડી,
પહેલાં તો ચારે દિશાઓને
ત્યાર બાદ વારાફરતી,

હોકાયંત્રનાં બત્રીસેબત્રીસ
દિશાબિંદુઓને વિધિવત્‌
પ્રણામ કરવા પૂરતો સમય આપે.

એનો બીજો હાથ ખાલી,
પણ પહેલા કરતાં સધ્ધર
હવામાં ઊડતું ફ્‌લેમિંગો, અધ્ધર.

૭.

કરાંજી કરાંજી કચરાના,
ભરખમ ગર્ભને નીચે ધકેલતી,
ગૂંદીગૂંદીને સંઘટ્ટ કરતી,

હજુ થોડા વધારે,
કચરાની જગા કરવા,
કુશળ પગની જોડી વતી,

કચરાને કચડતી એ લાગે અદ્દલ
દ્રાક્ષ ભરેલા ટબમાં
કદમતાલ કરતી વાઇન યાર્ડવૅન્ચ.

છુંદાઈને ગુંદાઈને,
પોતાની ભીતર ઊતરતા જતાં
ઈંડાંના કોચલાં ને મરેલાં ફૂલ,

સૂકાં પાંદડાં ને તરબૂચનાં છોડાં,
બ્રેડનાં ટુકડા, કૉન્ડોમ,
મરઘીની હડ્ડી નેબટાકાની છાલમાંથી,

ઝરપવા માંડે અંતરતમ સત્ત્વ,
ટપકવા માંડે વ્યર્થતાનું વાઇન,
વછૂટે આભારીપણાનું અત્તર,

ઘોડાપુર તુચ્છતાનું
ફરી વળે એની
એડીઓનાં કાતરામાં,

ચાટે પગનાં તળિયાં
અને કમાન,
મલ્હમ ચોપડે,

આટણો પર અને
ફૂટી નીકળે આંગળાં વચ્ચેથી
વ્યથાના ઝરા માફક.

સૌજન્ય : “નિરીક્ષક”, 16 જૂન 2019; પૃ. 08-09

Loading

ગેબ્રિયલ ગાર્સિયા માર્કેઝ અને અકીરા કુરોસાવા: સાહિત્ય જ્યારે સિનેમાને સવાલ પૂછે છે

રાજ ગોસ્વામી|Opinion - Opinion|19 June 2019

કોલંબિયન લેખક ગેબ્રિયલ ગાર્સિયા માર્કેઝ (૧૯૨૭-૨૦૧૪) વિશ્વ સાહિત્યમાં મોટું નામ છે. એમની નવલકથા 'એક સો સાલનું એકાંત'(વન હન્ડ્રેડ ઈયર્સ ઓફ સોલિટ્યુડ)ને ૧૯૮૨માં સાહિત્યનું નોબેલ પારિતોષિક મળ્યું હતું. કોલંબિયામાં તો માર્કેઝને એના વાચકો પૂજતા હતા, પણ જે દેશની એ ટીકા કરતા હતા, તે અમેરિકામાં પણ એમનો દબદબો એક સુપરસ્ટાર જેવો હતો. એમના લેફટિસ્ટ ઝુકાવના કારણે બંને દેશોએ એમના પ્રવેશ પર પ્રતિબંધ ફરમાવ્યો હતો.

સિનેમામાં એવું જ એક નામ અકીરા કુરોસાવા. કુરોસાવા (૧૯૧૦-૧૯૯૮) માર્કેઝથી સિનિયર. જાપાની સિનેમા જગતમાંથી આ એક એવું નામ છે, જે જગતમાં તમામ કળા-સહિત્ય-સિનેમા પ્રેમીઓને ખબર છે. આપણા સત્યજીત રેએ એકવાર કહ્યું હતું કે, "અકીરાની ફિલ્મ 'રાશોમોન'થી મને વીજળીનો ઝટકો લાગ્યો હતો. મેં બીજા દિવસે ત્રણ વખત એ ફિલ્મ જોઈ અને હું અચંબામાં પડી ગયો કે આવી બીજી કોઈ ફિલ્મ હોય?" અકીરાની 'સેવન સમુરાઈ' પરથી 'શોલે' બની હતી. આમીર ખાનની 'તારે ઝમીં પર' અકીરાના જીવનચારિત્ર્ય પરથી બની હતી.

ગેબ્રિયલ ગાર્સિયા માર્કેઝે કેટલોક વખત ફિલ્મ વિવેચક તરીકે પણ કામ કરેલું. ૧૯૯૦માં કુરોસાવો ટોકિયોમાં 'રેપ્સડી ઇન ઓગસ્ટ' ફિલ્મનું શુટિંગ કરતા હતા, ત્યારે માર્કેઝ એમને મળવા ગયા હતા. બંને વચ્ચે છ કલાક સુધી સંવાદ થયો હતો. સાહિત્ય અને સિનેમાના બે મહારથી ભેગા થાય, તો શું વાત થાય? ૨૩ જૂન, ૧૯૯૧ના રોજ ‘ધ લોસ એન્જિલિસ ટાઈમ્સ’ સમચારપત્રમાં આ ક્લાસિક ઈન્ટરવ્યુ છપાયો હતો. કળાપ્રેમીઓ માટે એમાંથી થોડા અંશ અહીં આપ્યા છે. વાંચો, મઝા આવશે.

માર્કેઝ : તમે સ્ક્રિપ્ટ કેવી રીતે લખો છો? તમે ઘણા સાહિત્યને સ્ક્રિપ્ટમાં ઢાળ્યું છે.

કુરોસાવો : મારે કોઈ આઈડિયાને સ્ક્રિપ્ટમાં તબદીલ કરવો હોય તો હું કાગળ અને પેન્સિલ લઈને હોટેલના રૂમમાં પુરાઈ જાઉં. એ વખતે પ્લોટનો આછોપાતળો અંદાજ હોય. સીનની ખબર ન હોય, અને એ નેચરલી આવતા જાય.

માર્કેઝ : મગજમાં પહેલાં શું આવે, આઈડિયા કે ઈમેજ?

કુરોસાવો : છૂટીછવાઈ ઈમેજીસ હોય. અહીં જાપાનમાં સ્ક્રિપ્ટ લેખકો બહુ પદ્ધતિસર, સીન પછી સીન લખે. પણ એ બરાબર નથી. આપણે ભગવાન નથી કે બધું અગાઉથી ખબર હોય.

માર્કેઝ : શેક્સપિયર કે (મેક્સીમ) ગોર્કી કે દોસ્તોએવ્સકીનું રૂપાંતરણ કરો ત્યારે પણ સ્ફુરણા પ્રમાણે જ કરો?

કુરોસાવો : સાહિત્યિક કૃતિઓને સિનેમેટીક ઈમેજમાં ઢાળવી સહેલી નથી. દાખલા તરીકે જાસૂસી કથાનું શુટિંગ થતું હોય તો નવો-સવો ડિરેક્ટર લાશને રેલવે-ટ્રેક પાસે મૂકે, કારણ કે નવલકથામાં એવું જ હોય. હું એને કહું કે, તે વારતા વાંચી છે એટલે તને ખબર છે કે લાશ ટ્રેક પાસે છે. જે લોકોએ નોવેલ વાંચી ન હોય એમને જગ્યાથી શું ફર્ક પડે? સાહિત્યિક ઈમેજનો પાવર સિનેમેટીક ઈમેજથી અલગ હોય.

માર્કેઝ : અસલી જિંદગીમાંથી કોઈ એવી ઈમેજ યાદ છે જે ફિલ્મમાં વ્યક્ત કરવાનું અઘરું હોય?

કુરોસાવો : યેસ. લીડાચી નામનું એક ખાણિયું ટાઉન હતું. હું યુવાન હતો અને ડિરેક્ટરે એને શૂટ કર્યું હતું કારણ કે ત્યાંનું વાતાવરણ ભવ્ય અને અજીબ લાગતું હતું. પણ પિક્ચરમાં એક સામાન્ય ટાઉન જ દેખાયું. અમને ખબર હતી કે એ ટાઉન જીવ માટે જોખમી હતું અને ખાણિયાઓનાં બીવી-બચ્ચાં સલામતીને લઈને ડરમાં જીવતાં હતાં. આ ખબર હતી એટલે અમારી આંખ ટાઉનને એ રીતે જોતી હતી. પણ અમે જે અનુભવ કરતા હતા એ કેમરામાં ના પકડાયું, કારણ કે કેમેરાની આંખ અલગ હોય છે.

માર્કેઝ : અત્યારની ફિલ્મની વાત કરીએ તો, આંધીને શૂટ કરવી અઘરી પડે?

કુરોસાવો : ના. સૌથી અઘરા તો પ્રાણીઓ છે. પાણીના સાપ અને કીડીઓ બહુ અઘરી.

માર્કેઝ : ન્યુક્લિયર ઊર્જા અભિશાપ તરીકે આવી હતી, અને એ તમને ફીટ થાય તેવો વિષય છે. પણ તમે ન્યુક્લિયર ઊર્જા કરતાં એનો જે રીતે ઉપયોગ થયો છે, તેની નિંદા કરો છો.

કુરોસાવો : બંને બાબત એક નથી. ન્યુક્લિયર ઊર્જા માણસથી કંટ્રોલ થાય તેવી નથી. એને સાચવવામાં ભૂલ થઇ તો ભયાનક પરિણામ આવશે અને એની અસર અનેક પેઢીઓને નડશે. પાણી ગરમ હોય તો એની ગરમી ઓછી કરવા ઠંડું પાડવું પડે. હજારો વર્ષો સુધી જે ઉકળતું રહેવાનું છે, એ ન્યુક્લિયર એલિમેન્ટનો ઉપયોગ બંધ કરીએ તો સારું.

માર્કેઝ : તમે જે ફિલ્મ બનાવી રહ્યા છો એમાં આ બાબતે તમારા વિચારો છે?

કુરોસાવો : સીધી રીતે નહીં. (જાપાન ઉપર) બોમ્બ ફેંકવામાં આવ્યો ત્યારે હું નવોસવો પત્રકાર હતો. મારે જે થયું એના પર લેખો લખવા હતા, પણ ત્યારે કશું પણ લખવા પર પ્રતિબંધ હતો. આ ફિલ્મ બનાવવા માટે મેં એ વિષયનો અભ્યાસ કર્યો અને તે વખત કરતાં આજે મને વધુ ખબર છે. મેં જો સીધી રીતે મારા વિચારો આ ફિલ્મમાં મુક્યા હોત તો તે આજના જાપાન કે બીજે ક્યાં ય બતાવાત નહીં.

માર્કેઝ : આપણા આ સંવાદને પ્રગટ કરાવાનું શક્ય છે?

કુરોસાવો : મને વાંધો નથી. ઇન ફેક્ટ, દુનિયામાં લોકોએ આ વિષય પર વિચારવું જોઈએ.

માર્કેઝ : થેન્ક યુ. હું જો જાપાની હોત તો તમારી જેમ જ વિચારતો હોત. પણ હું સમજુ છું. યુદ્ધ કોઈના માટે સારું નથી.

કુરોસાવો : એ જ વાત છે. મુસીબત એ છે કે એકવાર ગોળીબાર શરૂ થાય, પછી ક્રાઈસ્ટ અને ફરિશ્તા પણ સૈન્યના ચીફ ઓફ સ્ટાફ બની જાય છે.

https://www.facebook.com/permalink.php?story_fbid=2301278993533480&id=1379939932334062&__tn__=K-R

Loading

...102030...2,8052,8062,8072,808...2,8202,8302,840...

Search by

Opinion

  • ‘ડિવાઈડ એન્ડ રુલ’ની શતરંજનાં પ્યાદાં ન બનીએ
  • ઝાંઝવાનાં જળ
  • એક ‘રાની પંખીડું’ જિતુભાઈ પ્ર. મહેતા
  • આગળ જુઓ, નહીં તો પાછળ રહી જશો : બેન્જામિન ફ્રેન્કલિન
  • રળિયામણું, રંગીલું રાજકોટ ???

Diaspora

  • છ વર્ષનો લંડન નિવાસ
  • દીપક બારડોલીકરની પુણ્યતિથિએ એમની આત્મકથા(ઉત્તરાર્ધ)ની ચંદ્રકાન્ત બક્ષીએ લખેલી પ્રસ્તાવના.
  • ગાંધીને જાણવા, સમજવાની વાટ
  • કેવળ દવાથી રોગ અમારો નહીં મટે …
  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !

Gandhiana

  • ગાંધી ‘મોહન’માંથી ‘મહાત્મા’ બન્યા, અને આપણે?
  • ગાંધીહત્યાના પડઘા: ગોડસેથી ગોળવલકર સુધી …
  • ગાંધીની હત્યા કોણે કરી, નાથુરામ ગોડસેએ કે ……? 
  • ગાંધીસાહિત્યનું ઘરેણું ‘જીવનનું પરોઢ’ હવે અંગ્રેજીમાં …
  • સરદાર પટેલ–જવાહરલાલ નેહરુ પત્રવ્યવહાર

Poetry

  • મુખોમુખ
  • ગઝલ – 1/2
  • સખીરી તારો એ હૂંફાળો સંગાથ …
  • વસંતાગમન …
  • એ પછી સૌના ‘આશિષ’ ફળે એમ છે.

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved