Opinion Magazine
Number of visits: 9576797
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

લોકશાહી, મતદાન અને સત્તાપ્રાપ્તિ : એક દૃષ્ટિકોણ

કિશોર વિ. ઠાકર|Opinion - Opinion|16 July 2019

ભૂતપૂર્વ વડા પ્રધાન અટલ બિહારી બાજપાઈએ આપણા દેશના શાસન માટે પ્રમુખપદ્ધતિની લોકશાહી અંગે ચર્ચા કરવાનું સૂચન એક વખત કરેલું. કેટલાક લોકોને એ પસંદ પણ પડેલું, પરંતુ એ ચર્ચા  લાંબી ચાલેલી નહિ. એવો અભિપ્રાય જ સ્વીકૃત રહ્યો કે દેશમાં પ્રદેશ, ભાષા, ધર્મ અને જ્ઞાતિ જેવી વિવિધતા જોતાં  સંસદીય લોકશાહી જ  યોગ્ય છે.

૧૯૭૭માં શ્રીમતી ઇંદિરા ગાંધીએ ચૂંટણી જાહેર કરી અને કૉંગ્રેસની સામે જનતાપક્ષ રચાયો. એ વખતે  શ્રીમતી ગાંધીએ જનતાપક્ષને સવાલ કરતાં કે તમારો વડા પ્રધાનપદનો ઉમેદવાર કોણ છે? આ જ પ્રમાણે છેલ્લી લોકસભાની ચૂંટણીમાં શાસકપક્ષના નેતાઓ મહાગઠબંધનના નેતાઓને તેમના વડા પ્રધાનપદના ઉમેદવાર અંગે પૂછતા. રાજ્યોમાં પણ જ્યારે એક પક્ષના મુખ્યમંત્રીપદના ઉમેદવાર નક્કી હોય, ત્યારે સામા પક્ષના નેતાઓને આ પ્રશ્ન પૂછીને રાજકીય લાભ લેવાના પ્રયત્નો થતા આવ્યા છે. આ પ્રકારના રાજકારણમાં સુવિધાપૂર્વક ભૂલી જવામાં આવે છે કે આપણી લોકશાહી સંસદીય પ્રકારની છે, નહિ કે પ્રમુખપદ્ધતિની. પ્રચારની અસર તળે આપણે નાગરિકો પણ પ્રમુખપદ્ધતિની જેમ જ મતદાન કરતા હોઈએ છીએ. અહીં  આપણા રાજ્યબંધારણની લોકસભા અને વિધાનસભાની – ખાસ કરીને લોકસભાની – ચૂંટણીમાં  મતદાન કરવા બાબતે આપણી પાસે શી અપેક્ષા હોઈ શકે, તે અંગે કેટલીક વિગતોને આધારે  એક દૃષ્ટિકોણ રજૂ કરવા પ્રયાસ કરવામાં આવ્યો છે.

દેશના વહીવટ માટે રાજકીય પક્ષોનું અસ્તિત્વ અભિપ્રેત ઉપરાંત અનિવાર્ય લાગતું હોવા છતાં છેક ૧૯૮૫ સુધી આપણા બંધારણે રાજકીય પક્ષ બાબતે મૌન સેવ્યું હતું. ૧૯૮૫માં પક્ષપલટા વિરોધી ધારો આવતા બંધારણમાં રાજકીય પક્ષનો ઉલ્લેખ જરૂરી બન્યો, છતાં તેનો ઉલ્લેખ પરિશિષ્ટ ૧૦ના સ્વરૂપમાં જ કરવામાં આવ્યો. આમ કરવા માટેનો બંધારણનો આશય સમજતાં પહેલાં રાજકીય પક્ષ બાબતે જુદી-જુદી વ્યાખ્યા જાણી લઈએ.

પરિશિષ્ટ ૧૦ના સ્વરૂપમાં રાજકીય પક્ષનો ઉલ્લેખ કરવા છતાં બંધારણમાં કે તેની અંતર્ગત કોઈ કાયદામાં રાજકીય પક્ષની કોઈ સ્પષ્ટ વ્યાખ્યા કરવામાં આવી નથી. ચૂંટણી-કમિશન ૧૯૫૧ના લોકપ્રતિનિધિત્વ ધારામાં રાજકીય પક્ષોને તેમની નોંધણી કરાવવાની સૂચના આપતા કહે છે કે ”ભારતના નાગરિકોનું સંગઠન જે પોતાને રાજકીય પક્ષ માને છે, તે પોતાની નોંધણી કરાવવા માટે અરજી કરી શકે છે.” એટલે કે ચૂંટણીપંચ રાજકીય પક્ષને માત્ર નાગરિકોનું સંગઠન જ માને છે.

‘ધી ન્યૂ ઍન્સાઈક્લોપીડિયા બ્રિટાનિકા’ રાજકીય પક્ષની વ્યાખ્યા આ પ્રમાણે કરે છે, “રાજ્યવ્યવસ્થા હેઠળ સત્તા પ્રાપ્ત કરવા અને તેનો ઉપયોગ કરવા માટે રચાયેલું જૂથ.” 

આથી એ સ્પષ્ટ થાય છે કે આપણા બંધારણની દૃષ્ટિએ રાજકીય પક્ષ પાસે કોઈ રાજકીય વિચારસરણી કે નીતિવિષયક કાર્યક્રમ હોવો જરૂરી નથી.

ચૂંટણીપંચ જ્યારે ચૂંટણીની જાહેરાત કરે છે, ત્યારે તેના જાહેરનામા મારફત દેશની જનતાને અનુરોધ કરે છે કે “તમે તમારા પ્રતિનિધિઓ નક્કી કરો (ચૂંટીને મોકલો).” અહીં લોકોને સરકાર રચવા માટે કહેવામાં આવ્યું નથી. આપણે જાણીએ છીએ તે મુજબ સરકાર રચવાની જવાબદારી ચૂંટાયેલા પ્રતિનિધિઓ પર નાખવામાં આવી છે.

ઉમેદવારીપત્રનું સ્વરૂપ જોઈએ તો, જે-તે વિસ્તારના મતદારો કોઈ એક વ્યક્તિના નામની દરખાસ્ત કરીને કહે છે કે “અમે આ કે તે વ્યક્તિને અમારા પ્રતિનિધિ તરીકે મોકલવા માગીએ છીએ”. ઉમેદવારની સહી એ તો તેની સંમતિ માત્ર છે. આમ, મૂળભૂત રીતે લોકોને પોતાના પ્રતિનિધિ નક્કી કરવા માટે રાજકીય પક્ષ અનિવાર્ય નથી. આદર્શ સ્થિતિ પ્રમાણે તો ઉમેદવારની પોતાની ચૂંટાવાની તમન્ના કરતાં લોકોની પોતાના પ્રતિનિધિ મોકલવાની જરૂરિયાત જ વધારે હોવી જોઈએ. બિલકુલ સાદા શબ્દોમાં કહીએ તો પ્રજાએ પોતાના વિસ્તારના સૌથી યોગ્ય પ્રતિનિધિને નક્કી કરીને મોકલવા શક્ય તેટલા વધારે પ્રયત્નો કરવા જોઈએ.

પરંતુ એવું જોવા મળ્યું છે કે જાગૃતિના અભાવે મત આપતી વખતે આપણે ઉમેદવારની લાયકાતને બદલે રાજકીય પક્ષને અને વિશેષ કરીને  તેના નેતાને જ  મહત્ત્વ આપતા હોઈએ છીએ. જે રાજકીય પક્ષનો પ્રચાર ઓછો હોય તેના ઉમેદવારના નામની સુદ્ધાં શિક્ષિત (જેમાં સ્નાતક, અનુસ્નાતક કે પીએચ.ડી થયેલા પણ અપવાદ નથી.) મતદારોને પણ ખબર હોતી નથી. રાજકીય પક્ષો પણ પોતાના નેતાના નામે ચૂંટણી લડતા હોય છે. પોતાના પસંદગીના પક્ષને મત આપનારા ક્યારેક તો તેના ઉમેદવારનું નામ પણ જાણતા નથી! વળી, નેતા પણ એવો પ્રચાર  કરતા કહે છે કે તમે ઉમેદવાર સામે નહિ, પરંતુ મને જોઈને જ મત આપજો!! અને આપણે કરીએ છીએ પણ એમજ ને? પરિણામ એ આવ્યું છે કે જેમની સામે ગુનાઓ (જેમાં કેટલાક તો ખૂન જેવા ગંભીર ગુનાઓ પણ છે) નોંધાયા છે, તેવા ૪૩ ટકા (કુલ ૫૪૩માંથી ૨૩૩) લોકોને આપણે છેલ્લી લોકસભામાં ચૂંટીને મોકલ્યા છે! આ આંકડાથી આપણે ચોંકી ન ઊઠીએ તો દેશમાં લોકશાહીનું કોઈ ભવિષ્ય નથી, એમ કહેવામાં અતિશયોક્તિ નથી

એથી નાગરિકોએ પોતાની જવાબદારી પોતાના પ્રતિનિધિની તેના ચારિત્ર્ય સહિતની યોગ્યતા જાણવા માટે કેન્દ્રિત કરવી જોઈએ. અહીં સવાલ થશે કે “તો પછી કોઈ ચોક્કસ વિચારસરણી ધરાવતી સરકારને ચૂંટવાની જવાબદારી નાગરિકની નથી?” આના જવાબમાં સામો પ્રશ્ન પૂછી શકાય કે “જેમને આપણે ચૂંટીને મોકલીએ છીએ, તેમની કોઇ, ચોક્કસ રાજકીય વિચારસરણી છે ખરી?” વારે-વારે થતા પક્ષપલટાઓ આનો જવાબ ‘ના’માં આપે છે.

બીજી બાબત એ પણ છે કે રાજકીય પક્ષો ટિકિટ આપતી વખતે ઉમેદવારની વિચારસરણીને ધ્યાનમાં લેવાને બદલે તેની જીતવાની સંભાવના પર જ વધારે ભાર મૂકતા હોય છે. આથી નેતાની પોતાની વિચારસરણી અને ચૂંટાયેલા સભ્યોની વિચારસરણીનો મેળ ખાતો નથી, પરિણામે નેતાની દાનત અને ઇચ્છા ગમે તેટલી હોય, પરંતુ  ચૂંટાયેલા સભ્યોનાં હિત તેની સાથે ટકરાવાને લીધે કાર્યક્રમોનો અમલ થઈ શકતો નથી.

આ બાબતનું નિવારણ મતદારો દ્વારા ઉમેદવારને તેની વિચારસરણી સહિત જાણીને મોકલવામાં છે, પરંતુ આપણે તેમ કરતા નથી અને રાજકીય પક્ષ જેમને પણ ટિકિટ આપે છે, તેમને જેવા ને તેવા સ્વીકારી લઈએ છીએ, પરિણામે સરકાર પોતે સફળ થઈ શકતી નથી, ઉપરાંત જેમના પર ગુનાઓ નોંધાયા હોય તેવા લોકો વિપુલ સંખ્યામાં છેક લોક્સભા સુધી પહોંચી જાય છે. આપણી ફરજ યોગ્ય ઉમેદવાર અંગેની પૂરેપૂરી માહિતી મેળવીને જાણવા પૂરતી સીમિત નથી. એથી આગળ જઈને યોગ્ય ઉમેદવારને શોધી લાવવાની છે. આ માટે મતદારમંડળોનો ખ્યાલ રજૂ થયેલો છે. એ કેટલો અને કેવી રીતે કાર્યાન્વિત અને ઉપયોગી થઈ શકે તે નિષ્ણાતોની ચર્ચાનો વિષય હોઈ શકે  છે.

અહીં રાજકારણમાં કે દેશના વહીવટમાં રાજકીય પક્ષના વજૂદને સરિયામ નકારી કાઢવાનો આશય નથી. ૧૯મી સદી સુધીમાં તો દુનિયાભરમાં  રાજકીય પક્ષોનો  વિકાસ થઈ જ ચૂક્યો હતો અને તેમણે રાજ્ય કે સમાજનાં પરિવર્તનોમાં સકારાત્મક ભૂમિકા ભજવેલી પણ છે. આપણા દેશમાં પણ આઝાદી પહેલાં રાજકીય પક્ષો હતા જ અને આઝાદીની લડાઈમાં તેમણે મોટો ફાળો પણ આપેલો છે, પરંતુ મુદ્દાની વાત મતદાન કરતી વખતે ઉમેદવારની લાયકાત અને ચારિત્ર્યને જરૂરી મહત્ત્વ – કોઈ રાજકીય પક્ષ કે તેના નેતા કરતાં ઘણું વધારે – આપવાની છે. જો આપણે એ પ્રમાણે કરતા થઈશું, તો રાજકીય પક્ષોએ પણ તેને મહત્ત્વ આપવું જ પડશે.

આપણે સૌ કહીએ તો છીએ જ કે લોકશાહીની સફળતાનો આધાર પ્રજાની જાગૃતિ પર છે, પરંતુ આપણે ઉમેદવારને જાણવા જેવી સામાન્ય બાબતે બેદરકાર રહીને જાગૃતિનું પહેલું જ પગથિયું ચૂકી જઈએ છીએ.

દેશના બધા જ લોકો પાસે આ પ્રકારની જાગૃતિની અપેક્ષા રાખવી કદાચ વધુ પડતી લાગતી હોય, પરંતુ જે લોકો પોતાને જાગૃત માને છે અને સોશિયલ મીડિયામાં કે અન્યત્ર રાજકીય ચર્ચાઓ કરતા હોય છે. તેમની પાસે તો આ અપેક્ષા ઓછામાં ઓછી છે. તેમની જાગૃતિની અસર સામાન્ય  માણસ પર વહેલી કે મોડી થયા વગર રહેશે નહિ.  

નોંધ :

૧. આ લેખમાંની કેટલીક વિગતો ‘HOW INDIA VOTES, ELECTION LAWS, PRACTICE AND PROCEDURE’(લેખકો : વી. એસ. રમાદેવી, ભૂતપૂર્વ ગવર્નર, કર્ણાટક અને એસ.કે. મેંદીરત્તા,  ચૂંટણીપંચના ભૂતપૂર્વ  સલાહકાર)માંથી લેવામાં આવી છે

૨. જેમના પર ગુનો નોંધાયો છે, તેવા લોકસભાના સભ્યોની સંખ્યાની વિગત સભ્યોએ પોતાના ઉમેદવારીપત્રમાં કરેલી ઍફિડેવિટના આધારે ‘એસોશિયેશન ઑફ ડેમોક્રેટિક રિફોર્મ્સ ઍન્ડ ન્યુ ઇલેક્શનવૉચ’ દ્વારા કરવામાં આવેલા પૃથક્કરણમાંથી લેવામાં આવેલી છે, જે ૨૭મી મે ૨૦૧૯ના ‘ઇંડિયન એક્સપ્રેસ'માં પ્રસિદ્ધ થયેલી  છે

સૌજન્ય : “નિરીક્ષક”, 15 જુલાઈ 2019; પૃ. 09-10

Loading

શિક્ષણ કઈ દિશામાં?

સ્વાતિ જોશી|Opinion - Opinion|16 July 2019

નવી શિક્ષણ નીતિ ૨૦૧૯નો ખરડો દાવો કરે છે તે મુજબ આ નીતિ આખા શિક્ષણતંત્રને સંપૂર્ણ રીતે ફરીથી ઘડવાનો પ્રયત્ન છે. એનો હેતુ નવી શિક્ષણ વ્યવસ્થા દ્વારા ‘અભિગમ અને માનસિકતામાં સંપૂર્ણ પરિવર્તન’ [Paradigm Shift, «w. 31] લાવવાનો છે, જેથી નીતિનો સફળતાપૂર્વક અમલ થઈ શકે. આ ખરડાને આજના બહોળા પરિપ્રેક્ષ્યમાં જોવો જરૂરી છે. આજે એક એવી શિક્ષણનીતિ રજૂ થઈ રહી છે, જેમાં માત્ર શિક્ષણના માળખામાં જ ફેરફાર કરવામાં નથી આવ્યો, પરંતુ શિક્ષણ વિશેનો ખ્યાલ, એનું ધ્યેય વગેરે પાયામાંથી બદલવામાં આવ્યા છે. શિક્ષણ વિશેના લોકશાહીની જરૂરિયાતોથી પ્રેરિત વિચારો સૌ પ્રથમ ૧૯૬૪માં કોઠારી કમિશને રજૂ કર્યા હતા જેમાં સૌને સમાન શિક્ષણ મળે એની હિમાયત કરી હતી અને એ વાત પર ભાર મુકાયો હતો કે શિક્ષકો અને વિદ્યાર્થીઓ સહભાગી ધ્યેય સાથે વિદ્યાનો સમાજ બનાવે છે, જે એ શૈક્ષણિક સ્વતંત્રતા સાથે અનુસરી શકે એ માટે મુક્ત હોવા જોઈએ. એમની સ્વતંત્રતા રાજકીય અને બજારુ હસ્તક્ષેપથી અને સામાજિક-ધાર્મિક વિચારધારાઓથી મુક્ત હોવી જોઈએ. આ નવી નીતિમાં એનાથી તદ્દન વિપરીત શિક્ષણની વ્યાખ્યા વૈશ્વિકીકરણના બજારને અનુરૂપ અને દેશનાં જમણેરી વિચારધારાનાં તત્ત્વોને અનૂકૂળ હોય એ રીતે સંપૂર્ણ રાજકીય નિયંત્રણ હેઠળ રજૂ થઈ છે. ૨૦૧૯ની નીતિ સંપૂર્ણ રીતે આજના વૈશ્વિકીકરણની આવશ્યકતાઓથી પ્રેરાઈને ઘડાઈ છે અને એને કારણે શિક્ષણનો હેતુ પૂરેપૂરો બદલાયો છે. આ સાથે એક ખાસ ભારતની પરિકલ્પના અને એનું સર્જન એ એનો પ્રેરણાસ્રોત છે.

આ નીતિનું મુખ્ય દર્શન આ રીતે વર્ણવવામાં આવ્યું છે : “રાષ્ટ્રીય શિક્ષણનીતિ-૨૦૧૯ એ ભારતકેન્દ્રી શિક્ષણપદ્ધતિની કલ્પના કરે છે, જે બધાને ઉચ્ચ ગુણવત્તાના શિક્ષણ દ્વારા આપણા દેશને ન્યાયસંગત અને ગતિશીલ જ્ઞાનસમાજ [knowledge society]માં કાયમી રીતે પરિવર્તિત કરવામાં પોતાનું યોગદાન આપે.” [પૃ. ૪૧, આ ઇટાલિક્સ મૂળ લખાણમાં છે.]

આમ, આ શિક્ષણ ૧. ભારતકેન્દ્રી છે; ૨. એ ઉચ્ચ ગુણવત્તા પર ભાર મૂકે છે; અને ૩. એનો હેતુ દેશને વૈશ્વિકીકરણના સમયમાં એક ‘જ્ઞાન સમાજ’માં, અને સાથે સાથે ‘જ્ઞાન અર્થવ્યવસ્થા’માં, પરિવર્તિત કરવાનો છે. ‘જ્ઞાનસમાજ’ કે નૉલેજ સોસાયટી એટલે માનવપરિસ્થિતિમાં સુધારો કરવામાં ઉપયોગી થાય એવું જ્ઞાન પેદા કરે એ સમાજ. ‘જ્ઞાનઅર્થવ્યવસ્થા’ કે નૉલેજ ઇકોનૉમી એટલે એવી અર્થવ્યવસ્થા, જેમાં વૃદ્ધિ ઉત્પાદનનાં સાધનો પર નહીં પરંતુ વધુ પ્રમાણમાં, ગુણવત્તાની અને સરળતાથી મળી શકે એવી માહિતી પર નિર્ભર હોય. વૈશ્વિકીકરણના આજના સમયમાં જ્ઞાન આમ એક ઉપયોગી ચીજવસ્તુ બની ગયું છે જે ફાયદો કે લાભ પહોંચાડી શકે. જ્ઞાન જાણે વેપારની જણસ હોય એમ એનો ઉપયોગ આર્થિક સમૃદ્ધિ માટે થઈ શકે છે.

૨૦૧૯ની શિક્ષણ નીતિમાં આ પ્રકારનું જ્ઞાન પેદા કરવાનું ધ્યેય છે. એના મતે શિક્ષણનું અંતિમ ધ્યેય દેશના આર્થિક વિકાસને સરળ બનાવવાનું છે. ખરડાની પ્રસ્તાવનામાં અધ્યક્ષ નોંધે છે કે ભારત ૨૦૩૦-૨૦૩૨ સુધીમાં અમેરિકા અને ચીન સાથે વિશ્વની ત્રીજી સૌથી વિશાળ અર્થવ્યવસ્થા બનવાની મહાત્ત્વાકાંક્ષા ધરાવે છે. ‘આપણી દસ ટ્રિલિયનની અર્થવ્યવસ્થા [તાજેતરમાં બજેટની રજૂઆત વખતે વડાપ્રધાને આગામી પાંચ વર્ષમાં ૫ ટ્રિલિયન અર્થવ્યવસ્થાનો આંક સિદ્ધ કરવાનું લક્ષ્ય જણાવ્યું હતું.] એ કુદરતી સંસાધનો દ્વારા નહીં, પરંતુ જ્ઞાન સંસાધનો દ્વારા ચલાવવામાં આવશે …. એ સંપૂર્ણ રીતે જુદી પરિસ્થિતિ હશે …. ઇકોસિસ્ટમ આપણને જુદી રીતે વિચારવાની ફરજ પાડશે અને આ સીમાચિહ્ન સિદ્ધ કરવાથી દેશભરમાં અનેકવિધ પરિણામો આવશે. … આ કરવા માટે આપણને જ્ઞાનસમાજની જરૂર પડશે જે મજબૂત શિક્ષણતંત્ર પર રચાયેલો હોય. … આ સંદર્ભમાં વડાપ્રધાને ભારતને નવી ઊંચાઈએ લઈ જવા માટે ચોથી ઔદ્યોગિક ક્રાંતિનો હેતુ પાર પાડવા માટે કરેલી હાકલ ખૂબ જ યોગ્ય છે. [પૃ.૩૩]

અહીં શિક્ષણ અને જ્ઞાનનાં અર્થ અને વ્યાખ્યા સ્પષ્ટ રીતે વૈશ્વિકીકરણના સંદર્ભમાં કર્યાં છે. શિક્ષણનો તમામ હેતુ આ મૂડીવાદની જરૂરિયાતોને પૂરી પાડવાનો અને એને માટે જરૂરી સમાજ ઊભો કરવાનો છે. શિક્ષણ અને ખાસ કરીને ઉચ્ચ શિક્ષણ, આવતાં ૨૫ વર્ષ અને તે પછી પણ સમાજને જે નિપુણતાની જરૂર હોય તે પૂરી પાડે એ વાત પર આ નીતિ ભાર મૂકે છે. ભવિષ્યનું કામકાજનું સ્થળ નિર્ણાયક વિચારશક્તિ, સંચાર-વ્યવહાર [કોમ્યુનિકેશન], પ્રશ્નોના ઉકેલ લાવવા, સર્જકશક્તિ અને વિવિધ શાખાઓના અભ્યાસની ક્ષમતા માગે છે. એક જ કૌશલ્ય (સ્કિલ) કે એક જ વિષયનું જ્ઞાન આ નવી પરિસ્થિતિમાં વખત જતાં નીકળી જશે [પૃ. ૨૦૨]. એની જગ્યાએ વૈશ્વિક અભિગમ, સમૂહમાં કામ કરવું, નૈતિક વિચારશક્તિ અને સામાજિક જવાબદારી જેવી પ્રવૃત્તિઓને પ્રોત્સાહન મળશે. શિક્ષણ વિશેનો આ ખ્યાલ જે વિદ્યાર્થીઓને ઝડપથી બદલાતી આર્થિક વ્યવસ્થામાં કામ કરવા માટે તૈયાર કરવાનો, ચોથી ઔદ્યોગિક ક્રાંતિ માટે શિક્ષિત કામદારો પેદા કરવાનો છે, એ વર્લ્ડ ઇકોનૉમિક ફોરમના પ્રચલિત વિમર્શ જે મલ્ટિ-ડૉલર કૉર્પોરેશનોનાં હિતોને પોષે છે, એનાથી પ્રેરિત છે. ’ચોથી ઔદ્યોગિક ક્રાંતિ’ જેવા વિચારો પણ આવા ફોરમના વિકસાવેલા છે. આવાં વૈશ્વિક કૉર્પોરેટ હિતોના વિચારો અને ભાષાનો કોઈ ખચકાટ કે ટીકા-ટિપ્પણી વગર ઉપયોગ કરવો અને માની લીધેલી હકીકત તરીકે આપણા દેશનાં પણ ધ્યેય તરીકે સ્વીકારવાં – આપણી પોતાની જરૂરિયાતો પર ધ્યાન આપ્યા વગર – એ કેવળ વિચિત્ર અને વાંધાજનક જ નહીં, પરંતુ દેશની સાર્વભૌમિકતા અને અખંડિતતા માટે પણ જોખમભરેલું છે. કોઈ સાર્વભૌમ દેશની શિક્ષણનીતિ આટલી ઉઘાડી રીતે આંતરરાષ્ટ્રીય કૉર્પોરેશનોનાં હિતોની ભાષામાં રચાય એવું ક્યાં ય બન્યું સાંભળ્યું નથી.

આ હેતુ પાર પાડવા નવી શિક્ષણનીતિ ‘ગુણવત્તાના શિક્ષણ’ [quality education] પર ભાર મૂકે છે. ગુણવત્તાનું શિક્ષણ એ જ્ઞાન અર્થવ્યવસ્થા તરફના સંક્રમણનો મુખ્ય, ચાવીરૂપ ભાગ છે. શરૂઆતમાં જ પોતાનો પક્ષ રજૂ કરતાં સમિતિના અધ્યક્ષ કહે છે કે ‘અત્યાર સુધીની નીતિઓ મોટે ભાગે શિક્ષણમાં પ્રવેશનો હક અને ન્યાયસંગતતા [એક્સેસ અને ઇક્વિટી] પર ભાર મૂકતી હતી. દુર્ભાગ્યે શિક્ષણની ગુણવત્તા માટે તેમણે પ્રયત્ન જ ન કર્યો. [પૃ.૨૫] આ સ્પષ્ટ કરે છે કે નવી શિક્ષણનીતિનો ઝોક શિક્ષણ પ્રાપ્તિનો બધાને સમાન હક મળે એ નહીં, પરંતુ ગુણવત્તા તરફ છે. જેનો પણ ખૂબ સીમિત અર્થ કરવામાં આવ્યો છે. સ્વાભાવિક રીતે આ નીતિ સમાજના ઘણા સમૂહોને શિક્ષણના લાભથી વંચિત રાખશે. આ નીતિમાં વિદ્યાર્થીને પ્રવેશની અને બહાર નીકળવાની અનેક શક્યતાઓ છેક માધ્યમિક શિક્ષણ (પ્રાથમિક શિક્ષણ તો આર.ટી.ઇ. મુજબ હવે ફરજિયાત છે.) માંડીને સંશોધનના સ્તર સુધી આપવામાં આવી છે. આ વ્યવસ્થા શિક્ષણમાં ચડતા-ઊતરતા દરજ્જાઓ ઊભા કરશે, જેમાં વંચિત સમૂહનાં બાળકો, છોકરીઓ વગેરે વચ્ચેથી જ નીકળી જશે અને સમૃદ્ધ વર્ગના યુવાનો છેક સુધી પહોંચશે. જે નીતિનું ધ્યેય કેવળ દેશના આર્થિક વિકાસને વધારવાનું હોય અને વિશ્વમાં નેતાગીરી પૂરી પાડવાનું હોય એમાં દેખીતી રીતે સમાજના વંચિત સમૂહો બહાર રહી જશે. આજે વધુ અને વધુ યુવાનોને ગુણવત્તાનું ઉચ્ચ શિક્ષણ મળે એ માટે પ્રયત્ન હોવો જોઈએ. ગુણવત્તાવાળા વિશ્વવિદ્યાલયો અને કૉલેજોનું શિક્ષણ, આ નીતિ કહે છે તેમ બધા જ નાગરિકો ‘જો એ ઈચ્છે તો મેળવી શકે.’ (પૃ. ૩૨, આ ઇટાલિક્સ મારા ઉમેરેલા છે.) આનો અર્થ એ થયો કે ઉચ્ચ શિક્ષણની જવાબદારી દરેક નાગરિકની પોતાની છે, સરકારની નહીં. જો એની ઇચ્છા હોય અને એ સાધનસંપન્ન હોય તો એને માટે એ સરળ છે. સરકાર પોતે એ ખાતરી નહીં આપે કે જવાબદારી નહીં લે કે દરેક વ્યક્તિને ઉચ્ચ શિક્ષણ ઉપલબ્ધ થાય. આ ઉપરાંત માધ્યમિક શિક્ષણથી શરૂ કરીને દરેક સ્તરે પ્રવેશ માટે, શિષ્યવૃત્તિ માટે, શિક્ષકના ચયન અને નિમણૂક માટે ‘મેરિટ’ના માપદંડ પર ભાર છે. વળી, ખરડામાં અનામતનો ક્યાં ય ઉલ્લેખ નથી. સદીઓથી શિક્ષણ વ્યવસ્થાની બહાર રહેલા વંચિત સમૂહોને ગંભીર રીતે ધ્યાનમાં લીધા વગર ‘જ્ઞાન સમાજ’ની વાત કેવી રીતે કરી શકાય? રોહિત વેમુલા અને ડૉ. પાયલ તડવી જેવાં દલિત વિદ્યાર્થીઓ ઉચ્ચ શિક્ષણના ક્ષેત્રમાં ભેદભાવના વાતાવરણના ભોગ બન્યાં છે. ખરડામાં બિનલાભદાયી સમૂહોને ઉચ્ચ શિક્ષણની સરળતા થાય એ માટે પ્રોત્સાહન અને મદદનો સાફસુથરો પ્રસ્તાવ જરૂર છે પરંતુ એમને માટે કોઈ ખાસ જોગવાઈ નથી અને જાતિગત અસમાનતા જેવા પ્રશ્નો વિશે કોઈ સંવેદનશીલતા નથી.

આ નીતિમાં વપરાયેલો ‘ગુણવત્તાના શિક્ષણ’નો ખ્યાલ એ એજંડા ફોર સસ્ટેનેબલ ડેવેલપમૅન્ટ ગોલ -૪ [એસ.ડી.જી. ૪]માંથી આવ્યો છે, જેનું મુખ્ય ધ્યાન ગુણવત્તાના શિક્ષણ પર કેન્દ્રિત થયેલું છે. એસ.ડી.જી. ૪ મુજબ દરેક રાષ્ટ્રનો પ્રયત્ન પોતાના નાગરિકોના જીવનમાં ટકાઉ ગુણવત્તા લાવવી એ હોવો જોઈએ. એના મતે ભવિષ્યના શિક્ષણનું બીજું મહત્ત્વનું પરિમાણ એ છે કે જ્ઞાન એ બધા જ વિસ્તારો સાથે સંકળાયેલું હોવાથી પરિવર્તનશીલ હશે. આમ, એસ.ડી.જી. ૪નો બધાને આવરી લેતો શિક્ષણનો ખ્યાલ એ જ્ઞાન વ્યાપક હોય અને ગુણવત્તાવાળું હોય એ છે. ખરડાએ આ વિચારને સ્વીકાર્યો છે અને શિક્ષણપદ્ધતિને પૂરેપૂરી બદલવાના પોતાના પ્રયત્નને વાજબી ઠેરવ્યું છેઃ ‘આટલો ઊંચો આદર્શ આખી શૈક્ષણિક વ્યવસ્થાને ફરીથી યોજવાની જરૂર પર ભાર મૂકે છે. કેવળ અભ્યાસક્રમ બદલવાથી કે અધ્યાપનમાં ફેરફાર કે સુધારા કરવાથી આ આદર્શ સફળ બની શકે નહીં. [પૃ. ૨૮].

સંયુક્ત રાષ્ટ્રસંઘે ૧૯૪૮માં કરેલી જાહેરાત [declaration] મુજબ ‘શિક્ષણ મનુષ્યના વ્યક્તિત્વના સંપૂર્ણ વિકાસ માટે અને માનવઅધિકારો અને પાયાની સ્વતંત્રતાઓ માટેના સન્માનને વરેલું હોવું જોઈએ.’ ૨૦૧૯ની નીતિમાં માનવઅધિકારો અને સ્વતંત્રતા માટે શિક્ષણના પ્રયોજનનો ક્યાં ય ઉલ્લેખ નથી. ‘મનુષ્યના વ્યક્તિત્વનો સર્વાંગી વિકાસ’ એ આ નીતિનો મુખ્ય સૂર છે. પરંતુ એની વ્યાખ્યા પણ ખૂબ સીમિત છે, જેમાં વિશ્લેષણની વિચારશક્તિ [જેના ઉદાહરણ તરીકે ડેટા-એનાલિસિસ કે સ્ટેટિસ્ટિક્સ પર અભ્યાસક્રમનું સૂચન છે!], પ્રશ્નો ઉકલેવાનું કૌશલ્ય, સામાજિક તેમ જ સંવેદનશીલતાનું કૌશલ્ય, સાંસ્કૃતિક જાગરુકતા અને સદ્‌ભાવ વગેરેનો સમાવેશ થાય છે. શિક્ષણ દ્વારા સ્વતંત્ર વિચારશક્તિ ખીલે, પ્રશ્નો કરવાની વૃત્તિ વધે અને એ દ્વારા નવું અને જુદું જ્ઞાન પેદા કરવાની સજ્જતા જે વ્યક્તિને તેમ જ સમાજને બદલવાની અને વિકસવાની ક્ષમતા ધરાવે એ ખ્યાલ આ નીતિમાં સંપૂર્ણપણે અનુપસ્થિત છે.

વ્યક્તિના સર્વાંગી વિકાસ માટે આ નીતિ ‘લિબરલ આટ્‌ર્સ એજ્યુકેશન’ એટલે કે ‘ઉદાર કલાઓના શિક્ષણ’નો ખ્યાલ રજૂ કરે છે, જેનો હેતુ ‘બધા વિદ્યાર્થીઓના સર્વાંગી વિકાસ માટેના પાયા તરીકે વધુ કલ્પનાપૂર્ણ અને વ્યાપક ભૂમિકાવાળું અને એની સાથે એમની પસંદગીના વિષયમાં સખત નિપુણતાવાળું શિક્ષણ’ [પૃ. ૨૨૦] મળે એ છે.

લિબરલ આટ્‌ર્સ અને લિબરલ એજ્યુકેશન એ પશ્ચિમી વિચાર છે, જે સ્વતંત્ર વિચારશક્તિ ધરાવનાર, હઠાગ્રહી મતોથી મુક્ત, પોતાની પરંપરા અને મેળવેલા પ્રચલિત જ્ઞાન વિશે હંમેશાં સંદિગ્ધ અને એ પ્રત્યે ખુલ્લું માનસ ધરાવનાર, બીજા, ભિન્ન વિચાર ધરાવનાર માટે માન રાખનાર, ઉચ્ચ સત્તાનું આંધળું અનુમોદન કરવા કરતાં પોતાની વિચારશક્તિ પર ભરોસો રાખનાર વ્યક્તિઓ પેદા કરે છે. શિક્ષણનો આ પાયાનો વિચાર છે. આ નીતિમાં ‘લિબરલ આટ્‌ર્સ’ કે ‘ઉદાર શિક્ષણ’ અને ’ઉદાર કળા’નો ઉપયોગ સિફતથી ચોથી ઔદ્યોગિક ક્રાંતિની પ્રચલિત ભાષાના ભાગ તરીકે કર્યો છે, જેથી એનો વૈશ્વિક મૂડીવાદનો સંદર્ભ જળવાઈ રહે. સાથે સાથે એની વ્યાખ્યા ભારતીય સંદર્ભમાં કરી છે અને એને મૂળ ભારતીય વિચાર તરીકે રજૂ કરવામાં આવ્યો છેઃ ‘ઉદાર કળાઓનો શબ્દશઃ અર્થ કળાઓનો ઉદાર ખ્યાલ એવો થાય છે. એ વિચાર કે મનુષ્યના સર્જનાત્મક પ્રયત્નની બધી શાખાઓ [ગણિત અને વિજ્ઞાન સુધ્ધાં] ’કળા’ કહેવાય એ ખાસ ભારતીય મૂળનો છે’ [પૃ. ૨૨૩]. બાણભટ્ટના ‘કાદંબરી’માં ૬૪ કળાઓનો ઉલ્લેખ છે, જેમાં સંગીત, ચિત્રકળા, ભાષા અને સાહિત્ય ઉપરાંત ઈજનેરી અને ગણિત તેમ જ સુથારીકામ જેવા વ્યાવસાયિક વિષયોનો સમાવેશ થાય છે. ‘લલિતવિસ્તાર’માં ૮૬ અને યશોધરના ‘જયમંગલા’માં ૫૧૨ કળાઓનો ઉલ્લેખ છે. ભારતીય સાહિત્યમાં આંતરશાખાકીય / વિવિધ વિદ્યાશાખાઓને સાંકળતી કૃતિઓનાં ઘણાં ઉદાહરણો છે. [જેમ કે ભરતનું ‘નાટ્યશાસ્ત્ર’] ભારતનાં તક્ષશિલા અને નાલંદા એ દુનિયાના સૌથી જૂનાં વિશ્વવિદ્યાલયો છે, જે ઉદાર કળાઓ અને ઉદાર શિક્ષણની પરંપરા પર ભાર મૂકતા જ્યાં વિદ્યાર્થીઓ વ્યાકરણ, તત્ત્વજ્ઞાન, રાજકારણ, ગણિત, વેપાર, સંગીત, નૃત્ય, તબીબી શાસ્ત્ર અને ઘણું બધું શીખવા આવતા (પૃ. ૨૨૩)? ‘ઉદાર કળાઓના શિક્ષણનો આ ભારતીય વિવેચનાત્મક ખ્યાલ આજે ૨૧મી સદીના રોજગારીના ક્ષેત્રમાં ઘણો જ મહત્ત્વનો બન્યો છે અને આ પ્રકારનું ઉદાર કળાઓનું શિક્ષણ આજે અમેરિકાની આઇવી લીગ સંસ્થાઓમાં મોટા પાયા પર અમલમાં મુકાઈ રહ્યું છે. ભારત આ મહાન પરંપરાને પોતાન મૂળ સ્થાને પાછી લાવીને મૂકે એનો સમય આવી ગયો છે.‘ [પૃ. ૨૨૪. આ ઇટાલિક્સ મારા ઉમેરેલા છે.]

અહીં ઉદાર કળા કે શિક્ષણનો બહુ જ સાદો અને સંકુચિત અર્થ કરવામાં આવ્યો છે. ઉદાર શિક્ષણ એટલે સર્વગ્રાહી શિક્ષણ, એકથી વધુ ‘કળા’ કે વિષયોનું એકસાથે શિક્ષણ, જે આજના વૈશ્વિકીકરણના સમયમાં જરૂરી છે. પરંતુ ખાસ તો ખરડામાં એને ભારતીય મૂળનો વિચાર બતાવાયો છે. આ નીતિ આ રીતે ભારતકેન્દ્રી  છે. એના મતે પ્રાચીન ભારતીય વિચારોનો આજે દુનિયાભરમાં ઉપયોગ થઈ રહ્યો છે અને આજના સમયની, વૈશ્વિક મૂડીવાદની, જરૂરિયાતો પૂરી કરવા માટે એ શ્રેષ્ઠ અભિગમ છે! છેવટે ખરડો નોંધે છે : ‘સર્વગ્રાહી અને ઉદાર શિક્ષણ, જે ભારતના ભૂતકાળમાં સુંદર રીતે વર્ણવવામાં આવ્યું છે, તે ભારતના ભવિષ્યના શિક્ષણ માટે, દેશને ૨૧મી સદીમાં અને ચોથી ઔદ્યોગિક ક્રાંતિ તરફ આગળ લઈ જવા માટે જરૂરી છે.’ [પૃ. ૨૨૫]  માનવવિદ્યા અને સમાજશાસ્ત્રનો કહેવાતી ઔદ્યોગિક ક્રાંતિ માટે આદર્શ કામદારો પેદા કરવા અભ્યાસ કરવો એ બતાવે છે કે આ વિષયોનું આ નીતિમાં શું સ્થાન છે! જાહેર હિતને બદલે કૉર્પોરેટ હિતોની સેવામાં આ વિષયોનો અભ્યાસ એમના અભ્યાસક્રમ અને ભંડોળ પર પણ અસર કરશે. બી.એલ.એ.(બેચેલર્સ ઑફ લિબરલ આટ્‌ર્સ)ની ડિગ્રીની કેવળ બજારુ કિમ્મત હશે. અને ખાસ તો એમાથી હાંસિયાનાં વર્ગનાં યુવાનો અને યુવતીઓ બહાર રહી જશે.

આ વિચારનો વ્યવહારુ ઉપયોગ એ શિક્ષણમાં દરેક વિષયને સાંકળવાનો અને એક પ્રકારનું સર્વગ્રાહી [holistic] ઉચ્ચ શિક્ષણ આપવાનો છે જેથી સમગ્ર વ્યક્તિત્વનો વિકાસ થઈ શકે અને “મગજની બંને બાજુઓ, સર્જનાત્મક અને વિશ્લેષક” [પૃ ૨૨૪] વિકસી શકે! એટલું જ નહીં, ચોથી ઔદ્યોગિક ક્રાંતિ અને જલદીથી બદલાતા રોજગારીના ક્ષેત્રને ધ્યાનમાં લઈને પણ આ જાતનું શિક્ષણ જરૂરી છે’ [પૃ.૨૨૫] જેમાં રોજગારીનો પ્રકાર હંમેશાં બદલાતો રહે છે અને એથી એકથી અધિક વિષયોનું જ્ઞાન એકથી વધુ નોકરી માટે તૈયાર થવા માટે જરૂરી છે. ઉચ્ચ શિક્ષણનું એક માત્ર ધ્યેય રોજગાર માટે વિદ્યાર્થીને તૈયાર કરવાનો છે. આજે જ્યારે બેરોજગારીનો પ્રશ્ન વિકટ થતો જાય છે અને જેનું કારણ નવ-ઉદારીકરણની અર્થવ્યવસ્થા છે, ત્યારે આ જ અર્થવ્યવસ્થા માટે યુવાનોને તૈયાર કરવા એ અપ્રામાણિક પ્રસ્તાવ છે.

આ નીતિ મુજબ ઉદાર શિક્ષણનો આશય માનવવિદ્યાઓને વિજ્ઞાન, તક્‌નિકી, ઇજનેરી અને ગણિત [સ્ટેમ] વિષયો સાથે સાંકળવાનો પણ છે. અભ્યાસક્રમ અને અધ્યાપનમાં આંતરશાખાકીય પદ્ધતિ પર ભાર મૂકવામાં આવશે. હવે ઉચ્ચ શિક્ષણમાં જુદા જુદા પ્રવાહો જેમ કે માનવવિદ્યા, વિજ્ઞાન વગેરે નહીં રહે, પરંતુ બધા વિષયોનો અભ્યાસ સંકળાયેલો હશે. વિદ્યાર્થી વિજ્ઞાનમાં ’મેજર’ અને ઇતિહાસમાં ‘માઇનર’ કરી શકશે.  આ વિચાર પણ સ્વીકારવો મુશ્કેલ છે. અધ્યાપનનું મુખ્ય પ્રયોજન વિદ્યાર્થીમાં જ્ઞાન કેળવવાનું છે. જ્યારે એકસાથે વિદ્યાર્થી જુદાજુદા વિષયનો અભ્યાસ કરે ત્યારે આ લગભગ અશક્ય બને છે. જેમ કે પદાર્થવિજ્ઞાન અને ગ્રામીણ અર્થવ્યવસ્થા જેવા બે તદ્દન વિપરીત વિષયોને કેવી રીતે સાંકળી શકાય એ સમજની બહારની વસ્તુ છે. વિદ્યાર્થી માટે આ બંને ભેગા કરવાનું જ્ઞાન નથી હોતું અથવા તો એ વિશે બહુ સામાન્ય સમજ હોય છે, જેથી એનો અર્થપૂર્ણ ઉપયોગ અશક્ય છે.

છેલ્લા થોડા સમયથી જમણેરી વિચારધારા ધરાવતી વ્યક્તિઓ ભારતની મહાનતા સાબિત કરવા એના ભવ્ય ભૂતકાળમાં બધા જ જ્ઞાનનો સ્રોત હતો એ દલીલો ઉદાહરણો આપીને કરે છે. આ ખરડામાં આ વાતનો વારંવાર ઉલ્લેખ છે. આ અર્થમાં આ નીતિ ‘ભારતકેન્દ્રી’ છે. ખરડાના દાવા મુજબ આજે જે પ્રકારના શિક્ષણની આવશ્યકતા છે એ જાતનું શિક્ષણ ભારતમાં પ્રાચીન સમયમાં ઉપલબ્ધ હતું. આજે જે કંઈ જ્ઞાન ઉપલબ્ધ છે. એ બધું, વૈજ્ઞાનિક શોધખોળો સુધ્ધાં, પ્રાચીન ભારતમાં અસ્તિત્વમાં હતું એ દંતકથાઓને આધારે સિદ્ધ કરવું એ અવૈજ્ઞાનિક અને અબૌદ્ધિક દલીલ છે, તેમ જ અપ્રસ્તુત અને બિનજરૂરી છે અને બનાવટી દાવાઓ સિવાય કંઈ નથી. જ્ઞાનને કોઈ સીમા નથી હોતી અને જ્ઞાન ભવિષ્યલક્ષી હોય છે. જ્ઞાન ક્યાં પેદા થયું એ નહીં પરંતુ વ્યક્તિ અને સમાજને સમજવા, વિકસવા અને બદલવા માટે કેટલું અને કેવી રીતે જરૂરી અને ઉપયોગી છે એ વધુ અગત્યનું છે. જ્ઞાનને ભૂતકાળમાં સ્થગિત અને બંધિયાર કરવું એ માનસિક સંકુચિતતા અને લઘુતાગ્રંથિ તેમ જ પ્રત્યાઘાતી વલણ દર્શાવે છે. શિક્ષણસંસ્થાઓમાં જો ભૂતકાળ તરફ જ્ઞાનની ગતિ પર ભાર મૂકવામાં આવશે, તો જ્ઞાનની નવી, સ્વતંત્ર, વિવિધ દિશાઓ ખૂલવાનું બિલકુલ અશક્ય બનશે. આ વિચારમાત્ર ધ્રૂજવનારો છે. ખરડામાં રહેલા આ સંકેતો ખૂબ જ ચિંતાજનક છે. આજે ‘સેક્યુલર’ / ધર્મનિરપેક્ષ અને ‘લિબરલ’ / ઉદારમત શબ્દો / વિચારો પર જમણેરી તત્ત્વો દ્વારા આકરા પ્રહારો થાય છે. આ શિક્ષણનીતિ જાણે એમનો મૃત્યુઘંટ છે. દરેક નીતિવિષયક દસ્તાવેજ બંધારણથી બંધાયેલો છે. આ ખરડામાં બંધારણનાં મૂલ્યો શિક્ષણમાં દાખલ કરવાનો નિર્દેશ છે, પરંતુ ‘ધર્મનિરપેક્ષતા’નો ક્યાં ય ઉલ્લેખ નથી એ તરત ધ્યાન ખેંચે છે.

શિક્ષણને ભારતકેન્દ્રી બનાવવા પર ખરડામાં મુકાયેલો ભાર એ અનેક સૂચનો દ્વારા હિન્દુપરંપરા-કેન્દ્રી અભ્યાસ સૂચવે છે. શાળાઓના અભ્યાસક્રમોમાં ‘પંચતંત્ર’ અને જાતકકથા, હિતોપદેશની કથાઓનો ઉલ્લેખ છે પરંતુ ઇસપકથાઓ અને અરેબિયન નાઇટ્‌સનો ઉલ્લેખ નથી. શાળાઓમાં ‘નૈતિક’ સિદ્ધાંતો સામેલ કરવાનું સૂચન છે અને એ માટેનાં ઉદાહરણો બતાવે છે કે વર્ગમાં ધાર્મિક પુસ્તકો વાપરવા માટે ચોખ્ખી સગવડ છે. આ બિનસાંપ્રદાયિક શિક્ષણના મૉડલથી ઘણું ભિન્ન છે અને બંધારણે આપેલા વચન કે ‘રાજ્યના ખર્ચે ચાલતી કોઈ શૈક્ષણિક સંસ્થા ધાર્મિક શિક્ષણ નહીં આપે’ [આર્ટીકલ ૨૮(૧)]નો ભંગ છે. ઉચ્ચ શિક્ષણના અભ્યાસક્રમોમાં ભારતીય ભાષાઓ, સાહિત્ય અને તત્ત્વજ્ઞાન [ભારતીય, બૌદ્ધ અને જૈન તત્વજ્ઞાન], ઇન્ડોલોજી, ભારતની ઊંડી પરંપરાઓ, અને યોગ અંતર્ગત ભાગ હશે જેથી વિદ્યાર્થીઓની ભારત વિશેની ‘સાંસ્કૃતિક સાક્ષરતા’ (પૃ. ૨૩૦) વધે. ભાષાઓને ‘સ્થાનિક’ અને ‘પ્રાદેશિક’ અને નહીં કે ‘ભારતીય’ તરીકે વર્ણવતા એમની સામાજિક-સાંસ્કૃતિક વિપુલતાની ઉપેક્ષા કરવામાં આવી છે. ખરડો સંસ્કૃત ભાષાને ‘આધુનિક ભાષા’ તરીકે બઢતી આપવાની ભલામણ કરે છે. કાયદાશાસ્ત્રના શિક્ષણને જરૂરી અગત્ય અને સ્વીકૃતિ આપવા માટે અભ્યાસક્રમ ભણાવનારાઓને ‘લોકોની સંસ્કૃતિ અને પરંપરાનો આધાર લઈ કાયદાશાસ્ત્રની સંસ્થાઓના ઇતિહાસની અને ‘ધર્મ’ના ‘અધર્મ’ પરના વિજયની, જે ભારતના સાહિત્ય અને દંતકથાઓમાં મોટા અક્ષરે લખાયેલો છે, એની નોંધ લેવા વિનંતી’ [પૃ. ૩૦૩] કરવામાં આવી છે. આજે જ્યારે પ્રાચીન ભારતમાં વિજ્ઞાનની શોધો વગેરે વિશે પોકળ દાવા થઈ રહ્યા છે અને ઐતિહાસિક વ્યક્તિઓને અભ્યાસક્રમમાંથી કોમવાદી કારણોસર કાઢવા કે ઉમેરવાની ચેષ્ટા થઈ રહી છે ત્યારે શિક્ષણનીતિમાં ધર્મનિરપેક્ષતાના સિદ્ધાંતની અનુપસ્થિતિ અમુક વિચારધારાનું સમર્થન કરનારાઓને અભ્યાસક્રમ અને અધ્યાપનમાં છૂટો દોર આપશે, જેને લીધે બીજા ધર્મ અને જાતિના વિદ્યાર્થીઓની હાલત અસલામત બનશે.

ખરડામાં સૌથી ચોંકાવનારી વાત એ શિક્ષણના કેન્દ્રીકરણનું સૂચન એ છે. આ કેન્દ્રીકરણ અનેક સ્તરોએ અને અનેક સ્વરૂપે જોવા મળે છે. ખરડામાં સ્વતંત્ર શાળાઓ અને કૉલેજોની જગ્યાએ શાળા અને કૉલેજોના ‘સમૂહો’ રચવામાં આવશે, એવું સૂચન છે. આનાં ઘણાં વિપરીત પરિણામો આવશે અને એનો ભોગ સમાજના વંચિત સમૂહોના વિદ્યાર્થીઓએ બનશે. મોટી, વિશાળ શૈક્ષણિક સંસ્થાઓ માટે મોટું વ્યવસ્થાતંત્ર અમલમાં આવશે, વંચિત વર્ગનાં બાળકોને પોતાના રહેઠાણની નજીકમાં શિક્ષણ ઉપલબ્ધ નહીં થાય વગેરે અનેક પ્રશ્નો ઊભા થશે. આ ઉપરાંત, ખરડામાં નિયંત્રણ રાખનારી, કેન્દ્રીકરણની ઘણી વ્યવસ્થાઓનાં સૂચનો છે. જેમ કે બધી જ જાહેર ઉચ્ચ શિક્ષણ સંસ્થાઓમાં બધા અનુસ્નાતક કાર્યક્રમો માટે પ્રવેશ માટેની પરીક્ષા નૅશનલ ટેસ્ટિંગ એજન્સી દ્વારા લેવાશે [પૃ. ૨૩૮]. શિક્ષણસંસ્થાઓમાં પુસ્તકાલયો માટે ઑનલાઇન સામયિકો માત્ર સરકાર જ ખરીદશે [પૃ. ૨૩૭]. સંશોધન માટે ‘રાષ્ટ્રીય સંશોધન આયોગ’ની રચના કરવામાં આવશે જે સંશોધનને લગતા કાર્યોનું સંકલન કરશે અને વિષયોની પસંદગી વગેરે પર દેખરેખ રાખશે [જે પ્રયોગ ગુજરાતમાં પહેલેથી જ થઈ રહ્યો છે.] અને શિષ્યવૃત્તિ તેમ જ ભંડોળ પૂરું પાડશે. યુનિવર્સિટી ગ્રાંટ્‌સ-કમિશનની જગ્યાએ ભારતીય ઉચ્ચ શિક્ષણ આયોગ [એચ.ઇ.સી.આઈ.]નો કાનૂની ખરડો જેની ગયે વર્ષે ઘોષણા થઈ હતી એ ટૂંક સમયમાં પાર્લામેંટમાં રજૂ થશે એ જાહેરાત નાણામંત્રીએ બજેટ દરમિયાન કરી હતી. જેને લીધે નાણાકીય મદદ અને શૈક્ષણિક પ્રશ્નો મંત્રાલયના દાયરામાં આવશે. યુ.જી.સી. એ સ્વાયત્ત સંસ્થા હતી જેના કાર્યમાં સરકારનો હસ્તક્ષેપ ન હતો. એની જગાએ સરકાર નિયંત્રિત ભંડોળ ફાળવનારી વ્યવસ્થા અમલમાં આવશે.

ખરડામાં સૌથી ચિંતાજનક સૂચન એ ‘રાષ્ટ્રીય શિક્ષા આયોગ’ના ગઠનનું છે જેના પ્રમુખ ભારતના પ્રધાનમંત્રી હશે અને એ ઉપરાંત એમાં અનેક બીજા વિભાગોના મંત્રીઓ અને અધિકારીઓ હશે. માત્ર ૫૦ % સભ્યો શિક્ષણવિદો અને વિદ્વાનો હશે. આ આયોગમાં અનુસૂચિત જાતિઓ કે સ્ત્રીઓના પ્રતિનિધિઓ વિશે કોઈ ઉલ્લેખ નથી. ઉપરાંત શિક્ષણ સાથે સીધી રીતે સંકળાયેલા વર્ગો, શિક્ષકો અને વિદ્યાર્થીઓના પ્રતિનિધિત્વ વિશે પણ ઉલ્લેખ નથી. આ ખરડો પ્રધાનમંત્રીને દેશમાં ઉચ્ચ શિક્ષણના સાર્વભૌમિક ઉપરી ઠેરવે છે અને દરેક વૈધાનિક સંસ્થાના સભ્યો નીમવાની સત્તા આપે છે. આ આયોગ સમગ્ર શિક્ષણતંત્ર પર દેખરેખ રાખશે, એની સમીક્ષા કરશે અને દિશાસૂચન કરશે. આવું અતિરિક્ત – સંવૈધાનિક, રાજકીય, વગર ચૂંટણીએ નિમાયેલા સભ્યોનું આયોગ શિક્ષણ સંસ્થાઓ પર પોતાની દૃષ્ટિ ઠોકી બેસાડે એ સંસ્થાકીય સ્વાયત્તતાની હડહડતી ઉપેક્ષા છે. આ આયોગ કોઈને જવાબદાર નથી, એ વાત પણ ચિંતા ઉપજાવનારી છે. ખરડાનો આ પ્રસ્તાવ અત્યંત દુર્ભાગ્યપૂર્ણ છે અને આ સંદર્ભમાં ખરડામાં જ્યાં, ત્યાં કરેલા સ્વાયત્તતાનાં સૂચનો પોકળ અને અપ્રમાણિક જણાય છે. 

નવી શિક્ષણનીતિ-૨૦૧૯ આમ ખરેખર શિક્ષણના વિચારમાં પાયાનું પરિવર્તન [પેરેડાઇમ શિફ્ટ] છે. આ વિચારના મૂળમાં બે સંદર્ભબિંદુઓ છે – ભારતકેન્દ્રી [હિન્દુ પરંપરાકેન્દ્રી] વિચારધારા અને ૨૧મી સદીના વૈશ્વિકીકરણની જરૂરિયાતો. બંનેનો અહીં એકબીજાના પૂરક તરીકે ઉપયોગ થયો છે. આ સંદર્ભમાં આ નીતિ આજની ૨૧મી સદીની વૈશ્વિક પરિસ્થિતિ, જેમાં જમણેરી તત્ત્વો અને વૈશ્વિક મૂડીવાદનું ગઠબંધન જોવા મળે છે, એની ઉત્તમ રજૂઆત છે. સ્વતંત્ર અને જુદું વિચારવાની શક્તિ, વિવાદ, પ્રશ્નો અને અસહમતીના સતત મંથન દ્વારા ઊપજતું અને વિકસતું નવું જ્ઞાન અને એ દ્વારા વ્યક્તિ અને સમાજને સમજવાની અને બદલવાની શક્તિનો વિકાસ જે શિક્ષણનું સાચું સ્વરૂપ છે એની જગાએ શિક્ષણનો અત્યંત સીમિત અને સંકુચિત ખ્યાલ જે વૈશ્વિક મૂડીવાદને પોષે છે અને ભારતને એની નેતાગીરી લેવા માટે તૈયાર કરે છે, એ ભારતના ભવિષ્યની એક બિહામણી કલ્પના રજૂ કરે છે. જે શિક્ષણનીતિ આંતરરાષ્ટ્રીય કૉર્પોરેશનોનાં હિતો અને ભાષાથી પ્રેરાઈને ઘડાઈ હોય, જેનાથી દેશનું સાર્વભૌમત્વ અપમાનિત અને ખંડિત થતું હોય, જે નીતિ એક ચોક્કસ વિચારધારાની હિમાયત કરતી હોય, જેનાથી બિનસાંપ્રદાયિકતાના બંધારણના સિદ્ધાંતનો ભંગ થતો હોય અને જે નીતિમાં શિક્ષણ રાજકીય નેતૃત્વના નિયંત્રણ નીચે હોય, જેનાથી શિક્ષણની સ્વાયત્તતા જોખમમાં મુકાય એ નીતિની સંપૂર્ણપણે ફેરવિચારણા કરવાની અત્યંત તાકીદની જરૂર છે.

(૨૫ જૂને ‘સેવ એજ્યુકેશન સોસાયટી’ તરફથી નવી શિક્ષણ નીતિ પર અમદાવાદમા યોજાયેલા પરિસંવાદમાં બોલાયેલું.)

E-mail : svati.joshi@gmail.com

સૌજન્ય : “નિરીક્ષક”, 16 જુલાઈ 2019; પૃ. 03-06

Loading

‘બાતન કી એક બાત’

રમેશ કોઠારી|Opinion - Opinion|15 July 2019

આશ્ચર્ય, આઘાત અને રમૂજમિશ્રિત સમાચારો મળતા રહે છે, જેમાં આપણા શાસકો અને અમલદારોના બૌદ્ધિક સ્તર, ઇરાદાઓ, માનસિકતાનો પડઘો પડતો જોવા મળે છે.

આવકવેરા અધિકારીઓએ કોઈ શાળામાં જઈને ત્યાંનાં બાળકોને, તે મોટી વયનાં થાય ત્યારે, કરચોરી ન કરવાના શપથ લેવડાવ્યા. અરે મારા સાહેબો! ભવિષ્યની ચિંતા છોડો, અત્યારે આ પ્રકારના શપથ કોની પાસે લેવડાવવા તે આપ જાણો જ છો. નેતાઓ, ઉચ્ચ પદાધિકારીઓ, રમતવીરો, અભિનેતાઓ વગેરે પાસે જતાં આપ મહાનુભાવોને કોણ રોકે છે ? દેખીતો આવકનો કોઈ સ્રોત ન હોવા છતાં છાશવારે પોતાની પાસે અમુક કરોડોની સંપત્તિ હોવાનું ગર્વભેર જાહેર કરનાર કદાવર વ્યક્તિને પૂછો તો ખરા કે ‘ભાઈ, આટલી સંપત્તિ આવી ક્યાંથી ?’ અને બિચારાં નિર્દોષ બાળકો … કે પછી નબળો ધણી બૈરી પર શૂરો? (જો કે હવે બૈરીને શૂરાતન બતાવવાના દિવસો ગયાં.)

હમણાં વડીલ મહેન્દ્ર મેઘાણીએ પોતાના સાર્થક જીવતરનાં સત્તાણું વર્ષ પૂરાં કરી અઠ્ઠાણુંમાં વર્ષમાં પ્રવેશ કર્યો, ત્યારે one man institute જેવા મહેન્દ્રભાઈના પ્રદાનની નોંધ લેવાનું, આપણાં વર્તમાનપત્રો અને વિશ્વવિદ્યાલયો તથા વિવિધ જાહેર સંસ્થાઓ કેમ ચૂકી ગયાં હશે ? પણ એ નથી કોઈ રાજકીય હસ્તી, કોઈ ઉદ્યોપગતિ, કોઈ અમલદાર – પછી આમ જ થાયને? આપણી પાસે કોઈ શપથ લેવડાવ્યા વિના તેમણે આપણાં બાળકોને ઉમદા વાચન મળે તે માટે જાત ઘસી નાખી છે. એમનાં નામ અને કામથી અજાણ નાગરિકો અને અધ્યાપકો પણ મળી રહેવાની પૂરી સંભાવના.

ભૂતપૂર્વ ધારાસભ્યો પેન્શનની માગણી લઈ મેદાનમાં આવ્યા છે. સહેજે પચીસ-ત્રીસ લાખ ખર્ચીને વિજેતા થયેલા અને તે પછી વિવિધ આર્થિક લાભ મેળવનારા આ સેવકોની (!) કફોડી હાલત માટે દયા ખાવી રહી. નોકરીમાં નવાસવા જોડાયેલા યુવાનોને વિદ્યાસહાયક / અધ્યાપક-સહાયકના રૂપાળા નામે, ‘સમાન કામ, સમાન વેતન’ના નિયમને અવગણી પાંચ વર્ષ શોષણ કરવાનું અને પછી નિવૃત્તિકાળે ‘પેન્શન’થી વંચિત રાખવાના. એમના વતી કોણ બોલશે?

ખલેલ પહોંચાડે એવા ઘટનાઓ બનતી જ રહે છે. આકાશ વિજયવર્ગીય જેલમાંથી બહાર આવે તો તેને આવકારવા તેના સમર્થકો પહોંચી જાય. મીઠાઈ વહેંચવામાં આવે. There are many to bat for him. આપણી સહાનુભૂતિ તો જેના પર આકાશ તૂટી પડ્યું, એ સહાયક અમલદાર માટે જ હોય.

કેટકેટલાની ચિંતા કરવાની? સ્વામી આનંદે તેમના પુસ્તક ‘બાહ્યાન્તર યાત્રા’માં તુલસીદાસના એક પદનો ઉલ્લેખ કર્યો છે, જેમાં આ સંતકવિ કહે છે. આયખું અલ્પ છે, વેદ, પુરાણ, કાવ્યકલાનો વ્યાપ મોટો છે, ચિત્ત ક્યાં ક્યાં પરોવવું? ‘બાતન કી એક બાત’ જન્મ સુધારવો હોય, તો રામનામ લેવું.

આપણે ય સો વાતની એક વાત – બાતન કી એક બાત – સાક્ષીભાવે બધું નિહાળ્યા કરવું. ન મૂંગા રહેવાય, ન બોલાય. ભલા લોકો પર સિતમ ગુજારાય ત્યારે જે.પી., લોહિયા, ઉમાશંકર, માવળંકર વગેરેની ખોટ ખૂબ સાલે છે. ક્યારેક એમના બરની કોઈ પ્રતિભા મળી રહેશે, એ શ્રદ્ધાના બળે ટકી જવાશે.

ગાંધીનગર

સૌજન્ય : “નિરીક્ષક”, 16 જુલાઈ 2019; પૃ. 15

Loading

...102030...2,7412,7422,7432,744...2,7502,7602,770...

Search by

Opinion

  • પાલિકા-પંચાયત ચૂંટણીઓમાં વિલંબ લોકતંત્ર માટે ઘાતક છે
  • અદાણી ભારત કે અંબાણી ઈન્ડિયા થશે કે શું?
  • પ્રતાપ ભાનુ મહેતા : સત્તા સામે સવાલો ઉઠાવતો એક અટલ બૌદ્ધિક અવાજ
  • લાઈક-રીલ્સથી દૂર : જ્યારે ઓનલાઈનથી ઓફલાઈન જિંદગી બહેતર થવા લાગે
  • રુદ્રવીણાનો ઝંકાર ભાનુભાઈ અધ્વર્યુની કલમે

Diaspora

  • દીપક બારડોલીકરની પુણ્યતિથિએ એમની આત્મકથા(ઉત્તરાર્ધ)ની ચંદ્રકાન્ત બક્ષીએ લખેલી પ્રસ્તાવના.
  • ગાંધીને જાણવા, સમજવાની વાટ
  • કેવળ દવાથી રોગ અમારો નહીં મટે …
  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !
  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ

Gandhiana

  • ગાંધીસાહિત્યનું ઘરેણું ‘જીવનનું પરોઢ’ હવે અંગ્રેજીમાં …
  • સરદાર પટેલ–જવાહરલાલ નેહરુ પત્રવ્યવહાર
  • ‘મન લાગો મેરો યાર ફકીરી મેં’ : સરદાર પટેલ 
  • બે શાશ્વત કોયડા
  • ગાંધીનું રામરાજ્ય એટલે અન્યાયની ગેરહાજરીવાળી વ્યવસ્થા

Poetry

  • ગઝલ
  • કક્કો ઘૂંટ્યો …
  • રાખો..
  • ગઝલ
  • ગઝલ 

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved