Opinion Magazine
Number of visits: 9576626
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

કાંતિ ભટ્ટ: બેચેનીનાં ૮૮ વર્ષ

રાજ ગોસ્વામી|Opinion - Opinion|22 September 2019

"સૌથી સુંદર લોકો એ છે જેમણે શિકસ્ત જોઈ છે, જેમણે પીડા જોઈ છે, જેમણે સંઘર્ષ જોયો છે, જેમણે આચકો ખાધો છે અને જેમણે એ તળિયામાંથી એમનો રસ્તો શોધ્યો છે. આવા લોકોમાં કદર, સંવેદનશીલતા અને જીવનની સમજ હોય છે, જે તેમને કરુણા, ભલમનસાઈ અને ગહેરી પ્રેમાળ સહાનુભુતિથી છલોછલ ભરી દે છે. સુંદર લોકો એમ જ નથી બનતા."

— એલિઝાબેથ કુબલર-રોસ,

[ડેથ: ધ ફાઈનલ સ્ટેજ ઓફ ગ્રોથ’]

કાંતિભાઈ છદ્મ હતા. ગાયબ થઇ ગયેલા હતા. કેવી રીતે?

હું કાંતિ ભટ્ટને સિદ્ધાર્થ શાહ તરીકે ઓળખું છું, અથવા ઓળખતો હતો. કાંતિ ભટ્ટને અલગ-અલગ નામે લખવાનો શોખ હતો. શોખ કહો કે અખબારો-સામયિકોની અંદરોઅંદરની હરીફાઈ સામેની ગોઠવણ કહો, કાંતિભાઈને છદ્મ નામો એવાં ફાવી ગયેલાં કે તે નિત નવાં નામો શોધી કાઢતા અને ખુદ એ નામોમાં માનતા થઇ ગયેલા. અમુક નામો તો મને યાદ છે: પ્રેમસ્વરૂપ ભટ્ટાચાર્ય, પ્રિયકાન્ત ભાટિયા, ચંદ્રગુપ્ત મૌર્ય અને નીલેશ કંપાણી. એમાં બે 'સ્ત્રી' કાંતિ ભટ્ટ પણ હતા: મયૂરી શાહ અને પૌલોમી.

મુંબઈમાં 'ગુજરાત સમાચાર'માં કાંતિભાઈ 'આસપાસ' નામની રોજ કોલમ લખતા, એમાં સિદ્ધાર્થ શાહનું નામ આવે. આ ૧૯૯૦ની આસપાસની વાત છે. રોજબરોજની ઘટનાઓ પર, સમાચાર પત્રમાં રોજ કોલમ લખવાની શરૂઆત કાંતિભાઈએ 'આસપાસ'માં કરેલી. જેને સક્રિય પત્રકારત્વ કહે છે અથવા ફિલ્ડ રિપોર્ટીંગ કહે છે, તેમાંથી કાંતિભાઈ 'નવરા' પડ્યા અને કોલમ લખવામાં પરોવાયા, તેમાં આ 'આસપાસ' કોલમનો બહુ મોટો ફાળો.

'ચિત્રલેખા'માં ત્યારે તે કાંતિ ભટ્ટના નામે લખતા અને 'ગુજરાત સમાચાર'માં સિદ્ધાર્થ શાહના નામે. સાતે સાત દિવસ કોલમ આવે. દેશ-દુનિયાના દિવસના સૌથી મોટા સમાચાર હોય, કાંતિભાઈ એમાં પુરક માહિતીઓ ઉમેરીને સાંજે 'આસપાસ' લખે. વાચકોને એ જ દિવસના છાપામાં, એ જ સમાચારનું, તાબડતોબ વધારાનું વાંચન મળતું. પાછળથી આ 'આસપાસ' કોલમ એટલી લોકપ્રિય થઇ કે સિદ્ધાર્થ શાહને પદભ્રષ્ટ કરીને કાંતિ ભટ્ટ એમાં આવી ગયા!

જે નવોદિત પત્રકારો કે લેખકો, પ્રસિદ્ધિના અર્થમાં અને કોપીરાઇટના અર્થમાં, પોતાના નામનો મોહ રાખે છે, તેમને આમાંથી શીખવા જેવું એ છે કે તમે શું લખો છો તે અગત્યનું છે, કોણ લખે છે, તે નહીં. આ સમજવા જેવું છે. લખાણ લેખકથી ઓળખાવું ના જોઈએ, લેખક લખાણથી ઓળખાવો જોઈએ. મોટાભાગના કિસ્સાઓમાં થાય છે ઊંધું. લેખકો પોતાના પ્રેમમાં એટલા પડી જાય છે કે નીચે પોતાની સહી કરીને લખાણને મહાન બનાવવા પ્રયાસ કરે છે.

વાચકો એટલા બબુચક છે નહીં, જેટલા આપણે ધારીએ છીએ. લેખક પ્રસિદ્ધ છે, તેનો મતલબ એ નથી કે એ જે ગાંડુંઘેલું લખે, તે બધું લોકો પસંદ કરે છે. જે દિવસે લેખક એના લખાણ કરતાં મોટો થઇ જાય, ત્યારે એનું લખાણ નાનું થઇ જાય. કાંતિ ભાઈછેક સુધી એમના નામને બદલે એમના લખાણને વફાદાર રહ્યાં. એમને નામનો નહીં, લખાણનો મોહ હતો!

ગુજરાતીમાં આવા અનેક મહાન લેખકો અને પત્રકારો છે, જે તેમના લખાણોના કારણે નાના થઇ ગયેલા છે!

કાંતિ ભટ્ટે લખાણને કાયમ પહેલા નંબરે રાખ્યું. લખનાર કાંતિ ભટ્ટ હોય કે સિદ્ધાર્થ શાહ, શું ફરક પડે છે? તેમના અવસાનના ચાર દિવસ પહેલાં, તેમના ૮૮મા જન્મદિવસની ઉજવણી અને તેમના સન્માનનો એક કાર્યક્રમ ગોઠવાયેલો, તેમાં કાંતિભાઈએ પત્રકારત્વની બહુ સાદી (હવે જે દુર્લભ છે) વાત કરી હતી, "લોકોને માહિતી આપો, તમારા વિચાર નહીં." કાંતિભાઈ સમાચારના, માહિતીના પત્રકાર હતા. આજે પત્રકારો માહિતી નહીં અભિપ્રાય આપે છે, અને એટલે નીચે 'લખનાર હું પોતે' એવી સહી કરે છે. પત્રકાર પોસ્ટમેન જેવો હોય છે. તે ટપાલ પહોંચાડે. ટપાલ શું છે, તે અગત્યનું છે, ટપાલી કોણ છે, તે નહીં. એટલા માટે જ કાંતિ ભટ્ટ એમના લેખ નીચે કોઈ પણ નામ લખી દેતા હતા.

ઉપર લખ્યું તેમ, કાંતિભાઈને છદ્મ નામો ફાવી ગયેલાં. એનું કારણ વ્યવસાયીક મજબૂરી તો હશે જ, હું એને એમની એક આંતરિક મજબૂરીમાં જોઉં છું.

કાંતિ ભટ્ટને કાંતિ ભટ્ટ સામે સમસ્યા હતી. એક રોષ હતો, એક ક્રોધ હતો. એ કાંતિ ભટ્ટને બદલવા માંગતા હતા. તેમનું બચપણ અને યુવાની કંકાસવાળા ઘરમાં પસાર થઇ હતી. તેમના પિતા અત્યંત ક્રોધિત વ્યક્તિ હતા. "પત્રકાર તરીકે નહીં પણ કાંતિલાલ હરગોવિંદ ભટ્ટ તરીકે પણ મેં એકે ય સારી દિવાળી જોઇ નથી. અમુક દ્રષ્ટિએ મારું આખું કુટુંબ શાપિત કુટુંબ હોય તેવું લાગે છે. માત્ર હું પત્રકાર બન્યો અને કાંતિ ભટ્ટ તરીકે લોકો જાણે છે એ એક નાનકડું આશ્વાસન છે, પણ અંગત રીતે મને એ આશ્વાસન ગમતું નથી," એવું કાંતિભાઈએ લખેલું છે.

કાંતિભાઈ તેમના અંગત જીવનમાં અત્યંત ક્રોધિત વ્યક્તિ હતા, એવું કહું તો એમાં નકારાત્મકતાના ભાવ કરતાં, તેમને સમભાવથી જોવાનો પ્રયાસ વધુ છે. કદાચ એ વારસામાં હતું. કદાચ એ જીનેટિક હતું. કાંતિભાઈના એ ક્રોધને બેચેની કે રેસ્ટલેસનેસનું નામ આપી શકાય. આ રેસ્ટલેસનેસ જ એમનો સમુદ્રી કંપાસ બની ગયો અને એમને ગુજરાતી પત્રકારત્વના છેલ્લા મહાન પત્રકારોમાંથી એક બનાવી ગયો. એ ગમે તે નામે લખવા તૈયાર હતા, કારણ કે અંદર જે બેચેની, ક્રોધ અને ફરિયાદ હતી, તે તેમણે લખવા-વાંચવામાં ડુબાડી દીધી હતી. મેં એકવાર એમને સૂચન કરેલું (જયારે એ લખવામાં થોડા પેન-છુટ્ટા થઇ ગયેલા ત્યારે) કે જથ્થાબંધ લખવાની ઓછું કરીને અઠવાડિયે એક મસ્ત લેખ લખોને!

આમતેમ ઉડાઉ જવાબ આપીને મને એમણે કહેલું, "લખીશ નહીં, તો મરી જઈશ." આ સાચું છે. લોકો રાતે ઊંઘ ના આવે તો અલ્પ્રાઝોલમની ગોળીઓ ખાય કે દારૂનો પેગ બનાવે. કાંતિભાઈ લખવા બેસે. મને કહેલું, "રાતે બે વાગે ઊઠીને લખવા બેસી જાઉં છું."

આ બધું વાંચવામાં કે સાંભળવામાં બહુ રોમેન્ટિક લાગે, પણ આ ઘવાયેલા આત્માનાં તરફડિયાં છે, જેને અંગ્રેજીમાં રેસ્ટલેસનેસ એટલે કે બેચેની કહે છે. રેસ્ટલેસનેસ એટલે વ્યાવસયિક અને અંગત જિંદગી પ્રત્યે એક પ્રકારનો અભાવ. "બસ આ જ? બસ આટલું જ?" એ રેસ્ટલેસનેસનો પાયાનો પ્રશ્ન. બહારથી જીવન ભર્યુંભાદર્યું લાગતું હોય, પણ અંદરથી અસંતોષ હોય. તમે વ્યસ્ત હો અને સફળ હો, પણ અંદર ખાલીપણાનો અહેસાસ હોય. આ બેચેની, આ સતહીપણું, આ અવસાદ અને આ ખીજ તમે તમારા બોસ, તમારા દોસ્તો કે તમારા પરિવાર પર ઠાલવી ના શકો. તમને આવા ભાવ કોરી ખાતા રહે કારણ કે જીવનમાં તમે જે વિકલ્પો પસંદ કર્યા છે, તે તમને જોડાવાને બદલે જાત સાથેથી ડિસ્કનેક્ટ કરે.

માણસની સર્જનાત્મકતા આ રેસ્ટલેસનેસમાંથી આવે છે. આપણા જીવનની જે શ્રેષ્ઠતમ ક્ષણો છે, તે ત્યારે આવે છે, જયારે તમે ગહેરાઈમાં અસુખ, અધુરપ અને અસંતોષનો અહેસાસ કરતા હો. તમે જ્યારે અસુવિધા અનુભવો, ત્યારે જ તમે ચીલામાંથી ખુદનો કાંઠલો ઝાલીને બહાર નીકળો અને અસલી જવાબો શોધવાના બીજા રસ્તા અપનાવો.

ઇંગ્લિશ કવિ વિલયમ વર્ડ્ઝવર્થે તેની કવિતા 'ધ રેઈનબો'માં એક યાદગાર લાઈન લખી છે કે 'બાળક એ માણસનો પિતા છે.' એક માણસની ૨૫-૩૫ વર્ષની વયે આંતરિક તંદુરસ્તી કેવી હશે, તેના ચાસ બાળપણમાં જ પડી જાય છે. સ્વીસ મનોવૈજ્ઞાનિક સિગ્મંડ ફ્રોઈડે પહેલીવાર તારણ કાઢ્યું હતું કે વયસ્ક વયે માણસનું માનસિક સ્વસ્થ્ય કેવું હશે, તે તેના બાળપણના અનુભવો પર આધાર રાખે છે.

કાંતિભાઈનો આ ચીલો બચપણમાં અંકિત થઇ ગયો હતો. એ ક્યાંક રેસ્ટલેસ હતા, ક્યાંક ડિસ્કનેક્ટ હતા.

પિતા હરગોવિંદ ભટ્ટ શિક્ષક અને કવિ હતા, પરંતુ કાંતિભાઈની માતા પ્રત્યે અતિ ક્રૂર હતા. કાંતિભાઈની માનસિકતા અહીંથી ઘડાઈ હતી. તેમણે લખ્યું છે કે, "હું મારા પિતાનો પ્રશંસક રહ્યો નથી. પિતા મારા પ્રત્યે ખૂબ પ્રેમાળ, ભોળા અને ઉદાર હતા, પણ મારી માતા પ્રત્યેની તેમની ક્રૂરતા એ મારું કમનસીબ હતું."

કાંતિભાઈ ઘરકામથી ત્રાસેલી માતા અને પિતાના ઝઘડાના સાક્ષી હતા. "બચપણમાં મેં માતા-પિતા વચ્ચેના કમેળને જોયો છે," કાંતિભાઈ લખે છે, "મારા હૃદયમાં એ કમેળ, ખટરાગ અને વિસંવાદના દાઝકા પડયાં છે. પત્રકાર નહોતો ત્યારે જવાનીમાં એ દાઝકાએ મને બળવાખોર બનાવ્યો હતો. મારી બળવાખોરીનું તમામ પરિણામ નાસીપાસીમાં આવ્યું."

એક તો ઘરનો આ માહોલ, એમાં ન ગમતાં પહેલાં લગ્ન અને ઉપરથી આંતરડાની બીમારી. આ ત્રણે બાબતો કાંતિભાઈને કઠતી હતી, અને એમને એમાંથી રસ્તો જોઈતો હતો. એ પત્રકાર ના બન્યા હોત, તો સાધુ થઇ ગયા હોત. આંતરડાની બીમારીથી ત્રાસીને એ ઉરૂલીકાંચનના ગાંધી આશ્રમમાં ઉપચાર માટે ગયા હતા. ત્યાંથી તેમણે હિમાલય જતા રહેવાનું નક્કી કર્યું હતું. ના જવાયું, અને મુંબઈ આવીને પત્રકાર બની ગયા. કાંતિભાઈ જો હિમાલય જતાં રહ્યા હોત અને પાછા આવ્યા હોત, તો તેમનું નામ કાંતિ ભટ્ટ ના હોત.

કાંતિભાઈ એમની પીડાના સમાધાન માટે હિમાલયમાં જઈને સાધુ ના થયા, તે સારું જ થયું. નહીં તો ગુજરાતને એક બહેતર પત્રકાર ના મળ્યો હોત. સાધુઓ નવાં નામ ધારણ કરતા હોય છે, એટલે જ કાંતિભાઈ બીજા નામે લખતા હશે!

કદાચ છદ્મ નામો રાખીને તેમને 'બીજા કોઈક' હોવાનો ક્ષણિક સંતોષ થતો હશે. લખવાનો અને વાંચવો જે શોખ હતો, તે મૂળભૂત રીતે રેસ્ટલેસનેસમાંથી અને ખુદને તલાશવામાંથી આવ્યો હતો. કાંતિ ભટ્ટ 'સિદ્ધાર્થ શાહ' કે 'ચંદ્રગુપ્ત મૌર્ય'ને વાંચે, તો કદાચ એમને પેલા રેસ્ટલેસ કાંતિભાઈના ખોળિયામાંથી બહાર નીકળીને બેઘડી બીજા કોઈ હોવાનો આનંદ આવતો હશે!

કાંતિભાઈએ ખુદને પુસ્તકો વચ્ચે ડુબાડી દીધા હતા. એ ખૂબ લખતા તો હતા, ખૂબ વાંચતા પણ હતા. આમ 'અ-સામાજિક' કહેવાય તેવા કાંતિભાઈને ખાવા-પીવા, હરવા-ફરવાનો શોખ ન હતો એટલે પુસ્તકો, સામયિકો અને સમાચારપત્રોમાં ખૂબ પૈસા વાપરતા. તેમને મળવા જનારા ચાહકો પાછા આવીને, કાંદિવલીમાં 'ક્ષિતિજ' બિલ્ડીંગના ૭માં માળે ફ્લેટમાં દરેક રૂમમાં પથરાયેલાં પુસ્તકોની અધધધ સંખ્યાનાં ગુણગાન ગાતા. કાંતિભાઈને ય મઝા આવતી. એ ચાહકોને પુસ્તકો જોવા બોલાવતા.

ગુજરાતી વાચકો ભલે કાંતિભાઈને માહિતીના પત્રકાર તરીકે જાણતા હોય, પણ મને લાગે છે કે પત્રકારત્વથી દૂર, એક માણસ કાંતિભાઈ તરીકે તેઓ તેમની ચિંતનની કોલમોમાં ખુદની બેચેનીનો રસ્તો શોધતા હતા. ગુજરાતીમાં ચિંતનનાં લખાણોના નામે બહુ મોટી છેતરપીંડી ચાલે છે, પણ કાંતિભાઈમાં એક અસલી અધ્યાત્મિક ખોજ હતી. મૂળે જે હિમાલયમાં પલાયનવાદનો આશરો લેવાની પેલી વર્ષો પહેલાં વૃત્તિ હતી, તેણે માહિતીના પત્રકારત્વમાંથી પોરો ખાધા બાદ, ચિંતનાત્મક લખાણોમાં માથું ઊંચક્યું હતું.

એ લગભગ તમામ વિષયો પર લખી શકતા હતા અને તે માટે તેમની પાસે તમામ પ્રકારનાં પુસ્તકો હતાં, પણ એમનો અંગત પ્રેમ અધ્યાત્મ અને મનોવિજ્ઞાનનાં પુસ્તકોમાં હતો. આમ પણ મનોવિજ્ઞાન અધ્યાત્મનું જ આગલું કદમ છે, જે માણસના વૈચારિક અને ભાવનાત્મક જીવનને સમજવાનો પ્રયાસ કરે છે. કાંતિભાઈને પોતના વિશેના અમુક સવાલોના જવાબ જોઈતા હતા અને એટલે એ પુસ્તકોમાં માથાં મારતા હતા. એવું કહી શકાય કે હિમાલયમાં જઈ ના શક્યા, એટલે ઘરમાં પુસ્તકોનો હિમાલય ખડકી દીધો. એ માત્ર લખવા માટે જ નહીં, પણ સમજવા માટે અને સમજણના માધ્યમથી ખુદને બદલવા પણ માંગતા હતા.

એ એમનો મોહ બની ગયું. એ પુસ્તકોમાં અટવાઈ ગયા. એક અનુભવ કહું.

વિચારક જે. કૃષ્ણમૂર્તિને મે વાંચેલા હતા અને મને એમના જીવનને સમજવામાં રસ પડ્યો હતો. મેં તે સમયે પુસ્તકો વાંચવાનાં બંધ કરી દીધાં હતા (આજે ય નથી વાંચતો). વ્યવસાયના ભાગ રૂપે ખપ હોય, તે વાંચું પણ 'ઉછીના જ્ઞાન'થી મહાન હોવાના ભ્રમમાંથી બહાર નીકળી ગયો હતો. પુસ્તકો વાંચેલા બૌદ્ધિકો અંગત જીવનની વાસ્તવિકતાઓથી દૂર થઇ જાય છે અને પોતે ય દુઃખી થાય છે અને આજુબાજુવાળાઓને પણ દુઃખી કરે છે, એવા એક હજાર કિસ્સાઓ મને ખબર છે. મેં સેક્સથી લઈને સુપરકોન્સિયસનેસ અને પીડાથી પરમેશ્વર સુધીનું બધું જ વાંચ્યું છે અને એનાથી મારી અંદર એક તસુનો ય ફરક પડ્યો નથી. હા, 'બહુ જાણું છું' એવો અહંકાર જરૂર ઉપલબ્ધ થયો છે! હું પુસ્તકો ખરીદતો નથી અને કોઈ લઇ જાય, તો પાછું માંગતો નથી!

હું માનતો થયો છું કે પુસ્તકો વાંચવાથી તમારી હોંશિયારીને અને આવડતને વધુ ધાર નીકળે અને તમે તમારા વ્યવસાયમાં બધું પ્રગતિ કરી શકો, પણ તમે જો એમ માનતા હો કે એનાથી તમે બહેતર ઇન્સાન બની જાવ છો કે તમારી અંદરની જે જંગલી વૃત્તિઓ ગાયબ થઇ જાય છે, તો એ ભ્રમ છે. પુસ્તકો વાંચવાથી માણસ જો સુધરી જતો હોત, તો આ પૃથ્વી બહુ પહેલાં સ્વર્ગ બની ગઈ હોત!

બહરહાલ, જે. કૃષ્ણમૂર્તિના આંતરિક પરિવર્તનને લઈને કોઈ શક નથી અને વીસમી સદીના ધુઆંધાર વિચારકોમાં એમનું સ્થાન છે. એમના વિશે મેં લગભગ બધું જ વાંચ્યું હતું. એક રહી ગયું હતું. એ વિવાદાસ્પદ હતું, એટલે મને રસ હતો, કારણ કે એ મને એમના આંતરિક જીવનની ઝાંખી કરાવતું હતું. કૃષ્ણમૂર્તિના અનુયાયી કે સાથીદાર હતા, રાજગોપાલાચાર્ય દેસીકાચાર્ય અને તેમની પત્ની રોઝાલિન્ડ રાજગોપાલાચાર્ય. ચાર દાયકા સુધી કૃષ્ણમૂર્તિ ફાઉન્ડેશનના કામ આ બંને પતિ-પત્નીએ કરેલું.

બંનેની દીકરી રાધા રાજગોપાલ સ્લોસે, આ ચાર દાયકાના જીવન પર એક પુસ્તક લખ્યું હતું; Lives in the Shadow with J. Krishnamurti. ૧૯૯૧માં આ પુસ્તક પ્રગટ થયેલું. એ પુસ્તકમાં રાધાએ જે. કૃષ્ણમૂર્તિને ખુબસુરત રીતે શ્રદ્ધાંજલિ આપી હતી. પાછળથી જેનો બહુ વિવાદ થયો એવી એક વાત એમાં એ હતી કે રાધાએ તેમાં એની માતા રોઝાલિન્ડ અને કૃષ્ણમૂર્તિ વચ્ચેના અંતરંગ સંબંધને પણ અત્યંત સુંદર રીતે દુનિયા સામે મુક્યો હતો. છાપાંઓએ આને 'કૌભાંડ' તરીકે પેશ કરેલું. મને આ વિવાદની ખબર હતી, પણ પુસ્તકમાં વાસ્તવમાં કેવી રીતે શું લખેલું છે, તેની ખબર ન હતી, કારણ કે આ પુસ્તક (ભારતમાં) અપ્રાપ્ય હતું. હું એ પુસ્તક શોધતો હતો. મળતું ન હતું.

૨૦૧૦માં હું મુંબઈમાં હતો, ત્યારે કાંતિભાઈને મળવા દર અઠવાડિયે જતો. એમની સાથે સંબંધ તો ૧૯૯૨માં 'સિદ્ધાર્થ શાહ'ના સમયથી હતો, પણ તેમના ફ્લેટની ગેલેરીમાં બેસીને વાતો કરવાનું ૨૦૧૦ની આસપાસ વધ્યું હતું. એમના પુસ્તકાલયમાં મને રસ ન હતો, પણ કાંતિભાઈની ઉપર કોકનો ફોન આવે તો હું આમતેમ ડાફોળિયાં મારતો. એમાં એક દિવસ એમના પુસ્તકોની એક રેકમાં સૌથી તળિયેની લાઈનમાંથી 'કૃષ્ણમૂર્તિ' શબ્દ લખેલું પુસ્તક મે બહાર ખેંચ્યું. ધૂળ ચઢેલી હતી. ખંખેરી તો નામ વંચાયું; Lives in the Shadow with J. Krishnamurti.

સ્વાભાવિક રીતે જ, મને રોમાંચ થયો કે હાશ, હવે અસલી વાંચવા મળશે. મે કાંતિભાઈને કહ્યું કે આ મને મળતું ન હતું, હું લઇ જાવ છું, વાંચીને પાછું આપી દઈશ. કાંતિભાઈએ ના પાડી દીધી! એ બોલ્યા, અહીં બેસીને વાંચવું હોય, તો વાંચો, લોકો લઇ જાય છે પછી પાછું નથી આપતા. મે કહ્યું કે કાંતિભાઈ, લોકોની તો ખબર નથી, પણ હું પોતે પુસ્તકોના મોહમાંથી બહાર આવી ગયો છું અને ઘણાં વખતથી ખરીદતો ય થઇ, પણ આ પુસ્તકમાં મને એકેડમીક દિલચસ્પી જ છે, શેલ્ફમાં સજાવવામાં કોઈ રસ નથી. ના માન્યા. મેં આમતેમ થોડાં પાનાં ઉથલાવીને, હતું ત્યાં પાછું મૂકી દીધું.

મને ત્યારે વિચાર આવેલો કે કાંતિભાઈ મૃત પુસ્તકોનાં, ઉછીના, સેકંડ-હેન્ડ વિચારોના મોહમાંથી બહાર આવી ગયા હોત, તો ચિંતનના નામે ઘણું મૌલિક આપી શક્યા હોત, પરંતુ માહિતીના લખાણોની જેમ જ, ચિંતનમાં પણ તે પુસ્તકોમાંથી રીસાઇકલ કરતાં રહ્યા. તેમાં કાંતિભાઈનું ખુદનું, જાત અનુભવનું ચિંતન ના આવી શક્યું. મેં એકવાર એમને 'આત્મકથા' લખવાનું કહેલું. મને કહે, છાપામાં લખવાની ડેડલાઈન માથા ઉપર હોય, તો લખાય. છાપામાં આત્મકથાની કોલમ શરૂ કરો, તો લખું. પછી બોલ્યા, પણ કોકને ના ગમે એવું ય એમાં આવે તો, ક્યાં જવું? એમણે લખ્યું હોત, તો તેમની આંતરિક જિંદગી વિશે ઘણો પ્રકાશ પડ્યો હોત, બાકી એમના પત્રકારત્વ વિશે લખનારા તો બહુ છે!

તેમનામાં ખૂબ પીડા હતી અને એ તેને સમજવા માંગતા હતા. સમજ્યા પણ હશે, પરંતુ સંદર્ભ ટાંકવાની અસલી પત્રકારની એમની આદતના કારણે તેઓ પીડા જેવા સૌથી મૌલિક અહેસાસમાં પણ તેમની ચિંતનની કોલમમાં દેશ-વિદેશના અધ્યાત્મિક ગુરુઓ અને મનોવિજ્ઞાનીઓને ખેંચી લાવતા હતા. એમાં કાંતિભાઈ ખોવાઈ ગયા.

માહિતીઓની કોલમમાં તો ખેર એમના અસલી હસ્તાક્ષર ના હોય, તો ચાલી જાય, પણ ચિંતનનાં એમનાં લખાણોમાં એ એમના જીવનભરના અહેસાસોને કોઈ પુસ્તક કે કોઈ ગુરુ કે કોઈ નિષ્ણાતને ટાંક્યા વગર રજૂ કરી શક્યા હોત. આ એક એવો એરિયા હતો, જેમાં કાંતિભાઈ ખુદ પુસ્તક કે ગુરુ કે નિષ્ણાતની ઓથોરિટી ધરાવતા હતા.

આ લેખ, એ ખોવાઈ ગયેલા કાંતિભાઈને તલાશવાનો (નિષ્ફળ) પ્રયાસ છે. કદાચ એ છદ્મતા જ એમની અસલી પહેચાન હતી.

તેમની દીકરી શક્તિનું યુવાન વયે અવસાન થયું, ત્યારે મેં કાંતિભાઈને સવારે ૧૧ વાગે ફોન કર્યો હતો. એક મિનીટ વાત કરી. મને કહ્યું, "ચાર કલાકમાં હું આમાંથી બહાર આવી જઈશ." ત્રણ વાગે એમનો પાછો ફોન આવી ગયો. પોતાની દીકરીના અકાળ મૃત્યુના ગમમાંથી બહાર આવતાં કાંતિ ભટ્ટને ચાર કલાક લાગ્યા હતા.

થોડા દિવસ પછી તેમણે એક લેખ પણ લખ્યો હતો. એ લખવા માટે તેમણે એશિયાટિક લાઇબ્રેરીમાંથી (લેખની શરૂઆતમાં મેં જેને ટાંકી છે તે) એલિઝાબેથ કુબલર-રોસ નામની, મૃત્યુ પર ઓથોરિટી કહેવાય તેવી, સ્વીસ-અમેરિકન સાઇકિયાટ્રીસ્ટનું પુસ્તક Death: The Final Stage of Growth મંગાવ્યું હતું. એ લેખમાં કાંતિભાઈએ લખ્યું હતું, "માણસે મૃત્યુને સ્વીકારી લેતાં શીખી લેવું જોઇએ, મૃત્યુ પછી શાંતિનો અનુભવ કરવો, કકળાટ નહીં. મૃત્યુ ડરવા જેવી કે શોક કરવા જેવી નહીં, પણ સ્વીકારી લેવા જેવી ચીજ છે. મૃત્યુ એ કોઇ અકસ્માત કે ચાન્સની વાત નથી, માણસ જન્મે ત્યારે જ મૃત્યુ એના શરીરમાં પ્રોગ્રામ્ડ હોય છે, એક શિડ્યુઅલ પ્રમાણે શરીરના અંદરના ભાગ અને કોષો ક્રમશ: મરતા જાય છે. એક અદ્રશ્ય ફોર્સ તેને મૃત્યુ તરફ આકર્ષતો હોય છે."

અસલી કાંતિભાઈ કદાચ આવા જ કોઈક અદ્રશ્ય ફોર્સની આસપાસ હતા. મારે એ કાંતિભાઈને જાણવા-સમજવા હતા.

લોકો કાંતિભાઈને પત્રકાર અને લેખક તરીકે ઓળખે છે. હું તેમને એક restless soul, બેચેન જીવ તરીકે ઓળખું છું. એ સતત બેચેનીમાં જીવ્યા. એમનું લખવાનું, એમની આકસ્મિકતા (એ આકસ્મિક ફોન કરે અને તમે વધારે બોલો તે પહેલાં ફોન અણધાર્યો મૂકી દે), એમનું એકાંત, એમની જીદ, એમનો ક્રોધ, એમની સફળતા, એમની નિષ્ફળતા અને એમનું સ્વાવલંબન આ બેચેનીમાંથી આવ્યું હતું. એ પુસ્તકોમાં આ બેચેનીમાંથી બહાર નીકળવાનો રસ્તો શોધતા રહ્યા.

પણ કાંતિ ભટ્ટને આ બેચેનીમાંથી બહાર નીકળતાં ૮૮ વર્ષ લાગ્યાં.

(પ્રગટ : “કોકટેલ જિંદગી”, સપ્ટેમ્બર 2019)

Loading

ભારતમાં કર્મશીલો તેમ જ પર્યાવરણ માટે નિસબત ધરાવતાં નાગરિકો વક્રતા અને વિરોધાભાસો વચ્ચે પણ જંગલો બચાવવાં મથી રહ્યાં છે

સંજય શ્રીપાદ ભાવે|Opinion - Opinion|20 September 2019

બ્રાઝિલનાં ઍમેઝોનનાં વર્ષાવન દુનિયાનાં ફેફસાં ગણાય છે. મુંબઈનાં ફેફસાં તે ગોરેગાવ પરાની આરે મિલ્ક કૉલોનીનો વનવગડો.

મહાનગરથી ઘેરાયેલા 1,278 હેક્ટર્સના (લગભગ 13 ચોરસ કિલોમીટરના) આ વનવિસ્તારમાં પાંચેક લાખ વૃક્ષો અને તેની સાથે સંકળાયેલી સમૃદ્ધ જીવસૃષ્ટિ છે. દુનિયાના લોકો  ઍમેઝોનની ઇકોસિસ્ટમ બળી રહી છે તેની ચિંતા કરી રહ્યા છે, તો મુંબઈગરાં આરેનાં ઝાડ કપાવાની સામે લડી રહ્યાં છે. આરે કૉલોનીનાં 2,700 જેટલાં વૃક્ષો મેટ્રો રેલવે માટે કપાવાનાં છે. આરેની કુદરતનાં રક્ષણ  માટે પર્યાવરણપ્રેમીઓએ ગયાં ત્રણેક વર્ષથી  આંદોલન અને અદાલત બંને રીતે ચલાવેલી લડત અત્યારે તેની ટોચે છે.

ભારતીય જનતા પક્ષ શાસિત રાજ્ય સરકાર અને શિવસેના હસ્તક બૃહત્ મુંબઈ મહાનગરપાલિકાનું કહેવું છે કે મેટ્રોને કારણે લોકોનાં સમય-શક્તિ બચશે અને પ્રદૂષણ ઓછું થશે. ઓછામાં ઓછાં વૃક્ષો કાપીને સામે વધુમાં વધુ વૃક્ષો વાવવાની હંમેશની બાંહેધરી પણ સત્તાવાળા આપી રહ્યા છે. આંદોલનકારીઓ કાંજુરમાર્ગ પાસેની વૈકલ્પિક જગ્યા સૂચવી રહ્યા છે અને તે સંપાદિત નહીં કરવાના સરકારે આપેલાં કારણો સામે પ્રશ્નો ઊઠાવી રહ્યા છે. આઠમી તારીખના રવિવારે સવારે ધોધમાર વરસાદમાં દોઢેક હજાર લોકોએ ત્રણ કિલોમીટર લાંબી માનવસાંકળ કરી. સૂચિત વૃક્ષકાપણીના વિરોધમાં બ્યાંશી લાખ જેટલી રજૂઆતો થઈ છે. સોશ્યલ મીડિયા ઉપરાંત પણ  અનેક જગ્યાએ અનેક રીતે નાનાં-મોટાં વિરોધ પ્રદર્શનો થતાં રહે છે.

શિવસેનાના યુવા નેતા આદિત્ય ઠાકરેએ વૃક્ષછેદનનો વિરોધ કર્યો છે. આદિત્યને સત્તાવાળા અને  રિઅલ એસ્ટેટ લૉબીની સાંઠગાંઠ દેખાય છે. વડી અદાલતે બુધવારે વૃક્ષછેદન પર ત્રીસમી તારીખ સુધી રોક લગાવી છે અને ન્યાયાધીશોએ સ્થળમુલાકાત લઈને જાતતપાસ કરવાના સંકેતો આપ્યા છે. નૅશનલ પાર્કના દક્ષિણ ભાગમાં આવેલી આરે કૉલોનીની વૃક્ષરાજીને જંગલ કહેવું કે નહીં તેની ફરી એક વાર ચર્ચા આ સુનાવણી દરમિયાન ચર્ચા થઈ છે. લતા મંગેશકર અને  કેટલીક બૉલિવૂડ અભિનેત્રીઓએ ચળળને ટેકો આપ્યો છે. બુધવારે  અમિતાબ બચ્ચને મેટ્રો રેલવે યોજનાને ટેકો આપતી અને લોકોને પોતાના બગીચામાં ઝાડ વાવવાની સલાહ આપતી ટ્વિટ કરી. એટલે આંદોલનકારીઓએ બચ્ચનના ઘરની સામે પાટિયાં પકડીને  દેખાવો કર્યા. અહીં નોંધવું જોઈએ કે અમદાવાદમાં મેટ્રો રેલ, બુલેટ ટ્રેન, ફ્રેઇટ કૉરિડોર, સિક્સ-લેન રોડ, ફ્લાય ઓવર જેવાં વિવાદાસ્પદ વિકાસનાં કામો માટે ગયાં બે-એક વર્ષથી હજારો વૃક્ષો કપાઈ રહ્યાં છે. તેની સામે અખબારો સિવાય ભાગ્યે જ કોઈ ઘટકે વિરોધ નોંધાવ્યો છે. પર્યાવરણ જાગૃતિ અને શિક્ષણનાં નામે કરોડો રૂપિયાની સરકારી તેમ જ વિદેશી સહાય મેળવતી અનેક  સંસ્થાઓ અને એન.જી.ઓ. ગુજરાતમાં છે. તેમાંથી કોઈએ  વિરોધ નોંધાવવાનું તો બાજુ પર, પણ સરકાર સામે રજૂઆત કરવાની કે વિકલ્પો સૂચવવાની કોઈ અસરકારક તસદી  લીધી  હોય તેવું જાણમાં નથી.

તેલંગણાનાં નલ્લામલા જંગલમાં યુરેનિયમની ખાણો માટેની કેન્દ્રની યોજનાનો સખત વિરોધ ચાલી રહ્યો છે. આ સૂચિત ખાણકામનાં વિરોધમાં જોડાયેલાં 63 જૂથોમાં નલ્લામલા જંગલમાં રહેતાં ચેન્ચુ કોમના આદિવાસીઓ ઉપરાંત પર્યાવરણ રક્ષણ જૂથો, પ્રકૃતિપ્રેમી નાગરિકો અને રાજકીય પક્ષોનો સમાવેશ થાય છે. લડત ચલાવનાર ‘સંઘર્ષ સમિતિ’નું કહેવું છે કે વર્ષોથી ટકી રહેલું આ પ્રાચીન જંગલ અમરાબાદ ટાઇગર રિઝર્વ, પક્ષી અભયારણ્ય અને આરક્ષિત વનને આવરી લે છે. આ બધાં માટે ખાણો હાનિકારક છે. વળી ખાણો માટેની 83 ચોરસ કિલોમીટર જેટલી સૂચિત જગ્યાની બહુ નજીકથી અનેક નદીઓ પસાર થાય છે. ખાણખોદાણ નદીઓનાં પાણી અને ભૂગર્ભજળને પ્રદૂષિત કરશે એવી સંભાવના પણ છે. ગયા શનિવારે આંદોલનકારીઓએ આ વિસ્તારના આગોતરા સર્વેક્ષણ કરવા જતાં કેન્દ્ર સરકારના વાહનોને અમરાબાદથી દસ કિલોમીટર પહેલાં આવેલાં મન્નાનૂર ખાતે અટકાવી દીધાં હતાં. વિરોધનો ફેલાવો અને જોર  જોતાં તેને સફળતા મળવાની સંભાવના જણાય છે.

જંગલ બચાવવા માટેના આંદોલનને આંશિક સફળતા મળી હોવાનો કિસ્સો જૂન મહિનામાં છત્તીસગઢમાં મળે છે. છત્તીસગઢની કૉન્ગ્રેસ સરકારે બસ્તરના બૈલાડિલા વિસ્તારમાં એક પ્રસ્તાવિત ખાણ યોજનાનું કામ મોટા લોકવિરોધને પગલે અટકાવી દીધું છે. છત્તીસગઢમાં ભારતીય જનતા પક્ષની પૂર્વ સરકારે પચીસ કરોડ ટન લોખંડની ખાણ માટેનું કામ નૅશનલ મિનરલ ડેવલપમેન્ટ કૉર્પોરેશનને સોંપ્યું હતું. તેને  કૉર્પોરેશને એક ખાનગી કંપનીને પચીસ વર્ષ માટે આપ્યું હતું.તેના માટેના 414 હેક્ટર(4.14 ચોરસ કિલોમીટર)ના વિસ્તારમાં  આદિવાસીઓ માટે પૂજનીય નંદરાજ ટેકરી અને હજારો વૃક્ષો આવેલાં છે. દાંતેવાડા, સુકમા અને બિજાપુર જિલ્લાનાં બસો ગામનાં દસેક હજાર આદિવાસીઓએ બૈલાડિલાનાં કિરન્દુલ ખાતે ચાર દિવસ સતત દેખાવો કર્યા. તેના પરિણામે અગિયારમી જૂને મુખ્યમંત્રી ભૂપેશ બઘેલે ખાણો માટેનું કામ અટકાવી દેવાનો આદેશ કર્યો. જો કે ત્યાં સુધી દસેક હજાર ઝાડ કપાઈ ચૂક્યાં હતાં, પણ બીજાં પંદરેક હજારને બચાવી શકાયાં.

દિલ્હી પાસે આવેલાં નોઇડાના રહીશોને ગયા જૂન મહિનામાં ત્રણેક હજાર ઝાડ બચાવવા માટે આંદોલન કરવું પડ્યું હતું. તેમાં એક આઘાતજનક વિરોધાભાસ પણ હતો. સત્તાવાળાઓ બાયોડાઇવર્સિટી પાર્ક એટલે કે જીવવૈવિધ્ય ઉદ્યાન બનાવવા માટે નોઇડાનાં  જૂનાં  વિકસિત જંગલને ભારે નુકસાન પહોંચાડ્યું છે. નોઇડા નૅશનલ કૅપિટલ રિજન વર્ગમાં આવે છે. એના 2021ના માસ્ટર પ્લાન મુજબ ઉપર્યુક્ત વનરાજીને ‘સિટી ફૉરેસ્ટ’ તરીકે બતાવવામાં આવી હતી. પણ નોઇડાના સત્તામંડળના 2031 માટેના માસ્ટર પ્લાનમાં આ જ વનરાજીને ‘રિક્રિએશનલ પાર્ક ઍન્ડ  પ્લેગ્રાઉન્ડ’ તરીકે બતાવવામાં આવી છે. અહીં વૃક્ષો ઉપરાંત સિત્તેર જાતનાં પક્ષી, અનેક પ્રકારનાં પેટે સરકતાં પ્રાણીઓ અને નીલગાયનાં કુદરતી રહેઠાણો હતાં. આવાં હર્યાભર્યા 75 એકર જંગલને સ્થાને તેનાથી લગભગ બમણા વિસ્તારના બાયોડાઇવર્સિટી પાર્કની રચના પૂરી થવામાં છે. તેમાં કૉન્ક્રિટનાં ભરપૂર બાંધકામો એટલે કે ઍમ્પિથિએટર, ફૂડ કોર્ટ, ગોલ્ફ કોર્ટસ, અને કૃત્રિમ જળાશયો બનશે. અત્યારે વિવિધ પ્રકારનાં મોટાં ત્રણ હજાર વૃક્ષો કપાયાં છે આઠેક હજાર છોડ ઊગાડવામાં આવશે, જેમાં ઔષધી વનસ્પતિઓ અને મિનિએચર પ્લાન્ટસ્, વેલીઓ અને ઘાસના ઘણાં પ્રકાર પણ હશે. સહેલાણીઓને આકર્ષવા માટે પચાસ કરોડ રૂપિયાને ખરચે બનાવવામાં આકાર લઈ રહેલો આ બાયોડાઇવર્સિટી પાર્ક  નોઇડા-ગ્રેટર નોઇડા એક્સપ્રેસ-વેની નજીક છે.

ગ્રેટર નોઇડામાં બીજી સપ્ટેમ્બરથી તેર દિવસ માટે જમીનને ઉજ્જડ બનાવતી અટકાવવા માટે વિચારણા કરવા એક વૈશ્વિક સંમેલન ભરાયું હતું. યુનાઇટેડ નેશન્સ કન્વેન્શન ટુ કૉમ્બૅટ ડેઝર્ટિફિકેશ નામના આ ચૌદમા સંમેલનમાં 196 દેશોએ ભાગ લીધો હતો. સંમેલનને નવમી તારીખે સંબોધતા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જાહેર કર્યું હતું કે 2030 ના વર્ષ સુધીમાં 2.1 કરોડ હેક્ટર ઉજ્જડ જમીનને ફળદ્રૂપ બનાવવાનો ભારત સરકારનો નિર્ધાર છે. આ જાહેરાતના બે જ દિવસ અગાઉ વડા પ્રધાને મુંબઈની મેટ્રોની ત્રણ લાઇન્સનું ખાતમૂહૂર્ત કર્યું હતું. જમીનને ઉજ્જડ બનાવતી અટકાવવાનો એક મહત્ત્વનો રસ્તો વૃક્ષો કપાતાં અટકાવવાં, નવાં ઊગાડવાં અને તેમને ટકાવવાં એવો છે. મેટ્રો ટ્રેન પછી એ મુંબઈની હોય કે અમદાવાદની એમાં વૃક્ષો કપાય જ છે.

ઉપર્યુક્ત બે કાર્યક્ર્મોમાં વડા પ્રધાનની પરસ્પર વિરોધી ભૂમિકા દેશની જંગલો અંગેની નીતિની પોકળતા બતાવે છે. જો કે તે પૂર્વે કેન્દ્રના પર્યાવરણ મંત્રી પ્રકાશ જાવડેકરે 14 જૂને એનવાયર્નમેન્ટલ ક્લિઅરન્સેસ ઝડપથી આપવાની જાહેરાત કરી છે. પહેલાંની સરકારોમાં  આ ક્લિઅરન્સેસ મળતાં 640 દિવસ થતાં,જે હવે 108 દિવસમાં મળશે એમ તેમણે જણાવ્યું હતું. સરકારની મંજૂરીમાં આવી ઝડપનો અર્થ બધાને બરાબર ખબર હોય ! હમણાં ત્રીસમી ઑગસ્ટે ભા.જ.પ. શાસિત કેન્દ્ર સરકારે જુદાં જુદાં રાજ્યોમાં વનવિસ્તારમાં વધારો કરવા માટે જંગી રકમો ફાળવી. આ ફાળવણી કૉમ્પેન્સેટરિ એફૉરેસ્ટેશન ફન્ડ મૅનેજમે ન્ટ ઍન્ડ પ્લાનિન્ગ ઑથોરિટી (કૅમ્પા) નામનાં સત્તામંડલ થકી કરવામાં આવી. તેમાં ગુજરાતને ભાગે પંદરસો કરોડ અને હરયાણાને ભાગે બાર હજાર કરોડ રૂપિયાથી વધુ રકમ આવી છે. કમનસીબે હરયાણામાં ભા.જ.પ.ના મોહનલાલ ખટ્ટરના નેજા હેઠળની સરકારની સર્વોચ્ચ અદાલતે હમણાં માર્ચ મહિનામાં પર્યાવરણને લગતા કાયદાની સાથે ચેડાં કરવા માટે ઝાટકણી કાઢી હતી. ખટ્ટર સરકારે કાયદામાં નિંભર ફેરફાર કરીને અરવલ્લી પર્વતમાળાના હરયાણા તરફના વિસ્તારમાં બધાં જ પ્રકારનાં ધંધાદારી બાંધકામો માટે છૂટ આપી હતી. આ કાનૂનસુધારો દસ હજાર એકર જેટલા સંરક્ષિત વન વિસ્તાર માટે બહુ જ ઘાતક હતો.

આવી વક્રતાઓ અને વિરોધાભાસો વચ્ચે પણ ભારતના નિષ્ઠાવાન પર્યાવરણપ્રેમીઓ જંગલોને બચાવવા માટે લડી રહ્યા છે.

19 સપ્ટેમ્બર 2019

[“નવગુજરાત સમય”, શુક્રવાર, 20 સપ્ટેમ્બર 2019ના અંકમાં પ્રગટ લેખકની ‘ક્ષિતિજ’ નામક સાપ્તાહિક કટારની સંવર્ધિત તથા વિસ્તૃત રજૂઆત] 

Loading

પ્રતીતિ અને સુખાનુભૂતિ

સુમન શાહ|Opinion - Opinion|20 September 2019

વિચરતા વિચારો …

લૂઝ કનેક્શન શ્રેણી : 6 : (છેલ્લો હપતો) 

લૂઝ કનેક્શન શ્રેણીમાં મેં અત્યારસુધીમાં કહ્યું એને દેસીમાં કહેવું હોય તો આમ કહી શકાય :

બારણું બરાબર નહીં વાસ્યું હોય તો સ્ટોપર મારી શકાશે નહીં. એટલે કે, સમ્બન્ધો અધબોબડા હશે તો કાયમ માટે સ્ટોપ કરવાનું મુશ્કેલ રહેશે. કાં તો બારણાં સજ્જડ બંધ કરી રાખો અથવા બારણાં ખુલ્લાં રાખો ને સ્ટોપરો રાખો જ નહીં, હોય તો કાઢી નાખો. વગેરે.

માનવ-સમ્બન્ધોનાં કનેક્શન્સ લૂઝ ન રહે તે માટે આ શ્રેણીમાં મેં ત્રણ જુદા જુદા ઇલાજ દર્શાવ્યા એમ કહેવાય : ૧ : હમેશાં તમે ‘ટાકો બેલ’-ના ‘ફાયર સૉસ’-ની જેમ સામી વ્યક્તિને તમારામાં રસ પડે એવું કરો : ૨ : સમ્બન્ધમાં હમેશાં ખુલ્લાપણું બલકે કંઇપણ કહેવાની મૉકળાશ અને ‘હા’ કે ‘ના’ કહેવા-સાંભળવાની ઉદારતાભરી ખુલ્લાદિલી રાખો : સમ્બન્ધ બાંધવા અને તેને ટકાવી રાખવા તમારી ઈચ્છાશક્તિમતિનો હમેશાં ભરપૂર વિનિયોગ કરો :

જો આટલું કરી શકાય તો અનુભવાશે કે સમ્બન્ધ ખરો છે. અને, એટલે સુખ અનુભવાશે.

આમે ય, સુખ એટલે શું? પૈસાટકા ને પદપ્રતિષ્ઠાથી સુખ મળે પણ સાચકલા સમ્બન્ધનું સુખ તો અનોખું, એના જેવું કશું નહીં ! હર પળ જીવને બસ સારું લાગે, એ સુખ !

પ્લગ-પિન બરાબર હોય પાવર-લાઇન ઑન હોય, સ્વિચ પાડીએ કે તરત બધી લાઇટો ફટાફટ થઇ જાય. આસપાસનું વિશ્વ આખું ઝાકઝમાળ રંગરંગીન દીવા ઝુમ્મરોની રોશની -દીવાળી દીવાળી -ધૉળે દિવસે દીવાળી. પ્રતીતિ થાય કે બધાં કનેક્શન્સ બરાબર છે. ક્મ્પ્યૂટર અને ફોન ફાસ્ટ ચાલે. કારનાં ટાયર ટાઇટ હોય, એમાં પૂરતી હવા હોય. કશાં ડચકાં વિના કે કશી ગરબડ વિના ચાલે, એમાં હોય એ મ્યુઝિક સૂરીલાં સંભળાય. વૅલ-કનેક્ટેડ પ્રેમની પ્રતીતિ પણ આવી અને એટલી જ સુખદ હોય છે …

આ દુનિયાનું મોટામાં મોટું સુખ કયું છે, જાણો છો? આપણને જ્યારે બરાબ્બર લાગે છે કે કનેક્શન એકદમ ફિટ ઍન્ડ ફાઇન છે, સૉલિડ છે, ફન્કશનલ છે, તો થશે, અરે યાર, એ મને કેટલું બધું ચાહે છે. મારા જેવું સુખી કોઇ નથી.

આ, આમ લખી નાખવાની ચીજ નથી, અનુભવવાની વસ્તુ છે. અને અનુભવીઓને એની પ્રતીતિ છે જ.

એવા સદ્ભાગીને બને એવું કે રાત ને દિવસ મનમાં એની જ રટણા ચાલે. ભાઈને ‘શમુ’ ‘શમુ’ થયા જ કરે, બેનને ‘રાજુ’ ‘રાજુ’… પ્રેમના એ જબરા અનુભવને ભોગવનારી યુવતીનાં ઝાંઝર એ વાતે રાતે ઊંઘમાં ય રણઝણ્યા કરે. પોતાના સ્માર્ટ ફોનને પોતાના શરીરનું અંગ સમજે ને વિસ્તીર્ણ કાનની જેમ ઉશીકા નીચે દબાવીને સૂઇ જાય. ઊઠતાંમાં પહેલું ચૅક એ કરે કે એણે મને શું લખ્યું છે, કશું લખ્યું કેમ નથી. જુએ, પિક્ચર મોકલ્યું છે. એના મૉંમાંથી ‘વાહ’ સરી પડે. ખુલ્લા મૉંએ જોયા કરે, સાથેનું ઇમોજી. નાનકડા જીવડા જેટલું હોય તો ય એને થાય કે શુંયે મોકલ્યું છે ને શુંયે પામી છું. ઈમોજીમાં પ્રેમના સંદેશા ઉકેલવા માંડે. આટલી વ્હૅલી સવારે ફોન કરું ના કરું એવી ગડમથલ પછી, કરી જ દે ! ફોનમાં વાતોમાં તો શું હોય? કશ્શી પણ વાત કર્યા કરવી એનું નામ પ્રેમીઓનો ફોન.

તરત વીડિયો-ફોન જોડે. એકમેકને જોયા જ કરે. તારા વાળ બહુ સુંવાળા દેખાય છે, શૅમ્પૂ કરેલું? : હા, તારું શર્ટ મને ગમ્યું : ‘નૌટિકા’નું છે, યાદ છે તેં જ મને આલ્ફા મૉલમાંથી અપાવેલું … મૅન્સ ક્લાસિક છે : હા, તેં ‘લાયન કિન્ગ’ જોયું? : બહુ બોરિન્ગ નીકળ્યું, યાર : જોડે મને ન્હૉતો લઇ ગયો ને એટલે : બનાવ એવો બને કે ચાલુ ફોને ટૉઇલેટમાં ઘૂસવું અનિવાર્ય થઈ પડે. ફોન ન આવ્યો હોય એ દિવસે એ ભાઈ ઉશીકું કાઢી લીધેલા મુડદાલ કવર જેવો દેખાય …

બન્ને જો લૉ-ગાર્ડનમાં બદામડીના ઝાડ નીચે બેસતાં હોય તો પેલાએ ઝૂમતી બદામો ગણી રાખી હોય -રાહ જોવાની હોય ત્યારે શું કરે? સુખ વિસ્તરે : પોતાના પડોશી મનુભાઇને આમ તો ટાળતો હોય પણ હવે લળી-લળીને બોલે – કેમ છો … શું ચાલે છે …  હમણાંના દેખાતા નથી … મનુભાઇને થાય, રોજ તો હામો ને હામો હોઉં છું તો ય આ ભઈલો આમ કેમ કહે છે. એને આખી દુનિયા ભલી લાગે – વિપિન ! લાઇફ ઇઝ સો બ્યુટિફૂલ, ઇઝન્ટિટ? … વિપિનનો ‘યસ્સ’ કહ્યે જ છૂટકો.

કૌટુમ્બિક, સામાજિક કે મૈત્રી જેવા સમ્બન્ધોની સરખામણીમાં આપણને સ્ત્રી-પુરુષ વચ્ચેના પ્રેમસમ્બન્ધની વધારે ચિન્તા રહે છે. પતિ-પત્ની વચ્ચે રડાકૂટા હોય, ન ગમે. પ્રેમી-પ્રેમિકા આખો વખત જીભાજોડી કર્યાં કરતાં હોય અને લગ્ન માટેના નિર્ણય પર ન પ્હૉંચતાં હોય, ન ગમે. રહેતાં હોય લિવ-ઇનની રીતે પણ ઇન-માં છૈયાં-છોકરાં થવા દેવાં વિશેની કે એવી કશી ગમ્ભીર જવાબદારીનો ભાવ પ્રગટ્યો જ ન હોય, ન ગમે.

મારે જો કોઈને શુભેચ્છા કે આશિષ પાઠવવાની હોય તો કહું કે વહેલી તકે તને વૅલ-કનેક્ટેડ લવ મળો. કેમ કે જો કનેક્શન બધી વાતે લૂઝ નહીં પણ ફિક્સ હશે, તો જીવવું જરા ય અઘરું નથી, અરે, એકદમ આસાન છે. અને કહું કે લૂઝ હોય તો ઝટપટ ફિક્સ કરી લો. વિદ્વાનો કહે છે એ કદાચ સાચું છે કે ‘નથિન્ગ ઇઝ અન્ફિક્સેબલ …’ તમારામાં જિગર જોઇએ, હિમ્મત જોઇએ, અને ભલા’દમી, શું તમારામાં એટલી જિગર નથી? એટલી હિમ્મત નથી? જાતને પૂછો, જવાબમાં ‘હા’ અને ‘હા’ જ મળશે.

= = =

https://www.facebook.com/suman.shah.94/posts/2733413140022915 

Loading

...102030...2,6782,6792,6802,681...2,6902,7002,710...

Search by

Opinion

  • પાલિકા-પંચાયત ચૂંટણીઓમાં વિલંબ લોકતંત્ર માટે ઘાતક છે
  • અદાણી ભારત કે અંબાણી ઈન્ડિયા થશે કે શું?
  • પ્રતાપ ભાનુ મહેતા : સત્તા સામે સવાલો ઉઠાવતો એક અટલ બૌદ્ધિક અવાજ
  • લાઈક-રીલ્સથી દૂર : જ્યારે ઓનલાઈનથી ઓફલાઈન જિંદગી બહેતર થવા લાગે
  • રુદ્રવીણાનો ઝંકાર ભાનુભાઈ અધ્વર્યુની કલમે

Diaspora

  • દીપક બારડોલીકરની પુણ્યતિથિએ એમની આત્મકથા(ઉત્તરાર્ધ)ની ચંદ્રકાન્ત બક્ષીએ લખેલી પ્રસ્તાવના.
  • ગાંધીને જાણવા, સમજવાની વાટ
  • કેવળ દવાથી રોગ અમારો નહીં મટે …
  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !
  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ

Gandhiana

  • ગાંધીસાહિત્યનું ઘરેણું ‘જીવનનું પરોઢ’ હવે અંગ્રેજીમાં …
  • સરદાર પટેલ–જવાહરલાલ નેહરુ પત્રવ્યવહાર
  • ‘મન લાગો મેરો યાર ફકીરી મેં’ : સરદાર પટેલ 
  • બે શાશ્વત કોયડા
  • ગાંધીનું રામરાજ્ય એટલે અન્યાયની ગેરહાજરીવાળી વ્યવસ્થા

Poetry

  • ગઝલ
  • કક્કો ઘૂંટ્યો …
  • રાખો..
  • ગઝલ
  • ગઝલ 

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved