Opinion Magazine
Number of visits: 9576788
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

એક નહીં અનેક ભાષાઓથી જ દેશનો વિકાસ થાય !

મનીષી જાની|Opinion - Opinion|25 September 2019

સેંકડો વર્ષોથી પંચતંત્રની કાચબા અને સસલાની દોડની વારતા આપણે સાંભળતા-વાંચતા આવ્યા છીએ.

પણ આજના બજારવાદી સમાજમાં ધીમી ગતિએ પણ મક્કમ રીતે ચાલતો કાચબો છેવટે જીતી જાય એવું સંભવ છે ખરું ?

આજના આ જાહેરખબરિયા ને વ્યક્તિવાદી પ્રચારિયા-પ્રમોશનિયા જગતમાં તો દોડની હરીફાઈ શરૂ થાય એ પહેલાં જ તેજ ગતિએ દોડતા સસલાએ પોતાની જીત નિશ્ચિત છે, એવાં કેટલાં ય ચિત્રો-ફોટા- વીડિયો-ગ્રાફિક્સ સોશ્યલ મીડિયામાં વહેતાં – રમતાં મૂકી દીધાં હોય !

અને કાચબા ને સસલાની દોડની સીટી વાગે ત્યાં સુધીમાં તો રૂપિયાકેન્દ્રી મીડિયામાં તો સસલાની જીતના સમાચાર છપાઈ ગયા હોય, છવાઈ ગયા હોય !

આજના આ સમાજમાં સામેવાળાને હરાવવા શું શું કરવું એ હરીફાઈની પહેલાં વિચારાય છે. કેવા અને કેટલા અવરોધો નાખવા, હરીફાઈના આયોજકો ને નિર્ણાયકોમાંથી કોને કેટલામાં ખરીદવા એ મહત્ત્વનું હોય છે.

સમાજમાં કાચબો અને સસલું એ ધીમી ચાલ અને તીવ્ર ચાલનાં પ્રતીકો છે. આવી હરીફાઈ સાંપ્રત સમાજનાં તમામ ક્ષેત્રોમાં આપણે જોઈએ છીએ.

હમણાં થોડા દિવસો પૂર્વે હિન્દી દિવસની ઉજવણીના ભાગ તરીકે આ દેશના ગૃહપ્રધાને; ઘણાં વિરોધ આંદોલનોને લઈ જે મુદ્દો વર્ષોથી દબાઈ ચૂક્યો હતો એ હિન્દીને રાષ્ટ્રભાષા તરીકે દેશમાં અપનાવવા ને લઈ 'એક ભાષા – એક દેશ’ જેવા સૂત્ર સાથે ઉછાર્યો.

થોડા મહિના પહેલાં નવી શિક્ષણ નીતિના મુસદ્દામાં આ વાત મૂકાઇ હતી, પણ ભારે ઊહાપોહને લઈ એ મુદ્દો શિક્ષણખાતાએ પાછો ખેંચી લીધેલો.

પણ ગયા અઠવાડિયે ફરીથી ગૃહપ્રધાને ઉપાડેલો આ મુદ્દો ચિંતાજનક તો જરૂર ગણવો જ રહ્યો.

આપણો દેશ વિવિધ લોકો, વિવિધ ખોરાકો, પોશાકો અને માતૃભાષાઓથી સમૃદ્ધ અને જીવંત છે.

પરંતુ કાચબા અને સસલાની હરીફાઈની જેમ આપણે ઓછા ભાષકો અને ધીમે ગતિએ વિસ્તાર પામતી યા વિસરાતી વિવિધ ભાષાઓ અને જે તે દેશની મુખ્યભાષા, સૌને જોડતી ભાષા બનાવવાનાં વિચારમાં, વિશેષ ભાષકો ધરાવતી 'મોટી' ભાષાને સરકાર ટેકો આપતી હોય તો છેવટે કાચબો હારી જ જાય એવી સ્થિતિ આવીને ઊભી રહે એમ છે.

એક બાજુ વેપારની દુકાનો બની ગયેલી શાળાકોલેજોમાં જે શક્તિશાળી છે અને જેની બજારમાં કિંમત છે એવી અંગ્રેજી અને હિન્દી ભાષાને વધારે મહત્ત્વ અપાઈ રહ્યું છે, ત્યારે ટેકનોલોજી અને બજારમાં વેચાતી વસ્તુઓનાં પેકિંગથી માંડી કોમ્યુનિકેશનમાં અંગ્રેજી ભાષા વપરાય અને મલ્ટિનેશનલ કંપનીઓની પ્રોડક્ટ્સનું બજારમાં વર્ચસ્વ વધે તેમ સ્થાનિક નાની ભાષાઓના ભાષકો ઓછા થતા જાય અને તે રીતે ઘણી બધી ભાષાઓનાં મોતની પ્રક્રિયા આપણી આંખ સામે અત્યારે ચાલી જ રહી છે.

છેલ્લાં પચાસ વર્ષ માં આપણા દેશમાં 1,650 જેટલી ભાષાઓમાંથી 250 જેટલી ભાષાઓ વિલુપ્ત થઈ ગઈ, એવું ભાષાશાસ્ત્રીઓનું માનવું છે અને પચાસ વર્ષ પૂર્વે હિન્દી બોલનારા 26 કરોડ હતાં અને અંગ્રેજી બોલનારા 33 કરોડ હતાં, તે વધીને અત્યારે હિન્દી બોલનારા 42 કરોડ થઈ ગયાં અને અંગ્રેજી બોલનારા વધીને49 કરોડ થઈ ગયાં !

સૌથી છેવાડાના લોકોની ભાષા, સ્થળાંતર થવાથી અને શિક્ષણને લીધે મોતની તરફ ઝડપથી આગળ વધે છે.

જેમ જેમ બોલાતી માતૃભાષાઓનું મહત્ત્વ ઘટતું જાય તેમ તેમ જે તે માતૃભાષા બોલનારા મૌન થતાં જાય, અને જે ભાષાનું બજારમાં ચલણ હોય તે ભાષા બોલનારાઓનો અવાજ વધુ બુલંદ થતો જાય યા એ અવાજ પેલા મૌન થઈ જતાં લોકો પર પોતાનું વર્ચસ્વ સ્થાપી દે છે.

માતૃભાષા જ વ્યક્તિની અભિવ્યક્તિ અને તેની સાથે સંકળાયેલાં વાચન, લેખન અને જગતને જાણવા માટેની શક્તિઓને વિસ્તારનારી બની રહે છે.

આપણે ત્યાં ગુજરાતમાં હમણાં કેટલાંક વર્ષોથી દર વર્ષે એકાદવાર છાપાં-ટીવીમાં એવા સમાચાર ચમકતા હોય છે કે 'ફલાણા અભ્યાસમાં જાણવા મળ્યું કે આઠમા ધોરણમાં ભણતાં 30 % બાળકો પાઠ્યપુસ્તકનો પાઠ કે કવિતા વાંચી શકતા નથી કે તેમને સાદા સરવાળા બાદબાકી આવડતા નથી.'

આ સમાચાર એવી રીતે ચમકાવવામાં આવે છે કે શિક્ષણનું સ્તર ઘટતું જાય છે અને તેના માટે શિક્ષકો જવાબદાર છે. શિક્ષકો પ્રાથમિક શાળાનાં બાળકોને બરાબર ભણાવતા નથી !

અને એટલે હવે શિક્ષકોની હાજરી માટે ડિજીટલ ટેકનોલોજીનો ઉપયોગ શરૂ કરાયેલો છે, એ માટે અંગૂઠો પાડીને હાજરી રેકોર્ડ કરવાનાં મશીનો પણ શાળા દીઠ ખરીદાઈ ગયાં છે.

અને બાળકોની વાચનશક્તિ સુધરે તે માટે આ વર્ષથી વાચન અભિયાનનો એક નવો કાર્યક્રમ હમણાં શરૂ થયો છે, અને દિવાળી પછી તે અભિયાન ગુજરાતની તમામ સરકારી પ્રાથમિક શાળાઓમાં અમલમાં મૂકાશે એવું શિક્ષણખાતા દ્વારા જાહેર કરવામાં આવેલું છે.

પહેલી દૃષ્ટિએ જોઈએ તો વાચન અભિયાન સરકારનાં શિક્ષણ ખાતાનું બહુ ઉત્તમ કામ છે અને તે ચાલવું જ જોઈએ એવું આપણને સૌને લાગે જ.

પરંતુ બાળકો કેમ નથી વાંચી શકતાં તે અંગેનો ઊંડો અભ્યાસ પણ અત્યારે જરૂરી બની રહે છે તે વધુ અગત્યની બાબત છે.

અને સૌથી પહેલાં તો આવાં આઠમા ધોરણનાં બાળકોને ત્રીજા ધોરણનું પાઠ્યપુસ્તક વાંચતાં નથી આવડતું એવાં અભ્યાસ-સંશોધન- સર્વેનું મૂલ્ય કેટલું તે તપાસવું પડે.

બાળકોને વાંચતા નથી આવડતું એવું કહીએ એટલે બાળકો અને શિક્ષકોની નિષ્ફળતા કથળતાં શિક્ષણ માટે જવાબદાર છે એવી માન્યતા-ખ્યાલોને મહત્ત્વ મળે.

ખરેખર તો શાળાઓમાં પૂરતા ઓરડાઓ અને યોગ્ય મહેનતાણા-પગાર સાથેનાં પૂરતાં શિક્ષકો છે કે નહીં ? તે મહત્ત્વનો સવાલ છે. બીજો સવાલ એ પણ બને છે કે જે પાઠ્યપુસ્તકો સરકાર તૈયાર કરાવે છે તે ગુજરાતનાં શહેર-ગ્રામિણ અને સાવ છેવાડાના સમુદાયો, ખાસ કરીને આદિવાસી, માલધારીઓ, વિચરતી જાતિઓના બાળકોને રસ પડે એવાં છે કે નહીં ?

ત્રીજો મુદ્દો એ છે કે બાર ગાઉએ બોલી બદલાય એમ એ બોલી-ભાષા-માતૃભાષા બોલતાં બાળકોને તેમની પોતાની માતૃભાષામાં ભણવાનું મળે છે ખરું ? યા તો સ્થાનિક ભાષા સમજી શકતાં સ્થાનિક શિક્ષકોને પોતાના વિસ્તારમાં જ શિક્ષક તરીકે નોકરી કરવાનું મળે છે ખરું ?

આ બધા પ્રશ્નોને ટાળવા માટે જ યા તો તેની ઉપેક્ષા કરવા માટે જ આવાં વાચનના સર્વે-સંશોધનો અભ્યાસ થતાં હોય એવું ઘણીવાર લાગે છે.

હવે બાળક વાંચતા કેવી રીતે શીખે છે તે સૌથી મહત્ત્વના મુદ્દાને પણ સમજવાની જરૂર છે.

માનવજીવનના વિકાસનો એક અગત્યનો મુદ્દો એ છે કે જેને કાન છે તેને જ મોઢું છે. એટલે કે બાળકના ભાષાના વિકાસમાં સૌ પ્રથમ કાન આવે છે. કાન સાંભળે તો જ બાળકની જીભ ખૂલે છે. તેનું શબ્દભંડોળ ઉમ્મરની સાથે વધતું રહે છે. અર્થાત્‌ બાળકના ભાષાના વિકાસમાં પ્રથમ શ્રવણ આવે ત્યાર બાદ કથન યાને કે બોલતાં શીખે અને ત્યાર બાદ ભાષાના વિવિધ સંકેતો – અક્ષરોની ઓળખ થાય – શીખે અને તેના આધારે જ તે અક્ષરો-શબ્દો ઓળખાતો થાય ને શ્રવણ અને કથનની શક્તિના વિકાસની સાથે જ પછી તે વંચાતા સાંકેતિક અક્ષરોનું અર્થઘટન કરી બાળકનું મગજ તે વાચનને સમજે અને તેનો અર્થ સમજે અને તે પછી જ યોગ્ય વાંચન થયેલું ગણાય.

હવે ભાષા વિકાસના આ ક્રમમાં જોઈએ તો કોઈ આદિવાસી બાળક પોતાની માતૃભાષામાં જ સાંભળતો હોય અને પછી તે જ બોલતાં શીખે અને પછી એકાએક પાંચ વર્ષની ઉંમર થતાં શાળામાં પ્રવેશ મેળવી ગુજરાતી અક્ષરો ઓળખતો થાય અને સાથે સાથે સ્વિકૃત – સ્ટાન્ડર્ડ એટલે કે 'શહેરી ગુજરાતી' ભાષાના શબ્દો વાંચતા શીખવાની મથામણ શરૂ થાય. અક્ષરો તો વાંચતા શીખી જાય પણ તે શબ્દોનો અર્થ જ ખબર ન પડતો હોય તો શું સાંકેતિક અક્ષરોની ઓળખથી વધુ વાત આગળ વધી શકે ખરી ?

જ્યારે શબ્દોના અર્થ જ ખબર ના પડતાં હોય તો એ અક્ષરો વાંચવાની ઝડપ યા સમજ ક્યાંથી વિકસી શકે ?

દાખલા તરીકે આપણને અંગ્રેજી ભાષા આવડતી હોય, રોમન લિપિમાં લખાતી અંગ્રેજી આપણે વાંચી શકીએ પણ આ જ રોમન લિપિમાં લખાતી ફ્રેન્ચ ભાષા આપણે વાંચી શકીશું ? નહીં જ વાંચી શકીએ.

કંઈક આવી જ વાત આપણાં ગુજરાતનાં લાખો બાળકોને લાગું પડે છે જેમનાં માટે ગુજરાતી એ જાણે કે એક જાતની પરદેશી ભાષા જ છે એ આપણે સ્વીકારવું રહ્યું.

આપણા ગુજરાતની કુલ વસ્તીના 15 % આદિવાસી સમુદાયો છે. એ જ રીતે સીંધી, કચ્છી જેવી માતૃભાષા ધરાવનારા બાળકો પણ અનેક છે.

વળી ઠેઠ અંતરિયાળ ગ્રામીણ વિસ્તારોમાં વિચરતી જાતિઓ, માલધારીઓ; એ બધાં માટે પણ 'સ્ટાન્ડર્ડ ગુજરાતી' ભાષા ના શબ્દો અપરિચિત યા તેના અર્થ જ ખબર ન પડે એવા છે.

આવા સમયે આ બાળકો ગુજરાતીમાં લખાયેલાં લખાણ કેવી રીતે વાંચી શકવાના ?

ખરેખર તો આદર્શ વાત એ જ છે કે તમામ બાળકોને પાંચ ધોરણ સુધીનું ભણતર તેમની માતૃભાષામાં જ મળે તો જ તેમની અભિવ્યક્તિ મજબૂત બનવાની છે, તેમનું ભણતર અર્થપૂર્ણ બનવાનું છે.

અને મજબૂત અભિવ્યક્તિ જ સારા, ખૂદ નિર્ણય કરનારાં વ્યક્તિઓ-નાગરિકો તૈયાર કરી શકે.

અને આવાં અનેકાનેક ભાષાનાં વૈવિધ્યનો સ્વીકાર થાય, તેને આદર, સન્માન મળે તો જ દેશ પણ સશક્ત – તંદુરસ્ત બની રહે એવું શું તમને નથી લાગતું ?

સૌજન્ય : ‘ચિંતા’ નામક લેખકની સાપ્તાહિક કટાર, “ગુજરાત ગાર્ડિયન”, 25 સપ્ટેમ્બર 2019

Loading

વિનોબા – અધ્યાત્મ અને વિજ્ઞાનનો સમન્વય

રોહિત શુક્લ|Opinion - Opinion|25 September 2019

જગતમાં જ્ઞાનનું ખેડાણ અનેક ક્ષેત્રોમાં વિસ્તર્યું છે. એક ક્ષેત્ર શુદ્ધ વિજ્ઞાનોનું છે, જેમાં પદાર્થવિજ્ઞાન, રસાયણશાસ્ત્ર, જીવશાસ્ત્ર, વનસ્પતિશાસ્ત્ર, ગણિતશાસ્ત્ર, આંકડાશાસ્ત્ર, નૃવંશશાસ્ત્ર, અવકાશવિજ્ઞાન વગેરેનો સમાવેશ થાય છે. બીજું ક્ષેત્ર માણસ અને સમાજને અનુલક્ષીને છે. તેમાં અર્થશાસ્ત્ર, સમાજશાસ્ત્ર, માનસશાસ્ત્ર, વગેરેનો સમાવેશ થાય છે. ઇતિહાસ અને ભૂગોળનાં વૈજ્ઞાનિક અને શાસ્ત્રીય સ્વરૂપો છે જ; પણ આપણે એકંદરે તેનો માહિતીના સ્રોત રૂપે વિચાર કરીએ છીએ. શાસ્ત્ર, વિજ્ઞાન અને વિદ્યા એમ ત્રણ નામે વૈજ્ઞાનિક પદ્ધતિના જ્ઞાનનો ઉલ્લેખ થાય છે. વિદ્યાઓમાં શસ્ત્રવિદ્યા, જ્યોતિષવિદ્યા વગેરેનો સમાવેશ થાય છે. આ સઘળાંમાં દર્શનશાસ્ત્ર સૌની ટોચે અને સર્વસમાવેશી હોય છે. દર્શનશાસ્ત્ર અનેક અલગ અલગ શાસ્ત્રો, વિજ્ઞાનો તથા વિદ્યાશાખાઓનો સમન્વય કરે છે. દર્શનશાસ્ત્ર શંકા, સવાલો, તાર્કિક ખંડન-મંડન, ધારણાઓ, સાબિતીઓ વગેરેના અડાબીડ જંગલમાંથી પસાર થાય છે. દાર્શનિકો ગહનચિંતન દ્વારા માનવજીવન, પ્રકૃતિ, આત્મા-પરમાત્મા, જડ-ચૈતન્ય, કાર્યકારણ સંબંધ વગેરે વિશે સમજ કેળવે છે.

વિજ્ઞાન કેટલાક ચોક્કસ આગ્રહો સેવે છે. જ્ઞાનનું શાસ્ત્ર અથવા સિદ્ધાંત, જેને અંગ્રેજીમાં થિયરી ઑફ નૉલેજ કહીએ છીએ, તે કેટલાંક પરિણામો અને કસોટીઓના ચોક્કસ પ્રકારો ધરાવે છે. પ્રયોગો તર્ક કે નિરીક્ષણ દ્વારા ચોક્કસ તારણો તરફ લઈ જાય છે. આ તારણોને લીધે માનવ જગત પાસે એક અદ્દભુત શક્તિ આવે છે. તેને પ્રેડિક્ટેબિલિટી-અવશ્યંભાવિતા કહેવાય છે. નર્મદા નદી ઉપરના બંધમાંથી છોડાતા પાણી વડે ટર્બાઇન ફરે એટલે વીજળી પેદા થાય જ. ગુરુત્વાકર્ષણના નિયમને કારણે ઊંચેથી પટકાવાથી મરણ કે ગંભીર ઈજા થાય જ. ગુરુત્વાકર્ષણનો નિયમ જે રીતે સફરજનને લાગુ પડે, તે જ રીતે ધર્માચાર્ય, વૃદ્ધ, મહિલા કે બાળકને પણ લાગુ પડે જ.

વિજ્ઞાનની ગતિવિધિ સૌ માટે સમાન છે. ચંદ્રયાન, ગ્રહણ, ભરતી-ઓટ, તબીબી સારવાર વગેરે તેના વિસ્તરતા સીમાડા દાખવે છે. વિજ્ઞાનમાં કશું ગૂઢ કે રહસ્યભર્યું હોતું નથી. તે પ્રયોગો કરીને જાણી શકાય છે. તેને સ્પષ્ટ રીતે માપી શકાય છે. તેને જોઈ અને બહુધા, સ્પર્શી શકાય છે.

ગ્રીક દંતકથા અનુસાર, ઑલમ્પસ પર્વત ઉપરથી પ્રોમિથસ અગ્નિ ચોરી લાવ્યો અને માનવજાતને તેની ભેટ આપી, ત્યારથી વિજ્ઞાનનો પ્રારંભ થયો. અગ્નિની જેમ પૈડું – ચક્ર પણ આવી જ ક્રાંતિકારી શોધ સાબિત થઈ. હાલનું જગત ચતુર્થ ઔદ્યોગિક ક્રાંતિમાંથી પસાર થઈ રહ્યું છે. પ્રથમ ક્રાંતિ (૧૬૦૦-૧૭૪૦) કોલસો, વરાળ, ખેતી અને નાણાંવ્યવહારને લગતી હતી. કોલસા દ્વારા વરાળયંત્રો ચાલતાં થયાં અને કુટિર ઉદ્યોગો બંધ પડવા માંડ્યા. બીજી ક્રાંતિ લગભગ ૧૮૭૦થી આરંભાઈ. તેમાં કમ્બસ્ટન એન્જિનનો ઉપયોગ કરી જથ્થાબંધ ઉત્પાદન થવા માંડ્યું. ૧૯૬૯થી ત્રીજી ક્રાંતિનાં મંડાણ થયાં અને તેમાં અણુશક્તિ ચાલકબળ બની. તે સાથે ઇલેક્ટ્રૉનિક્સ અને માહિતી ક્રાંતિનો પ્રારંભ થયો. એકવીસમી સદી ડિજિટલ ટેક્‌નોલૉજીની ક્રાંતિ છે. આ ક્રાંતિઓ બાબતે કેટલાક મુદ્દા નોંધવા જોઈએ :

૧. અગ્નિ અને પૈડાંની શોધ પછી સેંકડો વર્ષે પ્રથમ ક્રાંતિ જન્મી, પરંતુ તે પછી બીજી અને ત્રીજી ક્રાંતિ સો-સો વર્ષે સધાઈ. ચોથી અને ત્રીજી ક્રાંતિ વચ્ચે માંડ ચાર દાયકાનો સમય લાગ્યો.

૨. ક્રાંતિઓ અનેક શાસ્ત્રો, વિજ્ઞાનો અને વિદ્યાઓના આંતરસંબંધો ધરાવે છે. ચાલકશક્તિ, યંત્રવિદ્યા, તર્ક, ગણિત, મૅનેજમૅન્ટ, ફાઇનાન્સ, અર્થ-સમાજ, રાજકારણ – એમ દરેક બાબતમાં પરિવર્તનો અને વમળો જન્મે છે.

આટલા બધા વૈજ્ઞાનિક આવિષ્કારોના કારણે માનવજીવન તેમ જ રાજકીય વ્યવસ્થાઓમાં જે આમૂલાગ્ર ફેરફારો જન્મ્યા તેને પ્રગતિ કહેવી કે કેમ તે અંગે ચર્ચા થઈ શકે છે, વિજ્ઞાનની શોધખોળથી જીવન સુખ, સંતોષ કે આનંદમય બન્યું છે કે કેમ તે અંગે પણ મતભેદો હોઈ શકે. છતાં વિજ્ઞાનની આગેકૂચને કોઈ થંભાવી શકે તેમ નથી તે પણ એટલું જ સાચું છે. વિજ્ઞાન અને શોધખોળોમાંથી જન્મતી પ્રગતિની સામે સુખ, સંતોષ અને આનંદની ખોજમાં માણસ અધ્યાત્મના ક્ષેત્રમાં પણ, તપાસાર્થે ઊતર્યો છે.

જેમની સવાસોમી જયંતી ઊજવાઈ રહી છે, તે વિનોબા ભાવેનું અધ્યાત્મ, ધર્મ તથા શાસ્ત્રોના ક્ષેત્રે અતિ ઉમદા પ્રદાન છે. વેદ, શાસ્ત્રો અને પુરાણો, જગતના ધર્મો, સંતસાહિત્ય વગેરેમાં વિનોબાની સમકક્ષ સમજ ધરાવનાર અન્ય કોઈ ભાગ્યે જ સાંપડે. આ બધાંનો તેમણે માત્ર અભ્યાસ જ નથી કર્યો; તે બધું જીવનમાં ઉતારતા રહીને તેમણે ‘સમન્વય’ની ભૂમિકા સર્જી આપી છે. તેમનું સમગ્ર જીવન ‘દિલોંકો જોડવાનું કામ કરવામાં વીત્યું. દુનિયામાં ‘ન ભૂતો ન ભવિષ્યતિ’ જેવી, ભૂદાન પ્રવૃત્તિ પણ તેમણે જ ચલાવી બતાવી. વિનોબા અધ્યાત્મ અને વિજ્ઞાન વચ્ચે સમન્વય કરવા મથે છે.

અધ્યાત્મ એક જુદી અને આગવી ભૂમિકા ધરાવે છે. ‘અધ્યાત્મ’ શબ્દને બરાબર સમજવો જોઈએ. અંગ્રેજી શબ્દ ‘સ્પિરિચ્યુઆલિઝમ’ તેની નજીક છે. આત્મા એટલે કે સ્પિરિટ વિષયક હોય તે આધ્યાત્મિક. નકારાત્મક ભાવથી ગણીએ તો ધાર્મિક, રૂઢિવાદી, મૂર્તિપૂજન-અર્ચન, વિધિવિધાન, કર્મકાંડ, યજ્ઞયાગાદિ, મંત્ર, તંત્ર વગેરે ક્ષેત્રો મૂળભૂત રીતે આધ્યાત્મિક નથી, પણ ભક્તિ, શ્રદ્ધા, ધ્યાન વગેરે ક્ષેત્રો આધ્યાત્મિક યાત્રામાં ખપનાં ગણાય છે.

વિનોબાની દૃષ્ટિએ અધ્યાત્મ માટે પાંચ આવશ્યકતાઓ છેઃ

૧. સત્ય, અહિંસા, કરુણા, પ્રેમ વગેરે જેવાં નિરપેક્ષ નૈતિક મૂલ્યોમાં શ્રદ્ધા, Faith in absolute values.

૨. પ્રાણીમાત્ર સાથે એકાત્મતા અને પવિત્રતા. (Unity and Sanctity of Life).

૩. મૃત્યુ પછી ય જન્મજન્માંતર દ્વારા જીવનની અખંડિતતા. (Continuity of Life)

૪. કર્મવિપાકઃ કર્મના સિદ્ધાંતમાં શ્રદ્ધા.

૫. વિશ્વ કોઈક વ્યવસ્થાને આધીન છે. (There is an order in the Universe.)

આ તમામ મુદ્દાનો સાર એ છે કે અધ્યાત્મ દ્વારા વ્યક્તિ કોઈક સચરાચર ચૈતન્ય સાથે તાદાત્મ્ય અનુભવે છે. પોતાનું જીવન કર્મ, પ્રારબ્ધ, પરમ તત્ત્વ વગેરેના સંદર્ભમાં જીવે છે. આવી વ્યક્તિને જન્મ અને પુનર્જન્મમાં શ્રદ્ધા હોય છે. ગાંધીજીએ કહેલું તેમ, ‘મચ્છર અને માંકડ પણ મારા સહોદર છે’ – એ વાતમાં તેને ભરોસો હોય છે.

આ પ્રકારના વિચારો અને શ્રદ્ધા ધરાવનાર અધ્યાત્મનો આધુનિક વિજ્ઞાન સાથે મેળ બેસે તેમ નથી. કેટલાક પાયાગત તફાવતો જોઈએ :

૧. વિજ્ઞાનનું જ્ઞાન નિરીક્ષણ આધારિત તથા પંચેન્દ્રિય (કાન, નાક, આંખ, સ્પર્શ અને સ્વાદ) જનીત છે. તેના પુરાવા આપી શકાય છે. અધ્યાત્મનું જ્ઞાન શ્રદ્ધા ઉપર અવલંબે છે અને તેના પુરાવા આપી શકાતા નથી. જન્મ-પુનર્જન્મ, પ્રારબ્ધ વગેરેના પુરાવા મળતા નથી; તે માત્ર માની લેવાની કે ધારી લેવાની બાબતો છે.

૨. આધ્યાત્મિક જ્ઞાનનો પ્રત્યક્ષદર્શી પુરાવો મળતો નથી. વિજ્ઞાન હંમેશાં પ્રત્યક્ષ-પ્રમાણ રજૂ કરે છે. જેનો પુરાવો કે પ્રમાણ આપી ન શકાય, તેને વિજ્ઞાન ન જ કહેવાય.

૩. વિજ્ઞાન તર્કબુદ્ધિ ઉપર આધારિત છે; અધ્યાત્મમાં તર્કનો પ્રયોગ નથી. મહાભારતના વિદુરના પાત્ર દ્વારા આ વાત ઉપર વેધક પ્રકાશ પડે છે. વિદુરે પોતાને આટલું બધું દુઃખ કેમ વેઠવું પડ્યું તે અંગે ધર્મરાજાને સવાલ કર્યો. તેને જવાબ મળ્યો કે અમુક જન્મમાં તે એક નાના (અગિયાર વર્ષના) બાળક હતા, ત્યારે બાવળની લાંબી શૂળ એક તીતીઘોડા ઉપર ખોસી દીધી હતી ! એક નાના બાળકને આટલી બધી સજા હોય ?! હાલની ન્યાયવ્યવસ્થા સાથે આ બાબત સુસંગત નથી. જુવેનાઇલ જસ્ટિસના સિદ્ધાંત પ્રમાણે એક તો અણસમજુ બાળકને આવી સજા ન કરાય. બીજું, સજા હંમેશાં ગુનાના પ્રમાણમાં જ હોઈ શકે. તાર્કિક રીતે હવે સવાલ એ કરવો જોઈએ કે એક નાના બાળકની અણસમજ માટે આવી સજા કરનાર ધર્મરાજાના કર્મ માટે કેવી સજા કરવી જોઈએ ?

આમ છતાં, વિનોબાના અધ્યાત્મ અને વિજ્ઞાનને સાંકળવાના પ્રયાસમાં મૂળભૂત રીતે મોક્ષમાર્ગી સમાજ માટે ઉચિત દિશામાં ગતિ કરે તેવા વિજ્ઞાનની ઉપર વિજ્ઞાનની દિશા ઉપર ભાર મુકાયો છે. આ મુદ્દો અનેક કારણોસર વિચારપાત્ર છે. વિજ્ઞાનને સમજણ અને વિવેકપૂર્ણ વ્યવહારના સંદર્ભમાં જોઈએ, તો અધ્યાત્મ સાથેનો તેનો આવશ્યક નાતો સમજી શકાય. અત્યંત મહત્ત્વની વાત એ છે કે અધ્યાત્મ સાથેના જોડાણવાળા વિજ્ઞાન વડે એક સુખી અને આનંદસભર માનવજીવનનો આવિષ્કાર થઈ શકે. થોડાંક ઉદાહરણો જોઈએ :

૧. વિજ્ઞાને અણુ ઊર્જાની ખોજ કરી બતાવી, પણ જો અધ્યાત્મનો વિચાર હોત તો હિરોશિમા-નાગાસાકી નીપજ્યાં ન હોત.

૨. આર્થિક અસમાનતા, ગરીબી, પર્યાવરણીય વિનાશ, ભ્રષ્ટાચાર, સત્તાખોરી, હિંસા, (મોબ લીન્ચિંગ, કરફ્યુ, આતંકવાદ) ન હોત અને ધાર્મિક ઝનૂન અને વેરભાવ પણ ન હોત.

૩. શિક્ષણ અને સ્વાસ્થ્ય જેવા વ્યવસાયોમાં નફાખોરી ન હોત.

૪. સ્ત્રીઓ તરફનું અપમાનજનક વર્તન ન હોત.

૫. ઉપભોક્તાવાદ અને તેના કારણે થતાં અનેકવિધ દૂષણો પણ ન હોત.

આ યાદી ઘણી લાંબી કરી શકાય તેમ છે. આધ્યાત્મિકતાનો કાબૂ હોય તે સમાજનાં તમામ તંત્રો સુખ અને આનંદકેન્દ્રી બની રહે તે સ્વાભાવિક છે. અહીં બે દેશોના દાખલા ઉપયુક્ત બને છે. એક તરફ ભૂતાન દેશ છે. ત્યાં સુખને લક્ષમાં રાખીને આર્થિક નિર્ણયો લેવાય છે. આથી ત્યાં ઔદ્યોગિકીકરણ થતું નથી. પ્રવાસનની આવક મુખ્ય હોવા છતાં તેને પણ મર્યાદિત રખાય છે.

ભુતાન કરતાં સુખના સૂચકાંકમાં નૉર્વે, નેધરલૅન્ડ, સ્વિડન વગેરે દેશો આગળ છે. ત્યાં આધુનિકતા અને વિજ્ઞાન છે, પરંતુ રાજ્યવ્યવસ્થા ખૂબ જ ઉચિત નિર્ણયો કરે છે, તેથી ભ્રષ્ટાચાર, ગરીબી, શોષણ, હિંસા વગેરે પણ ઓછાં જ છે. આથી જ નેધરલૅન્ડમાં હવે જેલો ભાડે અપાય છે.

આ ઉદાહરણોને આધ્યાત્મિક તથા વિજ્ઞાનના સંદર્ભે જોડીએ તો સમજાશે કે સ્કેન્ડિનેવિયાના દેશોમાં યુ.એન.ના આદર્શો અનુસાર અને સામાજિક ન્યાયની સંનિષ્ઠ વિભાવનાને કારણે વિજ્ઞાન આધારિત ધાર્મિક અને આધુનિક સુખી જીવન શક્ય બન્યું છે. બીજી તરફ ભારત, પાકિસ્તાન, સીરિયા, લિબિયા, અફઘાનિસ્તાન વગેરે દેશોમાં (અધ્યાત્મ નહીં !) ઝનૂનના કારણે શાસન વ્યવસ્થા સમાજો માટે જરૂરી સુખનું સર્જન કરી શકી નથી. અધ્યાત્મના આંચળા હેઠળના ધાર્મિક ઝનૂનના સ્થાને આધુનિકતા સાથેનો સામાજિક ન્યાય ઉપયુક્ત બને છે.

અલબત્ત, અધ્યાત્મની સાચી દિશા પકડાય, તો માનવજીવન અકલ્પ્ય એવી ઊંચાઈએ પહોંચી શકે. વિનોબાજીની ભૂદાનપ્રવૃત્તિ દ્વારા આ ઊંચાઈ સાબિત કરીને સૌને પ્રત્યક્ષ કરી બતાવી છે. ભારતની આઝાદીની લડાઈમાં ગાંધીજીએ પણ અગિયાર મહાવ્રતો દ્વારા આ ઊંચાઈ સિદ્ધ કરી બતાવી છે. આ કક્ષાએ હજુ વિજ્ઞાનનું પહોંચવું બાકી છે.

સ્વ. કાંતિભાઈ શાહ, આપણા સમયના, વિનોબાજીના એક ઉત્તમ તત્ત્વચિંતક હતા. તેમનું પુસ્તક, વિજ્ઞાન, અધ્યાત્મ અને વિનોબા, (યજ્ઞ પ્રકાશન : ૨૦૦૪) આ ક્ષેત્રમાં વિચારનારા માટે ધ્રુવતારક સમાન છે.

કાંતિ શાહ નોંધે છે : ‘આ દુનિયાનું ઘડતર કરનારી અને માણસના જીવનને આકાર આપનારી ત્રણ તાકાત છે : વિજ્ઞાન, આત્મજ્ઞાન અને સાહિત્ય … આ ત્રણે શક્તિ અસલમાં વિચારવાની શક્તિ છે, જે ચિંતન-મનનમાંથી નીપજી છે. ચિંતન મુખ્યત્વે ચાર પ્રકારનું હોય છે : (૧) ડોગ્મેટિક એટલે કે રુઢિગત, સ્થિતિચુસ્ત, અમુક વાદને વળગી રહેનારું, હઠાગ્રહી. (૨) પ્રેગ્મેટિક એટલે કે પરિણામવાદી, ઉપયોગિતાવાદી, વ્યાવહારિક દૃષ્ટિએ વિચારનારું. (૩) રેશનલ એટલે કે તર્ક-આધારિત, બુદ્ધિયુક્ત કેવળ બુદ્ધિ-પ્રામાણ્યને માનનારું. (૪) ટ્રાન્સેન્ડેન્ટલ એટલે કે પેલે પારનું, બુદ્ધિની મર્યાદાને અતિક્રમી જતું, ગૂઢ અને રહસ્યને આંબતું. વિજ્ઞાન અને આત્મજ્ઞાનનું ચિંતન ચોથા પ્રકારનું છે.’

વિશ્વાત્માનું શોધન વિજ્ઞાન કરે છે અને અંતરાત્માનું શોધન આત્મજ્ઞાન કરે છે … વિજ્ઞાન અને આધ્યાત્મના શોધન દ્વારા બંને એક છે, તેવો અનુભવ થશે. આવી સંશય રહિત વૃત્તિ એટલે જ પ્રજ્ઞા. તે જેની પાસે કાયમ રહે, તે સ્થિતપ્રજ્ઞ. (પૃ. ૧૩૭)

‘મને ખાતરી છે કે વિજ્ઞાન આટલું બધું વધશે, તે પછી અધર્મ ટકી જ નહીં શકે, અને સર્વત્ર ધર્મ જ ફેલાશે. સંકુચિત ભાવના એ જ ‘અધર્મ’ છે. અને વ્યાપક ભાવના એ ધર્મ … મને ખાતરી છે કે હવે વિજ્ઞાનની ભૂમિકા ઉપર સાચા ધર્મની સ્થાપના થશે, માનવધર્મની સ્થાપના થશે.’ (પૃ. ૧૪૨)

વિજ્ઞાન અને અધ્યાત્મને આ રીતે એકાકાર વૃત્તિથી વિનોબા જોડે છે. તેમની પ્રજ્ઞા પ્રમાણે જગતમાં કોઈ અને કશું પણ પારકું નથી. યજુર્વેદ કહે છે તેમ જગતને મિત્રવત્‌ જોવાશે. પ્રજ્ઞા અને આંતરદૃષ્ટિની આ એક આગવી અને વિશિષ્ટ કસોટી છે. ગીતા કહે છે તેમ ‘આત્મવત્‌ સર્વ ભૂતેષુ.’ બધું જ અને બધે જ જે પરમાત્મા પ્રવર્તે છે, તે અને વ્યક્તિ-આત્મા એકાકાર થઈ રહેશે. મનન-ચિંતનની ટ્રાન્સેન્ડેન્ટલ પરિસ્થિતિમાંથી નીપજતી આ સ્થિતપ્રજ્ઞતા બને છે.

આ અતિ રોચક અને ભવ્ય વિચારને કાંતિભાઈ આ રીતે મૂકે છે : ‘હું તો કહીશ કે અવતારયુગ હવે પૂરો થયો. આપણે સહુ મળીને ભગવાનને કહીએ કે હવે તમારે અવતાર લેવાની જરૂર નથી. અમારો ઉદ્ધાર એમ જ કરીશું. તમે નીચે ઊતરો, તેને બદલે અમે જ ઉપર ચઢીએ. વારંવારે તમારે જ આવવું પડે, તેમાં તમારી શોભા નહીં અને અમે બાળકો માટે પણ તે શોભાસ્પદ નહીં, તેથી હવે અમારે જ વિજ્ઞાન અને આત્મજ્ઞાનની બે પાંખે ઊડતાં શીખી લેવું જોઈએ અને ધર્મ-સ્થાપના કરવી જોઈએ.’ (પૃ. ૧૪૧)

ડૉગ્મેટિક, પ્રેગ્મેટિક અને રેશનલ ચિંતનમાં પરિસીમિત રહેવાને બદલે ટ્રાન્સેન્ડેન્ટલ ચિંતનના આ માર્ગે અધ્યાત્મ અને વિજ્ઞાન ભાવિ સમાજની બે પાંખો છે.

‘સંપાદક’, અભિદૃષ્ટિ

(01 સપ્ટેમ્બર 2019ના દિવસે, રૉટરી ક્લબ, મહેસાણા સમક્ષ અપાયેલા પ્રવચન ઉપર આધારિત.)

સૌજન્ય : “અભિદૃષ્ટિ”, સપ્ટેમ્બર 2019; પૃ. 02 − 05

Loading

આજના ‘દેવભૂમિ દ્વારકા’ જિલ્લાના એક યુવાન આઈ.એફ.એસ.માં પાસ થયા : ઈરાન પછી અત્યારે લંડનની હાઇ કમિશનની ઑફિસમાં ફરજનિષ્ઠ છે

રમેશ તન્ના, રમેશ તન્ના|Opinion - Opinion|24 September 2019

વિદેશમાં વસતા ગુજરાતીઓ રાજકારણમાં ભાગ્યે જ જોડાય છે. જો કે હમણાં મૂળ જામનગરનાં કૌશલ્યાબહેન વાઘેલા મેલબોર્નમાં વિક્ટોરિયા સ્ટેટમાં લેબર પાર્ટીમાં એમ.પી. બન્યાં છે. વિક્ટોરિયન પાર્લામેન્ટમાં સભ્ય બનનારાં તેઓ પહેલાં ભારતીય છે.

દેવભૂમિ દ્વારકા જિલ્લાનું બીજું એક ગૌરવ એટલે રોહિત વઢવાણા. તેઓ ભારતીય હાઈકમિશન લંડનમાં ઑફિસર તરીકે ફરજ બજાવી રહ્યા છે. એ પહેલાં તેઓ ઈરાનમાં ભારતીય દૂતાવાસમાં ફરજનિષ્ઠ હતા. વિવિધ અખબારોમાં વ્યક્તિત્વ વિકાસ, સાંપ્રત પ્રવાહો, આતંરરાષ્ટ્રીય પ્રવાહો, પ્રવાસ અને સાહિત્ય વિશે લખતા રોહિતભાઈ ગુજરાતના લાખો યુવાનો માટે પ્રેરણા બની શકે તેમ છે. એક નાનકડા ગામડાંનો યુવાન પુરુષાર્થ કરીને કેટલો આગળ આવી શકે તેનું પ્રેરક ઉદાહરણ એટલે રોહિતભાઈ.

તેમનાં માતાનું નામ કિરણબહેન. પિતાનું નામ રમેશચંદ્ર. તેમનું મૂળ ગામ સાંપ્રત દેવભૂમિ દ્વારકા જિલ્લાના ભાણવડ તાલુકાનું પાછતર ગામ. રોહિતભાઈનું પ્રાથમિક શિક્ષણ પાછતરમાં થયું. એ પછી તેઓ ધોરણ બાર સુધી ભાણવડમાં ભણ્યા. તેમણે અંગ્રેજી સાહિત્યમાં બી.એ. કર્યું. એલ.એલબી. પણ કર્યું છે. તેમના પિતા રમેશચંદ્ર જ્યુપીટર મિલમાં નોકરી કરતા હતા. એ કંપની બંધ થયા પછી ઓખા મીઠાપુરસ્થિત ટાટા કેમિકલ્સમાં જોડાયેલા. રોહિતભાઈ સાધારણ પરિવારમાંથી આવે છે એમ કહી શકાય.

ધોરણ બાર પછી તરત જ તેમણે ટ્યુશન આપવાનું શરૂ કરેલું. નવાઈ લાગશે પણ એ વખતે, કિશોર કહી શકાય તેવા રોહિતભાઈ 170-175 વિદ્યાર્થીઓને ભણાવતા. તેજસ્વી તો હતા જ અને તેમને ભણાવતાં પણ આવડતું. આમ, બારમા ધોરણ પછી તરત તેઓ સ્વનિર્ભર બની ગયા હતા. તેઓ બી.એડ.માં એડમિશન લેવા અલિયાબાળા ગયેલા, પરંતુ અમદાવાદની ‘સ્પીપા’ સંસ્થા તેમને સાદ કરીને બોલાવતી હતી. સી.એ. કરતા એક મિત્રએ તેમને ‘સ્પીપા’માં જોડાવાની સલાહ આપી. જોડાયા. ખંતથી મહેનત કરી. બીજા વર્ષે પરીક્ષા આપી. થોડા ગુણ માટે રહી ગયું.

જો કે કુદરત કશુંક છીનવે છે તો સામે કશુક આપે છે. થયું એવું કે વધારે તૈયારી કરવા માટે અમદાવાદના જાણીતા મા.જે. પુસ્તકાલયમાં જવા લાગ્યા. અહીં તેમનો પરિચય ફેમિદા નામની યુવતી સાથે થયો. તેઓ એફ.ડી. કોલેજમાં લેક્ચરર હતાં. પરિચય મિત્રતામાં અને મિત્રતા જીવનભરના સાથમાં પરિણમી. એ પછી તો એક ડ્રોપ લઈને રોહિતભાઈએ બીજી વખત યુ.પી.એસ.એસી.ની પરીક્ષા આપી. પાસ થઈ ગયા. 2009માં લેવાયેલી પ્રિલિમનું પરિણામ અને 2010માં ફાઈનલ પરીક્ષા પાસ કરી. એ દરમિયાન ૨૦૦૭માં લેવાયેલી જી.પી.એસ.સી.ની પરીક્ષા આપેલી. ૨૦૦૯માં લેવાયેલી યુ.પી.એસ.સી.નું ફાઇનલ પરિણામ ૨૦૧૦માં આવ્યું તો તેમાં રોહિતભાઈનું સિલેક્શન તેમની પ્રથમ પસંદગીની સર્વિસ – ભારતીય વિદેશ સેવા – IFS માં થઇ ગયું.

જ્યારે કુદરત આપે ત્યારે તો એક સામટું આપી દે છે. યુ.પી.એસ.સી.ના પરિણામના એક અઠવાડિયા બાદ જી.પી.એસ.સી.નું પરિણામ પણ આવ્યું અને તેમાં પણ રોહિતભાઇની પસંદગી DySPની પોસ્ટ માટે થયેલી. તેમણે IFS જોઈન કરી. અહીં પહેલા વર્ષે એક વિદેશી ભાષા શીખવાની હોય છે. તેમણે ફારસી પસંદ કરી અને પ્રથમ પોસ્ટિંગ ઈરાનમાં લીધું. ઈરાન પછી હવે તેઓ લંડનમાં છે. લંડન જતાં પહેલાં અમદાવાદમાં પોતાના સનદી અધિકારીમિત્રો તથા કેટલાક પત્રકારો અને લેખકોને વાળું-પાણી કરાવ્યાં હતાં. તેમાં યોગેન્દ્ર વ્યાસ જેવા તેમના યુ.પી.એસ.સી. પરીક્ષાના ગુરુ અને પી.કે. લહેરી જેવા વડીલ પણ હાજર હતા.

રોહિત વઢવાણા નીવડેલા લેખક પણ છે. સતત લખ્યા કરે છે. ફિક્શન લખવું પણ તેમને ગમે છે. શબ્દો સાથે તેમને સારું બને છે. તેઓ કહે છે કે ગુજરાતી યુવાનોએ વલણ બદલીને સ્પર્ધાત્મક પરીક્ષાઓ આપવી જોઈએ. કોણ જાણે કેમ, ગુજરાતીઓમાં સનદી ક્ષેત્ર માટે પોઝિટિવ અભિગમ નથી. મહેનત કરો અને પ્રતિબદ્ધતા રાખો તો ધારો તે મેળવી જ શકો. ગુજરાતી માતા-પિતાઓએ પોતાનાં બાળકોને નાનપણથી જ વાચનની ટેવ પાડવી જોઈએ, તેવું રોહિતભાઈ ભારપૂર્વક કહે છે.

તેમનાં જીવનસાથી ફેમિદાબહેન પણ સતત પ્રવૃત્તિમય રહે છે. તેમને પણ વાચનનો શોખ છે. એમ.કોમ. અને બી.એડ. કર્યાં પછી તેમણે ફેશન ડિઝાઈનિંગ કર્યું છે. તેઓ મુસ્લિમ અને રોહિતભાઈ હિન્દુ એટલે લગ્ન કરવાં સહેલાં નહોતાં. ભાગીને લગ્ન કરેલાં, જો કે પછી પરિસ્થિતિ થાળે પડી ગઈ. અમે બન્નેએ લગ્નના આફ્ટર શોક અનુભવેલા તેવું તેઓ હસતાં હસતાં કહે છે.

રોહિતભાઈની ભવ્ય સફળતા બતાવે છે કે કોઈ પણ મોટી સફળતા કોઈનો ઈજારો નથી. ગરીબ ઘરનો છોકરો પણ મહેનત કરીને આગળ આવી શકે છે. નાનકડા ગામમાં રહેતો લુહારનો દીકરો ઈરાન કે લંડનમાં નોકરી કરી શકે છે. રોહિતભાઈની વિદ્યાપ્રીતિ જબરજસ્ત છે. તેઓ સરસ્વતીના ઉપાસક છે. તેમણે કરેલું વિદ્યાતપ ફળ્યું છે. હજી તો ઘણા નાના છે. તેમની પાસેથી આપણને સ્વાભાવિક છે કે ઘણી અપેક્ષાઓ હોય.

પોતે જે પામ્યા છે તેને તેઓ વહેંચવા માગે છે. તેમનો આ રચનાત્મક અભિગમ, સામાજિક દાયિત્વની ભાવના તેમને બીજા કરતાં જુદા પાડે છે. તેઓ સતત પ્રવૃત્તિમાં રહે છે. ગમતું હોય તો અલ્યા, ગુંજે ના ભરીએ, ગમતાનો કરીએ ગુલાલ … એ ભાવનામાં માને છે. ગુજરાતમાંથી બીજા ઘણા રોહિત પેદા થાય તેમાં તેમને રસ છે. તેમણે સ્પર્ધાત્મક પરીક્ષાઓ માટેનાં ઘણાં પુસ્તકો પણ લખ્યાં છે.

રોહિતભાઈને અગિયાર દરિયા ભરીને અભિનંદન અને એટલા જ દરિયા ભરીને શુભકામનાઓ.

https://www.facebook.com/ramesh.tanna.5/posts/10156798617847893   

દંપતી છબિનું સૌજન્ય : નીરજભાઈ શાહ

Loading

...102030...2,6752,6762,6772,678...2,6902,7002,710...

Search by

Opinion

  • પાલિકા-પંચાયત ચૂંટણીઓમાં વિલંબ લોકતંત્ર માટે ઘાતક છે
  • અદાણી ભારત કે અંબાણી ઈન્ડિયા થશે કે શું?
  • પ્રતાપ ભાનુ મહેતા : સત્તા સામે સવાલો ઉઠાવતો એક અટલ બૌદ્ધિક અવાજ
  • લાઈક-રીલ્સથી દૂર : જ્યારે ઓનલાઈનથી ઓફલાઈન જિંદગી બહેતર થવા લાગે
  • રુદ્રવીણાનો ઝંકાર ભાનુભાઈ અધ્વર્યુની કલમે

Diaspora

  • દીપક બારડોલીકરની પુણ્યતિથિએ એમની આત્મકથા(ઉત્તરાર્ધ)ની ચંદ્રકાન્ત બક્ષીએ લખેલી પ્રસ્તાવના.
  • ગાંધીને જાણવા, સમજવાની વાટ
  • કેવળ દવાથી રોગ અમારો નહીં મટે …
  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !
  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ

Gandhiana

  • ગાંધીસાહિત્યનું ઘરેણું ‘જીવનનું પરોઢ’ હવે અંગ્રેજીમાં …
  • સરદાર પટેલ–જવાહરલાલ નેહરુ પત્રવ્યવહાર
  • ‘મન લાગો મેરો યાર ફકીરી મેં’ : સરદાર પટેલ 
  • બે શાશ્વત કોયડા
  • ગાંધીનું રામરાજ્ય એટલે અન્યાયની ગેરહાજરીવાળી વ્યવસ્થા

Poetry

  • ગઝલ
  • કક્કો ઘૂંટ્યો …
  • રાખો..
  • ગઝલ
  • ગઝલ 

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved