મે મહિનામાં લોકસભાની ચૂંટણીમાં સ્પષ્ટ બહુમત મેળવ્યા પછી શાસકપક્ષે લોકસભાની પહેલી બેઠકમાં ૨૦થી પણ વધુ કાયદાઓ એક મહિનામાં પસાર કર્યા કે એમાં સુધારા કર્યા. એમાં પહેલાં, યુ.એ.પી.એ. [અનલૉફુલ ઍક્ટિવિટીઝ (પ્રિવેન્શન) ઍક્ટ] જેવા કાયદાને વધુ સખત કર્યો અને કેવળ સંગઠનો જ નહીં, પરંતુ વ્યક્તિઓને ‘આતંકવાદી’ના દાયરામાં સાંકળ્યા, જેથી રાજ્ય જે વ્યક્તિને શંકાસ્પદ ‘આતંકવાદી’ તરીકે ઓળખાવે, એને કોઈ પણ ન્યાયિક પ્રક્રિયા વગર પણ સજા કરી શકે. બીજો, રાઇટ ટુ ઇન્ફર્મેશન ઍક્ટ. જેના દ્વારા કોઈ પણ વ્યક્તિને જાહેર અધિકારીઓ અને સત્તાધીશો પાસે માહિતી માંગવાનો અધિકાર હતો, તેનાથી તેમના કામકાજ વિશે પારદર્શિતા અને જવાબદારી જળવાય, એને નબળો બનાવ્યો. એ પછી ટ્રિપલ તલાકનો કાયદો જેમાં મુસ્લિમ પુરુષને ત્રણ વર્ષની જેલની સજા થઈ શકે એ પસાર કર્યો.
આ દરમિયાન જુલાઈના અંતથી કાશ્મીર ઘાટીમાં હિલચાલના અણસાર શરૂ થયા હતા. ઑગસ્ટની શરૂઆતમાં ત્યાં પહેલેથી મોટી સંખ્યામાં તહેનાત સૈન્ય ઉપરાંત વધુ લશ્કરી દળ મોકલવામાં આવ્યું. પાકિસ્તાન તરફથી આતંકવાદના હુમલાની શક્યતા છે, એ કારણ આપી અમરનાથયાત્રા એકાએક અટકાવી દીધી અને યાત્રાળુઓને તરત પાછા મોકલવામાં આવ્યા. હોટેલોમાંથી બહારના સહેલાણીઓને પણ પાછા જવાનો આદેશ મળ્યો. હૉસ્પિટલોમાંથી દર્દીઓને ઘેર જવાની વિનંતી કરવામાં આવી. શાળાઓ અને કૉલેજો બંધ કરવામાં આવ્યાં. ૪થી ઑગસ્ટે મધરાતે મુખ્ય ધારાના રાજકીય પક્ષોના અસંખ્ય નેતાઓને અને બીજાઓને પકડવામાં આવ્યા અને સંચારમાધ્યમનાં તમામ સાધનો, ટેલિફોન, ઇન્ટરનેટ, મોબાઇલ વગેરે કાપી નાખવામાં આવ્યાં. આખી કાશ્મીર ઘાટી લશ્કરી છાવણીમાં ફેરવાઈ ગઈ, જ્યાં લગભગ દર દસ નાગરિકોએ એક લશ્કરી માણસ તહેનાત હતો. બધા જ – ૮૦ લાખ લોકો પોતાના ઘરમાં કેદ થઈ ગયા અને પોતાનાં કુટુંબીજનો અને મિત્રો જ નહીં, પરંતુ આખી દુનિયાના સંપર્કથી કપાઈ ગયા. આજે લગભગ પોણા બે મહિના પછી કાશ્મીરમાં એ જ પરિસ્થિતિ છે. ભારતમાં અને દુનિયામાં, કદાચ પહેલી વખત આટલી મોટી સંખ્યામાં લોકો આટલા લાંબા સમય સુધી લશ્કરી નિયંત્રણ હેઠળ ઘેરાયેલા છે. કાશ્મીરી લોકોના જીવવાના અધિકારો છીનવાઈ ગયા છે.
આટલી પૂર્વતૈયારી બાદ ૫મી ઑગસ્ટે ગૃહમંત્રીએ અચાનક, કોઈ પૂર્વસૂચના વગર, રાજ્યસભામાં રાષ્ટ્રપતિના આદેશ દ્વારા આર્ટિકલ ૩૭૦ દ્વારા જમ્મુ-કશ્મીરનો જે ખાસ દરજ્જો સ્થાપિત થયો હતો એ હટાવવાનો પ્રસ્તાવ મૂક્યો. માંડ બે કલાકની ચર્ચા બાદ આ પ્રસ્તાવ મંજૂર થયો. ખૂબ જ ઉતાવળમાં, કાશ્મીરની પ્રજા અને પ્રતિનિધિઓની જાણબહાર અને એમની સમ્મતિ વગર આ એકતરફી નિર્ણય લેવામાં આવ્યો. આ સાથે બીજે દિવસે જમ્મુ-કાશ્મીર રાજ્યને લદાખ અને જમ્મુ-કાશ્મીર એમ બે કેન્દ્રશાસિત પ્રદેશોમાં વિભાજિત કરવાનો ’જમ્મુ-કાશ્મીર રિઑર્ગેનાઇઝેશન ઍક્ટ’ પણ મંજૂર કરવામાં આવ્યો. આમ આર્ટિકલ ૩૭૦ અંગેના નિર્ણયમાં કાશ્મીરના લોકોને અને એમના રાજકીય પ્રતિનિધિઓને બાકાત રાખવામાં આવ્યા હતા; તેમ જ સાંસદોને પણ છેલ્લે સુધી અજાણ રાખી ખૂબ જ ચુપકીદી અને ઉતાવળમાં અચાનક આ નિર્ણય લેવાયો હતો. જે નિર્ણયને સરકાર કાશ્મીરના ભારત સાથેના સંપૂર્ણ એકીકરણની મોટી સિદ્ધિ ગણાવે છે, એને કારણે કાશ્મીર અને ત્યાંના લોકો આજે બાકીના દેશથી સાવ અલગ થઈ ગયા છે.
ઑગસ્ટ, ૧૯૪૭માં વિભાજન બાદ જ્યારે ભારત અને પાકિસ્તાન બે સ્વતંત્ર રાષ્ટ્રો થયાં ત્યારે જમ્મુ-કાશ્મીર એક સ્વતંત્ર રાજ્ય હતું અને બેમાંથી એકેય રાષ્ટ્ર સાથે જોડાયું ન હતું. મહારાજા હરિસિંહે નવાં રાષ્ટ્રોથી સ્વતંત્ર રહેવું પસંદ કર્યું હતું. ઑક્ટોબરમાં જમ્મુમાં હજારો મુસ્લિમોનો જનસંહાર થયો. એનાથી ઉશ્કેરાયેલા પાકિસ્તાનનું ગેરીલા સૈન્ય ઉત્તર-પશ્ચિમ ફ્રન્ટિયરથી કાશ્મીરની ઘાટી તરફ ધસી આવ્યું. ત્યારે હરિસિંહ ભાગીને જમ્મુ ગયા અને ભારતના પ્રધાનમંત્રી જવાહરલાલ નેહરુને એમણે લશ્કરી સહાયની માંગણી કરી. એ વખતે બે રાજ્યો વચ્ચે એક દસ્તાવેજ થયો, જેથી ભારતીય સૈન્ય કાશ્મીરમાં કાયદેસર પ્રવેશી શકે. આ દસ્તાવેજ એ ‘ઇન્સ્ટ્રુમેન્ટ ઑફ એક્સેશન’ કે જોડાણખત તરીકે ઓળખાય છે. ઑક્ટોબર, ૧૯૪૭માં આ કરાર બે સાર્વભૌમ રાજ્યો વચ્ચે થયો હતો, જેમાં કાશ્મીરની સ્વાયત્તતાનું રક્ષણ કરવામાં આવ્યું હતું અને જનમત દ્વારા જમ્મુ અને કાશ્મીરના લોકોની ઇચ્છા જાણ્યા પછી એને સ્વીકૃતિ આપવી એમ નક્કી થયું હતું. આ જનમત ત્યાર પછી ક્યારે ય લેવાયો નથી અને પરિણામે ભારતીય ઉપખંડના સૌથી સંકુલ અને ભયાનક રાજકીય પ્રશ્નનો ઉદ્ભવ થયો છે. છેલ્લાં ૭૨ વર્ષમાં એક પછી એક સરકારે આ ‘ઇન્સ્ટ્રુમેન્ટ ઑફ એક્સેશન’ની શરતોને નબળી બનાવી છે અને ઘાટીમાં રાજકીય-લશ્કરી નિયંત્રણ ચાલુ રાખ્યું છે. જે રહ્યુંરહ્યું માળખું હતું, એને પાંચમી ઑગસ્ટે પૂરેપૂરું ઉડાડી દેવામાં આવ્યું છે.
આર્ટિકલ ૩૭૦ એ આ જોડાણની શરતોનો ભારતના બંધારણમાં સમાવેશ કરવાના હેતુથી ઘડાયો હતો. એ મુજબ આ જોડાણ કેવળ સંરક્ષણ, વિદેશ બાબતો અને સંચાર જેવી ત્રણ ગંભીર બાબતો પૂરતું સીમિત હતું અને આ સિવાયની બીજી બાબતોમાં રાજ્ય પાસે સત્તા રહે અને રાજ્ય સ્વાયત્ત રહે એવી જોગવાઈ હતી. આર્ટિકલ ૩૭૦ આમ કાશ્મીરને ભારત સાથે બંધારણીય રીતે જોડે છે અને ભારત સાથેનો એનો ખાસ સંબંધ દર્શાવે છે.
આર્ટિકલ ૩૭૦ ઘડાયો, ત્યારે એ કામચલાઉ હતો કેમ કે એ સમયે કાશ્મીરની સંવૈધાનિક સમિતિ [કોન્સ્ટિટ્યૂયંટ ઍસેમ્બલી] રચાઈ ન હતી, જે ૧૯૫૧માં રચાઈ. એ કામચલાઉ ત્યાં સુધી હતો, જ્યાં સુધી આ સમિતિ એના પર નિર્ણય ન લે. એક વખત આ સમિતિનું ગઠન થયું અને એણે જે નિર્ણયો લીધા, ત્યારથી રાજ્યના ભારત સાથેના સંબંધોને અંતિમ સ્વરૂપ અપાઈ ગયું. ૧૯૫૭માં આ સમિતિનો વિલય થયો અને ત્યારથી આર્ટિકલ ૩૭૦ કાયમી બન્યો૧. કાયદાકીય રીતે સંવૈધાનિક સમિતિ સિવાય આર્ટિકલ ૩૭૦ને કોઈ રદ કરી શકે નહીં.
આ સંજોગોમાં રાષ્ટ્રપતિએ આર્ટિકલ ૩૬૭માં એક કલમ ઉમેરીને આર્ટિકલ ૩૭૦માં વપરાયેલા ખાસ મહત્ત્વના શબ્દોને બદલી નાખ્યા. ‘સંવૈધાનિક સમિતિ’ની જગાએ ‘વિધાનસભા’ શબ્દ મૂક્યો, જે અત્યારે જમ્મુ-કાશ્મીરમાં બરખાસ્ત થયેલી છે અને ત્યાં રાષ્ટ્રપતિની સત્તા છે, જેનો ઉપયોગ કરીને આર્ટિકલ ૩૭૦ને નિષ્ક્રિય અને અપ્રસ્તુત કરી નાખવામાં આવ્યો. આર્ટિકલ ૩૭૦ એ સામાન્ય કાયદો નથી. પરંતુ બે સાર્વભૌમ રાજ્યો વચ્ચે થયેલા કરારનું પરિણામ છે. શું આવી રીતે બંધારણના મૂળ માળખામાં એકતરફી ફેરફારો કરવાનો રાષ્ટ્રપતિને હક છે? શું કેન્દ્ર સરકાર રાષ્ટ્રના ફેડરલ માળખાને બદલવા માટે સ્વતંત્ર છે? આવા અનેક પ્રશ્નો આ નિર્ણયથી ઊભા થાય છે.
મહત્ત્વનો મુદ્દો એ છે કે કેન્દ્ર સરકાર કોઈ પણ રાજ્યમાં લોકોના અને લોકોના ચૂંટેલા પ્રતિનિધિઓના, એમની બનેલી વિધાનસભાના અભિપ્રાયો જાહેરમાં જાણ્યા વગર એકતરફી ફેરફારો કરી ન શકે, જે આ બાબતમાં બન્યું નથી. આ બાબત કેવળ ગેરબંધારણીય છે, એટલું જ નહીં પરંતુ આનાથી બંધારણમાં સ્થાપિત અને સંરક્ષિત ભારતનું ફૅડરલ [સમવાયી, રાજકીય દૃષ્ટિથી સંયુક્ત પરંતુ આંતરિક બાબતોમાં સ્વાયત્ત] માળખું પણ જોખમમાં મુકાય છે. બંધારણમાં આનો સ્પષ્ટ ઉલ્લેખ ભારતને ‘રાજ્યોનો સંઘ’ [યુનિયન ઑફ સ્ટેટ્સ] તરીકે વર્ણવીને કર્યો છે. ભારતમાં અનેક સમૂહોનાં રાજ્યો, ભારતીય સંઘ અસ્તિત્વમાં આવ્યું એ પહેલાથી ઘણાં વર્ષોથી અસ્તિત્વમાં હતાં. ભારતનું ફેડરાલિઝમ એ એક જીવતી, ધબકતી વ્યવસ્થા છે, જેનો હેતુ આ પ્રાદેશિક પ્રજાઓની ઓળખોનું અને એમની અલગ અલગ સંસ્કૃતિ અને સમાજનું રક્ષણ કરવાનું અને સાથે સાથે એમને માટે તકોનું ક્ષેત્ર વિસ્તારવાનું છે. એક વૈવિધ્યસભર સમાજમાં જુદા જુદા સમૂહો માટે જુદી જુદી નીતિઓ અને કાયદાઓની સ્વાભાવિક રીતે જરૂર હોય છે. ભારતનું ફેડરાલિઝમ એ દુનિયાના સૌથી વિભિન્ન પ્રદેશોને એકસૂત્રે બાંધી રાખનારું મજબૂત તંત્ર છે.
આર્ટિકલ ૩૭૦ એ કાશ્મીરની પ્રાદેશિક અખંડિતતા, સ્વશાસન અને જમીન તેમ જ આજીવિકાના સામૂહિક અધિકારોનું રક્ષણ કરતો હતો. એ કાશ્મીરની વંશીય વિવિધતાનો પણ રક્ષક હતો, કેમ કે લગભગ ૭૦ ટકા મુસ્લિમો અને ૨૨ ટકા જેટલા હિન્દુઓ ઉપરાંત બૌદ્ધ અને બીજા લોકો આ પ્રદેશમાં સદીઓથી સુમેળથી રહેતા હતા, જેમની ઓળખ કોઈ ધર્મની નહીં, પરંતુ ‘કાશ્મીરિયત’ની હતી. ખરું જોતાં કાશ્મીર એ ભારતના ખ્યાલને સાકાર કરતું હતું, કેમ કે જુદા જુદા ધર્મના લોકો સદીઓથી ત્યાં સાથે રહેતા હતા અને એકસરખા સાંસ્કૃતિક મૂલ્યોમાં માનતા હતા. કાશ્મીરની આ સાઝી વિરાસતે જ કાશ્મીરને ભારત સાથે જોડાવાની પરિસ્થિતિ પેદા કરી હતી. આર્ટિકલ ૩૭૦ એ આમ ત્યાંની અલગ, અનોખી, સુમેળભરી સંસ્કૃતિનો રક્ષક હતો. ધીમે ધીમે કાશ્મીરમાં, ખાસ તો ૧૯૮૭ની ચૂંટણી પછી – જેમાં મોટા પાયા પર સરકારે પરિણામો સાથે ચેડાં કર્યાં હતાં – આત્મનિર્ણયની લડાઈ, જે અત્યાર સુધી અહિંસક હતી, એ પૂરી સ્વતંત્રતાના સંઘર્ષમાં પરિણમી, હિંસક બની અને કાશ્મીરની ઘાટી આક્રમણકારોથી ભરાઈ ગઈ. પાકિસ્તાન તરફથી તેમને તાલીમ અને શસ્ત્રોની મદદ મળી. હજારો લોકો રસ્તા પર ઊતરી આવ્યા અને ભારતીય લશ્કર સાથેના સંઘર્ષ દરમિયાન જનસંહારમાં કપાતા ગયા. ઉપખંડમાં ઉઠેલાં તોફાનો – એક બાજુથી પાકિસ્તાન અને અફઘાનિસ્તાનમાં વધતો જતો ઉદ્દામવાદી ઇસ્લામ અને બીજી બાજુ ભારતમાં વધતો જતો કટ્ટર હિન્દુ રાષ્ટ્રવાદ – માં કાશ્મીર ફસાયું. એની પહેલી કમનસીબ ઘટના યુગો જૂના મુસ્લિમો અને અલ્પસંખ્યક પંડિતોના સંબંધનો અંત એ હતી. ૧૯૯૦માં અનેક કાશ્મીરી હિન્દુ પંડિતોની કતલ થઈ અને લગભગ બધા પંડિતો ઘાટી છોડીને જતા રહ્યા. છેલ્લાં ૩૦ વર્ષથી હજારો પંડિતો જુદી-જુદી જગાએ છાવણીઓમાં દયાજનક પરિસ્થિતિમાં રહી રહ્યા છે. કોઈ સરકારે એમના વિશે ચોક્કસ માહિતી એકઠી કરી નથી કે એમના પુનર્વસવાટની પણ કોઈ ચોક્કસ યોજના ઘડી નથી. કાશ્મીરમાં જેની જરૂર છે, તે શાંતિ સ્થાપવાની પહેલની છે. જે કાશ્મીરી પંડિતો ઘાટીમાં પાછા ફર્યા છે એ શાંતિથી રહે છે. એમના પર હુમલો નથી થયો, એ બતાવે છે કે એમનો પુનર્વસવાટ શક્ય છે. પરંતુ જમણેરી તત્ત્વોએ એમના ઘાટી છોડવાની પરિસ્થિતિનો લાભ લીધો છે. કદાચ સરકારે એમને ત્રિશંકુ સ્થિતિમાં રાખવાનું પસંદ કર્યું છે, જેથી એમના રોષ અને કડવાટનો ઈંધણ તરીકે ઉપયોગ કરી કાશ્મીર વિશે રાષ્ટ્રવાદનું ઉગ્ર અને ભયાનક ચિત્ર સળગતું રાખી શકાય; જેથી મુસ્લિમોને રાષ્ટ્રવિરોધી આતંકવાદીઓ ગણાવી, એમની સામે કોઈ પણ હિંસક પગલાં લઈ શકાય. આજે કાશ્મીરમાં ‘આઝાદી’ના સમર્થકો, આક્રમણકારો, પથ્થર ફેંકનારાઓ, અસંતુષ્ટો, વિરોધીઓ, બધાં જ, જમણેરી તત્ત્વો અને મીડિયા દ્વારા ફેલાવાયેલા ઉગ્ર રાષ્ટ્રવાદની ઝપેટમાં અચાનક આતંકવાદીઓ બની ગયાં છે. સાથે સાથે દેશના બીજા ભાગોમાં ગૌરક્ષાને બહાને મુસ્લિમોને મારવા, મસ્જિદો, મદરસાઓ અને ટ્રેનમાં મુસ્લિમોને મારવા ફેંકાયેલા બૉમ્બના આરોપીઓને છોડી મૂકવા – આ બધાને કારણે મુસ્લિમોને જુદા અને એકલા પાડી દેવામાં આવ્યા છે. આર્ટિકલ ૩૭૦ નિષ્ક્રિય કરવો એ એમની હસ્તી પર છેલ્લો પ્રહાર છે. મુસ્લિમોની રહીસહી આશાઓ પણ વેરવિખેર થઈ ગઈ છે.
કાશ્મીરનું ભવિષ્ય અનિશ્ચિત છે, પરંતુ જે રીતે સરકારે ભારતના સ્વાતંત્ર્યોત્તર ઇતિહાસમાં પહેલી વખત ભારતીય સંઘના એક સ્વાયત્ત રાજ્યનું વિલીનીકરણ કરીને અને પોતાના સીધા નિયંત્રણ નીચે – ગમે તેટલા ટૂંકા સમય માટે કેમ ન હોય – મૂકીને એક નવો ચીલો પાડ્યો છે, તે દેશની લોકશાહી માટે અત્યંત ખતરારૂપ છે. જો આ નિર્ણયને રદ કરવામાં નહીં આવે, તો ભવિષ્યની કોઈ પણ સરકાર દેશના કોઈ એક ભાગને કે સમગ્ર દેશને પણ, એકતંત્રાત્મક [યુનિટરી] રાજ્યમાં ફેરવી શકે, જેને કારણે ભારતનું ફેડરલ તંત્ર નાશ પામશે. આજે ભારતમાં જુદાં જુદાં રાજ્યોમાં જુદી જુદી નીતિઓ શક્ય છે. એ જાણવા જેવી હકીકત છે કે આર્ટિકલ ૩૭૧ જે બીજાં દસ રાજ્યોને આ જાતનું સંરક્ષણ આપે છે તે આર્ટિકલ ૩૭૦ના મૉડેલ પર ઘડાયો હતો. આર્ટિકલ ૩૭૧ મહારાષ્ટ્ર, ગુજરાત, ઉત્તરાખંડ, હિમાચલપ્રદેશ, તેલંગણા, આંધ્રપ્રદેશ અને સમગ્ર ઉત્તર-પૂર્વ રાજ્યો તેમ જ આદિવાસી પ્રદેશો, જેમને અનુસૂચિત પ્રદેશો જાહેર કરવામાં આવ્યા છે, તેમને અનેક પ્રકારની છૂટો અને અધિકાર આપે છે. નાગાલૅન્ડમાં સંસદ પસાર કરે એ કાયદા જો ધાર્મિક અને સામાજિક પ્રથાઓ, પારંપરિક કાયદાઓ અને એની પ્રથાઓ, દીવાની અને ફોજદારી ન્યાયનો વહીવટ, અને જમીનની માલિકી અને ટ્રાન્સફરને લગતા હોય, તો ત્યાંની વિધાનસભા પસાર ન કરે, ત્યાં સુધી લાગુ પડતા નથી. નાગાલૅન્ડની જમીન કે મિલકત ફક્ત નાગાલૅન્ડની જ જનજાતિઓ ખરીદી શકે છે. મિઝોરમમાં પણ આ જ પ્રમાણે છે. આવી જ પરિસ્થિતિ ૩૭૦ને કારણે કાશ્મીરમાં હતી. આ ખાસ સવલતો આપવાનો હેતુ આ રાજ્યોના પછાત વિસ્તારોની ખાસ જરૂરિયાતો પૂરી પાડવાનો અને આ પ્રદેશોના આર્થિક અને સાંસ્કૃતિક હિતોનું અને પારંપરિક કાયદાઓનું રક્ષણ કરવાનો છે. આ આપણા દેશની વાસ્તવિકતા છે અને વિવિધતા છે અને ફેડરાલિઝમની ખાસિયત છે કે જુદા જુદા લોકો, જુદી જુદી સ્વાયત્તતા સાથે ભેગા થાય. છેલ્લા સાત દાયકાથી ભારતના રાજકીય અનુભવે બતાવ્યું છે કે ફેડરાલિઝમ જુદીજુદી ઓળખોવાળી પ્રજાઓ માટે જુદી-જુદી નીતિઓ અપનાવી શકે છે અને બહુલતાવાળા સમાજમાં લોકશાહીને વધુ મજબૂત બનાવી શકે છે. નાગાલૅંડનો પોતાનો ઝંડો અને ત્યાંના પોતાના બંધારણ માટે વાટાઘાટો ચાલી રહી છે. આ બંને જમ્મુ-કશ્મીર પાસેથી લઈ લેવામાં આવ્યા છે. થોડા દિવસ પહેલાં ગૃહમંત્રીએ કહ્યું કે આર્ટિકલ ૩૭૧ને બદલવામાં નહીં આવે. આનો અર્થ એ થયો કે ‘એક દેશ, એક કાયદો’ જેને ૧૫મી ઑગસ્ટે લાલકિલ્લા પરથી પ્રધાનમંત્રીએ આર્ટિકલ ૩૭૦ ઉથલાવવાની સિધ્ધિ ગણાવી હતી એ વાત ખોટી છે. તો પછી આવાં બેવડાં ધોરણો કેમ? જો ઉત્તર-પૂર્વનાં રાજ્યોને ખાસ સવલતો અને જોગવાઈઓ આપી શકાય, તો જમ્મુ-કાશ્મીરને કેમ નહીં? કાશ્મીરમાં મુસ્લિમોની બહુમતી છે એટલે? જે દેશો રાજ્યોને વધુ સત્તા આપતા નથી અને ફેડરાલિઝમમાં માનતા નથી ત્યાં સંબંધ-વિચ્છેદની, અલગતાવાદની અને હિંસાની સંભાવનાઓ વધુ હોય છે. ભાષાના પ્રશ્ને આપણે આ પરિણામો જોઈએ જ છીએ. આ જ પરિસ્થિતિ કાશ્મીરમાં ઊભી થવાની શક્યતાઓ વધી છે. જ્યારે આ કેદમાંથી કાશ્મીરના લોકો નીકળશે અને ચુપકીદી તોડશે, જે વહેલુંમોડું તો થશે જ, ત્યારે એમનો દબાવી રાખેલો રોષ અને નારાજગી કયું સ્વરૂપ લેશે?
અસમપ્રમાણતા કે અસમરૂપતા – દરેક પ્રદેશનાં ઇતિહાસ, સંસ્કૃતિ અને ભૂગોળને ધ્યાનમાં રાખતાં – ભારતની ફેડરલવ્યવસ્થાનું અંતર્ગત સ્વરૂપ છે, જે દરેકને રાજકીય પ્રતિનિધિત્વ, વધારે સારું અને વધારે સહભાગી શાસન અને અલગ છતાં આગવા જ પાડવાની તકોની બાહેધરી આપે છે. ‘એક દેશ, એક બંધારણ, એક ધર્મ [અને હવે એક ભાષા]’નું સૂત્ર આ પ્રાદેશિક આંતરિક સ્વતંત્રતાઓને અને ભારતની અનેકરૂપી અને વૈવિધ્યસભર સંસ્કૃતિ અને સમાજને ખલાસ કરી દેશે, એટલું જ નહીં, પરંતુ એકકેન્દ્રી અને એકહથ્થુ સત્તા જો પૂરા દેશમાં સ્થપાશે, તો દેશના વિભાજનની શક્યતાઓ ઘટવાને બદલે વધશે. આમ, ગૃહમંત્રીની દલીલ કે આર્ટિકલ ૩૭૦ ભારતની એકતાને નબળી બનાવનાર હતો, એ દોષયુક્ત છે. ભારતની એકતા એ એકરૂપતા નથી. વિવિધતામાં એકતા એ ભારતના સામાજિક, સાંસ્કૃતિક અને રાજકીય જીવનની ખાસિયત છે. એ જ ભારતની ખરી ઓળખ છે.
આર્ટિકલ ૩૭૦ હટાવવાની બીજી દલીલો પણ ટકી શકે એમ નથી. એ દલીલ કરવામાં આવે છે કે કાશ્મીરમાં આર્ટિકલ ૩૭૦ અને ’૩૫-એ’ને કારણે કાશ્મીરી સ્ત્રીઓ બીજા પ્રદેશના પુરુષો સાથે લગ્ન કરે, તો મિલકત પરનો હક ગુમાવે છે. આ સાચું નથી. કાશ્મીરની સ્ત્રીઓનો જાયદાદ પર હંમેશાં હક છે. માત્ર બહારના પુરુષો જો કાશ્મીરી સ્ત્રીને પરણે, તો જાયદાદ પરથી હક ગુમાવે છે. કાશ્મીરી સ્ત્રી એ કાશ્મીરી પુરુષ કે અનિવાસી પુરુષ સાથે લગ્ન કરે, એનો મિલકત પર હક કાયમ રહે છે. જમ્મુના ઉચ્ચ ન્યાયાલયે પહેલાં ૨૦૦૨માં અને હમણાં ૨૦૧૬માં સુશીલાના કેસમાં આ ચોખવટ કરી છે.
એક તરફ સરકાર કાશ્મીરી સ્ત્રીઓનાં ‘તારણહાર’ હોવાની વાત કરે છે, તો બીજી તરફ એમના પર શારીરિક હિંસા અને બળાત્કારના અહેવાલો આવે છે. લશ્કરી દળો તરફથી ચેકપૉઈન્ટો પર જડતી લેવી, ઘરમાં ઘૂસી તપાસ કરવી, લોકોને ઘેરીને અલગ પાડવા, વગેરેમાં સ્ત્રીઓ વધુ અસહાય અને હુમલાપાત્ર હોય છે અને લશ્કરી દળોના અત્યાચારનો ભોગ બને છે. સંઘર્ષની પરિસ્થિતિમાં સ્ત્રીઓના શરીર પર નિયંત્રણ એ પ્રદેશ પર નિયંત્રણની બરાબર છે. કાશ્મીરી સ્ત્રીઓ વિશે આર્ટિકલ ૩૭૦ને ઉથલાવ્યા બાદ દેશભરમાં થયેલી ભારે ઉન્માદી ઉજવણી દરમિયાન અનેક બીભત્સ ટિપ્પણીઓ થઈ હતી. હરિયાણાના મુખ્યમંત્રી મનોહરલાલ ખટ્ટરે મજાક કરી કે એમના રાજ્યમાં લિંગનું પ્રમાણ (સેક્સ રેશિયો) ખરાબ હોવાથી હવે રાજ્યમાં કાશ્મીરથી કન્યાઓ લાવશે. બિહારમાં ‘ગોરી ચામડીવાળી’ કાશ્મીરી સ્ત્રીઓની સુંદરતા અને એમની સાથે લગ્ન કરવા અંગે બીભત્સ ગીતો રચાયાં હતાં. પૌરુષીય હિંદુત્વનો આ પ્રતિભાવ બતાવે છે કે જમણેરી તત્ત્વો કાશ્મીરના પ્રશ્નને કઈ દૃષ્ટિથી જુએ છે. સ્ત્રીઓ જાણે યુદ્ધમાં જિતાયેલી લૂંટ ન હોય! કાશ્મીરમાં જમીનનો કબ્જો કર્યો એનો જશ્ન બધે હતો, પરંતુ કાશ્મીરના લોકો માટે સહાનુભૂતિનો એક શબ્દ હજુ સુધી સંભળાયો નથી. આ જશ્ન પ્રદેશની જમીન પર કબજો મેળવવાનો હતો, પ્રદેશના લોકો માટે નહીં. એક પ્રદેશ એ કેવળ જમીનનો ટુકડો જ કેવળ નથી, પરંતુ ત્યાં વસતા લોકો પણ છે. શું આપણને લોકો કરતાં જમીનમાં વધુ રસ છે?
આર્ટિકલ ૩૭૦ કાશ્મીરના વિકાસનો અવરોધક હતો. એ દલીલ પણ ટકી શકે એમ નથી. વિકાસના આર્થિક અને સામાજિક સૂચનાંકોમાં કાશ્મીર બીજા પ્રદેશો અને ખાસ તો ગુજરાતથી ઘણું આગળ છે. ખરેખર તો આર્ટિકલ ૩૭૦ને લીધે કાશ્મીરનું જુદું બંધારણ હોવાથી ૧૯૫૦ના દશકની શરૂઆતમાં, ભારતમાં સૌથી પહેલાં, ક્રાંતિકારી જમીનસુધારા જમ્મુ-કાશ્મીરમાં થયા. જેને પરિણામે લગભગ દરેક કાશ્મીરી પાસે આજે જમીનનો ટુકડો છે. પોતાનું બંધારણ હોવાને લીધે મોટા જમીનદારો પાસેથી વળતર આપ્યા વગર જમીન લઈ એ જમીન સામાન્ય લોકોમાં વહેંચવી શક્ય હતી જે ભારતના બંધારણ દ્વારા શક્ય ન હતું. ઊલટાનું આજે જ્યારે આર્ટિકલ ૩૭૦ નિષ્ક્રિય બનાવવામાં આવ્યો છે, ત્યારે સામાન્ય કાશ્મીરીને બીક છે કે જમીન હવે એમની પાસેથી છીનવાઇ જશે. જમ્મુ અને લદાખમાં જ્યાં આ નિર્ણયનું સ્વાગત થયું છે, ત્યાં પણ લોકો આ પ્રશ્નથી ચિંતિત છે. જમ્મુમાં તો ખુદ ભા.જ.પ.ના હિન્દુ કાર્યકર્તાઓએ બહારના લોકોને એમના પ્રદેશની જમીન આપવા સામે જાહેરમાં વિરોધ કર્યો છે. ગ્રામીણ ક્ષેત્રમાં ઓછી ગરીબીના સંદર્ભમાં અને મજૂરના વેતનમાં કાશ્મીરનો દેખાવ ગુજરાતથી વધારે સારો છે. બિહાર અને ઉત્તર પ્રદેશથી લાખો મજૂરો અને કારીગરો કાશ્મીરમાં વેતન કમાવવા જાય છે કેમ કે ત્યાં એમને પોતાનાં રાજ્યો અને બીજાં રાજ્યો કરતાં વધુ સારું વેતન મળે છે. બાળમૃત્યુદર, અપોષણ, કુટુંબનિયોજન, વગેરેની ટકાવારીમાં ભય, આક્રમણ, લશ્કરીકરણ, ખૂનખરાબી, આ બધાંનું વાતાવરણ હોવા છતાં કાશ્મીરે બીજા પ્રદેશો કરતાં સારો દેખાવ કર્યો છે. કાશ્મીરમાં સ્ત્રીઓની સ્થિતિ પણ બીજા પ્રદેશો કરતાં વધુ સારી છે. પતિ તરફથી સ્ત્રીઓને થતી હિંસાનું પ્રમાણ કાશ્મીરમાં ૯.૪% છે, જ્યારે ઉત્તરપ્રદેશમાં ૩૬.૬% અને આખા ભારતમાં ૩૧.૧ % છે. સ્ત્રીઓની લગ્નની વય, છોકરીઓનું શિક્ષણ, વગેરે ત્યાં ભારતીય સરેરાશ કરતાં વધારે છે. સૌથી મહત્ત્વની વાત એ છે કે કાશ્મીરી સ્ત્રીઓ સંઘર્ષનો હિમ્મતથી સામનો કરી રહી છે. શિક્ષણક્ષેત્રમાં પણ ત્યાં વિકાસ થયો છે. કાશ્મીરમાં પ્રાથમિક શાળાથી યુનિવર્સિટીની કક્ષા સુધી મફત શિક્ષણ મળે છે, જ્યારે બીજે બધે ૬થી ૧૪ વર્ષનાં બાળકોને જ મફત શિક્ષણ મળે છે.
એ દલીલ કરવામાં આવે છે કે આર્ટિકલ ૩૭૦ અને ૩૫-એને કારણે પ્રદેશમાં વેપાર વિકસ્યો નહીં અને ઔદ્યોગિકીકરણ થયું નહીં, જેને લીધે નોકરીની તકો ઊભી થઈ નહીં. ઉદ્યોગોનો વિકાસ આર્ટિકલ ૩૭૦ હોવા છતાં થઈ શકે, જેમ હિમાચલપ્રદેશમાં કરવામાં આવ્યું છે. આર્ટિકલ ૩૫-એ હઠાવવાનું કારણ એ આપવામાં આવે છે કે બીજા પ્રદેશના લોકો ત્યાં જમીન ખરીદી શકતા ન હતા. ઉત્તરાખંડ અને હિમાચલ પ્રદેશમાં પર્યટનના વિકાસ માટે બહારના લોકો જમીન ખરીદી શકતા નથી, પરંતુ એમને જમીન લીઝ પર અપાય છે. કાશ્મીરમાં પહેલેથી જ લીઝ પર જમીન આપવાનો કાયદો છે. તો શા માટે ત્યાં બીજા પ્રદેશો કરતાં અપવાદ કરવો? પર્વતીય વિસ્તારોમાં આવી વ્યવસ્થાઓ પ્રાકૃતિક અને ઇકોલૉજીના કારણોસર જરૂરી હોય છે.
ઔદ્યોગિક વિકાસ માટે ખાસ તો શાંતિ અને સલામતીના વાતાવરણની જરૂર છે. રાજ્યના જે પ્રદેશો પ્રમાણમાં સંઘર્ષમુક્ત છે, ત્યાં ઔદ્યોગિક વિકાસ થયો પણ છે અને કાશ્મીરની જી.એસ.ડી.પી. બીજાં ઘણાં રાજ્યો કરતાં વધારે છે. પરંતુ છેલ્લાં ૩૦ વર્ષથી ચાલી રહેલા રાજકીય વિગ્રહને કારણે મોટા પાયા પર એ શક્ય બન્યું નથી. હવે તો સંજોગો વધુ મુશ્કેલ બન્યા છે. ઑક્ટોબરમાં કાશ્મીરમાં યોજાયેલી દુનિયાના રોકાણકારોની કૉન્ફરન્સ મોકૂફ રખાઈ છે એ આની સાબિતી છે. ઉપરાંત, કૉર્પોરેટ સેક્ટરના પૂંજીપતિઓ ત્યાંનાં કુદરતી સંસાધનોને પીંખી નાખશે અને લૂંટી લેશે અને પરિણામે જલદીથી કાશ્મીર સ્વર્ગમાંથી નરક બનશે એની કલ્પના કરવી મુશ્કેલ નથી. મૂકેશ અંબાણીએ અમુક પ્રોજેક્ટ શરૂ કરવાની ઘોષણા કરી છે. આની કાશ્મીર અને લડાખના હિમાલયની ઊંચાઈએ આવેલાં ગ્લેસિયરો, તળાવો, નદીઓ પર ઇકોલૉજિકલ અસર શું થશે, એનો વિચાર અને સંભાળ બહુ જરૂરી છે. વિકાસને નામે મૂડીવાદને, પ્રદેશનાં કુદરતી સંસાધનો અને લોકોને ભોગે, પ્રોત્સાહન મળશે, એ શક્યતાઓ નકારી શકાય નહીં.
રાષ્ટ્રીય સુરક્ષાના હિતમાં આ નિર્ણય લેવાયો છે એ દલીલ પણ ટકી શકે એમ નથી. કાશ્મીરની ઘાટી જે સંઘર્ષનું મુખ્ય કેન્દ્ર છે, એ આજે લશ્કરના કબજામાં છે. ત્યાં કિલ્લેબંધી છે, કેમ કે સરકાર કોઈ હિંસક પ્રતિકારની અપેક્ષા રાખે છે. સેના પણ કબૂલે છે કે હવે ત્યાં થોડા જ આતંકવાદીઓ છે. તો શું કાશ્મીરી લોકો એમના દુશ્મન છે? ખરો પ્રશ્ન તો એ છે કે સરકાર ઘાટીમાં અસંતોષને કેવી રીતે ઉકેલવાની છે? કાશ્મીરના યુવાનોની નવી પેઢીઓ છે, જે છેલ્લાં ત્રીસ વર્ષમાં સંઘર્ષના વાતાવરણમાં ઊછરી છે, તે આજે વધુ આક્રમક બની છે. આ યુવાનોનો રોષ અને અસંતોષનો પ્રશ્ન કેન્દ્રશાસિત વહીવટીતંત્ર કેવી રીતે સંબોધશે? કેવી રીતે એની સાથે નીપટશે? સરકારનો આ નિર્ણય સ્ફોટક પદાર્થ પર સળગતી દીવાસળી ફેંકવા જેવો છે. જે લોકોના ભલા માટે આ નિર્ણય લેવાયો, એ તેમને પૂછ્યા વગર કેમ લેવાયો? તેમને એ નિર્ણયમાં સામેલ કેમ ન કર્યા? જો એમને મુખ્ય પ્રવાહમાં ભેળવવા માટે આ નિર્ણય લેવાયો તો એમનો દેશ અને દુનિયા સાથે સંપર્ક કેમ તોડી નાખ્યો? કાશ્મીરના લોકો સાથે વિશ્વાસઘાત થયો છે. એ આજે દુઃખી છે, અપમાનિત થયેલા છે, નારાજ છે, રોષે ભરાયેલા છે. આપણે એમને ખોઈ ચૂક્યા છીએ. આજે કાશ્મીરી લોકો સાથે સંવાદની જરૂર છે, જે એકમાત્ર રસ્તો ત્યાં કાયમી શાંતિ સ્થાપવાનો છે.
આજે કાશ્મીર એક લશ્કરી છાવણીમાં ફેરવાઈ ગયું છે. પોણા બે મહિનાથી ત્યાંના લોકો ઘરમાં પુરાઈને, સંચારનાં માધ્યમો વગર, બીજાં કુટુંબીજનો, મિત્રો તેમ જ દુનિયાથી અલગ પડી ગયા છે. સૈન્યની હિંસાનો શિકાર બાળકો અને સ્ત્રીઓ સુધ્ધાં બન્યાં છે. નાનાં બાળકોને પકડવામાં આવે છે અને દૂર બીજે લઈ જવામાં આવે છે. ૪,૦૦૦થી વધારે કાશ્મીરીઓને અટકાયતમાં લેવામાં આવ્યા છે. લોકોની આજીવિકા બંધ થઈ છે અને અર્થવ્યવસ્થા ભાંગી પડી છે. જીવનરક્ષક દવાઓનો અને ખોરાક તેમ જ જીવનજરૂરી બીજી વસ્તુઓનો અભાવ છે. સંપર્ક તૂટી જવાથી લોકોના માનસિક સ્વાસ્થ્ય પર ઊંડી અસર પડી છે. યુનાઇટેડ નેશન્સના માનવાધિકારી નિષ્ણાતોએ કાશ્મીર ઘાટીની સમગ્ર પ્રજાને આ પ્રકારની ‘સામૂહિક સજા’ ફરમાવવા બદલ ભારત સરકારની ટીકા કરી છે. યુનાઇટેડ નેશન્સના માનવાધિકાર માટેના હાઈ કમિશનરે ભારત સરકારનાં તાજેતરનાં પગલાંની કાશ્મીરીઓના માનવ-અધિકાર પર થયેલી અસર વિશે ચિંતા વ્યક્ત કરી છે અને કહ્યું છે કે “એમના ભવિષ્યને અસર કરે તેવા કોઈ પણ નિર્ણયની પ્રક્રિયામાં કાશ્મીરી લોકોની સલાહ લેવી અને એમને એમાં જોડવા એ અગત્યનું છે.” કાશ્મીરની પ્રજા આજે ભારતથી, અને દુનિયાથી અલગ પડી ગઈ છે. આપણને કહેવામાં આવી રહ્યું છે કે ત્યાં બધું ‘નૉર્મલ’ છે અને ત્યાં શાંતિ છે, પરંતુ એ શાંતિ કેવી છે? કાશ્મીરી કવિ આગા શાહિદ અલીએ એક કાવ્યમાં કહ્યું છે : ‘એમણે બધું વેરાન કરી મૂક્યું છે અને એને એ શાંતિ કહે છે.’
E-mail : svati.joshi@gmail.com
સૌજન્ય : “નિરીક્ષક”, 01 ઑક્ટોબર 2019; પૃ. 06-09
![]()


I need Gandhi today for three reasons. First and foremost I need him for self-development. The most important lesson that I have learned from him is how he was eternally vigilant about his self and went on correcting and developing his inner self. Ignorance in most and intellectual arrogance in many has rejected him on this ground and have invited disaster in personal lives. Honesty and integrity are at stake in personal and public life. The Western libertarian thesis promised that the virtue of civil society, if left to its own devices, would include ‘Good character, honesty, duty, self-sacrifice, honour, service, self–discipline, toleration, respect, justice, civility, fortitude, courage, integrity, diligence, patriotism, consideration for others, thrift and reverence. Unfortunately, gluttony, pride, selfishness, and greed have become prominent. It has permitted permissive behaviour and left the aberrant behaviour to be corrected by systemic checks loaded with ever new technologies.
ગુજરાતી સાહિત્ય પર ગાંધીજીનો પ્રભાવ એટલો બધો પડ્યો હતો કે સાહિત્યના ઇતિહાસમાં એ સમયગાળો `ગાંધીયુગ' કહેવાયો છે. તેમ છતાં, કોઈ કોઈ ખૂણે એવો કચવાટ સંભળાય છે કે ગાંધીજી તે વળી શેના સાહિત્યકાર ! આ કચવાટ નવો નથી. શતાબ્દી-વર્ષમાં પણ પુછાયું હતું -ગાંધીજી સાહિત્યકાર ખરા? સાહિત્યની ગમ્ભીર ચર્ચામાં ગાંધીજીનો જ્યારે પણ ઉલ્લેખ થાય, એમને સાહિત્યકાર નહીં ગણનારા મળી આવતા હોય છે.