Opinion Magazine
Number of visits: 9576538
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

જીવન સંધ્યાનું ડિજિટલાયઝેશન

ઇલા કાપડિયા|Opinion - Short Stories|15 October 2019

શિવાનીએ નક્કી કર્યું, આજે તો બસ જવું જ છે. આ ઉમ્મરે પરદેશના હોલીડે તો હવે બંધ થઈ જ ગયા છે, એટલે ’ઉંબરા ડુંગરા થાય’ તે પહેલાં લોકલ તો ફરવા જવું જ જોઈએ. આવતી કાલે વિમ્બલ્ડન ટેનિસ સ્પર્ધાનો સાતમો દિવસ હતો. એણે જલદી લેપટોપ પર ટેનિસની સ્પર્ધાનું ‘શેડ્યુલ’ જોઈ લીધું, અને હવામાનની આગાહી પર નજર કરી ચોક્કસ કર્યું કે આજનો સોનેરી તડકો આખો દિવસ કાલે પણ ટકવાનો છે.

શિવાની અને મિલિને લંડનમાં ઝિંદાદિલીથી એકબીજાનાં પૂરક થઈ ઝંઝાવતોનો સામનો કરી, પોતાની એક હૂંફાળી, પ્રેમાળ દુનિયા બનાવી હતી. પાંચ દાયકા પર જ્યારે તેમણે લંડનમાં વસવાટ શરૂ કર્યો ત્યારે સ્વજનોની વિદાય સમયની વહેતી આંખો સાથે તીવ્ર વેદનાભર્યા ચહેરાની યાદો તેમની એકલતાને વિહ્વળ બનાવી દેતાં. શિવાનીની ટપકતી આંખો કોઈક વખત મન મોકળું રડી લેતી અને બધાં વડીલો અને આપ્તજનોની ખોટ પૂરતો મિલિન તેનાં આંસુ લૂછી આલિંગન સાથે આશ્વાસન આપતો. જરા રમૂજ કરી ખીલવતો પણ નવજીવનના નવતર અનુભવોની ઉત્સાહ અને ઉમંગ-પ્રેરિત વાતો કરતાં ધરાતાં નહીં.

રંગભેદ પ્રવર્તિત હોવા છતાં પોતાના હકારાત્મક વલણે બંનેને પોતાના ક્ષેત્રમાં સારી જોબ મળી હતી.

“મિલિન, અમારો ‘રિસેપ્શનિસ્ટ’ એક વૃદ્ધ અંગ્રેજ માણસ છે. બિલ્ડીંગમાં આવનાર બધાને માટે એ બારણું ખોલે અને લિફ્ટનું બટન દબાવે. આ એની ‘ડ્યૂટી’ નથી, છતાં. એ મારા માટે પણ, ખૂબ માનપૂર્વક, કોઈ પણ જાતના ભેદભાવ વગર કરે જ,” જ્યારે શિવાનીએ સોશિયલ વર્કરની જોબ શરૂ કરી ત્યારે ઓફિસના ઉમળકાભર્યા આવકારથી એટલી પ્રભાવિત થઈ જતી કે ઘરે આવીને એ મિલિનને કહેવાની આતુરતા દબાવી શકી નહીં.

તો વળી ક્યારેક વડીલોની હૂંફથી સોરાતી અવનિ ઘરે આવી કહ્યા વગર ન રહી શકતી  ‘મિલીન, મારા મેનેજર અને ડેપ્યુટી મેનેજર લશ્કરમાંથી નિવૃત્ત થયેલ કર્નલ્‌સ છે. મને મળે ત્યારે હંમેશ માનપૂર્વક ‘હેટ ટિલ્ટ’ (તે સમયની સ્ત્રીને મળતાં અભિવાદન કરવાની પ્રથા) કરે. કામ માટે એમની રૂમમાં જઉં ત્યારે હૂંફાળા હસ્ત ધનૂન સાથે બાજુમાં બેસાડીને મારી સાથે ખૂબ જ માન અને સ્નેહથી તેમના બીજા વિશ્વ યુદ્ધના અનુભવોની વાતો કરે, ખાસ કરીને તેમણે ભારત અને બર્મામાં વિતાવેલ સમયની વિરલ યાદગાર પ્રસંગોની. જેમ મારા બાપુજી કે દાદાજી કરતા.

’આ એ જ અંગ્રેજો છે જેમણે આપણા દેશ પર અનહદ અત્યાચારો ગુજારી કાળો કેર વરતાવ્યો હતો અને ગાંધીજીને ગાડીના ડબ્બામાંથી સામાન સાથે બહાર ફેંકી દીધા હતા!!!’

મિલિન એના બોસની જવાબદારી ઉપાડી લઈ કુનેહથી કામ કરતો. ઓવરટાઈમની આશા વિના. તેનો ધ્યેય ‘પ્રમોશન અને પગાર વધારો’ અને શિવાનીને ખુશ કરવાનો. પોતાના શિવાની તરફના પ્રેમને પરખાવવા મોંઘી ગિફ્ટ તેને ધરતો. ખુશ ખબર આપવા. મેનેજમેંટ અને ફાઇનાન્સિયલ એકાઉન્ટન્ટની જ્વલંત કારકિર્દીની સિદ્ધિ પરદેશની ધરતી પર હાંસલ કરવાનો એને સંતોષ હતો.

બહોળા પરિવારમાં ઉછરેલ શિવાનીની દૃઢ માન્યતા હતી કે બાળકને માતા તરફથી જે સંસ્કાર મળે તે બીજું કોઈ ન આપી શકે. તેથી જ તેણે થોડાંક વર્ષો સારી નોકરી છોડી ઘર સંભાળી બાળકો તૃષ્ણા અને કરનના ઉછેરમાં ગાળ્યાં.

નાનાજીના ત્યારના શબ્દો ‘બહેન ઘર, બાળકો અને મિલિનને સંભાળજે. ઠાકોરજી મિલિનને બમણી આવક આપશે’, તેની માનસિક ડાયરીમાં હમ્મેશ માટે કોતરાઈ ગયેલા. ઉત્તમ પગાર અને પદવી છોડવાનો ત્યાગ ફળ્યો પણ ખરો, નાનાજીની આશિષ સાથે.

તૃષ્ણા અને કરન ઉચ્ચ યુનિવર્સિટીની ડિગ્રી મેળવી પોતાના પરિવાર સાથે સ્થાયી છે.

વધતી ઉંમર સાથે ‘દેવળ હજી તદ્દન જૂનું’ તો નહોતું થયું પણ નાની મોટી તકલીફો અવારનવાર ખબર જરૂર લેતી. આંખનું તેજ અને પગનું જોર વૃદ્ધત્વની યાદ ખરે જ આપતી.

બંને કોમ્પ્યુટરના નિષ્ણાત ન હતા, પણ વર્ષોનો તેની પર કામ કરવાનો અનુભવ જરૂર હતો. એટલે પગની તકલીફને વારવા તૃષ્ણાએ શિવાનીને ‘ઓન – લાઇન શોપિંગ’ કરવાની ફરજ પાડી. સુપરમાર્કેટનો માણસ રેશન છેક રસોડા સુધી મૂકી જતો એટલું જ નહીં પણ અલગ અલગ ફ્રિજ, ફ્રીઝર કે કબાટમાં જતી વસ્તુઓ જુદી જુદી થેલીમાં લાવતો. અરે નિયમિત લેવાની દવાઓ પણ ડોક્ટરને ઇન્ટરનેટ પર માંગણી કરતાં થવું પડ્યું. સ્વીકાર્યું પણ ખરું, તેનાથી થતી રાહતને લઈને.

છતાં, જૂની સગવડોથી ટેવાયેલ બંનેમાં કોઈક વખત તો રકઝક થઈ જતી.

‘હાથ બાળવા કરતાં હેયું બાળવું સારું, દર વખતે એકાદ વસ્તુ તો રહી જ જાય.’ મિલિન બોલી પડતો, એની કોઈક વસ્તુ સુપરમાર્કેટની ડિલિવરીમાં ન આવી હોય ત્યારે. ‘હા, પણ એક જ વસ્તુ માટે હૈયું બાળવાનું છે ને, આખી ટ્રૉલી માટે તો નહીં ને!’ શિવાનીથી જરા રોષમાં બોલી જવાતું.’

‘પહેલાની જિંદગી સારી સરળ હતી,’ ‘ઓન લાઇનના બેંકિંગના પડકારના પ્રતિકાર રૂપ, ગભરાતી શિવાનીથી બબડી જવાતું જ્યારે હાઇ સ્ટ્રીટની બેન્કો એક પછી એક ટપોટપ બંધ થવા માંડી. –– ખાસ તો નિત નવી ચાલબાજીથી બેન્કના ગ્રાહકોના ખાતાંઓમાંથી હજારો ને લાખોની ઉઠાંતરી કરતાં ઠગોની જાણ થતી.

મિલિન લાગણીથી બોલી પડતો, ‘પરિસ્થિતિને સ્વીકારવાની થોડી હિમ્મત રાખ શિ, નહીં તો પાછું તારું બ્લડ પ્રેશર વધી જશે,’

ફરવાના અને સફરના શોખીન જીવડાં ઉત્તરના એડિંબરો અને દક્ષિણના દરિયાલાલને કે પશ્ચિમના ‘લેંડ્સ એન્ડ’ સુધી, શિવાની ખોળામાં નકશાઓ અને ‘નેવીગેશન નિષ્ણાત’ મિલિન સ્ટીરિંગ વ્હીલ આગળ બેસી ભોમિયા વિના ભમવા નીકળી પડતાં. હવે હાથની રેખાઓની જેમ જાણતાં લંડનમાં પણ ક્વચિત ગૂંચવાઇ જતાં.

સંજોગોને આધીન થઈ હજારો માઈલની મુસાફરી કરી ભારત કે અમેરિકા સ્વજનોને મળવા જવાના ઉત્સાહ ઉપર કાપ મૂકવો પડ્યો ત્યારે ‘ફેસ બુક’ અને ‘વોટ્સ એપ’ પર મળી મન મનાવી લેવાની આદત સ્વીકારી.

લથડતી તબિયત અને ઓછી થતી ઇંદ્રિયોની ક્ષમતા, શિવાની સરળતાથી સ્વીકારતી, કોઈક વાર બે આંસુ પાડી લેતી. પરંતુ મિલિનનું અહમ્‌ ઘવાતું અને આવતા સમયની વાસ્તવિકતાની ભીતિની વેદના વ્યક્ત કરી શકતો નહીં. એ વ્યથા સમજનાર કરને જી.પી.એસ. સિસ્ટમ વાપરવાનું માર્ગદર્શન, મિલિનને આલિંગન આપી વાપરવાનો ખૂબ આગ્રહ કર્યો. પણ ગળગળા થયેલ મિલીનની ‘ના’ ની ‘હા’ ન કરાવી શક્યો.

છતાં આખી જિંદગી વ્યસ્ત રહેલાં આ બે ‘બીઝી બીસ’ (ઉદ્યમી મધમાંખીઓ) નિવૃત્તિનાં છેલ્લાં વર્ષોમાં પણ પ્રવૃત્તિમય રહેતાં. એટલે શિવાની મિલિનની આગળ પોતે નક્કી કરેલા પ્રોગ્રામની વાત કેવી રીતે રજૂ કરવી તે વિચારવા લાગી કારણ કે આજે આખો દિવસ એ એના ‘ઈન્વેસ્ટમેન્ટ પોર્ટફોલિયો’ લઈને આઇપેડ સાથે કોમ્પ્યુટર રૂમમાં હતો અને એ જ્યારે રૂમનું બારણું બંધ કરીને કામ કરે ત્યારે ‘ડોન્ટ ડિસ્ટર્બનું’ બોર્ડ ન હોય તો પણ માની લેવાનું કે એને જરા પણ ખલેલ ગમશે નહીં. એટલે પહેલી તો એની ‘ના જ’ હશે’ – હંમેશની જેમ …..  દાયકાઓથી મિલિનના સ્વભાવથી પીઢિ થયેલ શિવાનીએ ઉક્તિ ઉવાચી.

‘મિલિન હું કાલે વિમ્બલ્ડન જવાની છું, તારે આવવું છે?’

‘ના ડિયર, તું જા, મારે થોડું કામ પતાવવું છે. કેટલા વાગે નીકળશે?’ તેણે સામો સવાલ કર્યો. ‘સાડાછએ તો નીકળવું જોઈએ, ગ્રાઉન્ડમાં જવાની જ લાઇન વિમ્બલ્ડન સ્ટેશન સુધી લાંબી હશે,’ શિવાનીએ સમજાવ્યું.

અડધા કલાક પછી જેવું શિવાની એ ધાર્યું હતું તેમ જ મિલિન શિવાનીની પાસે આવી ગોઠવાયો. એને ખબર હતી કે મિલિન એને ‘ના’ કહી નારાજ નહીં કરે. આવશે પણ સીધી ‘હા’ નહીં કહે.

‘ઑ.કે. હું આવું છું પણ આટલું વહેલું જવાની જરૂર છે?’ સાડાઆઠે નિકળીશું તો ચાલશે.

સવારે તૈયાર થઈ નાશ્તો, સેંડવિચીસ, ડ્રિંક્સ વગેરે સાથે શિવાનીએ પિકનિક બેગ તૈયાર કરી અને મિલિને ચેક કર્યું કે નજીકનું ટ્યુબ સ્ટેશન આજે બંધ છે. એટલે પોતાની કાર સ્ટેશન પર પાર્ક કરી જવાને બદલે એમણે બીજા ટ્યુબ સ્ટેશન સુધીની ટેક્સી કરી વિમ્બલ્ડન તરફ પ્રયાણ કર્યું.

ત્યાં પહોચતાં લાઇન જોઈ થોડાં ગભરાયાં, પરંતુ ‘સિનિયર સિટીઝન્સ’ને ખૂબ જ ત્વરાએ અંદર જવા દેતાં હતાં. તે જોઈ બંનેને હાશ થઈ. ઘણા સમય પછી બહાર નીકળ્યાં હતાં એટલે ઉત્સાહ હતો, સૂરજદાદાની આજે લંડન પર મહેર હતી તેથી ધસારો ઘણો હતો અને ખાસ કરીને એમના જેવા વયોવૃદ્ધોની સંખ્યા વધારે હોય તેમ લાગતું હતું. બંનેએ ‘ગ્રાઉંડ ટિકિટ’ લેવાનું નક્કી કર્યું, જેથી સેન્ટર કોર્ટ અને નંબર 1 કોર્ટ સિવાય બધી જ કોર્ટમાં ટેનિસ જોઈ શકાય. વળી ત્યાંની લાઇન પણ જલદી આગળ ચાલતી હતી.

દસ વાગે તો આખું મેદાન ચિક્કાર થઈ ગયું. દરેકના ચહેરા પર ઉત્સાહ અને પગમાં જોર લાગતું હતું. બેચાર કોર્ટમાં ટેનિસ જોઈ બંને હેનમેન હિલ તરફ વળ્યાં જ્યાં વિશાળ સ્ક્રીન પર મીક્સ્ડ ડબલ ચાલુ હતી અને ભારતના સોનિયા અને પેઇસની જોડી ખૂબ જ જામી હતી. તાળીઓના ગગડાટ અને અમ્પાયરના ‘ક્વાઇટ પ્લીસ’ પછી પ્રવર્તતી શાંતિમાં એટલા મશગૂલ હતાં કે બંનેને મોબાઈલ ચેક કરવાનો તો વિચાર પણ ન આવ્યો. અને શિવાની કાયમ એનો ફોન ‘સાયલન્સ મોડ’ પર જ રાખતી જેથી ડ્રાઇવિંગ કરતી હોય ત્યારે ડિસ્ટર્બ ન થાય. જો કે મિલિનના વર્ષ પહેલાં થયેલા ‘માઈલ્ડ સ્ટ્રોક’ પછી દીકરા કરને ઘરમાં કેમેરાની સિસ્ટમ મુકાવી હતી જે તેના અને બહેન તૃષ્ણાનાં મોબાઇલમાં વાઇફાય દ્વારા જોડેલી હતી. જેથી તેઓ ઘરમાં મિલિન અને શિવાની પર નજર રાખી શકતાં.  

તૃષ્ણા માર્કેટિંગ ડિરેક્ટર હતી અને બે દિવસથી ફ્રાંસ અને જર્મનીની બિસનેસ ટ્રીપ પરથી આજે પાછી આવવાની હતી. સવારે રોજની જેમ નવેક વાગે એણે મોબાઈલ પર જોયું તો ઘરમાં કોઈ હોય તેવું લાગ્યું નહીં. ફરી એણે બાર વાગે પ્રયત્ન કર્યો, તો પણ કોઈ દેખાયું નહીં એટલે એણે કરનને ટેક્સ્ટ કર્યો પણ એ મોટર વે પર હતો. આજે એક મોટા પ્રોજેક્ટને હાંસલ કરવા એને માનચેસ્ટરમાં પ્રેસન્ટેશન કરવાનું હતું.

ફોનનો બઝ સાંભળી એણે કાર હાર્ડ શોલ્ડર પર રાખી તૃષ્ણાને ટેક્સ્ટ કર્યો કે સવારે સાત વાગે એણે ચેક કર્યું ત્યારે ‘ઓલ વોઝ ઓકે.’ બંને, જોબ અને પોતપોતાનાં પરિવારમાં ઘણાં જ વ્યસ્ત રહેતાં અને વારંવાર ભારપૂર્વક કહેવા છતાં શિવાની અને મિલિન પોતાનું ઘર છોડી છોકરાંઓની સાથે કાયમ રહેવા જવાં તૈયાર ન હતાં. ચાળીસ વર્ષથી આ ઘરમાં રહ્યા પછી ઘર, એરિયા, પાડોશ વગેરેથી ખૂબ ટેવાઇ ગયા હતાં. તેથી કૅમેરા ઇન્સ્ટોલ કર્યા પછી બંનેને મમી, ડેડીની ચિંતા ઓછી રહેતી.  

ચારેક વાગે લંડન આવતી ચેનલ ટનલની ટ્રેન પકડાતાં પહેલાં તૃષાએ ફરી મોબાઈલ પર નજર કરી પણ કોઈ ઘરે દેખાયું નહીં એટલે હવે એને ફિકર થઈ, ફરી એણે એની મમને ફોન કર્યો, પણ જવાબ ન મળ્યો. એના ફોન પર ’બિસનેસ કોલ્સ વેઇટ’ થતાં હતા એટલે એણે વિચાર્યુ કે પોતાને ઘરે જાય તે પહેલાં પેરણ્ટ્સના ઘરે જઈ આવશે.

ઘર નજીક આવતાં ફરી એણે મોબાઈલ તરફ નજર કરી, એને લાગ્યું કે ડાઈનિંગ ટેબલ આગળ કોઈ જમીન પર પડ્યું છે, ધ્યાનથી જોતાં ખ્યાલ આવ્યો કે એ તો એના ડેડ છે અને માથા આગળ લોહીનું ખાબોચિયું હોય તેવું લાગ્યું. તરત જ એણે ‘ઈમરજન્સી સર્વિસિસનો’ નંબર જોડ્યો. તે આવી ત્યારે ‘પેરામેડિક્સ’ આવી ગયા હતાં અને તૃષ્ણાએ આપેલી માહિતી મુજબ બાજુવાળા પાસેથી ચાવી લેવા ગયાં હતાં.

એ દરમિયાન ઘરે આવ્યા પછી શિવાની ઉપર કપડાં બદલી શાવર લઈને નીચે આવી. કિચન/ડાઈનેટમાં પેસતાં જ મિલિનને લોહીના ખાબોચિયામાં જોતાં ધ્રૂજી ગઈ. બ્લડ પ્રેશર ને હ્રદય ના ધબકારા આસમાને, ધ્રુજતા હાથે બ્રેકફાસ્ટ બાર પર પડેલ ફોન તરફ માંડ માંડ હાથ લંબાવતાં તેણે તૃષ્ણાને બારણું ખોલતાં જોઈ.

એમ્બ્યુલન્સ અને તૃષ્ણા જ્યારે હોસ્પિટલમાં પહોંચ્યાં ત્યારે કરન પણ ત્યાં આવી પહોંચ્યો હતો. અધિરાઈથી ચારેક કલાક ચેકઅપના રિસલ્ટની રાહ જોતાં ત્રણેને ડોક્ટરે જણાવ્યુ કે ‘સ્કેન ક્લિયર’ છે એટલે ગંઠાયેલાં લોહીથી થતાં અવરોધને કારણે ‘માઈલ્ડ સ્ટ્રોક’ લાગે છે અને ‘ઓબ્સરવેશન’ માટે બે દિવસ મિલિનને રાખવા પડશે.

સૂમસામ ઘરમાં પેસતાં જ શિવાની સોફામાં ફસડાઈ પડી. તૃષ્ણા અને કરન તેની બાજુમાં બેઠાં. મિલિન વિનાના સૂનાં ઘરમાં સૂનાં હ્રદયની અકથ્ય વેદના અશ્રુ થઈ આંખમાંથી વહેવા લાગી અને એના બે ‘રોક્સ’ પણ પીગળી ગયાં!!!

બીજે દિવસે શિવાનાં મોં પર વિમ્બલ્ડન જવાના પશ્ચાતાપના ભાવ જોઈ તૃષ્ણાએ બોધપાઠ આપ્યો! ‘મમ તમે ફરી આવ્યાં તે સારું કર્યું છે, ખોટા વિચાર ના કર. હકારાત્મક વિચાર કર. બંનેને કેટલો આનંદ મળ્યો? ડોક્ટરે સ્ટ્રોકનું કારણ શું કહ્યું? ઉપાય માટે એસ્પિરિનનો ડોઝ વધાર્યો છે.’

‘મમ, અમે હંમેશાં તમારી સંભાળ રાખીશું.’

અરે હા, કરને કહ્યું ‘તને ખબર છે ને ડેડે કેમેરા સિસ્ટમ માટે કેટલો વિરોધ કર્યો હતો.’

‘પેરામેડિક્સે’ શું કહ્યું? ‘વાઈફાય સિસ્ટમ કેન સેવ લાઈવ્સ’!!!!

[સન 2017 વેળા ‘તરુલતા મહેતા વાર્તાસ્પર્ધા’માં બીજા ક્રમે આવેલી વાર્તા]

e.mail : ilakapadia1943@gmail.com  

Loading

નોબેલની રાજેન્દ્ર શાહ ઘડી

આશિષ મહેતા|Opinion - Opinion|15 October 2019

સાહિત્ય માટેના નોબેલ પારિતોષિક માટે સતત બીજું વર્ષ વિવાદાસ્પદ રહ્યું છે. ગયા વર્ષે જ્યુરીના એક સભ્યના પતિ સામે બળાત્કારના આક્ષેપનાં પગલે પહેલી વાર પારિતોષિક મુલતવી રાખવું પડ્યું હતું. હવે દસમી ઑક્ટોબરે ગતવર્ષ અને આ વર્ષ, બંનેના વિજેતા જાહેર થયા. તેમાં આ વર્ષ માટે ઑસ્ટ્રિયન નાટ્યકાર-લેખક પિટર હાન્કી (Peter Handke)ની પસંદગી સામે ભારે વિરોધ થયો છે. સાથે કર્તા અને કૃતિ વચ્ચેના ફરકની ચર્ચા પણ ચાલી છે.

લાભશંકર ઠાકરે ઘણાં વર્ષો પહેલાં કોઈ ટૂંકા લખાણમાં તેમના પસંદગીના લેખક-કવિઓની વાત કરતાં હાન્કીનો ઉલ્લેખ કર્યો હતો. નાટ્યલેખનમાં હાન્કીનું નામ વિનાવિવાદે પહેલી હરોળમાં છે. ઉપરાંત જર્મન સિનેમાના અગ્રણી દિગ્દર્શક વિમ વેન્ડર્સની અમુક ફિલ્મો માટે તેમણે પટકથા લખી છે, જેમાં ‘વિંગ્ઝ ઑફ ડિઝાયર’(૧૯૮૭)નાં ઘણાં વખાણ થયાં છે. એક ફરિશ્તાએ થોડા સમય માટે માનવ અવતાર ધારણ કર્યો છે અને એ માનવજીવન વિશે શીખે છે, એની વાર્તા છે. વેન્ડર્સે ૧૯૯૮માં એની હોલિવૂડ આવૃત્તિ બનાવી, ‘સિટી ઑફ એન્જલ્સ’ નામે, જે હોલિવૂડ કક્ષાએ માણવાલાયક છે.

વાંધાજનક વાત એ છે કે હાન્કીએ સર્બિયાના અને પછીથી યુગોસ્લાવિયાના પ્રમુખ સ્લોબોદાન મિલોસેવિચને સમર્થન આપેલું. સંયુક્ત રાષ્ટ્રની એક ટ્રિબ્યૂનલે ૧૯૯૮-૯૯ના કોસોવો યુદ્ધમાં માનવજાત સામેના ગુનાઓ બાબતે મિલોસેવિચને દોષી જાહેર કર્યા હતા. તેમની સામે બોસ્નિયામાં મુસ્લિમ વસતિનો ખાતમો કરવાનો આક્ષેપ પણ આંતરરાષ્ટ્રીય અદાલતમાં પુરવાર થયો હતો. તે સમયે મિલોસેવિચના સમર્થનમાં હાન્કી આગળ આવ્યા હતા. મિલોસેવિચે તેમને સરકારી પુરસ્કાર પણ આપ્યો. ૧૯૯૯માં સલમાન રૂશદીએ ‘વરસના આંતરરાષ્ટ્રીય મૂર્ખશ્રેષ્ઠ’ એ ટિખળી સન્માન માટેના પોતાના તરફથી બે દાવેદારમાં હાન્કીને સામેલ કરેલા. તેમણે લખ્યું હતું કે હાન્કી બોસ્નિયા-હેર્ઝેગોવિનામાં કોઈ નરસંહાર થયો જ નથી, એવો દાવો કરે છે અને ઉપરથી એમ પણ કહે છે કે ત્યાંના મુસ્લિમો તો જાતે જ અંદરોઅંદર હત્યાઓ કરીને સર્બ પર દોષ ઢોળે છે. હાન્કીએ પોતાનું વલણ જો કે ચાલુ જ રાખ્યું અને ૨૦૦૬માં મિલોસેવિચના અવસાન પછી અંતિમવિધિ સમયે પણ અંજલિ આપવા પહોંચ્યા હતા.

માટે જ્યારે હાન્કીને નોબેલ મળ્યું, ત્યારે ઘણાને આઘાત લાગ્યો. પારિતોષિકના ઇતિહાસમાં કદાચ પહેલી વાર આવા પ્રતિભાવો આવ્યા હશે – પેન (પી.ઈ.એન.) અમેરિકા તરફથી પુલિટ્‌ઝર-વિજેતા જેનિફર એગને આ નિવેદન આપ્યું :

“પેન અમેરિકા સામાન્ય રીતે બીજી સંસ્થાઓના પુરસ્કારો વિશે ટિપ્પણી નથી કરતું. અમે સ્વીકારીએ છીએ કે આવાં સન્માનો વ્યક્તિગત મત પર આધારિત (સબ્જેક્ટિવ) હોય છે અને તેનાં ધારાધોરણો એક સમાન નથી હોતાં. પરંતુ પિટર હાન્કીને ૨૦૧૯ માટેનું નોબેલ પારિતોષિક આપવાની આજની જાહેરાત અપવાદરૂપ છે. જેમણે ઇતિહાસમાં સિદ્ધ થઈ ચૂકેલી હકીકતો સામે શંકા ઉઠાવવામાં જાહેર ફાળો આપ્યો હોય અને ભૂતપૂર્વ સર્બિયન પ્રમુખ સ્લોબોદાન મિલોસેવિચ અને બોસ્નિયન સર્બ નેતા રાડોવાન કારાઝિક જેવા નરસંહારના કર્તાઓને જાહેર સમર્થન આપ્યું હોય, તેવા લેખકની પસંદગીથી અમે અવાક્‌ થઈ ગયા છીએ (કે મૂંઝાઈ ગયા છીએ, dumbfounded). … જે વિગતવાર દસ્તાવેજી પુરાવા ધરાવતા યુદ્ધખોરીના ગુનાઓ અંગે વારંવાર શંકા વ્યક્ત કરતા લેખકને તેમના ‘વાક્‌ ચાપલ્ય’ (linguistic ingenuity) માટે નવાજવાના નિર્ણયને અમે ફગાવી દઈએ છીએ. આગળ વધી રહેલા રાષ્ટ્રવાદ, આપખુદ નેતાગીરી અને અસત્યના બહોળા ફેલાવાની આ ક્ષણે સાહિત્યસમુદાયને આનાથી વધારે સારી પસંદગીની જરૂરત છે. નોબેલ સાહિત્ય સમિતિની પસંદગી વિશે અમે ઊંડો ખેદ વ્યક્ત કરીએ છીએ.”

રૂશદીએ ગાર્ડિયનને કહ્યું કે, ‘આજે મારે નવું કાંઈ કહેવાનું નથી, પણ (હાન્કી વિશે) મેં જે લખ્યું છે, તેને હું વળગી રહું છું.’ હાલના સમયમાં દુનિયાના સૌથી અગ્રણી ફિલોસૉફર ગણાતા સ્લાવોય ઝિઝેકથી લઈને ભારતીય મૂળના લેખક હરિ કુન્ઝરૂ સહિત અનેક લેખકોએ નોબેલ જાહેરાતને બિલકુલ વખોડી કાઢી છે, જેવું પારિતોષિકના ઇતિહાસમાં કદાચ પહેલી વાર બન્યું છે. વૉશિંગ્ટન પોસ્ટના મુખ્ય વિવેચક રોન ચાર્લ્સે પણ કહ્યું કે હાન્કીના કિસ્સામાં તો આપણને પસંદગીની પ્રક્રિયા વિશે શંકા થાય. ટિ્‌વટર પર કટાક્ષ અને વિરોધની ટિપ્પણીઓ તો ખરી જ.

એક નાનો વર્ગ ‘આર્ટ-ફોર-આટ્‌ર્સ-સેક’ના સ્લોગન સાથે ‘લેખકની બાયોગ્રાફી છોડો, બિબ્લિયોગ્રાફી જ જુઓ’ એવી દલીલ આગળ કરે છે.

દરમિયાન, ગત વર્ષ માટેનું પારિતોષિક ઓલ્ગા તોકારઝુક નામનાં પૉલિશ લેખિકા અને ચળવળકારને આપવામાં આવ્યું, તેને સાર્વત્રિક આવકાર મળ્યો છે. મહિલા હક્કો અને અન્ય મુદ્દે આ લેખિકા આખાબોલાં અને ચર્ચાસ્પદ રહ્યાં છે અને ઉદારમત માટે જાણીતાં છે. પરંતુ હજુ બે-ચાર વર્ષ પહેલાં જ તેમનું પહેલું પુસ્તક અંગ્રેજીમાં પ્રકાશિત થયું અને અત્યારે કુલ મળીને ત્રણ જ પુસ્તકો આપણે વાંચી શકીએ એમ છીએ. ગયા વર્ષે માન બૂકર ઇન્ટરનેશનલ પછી તેમનું નામ જાણીતું થયું. (એ પારિતોષિક ‘ફ્‌લાઇટ્‌સ’ નામની થોડી પ્રયોગાત્મક નવલકથા માટે મળ્યું. ‘ફ્લાઈટ્‌સ’માં ભારતના પણ સંદર્ભો છે, બોધિવૃક્ષની મુલાકાતનો એક પ્રસંગ છે.) નોબેલના ધોરણે હજુ યુવાન ગણાય એમ છે. બીજાં મોટાં નામો પહેલાં ધ્યાન પર લેવાં જોઈતાં હતાં. એક સ્ત્રી અને એક પુરુષ, એટલું સંતુલન જળવાયું છે, પણ બંને યુરોપથી જ છે. ઘણાં વર્ષોથી આફ્રિકાના બે-એક લેખકો નોબેલના દાવેદાર મનાતા આવ્યા છે. ભારતમાંથી મહાશ્વેતાદેવીનું નામ તેઓ હયાત હતાં, ત્યારે ચાલતું આવતું હતું. 

નવી દિલ્હી

Email : ashishupendramehta@gmail.com

સૌજન્ય : “નિરીક્ષક”, 16 ઑક્ટોબર 2019; પૃ. 06-07

Loading

બારણું

મનીષી જાની|Opinion - Opinion|15 October 2019

ધબ્બ
દઈને બંધ થઈ જાય
એ જ બારણું ?
આ તે હિમાલયને
ધબ્બ દઈને
બારણે બંધ કરવા
નિકળ્યા છે…
આ તે
કાશ્મીરના ખોળામાં
ખળખળ વહેતી
ઝેલમને
ધબ્બ દઈને
બારણે બંધ કરવા
નિકળ્યા છે.
ઋષિ મુનિઓએ
જ્ઞાનના હિમાલય પર
આરોહણ કર્યાં,
તર્કની તલવારો
હજારો વર્ષ
ચમકાવી, ટકરાવી
તલવારોના તણખાઓએ
પ્રકાશ પાથર્યો
કે
સસલાંને શિંગડાં
હોય
એ તો
કલ્પનાની પેલે પારની વાત
અને આકાશ કુસુમની
વાત ય
કલ્પનાને પેલે પાર.
આકાશ જેવડું ફૂલ
કોઈના સપનામાંય
સમાતું નથી!
આ તો
આકાશ જેવડું બારણું
ધબ્બ દઈને
વાસવા બેઠા છે!
આ તો ધબ્બ દઈને
ધબકતાં હ્રદયને
બારણે બંધ કરવા
ઊભા છે.
ધબકતાં હ્રદયની
ધમનીઓનાં બારણાં
ધબ્બ દઈને બંધ કરતા ડોક્ટરોને
કદી તમે જોયા છે ?
ડોક્ટરો
હ્રદયની બંધ નળીઓનાં
બારણે
ટકોરા મારે છે,
ખોલી નાંખે છે બંધ નળીઓનાં બારણાં,
ધબક ધબક ધબકે છે
હ્રદય.
શું
ધબ્બ દઈને
બંધ કરવા જ
બારણાં હોય છે ?

E-mail : manishijani@gmail.com

સૌજન્ય : “નિરીક્ષક”, 16 ઑક્ટોબર 2019; પૃ. 14

Loading

...102030...2,6512,6522,6532,654...2,6602,6702,680...

Search by

Opinion

  • પાલિકા-પંચાયત ચૂંટણીઓમાં વિલંબ લોકતંત્ર માટે ઘાતક છે
  • અદાણી ભારત કે અંબાણી ઈન્ડિયા થશે કે શું?
  • પ્રતાપ ભાનુ મહેતા : સત્તા સામે સવાલો ઉઠાવતો એક અટલ બૌદ્ધિક અવાજ
  • લાઈક-રીલ્સથી દૂર : જ્યારે ઓનલાઈનથી ઓફલાઈન જિંદગી બહેતર થવા લાગે
  • રુદ્રવીણાનો ઝંકાર ભાનુભાઈ અધ્વર્યુની કલમે

Diaspora

  • દીપક બારડોલીકરની પુણ્યતિથિએ એમની આત્મકથા(ઉત્તરાર્ધ)ની ચંદ્રકાન્ત બક્ષીએ લખેલી પ્રસ્તાવના.
  • ગાંધીને જાણવા, સમજવાની વાટ
  • કેવળ દવાથી રોગ અમારો નહીં મટે …
  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !
  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ

Gandhiana

  • ગાંધીસાહિત્યનું ઘરેણું ‘જીવનનું પરોઢ’ હવે અંગ્રેજીમાં …
  • સરદાર પટેલ–જવાહરલાલ નેહરુ પત્રવ્યવહાર
  • ‘મન લાગો મેરો યાર ફકીરી મેં’ : સરદાર પટેલ 
  • બે શાશ્વત કોયડા
  • ગાંધીનું રામરાજ્ય એટલે અન્યાયની ગેરહાજરીવાળી વ્યવસ્થા

Poetry

  • ગઝલ
  • કક્કો ઘૂંટ્યો …
  • રાખો..
  • ગઝલ
  • ગઝલ 

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved