લેખન થકી વાર્તાની સૃષ્ટિ શબ્દોમાં ઊતરી રહી હતી, પણ ત્યાંથી અટકવાનું ન હતું. એ દૃશ્યોને પડદા પર જીવતાં કરવાનાં હતાં. એ કામમાં પડકાર જ પડકાર હતા. અમે ગામ ઊભું કરવા માટે જે સ્થળ નક્કી કર્યું હતું. ત્યાં પહોંચવા માટે ભુજથી ૯૦ કિલોમીટર દૂર આવેલા ખાવડા પહોંચવું પડે. ખાવડાથી ૧૮ કિલોમીટર દૂર ગયા પછી ટૂરિઝમ વિભાગનો બંગલો આવે. ત્યાંથી થોડા કિલોમીટર આગળ જઈએ ત્યારે એ જગ્યા આવે, જ્યાં આજુબાજુ રણ સિવાય બીજું કશું ન દેખાય. ત્યાં બોર્ડર સિક્યુરિટી ફોર્સ(બી.એસ.એફ.)નો બનાવેલો રસ્તો છે. એ રસ્તે તેમની જ અવરજવર હોય કેમ કે, એ બિનલશ્કરી નાગરિકો માટે નથી.

આવી જગ્યાએ બે-ચાર માણસ અને એક કૅમેરા લઈને તો શૂટિંગ થઈ જાય, પણ સો-દોઢસો-બસો માણસનો કાફલો હોય, સાથે સિનેમાની લાઇટો ધરાવતી ટ્રક હોય, તો બધો વહીવટ કેવી રીતે પાર પાડવાનો? હું અને પ્રતીક લખવાની પ્રક્રિયામાં હતા, જ્યારે આયુષ પટેલ અને મીત જાની પાસે એક્ઝિક્યૂશન(અમલ)ની જવાબદારી હતી. અમે તો હોંશે હોંશે જગ્યા નક્કી કરી આવ્યા, પણ આયુષ-મીતને એ જગ્યા વિશે ખબર પડી, ત્યારે જોવા જેવી થઈ. આવી વિચિત્ર અને જ્યાં કશી જ સુવિધા ન હોય, બલ્કે શક્ય એટલી અગવડો હોય ત્યાં આટલાં બધાં માણસોને લાવવાં-લઈ જવાનાં-રાખવાનાં અને તેમની સગવડ સાચવવાની. તેનો વહીવટ અને આર્થિક પાસું એટલાં આકરાં હતાં કે અમારી વચ્ચેના સંબંધો બગડી જાય, એટલું જ બાકી રહ્યું.
થોડી વધુ તપાસ કરતાં વીસેક કિલોમીટર દૂર એક ‘તોરણ રિસૉર્ટ’ મળ્યો. ત્યાં બહુ ઓછા લોકો જતા હોવાથી સુવિધાઓના અને જાળવણીના પ્રશ્નો હતા. અમે પોતે રહેવાની વ્યવસ્થા ઊભી કરીએ, તો તેમાં બીજાં પરિબળો ઉપરાંત પાણીની ગણતરી પણ કરવી પડે. કારણ કે ત્યાં પાણી ટૅન્કરથી જ મંગાવવું પડે. શરૂઆતમાં અમે વિચારેલું કે રહેવા-ખાવા-પીવાની તકલીફ ન પડે તો ઘણું. પણ પછી સમજાયું કે રહેવા-ખાવાનું તો ઠીક, બાથરૂમની ડૉલ સુદ્ધાંના પ્રશ્નો હતા. ટૂથપેસ્ટ જેવી મામૂલી વસ્તુ લેવી હોય તો અઢાર કિલોમીટર દૂર ખાવડા જવું પડે, પણ થોડી વધારે સુવિધાની જરૂર પડે તો સો કિલોમીટર દૂર પણ જવું પડે. મને યાદ છે કે અમારી વીસ ગાડીઓ રોજ દોડાદોડ કરતી હતી. કેટલીક ગાડીઓ રોજ ભૂજ જતી હતી.
આટલી મુશ્કેલી ઓછી હોય તેમ, શૂટિંગની પરવાનગીના મુદ્દે નવી મુસીબત ઊભી થઈ. અમારા સાથીદાર આયુષ પટેલને લાગતું હતું કે કલેક્ટરની પરવાનગી પૂરતી છે. પરંતુ અરજી કરી ત્યારે ખબર પડી કે આ સરહદી વિસ્તાર હોવાને કારણે ત્યાં ‘બોર્ડર સિક્યુરિટી ફોર્સ’નું એન.ઓ.સી. (વાંધો નથી એવું પ્રમાણપત્ર) જોઈએ. તે મેળવવા ગયા ત્યારે જાણ થઈ કે અમારે જ્યાં કામ કરવાનું છે, તે જંગલ ખાતામાં આવે છે. એટલે તેમની પણ મંજૂરી લેવી પડે. ત્યાં પહોંચ્યા ત્યારે કહેવામાં આવ્યું કે આ બધા ઉપરાંત સ્થાનિક પોલીસ સબ-ઇન્સપેક્ટરની પણ રજા લેવી પડે કે અમે લોકો શૂટિંગ કરીએ એમાં તેમને કશો વાંધો નથી.
જેમ ફિલ્મ એક સપનું હોય છે, તેમ ચાર ચાર વિભોગોમાંથી નિયમ પ્રમાણે સડસડાટ ફાઈલ નીકળી જાય ને પરવાનગીઓ મળી જાય, તે પણ જુદા પ્રકારનું સપનું છે. ફરક એટલો કે ફિલ્મનું સપનું તો ક્યારેક સાકાર થઈ પણ જાય. છતાં ઘણા લોકોની જુદા જુદા પ્રકારની મદદ પછી શૂટિંગ માટે નક્કી કરેલા સમય પહેલાં પરવાનગીના કોઠા વીંધી શકાયા.
[“સાર્થક જલસો” – ૧૩, અભિષેક શાહ સાથે ઉર્વીશ કોઠારીએ ‘હેલ્લારો’ના સર્જનની કરેલી અજાણી વાતોના લેખમાંથી]
સૌજન્ય : “નિરીક્ષક”, 01 નવેમ્બર 2019; પૃ. 22
![]()


પ્રથમ સંગ્રહથી જ ગુજરાતી કાવ્યસાહિત્યમાં વિશિષ્ટ સર્જનભાત આંકી આપે છે પ્રતિષ્ઠા પંડયા. ‘ળળળ’ શીર્ષક જેટલો જ નિરાળો છે સંગ્રહનો કવિતાવૈભવ. ‘ળળળ’ કોઈ વાતના અસ્વીકાર માટે જીભ કંપાવીને કરવામાં આવતો ધ્વનિ છે. પ્રતિષ્ઠા પંડ્યાના કાવ્યોમાં અંદરની અને બહારની વિસંવાદિતા અથવા કદર્યતા સામે પ્રતિકારના રૂપમાં, પ્રતિધ્વનિના રૂપમાં પ્રતીકાત્મક ભાવમુદ્રાઓ કલારૂપ પામી છે. બીજાને ન દેખાતા, સાવ અપ્રગટ રહી જતા વિશ્વ સાથે કવયિત્રીનો સંયોગ એને ઉશ્કેરે છે, પ્રેરે છે. બહુધા તો એ ઘવાય છે રુક્ષતાથી, પરંપરિત ઘટમાળથી. એવી વેદના કે સંવેદનામાંથી આ કાવ્યો જન્મ્યાં છે. અહીં કોઈ આક્રોશ નથી, ફરિયાદ નથી પણ ઈંગિતો જરૂર છે. કવયિત્રી જાણે અંગુલિનિર્દેશ કરે છે બધું સંવેદવાની, સંવાદી થવાની, ઋજુદિલ થવાની. સમગ્રતાથી જીવતી એક સ્ત્રીનું કલાસિદ્ધ રસવિશ્વ છે અહીં.
ગાંધી ફાઉન્ડેશન, યુનાઇટેડ કિંગ્ડમ અને બ્રહ્માકુમારી, યુનાઇટેડ કિંગ્ડમ દ્વારા, તાજેતરમાં, ગાંધી 150ના ઉપલક્ષ્યમાં, લંડનમાં એક પરિસંવાદનું આયોજન કરવામાં આવ્યું હતું. એક દિવસીય પરિસંવાદ ત્રણ બેઠકોમાં વિભાજીત કરાયેલો: સંઘર્ષોનો અહિંસક ઉકેલ, આધુનિક વ્યાપારી ઢાંચો અને પર્યાવરણમાં આવતો બદલાવ. કુલ મળીને સાતેક વક્તાઓએ આપેલાં પ્રવચનોની ઝાંખી અહીં પ્રસ્તુત છે.
કાયદાના અભ્યાસ દરમ્યાન યુ.એન. ચાર્ટર બ્રુસ કેન્ટના હાથમાં આવ્યું (જે બ્રિટનના દરેક નાગરિકને વાંચવાની ભલામણ તેમણે કરી છે) અને તેની પ્રસ્તાવના વાંચી ગયા. આમ તો તેમના મનમાં પેસિફીસ્ટ લોકોના પ્રયાસો વિષે શંકા હતી, પરંતુ જ્યારે ગાંધીજી, મધર ટેરેસા, અબ્દુલ ગફારખાન અને માર્ટિન લ્યુથર કિંગ જેવાનાં જીવન અને કાર્યો વિષે જાણ્યું, ત્યારે અહેસાસ થયો કે તેમનાં જેવાં આગેવાનોએ સમાજને બદલવા અહિંસક માર્ગને અપનાવીને એક નવી દિશા બતાવી; એટલું જ નહીં યુદ્ધ વિરોધી હોવું એટલે કશું ન કરવું એ સાચું નથી, પરંતુ તે માટે જરૂર આકરાં પગલાં લેવાં, પણ તે અહિંસક હોવાં આવશ્યક તેમ સમજાયું. અને ત્યાર બાદ તેઓ યુદ્ધ અને અણુશસ્ત્રોના વિરોધમાં પોતાનો અવાજ ઉઠાવવા કટિબદ્ધ થયા. બ્રિટન શસ્ત્રોના વેચાણ પર પ્રતિબંધ લાવે તે માટે પ્રયાસ કરનારાઓમાં બ્રુસ કેન્ટ અગ્રણી છે. તેમનું દ્રઢ માનવું છે કે સમાજમાં પરિવર્તન આવે છે. ગુલામી પ્રથા નાબૂદ થઇ, મહિલાઓને મતાધિકાર મળ્યો, પીટરલૂ હત્યાકાંડ થયો, પણ અંતે સાર્વત્રિક મતાધિકાર મળ્યો તેમ એક વખત શસ્ત્રોનું વેચાણ બંધ થશે. છેવટ શ્રોતાઓને તેમણે ચીમકી આપી કે દુનિયામાં માનવહિત વિરોધી જે કઈં બની રહ્યું છે તે સમયે ‘અમે તો સારા છીએ’ એમ માનીને સંતોષ મેળવવો અને આસપાસની ઘટનાઓને બેઠા બેઠા જોયા કરવાનો સમય હવે નથી. એમણે પડકાર કર્યો, ‘ઊભા થાઓ અને કઈંક કરો.’ જોઈએ, કેટલા લોકોને આ વાત સ્પર્શે છે તે.
પ્રથમ બેઠકના બીજા વક્તા હતાં અનોખું વ્યક્તિત્વ ધરાવતા એક મહિલા જેઓ ફિલિપાઇન્સના મૂળ વાતનીઓના અધિકારો માટે અહિંસક લડત લડવા માટે જાણીતાં છે. વિક્ટોરિયા તાઉલી-કોર્પઝ [Victoria Tauli-Corpuz] અને તેમના પતિએ TEBTEBBA નામનું એક સંગઠન શરૂ કરેલું જેના વિષે એક અલગ લખાણ લખી શકાય. 
Initiatives of Change UKના મુખ્ય સૂત્રધાર પૉલ ગટરીજના વક્તવ્યથી પહેલી બેઠક સંપન્ન થઇ. વિશ્વમાં વ્યક્તિગત સ્તરે મૂલ્યોમાં બદલાવ લાવીને શાંતિ સ્થાપવાની નેમ ધરાવતા પૉલ છેલ્લા બે દાયકાથી Third Sectorના વિવિધ સંસ્કૃતિ, ધર્મ અને રાજકીય પૃષ્ઠભૂમિના લોકો સાથે મળીને કામ કરે છે. સામાજિક, આર્થિક, ધાર્મિક અને જાહેર સેવાઓના આગેવાનો સાથે કામ કરીને તેઓ પરિવર્તનનું વહેણ નીચેથી ઉપર તરફ ગતિમાન કરવા કોશિશ કરી રહ્યા છે. આ પ્રકારના કાર્યમાં જોડાવા પાછળનો પોતાનો હેતુ સ્પષ્ટ કરતાં કહ્યું, ઇંગ્લેન્ડમાં થયેલ કોમી રમખાણો સમયે તેમનો જન્મ. સાત-આઠ વર્ષની ઉંમરે હિંસા આચરાતી જોઈ. પોતાની માતાને તેની બૂરી અસર થયેલી. તે વખતે ખ્યાલ આવ્યો કે big doors swing on small hinges – મોટું બારણું નાના મજાગરા પર ઝૂલતું હોય છે. આપણે આગેવાન થવાની જરૂર નથી, પણ આગેવાન જેવા કાન – સાંભળીને સમજવાની શક્તિ હોવી જોઈએ. આજે પ્રસરી રહેલી હિંસાનું કારણ વ્યક્તિત્વવાદ અને વ્યક્તિનું નાના નાના કણમાં રૂપાંતર થઇ જવું તે છે.
પરિષદની બીજી બેઠક વિષે મારા મનમાં વિશેષ ઇંતેજારી હતી. ગાંધી વિચારની સહુથી વધુ અવમાનના ઉત્પાદન અને વેપારના ક્ષેત્રોમાં થઇ છે તેવું જોવા મળે છે, એથી એ ત્રણે વકતાઓ પોતપોતાના દ્રષ્ટિબિંદુ દ્વારા શું પ્રતિપાદિત કરશે તેના વિષે ઉત્કંઠા હતી. આ બેઠકનાં સંચાલિકા જીના લાઝેનબી એક વકતા, લેખિકા, શિક્ષિકા, માર્ગદર્શક અને મહિલાઓનાં સ્વાસ્થ્ય માટેના સમર્થક એવી બહુમુખી પ્રતિભા ધરાવે છે. તેમનું માનવું છે કે મૂડીવાદ અહીં અડ્ડો જમાવીને બેઠો જ છે, તો હવે સજાગ મૂડીવાદ લાવવાની કોશિષ કરવી રહી. જીનાનું મંતવ્ય છે કે હાલનો મૂડીવાદ એક નવ પ્રભાત લઈને આવ્યો છે. એ વિષે ત્યાર બાદના વકfતાઓએ વધુ માહિતી આપી તે જોઈએ.
આધુનિક વ્યાપારી ઢાંચા વિષે વાત કરતાં પહેલાં એન્ડ્રુએ કહ્યું કે આજનો મૂડીવાદ કુદરતને ચાર હાથે લૂંટવા બેઠો છે. જે ઝડપથી આપણા સ્રોતો વાપરીએ છીએ તે વિનાશક છે. ગાંધીજીએ કહેલું, “મારા ઘરને દીવાલો હશે, પણ બારી-બારણાં ખુલ્લાં રાખીશ જેથી બહારની હવા અંદર આવે. તેમ છતાં મારા પગ જમીન પરથી ડગી જાય તેવી પરિસ્થિતિનો હું તદ્દન અસ્વીકાર કરું છું.” તેમણે ભારતવાસીઓને ચેતવેલા કે બ્રિટન પોતાની જરૂરિયાતો સંતોષવા એક ગ્રહમાં ઉપલબ્ધ તમામ સાધનોનો ઉપભોગ કરે છે, જો ભારત પણ એ રસ્તે જશે તો તેને સાત ગ્રહોની જરૂર પડશે. અહીં તેમણે ભૂખાળવા ઉપભોક્તાવાદ અને તેને સંતોષતા મૂડીવાદ સામે લાલ બત્તી ધરી હતી. આપણી પાસે કુદરતી સંસાધનો ટાંચા છે, ખતમ થવા આવ્યા અને છતાં તેના પર જીવન નભાવીએ છીએ. આ ગતિએ દુનિયાનો અંત જોવો સહેલો છે, પણ આર્થિક પરિસ્થિતિમાં કોઈ બદલાવ નથી લાવતા. શા માટે?
એક વકીલ, કરવેરા વિશેના સલાહકાર અને આંતરરાષ્ટ્રીય વકીલાતની ફર્મના ભાગીદાર એવી ત્રિવિધ વ્યવસાયિક ભૂમિકા ભજવનાર આધુનિક વ્યાપારી મોડેલ વિષે વાત કરી શકે તેવી કલ્પના આવવી મુશ્કેલ. પરંતુ દ્વિતીય બેઠકના વક્તા ગ્રેઅમ નટલ એક એવી વ્યક્તિ છે જેઓ ઉપર ઉલ્લેખ કર્યો છે તે તમામ કામગીરી બજાવવા ઉપરાંત યુનાઇટેડ કિંગ્ડમની સરકારને નોકરિયાતો નાની મોટી કંપનીઓ અને ઉદ્યોગોના માલિક બને અથવા નફામાં સહભાગી બને તે માટે નીતિ ઘડવામાં મદદરૂપ થયા છે. સરકારે તેમના સૂચનોને માન્ય કરીને કંપની અને કરવેરા અંગેના કાયદાઓમાં ફેરફાર કર્યા છે. નોકરિયાતોના હિત માટે નીતિ ઘડવા બદલ તેમને OBEનો ઇલકાબ મળ્યો છે. વિવિધ ક્ષેત્રોમાં કામ કરવાને પરિણામે ગ્રેઅમનો અનુભવ કહે છે કે નાનોસૂનો બદલાવ મોટી અસર ઉપજાવી શકે છે. એમ્પ્લોઈ ઓનરશિપ ટ્રસ્ટ આ સિદ્ધાંત ઉપર સ્થપાયું. મૂડીવાદ પૂરજોશમાં પકડ જમાવી બેઠો છે જેને કારણે આર્થિક વિકાસ થતો જોવા મળે છે પરંતુ તેનાથી મળતો લાભ જે તે કંપનીના માલિકોને અનેક ગણો અને નોકરિયાતોને ઓછો મળે છે, જે સમાજમાં આર્થિક અને સામાજિક અસમાનતા પેદા કરે છે. આ હકીકતનો અહેસાસ થવાથી મિલકત ઊભી કરવા માટે કોઈ વૈકલ્પિક વ્યવસ્થાનું નિર્માણ કરવાના વિચાર સાથે ઘણી કંપનીઓ શેર હોલ્ડર્સને તેના માલિક બનાવવા લાગી છે. જ્હોન લુઈસ અને ઇલેક્ટ્રોનિક સાધનોના વેપારી રિચર સાઉન્ડ્સ તેના ઉદાહરણ છે. આ દેશમાં લગભગ 400 જેટલા એમ્પ્લોઈ ઓનરશિપ ટ્રસ્ટ સ્થપાઈ ચુક્યા છે. આ દિશામાં કામ કરનારાઓને વિશ્વાસ છે કે ઉત્પાદન અને વ્યાપારના ક્ષેત્રમાં આ નવીન રીતિ અપનાવવાથી આવકમાં અસમાનતા ઘટશે, નોકરિયાતો અને કામદારોમાં સ્વનિર્ભરતા વધશે અને સહકારથી કામ કરવાને કારણે માલની ગુણવત્તા પણ સુધરશે.
છેલ્લાં કેટલાંક વર્ષોથી પર્યાવરણમાં આવતા ધરખમ ફેરફારોને કારણે તેને સુરક્ષિત રાખવાની હિલચાલ જોર પકડતી જાય છે. તે વિષે ચિંતન અને સંશોધન કરનારાઓને ખ્યાલ આવ્યો કે માનવ જીવન પરનું કુદરતી સંકટ ટાળવા અને નિવારવા માટે આપણે આપણી જીવન પદ્ધતિમાં ફેરફાર અને તે પણ તાત્કાલિક કરવા પડશે. પરિષદની ત્રીજી બેઠક આ મુદ્દાને સમર્પિત હતી. ગાંધી ફાઉન્ડેશનના ટ્રસ્ટી અને જીવિકા ટ્રસ્ટના બોર્ડના સભ્ય માર્ક હોડાએ ત્રીજી બેઠકનું સંચાલન કર્યું. જીવિકા ટ્રસ્ટ ભારતના ગ્રામ્ય વિસ્તારોમાં આદિવાસી અને નિમ્ન જ્ઞાતિની ગણાતી મહિલાઓ માટે રોજગારીની તકો પૂરી પાડવાનું કાર્ય કરે છે.
લિંડસીએ ગાંધીજીનું પર્યાવરણવાદી તરીકેનું પાસું શ્રોતાઓ સમક્ષ ખડું કરતાં કહ્યું કે તેઓ આજે વપરાશમાં લેવાતી ભાષામાં નહોતા બોલ્યા, પરંતુ એક ખરા પર્યાવરણપ્રેમી તરીકેનું જીવન જીવ્યા અને દુનિયાને સાચો રાહ બતાવ્યો. કદાચ એનું કારણ એ છે કે પર્યાવરણ એ સામાજિક ન્યાય સાથે પણ જોડાયેલ મુદ્દો છે. ઊંડો વિચાર કરતા જણાશે કે ઔદ્યોગિકરણ થયા બાદ ઉત્પાદન અને વ્યાપારની પદ્ધતિ અને જીવનરીતિ ખૂબ બદલાયાં. ગાંધી લંડન અભ્યાસાર્થે આવ્યા, ત્યારે તેમના પર કવેકરની વિચારસરણીની અસર થયેલી, આજે હવે કવેકર તેમના વિચારો સમજીને અનુસરવા માગે છે! વિશ્વના વિકસિત અને વિકાસ પામી રહેલા દેશોને અહેસાસ થયો છે કે પર્યાવરણને થતું નુકસાન તાકીદનાં પગલાં માગી રહ્યું છે, જો મોડું થશે તો પૃથ્વી પરના માનવી અને કુદરત વચ્ચેનું સંતુલન જળવાશે નહીં. આધુનિક જગતમાં વિકાસની ઝડપ અને દિશા ઘણા લોકોને અસરકર્તા નીવડી છે. સંશોધન કરનારા સંગઠનો સરકારી નીતિ માનવ અધિકારની વિરુદ્ધમાં જણાય તો કોર્ટનો આશ્રય પણ લે છે. સમય આવ્યો છે કે આપણે સ્વીકારીએ કે જૈવિક વ્યવસ્થા પડી ભાંગવાને આરે આવી ઊભી છે. આપણે જરૂર તેને નાશ થતી અટકાવી શકીએ કેમ કે તે આંશિક રીતે માનવ જાતિએ લીધેલાં પગલાંઓનું જ પરિણામ છે.
ત્રીજી બેઠકના આખરી વકતા બ્રહ્મા કુમારીઝનાં યુરોપ ખાતેના ડાયરેક્ટર સિસ્ટર જયંતીએ અત્યંત મૃદુ કંઠે પર્યાવરણ, અહિંસા અને ગાંધી વિચારને સુંદર રીતે સાંકળી આપ્યાં. આધ્યાત્મિક મૂલ્યોનાં અનુસરણથી પૃથ્વી પરનાં તમામ જીવો અને સંસાધનોની રક્ષા થઇ શકે એ વાત રાજકારણીઓ, અર્થશાસ્ત્રીઓ, ઉદ્યોગપતિઓ અને વૈજ્ઞાનિકોની ચર્ચા સભાઓમાં ધીરજ પૂર્વક કહેનાર સિસ્ટર જયંતીએ ડાવોસ ખાતેની વર્લ્ડ ઇકોનોમિક ફોરમ 2018 વહેલી સવારે ધ્યાનની બેઠકથી શરૂ કરાવીને અધ્યાત્મ અને પર્યાવરણ તથા આર્થિક વિકાસને સીધો સંબંધ છે તે બતાવી આપ્યું. તેમનું કહેવું છે કે ગાંધીનો અવાજ બુલંદ અને સ્પષ્ટ છે – પ્રકૃતિના એટલે કે માનવીએ ન બનાવેલ કુદરતના તમામ પાસાં પવિત્ર છે. કુદરતી સંસાધનોના વપરાશ સાથે નૈતિકતા અને અહિંસાના ખ્યાલો જોડાયેલા છે. આથી જ કુદરતને એક ભૌતિક પદાર્થ નહીં પણ પાવક ધરોહર તરીકે જુઓ તો તેની જાળવણી કરશો. માનવ સમાજની જવાબદારી પ્રકૃતિના તમામ સર્જનની સંભાળ રાખવાની છે. ખરું જુઓ તો બીજા કોઈ પ્રાણી-પક્ષી માનવ જાત જેટલો સંહાર નથી કરતાં. આ હકીકત હવે ઘણા સ્વીકારે છે.
પરિષદનો સંક્ષેપમાં સારાંશ આપતાં પ્રોફેસર (લોર્ડ) ભીખુભાઈ પારેખે સુંદર વક્તવ્ય આપ્યું. તેમણે કહ્યું, આપણે જાણીએ છીએ કે સત્ય અને અહિંસા ગાંધી માટે અત્યંત મહત્ત્વનાં મૂલ્યો હતા. ક્રિશ્ચિયન આગેવાનોએ તેમને ધ મેન ઓફ નોન વાયોલન્સ તરીકે ઓળખાવ્યા અને જીસસ ક્રાઈસ્ટ સાથે સરખાવ્યા. કેમ કે તેમણે વ્યક્તિગત અહિંસાનો સિદ્ધાંત કોઈ સમૂહ પણ અમલમાં મૂકી શકે તે બતાવી આપ્યું. આખર અહિંસા છે શું? પ્રેમ અને કરુણાનું મૂર્ત સ્વરૂપ. અને એ ધારણા મૂળે આપણે બધા એક છીએ, તેથી કોઈ એકબીજાથી જુદા નથી એ વિચારમાંથી પ્રગટી.