Opinion Magazine
Number of visits: 9683805
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

ચોર્યાસી રંગનો સાથિયો રે માંડ્યો કે લાલ રંગ ખૂટ્યો સાહેલડી જી રે

નંદિની ત્રિવેદી|Opinion - Opinion|20 December 2019

હૈયાને દરબાર

ચોર્યાસી રંગનો સાથિયો રે માંડ્યો
કે લાલ રંગ ખૂટ્યો સાહેલડી જી રે
અડધી ભાતે રે મારો સાયબો રીસાયો
કે હાય સંગ છૂટ્યો સાહેલડી જી રે …

મેઘધનુ રંગની ભાતે વચ્ચોવચ્ચ
કોઇ અજબ રંગ સાંપડ્યો જી રે
જોતા પડ્યો તે પગ વાલમનો આંગણિયે
લોક કહે સાથિયો બગડ્યો જી રે
પથ પથરાઈ મારો જીવડો પુકાર્યો
કે પિયુ કેમ રૂઠ્યો સાહેલડી જી રે …

કોઈ જાણભેદુ ને પાછળ દોડાવિયો
કે આવ્યો સંદેશ લઈ સોગિયો જી રે
પરદેશ પહોંચી વ્હાલે રંગ મોકલાવ્યો
તે લાલ નહીં નીકળ્યો જોગિયો જી રે
અંગે અંગે તે મારે રોમ રોમ લાવ્યો
કે આગ થઈ ફૂટ્યો સાહેલડી જી રે

•   ગીતકાર-સંગીતકાર : નિનુ મઝુમદાર    •   ગાયિકા : કૌમુદી મુનશી

—————————-

સુગમ સંગીત અથવા કાવ્યસંગીતમાં શબ્દ અને સૂરની અભિવ્યક્તિ છે. ગુજરાતી સંગીતનો પોતાનો હૃદયોદ્વાર છે. તેમાં લોકપરંપરા તો છે જ, સાથે સંતવાણી, દુહા, ભજન, રાસ-ગરબા તથા અર્વાચીન-આધુનિક સુગમ સંગીત પણ ખરું. સામ ગાનથી લઈને હવેલી સંગીત, શાસ્ત્રીય સંગીત તેમ જ સુગમ સંગીતના ઉચ્ચ કોટિના કલાકારો ગુજરાતે અને મુંબઈએ આપ્યા છે. સાહિત્યના તમામ પ્રકારોમાં ‘ગીત’ હજારથી વધુ વર્ષનો દીર્ઘ ઇતિહાસ ધરાવે છે. ગવાય તે ગીત એમ સાદો અર્થ કરી શકાય. ગુજરાતી ગીત-ગઝલોનું માધુર્ય આગવું છે, અનોખું છે.

ગુજરાતી સુગમ સંગીતના અગ્રગણ્ય નામોમાં કૌમુદી મુનશી પ્રથમ પંક્તિનાં કલાકાર છે. એમના કંઠની મીઠાશને લીધે એમને ‘નાઈન્ટિન્ગલ ઓફ ગુજરાત’નું બિરુદ મળ્યું છે.

છેલ્લાં ૭૫ વર્ષથી કાર્યરત કૌમુદી મુનશી સંગીતજગતનું એવું નામ છે જેમણે સંગીતને માત્ર પચાવ્યું જ નથી, સંગીતમગ્ન રહીને આનંદમય જીવન જીવવાની ચાવી પણ આપી છે. સ્ત્રીની ઉંમર આમ તો જાહેર ન કરાય, પણ કૌમુદી મુનશી વિશે ગૌરવપૂર્વક કહી શકાય કે એ નાઈન્ટી (૯૦) નહીં, નાઈન્ટીન (૧૯) યર્સનાં નાઈન્ટિંગલ છે. જે ઉંમરે સામાન્ય રીતે માણસ ખખડી જાય એ ઉંમરે તેઓ આપણે એમને ઘરે જઈએ તો સ્મિત સાથે આવકારે, હાર્મોનિયમની પેટી લઈને આપણને નવી નવી રચનાઓ સંભળાવે, ઠૂમરી કેવી રીતે ગવાય એની સમજ આપે, ગાતી વખતે સ્પષ્ટ ઉચ્ચારણ તથા અનુસ્વારની અગત્યતા કેટલી છે એ સમજાવે ને વચ્ચે વચ્ચે એમણે પોતે બનાવેલી વાનગીઓ ચખાડે તથા નિતનવી રેસિપી શેર કરે એ નફામાં. સ્વચ્છ-સુઘડ સાડી અને નાજુક આભૂષણોનાં શોખીન કૌમુદીબહેનને ભાગ્યે જ કોઈએ હતાશ કે નિરાશ જોયા હશે.

જો કે, અમૂલ્ય આભૂષણ તો એમનું હાર્મોનિયમ. કૌમુદી મુનશી સાથે કેટલાંક ગીતો અનિવાર્યપણે જોડાઈ ગયાં છે, જેમ કે, તમે થોડું ઘણું સમજો તો સારું, વૃંદાવન વાટે સખી જાતાં ડર લાગે, હે કોઈ આઘે આઘેથી વેણુ વાય રે, મને જાતી રહું જાતી રહું થાય રે, લાખનો ચૂડલો ઘડાવી દે ઓ માણીગર, વાંકાબોલી વરણાગી વાંસળી, આ રંગ ભીના ભમરાને, મને છેડી ગયો રે નંદલાલા તથા આજનું આ ગીત ચોર્યાસી રંગનો સાથિયો રે માંડ્યો …! કૌમુદી મુનશીએ જવાહર બક્ષીની ગઝલો ખૂબ સરસ ગાઈ છે તથા ઠૂમરી અને ઉત્તર પ્રદેશનાં લોકગીતોમાં તો એમની માસ્ટરી છે જ.

આવતા ફેબ્રુઆરીમાં ૯૧ વર્ષ પૂરાં કરીને ૯૨માં વર્ષમાં પ્રવેશનાર કૌમુદી મુનશીનો જીવનમંત્ર પોતે જ આ શેર દ્વારા અભિવ્યક્ત કરે છે; ઉમ્ર કા બઢના તો દસ્તૂર-એ-જહાં હૈ, મેહસૂસ ન કરો તો બુઢાપા કહાં હૈ?

સાચે જ, જીવન જીવવાની કલા કૌમુદી મુનશી પાસેથી શીખવા જેવી છે. એમનાં દરેક ગીત ઉપર એક એક આર્ટિકલ થઈ શકે એવાં સુંદર ગીતો એમણે ગાયાં છે.

આજે જે ગીત વિશે વાત કરવી છે એ નિનુ મઝુમદાર રચિત ગીત છે, ચોર્યાસી રંગનો સાથિયો રે માંડ્યો કે લાલ રંગ ખૂટ્યો સાહેલડી જી રે, અડધી ભાતે રે મારો સાયબો રિસાયો કે હાય સંગ છૂટ્યો સાહેલડી જી રે …!

ગીતકાર-સંગીતકાર અને ગાયક એ ત્રણે કળાનું કોમ્બિનેશન ભાગ્યે જ કોઈમાં એક સાથે જોવા મળે, એ નિનુ મઝુમદારમાં હતું એટલે જ અવિનાશ વ્યાસે એમને ‘બિલિપત્ર’નું બિરુદ આપ્યું હતું. ઉસ્તાદ ફૈયાઝખાં તથા ઉસ્તાદ ઇમામ અલીખાંના શિષ્ય નિનુ મઝુમદાર વડોદરાના જમીનદાર નાગર કુટુંબનું સંતાન હતા. તેમનું મૂળ નામ નિરંજન મઝુમદાર હતું.

નિનુ મઝુમદારે લખેલું અને સ્વરબદ્ધ કરેલું આ ગીત વિરહનું ગીત છે. નાયિકાએ ચોર્યાસી રંગનો સાથિયો તો પૂર્યો પણ સાથિયાનો મુખ્ય લાલ રંગ જ ન હોવાથી સાથિયો અધૂરો રહી જાય છે. આ અધૂરપ અધવચ્ચે છૂટી ગયેલા સંબંધની, મનગમતા સાથની છે. જે વ્યક્તિની સાથે રતુંબલ જીવનનાં સપનાં જોયાં હતાં એ જીવન કસુંબલ રંગમાં ફેરવાઈ ગયું!

સ્ત્રી કોઈને ચાહે છે ત્યારે સંપૂર્ણ સમર્પિત થઈ જાય છે. એના મનોજગતમાં કલ્પનાના અનેક રંગો પૂરતી હોય છે. એના ભાવ વિશ્વમાં માત્ર એક જ છબિ હોય છે, પોતાના પ્રિયતમની. જેના દર્શનની એકમાત્ર ઝાંખીથી પણ એ પરિતૃપ્ત થઈ જતી હોય એ સાયબો સદાને માટે વિખૂટો થઈ જાય ત્યારે એ સ્ત્રીની પરિસ્થિતિ કેવી વિકટ થઈ જાય એ દર્શાવતું આ ગીત હૃદયસ્પર્શી રાગ ભૈરવીમાં કમ્પોઝ કરવામાં આવ્યું છે. પ્રેમ તૂટી જાય ત્યારે પ્રેમિકા સાવ તૂટી જાય છે. પ્રેમ પાછો મેળવવા કંઈ પણ કરવા તૈયાર થઈ જાય છે.

વ્હાલો સાયબો ક્યાં ચાલી ગયો છે એ શોધવા જાણભેદુને દોડાવવામાં આવે છે, પરંતુ એ ય સોગિયો સંદેશ લઈને પાછો ફરે છે. છેલ્લી પંક્તિઓમાં તો કવિએ જબરજસ્ત પરાકાષ્ઠા દર્શાવી છે. ‘પરદેશ’ પહોંચીને વ્હાલાએ ખૂટતો રંગ તો મોકલાવ્યો પણ એ રંગ નીકળ્યો જોગિયો એટલે કે વિરક્તિનો રંગ ભગવો. આ રંગ પછી તો જાણે વિરહિણીના અંગે અંગ આગ થઈને ફૂટ્યો! આ ગીતમાં કહેવાયેલી કથા કેટલી ય અધૂરી પ્રેમકહાણીનો વિષય બની ચૂકી છે પરંતુ, કવિએ આખી વાત એકમાત્ર રંગના માધ્યમે રજૂ કરીને અનોખી ભાત પાડી છે.

સ્ત્રી સંવેદનાનું આ અદ્દભુત ગીત છે. છિછરાં ગીતોથી દૂર રહી માત્ર ગરિમાપૂર્ણ ગીતોને જ પ્રાધાન્ય આપતાં કૌમુદી મુનશી આ ગીત વિશે કહે છે, "મારાં ગમતાં ગીતોમાંનું આ એક ગીત છે. સુગમ સંગીતમાં ફક્ત ત્રણ-ચાર મિનિટમાં જ આખા ગીતને ન્યાય આપવાનો હોય છે. ગીત ભાવપૂર્ણ ન હોય તો એની મજા જ ન આવે. હું હંમેશાં કહેતી હોઉં છું કે ગીતમાં કહન હોવું જોઈએ. આ ગીતમાં વિરહનો ભાવ શ્રોતાના ભાવજગતને હૃદયના મર્મસ્થાન સુધી ઢંઢોળે છે. પ્રેમી અને પ્રેમિકા વચ્ચે જનમોજનમની પ્રીત હોય એવો પ્રેમ છે. ચોર્યાસી લાખ ફેરાની વાત આમાં કવિએ વણી લીધી છે. કવિનું અનુભવવિશ્વ વિશાળ હોય છે. સમાજમાં અનેક પ્રકારની પ્રણયઘટનાઓ બનતી હોય છે જેમાં એકતરફી પ્રેમની વાત બહુ સ્વાભાવિક છે.

પ્રિયજન છોડીને જાય એ વ્યથા જેણે અનુભવી હોય એ જ જાણે. ગીતમાં આ અધૂરા પ્રેમની વાત જ કહેવાઈ છે. પ્રિયતમાનો ત્યાગ કરીને પિયુ પરદેશ ચાલી જાય છે ત્યારે અત્યંત વ્યથિત થયેલી નાયિકા એના સગડ મેળવવા જાણભેદુને મોકલે છે તો એ ય સોગિયો એટલે કે શોક સંદેશ લઈને જ આવે છે. પ્રેમના જે લાલ રંગની અપેક્ષા હતી એને બદલે એ ત્યાગ-વિયોગ-વિરક્તિનો ભગવો રંગ મોકલે છે. સ્ત્રી એવી આશામાં છે કે મેઘધનુ ભાતની રંગોળીમાં પ્રેમનો લાલ રંગ ઊડીને આંખે વળગે એવો હોવો જોઈએ જ્યારે અહીં તો આખેઆખો એ લાલ રંગ જ ખૂટે છે.

મેં આ વ્યથાને મારા કંઠ દ્વારા વ્યક્ત કરી છે. ગાયકે ગીતના શબ્દોની પાંખો બનવાનું હોય, કવિની અભિવ્યક્તિને ઉજાગર કરવાની હોય છે. દરેક ગાયકને ઉપયોગી એવી બહુ સાચી વાત કહી છે કૌમુદીબહેને.

કૌમુદી મુનશીના ચાહકો અને સુગમ સંગીતના ભાવકો આ ગીતથી પરિચિત હશે જ. યુટ્યુબ ઉપર તમને આ ગીત ફરી સાંભળવું ગમશે. ગો ફોર ઈટ!

સૌજન્ય : ‘લાડકી’ પૂર્તિ, “મુંબઈ સમાચાર”, 19 ડિસેમ્બર 2019

http://www.bombaysamachar.com/frmStoryShowA.aspx?sNo=616603  

Loading

સરદાર પટેલના આ ભાષણમાંથી મળશે દેશની વર્તમાન સ્થિતિનો જવાબ

—, રાજેન્દ્ર શુક્લ|Opinion - Opinion|20 December 2019

અમદાવાદ – દેશના ગૃહમંત્રી આજ તક ચેનલના 'એજન્ડા' કાર્યક્રમમાં નાગરિકતા કાયદા વિશે ખૂલીને બોલ્યા. વડા પ્રધાન કરતાં એ બાબતે ગૃહમંત્રીનું સાહસ વધારે દેખાયું કે તેઓ પત્રકારોના સવાલોના જવાબ આપવામાં માને છે. જો કે, તેમણે જે તથ્યો આપ્યા તે અંગે કેટલાંક પ્રશ્ન ખડા થાય એમ છે. તેમણે વિભાજન વખતના ગાંધીજીના, તત્કાલીન રાષ્ટ્રપતિ રાજેન્દ્ર પ્રસાદના અને તે ગાળાના કોંગ્રેસના ઠરાવ દર્શાવીને કહ્યું આ લોકોએ પણ તે વખતે હિન્દુ-શીખોને ભારતમાં શરણ મળવી જોઈએ તે વાત કરી હતી. ગૃહમંત્રીએ જે સંદર્ભ ટાંક્યા છે, તેની ખરાઈ કરવા જઈએ તો તે વખતના અત્યંત ખૂનામરકીના માહોલમાં ક્યાંક આ વાત આગેવાનોએ કહી પણ હશે. પરંતુ તેનો અર્થ એ નથી કે તેઓ આ સિવાયના ધર્મીઓનો સ્વીકાર કરતા નહોતા. તત્કાલીન આગેવાનોના જ દૃષ્ટિ-સૂચનોથી તૈયાર થયેલાં આપણા બંધારણમાં એવો ભેદભાવ ક્યાં ય દેખાતો નથી. પરંતુ ગૃહમંત્રી અહીંયા ખૂબ સિફ્તપૂર્વક એવો સંદર્ભ લઈ આવ્યા જેમાં આ આગેવાનોએ હિન્દુ-શીખની વાત કરી છે.

આ જ મુલાકાતમાં ગૃહમંત્રીએ સરદારની કોઈ વાત ટાંકી નહીં, તેમનું કહેવું એવું હતું કે સરદારની વાત ટાંકીશ તો કોંગ્રેસ તે વાતનો અસ્વિકાર કરશે. પરંતુ જ્યારે ખરેખર તમે સરદાર શું માનતા હતા અને તેમણે હિંદુ ઉપરાંત અન્ય ધર્મોના લોકોનો કેવી રીતે સ્વીકાર કર્યો હતો તે જાણવું હોય તો તેમના જ ભાષણમાં તેનો જવાબ સ્પષ્ટ રીતે મળે છે. દિલ્હીના રામલીલા મેદાનમાં સરદાર પટેલે આઝાદીના ચાર દિવસ પૂર્વે જ (તા. 11-08-1947) જે કહ્યું હતું, તેને હાલમાં ચર્ચાઈ રહેલાં નાગરિકતા કાયદા સાથે જોડીએ તો તે કાયદા અંગેની સ્પષ્ટતા થઈ જાય. આ કાયદાની જોગવાઈ ધર્મ આધારીત છે, જેને લઈને પૂરો હોબાળો છે. સરદારના તે ભાષણના અંશો. …

“દુનિયા આપણો તમાશો જુએ છે. … હવે આપણે ગમે તેટલું લડીશું તેથી એક પ્રજાની બે પ્રજા થવાની નથી. દેશના ટુકડા થયા છતાં પ્રજાના ટુકડા થવાના નથી. ટુકડા કોણ કરી શકે ? નદી અને પહાડના ટુકડા થઈ શકવાના છે ? મુસલમાનોનાં પણ મૂળ અહીં છે. અહીં જુમામસ્જિદ છે, તાજમહેલ છે, અલીગઢ યુનિવર્સિટી છે. એટલે આપણી સાથે એક થયા થયા વિના એમનો છૂટકો નથી.

આજે જે સરકાર બને છે તેમાં સાવધાની રાખવાની જરૂર છે. લશ્કરમાં જેટલાં મુસલમાનો હતા તે પેલી બાજુ ચાલ્યા ગયા છે અને હિંદુ આ તરફ આવ્યા છે. એવા લશ્કરમાં રાષ્ટ્રીયતા ક્યાંથી આવે? હિંદુ પટાવાળા, કારકુન સૌ આ તરફ આવી ગયા, મુસલમાન એ તરફ ચાલ્યા ગયા, પણ જ્યારે મુશ્કેલી પડશે ત્યારે એ પાછા આવવાના છે. આપણું રાજ્ય કોમી રાજ્ય નથી. દેશના ટુકડા થયા પછી પણ આપણો દેશ ઘણો મોટો છે. વસ્તી પણ ઘણી છે. ગયો વખત સ્વપ્નાની પેઠે ભૂલી જાઓ. પાકિસ્તાન ભૂલી જાઓ. હા, એક વાત છે. એમના તરફથી ઝઘડો કરવાની કોશિશ કરવામાં આવે તો પછી આપણા બદનમાં તાકાત હોવી જોઈએ, આપણામાં સંગઠન હોવું જોઈએ.

કેટલાક અત્યારે ગોરક્ષાની વાત કરવા માંડ્યા છે. આજે તો બાળકો, સ્ત્રીઓ ને વૃદ્ધોનું રક્ષણ થતું નથી ત્યાં ગોરક્ષાની તો વાત જ શી? જે મુલકમાં ગાયોની કતલ કરવાનો બાધ નથી ત્યાં જેવી હૃષ્ટપુષ્ટ ગાયો જોવામાં આવે છે એવી અહીં નથી જોવામાં આવતી. ખરેખરી ગોરક્ષા કરવી હોય તો ગાયને બરાબર પાળતાં શીખો.

આજે હિંદુસ્તાનને એક કરવાનો મોકો છે. આજે લાહોરથી માંડીને પૂર્વ બંગાળનો થોડો ભાગ છોડીને બાકીના હિંદને એક કરવાનો મોકો એક હજાર વરસ પછી આવ્યો છે.

આપણને આઝાદી મળી છે. આપણે બરાબર કામ કરવું હોય તો દેશમાં શાંતિ જોઈએ. શાંતિ નહીં હોય, ખાવાનું નહીં હોય તો લોકો કહેશે અંગ્રેજની ગુલામી સારી હતી.

… અમે અહીં એવી રીતે નથી બેઠા કે ધક્કો મારે ને ખસી જઈએ. પરમ દિવસે જવાહરલાલજીએ કહ્યું તેમ અમારા કરતાં સારું કરી બતાવે તે ભલે આવે. અમે તેને સોંપવા તૈયાર છીએ.”

(‘સરદારના વલ્લભભાઈનાં ભાષણોમાં’માંથી)

Loading

Cartoonscope

'Surendra'|Opinion - Cartoon|20 December 2019

courtesy : "The Hindu", 20 December 2019

Loading

...102030...2,6312,6322,6332,634...2,6402,6502,660...

Search by

Opinion

  • એક ‘રાની પંખીડું’ જિતુભાઈ પ્ર. મહેતા
  • આગળ જુઓ, નહીં તો પાછળ રહી જશો : બેન્જામિન ફ્રેન્કલિન
  • રળિયામણું, રંગીલું રાજકોટ ???
  • માણસ કૂતરાને કરડે એવા વિચિત્ર સમાચારોનું આચમન
  • શિક્ષકો કૂતરાં ગણવાના હોય તો પણ, કૂતરાં શિક્ષકોને નહીં ગણકારે …

Diaspora

  • છ વર્ષનો લંડન નિવાસ
  • દીપક બારડોલીકરની પુણ્યતિથિએ એમની આત્મકથા(ઉત્તરાર્ધ)ની ચંદ્રકાન્ત બક્ષીએ લખેલી પ્રસ્તાવના.
  • ગાંધીને જાણવા, સમજવાની વાટ
  • કેવળ દવાથી રોગ અમારો નહીં મટે …
  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !

Gandhiana

  • ગાંધી ‘મોહન’માંથી ‘મહાત્મા’ બન્યા, અને આપણે?
  • ગાંધીહત્યાના પડઘા: ગોડસેથી ગોળવલકર સુધી …
  • ગાંધીની હત્યા કોણે કરી, નાથુરામ ગોડસેએ કે ……? 
  • ગાંધીસાહિત્યનું ઘરેણું ‘જીવનનું પરોઢ’ હવે અંગ્રેજીમાં …
  • સરદાર પટેલ–જવાહરલાલ નેહરુ પત્રવ્યવહાર

Poetry

  • મુખોમુખ
  • ગઝલ – 1/2
  • સખીરી તારો એ હૂંફાળો સંગાથ …
  • વસંતાગમન …
  • એ પછી સૌના ‘આશિષ’ ફળે એમ છે.

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved