Opinion Magazine
Number of visits: 9456491
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

વ સં ત  આ વી

ચૈતન્ય જોષી 'દીપક'|Opinion - Opinion|3 February 2025

મનઉદ્યાનમાં પુષ્પ ખીલે, માનો કે વસંત આવી.

કોઈક રાગ બહાર છેડે, માનો કે વસંત આવી.

પ્રફુલ્લતા મન તણી હરિયાળી બનીને પ્રસરતી,

ફોરમ ફૂલની સઘળે પ્રસરે, માનો કે વસંત આવી.

ટહુકાર સંભળાય કોકિલ, વન ઉપવન ગજવતા,

મનમયૂર નર્તન કરવા લાગે, માનો કે વસંત આવી.

પૂરબહારે વહેતી હોય લાગણી અરસપરસમાં,

ઉરે ઊર્મિઓ પળેપળ જાગે, માનો કે વસંત આવી.

સંભળાય સૂર મા શારદાની વંદનાના ઠેરઠેરને,

પ્રેયસી ઉર પ્રીતમને જ માગે, માનો કે વસંત આવી.

પતંગા રંગવૈવિધ્યે ફરે અહીંતહીં પરાગ પામવાને,

ક્યાંક વેદના વિયોગની વરસે, માનો કે વસંત આવી.

સુખ અવનીનું સર્વોચ્ચ , મિલન સ્વર્ગાધિક ભાસે,

કૃપા અનંગની અવિરત મળે, માનો કે વસંત આવી.

પોરબંદર
e.mail : joshichaitanya568@gmail.com

Loading

પરીક્ષા ને રિક્ષા

રવીન્દ્ર પારેખ|Opinion - Opinion|3 February 2025

રવીન્દ્ર પારેખ

મારા દીકરાની બોર્ડની પરીક્ષા આવી રહી હતી ને મારાથી એનું કઈ જ વંચાયું ના હતું, એટલે પરીક્ષામાં શું થશે તેની રહી રહીને ફાળ પડતી હતી. દીકરો પણ મારી આવી આળસ જોઇને દંગ રહી ગયો હતો. બહુ પ્રયત્ન કરવા છતાં, તેનો કોર્સ મારાથી પૂરો થયો ન હતો. એ વાત તેના ફ્રેન્ડને તે કહેતો પણ હતો, ’તારા પપ્પા કેટલું બધું વાંચે છે ને કેટલાં વ્યવસ્થિત કાપલાં બનાવે છે, જ્યારે મારા પપ્પા તો એની બેન્કની નોકરીમાંથી જ ઊંચા નથી આવતા, આ વખતે હું પાસ થઈશ પણ કે પછી વીંટો જ વળી જશે તે ગોડ નોવ્ઝ !’

મારા દીકરાની ચિંતા વાજબી હતી. એક તો સિલેબસ બદલાયા કરે ને સાલી ગાઈડ પણ ના મળે, ત્યાં બાપ બધે તો ક્યાંથી મરે! એક તો બેંકમાં બોસ ટાર્ગેટ પૂરો ન થાય તેની બધી દાઝ આપણા પર કાઢે ને દીકરો, બાપથી તૈયારી ના થાય એટલે અકળાયા કરે, પણ બાપ પણ શું કરે? ઓનેસ્ટલી સ્પીકિંગ, બેન્કની નોકરી પતાવીને, સીધો ઘરે આવીને દીકરાનું હોમવર્ક કરવા જ બેસું છું, પણ કોર્સ એટલો લેન્ધી છે કે બાપને વોશરૂમ જવાની ય ફુરસદ નથી રહેતી ને દીકરો તો ઉઘરાણી કાઢતો જ રહે છે, ’પપ્પા, તમે ક્યારે સુધરશો? એક કામ સરખું થતું નથી ને ટીચર સામે મારે તો મરવા જેવું જ થાય છે ! ગાઈડમાંથી બેઠું ઉતારવાનું છે, પણ હરામ બરાબર, જો એક લાઈન સીધી ઊતરતી હોય તો ! ન્યૂટનની ગતિના ત્રણ નિયમ છે ને તમે ત્રણના બે કરો તો મારી ટીચર તો દાંતિયા જ કરે કે બીજું કઈ? તમારે લીધે મારે ટીચરથી નજર મેળવવાનું ભારે થઇ ગયું છે. ઘણો સંતાપ થાય છે. એક તો ટીચર એટલા બ્યુટીફુલ છે કે તેમની સામે જોવાનું મન થયા વગર ના રહે ને તમારે લીધે મારે ટીચરને મિસ કરવાં પડે એ શોભે છે તમને? તમારી ટીચર હોત તો … કર્યું હોત કે આવું?’

દીકરાની ફરિયાદમાં વજૂદ નથી એવું નથી. એની ટીચર ખરેખર જ સુંદર છે. મારા જેવાનું ધ્યાન જતું હોય તો એનો શું વાંક કાઢવો? એકવાર તો દીકરો હોમવર્ક હોમમાં જ ભૂલી ગયેલો ને એની ટીચરે વાલી તરીકે મને તેડાવી મંગાવ્યો. કહે, ’વાલી થઈને તમે દીકરાને હોમવર્ક પણ ન કરી આપો તો છોકરો બિચારો ટ્યૂશન ને સ્કૂલ એટેન્ડ જ કેવી રીતે કરે?’ મને ત્યારે તો મરવા જેવું લાગેલું ને મારે બેંકમાં રજા પાડીને હોમવર્ક કરી આપવું પડેલું. સામેવાળી અંજુની મધર કેવી રીતે બધું પાર પાડે છે તે જ નથી સમજાતું. અંજુ તો બારમામાં છે ને તે ય સાયન્સમાં, પણ બધું જ વાંચી ને લખી આપે. એકવાર તો દીકરીનું પેપર પણ એ લખી આવેલી. એમાં જ અંજુ બિચારી નાપાસ થયેલી, બાકી ક્લાસમાં ફર્સ્ટ આવી હોત ! મેં પણ દીકરાને કહેલું કે એકાદ પેપર હું લખી આવું, પણ એ તો ઉશ્કેરાઈ ગયેલો, ’પોતાના અક્ષર જોઇને તો વાત કરો, પપ્પા ! હવે એવું નથી. એક્ઝામિનર્સ કોઈ વાર વાંચે પણ છે ને એમાં મારું જ પેપર વાંચવાનું થાય ને તે તમે લખેલું હોય, તો તમને લાગે છે કે એ મને પાસ કરે? લખવાનું તો તમે બેન્કમાં જ રાખો. પરીક્ષામાં તમારું કામ નહીં !’ ને એમ મારે લખવાની ઘાત તો ગઈ. સારું થયું કે વાલીઓએ ફરજિયાત રીતે પેપર લખવાનું હજી બોર્ડમાં પાસ નથી કર્યું, એટલે મારો દીકરો પાસ પણ થાય છે. બાકી, હું લખું તો દીકરો સાત જન્મારે ય પાસ ના થાય એ નક્કી !

આમ ભણવામાં હું પહેલાં બહુ તેજ હતો. કદી ચોરી કરી નથી કે કાપલાં બનાવ્યાં નથી ને પાસ પણ થયો છું. હવે તો સંતાનોને ચોરી કરાવવા વાલીઓએ રજા પાડવી પડે છે. થોડાં વર્ષ પર ઉત્તર પ્રદેશમાં વાલીઓએ ત્રીજા માળ સુધી કાપલાં પહોંચાડેલાં ને પોલીસોનાં ગજવાં ભરવાં પડેલાં. ભણવાનું એટલું અઘરું થઇ પડ્યું છે કે ખુદ પરીક્ષકે વિદ્યાર્થીને તેનું અધૂરું પેપર લખી આપીને તપાસવું પડે છે. એક પરીક્ષામાં તો દીકરાને કાપલીના અક્ષરો ઉકલ્યા જ નહિ, તે બિચારો રડતો રડતો ઘરે આવેલો ને એની મમ્મીએ મને મારવાનો જ બાકી રાખેલો. મેં પણ પછી સુલેખનના ક્લાસ કરેલા ને માંડ હું લિખેબલ ને રીડેબલ બનેલો.

હકીકત એ છે કે માબાપને ઘણાં સંતાનો હોય છે, પણ સંતાનોને માબાપ તો એક જ હોય છે. માબાપની સંખ્યા વધે તો પરીક્ષાનું ટેન્શન ટળે. એક બાપ ફી ભરવા લાઈનમાં હોય ને બીજો કોર્સ પતાવતો હોય કે એક મમ્મી રાતના ચા મૂકી આપતી હોય કે બીજી પેપર સેટર પાસેથી પેપર ફોડી લાવતી હોય તો શું છે કે પરીક્ષા થોડી હળવી થઇ જાય. પણ, તંત્રો છે કે માબાપની વસ્તી પર પ્રતિબંધ મૂકીને બેઠાં છે, પછી એકનો એક બાપ તો ક્યાં સુધી ખેંચાય? એને પણ લાઈફ જેવું કૈં હોય કે નહીં ! એક જ લાઈફમાં નાઇફ જેવી વાઈફ ને થ્રી નોટ થ્રી જેવો દીકરો હોય તો લાઈફ શું ધૂળ ને ઢેફાં રહે? ધિસ ઇસ ટૂ મચ, થ્રી મચ એન્ડ સો ઓન !

આ વખતે એક્ઝામને મહિનો ય નથી રહ્યો ને બધું એક વાર પણ મારાથી વંચાયું નથી, ત્યાં રિવિઝનનો તો સવાલ જ નથી ! હું વાંચું તો કાપલાં બનાવુંને ! આ ખરું, મારું ભણવાનું મારા બાપે વાંચ્યું ન હતું તો મારે મારા દીકરાનું શું કામ વાંચવાનું? પણ, શું છે કે છોકરાંઓને મોબાઇલની ડ્યૂટી નવી ઉમેરાઈ છે. એમાંથી પરવારે તો ચોપડી જુએને ! એ લોકો પણ કેટલુંક કરે ! એટલું બધું ગિલ્ટી ફીલ થાય છે કે મારે લીધે દીકરો ફેલ થશે. પરીક્ષાનો સમય છે, પણ બાપ કાપલાં બનાવી કાઢશે એ આશામાં એ નિરાંતે ઘોરે છે. કેટલો ભરોસો હોય છે સંતાનોને કે માબાપ કોઈ પણ કામમાં તેમની પડખે, પડખું તોડીને ય ઊભાં રહેશે. મારે લીધે દીકરો આ વખતે કૈં નહીં ઉકાળે એ વાતે હું નાનમ અનુભવું છું. જો કે, મેં તો બેંકમાં મહિનાની રજા મૂકી જ દીધી છે. મારો બોસ એવો ચીકણો છે કે સીધી રજા તો આપશે જ નહીં. ખરેખર તો જેમ પ્રસૂતિની રજા મળે છે તેમ વાલીઓને એક્ઝામ લીવ મળવી જોઈએ, તો શું છે કે બોસના તળિયાં ચાટવાના મટે, પણ એવું કશું થતું નથી ને મરો અમારા જેવા વાલીઓનો થાય છે.

સાહેબે બોલાવ્યો, ’મહિનાની રજા જોઈએ છે? તો, બેંક કોણ ચલાવવાનું છે?’ મેં કહ્યું, ’સાહેબ મારો દીકરો બોર્ડની એક્ઝામ આપવાનો છે.’

‘તેની ખાતરી શી? રજા લઈને કોઈ લેડી સ્ટાફ સાથે ક્યાંક જવાના હો તો હું ક્યાં જોવા આવવાનો હતો?’ બોસ બગડ્યા. ફરી બોલ્યા, ’તમારા દીકરાની ચિટ્ઠી લખાવી લાવો કે એની એક્ઝામ આપવા રજા જોઈએ છે.’

હું રોડ પર આવી ગયો હોઉં તેમ સડક જ થઇ ગયો !

000

e.mail : ravindra21111946@gmail.com
પ્રગટ : ‘આજકાલ’ નામક લેખકની કટાર, “ધબકાર”, 03 ફેબ્રુઆરી 2025

Loading

ટેક્ યુદ્ધનું રણશિંગુઃ અમેરિકન AIના ગગનચુંબી સપનાં પર ચિની DeepSeekના ડ્રેગનનો ભરડો

ચિરંતના ભટ્ટ|Opinion - Opinion|2 February 2025

ચીન અને યુ.એસ. વચ્ચે ટેક્નોલૉજીની લડાઇ ચાલી છે, ત્યારે ભારતે પાંચસો વર્ષ પાછળ જોવાને બદલે, ભવિષ્યની અનિવાર્યતાઓ પર ધ્યાન રાખી સંશોધન અને વિકાસ પર કામ કરવું જરૂરી છે

ચિરંતના ભટ્ટ

છેલ્લા થોડા દિવસથી મહાકુંભના વીડિયો, વિવાદ, ચર્ચાઓ અને ટિકિટ મેળવવાની માથાકૂટમાં જો તમે તમારો સમય અને ઊર્જા વેડફ્યાં હોય તો તમારે ડીપ – DIP – ડૂબકીમાંથી બહાર આવીને DEEP-ઊંડું વિચારવાની જરૂર છે. DEPPSEEK – ડીપસીક – આ શબ્દ છેલ્લા કેટલાક વખતથી ટ્રેન્ડમાં આવ્યો છે અને અમેરિકાની સિલિકોન વેલીની ઊંઘ હરામ થઇ ગઇ છે. આ ડીપસીક R1 – આર્ટિફિશ્યલ ઇન્ટેલિજન્સ (AI) ટૂલ છે જે ચીને વિકસાવ્યું છે. ડીપસીકની જાહેરાતને પગલે પશ્ચિમના ટેક જાયન્ટ્સને લાળા ચાવવાનો વખત આવ્યો છે.  ડીપસીક માર્કેટમાં આવ્યું ત્યાં તો અમેરિકાના સ્ટૉક એક્સચેન્જ પર પણ તેની અસર વર્તાઇ. આ બધું શરૂ ક્યાંથી થયું અને શું કામ એ કળવું અનિવાર્ય છે.

આમ તો આર્ટિફિશ્યલ ઇન્ટેલિજન્સ – AI વિશે આપણે દોઢ-બે વર્ષથી ઘણું સાંભળીએ છીએ. લોકો પોતાનાં કામને સરળ બનાવવા માટે તેનો ઉપયોગ પણ કરતાં થયાં છે.  OpenAI – ચેટ જી.પી.ટી. પર પ્રોમ્પ આપી આપીને પ્રેમીઓએ લવ લેટર્સ લખ્યા છે તો લોકોએ પ્રેઝન્ટેશન્સ માટે ટિપ્સ મેળવી છે અને એવું તો ઘણું ય નાના-મોટા સ્તરે થતું આવ્યું છે. AI ટૂલ્સનું વિશ્વ વિશાળ છે અને તેમાં અનેક પ્રકારનું કામ થાય છે. AIનો મુદ્દો વૈશ્વિક સ્તરે શા માટે છેડાય? આમાં ઘણાં પાસાં છે અને તેનો સીધો પ્રભાવ રાજકીય અને આર્થિક સ્થિતિ પર પડે છે. સૌથી પહેલાં તો AIને કારણે લોકોની નોકરીઓ જતી રહેશેની ચર્ચા ચાલુ થઇ. બીજી તરફ સિલિકોન વેલી જે ટેક જાયન્ટ્સનું પાવર સેન્ટર છે ત્યાંથી એક મજબૂત નેરેટિવ શરૂ કરાયું. તેમાં વાત હતી AIના વિકાસ, ડેટા સેન્ટર, ક્લાઉડ કમ્પ્યુટિંગ, એનવીડિયા જેવી સેમી કન્ડક્ટર ચિપ્સ બનાવનારી કંપનીઓનાં મહત્ત્વની અને એમ પણ કહેવાયું કે આ AIને લગતું બધું જ – તોતિંગ રોકાણ, સર્વર ફાર્મ્સ, મોંઘી ચિપ – બધું બહુ ખર્ચાળ છે, તેના લીધે માત્ર પશ્ચિમી દેશો નહીં પણ આખી દુનિયાનું ભવિષ્ય નવી દિશામાં જશે. AIથી મળનારા ડેટાનું પ્રોસેસિંગ બહુ જ અગત્યનું સાબિત થશે વગેરે. બધા ગાડરિયા પ્રવાહમાં વહેતા જતા હતા. એમાં વળી ડોનાલ્ડ ટ્રમ્પની શપથ વિધિ થઇ જેમાં ઘણાં ટેક જાયન્ટ્સ અતિથિ હતા કારણ કે શક્તિ પ્રદર્શન તો વિશ્વગુરુઓનું અમોઘ શસ્ત્ર છે. આ બધું બરાબર જ ચાલી રહ્યું હતું અને ચીને ઓપન AI ટૂલ ડીપસીકની જાહેરાત કરી અને યુ.એસ. સ્ટૉક એક્સચેન્જને 1 ટ્રિલ્યન ડૉલરનો ફટકો પડ્યો – એનવીડિયા, માઇક્રોસોફ્ટ અને ગૂગલ બધું કડડભૂસ થઇ ગયું. વળી એનવીડિયાને તો AI બૂમમાં ધૂમ ફાયદો થયો હતો. ડીપસીકની જાહેરાતે આ બધું જ પત્તાના મહેલની જેમ વિખેરી નાખ્યું.

આપણા જેવા સામાન્ય માણસને થાય કે, આવું બધું તો ચાલ્યા કરે એમાં આપણે શું? પણ આ ચીન અને અમેરિકા વચ્ચેના યુદ્ધનો પહેલો તબક્કો છે. આ બન્ને રાષ્ટ્રો વચ્ચે જે પણ થાય તેની અસર આખી દુનિયા પર પડે છે, અને માટે જ આ બબાલ સમજવી જરૂરી છે. આ બાજુ ડોનાલ્ડ ટ્રમ્પની શપથ વિધિ ચાલતી હતી અને એ જ દિવસે ઓપન AI ટૂલ ડીપસીક-R1 રિલિઝ કરવામાં આવ્યું. અમેરિકાના સ્ટૉક માર્કેટને હચમચાવી નાખનારી આ જાહેરાતને પગલે અમેરિકાએ દોષારોપણ શરૂ કરી દીધું. ટ્રમ્પના ખાસ ડેવિડ સાક્સ જે AI અને ક્રિપ્ટોના બાદશાહ ગણાય છે, એમણે આક્ષેપ મૂક્યો કે ડીપસીકે અમેરિકાના OpenAI મોડલની મદદ લઇને પોતાની ટૅક્નોલૉજી વિકસાવી છે તો યુ.એસ. નેવીએ પોતાના અધિકારીઓને સુરક્ષાના કારણોસર ડીપસીકનો ઉપયોગ કરવાની મનાઈ ફરમાવી છે. અમેરિકામાં ઓપનએ.આઇ., સૉફ્ટબેંક અને ઓરેકલ જેવી કંપનીઓ જે AI વેન્ચર સ્ટારગેટમાં જોડાયેલી છે તેમને સંબોધીને ટ્રમ્પે કહ્યું કે તમે જીતવા માટે સ્પર્ધા કરવાનું બંધ કરો અને ડીપસીક એક ચેતવણી છે એ સમજો. આ બધાનાં મૂળમાં છે ચાઇનિઝ સ્ટાર્ટ અપ ડીપસીક. જે આર્ટિફિશ્યલ ઇન્ટેલિજન્સને લઇને અમેરિકા પોતાના અર્થતંત્ર અને ભવિષ્યના વાયદા કરી રહ્યું હતું, જેની આસપાસ રહસ્ય અને રોમાંચનાં જાળાં ગુંથાયાં હતાં, તે આખી બાબત ચીને ચપટીમાં ધૂળધાણી કરી નાખી. સરળ ટેક્નોલૉજી, સસ્તું AI આસિસ્ટન્ટ અને હાઇ એન્ડ પ્રોસેસિંગ પાવર ડીપસીકની ખાસિયતો છે. અમેરિકાએ ચિપ એક્સપોર્ટ કરવાને મામલે ચીન સામે જે નિયંત્રણો અને પ્રતિબંધો લાધ્યા હતા તેની ચીન પર કોઈ અસર જ નથી થઇ કારણ કે ચીને ડીપસીકની જાહેરાત સાથે એ પણ જાહેર કર્યું કે તેમણે પોતાની રીતે ગુણવત્તામાં ઊતરતી હોવા છતાં ય બહેતર પરિણામ આપનારી ચિપ્સ બનાવી દીધી છે અને અમેરિકાના નિયંત્રણોથી તેમના વિકાસમાં કોઇ ફેર પડ્યો નથી. ચીનમાં વિકસાવાયેલા ડીપસીક અને ડેટાની સલામતીને લઇને પણ ઘણા પ્રશ્નો થઇ રહ્યા છે કારણ કે ચીનને હળવાશથી લેવાની ગફલત કરાય એમ છે જ નહીં. જુઓ આ ઉદાહરણ – આ ડીપસીકને જ્યારે તિઆનમેન સ્ક્વેરમાં 1989માં થયેલા નરસંહાર કે ભારત-ચીનના સંબંધો, 1962માં થયેલા ભારત-ચીનના યુદ્ધ કે કાશ્મીર અને લદાખના પ્રશ્નો, ચીન જેને પોતાનું ખપાવે છે એ અરુણાચલ પ્રદેશ, ચીનમાં મુસમાનો સાથે થતા અત્યાચારો વગેરે પ્રકારના સંવેદનશીલ રાજકીય સવાલ કરવામાં આવે છે, ત્યારે આ સવાલોનો જવાબ ત્યાં નથી મળતા અને હા આ ડીપસીક તિબેટને ચીનનો જ હિસ્સો ગણાવે છે. ચેટજી.પી.ટી. તમને આ સવાલોના જવાબ વિગતવાર આપે છે એમ એન.ડી.ટી.વી.ના એક રિપોર્ટમાં ટાંકવામાં આવ્યું છે.

છતાં પણ ચીને કરી બતાડ્યું એ તો માનવા સિવાય કોઇ છૂટકો છે જ નહીં. ચીને જે કરી બતાડ્યું તેનાથી અમેરિકાએ AI અને તેના ડેટા પ્રોસેસિંગ વગેરેને લઇને જે મોટી મોટી વાતો કરી હતી તેનું જાણે કોઈ મૂલ્ય જ નથી રહેતું. ચીનની હાઇ ટેક ઇન્ડસ્ટ્રીના વિકાસમાં અવરોધ નાખવા માટે સતત પ્રયત્નશીલ અમેરિકાને લાળા ચાવવાના દિવસો આવ્યા છે. ટેકનોલૉજીનું ભવિષ્ય માત્રને માત્ર અમેરિકાના હાથમાં જ છે એવું આખી દુનિયાને ગળે ઉતારનારા અમેરિકાના દાવાઓનું બાષ્પીભવન થઇ ગયું છે. ચીન બોલીને નહીં પણ કરી બતાડવામાં માને છે તેવું ફરી એકવાર સાબિત થઇ ગયું છે. અમેરિકા પોતે જ વૈશ્વિક મહાસત્તા બનવા માટે સક્ષમ છે એવી જાહેરાતો કરે ત્યાં તો ચીન ફરી એકવાર પુરવાર કરે કે પોતે એ બધું જ કરી શકે છે જે અમેરિકા કરી રહ્યો છે. જો ચીન પર આમે ય આંધળો વિશ્વાસ કરવું સહેલું નથી કારણ કે ત્યાંના રાજકીય પ્રશ્નો તો યથાવત્ છે જ અને ચીનની સેલ્ફ-સેન્સરશીપ પણ ખતરાની ઘંટી છે. આ આખી ઘટનાને યુ.એસ.ના જાણીતા વેન્ચર કેપિટાલિસ્ટે સ્પૂટનિક ઉપગ્રહના લૉન્ચ સાથે સરખાવી છે કારણ કે એ સેટલાઇટ લૉન્ચને પગલે યુ.એસ. અને સોવિયેટ યુનિયન વચ્ચે સ્પેસમાં પોતાનો પગદંડો જમાવવાનું શીત યુદ્ધ શરૂ થયેલું. ચીન અને અમેરિકા વચ્ચે હાલમાં AI યુદ્ધ શરૂ થઇ ગયું છે. ત્યારે પણ અમેરિકા અન્ય રાષ્ટ્રની તકનીકી આવડતથી ચોંકી ઉઠેલો અને અત્યારે પણ એમ જ થયું છે.  ચીનનું આ AI મોડલ અમેરિકાના AI મોડલ્સ કરતાં બહેતર છે અને તેને ટ્રેઇન કરવામાં થયેલો ખર્ચો (5.6 મિલિયન ડૉલર્સ) યુ.એસ. AI ટેકને બનાવવામાં થયેલા ખર્ચા કરતાં સો ગણો ઓછો ખર્ચ છે. અત્યારે યૂઝર્સ ચીનના આ મોડલને નિઃશૂલ્ક વાપરી શકે છે જ્યારે અમેરિકન મોડલ્સનાં પ્રિમિયમ વર્ઝન્સ માટે તમારે સબસ્ક્રિપશન્સ ભરવાં પડે છે. ચાઇનિઝ AI વધારે ઝડપી છે અને તેના પ્રોસિંગમાં એટલી જ બાબતો વપરાય છે જેની તે ઘડીએ જરૂર હોય. વળી આ AI ઓપન સોર્સ છે એટલે તેનું કોડિંગ અલ્ગોરિધમ તમે જોઇ શકો છો અને ઇચ્છો એ રીતે તમારી જરૂર પ્રમાણે બદલી પણ શકો છો. આમાં કોઇ એજન્ડા નથી બલકે માત્રને માત્ર ટેક્નોલૉજિકલ વિકાસ છે. આ પુરાવો છે કે ચીન પોતાની લીટી લાંબી કરવામાં કોઇ કચાશ નથી છોડતો અને હવે અમેરિકા ગુંચવાડામાં છે અને ભારત મહાકુંભમાં છે. ચીન અને યુ.એસ. વચ્ચે ટેક્નોલૉજીની લડાઇ ચાલી છે ત્યારે ભારતે પાંચસો વર્ષ પાછળ જોવાને બદલે ભવિષ્યની અનિવાર્યતાઓ પર ધ્યાન રાખી સંશોધન અને વિકાસ પર કામ કરવું જરૂરી છે.

બાય ધી વેઃ 

આખી ત્રિરાશીમાં ભારતે શું પ્રતિભાવ આપવો જોઇએ એ પણ અગત્યનું છે કારણ કે આપણને પણ તો મહાસત્તા નહીં તો તેના ખાસ સક્ષમ મિત્ર બનવાની હોંશ છે. ચીનની ઠેકડી ઉડાડીને અન્ય રાષ્ટ્રોને ખુશ કરનારા આપણે અત્યારે બોલી શકીએ એમ નથી કારણ કે પ્રતિબંધિત સામ્યવાદી દેશ ચીન તકનીકી પાસાંઓમાં બહુ જ સબળ છે. ભારતે વસવસો કરવાને બદલે આત્મનિર્ભરતા યાદ કરીને તકનીકી પાસું સમૃદ્ધ કરવા મચી પડવું જોઇએ. આપણો ભાષાકીય વારસો અને વૈશ્વિક ધારાધોરણોમાં આપણે પાર પડીએ એ રીતે AI ટૂલ્સ વિકસાવવાની દિશામાં ભારતે વિચારવું જોઇએ. ભૂતકાળમાં ભારતને જ્યારે અમેરિકાએ સુપર કોમ્પ્યુટર ટેક્નોલૉજી આપવાની ના પાડી હતી ત્યારે આપણા દેશમાં સુપર કોમ્પ્યુટર વિકસાવાયું હતું. ભારતને રશિયાનો ટેકો ન મળ્યો ત્યારે ક્રાયોજનિક એન્જિન ટેક્નોલૉજી પણ ઘર આંગણે વિકસાવી હતી. ભારતનો આ જુસ્સો અત્યારે ફરી પ્રબળ થાય એ અનિવાર્ય છે. ચીન અને અમેરિકાની રેસ ભલે ચાલતી રહે આપણે બેની લડાઇમાં ત્રીજો ફાવે વાળી વાર્તા યાદ રાખીને કામે લાગવું જોઇએ. મેળા, ભગવાવાદ, ધ્રુવીકરણ, ડુબકીઓ, માંસાહાર જેવા મુદ્દાઓમાં સમય વેડફવાને બદલે નક્કર વિકાસને હાથવગો કરવાનો વખત પાક્યો છે.

પ્રગટ : ‘બહુશ્રૃત’ નામક લેખિકાની સાપ્તાહિક કટાર, ’રવિવારીય પૂર્તિ’, “ગુજરાતમિત્ર”, 02 ફેબ્રુઆરી 2025

Loading

...102030...262263264265...270280290...

Search by

Opinion

  • સાઇમન ગો બૅકથી ઇન્ડિયન્સ ગો બૅક : પશ્ચિમનું નવું વલણ અને ભારતીય ડાયસ્પોરા
  • ગુજરાતી ભાષાની સર્જકતા (૫)
  • બર્નઆઉટ : ભરેલાઓની ખાલી થઇ જવાની બીમારી
  • ચલ મન મુંબઈ નગરી—307
  • દાદાનો ડંગોરો

Diaspora

  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !
  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ
  • પ્રવાસમાં શું અનુભવ્યું?
  • એક બાળકની સંવેદના કેવું પરિણામ લાવે છે તેનું આ ઉદાહરણ છે !
  • ઓમાહા શહેર અનોખું છે અને તેના લોકો પણ !

Gandhiana

  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વરાજ પછી ગાંધીજીએ ઉપવાસ કેમ કરવા પડ્યા?
  • કચ્છમાં ગાંધીનું પુનરાગમન !
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • અગ્નિકુંડ અને તેમાં ઊગેલું ગુલાબ

Poetry

  • બણગાં ફૂંકો ..
  • ગણપતિ બોલે છે …
  • એણે લખ્યું અને મેં બોલ્યું
  • આઝાદીનું ગીત 
  • પુસ્તકની મનોવ્યથા—

Samantar Gujarat

  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!
  • ગુજરાતી અને ગુજરાતીઓ … 
  • છીછરાપણાનો આપણને રાજરોગ વળગ્યો છે … 

English Bazaar Patrika

  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?
  • Attempts to Undermine Gandhi’s Contribution to Freedom Movement: Musings on Gandhi’s Martyrdom Day

Profile

  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • જયંત વિષ્ણુ નારળીકરઃ­ એક શ્રદ્ધાંજલિ
  • સાહિત્ય અને સંગીતનો ‘સ’ ઘૂંટાવનાર ગુરુ: પિનુભાઈ 
  • સમાજસેવા માટે સમર્પિત : કૃષ્ણવદન જોષી

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved