Opinion Magazine
Number of visits: 9576320
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

નાગરિકતા સંશોધન એક્ટ (CAA) અને નેશનલ રજીસ્ટર ઓફ સિટીઝન્સ (NRC) શું છે?

રાજ ગોસ્વામી|Opinion - Opinion|24 December 2019

સિટીઝનશીપ અમેંડમેંટ એક્ટ (CAA) અને નેશનલ રજીસ્ટર ઓફ સિટીઝન્સ(NRC)ના વિરોધમાં દેશભરમાં વિરોધ અને દેખાવો થઇ રહ્યા છે. સિટીઝનશીપ એક્ટ સંસદના બંને ગૃહોમાં પસાર થઇ ગયો છે, અને હવે તેની સામે સુપ્રીમ કોર્ટમાં ૫૯ પિટીશન દર્જ કરવામાં આવી છે. નેશનલ રજીસ્ટર માટે હજુ નોટિફિકેશન જારી કરવામાં આવ્યું નથી, પણ ગૃહમંત્રી અમિત શાહ વખતો-વખત એવું જાહેર કરી ચુક્યા છે કે દેશમાં એન.આર.સી. લાગુ કરવામાં આવશે. ૯મી ડિસેમ્બરે લોકસભામાં સી.એ.એ. બીલની ચર્ચામાં અમિત શાહે કહ્યું હતું – માન કે ચલિયે, એન.આર.સી. આનેવાલા હૈ.

વ્યાપક વિરોધને જોતાં, મોદી સરકારે ડેમેજ કંટ્રોલ કરવા માટે, ગુરુવારે હિન્દી અને ઉર્દૂ સમાચારપત્રોમાં એક વિજ્ઞાપન જારી કરીને ખુલાસો કર્યો હતો કે દેશમાં 'ગલત' પ્રચાર કરવામાં આવી રહ્યો છે, અને "દેશવ્યાપી એન.આર.સી.ની જાહેરાત કરવામાં આવી નથી. જો એ ભવિષ્યમાં જાહેર કરવામાં આવશે, તો એવી રીતે નિયમો ઘડવામાં આવશે, જેથી કોઈ ભારતીયને અસુવિધા ના થાય." આમાં 'જો એ ભવિષ્યમાં જાહેર કરવામાં આવશે,' તે વાક્યને લઈને એવું માનવામાં આવ્યું રહ્યું છે કે એન.આર.સી.ને માળીયે ચઢાવી દેવાશે. ખેર, આ બંને જોગવાઈ શું છે અને તેનો વિરોધ કેમ થઇ રહ્યો છે?

નાગરિકતા સંશોધન એક્ટ (CAA) શું છે?

૧. આ બિલ હેઠળ, પાકિસ્તાન, બાંગ્લાદેશ અને અફઘાનિસ્તાનમાં રહેતા લઘુમતી (હિંદુ, શીખ, ઈસાઈ, પારસી, જૈન અને બૌદ્ધ) લોકોને ભારતનું નાગરિકત્વ આપવાની જોગવાઈ છે. સરકારનો દાવો છે કે આ દેશો ઇસ્લામિક છે, એટલે ત્યાં લઘુમતીઓ પર અત્યાચાર થાય છે, અને ભારતે તેમને સંરક્ષણ આપવું જોઈએ.

૨. નાગરિકતા મેળવવા માટે તેમણે ભારતમાં ઓછામાં ઓછા ૬ વર્ષ માટે રોકાણ કરવું પડશે. અગાઉ આ સમય મર્યાદા ૧૧ વર્ષની હતી. જે લોકોએ ૩૧ ડિસેમ્બર ૨૦૧૪ પહેલાં ભારતમાં પ્રવેશ કર્યો હશે, તેઓ નાગરિકતા માટે આવેદન કરી શકેશે.

૩. મુસ્લિમ ધર્મના લોકોને આ કાનૂન હેઠળ નાગરિકતા આપવામાં નહીં આવે, કારણ કે આ ત્રણે દેશોમાં મુસ્લિમો લઘુમતીમાં નથી. સરકારનો તર્ક એવો છે' કે બહુમતી વસ્તીના લોકો પર ધાર્મિક આધાર પર અત્યાચાર ના થાય.

૪. વિરોધ પક્ષો અને ઉદારાવાદીઓ આ કાનૂનનો વિરોધ કરી રહ્યા છે, તેમનો તર્ક છે કે આ કાનૂન બંધારણની કલમ ૧૪નું ઉલ્લંઘન કરે છે. કલમ ૧૪ સમાનતાનો અધિકાર આપે છે. ભારત બીજા દેશના પીડિત કોઈ પણ નાગરિકને રક્ષણ આપે છે. તેનો આધાર ધર્મ નથી.

૫. આ કાનૂનનો સૌથી વધુ વિરોધ પૂર્વોતર રાજ્યોમાં થઇ રહ્યો છે, કારણ કે સી.એ.બી.થી આ રાજ્યોમાં અવૈધ નાગરિકોનીઓ સંખ્યા વધી જશે અને ક્ષેત્રીય સ્થિરતા જોખમાશે. ત્યાંના યુવાનોમાં ડર છે કે આનાથી તેમનો રોજગાર જોખમાશે.

નેશનલ રજીસ્ટર ઓફ સિટીઝન્સ (NRC) શું છે?

૧. એન.આર.સી.થી ખબર પડે કે કોણ ભારતીય નાગરિક છે, અને કોણ નથી. જે એમાં સામેલ ના હોય અને દેશમાં રહેતા હોય, તેમને ‘ગુસપેઠિયા' ગણીને જે તે દેશમાં મોકલી દેવાશે, અથવા રક્ષિત સેન્ટરોમાં રાખવામાં આવશે અને તેમને મતદાર યાદી સહિતની અનેક યાદીઓમાંથી રદ્દ કરવામાં આવશે, તેમાં ૨૫ માર્ચ ૧૯૭૧ પહેલાંથી ભારતમાં રહેતા લોકોને ભારતની નાગરિકતા આપવાની જોગવાઈ છે.

૨. બાંગ્લાદેશ સાથેના યુદ્ધ પછી ઘણા બાંગ્લાદેશીઓ આસામમાં ઘુસી આવ્યાનું મનાય છે. આસામમાં ૧૯૫૧માં એન.આર.સી. બનાવવામાં આવી હતી, પણ તે નિષ્ક્રિય હતી. ૧૯૮૩માં સંસદે આસામના ગેરકાયદે લોકોને અલગ તારવવા માટે ટ્રીબ્યુનલની રચના કરી હતી, પણ સુપ્રીમ કોર્ટે તેને ગેરબંધારણીય ગણાવીને રદ્દ કર્યું હતું.

૩. ૨૦૦૫માં ભારત સરકારે એન.આર.સી. અપડેટ કરવાનું નક્કી કર્યું હતું. તેમાં સંતોષજનક પ્રગતિ ના થતાં, ૨૦૧૩માં સુપ્રીમ કોર્ટે તેની પર દેખરેખ રાખવાનું ચાલુ કર્યું હતું.

૪. ભા.જ.પ.નો 'ગુસપેઠિયા'નો મુખ્ય ચૂંટણી મુદ્દો રહ્યો છે. અમિત શાહ ચૂંટણી સભામાં કહેતા હતા કે આસામમાં ૪૦ લાખથી ૮૦ લાખ બાંગ્લાદેશી 'ગસપેઠિયા' છે. ૨૦૧૩માં મોદી સરકારે આસામમાં એન.આર.સી.ની કવાયત હાથ ધરી હતી.

૫. ઓગસ્ટ ૨૦૧૯માં આસામની ૩.૩ કરોડ વસ્તીમાંથી ૩.૧ કરોડ લોકોના નામ જાહેર કરવામાં આવ્યાં, ૨૦ લાખ લોકો એમાંથી બાકાત રાખવામાં આવ્યાં. સરકારનો આંકડો તો ખોટો પડ્યો, સાથે 'ગુસપેઠિયા'નો દાવો પણ સાબિત ના થયો, કારણ કે તેમાં મોટાભાગના અધિકૃત લોકો 'ગેરકાયદે' યાદીમાં આવી ગયા.

૬. રૂપિયા ૧,૦૦૦ કરોડની આ નિષ્ફળ કવાયત પછી સરકારે જાહેરાત કરી કે હવે એન.આર.સી.ની આ કવાયત દેશભરમાં (અને નવેસરથી આસામમાં) કરવામાં આવશે. સરકારનો તર્ક એ છે કે આસામની કવાયતમાં બહુ ત્રુટીઓ રહી ગઈ હતી. સંસદમાં એન.આર.સી. બિલ પાસ થયા પછી, આસામમાં સૌથી પહેલો ભડકો થયો, તેનું કારણ આ છે.

નાગરિકતા સંશોધન બિલ v/s નેશનલ રજીસ્ટર ઓફ સિટીઝન્સ

નાગરિકતા સંશોધન બિલ પસાર થયા પછી પહેલાં આસામમાં અને પછી દેશભરમાં વિરોધ થયો, તેમાં નેશનલ રજીસ્ટર ઓફ સિટીઝન્સનો પણ વિરોધ છે. વિરોધ પક્ષો માને છે કે એન.આર.સી. લાગુ કરવાનું આસન થઇ જાય, તે માટે જ સી.એ.બી. લાવવામાં આવ્યું છે. બંને જોડિયા બંધુ છે, અથવા એક સિક્કાની બીજી બાજુ છે. કેવી રીતે?
લોકો ભલે નાગરિકતા કાનૂનનો વિરોધ કરતા હોય (જે સંસદમાં પસાર થઇ ગયો છે), પરંતુ તેઓ અસલમાં એન.આર.સી.નો વિરોધ કરી રહ્યા છે (જેને દેશવ્યાપી લાગુ કરવાની સરકારની ઈચ્છા છે). એવું કહી શકાય કે બંને એકબીજા સાથે જોડાયેલા છે. વિરોધ કરનારા એવું પૂછે છે કે નાગરિકતા કાનૂનમાં મુસ્લિમોને સામેલ કેમ નથી કરવામાં આવ્યા? શું સરકાર એન.આર.સી.માંથી બહાર રહી ગયેલા હિંદુઓ અને અન્ય ધર્મોના લોકોને નાગરિકતા કાનૂન હેઠળ ભારતનના નાગરિક બનાવવા માંગે છે, અને એમાં સામેલ મુસ્લિમોને દેશ બહાર કરવા માંગે છે?

વિરોધીઓનો તર્ક એ છે કે, દાખલા તરીકે, આસામની એન.આર.સી.માં જે હિંદુઓ, દસ્તાવેજોના અભાવમાં, યાદીમાંથી બહાર રહી ગયા છે, તેઓ બીજા દેશમાં ધાર્મિક અત્યાચારથી ભાગીને આવેલા હિંદુ નાગરિકો હોવાનો દાવો આગળ ધરીને, સી.એ.બી. કાનૂન હેઠળ, ભારતની નાગરિકતા મેળવી શકશે.

એન.આર.સી. જો દેશભરમાં લાગુ કરવામાં આવે, તો પાકિસ્તાન, બાંગ્લાદેશ અને અફઘાનિસ્તાનથી ભારતમાં આવેલા ગેરકાયદે લોકોને અસર થશે. વધારામાં, ઘણા લોકોને બીક છે કે, જે મુસ્લિમો અધિકૃત દસ્તાવેજ રજૂ નહીં કરી શકે, તેમને 'ગુસપેઠિયા' ગણવામાં આવશે. એમનું શું થશે, તે હજુ સ્પષ્ટ નથી.

દેશમાં આ ‘ડબલ ગેઈમ’ને લઈને જે વિરોધ થઇ રહ્યો છે, તેને જોતાં ગૃહમંત્રી અમિત શાહ આ બંને જોગવાઈ એકબીજાથી અલગ છે, એવું કહી રહ્યા છે. જો કે, અગાઉ તે અનેક વખત બંને બાબતોને જોડી ચુક્યા છે, અને એટલે લોકોમાં વધુ ગભરાટ છે. આ વર્ષે ઓક્ટોબરમાં કોલકાતામાં એક રેલીમાં અમિત શાહે કહ્યું હતું, “દેશમાં એન.આર.સી. લાવતા પહેલાં, રાજ્યસભામાં (જ્યાં ભા.જ.પ.ની બહુમતી નથી) સી.એ.બી. પાસ કરાવવામાં આવશે.”

એક ત્રીજો વિરોધ એ પણ છે કે, નોટબંધી વખતે જેમ લોકો બેંકો આગળ લાઈનો લગાવીને નોટો બદલવા ઊભા રહ્યા હતા, તેવી રીતે એન.આર.સી.ની કવાયત વખતે પોતાની નાગરિકતા સિદ્ધ કરવા માટે પરિવાર ભારતમાં રહે છે, તેના પુરાવારૂપી દસ્તાવેજો લઇને સરકાર નિયુક્ત સેન્ટરો પાસે લાઈનમાં ઊભા રહેશે. આ ડરને ખારીજ કરવા માટે સરકારે ગુરુવારે એવી સ્પષ્ટતા કરી હતી કે જ્યારે પણ એન.આર.સી. લાગુ કરવામાં આવે, ત્યારે વ્યક્તિએ માત્ર તેની જન્મ તારીખ અને જન્મ સ્થળનો જ પુરાવો આપવો પડશે. પેરન્ટસને કોઈ દસ્તાવેજની ‘ફરજ’ પાડવામાં નહીં આવે. ૧૯૭૧ પહેલાંના નાગરિકોને કોઈ સાબિતીઓ આપવી નહીં પડે, એવી પણ સ્પષ્ટતા કરવામાં આવી છે. જો કે, એન.આર.સી.ને લઈને હજુ નિયમો બની રહ્યા છે (અને એન.આર.સી.ને હાલ તૂરત લાગુ કરવામાં આવશે કે કેમ, તે પણ હવે પ્રશ્ન છે).

કાનૂની દાવપેચ પાછળનું રાજકારણ

અન્ય દેશોમાં પીડિત શરણાર્થીઓને આશ્રય આપવાની ભારતની જૂની પરંપરા છે, પણ સી.એ.બી. સામે વિરોધ થવાનું કારણ મુસ્લિમોની બાદબાકી છે. કૉન્ગ્રેસના સંસદીય નેતા અધીર રંજન ચૌધરીએ લોકસભામાં કહ્યું હતું કે, “આ બિલ ભેદભાવ કરે છે એટલું જ નહીં, તે આપણી બંધારણીય બુનિયાદને પણ તહસ-નહસ કરે છે. આર.એસ.એસ. અને ભા.જ.પ.નું હિંદુ રાષ્ટ્રનું જે સપનું છે, તે દિશામાં આ પગલું છે.” કૉન્ગ્રેસ નેતા રાહુલ ગાંધીએ કહ્યું કે, “સી.એ.બી. અને એન.આર.સી. સામૂહિક ધ્રુવીકરણનું હથિયાર છે. આ ગંદા હથિયાર સામે શાંતિપૂર્ણ વિરોધમાં હું સૌની સાથે છું.

બુધવારે દિલ્હીમાં ‘ઇન્ડિયા ટુડે’ જૂથના કાર્યક્રમમાં સાવરકરના હિંદુ રાષ્ટ્રની ધારણા અંગે સવાલ પૂછવામાં આવ્યો, ત્યારે અમિત શાહે કહ્યું હતું, “ભા.જ.પ. ભારતને હિંદુરાષ્ટ્ર તરીકે જોતો નથી. ભા.જ.પ. શબ્દશઃ બંધારણને અનુસરે છે. દેશનો અને સરકારનો એક જ ધર્મ હોય; બંધારણ.” દિલ્હીમાં જામિયા મિલિયા યુનિવર્સિટીમાં હિંસા થઇ, તે પછી પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ સોમવારે શાંતિ જાળવવાની અપીલ કરતાં ટ્વીટ કરી હતી કે, “ભારતના નાગરિકે ડરવાની જરૂર નથી. સ્થાપિત હિતો આપણને વિભાજીત કરી રહ્યા છે, અને અફવા ફેલાવી રહ્યા છે.”

એ પછી તો આ વિરોધ દિલ્હીમાંથી બહાર નીકળીને, આખા દેશમાં વિરોધ ફેલાઈ ગયો. એવું લાગે છે કે સરકારને આટલી ઉગ્ર પ્રતિક્રિયાનો અંદાજ ન હતો. સરકારને એમ પણ લાગે છે કે સી.એ.બી. પસાર કરાવીને તરત જ ગૃહમંત્રીએ જે અતિ આત્મવિશ્વાસથી કહ્યું કે ‘એન.આર.સી. આવે જ છે.’ તેનાથી લોકો વધુ ભડકી ગયા, અને એ રોષમાં સી.એ.એ. પણ હોમાઈ ગયું.

પ્રગટ : ‘સ્પેશ્યલ રિપોર્ટ’, “ગુજરાતી મિડ-ડે”, 22 ડિસેમ્બર 2019

Loading

અંતના અણસાર

અરુન્ધતિ રોય|Opinion - Opinion|23 December 2019

અરુન્ધતિ રોયે 12 નવેમ્બરના રોજ ન્યૂ યોર્ક શહેરમાં આપેલા જોનાથન શેલ સ્મૃતિ-વ્યાખ્યાનનો પાઠ અહીં ગુજરાતીમાં રજૂ કર્યો છે. તે સમયે નાગરિક કાયદાના સુધારાનો ખરડો આવવાનો બાકી હતો, હવે તેને સંસદે પસાર કરી લીધો છે અને તેને રાષ્ટ્રપતિની સંમતિ મળી ચૂકી છે. વ્યાખ્યાન લખાણસ્વરૂપે ‘ધ નેશન’ સામયિકમાં પ્રસિદ્ધ થયું હતું. આ અનુવાદ ‘કેરેવાન’ મેગેઝિનની વેબસાઈટ પર પ્રકાશિત થયેલા પાઠ પરથી છે. https://caravanmagazine.in/politics/rise-and-rise-of-hindu-nation અનુવાદમાં માત્ર ભાષાકીય કારણોસર ક્યાંક ક્યાંક છૂટછાટો લીધી છે. લેખિકાના બધા દાવા, દલીલો અને તારણો સાથે સૌ કોઈ સંમત ન પણ હોય, પણ એ બધું ચર્ચા અને સંવાદ માટે આવશ્યક અને આવકાર્ય તો છે.

— આશિષ મહેતા

અનુવાદક

ચિલી, કેટેલોનિયા, બ્રિટન, ફ્રાન્સ, ઈરાક, લેબેનોન અને હોન્ગ કોન્ગના રસ્તાઓ પર વિરોધના દેખાવો ચાલી રહ્યા છે અને એક નવી પેઢી પૃથ્વીના ગ્રહ સાથે જે ચેડાં કરવામાં આવ્યા છે તેની સામે આક્રોશ વ્યક્ત કરી રહી છે, ત્યારે મને આશા છે કે તમે મને માફ કરશો જો હું એવી જગ્યાની વાત કરું જ્યાં રસ્તા પર કંઈક જુદું જ ચાલી રહ્યું છે. એક સમય હતો જ્યારે અસંમતિ એ ભારતની શ્રેષ્ઠ નિકાસ હતી. પરંતુ હવે, પશ્ચિમમાં વિરોધનો વંટોળ ઘેરાઈ રહ્યો છે, ત્યારે સામાજિક અને પર્યાવરણીય ન્યાય માટેની આપણી મૂડીવાદી-વિરોધી ચળવળો – મોટા બંધો, આપણી નદીઓ અને જંગલોના ખાનગીકરણ અને શોષણ, આદિવાસી પ્રજાને પોતાનાં ઘરમાંથી તગેડી મૂકવા સામેની કૂચ – એકંદરે શાંત થઈ ગઈ છે. આ વર્ષે 17મી સપ્ટેમ્બરે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પોતાના 69મા જન્મદિને પોતાને સરદાર સરોવર ડેમના છલોછલ ભરાયેલા રિઝર્વોયરની ભેટ આપી, ત્યારે ત્રીસ વર્ષથી વધુ સમયથી એ બંધનો વિરોધ કરી રહેલા હજારો ગ્રામવાસીઓ પોતાનાં ઘર નદીનાં વધતાં પાણી નીચે જતાં જોઈ રહ્યા હતા. ભારે પ્રતીકાત્મક ક્ષણ હતી એ.

ભારતમાં આજે ધોળા દિવસે એક પડછાયાની દુનિયા આપણી ઉપર છવાઈ રહી છે. આ કટોકટીના કદ કે બદલાતા આકાર, એનાં ઊંડાણ અને વિવિધતા વિશે આપણી જાત સાથે પણ વાત કરવાનું મુશ્કેલ બની રહ્યું છે. એકદમ ચોક્કસ વર્ણન કરીએ તો અતિશયોક્તિ થઈ જવાનું જોખમ રહે છે. માટે વિશ્વસનીયતા જાળવી રાખવા અને સારી રીતભાત ચાલુ રાખવા આપણે એ પ્રાણીની સારસંભાળ લઈએ છીએ જેણે એના દાંત આપણામાં ભરાવ્યા છે, આપણે એના વાળ ઓળી આપીએ છીએ અને ટપકતું જડબું સાફ કરી આપીએ છીએ જેથી ભદ્ર વર્ગમાં એ સારું દેખાય. ભારત કોઈ પણ રીતે દુનિયાની સૌથી ખરાબ કે સૌથી ભયજનક જગ્યા નથી જ, કમ-સે-કમ હજુ સુધી તો એવું નથી, પરંતુ એ શું હોઈ શકત અને એ શું બની રહ્યું છે તે બે વચ્ચેનો ફરક એને સૌથી મોટી કરુણાન્તિકા તો જરૂર બનાવે છે.

અત્યારે કાશ્મીરની ખીણમાં સિત્તેર લાખ લોકો, જેમાંના મોટા ભાગના ભારતના નાગરિક પણ રહેવા માગતા નથી અને દાયકાઓથી પોતાના બાબતે જાતે નિર્ણય લેવા માટે સંઘર્ષ કરતા આવ્યા છે, તેમના પર ડિજિટલ ઘેરો અને સેનાનો પહેરો લાદવામાં આવ્યો છે. આ જ સમયે, પૂર્વમાં આસામમાં ભારતનો ભાગ બનવા માગતા વીસ લાખ લોકોને પોતાનાં નામ નેશનલ રજિસ્ટર ઓફ સિટિઝન્સ (એન.આર.સી.)માં મળ્યાં નથી અને હવે રાજ્યવિહોણાં (સ્ટેટલેસ) થવાની દશામાં છે. ભારત સરકારે એન.આર.સી. આખા દેશમાં વિસ્તારવાનો ઈરાદો જાહેર કર્યો છે. આ મતલબનો કાયદો આવી રહ્યો છે. આના પરિણામે પહેલાં કદી જે સ્તરે ન જોઈ હોય તે સ્તરની રાજ્યવિહોણાપણાની સ્થિતિ ઊભી થઈ શકે છે.

પશ્ચિમના ધનાઢ્ય દેશો આવી ઊભેલી હવામાન (ક્લાઈમેટ) કટોકટી સામે પોતાની તૈયારી કરી રહ્યા છે. તેઓ બન્કર બનાવી રહ્યા છે, અને ખોરાક તેમ જ સ્વચ્છ પાણીના સંગ્રહો ઊભા કરી રહ્યા છે. ગરીબ દેશો – અને દુનિયામાં સૌથી મોટું પાંચમું અર્થતંત્ર હોવા છતાં ભારત હજુ શરમજનક રીતે ગરીબ દેશ જ છે – બીજા પ્રકારની તૈયારી કરી રહ્યા છે. ભારત સરકારે પાંચમી ઓગસ્ટે જમ્મુ અને કાશ્મીર વિશે જે પગલું લીધું, તેની પાછળ બીજાં કારણોની સાથેસાથે ત્યાંની નદીઓનાં સંસાધન પર તરાપ મારવાની ઉતાવળ પણ છે. એન.આર.સી. એકથી વધુ સ્તરમાં વહેંચાયેલી નાગરિકતા ઊભી કરશે જેમાં અમુક નાગરિકને બીજા કરતાં વધુ હક્કો હશે; તે પણ આવનારા એ સમયની તૈયારી છે જ્યારે સંસાધનોની અછત સર્જાવાની છે. જર્મન વિચારક હેના આરેન્ટે કહ્યું છે તેમ, નાગરિકતા એટલે હક્કો હોવાનો હક્ક.

હવામાન કટોકટીમાં સૌથી પહેલો ભોગ લેવાશે આઝાદી, ભાઈચારા અને સમાનતાના વિચારનો – કદાચ લેવાઈ ચૂક્યો છે. અત્યારે શું બની રહ્યું છે તેનો હું થોડો વિગતે ખુલાસો આપવા જઈ રહી છું. ભારતમાં આ અતિ-આધુનિક કટોકટીને પહોંચી વળવા જે આધુનિક મેનેજમેન્ટ સિસ્ટમ ઊભી થઈ છે તેનાં મૂળ આપણી આપણા ઇતિહાસના એક ભયજનક સૂત્રમાં છે.

સમાવવાની હિંસા અને બાકાત રાખવાની હિંસા તો આવી રહેલા ભારે ઉત્પાતના પૂર્વ-ચિન્હો છે જે ભારતના પાયાને ફેરવી નાખી શકે છે, તેના અર્થને અને વિશ્વમાં તેના સ્થાનને બદલી શકે છે. આપણું બંધારણ ભારતને ધર્મનિરપેક્ષ, સમાજવાદી પ્રજાસત્તાક કહે છે. ભારતમાં અમે ‘સેક્યુલર’ શબ્દને જરા જુદા અર્થમાં વાપરીએ છીએ – અમારા માટે ‘સેક્યુલર’ એટલે કાયદાની નજરમાં તમામ ધર્મો એકસમાન હોવા. હકીકતમાં ભારત નથી ધર્મનિરપેક્ષ કે નથી સમાજવાદી. અત્યાર સુધી તે સવર્ણ હિન્દુ રાજ્ય તરીકે ચાલતું આવ્યું છે. પરંતુ, દંભ ગણો તો ગંભ, ધર્મનિરપેક્ષતાના છોગાથી નામપૂરતી એકસૂત્રતા આવી છે જે ભારતને શક્ય બનાવે છે. આટલો દંભ એ જ આપણી અમૂલી મૂડી હતી. એના વિના તો અંત નક્કી જ છે.

મે 2019માં તેમનો પક્ષ બીજી મુદ્દત જીત્યો પછી તેમના વિજય સંબોધનમાં નરેન્દ્ર મોદીએ ગર્વપૂર્વક કહ્યું કે ચૂંટણી પ્રચારમાં કોઈ પણ પક્ષે ‘સેક્યુલારિઝ્મ’ શબ્દનો પ્રયોગ કરવાની પણ હિમ્મત કરી નહોતી. સેક્યુલારિઝ્મની ટેન્ક હવે ખાલી થઈ ગઈ છે, એમ તેમણે કહ્યું. તો હવે આ વાત સત્તાવાર થઈ ગઈ સમજો – કે ભારતની ગાડી હવે ખાલી ટાંકીએ દોડી રહી છે. અને આપણને મોડેમોડેથી, રહીરહીને સમજણ આવી રહી છે કે દંભ હોય તો દંભ, એને જાળવવો જોઈતો હતો. કારણ કે એની સાથે એક વેસ્ટિજ (“પૂર્વજોમાં સારી પેઠે વિકસિત પણ હવે ક્ષીણ થયેલો અવયવ કે ઇન્દ્રિય”: @ ગુજરાતી લેક્સિકોન) હતી, કમ-સે-કમ આમન્યાની યાદનો દેખાડો રહેતો હતો.

ભારત વાસ્તવમાં એક દેશ માત્ર નથી. તે એક ઉપખંડ છે. યુરોપ કરતાં વધુ જટિલ અને વધુ વૈવિધ્યપૂર્ણ, વધુ ભાષાઓ (છેલ્લી ગણતરીએ 780, બોલીઓ ન ગણતાં), વધુ રાષ્ટ્રીયતાઓ અને ઉપરાષ્ટ્રીયતાઓ, વધુ આદિવાસી સમુદાયો અને વધુ ધર્મો. હવે આ વિશાળ દરિયા પર, આ નાજુક, થોડી બેકાબૂ, સામાજિક ઈકોસિસ્ટમ પર કાબૂ આવ્યો છે એક ‘હિન્દુ-જ-સર્વોપરિ’ સંસ્થાનો, જે એક રાષ્ટ્ર, એક ભાષા, એક બંધારણમાં માને છે.

હું અહીં વાત કરી રહી છું આર.એસ.એસ.ની, 1925માં સ્થપાયેલી એ સંસ્થા જે શાસક પક્ષ ભા.જ.પ.ની જનની છે. તેના સંસ્થાપકો જર્મન અને ઈટાલિયન ફાશિવાદથી ભારે પ્રભાવિત થયેલા. તેમણે ભારતના મુસ્લિમોની તુલના જર્મનીના યહૂદીઓ સાથે કરી હતી અને તેઓ માનતા હતા કે ભારતમાં મુસ્લિમો માટે કોઈ સ્થાન નથી. આજે આર.એસ.એસ., તેની કાચીંડાવૃત્તિ સાથે, આ અભિપ્રાયથી પોતાને અળગો કરે છે. પરંતુ તેની અંદરની વિચારધારામાં મુસ્લિમોને બહારના અને દગાખોર તરીકે જોવામાં આવે છે – અને આ વાત ભા.જ.પ.ના રાજકારણીઓના જાહેર ભાષણોમાં સતત આવતી રહે છે અને તેની ટોળકીઓના લોહી થીજાવી દે તેવા સૂત્રોચ્ચારમાં પણ ઝળકે છે. દાખલા તરીકે, “મુસલમાન કા એક હી સ્થાન, કબ્રિસ્તાન યા પાકિસ્તાન”. આ વર્ષે ઓક્ટોબરમાં આર.એસ.એસ.ના સર્વોપરિ નેતા મોહન ભાગવતે કહ્યું કે, “ભારત હિન્દુ રાષ્ટ્ર છે” અને “આ મુદ્દે કોઈ બાંધછોડ થઈ શકશે નહીં”.

આ વિચાર જે કાંઈ સત્યમ, શિવમ અને સુંદરમ છે તેને તેજાબમાં પલટી નાખે છે.

આર.એસ.એસ. આજે જે ભાંજગડ કરી રહ્યું છે તેને નકલી ઇતિહાસની પરિયોજનાના ભાગરૂપે હિન્દુઓ જાણે કે પહેલાના મુસ્લિમ શાસકોના સદીઓના અત્યાચારની અંતે મીટાવી રહ્યા હોય એવી મહાન ક્રાંતિ તરીકે લેખાવે છે. હકીકત એ છે કે ભારતના લાખો મુસ્લિમો એ લોકોના વંશજો છે જેમણે હિન્દુ સમાજની ક્રૂર વર્ણવ્યવસ્થામાંથી છૂટવા ઇસ્લામ સ્વીકાર્યો હતો.

જો નાઝી જર્મની એવો દેશ હતો જે પોતાની કલ્પનાને આખા ઉપખંડ અને તેનાથી આગળ થોપવા માંગતો હતો, તો આર.એસ.એસ.-શાસિત ભારતનું ચાલક બળ એક અર્થમાં એનાથી વિપરીત છે. અહીં એક ઉપખંડ પોતાને એક દેશમાં સમાવવાનો પ્રયાસ કરી રહ્યો છે. એક દેશ પણ નહીં, એક પ્રદેશમાં. એક જુનવાણી, વંશ અને ધર્મ આધારિત પ્રદેશ. આ પ્રક્રિયા કલ્પના કરી શકાય તેના કરતાં વધારે હિંસક નીવડી રહી છે. એક પ્રકારનું સ્લો-મોશન પોલિટિકલ ફિશન થઈ રહ્યું છે, જેનાથી શરૂ થયેલી રેડિયોએક્ટિવિટી આસપાસનું બધું દૂષિત કરી રહી છે. અંતે આત્મસંહાર થવાનો છે તેમાં કોઈ શંકા નથી. પ્રશ્ન એ છે કે તેની સાથે સાથે બીજું શું, બીજું કોણ અને કેટલું નેસ્તનાબૂદ થશે.

વિશ્વમાં આજે ઉભરી રહેલા વ્હાઈટ-સુપ્રીમાસિસ્ટ અને નિયો-નાઝીઓ જૂથોમાંથી કોઈની પાસે આર.એસ.એસ. જેવડું માળખું અને માનવ સાધન બળ નથી. તેની દેશભરમાં સત્તાવન હજાર શાખાઓ છે અને છ કરોડ ‘સ્વયંસેવકો’ની સશસ્ત્ર સમર્પિત સેના છે. તે શાળાઓ ચલાવે છે જેમાં લાખો વિદ્યાર્થીઓ ભણે છે અને તેની પાસે પોતાના મેડિકલ મિશન, ટ્રેડ યુનિયન, કિસાન સંઘ, મીડિયા સંસ્થાઓ અને મહિલા જૂથો છે. તાજેતરમાં તેણે જાહેરાત કરી કે તે ભારતીય સેનામાં જોડાવા માંગતા યુવાનો માટે એક તાલીમ શાળા ખોલશે. તેના ભગવા ધ્વજ તળે સંઘ પરિવારમાં ઢગલાબંધ જમણેરી સંસ્થાઓ ફૂલફાલી છે. બિઝનેસની દુનિયામાં જેમ શેલ કંપનીઓ હોય તેવી આ સંસ્થાઓ લઘુમતિઓ પર ઘાતક હુમલાઓ કરવા માટે જવાબદારમાં છે, જેમાં વીતેલાં વર્ષોમાં હજારોનાં ખૂન થયાં છે. તેમની વ્યૂહરચનાનાં મુખ્ય પાસાં છે હિંસા, કોમી દાવાનળ અને છૂપા (ફોલ્સ-ફ્લેગ) હુમલા, જે તેમના અભિયાનના કેન્દ્રસ્થાને છે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદી આખી જિન્દગી આર.એસ.એસ.ના સભ્ય રહ્યા છે. તેઓ આર.એસ.એસ.નું જ સર્જન છે. તેઓ આમ તો બ્રાહ્મણ નથી, પણ સંઘને ભારતની સૌથી શક્તિશાળી સંસ્થા બનાવવામાં બીજા કોઈ પણ કરતાં તેમનો વધારે ફાળો રહ્યો છે અને તેમણે સંઘનું અત્યાર સુધીનું સૌથી વધુ સોનેરી પ્રકરણ લખ્યું છે. આમ તો મોદીની સત્તાના શિખર સુધીની યાત્રાની કહાણી વારંવાર કહીને થાક્યા છીએ, પણ સત્તાવાર અનુમતિપ્રાપ્ત સ્મૃતિભ્રંશના કારણે એનું પુનરાવર્તન કરવું એ જાણે કે ફરજ બને છે.

મોદીની રાજકીય કારકિર્દીએ ઓક્ટોબર 2001માં કૂદકો લગાવ્યો, જ્યારે ભા.જ.પે. ગુજરાતમાં તેના ચૂંટાયેલા મુખ્ય પ્રધાનને હટાવીને તેમની જગ્યાએ મોદીને બેસાડ્યા. તે સમયે તેઓ વિધાનસભામાં ચૂંટાયા નહોતા. થોડા મહિનાઓ પછી ટ્રેનના ડબ્બામાં આગની એક ભયાનક પણ ભેદી ઘટનામાં 59 હિન્દુ યાત્રાળુઓ મૃત્યુ પામ્યા. તેનો ‘બદલો’ વાળવા, હિન્દુ ટોળાંએ સુઓયાજિત રીતે રાજ્યભરમાં રમખાણ મચાવ્યું. એક અંદાજે 2,500 લોકો જાહેરમાં રહેંસી નંખાયા, જેમાંના મોટા ભાગના મુસ્લિમ હતા. શહેરની શેરીઓમાં મહિલાઓ પર સામૂહિક બળાત્કાર થયા, અને હજારો ઘરવિહોણાં થયાં. તે પછી ચૂંટણી થઈ. તેઓ જીતી ગયા, જનસંહાર થયો હોવા છતાં નહિ, પણ જનસંહાર થયો હોવાના કારણે. તેઓ ‘હિન્દુ હ્રદય સમ્રાટ’ તરીકે ઓળખાવા લાગ્યા અને પછી મુખ્ય પ્રધાન પદની વધુ ત્રણ મુદ્દત માટે ફેર ચૂંટાયા. 2014ની ચૂંટણીમાં વડાપ્રધાન પદ માટેના અભિયાન વખતે (જ્યારે ફરી મુસ્લિમોનો સંહાર થયો, આ વખતે ઉત્તર પ્રદેશના મુઝફ્ફરનગર જિલ્લામાં) રોઈટર્સ સમાચાર સંસ્થાના એક પત્રકારે તેમને પૂછ્યું કે, તેમને 2002નાં કોમી તોફાનો માટે રંજ થાય છે કે નહિ. તેમણે સંપૂર્ણ ગંભીરતા સાથે જવાબ આપ્યો કે તેમની ગાડીની નીચે કુરકુરિયું આવી જાય તો પણ તેમને ભારે ખેદ થશે. આ નિર્ભેળપણે સારી તાલીમપ્રાપ્ત આર.એસ.એસ. – બોલી હતી.

જ્યારે મોદીએ ભારતના ચૌદમા વડાપ્રધાન તરીકે શપથ લીધા ત્યારે તેમને હિન્દુ રાષ્ટ્રવાદીઓના સમર્થન જૂથે જ નહિ, દેશના અગ્રણી ઉદ્યોગપતિઓ, ઉદારમતવાદીઓ (લિબરલ્સ) અને આંતરરાષ્ટ્રીય અખબારી આલમે પણ વધાવી લીધા. સૌને તેમનામાં આશા અને પ્રગતિના પ્રતીકના દર્શન થયા, ભગવા બિઝનેસ સૂટમાં પધારેલા મસીહા દેખાયા, જેમના વ્યક્તિત્વમાં પૌરાણિક અને આધુનિકનો – હિન્દુ રાષ્ટ્રવાદ અને બે-લગામ મુક્ત-બજારુ મૂડીવાદનો – સંગમ થતો હતો.

મોદીએ હિન્દુ રાષ્ટ્રવાદના મુદ્દે તો કામ કર્યું, પણ મુક્ત-બજારના મુદ્દે ખરાબ રીતે લથડિયાં ખાધાં. શ્રેણીબદ્ધ ભારે ભૂલોના કારણે ભારતનું અર્થતંત્ર ગોઠણિયે પડી ગયું. 2016માં, તેમની પહેલી મુદ્દતના એકાદ વર્ષ પછી, તેઓ એક રાતે ટેલિવિઝન પર પ્રગટ થયા અને જાહેરાત કરી કે અબઘડીથી 500 અને 1,000 રૂપિયાની તમામ નોટો – ચલણનો 80 ટકાથી વધુ હિસ્સો – રદ્દ થયો. કોઈ પણ દેશના ઇતિહાસમાં આવું કાંઈ આ સ્તરે કદી બન્યું નહોતું. નાણાપ્રધાન કે મુખ્ય આર્થિક સલાહકારને વિશ્વાસમાં લીધા હોય તેવું લાગતું નહોતું. મોદીએ કહ્યું કે આ ‘ડિમોનેટાઈઝેશન’ ભ્રષ્ટાચાર અને ત્રાસવાદના ધિરાણ પર ‘સર્જિકલ સ્ટ્રાઈક’ કરે છે. આ શુદ્ધ મૂર્ખામીનું અર્થશાસ્ત્ર હતું, એક અબજથી વધુ પ્રજાજનો પર ઊંટવૈદાનો પ્રયોગ હતો. તેનું પરિણામ એ હતું કે અર્થતંત્રનો કચ્ચરઘાણ વળી ગયો. પણ કોઈ રમખાણ થયા નહિ. લોકો ડાહ્યા થઈને બેન્કોની બહાર કલાકો સુધી કતારમાં ઊભા રહ્યા પોતાની જૂની ચલણી નોટો બદલાવવા માટે. ચિલી, કેટેલોનિયા, લેબેનોન કે હોન્ગ કોન્ગ જેવા કોઈ દેખાવો થયા નહિ. લગભગ રાતોરાત નોકરીઓ જતી રહી, બાંધકામ ઉદ્યોગ ઠરીઠપ્પ થઈ ગયો, નાના ધંધાવેપાર પર તાળાં લાગી ગયાં.

આપણામાંના અમુકે ભોળપણમાં માન્યું કે અકલ્પ્ય અહંકારના આ પગલાં પછી હવે મોદીની કારકિર્દીનો અંત પાક્કો. કેવા ખોટા પડ્યા આપણે! લોકોએ એ પગલાને વધાવી વીધું. તેનાથી તેમણે સહન કરવું પડ્યું, તો ય તેમણે તેને વધાવી લીધું. જાણે કે પીડાને તેમણે આનંદમાં ફેરવી લીધી. જાણે કે તેમણે જે સહન કરવું પડ્યું તે પ્રસવ પીડા હોય જેના અંતે એક ગૌરવપૂર્ણ, સમૃદ્ધ, હિન્દુ ભારત જન્મ લેશે.

લગભગ તમામ અર્થશાસ્ત્રીઓ એ વાતે સહમત છે કે ડિમોનેટાઈઝેશન (વત્તા ગૂડ્ઝ એન્ડ સર્વિસીઝ ટેક્સ જે મોદીએ પછી તરત જાહેર કર્યો) એ પૂરી રફતારથી દોડી રહેલી ગાડીનાં પૈડાં પર ગોળી મારવા બરાબરનો નીતિવિષયક નિર્ણય હતો. ઘણા દલીલ કરે છે કે, આર્થિક વૃદ્ધિ અંગે સરકારે એ પછીથી જે આંકડા આપ્યા છે, તે નિરાશાજનક તો છે જ, એટલું જ નહિ, તેમાં સત્ય સાથે જરા પ્રયોગો પણ થઈ રહ્યા છે. તેમની દલીલ છે કે ભારતીય અર્થતંત્રમાં અત્યારે મંદી (રિસેશન) આવી છે, અને ડિમોનેટાઈઝેશન એનું ઉદ્દીપક હતું. સરકાર ખુદ સ્વીકારે છે કે છેલ્લાં 45 વર્ષમાં ક્યારે ય ન હોય એટલી બેરોજગારી છે. 2019ના ગ્લોબલ હન્ગર ઈન્ડેક્સમાં ભારત 117 દેશોમાંથી 102 નંબર પર છે (નેપાળ 73મું છે, બાન્ગ્લાદેશ 88મું અને પાકિસ્તાન 94મું).

પણ ડિમોનેટાઈઝેશન પાછળ માત્ર આર્થિક કારણો જ નહોતાં. એ વફાદારીની કસોટી હતી, મહાન જનનાયકે આપણી પ્રેમપરીક્ષા લીધી હતી. ચાહે કાંઈ પણ થાય, આપણે એમનું કહ્યું કરતાં રહીશું, એમને પ્રેમ કરતા રહીશું કે નહિ? આપણે પરીક્ષામાં ઝળહળતી સફળતા મેળવી. જે ઘડીએ આપણે એક પ્રજા તરીકે ડિમોનેટાઈઝેશન સ્વીકાર્યું, તે ઘડીએ આપણે આપણી જાતને બાલીશ બનાવી કાઢી અને ટીન-કનસ્તરની આપખુદશાહી સમક્ષ આત્મસમર્પણ કરી લીધું.

પણ દેશ માટે જે નુકસાનકારક નીવડ્યું તે ભા.જ.પ. માટે ફાયદાકારક નીવડ્યું. 2016 અને 2017માં જ્યારે અર્થતંત્ર ખાડે ગયું ત્યારે ભા.જ.પ. આખી દુનિયાનો સૌથી વધુ ધનાઢ્ય રાજકીય પક્ષ બન્યો. એની આવકમાં 81 ટકા વધારો થયો જેનાથી તે તેના સૌથી નજીકના હરીફ, કોન્ગ્રેસ, કરતાં પાંચ ગણો વધારે અમીર થયો. બીજી તરફ કોન્ગ્રેસની આવકમાં 14 ટકાનો ઘટાડો થયો. નાના પક્ષો તો બિલકુલ ફડચામાં ગયા. યુદ્ધ માટેનો આ ખજાનો કામમાં આવ્યો અને ભા.જ.પે. ઉત્તર પ્રદેશ જીત્યું. એ પછી 2019ની ચૂંટણી ફેરારી કાર અને થોડીઘણી જૂની સાયકલો વચ્ચેની રેસ જેવી થઈ ગઈ. અને ચૂંટણીઓ આખરે પૈસાના જોરે લડાય છે – અને સત્તાનો અને મૂડીનો સંચય કાયમ સાથેસાથે જ ચાલતો લાગે છે – તો નજીકના ભવિષ્યમાં મુક્ત અને સમાન તકની ચૂંટણીની શક્યતાઓ નજીવી જણાય છે. તો પછી ડિમોનેટાઈઝેશન આખરે કદાચ મૂર્ખામીપૂર્ણ પગલું ન પણ હોય.

મોદીના બીજા કાર્યકાળમાં આર.એસ.એસે. પહેલાં કદી જે રીતે ન રમી હોય એ રીતે બાજી રમવા લાગી છે. એ હવે છાયા-રાજ્ય કે સમાન્તર રાજ્ય નથી, એ જ રાજ્ય છે. દિવસે ને દિવસે આપણે સમાચાર માધ્યમો પર, પોલિસ અને ગુપ્તચર સંસ્થાઓ પર તેના અંકુશના દાખલા જોઈ રહ્યા છીએ. ચિન્તાની વાત એ છે કે સશસ્ત્ર સેનાઓ પર પણ તેની ઠીકઠાક વગ વરતાય છે. વિદેશના રાજદ્વારીઓ અને રાજદૂતો અને નાગપુરમાં આર.એસ.એસ.ના મુખ્યમથકે પ્રણામ પાઠવવા કૂચ કરવા લાગ્યા છે.

વાસ્તવિકતા એ છે કે પરિસ્થિતિ એ તબક્કે પહોંચી છે જ્યાં દેખીતો અંકુશ રાખવાની જરૂર પણ રહી નથી. 400થી વધારે ચોવીસ કલાકની ટીવી ન્યૂઝ ચેનલો, લાખ્ખો વોટ્સએપ જૂથો અને ટિકટોક વીડિયો પ્રજાને ધર્માન્ધ ઉન્માદના ટપક પોષણ (ડ્રિપ ફીડ) પર રાખે છે.

નવમી નવેમ્બરે સર્વોચ્ચ અદાલતે જેને ઘણાએ વિશ્વભરમાં સૌથી મહત્ત્વનો ખટલો કહ્યો છે તેના પર ચુકાદો આપ્યો. છઠ્ઠી ડિસેમ્બર 1992ના રોજ અયોધ્યામાં ભા.જ.પ. અને વિશ્વ હિન્દુ પરિષદે એકઠા કરેલા એક ઝનૂની ટોળાએ 450 વર્ષ જૂની એક મસ્જિદને શબ્દશ: હથોડી ટીપીટીપીને ધૂળ ભેગી કરી. એમનો દાવો હતો કે આ બાબરી મસ્જિદ ભગવાન રામનું જન્મસ્થળ સૂચવતા એક હિન્દુ મંદિરના અવશેષ પર ઊભી કરવામાં આવી હતી. એ પછી જે કોમી તોફાનો થયાં તેમાં 2,000થી વધુ લોકોની હત્યા થઈ અને તેમાં મોટા ભાગના મુસ્લિમ હતા. હવે તાજા ચુકાદામાં અદાલતે કહ્યું કે મુસ્લિમ પક્ષ સ્થળ પર તેમની એક માત્ર અને સતત માલિકી પુરવાર કરી શક્યો નથી. તેણે આ જગ્યા એક ટ્રસ્ટને આપી, જેની રચના ભા.જ.પ. સરકાર કરશે, અને એ ટ્રસ્ટને મંદિર બાંધવાનું કામ સોંપ્યું. વિ.હિં.પે. પહેલાં કહેલું કે અયોધ્યા મુદ્દાનો નીવેડો આવે પછી તે બીજી મસ્જિદો પર ધ્યાન આપશે; હવે તેણે એ જૂના નિવેદનો પાછા ખેંચવાની ના પાડી છે. આવા અભિયાનનો કોઈ અંત જ ના હોય એવું લાગે છે – આખરે, દરેક જણ ક્યાંકથી તો આવેલું છે અને બધું કશાકની ઉપર જ બનેલું છે.

અઢળક સંપત્તિના જોરે જે વગ મળે છે તેના વડે ભા.જ.પે. તેના રાજકીય હરીફોને પોતાના પક્ષે કરી લીધા છે, ખરીદી લીધા છે કે પછી સાવ દબાવી દીધા છે. સૌથી ભારે ફટકો વાગ્યો છે એ પક્ષોને જેમને ઉત્તર પ્રદેશ અને બિહારમાં દલિત અને અન્ય કચડાયેલી જાતિઓનો ટેકો હતો. બહુજન સમાજ પક્ષ, રાષ્ટ્રીય જનતા દળ અને સમાજવાદી પાર્ટીના કાયમી મતદારોમાંથી મોટો વર્ગ ભા.જ.પ. તરફ વળી ગયો છે. આ સિદ્ધિ – અને એ ખરેખર મોટી સિદ્ધિ છે – હાંસલ કરવા ભા.જ.પે. ગેરફાયદો ઊઠાવ્યો દલિત અને અન્ય કચડાયેલી જાતિઓનાં આંતરિક સમીકરણોનો, અને એમની પણ અંદરની દુનિયા છે જેમાં કોઈનો હાથ ઉપર હોય છે, કોઈ છેવાડે હોય છે. ભા.જ.પ.ના છલકાતા ખજાનાના કારણે અને જાતિ વિશેની તેની ઊંડી અને ચતુર સમજના કારણે જાતિના રાજકારણનું પ્રણાલિગત ચૂંટણી ગણિત ઊંધું પાડી દીધું છે.

દલિત અને અન્ય કચડાયેલી જાતિઓના મત મેળવી લીધા પછી ભાજપ શિક્ષણ જગત અને જાહેર ક્ષેત્રના ખાનગીકરણની નીતિ આગળ ધપાવીને અનામત પ્રથાના જે લાભ મળ્યા હતા તેના પર ઝડપથી પાણી ફેરવી રહ્યું છે અને કચડાયેલી જાતિઓને નોકરીઓમાંથી અને શિક્ષણ સંસ્થાઓમાંથી બહાર કરી રહ્યું છે. દરમિયાન, નેશનલ ક્રાઈમ રેકોર્ડ્ઝ બ્યુરોના આંકડા દર્શાવે છે કે, દલિતો સામે લિન્ચિંગ અને જાહેરમાં માર મારવા સહિતના અત્યાચારોમાં ભારે વધારો થયો છે. સપ્ટેમ્બર મહિનામાં જ્યારે ગેટ્સ ફાઉન્ડેશન ભારતમાં જાહેરમાં શૌચ જવાનું બંધ કરાવવા માટે મોદીનું સન્માન કરી રહ્યું હતું ત્યારે જેમનું ઘર માત્ર પ્લાસ્ટિકની ચાદર છે તેવા બે દલિત બાળકોને ખુલ્લામાં ટટ્ટી કરવા બદલ ઢોરમાર મારીને મોતને ઘાટ ઉતારવામાં આવ્યા હતા. જ્યારે હજારો દલિતોએ હજુ માથે મેલું મૂકવું પડે છે ત્યારે વડાપ્રધાનને સ્વચ્છતાના કામ માટે સન્માનવામાં ભારે વિકૃતિ રહેલી છે.

આપણે જે સમયમાં જીવી રહ્યા છે તેમાં ધાર્મિક લઘુમતીઓ પર જાહેર હુમલાઓ ઉપરાંત વર્ગ અને વર્ણ યુદ્ધ પણ વણસ્યું છે.

* * *

રાજકારણમાં તેમણે જે હાંસલ કર્યું છે તેને મજબૂત બનાવવા આર.એસ.એસ. અને ભા.જ.પ.ની મુખ્ય વ્યૂહરચના એ છે કે લાંભા ગાળા સુધી ચાલતો રહે એવો અંધેર ઊભો કરો અને એ પણ બિલકુલ ઔદ્યોગિક એટલે કે મોટા પાયે. તેમણે રસોડામાં દેગડીઓ એકઠી કરીને ધીમી આંચે મૂકી છે, જેથી જ્યારે જેની જરૂર પડે તેમાં ઊભરો લાવી શકાય.

જે શરતો હેઠળ જમ્મુ અને કાશ્મીરનું રજવાડું 1947માં ભારતનો ભાગ બન્યું હતું તેનો ભારતની સંસદે પાંચમી ઓગસ્ટે એકપક્ષી ભંગ કર્યો. તેણે જમ્મુ અને કાશ્મીરનો વિશેષ દરજ્જો અને રાજ્ય તરીકેનો દરજ્જો પણ ફગાવી દીધો. રાજ્ય જ ન રહ્યું એટલે ભારતીય બંધારણની કલમ 35અ, જેની હેઠળ એ રાજ્યના નિવાસીઓને પોતાના પ્રદેશની કમાન સોંપાઈ હતી અને વિશેષ હક્કો અપાયા હતા, તે પણ રદ્દબાતલ થઈ. આ પગલાની તૈયારીમાં સરકારે એ રાજ્યમાં, જ્યાં લાખો સૈનિકો તો પહેલેથી હતા જ, તેમની પૂરવણીમાં પચાસ હજારથી વધારે સૈનિકો ઉતાર્યા. ચોથી ઓગસ્ટની રાત સુધીમાં પ્રવાસીઓ અને યાત્રાળુઓને કાશ્મીર ખીણમાંથી બહાર કાઢી લેવાયા હતા. શાળાઓ અને બજારો બંધ કરી દેવાયાં હતાં. ચાર હજારથી વધુ લોકોની ધરપકડ કરવામાં આવી હતી. તેમાં રાજકીય નેતાઓ, વેપારીઓ, વકીલો, માનવઅધિકાર માટે લડતા કર્મશીલો, સ્થાનિક નેતાઓ, વિદ્યાર્થીઓ અને ત્રણ ભૂતપૂર્વ મુખ્યપ્રધાનો – કાશ્મીરનો પૂરો રાજકીય વર્ગ જેમાં એ સૌ પણ આવી જાય જે ભારત પ્રત્યે વફાદાર રહ્યા હતા – તે તમામને પકડી લેવાયા. મધરાત સુધીમાં ઈન્ટરનેટ બંધ થઈ ગયું અને ફોન ડેડ થઈ ગયા.

કાશ્મીરના વિશેષ દરજ્જાને રદ્દ કરવો, ભારતભરમાં નેશનલ રજિસ્ટર ઓફ સિટિઝન્સની કવાયત કરવી, અયોધ્યામાં રામ મંદિરનું નિર્માણ કરવું – તે સઘળું આર.એસ.એસ. અને ભા.જ.પ.ના રસોડામાં આગળના ચૂલા પર છે. ઉન્માદ ઓસરતો હોય તો તેમણે વધુ કંઈ કરવાની જરૂર નથી, તેમની ગેલેરીમાંથી એકાદ ખલનાયક આગળ ધરી દેવાનો. ખલનાયકના પણ વિવિધ પ્રકાર છે – પાકિસ્તાની જિહાદી, કાશ્મીરી ત્રાસવાદી, બાંગ્લાદેશી ‘ઘુસણખોરો’, અથવા વીસ લાખ ભારતીય મુસલમાનમાંથી કોઈને પણ પકડીને તેના પર પાકિસ્તાનને વફાદાર કે રાષ્ટ્રવિરોધી હોવાનો આક્ષેપ લગાવી શકાય છે. આ દરેકને બાકીનાના બાનમાં રાખવામાં આવ્યા છે, અને કોઈના વાંક માટે એમાંના બીજા કોઈ તરફ આંગળી ચીંધી શકાય છે. આમ તો એ બધાને એકબીજા સાથે ખાસ કાંઈ લેવાદેવા નથી, અને તેમની જરૂરતો, ઈચ્છાઓ, વિચારધારાઓ અને પરિસ્થિતિઓ જુદીજુદી હોવાથી તેમાંના અમુક બીજા અમુકથી ખફા પણ છે, અને છતાં તેઓ એકબીજા માટે જાનનો ખતરો બની બેઠા છે. તેમણે સૌએ તેમાંના કોઈકનાં પગલાંનાં પરિણામો ભોગવવા પડે છે, માત્ર એટલા કારણે કે તેઓ સૌ મુસ્લિમ છે.

બે રાષ્ટ્રીય ચૂંટણીઓમાં ભા.જ.પે. બતાવી આપ્યું છે કે તે ‘મુસ્લિમ મત’ વગર પણ સંસદમાં બહુમત હાંસલ કરી શકે છે. પરિણામે, ભારતીય મુસ્લિમો મતાધિકાર વગરના થઈ ગયા બરાબર છે, અને સૌથી વધુ નિર્બળ (વલ્નરેબલ) જૂથ બની ગયા છે – એક પૂરો સમુદાય રાજકીય પ્રતિનિધિત્વ અને અવાજ વગરનો થઈ ગયો છે. વિવિધ પ્રકારના સામાજિક બહિષ્કારના કારણે તેઓ આર્થિક સીડી પરથી નીચે ગબડી રહ્યા છે, અને સલામતી શોધતાં તેઓ તેમના વાડામાં ભરાઈ રહ્યા છે. ભારતીય મુસ્લિમોએ સમાચાર માધ્યમોમાં પણ તેમનું સ્થાન ગુમાવ્યું છે. ટી.વી. ચેનલો પર જે એકમાત્ર મુસ્લિમ અવાજ સાંભળવા મળે છે તે એ લોકોનો છે જેમને સતત અને હેતુપૂર્વક હાસ્યાસ્પદ, જૂનવાણી મૌલાનાઓની ભૂમિકા અદા કરવા બોલાવવામાં આવે છે. એમના કારણે તો વણસેલી પરિસ્થિતિ વધુ વણસે છે. એ સિવાય મુસ્લિમ સમુદાય તરફથી જાહેરમાં સ્વીકાર્ય ભાષણ એક જ છે, કે તેઓ સતત ભારતીય ધ્વજ પ્રત્યે તેમની વફાદારી દર્શાવે. કાશ્મીરીઓ તેમના ઇતિહાસના કારણે અને, વધુ અગત્યની વાત, તેમની ભૂગોળના કારણે બે-રહેમ સ્થિતિમાં ભલે હોય, તેમની પાસે આઝાદીનું સપનું તો છે, સંકટ સમયની હોડી તો છે, પણ બાકીના ભારતીય મુસ્લિમોએ તો ભાંગતા જહાજ પર રહીને જ એનું સમારકામ કરવાનું છે.

(‘રાષ્ટ્રવિરોધી’ ખલનાયકનો બીજો પણ એક પ્રકાર છે – માનવઅધિકાર માટે લડતા કર્મશીલો, વકીલો, વિદ્યાર્થીઓ, અધ્યાપકો, શહેરી ‘માઓવાદીઓ’ – જેમને વરવા ચીતરવામાં આવ્યા છે, જેલમાં નાંખવામાં આવ્યા છે, કાનૂની કેસમાં ફસાવવામાં આવ્યા છે, ઈઝરાયલી તકનીકોથી તેમના પર જાસૂસી કરવામાં આવી છે, અને સંખ્યાબંધ કિસ્સામાં ખતમ કરી નાંખવામાં આવ્યા છે. પણ એ તો બીજી વાત થઈ.)

તબરેઝ અન્સારીના લિન્ચિંગ પરથી ખ્યાલ આવે છે કે જહાજ કેટલું ભાંગી ગયું છે, સડો કેટલો ઊંડો ગયો છે.

લિન્ચિંગ એ વિધિવત્ ખૂનનો જાહેર તમાશો છે, જેમાં કોઈ આદમી કે ઓરતને મારી નાંખવામાં આવે છે જેથી કરીને તેમના સમુદાયને યાદ રહે કે તેઓ ટોળાંની દયા પર જીવી રહ્યા છે. અને પોલિસ, કાનૂન, સરકાર અને સારા ઘરના લોકો જેઓ આમ તો માખી પણ નથી મારતા, નોકરીધંધો કરી કુટુમ્બનું પાલનપોષણ કરે છે, તે સૌ આ ટોળાંના સમર્થક બને છે. તબરેઝને આ જૂનમાં મારી નાંખવામાં આવ્યો. તે અનાથ હતો, તેના કાકાએ તેને ઉછેરીનો મોટો કરેલો ઝારખંડમાં. સોળ-સત્તરની ઉંમરે તે પુણે ગયો અને ત્યાં તેને વેલ્ડર તરીકે કામ મળેલું. જ્યારે તે બાવીસનો થયો ત્યારે તે શાદી કરવા ઘરે આવ્યો. અઢાર વરસની શાહિસ્તા સાથે શાદી થયાના બીજા દિવસે તેને એક ટોળાએ પકડ્યો, થાંભલે બાંધ્યો, કલાકો સુધી માર્યો અને ‘જય શ્રી રામ’નો નારો લગાવવાની ફરજ પાડી. અંતે પોલિસે તબરેઝને કસ્ટડીમાં લીધો, પણ તેનો વ્યથિત પરિવાર અને જુવાન ઓરત તેને હોસ્પિટલ લઈ જવા માગતા હતા તેમને એમ કરવા ન દીધા. પોલિસે તેના પર ચોરીનો આરોપ લગાવ્યો અને મેજિસ્ટ્રેટ સામે ખડો કર્યો, જેમણે તેને પાછો કસ્ટડીમાં મોકલ્યો. ચાર દિવસ પછી તે મરી ગયો.

નેશનલ ક્રાઈમ રેકોર્ડ્ઝ બ્યુરોએ તેના ઓક્ટોબરના તાજા અહેવાલમાં મોબ લિન્ચિંગના આંકડા બાકાત રાખવાની કાળજી લીધી છે. ‘ધ ક્વિન્ટ’ નામની સમાચાર વેબસાઈટે રોજના સમાચારો એકઠા કરીને અંદાજ માંડ્યો છે કે 2015થી અત્યાર સુધીમાં ટોળાંની હિંસામાં 113 લોકોએ જાન ગુમાવ્યા છે. લિન્ચિંગ કરનારા અને માસ મર્ડર સહિત હેટ ક્રાઈમનો આરોપ જેમના પર છે તેવા લોકોને ઈનામમાં જાહેર હોદ્દા મળ્યા છે અને મોદીના પ્રધાનમંડળના અમુક સભ્યોએ પણ તેમનું સન્માન કર્યું છે. મોદી પોતે ટ્વિટર પર આમ તો ઘણા વાચાળ છે અને શોકસંદેશ કે જન્મદિનની શુભેચ્છાઓ પાઠવવામાં ઉદાર રહે છે, પણ જ્યારે જ્યારે લિન્ચિંગમાં કોઈનો જીવ જાય છે ત્યારે તેઓ ભારે શાંત થઈ જાય છે. જ્યારે ને ત્યારે કોઈક કુરકુરિયું કોઈની ગાડી નીચે આવી જાય ત્યારે વડાપ્રધાન ટિપ્પણી કરે એવી આશા ન રાખવી જોઈએ – ખાસ કરીને આવું વારંવાર બનતું હોય ત્યારે. આર.એસ.એસ.ના સર્વોચ્ચ નેતા મોહન ભાગવતે કહ્યું છે કે લિન્ચિંગ તો બાઈબલમાંથી લીધેલો પશ્ચિમનો કોન્સેપ્ટ છે, અને હિન્દુઓમાં આવી કોઈ પરંપરા નથી. તેમણે કહ્યું છે કે ‘લિન્ચિંગનો રોગચાળો’ ફાટી નીકળ્યાની વાતો ભારતને બદનામ કરવાની સાજિશ છે.

આપણે જાણીએ છીએ કે યુરોપમાં શું થયું હતું જ્યારે આવી વિચારધારા ધરાવતા એક જૂથે પહેલાં એક દેશ પર અને પછી દેશની સરહદ બહાર (‘લેબેનસ્રોમ’) પણ પોતાની સત્તા થોપી. શું થયું એ આપણે જાણીએ છીએ કારણ કે જેમણે શું ઘટી રહ્યું હતું તે જોયું અને સાંભળ્યું અને આગોતરી ચેતવણી આપી તેમની બાકીની દુનિયાએ અવગણના કરી. પૌરુષ વ્યક્તિત્વની એન્ગ્લો-સેક્સન દુનિયાને તકલીફ કે લાગણીના ઊભરા પસંદ નથી એટલે કદાચ તેને એ ચેતવણીઓ સંતુલિત ન લાગી હોય.

પણ અમુક પ્રકારની અતિશયોક્તિભરી (ઓવર-ધ-ટોપ) લાગણી હજુ સ્વીકાર્ય છે. 22મી સપ્ટેમ્બરે – નર્મદા બંધના સ્થળે મોદીની બર્થડે પાર્ટીના પાંચ દિવસ પછી – અમેરિકામાં એનું પૂરતું પ્રદર્શન જોવા મળ્યું, જ્યારે સાઠ હજાર ભારતીય અમેરિકીઓ હ્યુસ્ટનમાં એન.આર.જી. સ્ટેડિયમમાં ‘હાઉડી મોદી’ શીર્ષક હેઠળના ભવ્ય તમાશા માટે એકઠા થયા હતા. પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ એટલા વિનમ્ર છે કે તેમણે તેમના દેશની મુલાકાતે આવેલા વડાપ્રધાનને પોતાને પોતાના દેશમાં પોતાના નાગરિકો સમક્ષ મહેમાન તરીકે આવકારવા દીધા. અમેરિકી કોન્ગ્રેસના ઘણા સભ્યોએ પણ ચહેરા પર સ્મિત લાવીને, અદકપાંસળા થઈને ત્યાં ભાષણો આપ્યા. નગારાના અવાજ વચ્ચે સૌએ ‘મોદી! મોદી! મોદી!’ના પોકાર કર્યા. શોના અંતે ટ્રમ્પ અને મોદીએ હાથ મિલાવ્યા અને વિક્ટરી લેપનો આંટો માર્યો. સ્ટેડિયમ તો જાણે છલકાઈ ગયું. ભારતમાં એનો ઉચ્ચ સ્વર હજાર ગણા જોરથી ફેલાયો જ્યારે ટી.વી. ચેનલોએ કાર્યક્રમને કારપેટ કવરેજ આપ્યું. ‘હાઉડી’ તો હવે હિન્દી શબ્દ બની ચૂક્યો છે. દરમિયાન, સમાચાર સંસ્થાઓએ સ્ટેડિયમ બહાર વિરોધ વ્યક્ત કરી રહેલા હજારો લોકોની અવગણના કરી.

આપણે ત્યાં અમુક લોકો વધુ ચિન્તામાં મુકાઈ ગયા જ્યારે તેમણે ‘હાઉડી મોદી’ના કવરેજની વચ્ચે વચ્ચે 1939માં મેડિસન સ્ક્વેર ગાર્ડન્સમાં યોજાયેલી નાઝી રેલી પર લોરા પોઈટ્રાસે બનાવેલી ટૂંકી દસ્તાવેજી ફિલ્મ જોઈ.

સાઠ હજાર લોકોની કિકિયારીઓ કાશ્મીરની કાન ફાડી નાંખે તેવી શાન્તિને દબાવી શકે તેમ નહોતી. તે દિવસે, ખીણમાં કરફ્યુ અને સંદેશવ્યવહાર પર પ્રતિબંધના 48 દિવસ પૂરા થયા હતા.

ફરી એક વાર મોદીએ તેમની પોતાની વિશેષ પ્રકારની ક્રુરતા આધુનિક સમયમાં કદી ન જોવા મળેલા સ્તરે છૂટી મૂકી. અને ફરી એક વાર, તેમને વફાદાર લોકોમાં તેઓ વધુ વહાલા બની ગયા. છઠ્ઠી ઓગસ્ટે જ્યારે ભારતની સંસદે જમ્મુ અને કાશ્મીર વિશેનો ખરડો પસાર કર્યો ત્યારે રાજકીય વર્ગે તેને હર્ષોલ્લાસથી વધાવી લીધો. કચેરીઓમાં મીઠાઈ વહેંચાઈ અને શેરીઓમાં નૃત્યગાન થયાં. જાણે કે પારકા પ્રદેશ પર તરાપ મારી હોય, સંસ્થાનવાદી પચાવટ થઈ હોય, હિન્દુ રાષ્ટ્રે વિજયપતાકા લહેરાવી હોય. ફરી એક વાર, વિજયી પક્ષની નજર પ્રાચીન કાળથી ચાલતી આવતી પરંપરા મુજબ બે વાત તરફ ગઈ – જમીન અને જોરુ. ભા.જ.પ.ના વરિષ્ઠ નેતાઓનાં નિવેદનો અને લાખોએ જોયેલી દેશપ્રેમી વીડિયોમાં એ વાતને વાજબી ઠેરવાઈ. ગૂગલ ટ્રેન્ડ્ઝ પર ‘કાશ્મીરી કન્યા સાથે લગન કરવા’ અને ‘કાશ્મીરમાં જમીન ખરીદવી’ એ બે વાક્યોની શોધમાં ઉછાળો આવ્યો.

આ બધું ગૂગલ ખોજ પૂરતું મર્યાદિત નહોતું. ઘેરો ઘાલ્યાના થોડા જ દિવસોમાં વન સલાહકાર સમિતિએ વનની જમીન બીજા ઉપયોગ માટે ફાળવવી પડે એવી 125 પરિયોજનાઓને મંજૂરી આપી.

તાળાબંધીના શરૂના દિવસોમાં ખીણમાંથી ખાસ સમાચાર બહાર આવી રહ્યા નહોતા. ભારતીય સમાચાર માધ્યમો આપણને એ જણાવતા હતા જે સરકાર આપણને જણાવવા માગતી હતી. કાશ્મીરના અખબારો સેન્સર કરવામાં આવતાં હતાં. તેમાં પાનાંના પાનાં ભરીને રદ્દ થયેલા લગન, હવામાન પરિવર્તનની અસરો, તળાવ અને અભયારણ્યની જાળવણી, ડાયાબિટીસ સાથે કેવી રીતે જીવવું એવી બધી વાતો આવતી, અને સાથે પહેલાં પાને સરકારની જાહેરખબરોમાં કાશ્મીરના નવા, નીચલી પાયરીના દરજ્જાથી કાશ્મીરની પ્રજાને શું લાભ થશે તેની માહિતી આપવામાં આવતી. આ લાભોમાં કાશ્મીરની નદીઓ પર બંધ બાંધીને પાણી બીજે લઈ જવાનો સમાવેશ થવાની પૂરી શક્યતા છે. આ લાભોમાં જંગલ કપાવાથી હિમાલયના નાજુક પર્યાવરણને થનારા નુકસાન અને કાશ્મીરની સમૃદ્ધ કુદરતી સંપત્તિની કંપનીઓ દ્વારા લૂંટનો ચોક્કસ સમાવેશ થશે.

સામાન્ય લોકોના રોજિંદા જીવન વિશેનું ખરું રિપોર્ટિંગ મુખ્યત્વે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થાઓના પત્રકારો અને ફોટોગ્રાફરો તરફથી મળ્યું – અજોન્સ ફ્રોન્સ પ્રેસ, એસોસિયેટેડ પ્રેસ, અલ જઝીરા, ગાર્ડિયન, બી.બી.સી., ન્યૂ યોર્ક ટાઈમ્સ અને વોશિંગ્ટન પોસ્ટ તરફથી. સંવાદદાતાઓ, મુખ્યત્વે કાશ્મીરીઓ, આજનાં સાધનો વિના અને માહિતીના શૂન્યાવકાશ વચ્ચે કામ કરતાં ભારે જોખમ લઈને તેમના વિસ્તારમાં ફર્યા અને આપણને સમાચાર પહોંચાડ્યા. સમાચાર હતા અડધી રાતે પોલિસની રેડના, યુવાનોને પકડી લઈ જવાના અને તેમને કલાકો સુધી મારવાના, તેમની ચીસો માઈક પરથી તેમના પરિવાર અને પડોશીઓને સંભળાવવાના, સૈનિકોએ ગ્રામવાસીઓના ઘરમાં ઘૂસીને તેમના શિયાળા માટે સાચવેલા ખાદ્યસામગ્રીના સંગ્રહમાં ખાતર અને ઘાસલેટ ભેળવ્યાના. સમાચાર હતા નવયુવાનોના શરીર પર શોટગન પેલેટની ઈજાના અને તેની ઘરે જ કરાતી સારવારના કારણ કે હોસ્પિટલ લઈ જવામાં ધરપકડનું જોખમ હતું. સમાચાર હતા સેંકડો બાળકોને રાતોરાત ઉપાડી લઈ જવાના અને તેમનાં માબાપની ચિન્તા અને અધીરાઈના. સમાચાર હતા ડર અને ક્રોધના, નિરાશાના, મક્કમ મનના અને પ્રતિકારના.

પરંતુ ગૃહપ્રધાન અમિત શાહે કહ્યું કે ઘેરો (સીજ) તો કાલ્પનિક છે, જમ્મુ અને કાશ્મીરના તે સમયના રાજ્યપાલ સત્ય પાલ મલિકે કહ્યું કે કાશ્મીરીઓ માટે ફોન લાઈન મહત્ત્વની છે જ નહિ, એનો ઉપયોગ તો માત્ર ત્રાસવાદીઓ કરે છે, સેનાના વડા બિપિન રાવતે કહ્યું કે, “કાશ્મીરમાં સામાન્ય જનજીવનને અસર પડી નથી.  લોકો આવશ્યક કામગીરીઓ કરી જ રહ્યા છે … જનજીવન પર અસર પડી છે એમ કહેનારા તો એ લોકો છે જેમનું અસ્તિત્વ ત્રાસવાદ પર નિર્ભર છે.” સરકાર કોને ત્રાસવાદી ગણે છે તે કળવું મુશ્કેલ નથી.

કલ્પના કરો કે ન્યૂયોર્ક શહેર(કે પછી તમારા શહેર)માં માહિતીની આપલે પર પ્રતિબંધ મુકાય, કરફ્યુ લાગે અને લાખો સૈનિકો પહેરો લગાવતા હોય. તમારા શહેરની ગલીઓમાં રેઝર વાયર લગાવ્યા હોય અને ટોર્ચર સેન્ટરો ખૂલ્યાં હોય. તમારા પાડોશમાં અબુ ઘ્રાઈબ જેવી રિબામણી-સતામણીની જગ્યાઓ શરૂ થઈ હોય. કલ્પના કરો કે તમારામાંથી હજારોની ધરપકડ થતી હોય અને તમારા પરિવારને ખબર પણ ન હોય કે તમને ક્યાં લઈ જવાયા છે. કલ્પના કરો કે તમે કોઈની સાથે ફોન વગેરેથી વાતચીત ન કરી શકો, ન પાડોશી સાથે, ન સગાવહાલા સાથે, ન બહારની દુનિયા સાથે, અઠવાડિયાઓ સુધી. કલ્પના કરો કે શાળાઓ અને બેન્કો બંધ હોય, બાળકો ઘરમાં પુરાઈ ગયા હોય. કલ્પના કરો કે તમારાં માબાપ, પતિ કે પત્ની, અથવા બાળક છેલ્લા શ્વાસ લેતાં હોય અને તમને એની અઠવાડિયાઓ સુધી ખબર પણ ન મળવાની હોય. કલ્પના કરો તબીબી તાકીદ, કાનૂની તાકીદ, ખાદ્યસામગ્રી-પૈસા-પેટ્રોલની અછતની. કલ્પના કરો દેહાડી કમાનારને અઠવાડિયાઓ સુધી કામ ન મળ્યું હોય અને પછી કલ્પના કરી જુઓ કે તમને કહેવામાં આવે કે આ બધું તમારા ભલામાં જ થઈ રહ્યું છે.

કાશ્મીરીઓએ છેલ્લા થોડા મહિનાઓમાં જે વિપદા વેઠી છે તે ત્રીસ વર્ષ સંઘર્ષના માથે આવી છે. એ ત્રણ દાયકામાં સિત્તેર હજારનાં મોત થયાં છે અને ખીણ કબરોથી છવાઈ ગઈ છે. તેમની સામે બધું ફેંકવામાં આવ્યું હતું – યુદ્ધ, પૈસા, રિબામણી, હજારોને ઉપાડી ગયા અને પાછા ન આવ્યા, પાંચ લાખની સેના ઉતારાઈ અને તેમની સામે અપપ્રચાર કરાયો કે તેઓ ખૂની મનોવૃત્તિના ફન્ડામેન્ટાલિસ્ટ છે. છતાં તેઓ ટકી રહેલા.

હવે તો ઘેરો માંડ્યાને ત્રણ મહિના થઈ ગયા છે. કાશ્મીરના નેતાઓ હજુ જેલમાં છે. તેમને આઝાદ થવું હોય તો એક જ શરત છે, કે તેઓ એક વરસ સુધી કોઈ જાહેર નિવેદન નહિ આપે તેવી બાંહેધરી પર સહી કરો. મોટા ભાગનાએ ના પાડી છે.

હવે કરફ્યુ હળવો કરાયો છે, શાળાઓ ફરી ખૂલી છે અને અમુક ફોન લાઈનો ફરી ચાલુ થઈ છે. રાબેતો જાહેર કરવામાં આવ્યો છે. કાશ્મીરમાં રાબેતો કાયમ જાહેરાતનો જ વિષય રહ્યો છે – સરકાર કે સેના આદેશ કરે એટલે સ્થિતિ સામાન્ય બની જાય છે. તેને લોકોના રોજિંદા જીવન સાથે કોઈ લેવાદેવા નથી.

અત્યાર સુધી, કાશ્મીરીઓએ આ નવો રાબેતો સ્વીકારવાની ના પાડી છે. વર્ગખંડો ખાલી છે, શેરીમાં કોઈ નથી અને ખીણના બગીચાઓમાં સફરજનનો બમ્પર પાક સડી રહ્યો છે. એક ખેડૂતની સહનશક્તિ માટે આથી વિશેષ શું હોઈ શકે? તેમની ઓળખ સુદ્ધાનો ટૂંક સમયમાં સંપૂર્ણ સફાયો, કદાચ.

કાશ્મીર વિગ્રહનો નવો તબક્કો શરૂ થઈ ચૂક્યો છે. ત્રાસવાદીઓએ ચેતવણી આપી છે કે હવેથી તેઓ તમામ ભારતીયોને નિશાન પર મૂકશે. દસથી વધુ લોકો, જેમાંના મોટા ભાગના ગરીબ અને બિનકાશ્મીરી મજૂરો હતા, તેમને ગોળીએ દેવામાં આવ્યા છે. (હા, ગોળીના માર્ગમાં મોટા ભાગે ગરીબ જ ફસાતા હોય છે.) હવે પરિસ્થિતિ બિહામણી થવા જઈ રહી છે. ભારે બિહામણી.

થોડા વખતમાં આ બધો તાજો ઇતિહાસ ભૂલી જવાશે, અને ટી.વી. સ્ટુડિયોમાં ચર્ચાઓ થશે જેમાં ભારતીય સૈન્યના અત્યાચાર અને કાશ્મીરી ત્રાસવાદીઓના અત્યાચાર વચ્ચે સમાન્તરતા ઊભી કરવામાં આવશે. તમે કાશ્મીરની વાત કરો કે તરત ભારત સરકાર અને તેની મીડિયા પાકિસ્તાનની વાત કરશે, અને એમ કરીને એક દુશ્મન વિદેશી સત્તાને અને લશ્કરી સત્તા હેઠળ મુકાયેલી પ્રજાની લોકતાંત્રિક આકાંક્ષાઓને જાણીબુઝીને ભેળવશે. ભારત સરકારે સ્પષ્ટ કર્યું છે કે કાશ્મીરીઓ માટે એક જ વિકલ્પ ખૂલ્લો છે, તે છે ઘૂંટણિયા ટેકવાનો, તે સિવાય કોઈ પણ પ્રકારનો પ્રતિસાદ સાંખી લેવામાં નહિ આવે – હિંસક, અહિંસક, વાચિક, લેખિત કે ગાયિત. પણ કાશ્મીરીઓ જાણે છે કે અસ્તિત્વ ટકાવી રાખવા માટે પ્રતિરોધ કરવો પડશે.

તેમણે શું કામ ભારતનો ભાગ બની રહેવું જોઈએ? જો તેમને આઝાદી જોઈતી હોય તો તેમને આઝાદી જ મળવી જોઈએ.

સૌ ભારતીયોએ પણ એમ જ ઈચ્છવું જોઈએ. કાશ્મીરીઓ ખાતર થઈને નહિ, પણ તેમના પોતાના ભલામાં. તેમના નામે જે અત્યાચારો થઈ રહ્યા છે તેમાં એક પ્રકારનું ધોવાણ થઈ રહ્યું છે, જેમાં ભારત ટકી શકશે નહિ. કાશ્મીર ભારતને કદાચ હરાવી નહિ શકે, પણ ભારતના વિચારનો નાશ કરી શકે છે. અમુક અર્થમાં, એમ થઈ પણ ચૂક્યું છે. 

* * *

હુસ્ટનમાં ચિચિયારી મચાવતા સાઠ હજારને આ બધી વાતની પડી ના પણ હોય, તેમણે અમેરિકા જઈને ત્યાં સફળ થવાનું ભારતીય સપનું સાકાર કરી લીધું છે. તેમના માટે કાશ્મીર જૂનું કોકડું હશે, જેના માટે તેઓ માનતા હશે કે ભા.જ.પે. કાયમી સમાધાન લાવી દીધું છે. પણ આસામમાં અત્યારે જે બની રહ્યું છે તે વિશે તેમની સમજ ખુદ બહારથી આવીને ત્યાં સ્થાયી થયેલી પ્રજા તરીકે થોડીક સૂક્ષ્મભેદની સમજવાળી હોવી જોઈતી હતી. અથવા કદાચ શરણાર્થી અને વિસ્થાપિતોની કટોકટીથી રંજાયેલી દુનિયામાં સૌથી વધુ નસીબદાર માઈગ્રન્ટ પાસેથી એવી સમજની અપેક્ષા રાખવી વધારે પડતી છે. જેમ ઘણાની પાસે એક ઘર ઉપરાંત બીજું હોલિડે હોમ પણ હોય તેમ હ્યુસ્ટન સ્ટેડિયમમાં એકઠા થયેલામાંના ઘણાની પાસે અમેરિકી નાગરિકત્વ ઉપરાંત ઓવરસીઝ સિટિઝન ઓફ ઈન્ડિયા હોવાના પ્રમાણપત્ર પણ છે.

‘હાઉડી મોદી’ કાર્યક્રમ થયો તેના 33 દિવસ પહેલાં આસામમાં વીસ લાખ લોકોને ખબર પડી કે નેશનલ રજિસ્ટર ઓફ સિટિઝન્સ(એન.આર.સી.)માં તેમનાં નામનો સમાવેશ થયો નથી.

કાશ્મીરની જેમ આસામ પણ સરહદ પરનું રાજ્ય છે, તેના ઇતિહાસમાં એકાધિક સાર્વભૌમત્વ, સદીઓનાં સ્થળાન્તર, યુદ્ધો, બાહ્ય આક્રમણો, સતત બદલાતી સરહદો અને અંગ્રેજ સંસ્થાનવાદ પછી આવે છે સિત્તેરથી વધુ વર્ષની લોકશાહી જેણે ઉકળતા ચરૂ જેવા સમાજમાં ભેદરેખાઓ વધુ ઘાટ્ટી કરી છે. એન.આર.સી. જેવી કવાયત કેમ કરવી પડી છે તે સમજવા માટે આસામનો વિશિષ્ટ સાંસ્કૃતિક ઇતિહાસ સમજવો પડશે. 1826માં એન્ગ્લો-બર્મિઝ યુદ્ધ પછી શાંતિ કરારમાં અંગ્રેજોએ બર્માના પક્ષમાં જે પ્રદેશો જતા કર્યા તેમાં આસામ પણ હતું. તે સમયે તે ગીચ જંગલ અને જૂજ વસતિનો પ્રાન્ત હતો, જેમાં સેંકડો સમુદાયો વસતા હતા, જેવા કે, બોડો, સંથાલ, કચર, મિશિંગ, લાલુંગ, અહોમિયા હિન્દુ અને અહોમિયા મુસ્લિમ, જેમની દરેકની પોતાની ભાષા કે બોલી હતી, દરેકને જમીન સાથે કુદરતી નાતો હતો ભલે તેના દસ્તાવેજી પુરાવા ન પણ હોય. ભારતની જ નાની આવૃત્તિની જેમ, આસામમાં અનેક લઘુમતીઓ એકઠી થઈ છે જે કાયમ ગઠબંધન કરીને બહુમતી – વંશીય અને ભાષાકીય – ઊભી કરવાની પેરવીમાં રહી છે. આ બધા વચ્ચેનું સંતુલન નાજુક હતું અને તેમાં ફરક લાવે તેવું કોઈ પણ પરિબળ હિંસાનું ઉદ્દીપક બની શકતું હતું.

એવા જ ફરકનાં બીજ રોપાયાં હતાં 1837માં, જ્યારે આસામના નવાસવા શાસક બનેલા અંગ્રેજોએ પ્રાન્તની સત્તાવાર ભાષા તરીકે બંગાળી પસંદ કરી. એટલે લગભગ તમામ સરકારી નોકરીઓ સુશિક્ષિત, હિન્દુ, બંગાળીભાષી ભદ્રવર્ગે લઈ લીધી. જો કે 1874માં એ નીતિ ઉલટાવી દેવાઈ અને અસમિયાને પ્રાન્તની સત્તાવાર ભાષા બનાવાઈ, પણ મૂળ પગલાંના કારણે સત્તાના સંતુલનમાં ગંભીર ફેરફાર આવ્યા અને બે ભાષાઓ બોલનારા વચ્ચે લગભગ બે સદીઓ સુધી ચાલનારા વિખવાદની શરૂઆત થઈ ગઈ હતી.

ઓગણીસમી સદીના અંત ભાગમાં, અંગ્રેજોને ખ્યાલ આવ્યો કે આ પ્રદેશની જમીન અને આબોહવા ચા ઉગાડવા માટે આદર્શ છે. પરંતુ સ્થાનિક પ્રજા ચાના બગીચામાં મજૂરી કરવા તૈયાર નહોતી, તો શાસકોએ મધ્ય ભારતમાંથી મોટી સંખ્યામાં આદિવાસીઓને ત્યાં લાવીને વસાવ્યા. અંગ્રેજોએ દુનિયાભરમાં તેમનાં થાણાંમાં ખેતી કરાવવા માટે ગિરમીટિયા મજૂરો મોકલ્યા હતા, તેના જેવી જ આ વાત હતી. આજે આસામની વસતિમાં બાગાયતી મજૂરોનો હિસ્સો પંદરથી વીસ ટકા જેવો છે. પરંતુ સ્થાનિક પ્રજા તેમને નીચા ગણે છે, તેઓ ચાના બગીચામાં જ રહે છે, માલિકોના રહેમ પર જીવે છે અને ગુલામીના દરનું વેતન મેળવે છે.

1890ના દશકના અંત સુધીમાં ચાનો ઉદ્યોગ ફૂલ્યોફાલ્યો અને પડોશમાં પૂર્વ બંગાળનાં મેદાનોમાં ખેતીની શક્યતાઓની મર્યાદા આવવા માંડી, ત્યારે અંગ્રેજો બંગાળી મુસ્લિમોને આસામમાં સ્થળાંતરિત થવાનું ઉત્તેજન આપ્યું, કારણ કે તેઓ બ્રહ્મપુત્રાના ફળદ્રુપ તટીય વિસ્તારો અને જગ્યા બદલતા રહેતા ટાપુઓ પર ખેતી કરવાની કળામાં માહેર હતા. અંગ્રેજો માટે આસામનાં જંગલ અને જમીન સાવ ‘ટેરા નલિયસ’ નહિ તો ‘ટેરા લગભગ નલિયસ’ હતાં. (‘ટેરા નલિયસ’નો શાબ્દિક અર્થ છે એટલે જ્યાં કોઈની વસતિ ન હોય એવી જગ્યા – એ નામે એક સિદ્ધાન્ત પણ છે, જે યુરોપીય પ્રજાઓ સંસ્થાનવાદને વાજબી ઠરાવવા આગળ કરેલો.) તેમણે આસામમાં રહેતી સંખ્યાબંધ જાતિઓની સાવ અવગણના કરી અને તેમની સાર્વજનિક સંપત્તિ જેવી જમીનો વધુ ઉપજ મેળવી આપે ખેડૂતોને પકડાવી, જેથી તેમની પોતાની મહેસૂલ વધે. બહારથી હજારોની તાદાદમાં લોકો આવ્યા, જંગલો કપાયાં, નદીની કાદવકીચડવાળી જમીનને ખેતરાઉ કરાઈ, અને ત્યાં અનાજ અને શણના પાક લેવાવા માંડ્યા. 1930 સુધીમાં બહારથી સ્થળાંતર કરીને આવેલી પ્રજાએ આસામના અર્થતંત્ર અને પ્રજાના વર્ગીકરણ (ડેમોગ્રાફી)માં ભારે ફેરફાર કરી નાંખ્યા હતા.

શરૂઆતમાં આસામી રાષ્ટ્રવાદી જૂથોએ માઈગ્રન્ટ પ્રજાને આવકાર આપ્યો, પરંતુ ટૂંક સમયમાં જ વંશીય (એથનિક), ધાર્મિક અને ભાષાકીય મામલે ખેંચતાણ શરૂ થઈ ગઈ. તેમાં હંગામી રાહત આવેલી જ્યારે બંગાળીભાષી મુસ્લિમોની પૂરેપૂરી વસતિએ તેમની નવી ભૂમિને સલામ કરીને 1941ની વસતિગણતરીમાં અસમિયાને પોતાની માતૃભાષા લેખાવી. તેમની પોતાની સ્થાનીય બોલીઓ સાથે મળીને ‘મિયા’ ભાષા તરીકે ઓળખાય છે, પણ તેના બદલે અસમિયાને આગળ કરી જેથી અસમિયાનો સત્તાવાર ભાષાનો દરજ્જો ચાલુ રહે. આજે પણ મિયા બોલીઓ અસમિયા લિપિમાં લખાય છે.

વર્ષોનાં વર્ષો ઉપર આસામની સરહદો વારંવાર બદલાઈ. અંગ્રેજોએ 1905માં બંગાળના ભાગલા પાડ્યા, ત્યારે તેમણે આસામ પ્રાન્તને મુસ્લિમ બહુમતિ ધરાવતા પૂર્વ બંગાળમાં જોડ્યો, જેનું પાટનગર ઢાકા હતું. અચાનક જ બહારથી આસામમાં આવેલી લઘુમતિ હવે લઘુમતિ ના રહી અને બહુમતિનો ભાગ બની ગઈ. સાત વર્ષ પછી બંગાળ ફરી એક થયું અને આસામ ફરી અલગ પ્રાન્ત બન્યો, અને તેની બંગાળી પ્રજા ફરી માઈગ્રન્ટ કહેવાઈ. 1947માં ભારતના ભાગલા પછી બંગાળી મૂળના મુસ્લિમોએ આસામમાં રહેવાનું પસંદ કર્યું, પણ વિભાજન વખતે પૂર્વ પાકિસ્તાનમાંથી હિન્દુ તેમ જ મુસ્લિમ સમેત મોટી સંખ્યામાં બંગાળી શરણાર્થીઓ આ વિસ્તારમાં આવ્યા. છેવટે 1971માં ‘પૂર્વ પાકિસ્તાન’ પર પાકિસ્તાનની સેનાના હુમલા વખતે અને બાંગ્લાદેશને જન્મ આપનાર મુક્તિયુદ્ધ વખતે ઘણાએ ભાગીને અહીં શરણ લીધું,

આમ આસામ એક વખતે પૂર્વ બંગાળનો ભાગ હતું, ને પછી નહોતું. પૂર્વ બંગાળ પૂર્વ પાકિસ્તાન બન્યું, અને પૂર્વ પાકિસ્તાન બાંગ્લાદેશ બન્યું. દેશ બદલાયા, ઝંડા બદલાયા, રાષ્ટ્રગાન બદલાયા. શહેરો વિકસ્યા, જંગલો કપાયા, આદિવાસીઓની સામૂહિક જમીનો આધુનિક ‘વિકાસ’ના નામે ઉચાપત થઈ. અને લોકો વચ્ચેના ભેદભાવની રેખાઓ વધુ ઘટ્ટ થઈ, ભૂંસવી મુશ્કેલ થઈ પડી.

પાકિસ્તાનના કબજામાંથી બાંગ્લાદેશને મુક્તિ મળી તેમાં પોતાની ભૂમિકા માટે ભારત સરકારને બહુ ગૌરવ છે. ત્યારના વડાપ્રધાન ઈન્દિરા ગાંધીએ પાકિસ્તાનના સાથી દેશ ચીન અને અમેરિકાની ચેતવણીની અવગણીને ત્યાં થઈ રહેલા માનવસંહારને અટકાવવા સેના મોકલી. ન્યાયી યુદ્ધ લડ્યાના ગૌરવ પછી, જો કે, ન ન્યાય રહ્યો કે ન ખરી નિસબત, અને આસામ તેમ જ તેનાં પડોશી રાજ્યોની પ્રજા માટે કે શરણાર્થીઓ માટે કોઈ વિચારપૂર્વકની નીતિ ઘડાઈ નહિ.

આસામમાં નેશનલ રજિસ્ટર ઓફ સિટિઝન્સની માગણી આ વિશિષ્ટ અને જટિલ ઇતિહાસમાંથી ઊભી થયેલી. જોવાની વાત એ છે કે અહીં ‘નેશનલ’ શબ્દ ભારત કરતાં ‘આસામ રાષ્ટ્ર’ના સંદર્ભમાં વધારે છે. પહેલું એન.આર.સી. 1951માં થયેલું તેને અપડેટ કરવાની માગણી અસમિયા રાષ્ટ્રવાદી ચળવળમાંથી બહાર આવેલી જેની આગેવાની વિદ્યાર્થીઓએ લીધેલી અને જે 1979 અને 1985 વચ્ચે ચરસસીમાએ પહોંચી હતી. તેની સાથેસાથે સશસ્ત્ર અલગાવવાદી ચળવળ પણ ચાલી, જેમાં હજારોએ જાન ગુમાવ્યા. આસામી રાષ્ટ્રવાદીઓએ ‘વિદેશીઓ’ને મતદાર યાદમાંથી બાકાત ના કરાય ત્યાં સુધી ચૂંટણીનો બહિષ્કાર કરવાની માગણી કરી. એ વખતે ‘3-ડી’નું સૂત્ર ચાલેલું – ડિટેક્ટ, ડિલિટ, ડિપોર્ટ. કહેવાતા વિદેશીઓની સંખ્યા માટે પચાસ લાખથી એંસી લાખ સુધીની મનઘડંત અટકળો મુકાતી. ચળવળ હિંસક બની, હત્યા, આગ, બોમ્બમારાનો દોર ચાલ્યો જેના કારણે ‘બહારના લોકો’ માટે ભારે દુશ્મનાવટ અને ભારે રોષ ઊભો થયો. 1979 સુધીમાં રાજ્ય ફરી હિંસામાં સપડાયું. આમ તો ચળવળ બંગાળીઓ અને બંગાળી ભાષા બોલનારાની વિરુદ્ધમાં હતું, પણ હિન્દુ કોમવાદી તત્ત્વોએ તેને મુસ્લિમ-વિરોધી રંગ ચડાવ્યો. આ ઘટનાક્રમની ટોચે 1983માં નેલ્લી માનવસંહાર થયો. નેલ્લી નામની જગ્યાએ છ કલાકમાં બંગાળથી આવેલા બે હજારથી વધુ મુસ્લિમને મારી નાંખવામાં આવ્યા. જાનહાનિનો બિનસત્તાવાર અંદાજ ઘણો વધારે છે. પોલિસના દસ્તાવેજ પ્રમાણે, હત્યારાઓ પડોશના ટેકરિયાળ આદિવાસી સમુદાયના હતા, જેઓ ન તો હિન્દુ હતા, ન અસમિયા ચળવળમાં ખાસ આગળ પડતા હતા. તેમણે આમ કેમ કર્યું તે રહસ્ય છે. પુરાવા વગરની કાનાફૂસી સાંભળીએ તો આર.એસ.એસ.ના કાર્યકરોએ ચડામણી કરી હોવાનું કહેવાય છે.

આ માસેકર પર ‘વોટ ધ ફીલ્ડ્ઝ રિમેમ્બર’ નામની દસ્તાવેજી ફિલ્મ બની છે, તેમાં એક વયોવૃદ્ધ મુસ્લિમ પોતાની વાત કરે છે. તેના તમામ સંતાનો એ દુર્ઘટનામાં મૃત્યુ પામેલા. ઘટનાના એક જ દિવસ પહેલાં આ માણસની દીકરીએ ‘વિદેશીઓ’ને તગેડી મૂકવાની માગણી કરતી કૂચમાં ભાગ લીધેલો. મરતા સમયના એના શબ્દો હતા, “બાબા, શું આપણે પણ વિદેશીઓ છીએ?”

1985માં આસામ ચળવળના વિદ્યાર્થી નેતાઓ વિધાનસભાની ચૂંટણી જીતી ગયા અને તેઓ રાજ્યમાં સત્તા પર આવ્યા. તે જ વર્ષે તેમણે કેન્દ્ર સરકાર સાથે આસામ કરાર પર સહી કરી અને એક તારીખ નક્કી કરવામાં આવી : 24મી માર્ચ 1971 પછી – એટલે કે પાકિસ્તાની સેનાએ પૂર્વ પાકિસ્તાનના નાગરિકો પર હુમલા શરૂ કર્યા તે દિવસ પછી – આસામમાં આવેલા લોકોને બહાર કાઢી મૂકવામાં આવશે. એન.આર.સી. અપડેટ કરવાનો હેતુ આસામના ‘ખરા નાગરિકો’ અને 1971 પછીના ‘ઘુસણખોરો’ને અલગ કરવાનો હતો.

એ પછીનાં થોડાં વરસો બોર્ડર પોલિસે પકડેલા ઘૂસણખોરો અને ચૂંટણી અધિકારી દ્વારા ‘ડી-વોટર’ એટલે કે ‘ડાઉટફુલ વોટર’ જાહેર થયેલા લોકો સામે ‘ઈલિગલ માઈગ્રન્ટ્સ (ડિટેક્શન બાય ટ્રિબ્યુનલ) એક્ટ’ હેઠળ કારવાઈ ચલાવવામાં આવી. આ આઈ.એમ.ડી.ટી. કાયદો 1983માં ઇન્દિરા ગાંધીની કોન્ગ્રેસ સરકાર લાવેલી. લઘુમતિને પજવણીથી બચાવવા માટે આ કાયદાએ કોઈ વ્યક્તિની નાગરિકતા પુરવાર કરવાની જવાબદારી પોલિસ પર અથવા એ વ્યક્તિની વિરુદ્ધમાં આરોપ કરનાર પર લાદેલી, આરોપી પર નહિ. 1997 પછી ત્રણ લાખ કરતાં વધારે ડી-વોટર અને ડિક્લેર્ડ ફોરેનર સામે ફોરેનર્સ ટ્રિબ્યુનલમાં ખટલા ચાલ્યા છે. સેંકડો હજુ પણ ડિટેન્શન સેન્ટરોમાં બંધ છે. જેલની ય અંદરની જેલ હોય એવા આ કેન્દ્રોમાં જેમની અટકાયત થઈ તેમને સામાન્ય ગુનેગારો હોય તેટલા અધિકાર પણ નથી.

2005માં, સર્વોચ્ચ અદાલતમાં એક કેસ આવ્યો, એમાં કહેવાયું કે આઈ.એમ.ડી.ટી. કાયદો ‘ઈલિગલ ઈમિગ્રન્ટને પારખવા કે પરત મોકલવાની પ્રક્રિયાને સાવ અશક્ય બનાવે છે’ માટે તેને રદ્દ કરવો જોઈએ. અદાલતે કાયદાને રદ્દ કર્યો અને ચુકાદામાં લખ્યું કે, “બાંગ્લાદેશથી મોટા પાયે ગેરકાનૂની સ્થળાંતર થવાના પરિણામે આસામમાં ‘બહારથી ઉશ્કેરણી અને અંદરથી તણાવ’નું વાતાવરણ છે એમાં કોઈ શંકા નથી.” હવે નાગરિકતા પુરવાર કરવાની જવાબદારી જે-તે વ્યક્તિના માથે આવી. તેનાથી આખી પરિસ્થિતિ બદલાઈ ગઈ અને નવા, અપડેટેડ એન.આર.સી.નો તખ્તો ઘડાયો. આ કેસ ફાઈલ કરનાર હતા સર્બાનન્દ સોનોવાલ, અખિલ આસામ વિદ્યાર્થી યુનિયનના ભૂતપૂર્વ વડા જે હવે ભા.જ.પ.માં છે અને અત્યારે આસામના મુખ્ય પ્રધાન છે.

2013માં આસામ પબ્લિક વર્ક્સ નામની સ્વૈચ્છિક સંસ્થાએ સર્વોચ્ચ અદાલતમાં કેસ કર્યો કે ઈલિગલ માઈગ્રન્ટ્સનાં નામ મતદાર યાદીમાંથી રદ્દ કરવામાં આવે. અંતે, એન.આર.સી.ની કવાયતની વિધિ નક્કી કરવાનો કેસ ન્યાયમૂર્તિ રંજન ગોગોઈને સોંપવામાં આવ્યો, જે પોતે અસમિયા છે.

ડિસેમ્બર 2014માં તેમણે આદેશ આપ્યો તે એન.આર.સી.ને અપડેટ કરીને એક વર્ષમાં તેમની અદાલતમાં રજૂ કરો. પચાસ લાખ ઘુસણખોરો હોવાની અટકળ કરનારાઓમાં કોઈને ખ્યાલ નહોતો કે આ લોકોનું કરીશું શું. દેશનિકાલ કરીને બાંગ્લાદેશ મોકલવાનો તો સવાલ જ નહોતો. હવે આટલી મોટી સંખ્યામાં લોકોને ડિટેન્શન કેમ્પમાં રાખી શકાય? કેટલો વખત? તેમની નાગરિકતા છીનવી લેવાશે? અને શું ભારતની સર્વોચ્ચ અદાલત આવડી જંગી (જેમાં ત્રીસ લાખ લોકો સંકળાયેલા છે અને જેના માટે જંગી ભંડોળ ફાળવવામાં આવ્યું છે) વહીવટી કવાયતની નાનીનાની વિગતો પર દેખરેખ રાખશે?

દૂરદૂરના વિસ્તારોમાં રહેતા લાખો ગ્રામજનોએ હવે અમુક ચોક્કસ વારસાકીય દસ્તાવેજો (‘લિગસી પેપર્સ’) રજૂ કરવાના હતા, જે પુરવાર કરી બતાવે કે 1971 પહેલાં તેમના પિતા કે દાદા અહીંના નિવાસી હતા. સર્વોચ્ચ અદાલતની એક જ વરસની મહેતલના કારણે આખી કવાયત બિહામણા સપના જેવી થઈ ગઈ. ગરીબ, અભણ અને કૃશકાય લોકો હવે ફસાયા હતા વહીવટી ભૂલભૂલામણીમાં, કાનૂની દાવપેચમાં, દસ્તાવેજોમાં, અદાલતી સુનાવણીમાં અને એ બધી વિધિઓમાં જે છળકપટ હોય છે તેમાં.

બ્રહ્મપુત્રામાં ‘ચર’ તરીકે ઓળખાતા જે ટાપુઓ છે તે મોસમ મુજબ જગ્યા બદલે છે, ત્યાં પહોંચવા માટે સ્થાનિક લોકોની વધુ પડતા મુસાફરોથી ભરેલી નાવ લેવા સિવાય કોઈ વિકલ્પ હોતો નથી. આશરે અઢી હજાર ચર ટાપુઓ સાવ હંગામી છે, બ્રહ્મપુત્રાને મૂડ આવે ત્યારે અહીંથી ટાપુને અહીંથી અદૃશ્ય કરીને ત્યાં પ્રગટ કરે છે. તેના પર રહેતા લોકોના ઘર પણ હંગામી હોય છે. પણ અમુક ટાપુઓ એવા ફળદ્રુપ છે અને ખેડૂતો એવા કુશળ છે કે ત્યાં વરસના ત્રણ પાક લેવાય છે. પણ બધુ હંગામી છે માટે ત્યાં નથી શાળા કે હોસ્પિટલ અને નથી જમીનના દસ્તાવેજ.

ગયા મહિને મેં ઓછા ફળદ્રુપ ચર ટાપુઓની મુલાકાત લીધી, ત્યાં પારાવાર ગરીબી જોવા મળી. આધુનિક જમાનાની એકમાત્ર નિશાની જોવા મળી હોય તો તે પ્લાસ્ટિકની કોથળીઓ, જેમાં લોકો તેમના દસ્તાવેજો સાચવી રાખે છે. લોકો તેમાંનું લખાણ વાંચી શકતા નથી, પણ પીળાં પડી ગયેલાં પાનાં પરના સંકેતોનો ભેદ ઉકેલવા પ્રયાસ કર્યા કરે છે. ગોલપાડાનાં જંગલોમાં મોટો ડિટેન્શન કેમ્પ બન્યાનું તેમણે સાંભળ્યું છે, અને તેમણે અને તેમનાં બાળકોએ ત્યાં જવું પડશે કે નહિ તે આ કાગળિયાં પર નિર્ભર છે.

વિવિધ ગામોની મુલાકાત દરમિયાન લોકો આપવીતી કહે છે. મોડી રાતે આદેશ આવ્યો કે સવારે અદાલતમાં હાજર થાવ, અદાલત બસો-ત્રણસો કિલોમિટર દૂર છે. અચનાક દોડધામ થઈ જાય છે કાગળિયાં અને કુટુંબના સભ્યોને એકઠા કરવાની, પછી નદીની મુસાફરી માટે નાની હોડીમાં બેસવાનું, તેમની પરિસ્થિતિ પામી જઈને હોડીવાળા ત્રણ ગણા પૈસા માગે, જોખમી રસ્તા પર ઝડપી મુસાફરી કરીને જેમતેમ પહોંચી હાજરી નોંધાવો. સૌથી કરુણ વાત મેં સાંભળી એક પરિવારની : તે સૌ જે ખટારામાં જતા હતા તે સામેથી રસ્તાના બાંધકામની સામગ્રી લઈને આવતા ખટારા સાથે ટકરાયો. પીપ ઊંધાં વળી ગયાં અને આ પરિવારના લોકો પર ડામર રેડાયો. મારી સાથેના એક યુવા કાર્યકર્તાએ મને કહ્યું કે તે જ્યારે હોસ્પિટલમાં આ લોકોને મળવા ગયો ત્યારે તેમનો નાનો દીકરો ચામડી પરથી ડામર અને તેમાંની ઝીણી કપચી ખણીને કાઢવાનો પ્રયત્ન કરી રહ્યો હતો. તેણે તેની માની સામે જોયું અને પૂછ્યું, “આપણા પરથી વિદેશી હોવાનો કાળો ડાઘ કદી જશે કે નહિ?”

અને આ બધા પછી પણ, તેની પ્રક્રિયા અને અમલ વિશે શંકા હોવા છતાં પણ, આસામમાં લગભગ દરેકે એન.આર.સી.ને આવકાર આપ્યો હતો – પોતપોતાના કારણસર. અસમિયા રાષ્ટ્રવાદીઓને આશા હતી કે લાખો બંગાળી ‘ઘુસણખોરો’, હિન્દુ તેમ જ મુસ્લિમ, અંતે પકડાશે અને ‘વિદેશી’ જાહેર થશે. સ્થાનિક આદિવાસી પ્રજાઓને લાગ્યું કે સદીઓથી તેમણે જે સહન કર્યું છે તેની સામે હવે ન્યાય મળશે. બંગાળથી આવેલા હિન્દુ તેમ જ મુસ્લિમને અપેક્ષા હતી કે તેમનાં નામ એક વાર એન.આર.સી.ના ચોપડે આવી જાય તો તેમના પરનો ‘વિદેશી’ હોવાનો કાળો ડાઘ ધોવાઈ જાય. અને હિન્દુ રાષ્ટ્રવાદીઓ, જે હવે રાજ્યમાં સત્તા પર છે, તેમને લાખો મુસ્લિમોનાં નામ એન.આર.સી.માં હટાવવાની ઈચ્છા હતી. સૌને કંઈક નીવેડો આવે તેવી આશા હતી.

અનેક મુદ્દતો પડ્યા પછી 31 ઓગસ્ટ 2019ના રોજ આખરી અપડેટેડ યાદી પ્રસિદ્ધ થઈ. તેમાં 19 લાખ લોકોનાં નામ નહોતાં. આંકડો હજુ વધી શકે છે, કારણ કે કોઈ પણ વ્યક્તિની નાગરિકતા અંગે કોઈ પાડોશી, દુશ્મન કે કોઈ પણ ત્રાહિત માણસ વાંધો ઊઠાવી શકે તેવી જોગવાઈ રાખવામાં આવી છે. છેલ્લી ગણતરીએ બે લાખથી વધુ વાંધા અરજીઓ આવી છે. જેમનાં નામ બાકાત થયાં છે, તેમાં મોટી સંખ્યામાં સ્ત્રીઓ અને બાળકો છે, તેમાંના ઘણા એવા સમુદાયોમાંથી જેમાં સ્ત્રીઓનાં લગ્ન ટીનએજમાં થાય છે અને લગ્ન પછી તેમનાં નામ બદલી નાંખવાની પ્રથા છે. તેમની પાસે ‘લિગસી’ પુરવાર કરવા માટેના ‘લિન્ક ડોક્યુમેન્ટ’ નથી. ઘણા બધા અભણ છે અને તેમનાં કે તેમનાં માબાપનાં નામની જોડણીમાં ભૂલો થઈ છે. હસનમાં ‘સીંગલ એસ’નો ડબલ એસ થઈ જાય, ‘જોયનુલ’ હોય તે ‘ઝૈનુલ’ થઈ જાય, ‘મોહમ્મદ’ના તો અનેક સ્પેલિંગ છે. એક અક્ષર આમતેમ અને માણસ બહાર થઈ જાય. તમારા પિતા ગુજરી ગયા હોય અથવા માતાથી છૂટા થયા હોય, તેમણે મતદાન ન કર્યું હોય, ભણ્યા ના હોય કે પછી તેમની પાસે જમીન ન હોય, તો તમે બહાર થઈ જાવ. માતાનો વંશવેલો ‘લિગસી’ પુરવાર કરવા માટે ધ્યાનમાં લેવાતો નથી. એન.આર.સી.ના તમામ પૂર્વગ્રહોમાં સૌથી મોટો પૂર્વગ્રહ ગરીબોની સામે છે. અને આજે ભારતમાં ગરીબોમાં મોટા ભાગે મુસ્લિમો, દલિતો અને આદિવાસીઓ છે.

જે 19 લાખ લોકોનાં નામ નથી તેમણે હવે ફોરેનર્સ ટ્રિબ્યુનલ સમક્ષ અરજી કરવી પડશે. અત્યારે આસામમાં આવી 100 ટ્રિબ્યુનલ છે અને બીજી 1,000 ઊભી થવાની છે. તેના વડા તરીકે જે હોય તેને ટ્રિબ્યુનલના ‘સભ્ય’ કહેવામાં આવે છે. લાખોનું જીવન તેમના હાથમાં છે, પણ તેમને ન્યાય આપવાનો અનુભવ નથી. સરકારે આ કામમાં વહીવટદારો કે નવા નિશાળિયા વકીલોની નિમણૂક કરી છે અને તેમને સારો પગાર આપવામાં આવે છે. પૂર્વગ્રહ તો સિસ્ટમનો ભાગ જ છે. અમુક કાર્યકર્તાઓએ સરકારી દસ્તાવેજોની તપાસ કરી તો ખબર પડી કે, જેમના કોન્ટ્રાક્ટ પૂરા થયા હોય તેવા ‘સભ્યો’ને ફરી એ નોકરીમાં લેવા માટે સરકારનો એક જ માપદંડ છે : તેમણે કેટલી અરજીઓ ફગાવી દીધી છે. જેમણે ફોરેનર્સ ટ્રિબ્યુનલમાં અરજી કરવી હોય તેમણે વકીલ રાખવા પડશે, અને તેમને પૈસા ચૂકવવા તેમણે ઘર કે જમીન વેચવા પડશે. અલબત્ત, ઘણાની પાસે તો જમીન કે ઘર છે જ નહિ. સંખ્યાબંધ લોકોએ આપઘાત કરવાનું પસંદ કર્યું છે.

લાખોના ખર્ચે હાથ ધરાયેલી આખી લાંબી કવાયત પૂરા થયા પછી સૌ ભારે નિરાશ થયા છે. બંગાળ મૂળના માઈગ્રન્ટ નિરાશ છે, કારણ કે તેમને ખબર છે કે સાચા નાગરિકોને કોઈ કારણ વિના બાકાત રખાયા છે. અસમિયા રાષ્ટ્રવાદીઓ નિરાશ છે, કારણ કે તેઓ ઘૂસણખોરોની સંખ્યા આના કરતાં ઘણી વધારે ધારતા હતા. તેમની નિરાશાનું બીજું કારણ એ પણ છે કે તેમને લાગે છે કે ઘણા બધા ગેરકાનૂની વિદેશીઓ યાદીમાં પણ ઘુસી ગયા છે. અને સૌથી વધુ તો ભારતના શાસકો, હિન્દુ રાષ્ટ્રવાદીઓ નિરાશ છે, કારણ કે યાદીમાં અડધાથી વધારે બિન-મુસ્લિમો છે. (આની પાછળ વિધિની વક્રતા કામ કરી ગઈ છે – બંગાળી મુસ્લિમો લાંબા સમયથી ડરમાં જીવતા હતા એટલે તેમણે ભારે જહેમતે લિગસી પેપર એકઠા કર્યા અને સાચવી રાખ્યા, જ્યારે હિન્દુઓને ઓછો ડર હતો, માટે ઘણાની પાસે લિગસી પેપર નથી.)

અંતે ન્યાયમૂર્તિ ગોગોઈએ એન.આર.સી.ના મુખ્ય કોઓર્ડિનેટર પ્રતીક હાલેજાની બદલીનો આદેશ આપ્યો અને તેને આસામ છોડીને જવા માટે સાત દિવસની મહેતલ આપી. ન્યાયમૂર્તિ ગોગોઈએ આ આદેશ માટે કોઈ કારણ આપ્યું નહિ.

નવેસરથી એન.આર.સી. તૈયાર કરવા માટેની માગણીઓ ચાલુ થઈ ગઈ છે.

આ હદનું ગાંડપણ સમજવાનો પ્રયત્ન પણ કરી શકાય એમ નથી, સિવાય કે કવિતાની મદદ લઈએ. યુવા મુસ્લિમ કવિઓના એક જૂથે તેમના દરદ અને ઘાની વાત તેમની અંતરંગ ભાષામાં લખવાનું શરૂ કર્યું. તેમણે આમ કર્યું તે પહેલાં આ ભાષા – ધાકાકિયા, મૈમલસિંગિયા અને પબનૈયાની મિયા બોલી – માત્ર તેમનાં ઘરમાં જ બોલાતી હતી. આ કવિઓમાંની એક, રેહાના સુલતાના, ‘મા’ શીર્ષક હેઠળની કવિતામાં લખે છે :

મા, આમિ તુમાર કચ્ચે આમાર પરિસોઈ દીતી બિયાકુલ જાઈ

“મા, તને વારંવરા મારો પરિચય આપી આપીને હું થાકી ગઈ છું”

જ્યારે આ કવિતાઓ ફેસબૂક પર પ્રસિદ્ધ થઈ અને લોકપ્રિય થઈ ત્યારે એક ખાનગી ભાષા અચાનક જાહેરમાં આવી ગઈ. અને ભાષાના રાજકારણે ફરી માથું ઊંચક્યું. મિયા કવિઓ સામે અસમિયા સમાજનું અપમાન કરવાના આરોપ સાથે પોલિસ કેસો થયા. રેહાના સુલતાને છુપાઈ જવું પડ્યું.

આસામમાં સમસ્યા તો છે, એની ના નથી. પણ તેનું કેવી રીતે સમાધાન કરવું? મુશ્કેલી એ છે કે એક વાર વંશ-આધારિત રાષ્ટ્રવાદની મશાલ જલાવો, પછી તમને ખબર નથી વાયરો કઈ દિશામાં આગ ફેવાલશે. જમ્મુ અને કાશ્મીરના વિશેષ દરજ્જાને રદ્દ કરવામાં જન્મેલા નવા કેન્દ્રશાસિત પ્રદેશ લદાખમાં બૌદ્ધપંથીઓ અને શિયા મુસ્લિમો વચ્ચે ઘર્ષણ ઘેરાઈ રહ્યું છે. ઈશાની રાજ્યોમાં જૂની અદાવતો ફરી બહાર આવી રહી છે. અરુણાચલ પ્રદેશમાં અસમિયાઓ ખુદ બહારના તરીકે જોવાય છે. મેઘાલયે આસામ સાથેની સરહદ બંધ કરી છે અને બહારથી આવેલા કોઈ પણ જો 24 કલાકથી વધુ વખત રોકાવાના હોય તો તેમણે નવા કાયદા હેઠળ રાજ્ય સરકારમાં નોંધણી કરાવવી પડશે. નાગાલેન્ડમાં કેન્દ્ર સરકાર અને નાગા બળવાખોરો વચ્ચે 22 વર્ષથી ચાલી રહેલી મંત્રણાઓ અલગ ધ્વજ અને અલગ બંધારણના મુદ્દે અટકી પડી છે. મણિપુરમાં જેમને નાગા અને કેન્દ્ર વચ્ચે કંઈક સમાધાન થવા વિશે ચિન્તા છે તેમણે લંડનમાં નિર્વાસિત સરકાર (ગવર્મેન્ટ ઈન એક્ઝાઈલ) બનાવ્યાની જાહેરાત કરી છે. ત્રિપુરામાં હિન્દુ બંગાળીઓના આગમન પછી સ્થાનિક આદિવાસી વસતિ પોતાના જ પ્રદેશમાં લઘુમતિમાં મુકાઈ ગઈ હતી, તેમણે હવે રાજ્યમાં એન.આર.સી.ની માગણી કરી છે.

આસામમાં એન.આર.સી.એ જે અંધાધૂંધી ફેલાવી છે તેમાંથી બોધપાઠ લેવાના બદલે મોદી સરકાર હવે પૂરા ભારતમાં આવી જ કવાયત કરાવી તૈયારી કરી રહી છે. આસામમાં બન્યું એમ હિન્દુઓ અને પોતાના બીજા સમર્થકો એન.આર.સી.ના આટાપાટામાં ફસાઈ ના જાય તે માટે સરકારે નાગરિકત્વ કાયદામાં સુધારાનો ખરડો તૈયાર કર્યો છે (જે આ લખ્યા પછી ડિસેમ્બરમાં પસાર થયો). નવો કાયદો કહે છે કે પાકિસ્તાન, બાંગ્લાદેશ અને અફઘાનિસ્તાનમાંની બિન-મુસ્લિમ ‘રંજાડેલી લઘુમતિઓ’ – એટલે કે હિન્દુ, શીખ, બૌદ્ધપંથી અને ઈસાઈ – ને ભારતમાં શરણ આપવામાં આવશે. સીધો અર્થ એ થયો કે નાગરિકતા વિહોણું કોઈ રહી જાય તો તે માત્ર મુસ્લિમ જ હશે.

એન.આર.સી. અને નવા નાગરિક કાયદાની સાથે એક નેશનલ પોપ્યુલેશન રજિસ્ટર પણ તૈયાર કરવાનું આયોજન છે. આમાં ઘરેઘરે જઈને સર્વે કરવામાં આવશે, જેમાં વસતિ ગણતરીની મૂળભૂત માહિતી મેળવવા સાથે આઈરિસ સ્કેન અને અન્ય બાયોમેટ્રિક ડેટા પણ લેવામાં આવશે. આ રીતે તૈયાર થશે તે સૌથી મોટી ડેટા બેન્ક હશે.

તૈયારીઓ શરૂ થઈ ગઈ છે. ગૃહપ્રધાન બન્યાના પહેલા જ દિવસે અમિત શાહે આખા ભારતમાં ફોરેનર ટ્રિબ્યુનલો અને ડિટેન્શન સેન્ટરો ખોલવાની રાજ્યોને પરવાનગી આપતું જાહેરનામું બહાર પાડ્યું. આ ટ્રિબ્યુનલો અને સેન્ટરો અદાલતી નહિ તેવા, નોન-જ્યુડિશિયલ અધિકારીઓના તાબામાં હશે જેમની પાસે ઘણી સત્તાઓ હશે. કર્ણાટક, ઉત્તર પ્રદેશ અને હરિયાણાની સરકારોએ કામગીરી આરંભી પણ દીધી છે. આપણે જોયું તેમ, આસામમાં તો તેના વિશિષ્ટ ઇતિહાસના કારણે એન.આર.સી.ની કવાયત થઈ. તેને બાકીના ભારતમાં લાગુ પાડવામાં નરી દુષ્ટતા કામ કરી રહી છે. આસામમાં એન.આર.સી.ની માગણી ચાલીસ વરસ પહેલાંથી હતી. ત્યાં લોકો પચાસ વરસથી દસ્તાવેજો એકઠા કરતા અને સાચવતા આવ્યા છે. બાકીના ભારતમાં કેટલા લોકો પાસે લિગસી પેપર હશે? કદાચ આપણા વડાપ્રધાન પાસે પણ નહિ હોય – એમની તો જન્મતારીખ, કોલેજ ડિગ્રી અને લગ્નનો દરજ્જો પણ વિવાદમાં રહ્યા છે.

આપણને કહેવામાં આવે છે કે એન.આર.સી. આખા ભારતમાં વિસ્તારવાનો હેતુ લાખો બાંગ્લાદેશી ‘ઘુસણખોરો’ને – જેમને આપણા ગૃહપ્રધાન ‘ઊધઈ’ કહે છે તેમને – પકડી પાડવાનો છે. આવી ભાષાથી બાંગ્લાદેશ સાથેના આપણા સંબંધો પર શું અસર પડતી હશે? ફરી એક વાર, ‘ઘુસણખોરો’ની સંખ્યાની લાખો અને કરોડોમાં અટકળો માંડવામાં આવે છે. ભારતમાં ઘણી મોટી સંખ્યામાં દસ્તાવેજ વગરના (અનડોક્યુમેન્ટેડ) બાંગ્લાદેશી મજૂરો છે, તેમાં કોઈ શંકા નથી.  એ વાતમાં પણ શંકા નથી કે તેઓ સૌથી ગરીબ અને સૌથી છેવાડેની જનતામાં છે. મુક્ત બજારમાં વિશ્વાસ રાખનારાઓએ સ્વીકારવું જોઈએ કે આ લોકો અર્થતંત્રમાં ખાલી પડેલી એક જગ્યા ભરી રહ્યા છે અને બીજા કોઈ ના સ્વીકારે એટલા નીચા દરે, બીજા કોઈ ન કરે તે કામ કરી રહ્યા છે. તેઓ પ્રામાણિકપણે રોજી રળી રહ્યા છે. તેઓ દેશને પાયમાલ નથી કરી રહ્યા, તેઓ જાહેર નાણાંની ઉચાપત નથી કરી રહ્યા, તેઓ બેન્કોમાં દેવાળું ફૂંકીને પલાયન નથી થઈ રહ્યા. તેમની હાલત શિકારના ઘેટા જેવી છે. તેઓ આર.એસ.એસ.ના ખરા ઐતિહાસિક મિશનના ટ્રોજન હોર્સ છે.

અખિલ ભારતીય એન.આર.સી. વત્તા નવા નાગરિક કાયદાનો ખરો હેતુ ભારતીય મુસ્લિમ સમુદાયને, ખાસ કરીને તેમાંના સૌથી વધુ ગરીબને, ડરાવવાનો-ધમકાવવાનો અને છેલ્લી હરોળમાં મૂકવાનો છે. તેનો હેતુ એકસમાન નાગરિકતાના બદલે સ્તરબદ્ધ નાગરિકતા લાવવાનો છે, જેમાં નાગરિકોનું એક જૂથ બાકીનાની ભલમનસાઈ પર નભશે. નવી આધુનિક વર્ણવ્યવસ્થામાં મુસ્લિમો નવા દલિતો બનશે. માત્ર શબ્દોમાં નહિ, વાસ્તવમાં. કાનૂની અર્થમાં. પશ્ચિમ બંગાળ જેવાં રાજ્યોમાં, જ્યાં ભા.જ.પ. સત્તા હસ્તગત કરવા આક્રમક રીતે સક્રિય થયું છે, ત્યાં આપઘાતો શરૂ થઈ ગયા છે.

1940માં આર.એસ.એસ.ના સર્વોપરિ નેતા એમ.એસ. ગોલવલકરે ‘વી, ઓર ધ નેશનહૂડ ડિફાઈન્ડ’ પુસ્તકમાં લખ્યું હતું કે,

“જ્યારે મુસ્લિમોએ હિન્દુસ્તાનની ધરતી પર પહેલી વાર પગ મૂક્યો તે અપવિત્ર દિવસથી માંડીને આજ રોજ સુધી હિન્દુ રાષ્ટ્ર વીરતાપૂર્વક તેમનો પ્રતિકાર કરતું આવ્યું છે. વંશીય આત્મા જાગૃત થઈ રહ્યો છે.

“હિન્દુસ્તાન હિન્દુઓની ભૂમિ છે અને તેમાં હિન્દુ રાષ્ટ્ર જીવે છે અને જીવવું જોઈએ.

“બીજા બધા રાષ્ટ્રહિતના દગાખોર છે અને દુશ્મન છે, અથવા હળવાશથી કહીએ તો મૂરખાઓ છે … હિન્દુસ્તાનમાંના વિદેશી વંશજો … દેશમાં રહી શકે છે, પણ હિન્દુ રાષ્ટ્રના સંપૂર્ણ આધિપત્ય નીચે, કોઈ દાવા વિના, કોઈ હક્ક વિના.”

આગળ વધીને તેઓ ઉમેરે છે,

“પોતાના વંશ અને સંસ્કૃતિની શુદ્ધિ જાળવી રાખવા માટે જર્મનીએ આખી દુનિયાને આંચકો આપ્યો અને દેશમાંથી સિમાઈટ પ્રદેશની વંશજ યહૂદી પ્રજાનો નિકાલ કર્યો. તેમાં વંશ માટેનું ગૌરવ સૌથી શ્રેષ્ઠ રીતે વ્યક્ત થાય છે, અને તેમાં હિન્દુસ્તાન માટે શીખવા માટે અને લાભ લેવા માટે ઉત્તમ બોધપાઠ છે.”

આ સપનું સાકાર કરવું હોય તો પહેલાં એન.આર.સી. અને નવો નાગરિક કાયદો જોઈએ. જર્મનીમાં 1935માં ન્યુરેમ્બર્ગના કાયદા આવેલા, જેની હેઠળ જર્મન નાગરિક માત્ર એ લોકો હતા, જેમને થર્ડ રાઈખ એટલે કે હિટલરની સરકારે લિગસી પેપર જેવા કાગળ આપેલા. મુસ્લિમોને બાકાત રાખતો જે કાનૂન સુધારો આવ્યો તે પહેલો સુધારો છે. કોઈ શંકા નથી કે બીજા પણ સુધારાઓ આવશે, આર.એસ.એસ.ના જૂના દુશ્મનો – ખ્રિસ્તીઓ, દલિતો અને કોમ્યુનિસ્ટોને બાદ કરવા માટે.

ભારતભરમાં ખૂલી રહેલ ફોરેનર્સ ટ્રિબ્યુનલો અને ડિટેન્શન સેન્ટરોનો હેતુ કદાચ અત્યાર પૂરતો તો કરોડો મુસ્લિમોને સમાવવાનો નથી. પણ તે ભારતના મુસ્લિમોને સતત યાદ અપાવશે કે લિગસી પેપર નહિ હોય તો તેમનું સ્થાન ક્યાં છે. કારણ કે ભારતમાં માત્ર હિન્દુઓ જ મૂળ વાસી છે, જેમને લિગસી પેપર બતાવવાની જરૂર નથી. 450 વરસ જૂની બાબરી મસ્જિદ પાસે પણ પૂરતા લિગસી પેપર નહોતા, તો ગરીબ ખેડૂત કે લારી-ગલ્લાવાળા પાસે ક્યાંથી હશે?

હ્યુસ્ટનના સ્ટેડિયમમાં સાઠ હજાર લોકો જેને તાળીઓથી વધાવી રહ્યા હતા તે છે આ અધમતા. જેના સમર્થનમાં ટ્રમ્પે મોદી સાથે હાથ મિલાવ્યા, જેના માટે ઈઝરાયલ ભારત સાથે ભાગીદારી કરવા માગે છે, જર્મની વેપાર વધારવા માગે છે, ફ્રાન્સ યુદ્ધવિમાન વેચવા માગે છે અને સાઉદી ધિરાણ પૂરું પાડવા માગે છે.

કોને ખબર, કદાચ આપણા આઈરિસ સ્કેન સાથેની ડેટા બેન્ક સમેત અખિલ ભારતીય એન.આર.સી.ની સમગ્ર પ્રક્રિયાનું ખાનગીકરણ પણ કરી શકાય. એમાં જે નોકરીની તકો ઊભી થશે અને સાથે નફો થશે, તેનાથી કદાચ અર્થતંત્રની મંદી ખાળી શકાય. સીમેન્સ, બાયર કે આઈ.જી. ફારબેનના જેવી ભારતીય કંપનીઓ ડિટેન્શન સેન્ટર બાંધવાનું કામ કરી શકે છે. એ કંપનીઓ કઈ હશે તે કળવું મુશ્કેલ નથી. આપણે છેક ઝાયક્લોન બી સુધી ન પહોંચીએ તો પણ ઘણા પૈસા બનાવવાની તક છે. (નાઝીઓએ હોલોકોસ્ટના ભાગરૂપે ગેસ ચેમ્બરોમાં દસ લાખથી વધુ યહૂદીઓની કતલ કરવા જે વાયુ વાપર્યો તે ઝાયક્લોન બી નામે ઓળખાય છે.)

આપણે તો માત્ર એટલી આશા રાખી શકીએ કે નજીકના ભવિષ્યમાં એક દિવસ ભારતના શેરી-રસ્તાઓ પર એ લોકો બહાર આવશે જેમને ખ્યાલ આવ્યો હશે કે હવે આપણે કંઈ નહીં કરીએ તો અંત ઢૂંકડો છે.

જો એવું ન થાય તો પછી આજના સમયના સાક્ષીના આ શબ્દોને અંતના અણસાર ગણજો.

(શબ્દ સંખ્યા 8803)

[અનુવાદ : આશિષ મહેતા]

e.mail : ashishupendramehta@gmail.com

Loading

સપનાં

પ્રતિષ્ઠા પંડ્યા|Poetry|23 December 2019

હું હજી આંખ ખોલતી નથી
એક સપનું ચાલ્યા કરે છે મનમાં
આંખના કમાડ પર હલ્લો બોલતી
કાળી ડીબાંગ રાતને સાવ અવગણીને
એ ભરે રાખે છે
ઝીણી ચળકતી ટીલડીઓ
ફાટેલાં ભૂરાં આકાશમાં
રાતને અંદર ધસી આવતી રોકવા
ધણધણતા કમાડ પર પીઠ ટેકવીને ઊભી છું
ઊંડા શ્વાસ ભરતી રાહ જોઉં છું
પણ રાત મૂકતી નથી કેડો
ચાંપે છે અંધારાભરી મશાલ
મારા ઘરનાં છાપરાં પર
એની કાળી જ્વાલાઓની લપેટમાં
ઈચ્છે છે મને ભસ્મ કરવા
નરસિંહના* હાથની જેમ બળું છું
આખેઆખી મશાલભેગી
ને તો ય જોયે રાખું છું સપનાં
કોઈ ઝાંખા અજવાળાંના
જેમાં જોવા મારે પરવાળા
ખીલંતા મારાં બાળની આંખોમાં

* નરસિંહ મહેતા એ ગુજરાતી ભક્ત કવિ હતા અને એક કથા પ્રમાણે એકવાર કૃષ્ણની રાસલીલા જોવામાં કવિ એવા તો તલ્લીન હતા કે તેમના હાથમાં પકડેલી મશાલે તેમનો હાથ સળગાવી દીધો તેનું ભાન કે દર્દ એમને નહોતું. 

Dreams

 
I refuse to open my eyes
a dream runs inside
ignoring
a dark night
banging on the doors
outside
it stitches
tiny, glittering sequine
on the torn blue sky
 I stand
with my back
against the thundering doors
I try to stop the dark night
from barging in
a deep breath
the agony of a long wait
the night refuses to let go
darkness torches my roof
wants to turn me to ashes
engulfed in dark flames
I burn
like Narsinh’s* hand
I burn in the dark flames
and yet I dream
of some faint light
wherein I can see
the corals growing
in the eyes
of my little ones.

 * Narsinh Mehta was a Gujarati Bhakti Poet.  Legend has it that the poet, transfixed by the spectacle of Krishna dancing with the gopis, burnt his hand with the torch he was holding, but was so engrossed in the ecstatic vision that he was oblivious to the pain.

Loading

...102030...2,5882,5892,5902,591...2,6002,6102,620...

Search by

Opinion

  • પાલિકા-પંચાયત ચૂંટણીઓમાં વિલંબ લોકતંત્ર માટે ઘાતક છે
  • અદાણી ભારત કે અંબાણી ઈન્ડિયા થશે કે શું?
  • પ્રતાપ ભાનુ મહેતા : સત્તા સામે સવાલો ઉઠાવતો એક અટલ બૌદ્ધિક અવાજ
  • લાઈક-રીલ્સથી દૂર : જ્યારે ઓનલાઈનથી ઓફલાઈન જિંદગી બહેતર થવા લાગે
  • રુદ્રવીણાનો ઝંકાર ભાનુભાઈ અધ્વર્યુની કલમે

Diaspora

  • દીપક બારડોલીકરની પુણ્યતિથિએ એમની આત્મકથા(ઉત્તરાર્ધ)ની ચંદ્રકાન્ત બક્ષીએ લખેલી પ્રસ્તાવના.
  • ગાંધીને જાણવા, સમજવાની વાટ
  • કેવળ દવાથી રોગ અમારો નહીં મટે …
  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !
  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ

Gandhiana

  • ગાંધીસાહિત્યનું ઘરેણું ‘જીવનનું પરોઢ’ હવે અંગ્રેજીમાં …
  • સરદાર પટેલ–જવાહરલાલ નેહરુ પત્રવ્યવહાર
  • ‘મન લાગો મેરો યાર ફકીરી મેં’ : સરદાર પટેલ 
  • બે શાશ્વત કોયડા
  • ગાંધીનું રામરાજ્ય એટલે અન્યાયની ગેરહાજરીવાળી વ્યવસ્થા

Poetry

  • ગઝલ
  • કક્કો ઘૂંટ્યો …
  • રાખો..
  • ગઝલ
  • ગઝલ 

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved