Opinion Magazine
Number of visits: 9683921
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

સી.એ.એ., ગાંધીવિચાર, શિક્ષણ જેવા વિષયો પરનાં, સર્જન, સંશોધન અનુવાદનાં નોંધપાત્ર પુસ્તકોનો ફાલ

સંજય શ્રીપાદ ભાવે|Opinion - Opinion|7 February 2020

વિવિધ વિષયો પરનાં અનેક મહત્ત્વનાં અને ગુણવત્તાસભર ગુજરાતી પુસ્તકો ગયા બે-ત્રણ મહિનાના ટૂંકા ગાળામાં પ્રગટ થયાં  છે. આવા ફાલ  માટે  પુસ્તકો લખનાર લેખકોને તેમ જ  પુસ્તકો  બહાર પાડનાર પ્રકાશકોને ધન્યવાદ આપવા જોઈએ. હવે જે કરવાનું છે તે વાચકોએ, નાગરિકોએ.

બે-ત્રણ જ મહિનાના ટૂંકા ગાળામાં જુદાં જુદાં વિષયો પરનાં અનેક મહત્ત્વનાં અને ગુણવત્તાસભર પુસ્તકો પ્રસિદ્ધ થયાં છે. તેમાં સાંપ્રત રાજકારણને લગતાં ત્રણ પુસ્તકો, શાસક પક્ષના નીડર  ટીકાકાર અને અભ્યાસી અર્થશાસ્ત્રી હેમંતકુમાર શાહ પાસેથી યજ્ઞ પ્રકાશન થકી મળ્યાં છે. તેમાંથી નવો કાયદો અને નાગરિકતા નામની સોળ પાનાંની મૌલિક પુસ્તિકામાં ઊંડો સ્વાધ્યાય અને વિશદ છણાવટ છે. અલબત્ત હેમન્તકુમારની જાગૃત અભ્યાસી તરીકેની ભૂમિકા ખાસ અગત્યની છે. તેમની દૃષ્ટિએ નાગરિકતા સુધારા ધારો ભારતનાં બંધારણના ‘આદર્શો પર જ ઘા કરે છે’ અને તેની ‘સમાનતાની જોગવાઈઓનો ભંગ કરે છે’. સરકાર સી.એ.એ. અને એન.આર.સી.ને સહિયારી રીતે ’પોતાના વિરોધીઓને વીણીવીણીને પરેશાન કરવાનું સાધન’ બનાવી શકે છે. મૉનોગ્રાફના ઉપસંહારમાં  લેખક આ મતલબનું લખે છે : ‘ આ કાયદાના અમલથી જેની તરફ ધીમી ગતિએ પણ મક્કમ પ્રયાણ થાય છે, તે હિંદુ રાષ્ટ્ર ભેદભાવજનક હશે અને એમાં સમાનતાનું મૂલ્ય તો સાવ વિસરાઈ ગયું હશે.’ પુસ્તિકાનું છેલ્લું ધારદાર વાક્ય છે : ‘સી.એ.એ., એન.આર.સી. અને કેદખાનાં હિન્દુ સંસ્કૃતિનાં મહાન મૂલ્યોનો છેદ ઉડાડે છે.’ 

હેમન્તકુમારનાં જ બીજાં બે પુસ્તકો કલમ-370 અને નાગરિકતા અને નોંધણી: સી.એ.એ.+એન.આર.સી.+એન.પી.આર. તેમાં અંગ્રેજી અખબારોમાંથી અનુવાદિત અનુક્રમે બાવીસ અને છવ્વીસ લેખો છે. અહીં વિષયોની પાયાની સમજ આપતા કુલ ચાર લેખો સહિત તેમની બાબતે સરકારના નિર્ણયોની તરફેણમાં તેમ જ વિરોધમાં લખાયેલાં ગહનતાપૂર્ણ લેખો વાંચવા મળે છે. વિરોધી લેખોનું પ્રમાણ અને પ્રતીતિજનકતા સ્વાભાવિક રીતે જ વધારે છે.

પડદા પાછળનું ગુજરાત (પ્રકાશક : ફારોસ મીડિયા) એ રાજ્યના નિવૃત્ત ડિરેક્ટર જનરલ ઑફ પોલીસ આર.બી. શ્રીકુમારે લખેલાં ‘ગુજરાત બિહાઇન્ડ ધ કર્ટન’ પુસ્તકનો રમણ વાઘેલાએ ડર વિના કરેલો અનુવાદ છે. ગોધરાકાંડને પગલે 2002માં થયેલાં કોમી રમખાણોના જ આખા ય સમયગાળામાં શ્રીકુમાર ઉચ્ચ પોલીસ અધિકારીની ફરજ બજાવતા હતા. રમખાણો દરમિયાન બેદરકાર રહેલી પોલીસને અને હિંસાચાર કરનાર અપરાધીઓને બચાવવા માટે ખુદ રાજ્ય સરકારે જે આયોજનબદ્ધ પ્રયાસો કર્યા તેનો લેખકે આ પુસ્તકમાં પર્દાફાશ કર્યો છે.

ગયાં જ અઠવાડિયે પ્રસિદ્ધ થયેલાં ગુજરાતમાં નારીચેતના અને વંચિત મહિલાઓનો પડકાર (દર્શક ઇતિહાસ નિધિ) ગ્રંથની મહત્તા એ છે કે તેમાં વરિષ્ઠ ઇતિહાસ સંશોધક શિરીનબહેન મહેતાએ  નારીચેતના અને નારીવાદી ચળવળ વિશેની વિધવિધ માહિતી તેમ જ અભ્યાસ સામગ્રીની યાદી સવા સાતસો પાનાંમાં સાગમટે મૂકી છે.

આધુનિકતાના અગ્રણી ગુજરાતી કવિ અને વિવેચક નિરંજન ભગતની બીજી મૃત્યુતિથિ પહેલી ફેબ્રુઆરીએ તેમના પરના અધ્યયનગ્રંથ કાળની કેડીએ ઘડીક સંગ(ગૂર્જર)નું પ્રકાશન થયું. ગ્રંથના 74 લખાણોને ‘વિરલ વ્યક્તિત્વ’, ‘સાહેબનાં સંભારણાં’, ‘દૃષ્ટિ અને સૃષ્ટિ’, ‘કાવ્યાસ્વાદ’, ‘અનુવાદ: સંપાદન’ ,’સ્વાધ્યાય’, ‘કેફિયત-પ્રતિભાવ’ અને ‘જીવનવહી’ એવા વિભાગોમાં વહેંચવામાં આવ્યાં છે. ગ્રંથનું સંપાદન રઘુવીર ચૌધરી, રમેશ ર. દવે અને કિરીટે દૂધાતે કર્યું છે.

ગાંધી-સંબંધિત ઇતિહાસને લગતું, ભાવનગરના પૂર્વ અધ્યાપક ગંભીરસિંહ ગોહિલે લખેલું મૌલિક અને રસપ્રદ સંશોધનાત્મક પુસ્તક છે મહાત્મા : સ્વરાજ્યની સફર અને સૌરાષ્ટ્રનાં સાથીદારો (થ્રીએસ પબ્લિકેશન). ગાંધીજી જે શામળદાસ કૉલેજમાં ભણ્યા હતા તેના પૂર્વ આચાર્ય એવા લેખક આ પુસ્તકને ‘મહાત્મા ગાંધીના કાઠિયાવાડ-સૌરાષ્ટ્ર સાથેના સંબંધો વિશેનો લેખસંગ્રહ’ ગણાવે છે. સત્તર લેખોમાં રાજકોટ સત્યાગ્રહ, ગોખલે ચરિત્ર તેમ જ ક્રિકેટના સંદર્ભે ગાંધીજી વિશેના લેખો અને તેમના સૌરાષ્ટ્રમાં પ્રવાસો પરનાં પરિશિષ્ટ ખાસ નોંધપાત્ર છે. ઉઘડતાં શીર્ષક-પાનાં પર લેખકના નામની તરત જ નીચે પ્રત-સંપાદક (કૉપી એડિટર) તરીકે કેતન રુપેરાનું નામ વાંચવા મળે છે. આ પહેલી વાર જોવા મળ્યું છે, અને અપનાવવા જેવું પણ છે.

ગાંધીજી અને ઓસામા બીન લાદેન બંને વચ્ચે શું સંવાદ શક્ય છે? જેવું કુતૂહલપ્રેરક નામ ધરાવતાં પુસ્તકમાં આ બે પાત્રો વચ્ચે કાલ્પનિક સંવાદ છે. તે સંવાદ દુનિયામાં જાણીતા રાજકીય ચિંતક ભીખુ પારેખે તેમનાં ‘ડિબેટિંગ ઇન્ડિયા’ નામના પુસ્તકનાં પ્રકરણ તરીકે રચ્યો છે. તેનો ભાવાનુવાદ ગુજરાતના વરિષ્ટ રૅશનાલિસ્ટ બિપિન શ્રૉફે પોતાનાં નિરીક્ષણો સાથે કર્યો છે, પુસ્તકનું પ્રકાશન પણ અનુવાદકે જ કર્યું છે. 

ગાંધીની નજરે દુનિયા (ગૂર્જર) ગ્રામ અને કૃષિશિક્ષણની સણોસરાની લોકભારતી સંસ્થાના પૂર્વ આચાર્ય મનસુખ સલ્લાના છવ્વીસ લેખોનો સંચય છે. પ્રસ્તાવનામાં કુમારપાળ દેસાઈ નોંધે છે કે લેખકે અહીં અનામત, કાશ્મીરની સમસ્યા, સમાન નાગરિક ધારો, વસ્તીનિયંત્રણ જેવા મુદ્દાઓ પર ગાંધીજીએ શું કહ્યું હોત તેની ‘ગંભીર અને તર્કબદ્ધ ચર્ચા’ પણ અહીં મળે છે.

શિક્ષણક્ષેત્રને લગતું એક પુસ્તક વ્યક્તિના જીવનનો, અને બીજું પુસ્તક સંસ્થાની કામગીરીનો આલેખ આપે છે. વહાલનું અક્ષયપાત્ર (સંસ્કાર સાહિત્ય મંદિર) કચ્છના વ્યક્તિવિશેષ હરેશ ધોળકિયા માટેનો અભિવાદન ગ્રંથ છે. સંપાદકો જીના શેઠ અને વીરેન શેઠે સવા ચારસો પાનાંના ગ્રંથનું પેટા શીર્ષક ‘એક શિક્ષક તથા સર્જક પ્રત્યેના પ્રેમની અભિવ્યક્તિ’ એમ આપ્યું છે, જે પુસ્તકનાં પાનાં ફેરવતા સાર્થક લાગે છે. તેમાં એકસો પાંત્રીસ જેટલાં વિદ્યાર્થીઓ-સ્વજનો-શુભેચ્છકોએ લખ્યું છે. હરેશભાઈનાં પુસ્તકો-પુસ્તિકાઓ-સંપાદનોની સંખ્યા પણ લગભગ એટલી જ છે. બાળપણ એક અવિરત ખોજ એ ભાવનગરની ‘શૈશવ’ સંસ્થાએ બાળમજૂરો અને વંચિત બાળકો માટે 1994 થી 2019 દરમિયાન કરેલાં કામનો તવારીખ અને તસવીરો સાથેનો પોતે પ્રકાશિત કરેલો વાચનીય અહેવાલ છે.

ગુજરાતી ભાષા સાથે કામ પાડનાર સહુ વ્યાવસાયિકોને ઉપયોગી થાય તેવા આશયથી, ગુજરાતી ભાષા તેમ જ સાહિત્યના ઊંડા અભ્યાસી રમણ સોનીએ ગુજરાતી લેખન-પદ્ધતિ (ગૂર્જર) નામનું પુસ્તક લખ્યું છે. માત્ર 96 પાનાંનું આ હાથપોથી જેવું પુસ્તક શાસ્ત્રીય હોવા છતાં સુગમ છે. આ રીતે પુસ્તક લખવું એક પડકાર હોય છે.

આજકાલના સમયમાં તો ખાસ અલગ જણાય તેવું શબ્દ-ચમત્કૃતિ (ડિવાઇન) પુસ્તક વલસાડનાં અરુણિકા મનોજ દરૂએ લખ્યું છે. તેનો મોટો ભાગ વિવિધ પ્રકારની શબ્દરમતો છે. એકાવન પ્રકરણોમાંથી કેટલાંકનાં નામ પુસ્તકની રસપ્રદ સામગ્રીનો નિર્દેશ આપી શકે. જેમ કે,‘‘ર’ ની રંગત’, ‘‘લ’ની લીલા’, ‘અંગ્રેજી એબીસીડીના ગુજરાતી પ્રયોગની મજા’,‘ગુજલીશ જોડકણાંની મજા’, ‘વર્તુળના અક્ષરોના ઉપયોગથી શબ્દરચના’, ‘શબ્દોની ક્રિકેટરમત’, ‘વર્ણોની બાદબાકીથી થતી ચમત્કૃતિ’.

ઝારખંડની ભા.જ.પ. સરકારે સંથાલ લેખક હાંસદા સૌવેન્દ્ર શેખરના ‘ધ આદિવાસી વિલ નૉટ ડાન્સ’ (જૉય બર્ક ફાઉન્ડેશન) વાર્તાસંગ્રહ પર ઑગસ્ટ 2017થી છ મહિના માટે સરકારી પ્રતિબંધ મુક્યો હતો. સરકારમાં તબીબ તરીકે ફરજ બજાવતાં ડૉક્ટર શેખરના સંગ્રહનો આદિવાસી નાચશે નહીં નામે અનુવાદ અંગ્રેજીના અધ્યાપક રૂપાલી બર્ક અને સાહિત્ય વિષયના અધ્યાપક ચિરાગ ત્રિવેદીએ કર્યો છે. આદિવાસીઓની દુર્દશાના સંદર્ભે આ દસ વાર્તાઓ ધર્મ-જાતિ-પ્રાન્તના પૂર્વગ્રહો, કોમી હિંસા, સ્ત્રીઓનું યૌન શોષણ, ડાકણ-કુરૂઢિ, સંકુલ આંતરસંબંધોનું આલેખન કરે છે.

 

ચિત્રગ્રીવા નામની રસાળ અનુવાદિત કિશોરકથાનું પેટાશીર્ષક છે ‘વિશ્વયુદ્ધ લડી ચૂકેલા કબૂતરની વાર્તા’. અહીં મહેનતુ અને રુચિસંપન્ન યુવા ફીચર લેખક વિશાલ શાહ બંગાળી લેખક ધનગોપાલ મુખરજીનાં 1927માં બહાર પડેલાં સંદેશાવાહક કબૂતર પરનાં ‘ગે-નેક : ધ સ્ટોરિ ઑફ અ પિજન’ પુસ્તકને ગુજરાતીમાં લાવ્યા છે. પુસ્તકના છેલ્લાં પૂઠા પરની નોંધમાં જણાવાયું છે : ‘સંદેશાવાહક કબૂતર(મેસે ન્જર પીજન)નાં જન્મ, ઉછેર, તાલીમ અને એનાં સાહસને કેન્દ્રમાં રાખીને કહેવાયેલી આ વાર્તા ક્યારેક હૃદયને સ્પર્શી જાય છે, તો ક્યારેક તેને આરપાર વીંધી નાખે છે.’

અમૃતા પ્રીતમ અને ઇમરોઝના પ્રણય સંબંધનું આલેખન કરતાં ઉમા ત્રિલોકનાં કાવ્યાત્મક અંગ્રેજી પુસ્તક ‘શી લિવ્ઝ ઑન’નો એ જીવે છે (ડબ્લ્યુ બીજી પબ્લિકેશન) નામે વાચનીય અનુવાદ અંગ્રેજીનાં અધ્યાપક માર્ગી હાથીએ કર્યો છે. તેનાથી ગુજરાતીમાં ઊતરેલાં ‘અમૃતા-સાહિત્ય’માં ઉમેરણ થાય છે.

સ્વશિક્ષિત ભાષાનિષ્ણાત વજેસિંહ પારગીના આગિયાનું અજવાળું (અરૂણોદય) નામના કવિતા સંગ્રહની સોમાંથી લગભગ દરેક રચનામાં એક ચોટ છે. મુક્ત પદ્ય ગણી શકાય તેવી રચનાઓના  કવિ પ્રસ્તાવનામાં લખે છે : ‘રોજબરોજનું ભીંસાતું જીવન જીવતાં મનમાં કંઈક ગોરંભાતું રહેતું. આ ગોરંભો ઘાણીએ ફરતાં ફરતાં બળદ વાગોળી લે એમ લઘુકાવ્યરૂપે આલેખાયો છે.’ એક નમૂનો : ‘રહેવા દો / દીવો પેટાવવાનું / કે / તારા ઊતારવાનું / કે / સૂરજ ઊગાડવાનું …. નહીં કરી શકો તમે દૂર / માની કૂખમાંથી મને મળેલો / અંધકાર’.

 

ગુજરાતીના અધ્યાપક અમૃત પરમારનો પહેલો વાર્તાસંગ્રહ પંખીઘર (પ્રકાશક : લેખક પોતે) વધુ સંકુલ વાર્તાઓની આશા જન્માવે છે. તમામ પંદર વાર્તાઓનો એકંદર વિષય ગ્રામીણ જીવનથી શહેરી જીવન તરફનાં સંક્રમણનો છે. પરિવર્તન પ્રકિયા સાથે સંકળાયેલાં સામાજિક વર્ગ, જીવનશૈલી, મનોવૃત્તિઓ, આકાંક્ષાઓ, ગરીબી, દૂષણો, પરિવેશ, ભાષા  જેવાં ઘણાં પાસાંને  લેખક આવરી લે છે.

વાંચીએ, વંચાવીએ, વિચારીએ, લોકશાહી દેશના નાગરિક બનીએ !

*******

05 જાન્યુઆરી 2020 

Loading

આ દેશમાં અત્યારે દરેક માણસની કસોટી થઈ રહી છે

રમેશ ઓઝા|Opinion - Opinion|6 February 2020

આપણા લાડકા અને લોકપ્રિય નવલકથાકાર અશ્વિની ભટ્ટને મેં એક વાર પૂછ્યું હતું કે તમારી દરેક નવલકથા દળદાર હોય છે તો તમે આટલા લાંબા પ્લોટની ગૂંથણી કેવી રીતે કરો છો? અશ્વિનીભાઈ અત્યંત પ્રામાણિક માણસ હતા એટલે પ્રામાણિક માણસને શોભે એવો તેમણે જવાબ આપ્યો હતો. તેમણે પ્રાંજળ કબૂલાત કરતાં મને કહ્યું કે મારી નવલકથાઓ દળદાર હોય છે એનું કારણ એ નથી કે કથાવસ્તુની એવી માગણી હોય છે, પણ એનું કારણ મારી અંદર રહેલો કસબનો અભાવ છે. ચિત્તનાં ઊંડાણમાં જઈને તેની નિબીડતા અને સંકુલતા મધુ રાય સો પાનાંમાં ઉઘાડી આપી શકે એ કહેવામાં મને ચારસો પાનાંની જરૂર પડે છે અને એ પછી પણ હું મધુ રાયની માફક તો કહી જ શકતો નથી.

અશ્વિનીભાઈ કહી ગયા છે કે જેટલો ઓછો કસબ એટલી દીર્ઘસૂત્રતા વધારે. આપણાં નાણાં પ્રધાન નિર્મલાબહેન સીતારામને પોણા ત્રણ કલાક લાંબુ બજેટ-ભાષણ આપ્યું એનું કારણ મધુ રાય જેવાના, એટલે અર્થાંતરે ડૉ. મનમોહન સિંહ કે પી. ચિદમ્બરમ જેવાના કસબનો અભાવ હતો. વિષય જ પકડમાં ન આવતો હોય ત્યારે તેને સમજાવવા માટે અનેક પ્રકારનાં શિર્ષાસનો કરવાં પડતાં હોય છે.

દીર્ઘસૂત્રતાનું આ એક કારણ છે. બીજું કારણ પ્રામાણિકતાનો અભાવ છે. કોઈ માણસ કોઈ ચીજ છૂપાવવા માગતો હોય અથવા લોકોને ભ્રમમાં નાખવા માગતો હોય ત્યારે તે કારણ વિના કે પૂછ્યા વિના લાંબા લાંબા ખુલાસાઓ કરવા માંડે. ચારે બાજુની વાતો એટલી બધી કરે કે તમને કોઈ વાતનો તાળો જ મળે નહીં અને જોડવા માગો તો છેડા જ મળે નહીં. વકીલો પણ અદાલતોમાં લાંબી લાંબી દલીલો કરે છે એની પાછળનો ઈરાદો પણ જજને ચકરાવામાં નાખવાનો હોય છે.

નિર્મલા સીતારામન પોણા ત્રણ કલાક બોલ્યાં પછી હાંફી ગયાં તે ત્યાં સુધી કે તેમને ચોકલેટ ખવડાવ્યાં પછી પણ તેઓ બોલી શક્યાં નહોતાં અને સ્પીકરને વિનંતી કરી હતી કે તેમનું બાકીનું ભાષણ વંચાયેલું જાહેર કરે. એક્વેરિયમમાં કાચની પેટીમાં માછલી જે રીતે ભ્રમણ કરે એના જેવું ભ્રમણ હતું. ભાષણ સાંભળનારાઓ ટી.વી. સામેથી ઊભા થઈ ગયા હતા. ડૉ. મનમોહન સિંહ અને પી. ચિદમ્બરમે કહ્યું છે કે તેઓ પણ લંબાણ અને દિશાહીનતાને કારણે કંટાળી ગયા હતા. પોણા ત્રણ કલાક લાંબા બજેટ-ભાષણને અત્યારે આખો દેશ ઉકેલવા મથી રહ્યો છે અને તેમાં જે સમય ખર્ચાઈ રહ્યો છે એ વધારામાં. નિર્મલા સીતારામનના બજેટમાં અણઆવડત અને બેઈમાની એમ બન્નેનો સમાવેશ થાય છે. તેમનું ભાષણ ઇતિહાસમાં સૌથી વધુ લાંબુ બજેટ-ભાષણ હતું એનાં આ બે કારણો છે.

અહીં ડૉ. મનમોહન સિંહનું ૧૯૯૧નાં વચગાળાના બજેટની અને ૧૯૯૨નાં સંપૂર્ણ બજેટની યાદ આવે છે. મને બરાબર યાદ છે કે ૧૯૯૨માં ભારતના નાણા પ્રધાન ડૉ. મનમોહનસ સિંહે તેમના બજેટ પ્રવચનમાં કહ્યું હતું કે શ્રેષ્ઠ અર્થશાસ્ત્ર એ જ શ્રેષ્ઠ રાજનીતિ છે. પ્રજાની સુખાકારી શાસનના કેન્દ્રમાં છે. પ્રજા સુખી હોય તો અસંતોષ પેદા ન થાય અને એ જ શાસકોનું રળતર છે. આ શબ્દો ડૉ. મનમોહન સિંહે ૧૯૯૨માં ઉચ્ચાર્યા હતા. તેમણે ૧૯૯૧માં અને ૧૯૯૨માં અંદાજે પોણા પોણા કલાકના બે બજેટ-ભાષણ આપ્યા હતા અને દેશનો ચહેરો બદલી નાખ્યો હતો. જેમને ક્યાં જવું છે એની જાણ છે, કેમ જવું એની સમજ છે એ લોકોને લાંબુ બોલવું નથી પડતું. ટૂંકમાં દીર્ઘસૂત્રતા એ અણઆવડત અને અપ્રામાણિકતાનું પરિણામ છે.

પ્રતાપ ભાનુ મહેતા આપણા મોટા ગજાના પબ્લિક ઈન્ટેલેકચ્યુઅલ છે. તેમણે બજેટ વિશે  ‘ઇન્ડિયન એક્સપ્રેસ’માં લખ્યું છે કે આર્થિક મોરચે સરકારે પરાજય સ્વીકારી લીધો છે. લાંબુ બચાવનામું, ગળે ન ઉતરે એવાં વચનો, કાચી મેળમાથા વિનાની યોજનાઓ અને કલ્યાણયોજનાઓ માટે રૂપિયા ક્યાંથી આવશે એ વિષે ચુપકીદીનું વલણ બતાવે છે કે સરકાર કોઈ નક્કર કદમ ઉઠાવી શકવાની સ્થિતિમાં નથી. પ્રતાપ ભાનુ મહેતાએ તેમના લેખનું શીર્ષક જ આપ્યું છે ‘એન એડમીશન ઓફ ડિફીટ’. હિન્દુત્વવાદીઓને જેનો ગર્વ છે એ પ્રાચીન સરસ્વતી-સિંધુ સભ્યતા ૨૧મી સદીનો આધુનિક ચહેરો ધારણ કરી શકે એમ નથી. 

********

આજકાલ ભારતના મુખ્ય ન્યાયમૂર્તિ પણ બહુ બોલે છે. ક્યારેક એમ થાય કે દેશના મુખ્ય ન્યાયમૂર્તિને બંધારણના સ્વરૂપ અને ભારતીય રાજ્ય વિષેની મૂળભૂત જાણકારી પણ નથી લાગતી. આવી વ્યક્તિ આટલે ઊંચે હોદ્દે પહોંચી કેવી રીતે? તેમનાં કથનો સાંભળીને ક્યારેક એવું લાગે કે તેમની અંદર ઉપદેશકે પ્રવેશ કર્યો છે કે શું? આનું કારણ છે ધર્મનો તકાદો અને એ ખાંડાની ધાર જેવો હોય છે. ભૂંડા દેખાવું નથી અને ધર્મનિષ્ઠ (ફરજના અર્થમાં) બનવા જેટલી કરોડરજ્જુ નથી એટલે કામની વાત છોડીને આડીઅવળી વાતો કરવી પડે છે અને જ્યારે કસોટીરૂપ પ્રશ્નને હાથ ધરવો જ પડે એમ હોય ત્યારે બને ત્યાં સુધી જે તે ઉપાય યોજીને તેનાથી બચી નીકળવા માગતા હોય.

તમને સબરીમાલા મંદિર વિશેનો સર્વોચ્ચ અદાલતનો ચુકાદો યાદ હશે. ૨૦૧૮ના સપ્ટેમ્બર મહિનામાં અદાલતે ચુકાદો આપ્યો હતો કે મંદિરમાં કોઈ પણ વયની સ્ત્રીને પ્રવેશતા રોકી શકાય નહીં. મંદિરની પરંપરા એવી છે કે દસથી ૫૦ વર્ષની ઉંમરની – રજસ્વલા હોઈ શકે એવી ઉંમરની – સ્ત્રી મંદિરમાં પ્રવેશી શકે નહીં. હવે પરંપરા મહાન કે બંધારણ? પરંપરાજન્ય ભેદભાવ સ્વીકારવાનો કે બંધારણજન્ય સમાનતા? સમૂહની લાગણીનું ધ્યાન રાખવાનું કે વ્યક્તિના અધિકારનું? આવા કેટલાક મૂળભૂત સવાલો આ મામલામાં જોડાયેલા હતા.

બન્યું એવું કે સર્વોચ્ચ અદાલતે સમાનતાના પક્ષે, બંધારણની સર્વોપરિતાના પક્ષે અને સમૂહની સામે વ્યક્તિના અધિકારના પક્ષે ચુકાદો તો આપ્યો પણ તેનો વિરોધ પણ એટલો જ થયો. અત્યારના કેન્દ્રના ગૃહ પ્રધાન અમિત શાહે બી.જે.પી.ના અધ્યક્ષ તરીકે જાહેરમાં કહ્યું હતું કે અમે ચુકાદો સ્વીકારવાના નથી, થાય એ કરી લો. દેખીતી રીતે અમિત શાહ અને તેમના જેવા બીજા અદાલતના ચુકાદાની અવમાનના કરનારાઓ સામે અદાલતનો તિરસ્કાર કરવાનો ખટલો ચાલવો જોઈતો હતો, પણ એ તો બહુ વધારે પડતી અપેક્ષા છે. ઊલટું હવે એ મહાશય કેન્દ્રના ગૃહ પ્રધાન છે.

સર્વોચ્ચ અદાલતના ચુકાદા સામે પુનર્વિચાર કરવાની માગણી કરનારી રીવ્યુ પીટીશન આવવાની જ હતી અને આવી પણ ખરી. મુખ્ય ન્યાયમૂર્તિ જાણે છે કે આજના યુગમાં ધાર્મિક ઉન્માદ સામે બંધારણ અને બંધારણનાં મૂલ્યોની સર્વોપરિતા સ્થાપવી કે રખેવાળી સુદ્ધાં કરવી એ ટેઢી ખીર છે. તો શું કરવું? કેવી રીતે જાન છોડાવવો? મુખ્ય ન્યાયમૂર્તિ બોબડેસાહેબે નવ જજોની બંધારણીય બેંચ રચી કાઢી અને તેને કહેવામાં આવ્યું કે બંધારણમાં ધાર્મિક અધિકારો વિશે જે કહેવામાં આવ્યું છે એને સાંગોપાંગ સમજવામાં આવે.

આ છટકબારી છે એ મુખ્ય ન્યાયમૂર્તિ સહિત બધા જ જાણે છે. નવ જજોની બંધારણીય બેંચ રચવાના મુખ્ય ન્યાયમૂર્તિના નિર્ણય સામે જાણીતા ધારાશાસ્ત્રી ફલી એસ. નરીમાને સવાલ કર્યો છે કે આની જરૂર જ શું છે? ધાર્મિક અધિકારો વિશે સ્પષ્ટતા કરતા સર્વોચ્ચ અદાલતના આગળના છ ચુકાદાઓ પડ્યા જ છે એ તપાસી લો. બીજું સબરીમાલા કેસમાં જ્યારે સુનાવણી ચાલતી હતી ત્યારે ધાર્મિક અધિકારો વિશે બંધારણ શું કહે છે અને તેનું શું અર્થઘટન થઈ શકે એ પણ કહેવામાં આવ્યું જ છે. સુનાવણી દરમ્યાન ઉપર કહ્યા એ છ ચુકાદાઓ ટાંકવામાં આવ્યા જ છે.

બીજા એક મોટા ગજાના ધારાશાસ્ત્રી અનિલ દીવાને કહ્યું છે કે વ્યક્તિના ધાર્મિક અધિકારો વિષે વિશાળ બેંચનો બંધારણીય રેફરન્સ લેવો જ હતો તો જ્યારે સબરીમાલા કેસની સુનાવણી ચાલતી હતી ત્યારે લેવો જોઈતો હતો. રીવ્યુ પીટીશન વખતે વિશાળ બેંચનો રેફરન્સ લેવાનો રીવાજ નથી અને એ અનૈતિક છે. આનો અર્થ તો એ થયો કે મૂળ ખટલો સાંભળનારા જજોએ બંધારણ શું કહે છે એ તરફ ધ્યાન આપ્યું નહોતું.

આવા બે ટોચના ધારાશાસ્ત્રીઓના અભિપ્રાય પછી મુખ્ય ન્યાયમૂર્તિએ કહ્યું છે કે હા, વાતમાં દમ તો છે જ. વાત એમ છે કે જે વાત ફલી નરીમાન અને અનિલ દીવાન જાણે છે એ મુખ્ય ન્યાયમૂર્તિ નહોતા જાણતા? જાણતા હતા. બધું જ જાણે છે. આ તો મુસીબતની ટોપલી ખીંટીએ લટકાવવાની કસરત છે. ધકેલો આગળ જેમ નિર્મલા સીતારામને આર્થિક સંકટને આગળ ધકેલ્યું છે. નિર્મલા સીતારામનમાં નથી આવડત, નથી પ્રામાણિકતા અને નથી હિંમત; પણ મુખ્ય ન્યાયમૂર્તિ જાણકારી તો ધરાવે છે, બાકીની બે ચીજ ધરાવતા નથી અને તેને છૂપાવવા તેઓ ખૂબ બોલે છે. એક્વેરિયમની કાચની પેટીમાં ફરતી માછલીની જેમ.

ફલી નરીમાન અને અનિલ દીવાનના વાંધાને કારણે એક ચીજ સારી થઈ છે. ઘણું કરીને, હું કહું છું ઘણું કરીને; બાકી કાંઈ કહી શકાય નહીં, સી.એ.એ.-એન.આર.પી.-એન.સી.આર.ના કેસમાં મુખ્ય ન્યાયમૂર્તિ નાગરિકતા વિશે બંધારણ શું કહે છે એનો રેફરન્સ વિશાળ બંધારણીય બેંચ પાસેથી નહીં માગે. અત્યાર સુધી ડર હતો કે એ પ્રશ્નને પણ રેફરન્સ માગીને ખીંટીએ ચડાવી દેવાશે.

આ દેશમાં અત્યારે દરેક માણસની કસોટી થઈ રહી છે. શબ્દ ધ્યાનબહાર ન જવો જોઈએ; દરેક માણસની, આય રીપીટ માણસની. તમારી અંદર પણ જો ‘હિંદુ’ બેઠો હશે તો ‘હિંદુ’ અને ‘માણસ’ વચ્ચે દ્વન્દ્વયુદ્ધ ચાલતું હશે. કોને મારવો અને કોને જીવતો રાખવો, કોને કલોરોફોર્મ સુંઘાડીને સુવડાવી દેવો અને કોને જાગતો રાખવો. ખરું કે નહીં? દિલ પર હાથ રાખીને જવાબ શોધી કાઢો. 

પ્રગટ : ‘વાત પાછળની વાત’, નામક લેખકની કટાર, “ગુજરાતમિત્ર”, 06  ફેબ્રુઆરી 2020

Loading

ઘેલી વસંત આવી રે …

નંદિની ત્રિવેદી|Opinion - Opinion|6 February 2020

હૈયાને દરબાર

આનંદ કેરી લહેરે જાણે હસી ઉઠ્યો કિરતાર
વેર્યાં ફૂલડાં અપરંપાર
ઘેલી વસંત આવી રે … ઘેલી વસંત આવી રે!

ધરતીમાની લાડકડીની થઇ ચોમેર વધાઇ
કરિયાવરના લીલાં પટોળાં રહ્યાં બધે પથરાઇ
પંખીડાની સ્વાગત રાગે ગૂંજી ઊઠી શરણાઇ
ટહુકે કોયલ સૂર લગાવી,
ઘેલી વસંત આવી રે …
… આનંદ કેરી લહેરે

ભીક્ષા યાચે ફૂલડે ફૂલડે ફરીને ભમરો ન્યારો
પાંખે વાગે ભિખારી કેરો ગુન ગુન ગુન એકતારો
દેતી જ્યાં ત્યાં પાન પાનમાં મસ્તીનો તડકારો
એવું દાન અનેરું લાવી,
ઘેલી વસંત આવી રે …
… આનંદ કેરી લહેરે
મધુર એને પગલે પગલે ગુંજે રૂમઝુમ ભાષા
સૂણી સુતેલા અંતર જાગે છુપી અનોખી આશા
સર્જનહાર ઉમંગે આજે રંગીન રચે તમાશા
નાચે છે નટરાજ નચાવી,
ઘેલી વસંત આવી રે …
… આનંદ કેરી લહેરે

ગરબો લેતા ઘમ્મર ઘુમે રાત દિવસ રઢિયાળા
વર્ષ તણી પટરાણી કાજે સુંદર ગૂંથે માળા
જીવન સાગરમાં છલકાતા રસના ધોધ રૂપાળા
આજ નિરંતર ઉર બહાવી,
ઘેલી વસંત આવી રે …
… આનંદ કેરી લહેરે

•   ગીત-સંગીત : નિનુ મઝુમદાર   •   સ્વર : ઉદય મઝુમદાર, રેખા ત્રિવેદી

http://tahuko.com/?p=721

——————-

સાલ ૨૦૦૦. તારીખ ત્રણ માર્ચ. વિલેપાર્લેના સરોજિની રોડ પરના પ્રદીપ બિલ્ડિંગના પટાંગણમાં એક દેહ નિશ્ચેત પડ્યો છે. સગાં-સ્નેહીઓ, મિત્રો, ચાહકો-પ્રશંસકોથી ઘેરાયેલા એ દેદીપ્યમાન દેહને એક સંગીતચાહક તરીકે વંદન કરું છું. એ દિવસે ત્યાં ગઈ હતી તો પત્રકારને નાતે, સંગીતકારની શ્રદ્ધાંજલિનો રિપોર્ટ લેવા. પરંતુ, આખા સંગીત પરિવારને એક સાથે મળવાનો આ પહેલો પ્રસંગ હતો. જેમનાં ગીતો રેડિયો પર સાંભળીને હું મોટી થઈ હતી એ પ્રિય સંગીતકાર નિનુ મઝુમદારનું મારું એ પહેલું અને છેલ્લું દર્શન! એમને હયાતીમાં મળવાનું ન બન્યું એ રંજ હજુ ય છે.

કવિ જવાહર બક્ષીએ નિનુ મઝુમદારના પુત્ર ઉદય મઝુમદારની ઓળખાણ કરાવી હતી અને ઉદય મઝુમદારે માતા કૌમુદી મુનશી તથા એમની ત્રણ બહેનો રાજુલ મહેતા, સોનલ શુક્લ, મીનળ પટેલનો પરિચય કરાવ્યો. ત્યારની ઘડી અને આજનો ’દિ, આખા પરિવાર સાથે મૈત્રી સંબંધ કેળવાયો અને ઉત્તરોત્તર ઘનિષ્ઠ થતો ગયો. પછી તો અવારનવાર નિનુભાઈ-કૌમુદીબહેનને ઘરે જવાનું થાય ત્યારે સંગીતનો પટારો ખૂલે. ઉદયભાઈ ક્યારેક પિતા નિનુભાઈનાં અદ્ભુત ગીતો સંભળાવે તો ક્યારેક પોતાનાં નવાં સ્વરાંકનની લ્હાણી પીરસે. વચ્ચે વચ્ચે કૌમુદી બહેનની આગતા સ્વાગતા તો ખરી જ. કંઈક નવી વાનગી બનાવી હોય એ ચખાડે અથવા તો ક્યારેક પોતે ય સંગીતના પ્રવાહમાં ખેંચાઈને મનગમતી ઠુમરી, દાદરા કે કોઈક લોકગીત સંભળાવે.

હજી ગત ત્રીજી ફેબ્રુઆરીએ જ કૌમુદી મુનશીએ ૯૧ વર્ષ પૂરાં કર્યાં. ૯૧ વર્ષે ૧૯ વર્ષ જેટલી તાજગી અને સ્ફૂર્તિ ધરાવતાં આ ‘નાઈટિંન્ગલ ઑફ ગુજરાત’ની સરપ્રાઇઝ બર્થ ડે પાર્ટીમાં કૌમુદી મુનશીની સંગીતયાત્રા સાથે નિનુ મઝુમદારનાં સંગીત પ્રદાનની વાત ચાલતી હતી ત્યારે આજનું આ ગીત મને ખાસ યાદ આવ્યું હતું. વસંત ઋતુએ આગમનની છડી પોકારી હોય ત્યારે આ ગીતનું સ્મરણ થયા વિના રહે?

આનંદ કેરી લહેરે જાણે હસી ઉઠ્યો કિરતાર
વેર્યાં ફૂલડાં અપરંપાર,
ઘેલી વસંત આવી રે … ઘેલી વસંત આવી રે!

પંખીઓએ કલશોર કર્યો જેવા અત્યંત લોકપ્રિય ગીતથી લઈને વૃંદાવન વાટે સખી જાતાં ડર લાગે જેવા નિતાંત શાસ્ત્રીય ગીત તેમ જ સત સૃષ્ટિ તાંડવ રચયિતા જેવા પૂર્ણપણે તાલગીત સુધીની રેન્જ ધરાવતા નિનુ મઝુમદાર કાવ્ય, સંગીત અને ગાયન આ ત્રણેયમાં માહેર હોવાથી અવિનાશ વ્યાસે એમને ‘બીલીપત્ર’નું બિરુદ આપ્યું હતું. તેઓ નાટ્ય દિગ્દર્શન તથા અભિનય પણ કરતા હતા. સંસ્કૃત, વ્રજ, મૈથિલી, ભોજપુરી, અવધી, બંગાળી તેમ જ ગુજરાતી સાહિત્યના અભ્યાસ ઉપરાંત સંગીતમાં ગુજરાત, સૌરાષ્ટ્ર, ઉત્તર પ્રદેશ તથા બંગાળનું લોકસંગીત, રવીન્દ્ર સંગીત અને રાગદારીનો પણ અભ્યાસ. રાજ કપૂરની આરંભિક ફિલ્મો ‘જેલયાત્રા’ તથા ‘ગોપીનાથ’માં સંગીત આપ્યું હતું. ફિલ્મ ‘ગોપીનાથ’ના ગીત આઈ ગોરી રાધિકા … પરથી જ રાજ કપૂરે ફિલ્મ સત્યમ શિવમ સુંદરમમાં યશોમતી મૈયા સે બોલે નંદલાલા…માં એ જ ધૂન લેવાનો આગ્રહ રાખ્યો હતો. લગભગ બધા જ અગ્રગણ્ય કલાકારોએ નિનુભાઈના સંગીત નિર્દેશનમાં ગાયું છે. એમની ૭૫મી વર્ષગાંઠે સંગીતના કાર્યક્રમ સાથે રૂ. ૭૫,૦૦૦ની થેલી અર્પણ કરવાનો કોઈકે પ્રસ્તાવ મૂક્યો તો એમણે ધરાર ના પાડી દીધી હતી. કહે, વાહવાહી સાથે નાણાં? મારે બેમાંથી કંઈ જોઈએ નહીં. આવા એ અલખ નિરંજન (એમનું મૂળ નામ નિરંજન મઝુમદાર) અલગારી હતા. એમના યાદગાર રેડિયો રૂપકો ‘સીતાયણ’ તથા ‘ગંગાવતરણ’ને લોકો હજી યાદ કરે છે. સીતાયણના લગભગ ૮૦ કાર્યક્રમોમાં તબલાં સંગત કરી ચૂકેલા હેમાંગ વ્યાસે બહુ યોગ્ય વાત કહી કે નિનુભાઈનાં ગીતોમાં લય ગીતની અંદર જ સમાયેલો છે. સત સૃષ્ટિ તાંડવ ગીત હોય, રક્ષા કરો જગદંબા, ઉગમણેથી કારવાં ચાલી કે પછી ઘેલી વસંત આવી રે … ગીત હોય, લય આપોઆપ એની જગ્યા કરી લે છે.

ઉદય મઝુમદાર તથા રેખા ત્રિવેદીએ ગાયેલું ગીત ઘેલી વસંત આવી રે…માં વાદ્યસંગીત પ્રભાવક છે. આ ગીત હિન્દી ફિલ્મના લાજવાબ ગીત કુહૂ કુહૂ બોલે કોયલિયાની યાદ અપાવે એવું મધુર અને કર્ણપ્રિય છે. મહદ્દઅંશે રાગ બસંત અને સોહની પર આધારિત આ ગીતના શબ્દો પણ વસંતનું દ્રશ્ય આબેહૂબ ખડું કરી આપે છે. કુહૂ કુહૂની જેમ આ ગીતમાં પણ રાગ વૈવિધ્ય છે.

પૂર્ણ થઇ શીતલ રજની, ને શુષ્ક નિયમનો અંત જડ્યો,
વનવનમાં ઉત્સવ કરવા, મદમસ્ત રજાનો ઘંટ પડ્યો,
ને છૂટ્યો વાયરો દક્ષિણથી, કિલ્લોલ કરતો આજે
ડોલ્યા તરુવરને ડોલી વલ્લરી, નવ પલ્લવથી સાજે …!

સુંદર મજાની ઉપમા-અલંકારો સાથેના આ ગીતનું સંગીત અને શબ્દો બેમિસાલ છે!

ઉદય મઝુમદાર અને રેખા ત્રિવેદીના સ્વરમાં આ શબ્દો સાથે જ્યારે આ ગીત શરૂ થાય, ત્યારે કોઇ પણ ઋતુમાં વસંતનું વાતાવરણ ઊભું કરી શકે છે. જેટલીવાર સાંભળો, એટલીવાર વધુ ને વધુ ગમી જાય એવું સુંદર ગીત.

આ ગીત સુપ્રસિદ્ધ શાસ્ત્રીય ગાયિકા અશ્વિની ભીડે દેશપાંડેએ પણ ગાયું છે એ ગૌરવ લેવા જેવી વાત છે. ભાભા એટમિક રિસર્ચ સેન્ટરમાંથી બાયોકેમિસ્ટ્રીમાં ડોક્ટરેટ કરનાર અશ્વિની ભીડે દેશપાંડેએ આ ગુજરાતી ગીત અનોખા ગરબા યોજતી મુંબઈની જાણીતી સંસ્થા ‘કલાસંગમ’ના ગરબા માટે ઉદય મઝુમદાર સાથે ગાયું હતું અને લોકચાહના પામ્યું હતું. અશ્વિનીજીના અવાજમાં પણ આ ગીત સાંભળવા જેવું છે. કાર્યક્રમોમાં ઉદય-રેખાની જોડી આ ગીત રજૂ કરે છે.

ઉદય મઝુમદાર આ ગીત વિશે કહે છે કે, "આ ગીત એના સ્વરાંકન અને લયને લીધે અમે જ્યાં ગાયું છે ત્યાં લોકપ્રિય થયું છે. અમદાવાદના એક પ્રતિષ્ઠિત કાર્યક્રમમાં અનેક ગીતો પ્રસ્તુત થયાં હતાં પણ છાપાંની હેડલાઇન આ ગીત જ બન્યું હતું. મારા પિતા નિનુ મઝુમદારે વૈવિધ્યસભર ગીતો રચ્યાં છે એ આપણા સૌ માટે ગૌરવપૂર્ણ હકીકત છે. દૂરદર્શન પર વર્ષો પહેલાં મારો અને રજત ધોળકિયાનો ઈન્ટરવ્યૂ આવ્યો હતો એ જોઈને અવિનાશ વ્યાસે મારા પિતાજીને ફોન કરીને અભિનંદન આપ્યા હતા કે તારો દીકરો તારો વારસો સાચવશે. અતિ વ્યસ્ત સંગીતકાર અવિનાશ વ્યાસે એ મુલાકાત જોઈ અને પ્રતિભાવ આપ્યો એ ઘણી મોટી વાત હતી મારે માટે. પપ્પાનું આ ગીત ગાવાની ખરેખર મજા આવે છે કારણકે ગીતમાં વસંતની તાજગી છે અને પ્રકૃતિનો લય છે.

કોઇ ગીત તમને એના શબ્દોને લીધે ગમી જાય, કોઇ એના સંગીત કે પછી કોઇ ગાયકીને લીધે. પણ આ ગીતમાં ત્રણેયનું મજેદાર સંયોજન છે.

આ ગીતની દરેકે દરેક કડીમાં કવિએ વસંતને એવી અલગ અલગ ઉપમાઓ આપી છે કે કવિની કલ્પનાને સલામ કરવી જ પડે. પછી એ કરિયાવરનાં લીલાં પટોળાં હોય, ભીક્ષા માંગતા ભમરાનો ગુન ગુન કરતો એકતારો કે રાત-દિવસનો ગરબો. વસંતનો ઉત્સવ ઉજવતા માનસપટ પર દરેક કડી એક અલગ જ ચિત્ર ઊભું કરી દે છે.

શાસ્ત્રીય સ્પર્શ ધરાવતા આ ગીતનું સંગીત તથા વાદ્ય અરેન્જમેન્ટ ધ્યાનાકર્ષક છે. આખા ગીતમાં વાગતા તબલાં, સિતાર અને ખંજરી ખાસ ધ્યાન ખેંચે છે. નાચે છે નટરાજ નચાવી. આ કડી પછી જે ફક્ત તબલાં વાગે છે, એ સાંભળીને તો જાણે નાચવાનું મન થઇ જાય!

ઉદય મઝુમદાર-રેખા ત્રિવેદીની જોડીનો કંઠ ગીતને યથોચિત ઊંચાઈ આપે છે. બે ગાયકો વચ્ચે જ્યારે આવો સરસ તાલ-મેલ હોય, ત્યારે એ ડ્યુએટ ગીતની મજા જ નિરાળી હોય છે.

યુટ્યુબ ઉપર આ ગીત તમે સાંભળજો. રોમે રોમમાં વસંત વ્યાપી જશે.

———————–

સૌજન્ય : ‘લાડકી’ પૂર્તિ, “મુંબઈ સમાચાર”, 06 ફેબ્રુઆરી 2020

http://www.bombaysamachar.com/frmStoryShowA.aspx?sNo=621065

Loading

...102030...2,5862,5872,5882,589...2,6002,6102,620...

Search by

Opinion

  • એક ‘રાની પંખીડું’ જિતુભાઈ પ્ર. મહેતા
  • આગળ જુઓ, નહીં તો પાછળ રહી જશો : બેન્જામિન ફ્રેન્કલિન
  • રળિયામણું, રંગીલું રાજકોટ ???
  • માણસ કૂતરાને કરડે એવા વિચિત્ર સમાચારોનું આચમન
  • શિક્ષકો કૂતરાં ગણવાના હોય તો પણ, કૂતરાં શિક્ષકોને નહીં ગણકારે …

Diaspora

  • છ વર્ષનો લંડન નિવાસ
  • દીપક બારડોલીકરની પુણ્યતિથિએ એમની આત્મકથા(ઉત્તરાર્ધ)ની ચંદ્રકાન્ત બક્ષીએ લખેલી પ્રસ્તાવના.
  • ગાંધીને જાણવા, સમજવાની વાટ
  • કેવળ દવાથી રોગ અમારો નહીં મટે …
  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !

Gandhiana

  • ગાંધી ‘મોહન’માંથી ‘મહાત્મા’ બન્યા, અને આપણે?
  • ગાંધીહત્યાના પડઘા: ગોડસેથી ગોળવલકર સુધી …
  • ગાંધીની હત્યા કોણે કરી, નાથુરામ ગોડસેએ કે ……? 
  • ગાંધીસાહિત્યનું ઘરેણું ‘જીવનનું પરોઢ’ હવે અંગ્રેજીમાં …
  • સરદાર પટેલ–જવાહરલાલ નેહરુ પત્રવ્યવહાર

Poetry

  • મુખોમુખ
  • ગઝલ – 1/2
  • સખીરી તારો એ હૂંફાળો સંગાથ …
  • વસંતાગમન …
  • એ પછી સૌના ‘આશિષ’ ફળે એમ છે.

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved