Opinion Magazine
Number of visits: 9683254
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

લવકુશ ઘટના, શાહીન બાગની સાખે

પ્રકાશ ન. શાહ|Opinion - Opinion|14 February 2020

સાવધાન, દિલ્હીમાં મુઘલ રાજ આવી રહ્યું છે, એવા જેહાદી યુદ્ધનાદ સાથે ભા.જ.પે. જમાવેલ માહોલ વચ્ચે દિલ્હી વિધાનસભાની ચૂંટણી ૧૧મી ફેબ્રુઆરીએ (દીનદયાલ સંવત્સરીએ) ૨૦૧૪-૧૫ની જેમ આ વખતે પણ એક એવું પરિણામ લઈને આવી જેને તમે ભા.જ.પ.ને ઇષ્ટ અશ્વમેધ સિદ્ધિ સામે વળી એક વાર લવકુશ ઘટના રૂપે જોઈ શકો. આમ તો, મતદાનમાં સાધારણપણે તમારો કાર્યદેખાવ તેમ જ ઍન્ટિ-ઇન્કમબન્સી જેવાં વાનાં લક્ષમાં લઈ પરિણામની શક્યતાઓ વિચારાતી હોય છે, પરંતુ કેજરીવાલે (આપે) જો પ્રત્યક્ષ કાર્યદેખાવ પર આક્રમક તેવરથી ભાર મૂકી પ્રચાર કર્યો તો ભા.જ.પ.ને જડી રહેલું નવું રામ રમકડું શાહીનબાગ હતું. જો કે, આપમાં લવકુશ જોઈએ તે સાથે ભા.જ.પ.માં રામરાજ્ય જોવાની એક પરિસ્થિતિ પેદા થાય છે, પણ તે વિશે ઘડીક રહીને.

જ્યાં સુધી નાગરિક સમાજનો સવાલ છે, સંવિધાન અને તિરંગાની સાથે દિલ્હીમાં જ નહીં, પણ દેશમાં ઠેકઠેકાણે ઊભરેલ સ્વયંસ્ફૂર્ત શાહીન બાગો અવશ્ય એક મોટી ઘટના છે. પરંપરાગત મુસ્લિમ નેતાગીરી કરતાં સવિશેષ તો મહિલાપહેલ એની પૂંઠે છે, અને આ જમાવટની માંગ પણ કોઈ કોમી / મજહબી ધોરણે મર્યાદિત નહીં એવા પૂરા કદની નાગરિકતાને ધોરણે છે. એક રીતે, ભાગલા વખતે જે તૂટી ગયેલો તાંતણો જોડવાની કોશિશ ગાંધી-નેહરુ-પટેલ-આઝાદની હતી – અને આંબેડકરની પહેલકારીમાં રાષ્ટ્રીય નેતૃત્વે જે દિશામાં બંધારણીય એકંદરમતી સરજી હતી – એનું અનુસંધાન શાહીન બાગ મિજાજમાં માલૂમ પડે છે. ઊલટ પક્ષે, પ્રત્યક્ષ કાર્યદેખાવમાં શૂન્ય જેવા ભા.જ.પે. આ મિજાજને કેમ જાણે તે કોઈ કોમી (કૉમ્યુનલ) ઉઠાવ માત્ર હોય એ રીતે એના પર આક્રમક પ્રહારાત્મક જ નહીં પણ કમરપટ્ટા તળેની દલીલોનો મારો ચલાવ્યો. પ્રત્યક્ષ કાર્યદેખાવની ઐસીતૈસી પણ કથિત રાષ્ટ્રવાદનો રણધ્વનિ નાગરિકના કાન બહેર મારી જાય એ હદે (અને તે પણ સત્યાસત્યવિવેક વગર) એ ભા.જ.પ.ની રૂખ આ દિવસોમાં રહી.

૨૦૧૪માં ગમે તેમ પણ વિકાસનું અંજીરપાંદ (ફિગલીફ) જાળવવાની વ્યૂહકારી હતી. પણ હમણેના ગાળામાં ખુલ્લંખુલ્લા આક્રમક કોમી તેવર (સામે પડે તે પાકિસ્તાની એ તરજ પર જ) ભા.જ.પ.ની વડી ઓળખ લેખે આ ચૂંટણીપ્રચારમાં તો ખાસ ઊપસ્યા. એની સામે પ્રજાની રોજિંદી જીવનજરૂરત – ખાસ તો, વીજળી, પાણી, શિક્ષણ અને સ્વાસ્થ્ય પરના ભાર સાથે, કહો કે કેવળ અને કેવળ ગવર્નન્સને ધોરણે ચૂંટણીમાં દરમિયાન થવું એ કેજરીવાલ અને આપનો નાગરિક રવૈયો રહ્યો. આ સંદર્ભમાં, ભા.જ.પી. હુકમના એક્કા જેવા શાહીન બાગ મુદ્દે કેજરીવાલ અને સાથીઓએ ખપપૂરતું બોલી એકંદરે કિનારો કરવાનું વલણ લીધું, કેમ કે કાર્યદેખાવ પર કોમી પ્રચારને હાવી થવાનો મોકો તેઓ આપવા માગતા નહોતા.

એક તાત્કાલિક વ્યૂહ તરીકે આપના આ અભિગમનું ઔચિત્ય પ્રમાણીએ તો પણ લાંબા ગાળાના પરિપ્રેક્ષ્ય રૂપે તે બાબતે ગંભીર તપાસ અને પ્રજાકીય આત્ખોજ કરવાપણું સાફ છે. કેજરીવાલ અને સાથીઓને વિવેકસર પણ જરી ઊંચે સાદે જે એક સવાલ આપણે પૂછવા જેવો હતો અને છે, તે એ છે કે તમારા કાર્યદેખાવને સલામ, પણ વિચારધારાને ધોરણે તમે ક્યાં ય ઊભા છો એ અંગે ક્યારે ખોંખારાભેર બોલશો. આખા કેજરીવાલ મંત્રીમંડળમાંથી એકમાત્ર મનીષ સિસોદિયા (અને તે પણ કદાચ એક જ વાર) અસંદિગ્ધ શબ્દોમાં બોલ્યા હતા કે શાહીન બાગનો મુદ્દો અને માંગ સાચાં છે અને એને મારું સમર્થન છે. મતગણતરીમાં પોતે હારતા હોય એવો જે એક તબક્કો આવી ગયો ત્યારે આ વિધાન ન કરવું ઠીક રહ્યું હોત એવી પણ એમની સાહેદી છે.

શીલા દીક્ષિતના કાર્યકાળ પછીની ત્રણેત્રણ ચૂંટણીમાં લક્ષમાં આવતું એક જાડું અવલોકન અહીં પ્રસ્તુત છે. અને તે એ કે કેજરીવાલ અને મોદી વચ્ચે દિલ્હીના સરેરાશ મતદારને પક્ષે કોઈ મૂલ્યવિવેક કદાચ નથી; કેમ કે એને શિક્ષણ-સ્વાસ્થ્ય આદિની અપીલ છે, તેમ કથિત રાષ્ટ્રવાદને અંગે પણ તીવ્રતા છે. એટલે કેજરીવાલની સૂચિત અને સંભવિત ફતેહ પછી અને છતાં દેશજનતાની વિકલ્પભૂખ જે પણ સંતોષાશે, એમાં વાસ્તવ અને આભાસની અજબ જેવી મિલાવટ હશે. જળ અને મૃગજળ વચ્ચે હોઈ શકે એ હદે નહીં તો પણ એમાં કશુંક ખૂટતું, કંઈક અંતર જેવું હશે, જરૂર.

આપ પ્રકારનાં આશાસ્પદપણે ઊભરેલાં પરિબળોને હાલ ચાલી રહેલી ઇતિહાસપ્રક્રિયાની રગ અને ગમ કંઈક તીવ્રપણે હોવી જોઈએ : દેશનો નોંધપાત્ર મુસ્લિમ તબકો સ્વરાજ (વિભાજન) આગમચ થોડાં વરસ અગાઉના રાજકારણથી હટીને પ્રજાસત્તાક સ્વરાજને ધોરણે બિનસાંપ્રદાયિક રાષ્ટ્રકારણ ભણી ઢળી અને વળી રહ્યો છે. એક સમય હતો જ્યારે ગાંધી-નેહરુ-પટેલ-આઝાદ પર મુસ્લિમ લીગનો આરોપ હતો કે તમે હિંદુતરફી છો. બીજી બાજુ, આ જ નેતાઓને સંઘપરિવારના તેમ હિંદુમહાસભાના ત્યારના અગ્રજો મુસ્લિમ તરફી ચીતરતા હતા. આમ તો, અત્યારે ભા.જ.પ. પોતાના ટીકાકારોને (જેમ કે, શાહીન બાગ સ્કૂલને) મુઘલયુગ તરીકે ધરાર ઓળખાવે છે, કંઈક એવો જ કિસ્સો એ હતો.

યાદ આવે છે, ગુજરાતના મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી ગાંધીનગર બેઠે ‘દિલ્હી સલ્તનત’ની ભાષામાં બોલતા હતા. મનમોહન સિંહના નેતૃત્વવાળી સરકાર સાથે દેશની એકતામંડિત સમવાયી નાતાને સ્વીકારતી નહીં પણ પડકારતી ભૂમિકા એમની હતી. આવી જ જેહાદી માનસિકતા કથિત સામેવાળા સામે આ ચૂંટણીમાં શીર્ષ-સત્તાવર્તુળો મારફતે પ્રગટ થતી માલૂમ પડી. કેન્દ્રીય મંત્રી ‘ગોલી મારો’ પ્રકારનાં સૂત્રો પ્રેરે એને અંગે ચૂંટણીપંચે થોડીક પ્રચારબંધીનું ઠપકાત્મક વલણ જરૂર લીધું, પણ આવા વિષાક્ત ઉશ્કેરણીજનક ભાષણ સામે એફ.આઈ.આર. નોંધાવવાનું એને ન સૂઝ્‌યું. એકંદરે સરજાયેલું દૃશ્ય ઘોડા નાસી છૂટ્યા પછી તબેલે તાળાં મારવા સરખું હતું. પ્રજ્ઞા ઠાકુરને હું ગાંધીજી અંગેનાં એમનાં વિધાનો માટે માફ નહીં કરી શકું એવા ઉદ્‌ગારો પછી પણ વડાપ્રધાન આવા અન્ય પ્રસંગોએ મોડેથી (અને તે પણ એકાદ વાર ફક્ત) બોલીને નિજમાં નિમગ્ન પેશ આવે એ રાબેતો આ દિવસોમાં પણ જોવા મળ્યો. વિકાસ કે વાસ્તવિક કામગીરીથી નિરપેક્ષપણે કેવળ કોમી ઉશ્કેરણીગત મતસંચય આ પક્ષને ફાવતો આવ્યો.

એની સામે દેશમાં શાહીન બાગ નિમિત્તે નાગરિક (સિવિક) કે બંધારણીય (કૉન્સ્ટિટ્યૂશનલ) રાષ્ટ્રવાદની જે ભૂમિકા બંધાતી આવે છે એની સક્રિય કદરબૂજ વગર આપની ફતેહ ઊણીઅલૂણી બની રહેશે. અહીં અલબત્ત પ્રચારના છેલ્લા દોરમાં આપે રાષ્ટ્રનિર્માણ પર મૂકેલા ભાર અને રાષ્ટ્રભક્તિના સિલેબસ-સમાસની જાહેરાતની નોંધ લેવી જોઈએ. લોકોનાં કામ કરવાં, સેવા કરવી એ રાષ્ટ્રભક્તિ છે એવું પણ આપ-વચન પણ હમણેના દિવસોમાં જરી મુખરપણે શીર્ષસ્તરેથી સાંભળવા મળ્યું છે એ સાચું; પણ તેમાંથી પેકેજિંગની બૂ ઉઠે છે કે સાચમાચ છે એ નક્કી કરવા માટે થોડી રાહ જોવી રહેશે. મુદ્દે, નીચે કેજરીવાલ અને ઉપર મોદી એવી જે સમજ છેલ્લાં વરસોમાં દિલ્હીના એકંદર મતદાર માનસમાં રૂઢપ્રતિષ્ઠ હોવાનું સમજાય છે એની મૂર્છા કેમની વળશે એ પાયાનો પ્રશ્ન છે. પક્ષબાંધણી અને વિચારધારા પરત્વે નર્યાનકરા ટેક્‌નોક્રેટ પ્રશાન્તકિશોર જેમ બધી છાવણીને વારાફરતી સેવા આપે છે એ પ્રકારના ન્યૂ નૉર્મલમાં આપણી વિકલ્પખોજનો જવાબ નથી તે નથી.

ભા.જ.પ.ના કથિત રામ સાથે આપ એના મતદારોમાં રામને દેખીતા પડકાર સાથે પણ હનુમાનવત્‌ સત્તાભાગી તરીકે ઉભરી શકે એવું તો ન થવું જોઈએ. જયપ્રકાશના આંદોલન સાથે નવયુવા નાગરિક પરિબળોની જોડાજોડ જાહેર જીવન અને રાજકીય પ્રથામાં સંઘ સ્વીકૃતિ બની એ હકીકત છે. કૉંગ્રેસે તરુણ ર્તૂર્ક ચંદ્રશેખર અને સાથીઓના આગ્રહી સૂચન મુજબ જે.પી. સાથે સંવાદનો રાહ ન લીધો, ન તો તે પછી કટોકટી તબક્કે હાડના કૉંગ્રેસજનો ઈંદિરા કૉંગ્રેસમાં અવાજ ઉઠાવી શક્યા. તેથી આ નવયુવા પરિબળોની જોડાજોડ જનતાપક્ષના જનસંઘ ઘટક રૂપે સંઘ પરિવારની એક જગ્યા જરૂર બની. આગળ ચાલતાં અણ્ણા આંદોલનની ઉદ્યુક્તિ સાથે વળી નવયુવા પરિબળો અને સંઘ પરિવારની ઓર સ્વીકૃતિ બની. અરવિંદ કેજરીવાલ અને નરેન્દ્ર મોદી, જુદા રાજકીય ગોત્ર છતાં અણ્ણા આંદોલનના જ (ભલે છેડાફાડ છતાં) લાભાર્થી છે. સ્વાતંત્ર્ય સંગ્રામ અને જે.પી. આંદોલનના અનુસંધાનમાં આપ વાટે નવેસર આગળ જવાની શક્યતાને યોગેન્દ્ર યાદવ, પ્રશાંત ભૂષણ આદિની હકાલપટ્ટીથી મોચ લાગી અને મોડ પણ બદલાઈ ગયો.

અલબત્ત, ટાઈમ્સે મથાળેથી પોકારીને ઠીક જ કહ્યું કે આપની હૅટ્રિક(લાગટ ત્રીજી વારકી ફતેહ)નો ભા.જ.પી. હૅઈટ-ટ્રીક (ધિક્કાર પ્રયુક્તિ) પરની સરસાઈનો આ અવસર છે. કથિત લવકુશ ઘટના થકી કંઈક આશ્વસ્તતા અને આનંદ સાથે, રૂપાળું છોકરું નજરાઈ ન જાય એવા વાત્સલ્યે પ્રેરિત કાળી ટીપકી જેવી આ કેવિયટનુમા ટિપ્પણી … કાશ, એ અને શાહીન બાગ મિજાજ પરસ્પર અવિનાભાવ વિલસી શકે!

ફેબ્રુઆરી ૧૨, ૨૦૨૦

સૌજન્ય : “નિરીક્ષક”, 16 ફેબ્રુઆરી 2020; પૃ. 01 તેમ જ 14

Loading

શાહીનબાગ ખાતે એક સાંજ

મીનાક્ષી જોષી|Opinion - Opinion|14 February 2020

તાજેતરનાં દિલ્હીનાં પરિણામો અને પ્રચારમાં શાહીનબાગ છવાયેલું રહ્યું. આ શાહીનબાગ દિલ્હીથી નોઇડા જવાના રસ્તા ઉપર આવેલું છે. દિલ્હીમાં ઘણાં બાગ છે એમાં આ શાહીનબાગ પણ છે. આ શાહીનબાગ ખાતે નાગરિકતા સંશોધન કાયદા(સિટિઝનશીપ એમેન્ડમેન્ટ એક્ટ – CAA)ના વિરોધમાં મહિલાઓ ૧૫ ડિસેમ્બર, ૨૦૧૯થી ૨૪ x ૭ ધરણાં પર બેઠી છે. અને પોતાનું CAA વિશેનું મંતવ્ય જાહેર કરી રહી છે કે અમને એ નામંજૂર છે કારણ કે એ NPR અને NRC સાથે જોડાયેલ છે.

આ શાહીનબાગ ખાતે એક સાંજ પસાર કરવાનો મને મોકો મળ્યો.

એ દિવસ હતો ૫ ફેબ્રુઆરી, ૨૦૨૦. એ પહેલાં ૨૧ જાન્યુઆરીએ, કોલકાતામાં પાર્ક સર્કસ ખાતે પછી ૨૬ જાન્યુઆરીએ અમદાવાદમાં અજીત મિલ, રખિયાલ ખાતે શાહીનબાગ ચળવળમાં જોડાવાનું બન્યું હતું. ૫ ફેબ્રુઆરીએ, શાહીનબાગના મંચ પરથી, સેક્યુલર લોકશાહી આંદોલન અને વિમેન્સ ઇન્ટરનેશનલ લીગ ફોર પીસ ઍન્ડ ફ્રિડમ (WILPF) તરફથી, ગુજરાતના પ્રતિનિધિ તરીકે આ ચળવળને ટેકો જાહેર કર્યો જેને હાજર સૌએ વધાવી લીધો. મંચ પરથી, પંજાબથી લઈને, મુંબઈ સુધીના પ્રતિનિધિઓએ આવીને પોતાનો ટેકો જાહેર કર્યો હતો. એટલા પ્રતિનિધિઓ ઉમટ્યા હતા કે એમને ઓળખવાનું અને ગણવાનું અસંભવ હતું.

શાહીનબાગના પ્રવેશ દ્વાર ઉપર જ એક મોટો લોખંડથી બનાવેલો ભારતનો નકશો છે. એ નકશા પર લખાયેલું છે કે અમને CAA નામંજૂર છે. ફૂટ ઓવરબ્રિજ પર ત્રિરંગા રંગે રંગાયેલા મોટા પોસ્ટર પર લખ્યું છે – જિન્હેં નાઝ હે હિંદ પર વો કહાં હૈ, યહાં હૈ! યહાં હૈ!’ આમ, એકદમ નવીન રીતે ધરણાં પ્રદર્શનનો એક નવો ચિતાર આપણી સામે આવ્યો. માત્ર દિલ્હીવાસીઓ માટે નહીં પરંતુ દેશમાં પણ શાહીનબાગ લોકોના પ્રતિરોધનું એક પ્રતીક બની ગયું. ઘણા બધા માટે તો જાણે કે એક યાત્રાધામ બની ગયું છે. દિલ્હી જનારા, દિલ્હી નહીં જનારા સૌને એમ થતું હતું કે ચાલો! એક વાર તો શાહીનબાગ જઈએ. મને પણ થતું હતું કે ચાલો! શાહીનબાગ. તો, આ શાહીનબાગ એટલે શું જલિયાંવાલા બાગ છે? ના, એ જલિયાંવાલા બાગનો જવાબ છે. તો, આ શાહીનબાગ ખાતે બેઠેલી મહિલાઓ કોઈ મોટાં ડિગ્રીધારી કે મોટા હોદ્દા પર બેઠેલાં બહેનો કે નારીવાદી ચળવળના કર્મશીલો નથી. એ સાવ આર્થિક રીતે પછાત કહેવાતા તબક્કામાંથી આવતી બહેનો છે. પરંતુ, એમણે CAAના ભયને પીછાણ્યો છે. CAAની પાછળ રહેલી આખીયે વ્યવસ્થાને એ સમજી રહ્યાં છે. અને એટલે એ પોતે પોતાનું ઘરબાર, પોતાની રોજબરોજની તકલીફો, પોતાનાં બાળકો, પોતાની બધી જવાબદારીઓ – આ બધાંને નિભાવતાં નિભાવતાં એ આવીને ધરણાં-પ્રદર્શનમાં જોડાઈ રહ્યાં છે. દિલ્હીની કડકડતી ઠંડીને વેઠી રહ્યાં છે. તેઓ પોતાનાં બાળકો સહિત જાણે કે લોકશાહી માટેની પરીક્ષા આપવા બેઠાં છે.

દેશની આઝાદીની ચળવળ પછી અને અન્ના હઝારેજીના ભ્રષ્ટાચાર વિરોધી આંદોલન તથા નિર્ભયા ઘટના વખતે મહિલાઓનાં સ્વમાન અને સન્માન માટે ઊઠેલો એક અવાજ – પ્રતિરોધનો અવાજ આ દેશ માટે એક વિશિષ્ટ અનુભવ હતો. પરંતુ આજ સુધી થયેલાં આંદોલનોમાં શાહીનબાગ એક વિશેષ ભાત ઉપસાવે છે તે એ છે કે આટલાં બધાં આંદોલનોમાં, મહિલાઓએ આગેવાની લીધી હોય તેવું આ એક માત્ર આંદોલન છે. અને આ આંદોલન ન તો કોઈ વ્યક્તિ-સમૂહ-જૂથ કે મહિલાઓની માંગણીઓ માટે છે – એ સમગ્ર દેશના નાગરિકો માટે, એ ધર્મને આધારે વિભાજિત કરતી રાજનીતિ સામે, એક સ્વસ્થ લોકશાહી સમાજ માટેનું આંદોલન છે. શાહીનબાગ જેવી દેશમાં ૨૦૦ જેટલી ચળવળો ચાલી રહી છે. દિલ્હીમાં જ ૧૨ કરતાં વધુ સ્થળોએ શાહીનબાગ જેવી ચળવળો ચાલી રહી છે. કલકત્તામાં પણ, અમદાવાદમાં પણ. દેશમાં એકેય શહેર બાકી નહીં હોય જે પોતાનું શાહીનબાગ ઊભું કરવામાં પાછું પડ્યું હોય.

આ શાહીનબાગ ચળવળે દેશનાં કર્મશીલોમાં અને મહિલા કર્મશીલોમાં એક વિશેષ જોશ-જુસ્સો ભર્યો છે એ વિશે શક નથી. આ બહેનોએ એવી મિસાલ કાયમ કરી છે – જે આપણને સહુને યાદ દેવડાવે છે કે દેશની આઝાદીનાં ૭૦ વર્ષ પછી, દેશની આઝાદીને નાત-જાત-ધર્મ-ભાષા-પ્રદેશને આધારે વહેંચતી રાજનીતિ સામે અવાજ ઊઠાવવો એ સમયનો તકાજો છે.

છેલ્લે એટલું જ કે, ‘તેરે ગુરૂર કો જલાએગી વો આગ હૂં, આકર દેખ મુજે, મૈં શાહીન બાગ હૂં!’

E-mail : meenakshijoshi1962@gmail.com

સૌજન્ય : “નિરીક્ષક”, ૧૬ ફેબ્રુઆરી 2020; પૃ. 07

Loading

દિલ્હીઃ ‘તહજીબ’ જીતી ગઈ, ‘નફરત’ હારી

કેયૂર કોટક|Opinion - Opinion|14 February 2020

બાપુ સાચું કહેતા હતા કે, हर एक अपने को देखे. બાપુએ આ વિધાન ૧૯૪૭માં હિંદુસ્તાનના વિભાજન સમયે હિંદુઓ અને મુસ્લિમો વચ્ચે ફાટી નીકળેલાં કોમી તોફાનો વચ્ચે કર્યું હતું. તેમણે કોમી તોફાનને ઠારવા દરેકને પોતાના અંતરાત્માનો અવાજ સાંભળવા અપીલ કરી હતી. એ સમયે બાપુની અપીલ દિલ્હીમાં કેટલા લોકોને સ્પર્શી હતી એ તો ખબર નથી, પણ દિલ્હી વિધાનસભાની ચૂંટણીમાં જાણેઅજાણે આશરે ૫૪ ટકા દિલ્હીવાસીઓએ બાપુનો આ મંત્ર અપનાવી લીધો હોય એવું લાગે છે. કદાચ દિલ્હીનાં દર ૧૦૦ મતદાતાઓમાંથી લગભગ ૫૪ મતદાતાઓએ મતદાનને દિવસે પોતાના અંતરાત્માને પૂછ્યું હશે કે, ‘છેલ્લાં પાંચ વર્ષમાં મને કેજરીવાલનું શાસન કેવું લાગ્યું?’ દિલ્હી વિધાનસભાની ચૂંટણીનાં પરિણામો આવી ગયાં છે અને અપેક્ષા મુજબ દિલ્હીવાસીઓએ ‘એક બાર ફિર કેજરીવાલ’નો સ્પષ્ટ સંદેશ આપી દીધો છે. ભા.જ.પ.નો વોટશેર જેટલો વધ્યો લગભગ એટલી જ બેઠકો વધી છે અને કૉંગ્રેસે દિલ્હીમાં વધુને વધુ શરમજનક પરાજયની પરંપરા જાળવી રાખી છે.

દિલ્હીવાસીઓએ ‘તહજીબ’ જાળવી રાખી

‘તહજીબ’ એટલે સભ્યતા, શિષ્ટતા. દિલ્હીવાસીઓ માટે કહેવાય છે કે, એની આગવી ‘તહજીબ’ છે. પણ ભા.જ.પ.ના નેતાઓએ આ ચૂંટણીમાં શરમજનક પરાજય ટાળવા માટે દિલ્હીની હવાને ‘બદલી’ નાંખી કહીએ તો ચાલે. પાનના ગલ્લે બે મવાલીઓ સામેસામે આવી જાય અને જે ભાષાઓ વાપરે એવી ભાષાનો ઉપયોગ ભા.જ.પ.નાં નેતાઓએ કર્યો. દિલ્હીનાં હિંદુઓમાં કાલ્પનિક ભય ઊભો કરવા કહ્યું કે, ‘શાહીનબાગ કે લોગ ઘર મેં ઘુસ કર બલાત્કાર કરેંગે.’  હિંદુઓનાં મનમાં નફરતનો જ્વાળામુખી પ્રકટાવવા અપીલ કરી કે, ‘ગોલી મારો ઇન …..’ પણ દિલ્હીવાસીઓ ભા.જ.પ.નાં ‘ચૂંટણીલક્ષી હિંદુત્વ’ના ચક્રવ્યૂહમાં ફસાયા નહીં. ઊલટાનું સમજુ નાગરિકોમાં એની અવળી અસર થઈ.

કેજરીવાલનાં વિજયની ફોર્મ્યુલા = સુશાસન + રાષ્ટ્રવાદ + હનુમાન ચાલીસા

મોદી સ્ટાઇલ એટલે રાષ્ટ્રવાદ + વિકાસ + હિંદુત્વ. કેજરીવાલે પણ આ જ સ્ટાઇલ અપનાવી પણ ફોર્મ્યુલા બદલી નાંખી. એમણે સુશાસન + રાષ્ટ્રવાદ + હનુમાન ચાલીસાની ફોર્મ્યુલા અપનાવી. કેજરીવાલે દિલ્હીવાસીઓને પાણી અને વીજળી મફત આપી. સરકારી શાળાઓની ગુણવત્તા ખાનગી શાળાઓની ગુણવત્તાથી પણ વધારી દીધી. મહોલ્લા ક્લિનિક શરૂ કરીને લોકોનાં ઘરઆંગણા સુધી સ્વાસ્થ્ય સુવિધાઓ પહોંચાડી. એક સામાન્ય નાગરિકને બીજું શું જોઈએ! પણ કેજરીવાલે એમની ફોર્મ્યુલામાં સુશાસનની સાથે સાથે રાષ્ટ્રવાદ અને સંયમી હિંદુત્વને જોડી દીધુંને ભા.જ.પ.ને મોદીસ્ટાઇલમાં જ પરાજયનો સ્વાદ ચખાડ્યો.

યાદ હશે કે, વર્ષ ૨૦૧૯ની લોકસભાની ચૂંટણીમાં દિલ્હીની બેઠકો પર આપ ત્રીજા સ્થાને સરકી ગઈ હતી. એ અગાઉ વર્ષ ૨૦૧૭માં એમ.સી.ડી.ની ચૂંટણીમાં પણ આપનો પરાજય થયો હતો. એ પછી અરવિંદ કેજરીવાલ સચેત થઈ ગયા હતા. તેમણે નરેન્દ્ર મોદીને નિશાન બનાવવાનું છોડી દીધું, કલમ ૩૭૦ની નાબૂદીને સમર્થન આપ્યું હતું, સી.એ.એ. મુદ્દે પ્રતિક્રિયા આપી, પણ ભારતીય બંધારણ સર્વોપરી છે એવું કહીને હિંદુ અને મુસ્લિમ – એક પણ સમુદાયને નારાજ ન કર્યો. આ રીતે કેજરીવાલે પોતે નરેન્દ્ર મોદી જેટલા જ રાષ્ટ્રવાદી છે એવું સાબિત કરી દીધું હતું.

જ્યારે ચૂંટણી નજીક આવી, ત્યારે ભા.જ.પ.ને વિજયની આશા તો નહોતી જ. પણ અમિત શાહ આણી મંડળી શરમજનક પરાજયમાંથી બચવા ઇચ્છતી હતી. એટલે એમણે જોરશોરથી અરવિંદ કેજરીવાલને શાહીન બાગ મુદ્દે ચક્રવ્યૂહમાં ફસાવવાનો પ્રયાસ પણ કર્યો હતો, પણ કેજરીવાલ રાજકારણનો કક્કો-બારાખડી અરુણ જેટલી જેવા ભા.જ.પ.નાં નેતાઓ પાસેથી જ શીખ્યાં છે. એટલે તેઓ ભા.જ.પ.ને એના હાથે જ કાન કેવી રીતે પકડાવવા એ સારી રીતે જાણે છે. તેમણે શાહીન બાગ મુદ્દે ચૂપકીદી સાધી લીધી. વળી જે રીતે ગુજરાતમાં મોદીએ પ્રજા પર સારી પકડ ધરાવતા સાધુસંતોની સભામાં જઈને એમનાં ચરણોમાં પડીને આશીર્વાદ મેળવીને પોતાની હિંદુવાદી નેતાની છબી મજબૂત કરી હતી, એ જ રીતે કેજરીવાલે ચૂંટણી અગાઉ હનુમાનજી મહારાજનાં દર્શન કર્યા અને હનુમાન ચાલીસાનાં પાઠ કર્યા અને મોદીની સોશિયલ મીડિયા ટીમ મોદીનાં વીડિયો અને સંવાદો વાયરલ કરે છે, તેમ કેજરીવાલનો હનુમાન ચાલીસાનો પાઠ કરતો વીડિયો પણ ‘પવનવેગે’ વાયરલ થઈ ગયો. આ રીતે કેજરીવાલે દિલ્હીવાસીઓને સંકેત આપ્યો હતો કે, તેઓ હિંદુ છે, પણ ભા.જ.પ.ની જેમ ‘ચૂંટણીલક્ષી હિંદુત્વ’નાં રાજકારણમાં માનતા નથી.

ટીના ફૅક્ટર

જે રીતે વર્ષ ૨૦૧૪ અને વર્ષ ૨૦૧૯માં લોકસભાની ચૂંટણીમાં નરેન્દ્ર મોદીને TINA (There Is No Alternative) ફૅક્ટર ફળ્યું હતું, એ જ રીતે આ પરિબળે દિલ્હીમાં અરવિંદ કેજરીવાલને વિજય અપાવ્યો છે. જ્યારે ચૂંટણીનાં પ્રચાર દરમિયાન અમિત શાહ અને ભા.જ.પ.નાં ૨૫૦થી વધારે સાંસદો શાહીન બાગ, બંધારણમાંથી ૩૭૦મી કલમની નાબૂદી, નાગરિકતા સંશોધન ધારો (સી.એ.એ.) જેવા રાષ્ટ્રીય મુદ્દાઓને લઈને સભાઓ ગજવતા હતા, ત્યારે અરવિંદ કેજરીવાલ દિલ્હીવાસીઓને પૂછતાં હતાં કે, ભા.જ.પ. પાસે મારો વિકલ્પ છે? એટલું જ નહીં, જેમ કાઁગ્રેસે નરેન્દ્ર મોદીને વર્ષ ૨૦૦૨થી સતત નિશાન બનાવીને વર્ષ ૨૦૧૪ સુધી રાષ્ટ્રીય સ્તરનાં નેતા બનાવી દીધા, એ જ રીતે ભા.જ.પ.નાં અમિત શાહ સહિત તમામ નેતાઓએ કેજરીવાલને નિશાન બનાવીને એમને ‘દિલ્હીના શહેનશાહ’ બનાવી દીધા.

ભાજપ માટે બોધપાઠ

જેમ એક સમયે કૉંગ્રેસ ‘ઇન્દિરામય’ બની ગઈ હતી, તેમ અત્યારે ભા.જ.પ.નાં સંપૂર્ણ રાજકારણનું કેન્દ્ર મોદી-શાહ છે. મોટા ભાગનાં રાજ્યોમાં પ્રાદેશિક નેતાઓને હાંસિયામાં ધકેલી દેવામાં આવ્યાં છે અથવા તેઓ પોતે નિષ્ક્રિય થઈ ગયા છે. કાઁગ્રેસે પ્રાદેશિક નેતૃત્વને વિકસવાની તક ન આપીને જે પરિણામો ભોગવ્યાં એવા જ પરિણામો ભા.જ.પ.ને ભોગવવા પડશે. મોદી-શાહીની જોડીએ એ સમજવું પડશે કે, રાષ્ટ્રીય સ્તરે હજુ પણ મોદીની લોકપ્રિયતા અકબંધ છે અને એમને પડકાર ફેંકી શકે એવો કોઈ નેતા આસપાસ પણ નથી. પરંતુ પ્રાદેશિક સ્તરે સ્થાનિક મુદ્દાઓ અને સ્થાનિક નેતૃત્વ મહત્ત્વપૂર્ણ બની જાય છે. વાજપેયી-અડવાણીની જોડીએ પ્રાદેશિક સ્તરે શિવરાજસિંહ ચૌહાણ, વસુંધરા રાજે, સુશીલકુમાર મોદી, મદનલાલ ખુરાના, કલ્યાણ સિંહ જેવાં મજબૂત નેતાઓને વિકસાવવાની તક આપી હતી. હવે બિહાર, પશ્ચિમ બંગાળ અને અસમમાં વિધાનસભાની ચૂંટણીઓ આવવાની છે. ખાસ કરીને બિહાર અને પશ્ચિમ બંગાળમાં ભા.જ.પે. વિજય મેળવવો હોય કે મજબૂત વિપક્ષ તરીકે સ્થાન મેળવવું હોય, તો પ્રાદેશિક નેતૃત્વ અતિ મહત્ત્વપૂર્ણ બની જશે. બિહારમાં સુશીલકુમાર મોદી છે, પણ તેમની મર્યાદા એ છે કે તેઓ ‘નરેન્દ્ર મોદી’ નથી. બંગાળમાં બાબુલ સુપ્રિયો, દિલ્હીમાં મનોજ તિવારી જેવા છે. મનોજ તિવારીએ જેમ દિલ્હીની વિધાનસભાની ચૂંટણીમાં ૪૮ બેઠકો મળશે એવો હાસ્યાસ્પદ દાવો કર્યો હતો, તેમ બાબુલ સુપ્રિયો પણ પશ્ચિમ બંગાળમાં છાશવારે બંગાળમાં ભા.જ.પ.ની સરકાર બનવાના પોકળ દાવા કર્યા કરે છે. દરમિયાન એક્ઝિટ પોલ મામલે ચરણચંપુ ચેનલોની પોલ પણ ખુલ્લી પડી ગઈ. આશા કે હવેની બિહાર અને પશ્ચિમ બંગાળની ચૂંટણીઓમાં સમૂહ માધ્યમો પોતાની ભૂમિકા તટસ્થતાથી નિભાવે.                          

E-mail : keyurkotak@gmail.com

સૌજન્ય : “નિરીક્ષક”, ૧૬ ફેબ્રુઆરી 2020; પૃ. 07 તેમ જ 14

Loading

...102030...2,5802,5812,5822,583...2,5902,6002,610...

Search by

Opinion

  • એક ‘રાની પંખીડું’ જિતુભાઈ પ્ર. મહેતા
  • આગળ જુઓ, નહીં તો પાછળ રહી જશો : બેન્જામિન ફ્રેન્કલિન
  • રળિયામણું, રંગીલું રાજકોટ ???
  • માણસ કૂતરાને કરડે એવા વિચિત્ર સમાચારોનું આચમન
  • શિક્ષકો કૂતરાં ગણવાના હોય તો પણ, કૂતરાં શિક્ષકોને નહીં ગણકારે …

Diaspora

  • છ વર્ષનો લંડન નિવાસ
  • દીપક બારડોલીકરની પુણ્યતિથિએ એમની આત્મકથા(ઉત્તરાર્ધ)ની ચંદ્રકાન્ત બક્ષીએ લખેલી પ્રસ્તાવના.
  • ગાંધીને જાણવા, સમજવાની વાટ
  • કેવળ દવાથી રોગ અમારો નહીં મટે …
  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !

Gandhiana

  • ગાંધી ‘મોહન’માંથી ‘મહાત્મા’ બન્યા, અને આપણે?
  • ગાંધીહત્યાના પડઘા: ગોડસેથી ગોળવલકર સુધી …
  • ગાંધીની હત્યા કોણે કરી, નાથુરામ ગોડસેએ કે ……? 
  • ગાંધીસાહિત્યનું ઘરેણું ‘જીવનનું પરોઢ’ હવે અંગ્રેજીમાં …
  • સરદાર પટેલ–જવાહરલાલ નેહરુ પત્રવ્યવહાર

Poetry

  • મુખોમુખ
  • ગઝલ – 1/2
  • સખીરી તારો એ હૂંફાળો સંગાથ …
  • વસંતાગમન …
  • એ પછી સૌના ‘આશિષ’ ફળે એમ છે.

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved