Opinion Magazine
Number of visits: 9575933
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

નિર્ભયાકાંડ : જસ્ટિસ ડીલેઇડ ઇઝ જસ્ટિસ ડીનાઇડ ન્યાય-અન્યાય

રાજ ગોસ્વામી|Opinion - Opinion|13 January 2020

૨૦૧૨માં થયેલા બળાત્કાર માટે ગુનેગારોને છેક સાત વર્ષ પછી ફાંસીની સજા થશે. પીડિતાને ન્યાય અપાવવા માટે આખો દેશ રોડ પર ઊતરી આવ્યો હોવા છતાં ન્યાય ઝડપી બની શક્યો નહીં. વિચારવા જેવી બાબત એ છે કે જ્યાં સુધી પરિવારમાં માતા, બહેન, દીકરી, વહુ સાથે સેકન્ડ સિટિઝન જેવો વ્યવહાર થશે ત્યાં સુધી સ્ત્રીઓની હાલત નિર્ભયા અને પ્રિયા જેવી થતી જ રહેવાની છે

આજથી બરાબર ૧૦ દિવસ પછી, બાવીસમી જાન્યુઆરીએ સવારે ૭ વાગ્યે દિલ્હીની તિહાડ જેલમાં, નિર્ભયા સામૂહિક બળાત્કારના ૪ આરોપીઓ – મુકેશ, વિનય શર્મા, અક્ષય સિંઘ અને પવન ગુપ્તાને ફાંસી આપવામાં આવશે. પાંચમો આરોપી, બસ-ડ્રાઇવર રામ સિંઘ, ૨૦૧૨માં તેની ખોલીમાં વેન્ટિલેટરથી લટકીને મરી ગયો હતો. છઠ્ઠો, એ વખતે ૧૭ વર્ષનો સગીર, ત્રણ વર્ષની સજા ભોગવીને છૂટી ગયો હતો અને અત્યારે ઓળખ બદલીને દક્ષિણ ભારતમાં રસોઇયાનું કામ કરે છે.

૨૦૧૨ની ૧૬ ડિસેમ્બરે દિલ્હીમાં આ ભયાનક કાંડ થયો હતો અને હવે બાવીસમી જાન્યુઆરીએ એનું આખરી પ્રકરણ લખાશે. એ વચ્ચે ૭ વર્ષ, ૧ મહિનો અને ૧૦ દિવસ પછી પસાર થઈ ગયાં. ૨૩ વર્ષની ફિઝિયોથેરપીની વિદ્યાર્થિની નિર્ભયા (જેનું મૂળ નામ જ્યોતિ સિંઘ હતું) અને તેનો મિત્ર અવિન્દ્ર પાંડે, હૉલીવુડની ફિલ્મ ‘લાઇફ ઑફ પાઈ’ જોઈને બસમાં ચડ્યાં હતાં ત્યારે આ સામૂહિક બળાત્કાર થયો હતો. એ વખતે બસમાં ડ્રાઇવર સહિત કુલ ૬ જણ હતા. બધાએ સાંજથી દારૂ પીધેલો હતો. તેમણે ચાલતી બસે નિર્ભયા અને અવિન્દ્રને લોખંડના સળિયાથી નિર્દયી રીતે માર માર્યો હતો. અવિન્દ્ર એમાં બેભાન થઈ ગયો અને નિર્ભયા પર તેમણે વારાફરતી બળાત્કાર કર્યો. તેમણે નિર્ભયાની યોનીમાં સળિયો પણ નાખ્યો હતો. તેનું એક આંતરડું બહાર આવી ગયું હતું. ચાલતી બસે જ, બન્નેને નગ્ન અને બેભાન હાલતમાં બહાર ફેંકી દેવાયાં. ગંભીર સ્થિતિમાં નિર્ભયાને પહેલાં દિલ્હીની સફદરજંગ હૉસ્પિટલમાં અને પછી સિંગાપોર શિફ્ટ કરવામાં આવી, પણ ૧૧ દિવસ પછી તેણે દમ તોડી દીધો.

આખા ભારતમાં ધ્રુજારી આવી ગઈ, જેના પડઘા પૂરા વિશ્વમાં પડ્યા. ભારતે વિરોધ, દેખાવો અને આંદોલનો તો ઘણાં જોયાં છે, પણ એક મહિલાના બળાત્કાર અને હત્યાને લઈને જે આક્રોશ પેદા થયો, એ ઇતિહાસમાં અસાધારણ હતો. ભારતમાં પહેલી વાર સ્ત્રીઓ પરની હિંસાનો મુદ્દો ચર્ચામાં આવ્યો. સરકારને ૨૦૧૩માં ક્રિમિનલ અમેન્ડમેન્ટ ઍક્ટ લાવવો પડ્યો જેમાં જાતીય અત્યાચાર, વોયરિઝમ અને સ્ટાકિંગને અપરાધના દાયરામાં મૂકવામાં આવ્યા, પરંતુ નિર્ભયા કેસે સામાન્ય પ્રજાજનમાં કાનૂનવ્યવસ્થા પ્રત્યે વિશ્વાસ નથી એ પણ સાબિત કરી દીધું.

નિર્ભયાકેસ કેમ લાંબો ચાલ્યો?

ભારતમાં એક નવો શબ્દ આવ્યો છે; ફાસ્ટ-ટ્રૅક. નિર્ભયાનો કેસ ફાસ્ટ-ટ્રૅકની વ્યાખ્યામાં એકદમ બંધ બેસતો હતો છતાં ટ્રાયલ કોર્ટ, હાઈ કોર્ટ અને સુપ્રીમ કોર્ટને આ કેસમાં તેમનો ચુકાદો આપતાં સાડાચાર વર્ષ નીકળી ગયાં. સુપ્રીમ કોર્ટમાં પણ ચારે આરોપીઓને મૃત્યુદંડની સજા ૨૦૧૭માં કાયમ રાખવામાં આવી, એ પછી કેસ અપીલોમાં ઊલઝતો રહ્યો. કાનૂન માટે અંગ્રેજીમાં કહેવાય છે કે જસ્ટિસ ડીલેઇડ ઇઝ જસ્ટિસ ડીનાઇડ – સમયસર ન્યાય ન થાય, એ ન્યાય ન કરવા બરાબર છે. કેમ મોડું થયું એનાં ૧૦ કારણો આ પ્રમાણે છે :

૧. સુપ્રીમ કોર્ટે ૨૦૧૭ની ૫ મેએ મૃત્યુદંડની સજા ફરમાવી, એ પછી દોષીઓએ નિયમ પ્રમાણે ૩૦ દિવસની અંદર પુનર્વિચાર માટેની અરજી કરવાની હોય. જો કે ઠોસ કારણ હોય, તો કાનૂન ૩૦ દિવસની મર્યાદામાં છૂટ આપે છે. દોષીતો આ જોગવાઈનો લાભ લેતા રહ્યા.

૨. ચારે જણે લાંબા વિલંબ પછી અલગ-અલગ તારીખોએ પુનર્વિચાર અરજીઓ દાખલ કરી. મુકેશે અરજી કરવામાં છ મહિના કાઢી નાખીને ૨૦૧૭ની ૬ નવેમ્બરે ઍડ્વોકેટ એમ.એલ. શર્મા મારફતે અરજી કરી. પવન, વિનય અને અક્ષય વતી ઍડ્વોકેટ એ.પી. સિંઘે ૨૦૧૭ની ૧૧ નવેમ્બરે કોર્ટને કહ્યું કે તેઓ ચાર અઠવાડિયાંમાં ત્રણેની પુનર્વિચાર અરજી દાખલ કરશે. સુપ્રીમ કોર્ટે ૨૦૧૭ની ૧૨ ડિસેમ્બરે મુકેશની અરજીની સુનાવણી પૂરી કરી ત્યારે ઍડ્વોકેટ સિંઘે પાછું કહ્યું કે વિનય અને પવન ત્રણ દિવસમાં અરજી કરશે. ૨૦૧૮ની ૯ જુલાઈએ ત્રણેની પુનર્વિચાર અરજીઓ ખારીજ કરવામાં ન આવી ત્યાં સુધી અક્ષયે અરજી ન કરી.

૩. અક્ષયે ૨૦૧૯ની ૯ ડિસેમ્બરે પુનર્વિચાર અરજી દાખલ કરી ત્યારે સુપ્રીમ કોર્ટે મૃત્યુદંડની સજા આપી એને અઢી વર્ષ થઈ ગયાં હતાં અને તેના સાથીદારોની પુનર્વિચાર અરજીને ખારીજ કરી એને દોઢ વર્ષ થઈ ગયું હતું. ઍડ્વોકેટ સિંઘે બચાવમાં કહ્યું હતું કે ‘આ વિલંબનું કારણ તેની માતાનું મૃત્યુ હતું. તેના સસરાની તબિયત સારી ન હતી. તે ઔરંગાબાદના ગરીબ ઘરનો છે. બીજાઓની જેમ સક્ષમ નથી.’

૪. નિયમ પ્રમાણે એક વાર પુનર્વિચાર અરજી ખારીજ થઈ જાય એ પછી ૩૦ દિવસની અંદર ક્યુરેટિવ પિટિશન કરવાની હોય છે. ક્યુરેટિવ પિટિશન ખારીજ થાય, એ પછી રાષ્ટ્રપતિને દયા અરજીનો માર્ગ ખૂલે છે. નિર્ભયા કેસમાં, વિનયે ડિસેમ્બરના પહેલા અઠવાડિયામાં તિહાડ જેલના સત્તાવાળાઓ મારફતે દયા અરજી કરી, પણ તેના ઍડ્વોકેટ સિંઘે કહ્યું કે મેં આવી કોઈ અરજી કરી નથી, આ જેલ સત્તાવાળાઓનું કાવતરું છે.

૫. મુકેશ, પવન અને વિનયની પુનર્વિચાર અરજીઓ ૨૦૧૮ની ૯ જુલાઈએ ખારીજ કરવામાં આવી એ પછી તેમણે ક્યુરેટિવ પિટિશન ન કરી. તેઓ સમયને ખેંચી રહ્યા હતા.

૬. નિર્ભયા કેસ સુપ્રીમ કોર્ટમાં આવ્યો ૨૦૧૪ની ૧૫ માર્ચે અને એના પર અંતિમ ચુકાદો આવ્યો ૨૦૧૭ની ૫ મેએ. સુપ્રીમને આ કેસ માટે યોગ્ય બેન્ચ બનાવતા એક વર્ષ અને સાત મહિના લાગ્યાં.

૭. સુપ્રીમ કોર્ટે એક વર્ષ અને એક મહિનામાં ૪૦ સુનાવણીઓ કરી. અયોધ્યા કેસની માફક, જો નિર્ભયા કેસની રોજેરોજ સુનાવણી કરવામાં આવી હોત તો કેસ જલદી પતી ગયો હોત. હાઈ કોર્ટ અને સુપ્રીમ કોર્ટ ફાસ્ટ-ટ્રૅક પર કેસ ચલાવવા માટે અલગથી બેન્ચ બનાવી શકે છે.

૮. હાઈ કોર્ટમાં એક અરજી એવી પણ થઈ હતી કે કોર્ટની કાર્યવાહી અંગ્રેજીમાં છે અને દોષીઓને અંગ્રેજી આવડતું નથી. સ્પેશ્યલ ઇન્વેસ્ટિગેશન ટીમે રાત-દિવસ મહેનત કરીને હજારો કાગળો હિન્દીમાં અનુવાદિત કર્યાં.

૯. ફાસ્ટ-ટ્રૅક કોર્ટમાં બચાવ પક્ષના વકીલોએ એવાં બહાનાં ઊભાં કર્યાં કે અપરાધ થયો ત્યારે શકમંદો દિલ્હીમાં જ ન હતા. સરકારી પક્ષે કેસને મજબૂત કરવા દરેક બહાનાંને ખોટાં સાબિત કરવાં પડ્યાં.

૧૦. ચારમાંથી બે શકમંદોએ સગીર વયનો દાવો કર્યો. સ્પેશ્યલ ઇન્વેસ્ટિગેશન ટીમે બિહાર અને ઉત્તર પ્રદેશમાં તેમનાં ગામોમાં જઈને તેમના જન્મના પુરાવા એકત્ર કરવા પડ્યા. ગામમાં પંચાયતો અને શાળાઓ બંધ હોય તો એમાં વિલંબ થાય. એમાં જ કેટલા ય દિવસો નીકળી ગયા.

ફાંસીથી બળાત્કાર ઘટી જશે?

સવાલ એ છે કે આ સાત વર્ષમાં આપણે કશું શીખ્યા છીએ? દિલ્હી કમિશન ફૉર વિમેનના વડા માલીવાલ કહે છે કે ‘નિર્ભયાને ન્યાય મળ્યો છે, પણ મને લાગે છે કે જસ્ટિસ ડીલેઇડ ઇઝ જસ્ટિસ ડીનાઇડ. આટલા બધા કાનૂનો બદલ્યા પછી, વર્મા સમિતિના રિપોર્ટ પછી પણ સાત વર્ષ લાગ્યાં.’ નૅશનલ કમિશન ફૉર વિમેનનાં ભૂતપૂર્વ ચૅરપર્સન મમતા શર્મા કહે છે કે ‘છેલ્લાં બે વર્ષમાં જનતામાં કે સરકારમાં કોઈ બદલાવ આવ્યો નથી. દેશની મહિલાઓ સલામત રહે એ માટે સરકારે કશું કર્યું નથી. ખાલી નારાબાજી કરી છે અને કાગળો ભર્યાં છે.’

નિર્ભયાના બળાત્કાર બાદ સરકારે જસ્ટિસ જે.એસ. વર્માની સમિતિ બેસાડી હતી. એનાં ઘણાં સૂચનોને બળાત્કાર-વિરોધી કાનૂનમાં સમાવવા આવ્યાં હતાં. છ ફાસ્ટ-ટ્રૅક કોર્ટ બેસાડવામાં આવી હતી જેણે એક વર્ષમાં ૪૦૦ કેસનો નિકાલ કર્યો હતો, પણ એકલા દિલ્હીમાં જ ૧૦૦૦ કેસો કોર્ટોમાં પેન્ડિંગ છે. સવાલ એ છે કે બળાત્કારના બધા કેસ ફાસ્ટ-ટ્રૅક પર ચલાવવામાં આવે અને આરોપીઓને (મૃત્યુદંડ જેવી) સખત સજા કરવામાં આવે, તો શું બળાત્કાર અટકાવી શકાય એમ છે?

ભારતમાં હત્યા કરતાં બળાત્કાર વધુ સામાન્ય અપરાધ છે. નૅશનલ ક્રાઇમ બ્યુરોના ૨૦૧૭ના આંકડા પ્રમાણે હત્યાની ટકાવારી ૨.૨ ટકા હતી, જ્યારે બળાત્કારની ટકાવારી ૫.૨ ટકા હતી. આમાં બળાત્કારના અમુક કિસ્સાઓ મીડિયામાં અને જનતામાં એટલો આક્રોશ પેદા કરે છે કે લોકો બળાત્કારીઓને લટકાવી દેવાની બુલંદ માગણી કરે છે. ભારતમાં અત્યારે ૧૨ વર્ષની નીચેના બાળક સાથે બળાત્કાર બદલ ફાંસીની સજાની જોગવાઈ છે. મૃત્યુદંડની આમ જોગવાઈ છે, પણ એ ‘અસાધારણમાં અસાધારણ’ (રેરેસ્ટ ઑફ ધ રેર) કિસ્સામાં વપરાય છે.

નિર્ભયાના કેસમાં તેના પરિવારજનોએ અને અનેક પ્રદર્શનકારીઓએ અપરાધીઓને જાહેરમાં ફાંસીની માગણી કરી હતી. હૈદરાબાદમાં નવેમ્બર મહિનામાં ૨૭ વર્ષની વેટરિનરી વિદ્યાર્થિની પ્રિયંકા રેડ્ડી સાથે સામૂહિક બળાત્કાર અને તેની હત્યા કરનાર ચાર અપરાધીઓ સામે પણ નિર્ભયા જેવો જ આક્રોશ ફાટી નીકળ્યો હતો અને એવી વ્યાપક માન્યતા છે કે લોકોના આક્રોશને ઠંડો પાડવા માટે હૈદરાબાદ પોલીસે ચારેયનું એન્કાઉન્ટર કરી નાખ્યું હતું.

સુપ્રીમ કોર્ટના નિવૃત્ત જજ અશોક કુમાર ગાંગુલીના મત પ્રમાણે ‘દુનિયામાં ક્યાં ય મૃત્યુદંડની બીકથી બળાત્કાર અટક્યા નથી. એવું હોત તો આટલા બધા અપરાધ હજી કેમ છે?’ નૅશનલ લૉ સ્કૂલ ઑફ ઇન્ડિયા યુનિવર્સિટી, બૅન્ગલોરના કાનૂની સલાહકાર સ્વાગત રહા કહે છે કે ‘મૃત્યુદંડમાં બધાને સબ મંજર કી દવા દેખાય છે. કાયદાઓ વધુ ને વધુ દંડાત્મક બની રહ્યા છે, પણ વ્યવસ્થાને મજબૂત કરે એવા પાયાના ફેરફારો ક્યાં છે? અમુક લોકોને લટકાવી દેશો તો ન્યાય તોળાઈ જશે?’

ઉપાય શું?

એવું માનવાને પૂરતાં કારણો છે કે અપરાધીઓને દોષી ઠરવાનો ડર નથી. ભારતમાં તમામ અપરાધોમાંથી ૪૬.૨ ટકા કેસોમાં જ ગુનો પુરવાર થાય છે. સ્ત્રીઓ સામેના ગુના સાબિત થવાનો દર ૨૦ ટકા છે. બીજું એ છે કે ભારતમાં ૯૯ ટકા ગુનાઓની સ્ત્રીઓ ફરિયાદ જ નથી કરતી. આનો મતલબ એ થયો કે સંભવિત અપરાધીને પોલીસ-કોર્ટની કાર્યક્ષમતાની ખબર છે એટલે તેને વિશ્વાસ છે કે પકડાઈ ગયા પછી પણ ગુનો સાબિત થવા કરતાં છૂટી જવાની તકો વધુ છે. આ કારણથી ગમેતેવી સખત સજા અપરાધ રોકી શકતી નથી.

હૈદરાબાદના બળાત્કારના કિસ્સામાં લોકોનો ગુસ્સો ભડક્યો એની પાછળ પણ એ વિશ્વાસ હતો કે નિર્ભયાની જેમ જ, આ કેસમાં પણ વર્ષો નીકળી જશે. નિર્ભયા સામૂહિક બળાત્કારના કારણે મહિલાઓની સલામતી અને અધિકારોને લઈને એક આગ તો પ્રગટી હતી, પરંતુ એ જ્વાળા પાછી ઠંડી પડી ગઈ. મૂળ કારણ એ છે કે ભારતીય સમાજ અને રાજનીતિક વ્યવસ્થામાં સ્ત્રીઓ અને સ્ત્રીઓના મુદ્દાઓને ક્યારે ય સમાન મહત્ત્વ અપાયું નથી. એ બાબતમાં ભારત હજી ય સામંતવાદી માનસિકતાવાળો સમાજ છે અને સ્ત્રીને જ તેની પરના જાતીય અત્યાચાર માટે જવાબદાર ઠેરવવામાં આવે છે. બળાત્કારની માનસિકતા ઘરોમાંથી જ આવે છે, એમાં કોઈ રૉકેટ સાયન્સ નથી અને આપણે એ તરફ જોવાને બદલે ‘જાહેરમાં ફાંસી’ આપોના નારા પાડીને ‘શુદ્ધ’ થઈ જઈએ છીએ.

જ્યાં સુધી ભારતીય પરિવારોમાં માતા, બહેન, દીકરી, વહુ સાથે સેકન્ડ સિટિઝન જેવો વ્યવહાર થશે ત્યાં સુધી બહાર રસ્તા પર, બજારમાં, કામનાં સ્થળોએ, ટ્રેનો-બસોમાં સ્ત્રીઓની હાલત નિર્ભયા અને પ્રિયા જેવી થતી જ રહેવાની છે.

સૌજન્ય : “ગુજરાતી મિડ ડે”, 12 જાન્યુઆરી 2020

Loading

ગરમીમાં રેબઝેબ પૃથ્વી આગની જ્વાળાઓનો શિકાર બની રહી છે

ચિરંતના ભટ્ટ|Opinion - Opinion|12 January 2020

ક્લાઇમેટ ચેન્જની ચેતવણી પર્યાવરણનો બેફામ દુરુપયોગ કરનારાના બહેરા કાને નથી પહોંચતી

જંગલ સાથે સંકળાયેલા બે શબ્દો છે, એક અડાબીડ અને બીજો દાવાનળ, કમનસીબે આપણે અડાબીડને બદલે દાવાનળમાં સપડાયેલા જંગલોની વાત કરવાનો વખત ચાલ્યો છે જે અટકી જ નથી રહ્યો. ૨૦૧૯નું વર્ષ આગ ઝરતું રહ્યું. ગયા વર્ષે ઠેર ઠેર ભડકે બળેલી ધરાની આગ હજી ઠરી નથી. એમેઝોનથી માંડીને આર્કટિક સુધી આખી દુનિયામાં જંગલો આગની જ્વાળાની લપેટમાં આવી ચૂક્યાં છે. એમેઝોનનાં અને બ્રાઝીલનાં જંગલોમાં લાગેલી આગ હંમેશાં ફેલાતા દાવાનળથી એંશી ટકા વધારે હતી. ઑસ્ટ્રેલિયાનાં જંગલોમાં પ્રસરેલો દાવાનળ આ લખાઇ રહ્યું છે ત્યારે હજી શમ્યો નથી. ક્લાઇમેટ ચેન્જની ચેતવણી પર્યાવરણનો બેફામ દુરુપયોગ અને હાનિ કરનારાના બહેરા કાને નથી પહોંચતી.

એમેઝોન અને ઇન્ડોનેશિયાનાં જંગલોમાં લાગેલી આગ માનવ સર્જીત અને જાણી જોઇને ફેલાવવામાં આવેલી આગ છે – ગેરકાયદેસર વન-નાબૂદી અને ખેતીની જમીન માટે જંગલો સાફ કરનારાઓને ક્લાઇમેટ ચેન્જ સાથે સ્નાન સૂતકનો સંબંધ નથી. ઉષ્ણકટિબંધિય એટલે કે ટ્રોપિકલ જંગલોમાં ભેજનું પ્રમાણ ખૂબ હોવાથી ત્યાં દાવાનળ ફેલાવાની શક્યતાઓ ઓછી જ હોય છે અને ત્યાં સૂકી મોસમ હોય ત્યારે પણ ત્યાં એટલો ભેજ તો હોય જ છે કે કેમ્પ ફાયર કે સિગારેટનો તણખો ભડકા કે આગમાં ન ફેલાય. પરંતુ કૃષિ ઉદ્યોગો માટે જંગલોનાં મોટા વણસ્પર્શ્યા પ્રદેશોનો ખાત્મો બોલાવી દેવાય છે, વળી ઢોરો ચરી શકે તે માટે જરૂરી જમીન મેળવવા માટે પણ જંગલો સાફ કરવામાં આવે છે. આમ કરવા માટે મોટે ભાગે ભેજવાળા વાતાવરણમાં વૃક્ષો કાપી નખાય છે અને પછી યાંત્રિક કુહાડીઓ વાપરીને બચ્યા કુચ્યા ડાળખાં કાપીને પછી એકાદ મહિનો તેમને આમ જ સુકાવા દેવાય છે અને અંતે બાળી નખાય છે, જેથી ઢોરો અને ખેતી માટે જમીન સાફ થઇ જાય.

જો કે નુકસાન આટલેથી નથી અટકતું, રેઇનફોરેસ્ટ જંગલોમાં થતી આ તારાજીને કારણે ત્યાંની આબોહવા પર ઊંડી અસર પડે છે કારણ કે મુંડાતા જંગલોને પગલે રેઇન ફોરેસ્ટ પ્રદેશો પાણીને શોષી લઇ, તેનો સંગ્રહ કરવાની અને તેનો પુનઃઉપયોગ કરીને તેનો વરસાદ પાડવાની ક્ષમતા ખોઇ બેસે છે. જે જંગલ કુદરતી રીતે આગ રોકવા સક્ષમ હોય છે તેની જમીન સાવ સૂકી પડી જાય છે અને વૃક્ષો વગરનાં આ જંગલો ગમે ત્યારે આગની જ્વાળામાં સપડાઇ જાય તેવાં થઇ જાય છે. બ્રાઝીલનાં જંગલોની વલે થઇ છે કારણ કે ત્યાંની સરકારે નફ્ફટાઇથી જાહેરાત કરી છે કે ત્યાંનાં રેઇન ફોરેસ્ટનો ‘વિકાસ’ માટે સફાયો કરવો પડે તો તેમને વાંધો નથી. ઑસ્ટ્રેલિયાનાં જંગલોમાં દાવાનળ ફેલાવો કંઇ નવી વાત નથી પણ આ વખતની આગ ૬૩ હજાર સ્ક્વેર કિલોમીટર એટલે કે ૬.૩ મિલિયન હેક્ટરમાં ફેલાઇ છે જે કાયમ લાગતી મોસમી આગ કરતાં કંઇક ગણી વધારે છે. પરિપ્રેક્ષ્યમાં સમજવું હોય તો કહી શકાય કે ઑસ્ટ્રેલિયાનાં જંગલોમાં ઇંગ્લેન્ડના કદ જેટલો વિસ્તાર ભડકે બળી ચુક્યો છે. ઑસ્ટ્રેલિયાનાં જંગલોમાં લાગેલી આગ પાછળ સૂકી આબોહવા, ઝડપથી ફુંકાતા વાયરા અને લાંબો સમય ચાલેલા દુકાળ કારણભૂત છે. ૨૦૧૮માં કેલિફોર્નિયાનાં જંગલોમાં લાગેલી આગ ૮ લાખ હેક્ટર જેટલા વિસ્તારમાં પ્રસરી હતી. જંગલોમાં અણધારી આગ માનવસર્જીત છે એમ જ કહેવું પડે પછી ભલે એ દુનિયાના કોઇપણ ખૂણે લાગી હોય કારણ કે ક્લાઇમેટ ચેન્જ એ માનવસર્જીત આફત છે અને તેનાં પરિણામ આખા ધરતી પર વર્તાઇ રહ્યાં છે. કાર્બન ડાયોક્સાઇડનું સ્તર દિવસે દિવસે વધી રહ્યું છે અને આપણા ગ્રહનું સામાન્ય તાપમાન પણ આ સાથે વધી રહ્યું છે. ઑસ્ટ્રેલિયા, યુરોપ અને અન્ય દેશોમાં ધાર્યા કરતાં વધારે આકરો ઉનાળો લોકોને વેઠવો પડી રહ્યો છે. સૂકો અને ગરમ ઉનાળો જંગલ પ્રદેશોમાં દાવાનળના વિસ્તારમાં પણ વધારો કરે છે.

પર્યાવરણનાં અસંતુલનમાં જંગલોની નાબૂદીનો પ્રભાવ પડે જ તે સ્વાભાવિક છે. આપણે આપણા ઘરમાં એ.સી. સામે કે પંખા નીચે બેઠાં એમ વિચારીએ કે આ જંગલોની આગથી આપણને શી લેવા દેવા ત્યારે આપણને એ નથી યાદ આવતું કે કડકડતી ઠંડીની મોસમમાં પણ આપણે હવે પંખા અને એ.સી.નાં આધીન છીએ. ક્લાઇમેટ ચેન્જના બોજ તળે દબાઇ રહેલી પૃથ્વી પર રાતોરાત નવાં જંગલો ઊગાડવા શક્ય નથી. માણસ જો વિચારે કે પોતે જંગલ ઊગાડી તેને આપમેળે કુદરતી રીતે ઉછરવા દેવા માગે છે તો એમ કરવામાં એક સદી જેટલો સમય લાગી શકે છે. જો જમીનનો કોઇ હિસ્સો માણસનાં હસ્તક્ષેપથી વંચિત હોય તો ૬૦૦થી ૧,૦૦૦ વર્ષનાં સમયમાં ત્યાં આપમેળે જંગલ ઊગી નીકળશે. જો કે આપણી પૃથ્વી જે સ્થિતિમાં મુકાઇ રહી છે તે જોતાં આપણને દસ વર્ષમાં ઊગી શકે તેવાં જંગલોની તાતી જરૂર છે. અકીરા મિયાવાકી જેવા વૈજ્ઞાનિકોએ એક દાયકામાં જ ઊગી અને ઉછરી શકે તેવા જંગલો માટે અનિવાર્ય કુદરતી પ્રક્રિયાઓ પર કામ કર્યું છે. શુભેન્દુ શર્માની એફોરેસ્ટ જેવી ફોર-પ્રોફીટ કંપનીઓ પોતાનાં કોર્પોરેટ ગ્રાહકોને ડિમાન્ડ અનુસાર તેમનાં વિશાળ પ્લાન્ટ્સની આસપાસ જંગલો ઊગાડી આપવાનું કામ કરે છે અને આ જંગલો દસ વર્ષના ગાળામાં ઉછરે છે.  શુભેન્દુ શર્માએ પોતાનાં ઘરની પાછળના વિસ્તારમાં ઉછેરેલા જંગલમાં બે જ વર્ષમાં પંખીની સાત જાતોમાં બીજી દસનો ઉમેરો જોયો છે તો ભૂગર્ભ જળનાં પ્રમાણમાં પણ વધારો જોયો છે.

આપણે વૃક્ષો પર ચલાવેલી કુહાડીઓ આપણાં પગે જ વાગી છે અને તે આપણા ગ્રહને લોહી લુહાણ કરી રહી છે. જંગલોની સાથે કેટકેટલાં ય જીવો આપણે ગુમાવી રહ્યાં છીએ. વૈશ્વિક સ્તરે આબોહવાની કથળેલી સ્થિતિમાં હકારાત્મક ફેરફાર લાવવામાં જંગલોનો બહુ મોટો ફાળો હોય છે. કાર્બનનાં સંગ્રહની ક્ષમતા વિના આપણે પૃથ્વીની ગરમી પર નિયંત્રણ નહીં રાખી શકીએ. રાજકીય સ્તરે નીતિઓમાં ફેરફાર, લોકોનાં અભિગમમાં ધરમૂળથી ફેરફાર અને વ્યવહારિક શૈલીઓમાં પરિવર્તન નહીં કરાય તો પરિસ્થિતિ હાથમાંથી જશે અને પછી એ તબક્કે પાછા વળવું શક્ય નહીં હોય. ભારતનાં આસામનો જાદવ મોલાઇ પાયેન્ગ છે જેણે જિંદગીનાં ત્રીસ વર્ષ માત્ર ઝાડ ઊગાડવામાં ગાળ્યા છે અને ઉજ્જડ જમીન પર ૫૫૦ હેક્ટર્સનું માનવ સર્જીત જંગલ ખડું કર્યું છે, દુનિયાને આવા લાખો પાયેન્ગની જરૂર છે. જંગલોની રાખ થતા સમય નથી લાગતો પણ કુંપળ ફૂટે ને ત્યાંથી ઘટાટોપ ઝાડ ઊગે તેમાં તો ચોક્કસ લાંબો સમય લાગે છે. હાથનાં કર્યા હૈયે આપણને તો નહીં જ વાગે એવા ખોટા ગુમાનમાં આપણે ધાર્યા કરતાં વધારે ખોઇ બેસીએ એ પહેલાં જ જાગી જવાની જરૂર છે.

બાય ધી વેઃ

પૃથ્વી ભડકે બળી રહી છે અને આપણને બધાંને દીપિકા પાદુકોણની ફિલ્મનો વિરોધ કરવાની ચળ ઉપડે છે. જંગલ નાબૂદીનો મુદ્દો જેટલો દૂર લાગે છે તેના કરતાં કંઇક ગણો નજીક છે. દુનિયાભરનાં જંગલોમાં લાગેલી આગની ઝાળ આપણને ક્યારે અને કેવી રીતે દઝાડશે તેનો આપણને ખ્યાલ સુદ્ધાં નહીં આવે. જ્યારે ખબર પડશે ત્યારે હંમેશની માફક છેલ્લી ઘડીએ કૂવો ખોદવા બેસીશું પણ ભૂગર્ભ જળ પણ નહીં હોય એટલે પાણી ય નહીં મળે. આ તો આપણે ત્યાં નથી થયું કહેનારાઓએ યાદ રાખવું પડશે કે તેઓ હજી પણ આ જ ગ્રહ પર જીવી રહ્યાં છે. ૨૦૧૯માં માણસે સમુદ્ર અને વાતાવરણમાં દર વખત કરતાં ઘણો વધારે કાર્બન વહેતો કર્યો છે. માણસને કારણે પૃથ્વીનું અડધોઅડધ ગ્રીન કવર તો ખતમ થઇ ચૂક્યું છે. આપણો પર્યાવરણીય વિનાશ ત્યારે જ અટકી શકશે જ્યારે આપણે વૈચારિક વિનાશનાં માર્ગે ચાલવાનું અટકીને ‘વિકાસ’ નહીં પણ શક્યતાઓના અવકાશ ભણી નજર નાખીશું.

પ્રગટ : ‘બહુશ્રૃત’ નામક લેખિકાની સાપ્તાહિક કટાર, ’રવિવારીય પૂર્તિ’, “ગુજરાતમિત્ર”, 12 જાન્યુઆરી 2020

Loading

ભારતીયોને મુસલમાનોએ હરાવ્યા અને અંગ્રેજોએ છેતર્યા અને લૂંટ્યા

રમેશ ઓઝા|Opinion - Opinion|12 January 2020

ભારતમાં પોર્ટુગીઝો સૌથી પહેલા આવ્યા. એ પછી બીજા યુરોપિયનો પણ આવ્યા અને અંગ્રેજો સૌથી છેલ્લા આવ્યા. કયો અંગ્રેજ સૌથી પહેલા ભારતમાં આવ્યો હતો તે ખાતરીપૂર્વક કહેવું મુશ્કેલ છે, પણ એમ માનવામાં આવે છે કે થોમસ સ્ટીફેન્સ ભારતમાં પગ મૂકનાર પહેલો અંગ્રેજ મિશનરી હતો. તે સન ૧૫૭૯માં રહ્યો હતો અને ૪૦ વરસ ભારતમાં રહ્યો હતો. એ પછી મહારાણી એલિઝાબેથનો પત્ર લઈને ત્રણ અંગ્રેજ અકબરના દરબારમાં આવ્યા હતા અને ભારતમાં ધંધો કરવા દેવાની વિનંતી કરી હતી. સન ૧૬૦૦ની સાલમાં ઇસ્ટ ઇન્ડિયા કંપનીની સ્થાપના થઈ હતી અને જહાંગીરે ૧૬૦૮માં સુરતમાં ફેક્ટરી સ્થાપવાની પરવાનગી આપી હતી. ચરોતર નજીક હોવાથી ઇસ્ટ ઇન્ડિયા કંપનીનો પ્રારંભનો ધંધો તમાકુનો હતો અને તે સુરતથી થતો હતો. હિંદી ભાષામાં તમાકુ માટે પ્રચલિત શબ્દ ‘સૂરતી’ છે એ આ કારણે.

પોર્ટુગીઝો અને અંગ્રેજોમાં ફરક એ હતો કે અંગ્રેજોએ મુખ્યત્વે ધ્યાન ધંધા પર કેન્દ્રિત કર્યું હતું અને ધર્માંતરણ અને ભારતના પ્રદેશો પર કબજો કરવામાં શરૂઆતના સમયમાં ખાસ કોઈ રસ નહોતો લીધો. બીજી બાજુ પોર્ટુગીઝો વધારે ધર્મઝનૂની હતા, આક્રમક હતા અને ભારતીય પ્રજા પર ધર્મને લઈને અત્યાચારો પણ કર્યા હતા. આ ઉપરાંત વ્યાપાર અને પ્રદેશો પર કબજો કરવાની બાબતમાં પણ એટલા જ ક્રૂર અને આક્રમક હતા. અંગ્રેજોના આવા સલુકાઇભર્યા વર્તનને કારણે તેમને પોતાની જગ્યા બનાવવામાં અનુકૂળતા મળી હતી. જેમ કે બંગાળના સૂબેદારનો એક અંગ્રેજ તબીબે ઈલાજ કર્યો એનાથી ખુશ થઈને સૂબેદારે અંગ્રેજોને હુગલીમાં કોઠી સ્થાપવાની મંજૂરી આપી હતી. ઈ.સ. ૧૬૯૦માં અંગ્રેજોએ કલકત્તામાં ફોર્ટ વિલિયમનો કિલ્લો બાંધ્યો હતો.

હવે, એટલે ૧૬મી સદી પૂરી થતા સુધીમાં અંગ્રેજોને એમ લાગવા માંડ્યું કે જો ચાલાકીપૂર્વક ડગલાં માંડવામાં આવે તો ભારતની ભૂમિ પર પણ કબજો કરી શકાય એમ છે અને જો એમ બને તો વેપારને નામે ભારતની પ્રજાનું શોષણ કરી શકાય. અંગ્રેજોના નસીબે તરત જ ૧૭૦૭ની સાલમાં ઔરંગઝેબનું મૃત્યુ થયું અને મુઘલ સલ્તનત કમજોર પડવા લાગી. આમ તો ઔરંગઝેબની હયાતીમાં જ મુઘલ સામ્રાજ્ય નબળું પડવા લાગ્યું હતું અને તેનું કારણ એ હતું કે ઔરંગઝેબે તેના જીવનનાં છેલ્લા લગભગ ૨૫ વરસ દિલ્હીથી દૂર મરાઠાઓની પાછળ પડવામાં દક્ષિણમાં વિતાવ્યાં હતાં. કેન્દ્રીય શાસનના અભાવે અંદરથી ખોખલું થઈ ગયેલું મુઘલ સામ્રાજ્ય ઝડપથી પડી ભાંગવા લાગ્યું હતું.

સૂબાઓ સ્વતંત્ર થવા લાગ્યા હતા એથી કેન્દ્ર હજુ વધુ નબળું પડ્યું હતું, પણ એનો લાભ અંગ્રેજો લે એને હજુ વાર હતી. મુઘલ સામ્રાજ્યના પતનનો લાભ પૂનાના પેશ્વાઓએ લીધો હતો. ધીરેધીરે તેમણે સૂબાઓ પર આક્રમણ કરીને તેનો કબજો લીધો હતો અને ૧૭૫૦ સુધીમાં લગભગ અડધા કરતાં વધુ ભારત પર પૂનાના બ્રાહ્મણ પેશ્વાઓનો કબજો હતો. આ આશ્ચર્ય એ વાતનું છે કે તેમને રાજ કરતા આવડ્યું નહીં. જીતેલા પ્રદેશોમાં દરેક જગ્યાએ પેશ્વાઓ વાર્ષિક આવકનો ચોથો ભાગ લઈને પરાજીત સૂબાને રાજ કરવા દેતા હતા અથવા મરાઠા સરદારોને નવા સૂબા તરીકે બેસાડવામાં આવતા હતા. તેઓ બધા ટેકનિકલી પેશ્વાઓને અધીન હતા, પરંતુ વ્યવહારમાં સ્વતંત્ર હતા. આ વ્યવસ્થાને સરંજામશાહી તરીકે ઓળખવામાં આવે છે. જો પેશ્વાઓએ જીતેલા પ્રદેશોને ભેળવીને સામ્રાજ્ય વિસ્તાર્યું હોત અને એક જગ્યાએથી કેન્દ્રીય શાસન કર્યું હોત તો ભારતનો ઇતિહાસ જુદો હોત. આ સારો હોત કે નરસો એ જુદો પ્રશ્ન છે, પણ એટલું નક્કી કે અંગ્રેજો ભારત પર કબજો કરવામાં ફાવ્યા ન હોત અથવા તેમાં ખૂબ સમય લાગ્યો હોત.

‘સંસ્કૃતિ કે ચાર અધ્યાય’ નામનાં પુસ્તકના લેખક રામધારી સિંહ દિનકરે એક મહત્ત્વનો સવાલ કર્યો છે. તેમણે કહ્યું છે કે ૧૨મી સદીમાં મુસ્લિમ આક્રમણકારોને સિંધુથી ઢાકા સુધીની ભારતની ભૂમિ પર કબજો કરતા એક દાયકો માંડ લાગ્યો હતો, જ્યારે અંગ્રેજોને ભારત પર કબજો કરવા માટે કુલ ૧૧૧ લડાઈઓ લડવી પડી હતી. આમ કેમ થયું તેનો તેમણે પોતે કોઈ ખુલાસો કર્યો નથી, પરંતુ પ્રશ્ન રસપ્રદ છે. આનું મુખ્ય કારણ એ હતું કે ત્યારે અને એ પછી પણ અંગ્રેજો પાસે એવડું મોટું અંગ્રેજ લશ્કર નહોતું કે તે દાયકા-બે દાયકામાં આવડા મોટા ભારત દેશ પર કબજો કરી શકે. મુસ્લિમ આક્રમણકારો ભારતના નજીકના દેશોમાંથી આવતા હતા જયારે અંગ્રેજો પાંચ હજાર માઈલ્સ દૂરથી આવ્યા હતા. એ સમયે તેમની કુલ સંખ્યા ભારતમાં એકાદ હજાર માંડ હશે.

મહત્ત્વનું એ નથી કે અંગ્રેજોએ ભારત પર કબજો કરવા ૧૧૧ લડાઈઓ લડવી પડી હતી, મહત્ત્વનું એ છે કે પાંચ હજાર માઈલ્સ દૂરથી આવેલા એકાદ હજાર અંગ્રેજોએ થાક્યા વિના ૧૧૧ લડાઈઓ લડીને પણ ભારતનો કબજો કર્યો હતો અને એ પણ સો વરસમાં. આને માટે તેમણે ભારતીય શાસકોને આપસમાં લડાવ્યા હતા, કોઈ એકને મદદ કરી હતી, એ લડતના શિરપાવરૂપે ત્રીજા શાસક સામેની અંગ્રેજોની લડાઈમાં જેને મદદ કરી હતી તેની પાસેથી વળતી મદદ માગી હતી અને તેમણે ધીરે ધીરે ભારતીય પ્રજાનું અંગ્રેજ સૈન્ય તૈયાર કરવા માંડ્યું હતું વગેરે. ટૂંકમાં એકાદ હજાર વિદેશીઓએ ભારતીય સૈનિક અને ભારતીય શાસકોની મદદથી ભારત કબજે કર્યું હતું.

મહત્ત્વ એ વાતનું છે કે જેમ ૧૨મી અને ૧૩મી સદીમાં ભાગ્યે જ કોઈ હિંદુ શાસકને કે હિંદુ વિદ્વાનને પ્રશ્ન થયો હતો કે આટલા ઓછા સમયમાં, ચપટી વગાડતા મુસ્લિમ આક્રમણકારો ભારત કબજે કેમ કરી શક્યા; એમ જ ૧૮મી સદીમાં ભાગ્યે જ કોઈ ભારતીયે પ્રશ્ન કર્યો હતો કે, મુઠ્ઠીભર અંગ્રેજો, આટલે દૂરથી આવીને, આપણા જ લોકોની મદદથી, આપણે જ પૈસે, ભારતમાં કાયમી વસવાટ કર્યા વિના – ભલે ૧૧૧ લડાઈ લડવી પડી હોય – પણ કબજે કરી શક્યા એમ કેમ બન્યું? ૧૨મી સદીનું અને ૧૮મી સદીનું એમ બન્ને આશ્ચર્યો એક સરખાં છે!

અંગ્રેજોને સો વરસના સમયગાળામાં ૧૧૧ લડાઈઓ લડવી પડી એનું કારણ એ હતું કે ઔરંગઝેબના અવસાન પછી ભારતમાં ફ્રી ફૉર ઑલ જેવી સ્થિતિ હતી. દરેકને એમ લાગતું હતું કે પૂરી તાકાત લગાવીને વધુમાં વધુ પ્રદેશ કબજે કરી શકાય એમ છે. એમાં મરાઠાઓ હતા, મુઘલ સામ્રાજ્ય સામે બળવો કરનારા સૂબાઓ હતા અને વ્યવસાયી લૂંટારા પણ હતા. ભૂમિ કબજે કરવાની હોડ હતી જેમાં રાજકાજના ધોરણસરના કોઈ નિયમો જ નહોતા. રાષ્ટ્રીયતા અને વતન જેવી કોઈ ચીજ નહોતી. અરાજકતા એવી હતી કે કોઈ કોઈનું મિત્ર નહોતું અને કોઈનું દુશ્મન નહોતું. આની વચ્ચે અંગ્રેજોએ પોતાની જગ્યા બનાવવાની હતી અને મૈત્રી તેમ જ વિશ્વાસઘાતના માર્ગે ૧૧૧ લડાઈઓ લડીને ભારત કબજે કર્યું હતું. 

મુસ્લિમ આક્રમણકારો વિશેનો જે પ્રશ્ન આપણને ૧૨મી અને ૧૩મી સદીમાં થવો જોઈતો હતો અને અંગ્રેજોની સફળતા વિશેનો જે પ્રશ્ન આપણને ૧૮મી સદીમાં થવો જોઈતો હતો એ બન્ને પ્રશ્ન આપણને ૧૯મી સદીમાં થયા હતા. એ પણ અંગ્રેજો થકી. પહેલો પ્રશ્ન તેમણે લખેલા ઇતિહાસ દ્વારા અને બીજો પ્રશ્ન અંગ્રેજોએ ભારતીય પ્રજામાં આણેલી જાગૃતિ દ્વારા. હિંદુઓને મુસલમાનોએ હરાવ્યા અને ભારતીયોને અંગ્રેજોએ છેતર્યા અને લૂંટ્યા. આ બેમાંથી કયો ઘાવ મોટો અને દૂઝણો? દેખીતી રીતે અંગ્રેજોએ ખાસ પ્રકારે ઇતિહાસ લખીને પહેલો ઘાવ ખોતરીને દુઝતો કર્યો હતો કે જેથી બીજા ઘાવ તરફ નજર ન જાય. આજે પણ કહેવાતા રાષ્ટ્રવાદી દેશભક્તોમાં આ માનસિકતા કાયમ છે. મુસલમાનો સામેનો પરાજય તેમને વધારે ચચરે છે, અંગ્રેજોએ બેવકૂફ બનાવીને ગુલામ બનાવ્યા એનો તેઓ ચચરાટ અનુભવતા નથી. માટે તો તેમણે આઝાદીની લડતમાં ભાગ નહોતો લીધો.

એના બાપે તારા બાપને માર્યો હતો એમ કહીને અંગ્રેજોએ ભારત પર રાજ કર્યું હતું.

e.mail : ozaramesh@gmail.com

પ્રગટ :  ‘દૂધનું દૂધ, પાણીનું પાણી’ નામક લેખકની સાપ્તાહિક કટાર, ‘સંસ્કાર’ પૂર્તિ, “સંદેશ”, 12 જાન્યુઆરી 2020

Loading

...102030...2,5692,5702,5712,572...2,5802,5902,600...

Search by

Opinion

  • લાઈક-રીલ્સથી દૂર : જ્યારે ઓનલાઈનથી ઓફલાઈન જિંદગી બહેતર થવા લાગે
  • રુદ્રવીણાનો ઝંકાર ભાનુભાઈ અધ્વર્યુની કલમે
  • લોહી નીકળતે ચરણે ….. ભાઇ એકલો જાને રે !
  • ગુજરાતની દરેક દીકરીની ગરિમા પર હુમલો ! 
  • શતાબ્દીનો સૂર: ‘ધ ન્યૂ યોર્કર’ના તથ્યનિષ્ઠ પત્રકારત્વની શાનદાર વિરાસત

Diaspora

  • દીપક બારડોલીકરની પુણ્યતિથિએ એમની આત્મકથા(ઉત્તરાર્ધ)ની ચંદ્રકાન્ત બક્ષીએ લખેલી પ્રસ્તાવના.
  • ગાંધીને જાણવા, સમજવાની વાટ
  • કેવળ દવાથી રોગ અમારો નહીં મટે …
  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !
  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ

Gandhiana

  • ગાંધીસાહિત્યનું ઘરેણું ‘જીવનનું પરોઢ’ હવે અંગ્રેજીમાં …
  • સરદાર પટેલ–જવાહરલાલ નેહરુ પત્રવ્યવહાર
  • ‘મન લાગો મેરો યાર ફકીરી મેં’ : સરદાર પટેલ 
  • બે શાશ્વત કોયડા
  • ગાંધીનું રામરાજ્ય એટલે અન્યાયની ગેરહાજરીવાળી વ્યવસ્થા

Poetry

  • ગઝલ
  • કક્કો ઘૂંટ્યો …
  • રાખો..
  • ગઝલ
  • ગઝલ 

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved