અંધારી રાતમાં
એક ટાલિયો
લાકડી લઈ હાથમાં
ચોમેર – તૂટ્યાફૂટ્યા ખાડાખૈયાંભર્યા
રસ્તા પર
ચાલતો હતો સંભાળીને,
આગળ-પાછળ આજુબાજુ,
ઝૂંપડપટ્ટીઓ … બંગલાઓના
ઢગલે-ઢગલા પર લથડતી તેની નજર
બની ગઈ શૂન્ય!
સત્તાના રઘવાટ વચ્ચે –
અહંકારના સળગતા અંગાર,
જૂઠાણાંના કકળાટનો ભાર,
એય … ભાષણોના ધુમાડાના ગોટેગોટથી
એની આંખો ભીંજાઈ … ટપકી રહી
શબ્દો સરી પડ્યા હવામાં –
જ્યારે મનુષ્ય અશુદ્ધ સાધનોનો
ઉપયોગ કરે છે, ત્યારે
તેનું સાધ્ય પણ અશુદ્ધ બને છે.
થોર ઉપરથી દ્રાક્ષ અથવા આવળ ઉપરથી
અંજીર ઊતરે ખરાં?
બોલી એ ટાલિયો થઈ મૂર્છિત ઢળી પડ્યો!
થઈ ગયો લોહીલુહાણ
શબ એનું
થયું હવામાં અધ્ધર-અધ્ધર ઊંચકાયું.
સમગ્ર દેશ પર છવાયું …
હવામાં –
જુઓ … દેખાય છે?
સૌજન્ય : “નિરીક્ષક”, 16 જાન્યુઆરી 2020; પૃ. 15
![]()


મને સૌપ્રથમ તો એ કહેવા દો કે સર્જકમાત્ર સ્વતંત્ર છે અને પ્રતિબદ્ધ પણ છે, અને પક્ષધર પણ છે જ! કારણ કે એ અન્ય જીવનવ્યાપારો કરવા ઉપરાંત ‘સર્જન’ કરે છે …. શબ્દના માધ્યમથી અને અન્ય માધ્યમો દ્વારા પણ કંઈક સર્જે છે, બનાવે છે, નિર્માણ કરી શકે છે અને એટલે જ તો આપણે એને કંઈક ‘લોકોત્તર’, ‘મુઠ્ઠી ઊંચેરો’, ‘આર્ષદૃષ્ટા’, ‘સ્વપ્નદૃષ્ટા’ વગેરે કહીને નવાજીએ છીએ. સમયે સમયે, કહો કે પ્રત્યેક સમયે … યુગસંદર્ભે એની પાસેથી આપણને શું મળે છે, તે માટે મીટ માંડીને બેસીએ છીએ. યાદ છે, આજથી બરોબ્બર નવ્વાણું (૯૯) વર્ષ પહેલાં, આ જ ગુજરાતી સાહિત્ય પરિષદના છઠ્ઠા અધિવેશનમાં અધ્યક્ષ આચાર્ય આનંદશંકર ધ્રુવે સર્જકની વ્યાખ્યા બાંધતાં, સર્જક પાસે પોતાના સમયબોધની અપરંપાર અપેક્ષા વ્યક્ત કરતાં શું કહ્યું હતું ? …