Opinion Magazine
Number of visits: 9576407
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

ન તો હિન્દુઓએ આત્મપરીક્ષણ કર્યું કે ન મુસલમાનોએ!

રમેશ ઓઝા|Opinion - Opinion|19 January 2020

ગયા સપ્તાહના લેખમાં પ્રશ્ન ઉપસ્થિત કર્યો હતો કે જેમ ૧૨મી અને ૧૩મી સદીમાં ભાગ્યે જ કોઈ હિંદુ શાસકને કે હિંદુ વિદ્વાનને પ્રશ્ન થયો હતો કે આટલા ઓછા સમયમાં, ચપટી વગાડતા મુસ્લિમ આક્રમણકારો ભારત કબજે કેમ કરી શક્યા; એમ જ ૧૮મી સદીમાં ભાગ્યે જ કોઈ ભારતીયે પ્રશ્ન કર્યો હતો કે, મુઠ્ઠીભર અંગ્રેજો, આટલે દૂરથી આવીને, આપણા જ લોકોની મદદથી, આપણે જ પૈસે, ભારતમાં કાયમી વસવાટ કર્યા વિના – ભલે ૧૧૧ લડાઈ લડવી પડી હોય – પણ કબજે કરી શક્યા એમ કેમ બન્યું? ૧૨મી સદીનું અને ૧૮મી સદીનું એમ બન્ને આશ્ચર્યો એક સરખાં છે!

આ પ્રશ્નનો જવાબ ત્રણ રીતે આપી શકાય અથવા ત્યારે આપી શકાતા હતા. એક. હિંદુ હિંદુઓની અને મુસલમાન મુસલમાનોની ખામી શોધીને અથવા પોતાની કોમનું સ્વભાવ નિરીક્ષણ કરીને આપી શકે. આપણામાં શું ખૂટે છે? ઔરંગઝેબના મૃત્યુ પછી પેદા થયેલા રાજકીય શૂન્યાવકાશમાં હિંદુ પેશ્વાઓને એક મોકો મળ્યો હતો જે તેમણે કેમ ગુમાવી દીધો? સામ્રાજ્ય કેમ રચાય એનું પણ ભાન નહોતું? આ જ રીતે ઔરંગઝેબના અવસાન પછી મુસલમાનોએ મદદ માટે ભારતની બહાર શા માટે નજર દોડાવી? પાંચ સદીથી ભારતમાં રહેવા છતાં દારુલ હર્બ અને દારુલ ઇસ્લામનું વિભાજન કરીને  શાસકવર્ગના મુસલમાનો ભારતીય નહોતા થયા. મુસલમાનોએ વિચારવું જોઈતું હતું કે આપણામાં શું ખૂટે છે. પણ નહોતું હિંદુઓએ આત્મપરીક્ષણ કર્યું કે નહોતું મુસલમાનોએ. 

બે. પરાજિત હિંદુએ અને પરાજિત મુસલમાને ઘડીભાર ભારતીય બનીને ઉપરના પ્રશ્નનાં કારણ શોધવા જોઈતાં હતાં, પણ જ્યારે હિંદુ હિંદુ તરીકે અને મુસલમાન મુસલમાન તરીકે આત્મનિરીક્ષણ ન કરે ત્યારે ભારતીય બનીને ખામી શોધવાનો પ્રયાસ કરે એ તો વધારે પડતી અપેક્ષા કહેવાય.

ત્રણ. એકબીજા પર દોષારોપણ કરીને પોતાનું મન મનાવવા અથવા તો પોતાની જાતને છેતરવા માટે ખામીઓ શોધી શકાય. હિંદુઓ અને મુસલમાનોએ આ જ કર્યું હતું. આ બહુ ભાવતી પ્રવૃત્તિ હતી. આમાં પોતાની જાતને અને પોતાની કોમને બચાવી શકાતી હતી. આમાં સવર્ણો બહુજન સમાજને બહાર રાખતા હતા એ પરાજયનું એક મહત્ત્વનું કારણ હતું એવા તારણથી બચી શકાય.

આ બાજુ ચાલાક અંગ્રેજોને સમજાઈ ગયું હતું કે ભારતની બન્ને પ્રજાને પરાજયનો ખાસ કોઈ ગમ નથી. હિંદુઓને તો જરા ય નથી. તુલસીદાસે કહ્યું હતું એમ શાસક આવે ને જાય પ્રજાને શું! અત્યાર સુધીના શાસક આપણા જેવી ચામડી ધરાવતા હતા તો હવે નવા શાસકો ગોરી ચામડી ધરાવે છે એનાથી શો ફરક પડે છે! મુસલમાનોની દારુલ હર્બ અને દારુલ ઇસ્લામની કાથાકૂટ પર અંગ્રેજોની નજર રહેતી હતી, કારણ કે કદાચ મુસલમાનો તરફથી ખતરો આવી શકે છે એવી તેમને ધાસ્તી હતી. હિંદુઓની બાબતમાં તેઓ નિશ્ચિંત હતા. તેમણે એ પણ જોયું હતું કે હિંદુ કે મુસ્લિમ બેમાંથી કોઈ આત્મનિરીક્ષણ કરવા તૈયાર નથી અને ખામી દૂર કરવા તો બિલકુલ તૈયાર નથી. જે પ્રજા ખામી શોધવા જ તૈયાર ન હોય ત્યાં ખામી દૂર કરવાનો તો સવાલ જ નથી. ઊલટું અંગ્રેજોના ધ્યાનમાં એ આવ્યું હતું કે બન્ને પ્રજા એકબીજા પર દોષારોપણ કરવામાં મશગૂલ છે.

તેમણે વિચાર્યું કે બંને પ્રજામાં દોષારોપણની જે પ્રવૃત્તિ ચાલી રહી છે તેને જ પ્રોત્સાહિત કેમ ન કરવી? તેમને જે ભાવે છે એ જ ચારો નીરતા રહીએ તો ગોળી ચલાવ્યા વિના સેંકડો વરસ સુધી રાજ કરી શકાય. હિંદુ વિદ્રોહને શાંત કરવા મુસ્લિમ શાસકોએ શસ્ત્રો હાથમાં લેવાં પડ્યા હોય એવું તો ભારતના ઇતિહાસમાં ક્યારે ય બન્યું નથી. તેઓ એકબીજાની રિયાસતો જીતવા લડતા હતા, પણ એ તો સત્તાની લડાઈ હતી. એવી સત્તાની લડાઈ તો મુસલમાન શાસકો વચ્ચે આપસમાં પણ ઘણી થઈ છે. જો મુસ્લિમ શાસકોને પાંચ સદી દરમ્યાન હિંદુ વિદ્રોહનો સામનો નથી કરવો પડ્યો તો આપણે પણ ગોળી ચલાવ્યા વિના સેંકડો વરસ સુધી રાજ કરી શકીએ. આમાં જરૂરિયાત માત્ર એટલી છે કે બંને કોમને દોષારોપણનો અને અણગમાનો ચારો નીરતા રહેવો. હા, ઉપર કહ્યું એમ દારુલ હર્બ અને દારુલ ઇસ્લામના કારણે તેઓ મુસલમાનોની બાબતમાં સાબદા રહેતા હતા અને હિંદુઓની બાબતમાં તો સાવ જ નિશ્ચિંત હતા.

પણ ભારતમાં અત્યાર સુધી રાજ કરી ગયેલા હિંદુ કે મુસ્લિમ શાસકોમાં અને અંગ્રેજોના શાસનમાં પાયાનો ફરક હતો. એક ફરક એ હતો કે આગળ જેટલા વિદેશી આક્રમણકારો ભારતમાં આવ્યા એ બધા ભારતમાં વસી ગયા હતા. તેઓ ભારતીય બની ગયા હતા. પણ અંગ્રેજો ક્યારે ય ભારતમાં કાયમ માટે વસ્યા નહોતા કે ભારતીય બન્યા નહોતા.

બીજો ફરક એ હતો યુરોપિયન પહેલાના વિદેશી શાસકો ભારતને આર્થિક રીતે લૂંટવા કે આર્થિક શોષણ કરવા નહોતા આવ્યા; તેઓ તો માત્ર રાજ કરવા આવ્યા હતા. આમ અંગ્રેજો પહેલાના શાસકો માટે ભારત શાસિતભૂમિ હતી, જ્યારે અંગ્રેજો માટે એ સંસ્થાન (કોલોની) અર્થાત્‌ શોષિતભૂમિ હતી. અંગ્રેજો પહેલાના વિદેશી શાસકો શાસકીય લાભ આપવામાં થોડો કોમી પક્ષપાત જરૂર કરતા હતા, જ્યારે અંગ્રેજો પક્ષપાત કર્યા વિના શોષણ અને અન્યાય કરતા હતા અથવા એમ કહી શકાય કે શોષણ અને અન્યાયમાં થોડી રાહત આપીને પક્ષપાત કરતા હતા.

આમ મુસ્લિમ શાસકો કરતાં અંગ્રેજોનો પક્ષપાત બીજા છેડાનો હતો અને એ પણ એકબીજા માટે અણગમો તેમ જ અંતર વધારનારો હતો. જેમ કે કોઈ પ્રાંતમાં હિંદુ જમીનદારો હોય અને મુસ્લિમ ખેતમજૂરો હોય તો એવી રીતનો જમીનસુધારો કરવો કે મુસ્લિમ રાજી થાય અને હિંદુ નારાજ થાય અથવા બીજી દિશાના સુધારા કરવા. જેવી જરૂરિયાત. શોષણ તો બન્નેનું થતું હતું, કારણ કે ભારતનું થતું હતું; પરંતુ રાહતનો અનુભવ બન્ને પ્રજાને થતો હતો. એક દિવસ ભારતની પ્રજાને રાહત એટલી મીઠી લાગવા માંડી કે તેઓ શોષણ થઈ રહ્યું છે એ વાત જ ભૂલી ગયા. જે કોમને રાહત મળતી હતી એ બીજી કોમ કરતાં પોતાને ચડિયાતી કે શાસકોની લાડલી સમજીને પોરસાતી હતી.

ત્રીજો પાયાનો ફરક એ હતો કે અંગ્રેજોના શાસનમાં ભારતનાં ગામડાંઓએ આર્થિક-સામાજિક સ્વાયત્તા ગુમાવી દીધી હતી. ભારતની આ એક કમાલની વિશેષતા હતી. અંગ્રેજો આવ્યા એ પહેલાં ગામડાંઓ એકંદરે આત્મનિર્ભર હતાં. આર્થિક અને સામાજિક પરસ્પરાવલંબન હતું. શહેરો અને શહેરી બજારોની જરૂર નહીં જેવી હતી. નાણાંકીય ચલણ હોવા છતાં ન હોવા જેવું જ હતું. ગામડાંઓમાં સામાજિક ઢાંચો એ જ શાસન હતું. જે સામાજિક નિસરણી પર ઉપર હોય એનો બોલ એ આદેશ. આને કારણે રાજ્યનો પ્રવેશ ગામડાઓમાં મહેસૂલ ઉઘરાવવા પૂરતો જ હતો, પછી રાજ્ય હિંદુનું હોય કે મુસલમાનનું. માટે તુલસીદાસે કહ્યું હતું કે શાસક આવે ને જાય પ્રજાને શો ફરક પડે છે!

અંગ્રેજોએ આ ઢાંચો બદલી નાખ્યો હતો, કારણ કે આગળ કહ્યું એમ તેમનો ઈરાદો આર્થિક શોષણ કરવાનો હતો. શાસન તો તેઓ શોષણ કરવા માટે કરતા હતા. આને કારણે સદીઓથી સુષુપ્ત અવસ્થામાં રહેલ ભારતીય ગ્રામીણ ઢાંચો તૂટી ગયો હતો. એમાંથી સારાં અને નરસાં એમ બંને પ્રકારનાં પરિણામો પેદા થયાં હતાં. સારું એ કે ભારતના નીચેના સામાજિક રીતે શોષિત સમાજને થોડી રાહત મળી અને નરસું એ અર્થમાં કે ગ્રામીણ ભારતે તેની આત્મનિર્ભરતા અને સ્વાયત્તતા ગુમાવી દીધી. ભારત સંપૂર્ણપણે ગુલામ બન્યું.

અંગ્રેજ પહેલાના શાસકોએ ભારતને નહોતું બદલ્યું એટલું અંગ્રેજોએ બદલી નાખ્યું. ભારતમાં વસ્યા વિના, ભારતને વતન બનાવ્યા વિના.

અને ચોથો પાયાનો ફરક શિક્ષણના ક્ષેત્રે હતો જેની વાત હવે પછી.

e.mail : ozaramesh@gmail.com

પ્રગટ :  ‘દૂધનું દૂધ, પાણીનું પાણી’ નામક લેખકની સાપ્તાહિક કટાર, ‘સંસ્કાર’ પૂર્તિ, “સંદેશ”, 19 જાન્યુઆરી 2020

Loading

ચલ મન મુંબઈ નગરી — 27

દીપક મહેતા|Opinion - Opinion|19 January 2020

મુંબઈની મોટી સાહ્યબી, સુખ સ્વર્ગ સમાન

દિલગીરીવાળી દેખાય છે, જેવું મોટું મસાણ

દલપતરામના દેવ તું, સૌની કરજે સહાય

શેર બજારે આ શું કર્યું, વાળ્યો દુનિયાનો દાટ,
લાજ લીધી લાખો લોકોની, ઉપજાવ્યા ઉચાટ.
પ્રથમ તો પૈસા પમાડિયા, લલચાવિયા લોક,
મૂડી વગર કીધા માનવી, ફાંફાં મારતા ફોક.
મુંબઈની મોટી સાહ્યબી, સુખ સ્વર્ગ સમાન,
દિલગીરીવાળી દેખાય છે, જેવું મોટું મસાણ.
કૈંકે વાસણ વેચિયાં, વેચ્યા બંગલા બાગ,
કોઈક કરજ દરિયે પડ્યા, તેનો ન જણાય તાગ.
ઘરમાં સંતાઈ ઘણા રહે, લાગે લોકમાં લાજ,
દલપતરામના દેવ તું, સૌની કરજે સહાય.

કવીશ્વર દલપતરામ

આ પંક્તિઓ લખનાર કવીશ્વર દલપતરામ, મુંબઈનું શેર બજાર, અને અમેરિકાના પ્રમુખ અબ્રહામ લિંકન વચ્ચે સીધો સંબંધ છે એમ કોઈ કહે તો માનો? પણ એ હકીકત છે. આજે અમેરિકાના પ્રમુખને શરદી થાય તો ભારત સહિત બીજા ઘણા દેશોને છીંક આવવા લાગે છે. અને ૧૯ સદીમાં પણ એવું જ બનેલું. યુનાઈટેડ સ્ટેટ્સ ઓફ અમેરિકાની સ્થાપના થઈ ત્યારથી તેનાં કેટલાંક રાજ્યોમાં ગુલામીની પ્રથા ઘર કરી ગઈ હતી. અને દક્ષિણનાં રાજ્યોને તેમાં ખાસ કશું ખોટું પણ લાગતું નહોતું. જ્યારે ઉત્તરનાં રાજ્યોમાં ગુલામીની પ્રથા ઓછી હતી અને તેનો વિરોધ પણ અવારનવાર થતો હતો. પણ અમેરિકાના પ્રમુખ થયા પછી અબ્રહામ લિંકને અમેરિકામાંથી ગુલામીની પ્રથા નાબૂદ કરવાનું નક્કી કર્યું અને તે અંગેનાં પગલાં લેવા માંડ્યાં. દક્ષિણનાં રાજ્યોએ તેનો વિરોધ કર્યો, અને પછી સંઘમાંથી અલગ થઈ ઉત્તરનાં રાજ્યોના લશ્કર સામે પોતાના લશ્કરને મેદાનમાં ઉતાર્યું. ૧૮૬૧ના એપ્રિલની ૧૨મી તારીખથી અમેરિકામાં આંતર વિગ્રહ શરૂ થયો.

પ્રેસિડન્ટ અબ્રહામ લિંકન

એ જમાનો હતો સુતરાઉ કાપડની બોલબાલાનો. ગ્રેટ બ્રિટનની મિલો અમેરિકાથી રૂ આયાત કરતી, તેનું કાપડ બનાવતી, અને મોંઘા ભાવે એ કાપડ હિન્દુસ્તાન અને બીજાં સંસ્થાનોમાં વેચતી. પણ આંતરવિગ્રહને કારણે અમેરિકન રૂની આયાત બંધ થઈ ગઈ. એટલે એ મિલોએ હિન્દુસ્તાનથી રૂ આયાત કરવાનું મોટે પાયે શરૂ કર્યું. આથી આપણા દેશમાં રાતોરાત રૂના ભાવ વધીને આસમાને ગયા. કહે છે કે લોકોએ પોતાના ઘરનાં ગાદલાં-તકિયા ફાડીને તેમાંનું રૂ પણ વેચી નાખેલું. હવે રૂ ‘સફેદ સોનું’ કહેવાતું હતું. અગાઉ વરસે દહાડે રૂની પાંચ લાખ ગાંસડીની નિકાસ થતી. ૧૮૬૫માં બાર લાખ ગાંસડીની નિકાસ થઈ. રૂની નિકાસની સાથે બીજા કેટલા ય ધંધા-રોજગાર વધ્યા. આ બધાને લોન આપવા માટે નવી નવી ખાનગી બેંકો શરૂ થઈ. તેમણે ઊંચા વ્યાજે પૈસા ધીર્યા. બચતના પૈસા જ નહિ, બેંકો પાસેથી કે ગમે ત્યાંથી પૈસા લઈને લોકોએ એ પૈસા શેરોમાં રોક્યા. વેપારીઓ તો ઠીક, પણ સરકારી નોકરો, મજૂરો, ઝાડુવાળાઓ, બધા શેર બજારના વાદે ચડ્યા. ઘણાએ પોતાનાં ઘર, ઘરેણાં વેચી એ પૈસા શેરમાં નાખ્યા. બોમ્બે સ્ટોક એક્સચેન્જ તો હજુ શરૂ પણ નહોતું થયું. ટાઉન હોલની સામે એક મોટું વડનું ઝાડ હતું તેની છાયામાં વેપારીઓ અને દલાલો શેર લિયા-દિયાનો વેપલો કરતા. કહે છે કે આ શેર મેનિયા દરમ્યાન ત્યાં એટલા લોકો રોજ ભેગા થતા કે એ જમાનામાં પણ ત્યાં ટ્રાફિક જામ થઈ જતો. અને કેમ ન થાય?  બેક બે રેકલમેશન કંપનીનો પાંચ હજાર રૂપિયાનો શેર પચાસ હજાર રૂપિયામાં વેચાતો હતો, બેંક ઓફ બોમ્બેનો ૫૦૦નો શેર ૨૮૫૦માં વેચાતો હતો.

સર કાવસજી જહાંગીર

શેર-સટ્ટાનાં આ ઘોડાપૂર સામે લાલ બત્તી બતાવનાર એક જણ હતો : સર કાવસજી જહાંગીર રેડીમની. એવણ હતા બેંક ઓફ બોમ્બેના એક ડિરેક્ટર. એ બેંક આડેધડ લોન આપતી હતી એનો વિરોધ કરી અટકાવવાની મહેનત કરી. પણ શેર-સટ્ટાનાં ઢોલ વાગતાં હોય ત્યારે પીપુડીનો અવાજ કોણ સાંભળે? છેવટે એમણે બેંકમાંથી રાજીનામું આપ્યું. તેમની જગ્યાએ આવ્યા કોટન કિંગ પ્રેમચંદ રાયચંદ. વહેલી સવારથી તેમના ભાયખલાના બંગલા બહાર લોકોનું ટોળું જામતું. શેઠ સાહેબ ખુશ થઈને એક-બે શેર આપી દે તો ન્યાલ થઈ જવાય! અરે, શેર નહિ, શેરની ‘ટિપ’ આપે તો ય ઘરવાળીનાં ઘરેણાં વેચી શેર લેવાય.

કોટ વિસ્તારમાં ખુલ્લામાં ચાલતું શેર બજાર – ૧૯મી સદી

અમદાવાદ અને ગુજરાતના પણ કેટલાયે લોકોએ પોતાની નોકરીઓ છોડી, ને શેરના સટ્ટામાં પડ્યા. આ રીતે શેરબજાર પાછળ પડનારાઓમાંના એક હતા કવીશ્વર દલપતરામ. ગુજરાત, તેનાં ભાષા, સાહિત્ય, ઇતિહાસ, સંસ્કૃતિના ચાહક અંગ્રેજ સરકારના એક ઉચ્ચ અધિકારી એલેક્ઝાન્ડર કિનલોક ફાર્બસ કવીશ્વરના મિત્ર અને માર્ગદર્શક. તેમના થકી દલપતરામ અમદાવાદમાં ફાર્બસે સ્થાપેલી ગુજરાત વર્નાક્યુલર સોસાયટીમાં વર્ષોથી કામ કરતા હતા. પાંચમાં પૂછાતા હતા, કવીશ્વર તરીકે માનપાન પામતા હતા. નોકરીમાંથી રાજીનામું ન આપવા ફાર્બસે સમજાવ્યા, ઉપરી કર્ટિસે સમજાવ્યા, પણ લક્ષ્મી દેખી મુનીવર ચળે, તો દલપતરામનું શુ ગજું? વર્ષો જૂની નોકરી છોડીને પડ્યા શેરના સટ્ટામાં. શરૂઆતમાં કમાયા, અમદાવાદમાં બંગલો બંધાવવાનું શરૂ કર્યું. એ માટે બેંક પાસેથી લોન લીધી.

પણ પછી શેર બજાર ઊંધે માથે પટકાયું. કેમ? કારણ, ૧૮૬૫ના જૂન મહિનાની બીજી તારીખે અમેરિકાના આંતરવિગ્રહનો અંત આવ્યો. એ દેશમાંથી ગુલામીની પ્રથા નાબૂદ થઈ. એટલે તરત જ ગ્રેટ બ્રિટનની કાપડ મિલોએ હિન્દુસ્તાનથી રૂ મગાવવાનું બંધ કર્યું અને ફરી અમેરિકાથી રૂ આયાત કરવાનું શરૂ કર્યું. આપણા દેશમાં રૂના ભાવ રાતોરાત તૂટ્યા. રૂના વેપારીઓ ભિખારીઓ થઈ ગયા. તેમણે બેંક પાસેથી લીધેલી લોનના પૈસા ડૂબ્યા. પહેલી જુલાઈને દિવસે કેટલા ય સટોડિયા શેરબજારમાં વલણ ચૂકવી ન શક્યા અને દેવાળું કાઢ્યું. એટલે તેમને લોન આપનારી બેંક એક પછી એક ભાંગી. મુંબઈમાં બેકારી, ઉદાસી, હતાશા, છવાઈ ગઈ. કેટલાય લોકો મુંબઈ છોડી પાછા ‘દેશ’ ભેગા થઈ ગયા. ૧૮૬૪માં મુંબઈની વસતી ૮ લાખ ૧૬ હજારની હતી તે ઘટીને ૧૮૭૨ સુધીમાં ૬ લાખ ૪૪ હજારની થઈ ગઈ.

એલેક્ઝાન્ડર કિનલોક ફોર્બ્સ

તે પહેલાં ૧૮૬૨માં ગ્રેટ બ્રિટનની રાણીએ એક ઢંઢેરા દ્વારા બોમ્બે હાઈકોર્ટની સ્થાપના કરી હતી અને તેના પહેલા છ અંગ્રેજ ન્યાયાધીશની નિમણૂક કરી હતી. તેમાંના એક હતા ફાર્બસ. એટલે ૧૮૬૨થી ફાર્બસ મુંબઈમાં હતા, દલપતરામ અમદાવાદમાં. ફાર્બસની તબિયત પણ સારી રહેતી નહોતી. જીવનમાં પહેલી વાર ફાર્બસની સલાહની અવગણના કરી હતી અને શેર બજારના ફંદામાં ફસાયા હતા. એટલે ફાર્બસને મોઢું બતાવતાં પણ દલપતરામને સંકોચ થતો હતો. પણ આફતમાંથી ઉગારી શકે એવો એક જ જણ હતો, ફાર્બસ. એટલે ઓગસ્ટની શરૂઆતમાં દલપતરામ મુંબઈ આવ્યા. ભારે પગલે ફાર્બસના વાલકેશ્વરના બંગલે ગયા. ફાર્બસને મળી ખબરઅંતર પૂછ્યા. પણ જે વાત કહેવા આવ્યા હતા તે કહેતાં જીભ ઊપડે નહિ. માથું નીચું ઢાળીને બેસી રહ્યા. આંખમાં ઝળઝળિયાં. અનુભવી, ચતુર ફાર્બસ સમજી ગયા. કહે : ‘કવીશ્વર, સપડાઈ ગયા લાગો છો.’ તો ય દલપતરામની જીભ ઉપડે નહિ. ‘કાંઈ ફિકર નહિ. મોટા મોટા જજો તથા બેરિસ્ટરો સપડાયા છે. જે વાત હોય તે કહો.’ અને દલપતરામે બધી વાત પેટછૂટી કરી. બીજી થોડી વાતો કરી બંને છૂટા પડ્યા. દલપતરામના ગયા પછી ફાર્બસે બેન્કના ડાયરેક્ટર ખરસેદજી નસરવાનજી કામાને અને પ્રેમચંદ રાયચંદને બોલાવ્યા. ચર્ચા કરી નક્કી કર્યું કે બેન્કે ત્રણ હજાર રૂપિયા લઈ દલપતરામનું બાકીનું ૧૭ હજારનું દેવું જતું કરવું અને બંગલો પાછો સોંપવો. એ જ વખતે ફાર્બસે પોતાના ખિસ્સામાંથી એક હજાર રૂપિયા આપ્યા અને કહ્યું કે બાકીની રકમ બે-ચાર દિવસમાં કવીશ્વર પાસેથી મળી જશે.

પ્રેમચંદ રાયચંદ

બીજે દિવસે દલપતરામને બોલાવી બધી વાત કરી. વાત સાંભળી તેઓ કહે : પણ મારી પાસે તો એક રૂપિયો પણ નથી, ત્યાં બે હજાર ક્યાંથી આપું? દલપતરામની સ્થિતિ કેટલી ખરાબ છે તેનો ખ્યાલ આવતાં બાકીની રકમ પણ ઊભી કરવાનું ફાર્બસે માથે લીધું. ૬૦૦ રૂપિયા પ્રેમચંદ રાયચંદે અંગત રીતે આપ્યા. સર મંગળદાસ નથ્થુભાઈએ ૪૦૦ આપ્યા. વિનાયક શંકરશેટે ૧૫૦ આપ્યા. કરસનદાસ માધવદાસે ૧૦૦ રૂપિયા આપ્યા. ઠક્કર કરસનજી નારણજી અને રતનજી શામજીએ ૧૫૦ આપ્યા. વિનાયકરાવ વાસુદેવે ૧૦૦ રૂપિયા આપ્યા. તોય હજી ૫૦૦ રૂપિયા ખૂટતા હતા. એટલે ફાર્બસે લુવાણા ઠક્કર હંસરાજ કરમસીને બોલાવીને કહ્યું : ‘૧૦૦ કવિતા રચીને તેનું પુસ્તક કવીશ્વર તમને અર્પણ કરશે તેની ખાતરી હું આપું છું. પણ એક કવિતાના પાંચ રૂપિયા લેખે ૫૦૦ રૂપિયા તમે હમણાં જ આપો.’ બીજે દિવસે ફરી દલપતરામને બોલાવી ખૂટતી રકમ તેમના હાથમાં મૂકી. પછી અમદાવાદમાં કર્ટિસનો સંપર્ક કરી દલપતરામને નોકરીમાં પાછા લેવા કહ્યું. પણ તેમની જગ્યાએ તો વ્રજલાલ શાસ્ત્રીની નિમણૂક થઈ ગઈ હતી. તેને છૂટા કેમ કરાય. ફાર્બસ કહે, બંનેને રાખો. દલપતરામનો પગાર હું આપીશ. છેલ્લે દિવસે બંને મળ્યા ત્યારે દલપતરામનાં કેટલાંક પુસ્તકો, હસ્તપ્રતો વગેરે પોતાની પાસે હતાં તે ફાર્બસે પાછાં આપી દીધાં. અને ઓગસ્ટના ત્રીજા અઠવાડિયામાં દલપતરામ અમદાવાદ પાછા ગયા. તેમના ગયા પછી ફાર્બસની માંદગી ખૂબ વધી. હવાફેર અને સારવાર માટે પૂના લઈ ગયા. અને ત્યાં જ ૩૧મી ઓગસ્ટે ફાર્બસનું અવસાન થયું, માત્ર ૪૪ વર્ષની વયે.

ફાર્બસના આવા અકાળ અવસાનનો ઘા દલપતરામ માટે કારમો હતો. ફાર્બસ વિરહ નામનું લાંબુ કાવ્ય રચ્યું તેમાં લખ્યું :

દાખે દલપતરામ, પામરનો પાળનાર,
મુંબઈમાં હતો તે લુંટાઈ ગયો માળવો.

બીજે જ વર્ષે, ૧૮૬૬ના મે મહિનામાં હંસરાજ શેઠના આમંત્રણથી દલપતરામ સકુટુંબ મુંબઈ આવ્યા. શેઠે આગતાસ્વાગતા કીધી. કવીશ્વરને અને તેમનાં કુટુંબીજનોને ભેટો આપી. સાતમી મેએ મુંબઈના ભાટિયા મહાજનોએ સભા ભરી દલપતરામને માનપત્ર આપ્યું. વરસાદ શરૂ થતાં પહેલાં જૂનની શરૂઆતમાં દલપતરામ અમદાવાદ પાછા ગયા. દસેક વર્ષ પછી દલપતરામના આંખના દર્દે ફરી જોર કર્યું. અમદાવાદમાં ઉપચાર થાય તેમ નહોતું. એટલે ૧૮૭૭માં કવીશ્વર ફરી મુંબઈ આવ્યા અને સર મંગળદાસની વાડીમાં ઊતર્યા. તે અગાઉ ૧૮૭૪માં ડો. ભાઉ દાજીનું તો અવસાન થયું હતું. બીજા ડોકટરોને બતાવ્યું. તેમણે કહ્યું : ‘મોતિયો આવે છે, પણ હજી પાક્યો નથી. પાકે પછી આવજો તો ઉતારી આપશું.’ હતાશ થઈને ત્રણેક અઠવાડિયાં પછી કવીશ્વર અમદાવાદ પાછા ગયા. પણ પછી ૧૮૭૯માં અમદાવાદમાં નવી શરૂ થયેલી રણછોડલાલ ડિસ્પેન્સરીમાં મોતિયાનું ઓપરેશન કરાવ્યું, પણ સફળ ન થયું. આંખો લગભગ ગઈ. હોસ્પિટલમાંથી જ ગુજરાત વર્નાક્યુલર સોસયટીની નોકરીમાંથી રાજીનામું મોકલી દીધું.

દલપતરામે મુંબઈની છેલ્લી મુલાકાત લીધી ૧૮૮૭માં. એ વર્ષે અમદાવાદમાં ‘દલપતમહોત્સવ’ ઉજવવાનું નક્કી થયું. ત્રણેક વર્ષની મહેનત પછી તે માટે સાડા બાર હજાર રૂપિયા એકઠા થઈ શક્યા હતા. મહોત્સવ સમિતિએ નક્કી કર્યું કે દલપતરામનું એક તૈલચિત્ર તૈયાર કરાવી હેમાભાઈ હોલમાં મૂકવું. પણ તે વખતે આવું ચિત્ર તૈયાર કરી શકે એવો કોઈ કલાકાર અમદાવાદમાં નહોતો. એટલે સમિતિ પોતાને ખર્ચે મે મહિનામાં દલપતરામને મુંબઈ લાવી. બોર્ન એન્ડ શેફર્ડ નામની કંપનીમાં તેમનું તૈલચિત્ર તૈયાર થયું. મૂળ બ્રિટિશ કંપની કલકત્તામાં ૧૮૬૩માં શરૂ થઈ હતી અને છેક ૨૦૧૬માં બંધ થઈ. તેની મુંબઈ શાખા ૧૮૭૬માં શરૂ થઈ અને ૧૯૦૨ સુધી કામ કરતી હતી. ચિત્રનું કામ પૂરું થયે દલપતરામ પાછા અમદાવાદ ગયા.

દલપતરામના જન્મને ૨૦૦ વર્ષ થયાં. પણ તેમની કેટલીક કવિતા ૧૯મી સદીમાં નહિ, પણ ૨૦૨૦માં લખાઈ હોય તેવી લાગે છે. તેવી એક ગરબીની થોડી પંક્તિઓ સાથે કવીશ્વરને આદરાંજલિ આપીએ :

દેશમાં સંપ કરો સંપ કરો,
દિલે દેખી કુસંપથી ડરો રે, દેશમાં …
હાં રે તમે ટંટા ધરમના ટાળો,
જે જે પ્યારો લાગે તે ધર્મ પાળો, દેશમાં …
હાં રે છળ દગા કપટ દો છોડી,
આખા દેશની થઈ આબરૂ થોડી રે, દેશમાં …
હાં રે વાંચો દલપતરામની વાણી,
પક્ષપાત વિના સત્ય પ્રમાણી રે, દેશમાં …

e.mail : deeepakbmehta@gmail.com

XXX XXX XXX

પ્રગટ : “ગુજરાતી મિડ ડે”, 18 જાન્યુઆરી 2020

Loading

ધીરે ધીરે સુધારાનો સાર સંભળાવતું વેનચરિત્ર

દીપક મહેતા|Opinion - Literature|18 January 2020

કાળચક્રની ફેરીએ

૧૯મી સદીમાં ગુજરાતમાં સમાજ સુધારાની જે પ્રવૃત્તિ જોરશોરથી ચાલી તેના પ્રત્યેના કવિ દલપતરામના અભિગમને આ પંક્તિ સ્પષ્ટ રીતે વ્યક્ત કરે છે:

‘સ્નેહ સહીત સંભળાવજો, ધીરે ધીરે સુધારાનો સાર’.

(અવતરણ ચિહ્નોમાં બધે જોડણી મૂળ પ્રમાણે)

૧૮૬૮માં પહેલી વાર પ્રગટ થયેલ ‘વેનચરિત્ર’નો એક વાક્યમાં પરિચય આપવો હોય તો કહી શકાય કે આ જાણીતી પંક્તિ જેમાં આવે છે તે કાવ્ય એટલે વેનચરિત્ર. લગભગ ૧૫૦૦ પંક્તિનું આ કાવ્ય દલપતરામનું કદાચ લાંબામાં લાંબુ કાવ્ય છે. તેમની બીજી ઘણી ગદ્ય અને પદ્ય કૃતિઓની જેમ વેનચરિત્ર પણ પ્રેરિત રચના છે. ગોપાળરાવ હરિ દેશમુખની ‘ફરમાસ’ પરથી દલપતરામે આ દીર્ઘ કાવ્ય લખ્યું હતું અને તેને માટે પાલીતાણાના દરબાર તરફથી તેમને ૭૫૦ રૂપિયાનું ઇનામ મળ્યું હતું. મહારાષ્ટ્રમાં ‘લોકહિતવાદી’ના ઉપનામથી ઓળખાતા ગોપાળ હરિ દેશમુખ (૧૮૨૩-૧૮૯૨) ૧૯મી સદીના મરાઠી સાહિત્યના અને મહારાષ્ટ્રની સમાજ સુધારા માટેની ચળવળના એક અગ્રણી હતા. ૧૮૬૭થી ૧૮૭૬ સુધી તેમણે અમદાવાદમાં સ્મોલ કોઝ કોર્ટના જજ તરીકે કામ કર્યું હતું. અમદાવાદના પ્રાર્થના સમાજની સ્થાપનામાં તેમનો મહત્ત્વનો ફાળો હતો. આ ઉપરાંત પુનર્વિવાહ મંડળ અને ગુજરાતી વક્તૃત્ત્વ મંડળની તેમણે અમદાવાદમાં સ્થાપના કરી હતી. ૧૮૭૩થી ૧૮૭૭ સુધી તેઓ ગુજરાત વર્નાક્યુલર સોસાયટીના ઓનરરી સેક્રેટરી હતા. ઋણસ્વીકાર કરવામાં દલપતરામ ક્યારે ય કરકસર ન કરતા. ‘વેનચરિત્ર’નાં બે પદ – ૧૪૧, ૧૪૨ — માં તેમણે ગોપાળરાવનો પરિચય આપ્યો છે અને કહ્યું છે:

‘સ્માલકાજ કોરટમાં આજે, અમદાવાદ મોઝાર,
જે છે સાહિબ જજ્જ જુવો, પ્રતિ માસ સહસ્ર પગાર.
આ પુસ્તકથી એ સાહેબનું મનરંજન કરી લીધું,
અધિક મદદ એણે આપી, કવિનું મનરંજન કીધું.
જ્યાં સુધી આ પુસ્તક જગમાં રહેશે ઠામોઠામ,
ત્યાં સુધી આ ઉદાર નરનું  અવિચળ રહેશે નામ.’

વેનચરિત્ર વિષે વધુ વાત કરતાં પહેલાં તેના સમયની કેટલીક ઘટનાઓની વાત કરી લઈએ. ઈશ્વરચંદ્ર વિદ્યાસાગર વિધવા વિવાહના પ્રખર હિમાયતી હતા. આ અંગે કાયદો ઘડવા માટે તેમણે તથા તેમના સાથીઓએ લેજિસલેટિવ કાઉન્સિલને અરજી કરી હતી. આ અરજીનો વિરોધ કરતી અરજી રાધા કાન્ત દેવ અને ‘ધર્મસભા’એ કરી હતી. તેના પર સહી કરનારાઓની સંખ્યા ઈશ્વરચંદ્રની અરજી પર સહી કરનારાઓ કરતાં ચારગણી હતી. પણ ગવર્નર જનરલ લોર્ડ ડેલહાઉસીએ ઈશ્વરચંદ્રની અરજી સ્વીકારી એટલું જ નહિ, તેમણે જાતે આ અંગેના કાયદાનો ખરડો તૈયાર કર્યો. ૧૮૫૬ના જુલાઈની ૨૬મી તારીખે ‘હિંદુ વિડોઝ રિમેરેજ એકટ’ પસાર થયો અને સમગ્ર બ્રિટિશ ઇન્ડિયામાં લાગુ કરવામાં આવ્યો. એટલે કે વેનચરિત્ર લખાયું છે વિધવાવિવાહનો કાયદો થયા પછી. સમાજ સુધારકો પણ જાણતા હતા કે માત્ર કાયદાથી આ સુધારો થઈ શકે તેમ નથી. એટલે લોકોમાં જાગૃતિ લાવવા તેમણે જુદે જુદે સ્થળે વિધવાવિવાહને પ્રોત્સાહન આપતી સંસ્થાઓ કે સભાઓ ઊભી કરી, ગદ્ય અને પદ્ય કૃતિઓ તૈયાર કરી કે કરાવી, અખબારો અને ચોપાનિયાં દ્વારા વિધવાવિવાહનો પ્રચાર કર્યો. દલપતરામની આ રચના એ વ્યાપક પ્રયત્નના એક પ્રેરિત ભાગ રૂપે જ જોવી ઘટે, દલપતરામના વ્યક્તિગત સાહસ તરીકે નહિ.  

બીજી કૃતિઓની જેમ વેનચરિત્રમાં પણ દલપતરામ પરંપરાગત પદ્યરચનાનો ઉપયોગ કરે છે. પ્રેમાનંદની કવિતા ચડે કે શામળની, એવો જાહેર વિવાદ ઊભો કરી શામળને ચડિયાતો કવિ ગણાવનાર દલપતરામ વેનચરિત્રમાં શામળની પદ્યવાર્તાના નહિ, પણ પ્રેમાનંદના આખ્યાનના ઘાટનો ઉપયોગ કરે છે એ ખાસ નોંધવું જોઈએ. વિસ્તાર અને અતિશયતા એ દલપતરામનાં લખાણોની એક ખાસિયત છે. અહીં પણ તેમણે ૪૨ જેટલી દેશીનો ઉપયોગ કર્યો છે. પણ ભાવાનુકૂળ અભિવ્યક્તિ એ દલપતરામનું ધ્યેય નથી, વૈવિધ્ય અને વિસ્તાર એ જ ધ્યેય છે. કૃતિના ખંડોને  ‘કડવું’ને બદલે તેમણે ‘ભાગ’ કહેવાનું પસંદ કર્યું છે. કુલ ૧૨ ભાગમાં તેમણે ૧૪૪ ‘પદ’ યોજ્યાં છે. લગભગ દરેક પદ પછી ‘દોહરો’ પણ આવે છે. આખ્યાનના બાહ્ય ઘાટનું દલપતરામ અનુકરણ કરે છે ખરા, પણ પ્રેમાનંદનું અનુસરણ કરતા નથી, બલકે કવિત્વની નીજી મર્યાદાને કારણે કરી શકતા નથી.

આ લાંબી કૃતિને આરંભે દલપતરામે બે ઉદ્દેશ નજર સામે રાખ્યા છે: બાળલગ્નનો નિષેધ અને પુનર્વિવાહનું સમર્થન. હકીકતમાં ત્યારે આ બંને પરસ્પર સંકળાયેલાં હતાં. એક ખોટા સિક્કાની બે બાજુ જેવા હતા. બાળલગ્નનો વિરોધ કરતાં તેઓ કહે છે :

‘બાળપણમાં બાળનાં, નવ કરવાં લગન;
જો કરીએ જાણી જોઈને, વડું ઉપજે વિઘન.’

એ વખતે આખા દેશમાં બાળમૃત્યુ દર ઘણો ઊંચો હોવાને લીધે બાળવિધવાઓ સમાજમાં મોટી સંખ્યામાં જોવા મળતી. પત્ની મરી જતાં કોઈ પણ પુરુષ તરત બીજું લગ્ન કરે એ સ્વાભાવિક ગણાતું. આમ, પુરુષોના પુનર્લગ્ન અંગે તો કશી મુશ્કેલી હતી જ નહિ. પણ ‘ઉજળિયાત’ કહેવાતી જ્ઞાતિઓમાં બાળવિધવાઓનાં ફરી લગ્ન થઈ શકતાં નહિ. અહીં દલપતરામે જે હિમાયત કરી છે તે ફક્ત સોળ વરસ કરતાં ઓછી ઉંમરની વિધવાનાં પુનર્લગ્નની કરી છે. સોળ વરસ કરતાં મોટી ઉંમરની વિધવાએ તો વૈધવ્ય પાળવું જોઈએ એમ તેમણે એક કરતાં વધારે વાર સૂચવ્યું છે. તેઓ કહે છે :

જે રાંડે વય સોળ વરસમાં, તે કરવી માંડેલી જી;
એ ઉપરાંત ઉપરની રાંડે રાખજો તે રાંડેલી જી.

એટલું જ નહિ, બાળવિધવાનાં પુનર્લગ્ન પણ તેનાં પિયરિયાંની સંમતિથી થવાં જોઈએ એમ દલપતરામ કહે છે. કારણ :

સોળ વરસની વયની અંદર, સ્ત્રી કાચી અકલ કહેવાય;
પીયરરિયાંની સલાહ વિના પરણે તો પતિ દંડાય.

બીજી નોંધપાત્ર બાબત એ છે કે બાળવિધવાનાં પુનર્લગ્નની તેઓ હિમાયત કરે છે ખરા, પણ તે લગ્ન સ્વજ્ઞાતિમાં થવાં જોઈએ એવું સ્પષ્ટપણે કહે છે. બાળલગ્નનો વિરોધ અને વિધવાવિવાહની તરફેણ કરનાર દલપતરામ જ્ઞાતિનાં બંધનોનો વિરોધ કરતા નથી, કરી શકતા નથી. જો કે આ માટે દલપતરામને દોષ ન દઈ શકાય. આ કૃતિ રચાઈ તેને આજે ૧૫૦ વર્ષ પૂરાં થયાં છે. છતાં લગ્ન જેવી કેટલીક બાબતોમાં હજી જ્ઞાતિવાદની પકડ બહુ ઢીલી થઈ નથી – મોટાં શહેરોને બાદ કરતાં. વળી દલપતરામ બાળવિધવાનાં પુનર્લગ્નની હિમાયત કરતાં જે દલીલો કરે છે તે વ્યક્તિલક્ષી નહિ પણ સમાજલક્ષી છે. અહીં બાળવિધવાના વ્યક્તિસ્વાતંત્ર્યની તો વાત જ નથી. પણ બાળવિધવાઓને કારણે ગર્ભપાત, બાળહત્યા, અવૈધ શરીરસંબંધો, બાળવિધવાનું યૌન અને અન્ય રીતનું શોષણ, નિયોગ પદ્ધતિ,  જેવાં દૂષણો સમાજમાં જોવા મળે છે તેની જ ચિંતા અહીં જોવા મળે છે અને આ બધાં સામાજિક દૂષણો દૂર કે ઓછાં કરવા માટે દલપતરામ બાળવિધવાનાં પુનર્લગ્નની હિમાયત કરે છે. અલબત, એ વખતે આપણે ત્યાં વ્યક્તિકેન્દ્રી નહિ પણ સમાજકેન્દ્રી વિચારણા પ્રચલિત હતી એટલે આમ થવું સ્વાભાવિક ગણાય.

આ બે મુખ્ય બાબતો ઉપરાંત સમાજમાં જોવા મળતાં બીજાં કેટલાંક દૂષણો કે કુરિવાજો દૂર કરવાની હિમાયત પણ દલપતરામે કરી છે. જેમ કે મરનાર પાછળ રોવા-કૂટવાનો રિવાજ, જ્યોતિષ વગેરેમાં અંધશ્રદ્ધા, શુકન-અપશુકન, જન્માક્ષર વગેરે અંગેના વહેમ, જ્ઞાતિનાં બંધનો, વગેરે. તો બીજી બાજુ દલપતરામ કન્યા કેળવણીની હિમાયત પણ કરે છે :

નાનકડીને મોકલો ને નિશાળે; વિદ્યાથી થશે બુદ્ધિ વિશાળે.
બાળપણથી નિશાળે જો બેસે, પૂરા પંડમાં સદ્ગુણ પેસે.

વિધવાવિવાહનો પુરસ્કાર કરવા માટે દલપતરામે જે કથા આલેખી છે તે ૧૯મી સદીના ગુજરાતની નહિ, પણ જૂના પૌરાણિક કાળની છે. ૧૯મી સદીના ગુજરાતમાં પ્રવર્તતાં વિધવાજીવનનાં પ્રશ્નો અને સમસ્યાને પૌરાણિક કાળમાં મૂકવાથી ઐતિહાસિક વાતાવરણનો દ્રોહ થાય છે એ વાત તો સુધારાના ઉત્સાહમાં કાં ધ્યાન બહાર ગઈ છે, કાં વિધવાવિવાહની પ્રાચીનતા સિદ્ધ કરવા ખાતર તેમણે એ જોખમ ઉઠાવી લીધું છે. અહીં કથા પ્રમાણમાં આછી-પાતળી છે, પણ વર્ણનો, આડ વાતો વગેરેથી કૃતિને ઘણી લંબાવી છે. પ્રેમાનંદનાં આખ્યાનો લાંબાં હોય ત્યારે ય ખેંચીને લાંબાં કરેલાં લાગતાં નથી. કથા દૃષ્ટિએ જોતાં લગ્નવિધિ થયા પછી તરત બાળ-વરરાજા બીજા દોસ્તો સાથે રમવા ચાલ્યો જાય અને અકસ્માતને કારણે લગ્ન પછી થોડા જ કલાકમાં તેનું મૃત્યુ થાય એ આ કથાની એક નબળી કડી છે. તેવી જ રીતે કાવ્યના અંત ભાગમાં ફરી પરણેલી વિધવાની દીકરી જે નિશાળમાં ભણવા જાય છે તે દલપતરામે જ શરૂ કરાવેલી કન્યાશાળા હોય એ વાત પણ પૌરાણિક કાળમાં બંધબેસતી કઈ રીતે થાય? કૃતિના જુદા જુદા પ્રસંગો દ્વારા રસ વૈવિધ્ય સાધવાનો પ્રયત્ન દલપતરામે કર્યો છે ખરો, પણ વિવિધ રસોનું જેવું રસાયણ પ્રેમાનંદમાં જોવા મળે છે તેવું અહીં જોવા મળતું નથી. સમગ્ર કૃતિને કલાત્મક ઘાટ મળે છે કે નહિ તેની ચિંતા દલપતરામે બહુ કરી નથી. ‘અર્વાચીન કવિતા’માં સુન્દરમે યોગ્ય રીતે જ કહ્યું છે કે “કાવ્યના રસો બનાવટી, અનૌચિત્યભર્યા અને ઘણા છીછરા છે. પાત્રોમાં આભિજાત્યનો અભાવ, કથાનક્માં સુરેખતાની ખામી, અને રસોમાં કૃત્રિમતા, આ કાવ્યની મોટી ખામીઓ છે, અને તે દલપતરામની એક મોટી કૃતિ હોવા છતાં તેને ઊંચી કૃતિ તરીકેનું સ્થાન અપાવવામાં મોટી નડતર બને છે.”

બાળવિધવાના પુનર્લગ્નનો પુરસ્કાર કરતી આ કૃતિ પહેલાં પણ દલપતરામે બીજી એક ગદ્ય કૃતિ આ જ વિષય અંગે લખી હતી. અને તે પણ ૧૮૫૬માં હિંદુ વિધવાના પુનર્લગ્ન વિશેનો કાયદો પસાર થયો તે પહેલાં, ૧૮૫૩માં. પણ તે તરફ ભાગ્યે જ કોઈનું ધ્યાન ગયું છે. ‘દલપત કાવ્ય’ના પહેલા ભાગની ૧૮૯૬માં પ્રગટ થયેલી બીજી આવૃત્તિમાં દલપતરામની કુલ ૨૫ કૃતિઓની વિગતવાર યાદી આપી છે. યાદીને અંતે દ.ડા. એવી દલપતરામની ટૂંકી સહી પણ મૂકી છે. આ યાદીમાં છઠ્ઠે ક્રમે ‘પુનર્વિવાહ પ્રબંધ’ નામની કૃતિ નોંધી છે. મુંબઈની જ્ઞાન પ્રસારક સભા(હકીકતમાં મંડળી)ની જાહેર ખબરને કારણે આ કૃતિ લખાઈ હતી અને તેને એ સંસ્થા તરફ્થી ૧૫૦ રૂપિયાનું ‘ઇનામ’ મળ્યું હતું એવી નોંધ પણ કરી છે. સર એલેક્ઝાન્ડર ગ્રાન્ટની સૂચિમાં દલપતરામને નામે આ પુસ્તક નોંધાયું છે ખરું, પણ તેની પ્રકાશન સાલ આપી નથી અને પ્રકાશક તરીકે ગુજરાત વર્નાક્યુલર સોસાયટીનું નામ આપ્યું છે. ગુજરાત સાહિત્ય અકાદમીએ દલપતરામનું સમગ્ર સાહિત્ય ‘દલપત ગ્રંથાવલિ’ના પાંચ દળદાર ગ્રંથોમાં પ્રગટ કર્યું છે, પણ તેમાં આ કૃતિ જોવા મળતી નથી. દલપતરામ વિષે વિગતે વાત કરતાં વિવેચનોમાં પણ તેનો ઉલ્લેખ જોવા મળતો નથી. આમ થવાનું કારણ એ છે કે ૧૮૫૩માં જ્યારે તે પ્રગટ થઈ ત્યારે કર્તાની વિનંતી સ્વીકારીને જ્ઞાન પ્રસારક મંડળીએ તે કર્તાના નામ વગર પ્રગટ કરી હતી. એ પુસ્તકમાં ‘વીનંતી પતર’ છાપ્યું છે તેમાં આ હકીકત જણાવી છે.

એટલે કે ‘દલપત કાવ્ય’માંની યાદીમાં જે ‘પુનર્વિવાહ પ્રબંધ’નો ઉલ્લેખ છે તે આ જ કૃતિ. તેની જે એક નકલ જોવા મળી તેમાં ટાઈટલ પેજ નથી, પણ ‘વીનંતી પતર’માંનું લખાણ વાંચતાં જણાય છે કે આ પુસ્તક જ્ઞાન પ્રસારક મંડળીએ જ ૧૮૫૩માં પ્રગટ કરેલું, ગુજરાત વર્નાક્યુલર સોસાયટીએ નહિ. કુલ ૨૬ ‘વિરામ’માં વહેંચાયેલી આ કૃતિ દલપતરામની પહેલી ગદ્ય કૃતિ ‘ભૂતનિબંધ’ની જેમ કેટલેક અંશે કથાત્મક છે.

દલપતરામનાં ટૂંકાં કાવ્યો – ખાસ કરીને હાસ્ય-રમૂજ પ્રેરક કાવ્યો – આજ સુધી જીવતાં રહ્યાં છે, પણ વેનચરિત્ર જેવું તેમનું લાંબુ અને મહત્ત્વાકાંક્ષી કાવ્ય બહુ થોડા અભ્યાસીઓને બાદ કરતાં ભૂલાઈ ગયું છે. પણ એક જમાનામાં તે સારું એવું લોકપ્રિય થયું હોવું જોઈએ. કારણ ૧૮૬૮થી ૧૯૦૪ સુધીમાં તેની ચાર આવૃત્તિ પ્રગટ થઈ હતી. પણ એક તો વેનચરિત્રમાં જેટલી મહત્ત્વાકાંક્ષા છે તેટલી લાંબી કાવ્યકૃતિને સાદ્યંત સંભાળવાની સજ્જતા નથી. અને બીજું, બાળલગ્ન, અને વિધવાવિવાહ પરનો સામાજિક પ્રતિબંધ એ આજના સમાજના સળગતા પ્રશ્નો રહ્યા નથી. એટલે આ કૃતિ તરફ આજે બહુ ઓછાનું ધ્યાન જાય છે.

છેલ્લે, વેનચરિત્રના અંતે દલપતરામે તેનું શ્રુતિફળ આપતાં જે લખ્યું છે તેની ચાર પંક્તિ :

ગંગા, જમના, સરસ્વતી ને, સાભ્રમતી ને રેવા;
આ શુણશે તેને થઈ ચૂકી, સૌ તીરથની સેવા.
કથા પવિત્ર સમાધિ કરતાં, કહે કવિજન કરજોડ;
શ્રોતાજન સૌ સ્નેહે બોલો, જય જય શ્રીરણછોડ.

Flat No. 2, Fulrani, Sahitya Sahavas, Madhusudan Kalelkar Marg, Kalanagar, Bandra (E), Mumbai 400 051

Email: deepakbmehta@gmail.com

સૌજન્ય : “શબ્દસૃષ્ટિ”, જાન્યુઆરી 2020

Loading

...102030...2,5652,5662,5672,568...2,5802,5902,600...

Search by

Opinion

  • પાલિકા-પંચાયત ચૂંટણીઓમાં વિલંબ લોકતંત્ર માટે ઘાતક છે
  • અદાણી ભારત કે અંબાણી ઈન્ડિયા થશે કે શું?
  • પ્રતાપ ભાનુ મહેતા : સત્તા સામે સવાલો ઉઠાવતો એક અટલ બૌદ્ધિક અવાજ
  • લાઈક-રીલ્સથી દૂર : જ્યારે ઓનલાઈનથી ઓફલાઈન જિંદગી બહેતર થવા લાગે
  • રુદ્રવીણાનો ઝંકાર ભાનુભાઈ અધ્વર્યુની કલમે

Diaspora

  • દીપક બારડોલીકરની પુણ્યતિથિએ એમની આત્મકથા(ઉત્તરાર્ધ)ની ચંદ્રકાન્ત બક્ષીએ લખેલી પ્રસ્તાવના.
  • ગાંધીને જાણવા, સમજવાની વાટ
  • કેવળ દવાથી રોગ અમારો નહીં મટે …
  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !
  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ

Gandhiana

  • ગાંધીસાહિત્યનું ઘરેણું ‘જીવનનું પરોઢ’ હવે અંગ્રેજીમાં …
  • સરદાર પટેલ–જવાહરલાલ નેહરુ પત્રવ્યવહાર
  • ‘મન લાગો મેરો યાર ફકીરી મેં’ : સરદાર પટેલ 
  • બે શાશ્વત કોયડા
  • ગાંધીનું રામરાજ્ય એટલે અન્યાયની ગેરહાજરીવાળી વ્યવસ્થા

Poetry

  • ગઝલ
  • કક્કો ઘૂંટ્યો …
  • રાખો..
  • ગઝલ
  • ગઝલ 

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved