Opinion Magazine
Number of visits: 9683801
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

દસમું સદ્‌ભાવના પર્વ : સાંપ્રતની સાથે

ડંકેશ ઓઝા|Opinion - Opinion|2 March 2020

સદ્‌ભાવનાના વિસ્તારની પ્રવૃત્તિ એક દાયકા કરતાં વધુ સમયથી હાથ પર લીધી છે. તે પ્રમાણે વર્ષભરના કાર્યક્રમોને અંતે કાર્યકરોને વૈચારિક ભાથું મળતું રહે તે માટે પર્વનું આયોજન થાય છે. મોરારિ બાપુ ભલે રામકથા સાથે જોડાયેલા રહ્યા, પરંતુ સામાજિક સદ્‌ભાવનાનું કાર્ય પણ તેમના હૈયે પહેલેથી વસેલું છે. પ્રતિવર્ષ પર્વનું આયોજન મહુવા ખાતેના કૈલાસધામ ગુરુકુળમાં જ થાય, પોતે તેના યજમાન બને, એમાં તેમણે સદા ય ગૌરવનો અનુભવ કર્યો. પર્વના વિષય, વક્તા અને પુરસ્કૃત થનાર વ્યક્તિની પસંદગીમાં ક્યાં ય આડકતરો ઇશારો કે સૂચન દસ વર્ષમાં કદી પણ તેમણે ન કર્યાં. આવા યજમાને નિર્ણય કરી નાખ્યો કે તેમને ત્યાં થતાં બધાં જ પર્વો હવે સ્થગિત! જાણ્યું ત્યારે મૂંઝવણમાં મુકાઈ ગયેલા. અમારે તો આયોજન ચાલુ જ રાખવું હતું, પણ પેલી સંસ્કૃત સૂક્તિમાં કહ્યું છે તેમ યોજક દુર્લભ હતા. છેલ્લા થોડાં વર્ષોથી લોકનિકેતન, રતનપુરમાં ‘વિશ્વગ્રામ’ની ઘણી શિબિરો ત્યાંના સંચાલક કિરણ ચાવડાના સહકારથી યોજાતી રહેતી હતી. તેમણે યજમાન થવાની ત્વરિત તૈયારી દર્શાવી. પરિણામે સદ્‌ભાવના પ ર્વ- દસ એ ૧૨-૧૩-૧૪ જાન્યુઆરી ૨૦૨૦ દરમિયાન ત્યાં યોજાયું. નક્કી કર્યું હતું કે ગાંધી-કસ્તૂરબાનાં જન્મના ૧૫૦ વર્ષ ઊજવાઈ રહ્યાં છે, ત્યારે શાશ્વતગાંધી – સાંપ્રતગાંધી એ થીમની આસપાસ બધાં વક્તવ્યો ગોઠવવાં, રાષ્ટ્રીય કક્ષાના વક્તાઓની પસંદગી પ્રતિવર્ષ કરતા રહ્યા છીએ તે રીતે, આ વર્ષે પણ કરવામાં આવી.

પ્રથમ દિવસની પહેલી બેઠકના વક્તા હતા અર્થશાસ્ત્રના અભ્યાસી અને વિદ્વાન પ્રાધ્યાપક રોહિત શુક્લ. રોહિતભાઈએ વિષય પસંદ કર્યો હતો : ‘ગાંધીવિચાર : ગ્રાહકત્વ, માણસત્વ અને નાગરિકત્વ’. મૂડીવાદના પાયામાં ગ્રાહક રહેલો છે. મૂડીવાદ ફૂલેફાલે છે ગ્રાહકને કારણે. નવું ખરીદો અને જૂનું ફેંકી દો એ નિયમથી જ આજે વૈવિધ્યસભર ઉત્પાદનો થઈ રહ્યાં છે. આપણી જૂની માનસિકતા ઓછી ચીજવસ્તુઓથી ચલાવવાની હતી. વળી, આપણે ચીજો રિપૅર કરાવીને પણ વાપરતા હતા. રૂપાંતર કરીને પણ તેનો ઉપયોગ કરતા. હવેનું સૂત્ર છે : યુઝ ઍન્ડ થ્રો. વળી વધુ વાપરો અને કરકસર ન કરો એવું પણ કહેવાય છે. આ મૂડીવાદ ક્યાં લઈ જશે એ કોઈ જાણતું નથી. વક્તાએ ગાંધીવિચારને જોડીને કહ્યું કે જો પાયામાંથી ગ્રાહક જ હટી જાય, તો મૂડીવાદનું માળખું ધ્વસ્ત થઈ જાય ! આપણે ગ્રાહક બની રહેવાનું નથી. વિવેકપુરઃસરના ઉપયોગકર્તા બની રહેવાનું છે. બીજા સોપાને મનુષ્યત્વની વાત આવી. ધાર્મિક માણસ પણ દયાભાવ જતાવે છે, પણ સામેવાળાના મનુષ્યના સ્વમાનને હાનિ ન પહોંચે તે રીતે તેનો મદદે જવાનું છે તેના બહુ ખ્યાલ રખાતો નથી. સામાજિક ન્યાયની રીતે મનુષ્યત્વની ખિલવણી કરવાની છે. ત્રીજા તબક્કે નાગરિકતાની વાત છે. માણસ અને નાગરિકમાં ફેર છે. નાગરિક કાયદાથી અને અધિકાર-ફરજ એમ બંનેથી સભાન હોય છે. એ સંકુચિત વાડાઓથી પર હોય છે. પ્રશ્નોત્તરીમાં ઘણાને એ ન સમજાયું કે માણસ બીજા ક્રમે અને નાગરિક તેથી ઉપલા ક્રમે કેમ ? વક્તાએ ઘણા સમભાવથી આ પ્રકારના પ્રશ્નોના જવાબમાં સમજણ વિસ્તરે તેવાં ઉદાહરણો પણ આપ્યાં, પણ હજુ આખા દેશને આ નાગરિકતાવાળી ઉચ્ચ વાત પકડાતી નથી, તેવું સભામંડપમાં પણ બન્યું !

રોહિતભાઈના વક્તવ્યપૂર્વે સંજયે સદ્‌ભાવના પર્વની ભૂમિકા વિગતે રજૂ કરી. પોરબંદરથી દાંડીની સદ્‌ભાવના-યાત્રા, તેમાં થતાં વક્તવ્યો અને તે સાથે ભજવાતું એકાંકી નામે ‘લકીરે મિટાયેં હમ’ની વાત કરી. કાશ્મિરયાત્રા ચાલી રહી છે અને થવાની છે, તેની પણ વાત કરી.

બપોરની બેઠક દિલ્હી યુનિવર્સિટીના પ્રાધ્યાપક અપૂર્વાનંદની હતી, જેમનો વિષય હતો, ‘સત્યાગ્રહ અને ગાંધી’. સદ્‌ભાવના એક તપસ્યા છે અને એ બિનશરતી હોય છે, પૂર્વગ્રહવિહીન હોય છે એ સમજણ આપી. આ વાત કરતી વખતે તેમણે ગાંધીવિચારને જોડ્યો. ગાંધીની એ વાત યાદ કરી કે હિન્દુ-મુસ્લિમ એકતાના ભોગે ગાંધીને સ્વતંત્રતા ખપતી ન હતી. આજે જે નાગરિકતાનો પ્રશ્ન ઊભો થયો છે, એવો જ પ્રશ્ન દક્ષિણ આફ્રિકામાં હતો. ગાંધીએ પ્રજામાં ભેદભાવ ઊભો કરતા કાયદાનો વિરોધ કર્યો હતો. કાયદા સમક્ષ બધા નાગરિકોની સમાનતા હોવાનો આગ્રહ સેવ્યો હતો. આ બાબત તે સમયની સરકારે પણ સ્વીકારી ન હતી. તેથી ગાંધીને સત્યાગ્રહ કરવો પડ્યો હતો. સાંપ્રત ઘટનાઓ સંદર્ભે પ્રશ્નોત્તરી પણ ઘણી રસપ્રદ અને ઉત્તેજક રહી. વ્યાપક નાગરિકતાની કેટલીક વાતો અસ્વીકાર્ય બનતી હોય, એમ પણ જોવા મળ્યું!

રાત્રિબેઠકમાં પાલનપુરના જાણીતા સંવેદનશીલ ગઝલકાર મુસાફિર પાલનપુરીએ પ્રસંગને અનુરૂપ કેટલીક ગઝલોની રજૂઆત કરીને શ્રોતાઓને કવિતાની રસલહાણિ કરાવી હતી. તે પછી યાત્રા દરમિયાન અનેક સ્થળે ભજવાતું રહેલું એકાંકી ‘આવો લકીરે મિટાયેં’ની ૫૮મી પ્રસ્તુતિ થઈ હતી. એકાંકીમાં સફાઈકામદારનું મૃત્યુ, દલિતોને મકાન મેળવામાં પડતી મુશ્કેલી, બાળકોની એકતા વિરુદ્ધ વડીલોની ભેદભાવભરી દૃષ્ટિ અને યુદ્ધવિરોધી બાબતોને સરસ રીતે વણી લેવામાં આવી છે. એકાંકી સર્વત્ર ઘણું અસરકારક રહ્યું હતું. સંદેશ લોકોમાં બરાબર ઝિલાતો હતો.

બીજા દિવસની પ્રથમ બેઠકમાં વક્તા હતા સુભાષ ભટ્ટ, જેઓ ‘નવનીત સમર્પણ’ સામયિકમાં ઊઘડતા પાને ‘અનહદ બાની’ નામે અધ્યાત્મની રજૂઆત કરતા રહ્યા છે. તેમનો વિષય હતો : ‘ગાંધી અને અધ્યાત્મ’. બીજી બેઠકનો વિષય હતો ગાંધી અને અહિંસા. વક્તા હતા દિલ્હીની અશોક યુનિવર્સિટીના પ્રાધ્યાપક દિલીપ સિમિયન. વિજ્ઞાન અને ટેક્‌નોલૉજી આપણા નૈતિક પ્રશ્નોના જવાબ ન આપી શકે. વિચારવિમર્શ અને વિવેક તે માટે જરૂરી છે. ધર્મની બાબતે વધુ વિવેક અને દૃઢતાની જરૂરત છે. પોતે યુવાવયે કેવી રીતે ભાવુકતાને કારણે નક્સલવાદી આંદોલનમાં ગયા અને કેવી રીતે તેમને હિંસાની નિરર્થકતાનો અનુભવ થયો તેના ઉદાહરણ દ્વારા તેમણે અહિંસાના મહત્ત્વની વાત વધુ સ્પષ્ટપણે મૂકી આપી. બપોરની બેઠક ગાંધીજી અને સર્વધર્મ સમભાવ વિશે હતી અને વક્તા હતા મૂલ્યનિષ્ઠ પત્રકાર રમેશ ઓઝા, એમણે કોમી વિખવાદ અને ભારતના ભાગલાનો ઇતિહાસ બહુ શરૂઆતથી સમજાવ્યો. ગાંધીજીને બિનજરૂરી રીતે વિભાજન માટે જવાબદાર ઠેરવામાં આવે છે, એની વિગતો આપી. ગાંધીનો ધર્મ તરફનો દૃષ્ટિકોણ કેવો હતો, એનાં ઉદાહરણો પણ આપ્યાં.

બીજા દિવસની બેઠકોને અંતે રાત્રિબેઠકમાં કાશ્મીરયાત્રાના અનુભવો રજૂ થયા. આપણને માત્ર કાશ્મીરમાં નહિ. પણ કાશ્મીરની પ્રજામાં રસ હોવો જોઈએ, તેમની ચિંતા હોવી જોઈએ એ વાત સંજયે મૂકી. છેલ્લા દિવસે સવારમાં ૫૭ દિવસની પદયાત્રાના અનુભવોની રજૂઆત થઈ. તે અંગેની નાનકડી ફિલ્મ પણ રજૂ કરવામાં આવી. કોઈ પણ સમૂહ કોઈ પણ સંદેશ લઈને પગપાળા નીકળે છે. તો લોક તેને કેવી ઉષ્માથી જુએ છે, તેને કેવો સહકાર સાંપડે છે, તેના અનુભવો ઉત્સાહ વધારનારા હતા. તે પછી ‘ગાંધી શાંતિ પ્રતિષ્ઠાન’ના કુમાર પ્રશાંતે ગાંધી અને સાધનશુદ્ધિ વિશે રજૂઆત કરી. કુમાર પ્રશાંત દેશ-વિદેશમાં ગાંધીવિચારને રજૂ કરી રહ્યા છે. જયપ્રકાશ નારાયણ સાથે તેમણે સંપૂર્ણ ક્રાંતિ અંગે કામ કર્યું છે. ખોટાં સાધનોથી અથવા ખોટા માર્ગે જઈને સાચું ધ્યેય હાંસલ ન થઈ શકે તેથી જ ગાંધીનો આગ્રહ સાધનશુદ્ધિ માટે હતો એમ તેમણે કહ્યું. સહકારની શક્તિ કરતાં લોકશક્તિ વધુ વળવાન છે. લોકો સરકારને પરવાનો આપે છે, તેથી સરકારના પરવાના બાબતે લોકોએ ડરવાની જરૂર નથી. દેશ આખરે સરકારથી નથી બનતો, પણ સંસ્કૃતિથી બને છે. સંસ્કૃતિના પાયામાં લોકો જ હોય છે. લોકતંત્રથી મોટો બીજો કોઈ ધર્મ ન હોઈ શકે. એમ તેમણે જણાવ્યું.

છેલ્લી વિશેષ બેઠક પ્રોફેસર ભીખુ પારેખ સાથે હતી. તેમણે ગાંધીજીની અન્યાય સામેની લડત તેમ જ તેમાં પ્રયોજેલા સત્યાગ્રહ અને અહિંસાની મીમાંસા કરી. કોઈ પણ ઠેકાણેથી ઉપયોગી વસ્તુ લેવામાં ગાંધીને વાંધો નથી. રાજકીય નેતૃત્વ કેવું હોવું જોઈએ તેનું ગાંધી ઉત્તમ ઉદાહરણ છે. ગાંધીના વિચારોને આજના સંદર્ભમાં સાથે જોડીને નવી દૃષ્ટિ અપનાવીને ગાંધીને પુનઃજીવીત કરી શકાય એવું તેમનું તારણ હતું. પ્રશ્નોત્તરી પણ ઉત્તેજક રહી. એક પ્રશ્નના જવાબમાં ભીખુભાઈએ જણાવ્યું કે ગાંધીનો વિરોધ ગુલામી સામે હતો, અંગ્રેજો સામે નહિ. આજે પણ ભારતના લોકો ઇંગ્લૅન્ડમાં ધંધા-રોજગાર કરી શકે છે અને કોઈ ભારતીય મહિલા ત્યાં મંત્રીમંડળ સુધી પહોંચી શકે છે. એના પાયામાં ગાંધી છે.

આજે દેશમાં ઘણી બધી બાબતોએ હોબાળાની પરિસ્થિતિ છે. યુવાવર્ગ આંદોલનમાં અગ્રહરોળમાં છે. રાજકારણ અને રાષ્ટ્રભાવના એવી રજૂઆત પામે છે કે સામાન્ય માણસ ભ્રમિત થઈ જાય છે, મૂંઝાઈ જાય છે. લોકશાહીમાં બહુમતીવાદને સ્થાન નથી, પરંપરાને વળગી રહેવાને બદલે બંધારણના આદર્શો મુજબ લોકોમાં નાગરિકતા વિકસે, એના સઘન પ્રયાસોની જરૂરત છે. પર્વમાં યુવાવર્ગે ભાગ લીધો, પ્રશ્નો પૂછ્યા અને જાણકારી પ્રાપ્ત કરી. એ રીતે પર્વ સંતર્પક રહ્યું.

અડાલજ

E-mail : dankesh.oza20@gmail.com

સૌજન્ય : “નિરીક્ષક”, 01 માર્ચ 2020; પૃ. 11-12

Loading

ફિલ્મ નિર્માતા, પ્રેક્ષકો કે વ્યવસાયિક ના હોય, તે તો કસબીની પોતાની જ હોય

આશિષ વશી|Opinion - Opinion|2 March 2020

1947માં રિલીઝ થયેલી ઇટાલિયન ફિલ્મ બાઈસિકલ થીવ્ઝ એ કોઇ કલાકારે કચકડે મઢેલા ધાર્મિક સ્થાન સમાન છે જેને જોઇને દાયકાઓથી રસિકો ધન્ય થાય છે.

કેરળનાં થીરુવંથપુરમમાં સાયકલને કેન્દ્રમાં રાખીને આખા ફિલ્મ ફેસ્ટિવલનું આયોજન કરવામાં આવ્યું હતું. ધ ઇન્ટરનેશન બાઇસીકલ ફિલ્મ ફેસ્ટિવલનું આયોજન વિવિધ પર્યાવરણને લગતી સંસ્થાઓએ કર્યું હતું. આ ફેસ્ટિવલમાં વિશ્વની નામી વાર્તામાં સાયકલ ધરાવતી ફિલ્મોને પસંદ કરવામાં આવી હતી. જેમાં બ્રેકીંગ અવે, બેઇજીંગ સાયકલ, અબાલી અને વાજ્દા જેવી ફિલ્મો હતી. આ યાદીમાં મહાન ફિલ્મ બાઈસિકલ થીવ્ઝ પણ શામેલ હતી. આજે આપણે આ મહાન ફિલ્મની થોડી વાત કરીશું. આ એ જ ફિલ્મ છે કે જેને જોઇને સત્યજીત રેએ ફિલ્મ મેકર બનવાનું નક્કી કર્યું હતું. 1947માં રિલીઝ થયેલી આ ઇટાલિયન ફિલ્મ એ કોઇ કલાકારે કચકડે મઢેલું ધાર્મિક સ્થાન સમાન છે જેને જોઇને દાયકાઓથી રસિકો ધન્ય થાય છે.

તો વાત શરૂ કરીએ ડાઇરેક્ટર ડી સિકાની આ ફિલ્મની યાત્રા. વીસમી સદીની શરૂઆતમાં જ યુરોપમાં બે વિશ્વયુદ્ધો ખેલાયા. વિશ્વયુદ્ધો દરમિયાન જર્મનીમાં નાઝીવાદ અને ઇટાલીમાં ફાસીવાદે માઝા મૂકી હતી. આ દેશો રાષ્ટ્રવાદનાં ઘેનમાં હતા. તેઓના જુલમો ઇતિહાસનાં પાને અકબંધ છે. બે વિશ્વયુદ્ધ બાદ આ દેશોમાં અનેક કલાકારો અને કસબીઓએ લોકમત ઘડવાનું કામ કર્યુ. જેના કેન્દ્રમાં માનવીય અભિગમ મુખ્ય હતો. આવા જ નવ યથાર્થવાદને લઇને ફિલ્મો પેશ કરનાર મહાન કલાકાર વિત્તોરિયો ડે સીકા હતા.

વિત્તોરિયો ડે સીકાની કલા ફાસીવાદ અને વિશ્વયુદ્ધની રાખમાંથી બેઠી થયેલી હતી. તેમની ફિલ્મોમાં ક્રુર યુદ્ધનાં દ્દશ્યો ન હતા કે ન હતી મોટી ખુવારીઓ. ન હતા મોટાં ભાષણો કે ઉપદેશાત્મક સંવાદો. તેઓ સામાન્ય માણસની નાની વાતને રજૂ કરતા. એક સામાન્ય માણસની જિંદગીનું સત્ય કે હકીકત તેઓ એટલી બખૂબી બતાવતા કે જોનારનું કાળજુ કંપી જતું.

ડે સીકાનો જન્મ નેપલ્સમાં થયો હતો. તેઓ પહેલા તેમના કુટુંબને આર્થિક મદદ કરવા માટે ક્લાર્કની નોકરી કરતા હતા. ત્યાર બાદ તેમને અભિનય તરફ લગાવ હોવાથી, તેમણે નાટકોમાં કામ કરવાનું શરૂ કર્યુ. તેઓ થોડા જ સમયમાં અભિનેતા તરીકે સફળ થઇ ગયા. પરંતુ તેમને ફિલ્મ બનાવવાની ઇચ્છા હતી. પહેલા તો તેમણે તેમની થિયેટર કંપની ચાલુ કરી, ત્યારબાદ તેમણે ફિલ્મ પર હાથ અજમાવ્યો. વિશ્વયુદ્ધ પૂરું થયા બાદ તેમણે બનાવેલી ફિલ્મ ધ બાઇસીકલ થીવ્સે ડે સીકાને ફિલ્મ ઇતિહાસનાં પાને અમર બનાવી દીધા.

બાઇસીકલ થીવ્સ એ વિશ્વયુદ્ધની ખાનાખરાબી બાદ એક સામાન્ય માણસની નાનકડી વ્યથાની વાત છે. નાનકડું કુટુંબ ધરાવતા આ માણસને એક નોકરીની તલાશ હોય છે. તેને જાહેરખબરોનાં પોસ્ટર લગાડવાની નોકરી મળે છે. પરંતુ નોકરી તો જ મળે જો તેની પાસે સાયકલ હોય. હવે આ માણસ સાયકલ લેવા માટે ફાંફા મારે છે. છેવટે તેની પત્ની દહેજની મોંઘી ચાદરો વેચીને એક સાયકલ તેને લાવી આપે છે. નોકરી ચાલુ થાય છે. રોજ સવારે બાપ દીકરો નોકરીએ સાથે જાય છે. નાનકડો દીકરો પણ બાળમજૂર હોય છે. એવામાં એક દિવસ આની સાયકલ ચોરાઇ જાય છે. અને તે ફિલ્મમાં સાયકલ શોધે રાખે છે. છેવટે તે કંટાળી પોતે જ એક સાયકલ ચોરી લે છે. છેવટે પકડાઇ જાય છે. અને નાનકડા દીકરા સામે ટોળું તેને ધોઇ નાંખે છે. ફિલ્મનાં અંતમાં બાપ બેટો હાથમાં હાથ લઇ ક્ષિતિજ તરફ ચાલતા જતા બતાવ્યા છે. સાવ નાની વાર્તા ,પરંતુ ખુરશીમાંથી એક પળ માટે પણ તમને હલવા ના દે. આંખમાંથી આંસુઓ ક્યારે નીકળવા માંડે તમને ખ્યાલ પણ ના આવે.

ડે સીકાએ ધ બાઇસીકલ થીવ્સ બનાવવા માટે પોતાનાં મિત્રો અને ઓળખીતાઓ પાસેથી પૈસા લીધા હતા. તેઓએ ફિલ્મમાં અભિનેતા તરીકે પણ સામાન્ય માણસોને જ લીધા હતા. મુખ્ય રોલ કરનાર એ ફેક્ટરીનો કામદાર હતો. જ્યારે બાળક રસ્તા પર ફૂલ વેચનાર માળીનો સંતાન હતો. દે સીકાનાં આવા પ્રયોગથી ફિલ્મ સો ટચના સોના જેવી બની જાય છે. દુનિયાભરમાં આ ફિલ્મનો ડંકો વાગે છે. પહેલા તો ઇટાલીમાં આ ફિલ્મનાં વખાણ ના થયાં. કેટલાક વાયડા વિવેચકોએ તેને ઇટાલીની અસ્મિતાનું હનન કરતી ફિલ્મ તરીકે વર્ણવી. પરંતુ ડે સીકાની કલા આ તાકાતો સામે જીતી ગઇ. ફાસીવાદ પર હવે પૂર્ણવિરામ મુકાઇ ગયું હતું. મિથ્યાભિમાનીઓ સામે દેશની સામાન્ય જનતાએ ડે સીકાની ફિલ્મને વિજેતા બનાવી.

ડે સીકા કાયમ કહેતા કે, ફિલ્મ હંમેશાં સંજીદા હોવી જોઇએ. તે વ્યવસાયિક ના હોઇ શકે. તે નિર્માતા કે પ્રેક્ષકો માટે પણ ના હોઇ શકે. એ તો કસબીની પોતાની જ હોવી જોઇએ.

પ્રગટ : “નવગુજરાત સમય”, 28 ફેબ્રુઆરી 2020

Loading

ગ્રીન કવરનું રક્ષણ થવું જ જોઈએ, રસ્તો બનાવવા માટે ઝાડ કાપવા સિવાયનો વિકલ્પ હોવો જોઈએ : સર્વોચ્ચ અદાલત

સંજય શ્રીપાદ ભાવે|Opinion - Opinion|1 March 2020

ન્યાયમૂર્તિએ કહ્યું : ‘જ્યારે તમે હેરિટેજ વૃક્ષ કાપો છો, ત્યારે એ વૃક્ષે એનાં બધાં વર્ષોમાં પેદા કરેલા ઑક્સિજનનાં મૂલ્યને ધ્યાનમાં લેજો. પછી સરખામણી કરજો કે જો તમારે એટલો ઑક્સિજન બીજી કોઈ જગ્યાએથી ખરીદવો પડે તો કેટલી કિંમત ચૂકવવી પડે.’

‘કોઈને ખબર પડે તે પહેલાં આપણે બધું ગુમાવી ચૂક્યાં હોઈશું. ગ્રીન કવરનું રક્ષણ થવું જ ઘટે … લોકોને વિકલ્પો શોધવા નથી. રસ્તો બનાવવા માટે ઝાડ કાપવા ઉપરાંતનો વિકલ્પ હોવો જોઈએ. એ કદાચ થોડો વધુ ખર્ચાળ હોય, પણ એ વધારે સારો પણ હોય …’ – આ મતલબની તાકીદ ભારતના સર્વોચ્ચ ન્યાયાધીશ શરદ બોબડેએ 18 ફેબ્રુઆરીએ, પશ્ચિમ બંગાળમાં સૂચિત વૃક્ષછેદન અંગેના એક મુકદ્દમાની સુનાવણી દરમિયાન કરી.

તે પૂર્વે 10 જાન્યુઆરીએ ન્યાયમૂર્તિએ એ જ કેસની પહેલી સુનાવણી દરમિયાન કહ્યું હતું : ‘જ્યારે તમે હેરિટેજ વૃક્ષ કાપો છો ત્યારે એ વૃક્ષે એનાં બધાં વર્ષોમાં પેદા કરેલા ઑક્સિજનનાં મૂલ્યને ધ્યાનમાં લેજો. પછી સરખામણી કરજો કે જો તમારે એટલો ઑક્સિજન બીજી કોઈ જગ્યાએથી ખરીદવો પડે તો કેટલી કિંમત ચૂકવવી પડે.’

સર્વોચ્ચ ન્યાયમૂર્તિના આવાં બે નિરીક્ષણોની વચ્ચેના ગાળામાં, ખાસ તો 14 ફેબ્રુઆરીથી ચાર પાંચ દિવસ દરમિયાન ગુજરાતની રાજ્ય સરકાર અમદાવાદના એક વિસ્તારનાં ગ્રીન કવર સાથે ભર વસંતે ચેડાં કરી રહી હતી. છબિઓ અને અહેવાલો મુજબ ડોનાલ્ડ ટ્રમ્પનાં આગમનની પૂર્વ તૈયારી માટે મોટેરા સ્ટેડિયમની નજીકના એક વડદાદાને ખતમ કરવામાં આવ્યા. લીમડાના બે  અને નીલગીરીનાં વીસેક જેટલાં ઝાડ કાપી નાખવામાં આવ્યાં.

એરપોર્ટ સર્કલથી ડફનાળા તરફના રોડ પરના ડઝનેક લીમડાની એટલી હદે છટણી કરવામાં આવી કે પછી થડ પણ ન જતાં રહે તે ડરથી મ્યુનિસિપાલિટીના અધિકારીઓ ખુદ ત્યાં દોડી ગયા. અન્યત્ર પણ મોટાં વૃક્ષોને બેફામ રીતે ટ્રિમ કરવામાં આવ્યાં. તો બીજી બાજુ લાખો રૂપિયાના ખરચે રાતોરાત હજારો શોભાનાં છોડ અને વેલા વાવવામાં આવ્યાં. ગુજરાત સરકારે બુધવારે જાહેર કરેલાં અંદાજપત્રમાં વનીકરણ માટે બસો પચાસ કરોડ  રૂપિયા ફાળવ્યા છે, ત્યારે આ ભંડોળ શોભાની હરિયાળી માટે નહીં વૃક્ષોવાળાં જંગલોને સાચવવા-વિસ્તારવા માટે ઉપયોગમાં લેવાય એવી અપેક્ષા અસ્થાને નથી.

ટ્રમ્પની તાજમહેલની મુલાકાત માટે આગ્રાનાં વૃક્ષોની પણ બેફામ છટણી કરવામાં આવી હતી. જો કે વૃક્ષોને છાટવા-કાપવામાં બધી વખતે સત્તાવાળાઓ સફળ થાય છે એવું બનતું નથી. પશ્ચિમ બંગાળની સરકારને એમ કરતાં સર્વોચ્ચ અદાલતે અટકાવી છે. ભારત-બાંગલાદેશ સરહદની પર આવેલ, બાંગલા દેશની આઝાદીની લડતમાં ઐતિહાસિક મહત્ત્વ ધરાવતો જેસોર રોડ તરીકે ઓળખાતો નૅશનલ હાઇવે 112 છે. ત્યાં વારંવાર થતાં જીવલેણ અકસ્માત નિવારવા રેલવે ઓવરબ્રિજ બનાવવાની તેમ જ રસ્તાને પહોળો કરવાની રાજ્ય સરકારની યોજનામાં સેંકડો મોટાં, ગીચ અને ઘટાદાર વૃક્ષોને કાપવાં પડે તેમ છે. અસોસિએશન ફૉર પ્રોટેક્શન ઑફ ડેમૉક્રેટિક રાઇટસ્ નામની એન.જી.ઓ. સૂચિત વૃક્ષછેદનનાં વિરોધમાં અદાલતમાં ગઈ. પણ રાજ્યની અદાલતે 354 વૃક્ષો કાપવાની મંજૂરી આપી અને કપાયેલાં એક વૃક્ષ દીઠ પાંચ છોડ વાવવાની શરત પણ મૂકી. વડી અદાલતના આ ચૂકાદાની સામે એન.જી.ઓ.એ સર્વોચ્ચ અદાલતમાં દાદ માગી. તેની સુનાવણી સર્વોચ્ચ ન્યાયમૂર્તિ શરદ બોબડે, જસ્ટીસ બી.આર. ગવઈ અને જસ્ટીસ સૂર્યકાન્તની બેન્ચ સામે ચાલી રહી છે. તેમાં દસમી જાન્યુઆરીએ સર્વોચ્ચ અદાલતે પર્યાવરણ નિષ્ણાતોની એક સમિતિની નિમણૂક કરી.

દસમી જાન્યુઆરીની સુનાવણી દરમિયાન થયેલી દલીલો નોંધપાત્ર છે. અરજદાર એન.જી.ઓ.ના વકીલ અને કર્મશીલ ધારાશાસ્ત્રી પ્રશાન્ત ભૂષણે કહ્યું કે કે વૃક્ષો કપાવાનાં છે તે 70 -80 વર્ષ જૂનાં એવાં હેરિટેજ ટ્રીઝ છે કે કોઈ વૃક્ષવાવણી એનો વિકલ્પ બની શકે નહીં. આગળ ઉપર સર્વોચ્ચ ન્યાયમૂર્તિએ વૃક્ષો કરતાં માણસની જિંદગી વધુ મહત્ત્વની હોવાનું મંતવ્ય આપ્યું. તેના પ્રતિભાવમાં ભૂષણે જણાવ્યું કે દરેક પ્રજાતિનું અસ્તિત્વ જોખમમાં મૂકનાર ગ્લોબલ વૉર્મિન્ગ આવતાં પચાસ વર્ષમાં આખી ય માનવજાતિને ખતમ કરી શકે તેમ છે. ભૂષણે વિકાસની જરૂરિયાત સ્વીકારવાની સાથે ગ્લોબલ વૉર્મિન્ગના ઉકેલ તરીકે વૃક્ષવનસ્પતિનાં જતન અને વૃક્ષછેદનનાં વિકલ્પોની ખોજ પર ભાર મૂક્યો. આ વિકલ્પો અંગે ન્યાયમૂર્તિએ તેમને પૂછતાં ભૂષણે ઓવરબ્રિજને બદલે અન્ડરબ્રિજનું સૂચન કર્યું. ભૂષણે વધુમાં કહ્યું કે કલકત્તા અદાલતે સરકારને માત્ર 354 વૃક્ષો કાપવાની મંજૂરી આપી છે. પણ સરકાર તો 4,000 જૂનાં વૃક્ષો કાપી નાખે એવી વકી છે. આ બાબતને ધ્યાનમાં લઈને ભૂષણે એન્વાયર્નમેન્ટ રેગ્યુલેટરની જરૂરિયાત પર ભાર મૂક્યો. આ બંને સૂચનોનો પશ્ચિમ બંગાળની સરકારના ધારાશાસ્ત્રી અભિષેક સિંઘવીએ એમ કહીને વિરોધ કર્યો કે તે સૂચનોનો અમલ કરવામાં પ્રોજેક્ટ ખોરંભે ચડશે. જો કે ન્યાયમૂર્તિ બોબડેએ સરકારને અન્ડરગ્રાઉન્ડ રસ્તો બનાવવાનો અથવા ઝાડ બચે તે રીતે રસ્તાનું અલાઇનમેન્ટ બદલવાનો નિર્દેશ આપ્યો. અદાલતે આ મુકદ્દમાને ટકાઉ વિકાસનો વિષય ગણીને સમિતિને ત્રણ અઠવાડિયામાં વૃક્ષછેદનના વિકલ્પો જણાવવાનો  નિર્દેશ આપ્યો.

ન્યાયમૂર્તિએ પહેલી સુનાવણીમાં એમ પણ કહ્યું કે વસ્તીવિસ્ફોટને કારણે થઈ રહેલો માળખાકીય વિકાસ હરિત આવરણનો ભોગ લે છે. કપાયેલાં એક વૃક્ષની સામે વાવવામાં આવતાં પાંચ  છોડમાંથી માત્ર ત્રણ જ ટકે છે, અને વૃક્ષારોપણ ક્યારેક એક કૌભાંડ પણ હોય છે. જો કે વૃક્ષારોપણની મહત્તમ તકેદારી જેસોર રોડ પ્રોજેક્ટમાં પશ્ચિમ બંગાળની સરકાર રાખશે એમ કહીને સિંઘવીએ સર્વોચ્ચ અદાલતને જણાવ્યું કે વૃક્ષોનું કસ્ટોડિયન એટલે રક્ષણહાર ગણાતું પર્યાવરણ અને વન મંત્રાલય પણ રાજ્ય સરકારની સાથે છે. એના પ્રતિભાવમાં ‘તમને ખબર નથી એ મંત્રાલય કેવી જાતની મંજૂરીઓ આપે છે’ એમ કહીને સર્વોચ્ચ ન્યાયાધીશે એ મંત્રાલયની મંજૂરીથી સંખ્યાબંધ ખૂબ જૂનાં વૃક્ષો સહિત ચાર હજાર વૃક્ષો કાપીને બનાવવામાં આવેલ નાગપુર-જબલપુર ધોરી માર્ગનો દાખલો આપ્યો.

આવો જ એક દાખલો તેમણે એકવીસમી તારીખની સુનાવણીમાં પણ આપ્યો. કુદરતી સંપત્તિને થઈ રહેલી હાનિની વાત કરતાં તેમણે નાગપુરનાં ત્રણ તળાવોની અવદશાનો ઉલ્લેખ કરીને કહ્યું : ‘નવાં ઊભા કરવાની અક્કલ તમારામાં ન હોય એ હું સમજું છું, પણ તમે તો જે છે તેનો પણ નાશ કરી રહ્યા છો.’ પર્યાવરણની હાનિને લગતો આ ત્રીજો કિસ્સો અદાલતની સામે આવ્યો છે એમ જણાવી ન્યાયમૂર્તિએ મુંબઈની મેટ્રો રેલ માટેના શેડનો અને  કોસ્ટલ રોડ પ્રોજેક્ટનો ઉલ્લેખ કર્યો. 

અહીં એ યાદ કરવું જોઈએ કે મુંબઈનાં ગોરેગાવની આરે કૉલોની વિસ્તારમાં મેટ્રો રેલવે માટે ઝાડ કાપવા પર સર્વોચ્ચ અદાલતે 8 ઑક્ટોબરે આપેલો મનાઈ હુકમ 16 ડિસેમ્બરે ફરીથી સુનાવણી થાય ત્યાં સુધી લંબાવ્યો છે. જો કે તે પહેલાં 4 ઑક્ટોબરની સાંજે મુંબઈની વડી અદાલતની મંજૂરીને પગલે સત્તાવાળાઓએ અસાધારણ ઝડપથી બે દિવસમાં બે હજારથી વધુ ઝાડનો ખાતમો બોલાવી દીધો. તે પછી સર્વોચ્ચ અદાલતનો વૃક્ષછેદન સામે મનાઈહુકમ આવ્યો. આ મનાઈહુકમ કાયદાની પદવીના વિદ્યાર્થીઓએ સર્વોચ્ચ ન્યાયાધીશ રંજન ગોગોઈને લખેલા પત્રને આધારે દશેરાની રજા હોવા છતાં ખાસ વેકેશન બેન્ચ રચીને આપવામાં આવ્યો હતો.

સર્વોચ્ચ ન્યાયમૂર્તિની પર્યાવરણ માટેની સંવેદનશીલતા તેમણે દિલ્હીમાં ન્યાયાધીશોનાં બે દિવસનાં આંતરરાષ્ટ્રીય સંમેલનના સમાપન સમારંભમાં રવિવારે આપેલાં વક્તવ્યમાં પણ જોવા મળી. તેમાં જસ્ટીસ બોબડેએ પર્યાવરણને લગતી બાબતો માટે બધાં દેશોની વચ્ચે સમાન ધારાનું સૂચન કર્યું. તેમણે એમ પણ કહ્યું કે: ‘પર્યાવરણના પ્રશ્નોના ઉકેલમાં રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સરહદો ન નડવી જોઈએ. પાણી અને પવન આખી પૃથ્વી પર વહેતાં રહે છે …. આપણે પૃથ્વી પાસેથી જેટલું લઈએ છીએ તેના કરતાં ઘણું ઓછું તેને પાછું આપીએ છીએ.’ 

******

રિવાઇઝ્ડ 28 ફેબ્રુઆરી 2020

[“નવગુજરાત સમય”, શનિવાર, 29 ફેબ્રુઆરી 2020ના અંકમાં પ્રગટ લેખકની ‘ક્ષિતિજ’ નામક સાપ્તાહિક કટારની સંવર્ધિત તથા વિસ્તૃત રજૂઆત] 

Loading

...102030...2,5642,5652,5662,567...2,5702,5802,590...

Search by

Opinion

  • એક ‘રાની પંખીડું’ જિતુભાઈ પ્ર. મહેતા
  • આગળ જુઓ, નહીં તો પાછળ રહી જશો : બેન્જામિન ફ્રેન્કલિન
  • રળિયામણું, રંગીલું રાજકોટ ???
  • માણસ કૂતરાને કરડે એવા વિચિત્ર સમાચારોનું આચમન
  • શિક્ષકો કૂતરાં ગણવાના હોય તો પણ, કૂતરાં શિક્ષકોને નહીં ગણકારે …

Diaspora

  • છ વર્ષનો લંડન નિવાસ
  • દીપક બારડોલીકરની પુણ્યતિથિએ એમની આત્મકથા(ઉત્તરાર્ધ)ની ચંદ્રકાન્ત બક્ષીએ લખેલી પ્રસ્તાવના.
  • ગાંધીને જાણવા, સમજવાની વાટ
  • કેવળ દવાથી રોગ અમારો નહીં મટે …
  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !

Gandhiana

  • ગાંધી ‘મોહન’માંથી ‘મહાત્મા’ બન્યા, અને આપણે?
  • ગાંધીહત્યાના પડઘા: ગોડસેથી ગોળવલકર સુધી …
  • ગાંધીની હત્યા કોણે કરી, નાથુરામ ગોડસેએ કે ……? 
  • ગાંધીસાહિત્યનું ઘરેણું ‘જીવનનું પરોઢ’ હવે અંગ્રેજીમાં …
  • સરદાર પટેલ–જવાહરલાલ નેહરુ પત્રવ્યવહાર

Poetry

  • મુખોમુખ
  • ગઝલ – 1/2
  • સખીરી તારો એ હૂંફાળો સંગાથ …
  • વસંતાગમન …
  • એ પછી સૌના ‘આશિષ’ ફળે એમ છે.

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved