Opinion Magazine
Number of visits: 9683239
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

કમળાબહેન પટેલે જ્યારે ભારત-પાકના ભાગલા વચ્ચે હજારો સ્ત્રીઓને બચાવી

પાર્થ પંડ્યા|Opinion - Opinion|26 March 2020

1947ના ઑગસ્ટ મહિનામાં આઝાદીની ઉજવણી ચાલતી હતી, ત્યારે ભારત અને પાકિસ્તાન વચ્ચે લોકોની સાથે લાશોથી ભરેલી રેલગાડીઓ અવરજવર કરતી હતી. દેશના કેટલા ય પ્રાંતોમાં લોકો અન્ય ધર્મના લોકોની કતલ કરતા હતા.

આ બધા વચ્ચે હજારો મહિલાઓનાં અપહરણ થયાં. ઉર્વશી બુટાલિયા તેમનાં પુસ્તક 'ધ અધર સાઇડ ઑફ સાયલન્સ’માં લખે છે કે સરહદની બંને બાજુએથી ૭૫ હજાર મહિલાઓનાં અપહરણ થયાં હતાં.

હિંદુ અને શીખ ઘરોમાં કેદ મુસ્લિમ મહિલાઓ અને મુસ્લિમ ઘરોમાં કેદ હિંદુ અને શીખ મહિલાઓને બચાવવાનું કામ એક ગુજરાતી મહિલા કમળાબહેન પટેલે કર્યું હતું.

નવ હજારથી વધારે મહિલાઓને બચાવીને ભારત લવાઈ હતી, જ્યારે ભારતના પ્રાંતોમાંથી 20 હજાર જેટલી મહિલાઓને બચાવીને પાકિસ્તાન મોકલવામાં આવી હતી.

કમળાબહેન પટેલના આ પ્રદાન વિશે ઇતિહાસમાં ખૂબ ઓછી વિગતો મળે છે.

કોણ હતાં કમળાબહેન પટેલ અને કઈ રીતે તેમણે હજારો મહિલાઓને બચાવી?

મૃદુલા સારાભાઈ અને કમળા પટેલ

મહિલાઓને પાછી લાવવાની કામગીરી 1947ના અંતથી થી 1953 સુધી ચાલી, આ આખી કામગીરી ગુજરાતનાં કમળાબહેન પટેલ અને મૃદુલાબહેન સારાભાઈના નેતૃત્વમાં થઈ હતી.

કમળાબહેન પટેલે ત્યારે કરેલી કામગીરીના આધારે 'મૂળ સોતાં ઊખડેલાં' પુસ્તક પણ લખ્યું હતું. આ પુસ્તક તેમણે 1979માં લખવાનું શરૂ કર્યું.

તેમણે બાળપણમાં અસહકારના આંદોલનમાં જોડાવવા માટે શાળાનો અભ્યાસ છોડ્યો હતો.

ત્યારબાદ તેઓ વર્ષ 1925થી 1929 સુધી સાબરમતી આશ્રમમાં રહ્યાં હતાં. એવો ઉલ્લેખ 'રાષ્ટ્રીય આંદોલનમાં ગુજરાતની મહિલાઓનું યોગદાન' પુસ્તકમાં રફીકા સુલતાને કર્યો છે.

સાબરમતી આશ્રમ સ્મારક ટ્રસ્ટના સેક્રેટરી અમૃતભાઈ મોદી કહે છે, "કમળાબહેન 1925માં અહીં આશ્રમમાં આવ્યાં હતાં અને દાંડીકૂચ માટે ગાંધીજી રવાના થયા, ત્યારબાદ તેઓ મુંબઈ સ્થાયી થયાં હતાં."

"ભાગલા વખતે સરહદ પર અનેક સ્ત્રીઓને બચાવી લેવામાં એમનું યોગદાન હતું. હિંમતપૂર્વક તેમણે આ કામ કરી બતાવ્યું હતું."

"એ વખતનાં સંસ્મરણો તેમના પુસ્તકમાં છે. તેઓ મુંબઈ હતાં એ વખતે મહિલાઓના ઉદ્ધારણ માટે વિવિધ સંસ્થાઓ સાથે કાર્યરત હતાં."

સ્ત્રીઓને તેમના સ્વજનો સાથે મેળવવાની કામગીરી માટે જ્યારે કમળાબહેનની પસંદગી કરાઈ, ત્યારે તેમની વય 35 વર્ષ હતી.

એ વખતની ભયાનક સ્થિતિમાં કમળાબહેને કઈ રીતે કામ કર્યું, તેનો અંદાજ તેમના પુસ્તક 'મૂળ સોતાં ઊખડેલાં'માંથી કેટલાક પ્રસંગોના આધારે મેળવી શકાય.

આખા ગામની મહિલાઓ રેપથી બચવા કૂવામાં કૂદી

એ ગાળામાં જ્યારે બંને દેશો વચ્ચે નાગરિકોની હિજરત થઈ, ત્યારે સૌથી વધારે અત્યાચારનો ભોગ મહિલાઓ બની, તેમનું શારીરિક અને માનસિક રીતે શોષણ થયું.

હજારો સ્ત્રીઓ પર બળાત્કાર થયા અને એનાથી પણ વધારે મહિલાઓનાં અપહરણ થયાં. એક ધર્મના લોકો પરધર્મની મમહિલાઓને પાછી લાવવાની કામગીરી 1947ના અંતથી થી 1953 સુધી ચાલી, આ આખી કામગીરી ગુજરાતનાં કમળાબહેન પટેલ અને મૃદુલાબહેન સારાભાઈના નેતૃત્વમાં થઈ હતી.

પંજાબના મિયાવલીમાં બળાત્કારથી બચવા માટે આખા ગામની મહિલાઓ કૂવામાં કૂદી ગઈ હતી.

આ ગામમાં જ્યારે કમળાબહેન છાવણીની ગોઠવણ કરવા ગયાં, ત્યારે તેમણે આ કૂવો જોયો હતો. આ કૂવો સ્ત્રીઓના મૃતદેહોથી ભરાઈ ગયો હતો.

આ સ્થિતિમાં કમળાબહેને અપહૃત સ્ત્રીઓને પાછી મેળવીને તેમને તેમના ઘરે મોકલવાની કામગીરી હાથે લીધી હતી. આ કામગીરી સરળ નહોતી.

ભેટ સ્વરૂપે સ્ત્રીઓ અપાતી હતી

કમળાબહેન પુસ્તકમાં લખે છે કે, તોફાનો દરમિયાન અપહરણ કરાયેલી સ્ત્રીઓને અનેક વાર વેચી દેવામાં આવતી હતી.

કેટલીક સ્ત્રીઓને તો સંબંધીઓ અને મિત્રોને ભેટ તરીકે મોકલી આપવામાં આવતી હતી.

ચાર-છના હાથમાંથી પસાર થયા પછી છેવટે આવી સ્ત્રીઓ પૈકી કેટલીક કોઈને ત્યાં સ્થિર થતી, તો કેટલીક રસ્તા પર ફેંકાઈ જતી હતી.

આવી સ્ત્રીઓને શોધીને છાવણીમાં લાવવાનું પ્રાથમિક કામ કમળાબહેનના ભાગે હતું, પણ ક્યારેક એવું પણ થતું કે છાવણીમાં લાવતી વખતે જ તેમની ઉપર બળાત્કાર થયો હોય.

આવી એક ઘટના કમળાબહેનના ધ્યાને આવી ત્યારબાદ નિર્ણય લેવાયો કે સ્ત્રીઓને છાવણી સુધી લવાય, ત્યારે તેમની સાથે એક મહિલા કાર્યકરની હાજરી હોવી જ જોઈએ.

'ઇસકે બદલે પાકિસ્તાન સે આઈ કોઈ ઔરત દે દો'

અપહરણ કરેલી મહિલા જો મુસ્લિમ હોય તો તેમના હાથ પર હિંદુ પુરુષો 'ઓમ'નું છૂંદણું કરાવી દેતા. એ જ રીતે મુસ્લિમ પુરુષો હિંદુ સ્ત્રીઓના હાથ પર મુસ્લિમ નામ છૂંદાવી દેતા હતા.

જ્યારે કમળાબહેન કે તેમના કાર્યકરો કોઈ ઘરમાંથી મહિલાને મુક્ત કરાવી લઈ આવતા, ત્યારે પુરુષો આવીને ઝઘડો કરતા હતા.

કમળાબહેન લખે છે કે પૂર્વ પંજાબના હિંદુ અને શીખ ઘરોમાં મુસ્લિમ સ્ત્રીઓને છોડાવીને છાવણીમાં લઈ આવીએ, ત્યારે અપહરણ કરનાર પુરુષો કાર્યાલયમાં આવી પહોંચે.

મારા ટેબલ આગળ ધસી આવે અને કહે, "હા, એ પહેલાં મુસલમાન હતી, પણ અમૃત છાંટીને હિંદુ બનાવ્યા પછી રીતસરની શાદી કરી છે."

આ જ પુરુષો પછી કમળાબહેનને કહેતા, "આપ હમ કો યહ ઔરત નહીં દે સકતે, લેકિન હમને સુના હૈ કી પાકિસ્તાન સે બહોત હિંદુ ઔરતે આઈ હૈ. ઉસમે સે હી એક દે દો."

આ ઘટનાથી પુરુષોની સ્ત્રીઓ પ્રત્યેની દૃષ્ટિનો ખ્યાલ આવે છે. આ પ્રકારનો દૃષ્ટિકોણ દરેક ધર્મના પુરુષોમાં જોવા મળ્યાના કિસ્સા પણ કમળાબહેને નોંધ્યા છે.

સ્ત્રી બાળકોના રૂપમાં માનવ કંકાલ

જ્યારે મુક્ત કરાયેલાં સ્ત્રીઓ અને બાળકો છાવણીમાં આવતાં, ત્યારે તેમની માનસિક અને શારીરિક સ્થિતિ ખૂબ ખરાબ હતી.

આ સ્ત્રીઓ અને બાળકો સાથે આત્મીયતા કેળવીને તેમને આઘાતમાંથી બહાર કાઢવાનું કામ પણ કમળાબહેને જાતે સ્વીકારી લીધું હતું.

કાશ્મીર પાસેના ગુજરાત જિલ્લામાં જ્યારે હિંસા થઈ, ત્યારે કૂજા છાવણીથી સ્ત્રીઓ અને બાળકોને લાહોર લાવ્યાં.

છાવણી બહાર ટ્રકમાંથી સ્ત્રી-બાળકોના રૂપમાં માનવ કંકાલો ઊતરતાં હોય એવું દ્રશ્ય હતું.

કમળાબહેન લખે છે, "છેલ્લી ટ્રકમાંથી એક બાઈ રડતી લથડિયાં ખાતી ઊતરી. એના હાથમાં છેલ્લા શ્વાસ લેતું તેનું બાળક હતું. આ બાળકને લઈને તે દરવાજામાં પ્રવેશી તે વખતે જ બાળકનું પ્રાણ પંખેરું ઊડી ગયું."

અઠવાડિયા સુધી આ બાળકો છાવણીમાં રહ્યાં, જ્યારે તેમને ટ્રકમાં બેસાડીને જલંધર મોકલ્યાં, ત્યારે તેઓ જીવંત માનવીઓ જેવાં લાગતાં હતાં.

અપરિણીત સ્ત્રીઓ 'વૉર બેબી'ની માતા બની

જ્યારે જ્યારે યુદ્ધની સ્થિતિ થઈ છે, ત્યારે ત્યારે સ્ત્રીઓ પર અત્યાચારના કિસ્સા બહાર આવ્યા છે.

આ અત્યાચારના કારણે અનેક સ્ત્રીઓ માતા બનતી અને તેમનું બાળક 'યુદ્ધનું બાળક' (વૉર બેબી) કહેવાતું હતું.

એવા અનેક 'વૉર બેબી'નો જન્મ વિભાજન પછીની હિંસા વખતે થયો હતો. કેટલીય સ્ત્રીઓ તો એવી હતી કે જે અપરણિત હોય અને માતા બની ગઈ હોય.

આ સ્ત્રીઓની સ્થિતિ વિકટ હતી, તેઓ પોતાનાં બાળકને છાતીએથી અલગ કરી શકતી ન હતી, બીજી તરફ જો બાળક સાથે રાખે તો પરિવાર તેમનો સ્વીકાર ન કરે.

આ પ્રકારના બાળકોનું શું કરવું તેમને ભારતના નાગરિક ગણવા કે પાકિસ્તાનના આ અંગે અફસરો વચ્ચેની બેઠકમાં વિવાદ થતા, ત્યારે કમળાબહેન ભાવુક થઈ જતાં.

કેટલીક વખત અફસરો સાથે આ માટે ઝઘડતાં પણ હતાં.

કમળાબહેન લખે છે, "કુંવારી માનું મન બાળકને અલગ કરવા માને નહીં. રડી રડીને આંખો સુઝાડી દે અને છાવણીમાં રહે ત્યાં સુધી બાળકને જરાય અળગું ન કરે.”

“બાપ કે ભાઈને સાથે જવાનો સમય આવે ત્યારે મા બાળકને છાતીએ ચાંપીને મોકળા મને રડી લે, કેમ કે પછી તો ખુલ્લા મને રડી પણ ન શકે.”

"વધુમાં તેમના માટે એક બાળકની મા બની ગઈ છે એ વાત તેના માટે ભૂલ્યા વિના છૂટકો ન હતો."

સરહદપારના પ્રેમીઓનો મિલાપ

તોફાનગ્રસ્ત વિસ્તારોમાંથી ભાગી છૂટવા માટે હિંદુ અને મુસલમાનોએ પોતાની સલામતી માટે ઘરની સ્ત્રીઓની કિંમત ચૂકવી હતી.

એવામાં ઘરની વિધવા વહુને સોંપી દઈને પરિવારજનોએ જીવ બચાવ્યો હોય એવા પણ કિસ્સા નોંધાયા હતા.

આવી જ એક વિધવા સ્ત્રી પ્રેમાને રાવળપિંડીનું ગર્ભશ્રીમંત કુટુંબ છોડીને જતું રહ્યું હતું. આ સ્ત્રીને પાકિસ્તાનના લશ્કરના કૅપ્ટન તુફેલ સાથે મિત્રતા થઈ હતી. તેઓ અવારનવાર છાવણીની મુલાકાતે આવતા હતા.

જો કે, સત્તાવાળાઓ ઇચ્છતા નહોતા કે તુફેલ હિંદુ સ્ત્રી સાથે લગ્ન કરે. પ્રેમા મદદ માગવા ગઈ પણ એક જીપ તેમના મકાને આવી અને તેમને લઈને લાહોર છાવણીમાં મૂકી ગઈ. પછી અનેક પ્રયાસો છતાં એ બન્ને એક ન થઈ શક્યાં.

આવી જ કહાણી ઇસ્મત અને જીતુની છે. બન્નેના પરિવારોના વર્ષો જૂના સંબંધ હતા, પણ બન્ને અલગ ધર્મનાં હોવાથી વિભાજન વચ્ચે છૂટા પડવાનો વારો આવ્યો.

ઇસ્મત ઘરેથી નાસી છૂટી અને સુવર્ણ મંદિરમાં જીતુ સાથે લગ્ન કર્યાં, પણ છેવટે ઇસ્મતનો પરિવાર તેમને પરત લઈ જવામાં સફળ થયો.

આવાં કેટલા ય પ્રેમીઓ કમળાબહેન પાસે આવ્યા હશે. કેટલાક પ્રેમીઓનું મિલન તેઓ કરવી શક્યા તો કેટલાકની પ્રેમ કહાણી ટ્રૅજેડીમાં પરિણમી હતી.

હકીકતમાં વિભાજન જાતે જ એક ટ્રૅજેડી હતી.

આલુ દસ્તુર 'મૂળ સોતાં ઊખડેલાં' પુસ્તકની પ્રસ્તાવનામાં લખે છે, "ભાગલાના પરિણામે જાગેલી ભયંકર અવસ્થાનો સહેજ પણ અનુભવ થયો ન હોય એવી એક પેઢી પણ આજે મોટી થઈ ગઈ છે."

"ભાગલાના દેખાતા ઘા રુઝાઈ ગયા છે અને તેનાં ચાઠાં પણ હવે ઝાંખા થવાં લાગ્યાં છે, પરંતુ જેમણે માણસની સામે માણસે અને સ્ત્રીની સામે પુરુષે આચરેલી ક્રૂરતા જોઈ હતી અથવા અનુભવી હતી તે તેને કદી પણ વિસારે પાડી શકશે નહીં.”

“તેમના હૃદય અને મન બંધ થઈ ગયાં છે અને તેમને થયેલા આ ભયંકર અનુભવો તેમની જાગ્રત અવસ્થામાં ભૂતની માફક તેમનો પીછો છોડતા નથી."

એટલે જ કમળાબહેન આ ઘટના બાદ બે દસકા સુધી આ વિશે લખવા તૈયાર ન નહોતાં થયાં. છેવટે સમય જતા તેઓ આ વિશે લખી શક્યાં.

શરૂમાં રામેશ્વરી નહેરુને કમળાબહેન પટેલની નાની વય જોઈને તેમને મોકલવાં અયોગ્ય લાગતું હતું.

પણ કમળાબહેન નવ હજારથી વધારે સ્ત્રીઓ તથા બાળકોને પરત ભારત લાવી શક્યાં અને એ જ રીતે 20 હજાર જેટલી મહિલાઓને બચાવીને પાકિસ્તાન મોકલી શક્યાં હતાં.

આ ઉપરાંત વિભાજન વખતની જે ઘટનાઓ ઇતિહાસમાં નથી લખાઈ તેને તેઓ ગ્રંથસ્થ કરી શક્યાં.

સૌજન્ય : બી.બી.સી. ગુજરાતી; 16 ઑગસ્ટ 2018

https://www.google.com/amp/s/www.bbc.com/gujarati/amp/india-45179169 

Loading

સરકારી સેવામાં મહિલા પ્રતિનિધિત્વની ગૂંચ

ચંદુ મહેરિયા|Opinion - Opinion|25 March 2020

મહિલાઓ અનામત બિનઅનામત વર્ગની મહિલામાં વહેંચાવાને બદલે મહિલા તરીકે વિચારે તો તેમના અલ્પ પ્રતિનિધિત્વના પ્રશ્નના ઉકેલને બળ મળી શકે

લોક રક્ષક દળ(એલ.આર.ડી.)ની ભરતીમાં અનામત વર્ગની મહિલાઓને થયેલા અન્યાયનો સવાલ ગુજરાત સરકારે સુપર ન્યૂમરીથી નવી વધારાની ૨,૧૫૦ જગ્યાઓ ઊભી કરીને કામચલાઉ ઉકેલી દીધો છે. પરંતુ આ વિવાદનાં મૂળમાં રહેલા સામાન્ય વહીવટ વિભાગના તા. ૧-૮-૨૦૧૮ના ઠરાવ  અંગે કંઈ કર્યું નથી. લોકરક્ષક ભરતી બોર્ડ દ્વારા ઓગસ્ટ ૨૦૧૮માં બિન-હથિયારધારી અને હથિયારધારી પોલીસ કોન્સ્ટેબલ અને જેલ સિપાહીની ૯,૭૧૩ જગ્યાઓની સીધી ભરતીની જાહેરાત આપવામાં આવી હતી. બે વરસની ભરતી પ્રક્રિયા બાદ જાહેર થયેલ સિલેક્ટ લિસ્ટમાં અનામત વર્ગની મહિલા ઉમેદવારોને ઓપન મેરિટનો લાભ મળ્યો ન હોઈ આંદોલન શરૂ થયું હતું. લગભગ ૭૫ દિવસના આંદોલન બાદ, સરકારે ૫૦ ટકા ગુણાંક અને ૬૨.૫ કટ ઓફ માર્ક્સ મેળવ્યા હોય તેવા તમામ મહિલા ઉમેદવારોને પસંદ કરવાનો નિર્ણય લઈ સૌને રાજી રાખવાનો પ્રયત્ન કર્યો છે. પરંતુ તેનાથી મૂળ અસંતોષ હજુ વણઉકલ્યો રહ્યો છે.

ગુજરાતમાં તમામ સરકારી નોકરીઓમાં ૧૯૯૭થી મહિલાઓ માટે ૩૦ ટકા અનામતની જોગવાઈ અમલી હતી. પોણા બે દાયકા બાદ, ૨૦૧૪માં, રાજ્યના તત્કાલીન મહિલા મુખ્યમંત્રી આનંદીબહેન પટેલે તેમાં ૩%નો મામૂલી વધારો કરતાં હવે મહિલા અનામતની ટકાવારી વધીને ૩૩ % થઈ છે. વળી આ મહિલા અનામત, અનામતમાં અનામત છે એટલે તે અનામત અને બિનઅનામત તમામ જગ્યાઓમાં લાગુ પાડવાની હોય છે. અર્થાત્‌ જો ૧૦૦ જગ્યાઓની ભરતી કરવાની હોય તો ઓ.બી.સી.ની ૨૭ અનામત જગ્યાઓમાં ૩૩ % મહિલા અનામત લેખે ૯, અનુસૂચિત જનજાતિની ૧૫માં ૫, આર્થિક પછાતની ૧૦માં ૩, અનુસૂચિત જાતિની ૭માં ૨ અને બાકીની બિનઅનામત કે સામાન્ય વર્ગની  ૪૧ જગ્યાઓમાં ૧૯ જગ્યાઓ મળીને કુલ ૧૦૦માંથી ૩૩ જગ્યાઓ મહિલાઓ માટે અનામત રાખવાની થાય છે. મુખ્યમંત્રી હસ્તકના સામાન્ય વહીવટ વિભાગે  તા. ૧-૮-૨૦૧૮ના ઠરાવથી મહિલા અનામત અંગે ઉપસ્થિત થયેલા તેર મુદાનું સ્પષ્ટીકરણ કર્યું છે. આ ઠરાવ થકી રાજ્યનું વહીવટી તંત્ર મહિલા અનામતના અમલમાં કેવી દિલચોરી રાખીને ત્રણ ટકાનો મામૂલી વધારો પણ અમલી બનવા દેતું નથી તે સ્પષ્ટ થાય છે. ઠરાવના મુદ્દા – ૩માં દર ૧૦ બેઠકે ૩.૩ બેઠક મહિલા માટે અનામત રાખવાનું ઠરાવ્યું છે પરંતુ બેઠકની ગણતરી વખતે પૂર્ણાંક સંખ્યાને જ ધ્યાનમાં રાખવા અને અપૂર્ણાંકને આગળ ખેંચતા રહી તેનું રજિસ્ટર નિભાવવા  જણાવ્યું છે. આનો સાદો અર્થ એ થાય કે ૩૩% મહિલા અનામતનો અમલ ચોથા ભરતી પ્રસંગે જ થઈ શકશે. પૂર્ણાંકની ગણતરી મુજબ ભરતી કરતાં તો માત્ર ૩૦% અનામતનો જ અમલ થાય છે. એટલે કે વધારેલી ૩% અનામતનો કોઈ અર્થ સરતો નથી. એક ઉદાહરણથી આ બાબત સમજીએ તો જણાશે કે જો ૧૦૦ જગ્યાઓની ભરતી કરવાની હોય અને તેમાં અપૂર્ણાંક ધ્યાનમાં ન લેવાના હોય તો ઓ.બી.સી.ની ૨૭ જગ્યાઓમાં ૮, એસ.ટી.ની ૧૫ જગ્યાઓમાં ૪, ઈ.ડબલ્યૂ.એસ.ની ૧૦માં ૩, એસ.સી.ની ૭માં ૨ અને સામાન્ય વર્ગની ૪૧માં ૧૨ મળીને કુલ ૨૯ જગ્યાઓ જ મહિલાઓ માટે પહેલા ભરતી પ્રસંગે અનામત રાખવામાં આવશે.

તા.૧-૮-૨૦૧૮ના ઠરાવ પછી થયેલી ભરતીમાં અનામત સંવર્ગની મહિલા ઉમેદવારો જો ઊંચું મેરિટ ધરાવે તો પણ તેમને અનામત સિવાયની બેઠકો પર પસંદગીનો હક મળતો નથી. અનામત વર્ગના મહિલા ઉમેદવારો જો ઊંચુ મેરિટ ધરાવતા હોય તો તેમને સામાન્ય વર્ગમાં ગણવાનું તો ઠરાવ જણાવે છે પરંતુ રોસ્ટર ક્રમાંકમાં તેમને અનામત સંવર્ગમાં જ ગણવાનું જણાવીને ઓપન મેરિટના ખ્યાલને અર્થહીન કરી દીધો છે. કેમ કે જો ઓપન મેરિટના ઉમેદવારને અનામતમાં ગણવાના હોય તો અનામત વર્ગના નીચા મેરિટના ઉમેદવારને તેનો કશો લાભ મળતો નથી. સુપ્રીમ કોર્ટે ઈન્દ્રા સહાની, સભરવાલ અને રાજેશકુમાર દરિયાના ચુકાદામાં અનામત વર્ગના ઉમેદવારો જો ઊંચુ મેરિટ ધરાવતા હોય તો તેમને ઓપન મેરિટમાં જ ગણવા અને તેટલી અનામત બેઠકો પર અનામત વર્ગના અન્યને પસંદ કરવા જણાવ્યું જ છે. ગુજરાતમાં પુરુષ અનામતમાં તેનો અમલ થાય જ છે. અને તેના કારણે અનામત વર્ગના વધુ પુરુષ ઉમેદવારો પસંદગી પામે છે. પરંતુ જે વહીવટી તંત્ર અનામત વર્ગના પુરુષ ઉમેદવારોને ઓપન મેરિટનો લાભ આપે છે તે અનામત વર્ગના મહિલા ઉમેદવારોને તેનો લાભ આપતું નથી. શું આ બાબત મહિલાવિરોધી માનસિકતાની ધ્યોતક નથી ?

દેશની અર્ધી આબાદી એવી મહિલાઓનું વહીવટી તંત્રમાં પ્રતિનિધિત્વ સાવ અલ્પ છે એટલે તેમને અનામત આપવામાં આવી છે. યાદ રહે આ અનામત તેમની વસ્તીના પ્રમાણ કરતાં ૧૭ ટકા ઓછી છે ત્યારે તેના અમલમાં આડખીલી કરવી તે મહિલાવિરોધી માનસિકતા જ છે. સરકારી નોકરીઓમાં, રાજકારણમાં અને શિક્ષણમાં મહિલાઓનું પ્રમાણ તેમની વસ્તી જેટલું હોવું જ જોઈએ. પરંતુ આપણે તે તો કરી શકતા નથી. તેના નિરાકરણ અર્થે આ પ્રતિનિધિત્વ ક્રમશ: વધારવા મહિલા અનામત નીતિ અમલમાં આવે તો તેનો અમલ પણ થવા દેતા નથી. જો મહિલાઓનું પ્રતિનિધિત્વ નોકરીઓ સહિતના ક્ષેત્રોમાં વધે તો તેમની અનામત અપ્રસ્તુત બની શકે પરંતુ જો મહિલા ઊંચી ટકાવારી ધરાવે અને કહેવાતા મુખ્ય પ્રવાહ સાથે હરીફાઈ કરે તો ઓપન મેરિટનો અમલ ન થવા દઈને તેને માત્ર અનામતમાં કેદ કરી દેવી તે ન વાજબી છે, ન કાયદેસર છે. દેશમાં મહિલાઓની વસ્તી લગભગ ૫૦ ટકા અને ઓ.બી.સી. વસ્તી ૫૨ ટકા હોવાનું અનુમાન છે તેની સરખામણીમાં તેમની અનામતની ટકાવારી તેમની વસ્તી કરતાં ઘણી ઓછી એટલે કે ૩૩% અને ૨૭% જ છે. હવે જો ઓપન મેરિટનો અમલ ન થવા દઈને તેમને તેમની અનામત ટકાવારીમાં જ સીમિત કરી દેવાય તો તે ધરાર અન્યાય છે. 

એલ.આર.ડી.ના કિસ્સામાં બન્યું છે તેમ સામાન્ય વર્ગની મહિલાઓએ મહિલાને બદલે કથિત ઉચ્ચ વર્ણની બિનઅનામત મહિલા તરીકે વર્તવાનું પસંદ કર્યું અને અનામત વર્ગની મહિલાઓને કારણે તેમના હક ડૂબી રહ્યાની બૂમરાણ મચાવી પણ ગુજરાતમાં ૩૩% મહિલા અનામતનો જે વાસ્તવિક અમલ થતો નથી તે વાત વિસારે પાડી દીધી છે. પુરુષસત્તાક સમાજમાં જો મહિલાઓ અનામત બિનઅનામતમાં વહેંચાયેલી રહેશે તો સરકાર અને શાસનમાં તેમના વાજબી પ્રતિનિધિત્વની ગૂંચ ઉકલશે નહીં.

e.mail : maheriyachandu@gmail.com

પ્રગટ : ‘ચોતરફ’ નામક લેખકની સાપ્તાહિક કટાર, ‘અર્ધસાપ્તાહિક’ પૂર્તિ, “સંદેશ”, 25 માર્ચ 2020 

Loading

કેથલિન ઓ’ મિયર્સનું અંગ્રેજી કાવ્ય : ‘અને લોકો ઘર તરફ વળ્યાં’

ભાવાનુવાદ : બકુલા ઘાસવાલા|Opinion - Opinion|25 March 2020

‘અને લોકો ઘર તરફ વળ્યાં’

અને લોકો ઘર તરફ વળ્યાં
એમણે ચોપડાં ફંફોસ્યાં ને ગીતો સાંભળ્યાં
અને આરામ ફરમાવ્યો ને કસરત કરી
ચિતર્યું, ભરતગૂંથણ કર્યું ને રમ્યાં
અને એમને પલ્લે જીવતરની નવી ભાત પડી
આ તો જડબેસલાક બંધ
કોઈકે વળી અંતર્યામી થવું મુનાસિબ માન્યું
એટલે યુ નોવ? યોગા કર્યાં …
ને પૂજનઅર્ચન ને કીર્તન કર્યાં
ને પૂર્ણ શરણાગતિ કિરતાર ભણી …..
કોઈક વળી નર્તન તરફ વળ્યાં
કેટલાકે પડછાયા સાથે ઘરોબાનો પ્રયત્ન કર્યો
કેટલાકે ઘરને ધારી ધારીને નીરખ્યું
તો કેટલાકે દાદાદાદીના ઓરડે અડ્ડો જમાવ્યો
કેટલાક નવેસરથી પ્રેમ કરતાં શીખ્યાં
આમ લોકોએ કાંઈક જુદી રીતે વિચારવાનો રસ્તો શોધ્યો
તેથી લોકો આંદોલિત થયાં
પણ લોકોની ગેરહાજરીમાં
જેઓ અજ્ઞાત રહી જીવ્યાં
ભયાવહ, અક્કલમઠા ને સાવ લાગણીવિહીન
સ્વાર્થી, સ્વ કેન્દ્રિત ને બુદ્ધિના બેલ
એમને ન લાદ્યું અખાનું જ્ઞાન પણ છેલ્લે તો …
OMG!
ધરતીમાતા પણ આંદોલિત થઈ રહી
અને અંતે ઘાત ટળી
ત્યારે લોકોએ અરસપરસને ખોળ્યાં
અને
દિવંગતો માટે આંસુ સાર્યાં
પણ હવે એમણે નવી પસંદગી ખોળી લીધી છે …
એમને આતમજ્ઞાન લાધ્યું છે ને
નવા પ્રદેશનાં સપનાં દીઠાં છે
ને એમને દિવ્યદ્રષ્ટિ જડી છે
ત્યારે
નૂતનમાર્ગે ગતિ કરી
ધરણીને પુણ્યસલિલા બનાવવાં કટિબદ્ધ ને પ્રતિબદ્ધ બન્યાં છે
જેમ તેઓ પણ આપદ્ કાલથી
પાઠ ભણીને સન્માર્ગે શરણાગત થયાં તેમ …

[મને મારા દીકરા આનંદે મોકલ્યું ને મમ્મીને મળ્યું ઘરકામ સાથે આ કામ પણ]

Loading

...102030...2,5432,5442,5452,546...2,5502,5602,570...

Search by

Opinion

  • એક ‘રાની પંખીડું’ જિતુભાઈ પ્ર. મહેતા
  • આગળ જુઓ, નહીં તો પાછળ રહી જશો : બેન્જામિન ફ્રેન્કલિન
  • રળિયામણું, રંગીલું રાજકોટ ???
  • માણસ કૂતરાને કરડે એવા વિચિત્ર સમાચારોનું આચમન
  • શિક્ષકો કૂતરાં ગણવાના હોય તો પણ, કૂતરાં શિક્ષકોને નહીં ગણકારે …

Diaspora

  • છ વર્ષનો લંડન નિવાસ
  • દીપક બારડોલીકરની પુણ્યતિથિએ એમની આત્મકથા(ઉત્તરાર્ધ)ની ચંદ્રકાન્ત બક્ષીએ લખેલી પ્રસ્તાવના.
  • ગાંધીને જાણવા, સમજવાની વાટ
  • કેવળ દવાથી રોગ અમારો નહીં મટે …
  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !

Gandhiana

  • ગાંધી ‘મોહન’માંથી ‘મહાત્મા’ બન્યા, અને આપણે?
  • ગાંધીહત્યાના પડઘા: ગોડસેથી ગોળવલકર સુધી …
  • ગાંધીની હત્યા કોણે કરી, નાથુરામ ગોડસેએ કે ……? 
  • ગાંધીસાહિત્યનું ઘરેણું ‘જીવનનું પરોઢ’ હવે અંગ્રેજીમાં …
  • સરદાર પટેલ–જવાહરલાલ નેહરુ પત્રવ્યવહાર

Poetry

  • મુખોમુખ
  • ગઝલ – 1/2
  • સખીરી તારો એ હૂંફાળો સંગાથ …
  • વસંતાગમન …
  • એ પછી સૌના ‘આશિષ’ ફળે એમ છે.

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved