પ્રિય વાચક,
આજે મારું મન બેચેન છે. ઉદાસ છે. ખિન્ન છે. દિલ્હીમાં જે બની રહ્યું છે એ કરનારાઓ, કરાવનારાઓ અને તેને સમર્થન આપનારાઓ કઈ માટીના બનેલા હશે એની હું કલ્પના કરી શકતો નથી. આ છે ભારતવર્ષનો વારસો? આવું હતું તમારી કલ્પનાનું ભારત? આવો છે હિંદુ ધર્મ જેના પર આધારિત રાષ્ટ્ર તમે રચવા માગો છો? વેદ, ઉપનિષદ, મહાવીર અને બુદ્ધ, મધ્યકાલીન સંતો અને સૂફીઓ, રામકૃષ્ણ, વિવેકાનંદ, રમણ મહર્ષિ જેવા આધુનિક યુગના સંતો, ગાંધીજી અને આધુનિક ભારતના મનીષીઓ વગેરેનાં વચનો અને વારસાને અત્યારની સ્થિતિ સાથે સરખાવી જુઓ. કોઈ સમાનતા નજરે પડે છે? તમે જેને માટે ગર્વ લેતા થાકતા નથી અને જેના તમે વારસ હોવાનો દાવો કરો છો એ પ્રાચીન ભવ્ય ભારતનાં કયાં તત્ત્વો અત્યારની સ્થિતિમાં નજરે પડે છે? જો એ તમને મળેલો તમારો પોતીકો વારસો નથી તો જરૂર એ આયાતી છે.
માનવીમાંથી માણસ ઘડવો હોય તો જેમ કુંભાર માટી કેળવે એમ કેળવી શકાય, પણ માણસમાંથી રાક્ષસ ઘડવો હોય તો આયાતી સામાન લાવવો પડે. આપણને વારસામાં મળેલી માટી માનવીમાંથી માણસને ઘડનારી છે એટલે બહુ ખપની નથી. તમે ક્યારે ય કોઈ હિન્દુત્વવાદીને ઉપર કહ્યાં એ ગ્રંથોના, દાર્શનિક પરંપરાનાં કે કોઈ મહાનુભાવનાં વચનોને ટાંકતા સાંભળ્યા છે? નહીં સાંભળ્યા હોય. તેઓ પ્રાચીન આર્ય ભારત માટે ગર્વ વ્યક્ત કરશે પણ વચન એક પણ નહીં ટાંકે. તેઓ જે ભાષા બોલે છે એ આયાતી છે. ધર્મ આધારિત બહુમતી રાષ્ટ્રવાદની આખી કલ્પના જ આયાતી છે. આશ્ચર્ય તો એ વાતનું છે કે જર્મની, ઇટાલી અને બે ડઝન જેટલા મુસ્લિમ દેશો આ માર્ગે ચાલીને બરબાદ થઈ ગયા હોવા છતાં આપણને તેનું આકર્ષણ છે. આમાં મુસ્લિમ દેશોની બરબાદી તો આપણી નજર સામેની છે. એને જોવા-સમજવા માટે ઇતિહાસ ઉખેળવાની પણ જરૂર નથી. બસ, એક નજર પશ્ચિમમાં કરી લો.
ત્યાં જે બન્યું છે એ આપણે ત્યાં નહીં થાય એમ જો તમે માનતા હો તો તમે મૂર્ખાઓના સ્વર્ગમાં રાચો છો. જર્મનો અને ઇટાલિયનોને પણ એમ લાગતું હતું કે આપણે ત્યાં આવું નહીં થાય, કારણ કે આપણે જગતની મહાન પ્રજા છીએ. કેટલાક મુસ્લિમ દેશોના મુસલમાનોને પણ એમ લાગતું હતું કે આપણે ત્યાં આવું નહીં થાય, કારણ કે ઇસ્લામ જગતનો શ્રેષ્ઠ ધર્મ છે અને મુસલમાન ખુદાના લાડલા બંદા છે. દરેક પ્રજા પોતે ચડિયાતા હોવાપણાના વહેમમાં જીવતી હોય છે અને છેવટે છેતરાતી હોય છે. વાત એમ છે કે કોઈ પ્રજા મહાન નથી અને કોઈ પ્રજા હલકી નથી; પછી એ ગમે તે ધર્મ, વંશ કે દેશની હોય.
પ્રજા માનવીઓનો સમૂહ છે અને માનવીની અંદર સત્, તમસ અને એ બેની વચ્ચે બીજી અનેક વૃત્તિઓ રહેલી હોય છે. જ્યાં સુધી પ્રજાનો રાજકાજ સાથે સીધો સંબંધ નહોતો અને તેનો દરજ્જો માત્ર રૈયતનો હતો ત્યાં સુધી માણસની અંદર બેઠેલા અનેક માનવીઓને જગાડવાની જરૂર નહોતી પડતી. તલવારનું જોર હતું. પણ જ્યારે પ્રજાસમૂહનો રાજ્ય અને શાસન સાથે મત આપનારા નાગરિક તરીકેનો સંબંધ જોડાયો એ પછી માણસની અંદર રહેલા અનેક માનવીઓને જગાડવાની જરૂર પડવા લાગી. આપણી અંદર એક માનવી એવો છે જેને ડરાવી અને રડાવી શકાય. બીજાને ઉશ્કેરી શકાય અને લલકારી શકાય. ત્રીજાને સપનાંની દુનિયામાં રમાડી શકાય અને ચોથાને ઊંઘાડી શકાય. આ બધા માનવીઓને એટલો બધો ઘોંઘાટ કરતા કરી મૂકવા કે આપણી અંદર બેઠેલા વિવેકી પુરુષનો અવાજ આપણા સુધી પહોંચે જ નહીં, તો બીજા સુધી પહોંચાડવાની વાત જ બાજુએ રહી. આપણી અંદર રહેલા તામસ માનવીઓ એવું સામૂહિક આક્રમણ કરે કે આપણી અંદર રહેલા તાપસ (તપસ્વી, વિવેકી, સંવેદનશીલ) પુરુષને મૂંગો કરી દે.
અત્યારે દેશમાં આ જ બની રહ્યું છે. હિંદુ બહુમતીમાં હોવા છતાં ડરે છે અને પકડાવવામાં આવેલા કહેવાતા જખમો યાદ કરીને રડે છે. એ ઉશ્કેરાય છે અને ટોળાં રચીને શાસકોએ પૂરી પાડેલી સલામતીનો લાભ લઈ લાચાર લોકો સાથે હિંસા કરે છે અને મરદ હોવાનો પાછો ભ્રમ પણ પાળે છે. આ મર્દાનગી નથી નામર્દાઈ છે. મરદ એ છે જે ટોળાંની સામે ઊભો રહીને જેને મારવામાં આવતો હોય એને બચાવે. ગણેશ શંકર વિદ્યાર્થીનું નામ તો તમે સાંભળ્યું જ હશે! આવું ડરાવનારું, રડાવનારું, ઉશ્કેરનારું, લલકારનારું, ટોળાં રચીને મર્દાનગી બતાડનારું, શાસકો સાથે મળીને નરસંહાર કરનારું, કાયદાના રાજને અંદરથી કોરી ખાનારું, માનવીય સંવેદનાને બધીર કરનારું એક તંત્ર વિકસાવવામાં આવે છે જેને ફાસીવાદ કહેવામાં આવે છે અને એ સો ટકા આયાતી છે. તે ભારતીય નથી પણ પાશ્ચાત્ય છે અને પ્રાચીન નથી પણ આધુનિક છે.
ફાસીવાદની એક ખાસિયત છે. ફાસીવાદી તંત્રનો જનક પદાર્થ બહુમતી કોમ છે. તેને લઘુમતી કોમ સાથે કોઈ ખાસ લેવા-દેવા નથી. લઘુમતી કોમનો ઉપયોગ તો ડર બતાવવા માટે કરવામાં આવે છે. ફાસીવાદનો ઉપયોગ કરનારા શાસકોને ખબર છે કે જ્યાં સુધી બહુમતી કોમની વ્યક્તિમાં જગાડવામાં આવેલા તામસ માનવીઓ એ જ માણસની અંદર રહેલા તાપસ પુરુષને બોલવા નહીં દે અને જો બોલે તો તેના અવાજને કાને પડવા નહીં દે ત્યાં સુધી રાજ્ય આપણું છે. એ પછી તો લઘુમતી કોમે આપોઆપ શરણે થઈને ડરીને રહેવાનું છે. શરણાગતિ સિવાય અને દ્વિતીય નાગરિકનો દરજ્જો સ્વીકારીને વચ્ચેથી ખસી જવા સિવાય એની પાસે કોઈ વિકલ્પ જ નથી.
અહીં સુજ્ઞ વાચક, તારે થોડી વાર થોભીને વિચારવું પડશે કે આવી સ્થિતિ પેદા કર્યા પછી શું ફાસીવાદી શાસકો સંપૂર્ણપણે નિશ્ચિંત થઈને શાસન કરતા હશે? કરી શકતા હશે? લઘુમતી કોમને વચ્ચેથી હડસેલ્યા પછી શું તેઓ સુખેથી વિકાસલક્ષી શાસન કરવા માંડતા હશે? શું પોતપોતાનું રામરાજ્ય સ્થાપી શકતા હશે? જગતના કોઈ ફાસીવાદી શાસને રામરાજ્યનું મોડેલ વિકસાવ્યું છે? ઇતિહાસમાં ક્યારે ય અને કોઈ જગ્યાએ? આગળ વાંચતા પહેલાં વિચારી જુઓ અને પછી વાંચો.
ના, એવું નથી. તેઓ જરા ય નિશ્ચિંત થઈને શાસન ન કરી શકે. એ વાત ખરી છે કે તેમને લઘુમતી કોમનો તો જરા ય ભય નહીં રહે, પણ ભય બહુમતી કોમનો સતત રહેવાનો. તેમને ખબર છે કે બહુમતી કોમના માણસની અંદર ફાસીવાદી તંત્ર દ્વારા ચૂપ કરી દેવામાં આવેલો પેલો તાપસ પુરુષ મર્યો નથી અને ક્યારે ય મરવાનો નથી અને તેનો તેમને ભય રહે છે. પેલા તાપસ માણસનો અવાજ કાન સુધી ન પહોંચે અને બહુમતી કોમના માણસનો વિવેક ન જાગે એ માટે પેલા જાગતા કરવામાં આવેલા તામસ માનવીઓનો તરખાટ ચાલુ જ રાખવો પડે. જીન ધૂણતો જ રહેવો જોઈએ, શાંત ન થવો જોઈએ. જો એમાં જરા પણ વિરામ આવે કે તરત પેલા તાપસ માણસનો અવાજ સંભળાવા લાગે.
આનો અર્થ એ થયો કે બહુમતી રાષ્ટ્રવાદી શાસકો સેક્યુલર રાષ્ટ્રવાદી શાસકો કરતાં પણ વધુ ભયભીત રહે છે અને તેમને ભય બહુમતી કોમનો હોય છે. માણસની અંદર રહેલો પેલો તાપસ પુરુષ મરતો નથી અને મરવાનો નથી એ વાસ્તવિકતાનો ભય રહે છે. જીવે છે તો બોલશે તો ખરો જ. બોલશે તો અવાજ કાને પડશે. બાપ નહીં તો કદાચ દીકરો બોલતો થશે. શું ખબર પરિવારમાં રૂંધાતી સ્ત્રીની અંદર પેલો તપાસ પુરુષનો અવાજ સંભળાશે. કદાચ કોઈ ગૂંગળાતો ખેડૂત બોલશે. શાળા-કોલેજોમાં આપવામાં આવતાં ખોટા શિક્ષણથી કંટાળીને વિદ્યાર્થીને મુખે પેલો તાપસ પુરુષ બોલી ઊઠશે. સંભાવનાઓ અનેક છે, સાર્વત્રિક છે, અહર્નિશ છે. એટલે બહુમતી રાષ્ટ્રવાદી શાસકો બહુમતી કોમ ઉપર સાર્વત્રિક અને અહર્નિશ નજર રાખશે. ભય તેમને ત્યાંથી છે.
નજર એટલે કેવી નજર! કોઈ અંદાજ છે? ન હોય તો ઇટાલી, જર્મની, રશિયા અને ચીનનો નજીકનો ભૂતકાળ જોઈ જાવ. જો વાત ગળે ન ઉતરે તો મુસ્લિમ દેશોનો વર્તમાન જોઈ જાવ. જો વાંચવાની રુચિ ધરાવતા હો તો બ્રિટિશ લેખક જ્યૉર્જ ઑર્વેલની બે કાલાતીત કૃતિઓ વાંચી જાવ. એકનું નામ છે ‘એનીમલ ફાર્મ’ જેનો ગુજરાતીમાં અનુવાદ ઉપલબ્ધ છે અને બીજી છે ‘૧૯૮૪’. જો રાતની નિંદ હરામ ન થઈ જાય તો કહેજો. બહુમતી રાષ્ટ્રવાદી શાસન સ્થપાયાં પછી શાસકો પરાસ્ત લઘુમતી પર ખાસ નજર નથી રાખતા, પણ બહુમતી પ્રજા પર ચાંપતી નજર રાખે છે. કારણ બહુ સ્પષ્ટ છે. શાસકોને પરાસ્ત થવાનો ડર બહુમતી તરફથી છે, લઘુમતી તરફથી નથી. પેલા તાપસ પુરુષનો અવાજ ગમે ત્યારે કાને પડી શકે છે. એ મરતો જ નથી એ મોટી મોંકાણ છે.
ખૂબ આજીજીપૂર્વક આ વાત સમજાવવાનો અહીં પ્રયત્ન કર્યો છે, એવી આશા સાથે કે હિન્દુનો પીંડ જુદો છે. વિચારશો તો સંતોષ મને થશે અને લાભ તમારાં સંતાનોને થશે.
આભાર!
પ્રગટ : ‘વાત પાછળની વાત’, નામક લેખકની કટાર, “ગુજરાતમિત્ર”, 27 ફેબ્રુઆરી 2020
![]()


ગત અઠવાડિયે નેટફ્લિક્ષ (Netflix) પર 'યહ બેલે' (Yeh Ballet) નામની એક ફિલ્મ રિલીઝ થઈ છે કે જેમાં મુંબઈની ઝૂંપડપટ્ટીમાં રહેતા બે યુવાનોના બેલે ડાન્સર બનવાનાં સપનાં અને સંઘર્ષની કહાણી છે. સત્ય ઘટના પર આધારિત આ ફિલ્મનાં લેખિકા-ડિરેક્ટર સૂની તારાપોરેવાલા (Sooni Taraporevala) છે કે જેઓ અગાઉ આ વિષય પર ડૉક્યુમેન્ટરી બનાવી ચૂક્યાં છે અને હવે તેનું ફિલ્મમાં રૂપાંતર કર્યું. 'યહ બેલે' (Yeh Ballet) નામની આ ફિલ્મમાં મુંબઈની ઝૂંપડપટ્ટીમાં રહેતા બે યુવાનોની વાર્તા છે, જે પૈકી એક યુવાન હિન્દુ પરિવારનો જ્યારે અન્ય યુવાન મુસ્લિમ પરિવારમાંથી આવે છે. ગરીબ પરિવારમાંથી આવતા આ બંને યુવાનોને સારા ડાન્સર બનવા માટે અમેરિકાથી મુંબઈ આવેલો એક ટીચર ટ્રેનિંગ આપે છે. 'યહ બેલે' નામની આ ફિલ્મનું શૂટિંગ મુંબઈના રિયલ લૉકેશન્સ પર કરવામાં આવ્યું છે કે જેમાં મુંબઈની ચાલી અને અન્ય વિસ્તારો જોવા મળે છે. આ ફિલ્મની શરૂઆતમાં જ મુંબઈનો પ્રખ્યાત સી લિંક (પુલ) દેખાડવામાં આવ્યો છે કે જેની બાજુમાં જ ઝૂંપડપટ્ટી વિસ્તાર આવેલો છે. સી લિંક કે જે મુંબઈની શાન થાય છે તે દ્રશ્ય દેખાડતો કેમેરો ફરતો-ફરતો (આકાશમાં ઊંચેથી શૂટિંગ કરાયેલો aerial shot) તેની પાસે આવેલા ઝૂંપડપટ્ટી વિસ્તાર પર જઈને અટકે છે. સપનાં જોવાનો હક માત્ર પૈસાદાર પરિવારના સંતાનોને નહીં પણ ચાલીમાં રહેતા ગરીબ યુવાનોને પણ છે, જે વ્યક્તિ મોટાં સપનાં જુએ છે અને તે પ્રત્યે આશાવાદી છે તેને સફળતા ચોક્કસ મળે છે, આ માટે પ્રયાસ કરવો ખૂબ જ જરૂરી છે તે આ ફિલ્મનો મૂળ સંદેશ છે. બેલે ડાન્સની પ્રેક્ટિસ કરતા ગરીબ ઘરના યુવાનોને અમેરિકાથી આવેલો ટીચર જણાવે છે કે કોઈ પણ આર્ટ એટલે કે કળાનો વિકાસ કરવા માટે શિસ્ત ખૂબ જ જરૂરી છે. શિસ્ત અને સતત પ્રેક્ટિસ વિના સફળતા નહીં મળે.
'યહ બેલે' (Yeh Ballet) ફિલ્મમાં નિશુ (મનીષ ચૌહાણ) અને આસિફ (અચિંત્ય બોઝ) નામના બે યુવાનના સંઘર્ષની કહાણી છે. નિશુ નામનો યુવાન હિન્દુ પરિવારમાંથી આવે છે કે જેનો પરિવાર ચાલીમાં રહેતો હોય છે. નિશુના પિતા ટેક્સી ડ્રાઈવર છે જ્યારે તેનાં માતા સીવણનું કામ કરતાં હોય છે. આ ફિલ્મમાં નિશુના પિતાનું પાત્ર વિજય મૌર્ય નામના એક્ટરે ભજવ્યું છે કે જેમણે આ ફિલ્મના સંવાદ પણ લખ્યા છે. (અહીં ઉલ્લેખનીય છે કે વિજય મૌર્ય ગત વર્ષે આવેલી ફિલ્મ 'ગલી બોય'ના સંવાદ પણ લખી ચૂક્યા છે, ગલી બોય પણ મુંબઈની ચાલીમાં રહેતા યુવાનના જીવન પર આધારિત હતી.) નિશુ ખૂબ સારો ડાન્સર બનવા માગતો હોય છે, પણ તેના પિતાને આ પસંદ નથી એટલે નિશુ ઘર છોડીને જતો રહે છે. બીજી બાજુ આસિફ નામનો યુવાન મુસ્લિમ પરિવારમાંથી આવે છે અને આખો દિવસ મિત્રો સાથે રખડપટ્ટી કરતો હોય છે. તેનો ભાઈ કે જે પિઝા ડિલિવરીનું કામ કરે છે તે આસિફનું ડાન્સિંગ ટેલેન્ટ સારી રીતે જાણતો હોય છે. તે આસિફને ડાન્સ શીખવા માટે ડાન્સ એકેડમીમાં મોકલી આપે છે અને તેનું જીવન બદલાઈ જાય છે. ફિલ્મમાં સમાજના ઉચ્ચ વર્ગમાંથી આવતા લોકોનો ગરીબો પ્રત્યેનો એક અલગ દ્રષ્ટિકોણ પણ દર્શાવવામાં આવ્યો છે. સાથે જ વિદેશથી આવેલો ડાન્સ ટીચર ભારત અને ભારતીય સમાજને કઈ રીતે જુએ છે, તે પણ આ ફિલ્મમાં નવા અંદાજમાં જોવા મળે છે. મુંબઈની ચાલીમાં રહેતા આ બંને યુવકોને વિદેશમાં ડાન્સ શીખવા જવા માટેની સ્કોલરશિપ મળે છે કે નહીં? તે માટે તો હવે નેટફ્લિક્ષ (Netflix) પર 'યહ બેલે' (Yeh Ballet) જોવી રહી. અહીં ઉલ્લેખનીય છે કે આ ફિલ્મ 'યહ બેલે'(Yeh Ballet)નાં લેખિકા-ડિરેક્ટર સૂની તારાપોરેવાલા વર્ષ 1988માં આવેલી ડિરેક્ટર મીરા નાયરની ક્લાસિક ફિલ્મ 'સલામ બૉમ્બે' (Salaam Bombay!) પણ લખી ચૂક્યાં છે. મુંબઈની ફૂટપાથ પર જીવન પસાર કરતા એક ગરીબ છોકરા અને તેની આસપાસની 'કાળી' દુનિયાની રિયલ કહાણી દર્શાવતી ફિલ્મ 'સલામ બૉમ્બે'ની દેશ-વિદેશમાં ભારે પ્રશંસા થઈ હતી.
લેખિકા-ડિરેક્ટર સૂની તારાપોરેવાલા (Sooni Taraporevala) દેશનાં જાણીતાં પટકથા લેખિકા, ફોટોગ્રાફર અને ફિલ્મમેકર છે. પારસી પરિવારમાંથી આવતાં સૂની તારાપોરેવાલાએ મુંબઈ શહેરને ફિલ્મમેકિંગ અને ફોટોગ્રાફીના માધ્યમથી એક અલગ રીતે જ રજૂ કર્યું છે. તેઓ ફિલ્મમેકર મીરા નાયરની જાણીતી ઈન્ટરનેશનલ ફિલ્મ 'સલામ બૉમ્બે' (Salaam Bombay!), 'ધ નેમસેક' (The Namesake) અને 'મિસિસિપી મસાલા' (Mississippi Masala) લખી ચૂક્યાં છે. સૂની તારાપોરેવાલાએ વર્ષ 2009માં આવેલી ફિલ્મ 'લિટલ ઝીઝૂ'(Little Zizou)થી ડિરેક્ટર તરીકે ડેબ્યુ કર્યું હતું. આ પારિવારિક કૉમેડી ફિલ્મને નેશનલ એવોર્ડ મળ્યો હતો. વર્ષ 1957માં મુંબઈના પારસી પરિવારમાં જન્મેલાં સૂની તારાપોરેવાલાને Harvard યુનિવર્સિટીના અંડરગ્રેજ્યુએટ પ્રોગ્રામ માટે સ્કોલરશિપ મળી અને ત્યાં જઈને તેમનું જીવન બદલાઈ ગયું. જ્યાં તેમનો પરિચય વૈશ્વિક આર્ટ, લિટરેચર, ફોટોગ્રાફી અને ફિલ્મમેકિંગની દુનિયા સાથે થયો. બાદમાં તેમણે ન્યૂયોર્ક યુનિવર્સિટી(New York University)માંથી સિનેમાના વિષયનો ઊંડો અભ્યાસ કર્યો.
અમરેલી જિલ્લાના હડાળાની પ્રાથમિક શાળામાંથી નીકળેલો પ્રફુલ દવેનો એ કુમળો અવાજ હવે તો અમરેલીથી અમેરિકા સુધી ગુંજી ચૂક્યો છે. હડાળાની શાળામાં તેમણે નાનપણમાં પ્રાથમિક શાળાની સભામાં ગાયું, શિક્ષકોનું પ્રોત્સાહન મળ્યું. કોલેજકાળમાં તેમણે ભાવનગરમાં પોતાના અવાજનો જાદુ પાથર્યો અને પ્રફુલ દવેના અવાજમાં ગવાયેલા મણિયારાએ તો દેશ-વિદેશમાં એવી માયા લગાડી કે હવે તે વિશેષ ઓળખ આપવાના મોહતાજ નથી રહ્યા.