Opinion Magazine
Number of visits: 9575980
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

સ્ત્રીઓ માંગે બરાબરીનો હક

ચંદુ મહેરિયા|Opinion - Opinion|4 March 2020

આ વરસનો આંતરરાષ્ટ્રીય મહિલા દિન(આઠમી માર્ચ) બેહદ ખાસ હશે. વારાસણીના પ્રેમચંદ જન્મસ્થાન લમહી ઈલાકામાં નેતાજી સુભાષચંદ્ર બોઝનું મંદિર બનાવવામાં આવ્યું છે. ઓણની સુભાષ જયંતીએ આર.એસ.એસ.ના વરિષ્ઠ પ્રચારક ઈન્દ્રેશ કુમારના હસ્તે ખુલ્લા મુકાયેલા સુભાષ મંદિરમાં નેતાજીની કાળા આરસની આદમકદ પ્રતિમા સ્થાપિત કરવામાં આવી છે. આ સુભાષ મંદિરની વિશેષતા એ છે કે તેની પૂજારણ તરીકે એક દલિત કિશોરીની નિયુક્તિ કરવામાં આવી છે. ગર્ભવતી સ્ત્રીઓ નેતાજી જેવાં દેશભક્ત સંતાનોને જન્મ આપે તે હેતુથી મંદિરમાં તેમના માટે ખાસ દર્શનની વ્યવસ્થા કરવામાં આવી છે. ! દેશભક્ત સંતાનોની જનેતાઓ ખુદ ભારતીય સેનામાં હોય તો તેમની સ્થિતિ કેવી હોય છે તે તાજેતરના સુપ્રીમ કોર્ટના ચુકાદાથી સ્પષ્ટ થયું છે. દેશની ભૂમિસેનામાં કાર્યરત મહિલા અફ્સરોને સેનાની કમાન પોસ્ટ અને પેન્શનપાત્ર કાયમી નોકરી આપવામાં આવતી નથી. મહિલાઓને શા માટે આ કામ આપી ન શકાય તે અંગે કોર્ટમાં સરકારની દલીલ હતી કે ભારતીય સેનામાં ગ્રામીણ પૃષ્ઠભૂમિ ધરાવતા જવાનો હોય છે જે મહિલા અફ્સરોના ઓર્ડર સ્વીકારે તેવો તેમનો જન્મગત ઉછેર નથી અને મહિલા હોવાના કારણે આ અફ્સરો સામાજિક અને શારીરિક મર્યાદાઓ ધરાવે છે. સર્વોચ્ચ અદાલતે સરકાર અને સમાજના આ પિતૃસત્તાત્મક વિચારોને ફ્ગાવી દઈને મહિલા અફ્સરોને સેનામાં બરાબરીનો અધિકાર આપ્યો, તે સ્ત્રી અધિકારની દિશામાં નોંધપાત્ર કદમ છે.

ભારતીય સેના સાથે મહિલાઓનો નાતો નવેક દાયકા પુરાણો છે. ૧૯૨૭માં સેનાની ર્નિંસગ સેવામાં પ્રવેશથી તેનો આરંભ થયો હતો. ૧૯૪૩માં તબીબ તરીકે અને લાંબા અંતરાલ બાદ ૧૯૯૨માં આર્મી અફ્સરો તરીકે મહિલાઓ સેનામાં જોડાઈ હતી. આજે ભારતીય સેનામાં ૨૧.૬% ડોક્ટરો અને ૧૦૦% નર્સીસ મહિલા છે. જો કે સેનાની ત્રણેય પાંખોમાં માંડ ૩.૯% જ મહિલા ઓફ્સિર્સ છે. તેમાં સૌથી વધુ ૧૩.૨૮% વાયુસેનામાં અને ૬.૭% નૌસેનામાં છે. વાયુસેના અને નૌસેનામાં મહિલા અફ્સરોને ઘણાં વિભાગોમાં બરાબરીનો હક મળ્યો છે. વાયુસેનામાં મહિલા પાઇલટ લડાકુ વિમાન પણ ઉડાડે છે, પરંતુ ભૂમિ સેનામાં ૨૦૧૦ના દિલ્હી હાઈકોર્ટના ચુકાદા અને તેના પર સુપ્રીમ કોર્ટની કોઈ મનાઈ ન હોવા છતાં મહિલા અધિકારીઓને ૧૪ વરસની શોર્ટ ટર્મ નોકરી જ આપવામાં આવતી રહી છે અને તેઓ કોઈ કમાન્ડ પોસ્ટ પર ફરજ બજાવી શકતી નથી. આ અન્યાય સામે મહિલા અધિકારીઓએ અદાલતમાં દાદ માંગતા સર્વોચ્ચ અદાલતે મહિલા અફ્સરોની બરાબરીની માંગ માન્ય રાખી છે અને સરકારની મહિલાઓને ઉણી કે ઊતરતી માનવાની વૃત્તિની ટીકા કરી છે. જો કે મહિલાઓને યુદ્ધ ક્ષેત્રમાં મોકલવાનો નિર્ણય અદાલતે સરકાર અને સેના પર છોડી દીધો છે. અમેરિકાએ ૨૦૧૩માં મહિલાઓને યુદ્ધમાં મોકલવાનું શરૂ કર્યું હતું. પોલેન્ડ, કેનેડા, બ્રિટન, સ્વિડન, ઓસ્ટ્રેલિયા, ઈઝરાયેલ, જર્મની અને ઉત્તર કોરિયાનાં સૈન્યોમાં મહિલાઓ યુદ્ધ ક્ષેત્રમાં જોડાઈ શકે છે. સ્લોવેનિયાનાં સેનાપ્રમુખ જ મહિલા છે. ભારતની ત્રણેય લશ્કરી પાંખના વડાના બંધારણીય એવા રાષ્ટ્રપ્રમુખના પદે મહિલા બિરાજી ચૂક્યાં છે પરંતુ લશ્કરમાં મહિલાને કમાન્ડ પોસ્ટ મળતી નથી !

ભારતમાં મહિલાઓને સમાનતાનો હક તો નથી જ, નોકરીઓ અને ધંધા રોજગાર સહિતના વર્કફેર્સ(કાર્યબળ)માં પણ તેમનું પ્રમાણ નગણ્ય છે. દેશની કુલ જનસંખ્યાના ચોથા ભાગની મહિલાઓ જ વર્કફેર્સમાં છે અને તે પ્રમાણ પણ ઘટતું જાય છે. ૨૦૦૫માં દેશના વર્કફેર્સમાં મહિલાઓનું પ્રમાણ ૩૬.૭% હતું તે ૨૦૧૮માં ઘટીને ૨૩.૩% થઈ ગયું છે. સરકારના લેબરફેર્સ સરવેમાં જણાવાયા મુજબ ૨૦૧૮માં શહેરોમાં ૧૦.૮% અને ગામડાઓમાં ૩.૮% મહિલાઓ બેરોજગાર છે. ૧૫થી ૧૯ વરસની ૨૭.૨% શહેરી અને ૧૩.૬% ગ્રામીણ મહિલાઓ બેરોજગાર છે. ગ્લોબલ જી.ડી.પી.માં મહિલાઓનો ફાળો ૩૬% અને દુનિયાના કુલ વર્કફેર્સમાં મહિલાઓની ભાગીદારી ૩૯% છે પરંતુ ભારતના જી.ડી.પી.માં મહિલાઓનો ફાળો ૧૮% અને વર્કફેર્સમાં મહિલાઓ ૨૩% જ છે. જો રોજગારમાં અને દેશના કુલ કાર્યબળમાં મહિલાઓની ભાગીદારી વધારાય તો ૨૦૨૫ સુધીમાં ભારતના જી.ડી.પી.માં ૧૮% સુધીની વૃદ્ધિ થઈ શકે તેમ છે. બી.જે.પી.એ તેના ૨૦૧૯ના ચૂંટણીઢંઢેરામાં વુમન ઈન વર્કફેર્સનો રોડમેપ તૈયાર કરી વર્કફેર્સમાં મહિલાઓની ભાગીદારી ૩૦% કરવાનું વચન આપ્યું છે તેના અમલની જરૂર છે.

ઘરકામ અને કુટુંબની સારસંભાળના સ્ત્રીઓનાં કામનું કોઈ આર્થિક મૂલ્ય ગણવામાં આવતું નથી. ૩૫ કરોડ ઘરેલુ મહિલાઓના શ્રમની કિંમત ૬૧૩ અબજ ડોલર છે. અસંગઠિત ક્ષેત્રોમાં ૧૯.૫ કરોડ મહિલાઓ વિનાવેતને કામ કરે છે. જ્યાં તે વેતન સાથે કામ કરે છે ત્યાં પણ તેને પુરુષની સરખામણીએ ઓછું વેતન આપવામાં આવે છે. કામના સ્થળે તેનું શોષણ પણ થાય છે. દેશમાં ૪૫% ભારતીયો મહિને રૂ.૧૦,૦૦૦ કે તેથી ઓછું વેતન મળવે છે પરંતુ ૬૩% મહિલાઓ માસિક રૂ.૧૦,૦૦૦ અને ૩૨% મહિલાઓ માસિક રૂ. ૫,૦૦૦ કે તેથી ઓછું વેતન મેળવે છે. પુરુષ કરતાં મહિલા કામદાર દરરોજ ૫૦ મિનિટ અને વરસે ૩૦ દિવસ વધુ કામ કરે છે પણ પુરુષ કરતાં તેને ૧૯% ઓછું વેતન મળે છે. ગ્લોબલ જેન્ડર ગેપ રિપોર્ટ અનુસાર વિશ્વના ૧૩૫ દેશોમાં ભારતનું સ્થાન ૮૭મું છે. ૨૦૦૪ પછી ઊંચો આર્થિક વિકાસ દર દેશે હાંસલ કર્યો અને રોજગારીનું મોટા પાયે સર્જન થયું ત્યારે કાર્યબળમાં મહિલા હિસ્સેદારી વધવી જોઈતી હતી તે ઘટી છે. આવક વધે વેતન વધે ત્યારે મહિલા રોજગારના બજારમાંથી બહાર ધકેલાય, શિક્ષણમાં અવ્વલ રહેતી મહિલાઓ નોકરીના બજારમાં અવ્વલ ન હોય તેનું ગણિત સમજવા માટે અર્થશાસ્ત્ર નહીં સમાજશાસ્ત્રને કામે લગાડવું પડશે. મનરેગાનાં કામોમાં ૫૦% મહિલા ભાગીદારી હોય અને કમરથી નીચા કે વાંકા વળીને ખેતી સહિતનાં જે કામો કરવાનાં હોય તે આપણે માત્ર મહિલાઓના માથે જ મારીએ છીએ તેમાં પણ કોઈ અર્થશાસ્ત્ર નથી મહિલાવિરોધી સામાજિક વ્યવસ્થા જ જવાબદાર છે.

અમેરિકાના ન્યૂયોર્ક શહેરની કપડાં સીવનાર બહેનોએ ૮મી માર્ચ, ૧૮૫૭ના રોજ પહેલી વાર સંગઠિત થઈ અન્યાય વિરુદ્ધ સરઘસ કાઢયું ત્યારે તેમની માંગ શ્રમિક તરીકેની ઓળખની, બહેતર વેતનની અને કામના નિશ્ચિત કલાકોની હતી. સ્ત્રીની પ્રાથમિક ઓળખ તરીકે તેના શ્રમને ગણી તેનું મહિમામંડન કરવામાં આવે છે. તેમ કરીને તેની શ્રમિક તરીકેની ઓળખ અને તેના કામનું મૂલ્ય ભૂલી જવાય છે. આર્થિક મૂલ્ય ધરાવતી શ્રમશક્તિમાંથી મહિલાઓનો એકડો ભૂંસી નંખાય છે. બીજા માટે કરવામાં આવતા અનુત્પાદક શ્રમને સ્ત્રીની નિયતિ બનાવી દેવાયો છે. સ્ત્રીને જીવન ગુજારો કરી શકાય તેટલું નહીં આત્મસન્માન સાથે કામને યોગ્ય વેતન આપવાની જરૂર છે. અસ્તિત્વ માટેની સ્ત્રીની જદ્દોજહદને આત્મસન્માન અને સમાનતા સુધી લઈ જવાની જવાબદારી સમગ્ર સમાજની છે.

e.mail : maheriyachandu@gmail.com

પ્રગટ : ‘ચોતરફ’ નામક લેખકની સાપ્તાહિક કટાર, ‘અર્ધસાપ્તાહિક’ પૂર્તિ, “સંદેશ”, 04 માર્ચ 2020 

Loading

ક.મા. મુનશીની ‘પૃથિવીવલ્લભ’ને ફિલ્મી પડદે જીવંત કરનાર ફિલ્મમેકર સોહરાબ મોદી

નીલય ભાવસાર ‘સફરી’|Opinion - Opinion|4 March 2020

પડદા પર મિનરવા મૂવીટોન(Minerva Movietone)ના અક્ષરો દેખાતા જ સિંહની ત્રાડ સાંભળવા મળતી હતી, આ જોતા જ થિયેટરમાં દર્શકો સતર્ક થઈ જતા હતા. મિનરવા મૂવીટોન(Minerva Movietone)ના સંસ્થાપક હતા પ્રસિદ્ધ ફિલ્મમેકર અને એક્ટર સોહરાબ મોદી (જન્મ – 02 નવેમ્બર, 1897 મૃત્યુ – 28 જાન્યુઆરી, 1984). ઊંચી કદકાઠી અને પહોળો શારીરિક બાંધો ધરાવતા સોહરાબ મોદીનું વ્યક્તિત્વ આકર્ષક હતું. તેઓ જેવા પડદા પર આવતા કે તરત જ સિનેમા હૉલમાં ઉત્તેજના ફેલાઈ જતી હતી. ફિલ્મ 'સિકંદર', 'પૃથિવીવલ્લભ', 'પુકાર' અને 'રાજહઠ'માં તેમના કડક સંવાદોને દર્શકો આજે પણ યાદ કરે છે.

ફિલ્મ જગતમાં એવા બે અભિનેતા થઈ ગયા કે જેમણે પોતાના પ્રભાવશાળી અવાજથી દર્શકોના દિલમાં સ્થાન બનાવ્યું. એક હતા પૃથ્વીરાજ કપૂર અને બીજા હતા સોહરાબ મોદી. કારણ કે સોહરાબ મોદી પારસી નાટકો કરતા-કરતા ફિલ્મની દુનિયામાં આવ્યા હતા, એટલે નાટકમાં સંવાદ બોલવાની એક ખાસ આવડતને ફિલ્મોમાં લાવ્યા કે જે દર્શકોને ખૂબ જ પસંદ આવી. તેઓ સંવાદ બોલતી વખતે એક-એક શબ્દ પર જોર આપતા હતા અને સ્પષ્ટ ઉચ્ચારણ કરતા હતા. દર્શકોના મનમાં જોશ ભરી દે તેવા સંવાદો પ્રભાવશાળી રીતે બોલવા માટે સોહરાબ મોદી ફિલ્મોમાં આવ્યા હતા. સોહરાબ મોદીએ વર્ષ 1935માં આવેલી ફિલ્મ 'ખૂન કા ખૂન'નું ડિરેક્શન કર્યું હતું અને તેમાં મુખ્ય રોલ પણ કર્યો હતો. આ ફિલ્મ નાટ્યકાર વિલિયમ શેક્સપિયરના નાટક 'હેમલેટ'નું ફિલ્મ રૂપાંતરણ હતી. પછીનાં વર્ષે 1936માં સોહરાબ મોદીએ 'સૈદ-એ-હવસ' નામની ફિલ્મ બનાવી જે વિલિયમ શેક્સપિયરના નાટક 'કિંગ જ્હોન'નું રૂપાંતરણ હતી. આ ફિલ્મમાં પણ સોહરાબ મોદીએ મુખ્ય રોલ કર્યો હતો. વર્ષ 1943માં સોહરાબ મોદીએ ગુજરાતી ભાષાના જાણીતા સાહિત્યકાર કનૈયાલાલ મુનશી(ક.મા. મુનશી)એ લખેલી નવલકથા પૃથિવીવલ્લભ આધારિત તે નામની જ ફિલ્મ બનાવી. આ ફિલ્મમાં સોહરાબ મોદીએ મુંજનો રોલ કર્યો હતો જ્યારે એક્ટ્રેસ દુર્ગા ખોટેએ મૃણાલવતીનું પાત્ર ભજવ્યું હતું. વર્ષ 1936માં સોહરાબ મોદીએ મિનરવા મૂવીટોનની સ્થાપના કરી. મિનરવા મૂવીટોનમાં તેમની શરૂઆતની ફિલ્મો સામાજિક દૂષણો પર આધારિત હતી, જેમ કે ફિલ્મ 'મીઠા ઝહર' (1938) દારૂના નશા પર આધારિત હતી. આ ફિલ્મો સફળ રહી તેમ છતાં પણ સોહરાબ મોદીનું ધ્યાન ઐતિહાસિક વિષય તરફ આકર્ષાયું. ત્યાર બાદ બનેલી ત્રણ ઐતિહાસિક ફિલ્મોને કારણે મિનરવા મૂવીટોન ખૂબ જાણીતી બની. તે ત્રણ ફિલ્મો – 'પુકાર' (1939), 'સિકંદર' (1941) અને 'પૃથિવીવલ્લભ' (1943) હતી.

સોહરાબ મોદીનો જન્મ તારીખ 02 નવેમ્બર, 1897ના રોજ ઉત્તરપ્રદેશના રામપુર નગરમાં થયો હતો. તેમનો જન્મ પારસી પરિવારમાં થયો હતો, પિતા ઈન્ડિયન સિવિલ સર્વન્ટ હતા. તેઓ જ્યારે આઠમા ધોરણમાં અભ્યાસ કરતા હતા ત્યારે પિતા સાથે બૉમ્બે આવી ગયા. ધોરણ 10ની પરીક્ષા પાસ કર્યા બાદ માત્ર 17 વર્ષની ઉંમરમાં સોહરાબ મોદી તેમના ભાઈનું ફિલ્મ પ્રોજેક્ટર લઈને ગ્વાલિયર ચાલ્યા ગયા. હિન્દી અને ઉર્દૂ ભાષા પર પ્રભુત્વ ધરાવતા સોહરાબ મોદીએ માત્ર 26 વર્ષની ઉંમરે આર્ય સુબોધ થિયેટરિકલ કંપની સ્થાપી હતી. જ્યાં તેમણે પહેલા તો હરતું-ફરતું સિનેમાઘર ખોલ્યું અને ફિલ્મો દેખાડવા લાગ્યા. વર્ષ 1914થી 1924 દરમિયાન સોહરાબ મોદીએ ફિલ્મ પ્રદર્શનના સંદર્ભે ગ્વાલિયરથી મુંબઈ અને મૈસૂરથી મદ્રાસ સુધીની યાત્રા કરી. વર્ષ 1924માં તેમણે પોતાના મોટાભાઈની મદદથી એક થિયેટર કંપની ખોલી અને ઠેર-ઠેર સ્થળે ફરીને વિલિયમ શેક્સપિયરના નાટકોનો ઉર્દૂ અનુવાદ પ્રસ્તુત કરવા લાગ્યા. આ નાટકોમાં તેઓ પોતે અભિનય કરતા હતા. પોતાના આકર્ષક વ્યક્તિત્વ, જબરદસ્ત અભિનય અને દમદાર અવાજના કારણે તેમણે જલદી પોતાની ઓળખ બનાવી. 'હેમલેટ' નાટક થકી સોહરાબ મોદીને ઘણી લોકપ્રિયતા મળી હતી.

જ્યારે ભારતીય સિનેમામાં મૂંગી ફિલ્મોનો જમાનો હતો ત્યારે સોહરાબ મોદી ફિલ્મો પ્રત્યે ગંભીર નહોતા અને નાટકોમાં વ્યસ્ત હતા. પણ, બોલતી ફિલ્મોનો યુગ શરૂ થતા સોહરાબ મોદીએ તેમના મોટાભાઈ સાથે મળીને એક ફિલ્મ કંપની બનાવી. આ સમયે સોહરાબ મોદી શેક્સપિયરના નાટક 'હેમલેટ'થી પ્રખ્યાત થઈ ગયા હતા એટલે તે આધારિત ફિલ્મ 'ખૂન કા ખૂન' (1935) બનાવી. આ સમયે સોહરાબ મોદીની ઉંમર 38 વર્ષ હતી. પોતાના નાટકોના અનુભવના આધારે સોહરાબ મોદી તે વાત સમજી ચૂક્યા હતા કે પોતાના ગંભીર અવાજ અને સ્વરમાં ઉતાર-ચઢાવ સિનેમા હૉલમાં ગૂંજી ઊઠે છે અને દર્શકોના દિલ-દિમાગ પર જાદુ કરે છે. માટે સોહરાબ મોદીએ એવી વાર્તાઓ આધારિત ફિલ્મો બનાવવાનું નક્કી કર્યું કે જેમાં સંવાદ અને અવાજને વધુ અવકાશ મળે. વર્ષ 1937માં સોહરાબ મોદીએ 'આત્મતરંગ' અને 'ખાન બહાદુર' જેવી ફિલ્મો બનાવી જ્યારે વર્ષ 1938માં 'જેલર' અને 'મીઠા ઝહર' જેવી ફિલ્મો બનાવી. વર્ષ 1939માં સોહરાબ મોદીએ જહાંગીરની ન્યાય વ્યવસ્થા દર્શાવતી 'પુકાર' નામની ફિલ્મ બનાવી, આ ફિલ્મ માટે તેઓ આજે પણ પ્રખ્યાત છે. આ ફિલ્મનાં ગીતો અને સ્ટોરી જાણીતા ફિલ્મકાર કમાલ અમરોહીએ લખ્યાં હતા. 'પુકાર'ને શરૂઆતની મુસ્લિમ સોશિયલ (સામાજિક) ફિલ્મ તરીકે ઓળખવામાં આવે છે. 'પુકાર' ફિલ્મ સુપરહિટ રહી હતી. વર્ષ 1941માં સોહરાબ મોદીએ 'સિકંદર' નામની મોટા બજેટની ફિલ્મ બનાવી, આ ફિલ્મમાં પૃથ્વીરાજ કપૂરે સિકંદર જ્યારે સોહરાબ મોદીએ પોરસનો રોલ કર્યો હતો. આ ફિલ્મમાં યુદ્ધના પ્રસંગ ખૂબ જ પ્રભાવશાળી રીતે દર્શાવવામાં આવ્યા હતા. આ ફિલ્મ ત્યારે આવી કે જ્યારે બીજા વિશ્વયુદ્ધનો સમય હતો. બ્રિટિશ સરકારને જ્યારે 'સિકંદર' ફિલ્મ દેખાડવામાં આવી ત્યારે તેઓને સૈનિકના વિદ્રોહનું દ્રશ્ય પસંદ ના પડ્યું. બ્રિટિશ સરકારે આ ફિલ્મ પર સંપૂર્ણ પ્રતિબંધ મૂકવાની જગ્યાએ છાવણીઓમાં નહીં દેખાડવાનો આદેશ આપ્યો.

વર્ષ 1944માં સોહરાબ મોદીએ 'પરખ' નામની સામાજિક મુદ્દા આધારિત ફિલ્મ બનાવી, જેમાં મેહતાબ નામની એક્ટ્રેસે મુખ્ય રોલ કર્યો હતો. પછી તેમણે મેહતાબને લઈને 'એક દિન કા સુલ્તાન' અને 'શમા' જેવી અન્ય ફિલ્મો બનાવી. વર્ષ 1946માં સોહરાબ મોદીએ મેહતાબ સાથે લગ્ન કર્યા હતા. મેહતાબ ગુજરાતી હતા અને તેમનો જન્મ સુરતના મુસ્લિમ પરિવારમાં થયો હતો. સોહરાબ મોદીએ વર્ષ 1953માં સૌ પ્રથમ રંગીન ભારતીય ફિલ્મ બનાવી કે જેનું નામ 'ઝાંસી કી રાણી' હતું. મોટા બજેટની આ ફિલ્મ બોક્સ ઓફિસ પર નિષ્ફળ રહી હતી. તે સમયે 'ઝાંસી કી રાણી'નું બજેટ રૂપિયા 60 લાખ હતું. આ ફિલ્મ વર્ષ 1956માં અમેરિકામાં 'The Tiger and the Flame'ના નામથી રિલીઝ થઈ હતી. હોલિવૂડની જાણીતી ફિલ્મ 'Gone with the Wind'(1939)નું કેમેરા વર્ક કરનાર સિનેમેટોગ્રાફર Ernest Hallerએ 'ઝાંસી કી રાણી'ના શૂટિંગમાં મદદ કરી હતી. આ ફિલ્મની નિષ્ફળતાના કારણે સોહરાબ મોદી આર્થિક રીતે તૂટી ગયા અને રંગીન ફિલ્મો બનાવવાનું ટાળ્યું. આગામી વર્ષે 1954માં સોહરાબ મોદીએ ભારત ભૂષણ અને સુરૈયાની જોડીને લઈને 'મિર્ઝા ગાલિબ' ફિલ્મ બનાવી જે સુપરહિટ રહી. આ ફિલ્મની સ્ટોરી જાણીતા વાર્તાકાર સઆદત હસન મન્ટોએ લખી હતી. આ ફિલ્મની જવાહરલાલ નહેરુએ પણ પ્રશંસા કરી હતી. 'શીશમહલ' (1950) પણ સોહરાબ મોદીની સુપરહિટ ફિલ્મ હતી. સોહરાબ મોદીએ ભારતીય સિનેમાને 50 કરતાં વધુ ફિલ્મોનું અભૂતપૂર્વ યોગદાન આપ્યું. 28 જાન્યુઆરી, 1984ના રોજ 86 વર્ષની વયે તેમનું નિધન થયું, જ્યારે વર્ષ 1980માં તેઓને દાદાસાહેબ ફાળકે પુરસ્કારથી નવાજવામાં આવ્યા હતા. સોહરાબ મોદીએ જે ઐતિહાસિક ફિલ્મોનું નિર્માણ કર્યું તેનું ખાસ ઐતિહાસિક મહત્ત્વ છે.

(લેખક iamgujarat.comમાં પત્રકાર છે)

e.mail : nbhavsarsafri@gmail.com

પ્રગટ : ‘ગુલમોહર’ પૂર્તિ, “નવગુજરાત સમય”, 04 માર્ચ 2020

Loading

કચ્છનું કલારત્ન ચાંપશીભાઈ નાગડા

વસન્ત મારુ|Opinion - Opinion|4 March 2020

બહાદુર અને કરુણાસભર હૃદય ધરાવતા ચાંપશીભાઈ નાગડાના જન્મને ૧૦૦મું વર્ષ ચાલી રહ્યું છે. નાટ્યકાર-ફિલ્મકાર ચાંપશીભાઈને શતાબ્દી વર્ષે અંજલિ આપવા આ લેખ લખાયો છે.

૧૯૪૪માં મુંબઈની ગોદી પર નાંગરેલા દારૂગોળાથી ભરેલા વહાણમાં ધડાકો થતાં દક્ષિણ મુંબઈનો વિસ્તાર હચમચી ગયો હતો. ચારેબાજુ નાસભાગ થઈ હતી. ગોદી પર કપાસની ગાંસડીઓ વહાણ પર ચડાવવા આવેલા એક કચ્છી યુવાને આ ભયના માહોલમાં એક લોહીલુહાણ માણસને ઊંચકી હિંમતપૂર્વક બહાર લાવીને તેનો જીવ બચાવ્યો. એ બહાદુર કચ્છીનું નામ હતું ચાંપશીભાઈ નાગડા.

બહાદુર અને કરુણાસભર હૃદય ધરાવતા ચાંપશીભાઈ નાગડાના જન્મને ૧૦૦મું વર્ષ ચાલી રહ્યું છે. નાટ્યકાર-ફિલ્મકાર ચાંપશીભાઈને શતાબ્દી વર્ષે અંજલિ આપવા ‘મિડ-ડે’ દ્વારા મારો આ લેખ લખાઈ રહ્યો છે. કચ્છના રાપર ગઢવાલી ગામમાં વાલબાઈમા અને ભારમલ ભોજરાજના ઘરે તેમનો જન્મ થયો. જાણે કલાજગતમાં કામણ પાથરવા એક પ્રકાશપૂંજનું ધરતી પર અવતરણ થયું. નાટકના જીવ ચાંપશીભાઈને નાટકમાં પરકાયા પ્રવેશનો કસબ શાળા જીવનથી જ મળી ચૂક્યો હતો. નાની ઉંમરમાં જ નાટ્યકાર તરીકે જીવન વિતાવવાનું સમણું જોયું હતું, પણ એ જમાનામાં કચ્છી વેપારીનો બચ્ચો નાટક-ચેટકમાં પડે એ અશક્ય હતું. નાની ઉંમરના હતા ત્યાં જ પિતાનું અવસાન થતાં ઘરની જવાબદારી મોટા ભાઈ લક્ષ્મીચંદભા પર આવી પડી. લક્ષ્મીચંદભા ચાંપશીભાને અનહદ પ્રેમ કરતા હતા એટલે તે કલાના જીવને રૂ અને ઘડિયાળના વ્યવસાયમાંથી મુક્તિ આપી નાટ્યજગતમાં પ્રવેશવાની છૂટ આપી. ઘરની અને સામાજિક જવાબદારી લક્ષ્મીચંદભાએ પોતાના માથે લઈ મુક્ત ગગનમાં આ કલાના પંખીને ઊડવા દશા પાંખો આપી દીધી.

૧૫૦-૨૦૦ વર્ષ પહેલાં કચ્છી ઓસવાળનો (કે.ડી.ઓ.) કપાસના વ્યવસાયમાં દબદબો હતો. કર્ણાટકના ગદગથી લઈ તામિલનાડુના કોઇમ્બતુર સુધી દશાભાઈઓની મોટી-મોટી જીનિંગ મિલો હતી. મુંબઈ અને અમદાવાદના કાપડના મિલમાલિકોને આ કચ્છીઓ પર બહુ ભરોસો હતો એટલે પોતાની મિલો માટે કપાસ દશા વેપારીઓ પાસેથી જ ખરીદતા. આવા જોમદાર વ્યવસાયથી અલગ કલાજગતમાં પ્રવેશવા ચાંપશીભાઈએ જબરો સંઘર્ષ હસતે મુખે કર્યો.

૮૦-૧૦૦ વર્ષ પહેલાં ટીવીની શોધ નહોતી થઈ. મુંબઈમાં કચ્છી ગુજરાતીઓ સમાજથી ડરીને છુપાઈને સિનેમા જોવા જતા, પણ એ સમયે દેશી નાટકોનો દબદબો હતો. ગુજરાતી શેઠિયાઓ બગીમાં બેસીને દેશી નાટક જોવા જતા, અન્ય સામાન્ય રસિકજનો પરિવાર સહિત નાટક જોવા જતા. એ સમયે આખી રાત નાટકની ભજવણી થતી હતી. અમુક નાટક કંપનીઓ તો સવારે નાટક પૂરું થાય ત્યારે દાંતણ અને ચા-પાણીની વ્યવસ્થા પણ કરતી! રોજ સવારે એક ટ્રેન નાટ્યરસિકોને લઈ સુરત સુધી મૂકવા જતી. એવા સમયે ચાંપશીભાઈએ ઘણાં દેશી નાટકોમાં કામ કરી પોતાની કલા અને કસબનો પરિચય આપ્યો.

પણ તેમની અને તેમના જેવા કેટલાક કલાકાર કસબીઓની ઝંખના હતી નવી રંગભૂમિને સક્રિય કરવાની. એટલે એ જમાનામાં આ યુવાનો ઘરના પૈસા ખર્ચી નાટકો તૈયાર કરતાં અને ઘરે-ઘરે જઈ ટિકિટો વેચીને રંગભૂમિનો વિકાસ કર્યો. પરિણામે આજનાં આધુનિક નાટકોનો પાયો નખાયો અને આજે ગુજરાતી નાટક ઇન્ડસ્ટ્રીઝ કરોડોનો વ્યવસાય કરતી થઈ ગઈ છે. પ્રેક્ષકો પણ આ નાટકોની મોંઘી ટિકિટો ખરીદી નાટકનો રજવાડી શોખ પૂરો કરે છે. કલાકારો નાટકોમાં તાલીમ પામી સિરિયલો અને સિનેમામાં પોતાની કારકિર્દી બનાવી શકે છે.

નાટકો, ફિલ્મો અને નૃત્યનાટિકાઓમાં ઍક્ટર અને પ્રોડ્યુસર તરીકે આ કચ્છીમાડુએ અદ્ભુત કાર્ય કર્યું છે. માત્ર ૧૯ વર્ષની ઉંમરે અભિનેતા તરીકે ચાંપશીભાઈએ ‘વસમા બંધન’ નાટક ભજવી કારકિર્દીની શરૂઆત કરી.

હિન્દી ફિલ્મના પ્રસિદ્ધ ડાયરેક્ટર શક્તિ સામંત ચાંપશીભાઈનું એક ગુજરાતી નાટક ‘તૂટી દોર પતંગની’ જોવા આવેલા. એ નાટકની વાર્તા હિન્દીના જાણીતા લેખક ગુલશન નંદાએ લખી હતી. શક્તિ સામંતને તેમનો અભિનય અને નાટકની કથાવસ્તુ એટલી સ્પર્શી ગઈ કે તેમણે આશા પારેખ અને રાજેશ ખન્નાને લઈ સુપરહિટ ફિલ્મ ‘કટી પતંગ’ બનાવી. આમ ચાંપશીભાઈના એક ગુજરાતી નાટકે હિન્દી સુપરસ્ટારને જન્મ આપ્યો!

ચં.ચી. મહેતા ગુજરાતી નાટકોના દિગ્ગજ કસબી હતા. તેમણે અનેક નાટકો લખ્યાં હતાં એમાં પણ નાગા બાવા તથા આગગાડી નાટક ભજવાયાં ત્યારે આખા હિન્દુસ્તાનના રંગકર્મીઓ ચકિત થઈ ગયા હતા. ચાંપશીભાઈએ નાગા બાવાની કલ્પનાતીત ભજવણી કરી હતી. એમાં તેમના મોટા ભાઈ લક્ષ્મીચંદભાએ પણ અભિનય કર્યો હતો. આ બન્ને ભાઈઓએ ઘણી વાર નાટકો અને ફિલ્મોમાં સાથે અભિનય કર્યો હતો. બન્ને વચ્ચે મજબૂત સ્નેહગાંઠ હતી. બન્ને સફેદ વસ્ત્રો પહેરી રસ્તા પરથી પસાર થતાં ત્યારે આ પડછંદ બેલડી જોઈ રાહદારીઓ મંત્રમુગ્ધ થઈ જતા. ઘણા લોકો તો કહેતા ‘આ સફેદ બગલાની બેજોડ જોડી જઈ રહી છે!’

બન્ને ભાઈઓ ‘કચ્છી ધમાલ રાસ’ રમવામાં પ્રખ્યાત હતા. માત્ર મુંબઈમાં જ નહીં, ફૉરેનથી આવતા ડેલિગેશનર્સ સામે કચ્છી ધમાલ રાસ રમીને કચ્છની સાંસ્કૃતિક પરંપરાથી મહેમાનોનાં દિલ જીતી લેતાં. બન્ને ભાઈઓ પ્રસિદ્ધ હોવા છતાં દરેક નવરાત્રિએ મુંબઈ અને પરાઓમાં કચ્છી ધમાલ રાસ રમી કચ્છી સંસ્કૃતિનો રસપાન કરાવવા પહોંચી જતા. સદ્નસીબે તેમના રાસનો એક જૂનો વીડિયો યુ-ટ્યુબ પર ધમાલ મચાવી રહ્યો છે.

કચ્છીમાડુઓને મિજબાની આપવાની બહુ મજા પડે. ખાવા અને ખવડાવવામાં આનંદ મળે. ચાંપશીભા દર વર્ષે મુંબઈના તમામ નાટ્યકારોને આંબાની સીઝનમાં રસપૂરી જમવા માટે આમંત્રણ આપે. નાના-મોટા રંગકર્મી કલાકારો તેમના જમણવારમાં પધારે, રસપૂરીનું ભોજન કરતાં-કરતાં અલકમલકની વાતો કરે. વર્ષો સુધી ચાંપશીભા અને લક્ષ્મીચંદભા યજમાન બની રસપૂરીનું જમણ કલાકારો માટે રાખતા, તેમનો હેતુ હતો બધા કલાકારો વચ્ચે કૌટુંબિક નાતો બંધાય!

૬૦ના દાયકામાં ખૂબ ઓછી ગુજરાતી ફિલ્મો બનતી, પણ ગુજરાતી કુટુંબોમાં હોંશે-હોંશે ગુજરાતી સાહિત્ય વંચાતું. એમાં ય પન્નાલાલ પટેલની બહુ જાણીતી નવલકથા ‘મળેલા જીવ’ને વાચકોએ વધાવી લીધી. ચાંપશીભાઈને ગુજરાતી સાહિત્ય પર બહુ ભાવ હતો. ગુજરાતી લેખકો માટે અભિમાન હતું એટલે તેમણે અને લાલુ શાહે મળીને ‘મળેલા જીવ’ પરથી ગુજરાતી ફિલ્મ બનાવી જેમાં દીનાબહેન પાઠકે ગામડાની ગોરીનો રોલ કર્યો હતો. મજાની વાત એ હતી કે ત્યારે જ દીનાબહેન વિદેશથી ભણીને ભારત આવેલાં. વિદેશી સંસ્કૃતિથી રંગાયેલાં આ અભિનેત્રીએ ગામડાની ગોરીનો અદ્ભુત અભિનય કરી લોકોનાં દિલ જીતી લીધાં હતાં. 

ચાંપશીભાઈએ અભિનય કરેલાં કે નિર્માણ કરેલાં નાટકોમાં વિશ્વ સાહિત્યનો જબરદસ્ત ઉપયોગ કર્યો હતો. નફા-નુકસાનનો વિચાર કર્યા વગર સારી સાહિત્ય કૃતિઓનો પરિચય પ્રેક્ષકોને થાય એ માટે ફિલ્મો બનાવી હતી. તેમણે ગુણવંતરાય આચાર્યની પ્રસિદ્ધ નવલકથા ‘અલ્લાબેલી’ પરથી નાટક અને પાછળથી ‘મુળુ-માણેક’ નામની ફિલ્મ બનાવી હતી. ઉપરાંત ગુણવંતરાય આચાર્યની કૃતિઓ પરથી જોગમાયા, આપઘાત નાટકો સર્જ્યાં.

ગુજરાતી સાહિત્યના મેધાવી સાહિત્યકાર ઝવેરચંદ મેઘાણીની કથાઓ પરથી શાહજહાં અને મહારાણા પ્રતાપ નાટક બનાવ્યાં. આંખને આંજી દેતા આ ઐતિહાસિક નાટકોને રંગભૂમિ પર રમતાં મૂકી મોટું સાહસ કર્યું હતું.

ડૉ. બાબાસાહેબ આંબેડકરની સાથે ભારતનું બંધારણ તૈયાર કરવામાં સિંહફાળો આપનાર કનૈયાલાલ મુનશીની સાહિત્ય કૃતિઓ પરથી ‘પૃથિવીવલ્લભ’, ‘ડૉ. મધુરિકા’, ‘વાહ રે મે વાહ’ જેવાં નાટકોમાં અભિનય કર્યો. હાસ્યલેખક જ્યોતીન્દ્ર દવેએ મોલિયરના નાટક પરથી એક નાટક રચ્યું ‘વડ અને ટેટા’ એમાં ચાંપશીભાઈએ પ્રવીણ જોશી સાથે અભિનય કર્યો. નાટ્યકાર પ્રાગજી ડોસા જે મૂળ કચ્છના ભાટિયા જ્ઞાતિના હતા તેમનાં નાટકોમાં કામ કર્યું. અર્વાચીન રંગભૂમિના શિરમોર કાંતિ મડિયા, અદી મર્ઝબાન, વિષ્ણુકુમાર વ્યાસ, પ્રતાપ ઓઝા, પ્રભુલાલ ત્રિવેદી, મધુકર રાંદેરિયા, ચંદ્રકાંત સાંગાણી, ચંદ્રિકા શાહ, પ્રતાપ ઓઝા, વિજય દત્ત, હની છાયાના દિગ્દર્શનમાં અનેક નાટકો કર્યાં. તેમણે એક કચ્છી નાટક ‘ચોરીના ફેરા ચાર’ નાટક પણ કર્યું. સમગ્ર જીવનમાં અંદાજિત ૬૨થી ૬૫ નાટકોમાં અભિનય કર્યો. આ એ સમયની વાત છે જ્યારે માત્ર જાહેર પ્રયોગ થતા, કૉન્ટ્રૅક્ટ શોની પ્રથા શરૂ થઈ નહોતી.

ચાંપશીભાઈએ આશા પારેખ સાથે નૂરજહાં, પાવક જ્વાળા, અનારકલી નામની નૃત્ય નાટિકાઓ કરી, હેમા માલિની સાથે ‘દસાઅવતાર’, યોગેન્દ્ર દેસાઈ સાથે ‘પરિવર્તન’, ગોપીકૃષ્ણ સાથે ‘આકાશગંગા’ નામની નૃત્ય નાટિકાઓ કરી. એમાં ય ‘મોગલે આઝમ’ નામની ફિલ્મ જેનાથી પ્રેરિત હતી એ ‘અનારકલી’માં આશા પારેખ સાથે કામ કર્યું.

નાટકના આ જીવે ગુજરાતી ફિલ્મોમાં અમૂલ્ય પ્રદાન કર્યું. જે જમાનામાં હિન્દી ફિલ્મોમાં ગુજરાતીઓનો દબદબો હતો પણ ગુજરાતી ફિલ્મો જૂજ બનતી એવા સમયે ચાંપશીભાએ ૨૯ જેટલી ગુજરાતી ફિલ્મોમાં નિર્માતા અથવા અભિનેતા તરીકે કામ કર્યું.

દીના પાઠક સાથે ‘મળેલા જીવ’, શાંતા આપ્ટે સાથે ‘કાદુ મકરાણી’, પદ્મારાણી સાથે ‘કસુંબીનો રંગ’, ઉર્મિલા ભટ્ટ સાથે ‘જોગીદાસ ખુમાણ’, ઉપેન્દ્ર ત્રિવેદી સાથે ‘હરિશ્ચંદ્ર તારામતી’, અમજદ ખાન સાથે ‘વીર માંગળાવાળો’, મલ્લિકા સારાભાઈ સાથે ‘મેનાગુર્જરી’, આશાપારેખ સાથે ‘કુલવધૂ’, રીટા ભાદુરી સાથે ‘લાખો ફુલાણી’, પ્રાણ સાથે ‘યાદગાર’, વિક્રમ ગોખલે સાથે ‘જય મહાકાળી’, અરુણા ઇરાની સાથે ‘સોરઠની પદમણી’, રાગીણી સાથે ‘ગરવો ગરાસિયો’ જેવી ફિલ્મોનો સમાવેશ થાય છે.

એમણે અનાયાસે થોડીક હિન્દી ફિલ્મોમાં પણ કામ કર્યું હતું. બારાત, મીના કુમારી સાથે ‘મા-બેટી’, બીના અને વિક્રમ ગોખલે સાથે ‘બાબા અમરનાથ’, શબાના આઝમી સાથે ‘પરિણય’, બંગાળી ફિલ્મ ‘લખી નારાયણ’નો સમાવેશ થાય છે.

મોટી વયે મોટાભાઈ લક્ષ્મીચંદભાના અવસાન પછી ચાંપશીભાને એકલતા કોરી ખાવા લાગી. ચાર દીકરીઓ અને દીકરા રમેશભાઈ નાગડાની સારી સારસંભાળ છતાં ૮૨ વર્ષની ઉંમરે આ જગતમાંથી વિદાય લઈ પોતાનાં મૂક સાથીદાર સમા પત્ની હીરબાઈને એકલા મૂકી અનંતની વાટ પકડી.

આજે પણ જૂના નાટ્યરસિકો મસ્જિદ બંદરમાં આવેલા ફુવારા નજીક એમના રહેઠાણ પાસેથી પસાર થાય ત્યારે એમનું સ્મરણ કરી વંદન કરી લે છે. એમની આંખ નીચે મોટા થયેલા કચ્છી દશા ઓસવાલ હાલારના નાટ્યકાર કમલેશ મોતા નાટકોમાં અવનવા પ્રયોગ કરે છે, ભારતીય વિદ્યાભવન નાટ્યગૃહ(ચોપાટી)નું સંચાલન કરે છે, કમલેશ મોતા ભારતીય વિદ્યાભવન દ્વારા એકાંકી સ્પર્ધાઓનું આયોજન કરી નવા કલાકારોને પ્લૅટફૉર્મ પૂરું પાડી કચ્છીયતની ખુશબો ફેલાવે છે. તો દશા સમાજના મહેન્દ્ર લાલકા મધ્ય પ્રદેશના પોલીસ ખાતામાં આઈ.જી. જેવા મોટા પદને શોભાવી ચૂક્યા છે. તિલકચંદ લોડાયાએ મદ્રાસ અને મુંબઈમાં મુખ્ય ઇન્કમ ટૅક્સ ઑફિસર તરીકે ફરજ બજાવી છે, ગદગના ડૉ. પ્રદીપ ખોના બ્લડ બૅન્ક ચલાવી દર્દીઓની સેવા કરે છે. વ્યવસાયે તબીબ ડૉ. પ્રદીપ ખોના રસોઈકળામાં પ્રવીણ હોવાથી કર્ણાટકના ગદગ શહેરમાં ધાબાનું સંચાલન પત્નીના સથવારે કરે છે. સી.એ. કુલિનકાંત લુઠિયાએ મુલુંડમાં માનવ સેવાની ભેખ લીધી છે, તો એમના ભાઈ વિરેશભાઈ કલકત્તામાં ઓર્ગન ડોનેશનની જબરદસ્ત મુવમેન્ટ ચલાવે છે. લોખંડવાલાના હીરાલાલભાઈ દંડ ‘પ્રકાશ સમીક્ષા’ના માનદ તંત્રી છે અને વિદેશોમાં હિન્દી ફિલ્મોના વિતરણનો વ્યવસાય કરે છે. કોઇમ્બતુરના હરીશભાઈ ગોવિંદજી શાહ ગુજરાતી સમાજ અને ભવ્ય ગુજરાતી ભવનના સંચાલનમાં સૂત્રધાર રહ્યા છે. મધ્ય પ્રદેશના ‘સાંધવા’ શહેરમાં ચીમનભાઈ મોમાયા એક સાર્વજનિક હૉસ્પિટલ ખોલી લોકસેવા કરે છે. હૈદરાબાદના સ્વ. મણિકાંતભાઈ મોમાયા સમગ્ર કચ્છી સમાજને એકસૂત્રે બાંધવા ભગીરથ કાર્ય કરી ચૂક્યા છે તો મુલુંડના ચીમનભાઈ મોતા કે.ડી.ઓ. સમાજના પ્રમુખ રહી ચૂક્યા છે. આ મહારથીઓની યાદી એટલા માટે લખી છે કે એમાંથી એકાદ વ્યક્તિ નાટ્યગુરુ સ્વ. ચાંપશીભાઈ નાગડાના નામે દશા સમાજ એકાદ નાટ્યગૃહ કે સાંસ્કૃતિક કેન્દ્ર સ્થાપે તો એમને સાચી અંજલિ આપી કહેવાશે.

સૌજન્ય : “ગુજરાતી મિડ-ડે”, 03 માર્ચ 2020

Loading

...102030...2,5222,5232,5242,525...2,5302,5402,550...

Search by

Opinion

  • લાઈક-રીલ્સથી દૂર : જ્યારે ઓનલાઈનથી ઓફલાઈન જિંદગી બહેતર થવા લાગે
  • રુદ્રવીણાનો ઝંકાર ભાનુભાઈ અધ્વર્યુની કલમે
  • લોહી નીકળતે ચરણે ….. ભાઇ એકલો જાને રે !
  • ગુજરાતની દરેક દીકરીની ગરિમા પર હુમલો ! 
  • શતાબ્દીનો સૂર: ‘ધ ન્યૂ યોર્કર’ના તથ્યનિષ્ઠ પત્રકારત્વની શાનદાર વિરાસત

Diaspora

  • દીપક બારડોલીકરની પુણ્યતિથિએ એમની આત્મકથા(ઉત્તરાર્ધ)ની ચંદ્રકાન્ત બક્ષીએ લખેલી પ્રસ્તાવના.
  • ગાંધીને જાણવા, સમજવાની વાટ
  • કેવળ દવાથી રોગ અમારો નહીં મટે …
  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !
  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ

Gandhiana

  • ગાંધીસાહિત્યનું ઘરેણું ‘જીવનનું પરોઢ’ હવે અંગ્રેજીમાં …
  • સરદાર પટેલ–જવાહરલાલ નેહરુ પત્રવ્યવહાર
  • ‘મન લાગો મેરો યાર ફકીરી મેં’ : સરદાર પટેલ 
  • બે શાશ્વત કોયડા
  • ગાંધીનું રામરાજ્ય એટલે અન્યાયની ગેરહાજરીવાળી વ્યવસ્થા

Poetry

  • ગઝલ
  • કક્કો ઘૂંટ્યો …
  • રાખો..
  • ગઝલ
  • ગઝલ 

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved