Opinion Magazine
Number of visits: 9575741
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

મહાત્મા ગાંધી કીર્તિમંદિર

નાનજી કાલિદાસ મહેતા|Opinion - Opinion|18 March 2020

પોરબંદરમાં ગાંધીજીના જન્મસ્થાન — કીર્તિમંદિર — ની જાળવણી અને તેને મેમોરિયલ તરીકે નિર્માણ કરવાનું શ્રેય નાનજી કાલિદાસ મહેતાને જાય છે. ગાંધીજીની હયાતીમાં તેમને આ વિચાર આવ્યો અને ૧૯૫૦ના અરસામાં તેને સાકાર કર્યો. નાનજી કાલિદાસ મહેતાની ઓળખ ઉદ્યોગસાહસિક તરીકેની, પણ તેમની સખાવતથી નિર્માણ પામેલી સંસ્થાઓ આજે પણ ભારતમાં અને પૂર્વ આફ્રિકી દેશોમાં કાર્યરત છે. વેપાર સાથે શિક્ષણ ક્ષેત્રે કરેલું તેમનું કાર્ય અદ્વિતીય છે, જેનો લાભ યુગાન્ડા-કેન્યાનાં બાળકોને મળી રહ્યો છે. પૂર્વ આફ્રિકામાં ઓગણસમી સદીના આરંભે તેમણે વિસ્તારેલા ઉદ્યોગની ઘટના અપૂર્વ છે. તે કાળે ત્યાં સંજોગ-સ્થિતિ વિકટ હતાં અને તેમાંથી નાનજીભાઈ માર્ગ કાઢતા રહ્યા. આ સાહસિક જીવનને જ્યારે પોતાની કલમે શબ્દબદ્ધ કરવાનું નાનજીભાઈને કહેવામાં આવ્યું ત્યારે તેમનો ઉત્તર હતો : “જગત આવ્યું ને જાય છે. જે ધણીને ઘેરથી આવ્યા, ત્યાં જવાનું છે. એમાં જ સમાઈ જવાની વૃત્તિ રાખવી.” આમ કશું ય ન લખવાની વૃત્તિ ધરાવનારા નાનજીભાઈએ મિત્રો-સંબંધીઓના આગ્રહથી ‘મારી અનુભવકથા’ નામે આત્મકથા લખી છે, તેમાં વિસ્તારથી કીર્તિમંદિરના નિર્માણકાર્ય વિશે લખ્યું છે. ગાંધીજીના નિર્વાણદિન બાદ આરંભાયેલા આ કાર્યની વિગત નાનજીભાઈએ વિગતે આત્મકથામાં આલેખી છે. ગાંધીનિર્વાણ માસમાં કીર્તિમંદિરના નિર્માણની વાત અહીં પ્રસ્તુત છે. એટલું નોંધવું રહ્યું કે આ કાર્યમાં તેમની સાથે પોરબંદર રાજ્યના તત્કાલીન મહારાજા નટવરસિંઘ ભાવસિંઘ પણ હતા.

•••

પૂ. બાપુનાં પ્રથમ દર્શન સને ૧૯૧૫માં મને થયેલાં; એવું સ્મરણ છે. મુંબઈમાં લૉર્ડ સિંહાના પ્રમુખપદે કૉંગ્રેસ મળી હતી. તે વખતનો પૂ. બાપુનો પોશાક-ધોતિયું, અંગરખું, ખેસ, પાઘડી, હાથમાં લાકડી, એવો અસલ કાઠિયાવાડી પહેરવેશ હતો. સને ૧૯૨૦-૨૧માં કલકત્તા કૉંગ્રેસ તથા શાંતિનિકેતનમાં, સને ૧૯૨૨માં, અમદાવાદ કૉંગ્રેસ અને સાબરમતીમાં દર્શન કરેલાં. તેઓશ્રીના સહવાસનો લાંબા સમયનો લાભ મળ્યો ન હતો. આફ્રિકામાં સ્વરાજની લડતના સમાચાર હું વાંચ્યા કરતો, અવારનવાર ફાળામાં મદદ કરતો.

સને ૧૯૩૫માં હું દેશમાં આવેલો. ત્યારે પૂ. બાપુને મળવા સેવાગ્રામ ગયો હતો. મારાં ધર્મપત્ની પણ સાથે હતાં. અમે શેઠ શ્રી જમનાલાલજીને ઘેર ઊતરેલાં. તે વખતે પૂ. વિજયાલક્ષ્મી પંડિત પણ ત્યાં હતાં. અમે પૂ. બાપુનાં દર્શન કરવા સેવાગ્રામ ગયાં. બાપુજી ફરવા નીકળતા ત્યારે સામાન્ય મુલાકાતો થતી. અમે મળવા ગયાં, તે દિવસે બાપુને મૌન હતું. પ્રણામ કરી બેઠાં. બાપુએ ચિઠ્ઠીમાં લખ્યું, ‘રોકાશો ને?’ મેં ‘હા’ પાડી કહ્યું : ‘અમે આપનાં દર્શને આવ્યાં છીએ.’ બાપુ હસ્યા. રોજ સાંજે પ્રાર્થના થતી. એમાં અમે જતાં. મારાં પત્ની રસોડામાં બાને મદદ કરતાં. અમારા એ, દિવસો જીવનમાં યાદગાર બન્યા.

ત્યાર બાદ, મારે દક્ષિણ આફ્રિકા જવાનું થયું. ત્યારે ત્યાં લૉર્ડ હૉફમેયરની મુલાકાત મને થયેલી. તેઓ સેટલમેન્ટ માટે હિંદ આવેલા. ત્યારે નામદાર મહારાણા સાહેબના આગ્રહથી પોરબંદરમાં પૂ. બાપુનું જન્મસ્થાન જોઈ, તેમને હર્ષ અને શોક બંને થયાં. જગતના એક અવતારી પુરુષની જન્મભૂમિ જોઈને આનંદ થયો; પણ અંધારો ઓરડો, અંધારી ગલી અને આસપાસની દુર્ગંધ જોઈને તેમને પારાવાર દુઃખ થયું, તેમણે કહ્યું : “તમને આ મહાપુરુષની મહત્તાની કિંમત નથી. બીજો કોઈ દેશ હોય, તો અહીં કરોડો રૂપિયા ખર્ચી નાખ્યા હોય; તમારા દેશને એમણે શું આપ્યું છે અને શું આપી રહ્યા છે, તેની કિંમત નથી. આ સ્થળે સુંદર ચિરંજીવ સ્મારક થવું જોઈએ.” આ સાંભળી મારા મનમાં બહુ લાગી આવ્યું. આ પહેલાં પણ મારા મનમાં જન્મસ્થાને સ્મારક કરવાના મનોરથ ઊંડે ઊંડે ઊઠતા હતા. આ વિચારથી તેને બળ મળ્યું. મેં મનમાં નિશ્ચય કર્યો કે બાપુજી રજા આપે, તો સ્મારક કરવું. ફરીથી હું સેવાગ્રામ ગયો. ત્યારે પૂ. બાપુને વાત કરી : “હું દક્ષિણ આફ્રિકા જઈ આવ્યો. ત્યાં આપનો ફિનિક્સ આશ્રમ જોયો. લૉર્ડ હૉફમેયરની મુલાકાત થઈ; તેમણે આપને સલામ કહેવરાવ્યા છે. તેઓ પોરબંદર પધારેલા ત્યારે, ‘આપના જન્મસ્થાને કંઈક સ્મારક થવાની જરૂર છે’ એમ કહેલું. ત્યાં ગંદકી પણ બહુ રહે છે. એ મકાનો મળે, તો અમે કંઈક કરીએ.” પૂ. બાપુએ એટલું કહ્યું કે, “ત્યાં ગંદકી થાય છે એ વાત ખરી; પણ એ મકાનો મારાં કુટુંબીઓના હાથમાં છે. હાલ કોણ સાચવે છે, એની પણ મને પૂરી ખબર નથી. વિચાર કરશું.” આમ એ વાત ત્યાં અટકી.

સને ૧૯૪૫માં બદરીકેદારની યાત્રાએ ગયેલો. “એ વખતે પૂ. બાપુ આગાખાન મહેલમાંથી છૂટીને, મહાબળેશ્વર જવાના છે. ત્યાંથી પંચગની બે માસ હવાફેર માટે આવશે.” એવા સમાચાર જોશીમઠમાં મને મળ્યા.

પંચગનીમાં મારા પુત્રો ભણતા હતા. તેમને અભ્યાસમાં મદદ કરવા એક શિક્ષક રાખેલાં; એમને માટેનું ત્યાં એક મકાન ભાડે હતું. એ મકાન જૂન માસમાં પૂ. બાપુ માટે ખાલી કરાવ્યું. તેઓશ્રી પોતાની મંડળી સાથે આવી પહોંચ્યા. એ વખતે અમને બાપુની સેવાનો અણમૂલો લાભ મળ્યો. પંચગનીમાં પૂ. બાપુ ખુશખુશાલ રહેતા; આનંદના ફુવારા ઊડતા. વહેલી સવારે ચાલીને ફરવા જતા. સવારસાંજ પ્રાર્થનામાં તેઓશ્રીનાં પ્રવચન સાંભળવા મળતાં. આપણા દેશમાં જેમ પર્વતરાજ હિમાલય છે, તે જગતમાં અજોડ છે, એવી જ રીતે આપણા મહાપુરુષો પણ અજોડ છે. પૂ. બાપુને મળવા માટે દેશનેતાઓ આવતા; તેમની વાતો સાંભળતા; તેમનાં દર્શનનો અપૂર્વ લાભ મળતો. પંચગનીમાં કીર્તિમંદિર વિશે પણ થોડી વાત થઈ. તેઓશ્રીએ ‘કુટુંબીઓ હા પાડે તો પોતાને વાંધો નથી’ તેમ કહ્યું. દોઢ માસ રહીને પૂ. બાપુ પંચગનીથી વિદાય થયા અને અમે પાછાં પોરબંદર આવ્યાં.

કીર્તિમંદિરના ઉદ્દઘાટન પછી સરદાર પટેલ સાથે પોરબંદર શહેરના અગ્રણીઓ

નામદાર મહારાણા સાહેબને કીર્તિમંદિર વિશે મેં વાત કરી. નામદાર મહારાણા સાહેબના પ્રમુખપદે, પોરબંદરના આગેવાન શહેરીઓની એક સભા મળી. તેમાં આ પ્રશ્ન રજૂ થયો. જન્મસ્થાન પાસે સ્વચ્છતા રહે, એક બાગ બને, અને ત્યાં રચનાત્મક પ્રવૃત્તિઓ ચાલે; એવી યોજના સૌએ વિચારી. સને ૧૯૪૫-૪૭માં એ વાત ચાલુ રહી. એ ઘરમાં શ્રી માણેકલાલ ગાંધી વગેરે ઓગણત્રીસ હકદારો છે. આજુબાજુમાં આવેલાં મકાનના માલિકોને પણ વાંધો હતો. ધીમે ધીમે બધા વાંધાઓ પત્યા. બદલામાં બધાંને આશરે રૂપિયા પંચોતેર હજાર આપ્યા.

સને ૧૯૪૭માં ભારત સ્વતંત્ર થયું. છ મહિના પછી સૌરાષ્ટ્રનું એકમ થયું; એટલે કીર્તિમંદિરની વાતને ફરી વેગ મળ્યો અને સૌરાષ્ટ્ર કૉંગ્રેસના પ્રમુખ પૂ. દરબાર શ્રી ગોપાળદાસભાઈના હાથે શિલારોપણવિધિ કરાવી.

સને ૧૯૪૭ના ડિસેમ્બરમાં પૂ. બાપુને મળવા હું દિલ્હી ગયો. હિંદીઓને પૂર્વ આફ્રિકામાં આવતા બંધ કરવાનો કાયદો ત્યાંની ધારાસભામાં આવ્યો હતો. તેને અંગે મારે પૂ. બાપુ સાથે વાતચીત કરવાની હતી. હું પૂ. બાપુ તથા સરદાર શ્રી વલ્લભભાઈને મળ્યો; પૂ. પંડિત જવાહરલાલજીને જાણ કરી. તેઓના પ્રયત્નથી છ માસ સુધી બિલ મુલતવી રહ્યું; પણ આખરે કાયદો પસાર થયો. હિંદીઓને ઈસ્ટ આફ્રિકામાં આવવાની મનાઈ થઈ. આપણા દેશમાં ગરીબાઈ વધતી જાય છે; પ્રજા વધતી જાય છે; કેનેડા, પશ્ચિમ આફ્રિકા, ઑસ્ટ્રેલિયા, ન્યૂઝિલેન્ડ બધા દેશોમાં પુષ્કળ જગ્યા છે; પરંતુ હિંદીઓ માટે, એશિયાવાસીઓ માટે, દ્વાર બંધ છે. ગોરાઓએ એક હજાર વર્ષ સુધીની ગણતરી કરીને એ દેશોમાં જગ્યા અનામત રાખી છે.

ઑસ્ટ્રેલિયામાં માત્ર એક કરોડની વસતિ છે. ત્યાં પચાસ કરોડનો સમાવેશ થાય, એવડો દેશ અનામત રાખ્યો છે. તેઓ માત્ર કિનારે વસ્યા છે; છતાં કોઈને આવવા દેતા નથી. ઑસ્ટ્રેલિયા એશિયાનો ભાગ છે. આ પ્રશ્ન વિકટ છે. ભારતની પ્રજા જ્યાં જ્યાં વસે છે, ત્યાં ત્યાંથી તેને કાઢવાના પ્રયત્નો થાય છે. બર્મા ને સિલોન જેવા પાડોશી દેશોમાં પણ એ સ્થિતિ થતી જાય છે.

આ પ્રશ્ન પૂ. બાપુ પાસે રજૂ કરવા હું ખાસ દિલ્હી ગયેલો; પરંતુ પૂ. બાપુ, પૂ. સરદાર સાહેબ, પૂ. પંડિતજી દેશના આંતરિક પ્રશ્નોમાં ખૂબ ગૂંથાયેલા હતા. દેશના ભાગલા પડવાથી ચોમેર ભારે અશાંતિ હતી; છતાં તેઓશ્રીએ મારી વાત શાંતિથી સાંભળી અને પંડિતજીને ભલામણ પણ કરી.

સને ૧૯૪૫માં બાપુ પંચગની સવા માસ એ જ મકાનમાં રહેલા; પછી સને ૧૯૪૬માં પધાર્યા. પંચગનીમાં પૂ. બાપુ ખૂબ આનંદમાં રહેતા; આનંદના ફુવારા ઊડતા; તેમના ખડખડાટ હાસ્યથી ઓરડા ગાજી ઊઠતા; જ્યારે દિલ્હીમાં ૧૯૪૭માં તેઓશ્રીના ચહેરા પર નિરાશા, મૂંઝવણ અને વેદના દેખાતાં હતાં. પંચગનીમાં વારંવાર કહેતા, “હું ૧૨૫ વર્ષ જીવવાનો છું. મારે દેશમાં રામરાજ્ય કરીને જવું છે.”

દેશના ભાગલા પડ્યા પછી એ વસ્તુ ચાલી ગઈ. દિલ્હીમાં કહેલું, “હવે મને જીવવું ગમતું નથી.” ડિસેમ્બર માસમાં હું દિલ્હી ગયેલો. ત્યાં ઠંડીને લીધે મારા હાથમાં કળતર થવા લાગી, તેથી સારવાર લેવા કલકત્તા ગયો. ત્યાં થોડો વખત રોકાયો. સારવાર લીધી; કંઈક આરામ જણાયો. કલકત્તાથી પાછા ફરતાં મુંબઈ થઈ દેશમાં આવ્યો. પોરબંદર પહોંચ્યો, તેને બીજે જ દિવસે બાપુના મૃત્યુના દુઃખદ બનાવ બન્યાના સમાચાર સાંભળ્યા.

આ વખતે મારાં ધર્મપત્ની જિંજામાં હતાં. પૂ. બાપુના શ્રાદ્ધદિને હિંદીઓ, આફ્રિકનો, યુરોપિયનો અને અન્ય એશિયાવાસીઓ, સૌ નાઈલ નદીને કિનારે ગયા. હજારોની મેદની મળી. નાઈલ નદીનાં પવિત્ર જળમાં પૂ. બાપુના અવશેષો મારાં પત્નીએ પધરાવ્યાં. એ દિવસ યુગાન્ડાના સામાજિક જીવનમાં અપૂર્વ હતો.

પૂ. બાપુનો દેહાન્ત થતાં કીર્તિમંદિરનો વિચાર પાછો આગળ વધ્યો. મકાનો મળી ગયાં હતાં. તેનો પ્લાન બનાવ્યો. પૂ. સરદાર સાહેબે પાસ કર્યો. પોરબંદરના જૂના અનુભવી મિસ્ત્રી પુરુષોત્તમભાઈએ તેની રચના કરી. ઝડપભેર કામ ઉપાડ્યું. બાપુ જેટલાં વર્ષ જીવ્યા તેટલા (૭૯) ફૂટ ઊંચું શિખર બાંધ્યું. પૂ.   બાપુને પ્રિય એવી રચનાત્મક પ્રવૃત્તિઓ થઈ શકે એવી યોજના કરી. પૂ. સરદાર સાહેબ એના ઉદ્ઘાટન માટે, નાદુરસ્ત તબિયત હોવા છતાં, સૌરાષ્ટ્ર પધાર્યા. નામદાર મહારાણા સાહેબ, નામદાર રાજપ્રમુખ, માનનીય વડા પ્રધાન શ્રી ઢેબરભાઈ, અન્ય પ્રધાનો અને સૌરાષ્ટ્રના સંભાવિત નાગરિકો એ પ્રસંગે હાજર રહ્યા. હજારોની માનવમેદની સમક્ષ પૂ. સરદાર સાહેબે કીર્તિમંદિરનું ઉદ્ઘાટન કર્યું.

એક બાજુ હવેલી, બીજી બાજુ રઘુનાથજીનું મંદિર, સામે કેદારનાથજી; ત્રણે ધર્મસ્થાનોની વચ્ચે દીવાન સાહેબ કબા ગાંધી રહેતા. રઘુનાથજીના મંદિરમાં કથા સાંભળતા. એ મંદિર સુધારી કાયમ રાખ્યું. પૂ.  બાપુને એ સ્થળે ધાર્મિક સંસ્કારો મળેલા. તે નજદીક કીર્તિમંદિરની રચના થઈ. આજે સુદામાપુરીની પેઠે, ભારતવર્ષનાં હજારો નરનારીઓ કીર્તિમંદિરની યાત્રાએ આવે છે અને ભાવપૂર્વક પૂ. બાપુ તથા બાનાં દર્શન કરે છે.

પૂર્વ આફ્રિકામાં પૂ. બાપુના એક સ્મારક રૂપે ગાંધી કૉલેજો બાંધવી એવો વિચાર પૂ. બાપુના દુઃખદ અવસાન વખતે આવ્યો. પૂર્વ આફ્રિકાના હિંદી એજન્ટ પૂ. આપા સાહેબ પંતની પાસે બધી વાત કરી. તેઓ ખુશી થયા અને બધી મદદ કરી. તે કામ માટે બે-ત્રણ વાર આફ્રિકાની સફર કરી. પ્રિ. રમણલાલભાઈ યાજ્ઞિકને ખાસ એ કામ માટે રોક્યા. હિંદી સરકારના શિક્ષણ ખાતાના ઉપમંત્રી હુમાયૂન કબીર પણ ત્યાં જઈ આવ્યા. ત્યાં ગાંધી વિદ્યાપીઠ સ્થાપવી એવી યોજના કરવામાં આવી અને એમાં પાંચ લાખ પાઉન્ડનો ફાળો થયો. તેમાં નાના-મોટા સૌએ મદદ કરી. પૂ. બાપુ માટે હિંદી અને આફ્રિકનોને સરખું માન છે. આ કાર્ય માટે કુલ પાંચ લાખ પાઉન્ડ એકઠા કરવાના છે; જે લગભગ થઈ જવા આવ્યા છે. મહાત્મા ગાંધી રાષ્ટ્રીય સ્મારકનિધિમાંથી પંદર લાખ રૂપિયા મળ્યા છે. ઇસ્ટ આફ્રિકા ગવર્નમેન્ટ રૉયલ ટેક્નિકલ ઇન્સ્ટિટ્યૂટ કાઢેલ. તેની સાથે મહાત્મા ગાંધીજીનું નામ જોડાયું છે. તેમાં ત્રણ કૉલેજો (આર્ટ્સ, સાયન્સ ને કૉમર્સ) આપણા તરફથી ચાલે, તેમ લગભગ નક્કી થયું છે. બાકીની ગવર્નમેન્ટ ચલાવશે. બહારના વિદ્યાર્થીઓ માટે છાત્રાલયો બંધાશે. કોઈ પણ પ્રકારના વર્ણ, ધર્મ કે જાતિના ભેદ વિના તેમાં સૌ કોઈ દાખલ થઈ શકશે.

જ્યારે મુસ્લિમ ભાઈઓ — ‘ઓન્લી ફૉર-એશિયન મુસ્લિમ’ માટે પોતાની જુદી કૉલેજ ચલાવે છે.

પોરબંદરમાં મહાત્મા ગાંધી કીર્તિમંદિરનાં દર્શને આપણા રાષ્ટ્રપતિ પૂ. રાજેન્દ્રબાબુ તથા ભારતના લાડીલા નેતા અને હૃદસમ્રાટ પૂ. પંડિત જવાહરલાલજી પધાર્યા હતા. ઉપરાંત પૂ. બાપુના અનેક ભક્તો અને દેશ-પરદેશના મહાન પુરુષો કીર્તિમંદિરનાં દર્શને પધારતા. તેમનાં દર્શનનો અને પ્રવચનનો અમૂલ્ય લાભ પોરબંદરની જનતાને અને અમને મળે છે.

પોરબંદરમાં મહાત્મા ગાંધી માર્ગ ઉપર સ્ટેશનથી શહેરમાં પ્રવેશ કરતા પાંચ રસ્તા ભેગા થાય છે ત્યાં કન્યા વિદ્યાલય, બાલમંદિર અને પ્રસૂતિગૃહનાં સુંદર મકાનો આવેલાં છે. એ જગ્યાએ રસ્તાને કાંઠે એક તળાવ હતું. તેમાં પાણીની નિકાસ ન થતી હોવાથી જીવજંતુથી દુર્ગંધ ફેલાતી. એ તળાવ પુરાવી નાખીને, ત્યાં સ્ત્રીઓ તથા બાળકો માટે એક બગીચો બનાવવામાં આવ્યો અને પૂ. બાપુજી, પૂ. સરદાર સાહેબ, તથા પૂ. પંડિતજી ત્રણેનાં બાવલા મૂકવામાં આવ્યાં છે. એની ઉદ્ઘાટનક્રિયા નામદાર મહારાણા સાહેબના હસ્તે કરવામાં આવી. બાગમાં બાળકોને રમવા માટે હીંચકા છે તથા વિશ્રામ માટે વૃક્ષો વાવવામાં આવ્યાં છે. શહેરના રાજમાર્ગ ઉપર આવેલાં આ ‘રાજ્યમાતા રૂપાળીબા બાગ’ નગરની શોભામાં વધારો કરે છે.

[નાનજી કાલિદાસ મહેતા લિખિત ‘મારી જીવનકથા’માંથી]



સૌજન્ય : “नवजीवनનો અક્ષરદેહ”, જાન્યુઆરી 2020; પૃ. 25-28 

Loading

બંધારણ, હિન્દુ રાષ્ટ્ર અને ‘હમ દેખેંગે’

સ્વાતિ જોશી|Opinion - Opinion|17 March 2020

ભારતની સંસદે ૧૧મી ડિસેમ્બરે ‘નાગરિકતા કાયદો-૧૯૫૫’માં સુધારો કરીને ડિસેમ્બર ૨૦૧૪ પહેલાં પાકિસ્તાન, બાંગ્લાદેશ અને અફઘાનિસ્તાનમાં ધાર્મિક અત્યાચારનો ભોગ બનેલા હિન્દુ, શીખ, બૌદ્ધ, જૈન, પારસી અને ખ્રિસ્તી ધર્મના લઘુમતીના સભ્યોને ભારતીય નાગરિકતા આપવાનો રસ્તો સરળ બનાવ્યો છે, પરંતુ મુસ્લિમોને આને માટે પાત્ર ગણ્યા નથી. ભારતીય રાષ્ટ્રીયતાના કાયદા હેઠળ નાગરિકતા પ્રદાન કરવા માટે પહેલી વખત ધર્મનો ખુલ્લી રીતે ઉપયોગ કરવામાં આવ્યો છે. ભારતના બંધારણનું આ ખુલ્લેઆમ ઉલ્લંઘન છે જેમાં ભારતને સાર્વભૌમ, સમાજવાદી, ધર્મનિરપેક્ષ, લોકતાંત્રિક પ્રજાસત્તાક દેશ તરીકે ઓળખાવવામાં આવ્યો છે અને જેમાં લોકોને ન્યાય, સ્વતંત્રતા, સમાનતા અને બંધુતાની બાંહેધરી આપવામાં આવી છે. ભારતનું બંધારણ એ પહેલો દસ્તાવેજ છે જે નાગરિકતા નક્કી અને પ્રદાન કરે છે જેને આધારે નાગરિકો બીજા અધિકારો માટે પાત્ર બને છે, જે કેવળ આમુખનો જ નહીં પરંતુ સમગ્ર બંધારણના માળખાનો ભાગ છે. બંધારણના આર્ટીકલ ૧૪માં પ્રત્યેક વ્યક્તિને સમાનતાનો  મૂળભૂત આધિકાર આપવામાં આવ્યો છે. ધર્મને આધારે નાગરિકતા આપવી એ આમ સંપૂર્ણ રીતે બંધારણની વિરુદ્ધ છે. જ્યારે કોઈ એક ધર્મની વ્યક્તિઓને નાગરિકતામાથી બાકાત રાખવામા આવે છે ત્યારે એ એક જાતની કબૂલાત છે કે દેશને ધર્મને આધારે ઓળખવામાં આવે છે. આ ધર્મનિરપેક્ષતાના સિદ્ધાંતની વિરુદ્ધ છે.

પ્રશ્ન એ ઊઠે છે કે કાયદામાં આવો સુધારો શા માટે કરવામાં આવ્યો? દેશમાં શરણાર્થીઓ માટેનો કાયદો છે એમાં ફેરફાર કરી શકાયા હોત. ઉપરાંત ગેરકાનૂની સ્થળાંતર કરનાર વ્યક્તિ સામે પગલાં લેવા ‘ફોરેનર્સ ઍક્ટ ૧૯૪૬’ પણ છે. આ કાયદો રજૂ કરવા પાછળનો આશય શો હોઇ શકે? એનો મુખ્ય હેતુ ‘નાગરિકતા’ના વિચારને મૂળભૂત અર્થમાં બદલવાનો છે. એની પાછળનો તર્ક સમજવાની જરૂર છે. શા માટે કેવળ પાકિસ્તાન, બાંગ્લાદેશ અને અફઘાનિસ્તાનના લઘુમતીના સભ્યોને જ નાગરિકતા આપવામાં આવશે? શા માટે શ્રીલંકા, મ્યામાર અને ચીનના લઘુમતીના સભ્યોને નહીં? શ્રીલંકા કે મ્યામાર તેમ જ ચીનથી આવેલા શરણાર્થીઓને આ લાભ નહીં મળે. એ શા માટે? એટલા માટે કે ત્યાંના સત્તાધીશો મુસ્લિમો નથી? એ સ્પષ્ટ છે કે આમાં કેવળ મુસ્લિમ સત્તાવાળા દેશોમાથી આવેલા અમુક શરણાર્થીઓને નાગરિકતાનો લાભ મળશે. આ કાયદાનો આશય આમ કેવળ મુસ્લિમોને જ અત્યાચારી તરીકે રજૂ કરવાનો છે. બીજી બાજુ, આ કાયદો આ વિસ્તારમાં જેમના પર સૌથી વધુ જુલમ થયો છે તે રોહિઙ્ગ્યા અને ચીનના વીગર [ˈwiːɡʊərz, uːiˈɡʊərz] લોકોને શરણાર્થી તરીકે નથી સ્વીકારતો. ઉપરાંત, જે દેશોમાં મુસ્લિમ રાજ્યકર્તા છે ત્યાં પણ અમુક મુસ્લિમ સમૂહો જેવા કે અહમદિયા અને શિયા મુસ્લિમો પર અત્યાચાર થાય છે તેમને પણ નાગરિકતામાથી બાકાત રાખવામા આવશે. તાજેતરમાં પાકિસ્તાનમાં શિક્ષણવિદ્દ જૂનેદ હાફિઝને મોતની સજા ફરમાવવામાં આવી છે. રાજકીય જુલમનો ભોગ બનેલી મુસ્લિમ વ્યક્તિઓ નાગરિકતા માટે પાત્ર ન બની શકે? આમ આ કાયદો એક તરફ મુસ્લિમોને અત્યાચારી ઠેરેવે છે તો બીજી બાજુ મુસ્લિમોને અત્યાચારનો ભોગ બનેલા સ્વીકારતો નથી. બધી જ ત્રસ્ત વ્યક્તિઓને મદદ કરવાને બદલે મુસ્લિમોને અલગ કરીને, એમને અત્યાચારી જાહેર કરીને આ સત્તાધારી વિમર્શની મદદથી રાજ્યે બહુમતીવાદની વિચારધારા દ્વારા મુસ્લિમોને નૈતિક અને રાજકીય રીતે કાયદાકીય લક્ષ્ય બનાવ્યા છે.

ખરેખર ચિંતાનો વિષય તો એ છે કે સરકાર પોતાનો મુસ્લિમ વિરોધ છુપાવવા પણ નથી માંગતી. ગૃહમંત્રીનાં અનેક જાહેર બયાનોમાં આનો ઉલ્લેખ છે. ચૂંટણી પ્રચારમાં એમને માટે ‘ઊધઈ’ જેવા શબ્દનો પ્રયોગ કરીને એમને ઉખાડીને ફેંકી દેવાનો નિર્ધાર એમણે જાહેર કર્યો હતો. સંસદમાં કાયદો પસાર કરતી વખતે દુનિયાના મુસ્લિમોને આશ્રય આપવાનો વિરોધ કરીને પોતાનો અણગમો પ્રગટ કર્યો હતો. જ્યારે આ કાયદાનો જાહેરમાં વિરોધ થયો ત્યારે પ્રધાનમંત્રીએ કહ્યું કે વિરોધીઓ એમના પહેરવેશ પરથી ઓળખી શકાશે ત્યારે એ મુસ્લિમો પ્રત્યે આડકતરી રીતે સૂચન હતું. કાયદો પસાર થયા બાદ ઉત્તર પ્રદેશમાં પોલીસે રાજ્યની મદદથી મુસ્લિમો પર બેફામ હિંસા આચરી ત્યારે એમને જાહેરમાં ચોખ્ખું સંભળાવ્યું કે આ કાયદો એમને પાકિસ્તાન મોકલવા માટે છે અને એમનાં ઘરો અને મિલ્કત હવે પોતાના/હિન્દુઓના થશે.

મુસ્લિમોને ભારતમાંથી દેશનિકાલ કરવાના વિચારનો ઇતિહાસ લગભગ સો વર્ષ જૂનો છે. ૧૯૩૯માં, પાકિસ્તાન અસ્તિત્વમાં આવ્યું એ પહેલાં, હિંદુત્વના પાયાના વિચારક વિનાયક દામોદર સાવરકરે ટીકા  કરી હતી કે ‘જો આપણે હિન્દુઓ મજબૂત બનીએ, તો થોડા સમયમાં જ મુસ્લિમ લીગ જેવા મુસ્લિમ મિત્રોએ જર્મન-જ્યુ જેવો ભાગ ભજવવો પડશે.’ સાવરકરની વિચારધારા રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ – જેની  ભા.જ.પ. રાજકીય પાંખ છે – માટે પ્રેરણાસ્રોત હતી. વર્ષોથી ભા.જ.પ.ના ઘોષણાપત્રમાં, એની નીતિઓના દસ્તાવેજોમાં, એના નેતાઓનાં ભાષણોમાં, મુસ્લિમો પ્રત્યે નફરત અને કટ્ટરતા પ્રગટ થતી આવી છે જે ૧૯૯૨માં બાબરી મસ્જિદના ધ્વંસ અને ૨૦૦૨માં ગુજરાતમાં જનસંહારમાં સીધી હિંસારૂપે પરિણમી છે. ભા.જ.પ.નું ભારતદર્શન મુસ્લિમવિરોધી છે. ૨૦૧૪માં અને ૨૦૧૯માં એનો વિજય એ આ દર્શનની ફલશ્રુતિ છે. આ સત્તાકાળ દરમ્યાન ભા.જ.પ.નો એજેંડા મુસ્લિમો પર મોટા પાયે થયેલા અત્યાચારોમાં પરિણમ્યો છે. ગૌહત્યા સબંધી થયેલી મોટા ભાગની હિંસાઓ મોદી સત્તા પર આવ્યા પછી બનેલી ઘટનાઓ છે. આ હિંસા આદરનાર પ્રત્યે કોઈ સજાના અભાવે, એટલું જ નહીં, ભા.જ.પ.ના નેતાઓ દ્વારા એમની જાહેરમાં પ્રશંસાએ પણ, લોકોમાં ભયની લાગણી ફેલાવી છે. આટલી હિંસા પૂરતી ન હોય તેમ ‘લવ જિહાદ’ની દંતકથા કે મુસ્લિમ પુરુષો હિન્દુ સ્ત્રીઓને લલચાવીને ઇસ્લામ ધર્મમાં પરિવર્તન કરાવે છે એ ફેલાવીને મુસ્લિમ પુરુષોને રાક્ષસી ચીતરવામાં આવ્યા છે. ઉપરાંત, મુસ્લિમોની સંખ્યા અનેકગણી વધી છે એ બીજી દંતકથાનો પ્રચાર કરવામાં આવ્યો છે.

૨૦૧૯ની ચૂંટણીઓ પછી કાયદાકીય રીતે મુસ્લિમોને લક્ષ્ય બનાવવામાં આવ્યા છે. મુસ્લિમ વિરોધી વિમર્શને કાયદાનું સ્વરૂપ આપવામાં આવ્યું છે. ‘ત્રિપલ તલાક’ના કાયદા દ્વારા તલાકને ફોજદારી ગુનો ઠેરવી મુસ્લિમ પુરુષોને જેલની સજા ઠેરવવામાં આવી છે અને મુસ્લિમ સ્ત્રીઓને ઇસ્લામ દ્વારા સતત પીડિત બતાવીને સરકારને એમના તારણહાર તરીકે રજૂ કરી છે. હિન્દુ પુરુષો માટે છૂટાછેડા એ ફોજદારી ગુનો નથી. થોડા સમય પહેલાં સર્વોચ્ચ ન્યાયાલયે બાબરી મસ્જિદની જગ્યાએ રામ મંદિર બનાવવાનો આદેશ આપ્યો છે. આ સાથે કાશ્મીરનું બંધારણીય સ્વરૂપ બદલી નાખીને કાશ્મીરી મુસ્લિમોના હકો છીનવ્યા છે અને તેમને દુનિયાથી અલગ કરવામાં આવ્યા છે. સિટીઝનશિપ અમેન્ડમેંટ ઍક્ટ નાગરિકતા સંશોધન કાયદો, (હવે પછી સી.એ.એ.) અને નેશનલ રજિસ્ટર ઓફ સિટીઝન્સ રાષ્ટ્રીય નાગરિક નોધણી, (હવે પછી એન.આર.સી.) એ મુસ્લિમોને અલગ કરવાની આ પ્રક્રિયાનાં છેલ્લા અને આખરી પગલાં છે. છેલ્લા છ મહિનાના કાયદાઓ – કાશ્મીરમાં આર્ટિકલ ૩૭૦નું નિષ્ક્રિયકરણ, અયોધ્યામાં રામ મંદિર અને સી.એ.એ. – એ કેવળ સરકારની આર્થિક નિષ્ફળતા અને બીજા મહત્ત્વના મુદ્દાઓ પરથી લોકોનું ધ્યાન હટાવવા માટે જ નથી બન્યા. આ કાયદાઓ સ્પષ્ટ રીતે જમણેરી તત્ત્વોના ‘હિંદુત્વ’ના દર્શનને, જેમાંથી મુસ્લિમો બાકાત છે,  હકીકત બનાવવા માટે બનાવવામાં આવ્યા છે.

સી.એ.એ.નો કાયદો પસાર કર્યા બાદ ગૃહમંત્રીએ જણાવ્યું હતું કે દેશભરમાં હવે નાગરિકોની યાદી તૈયાર કરવામાં આવશે. અમૂક પુરાવાને આધારે નક્કી થશે કે નાગરિક કોણ છે અને આ નિર્ણય સરકારી અધિકારીઓ લેશે. અનેક વખત આ બંને પ્રક્રિયા વચ્ચેના ‘ઘટનાક્રમ’[chronology]નો જિકર કરીને ગૃહમંત્રીએ આ બંને વચ્ચેનો સંબંધ સ્પષ્ટપણે બતાવ્યો છે. આસામમાં એન.આર.સી.ની પ્રક્રિયા પૂરી થતાં લગભગ ૧૯ લાખ જેટલા લોકો નાગરિકતાના હકમાંથી બહાર નીકળી ગયા હતા જેમાં ૧૨ લાખ જેટલા બિન-મુસ્લિમો હતા. હવે સી.એ.એ. અમલમાં આવતાં આ મુસ્લિમ સિવાયના લોકોને માટે નાગરિકતા મેળવવાનું સરળ બનશે. સંસદમાં ગૃહમંત્રીએ બંને વચ્ચેનો સંબંધ સમજાવતા સ્પષ્ટતા કરી હતી કે સી.એ.એ. શરણાર્થીઓ[બિન-મુસ્લિમો]ને મદદ કરશે અને એન.આર.સી. ઘૂસણખોર[મુસ્લિમો]ની નાગરિકતા છીનવી લેશે. આ તફાવત આમ ધાર્મિક અને કોમવાદી અર્થ ધરાવે છે. એક સાથે આ બંને પ્રક્રિયાઓ ભા.જ.પ.ની હિંદુત્વને કાયદાકીય નક્કર સ્વરૂપ આપવાની મહેચ્છાને સાકાર કરે છે.

એન.આર.સી.ની પ્રક્રિયા પૂરેપૂરી નીચલી કક્ષાના સ્થાનિક અધિકારીઓના હાથમાં રહેશે જે છે જે વ્યક્તિની નાગરિકતા વિશે નિર્ણય લેશે. આને લીધે મુસ્લિમો ઉપરાત અનેક ગરીબ, નિરક્ષર, આદિવાસી, વિચરતી જાતિ, સ્ત્રીઓ વગેરે જેમની પાસે દસ્તાવેજો નથી અને બિન-કાર્યક્ષમ તેમ જ ભ્રષ્ટ અમલદારશાહી સામે ટકવા કોઈ આર્થિક કે સામાજિક મૂડી નથી એમને માટે નાગરિકતાના હકથી વંચિત રહેવાની શક્યતાઓ વધે છે. ઉપરાંત, ભારતે પોતાના પાડોશી દેશો સાથે પુનઃસ્વદેશનિવાસની કોઈ સમજૂતી કરી નથી. આજે ‘ઘૂસણખોરો’ માટે દેશભરમાં ડિટેન્શન સેંટર્સ, અટકાયતની છાવણીઓ, બનાવવાની તૈયારી ચાલી રહી છે. પરંતુ આટલી મોટી સંખ્યામાં એમને એ સમાવી શકે એમ નથી. અટકાયત અને દેશનિકાલ વગર એન.આર.સી.માંથી બહાર ફેંકાયેલા ‘પરદેશી’ દરજ્જાવાળા લોકો આમ છેવટે નાગરિકતાના હક્કો – મત આપવો કે મિલકત હોવી સુધ્ધાં-થી વંચિત રહેશે અને દેશમાં રાજ્યવિહીન નાગરિકનો[stateless citizen]નો હોદ્દો ધરાવશે. તાજેતરમાં યુરોપિયન સંસદના ૭૫૧માથી ૬૨૫ સાંસદોએ સી.એ.એ.ના વિરોધમાં ઠરાવ રજૂ કરતાં જણાવ્યુ છે કે નાગરિકતા નક્કી કરવાની આ ભયાનક પ્રક્રિયા ‘દુનિયામાં સૌથી મોટી રાજ્યવિહોણા નાગરિકોની કટોકટી’ સર્જશે.

એક સાદીસીધી વાત એ છે કે તમે જો નાગરિક ન હો તો મત જ ન આપી શકો. કેવળ નાગરિક હોય એ જ મત આપી શકે. આમ જેટલા લોકો પાસે મતાધિકાર છે એ બધા જ સ્વાભાવિક રીતે નાગરિક છે. નાગરિકની નોધણી કરવા એ પુરાવો પૂરતો છે. તો પછી બીજી યાદી બનાવવાની શા માટે જરૂર છે? દેશનો કીમતી સમય [એકલા આસામમાં ચારથી પણ વધુ વર્ષ લાગ્યા હતા], માનવશક્તિ [૧.૩૩ કરોડ અમલદારોને કામે લગાડાશે] અને અઢળક નાણાં[૪.૨૬ લાખ કરોડ રૂ.ના ખર્ચનો અંદાજ છે]નો આ નિરર્થક વ્યય શા માટે? દેશમાં આજે ગંભીર આર્થિક અને બીજી સમસ્યાઓ છે જેના પર ધ્યાન આપવાની જરૂર છે. તો આ કરવા પાછળનો આશય શો હોઈ શકે? મોટી સંખ્યામાં મુસ્લિમો અને ગરીબ, આદિવાસી, સ્ત્રીઓ વગેરેને નાગરિકતાના હકથી બાકાત રાખવા એ? આ આખી પ્રક્રિયાનો હેતુ એક વિશાળ જનસમુદાયને મત આપવામાથી અને નાગરિકતાના અધિકારોથી વંચિત કરવાનો, બીજા દરજ્જાના નાગરિક બનાવવાનો, કલ્યાણ યોજનાઓના લાભોથી વંચિત રાખવાનો, અને છાવણીઓમાં ગુલામીની મજૂરી કરાવવાનો તેમ જ કોર્પરેટોને માટે સસ્તા મજૂરો બનાવવાનો જણાય છે.

એન.આર.સી. પહેલાં એન.પી.આર. નેશનલ પોપ્યુલેશન રજીસ્ટર એટલે કે રાષ્ટ્રીય જનસંખ્યા નોંધણી કરવામાં આવશે જે એન.આર.સી.નો ભાગ છે અને એન.આર.સી. માટેની પૂર્વ તૈયારી છે. આ આખી પ્રક્રિયા નીચા દરજ્જાના સ્થાનિક અમલદારો સંભાળશે જેમને કોઈ પણ રહેવાસીને જૂનાપુરાણા દસ્તાવેજોની રજૂઆત દ્વારા એ નાગરિક છે કે નહીં એ નક્કી કરવાની અસામાન્ય સત્તા આપવામાં આવશે. એટલું જ નહીં, વધુ ચિંતાજનક બાબત એ છે કે આ જનસંખ્યાની નોધણી જાહેરમાં મૂકવામાં આવશે અને કોઈને, કોઈ વ્યક્તિ કે કુટુંબના સમાવેશ સામે વાંધો હોય તો તે માંગવામાં આવશે જેને સ્થાનિક અધિકારીઓ ધ્યાનમાં લેશે. આ આખી પ્રક્રિયા દેખીતી રીતે સખત દુરુપયોગ માટે ખુલ્લી છે. જાણે એ આવા પ્રકારના દુરુપયોગ માટે જ બનાવાઇ હોય એમ લાગે છે. સ્થાનિક અધિકારીને કોઈ પણ ન્યાયિક વિધિ વગર વ્યક્તિઓને નાગરિકતાના અધિકારોથી વંચિત કરવાની નિરંકુશ સત્તા આપવામાં આવી છે. આ સત્તા અમલદારોને અસલી નાગરિકોને હેરાન કરવાની પણ સત્તા આપે છે. નાગરિકતા એ વ્યક્તિની મૂળભૂત ઓળખ છે; એ વ્યક્તિની કાનૂની ઓળખનો પાયો છે જે એને બીજા અધિકારો માટે પાત્ર હોવાનો અધિકાર આપે છે. આટલો મોટો પાયાનો નિર્ણય સામાન્ય અધિકારીની વિવેકબુદ્ધિ પર છોડી દેવો એ આ પ્રક્રિયાનો ભયંકર અને અસંવેદનશીલ ભંગ છે. આ દેશમાં જ્યાં ઘણા મોટા પ્રમાણમાં લોકો પાસે કાનૂની દસ્તાવેજો નથી હોતા ત્યાં આવા સ્વચ્છંદ નિર્ણયો દરેકની નાગરિકતાને શંકાશીલ બનાવશે. આસામમાં થયેલા એન.આર.સી.ના પ્રયોગને જોઈએ તો એક નાનામાં નાની જોડણીની ભૂલ વ્યક્તિને નાગરિકતામાંથી બાકાત કરી શકે છે. ઉત્તર પ્રદેશ જેવાં રાજ્યો જ્યાંના મુખ્યમંત્રી ખુલ્લંખુલ્લા પોતાની મુસ્લિમો પ્રત્યેની નફરત જાહેરમાં બતાવે છે ત્યાંના અધિકારીઓના હાથમાં આવી સત્તા આવે તો શું થાય અને એ કયા નાગરિકોને ‘શંકાસ્પદ’ જાહેર કરશે અને આર.એસ.એસ.ના લોકો કઈ કોમની વ્યક્તિઓ પ્રત્યે જાહેરમાં વાંધા ઉઠાવશે એની કલ્પના કરવી મુશ્કેલ નથી. આ આખી પ્રક્રિયા રાજ્યના શાસન અને એના વૈચારિક પ્રચારકો દ્વારા એક આખી કોમને નફરતનું લક્ષ્ય બનાવી શકે છે. વળી, સી.એ.એ.ને લીધે મુસ્લિમ સિવાયની વ્યક્તિઓને, જેમની પાસે દસ્તાવેજો ન હોય અને એન.આર.સી. તેમ જ એન.આર.પી.ની પ્રક્રિયામાં નાગરિકતા સાબિત ન કરી શકે તો પણ, નાગરિકતા મળી શકશે . આ ફાયદો કેવળ મુસ્લિમોને જ નહીં મળે કેમ કે સી.એ.એ.માં મુસ્લિમોને બાકાત રાખવામા આવ્યા છે. આમ આ કાયદાનું પાલન સાંપ્રદાયિક બનશે અને એ માન્યતાને પુષ્ટિ આપશે કે હિન્દુઓ ભારતના જન્મજાત નાગરિકો છે અને મુસ્લિમોની વફાદારી બહારની દુનિયા સાથે છે. છેવટે, આ સુધારો સરકાર જે કોઈ વ્યક્તિને અનિચ્છનીય ગણે છે એવા નાગરિકો માટે શસ્ત્ર બનશે. 

‘હમ દેખેંગે’

આજે અચાનક દેશમાં ‘નાગરિક’ અને ‘ઘૂસણખોર’ના દ્વંદ્વનો વિમર્શ ઊભો કરીને લોકોને વિભાજિત કરવાની આક્રમક હિલચાલ શરૂ થઈ છે. પરંતુ બંધારણને અવગણીને હિન્દુ રાષ્ટ્રને સાકાર બનાવવાના આ હિંસક વ્યૂહને દેશના ખૂણેખૂણેથી લોકોએ જબરદસ્ત પડકાર્યો છે. લોકોને વિભાજિત કરવાની પ્રક્રિયા એ લોકો માટે પુનર્ગઠિત થવાની ક્ષણ પણ બની છે એ આ આખી ઘટનાનું અકલ્પ્ય પરંતુ અનન્ય અને નિશ્ચિતરૂપે સકારાત્મક પરિણામ છે. વિરોધનાં આંદોલનનું એક સચોટ સૂત્ર છે કે ‘તમે અમને વિભાજિત કરો છો; અમે વધતાં જઈએ છીએ.’ બંધારણ અને ધર્મનિરપેક્ષતા પર આ છેલ્લો પ્રહાર છે અને જવાબદાર નાગરિકો માટે ચુપકીદી તોડવાનો આ સમય છે. આજે દેશભરમાં આ ગેરબંધારણીય પગલાં સામે એક નિર્ભય, બુલંદ અવાજનું પ્રચંડ મોજું ઉછળ્યુ છે જે ભારતના સ્વાતંત્ર્યોત્તર ઇતિહાસમાં પહેલી વખત બન્યું છે. દેશભરના ગુજરાત સિવાય શહેરો અને ગામોમાં લાખો લોકો સડક પર ઊતરી આવ્યા છે. આ એક સ્વયંભૂ ઘટના છે જેમાં વિદ્યાર્થીઓ અને મહિલાઓની આગેવાની છે.

આ આંદોલનનું સ્વરૂપ અનેકવિધ છે. એમાં રાજકીય નેતાઓ, બૌદ્ધિકો, પ્રખ્યાત હસ્તીઓની નેતાગીરી નથી. સ્ત્રીઓ, વિદ્યાર્થીઓ, મુસ્લિમો, કામદાર વર્ગના લોકો, આમાં આગળ છે અને એમની સાથે આ દેશમાં દરેક ધર્મના લોકો જે બંધારણમાં વિશ્વાસ ધરાવે છે અને ભારતની ધર્મનિરપેક્ષતા અને વિવિધતા ટકાવી રાખવા માંગે છે, તે ભળ્યા છે. આમ મુસ્લિમોની એક બીબાંઢાળ, સમાન [homogeneous] ઓળખ તોડવાનો પણ આ વિરોધ એક પ્રયત્ન છે. પ્રજાના વિરોધનું આ એક મહત્ત્વનુ આગેકદમ છે જે વિરોધનાં બીજાં સ્વરૂપો જે રાજકીય નેતાગીરીથી દોરાયેલાં હોય છે એને અપ્રસ્તુત બનાવે છે. ઉપરાંત, આ આંદોલન કેવળ રાજ્યના હેતુ અને મનસૂબાને જ પડકારતું નથી, પરંતુ છેવટે ‘નાગરિકતા’ની વ્યાખ્યા સામે પણ પ્રશ્ન ઉઠાવે છે અને એ દ્વારા સૂચવે છે કે ‘રાષ્ટ્ર-રાજ્ય’નું સ્વરૂપ અત્યારે અસ્તિત્વની કટોકટીની પરિસ્થિતિમાં છે.

આજે મૂડીવાદે એનું પહેલાનું, ઉદારમતવાદી લોકશાહીનું, સ્વરૂપ બદલીને નવું, નવ-ઉદારીકરણની મૂડીની આપખુદશાહીનું વૈચારિક સ્વરૂપ અપનાવ્યું છે. કાયદો અને વ્યવસ્થાની જવાબદારી રાજ્ય નિભાવતું નથી. પોતાની નબળાઈઓને ઢાંકવા અને વિરોધોને ડામવા રાજ્ય આર.આર.એસ. પોલીસ અને સૈન્યનો ઉપયોગ કરીને શાંતિપૂર્ણ લોકતાંત્રિક વિરોધો પર હિંસક પ્રહાર કરે છે. જામિયા યુનિવર્સિટીમાં સી.એ.એ.નો શાંતિપૂર્ણ વિરોધ કરી રહેલા વિદ્યાર્થીઓ પર પોલીસ દ્વારા બેશરમ પાશવી હુમલો કરી ભારતીય મુસ્લિમોને ડરાવવાની સરકારની યોજના નિષ્ફળ નીવડી. ઊલટાનું, આ હુમલાએ દેશભરના મુસ્લિમોને સી.એ.એ. અને એન.આર.સી. સામે સ્વયંસ્ફુરિત વિરોધ માટે પ્રવૃત્ત કર્યા અને દેશની અનેક યુનિવર્સિટીઓમાં વિદ્યાર્થીઓને એમના સમર્થનમાં મોટા વિરોધ પ્રદર્શનો કરવા દોર્યા અને સી.એ.એ.ના વિરોધમાં એક તણખો જગાવ્યો જે આજે એક જ્વાળા બનીને ક્રાંતિની મશાલ બની છે.

આજના વિરોધ પ્રદર્શનની જો કોઈ સૌથી મોટી ફળશ્રુતિ હોય તો તે એ છે કે ભારતના મુસ્લિમોએ પોતાની રાજકીય ઓળખ મેળવી છે અને ભારતમાં પોતાના પ્રતિનિધિત્વનો પ્રશ્ન નિર્ધારિત કર્યો છે. સી.એ.એ.ના વિરોધ પ્રદર્શનમાં દેશભરમાં મુસ્લિમોની મોટી સંખ્યામાં હાજરી એ એક મક્કમ અને પ્રતીકાત્મક તેમ જ વ્યૂહાત્મક જાહેર એકરાર છે. છેલ્લાં છ વર્ષોથી અત્યાચારોના ભોગ બનેલા અને ભયમાં જીવતા મુસ્લિમોનો આક્રમક હિંદુત્વ સામે આ પડકાર છે. નવો નાગરિકતાનો કાયદો એમના રાજકીય, ખરેખર તો એમના સામાજિક જીવન સાથે સંકળાયેલો છે. એણે એમને ભારતીય તેમ જ મુસ્લિમ તરીકે પોતાના હકનો દાવો કરવા અને એ દ્વારા રાષ્ટ્રીયતાની નવી, બધાને સમાવી લેતી, વ્યાખ્યા રજૂ કરવા ફરજ પાડી છે. પોતાની નાગરિકતાની ઘોષણા કરવા તેઓ બંધારણને યોગ્ય રાજકીય સાધન માને છે અને બંધારણના ઉદારમતવાદી મૂલ્યોનું, ખાસ કરીને આમુખનું, સરકારના વિભાજીત કરનારા એજેંડાને પડકારવા સર્જનાત્મક અર્થઘટન કરે છે. રાષ્ટ્રીય ગાન, રાષ્ટ્રધ્વજ અને બંધારણ આ વિરોધનાં મુખ્ય પ્રતીકો છે. ગાંધી, આંબેડકર, ભગતસિંહ વગેરેના ફોટા વિરોધના સ્થળે સાથેસાથે મૂકેલા હોય છે. વિરોધનાં સ્થળે ધાર્મિક ગ્રંથો – ગીતા, કુરાન, બાઇબલ, ગ્રંથસાહેબ વગેરેનું પઠન થાય છે. પ્રતીકાત્મક રાષ્ટ્રીયતાની આ જાતની સર્જનાત્મક પ્રસ્તુતિ એ મુસ્લિમોની માની લીધેલી સંકુચિત ઓળખથી પર છે. અત્યાર સુધી, ખાસ કરીને હિંદુત્વ બળો દ્વારા મુસ્લિમોની એક ચુસ્ત, આક્રમક ધાર્મિક બીબાંઢાળ ઓળખ ઘડવામાં આવી હતી, એ મુસ્લિમો આજે પોતાની મુસ્લિમિયતને ભારતીય ઓળખના સંદર્ભમાં રજૂ કરે છે. આ કોઈ ઓછી ક્રાંતિકારી ઘટના નથી કેમ કે મુસ્લિમોની આ નવી પહેચાન ઈસ્લામિક માન્યતાઓ અને દેશપ્રેમ વચ્ચેના માની લીધેલા વિરોધને ખોટો ઠરાવે છે. આજે ભારતીય-મુસ્લિમ એ મુસ્લિમ-ભારતીય નાગરિક તરીકે ભારતના વૈવિધ્યની અને ધર્મનિરપેક્ષતાની આગેવાની કરે છે. મુસ્લિમ આંદોલનકારીઓ કોઈ મુસ્લિમ સંગઠન કે વ્યક્તિઓ અને રાજકીય કે ધાર્મિક નેતાઓથી દોરાતા નથી અને આને કેવળ ‘મુસ્લિમો’નો પ્રશ્ન બનાવવા માંગતા નથી. સી.એ.એ.ના મુસ્લિમ-વિરોધી સ્વરૂપને એ ‘બંધારણના આત્મા પર હુમલો’ કહી આ ચળવળનો વ્યાપ વધારે છે અને દરેક પ્રકારના, દરેક ધર્મના, લોકો એમની સાથે જોડાયા છે. આજે જ્યારે હિંદુત્વ બળો મુસ્લિમોની ઓળખ ભૂંસવા માંગે છે ત્યારે મુસ્લિમો પોતાની ઓળખ ફરીથી જાહેરમાં રજૂ કરે છે જેમાં બંધારણ પ્રત્યે પ્રતિબદ્ધતા છે અને જે રાજ્ય અને ધર્મોના સહઅસ્તિત્વની ખાતરી આપે છે. કદાચ સ્વાતંત્ર્યોત્તર ભારતમાં પહેલી વખત આજે હિન્દુ અને મુસ્લિમ નજીકથી એકબીજાને સમજી રહ્યા છે અને ભેગા થઈ રહ્યા છે. ભારતના વૈવિધ્ય વિશેનો રાજકીય વિચાર આજે નવેસરથી આકાર લઈ રહ્યો છે. ટૂંકમાં, મુસ્લિમો પોતાના ધર્મને ત્યજ્યા વગર, દેશના બંધારણના રક્ષકો તરીકે બહાર આવ્યા છે. એમની ધાર્મિક ઓળખનો એકરાર એ બંધારણ પ્રત્યેના તેમની પ્રતિબદ્ધતાનો એક ભાગ છે. એમાં ભારતની વિવિધતાનું સૂચન છે. આ ચળવળે એક નવું સૂત્ર આપ્યું છેઃ ‘હમ અનેક હૈ; ફિર ભી હમ એક હૈ.’ આ ચળવળની દિશા અનિશ્ચિત છે પરંતુ એક વાત સ્પષ્ટ છે કે આ મુસ્લિમ એકરાર એ ભવિષ્યમાં બધાંને સમાવિષ્ટ કરનાર રાષ્ટ્રવાદને પુનર્વ્યાખ્યાયિત કરવાનું ચાલુ રાખશે. ભારતના રાજકીય જીવનની આ એક ઐતિહાસિક, ક્રાંતિકારી ક્ષણ છે. આ વિરોધની ભાષા જોશની, જોસ્સાની, કવિતાની અને સંગીત તેમ જ અન્ય કળાઓની છે. ફૈઝ અહમદ ફૈઝનું બહુચર્ચિત ગીત ‘હમ દેખેંગે’, જે સંઘર્ષમાં રહેલી પડકાર અને આશાની ભાવનાનું પ્રતીક છે, તે આ સંઘર્ષનું  સ્તોત્ર છે.

આ વિરોધમાં સૌથી આગળ મુસ્લિમ સ્ત્રીઓ છે જેમણે ગજબની રાજકીય જાગૃતિનું પ્રદર્શન કર્યું છે. જામિયાની વિદ્યાર્થિનીઓ ફરઝાના અને આયેશા રેન્નાનો એક સહ-વિદ્યાર્થીને પોલીસના મારથી બચાવતો વાયરલ થયેલો વીડિયો નોંધપાત્ર એટલા માટે નથી કે એ સ્ત્રીઓ છે પરંતુ એટલા માટે પણ છે કે એ લઘુમતી કોમની સ્ત્રીઓ છે જે રાજ્ય અને હિંદુત્વ સંગઠનના ભય નીચે જીવે છે. એમનો હિજાબ એમને જુદા તારવે છે. હિજાબમાં વીંટળાયેલા એમના ચહેરાઓ હિમ્મત અને પ્રતિકારનાં ચિહ્નો છે. દિલ્હીની શાહીન બાગની સ્ત્રીઓએ વિરોધની એક અનન્ય સામૂહિક ઓળખ ઊભી કરી છે. એમાંની મોટા ભાગની સ્ત્રીઓ પહેલી વખત રાજકીય ચળવળમાં જોડાવા ઘરની બહાર આવી છે અને એમાં મોટી સંખ્યામાં ગૃહિણીઓ અને દાદીમાઓ તેમ જ જુવાન છોકરીઓ છે. એમણે વિરોધની એક એવી જગા ઊભી કરી છે જેમાં દરેક પ્રકારનું સમર્થન આવકાર્ય છે. અહી અંગત અને જાહેર વચ્ચે, ઘર અને દુનિયા વચ્ચે એક અનોખી એકતા અને ગતિશીલતા રચાઇ છે. ભારતમાં પહેલાં કદી પણ જોવા ન મળેલા સ્ત્રી-પ્રધાન વિરોધોની સંખ્યા દિવસે દિવસે વધતી જાય છે આજે દેશમાં ઠેરઠેર શાહીનબાગ ઊભા થયા છે જ્યાં મુસ્લિમ સ્ત્રીઓએ આગેવાની લીધી છે.

સ્ત્રીઓમાં વિરોધની ભાવના જાગવાનાં અનેક કારણો છે. એનું પ્રત્યક્ષ કારણ એન.આર.સી. માટે પુરાવાઓ રજૂ કરવા સ્ત્રીઓને કદાચ સૌથી વધારે સહન કરવું પડશે એ છે. સામાન્ય રીતે સ્ત્રીઓ પાસે ઓછા પુરાવા હોય છે; જમીન કે મિલકત વગેરેના દસ્તાવેજો ભાગ્યે જ હોય છે; જન્મનું સર્ટિફિકેટ નથી હોતું અને ખાસ તો લગ્ન પછી સ્થળ અને કુટુંબ બદલાતાં જૂનાપુરાણા દસ્તાવેજો મેળવવાનું એમને માટે લગભગ અશક્ય બને છે. પરંતુ આનાથી પણ મોટું કારણ એ છે કે સ્ત્રીઓ સૌથી વધારે ઊંડાણથી જાણે છે કે કોઈ વસ્તુમાંથી બાકાત હોવું, અધિકારોથી વંચિત હોવું, એ અનુભવ કેવો છે. છેવટે આ વિરોધ હિંદુત્વનું હિંસક પૌરુષત્વ જે સ્ત્રીવિરોધી છે અને સ્ત્રીઓ સાથે નિર્દયતાથી વર્તે છે એની સામે સ્ત્રીઓની નેતાગીરીનો છે જેની ઉર્જા સૌમ્ય છે, ખુશમિજાજી છે, અહિંસક છે, કાળજી કરનારી છે અને મજબૂત અને દ્રઢ નિરધારની પ્રતીતિ કરાવનારી છે. દેશમાં હિંદુત્વની ઝેરી મર્દાનગીને પડકારનો આ અવાજ છે. આ બધી સ્ત્રીઓ રૂઢિચુસ્ત કુટુંબોમાંથી આવે છે જ્યાં બોલવાની કે લડવાની સ્વતંત્રતા નથી. આજે એકાએક એમને અવાજ અને સ્વતંત્ર ઓળખ મળ્યા છે. આ એક અભૂતપૂર્વ અને અતુલ્ય, માની ન શકાય એવી ઘટના છે. કલકત્તાની ૨૫ વર્ષની વિદ્યાર્થિની શફકત રહિમ જે એક રૂઢિચુસ્ત મુસ્લિમ કુટુંબમાંથી આવે છે એ અજબ આત્મ-વિશ્વાસથી કહે છે : “અમે, સ્ત્રીઓ ફાસીવાદી સત્તાધારીઓને હટાવીશું.” આ કેવળ સી.એ.એ. સામેની લડત જ નથી પરંતુ સ્ત્રીઓની મુક્તિનો પણ સંઘર્ષ છે. દેશને માટે સામાજિક ન્યાયની, દરેક પ્રકારના અત્યાચારોમાંથી અને અસમાનતાઓમાથી ‘આઝાદી’ની, એક નવી દિશા નિશ્ચિતરૂપે ઉઘડી છે.

શાહીનબાગ એ આજે કોઈ એક ભૌગોલિક જગાનું નામ નથી પરંતુ એક નવા પ્રકારના સત્યાગ્રહનું નામ છે જેમાં સ્ત્રીઓ મોખરે છે; જેમાં દરેકને પોતાના વિચારો, પ્રશ્નો, શંકાઓ રજૂ કરાવાનો આત્મ-વિશ્વાસ છે; જેમાં વ્યવસ્થાપકો છે પરંતુ નેતાઓ નથી. સંઘર્ષના ઇતિહાસમાં આવી નેતા-વિહીન સ્વશિસ્ત એ પ્રતિકારનું અનન્ય સ્વરૂપ છે. ગાંધીના સત્યાગ્રહની આ આંદોલન યાદ અપાવે છે પરંતુ ગાંધી જેવા પ્રભાવશાળી નેતા અહીં કોઈ નથી જે બધાને આકર્ષી શકે. હિમ્મત, આત્મ-શ્રદ્ધા, સહકાર્યતા અને આશામાંથી વિરોધનું એક નવું જ વ્યાકરણ જનમ્યું છે. આ ચળવળની કેટલી લાંબી અસર થશે એ કહેવું મુશ્કેલ છે. આજે જે પક્ષ રાજય પર નિયંત્રણ ધરાવે છે એની પાસે પૂરતા નાણાં, લશ્કરી દળ, અને નિરંકુશ સત્તા છે જેનો દુરુઉપયોગ એ કરે જ છે. પરંતુ જે હિમ્મત અને જુસ્સાએ આ ઝુંબેશને જગાડી છે એણે સત્તાધારી પક્ષને વિક્ષિપ્ત તો અવશ્ય કર્યો છે.  ભારતના રાજકીય ઇતિહાસમાં આ એક નિર્ણયાત્મક ક્ષણ જરૂર છે.

તા.ક.

ગયા મહિને દિલ્હીમાં થયેલા કોમી જનસંહાર પહેલાં આ લખાયું હતું. દિલ્હીમાં ભડકેલી હિંસા બતાવે છે કે જમણેરી તત્ત્વો આ જન-આંદોલનથી કેટલા વિક્ષિપ્ત છે અને તેને ખતમ કરવા કેટલા મરણિયા પ્રયાસો કરે છે. ભડકાઉ ભાષણો દ્વારા નફરતનું ઝેર ફેલાવી, વ્હોટ્‌સએપ દ્વારા ફેલાવેલાં જૂઠાણાં અને અફવાઓ, એકતરફી મીડિયાએ ઉશ્કેરેલી લાગણીઓ, સરકારની મૂક સાક્ષી, ન્યાયાલયની નિષ્ક્રિયતા અને પોલીસની સામેલગીરીની મદદથી અમાનુષી હિંસા દ્વારા શાંતિપૂર્ણ અને અહિંસક વિરોધોને ડામવાનો પ્રયત્ન દેશના પાટનગરમાં થયો જેમાં હિન્દુઓ અને મોટા પ્રમાણમાં મુસ્લિમોની હત્યા તેમ જ મુસ્લિમોનાં ઘરો અને મિલકતનો નાશ એ હદે થયાં કે એમને એ વિસ્તાર છોડીને જવું પડે. આ આવનાર સમયનું બિહામણું ચિત્ર ખડું કરે છે. ‘દેશકે ગદ્દારોકો ગોલી મારો’નો નારો આજે દેશની ગલીઓમાં ગૂંજી રહ્યો છે. શું આપણને આ સ્વીકાર્ય છે? દિલ્હીમાં દંગાગ્રસ્ત વિસ્તારોમાં સ્થાનિક નાગરિકો-હિન્દુ, મુસ્લિમ, શીખ, બધાં-એ એક સાથે આ હિંસાને વખોડી અને એકતા અને સહઅસ્તિત્વનું દર્શન કરાવ્યું છે. હિંસા અને નફરત ફેલાવી લોકો અને દેશને વિભાજિત કરનારી તાકાતોનો વિરોધ કરવો એ એકતા અને અમન ચાહનાર પ્રત્યેક નાગરિકની આજે ફરજ છે.

E-mail : svati.joshi@gmail.com

સૌજન્ય : “નિરીક્ષક”, 16 માર્ચ 2020; પૃ. 11-13 તેમ જ 07

Loading

મથુર મહારથી બન્યો

યોગેન્દ્ર પારેખ|Opinion - Opinion|17 March 2020

ઓત્તારી, દે તાળી !

એક ખેપાની છોકરો હતો. કૉલેજકાળથી જ ભણવા સિવાયની ઘણી બધી બાબતોમાં તેને રસ હતો. ગુરુજનો વિશે કોઈ આદરભાવ હોવાના ખાસ કોઈ કારણ તેની પાસે ન હતા. વિદ્યા વિનયથી શોભે છે એવા સુવિચાર સાથે તેને કોઈ જાતની લેવાદેવા ન હતી, છતાં આવા સુવિચારોથી શાળા-મહાશાળાની દીવાલોને સુશોભિત કરવાની વ્યવસ્થા તેને હાથવગી હતી. ગુરુપૂર્ણિમાનો કાર્યક્રમ તે સારી રીતે ગોઠવી શકતો. તેની સાથે ભણતા તેજસ્વી વિદ્યાર્થીઓ લાયકાત મુજબ સારી સારી નોકરીએ ગોઠવાઈ ગયા. જે કોઈ રહી ગયા તે રાબેતા મુજબ નિરાશ થયા. આપણો આ ખેપાની એક રાજકીય પક્ષમાં યુવાનીમાં જ ભળી ગયો. દિવસે ન વધે તેટલી રાત્રે પ્રગતિ થઈ. પાકા પાયે પ્રગતિ થઈ. સમયને જતાં ક્યાં વાર લાગે છે. આખરે પ્રધાન થયો. આજુબાજુ જેમને કાર્યકરો તરીકે ઓળખવાનો રિવાજ છે એવા બેરોજગાર યુવાનોનો જમાવડો થયો. હાથીને મણ અને કીડીને કણ તો કુદરત આપી જ દે છે. દરેકને તેની જરૂરિયાત મુજબ સાચવી લેવાની તેનામાં કળા હતી. જુવાનિયાઓનું તેની પાસે જૂથ હતું. વાંકદેખા માણસો આ જૂથને ગૅંગ ગણતા હતા. પોસ્ટર, રેલી, ગાડીઓ, જમીનો, સ્કીમ, ભૂમિપૂજન, ઉદ્‌ઘાટન, બદલી, નિમણૂક, વહીવટ, ગોઠવાઈ ગયું છે, વાત થઈ ગઈ છે, જેવાં વાક્યોનું રટણ હરિનામની જેમ થવા લાગ્યું. નાનપણમાં પોતે મહાજન દ્વારા ચાલતી નિશાળમાં મફતમાં ભણેલો અને જ્ઞાતિ-સમાજના મેળાવડામાં ચોપડા-નોટબુક-કંપાસ-દફતર ઈનામમાં મળેલાં તે વાતનું વિસ્મરણ થવા લાગ્યું. ધીમે-ધીમે બધું ભૂલી ગયો. નાનપણનો મથુર મોટપણે મહારથી બની ગયો.

આજે આ મહારથીની એક નહિ અનેક નિશાળ ચાલે છે. સેલ્ફ ફાઈનાન્સ, ઈજનેરી, મેડિકલ, નર્સિંગ, ડેન્ટલ કૉલેજો ખોલી નાખી છે. વિદ્યાર્થીઓએ ભણવામાં ખૂબ ધ્યાન આપવું જોઈએ જેથી જીવનમાં આગળ વધી શકાય એવું પોતાની સંસ્થાઓના વાર્ષિક મહોત્સવમાં બિન્દાસ બોલી શકે છે. ખૂબ ભણેલા વિદ્વાન શિક્ષકો અને અધ્યાપકો શ્રી મથુર ઉર્ફે મહારથીને કેળવણીકાર ગણે છે. શિક્ષણના વિકાસમાં તેમણે આપેલા યોગદાનની ગાથાઓ સેંકડો-હજારો વિદ્યાર્થીઓને મોઢે છે. સરકારમાં હોદ્દા ઉપર હોઈએ ત્યાં સુધી મોટા-મોટા દાન ઉઘરાવી શકાય એવી મથુરને પાકી ખબર છે. મથુરને ક્યારે ય ભ્રષ્ટાચાર કે આર્થિક કૌભાંડો કરવાની જરૂર પડી જ નથી. મથુર મિ. ક્લિન છે. તેની જમીનોના ભાવ વધે એ રીતે તેણે વિકાસ કાર્યો કર્યા છે. રિંગરોડ ટચ જમીન અગાઉથી જ ખરીદી લેવાની કુશળતા એ મથુરની ખાસિયત છે. એન.એ. અને એન.ઓ.સી. જેવાં કામો માટે મથુરે ખાસ માણસો રાખ્યા છે.

મથુર બાળપણમાં બાની આંગળીએ મેળે જતો ત્યારે દસ પૈસાના શીંગદાળિયા ખાતો. હવે મથુર કાજુ-બદામ ખાય છે. પોતાની ઑફિસમાં કયા મહાનુભાવની તસવીર લગાડવી તેની મથુરને પાકી સૂઝ છે. પોતાના પિતા અને રાષ્ટ્રપિતાની તસવીર રિનોવેશન કરાવ્યું ત્યારે જ હટાવી નથી પણ ખસેડી લીધી છે. સ્થાપન ઉત્થાપનમાં તે કાબેલ છે. મથુર હવે વર્ષે એક વાર યોગશિબિરમાં પણ જાય છે. વચ્ચે તો દસ દિવસ વિપશ્યનામાં ગયો હતો એવા પણ વાવડ હતા. જ્યાં જવા જેવું લાગે ત્યાં બધે મથુર જાય છે. ન જવા જેવું હોય ત્યાં જાય તો તેની જાણ કોઈને ના થાય તે વાતે મથુર સાબદો છે. મથુર ટ્રેક શુટ, સ્પોર્ટ શૂઝ પણ પહેરે છે, અને ખાદીની તો નવાઈ નથી, કોઈના લગ્નમાં જાય તો લિનનનાં વસ્ત્રો પહેરે છે. સમયે તેને બધુ શિખવાડી દીધું છે. આપણે પૂછીએ કે આ બધું કેમ અને કઈ રીતે કરે છે? તે નિખાલસતાથી જવાબ આપે છે કે આપણે ક્યાં સત્યના પ્રયોગો લખવાના છે. સત્યના પ્રયોગો લખનારની હવે જરૂર નથી એમ જણાવવાની મથુરને આવડત છે.

મથુર ભલે સત્યના પ્રયોગો ના લખે પણ તેણે પ્રયોગો ઘણા કર્યા છે. હવે તો એક-બે મોટા ધર્મસ્થાનકોમાં તે ટ્રસ્ટી પણ છે. જુદી જુદી જાત-ભાતની કમિટિમાં આવી શકાય તે માટે મથુર ઘણું યોગદાન આપે છે. મોટી મોટી કથાઓમાં યજમાન પણ બને છે. સેવા કૅમ્પના આયોજનથી સંસદ સુધી જઈ શકાય એવા આધુનિક સંશોધનો મથુરનું આગવું પ્રદાન છે. જાહેરજીવનમાં ઘણા લોકો પૈસા ખાય છે પણ મથુર તો પૈસા કમાય છે. પોતે કમાય છે અને સહુને કમાવા દે છે. નાઈટ ક્રિકેટ ટુર્નામેન્ટમાં ટૉસ ઉછાળવા માટે, સમૂહ લગ્નમાં આશીર્વાદ આપવા માટે, જ્યાં બોલાવે ત્યાં આવવા માટે મથુર તૈયાર છે.

મથુર ભૂખ્યો નથી, મથુર તરસ્યો નથી. મથુર સંસદની પાળ, મથુર હેલિકોપ્ટરની ડાળ. મથુર માણસ તરીકે સાવ ખોટો નથી પણ મોટો અવશ્ય છે. મથુર મોટો માણસ છે એમાં એનો કોઈ દોષ નથી. છેવટે તો મથુર છે તો બધુ છે. હે વાચક! તું તારા વિસ્તારમાં વસવાટ કરતા મથુરને વહેલી તકે ઓળખી લે. સંઘરેલો સાપ પણ કામ આવે છે જ્યારે આ તો મહારથી મથુર છે.

E-mail : gandhinesamajo@gmail.com

સૌજન્ય : “નિરીક્ષક”, 16 માર્ચ 2020; પૃ. 16 

Loading

...102030...2,5092,5102,5112,512...2,5202,5302,540...

Search by

Opinion

  • લાઈક-રીલ્સથી દૂર : જ્યારે ઓનલાઈનથી ઓફલાઈન જિંદગી બહેતર થવા લાગે
  • રુદ્રવીણાનો ઝંકાર ભાનુભાઈ અધ્વર્યુની કલમે
  • લોહી નીકળતે ચરણે ….. ભાઇ એકલો જાને રે !
  • ગુજરાતની દરેક દીકરીની ગરિમા પર હુમલો ! 
  • શતાબ્દીનો સૂર: ‘ધ ન્યૂ યોર્કર’ના તથ્યનિષ્ઠ પત્રકારત્વની શાનદાર વિરાસત

Diaspora

  • દીપક બારડોલીકરની પુણ્યતિથિએ એમની આત્મકથા(ઉત્તરાર્ધ)ની ચંદ્રકાન્ત બક્ષીએ લખેલી પ્રસ્તાવના.
  • ગાંધીને જાણવા, સમજવાની વાટ
  • કેવળ દવાથી રોગ અમારો નહીં મટે …
  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !
  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ

Gandhiana

  • ગાંધીસાહિત્યનું ઘરેણું ‘જીવનનું પરોઢ’ હવે અંગ્રેજીમાં …
  • સરદાર પટેલ–જવાહરલાલ નેહરુ પત્રવ્યવહાર
  • ‘મન લાગો મેરો યાર ફકીરી મેં’ : સરદાર પટેલ 
  • બે શાશ્વત કોયડા
  • ગાંધીનું રામરાજ્ય એટલે અન્યાયની ગેરહાજરીવાળી વ્યવસ્થા

Poetry

  • ગઝલ
  • કક્કો ઘૂંટ્યો …
  • રાખો..
  • ગઝલ
  • ગઝલ 

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved