= = = = મારા હું-નાં બદલાઈને અનેક રૂપો સરજાયાં છે. પહેલું રૂપ તો એ કે હું હવે ગૃહિણી છું. એ મારું અગ્રિમ સ્વરૂપાન્તર છે. = = = =
= = = = ક્યાં અમારા જીવનનો મૂળાધાર લવ – એટલે કે પ્રેમ – ને ક્યાં કૉલેરા ! મને તો એ બન્નેનું સાથે હોવું ખતરનાક જક્સ્ટાપોઝિશન લાગે છે. = = = =
હે કોરોના ! હું માણસમાંથી સાહિત્યકાર કેવી રીતે થઈ ગયો એ કથા બહુ લાંબી છે.
પણ ખંચકાઉં છું કે એ મારે તને શું કામ જણાવવી જોઈએ ને એમ પણ ખરું કે તારે પણ શું કામ જાણવી જોઈએ …
પણ આજકાલ હું તારા પ્રતાપે સાહિત્યકાર નથી રહ્યો. કેમ કે વાર્તા કાવ્ય કશું લખવાના હોશ જ નથી રહ્યા. મને થાય છે, એ બધાથી શું? હું નહીં હોઉં ત્યારે મારી બધી ચૉપડીઓ કોઈના ઘરે કે કોઈ લાઈબ્રેરીમાં મૂંગીમંતર બેઠી હશે – આવતા-જતાને કાચના કબાટમાંથી તાકીને જોતી … બાકી, ચૉપડી એને ક્હૅવાય જે કોઈએ વાંચી હોય ને જેને વિશે એ કોઈથી બે સાચા શબ્દ બોલાયા હોય. ચૉપડીનું છેલ્લું પાનું એ કોઈના અદૃશ્ય બોલથી ભરાયું હોય. લેખક, ચૉપડી અને એ કોઈ વાચકના એ બોલ, એમ થાય ત્યારે માની શકાય કે ચૉપડી અને ચૉપડી નામનું ઘટનાચક્ર પૂરું થયું. જો કે આ બધું પણ મારે તને શું લેવા કહેવું જોઈએ ને તારે પણ શું લેવા સાંભળવું જોઈએ …
હા, તારા જેવા જે છે પ્રાણઘાતક — પ્લેગ કૉલેરા વગેરે, મહામારીનું બિરુદ પામેલા — એમને વિશે અમારા કામૂ કે માર્ક્વેઝ વગેરેએ જે લખ્યું છે તેની હું વાતો કરી શકું છું. જેથી કરીને આ કપરો સમય થોડો કપાય.
તને કહું, માનવજાતના સુખને અવરોધનારી કે હરી લેનારી ઑચિન્તી ઘટનાને અમે મહામારી કહીએ છીએ – અંગ્રેજીમાં disaster એમ બોલીએ છીએ. સુનામી ચક્રવાત ઝંઝા કે અતિ / અલ્પ વર્ષા જેવી મહામારીઓ કુદરત તરફથી હોય છે. વનવિનાશ, જાનવરોના શિકાર, પ્રેમમાં કે સમ્બન્ધમાં બેવફાઈ, કે ખૂનામરકી જેવી મહામારીઓ અમારા તરફથી હોય છે – એટલે કે માણસો તરફથી. મહામારીને અમે ‘મરકી’ પણ કહીએ છીએ. આમાં તને માણસ-તરફી મહામારી તો કેવી રીતે ગણું? ને કુદરત તરફથી પણ શા માટે ન ગણું? જે હોય તે. તું ન સમજાય એવો છું ને સૌ મહામારીઓમાં શ્રેષ્ઠ છું એટલું નક્કી છે.
આ માર્ક્વેઝ નામ મેં ના લીધું? એ બિરાદરે ‘લવ ઇન ધ ટાઇમ ઑફ કૉલેરા’ નામની નવલકથા લખી છે. આ કૉલેરા પણ પ્રાણઘાતક તો ખરો જ ને? પરન્તુ ક્યાં અમારા જીવનનો મૂળાધાર લવ – એટલે કે પ્રેમ – ને ક્યાં કૉલેરા ! મને તો એ બન્નેનું સાથે હોવું ખતરનાક જક્સ્ટાપોઝિશન લાગે છે. પણ એમ બને છે, એમ જ બને છે. અમે પ્રેમમાં પડીને અમારા ટૂંકા જીવનમાં જરા જેટલી મજા લેતા હોઇએ ત્યાં જ તમે મહામારી-લોકો, ટપકી પડો છો – ભાલા તલવાર છરા બંદૂક ને રાયફલો સાથે નહીં, અપૂર્વ અકલ્પ્ય અચિન્ત્ય અદૃશ્ય હથિયારો લઈને ! જવા દે, આગળ કહીશ તે તને નહીં ગમે. જક્સ્ટાપોઝિશન માટે મેં અમારે ત્યાં ‘સન્નિધીકરણ’ શબ્દ વાપરેલો.
મને કેટલાંક કાવ્યો ગમતાં’તાં પણ હાલ એનો કશો સ્વાદ નથી આવતો. હું ઇન્ટર આર્ટ્સમાં હતો ત્યારે અમારા એક કવિ સુન્દરમ્-નું ‘સળંગ સળિયા પરે’ કાવ્ય હું હીંચકે ઝૂલતાં ઝૂલતાં પઠ્યા જ કરું તે એનો છન્દોલય મગજમાં રમતો થઈ ગયેલો ને હુંયે એ છન્દમાં એક કાવ્ય કરી બેઠેલો. પરન્તુ હાલ હું ‘છન્દ’ શબ્દ બોલતાં પણ ધ્રૂજી જઉં છું કેમ કે શરમ આવે છે. મારા ગુરુ હતા સુરેશ જોષી, એમના એક કાવ્યની પંક્તિ ‘હસી શકે તો હસજે જરા વધુ’ તે, તને કહું, આજકાલ બિલકુલ અખરે છે મને. હસવાનું ને તે ય વધુ? રોજ કેટલાં નિર્દોષ મનુષ્યો મરણને પામે છે. જો કે મરણની એ વાત તને કરવામાં હું કશો મહા તાર્કિક દોષ કરી રહ્યો છું. ‘સન્નિધીકરણ’ શબ્દ મેં એમની વાર્તાઓ માટે વાપરેલો.
એવા વાપરેલા કે ન વાપરેલા કે ચિત્તમાં સેવ્યા કરેલા શબ્દોની આખી વાત જ હાલ પત્તાનાં મહેલની જેમ ભૂમિસાત્ થઈ ગઈ છે. જવા દે. મારે મારા સ્વરૂપાન્તરની વાત વધારે કરવી જોઈતી’તી. પણ અમારા અધ્યાપકના વ્યવસાયમાં વિષયાન્તર પણ કો’ક વાર ગુણ ગણાય છે. સાંભળ, મારા હું-નાં બદલાઈને અનેક રૂપો સરજાયાં છે.

પહેલું રૂપ તો એ કે હું હવે ગૃહિણી છું.
ગુજરાતી ભાષામાં ‘ગૃહણ’ જેવું પુલ્લિંગ નામ નથી તો શું કરું? ગૃહિણી એટલે ઘર સમગ્રને વહેલી સવારથી રાતે પથારીમાં પડે ત્યાં લગી ભરપૂરે સંભાળનારી સ્ત્રી. અમારે ત્યાં ગૃહિણી સામાન્યપણે પત્ની હોય છે. અમારામાંના કેટલાક પુરુષો મીઠી મુસ્કાન સાથે પત્નીને ક્હૅતા હોય છે, ‘તું જ છું ઘરની માલિક’ ‘તું ગૃહપ્રધાન છું’ ‘હોમ-મિનિસ્ટર છું’ જેવાં વૅણ વેરતા હોય છે. વળી, એને ચાવીઓનો ઝૂડો અર્પી દેતા હોય છે. એ ય ભોળી કૅડે લટકાવીને ઢમક ઢમક મ્હાલતી હોય છે. પણ ખરેખર તો એ પુરુષો પત્નીઓને છેતરે છે. જવા દે, હું આડે પાટે ચડી જઈશ. હું એમ ક્હૅતો’તો કે હું હવે ગૃહિણી છું. ઉમેરું કે એ મારું અગ્રિમ સ્વરૂપાન્તર છે.
વધુ, હવે પછી. તું તો થાકે એમ છું જ નહીં, અપાર ને અગાધ છું, પણ મારે સમજવું પડે છે …
= = =
(March 31, 2020 : Ahmedabad)
![]()



એક અહેવાલ મુજબ રમણીકભાઈ જીવરાજભાઈને સવાલતા હતા : ‘આ છાપું ચાલુ તો કરીએ પણ તેનો ખર્ચો કેવી રીતે કાઢવો ?’ આ સૂત્રો અનુસાર, જીવરાજભાઈએ જવાબ આપ્યો : ‘ખર્ચાની ચિંતા કર્યા વિના પહેલાં છાપું ચાલુ કરો.’ કહે છે કે જીવરાજભાઈએ કેટલાક ઉદ્યોગપતિઓ જોડે આ અંગે સહાયક થવાની વાત પણ કરી હોય. અને આમ, રમણીકલાલ સોલંકીએ 01 એપ્રિલ 1968ના આ સૂચિત છાપાનો ઉત્તર વેમ્બલીના પીલ રોડ પરના આવાસેથી આદર કર્યો. નામાભિકરણ પણ થયું : “ગરવી ગુજરાત”. રમણીકભાઈ તેમ જ “ગરવી ગુજરાત” વતી, વડીલ સહાયક, સલાહકાર તરીકે જાણીતા ઉદ્યોગપતિ મૂળજીભાઈ નાગડાએ પહેલા અંકની નકલ તત્કાલીન ઉચ્ચ આયુક્ત એસ.એસ. ધવનને અર્પણ કરેલી. આજ પર્યન્ત પ્રગટ થતાં “ગરવી ગુજરાત”ને હવે 52 વર્ષ થયાં. આ ખુદ એક મોટી સિદ્ધિ છે.
આરંભના એ દિવસોમાં રમણીકલાલભાઈએ નોકરી પણ ચાલુ રાખી અને બાકીના સમયમાં આ આદરેલા સાહસને સંગોપવામાં સમયશક્તિ આપવાનું રાખ્યું. સપ્તાહઅંત દરમિયાન સામયિકના પ્રચાર પ્રસાર સારુ બ્રિટન ભરમાં ઘુમવાનું જરૂરી હતું. અને એમણે શક્ય દોડધામ કરીને લવાજમ ઉઘરાવવાનું રાખ્યું. આરંભે પખવાડિયે નીકળતા આ સામયિકનું વાર્ષિક લવાજમ માત્ર દોઢ પાઉન્ડ હતું. અથાગ પરિશ્રમને કારણે શરૂઆતમાં “ગરવી ગુજરાત” માટે 150 જેટલાં લવાજમો ઉઘરાવી શકાયા હતા. બે વરસની અવધિ બાદ, આ પખવાડિકને અઠવાડિક કરવામાં આવ્યું. લંડનમાં એમને માટે હરવાફરવાનું સરળ હતું, પરંતુ દેશ ભરમાં થોડુંક મુશ્કેલ હતું. કેમ કે એ ગાડી ચલાવતા નહીં. જાહેર પરિવહનનાં વિધવિધ સાધનોનો ઉપયોગ કરતા. પાછળથી પાર્વતીબહેન ગાડી હંકારતાં શીખ્યાં અને એ રમણીકભાઈના સારથિ જ બન્યાં, એમના સાથીસહોદર પણ થયાં. ચાર સંતાનોના ઉછેરમાં પરોવાતાં રહેવા ઉપરાંત લૉન્ડૃીમાંની નોકરી કરવાની તેમ જ રમણીકભાઈને “ગરવી ગુજરાત” માટે અસીમ સહાય કરવી, એ પાર્વતીબહેનનો રોજિંદો વ્યવહાર બની ચુક્યો.
