આપણે ચર્ચા કરી રહ્યા છીએ કે પાકિસ્તાનમાં લોકશાહીનું કાસળ એકલા શાસકોએ, લશ્કરી જનરલોએ અને ધર્મઝનૂની મુલ્લાંઓએ નહોતું કાઢ્યું; એમાં કરોડરજ્જુ વિનાના બીકાઉ જજોનો મોટો ફાળો હતો અને તેમનો જ સૌથી વધુ ફાળો હતો. ૧૯૫૪માં પાકિસ્તાનના મુખ્ય ન્યાયમૂર્તિ મહમ્મદ મુનીરે કઈ રીતે દોસ્તી ખાતર પાકિસ્તાનની બંધારણસભાને વિખેરી નાખવાના પાકિસ્તાનના ગવર્નર જનરલ ગુલામ મહમ્મદના નિર્ણયને બહાલ રાખ્યો હતો, એ અહીં કહેવાઈ ગયું છે. તેમણે ‘ડૉક્ટ્રીન ઑફ નેસેસિટી’ની દલીલનો આશરો લીધો હતો. ડૉક્ટ્રીન ઑફ નેસેસિટી એટલે કે આમ તો ગેરકાયદે પણ જરૂર હોય તો કાયદેસર. જરૂર કોની? શાસકોની અને જો પ્રામાણિકતા ન હોય તો જજોની.
ન્યાયમૂર્તિ મુનીરે પાકિસ્તાનના લોકતંત્રનું કાસળ કાઢી નાખ્યું એને આજે ૬૬ વર્ષ વીતી ગયાં છે અને દેશ કેવી ઊંડી ગર્તામાં ધકેલાઈ ગયો છે એ તમે જાણો છો. જો કે ગોગોઈ અને સથાસિવમથી ઊલટું, મુનીરને અનુકૂળ ચુકાદો આપવા છતાં ય નિવૃત્તિ પછી કોઈ લાભ મળ્યો નહોતો એ જુદી વાત છે. એનું એક કારણ એ હતું કે તેમણે જેને મદદ કરી હતી એ ગવર્નર જનરલ ગુલામ મહમ્મદની પોતાની જ સત્તા તરતમાં જ છીનવાઈ ગઈ અને બીજું મુનીર તોછડા અને અભિમાની માણસ હતા એટલે તેમને મિત્રો બહુ ઓછા હતા.
ખેર, આપણને મુનીરનું શું થયું તેની સાથે મતલબ નથી, પાકિસ્તાનનું શું થયું તેની સાથે મતલબ છે અને જો અક્કલ હોય તો કલ્પના કરી શકાય કે ભારતનું શું થશે! હવે બંધારણ તો રહ્યું નહોતું એટલે બંધારણીય કે ગેરબંધારણીયતા ઠરાવવાનો પ્રશ્ન જ નહોતો. ૭મી ઑકટોબર ૧૯૫૮ના રોજ પાકિસ્તાનના લશ્કરી વડા જનરલ અયુબ ખાને બળવો કરીને સત્તા કબજે કરી લીધી અને પાકિસ્તાનમાં માર્શલ લૉ જાહેર કર્યો. પાકિસ્તાનની સર્વોચ્ચ અદાલતે માત્ર વીસ દિવસમાં ૨૭મી ઑક્ટોબરે ચુકાદો આપીને લશ્કરી રાજને કાયદાકીય બહાલી આપી હતી. તર્ક? ડૉક્ટ્રીન ઑફ નેસેસિટી.
પાંચમી જુલાઈ ૧૯૭૭ના રોજ પાકિસ્તાનના જનરલ ઝીયા ઉલ હકે લશ્કરી બળવો કર્યો હતો અને પાકિસ્તાનની ઝુલ્ફીકાર અલી ભુટ્ટોની ચૂંટાયેલી સરકારને બરખાસ્ત કરી નાખી હતી. પાકિસ્તાનમાં લશ્કરી કાયદો જાહેર કરવામાં આવ્યો હતો અને ભુટ્ટોને જેલમાં ધકેલી દીધા હતા. એ પછી ભુટ્ટો પર હત્યાના અને બીજા આરોપ લગાવવામાં આવ્યા હતા અને છેવટે તેમને ફાંસીની સજા કરવામાં આવી હતી. ફાંસીની સજા વિશે પુનર્વિચાર કરવા રિવ્યુ પિટિશન અને ક્યુરેટિવ પિટિશન પણ કરવામાં આવી હતી. આ દરેક વખતે પાકિસ્તાનની સર્વોચ્ચ અદાલતના જજોએ જનરલ ઝીયાને મદદ કરી હતી અને તેમની તરફેણમાં ચુકાદા આપ્યા હતા. એક વાર નહીં, બે વાર નહીં; પાંચ વાર. તર્ક? ડૉક્ટ્રીન ઑફ નેસેસિટી. જજોની ‘ખુદ્દારી’ જોઇને ઝુલ્ફીકાર અલી ભુટ્ટોએ તેમના પરિવારને સલાહ આપી હતી કે તેમનો જીવ બચાવવા માટે દયાની અરજી કરવામાં ન આવે અને તેઓ ફાંસીને માચડે ચડી ગયા હતા.
ભુટ્ટો કોઈ મહાન માણસ હતા એવું નથી, બહુ ચાલાક અને ધોખેબાજ રાજકારણી હતા, પરંતુ એટલું નક્કી કે ભુટ્ટોની હત્યા કરવામાં આવી હતી અને હત્યારા જજો હતા. ન્યાયતંત્ર ખુદ હતું. એ બધા જ જજોને તેમનું વળતર મળી ગયું હતું. લેખ લાંબો ન થાય એ સારુ અહીં તેમના નામ અને વળતરનું સ્વરૂપ વર્ણવતો નથી, પણ તેની માહિતી ઈન્ટરનેટ પર ઉપલબ્ધ છે.
જજોની અળસિયાં કરતાં પણ લચીલી કરોડરજ્જુ જોઇને જનરલ ઝીયા ઉલ હક એક-બે નહીં, ચાર ડગલાં બીજાં ભરે છે. ઝીયા માર્શલ લૉ કૉર્ટની સ્થાપના કરે છે જે નાગરિક અદાલતો કરતાં સર્વોપરી ગણાય અને માર્શલ લૉ કૉર્ટના ચુકાદાઓને નાગરિક અદાલતોમાં પડકારી ન શકાય. બીજું? બીજું ઝીયા ફેડરલ શરિયત કોર્ટની સ્થાપના કરે છે અને ધાર્મિક બાબતોમાં અર્થઘટન કરવાનો અને ચુકાદો આપવાનો અધિકાર કેવળ શરિયત કૉર્ટને આપવામાં આવે છે. બીજી નાગરિક અદાલતોને ધર્મના મામલામાં ખટલા સાંભળવા પર પ્રતિબંધ મૂકવામાં આવે છે. શરિયત કૉર્ટમાં જજ તરીકે કોની નિયુક્તિ કરવામાં આવતી હતી એ કહેવાની જરૂર છે? ત્રીજું તેમણે લાહોરની વડી અદાલતની કાયમી બેંચ મુલતાન, રાવલપિંડી અને બહાવલપૂરમાં સ્થાપી હતી કે જેથી લાહોરની બાર કાઉન્સિલના માનવઅધિકારોનો બુંગિયો ફૂંકનારા વકીલોને લઘુમતીમાં મૂકીને મૂંગા કરી શકાય.
અને ચોથું અભૂતપૂર્વ પગલું પ્રોવિઝનલ કોન્સ્ટિટ્યુશનલ ઑર્ડર(પી.સી.ઓ.)નું હતું જેની જાહેરાત જનરલ ઝીયાએ ૨૪મી માર્ચ ૧૯૮૧ના રોજ કરી હતી. જે કામચલાઉ બંધારણીય આદેશ આપવામાં આવ્યો હતો એ પાકિસ્તાનનો કાયદો હતો અને એ જ બંધારણ હતું. હવે પછી પાકિસ્તાનની અદાલતોના જજોએ પી.સી.ઓ. હેઠળ હોદ્દાના સોગંદ લેવાના હતા. એ સમયે પાકિસ્તાનની સર્વોચ્ચ અદાલતના મુખ્ય ન્યાયમૂર્તિ એક પારસી દોરાબ પટેલ હતા. તેમણે પી.સી.ઓ. હેઠળ સોગંદ લેવાની ના પાડી દીધી અને રાજીનામું આપી દીધું હતું. કુલ મળીને સર્વોચ્ચ અદાલતના ૧૯ જજોએ સોગંદ લેવાની ના પાડી દીધી હતી. આપણે તેમની ખુમારીને અને ખુદ્દારીને સલામ કરવી જોઈએ. આને કોઈ ચોક્કસ ધર્મ અને લોહી સાથે સંબંધ નથી એની પણ નોંધ લેવી જોઈએ. દોરાબ પટેલ પારસી જરથોસ્તી હતા અને બાકીના જજો મુસલમાન હતા અને છતાં ગોગોઈ અને સથાસિવમથી ઊલટું ખુદાને વધારે વફાદાર હતા.
પણ એથી શું? જનરલ ઝીયાએ એક ઝાટકે વડી અદાલતોમાં અને સર્વોચ્ચ અદાલતમાં લાયકાત મેળવવાની ગળણી મૂકી દીધી. પી.સી.ઓ.ના નામે સોગંદ લઈને અંતરાત્માને ઘરે મૂકી આવો અને એ જો મંજૂર ન હોય તો ઘરે બેસો.
એક દાયકાના લોકતંત્ર પછી જનરલ પરવેઝ મુશર્રફે બળવો કર્યો અને વડા પ્રધાન નવાઝ શરીફને બરતરફ કરીને જેલમાં મોકલી દીધા. તેમણે પણ લશ્કરી કાયદો જાહેર કર્યો હતો. કહેવાની જરૂર નથી કે પાકિસ્તાનમાં સર્વોચ્ચ અદાલતે લોકતંત્રની હત્યાને અને લશ્કરી રાજને બહાલી આપી હતી. દલીલ એ જ હતી : ડૉક્ટ્રીન ઑફ નેસેસિટી મુશર્રફે પણ પ્રોવિઝનલ કોન્સ્ટિટ્યુશનલ ઑર્ડર (પી.સી.ઓ.) જાહેર કરીને ગળણી મૂકી દીધી હતી.
આનું પરિણામ એ આવ્યું કે પ્રામાણિક અને તેજસ્વી વકીલો જજ બનતા નહોતા. અહીં ટકે શેર ભાજી, ટકે શેર ખાજાનો ન્યાય ચાલતો હતો. અંધેર હોવા છતાં નગરી કેવી ઝળહળી રહી છે એવું કહેનારા લોકો જજ બનવા માંડ્યા. હવે ગોગોઈ મહાશયોની દીવો લઈને શોધ કરવા જવાની જરૂર નહોતી, કારણ કે ગળણીમાં ગળાઈને ગોગોઈઓ જ આવતા હતા.
તમને કલ્પના નથી કે ફેડરલ શરિયત કોર્ટે અને આંગળિયાત અને મીડિયોકર જજોએ પાકિસ્તાનમાં કાયદાના રાજની કેવી પથારી ફેરવી નાખી હતી. માત્ર હિંદુ લઘુમતીને નહીં; મુસ્લિમ સ્ત્રીઓને, શિયાઓને, અહમદિયા મુસલમાનોને, સૂફી-દરગાહમાં માનનારા ઝિયારતી મુસલમાનોને, કબિલાઈ રિવાજો(ટ્રાઇબલ કસ્ટમ્સ)માં માનનારા સરહદી વિસ્તારના કબિલાઈ મુસલમાનોને પાકિસ્તાનમાં જીવવું કેટલું દુશ્વાર થઈ ગયું હતું. જેને સતાવવામાં આવતા હતા તેમાં દસમાંથી નવ ઉપર કહ્યા એવા કોઈને કોઈ વર્ગના મુસલમાન હતા. હિંદુ તો દસે એક માંડ હતો. આજે પણ તેનો અંત આવ્યો છે એવું નથી. તેમને કોઈને અદાલતમાં ન્યાય નહોતો મળતો.
પાકિસ્તાન ઇસ્લામિક રાષ્ટ્ર છે. ઈર્ષ્યા થાય છે? પાકિસ્તાનના મુસલમાનો લઈ ગયા અને આપણે (હિંદુઓ) રહી ગયા એવું લાગે છે? ધાર્મિક બહુમતી રાષ્ટ્રવાદનું જીવતુંજાગતું ઉદાહરણ પાકિસ્તાન છે. કોઈ પાકિસ્તાની મુસ્લિમ નાગરિકને પૂછો તો ખરા કે તેનું જીવન કેટલું ડર વિનાનું નિશ્ચિંત છે? ડરરહિત નિશ્ચિંત જીવન એ સુખનો માપદંડ છે. આમ છતાંય જો કોઈની આંખ ન ઊઘડતી હોય તો એવા લોકોને તો ભગવાન બચાવે!
પ્રગટ : ‘નો નૉનસેન્સ’, નામક લેખકની કટાર, ‘રવિવારીય પૂર્તિ’, “ગુજરાતમિત્ર”, 05 ઍપ્રિલ 2020
![]()





