Opinion Magazine
Number of visits: 9575725
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

તરુણવયે રવીન્દ્રનાથે ઇંગ્લંડ-પ્રવાસ દરમિયાન કેટલાક પત્રો લખેલા એમાંનો આ ભાભી કાદંબરીદેવીને લખેલો

જયંત મેઘાણી [અનુવાદક]|Opinion - Literature|15 April 2020

ગ્રીષ્મ ઋતુ છે. સૂરજનો સુંદર પ્રકાશ વેરાય છે. બપોરના બે વાગ્યા છે. આપણા દેશમાં શિયાળાની બપોરે હોય એવી મીઠી લહેરખી છે. વાતાવરણ કેટલું ખુશનુમા છે, ને છતાં મારું મન કેવું ઉદાસ છે એ સમજાવી નહીં શકું. ઊર્મિલ પ્રકૃતિનાં બધાં લક્ષણો મારું ચિત્ત પાથરી રહ્યું છે : મારું શ્વાસતંત્ર ધીમું છે, હું મૌન ધરીને બેઠો છું, રીતભાતે ગંભીર છું, વગેરે વગેરે. આના જેવી સલૂણી બપોરે કોઇ મને કવિ કહી બેસે એવું છે, કારણ કે ચોપાસ વિસ્તરેલી વૃક્ષરાજિ મારા ચિત્તને પુલકિત કરે છે, વાસંતી વાયરો વાઇ રહ્યો છે, અને પંખીગાન ચાલે છે. વસંતઋતુ આ દેશમાં સાચો અવતાર ધરીને આવી છે. આપણા દેશમાં તો વસંત જ ક્યાં છે? છે માત્ર ચારે ય તરફ વસંતનો મહિમા કરતાં અને દખણાદા વાયરાએ એમનાં પ્રાણમાં પ્રેમાગ્નિ ફૂંક્યો છે એવી મિથ્યા વાતો કરતાં વિયોગી પ્રેમીજનો. એવું કેમ ન બને? ફાગણના વાયુ તો સાવ ભોળા લોકને પણ અગનઝાળમાં લપેટે છે – એ તો એમનો સિલસિલો છે!

દરિયાકાંઠાના ટોર્ક્વે નામે ગામમાં અમારો નિવાસ છે. ચારેય બાજુ ટેકરીઓ છે. સ્ફટિક-શો સ્વચ્છ દિવસ છે – વાદળાંનું નામ નહીં, ધુમ્મસ નહીં, અંધકાર નહીં. ચોપાસ વૃક્ષો છે, પંખીડાંનાં કૂજન છે, ફૂલબિછાત છે. હું ટર્નબ્રિજ વેલ્સમાં હતો ત્યારે વિચાર આવેલો કે કામણ-દેવ મદન અહીં આવે તો ઝાડીઝાંખરામાંથી બે-ચાર પણ જંગલી ફૂલ તેના બાણને શોભાવવા માટે ન મળે. પણ દર મિનિટે એક સાથે હજાર પુષ્પ-બાણ ફેંકી શકે એવું આયુધ મદન મહાશય શોધી કાઢે, અને દિવસ ને રાત બાણ વરસાવ્યા કરે તો પણ અહીંનો ફૂલભંડાર ખૂટે તેમ નથી. જ્યાં પગ મૂકો ત્યાં ફૂલો જ ફૂલો છે. અમે રોજ ડુંગરાઓમાં રખડવા જઇએ છીએ. બધે ગાયો ને ઘેટાં ચરતાં જોવા મળે. કેટલેક ઠેકાણે ચડાણ એવાં હોય કે ચડવું-ઊતરવું આકરું બને છે. તો ક્યાંક વળી કેડા સાંકડા, ને બેઉ બાજુથી ઝાડવાં ઝૂકીને અંધારું પાથરતાં હોય, અને છોડવાં ને વેલા રસ્તો રોકીને ઊગ્યાં હોય. સૂરજદેવનો પ્રકાશ મધુરો છે. હૂંફાળી હવા હિંદુસ્તાનની યાદ આપે છે. આ થોડીક ઉષ્મા પણ પ્રાણીમાત્રમાં સુસ્તી સીંચે છે. ઘોડાંની ચાલ નિરાંતવી છે, તો લોકને પણ ક્યાં ય જવાની ઉતાવળ નથી – તમામ જીવ જાણે ટહેલી રહ્યા છે. અને હું અત્યારે તો પ્રમાદવિદ્યાની તપસ્યા કરી રહ્યો છું; પત્રલેખન માટે ભાગ્યે જ ક્ષણો બચે છે. દરરોજ ત્રણસો બગાસાં તો ખાતો હોઇશ. કોઇ ચોપડી ઉઘાડું, ને અરધા કલાક માટે નજર દોડાવું, પછી બે કલાકના આંખ-બિડામણમાં જંપી જાઉં. કલમને શાહીમાં બોળું તો એ ભગીરથકાર્ય બની જાય છે, અને આંખોના પલકાર માટે કે શ્વાસ લેવા માટે જહેમત પડે છે. આના જેવું કોઇ સ્થળ નહીં હોય : રળિયામણો નદીતટ, લહેરાતાં ખેતરો, વાંચવાનાં સરસ પુસ્તકો, ગોષ્ઠી માટે સમયની મોકળાશ, ગાવા માટે એકાંત, અને જરી ગપ્પાબાજી માટેના અવસર!

આ સાગરતીર મને બહુ ગમે છે. ભરતી ટાણે કાંઠા પરની તોતિંગ શિલાઓ ગરક થઇ જાય છે, માત્ર ટોપકાં પાણીબહાર દેખાય છે – જાણે નાના ટાપુડા. દરિયાકાંઠે નાનામોટા ટેકરા છે. મોજાંની થપાટો ટેકરીઓમાં ગુફાઓ કોરી કાઢે છે. ઓટ આવે ત્યારે ક્યારેક અમે ગુફાઓના એકાંતમાં જઇને બેસીએ છીએ. બહાર અફાટ સમુદ્ર ઘૂઘવે છે. દૂરદૂર નાનકી નૌકાઓ સરકતી દેખાય છે. સૂર્યપ્રકાશનો તોટો નથી. કર્મશૂન્યતાની આ ઋતુ ગાળવા આથી વધુ સારી જગ્યા હશે? કોક દિવસ હું ટેકરીઓ પર જાઉં, ઘાસ અને ખડકોથી ઘેરાયેલું કોઇ એકાંતધામ શોધીને ત્યાં પુસ્તક વાંચું. પણ ના, ચોપડીનાં પાનાંમાં ખોવાઇ જવાની આ જગ્યા નથી. અહીંની નિરાંત-ઉત્તેજક શાંતિમાં વાચનની એકાગ્રતા શક્ય નથી. આ નીલરંગી સાગર અને સ્વચ્છ આકાશમાંથી ઊતરતી તડકી શા કામનાં? એકાદ-બે લીટી વાંચીએ, ઘૂઘવતા દરિયાને થોડીવાર નીરખીએ, અને પછી સેંકડો વિચારોની અટવીમાં અટવાઇ જઇએ. જો કે, ધ્યાન ચૂકીએ તો વિચારો આવે છે તેનો પણ ખ્યાલ ખોઇએ. બસ, ત્યારે પછી હાથમાં પકડેલું પેલું પુસ્તક સાંભરે, અને એ વાંચવાનો દૃઢ નિશ્ચય કરીએ. પણ બીજી લીટીના અલ્પવિરામે પહોંચતાંવેંત ચિત્ત આપણું ધ્યાન ચુકાવીને કહ્યાબહાર છટકીને કદી ધારી ન હોય એવી જગ્યાએ પહોંચી જાય છે. મનજીબંધુ દિવસભર આવી સંતાકૂકડી રમ્યા કરે છે અને અઢી દિવસમાં દોઢ પાનું જ વાંચી શકાય છે.

પણ, આ બધો મારો બકવાસ છે. એક હજાર વિચારો મનમાં ઘૂમરાયા કરે છે, પણ એ બધા ડાહ્યાડમરા થઇને નથી આવતા; બધા શબ્દો, વેરવિખેર અને અસંબદ્ધ, ધક્કામુક્કી કરતા મારા ચિત્તના સરિયામ રસ્તે ભટકે છે પણ એકબીજાને ઓળખતાય નથી. અને, તો પછી, વિચારોનાં ચીંથરાંની થીગડથાગડ જેવો આ પત્ર વાંચવા જેવો ખરો?

['રવીન્દ્ર-પત્રમધુ' પુસ્તકમાં]

(રવીન્દ્રનાથના પત્રો : સંપાદન અને અનુવાદ – જયંત મેઘાણી; ગૂર્જર ગ્રંથરત્ન કાર્યાલય; કિંમત – રૂ. 280)

https://www.facebook.com/jayant.meghani.5/posts/10222398310093374

Loading

ઘરબંધી માટે ઘર ક્યાં ? હાથ ધોવા પાણી ક્યાં?

ચંદુ મહેરિયા|Opinion - Opinion|15 April 2020

કોરોનાની વૈશ્વિક મહામારીના પ્રભાવી મુકાબલા માટે ઘરબંધી, શારીરિક અંતર જાળવવું અને વારંવાર સાબુથી હાથ ધોવાના ઉપાય અજમાવવા કહેવાય છે. વડાપ્રધાને, ‘દેશકો બચાનેકે લિયે ઘરોંસે બહાર નિકલને પર પાબંદી’ લગાવી અને લોક ડાઉન જાહેર કર્યું, ત્યારે દેશનાં લાખો ઘરવિહોણાં ક્યાં ઘરમાં બંધ થશે તેની ફિકર થતી હતી. થોડા સમય બાદ નવસારી જિલ્લાના વાંસદા તાલુકાના ખંભાળિયા ગામના વહાણમાં રોજગાર માટે ગયેલા એક યુવાનને હોમ કોરન્ટાઈન કરાયો, પણ તે ઘરવિહોણો હોઈ ગામના રેલવે સ્ટેશન બહાર જાહેરમાં ખાટલો ઢાળી પડી રહ્યાની ફોટો સ્ટોરી અખબારોમાં જોવા મળી હતી. તેથી ફિકર સાચી ઠરી.

‘વર વિના રહેજે પણ ઘર વિના ના રહેતી’, એવી કહેતી છતાં દુનિયામાં સો કરોડ લોકો ઘર વગરનાં છે. તે હકીકત છે. દર દાયકે થતી વસ્તી ગણતરીમાં ઘાસફૂસના, ગારમાટીના, વાંસના, મીણિયાના કે સાવ જર્જર મકાનોમાં રહેતા લોકોને પણ ઘરવિહોણા ગણવામાં આવતા નથી ! પણ જે ઉપર આભ અને નીચે ધરતીની અવસ્થામાં, સાવ છત વિના, ખુલ્લામાં, સડક કિનારે, ફૂટપાથ પર, ફ્લાય ઓવર નીચે, રેલવે સ્ટેશન કે બસ અડ્ડે, દુકાનોના ઓટલે કે કિટલી પર કે પછી મંદિરમસ્જિદગિરજાઘરે પડી રહે છે અને જેમની ગણતરી કરવી અઘરી છે, તેમને ઘરવિહોણા ગણે છે.

૨૦૦૧ની વસ્તી ગણતરી મુજબ દેશમાં બેઘર લોકોની સંખ્યા ૧૯.૪૩ લાખ અને ૨૦૧૧માં ૧૭.૭૨ લાખ હતી. શહેરી બેઘરો ૨૦૦૧માં ૭.૭૮ લાખ અને ૨૦૧૧માં ૯.૩૮ લાખ હતા. ગામડાંઓમાં ૨૦૦૧માં ૧૧.૬ લાખ અને ૨૦૧૧માં ૮.૩૪ લાખ હતા. મોટા શહેરોમાં કાનપુરમાં દર એક હજારની વસ્તીએ ૧૮, કોલકાતામાં ૧૫, દિલ્હીમાં ૧૪ અને મુંબઈમાં ૧૨ બેઘર છે. બેઘરોની વસ્તીમાં યુ.પી. મોખરે છે. તે પછીના ક્રમે મહારાષ્ટ્ર, રાજસ્થાન, મધ્યપ્રદેશ અને આંધ્રપ્રદેશ છે. ગુજરાતનો ક્રમ ઘરવિહોણાંમાં છઠ્ઠો છે. ગુજરાતમાં ઘરવિહોણાં લોકો ૧.૪ લાખ છે. પ્રધાનમંત્રી, સરદાર, ઇન્દિરા અને આંબેડકરનાં નામે આવાસ યોજનાઓ છતાં લાખો બેઘરો કોરોના કાળની વર્તમાન ઘરબંધીમાં ક્યાં રહેતાં હશે તે સવાલ છે. બેઘરો માટે દર એક લાખની વસ્તીએ એક આશ્રય ગૃહ બનાવવા સુપ્રીમ કોર્ટના ૨૦૧૦ના આદેશ પછી ૨,૪૦૨ આશ્રય ગૃહોની જરૂરિયાત સામે દેશમાં ૨૦૧૫ સુધીમાં ૧,૩૪૦ જ આશ્રય ગૃહો હતા. એ હકીકતે પણ લાખો બેઘરો અને જર્જર, કાચા મકાનોમાં રહેતાં ભારત માતાનાં આ સંતાનો કઈ રીતે ઘરબંધી પાળી શકતાં હશે ? કોરોનાની મહામારીથી બચવા માટે એક વ્યક્તિએ બીજી વ્યક્તિથી એક મીટરનું અંતર જાળવવા કહેવાય છે. પરંતુ દેશમાં જે ૩૭ ટકા લોકો એક જ ઓરડાના અને બારી કે રસોડા વગરના ઘરમાં રહે છે અને સરેરાશ પાંચ વ્યક્તિનો પરિવાર હોય તો તેઓ ક્યું શારીરિક અંતર જાળવે ?

એક તરફ મસમોટી મહેલાતો અને ફાર્મ હાઉસોમાં રહેતા લાટસાહેબો છે તો બીજી તરફ ઘર વગર કે ઘરનાં નામે મશ્કરીરૂપ જગ્યાએ રહેતાં લોકો છે. સરકારની ઘર ધરાવનારની વ્યાખ્યામાં સામેલ લોકો પૈકી ૫.૩૫ % કુટુંબો જર્જર ઘરોમાં રહે છે. તેમાં ૮.૧ ટકા દલિતો અને ૬.૩ ટકા આદિવાસી કુટુંબો છે. દેશમાં ધાબાબંધ ઘરોમાં માત્ર ૨૯.૦૪ ટકા પરિવારો જ રહે છે, તેમાં દલિતો માત્ર ૨૧.૯ ટકા અને આદિવાસીઓ ૧૦.૧ ટકા જ છે. એશિયાની સૌથી મોટી મુંબઈની ધારાવીની ઝૂંપડપટ્ટીમાં પણ કોરોનાગ્રસ્ત લોકો છે. ધારાવીમાં અંદાજે આઠથી દસ લાખ લોકો દોજખની જિંદગી જીવે છે. દેશમાં આવી ઝૂંપડપટ્ટીઓ કે સ્લમ્સમાં રહેતાં લોકોની સંખ્યા સાડા છ કરોડની છે.  આ સૌ માટે કોરોનાથી બચવા ઘરબંધીનો ઉપાય અજમાવવો અઘરો છે.

આમ તો આપણો દેશ પૂરતા કે વધારે પાણી ધરાવતા સત્તર દેશોમાં તેરમા ક્રમે છે. પરંતુ દેશની ઘણી બધી વસ્તી પાણીના અભાવથી પીડાય છે. એ સંજોગોમાં કોરોનાના પ્રતિકાર માટે વારંવાર હાથ ધોવા પાણી ક્યાંથી લાવવું એ પ્રશ્ન છે. દેશની લગભગ ૮૨ કરોડ વસ્તી પાણીની હાલાકી વેઠે છે. અને દેશમાં ૭૦ ટકા પીવાનું પાણી દૂષિત છે. જો દેશવાસીઓને ગુણવત્તાયુક્ત પીવાનું પાણી જ ન મળતું હોય અને પાણીનાં વલખાં હોય ત્યાં વારંવાર હાથ ક્યાંથી ધોવા ? છોંતેરમા નેશનલ સેમ્પલ સર્વે અનુસાર દેશના ૨૧.૪ ટકા ઘરોમાં જ પાઈપ લાઈનથી પાણી પહોંચે છે. ગ્રામીણ ભારતમાં હજુ માંડ ૧૮ ટકા ઘરોને જ નળ સે જળ મળે છે. વિશ્વ આરોગ્ય સંસ્થાની માર્ગદર્શિકા મુજબ જો વીસ સેકન્ડ સુધી સાબુથી હાથ ધોવા હોય તો એક વ્યક્તિ દીઠ એક થી બે લીટર પાણી વપરાય. તે હિસાબે એક વ્યક્તિને રોજ હાથ ધોવા ૧૫થી ૨૦ લીટર અને પાંચ વ્યક્તિના કુંટુંબને રોજનું ૧૦૦ લીટર પાણી માત્ર હાથ ધોવા જ જરૂર પડે. શું આટલી માત્રામાં આપણે પાણી આપીએ છીએ ? દેશના ઘણાં રાજ્યોમાં નપાણિયા મુલકો છે. ઉનાળામાં આરંભે જ પાણીની બૂમરાણ મચે છે. હવેનો દુકાળ અનાજના નહીં, પાણીના અભાવનો હોય છે. આજે પણ દેશના અનેક રાજ્યોમાં એવાં નગરો, ગામો છે જ્યાં અઠવાડિયે એક દિવસ પાણી મળે છે. સ્ત્રીઓને પાણી માટે દૂર દૂર જવું પડે છે. પાણીનો સંગ્રહ કરવાની પણ લોકો પાસે વ્યવસ્થા નથી. આ સ્થિતિમાં વારંવાર હાથ ધોવાની સલાહ મહાનગરોમાં પાણીના વેડફાટ કરતા લોકો માટે જ કામની છે.

વડાપ્રધાને ૨૦૨૪ સુધીમાં તમામ ઘરવિહોણાંને ઘર આપવાનું અને ૨૦૨૨ સુધીમાં દેશના પ્રત્યેક ઘરે નળથી જળ પહોંચાડવાનું વચન આપ્યું છે. ગુજરાતના આદિજાતિબહુલ પંચમહાલ, દાહોદ, છોટાઉદેપુર, સાબરકાંઠા, અરવલ્લી અને નર્મદા જિલ્લામાં વસ્તી છૂટીછવાઈ વસે છે ત્યાં હજુ પાણી પહોંચ્યું નથી. મહાનગર અમદાવાદના ૨૦ % વિસ્તારોમાં આજે ય પાણીનું કોઈ નેટવર્ક જ ઊભું કરી નથી શકાયું. ગયા વરસે અમદાવદમાં ટેન્કરથી પાણી પહોંચાડવા માટે ૨.૭૯ કરોડનો ખર્ચ થયો હતો. શહેરના સરખેજ, દાણીલીમડા, બહેરામપુરા, વટવા, સરદારનગર અને રામોલના ઘણા વિસ્તારોમાં પાણી પહોંચતું નથી. એટલે ટેન્કર્સથી પાણી પહોંચાડાય છે.

જેમ ગુણવત્તયુક્ત પાણી તેમ પાણીની સમાન વહેંચણીનો સવાલ પણ ઊભો રહે છે. આદિજાતિઓને તેમના છૂટાછવાયા અને ડુંગર વિસ્તારોમાં વસવાટને કારણે તો દલિતોને જાતિભેદ અને આભડછેટને કારણે પાણી મળતું નથી. કે અપૂરતું મળે છે. પાણીનાં કારણે દલિતો પર અત્યાચારો થાય છે, પાણીનું સમાન વિતરણ ભાગ્યે જ થાય છે. આપણી જળનીતિ લોકો તરફી નહીં ઉદ્યોગો તરફી છે. તે પણ પ્રમુખ કારણ છે. ઓડિસ્સા સરકારે કોરોનાનો ચેપ ન ફેલાય એટલા માટે નદી, તળાવો અને બીજાં સાર્વજનિક સ્થાનોથી પાણીનો ઉપયોગ કરવા પર પ્રતિબંધ મૂક્યો છે. કદાચ બીજા રાજ્યોએ પણ આવું કર્યુ હોય. તેને કારણે સાર્વજનિક પાણીનાં જળ સ્ત્રોતો પર આધારિત વસ્તીને મુશ્કેલી પડે છે. ગુજરાતમાં ૨૦૧૮ના વરસમાં ૧,૦૭૨ ખૂનના બનાવો બન્યા હતા. તેમાં ૧૮ ખૂન પાણીના ઝઘડાને કારણે થયા હતા ! જો એક વરસમાં ૧૮ અને મહિને દોઢ ખૂન પાણીનાં કારણે થયા હોય, તો પાણીના કારણે થયેલા ઝઘડા કેટલા બધા હશે. પાણી અને ઘર જેવા બે જ મુદ્દે કોરોના કેટકેટલી રીતે ગરીબોને રંજાડી રહ્યો છે તેની પ્રતીતિ સરકાર અને સમાજને થાય તો સારું.

e.mail : maheriyachandu@gmail.com

સૌજન્ય : “નિરીક્ષક” – ડિજિટલ આવૃત્તિ; 15 ઍપ્રિલ 2020

Loading

કુવેત : વધી રહેલા આંકડા સાથે પણ આપત્તિમાં અડીખમ રહેવામાં અગ્રિમ

પૂર્વી ગજ્જર|Opinion - Opinion|15 April 2020

હવે પછીનું ટૂંક સમયનું જીવન આંકડામય જવાની શક્યતા છે. કારણ છેલ્લા 7 અઠવાડિયાથી કુવેતનું આંશિક બંધ થવું, સત્તાવાર લોકડાઉનનું હાલમાં ચોથું અઠવાડિયું હોવું અને સાંજનાં 5 થી સવારનાં 4 વાગ્યા સુધીના સજ્જડ કર્ફ્યુંનાં ત્રણ અઠવાડિયા પછી, તકેદારીનાં આકરા અમલ માટે કુવેતમાં ગીચ, મધ્યમવર્ગીય અને મજૂરવર્ગની બહુમતી વસતી ધરાવતા ત્રણ વિસ્તારોમાં 24 કલાકનો જડબેસલાક કર્ફુયુ લાદ્યા પછી પણ કરોનાનાં દરદીઓનો આજનો આંકડો વધીને 855 થયો છે, જે શરૂઆતનાં 16 કેસનાં 53 ગણું વધવું કે વકરવું કહી શકાય.

આમ છતાં, આ આંકડો કુવેત માટે ધરપત અનુભવવાનો છે કારણ ગયા અઠવાડિયે દુનિયાભરમાંથી કુવેતની પ્રજાને દેશમાં પાછા લાવવા ઉપરાંત જીવન જરૂરિયાતનાં ક્ષેત્રમાં સતત કાર્યરત મજૂર-વર્ગને ઘરે ઘરે ફરીને, શોધી, વીણીને ફરજિયાત હેલ્થ ચેક-અપ કરાવ્યા પછીનો આંકડો ઘણો ઊંચો જવાની સંભાવના હતી, જે ધારણાં પૂરેપૂરી સાચી કે ખોટી ના પડી. એ રીતે સ્વાસ્થ્ય ખાતું અને સરકારની વ્યૂહ-રચનાનું કડક પાલન હોવા છતાં છેલ્લાં એક અઠવાડિયાથી કુવેતમાં રોજે વધી રહેલાં દરદીઓની સંખ્યા વધી હોવા છતાં હાલમાં અન્ય અરબ દેશોનાં પ્રમાણમાં કુવેતમાં અસરગ્રસ્ત લોકોનો આંક સૌથી નીચો છે, જેમાં આજ સુધી માત્ર 1 મૃત્યુને બાદ કરતાં સાજા થઇને ઘરે જનારાની સંખ્યા 111 છે.

આ રીતે બધું જ ચાલ્યા કરે તો અસરગ્રસ્તોનાં આંકડાની બાબતમાં કુવેતનું પ્રમાણ સૌથી તળિયે હોવું હાલનાં સંજોગોમાં અંકુશ કે નિયંત્રણ ના કહી શકાય તો પણ કાબૂમાં તો છે જ. એ સિવાય જે બધે જ બને છે તેવા કાનૂનભંગ કરવાનાં, સોશિયલ મીડિયાથી ગપગોળા ફેલાવવાનાં, જાણીજોઇને ચેપ લગાડવાનાં, સૂચનાનું ઉલ્લંઘન કરીને ધંધો ચલાવવાના, મેડિકલ સ્ટાફનું અપમાન કરવાનાં અને ક્વોરેન્ટાઇનમાંથી ભાગી જવાના થોડાંક કિસ્સાઓને બાદ કરતાં 42 લાખની વસતી ધરાવતો આ નાનકડો દેશ અત્યારે ડાહ્યો થઇને કહ્યામાં છે. આમ તો અહીંની 36 ટકા મૂળ કુવેતી પ્રજા આદતોમાં સુરત, અમદાવાદ અને રાજકોટનું કોમ્બીનેશન કહી શકાય તેવી છે, અને બાકીનાં 64 ટકા પરદેશીઓમાં દુનિયાની 140 રાષ્ટ્રની પ્રજા સાથેનું અહીંનું બહુસંસ્કૃતિક વાતાવરણ કુવેતમાં ચાલતો કાયમી મેળો છે, જે હાલમાં કાયદો અને વ્યવસ્થા પાળવામાં સૌ પ્રથમ ખુદને અને પછી દેશ તેમ જ દુનિયાને સહકાર આપી રહ્યું છે. જેને આપણી ભાષામાં દશેરાનાં દિવસે ઘોડું દોડ્યું કહેવાય.

એક બાજુ, કોરોના મામલે આપણે આંકડો સ્થિર થવા કે ઘટવાની રાહ જોઇ રહ્યા છીએ, ત્યાં જ બીજી બાજુ રોજગાર માટે કુવેતમાં રહેતાં પાકિસ્તાન, ભારત, શ્રીલંકા, બાંગ્લાદેશ, નેપાલ, ફિલીપીન્સ અને અખાતનાં અન્ય દેશોનાં મજૂરવર્ગને વાયરસથી પણ વધારે ચિંતા આવકના આંકડાની છે, જે પર તેમનું અહીંનું અને દેશમાં પરિવારનું ગુજરાન ચાલે છે. કુવેતની મૂળ પ્રજા સદ્ધર છે અને સરકારને ખોળે છે પરંતું એક પણ દિનારનો કર લીધા વગર રોજગારી અને કમાણીની તક આપનાર કુવેતી સરકાર માટે બાકીની 64 ટકા પ્રજાની જાહેર સલામતી, સ્વાસ્થ્ય અને અહીં રહેવાની અધિકૃત પરવાનગી સિવાયની કાયદેસર જવાબદારી મર્યાદિત હોવાને કારણે રોજીની અવેજીમાં પણ રોટી મળી રહેવાનું અહીંનાં મજૂરવર્ગના ભાગમાં નથી.

વળી, સદભાવનાથી ચાલતા રાહતકાર્યોમાં અહીંના અને બહારનાં વચ્ચેનો ભેદભાવ કોરોનાએ મટાડ્યો કે વધાર્યો તે સમજવું મુશ્કેલ છે. પણ ભારતનું સદ્દકાર્ય જેમ જરૂરતમંદ સુધી પહોંચી જાય તે ત્વરાથી અહીંનો જરૂરતમંદ પણ સદ્દકાર્ય સુધી પહોંચી નથી શકતો, જેમાં માનવીય સંવેદના સિવાય હાલમાં સંદેશાવ્યવહાર, વાહનવ્યવહાર અને સ્થાનિક સંપર્કો જેવા વ્યવહારુ કારણો પણ પાર વગરનાં છે. પણ સૌથી શરમજનક કારણ અહીંનાં ભારતીય સમાજની મેળાડાઓ અને ઉજવણીઓ કરવા સિવાયની સામાજિક નિસબતનો અભાવ છે. એ રીતે કુવેતમાં વસીને તગડી આવક, મજબૂત વળતર, સારો પગાર અને લોહીની કમાણી કરનારા અહીંનાં ચાર વર્ગમાંથી કોરોના-મુક્ત હોવા છતાં પણ અસરગ્રસ્ત હોય તો તે ખાનગી ધંધાઓમાં નોકરી કરનારો આપણો અહીં વસતો મધ્યમ અને મજૂરવર્ગ છે.  

એ પછીનાં સ્તરે જે સુધરેલો વર્ગ છે જેમાં અહીંની સરકારી અને જાહેર સંસ્થાઓનાં કમર્ચારીઓને બાદ કરતાં ખાનગી ઉદ્યોગમાં તમામ સ્થાનિક અને આંતરરાષ્ટ્રીય કંપનીએ તેમનાં ધંધાને થયેલું નુકસાન જોતાં સૌથી પહેલું તો કમર્ચારીઓનો પગાર ચાલુ રાખીને બદલામાં  ફરજિયાત વાર્ષિક રજાઓ કાપી લીધી છે. ત્યાર બાદ લોકડાઉનની મુદ્દત લંબાતા પગારમાંથી 10-30 % થી લઇને ઊંચા પગારો પર 50 % સુધીનો કાપ અમલી કરી દીધો છે અને હજી આપત્તિકાલ લંબાયો તો અર્થતંત્રનાં આંકડાઓની ઓટથી જે અસર થવાની સંભાવના છે તે કોરોનાગ્રસ્ત આંકડાઓને ઘોળીને પી જશે. એવામાં ચિંતા કે ચિંતનમાંનું કશું પણ કરવાને બદલે આ પરિસ્થિતિનો ભોગ બનેલા મજૂરવર્ગમાંનાં વિજ્યાબહેન શું કરશે? છેલ્લાં 22 વરસથી લેબર વિઝા પર કુવેતમાં રહીને ઘરકામ કરીને અહીંનું અને આંધ્ર પ્રદેશમાં પરિવારનું ઘર ચલાવતા વિજ્યાબહેનનો દીકરો હજી ફેબ્રુઆરીમાં પહેલી જ વાર કુવેત આવ્યો, એ નોકરી કરીને હજી વિજ્યાબહેનનો ભાર ઘટાડે તે પહેલાં જ કોરોના શરૂ થયો અને તે બે મહિનાથી બેકાર બેઠો છે, જેમાં છતી નોકરીએ બેકાર થનારા તેમનાં પરિવારનાં બીજા 4 જણા પણ છેલ્લાં દોઢ મહિનાથી ઘરે બેઠા છે. કુવેતમાં જે સૌથી મોંધું છે તે ઘરનાં તોતિંગ ભાડા અને ખાધાખર્ચ જે પૂરતી આવક ના હોવા છતાં જાવક તો ચાલું જ રાખે છે. છતાં, વિજ્યાબહેન હસી શકે છે અને મનનાં કોઇ ખૂણામાં ચિંતા હોવા છતાં આરામથી કહી શકે છે કે, જાન બચી તો લાખો પાયે અને ભગવાન બેઠો છે. તેમનાં જેવાં શ્રમજીવી લોકો માટે હાલમાં સ્વાસ્થ્ય-મંત્ર એ જ અર્થતંત્ર.

[કુવેત]

e.mail : purvi.gajjar@gmail.com

સૌજન્ય : “નિરીક્ષક” – ડિજિટલ આવૃત્તિ; 15 ઍપ્રિલ 2020

Loading

...102030...2,4682,4692,4702,471...2,4802,4902,500...

Search by

Opinion

  • લાઈક-રીલ્સથી દૂર : જ્યારે ઓનલાઈનથી ઓફલાઈન જિંદગી બહેતર થવા લાગે
  • રુદ્રવીણાનો ઝંકાર ભાનુભાઈ અધ્વર્યુની કલમે
  • લોહી નીકળતે ચરણે ….. ભાઇ એકલો જાને રે !
  • ગુજરાતની દરેક દીકરીની ગરિમા પર હુમલો ! 
  • શતાબ્દીનો સૂર: ‘ધ ન્યૂ યોર્કર’ના તથ્યનિષ્ઠ પત્રકારત્વની શાનદાર વિરાસત

Diaspora

  • દીપક બારડોલીકરની પુણ્યતિથિએ એમની આત્મકથા(ઉત્તરાર્ધ)ની ચંદ્રકાન્ત બક્ષીએ લખેલી પ્રસ્તાવના.
  • ગાંધીને જાણવા, સમજવાની વાટ
  • કેવળ દવાથી રોગ અમારો નહીં મટે …
  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !
  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ

Gandhiana

  • ગાંધીસાહિત્યનું ઘરેણું ‘જીવનનું પરોઢ’ હવે અંગ્રેજીમાં …
  • સરદાર પટેલ–જવાહરલાલ નેહરુ પત્રવ્યવહાર
  • ‘મન લાગો મેરો યાર ફકીરી મેં’ : સરદાર પટેલ 
  • બે શાશ્વત કોયડા
  • ગાંધીનું રામરાજ્ય એટલે અન્યાયની ગેરહાજરીવાળી વ્યવસ્થા

Poetry

  • ગઝલ
  • કક્કો ઘૂંટ્યો …
  • રાખો..
  • ગઝલ
  • ગઝલ 

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved