Opinion Magazine
Number of visits: 9681145
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

લૉક ડાઉનના સમયમાં લઘુ ઉદ્યોગોની સ્થિતિ

મુનિ દવે|Opinion - Opinion|3 June 2020

જે લોકો એન્જિનિયરિંગ કંપનીઓ સાથે સંકળાયેલા હોય તેમને ખબર હશે કે આવી કંપનીઓ માટે માર્ચ મહિનો બહુ અગત્યનો હોય. સામાન્ય રીતે એ મહિને વર્ષનું સૌથી વધુ કામ થાય. ઘણી રાતોના ઉજાગરા થાય. એ મહિને સૌથી વધુ માલ રવાના થાય. આમ, માર્ચ મહિનો એ કમાવાનો મહિનો. મને યાદ છે કે આજથી 20 વર્ષ પહેલાં મશીનો મોકલવા અમારે એક મહિના પહેલાં ટ્રકો બૂક કરાવવી પડતી. એક-બે દિવસમાં બહારના રાજ્ય માટે ટ્રક માગો તો ન મળે. તેમાંયે માર્ચનું છેલ્લું અઠવાડિયું તો ભારે વ્યસ્ત હોય. કંપનીના દરેક સ્તરનો કર્મચારી — એન્જિનિયર કે કારીગર, ક્યારે ઘરે જશે તેનું કોઈ ઠેકાણું ના હોય. પછી એપ્રિલનો મહિનો એકદમ આરામનો મહિનો.

આ વર્ષે લૉક ડાઉન માર્ચના લગભગ છેલ્લા અઠવાડિયામાં જાહેર થયું અને તે પણ અગાઉ જાણ કર્યા વગર. તેને કારણે બહુ લોકોનો તૈયાર થયેલો માલ, જેને જલદી મોકલવા ગ્રાહકો ભારે દબાણ કરતા હતા, તે બધો રવાના થયા વગરનો પડી રહ્યો. પછીથી દુનિયાભરની પરિસ્થિતિ જે રીતે બગડી, તેને કારણે એ બધા ઓર્ડરો કેન્સલ થઈ ગયા. આને કારણે મોટા ભાગની કંપનીઓ પાસે લાખો-કરોડો રૂપિયાનો માલ એમ જ પડ્યો રહ્યો. એટલું જ નહીં, તેના પૈસા પણ નહીં આવે. આને કારણે બહુ મોટો આર્થિક ધક્કો લાગ્યો. તેમાંયે કેટલાક મશીનો તો એવાં હોય, જે ગ્રાહકની ખાસ પ્રકારની જરૂરિયાતને ધ્યાનમાં રાખીને ડિઝઈન થયેલાં હોય. તેના ઑર્ડર જો કેન્સલ થાય, તો બીજું કોઈ એ મશીન લેવા તૈયાર ન થાય. તે બધા પૈસા ડૂબી ગયા સમજી લેવાના.

એક ઉદ્યોગપતિના કહેવા મુજબ એ માત્ર ખાસ પ્રકારનાં મશીનો જ બનાવે છે, જેને સ્પેશ્યલ પરપઝ મશીન – SPM કહેવાય. માર્ચની 23 તારીખે તેમનાં રૂ. 2 કરોડની કિંમતનાં બે મશીન નિકાસ માટે તૈયાર હતા. બેન્કનું ક્લિયરન્સ પણ આવી ગયેલું અને 24મીએ લૉક ડાઉન જાહેર થયું. મશીનોની રવાનગી અટકી પડી. આજે એ બંને મશીનોના ઑર્ડર કેન્સલ થઈ ગયા છે. તે ઉપરાંત તેમની પાસે બીજાં મશીન બનાવવા માટેનો એક કરોડ રૂપિયાનો કાચો માલ ફૅક્ટરીમાં પડ્યો છે. હવેની પરિસ્થિતિમાં એ ઑર્ડર પણ કૅન્સલ થઈ ગયા છે. તે હવે એ ચિંતામાં છે કે આ આર્થિક બોજો કેવી રીતે સહન થશે. તેણે તેના કર્મચારીઓને બે મહિનાનો પગાર તો આપી દીધો, પણ આગળના મહિનામાં પગાર કેવી રીતે આપશે? બહારથી જે માલ 3 મહિનાની ક્રેડિટ પર મળતો હતો, તે બધા હવે રૂપિયાની સામે માલ આપે છે. કારણ કે તેઓ પણ આર્થિક ભીંસમાં જીવે છે. જો આવું એકાદ-બે મહિના ચાલશે તો ફૅક્ટરીને તાળું મારવું પડશે તે નક્કી છે. અલબત્ત, આવા ઉદ્યોગપતિઓ ઓછા છે. વધારે લોકો તો બધાને ચાલે તેવાં મશીન બનાવવાવાળા છે. તેમની પાસે પણ માલનો ભરાવો છે. તે કેટલા મહિના ટકી શકે છે તે જોવાનું રહ્યું. મોટા ભાગના ઉદ્યોગપતિઓ લોન લેવા રાજી નથી. કારણ કે ભવિષ્ય અસ્પષ્ટ છે. આગામી મહિના કેવા હશે તેનો અંદાજ નથી આવતો, તો લોન કયા જોર પર લેવી અને શા માટે વધારે ઊંડા ખાડામાં ઊતરવું?

મારા જાણીતા ઉદ્યોગપતિ, પ્રસાદ ગ્રુપ ઓફ ઇન્ડસ્ટ્રીઝના યુવાન ડિરેક્ટર ધ્રુવ શાહે વીડિયો બનાવીને બધા ઉદ્યોગપતિઓને એક સરસ અપીલ કરી છે. ‘સામાન્ય રીતે કોઈ પણ એન્જિનિયરિંગ કંપનીના કુલ ટર્ન ઓવરમાં કર્મચારીઓના પગારનો હિસ્સો 10થી 30 ટકા જેટલો હોય છે. તેમાંયે જે કારીગરો અને હેલ્પરો છે તેમના પગારનો હિસ્સો તો 2થી 3 ટકા જ હોય છે. એ તેમના નફાના 2 ટકા જેટલો જ ભાગ છે. તો જે કારીગરો વર્ષોથી તેમની સાથે છે તેમની સુખાકારી માટે, તેમને દરેક મહિનાનો પગાર આપીને, શું આટલો ભોગ માલિકો ન આપી શકે?’ ધ્રુવની વાત તો એકદમ સાચી અને વાજબી છે. એવા ઘણા હશે જે આપી શકે, પણ તેઓ પોતાના મોજશોખમાં – વિદેશ પ્રવાસો, હૉટેલોના ખર્ચા, ક્લબોના ખર્ચા, દીકરા-દીકરીની મોંઘી સ્કૂલો કોલેજોની ફી વગેરેમાં કાપ મૂકવા માટે તૈયાર નથી. તેમણે આ રીતે વિચારવું જ જોઈએ. પણ એ બધા પાસે ધ્રુવ જેવા સમાજસેવાના કૌટુંબિક સંસ્કારો ન હોય.

બહુ મોટી સંખ્યા એવી પણ છે જે ડૂબવાની અણી પર છે અને ગમે તેટલી ઈચ્છા હોવા છતાં પગાર આપવાની સ્થિતિમાં નથી. એક વાત એવી છે કે દેશમાં કુલ સાતથી આઠ કરોડ MSME (માઇક્રો, સ્મૉલ, મીડિયમ એન્ટરપ્રાઇઝીસ) છે. તેમના માટે જે સરકારી પૅકેજ જાહેર થયું છે તે દ્વારા, સરકારના કહેવા મુજબ, 45 લાખ  MSMEને આ લાભ મળશે અને તે પણ લોન તરીકે. તો બાકીના કરોડોનું શું? આ ઉપરાંત ઘણાની બેન્કની લોન ચાલુ છે, જેના હપ્તા ભરવાના છે, ભલે થોડા મોડા, પણ ભરવાના તો છે જ. તે માફ નથી થયા.

કારીગરોના સ્થળાંતર બાબતે એવી વાત વહેતી થઈ છે કે વિરોધ પક્ષ મજૂરોને સમજાવીને, પૈસા આપીને તેમના રાજ્યોમાં મોકલી આપે છે, જેથી આવી અવ્યવસ્થા સર્જાય. ઘણા વર્ષોથી એવી પ્રણાલી પડી છે કે કારીગરોને કૉન્ટ્રાક્ટર દ્વારા રાખવાના. તેમના પગારની જવાબદારી કૉન્ટ્રાક્ટરની. નાની-મોટી બધી કંપનીઓ — માઇક્રોથી માંડીને મુકેશ અંબાણી સુધીની બધી કંપનીઓએ, સરકાર દ્વારા સંચાલિત એસ.ટી. અને બી.આર.ટી.એસ. દ્વારા આ રસ્તો અપનાવવામાં આવ્યો છે. કૉન્ટ્રાક્ટ પર કામ કરતા આ મજૂરો, કારીગરો, ડ્રાઇવરો સરકારના ચોપડે રજિસ્ટર થયેલા જ હોય તેવું નથી. એથી તેમને સરકારના કોઈ લાભ ન મળે. (ગુજરાત સરકારે હાઈકોર્ટને જણાવ્યા મુજબ ‘રાજ્યમાં કુલ 22.5 લાખ મજૂરોની સામે માત્ર 7,512 મજૂરો રજિસ્ટર થયેલા છે. આ ઉપરાંત તે ગુજરાતમાં અમને પૂછીને નથી આવ્યા. આંતરરાજ્ય સ્થળાંતરિત મજૂર ધારા 1979 મુજબ સરકાર તેમને માટે રેલવેની ટિકિટના પૈસા ભરવા  બંધાયેલી નથી.’)

લૉક ડાઉન જાહેર થયું ત્યારથી કૉન્ટ્રાક્ટરે પગાર આપવાનો બંધ કર્યો. બીજી વાત કે મોટા ભાગના મજૂરો ભાડે રહેતા હોય છે. તે પોતાનું ઘર ખરીદવાના નથી. તે ઉપરાંત તે ભાડું ન આપે તો ઘરધણીએ ઘર ખાલી કરાવ્યું. વડાપ્રધાને હાથ જોડીને અપીલ કરી. તેની કોઈ અસર ન થઈ. આમ તેઓ રસ્તા પર આવી ગયા. મફત ખાવાનું મળ્યું તે પૂરતું ન હતું, તેમને અનુકૂળ પણ નહોતું, તેમના સમયે પણ ન હતું. દરેક શ્રમજીવી સવારે કામે ચડતાં પહેલાં ભરપેટ ખાઈ લે છે. તેને બદલે જો તેને બપોરે બે-ત્રણ વાગ્યે ખાવાનું મળે, તો તે ભૂખનો માર્યો આકુળવ્યાકુળ થઈ જાય તે સ્વાભાવિક છે. લાખોની સંખ્યામાં રહેલા આ મજૂરોને-તેમના કુટુંબોને રોજ સમયસર જમવાનું પહોંચાડવું કોઈ પણ સંસ્થા માટે શક્ય ન બને. આવી રીતે તે કેટલો વખત પરોપજીવી રહી શકે? એક પછી એક લૉક ડાઉન આવતાં રહ્યાં અને તેમની ધીરજ ખૂટતી ગઈ એટલે થાકીને તેમણે વતનની વાટ પકડી. હવે દિવાળી સુધી તો તેઓ પાછા આવે તેવી આશા નથી. આપણે ધારીએ છીએ તેટલો આ પ્રશ્ન સહેલો નથી. બધાને પોતાની આજીવિકાની ચિંતા છે. તેમને ધંધો બંધ કરવો બહુ આકરો પડે છે.

જે સાઠ ઉપરની ઉંમરના છે તેઓ તો નિવૃત્ત થઈ જશે, પણ બાકીનાનું શું? આ બંધ કરીને બીજું કંઈક તો વિચારવું જ પડશે. આ બધા હોંશિયાર છે, સાહસિક છે. તેઓ આપમેળે-સરકારની મદદ વગર પણ રસ્તો કાઢશે. પણ તેને સમય લાગશે. તેમને એ પણ ખબર છે કે જાણીતા, અનુભવી અને વિશ્વાસપાત્ર કારીગર મળવા મૂશ્કેલ છે. વર્ષોના અનુભવ બાદ તેમના કારીગરો તેમની જરૂરિયાતોને, તેમની કામની પદ્ધતિને સાચી રીતે સમજતા થયા છે. તેમને ગુમાવવા પોસાય તેમ નથી. પણ કેવી રીતે રાખવા? કેટલું કામ આવશે? એટલો વખત પગાર કેમ આપવો? આ બધા પ્રશ્નોના જવાબ તેમને નથી મળતા અને કોઈ એ જવાબો આપવાની સ્થિતિમાં નથી. એવા પણ ઘણા છે જે પૂરા આશાવાદી છે કે એક-બે મહિનામાં બધું પાટે ચડી જશે. આપણે ઈચ્છીએ કે તેમનો આશાવાદ સાચો ઠરે.

e.mail : samanvay.sys@gmail.com

સૌજન્ય : “નિરીક્ષક” − ડિજિટલ આવૃત્તિ; 03 જૂન 2020

Loading

ભારતમાં લોકડાઉન ‘મોડર્ન’ ટાઈમ્સ પાછો લઇ આવ્યું

રાજ ગોસ્વામી|Opinion - Opinion|2 June 2020

કોવિડ-૧૯ના કારણે જાહેર કરવામાં આવેલા ૫૦થી વધુ દિવસના લોકડાઉનમાં જે ઔધોગિક નુકશાન થયું છે, તેને ભરપાઈ કરવા માટે ઉત્તરપ્રદેશ, મધ્યપ્રદેશ, ગુજરાત સરકારોએ અમુક મજદૂર ધારાઓ સસ્પેન્ડ કરીને ફેક્ટરીઓમાં કામના કલાકો ૮ના બદલે ૧૨ કલાક કરી નાખ્યા છે. હરિયાણા, આસામ, પંજાબ અને હિમાચલ પ્રદેશે પણ કામના કલાકો વધાર્યા છે. લોકડાઉનના કારણે હજારો મજદૂરોની દેશના અલગ-અલગ શહેરોમાંથી હિજરત અને અનેક અકસ્માતોમાં તેમના મોતના સમાચારો વચ્ચે, ફેકટરીઓને પછી ધમધમતી કરવા માટે મજદૂર ધારાઓમાં કરાયેલા ફેરફારોનો ઘણો વિરોધ થયો છે. ગુજરાતમાં તો કામદારોને ઓવરટાઈમ આપવાનો નિયમ પણ સસ્પેન્ડ કરવામાં આવ્યો છે. ભારતીય મજદૂર સંઘે તેના વિરોધમાં દેશવ્યાપી આંદોલનની જાહેરાત કરી છે. અપેક્ષા પ્રમાણે આ નિર્ણયને સુપ્રીમ કોર્ટમાં પણ પડકારવામાં આવ્યો છે.

ઘણા લોકોએ મજદૂરો પાસે ૧૨ કલાક કામ કરાવવાના નિર્ણયને ૧૯મી સદી તરફની અધોગતિ સમાન ગણાવ્યો છે. અમેરિકામાં જ્યારે ઔધોગિકરણનું મશીન ધમધમતું હતું, ત્યારે ૧૮મી સદીના મધ્યમાં કામદારોએ કામના કલાકો ઓછા કરવાની માંગણી શરૂ કરી હતી. ૧લી મે, ૧૮૮૮ના રોજ અમેરિકમાં ૧૩,૦૦૦ કારખાનાના ૩ લાખ કામદારોએ ૮ કલાક જ કામ કરવાની માંગણી સાથે હડતાળ પાડી હતી. 'મે ડે'ને દુનિયાભરમાં કામદારોના હકના દિવસ તરીકે ઉજવવામાં આવે છે અને વિડમ્બના એ છે કે ભારતમાં 'મે ડે'ની ઉજવણી વચ્ચે જ મજદૂર ધારાઓ બદલવામાં આવ્યા છે.

કામદારોને ઉચિત વેતન મળે, તેમની પાસે ૮ કલાક જ કામ કરાવવામાં આવે અને ફેકટરીઓમાં તેમની માનસિક-શારીરિક તંદુરસ્તીનું ધ્યાન રાખવામાં આવે, તે માટે ૧૯મી સદીમાં અલગ-અલગ દેશોમાં આંદોલનો થયેલાં. પ્રથમ વિશ્વ યુદ્ધ સુધી એક પણ દેશમાં મજદૂરોની તરફેણમાં પરિસ્થિતિ ન હતી. એવું લાગતું હતું, જાણે ઔધોગિક પ્રગતિનું એક રાક્ષસી યંત્ર ગોળ ફરતું હતું અને કામદારો તેની અંદર તેનો એક હિસ્સો બનીને રહી ગયા હતા.

પડદા પર બેવકૂફ ભમતારામના કિરદારથી જગમશહુર બનેલા ચાર્લી ચેપ્લિને (૧૮૮૯-૧૯૭૭), તેની કારકિર્દીને બહેતરીન ફિલ્મ, મોડર્ન ટાઈમ્સ (૧૯૩૬), આ પૃષ્ઠભૂમિ પર બનાવી હતી. કોવિડ-૧૯ના કારણે દુનિયાભરમાં આજે જે આર્થિક મંદીનો માહોલ છે, તેવો જ માહોલ ૧૯૩૦ના દાયકામાં હતો, જેને 'ગ્રેટ ડિપ્રેશન' તરીકે ઓળખવામાં આવે છે. એ સૌથી ઊંડી અને સૌથી વ્યાપક આર્થિક મંદી હતી. ઘણા દેશોમાં ફેકટરીઓ બંધ થઇ ગયેલી, ખેતરો ખાલી થઇ ગયેલાં અને દેશોમાં બાંધકામો ઠપ્પ થઇ ગયેલાં. વૈશ્વિક અર્થવ્યવસ્થાનું પતન થાય, તો શું થાય, તેના ઉદાહરણમાં 'ગ્રેટ ડિપ્રેશન'નો ઉલ્લેખ થાય છે.

તેના પરિણામે લોકો જે રીતે નાણાકીય ભીંસમાં મુકાયા હતા અને રોજગારી માટે ગુલામ બનવા તૈયાર થઇ ગયા હતા, તેના માટે ચાર્લી ચેપ્લિને ઔધોગિકરણને જવાબદાર ઠેરવ્યું હતું. ચાર્લી ચેપ્લિન ત્યારે તેની કારકિર્દીના શિખર પર હતો. સપ્ટેમ્બર ૧૯૩૧માં મહાત્મા ગાંધી લંડનમાં હતા અને ચેપ્લીન તેની 'સિટી લાઈટ' ફિલ્મના પ્રીમિયર માટે લંડનમાં હતો. તેને ગાંધીજીને મળવું હતું. ગાંધીજીને ચેપ્લિન કોણ છે તે ખબર ન હતી. કોઈએ કહ્યું કે જાણીતો એક્ટર છે, તો મહાત્માએ કહ્યું કે એને મળવાનો સમય નથી, તો કોઈકે કહ્યું કે, બાપુ, આપણે જે કામ કરીએ છીએ, તેના પ્રત્યે તેને બહુ સહાનુભૂતિ છે. તો હું મળીશ, બાપુએ કહ્યું.

બંને મળ્યા અને તેમની વચ્ચે ઔધોગિકરણની ચર્ચા થઇ હતી. ગાંધીજીને મળ્યા પહેલાં ચેપ્લિનને બજારમાં મશીનીકરણના વધતા પ્રભાવની ખબર ન હતી. મંદીમાંથી બેઠા થવા માટે દુનિયામાં તેજ ગતિએ મશીનો પર નિર્ભરતા વધી રહી હતી. જર્મની એમાં સૌથી આગળ હતું અને બ્રિટન તેમ જ અમેરિકા તેની પાછળ ઘસડાતું હતું. બ્રિટને માન્ચેસ્ટરમાં મશીન પર વસ્ત્રો બનાવવાનું શરૂ કરીને દુનિયામાં વેચવાનું ચાલુ કર્યું હતું.

ચેપ્લિને ગાંધીજીને ત્યારે પૂછ્યું હતું, “હું ઈચ્છું છું કે તમારા દેશ અને લોકોને આઝાદી મળે, પણ મને એક વાતની સમજ નથી પડતી. તમે મશીનના ઉપયોગનો વિરોધ શા માટે કરો છો? તમને નથી લાગતું કે મશીનો નહીં વપરાય, તો બહુ બધું ઠપ્પ થઇ જશે?”

ગાંધીજીએ જવાબમાં ચેપ્લિનને કહ્યું હતું, "હું મશીનનો વિરોધી નથી, પણ આ મશીનો માણસો પાસેથી તેમનું કામ લઇ લે, તે હું સહન કરી શકતો નથી. આજે અમે તમારા ગુલામ છીએ, કારણ કે અમે તમારા માલ-સામનની લાલચને રોકી શકતા નથી. અમે જ્યારે આ લાલચમાંથી મુક્ત થઈશું, ત્યારે અમને ચોક્કસ આઝાદી મળશે.”

ચેપ્લિનને માનવતા વગરના ઔધોગિકરણ પર 'મોડર્ન ટાઈમ્સ' ફિલ્મ બનાવવાની પ્રેરણા ગાંધીજી સાથેની આ મુલાકાતમાંથી અને અમેરિકામાં ફેકટરીઓમાં કામદારોના થતા શોષણની વાતોમાંથી મળી હતી. ગાંધીજી સાથેની પેલી મુલાકાતમાં ગાંધીજીના વિચારો જાણ્યા પછી ચેપ્લિને સ્વીકાર્યું હતું કે, “હું માનું છું કે માત્ર નફો રળવા માટે મશીનોના ઉપયોગથી માણસોની મુશ્કેલીઓ પેદા થઇ છે.“

'મોડર્ન ટાઈમ્સ' મશીન અને મનુષ્યની કહાની હતી. અમેરિકાના મિશિગનમાં માણસો પાસે એવી રીતે મજદુરી કરાવવામાં આવતી હતી કે તે પાગલ થઇ જતા હતા. ચેપ્લિને તેના પરથી 'મોડર્ન ટાઈમ્સ'ના મુખ્ય કિરદાર ટ્રેમ્પ(ભમતારામ)ને એવો જ બનાવ્યો હતો. ફિલ્મમાં ગરીબ ટ્રેમ્પને તેની હિરોઈન સાથે મંદી, હડતાળ અને બેરોજગારીનો માર સહન કરવો પડે છે.

એમાં એ એક ફેકટરીની એસેમ્બલી લાઈન પર નટ-બોલ્ટ ચઢાવવાનું કામ કરે છે. ફિલ્મમાં એક બેહદ યાદગાર દ્રશ્ય છે, જેમાં કોમેડી મારફતે ચેપ્લિને કામદારોની ટ્રેજેડી પેશ કરી હતી. એ દ્રશ્યમાં ચેપ્લિન એક મોટા મશીન પાસે ઊભો-ઊભો એક કન્વેયર બેલ્ટ પર નટ-બોલ્ટ ટાઈટ કરી રહ્યો છે. બેલ્ટ ધીમે-ધીમે ગતિ પકડે છે, અને ચેપ્લિનને પણ તેની સાથે તેની ગતિ વધારવી પડે છે. ચેપ્લિન પડતો-આખડતો બેલ્ટની રફતાર સાથે રહેવા પ્રયાસ કરે છે, અને એમાં એ મશીનના મોઢામાં ઘુસી જાય છે. મહા-મહેનતે એ મશીનમાંથી બહાર આવે છે, પણ ત્યાં સુધીમાં તો તે પાગલ થઇ ગયો હોય છે.

ઔધોગિકરણ એક વિરાટ મશીન છે. તે તેની ગતિએ ચાલી રહ્યું છે અને મજદૂરો તેમાં હોમાઈ રહ્યા છે, તેવો કટાક્ષ કરવા માટે ચેપ્લિને આ દ્રશ્ય બનાવ્યું હતું. ‘મોડર્ન ટાઈમ્સ’ના ટાઈટલ શોટમાં ચેપ્લિને બે પ્રતીકાત્મક દ્રશ્યો સાથે મૂક્યાં હતાં, જેમાં એક દ્રશ્યમાં ઘેટાંને વાળવામાં આવી રહ્યાં છે અને બીજામાં એક ફેક્ટરીમાંથી કામદારોનાં ધાડાં બહાર નીકળી રહ્યાં છે. પેલા દ્રશ્યમાં એની ‘બેવકૂફી’થી ફેકટરીમાં અવ્યવસ્થા ફેલાઈ જાય છે અને તેને હોસ્પિટલમાં ભરતી કરી દેવામાં આવે છે. એ સાજો થઈને બહાર આવે છે પણ બેરોજગાર થઇ ગયો છે, એટલે તેને સામ્યવાદી ગણીને તેને જેલમાં મોકલવામાં આવે છે.

જેલમાં એ નમક સમજીને કોકેઇન લઇ લે છે, અને એના નશામાં જેલ તોડવાના એક કાવતરાનો પર્દાફાશ કરે છે. તેના સાહસના કારણે તેની સજા માફ કરવામાં આવે છે અને તેને મુક્ત કરવાની જાહેરાત થાય છે. ચેપ્લિન કરગરે છે કે તેને જેલમાં જ રહેવા દેવામાં આવે કારણ કે જેલ બહાર બેરોજગારી તેની રાહ જુવે છે, પણ એને બહાર મોકલી દેવામાં આવે છે. એ રઝળે છે અને એક અનાથ છોકરીને મળે છે, જે બ્રેડ ચોરીને પોલીસથી ભાગી રહી છે. છોકરીને બચવવા અને જેલમાં પછો જવા, તે ચોરીનો આરોપ પોતાના માથે લઇ લે છે, પણ કોર્ટમાં એનું નાટક ખુલ્લું પડી જાય છે. છોકરી તેને એના ઘરે લઇ જાય છે. તેવામાં એક ફેક્ટરી ખુલતાં ટ્રેમ્પને નોકરી મળે છે પણ એનો માલિક મશીનમાં પડી જતાં હંગામો થાય છે અને પોલીસ ટ્રેમ્પને પકડીને જેલમાં પૂરી દે છે.

એ બહાર આવે છે, છોકરી તેને વેઈટર અને ગાયકની નોકરી અપાવે છે, અને ત્યાં તે લોકપ્રિય થાય છે. તેવામાં પોલીસ છોકરીને એના જૂના ગુનામાં પકડવા આવે છે, અને બંને અનિશ્ચિત પરંતુ ઉમદા ભવિષ્ય તરફ નાસી છૂટે છે. ચેપ્લિને ‘મોડર્ન ટાઈમ્સ’નો અંત દુઃખી બતાવ્યો હતો અને શૂટ પણ કર્યો હતો, જેમાં ટ્રેમ્પ હોસ્પિટલમાં છે અને છોકરી સાધ્વી બનવા તેને અલવિદા ફરમાવી દે છે, પણ ફિલ્મને સકારાત્મક સૂર સાથે પૂરી કરવા બન્ને એકબીજાના હાથમાં હાથ પરોવીને ‘કર ભલા તો હો ભલા’ની ભાવના સાથે ક્ષિતિજ તરફ જતાં હોય, તેવો અંત બનાવ્યો હતો.

ચાર્લી ચેપ્લિન સામાન્ય રીતે બેવકૂફી ભર્યા જોકરવેડા કરવા માટે પ્રખ્યાત હતો, પરંતુ ‘મોડર્ન ટાઈમ્સ’ તેની પહેલી રાજકીય ફિલ્મ હતી, જેમાં તેણે મૂડીવાદ અને ઔદ્યોગિકરણના જોખમ સામે ગંભીર સવાલ ઉઠાવ્યા હતા. હકીકતમાં, ‘મોડર્ન ટાઈમ્સ’ રિલીઝ થયા પછી ચાર્લી ચેપ્લિન પર સામ્યવાદી એજન્ટ હોવાનો આરોપ મુકવામાં આવ્યો હતો અને તેને અમેરિકન સુપ્રીમ કોર્ટે દેશનિકાલ કર્યો હતો, અને ચેપ્લિન હોલીવુડ છોડીને સ્વીત્ઝરલૅન્ડમાં સ્થાઈ થઇ ગયો હતો.

‘મોડર્ન ટાઈમ્સ’ મજદૂરોના સમય પર કારખાનેદારના નિયંત્રણની ફિલ્મ છે. ચેપ્લિન જે ફેકટરી (ઇલેક્ટ્રો સ્ટીલ કોર્પોરેશન)માં કામ કરે છે, તેનો માલિક એક ઊંચી કેબીનમાં બેઠો હોય છે, અને ત્યાંથી તે દરેક મજદૂર પર નજર રાખે છે. કોઈ વિભાગમાં જો ઉત્પાદન ઓછું થતું લાગે અથવા કામદારો આળસ કરતા દેખાય, તો તે ફોરમેનને કહીને મશીનની સ્પીડ વધારી દેવડાવે, જેથી વધુ કામ થાય. મજદૂરના સમય પર તમારો જો કાબૂ હોય, તો તમારો નફો વધુ હોય, એવા કાર્લ માર્ક્સના વિચારને ચાર્લી ચેપ્લિને આ રીતે ફિલ્મમાં પેશ કર્યો હતો. ચેપ્લિને કાર્લ માર્ક્સનો અભ્યાસ કર્યો હતો?

૧૯૫૭માં, તેની અંતિમ ફિલ્મ ‘અ કિંગ ઇન ન્યુ યોર્ક’માં ચેપ્લિને અમેરિકામાં રાજ્યાશ્રય લેનારા કિંગ ઇગોર શાહદોવની ભૂમિકા કરી હતી. ચેપ્લિને તેના મોટા દીકરા માઈકલને પણ આ ફિલ્મમાં રૂપર્ટ નામના વિધાર્થીની અગત્યની ભૂમિકા આપી હતી, જેનાં પેરેન્ટસ સામ્યવાદી છે. કિંગ સ્કૂલમાં રૂપર્ટને મળે છે, ત્યારે તેના હાથમાં કાર્લ માર્ક્સનું પુસ્તક હોય છે. તે જોઈને કિંગ પૂછે છે, “તું સામ્યવાદી છે?” ત્યારે રૂપર્ટ કહે છે, “કાર્લ માર્ક્સને વાંચવા માટે મારે સામ્યવાદી હોવું જરૂરી છે?”

રશિયા સાથે શીત યુદ્ધમાં વ્યસ્ત અમેરિકન સરકારે, ચાર્લી ચેપ્લિન પર સામ્યવાદી હોવાના મુકેલા આરોપનો જવાબ આ સંવાદમાં હતો.

પ્રગટ : ‘બ્લોક બસ્ટર’ નામક લેખકની સાપ્તાહિક કટાર, “ગુજરાતી મિડ-ડે”, 23 મે 2020

Loading

માત્ર સસ્તી મજૂરી નહીં, રાજકારણ અર્થતંત્રનું ચાલકબળ બનશે

આશુતોષ વાર્ષ્ણેય • અનુવાદઃ હેમન્તકુમાર શાહ, આશુતોષ વાર્ષ્ણેય • અનુવાદઃ હેમન્તકુમાર શાહ|Opinion - Opinion|2 June 2020

વીસમી સદીના પૂર્વાર્ધના કદાચ સૌથી વધુ પ્રભાવક અર્થશાસ્ત્રી જ્હોન મેનાર્ડ કેઇન્સે 1920માં એક પ્રખ્યાત લખાણ લખ્યું હતું, જે આજના આપણા સમય માટે પણ લખી શકાયું હોત. એ પછી એક સદી વીતી ગઈ છે અને આજે જેને આપણે વૈશ્વિકીકરણ કહીએ છીએ તેનો પ્રથમ તબક્કો પૂરો થયો છે ત્યારે, કેઇન્સ પ્રથમ વિશ્વયુદ્ધના અંતે જે કંઈ બોલ્યા હતા તે અહીં લંબાણથી ટાંકવા જેવું છે :

“માનવજાતની આર્થિક પ્રગતિમાં કેટલીક અસાધારણ ઘટનાઓ બની છે, જેનો અંત ઓગસ્ટ 1914માં આવી ગયો હતો! ….. લંડનના રહેનાર એક વ્યક્તિ ટેલિફોન દ્વારા ઑર્ડર આપી શકે છે, પથારીમાં સવારની ચા પીએ છે, આખી દુનિયાની વિવિધ ચીજો જોઈએ તેટલા પ્રમાણમાં વાપરે છે અને પોતાના ઘરના બારણે તે વહેલામાં વહેલી તકે આણી શકે છે; સાથે સાથે એ જ ક્ષણે અને એ જ સાધનો દ્વારા કોઈ પણ જાતની તકલીફ વિના તથા પસીનો પાડ્યા વિના, કુદરતી સંસાધનોમાં પોતાની સંપત્તિનું રોકાણ કરી શકે છે અને દુનિયાના કોઈ પણ ખૂણામાં નવું સાહસ શરૂ કરીને તેનાં ફળ અને લાભ મેળવી શકે છે ……. જો તે ઈચ્છે તો તે કોઈ પણ દેશમાં કે કોઈ પણ પ્રકારની આબોહવા ધરાવતા પ્રદેશમાં જવા માટે સસ્તું અને આરામદાયક સાધન મેળવી શકે છે … પણ સૌથી મહત્ત્વની બાબત એ છે કે તે પોતાની આ સ્થિતિને, જો તેમાં વધુ સુધારો થવાનો હોય તો સામાન્ય, નિશ્ચિત અને કાયમી ગણે છે અને જો તેમાં સહેજ પણ વિપરીત ફેરફાર થાય તો તે તેને નીતિનાશને માર્ગે જનારી, કૌભાંડી અને ટાળી શકાય તેવી ગણે છે.”

આંતરરાષ્ટ્રીય સંબંધોના નિષ્ણાતો આપણને સતત કહી રહ્યા છે કે અણુશસ્ત્રોને લીધે અત્યારે વિશ્વયુદ્ધ થવાની શક્યતાઓ નથી. પરંતુ તેને બદલે કોરોનાની મહામારી, વિદ્વાનો જેને વૈશ્વિકીકરણનો બીજો તબક્કો કહે છે તેનો અંત લાવી શકે છે. આ બીજો તબક્કો 1980ના દાયકામાં શરૂ થયો હતો, અને તે ચાર દાયકા સુધી ચાલ્યો છે. આ યુગમાં અમુક વર્ગના મનુષ્યો દુનિયાના કોઈ પણ ખૂણે ઉત્પન્ન થયેલી ચીજો માટે ઇન્ટરનેટ દ્વારા ઓર્ડર આપી શકે છે અને દુનિયાના કોઈ પણ ખૂણામાં મૂડીરોકાણ કરી શકે છે.

આર્થિક રીતે જ જોઈએ તો, વૈશ્વિકીકરણ એટલે મૂડી, વસ્તુઓ અને શ્રમની મુક્ત હેરફેર માટે રાષ્ટ્રીય સરહદોનો ઇન્‌કાર. મજૂરોનું આવાગમન કદી પણ મૂડી અને વસ્તુઓ જેટલું મુક્ત હતું જ નહીં. મૂડી અને વસ્તુઓના હવે ટુકડા થઈ ગયા છે. કોણે  કઈ વસ્તુ આખી પેદા કરી છે, તેની ખબર પડવી  જરૂરી નથી. સ્થળાંતરિત મજૂરો પણ અગાઉ હતા તેમ જ વહેંચાઈ ગયા છે. વંશીય રીતે, જાતિગત રીતે અને ધાર્મિક રીતે તે મુખ્ય પ્રવાહથી કેટલા વેગળા છે, તે કોઈ પણ વ્યક્તિ જોઈ શકે તેમ છે. તેથી, શ્રમનો પ્રવાહ વહે છે પણ, જો તે મોટા પ્રમાણમાં હોય તો તેમાં વતનપરસ્તીનું જમણેરી રાજકારણ હંમેશાં જન્મ લે છે. તેવું રાજકારણ આપણને ભાગ્યે જ વસ્તુઓ અને મૂડીની હેરાફેરીમાં થતું દેખાય છે.

કોરોના મહામારી પહેલાં અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ વૈશ્વિકીકરણના સાતત્યપૂર્વક ટીકાકાર રહ્યા છે. તેમણે ખાસ કરીને સ્થળાંતરિત બિન-ગોરા મધ્ય-દક્ષિણ અમેરિકન સ્પેનિશ લોકોને તથા મુસ્લિમ લોકોને પોતાના રાજકીય ગુસ્સાનું લક્ષ્યાંક બનાવ્યા હતા. પરંતુ તે મુક્ત વ્યાપાર અને ઓછા ખર્ચની શોધમાં ચીનમાં જંગી મૂડીરોકાણ કરતા, તથા એ રીતે નોકરીઓ અમેરિકામાંથી ચીનમાં લઈ જતા ઉદ્યોગપતિઓના વિરોધી રહ્યા છે. મુક્ત વ્યાપારને નાથવા માટે તેમણે અમેરિકામાં થતી આયાતો પર વધુ જકાત નાખી છે અને અમેરિકન ઉદ્યોગપતિઓને પોતાની મૂડી પાછી અમેરિકામાં લઈ આવવા માટે હાકલ કરી છે. યુરોપમાં પણ યુનાઇટેડ કિંગ્ડમના નેતૃત્વ હેઠળ આ જ પ્રકારનું રાજકારણ, ઓછા બૂમબરાડા સાથે, ખેલાઈ રહ્યું છે.

અનેક મોટાં અર્થતંત્રો કોરોના મહામારીમાં સપડાયાં છે ત્યારે તે આ રાજકીય હુમલાનું શું કરશે? વાસ્તવવાદી રાજકીય અર્થમાં આ પ્રશ્નનો જવાબ, વૈશ્વિકીકરણના બીજા તબક્કાએ ચીનને કેવી રીતે લાભ કરી આપ્યો છે, તેના પર ધ્યાન આપ્યા વિના આપણે આપી શકીએ તેમ નથી. 

અલબત્ત, એ નોંધવું જોઈએ કે વૈશ્વિકીકરણના 1815થી 1914ના પ્રથમ તબક્કામાં ચીને બહુ સહન કરવું પડ્યું હતું. 1800માં વિશ્વનું ૩૩ ટકા ઔદ્યોગિક ઉત્પાદન ચીનમાં થતું હતું. પછી બે અફીણ યુદ્ધોમાં ચીન હાર્યું. એટલે 1900 સુધીમાં તેના ઔદ્યોગિક ઉત્પાદનનું પ્રમાણ ઘટીને માત્ર છ ટકા થઈ ગયું હતું. અત્યારે વધુ મહત્ત્વની બાબત એ છે કે વૈશ્વિકીકરણના બીજા, 1980-2014ના તબક્કામાં ચીન આરંભમાં બહુ પાછળ રહી ગયું હતું. 1980માં તે ઔદ્યોગિક ઉત્પાદનમાં દુનિયામાં 48મા ક્રમે હતું. 1982માં તેની જી.ડી.પી. આશરે 200 અબજ ડોલર હતી અને ભારત પણ અર્થતંત્રનું તેટલું જ કદ ધરાવતું હતું.

છેલ્લામાં છેલ્લી માહિતી અનુસાર ચીન 13.6 લાખ કરોડ ડોલર સાથે દુનિયાનું બીજા ક્રમનું અર્થતંત્ર છે. અમેરિકા 20.5 લાખ કરોડ ડોલર સાથે પ્રથમ ક્રમે છે. પણ એ જાપાન (4.9 લાખ કરોડ), જર્મની (4.૦ લાખ કરોડ), યુનાઇટેડ કિંગ્ડમ (2.8 લાખ કરોડ), ફ્રાન્સ (2.8 લાખ કરોડ) અને ભારત (2.7 લાખ કરોડ) કરતાં ઘણું આગળ છે. 2018માં ચીન દુનિયાભરમાં સૌથી વધુ વ્યાપાર કરતો દેશ હતો. તેની નિકાસ 2.5 લાખ કરોડ ડોલર હતી, જ્યારે અમેરિકાની 1.6 લાખ કરોડ ડોલર હતી. વળી, 2018માં ચીનમાં 203 અબજ ડોલરનું સીધું વિદેશી રોકાણ (FDI) થયું હતું, જે જર્મની, જાપાન, ફ્રાન્સ અને યુનાઇટેડ કિંગ્ડમ કરતાં પણ વધારે હતું. ભારતમાં 48 અબજ ડોલર અને અમેરિકામાં 258 અબજ ડોલર FDI તે વર્ષે આવ્યું હતું. આમ, ચીન અમેરિકા પછી બીજા ક્રમે હતું. ચીનમાં કેટલું બધું વિદેશી રોકાણ આવ્યું હતું!

કોરોના મહામારીના સંદર્ભમાં તબીબી સાધનસામગ્રીના આંકડા વધુ આશ્ચર્યજનક છે. રક્ષણાત્મક સર્જિકલ વસ્ત્રો, પ્લાસ્ટિક ફેસ શીલ્ડ, કપડાંના માસ્ક અને થર્મોમિટરના 50થી 80 ટકા પુરવઠા માટે અમેરિકા ચીન પર આધાર રાખે છે. વૅન્ટિલેટર અને હાથનાં સેનિટાઈઝરનો 20 ટકા પુરવઠો પણ ચીનથી આવે છે. ઉદ્યોગપતિઓ અને અર્થશાસ્ત્રીઓ આ વલણો સંપૂર્ણપણે આર્થિક છે એવી ગમે તેટલી દલીલ કરે, તો પણ તે એમ દર્શાવે છે કે ચીનમાં મોટા પાયે ઉત્પાદન કરવાનું કેટલું આસાન છે. જો ચીન આ મહત્ત્વનો પુરવઠો પૂરો પાડવાનું બંધ કરે તો માત્ર પશ્ચિમના જગતના નેતાઓ જ નહિ પણ દુનિયાભરના નેતાઓ ચિંતાતુર બની જાય, અને તે રાષ્ટ્રીય સલામતીનો સવાલ તો ખરો જ !

પોતાના ગોટાળા છૂપાવવા માટે ડોનાલ્ડ ટ્રમ્પ ચીનને બલિનો બકરો બનાવવા માંગે છે, પણ રાજકીય પવન અત્યારે ટ્રમ્પથી સાવ જુદી દિશામાં ફૂંકાઈ રહ્યો છે. વુહાનમાં કોરોના વાઇરસ કેવી રીતે જન્મ્યો તેની માહિતી ચીને કેવી રીતે છુપાવી છે એની બધી સાચી કે ખોટી શંકાઓ બાજુ પર મૂકીએ તો પણ, દુનિયાભરની રાજધાનીઓમાં ચીન પ્રત્યેનો રોષ સ્પષ્ટપણે દેખાય છે. કોરોના મહામારીને લીધે અચાનક આવી પડેલી ભારે વેદનામાંથી જન્મેલો આ રોષ વૈશ્વિકીકરણના અર્થતંત્ર પર અસર પાડશે જ એમાં કોઈ શંકા નથી.

હવે મજૂરોના આંતરરાષ્ટ્રીય આવાગમન ઉપર અગાઉ કરતાં વધારે પ્રમાણમાં નિયમન આવશે. તાજેતરના દાયકામાં બન્યું હતું તેના કરતાં વધારે પ્રમાણમાં, પશ્ચિમની રોકાણકાર કંપનીઓએ પોતાના મૂડીરોકાણમાં રાજકીય જોખમ કેટલું છે તેના પર ધ્યાન આપવું જ પડશે. માત્ર જ્યાં મજૂરોનું ખર્ચ ઓછું હોય ત્યાં જવાનું જે વલણ હતું તે છોડીને હવે તેઓ તેમની મૂડી પોતાના દેશમાં પાછી લઈ જાય અથવા ભૌગોલિક રીતે તેમના પુરવઠાની સાંકળને ફરીથી ગોઠવે એમ પણ બને. હમણાંથી અનેક વસ્તુઓ માટે વૈશ્વિક સ્તરે પુરવઠાની સાંકળ હકીકતમાં ચીનની સાંકળ બની ગઈ હતી. આ પ્રકારનું આર્થિક કેન્દ્રીકરણ હવે રાજકીય રીતે ટકાઉ બની શકે તેમ લાગતું નથી.

બજાર આધારિત આર્થિક વ્યવસ્થામાં આર્થિક કાર્યક્ષમતા એક મુખ્ય બાબત ગણાય છે. પણ નજીકના ભવિષ્યમાં એ મુદ્દો હવે પાછળ ધકેલાઈ જશે. રાજકારણ હવે આર્થિક નીતિઓનું ચાલક બળ બનશે, બજાર આધારિત તાર્કિકતા નહિ. વૈશ્વિકીકરણનો અંત નહિ આવે પણ, તે વધારે પશ્ચાદભૂમાં ધકેલાઈ જશે.  આપણે મૂડીવાદના નવા તબક્કામાં પ્રવેશી રહ્યા છીએ.

સૌજન્ય : “નિરીક્ષક” − ડિજિટલ આવૃત્તિ; 02 જૂન 2020

Loading

...102030...2,3612,3622,3632,364...2,3702,3802,390...

Search by

Opinion

  • ચોર ચોરી કેવી રીતે કરે છે? શાની અને કેમ કરે છે?
  • એપસ્ટીન ઇન્ડિયા ફાઇલ્સ: સત્તા, સોદાબાજી અને રહસ્યોનું રાજકારણ
  • સ્માર્ટ ફોનનો સ્માર્ટ ઉપયોગ : નવા વર્ષનો સંકલ્પ
  • ચલ મન મુંબઈ નગરી—328
  • આનંદ તેલતુંબડેની જેલડાયરી

Diaspora

  • છ વર્ષનો લંડન નિવાસ
  • દીપક બારડોલીકરની પુણ્યતિથિએ એમની આત્મકથા(ઉત્તરાર્ધ)ની ચંદ્રકાન્ત બક્ષીએ લખેલી પ્રસ્તાવના.
  • ગાંધીને જાણવા, સમજવાની વાટ
  • કેવળ દવાથી રોગ અમારો નહીં મટે …
  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !

Gandhiana

  • ગાંધી ‘મોહન’માંથી ‘મહાત્મા’ બન્યા, અને આપણે?
  • ગાંધીહત્યાના પડઘા: ગોડસેથી ગોળવલકર સુધી …
  • ગાંધીની હત્યા કોણે કરી, નાથુરામ ગોડસેએ કે ……? 
  • ગાંધીસાહિત્યનું ઘરેણું ‘જીવનનું પરોઢ’ હવે અંગ્રેજીમાં …
  • સરદાર પટેલ–જવાહરલાલ નેહરુ પત્રવ્યવહાર

Poetry

  • ગઝલ – 1/2
  • સખીરી તારો એ હૂંફાળો સંગાથ …
  • વસંતાગમન …
  • એ પછી સૌના ‘આશિષ’ ફળે એમ છે.
  • ગઝલ

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved