Opinion Magazine
Number of visits: 9575542
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

આપણે કશું નહીં કરીએ તો કાયમ માટે કેદ થઈ જઈશું

અરુંધતિ રૉય|Opinion - Opinion|27 May 2020

કોરોના વાઇરસથી સર્જાયેલી મહામારીએ જાણે મૂડીવાદરૂપી મશીનનું એન્જિન ઠપ કરી દીધું છે.

પરંતુ આ પરિસ્થિતિ કાયમ રહેવાની નથી. આજે સમગ્ર માનવજાતિ થોડા સમય માટે પોતાના ઘરોમાં કેદ છે, ત્યારે પૃથ્વી પોતાની હાલત સુધારવાની ક્ષમતા ધરાવે છે તેનો અણસાર મળી રહ્યો છે. જ્યારે આપણે બીમાર અને કશું કરવાની ક્ષમતા ધરાવતા ન હતા, ત્યારે પણ પૃથ્વી બધું ખમ્યે જતી હતી તે વાસ્તવિકતા અચંબિત કરનારી છે. પરંતુ જે કામ જોરશોરથી ચાલુ છે તેને કેમ કરીને અટકાવીશું? ભારતનો દાખલો લઈએ, થોડા દિવસ પહેલાં વાઘ માટે સુરક્ષિત જંગલ વિસ્તારનો ઘણો મોટો ભાગ કુંભના મેળા જેવા એક વિશાળ ધાર્મિક આયોજન માટે લગભગ તૈયાર કરી દેવામાં આવ્યો. ત્યાં કરોડો શ્રદ્ધાળુઓ આવશે. આસામમાં હાથીઓ માટેનો સુરક્ષિત જંગલ વિસ્તાર કોલસાના ખોદકામ માટે પસંદ કરવામાં આવ્યો છે. અરુણાચલ પ્રદેશમાં આવેલી હિમાલયના જંગલોની હજારો એકર જમીન જળવિદ્યુત મથક માટે બંધાનારા બંધમાં ડૂબી જશે. આ બધા વચ્ચે અમેરિકાના પ્રમુખ ટ્રમ્પ પાછળ રહે? તેમણે ચંદ્ર પર ખોદકામ કરવાના આદેશ પર હસ્તાક્ષર કર્યા છે!

જેમ કોરોના વાઇરસ માણસના શરીરમાં દાખલ થઈને અગાઉની બીમારીને વધારી દે છે, તેવી જ રીતે આ વાઇરસે અલગ અલગ રાષ્ટ્રો અને સમાજોમાં દાખલ થઈને તેની નબળાઈઓ અને માંદગીને સામે લાવીને મૂકી દીધી છે. તેણે આપણા સમાજમાં વ્યાપ્ત અન્યાય, સાંપ્રદાયિકતા, રંગભેદ, જાતિવાદ અને સૌથી વધુ તો અસમાનતામાં વધારો કર્યો છે. સત્તાનાં વિવિધ અંગો કે જેમનો આમ તો ગરીબોનાં દુઃખ કે પીડા સાથે કોઈ સંબંધ રહ્યો નથી અને ઝાઝો સમય તેમણે ગરીબોના દાઝ્યા પર ડામ દેવાનું જ કામ કર્યું છે, તેમની સામે આજે એ પ્રશ્ન આવીને ઊભો છે કે આ બીમારી જો ગરીબોમાં ફેલાશે તો તે પૈસાદાર લોકો માટે જોખમી સાબિત થશે. અત્યાર સુધી આ બીમારીના ઉપચાર માટે કોઈ સુરક્ષિત ઉપાય નથી. પરંતુ શક્ય તેટલી ઝડપી કોઈને કોઈ ઉપાય મળી આવશે. જે મોટા ભાગે વેક્સિન સ્વરૂપે હશે. અને હંમેશની જેમ તેનો પહેલો કબજો જેમના હાથમાં સત્તા છે તેમની પાસે જ રહેશે. અને રમત ફરી એક વાર શરૂ થશે — વ્યક્તિ જેટલી વધુ પૈસાદાર તેની જીવવાની સંભાવના એટલી વધારે.

ભારતીય ઉદ્યોગજગત સરકાર પર શ્રમિકોના અધિકારોમાં જે થોડું ઘણું બચ્યું છે તે બદલવા દબાણ કરી રહી છે. જેમાં દિવસના 12 કલાકના કામને મંજૂરી આપવા સહિતની માગણીઓ કેટલાંક રાજ્યોએ સ્વીકારી પણ લીધી છે. રાજસત્તા અને તેનું તંત્ર હાલમાં મહામારીના પ્રકોપથી હલી ગયાં છે. એ તો હંમેશાં વિકાસ અને સંસ્કૃતિના પોતાના ખ્યાલો સાથે વિનાશના પથ પર જ પૂરજોશમાં ગાડી ચલાવી રહ્યાં હતાં. જ્યારે પરમાણુ, રાસાયણિક તેમ જ જૈવિક શસ્ત્રોનો વધુ ને વધુ ઘાતક વિકાસ તેમ જ સંગ્રહ કરવામાં આવે છે, ત્યારે આ ગાડી બેફામ ગતિએ ચાલે છે અને જ્યારે આખા ને આખા દેશ પર એવા પ્રતિબંધ લદાય છે, જેને લીધે સમસ્ત જનતાને જીવનરક્ષક દવાઓથી વંચિત કરી દેવાય. ત્યારે આ ગતિ તેની ચરમ સીમાએ પહોંચે છે. આ એવી ગતિ છે, જેમાં પ્રકૃતિ-પૃથ્વીના નાશની ઝડપની સામે કોવિડ-૧૯થી થતું નુકસાન તો બાળકોની રમત જેવું લાગે! દુનિયા લૉક ડાઉનમાં રહી ત્યારે આ શતરંજની ચાલ ખૂબ ઝડપથી આગળ વધી રહી છે. સરમુખત્યાર સરકારો માટે, કોરોના વાઇરસ જાણે ભેટ બનીને  આવ્યો છે.

રોગચાળો ફેલાય એ કોઈ નવી બાબત નથી, પરંતુ ડિજિટલ યુગમાં આવું પહેલી વાર બન્યું છે. આ આંતરરાષ્ટ્રીય આપદાના સમયમાં સ્થાનિક સરકારો અને આપદાના સમયે ફાયદો ઉઠાવતા મૂડીવાદીઓ તેમ જ ડેટા માઇનર(માહિતી ભેગી કરતાં લોકો-સંસ્થાઓ)ની પોતાના સ્વાર્થ માટે ઊભી થયેલી મિલીભગતના આપણે સાક્ષી બન્યા છીએ. આ બધું ભારતમાં પણ ઘણી ઝડપે થઈ રહ્યું છે. ફેસબુકે ભારતની સૌથી મોટી મોબાઈલ નેટવર્ક કંપની જિઓ સાથે કરાર કર્યો છે, જેમાં તે તેના 40 કરોડ વોટ્સએપ વપરાશકર્તાઓની પાયાની વિગતોની આપ-લે કરી શકશે. બિલ ગેટ્સ વડા પ્રધાન મોદીની પ્રશંસા કરી રહ્યાં છે. તેમના આ શિષ્ટાચારની પાછળ નફો મેળવવાની વૃત્તિ હોય, તેમાં શંકાને કોઈ સ્થાન નથી. વડાપ્રધાનશ્રીની ભલામણથી અત્યાર સુધીમાં કરોડો લોકોએ આરોગ્ય સેતુ એપ્લિકેશન ડાઉનલોડ કરી છે. (આરોગ્ય માટે કે સરકાર ચાંપતી નજર રાખી શકે તે માટે?) આ સાથે, માટે રહસ્યમય પી.એમ. કેર ફંડ છે, જેનું જાહેર ઓડિટ થવાનું નથી તેમાં એક દિવસનો પગાર જમા કરવાનું ફરજિયાત કરાયું છે.

જો કોરોના પહેલાં આપણે કોઈ વિચાર કર્યા વિના ધીમે ધીમે સર્વેલન્સ (સરકારી દેખરેખ) તરફ આગળ વધી રહ્યા હતા, તો હવે આપણે તેના ડરને કારણે સુપર સર્વેલન્સ તરફ દોડી રહ્યાં છીએ. જ્યાં આપણી પાસેથી આપણી અંગતતા, આપણું ગૌરવ, આપણી સ્વતંત્રતા — આ બધું કોઈ બીજાના કાબૂમાં જશે. આપણા ઉપર નિયંત્રણ કરવાની અને આપણી નાની નાની બાબતો નક્કી કરવાની સત્તા આપણે બીજાના હાથમાં આપવાનું સ્વીકારી રહ્યાં છીએ. લૉક ડાઉન સમાપ્ત થયા પછી પણ જો આપણે ઝડપથી આ અંગે વિચારીને કશું કરીશું નહીં તો, એ નિશ્ચિત છે કે ભવિષ્યમાં આપણે કાયમ માટે કેદ થઈ જઈશું. આ એન્જિનને આપણે કાયમ માટે કેવી રીતે બંધ કે નકામું બનાવી શકીએ? એને વિશે વિચારીને પગલાં ભરવા તે આપણું કામ છે.

[‘પ્રોગ્રેસિવ ઇન્ટરનેશનલ’]

સૌજન્ય : “નિરીક્ષક” − ડિજિટલ આવૃત્તિ; 27 મે 2020

Loading

કોરોના પછીના વિશ્વમાં અમેરિકા-ભારત-ચીનનાં સમીકરણ

ભરત મહેતા|Opinion - Opinion|27 May 2020

દિનપ્રતિદિન આપણે જોઈ રહ્યાં છીએ કે દુનિયાભરના અર્થતંત્રને તબાહ કરનાર અને વિશ્વની મહાસત્તા કોરોનાકાળમાં પોતાના જ નાગરિકોની રક્ષા કરી રહ્યું નથી! કોરોનામાં એક લાખનો મૃત્યુઆંક વટાવનાર તે પહેલો દેશ બન્યો. ત્યાર પહેલાં ભારતના દીવા-થાળી-ફૂલવર્ષાની જેમ વ્હાઇટ હાઉસમાં સર્વધર્મપ્રાર્થના રાખવામાં આવી હતી! ટ્રમ્પે આ ગાળામાં તદ્દન બિનજવાબદાર પ્રમુખની જેમ વિધાનો કર્યાં છે. પોતાની નિષ્ફળતાને છાવરવા દરેક જણ તબલિઘી જેવી શોધમાં હોય છે. હવે અમેરિકામાં ચૂંટણી નજીક આવી રહી છે ત્યારે આ વાઇરસના નામે પોતાના નિષ્ફળ આયોજનનો ટોપલો કોઈના શિરે ઢોળી દેવા અમેરિકા તત્પર છે. શરૂઆતમાં જ કોરોના વાઇરસને ‘ચીની વાઇરસ’ કહીને ટ્રમ્પે એક સંકેત તો આપ્યો જ હતો. હવે તો યુદ્ધના ભણકારા પણ સંભળાઈ રહ્યા છે. ચૂંટણી જીતવા ટ્રમ્પ યુદ્ધોન્માદ સર્જતાં પણ નહીં અચકાય. ઈરાકમાં લોકશાહી સ્થાપવાના નામે, તાનાશાહ સદ્દામ હુસૈનથી પ્રજાને બચાવવાના બહાને, અમેરિકાએ જગતજમાદારની જેમ વર્તીને યુદ્ધ છેડ્યું અને ઈરાકના પેટ્રોલના કૂવા પર કબજો જમાવી દીધો. પણ ઈરાકમાં લોકશાહીનું હજુ સુધી ઠેકાણું પડ્યું નથી. બનાવટી સમાચારોનાં વાવાઝોડાં ઊભા કરીને પોતાનો સ્વાર્થ સાધી લેવામાં અમેરિકા માહેર છે. ઈરાકયુદ્ધ વખતે સંયુક્ત રાષ્ટ્રસંઘે કહ્યું હતું કે ઈરાક પાસે કોઈ કેમિકલ શસ્ત્રો (વેપન્સ ઑફ માસ ડિસ્ટ્રક્શન) નથી. છતાં યુનોની ઐસીતૈસી કરીને પ્રવાહી સોના જેવા પેટ્રોલ માટે ખાડીયુદ્ધ કરાયું. જનસંહાર અમેરિકા માટે રમતવાત છે. ઈરાક સામે યુદ્ધ નહીં કરવા નોમ ચોમ્સ્કી કે બ્રિટનના લેખક હેરોલ્ડ પિન્ટરથી માંડી પ્રબુદ્ધ બુદ્ધિજીવીઓએ તત્કાલીન પ્રમુખ બુશને ચેતવ્યા હતા. પણ કોઈનું સાંભળે તે બીજા.

આજે પુનઃ ટ્રમ્પ ચીન સાથે આવું જ કરવા જઈ રહ્યા છે, ત્યારે અમેરિકામાં કયા પ્રકારનું દ્વંદ્વ ચાલે છે તે જોઈએ. અમેરિકાની સેનાના જોઇન્ટ ચીફ ઑફ સ્ટાફના ચૅરમે માર્ક મિલી કોરોના વાઇરસ વુહાનની લૅબમાંથી આવ્યો છે તે માનવા તૈયાર નથી. દુનિયાભરના ઘણા વિજ્ઞાનીઓ તૈયાર નથી. બીજી તરફ અમેરિકાના વિદેશમંત્રી માઇક પોમ્પિયોએ દાવો કર્યો છે કે આ વાઇરસ ચીનની લૅબમાંથી આવ્યો છે, એ સાબિત કરતા તેમની પાસે ઘણા પુરાવા છે. તો વિદેશમંત્રી તેમની સેનાના ચેરમેનને એ પુરાવા આપી કેમ દેતા નથી?

સરકાર તરફી પ્રસાર માધ્યમો પણ આમાં ઝંપલાવી ચૂક્યાં છે. ટ્રમ્પને ચૂંટણી જીતાડવામાં મોટી મદદ કરનાર, જમણેરી ફોક્સ ન્યૂઝે એક વાર્તા ઘડી કાઢી છે. ફોક્સ ન્યૂઝના જણાવ્યા પ્રમાણે જિયો કવાંક નામના રિસર્ચ સાયન્ટિસ્ટે આપેલી કેફિયત મુજબ, આ વાઇરસ વુહાનમાંથી આવ્યો છે. આ રિસર્ચ સાયન્ટિસ્ટ ચીની છે. આ સમાચારને આધાર બનાવીને દુનિયામાં સર્વત્ર આ પ્રચાર શરૂ કરવામાં આવ્યો છે. પરંતુ હજુ એટલું સારું છે કે અમેરિકામાં વૈકલ્પિક મીડિયા સંસ્થાઓ પણ મજબૂત છે, ઊંડાણથી કામ કરનાર પત્રકારો છે. ‘ગ્રે ઝોન’ નામની સંસ્થા ચલાવતા મેક્સ બ્લ્યુમેંથલ અને ભારતીય પત્રકાર અજિતસિંહે ફોક્સ ન્યૂઝની આ વાર્તાની હવા કાઢી નાખી છે. અમેરિકાની આ પ્રયુક્તિ જૂની છે. ઈરાકયુદ્ધ વખતે પણ આવી રીતે ખોટી વીડિયો બતાવવામા આવી હતી. ત્યારે પણ અમેરિકન પત્રકારોએ સાબિત કર્યું હતું કે (અમેરિકાની સંસદના ઉપલા ગૃહ) સૅનેટમાં બતાવેલી વીડિયો ફિલ્મ ખોટી હતી.

મેક્સ બ્લ્યુમેંથલ અને અજિતસિંહે શોધી કાઢ્યું કે જિયો કવાંક ચીની છે, પણ વર્ષોથી અમેરિકામાં છે અને અમેરિકાનું ફંડ મેળવીને વારેતહેવારે ચીન વિરુદ્ધ ઝેર ઓકવામાં મોખરે છે. તેના વિશેની ફોક્સ ન્યૂઝની સ્ટોરીનો હવાલો આપીને ‘વૉશિંગ્ટન પોસ્ટ’માં કોલમ લખનાર જોશ રોગોને લખ્યું કે મારી પાસે પુરાવો નથી પરંતુ ચીનની લેબમાંથી જ વાઇરસ નીકળ્યો છે ! આમ, જે બાબતમાં વિશેષજ્ઞોના અભિપ્રાય જરૂરી હોય ત્યાં માધ્યમો આવું હાંક્યે રાખે છે. વિશ્વ આરોગ્ય સંસ્થાએ છેવટે જાહેર કર્યું કે આ વાઇરસ ચીનની લૅબમાંથી નીકળ્યો નથી. અલબત્ત, ટ્રમ્પને અને બીજા ઘણાને લાગે છે કે વિશ્વ આરોગ્ય સંસ્થા પણ ચીનનું ઉપરાણું લે છે.

આપણે જાણીએ છીએ કે રશિયાના પતન પછી જગતજમાદાર બની ચૂકેલા અમેરિકાનો મુકાબલો ચીન કરી રહ્યું છે. ૧૯૭૬ સુધી જ્યાં નાગરિકો પાસે સાઇકલનાં ફાંફા હતા ત્યાં જીવનસ્તર ઘણું ઊંચું થયું છે. ભારત પછી બે વરસે આઝાદ થનાર આ દેશ આજે દુનિયાની મહાસત્તા ગણાય છે. એકચક્રી શાસનમાં માનતા અમેરિકાને ચીન આંખના કણાની માફક ખૂંચે છે. તેથી પોતાનાં તમામ માધ્યમોને કામે લગાડીને ચીને જ કોરોનાનો કાળો કેર વર્તાવ્યો છે તે ઠસાવી, પોતે દુનિયાનો તારણહાર હોવાના ડોળ સાથે પગલાં લેવા માગે છે, એવું તે સ્થાપિત કરશે. તેની અસરો દુનિયાના રાજકારણ અને અર્થતંત્ર પર પણ પડશે જ. વિશ્વ આરોગ્ય સંસ્થાની જાહેરાત પછી ચીને પણ કહ્યું કે વુહાનની ઘટના પૂર્વે વુહાનમાં ‘વિશ્વ સૈનિક સંમેલન’ યોજાયેલું. જેમાં પાંચસોથી વધુ અમેરિકાના સૈનિકો આવ્યા હતા એના દ્ધારા પણ આ વાઇરસ ચીનમાં આવ્યો હોય. (બીજી બાબતોની જેમ આક્રમક પ્રચારતંત્રની બાબતમાં ચીન પણ અમેરિકાથી પાછું પડે એમ નથી.)

હકીકત એ છે કે અમેરિકાના આ વલણ સામે ઉપખંડ તરીકે ભારતે શાણપણ બતાવવું પડશે. એક તરફ પાકિસ્તાની સુરક્ષા અધિકારીઓ ડૉ. માઈકલ રૂબિન જેવા બોલવા માંડ્યા છે કે ચીન પાકિસ્તાનને પોતાની ‘કૉલોની’ બનાવી નાખશે ! અરે ભાઈ, અમેરિકાએ પાકિસ્તાનને કૉલોની બનાવવામાં ક્યાં કંઈ બાકી રાખ્યું હતું? બીજી તરફ ભા.જ.પ.ના પ્રવક્તા રામ માધવ એકદમ શેખચલ્લીરંગમાં આવી જઈને ‘ઇન્ડિયન એકસપ્રેસ’માં લખે છે કે હવેની દુનિયા ભારત, જર્મની અને અમેરિકાની હશે! પર્યાવરણ, આરોગ્ય, ટેકનૉલોજીના કારણે વિદેશી કંપનીઓ ચીનના બદલે ભારતને પસંદ કરશે ! બીજી તરફ વાસ્તવિકતા એ છે કે ભારતમાં જ ચીનની કેટલી બધી કંપની છે. સ્ટેચ્યુ ઑફ યુનિટીના ભાગ ચીનમાં તૈયાર થયા અને અહીં લાવીને તેમને જોડવામાં આવ્યા હતા, એના સમાચાર જાણીતા છે.

આપણે પ્રજાને માસ્ક ને પી.પી.ઇ. કીટ પૂરાં પાડી શકતાં નથી ને ચીનની હરીફાઈની વાતો કરીએ છીએ! રામ માધવે લેખમાં લખ્યું કે ચીનનું ભાવિ અંધકારમય છે. પણ એ ભાઈ જરા વધારે નજીકનું જોશે તો તેમને સમજાશે કે ચીનના ભાવિ કરતાં પહેલાં આપણા વર્તમાનની ચિંતા વધારે કરવા જેવી છે. એકહથ્થુ શાસનથી નીતિનિયમો નેવે મૂકીને ચીન એટલું શક્તિશાળી બન્યું છે કે અમેરિકાને તે હંફાવે છે. તેથી ચીન અને અમેરિકાના ગજગ્રાહમાં ભારતે સૌથી પહેલાં અમેરિકા સાથેનો સંબંધ નહીં, પોતાનું હિત જોવાનું રહે છે.

e.mail : bharatmehta864@gmail.com

સૌજન્ય : “નિરીક્ષક” − ડિજિટલ આવૃત્તિ; 27 મે 2020

Loading

કોરોના લૉક ડાઉન અને ભારતમાં મંદી

આત્મન શાહ|Opinion - Opinion|26 May 2020

સામાન્ય રીતે કોઈ પણ ઘટનાને કારણે આર્થિક, સામાજિક, રાજકીય અને પર્યાવરણીય અસરો ઊભી થતી હોય છે. કોરોના વાઇરસ અને તેના કારણે થયેલા લૉક ડાઉનમાં લગભગ તમામ દેશોમાં આર્થિક પ્રવૃત્તિઓમાં મોટા પાયે ઘટાડો થયો છે. માત્ર જીવન જરૂરિયાતની વસ્તુઓનું ઉત્પાદન અને વહેંચણી ચાલુ છે. ભારત પણ તેમાં અપવાદ નથી. જ્યારે આર્થિક પ્રવૃત્તિઓ બંધ થાય ત્યારે સ્વાભાવિક રીતે તેની અસર દેશના અર્થતંત્ર પર પડે છે. તે ઉપરાંત, તમામ દેશો આંતરરાષ્ટ્રીય વેપારના કારણે એકબીજા સાથે સંકળાયેલા છે તેથી એક દેશમાં આવેલી મંદી બીજા દેશના આર્થિક વૃદ્ધિ દરને નોંધપાત્ર રીતે અસર પહોંચાડે છે. અર્થશાસ્ત્રમાં કાયમ વિનિમય(trade off)ની વાત કરવામાં આવે છે. કોરોના વાઇરસના ફેલાવાના કારણે સમગ્ર દેશમાં લૉક ડાઉન કરવામાં આવ્યું, તેમાં પણ આ બાબત લાગુ પડે છે. ઘણાં અર્થશાસ્ત્રીઓ અને બિનસરકારી સંસ્થાઓમાં કામ કરતા નિષ્ણાતો જણાવે છે કે જો રાજ્ય દ્વારા યોગ્ય નાણાકીય મદદ જરૂરિયાતમંદ લોકો સુધી નહીં પહોંચે, તો કોરોના કરતાં વધારે મૃત્યુ ભૂખમરાને કારણે થશે. કેમ કે લોકો પાસે લૉક ડાઉન દરમિયાન આવક નથી અને બચતો વપરાઇ રહી છે. ગુજરાતનાં સુરત શહેરમાં બનેલી ઘટના પણ દર્શાવે છે કે જો લોકો સુધી નાણાકીય સહાય નહીં પહોંચે તો દેશમાં અંધાધૂંધી ફેલાઈ શકે છે.

શા માટે પ્રતિકૂળ આર્થિક અસર ઊભી થશે?

ભારતીય અર્થતંત્ર આમ પણ છેલ્લાં 2 વર્ષથી મંદ ગતિએ આગળ વધી રહ્યું હતું અને હવે લૉક ડાઉનના કારણે તેની ઉપર વધારે પ્રતિકૂળ અસર ઊભી થશે જ. અર્થતંત્રમાં તેને પરિણામે મંદી આવશે અથવા તો દેશની કુલ આવક ઘટશે તે નિશ્ચિત છે. સામાન્ય રીતે કોઈ પણ અર્થતંત્રમાં મંદી આવવાનાં બે કારણો હોઈ શકે છે. પહેલું કારણ છે બજારની કુલ માંગ ઉપર નકારાત્મક અસર અને બીજું કારણ છે બજારના વસ્તુઓ અને સેવાઓના પુરવઠા ઉપરની નકારાત્મક અસર.

વર્તમાન સમયમાં કારખાનાં, લારી-ગલ્લા, બાંધકામ, હોટલો, થિયેટર્સ, મોલ્સ વગેરે જેવી આર્થિક ઉત્પાદનની અને સેવાઓની પ્રવૃત્તિઓ લાંબા સમય સુધી બંધ રહી. તેથી પ્રથમ તબક્કામાં વસ્તુઓ અને સેવાઓના પુરવઠા ઉપર નકારાત્મક અસર ઊભી થાય. પુરવઠા ઉપર નકારાત્મક અસર ઊભી થવાને કારણે ઉત્પાદન ઓછું થાય અને દેશની આવક એટલે કે જી.ડી.પી. ઘટશે. ઉત્પાદન ઘટવાને કારણે આ ક્ષેત્રોમાં કામ કરતા લોકોની આવક ઘટે અને કદાચ કેટલાક લોકોને કામમાંથી છૂટા પણ કરવામાં આવે. તેથી બીજા તબક્કામાં તેની માગ ઉપર નકારાત્મક અસર ઊભી થાય.

લૉક ડાઉન ખૂલ્યા બાદ થોડા સમય સુધી દેશનાં બજારોમાં વસ્તુઓ અને સેવાઓનાં માગ અને પુરવઠા વચ્ચે મોટો તફાવત ઊભો થવાની સંભાવના છે કે જેથી ફુગાવો થશે, એટલે કે વસ્તુના ભાવમાં વધારો થશે. લૉક ડાઉન ખૂલ્યા બાદ તરત જ તમામ વસ્તુઓ અને સેવાઓની માંગ નહીં વધે. કારણ કે આરોગ્યની ચિંતાને કારણે સાવચેતીના હેતુ માટે લોકો બચતો વધારશે અને અમુક સેવાઓ કે જ્યાં ભીડ હોય છે જેમ કે હોટેલ, ખાણીપીણીનાં બજારો, થિયેટર, પર્યટનનાં સ્થળો વગેરે જગ્યાઓએ જતાં લોકો ડરશે. આથી તેના ઉત્પાદનમાં કે તેમાં કામ કરતા લોકોની આવકમાં તરત જ વધારો થવો શક્ય લાગતો નથી.

ભારતના આંતરરાષ્ટ્રીય વેપારમાં ચીન અને અમેરિકા બંને મહત્ત્વનો હિસ્સો ધરાવે છે. હાલમાં બંને દેશોમાં આર્થિક પ્રવૃતિઓ લગભગ બંધ છે. દેશની કુલ આયાતમાં ચીનનો ફાળો 14.63 ટકા છે, જ્યારે નિકાસમાં તેનો ફાળો 5.08 ટકા છે. ચીનમાં લૉક ડાઉન હોવાને કારણે તેની પ્રતિકૂળ અસર ભારતના ઉદ્યોગો ઉપર પડી છે અને સમય જતાં વધુ અસર પડશે. ચીનમાં ઉદ્યોગ ક્ષેત્રનો વૃદ્ધિ દર ઘટવાને કારણે તેની અસરો જે 15 દેશો ઉપર સૌથી વધુ પડશે તે યાદીમાં ભારત પણ છે. એક અંદાજ મુજબ ચીનમાં થયેલા લૉક ડાઉનના કારણે તેનું ઉત્પાદન 2 ટકા આસપાસ ઘટશે. આથી તેની પ્રતિકૂળ અસરો બીજા દેશો ઉપર પણ જોવા મળશે.

આમ, વિદેશ વેપાર ઓછો થવાને કારણે તેની પ્રતિકૂળ અસર દેશની કુલ આવક અને રોજગારી પર જોવા મળશે. વર્લ્ડ ઇકોનૉમિક ફૉરમના અંદાજ પ્રમાણે આંતરરાષ્ટ્રીય વેપાર બંધ અથવા તો ઓછો થવાને કારણે ભારતને 34.8 કરોડ ડોલરનું નુકસાન થશે. તેમાં કોઈ જ બેમત નથી કે લૉક ડાઉનના કારણે પ્રતિકૂળ સામાજિક અસરો પણ ઊભી થશે. જેમ કે ઘરેલુ હિંસા, બાળશોષણ વગેરેના કિસ્સાઓમાં નોંધપાત્ર વધારો થયો છે અને તેને નાણામાં માપવાનું અશક્ય છે. બીજી તરફ એવી પણ એક દલીલ છે કે વિશ્વમાં પ્રદૂષણ ઓછું થઈ રહ્યું છે અથવા તો પર્યાવરણમાં સુધારો થઈ રહ્યો છે. આપણે એ બાબત સ્પષ્ટપણે સમજી લેવી જોઈએ કે આ માત્ર લૉક ડાઉન પૂરતું સીમિત છે. 

લૉક ડાઉન અને જી.ડી.પી.

જી.ડી.પી. એટલે દેશની અંદર રહેતાં લોકો દ્વારા જે ઉત્પાદન થાય છે તેનું નાણાકીય મૂલ્ય. સામાન્ય રીતે જી.ડી.પી. એ દેશની આર્થિક પરિસ્થિતિનું ચિત્ર રજૂ કરે છે. વિશ્વ બેંક દ્વારા કરવામાં આવેલા અંદાજ મુજબ સમગ્ર વિશ્વની આવકમાં 2 ટકાનો ઘટાડો, વિકાસશીલ દેશોની જી.ડી.પી.માં 2.5 ટકાનો ઘટાડો અને વિકસિત દેશોની જી.ડી.પી.માં 1.8 ટકા જેટલો ઘટાડો નોંધાશે.

લૉક ડાઉન ખૂલ્યા બાદ તરત જ વસ્તુઓ અને સેવાઓનું ઉત્પાદન પણ વધશે નહીં. કારણ કે બજારમાં હજુ પણ જૂનું ઉત્પાદન મોજૂદ છે. અર્થતંત્ર રાબેતા મુજબ ચાલુ થશે એટલે સૌ પ્રથમ જે ઉત્પાદન થઈ ચૂક્યું છે તે બજારમાં આવશે અને તેના થોડા સમય બાદ નવું ઉત્પાદન શરૂ થશે. જો મે મહિના સુધીમાં આર્થિક પરિસ્થિતિ થાળે પડી જાય તો 2020-21ના એપ્રિલ-જૂનના ત્રણ માસ દરમ્યાન જી.ડી.પી.નો વૃદ્ધિ દર લગભગ એક ટકાની આસપાસ રહેવાનો અંદાજ હતો અને ત્યાર બાદ ઉત્પાદનની પ્રવૃત્તિઓ તેમની કાર્યક્ષમતા મુજબ ચાલુ થાય તેવી સંભાવના વ્યક્ત કરાઈ હતી. એ સંજોગોમાં જુલાઈ-સપ્ટેમ્બરના ત્રણ માસ દરમ્યાન જી.ડી.પી.નો વૃદ્ધિ દર 3.5 ટકાની આસપાસ રહેવાનો અંદાજ હતો.

‘સંયુક્ત રાષ્ટ્રો’ના એક અહેવાલ મુજબ 2020-21માં ભારતનો જી.ડી.પી.નો વૃદ્ધિ દર 4.8 ટકા રહેવાનો અંદાજ છે. રેટિંગ એજન્સી મૂડીઝના અંદાજ પ્રમાણે, લૉક ડાઉન પહેલાં જી.ડી.પી.નો વૃદ્ધિ દર ચાલુ વર્ષે 5.3 ટકા રહેવાનો અંદાજ હતો અને હવે તે 2.5 ટકા અંદાજવામાં આવ્યો છે. જ્યારે ક્રિસિલ એજન્સી દ્વારા જી.ડી.પી.નો વૃદ્ધિ દર 5.2 ટકા અંદાજવામાં આવ્યો છે. આ બાબત સ્પષ્ટપણે એમ દર્શાવે છે કે ચાલુ વર્ષે દેશની આવકના વૃદ્ધિ દરમાં ચોક્કસપણે મોટો ઘટાડો થશે.

લૉક ડાઉન અને રોજગારી

કોરોના મહામારીની આવક ઉપર જેમ વિપરીત અસર થશે, તેમ રોજગારી ઉપર પણ ખૂબ જ ગંભીર અસરો પડશે. ખેતી, ઉદ્યોગ અને સેવા ક્ષેત્રોમાં દૈનિક પગાર ઉપર કામ કરતા લોકોનું પ્રમાણ ખૂબ વધારે છે. તદુપરાંત, તેમની પાસે કોઈ લેખિત કરારો હોતા નથી. સરકારના સામયિક શ્રમ દળ અહેવાલ (PLFS) 2017-18 મુજબ દેશમાં ગ્રામીણ વિસ્તારોમાં 25 ટકા અને શહેરી વિસ્તારમાં 11.8 ટકા લોકો છૂટક કામ કરનારા છે એટલે કે તેમની પાસે કોઈ નિશ્ચિત કે કાયમી કામ નથી.

જે લોકો બિન-ખેતી ક્ષેત્રમાં નિયમિત પગાર ઉપર કામ કરે છે, તેમાંથી 71.1 ટકા લોકો પાસે કોઈ પણ લેખિત કરાર નથી, જ્યારે 49.9 ટકા લોકો સરકાર દ્વારા પૂરી પાડવામાં આવતી સામાજિક સલામતીનો લાભ લેવા માટે પાત્ર નથી. દેશમાં આશરે 14 કરોડ લોકો એવા છે કે જેમની પાસે કોઈ પણ લેખિત કરારો નથી. લૉક ડાઉનના કારણે તેમણે તેમની રોજગારી ટૂંકા ગાળા માટે ગુમાવવી પડે તેવી સંભાવના છે અથવા તો તેમણે આખો કે તેથી ઓછો પગાર ગુમાવવો પડશે. જો સરકાર યોગ્ય પ્રમાણમાં અને યોગ્ય સમયે તેમને નાણાકીય મદદ નહીં કરે તો બેરોજગારી ખૂબ જ વધી જશે.

CIIના અંદાજ મુજબ કોરોના મહામારીને કારણે માત્ર ઉદ્યોગ ક્ષેત્રમાં 2 કરોડ લોકોની રોજગારી છીનવાઈ જશે. અહીં પ્રશ્ન માત્ર નોકરી છીનવાશે તેટલા પૂરતો સીમિત નહિ રહે. રોજગારી ન છીનવાય તે તો મહત્ત્વનું છે જ. સાથે સાથે બજારમાં નવી રોજગારીનું સર્જન થાય તે પણ તેટલું જ આવશ્યક છે. કેમ કે દર વર્ષે દેશના શ્રમ દળમાં નવા યુવાનો ઉમેરાતા જાય છે. લૉક ડાઉન બાદ તરત જ નવી રોજગારીનું સર્જન થાય તે શક્ય નથી પરંતુ વર્તમાન રોજગારીનો દર જળવાઈ રહે તેવી પણ કોઈ શક્યતા દેખાતી નથી એટલે કે દેશમાં ટૂંકા ગાળામાં બેકારીનું પ્રમાણ વધશે અને તેની પણ પ્રતિકૂળ અસર જી.ડી.પી. ઉપર પડશે.

આમ, કોરોના મહામારીના કિસ્સામાં બે બાબતો સ્પષ્ટ થાય છે. પહેલી એ કે દેશની આવક ઘટશે એટલે કે મંદી આવશે અને બીજું બેકારી વધશે. પરંતુ આ અસર સમયના ટૂંકા ગાળા માટે જ રહેશે એમ લાગે છે. જેમ જેમ અર્થતંત્ર પાટે ચડતું જશે તેમ તેમ બજારમાં રોજગારી વધશે અને આવક પણ વધશે પરંતુ તેનો ચોક્કસ સમય કહેવો અત્યારે ખરેખર જ કઠિન છે. અહીં એ બાબત સમજવી ખૂબ જ મહત્ત્વની છે કે વર્તમાન સ્થિતિમાં આર્થિક વૃદ્ધિ કરતાં લોકોનું જીવન વધુ અગત્યનું છે.

e.mail : atman.shah@sxca.edu.in

સૌજન્ય : “નિરીક્ષક” − ડિજિટલ આવૃત્તિ; 26 મે 2020

Loading

...102030...2,3452,3462,3472,348...2,3602,3702,380...

Search by

Opinion

  • લાઈક-રીલ્સથી દૂર : જ્યારે ઓનલાઈનથી ઓફલાઈન જિંદગી બહેતર થવા લાગે
  • રુદ્રવીણાનો ઝંકાર ભાનુભાઈ અધ્વર્યુની કલમે
  • લોહી નીકળતે ચરણે ….. ભાઇ એકલો જાને રે !
  • ગુજરાતની દરેક દીકરીની ગરિમા પર હુમલો ! 
  • શતાબ્દીનો સૂર: ‘ધ ન્યૂ યોર્કર’ના તથ્યનિષ્ઠ પત્રકારત્વની શાનદાર વિરાસત

Diaspora

  • દીપક બારડોલીકરની પુણ્યતિથિએ એમની આત્મકથા(ઉત્તરાર્ધ)ની ચંદ્રકાન્ત બક્ષીએ લખેલી પ્રસ્તાવના.
  • ગાંધીને જાણવા, સમજવાની વાટ
  • કેવળ દવાથી રોગ અમારો નહીં મટે …
  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !
  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ

Gandhiana

  • ગાંધીસાહિત્યનું ઘરેણું ‘જીવનનું પરોઢ’ હવે અંગ્રેજીમાં …
  • સરદાર પટેલ–જવાહરલાલ નેહરુ પત્રવ્યવહાર
  • ‘મન લાગો મેરો યાર ફકીરી મેં’ : સરદાર પટેલ 
  • બે શાશ્વત કોયડા
  • ગાંધીનું રામરાજ્ય એટલે અન્યાયની ગેરહાજરીવાળી વ્યવસ્થા

Poetry

  • ગઝલ
  • કક્કો ઘૂંટ્યો …
  • રાખો..
  • ગઝલ
  • ગઝલ 

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved