Opinion Magazine
Number of visits: 9681604
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

આત્મનિર્ભર ભારત અભિયાનઃ વાસ્તવિકતા અને વાતો વચ્ચે આભ-જમીનનું છેટું છે

ચિરંતના ભટ્ટ|Opinion - Opinion|14 June 2020

અત્યારે આપણે આર્થિક સૂઝ અને સ્થિરતાથી જોજનો દૂર છીએ. આત્મનિર્ભર ભારતનાં સ્તંભોમાં અર્થતંત્ર, ઇન્ફ્રાસ્ટ્રક્ચર, વહીવટ, લોકશાહી અને માંગની વાત થઇ પણ કમનસીબે શિક્ષણનો ઉલ્લેખ ન થયો. શિક્ષણ વ્યવસ્થામાં જો ધરમૂળથી હકારાત્મક બદલાવ નહીં લવાય તો પછી આત્મનિર્ભરતાની શક્યતા બહુ મર્યાદિત છે એ નક્કી છે.

કોરોના વાઇરસનાં આ સમયે આપણને ઘણું બધું આપ્યું, એમાં ય ખાસ કરીને નવા શબ્દો આપ્યા અથવા તો આપણે એવા શબ્દોનો ઉપયોગ કરતાં થયા જે પહેલાં હતા તો ખરા પણ આપણે તેનો ઉપયોગ નહોતા કરતા. જેમ કે લૉકડાઉન, સંક્રમણ, આઉટબ્રેક વગેરે અને આત્મનિર્ભર અભિયાન અને સાથે વૉકલ ફોર લોકલનાં પ્રાસનું છોગું પણ. હવે આત્મનિર્ભરતાની વાત કરીએ તો આ જે શોરબકોરથી તેનાં ગાણાં ગવાઇ રહ્યાં છે પણ શું ખરેખર આત્મનિર્ભર ભારત અભિયાન વાસ્તવિકતામાં ફેરવાઇ શકશે ખરું? જો હા તો ક્યાં સુધીમાં? અને બસ અહીં બીજો જે સવાલ છે એનો જવાબ આપવામાં કોઇ આત્મનિર્ભરતા અને નિર્ભયતા પણ કામ નથી લાગતી. આ અભિયાનની જાહેરાત સાથે જે પેકેજ એનાઉન્સ કરાયું તે આપણી આખી અર્થવ્યવસ્થા માટે સરકારનાં પોતાના કોષમાંથી બહુ જ ઓછી રકમ અપાવાની છે એ સમજી લેવું બહુ જરૂરી છે.

દેશને ખરા અર્થમાં આત્મનિર્ભર બનાવવાનો હોય તો સૌથી અગત્યનું છે કે આપણો દેશ, આપણું રાજકારણ માત્ર શબ્દોમાં નહીં પણ વિચારોમાં, ધરમૂળથી આત્મનિર્ભર બને. આત્મનિર્ભર બનવાની વાતનું મૂળ છે કોરોના વારઇસની ગર્ભનાળ ચીન સાથે જોડાયેલી હોવી અને માટે જ ચાઇનિઝ વસ્તુઓના બહિષ્કાર અને આત્મનિર્ભરતાનો અવાજ એક સાથે ઊઠી રહ્યો છે. બીજા દેશોની વાત તો પછી પણ આપણે ચીન હવે વાસ્તવિકતા પર નજર કરીએ તો ચીનમાંથી સૌથી વધુ કન્ઝ્યુમર ગુડ્ઝ કોઇ દેશમાં આયાત કરાતા હોય તો તે ભારત છે. ભારત જેટલી નિકાસ કરે છે તેના કરતાં સાત ગણી વધારે આયાત ચીનમાંથી કરે છે. 2018-19ની વાત કરીએ તો ભારતે ચીનમાં 16.7 બિલિયન ડૉલર્સની નિકાસ કરી હતી તો આયાત 70.3 બિલિયન ડૉલર્સની કરી હતી જેને પગલે 53.6 બિલિયન ડૉલર્સની ટ્રેડ ડેફિસીટ સર્જાઇ હતી.

હવે આ આંકડા વાંચીને જો તમારી આંખો પહોળી થઇ ગઇ હોય અને ચાઇનિઝ વસ્તુઓનો બૉયકોટ કરવાનું તમે વિચારતા હો તો હજી એક આંકડો વાંચો. ચીનની ટોટલ નિકાસ, એટલે કે એક્સપોર્ટનો આ તો માત્ર 2 ટકા હિસ્સો જ છે, અને માટે જ આપણે ચાઇનીઝ વસ્તુઓ વાપરવાનું સદંતર બંધ કરી દઇએ તો ચીનને એટલો બધો ફેર તો નથી જ પડવાનો. વળી જે રીતે વ્યાપર નીતિઓ છે, તે બધી ચીનની તરફેણમાં છે અને ચીન સાથેના ટ્રેડ વૉરથી ભારતને કોઇ મોટો ફાયદો થવાની શક્યતા નથી. વળી ભારત ચીનથી અધધધ વસ્તુઓની આયાત કરે છે જેમાં ઇલેક્ટ્રોનિક્સ, સ્માર્ટફોન્સ, ઉદ્યોગિક ચીજો, વાહનો, સોલાર સેલ્સ તથા ટી.બી.થી માંડીને લેપ્રસી સુધીનાં શારીરિક દરદીની ફાર્માસ્યુટિકલ પ્રોડક્ટ્સ અને એન્ટિબાયોટિક્સ પણ આપણે ત્યાંથી જ મંગાવીએ છીએ.

2017-18માં ભારતને જેટલી ઇલેક્ટ્રિકલ અને ઇલેક્ટ્રોનિક્સ ચીજોની જરૂર હતી તેમાંથી 60 ટકા તો ચીને જ પૂરી પાડી હતી. ભારતમાં જે સ્માર્ટફોન્સ સૌથી વધારે વેચાય છે, ઝાઓમી, વીવો, રિયલમી અને ઓપ્પો – એ ચારેચાર ચાઇનીઝ બ્રાન્ડ્ઝ છે, જે ભારતનાં સેલફોન માર્કેટનો સાંઇઠ ટકા હિસ્સો છે. બીજી તરફ ભારતની ઓટોમોબાઇલ ઇન્ડસ્ટ્રીનાં 30 ટકા કોમ્પોનન્ટ્સ ચીન પૂરા પાડે છે તો દેશનું 90 ટકા રમકડાં માર્કેટ ચાઇનીઝ ઉત્પાદનોની ચાવી પર જ ચાલે છે. વળી ભારતની ટેક સ્પેસમાં ચીનનું રોકાણ પણ કંઇ ઓછું નથી. વળી બીગ બાસ્કેટ, ઝોમેટો, પેટીએમ, સ્નેપડીલ, પેટીએમ મૉલ વગેરેમાં એક માત્ર ચાઇનીઝ કંપની અલીબાબાનું જ અધધધ રોકાણ છે. આ તમામ રોકાણમાં કોઇ 200 મિલિયન ડૉલર્સનું છે તો કોઇ 700 મિલિયન ડૉલર્સનું છે. આ તો એક ઝલક છે, જેને માટે હિમશીલાની ટોચ છે એવો વાક્યપ્રયોગ કરવો પડે. પણ જે હાઇડ્રોક્લોરોક્વિનની માંગ વધી છે તેને માટે જે કાચો માલ વપરાય છે તેનું ઉત્પાદન કરવામાં પણ ચીન મોખરે છે.

આત્મનિર્ભર થવા માટે આ બધાનો બહિષ્કાર કરીએ ખરાં પણ એ પહેલાં વિચારવું પડે કે શું આપણા દેશની ક્ષમતાની ધાર જેટલો ઝડપથી બહિષ્કારનો ઘોંઘાટ કરી શકાય છે એટલી ઝડપથી કાઢી શકાશે ખરી? પ્રેક્ટિકલ બ્લુ પ્રિન્ટની, મૌલિક વિચારધારાની અને રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટમાં પૂરતાં રોકાણોની પ્રાથમિક જરૂરિયાતો પૂરી કરી શકાય તો ય બહુ છે, અને આ ભારતને આત્મનિર્ભર થતાં નડે તેવા કેટલાક શરૂઆતી પડકારો છે.

ભક્તોને કદાચ ન ગમે પણ હકીકત એ છે કે પચાસના દાયકામાં આત્મનિર્ભરતાના વિચાર પર કામ થઇ ચુક્યું છે. એ સમયે શ્રેષ્ઠ અર્થશાસ્ત્રીઓ દેશ તરફ આકર્ષાયા હતા અને જે પ્રયાસ થઇ રહ્યો હતો તેને સમજવાનો તેમણે પ્રયાસ કર્યો હતો. અત્યારે આપણે આર્થિક સૂઝ અને સ્થિરતાથી જોજનો દૂર છીએ. આત્મનિર્ભર ભારતનાં સ્તંભોમાં અર્થતંત્ર, ઇન્ફ્રાસ્ટ્રક્ચર,વહીવટ, લોકશાહી અને માંગની વાત થઇ પણ કમનસીબે શિક્ષણનો ઉલ્લેખ ન થયો. શિક્ષણ વ્યવસ્થામાં જો ધરમૂળથી હકારાત્મક બદલાવ નહીં લવાય તો પછી આત્મનિર્ભરતાની શક્યતા બહુ મર્યાદિત છે એ નક્કી છે.

બાય ધી વેઃ

જિંગોઇઝમ કે અતિ-રાષ્ટ્રવાદ ક્યારે ય કોઇ સમસ્યાનો ઉકેલ ન હોઇ શકે, ખાસ કરીને એવી સમસ્યાનો તો નહીં જ જે માથે ચડી હોય અને તેનો તાગ મેળવવો જરૂરી હોય. છાતી ઠોકીને બોલાતા સ્લોગન્સથી લોકોનાં પેટ નહીં ભરાય. કેપિટાલિઝમ એટલે કે મૂડીવાદનાં ઇતિહાસનું એક સત્ય એ પણ છે કે તેનાં મૂળમાં સરકારો અને મોટી કંપનીઓ વચ્ચેની કડીઓ રહેલી છે. પ્રાદેશિક કંકાસ દૂર કરવા માટે સંવાદ સાધવો જરૂરી છે, પછી એ ભલે ચીન સાથે કરવો પડે તો પણ. હા મુત્સદ્દી થવાની કોઇ ના નથી પાડતું પણ આત્મનિર્ભરતા એક એવી દંતકથા છે અથવા તો ચમત્કારિક શબ્દ છે જેને સાકાર થતો જોવા આપણે ઘણું ઉંજણ પૂરવું પડશે અને તે રાતોરાત નહીં જ થઇ શકે.

પ્રગટ : ‘બહુશ્રૃત’ નામક લેખિકાની સાપ્તાહિક કટાર, ’રવિવારીય પૂર્તિ’, “ગુજરાતમિત્ર”, 14 જૂન 2020 

Loading

મોરારિબાપુએ ખોટું તો નથી કહ્યું પણ તેમની ભાષાનું બિયારણ હવે જરૂર બદલાયું છે

રમેશ ઓઝા|Opinion - Opinion|14 June 2020

મારા માટે આ જગતમાં સૌથી આદરણીય વ્યક્તિ ગાંધીજી છે. જેમને આદર આપવો જોઈએ અને જેમની જિંદગી સમજવી જોઈએ એવા દુનિયાના મહાનુભાવોનો મેં મારાથી બને એટલો અભ્યાસ કર્યો છે અને હું એવા તારણ પર આવ્યો છું કે માનવસભ્યતાના જ્ઞાત ઇતિહાસમાં અખંડ મનુષ્યતાની સૌથી પ્રામાણિક આરાધના ગાંધીજીએ કરી છે. આમ છતાં ય મને એક સવાલ હંમેશાં થતો હોય છે કે જો હું ગાંધીજીનો સમકાલીન હોત તો હું તેમનો અનુયાયી હોત ખરો? મને નથી લાગતું કે હું તેમનો અનુયાયી હોત. શંકા કર્યા વિના, પ્રશ્ન કર્યા વિના અને સમીક્ષા કર્યા વિના હું કોઈ વાત કે વ્યક્તિને સ્વીકારી શકતો નથી. ઈશ્વરના અનન્ય ભક્ત અને શ્રદ્ધાવાન ગાંધીજીએ પોતે જ આ તાવીજ આપ્યું છે. તેમણે તેમના એક ચાહકને સલાહ આપી હતી કે કોઈ વ્યક્તિ માટેની ભક્તિ એ મરે નહીં ત્યાં સુધી અનામત રાખવી. માણસ છે, એ ગમે ત્યારે આઘાત આપી શકે. માટે તો ગાંધીજીએ કોઈને ગુરુ બનાવ્યા નહોતા.

પણ આપણે માણસ છીએ. આપણને આપણી માફક વિચારતા, આપણી ભાષામાં બોલતા, આપણને ગમે એવું કામ કરતા કે કામની કદર કરતા હમસફર વટેમાર્ગુની જરૂર પડે છે. આવો કોઈ માણસ મળે તો આપણે રાજી રાજી થઈ જીઈએ છીએ. એમાં ય ખાસ કરીને તમે માણસાઈનું વાવેતર કરવાનો અને ટકોરાબંધ માણસાઈયુક્ત અખંડ માણસ પેદા કરવાનો અઘરો માર્ગ પસંદ કર્યો હોય ત્યારે તો સૌથી એટલો મીઠો લાગે કે વાત ન પૂછો. હિંદુ, મુસલમાન, બ્રાહ્મણ, ઈસાઈ, ગુજરાતી-મરાઠી પેદા કરવો બહુ સહેલું છે, માણસ પેદા કરવો એ અઘરું કામ છે.

૨૦૦૨નાં આયોજનપૂર્વકના નરસંહાર કરનારા ગુજરાતકાંડ પછીથી મોરારિબાપુને મેં આ રીતે જોયા છે. દૂર રહીને એમ લાગતું હતું કે મોરારિબાપુ મારી જેમ વિચારે છે, મારી ભાષામાં બોલે છે અને માણસાઈનું વાવેતર કરનારા લોકોનું અને કામનું કદર કરે છે. તેમને અખંડ મનુષ્ય પેદા કરવામાં રસ છે અને સંકુચિત ઓળખોના આગ્રહો કેટલા ઘાતક છે એ સમજાઈ ગયું છે. દૂરથી જોતો હતો (અલબત્ત ઝીણી નજરે) અને મનોમન કદર કરતો હતો. શંકા કરનારાઓને કહેતો પણ ખરો કે શંકા ભલે રાખો પણ સાથે શ્રદ્ધા પણ રાખો. મોરારિબાપુ ઘણો મોટો પ્રભાવ ધરાવે છે અને તેઓ જો પ્રામાણિકતાપૂર્વક માણસાઈના પક્ષે ઊભા રહેશે તો ઘણું મોટું કામ થઈ શકે છે. ખાસ કરીને ગુજરાતમાં જે હિન્દુત્વની લેબોરેટરી ગણાય છે. થોડો નજીક જવાનો અને માણસાઈના વાવેતરમાં એક નમ્ર ખેતમજૂર થવાની પણ કેટલોક વખત કોશિશ કરી હતી.

થોડાં વરસો પછી સમજાયું કે મોરારિબાપુને વ્યાસપીઠ પરથી બોલીને માણસાઈનું વાવેતર કરવા પૂરતો જ રસ છે. તેમની ભાષામાં વ્યાસપીઠની મર્યાદામાં રહીને. આની સામે કોઈ ફરિયાદ ન હોઈ શકે. દરેકને પોતાની મર્યાદા બાંધવાનો અધિકાર છે. તેમની વ્યાસપીઠ પણ માનવતાના પક્ષે ઊભી રહેતી હોય તો એટલું પણ ઘણું છે. એ પછી ધ્યાનમાં આવ્યું કે મોરારિબાપુને ઇવેન્ટો યોજવામાં જ રસ છે. આખું કેલેન્ડર ભરચક રહેવું જોઈએ અને ભારતમાં જે માણસ ખ્યાતિ ધરાવતો હોય એ મહુવા આવવો જોઈએ. ગ્રેટ ગુજરાતી ઇવેન્ટ ફિનોમેનનની જન્મભૂમિ ગાંધીનગર નથી, મહુવા છે. છેલ્લો ઝટકો ૨૦૧૪ પછી લાગ્યો જ્યારે વ્યાસપીઠનો સૂર બદલાવા લાગ્યો. માણસાઈનું વાવેતર પારવું થતાં થતાં સાવ ઘટતું ગયું અને ચાસમાં સલામત ભાષામાં સિફતપૂર્વક હિંદુ ઘાસ ઊગવા માંડ્યું. ૨૦૧૯ પછી તો બાપુએ બિયારણ જ બદલવા માંડ્યું.

આપણે ક્યાં આંગળી પકડી હતી! નજર ફેરવી લીધી. નજર તો હંમેશાં ખુલ્લી રાખવાનો સંકલ્પ છે પછી ખુદ ગાંધીજી સદેહે સામે કેમ ન હોય!

હવે હું જોઉં છું કે છેલ્લા છ મહિનામાં બાપુ બીજી વખત વિવાદમાં સપડાયા છે. પહેલાં તેમણે શુદ્ધ સનાતન ધર્મમાં જે ભેળાણ અને ઉમેરણ થાય છે તેની સામે સ્વામિનારાયણ સંપ્રદાયને ધ્યાનમાં રાખીને પ્રકોપ ઠાલવ્યો હતો. ત્યારે મેં આ કોલમમાં લખ્યું હતું કે ભેળાણ અને ઉમેરણ રોકવાના રસ્તા છે, પણ જોખમી છે. બીમારી કરતાં ઈલાજ વસમો પડે એવો છે. મેં ઇસ્લામનું ઉદાહરણ આપીને આ વાત સમજાવી હતી. હવે તેમણે ભગવાન કૃષ્ણના વારસદારો વિલાસી હતા એમ કહ્યું, એનો વિવાદ જાગ્યો છે. બાપુના બચાવમાં કહેવું જોઈએ કે બાપુએ ખોટું કાંઈ જ નથી કહ્યું. ગ્રંથો આમ કહે છે. મહાભારતના યુદ્ધ પછી ગાંધારીએ શાપ આપ્યો હતો તેનું આ પરિણામ હતું. આમ પણ મહાપુરુષને તેમના વારસદારો અને અનુયાયીઓ જ મારતા હોય છે. સોક્રેટીસથી લઈને ગાંધી સુધીનો ઇતિહાસ આમ કહે છે.

બાપુએ ખોટું કાંઈ નથી કહ્યું અને છતાં વિવાદ પેદા થયો. જે અખંડની ઉપાસના કરે છે તેને કોઈનો પણ કાન આમળવાનો અધિકાર છે. ગાંધીજીએ કોનો કાન નથી આમળ્યો? એક અપવાદ બતાવો? સાંભળનાર જાણતો હોય છે કે વક્તા માણસાઈની વિશાળ અને અખંડ ભૂમિકાએથી બોલી રહ્યો છે અને તેના મનમાં કોઈ પક્ષપાત નથી. મનુષ્યતાથી ભરેલો માણસ નામનું એક જ ઓળખબીજ એવું છે જે અખંડ છે, જેનાં ફાડિયાં ન થઈ શકે, પરંતુ જો તમે તેમાં હિંદુ નામની કે મુસ્લિમ નામની નાની ઓળખનાં બીજ ઉમેરીને તેનું સંકર કરો કે તરત તેનાં ફાડિયાં થવા લાગે કારણ કે તે બિયારણની ભાષામાં તે દ્વિદલ છે. એ પછી તમને ચોક્કસ ધર્મના, પેટા-સંપ્રદાયના તરફદાર હોવાના લેબલ લાગવા માંડે. મોરારિબાપુ સાથે આજકાલ આવું બની રહ્યું છે.

પ્રગટ : ‘નો નૉનસેન્સ’, નામક લેખકની કટાર, ‘રવિવારીય પૂર્તિ’, “ગુજરાતમિત્ર”, 14 જૂન 2020

Loading

અસમાનતા દૂર કરવાનો એક ઉપાય, યુનિવર્સલ બેઝિક ઇન્કમ

રાજ ગોસ્વામી|Opinion - Opinion|13 June 2020

ઇંગ્લેન્ડના બર્કશાયર પ્રાંતમાં આવેલું સ્પીનહામલેન્ડ [Speenhamland] નામનું ગામડું એટલું નાનું છે (અથવા હતું). હવે તો તે બર્કશાયરના જિલ્લા શહેર ન્યૂબરીનો એક વિસ્તાર ગણાય છે. ૨૨૫ વર્ષ પહેલાં અહીં, ‘ધ પેલિકન’ નામના પબમાં એક ક્રાંતિકારી આર્થિક ધારણા વિકસિત કરવામાં આવી હતી, જેની આજે આખી દુનિયામાં ચર્ચા છે; યુનિવર્સલ બેઝિક ઇન્કમ એટલે કે ન્યૂનતમ માસિક આવક.

આજે દુનિયામાં જેમ કરોડો લોકો બેરોજગાર છે, તેવી જ રીતે ત્યારે ૧૭૯૫-૯૬માં પણ બ્રિટનમાં લાખો લોકો નવરા થઇ ગયા હતા. ફ્રેંચ ક્રાંતિ અને નેપોલિયન યુદ્ધોમાં બ્રિટન સામેલ થયું હતું, અને પરિણામે બ્રિટનને આર્થિક માર પડ્યો હતો. એમાં એક તરફ ઋતુ ખરાબ આવી, એટલે ખેતી પાયમાલ થઇ ગઈ અને અનાજના ભાવ આસમાને પહોંચી ગયા. તો બીજી તરફ યુદ્ધના કારણે જરૂરી ચીજવસ્તુઓની સંગ્રહાખોરી, કાળાબજાર અને બેરોજગારીએ બળતામાં ઘી હોમ્યું.

સ્પીનહામલેન્ડના મુખિયાઓએ જુદી જ રીતે આ કટોકટીનો સામનો કરવા વિચાર કર્યો; બેકાર હોય કે ના હોય, બધા જ લોકોને વિના શરતે નિયમિત પૈસા આપો. ૭ મે, ૧૭૯૫ના રોજ ગામના અધિકારીઓ ‘ધ પેલિકન’ પબમાં ભેગા થયા અને એક યોજના બનાવી કે વ્યક્તિ દીઠ દરેકને પ્રતિ માસ લઘુત્તમ ત્રણ શિલિંગ કે અધિકતમ ૭ શિલિંગ અને ઘરમાં આશ્રિતો હોય તો ૬ પેન્સ ચુકવવા. એ કોઈ બહુ મોટી રકમ ન હતી. એક પાંવ રોટીની કિંમત એક શિલિંગ હતી, પણ યોજના એવી હતી કે પાંવના ભાવ વધે, તેમ ચૂકવણીની રકમ વધે. એમાં બીજો એક સામાજિક-માનસિક ફાયદો એ થયો કે ભિખારી હોવાનું કલંક નાબૂદ થઇ ગયું, કારણ કે બધા જ 'ભિખારી' હતા. દરેક પરિવારને આહારની અને ગરિમાની ગેરંટી હતી.

આને સ્પીનહામલેન્ડ સિસ્ટમ અથવા બર્કશાયર બ્રેડ ધારો કહે છે. ઈંગ્લેંડનાં ગામડાઓમાં એ વ્યવસ્થા બહુ પ્રચલિત થઈ હતી. પછીના ચાર દાયકા સુધી ઇંગ્લેન્ડના ગરીબ લોકોના ખિસ્સામાં નિયમિતપણે શિલિંગ આવતા રહ્યા અને તેના કારણે સ્થાનિક અર્થવ્યવસ્થા તૂટી ના પડી અને નેપોલિયને બ્રિટન સામે આર્થિક ઘેરાબંધી કરી હતી, તેનો સામનો કરી શકાયો.

થોમસ પેઈન નામના ઇંગ્લિશ-અમેરિકન ક્રાંતિકારી વિચારકે સૂચન કર્યું હતું કે દેશના તમામ વયસ્ક નાગરિકોને, ચાહે તે ગરીબ હોય કે તવંગર, રોજગાર કરતા હોય કે બેકાર, રાજ્યએ સમાન પૈસા ચુકવવા જોઈએ. ૧૭૯૭માં, એગ્રેરિયન જસ્ટિસ, એટલે કે કૃષિ ન્યાય નામથી એક પેમ્ફલેટમાં, થોમસ પેઈને કહ્યું હતું કે પૃથ્વી માનવ જાતની સહિયારી સંપતિ છે, અને જે તેને ખેડતા હોય, તેમણે સમુદાયને ભાડું ચુકવવું જોઈએ.

આજે આ ધારણાને યુનિવર્સલ બેઝિક ઇન્કમ કહે છે. ઘણા દેશોમાં તે અલગ-અલગ સ્વરૂપે અમલમાં છે. અમેરિકન કૉન્ગ્રેસે પાસે એક પ્રસ્તાવ છે, જેમાં પ્રત્યેક વયસ્ક અને પ્રતિવર્ષ ૧,૩૦,૦૦૦ ડોલરથી ઓછી કમાઈવાળા અમેરિકન નાગરિકના બેંક ખાતામાં પ્રતિ માસ ૨,૦૦૦ ડોલર જમા કરવામાં આવશે. સ્વીત્ઝરલૅન્ડમાં યુનિવર્સલ બેઝિક ઇન્કમ પર જનમત સંગ્રહ કરાવવામાં આવ્યો છે. કેનેડાએ તાજેતરમાં દર બે અઠવાડિએ દરેક નાગરિકને ૯૦૦ ડોલર આપવાની યોજના જાહેર કરી છે. બ્રાઝીલમાં ગરીબી ઓછી કરવામાં આ યોજના કારગત નીવડી છે.

૧૯૬૨માં અર્થશાસ્ત્રી મિલ્ટન ફ્રાઈડમેને ‘નેગેટિવ ઇન્કમ ટેક્સ’ની ધારણા આપી હતી. તેમાં જે લોકો ચોક્કસ રકમથી નીચે કમાતા હોય, તેમને સરકાર અમુક રકમ આપે. મતલબ કે આ લોકોએ ટેક્સ નહીં ચુકવવાનો, પણ સરકાર તેમને ‘ટેક્સ’ ચૂકવે. તર્ક એવો હતો કે તેનાથી જે લોકો કામ નથી કરતા તે ‘ટેક્સ’નો ફાયદો લેવા માટે નિર્ધારિત આવક માટે કામ કરશે. અમેરિકામાં આ યોજનાને અર્નેડ ઇન્કમ ટેક્સ ક્રેડીટ અને બ્રિટનમાં વર્કિંગ ફેમિલીઝ ટેક્સ ક્રેડીટ તરીકે લાગુ કરવામાં આવી હતી.

અમેરિકામાં ૨૦૦૧માં નાઈન-ઈલેવનના હુમલા પછી જેમણે ટેક્સ રિટર્ન ભર્યાં હતાં તે મોટા ભાગના અમેરિકાનોને ૩૦૦ ડોલરનો ચેક આપવામાં આવ્યો હતો. ૨૦૦૮ની વૈશ્વિક મંદી વખતે પણ એવું જ કરવામાં આવ્યું હતું, પણ તે મુખ્યત્વે ટેક્સ રિબેટ હતી. જેમણે રિટર્ન ભર્યા ન હતાં, તેમને કશું મળ્યું ન હતું, અને તેમાં એક મોટો ગરીબ વર્ગ હતો.

સમાજોમાં જે અસમાનતા છે, તેને દૂર કરવાના ઘણા બધા પૈકીને એક ઉપાય તરીકે યુનિવર્સલ બેઝિક ઇન્કમની તરફદારી થાય છે. દુનિયામાં વેલ્ફેર સ્ટેટ, એટલે કલ્યાણ રાજ્યનું મહત્ત્વ ઘટતું જઈ રહ્યું છે. સરકારો ઉત્તરોતર એવી અપેક્ષાઓ વધારી રહી છે કે, ગરીબ હોય કે તવંગર, દરેકે રાષ્ટ્રના વિકાસમાં યોગદાન કરવું જોઈએ. આર્થિક યોજનાઓ એવી ઘડવામાં આવે છે, જેમાં સરકારો તેની ‘ધર્માત્મા’ની ભૂમિકા છોડી રહી છે. અર્થશાસ્ત્રીઓને આની ચિંતા છે, કારણ કે નોકરીઓ ઘટી રહી છે, બેરોજગારી વધી રહી છે, નવી રોજગારીઓની તકો ઊભી થાય છે, પરંતુ સામે પક્ષે ઓટોમેશનનો ઉપયોગ વધી રહ્યો છે, તેવા સંજોગોમાં રાજ્યોએ બેઝિક ઇન્કમના મોડેલ પર જવું જ પડશે.

બેઝિક ઇન્કમની ધારણા પાછળ ત્રણ તર્ક છે. એક, તમામ લોકો પાસે જો કોઈને કોઈ પૈસા હશે, તો તેમની ખરીદ શક્તિ વધશે, જેનાથી બજારમાં માંગ વધશે, જેથી તેને પહોંચી વળવા ઉત્પાદન અને વેપાર વધશે, જેના પગલે રોજગાર વધશે, જે આર્થિક વિકાસને ધક્કો મારશે અને પરિણામે સરકારના ટેક્સ વધશે.

બીજો તર્ક એ છે કે ન્યુનતમ આવકની ગેરંટી હોવાથી પરિવારોનું સ્વાસ્થ્ય જળવાઈ રહેશે, સંતાનોનું શિક્ષણ ચાલુ રહશે, લોકો અપરાધ કરવાથી અટકશે, જેથી સમાજમાં સુખ અને શાંતિ જળવાઈ રહેશે અને પરિણામે આરોગ્ય અને સુરક્ષા ક્ષેત્રમાં સરકારનું ભારણ ઓછું થશે.

ત્રીજો તર્ક એ છે કે આનાથી ટેકનોલોજીલ વિકાસને ગતિ મળશે. અત્યારે આખી દુનિયામાં આર્થિક વિકાસમાં ટેકનોલોજીનો ઉપયોગ વધી રહ્યો છે, પરંતુ બેરોજગારીના ભયથી સમાજનો નીચલો વર્ગ તેનો વિરોધ કરે છે, જેના કારણે અનેક શ્રમિક મુદ્દાઓ ઊભા થાય છે, ન્યુનતમ આવકની જો ગેરંટી હોય, તો સમાજ કોઈ પણ પ્રકારના બદલાવને ખુશી-ખુશી સ્વીકારશે અને દેશ બાકી દુનિયા સાથે કદમ મિલાવી શકશે.

દુનિયામાં અત્યારે બેરોજગારી મ્હો ફાડીને ઊભી છે, અને લાખો-કરોડો લોકોને તેમાં સ્વાહા થઇ જવાનો ડર છે, ત્યારે બેઝિક ઇન્કમની ધારણા આકર્ષક બને તો નવાઈ નહીં.

પ્રગટ : ‘બ્રેકીંગ વ્યુઝ’ નામક લેખકની સાપ્તાહિક કટાર, ‘સંસ્કાર’ પૂર્તિ, “સંદેશ”, 07 જૂન 2020

Loading

...102030...2,3442,3452,3462,347...2,3502,3602,370...

Search by

Opinion

  • ચોર ચોરી કેવી રીતે કરે છે? શાની અને કેમ કરે છે?
  • એપસ્ટીન ઇન્ડિયા ફાઇલ્સ: સત્તા, સોદાબાજી અને રહસ્યોનું રાજકારણ
  • સ્માર્ટ ફોનનો સ્માર્ટ ઉપયોગ : નવા વર્ષનો સંકલ્પ
  • ચલ મન મુંબઈ નગરી—328
  • આનંદ તેલતુંબડેની જેલડાયરી

Diaspora

  • છ વર્ષનો લંડન નિવાસ
  • દીપક બારડોલીકરની પુણ્યતિથિએ એમની આત્મકથા(ઉત્તરાર્ધ)ની ચંદ્રકાન્ત બક્ષીએ લખેલી પ્રસ્તાવના.
  • ગાંધીને જાણવા, સમજવાની વાટ
  • કેવળ દવાથી રોગ અમારો નહીં મટે …
  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !

Gandhiana

  • ગાંધી ‘મોહન’માંથી ‘મહાત્મા’ બન્યા, અને આપણે?
  • ગાંધીહત્યાના પડઘા: ગોડસેથી ગોળવલકર સુધી …
  • ગાંધીની હત્યા કોણે કરી, નાથુરામ ગોડસેએ કે ……? 
  • ગાંધીસાહિત્યનું ઘરેણું ‘જીવનનું પરોઢ’ હવે અંગ્રેજીમાં …
  • સરદાર પટેલ–જવાહરલાલ નેહરુ પત્રવ્યવહાર

Poetry

  • ગઝલ – 1/2
  • સખીરી તારો એ હૂંફાળો સંગાથ …
  • વસંતાગમન …
  • એ પછી સૌના ‘આશિષ’ ફળે એમ છે.
  • ગઝલ

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved