કેટલાંયે જીવોને આ ઉદરે પચાવીને બેઠો છું,
હવે સમજાયું કૈંક ગુનાઓ છુપાવીને બેઠો છું.
મા-બાપ, અને બાળકો ને અતિ ચાહવાં છતાં,
કેટલાં ય મૂંગાં જીવોને અનાથ કરીને બેઠો છું.
પત્ની તો સદા જીવથી યે અધિક છે મારા માટે,
કેટલી ય મૂંગી માદાઓને વિધવા કરીને બેઠો છું.
ઘરખૂણે પરિવાર સહિત સલામતી માંગતો રહું,
કેટલાં ય મૂંગા જીવોના હું ઘર ઉજાડી બેઠો છું.
કોરોના પ્રસરાવનાર જીવો ને ક્રૂરતાથી કોસું છું,
ખરેખર હક છે કોસવાનો એ વિચારતા બેઠો છું.
‘મૂકેશ’ ધિક્કાર છે એ સહુ દયાહીન સંહારકોને,
હવે સદ્દબુદ્ધિ દેશે પ્રભુ એ આશ લઈને બેઠો છું.
કોરોના વાયરસ વેળા
એપ્રિલ ૨૦૨૦
e.mail : mukeshparikh@comcast.net
![]()


ભારતને અડીને આવેલા પાડોશી દેશ નેપાળની સામ્યવાદી સરકારે તેના નાગરિકતા કાયદામાં સુધારો કર્યો છે. સુદૂર વસેલા મિત્ર દેશ અમેરિકાની સરકારે એચ-૧ બી અને અન્ય કાર્ય વીઝા આ વરસના અંત સુધી સ્થગિત કરી દીધા છે. આ બંને નિર્ણયો ભારત પર અસર કરનારા છે.
મોદીમિત્ર અમેરિકી પ્રેસિડેન્ટ ડોનાલ્ડ ટ્રમ્પે એચ-૧ બી અને બીજા વીઝા સ્થગિત કરીને સામી ચૂંટણીએ બ્રહ્માસ્ત્ર છોડ્યું છે. અમેરિકામાં જે પ્રતિભાની ખોટ હોય તે પૂરી કરવા એચ-૧બી અને બીજા બિન પ્રવાસી કાર્યવીઝા આપવામાં આવે છે. ચાર વરસ પૂર્વે અમેરિકી રાષ્ટ્રપ્રમુખની ચૂંટણીમાં ટ્રમ્પનો ચૂંટણી નારો ‘અમેરિકી ફસ્ટ’નો હતો. પરંતુ બીજી ટર્મ માટે ચૂંટણી લડી રહેલા ટ્રમ્પના ખાતે ખાસ મોટી ઉપલબ્ધિઓ નથી. તેમની લોકપ્રિયતા પણ ઘટી રહી છે ત્યારે તેમણે કોરોનાકાળમાં વધેલી બેરોજગારીનો ઉપાય એચ-૧બી વીઝા રોકવામાં જોયો છે. ૨૪મી જૂનથી અમલી બનેલા આ નિર્ણય અંગે વ્હાઈટ હાઉસનું સત્તાવાર બયાન કહે છે કે, ‘અમેરિકા યોગ્યતા આધારિત ઈમીગ્રેશન પોલિસી તરફ આગળ વધી રહ્યું છે. આ નિર્ણય અધિક કુશળ લોકોને પ્રાથમિકતા અને અમેરિકી નાગરિકોને નોકરીઓમાં સુરક્ષા આપશે.’