Opinion Magazine
Number of visits: 9681156
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

જેટલું કહીએ એટલું ઓછું: કેવી રીતે મારા પરિવારે દુનિયાનો સૌથી ખતરનાક માણસ પેદા કર્યો

રાજ ગોસ્વામી|Opinion - Opinion|21 July 2020

અમેરિકાના રાષ્ટ્રપતિઓનો વિશ્વના પ્રવાહો પર પ્રત્યક્ષ કે પરોક્ષ પ્રભાવ એટલો હોય છે કે તેમની કામ કરવાની રીત, તેમના વિચારો અને આંતરિક જીવન હંમેશાં ચર્ચાનો, અભ્યાસનો વિષય બને છે. રાષ્ટ્રપતિઓ કે પ્રધાનમંત્રીઓ આપણા જેવા જ માણસો હોય છે અને તાકતોની સાથે સાથે કમજોરીઓ પણ હોય છે. સામાન્ય રીતે તેમને તેમની તાકાત અથવા સકારાત્મક બાજુ જ બતાવવામાં રસ હોય છે, પણ તેમને એક સાધારણ માણસ તરીકે સાબિત કરે તેવી ત્રુટીઓ તેઓ છુપાવતા હોય છે અથવા તેની પર સકારાત્મકતાનો ઢોળ ચડાવતા હોય છે. અમેરિકામાં રાષ્ટ્રપતિઓને બિલ્લોરી કાચ નીચે મૂકીને જોવાની ટેવ છે, કારણ કે ત્યાં રાજનેતાઓને 'ભગવાન' માનીને ભક્તિ કરવાની પરંપરા નથી. ત્યાં રાષ્ટ્રપતિનું બધું જ ખાનગી સાર્વજનિક હોય છે, કારણ કે અમેરિકન લોકો માને છે રાષ્ટ્રપતિના સાર્વજનિક જીવન પર તેમના અંગત જીવનનો એટલો જ પ્રભાવ છે.

આપણે ત્યાં પ્રધાનમંત્રીઓને નિર્મમતાથી જોવાની પરંપરા નથી. આપણો સમાજ ભક્તિભાવવાળો છે, એટલે આપણે આપણા સાર્વજનિક સેવકોમાં તારણહારને જોઈને માત્ર તેનું સારું જ જોઈએ છીએ અને જે ત્રુટીપૂર્ણ છે, તેની ઉપેક્ષા કરીએ છીએ. ૧૯૪૯માં, બંધારણીય સભામાં પ્રવચન આપતી વખતે ડો. બાબાસાહેબ આંબેડકરે કહ્યું હતું કે આપણા દેશમાં વ્યક્તિ-પૂજા એક મહામારી છે. આપણા નેતાઓની પ્રશંશા કરવી ખરાબ નથી, પરંતુ તેમના હાથમાં સત્તા આપીને આંખો બંધ કરી દેવી, તે લોકશાહી માટે યોગ્ય નથી.

અમેરિકામાં એવું નથી. ત્યાં રાષ્ટ્રપતિઓનું સારું અને ખરાબ, બંને સાર્વજનિક ચર્ચા-અભ્યાસનો વિષય બને છે.

એટલા માટે, પ્રવર્તમાન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ પર તેમની જ ભત્રીજીએ લખેલા પુસ્તકના પ્રકાશન પર ટ્રમ્પે પ્રતિબંધ મેળવ્યો અને સુપ્રીમ કોર્ટના અપીલ જજે ગયા અઠવાડિયે તે પ્રતિબંધ ઉઠાવી લઈને પુસ્તકના પ્રકાશનનો માર્ગ ખુલ્લો કર્યો, તે એક મહત્ત્વની ઘટના છે. જજે તેમના આદેશમાં કહ્યું હતું કે, "રિયલ એસ્ટેટ ડેવલોપર (ટ્રમ્પ પરિવારનો મૂળ વ્યવસાય બાંધકામનો છે) પરિવારને તેમનાં પારિવારીક રહસ્યો ખાનગી રાખવામાં રસ હોય, તે એક વાત છે અને યુનાઇટેડ સ્ટેટ ઓફ અમેરિકાના પરિવારને એવો રસ હોય તે બીજી વાત છે."

ડોનાલ્ડ ટૃમ્પ તેમના પિતા ફ્રેડ જોડે. બ્રૂકલિન, 1975

હજુ થોડા મહિના પહેલાં, ટ્રમ્પની ભત્રીજી મેરી એલ. ટ્રમ્પનું કોઈએ નામ પણ સાંભળ્યું ન હતું. મેરી ડોનાલ્ડ ટ્રમ્પના મોટા ભાઈ ફ્રેડ જુનિયરની પુત્રી છે. ફ્રેડ દારૂ પી-પીને ૧૯૮૧માં મરી ગયા છે. પુસ્તકના પ્રકાશક, સિમોન એન્ડ શુટર અનુસાર, મેરી ટ્રમ્પ ક્લિનિકલ સાઈકોલોજિસ્ટ છે. તેને એક ભાઈ પણ છે. ફ્રેડ અને ડોનાલ્ડના પિતા ફ્રેડ ટ્રમ્પ સિનિયરનું ૧૯૯૯માં અવસાન થયું, તે પછી મેરી અને તેના ભાઈએ દાદાના વસિયતનામાને કોર્ટમાં પડકાર્યું હતું અને ત્યારથી ડોનાલ્ડ અને મેરી વચ્ચે ખટરાગ ચાલે છે. એમાં સમાધાન પણ થયું હતું અને એને આગળ ધરીને જ ટ્રમ્પે કરારની શરતોનું ઉલ્લંઘન થયું છે, તેવી દલીલ સાથે મેરીના આગામી પુસ્તક પર પ્રતિબંધ મેળવ્યો હતો. પુસ્તકના પ્રકાશકે 'અમે ક્યાં એ કરારમાં ભાગીદાર છીએ?' કહીને એ પ્રતિબંધ ઉઠાવી લેવડાવ્યો છે.

પુસ્તકનું નામ લાંબુ અને આક્રમક છે – ટુ મચ એન્ડ નેવર ઈનફ: હાઉ માય ફેમિલી ક્રિયેટેડ વર્લ્ડ્સ મોસ્ટ ડેન્જરસ મેન (જેટલું કહીએ એટલું ઓછું: કેવી રીતે મારા પરિવારે દુનિયાનો સૌથી ખતરનાક માણસ પેદા કર્યો). પુસ્તકના પ્રકાશક સિમોન એન્ડ શુટર કહે છે કે પુસ્તકમાં 'માનસિક આઘાતો, વિનાશક સંબંધો, ઉપેક્ષા, અત્યાચાર અને મેરીના સ્વર્ગસ્થ પિતા ફ્રેડ ટ્રમ્પ જુનિયર તેમ જ તેમના ભાઈ, અને હવે યુનાઇટેડ સ્ટેટના પ્રેસિડેન્ટ, વચ્ચેના વિચિત્ર અને હાનિકારક સંબંધની વાતો છે.'

અમેરિકાના માતબર સમાચારપત્ર ‘ન્યુ યોર્ક ટાઈમ્સ'ના ખોજી પત્રકાર ડેવિડ કે જોહ્ન્સન ૨૮ વર્ષથી ડોનાલ્ડ ટ્રમ્પને ઓળખે છે અને તેમના પર ઘણું લખ્યું છે. એક ઇન્ટરવ્યુમાં એ કહે છે, “ડોનાલ્ડ ટ્રમ્પ વિષે લોકોએ અમુક વાતો સમજવા જેવી છે. એ ક્રિમીનલ પરિવારમાંથી આવે છે: એના દાદાએ સીટલમાં વેશ્યાઘર ચલાવીને કમાણી કરી હતી. એના પિતા ફ્રેડ ટ્રમ્પનો એક ધંધાદારી દોસ્ત વિલી તોમાસેલો, ગેમ્બીનો નામની ગેંગસ્ટર ફેમિલીનો પાર્ટનર હતો. સરકારને હાલના ભાવના ૩૬ મીલિયન ડોલરમાં નવાડવાના કેસમાં ટ્રમ્પના પિતાની યુ.એસ. સેનેટે જાંચ કરી હતી. ડોનાલ્ડે આ શોમેનશીપ એના બાપા પાસેથી અને વૈભવ સંગઠિત ક્રિમિનલ્સ પાસેથી મેળવ્યો છે.”

ડોનાલ્ડ ટ્રમ્પ અમેરિકના પોતાને સર્વશ્રેષ્ઠ માનતા રૂઢિચુસ્ત ગોરા લોકોમાં બહુ લોકપ્રિય છે. તેમને ઉદેશીને ડેવિડ કહે છે, “ધર્મ શ્રદ્ધાળુ અમેરિકનોએ એ પણ જાણવું જરૂરી છે કે, ડોનાલ્ડની જીવન અંગેની અંગત ફિલોસોફી વેરની વસૂલાતની છે. ઈશુની 'બીજો ગાલ ધરવા'ની શીખ આપનારને એણે મૂર્ખ કહ્યા છે. ટ્રમ્પ બાઈબલમાં જે છે તેનાથી તદન ઊલટું કહે છે. એ ક્રિશ્ચિયનોને ઉતારી પાડે છે. હું ૩૦ વર્ષથી એને ઓળખું છું. એ સહેજ પણ બદલાયો નથી. એ સાંગોપાંગ રેસીસ્ટ છે. એણે બિન-ગોરાઓને નોકરીઓમાંથી બાકાત રાખ્યા છે. ટ્રમ્પ એના દાવાથી વિપરીત, ઝનૂની રીતે ક્રિશ્ચિયન વિરોધી છે, અને એને શબ્દશઃ કોઈ બાબતની કશી જ ખબર નથી પડતી.

ટ્રમ્પની ભત્રીજી તેમને ‘દુનિયાનો સૌથી ખતરનાક માણસ’ કહે છે, એવું ઘણા માને છે. તેમના ભૂતપૂર્વ રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર જોન બોલ્ટનના એક પુસ્તકમાં ટ્રમ્પને અવિચારી, અનિયંત્રિત, અશિષ્ટ, અણઘડ, ભ્રમિત, ભ્રષ્ટ અને અમેરિકાનું નેતૃત્વ કરવા માટે તદ્દન અક્ષમ ગણે છે. હાર્વર્ડ મેડિકલ સ્કૂલના સાઈકિયાટ્રી વિભાગના નિવૃત્ત ક્લિનિકલ પ્રોફેસર ડો. લાન્સ ડોડ્સ કહે છે કે ટ્રમ્પ માનસિક રીતે દુરસ્ત નથી અને સાર્વજનિક સંકટ છે.

એક ઇન્ટરવ્યુમાં ડો. ડોડ્સ જે કહે છે, તે ટ્રમ્પની ભત્રીજીના પુસ્તકના શીર્ષકને મળતું આવે છે, “ટ્રમ્પ પોતાને ટીકાઓથી પર ભગવાન માને છે, અને એટલે લોકતંત્રને નષ્ટ કરવાના તમામ પ્રયાસો કરે છે. ટ્રમ્પને તેની ભક્તિ થાય, તે જ વાસ્તવિકતા ગમે છે. તેને પડકારવામાં આવે, તો તેની ક્રૂરતા, પરપીડક વૃત્તિ અને હિંસા સામે આવી જાય છે. તેનામાં હમદર્દી નથી અને અપરાધ બોધની ભાવના નથી. એ હિટલર કરતાં ક્યાં જુદો છે?”

એક સહજ પ્રશ્ન એવો થાય કે તો પછી લાખો અમેરિકન મતદારો આવા ‘ખતરનાક’ નેતાને કેમ પસંદ કરે છે? એનો સાદો ઉત્તર એ જ છે, જે હિટલર માટે કહેવાતું હતું: તેણે માધ્યમવર્ગી, અર્ધ શિક્ષિત અને ગરીબ જર્મન નાગરિકોને સ્વર્ગનું સ્વપ્ન બતાવ્યું હતું (ટ્રમ્પનો નારો ‘અમેરિકાને ફરીથી મહાન’ બનાવવાનો છે) અને દેશની આર્થિક, સમાજિક અને નૈતિક બીમારી માટે એક દુશ્મન ઊભો કર્યો હતો: યહૂદીઓ. અમેરિકનો ટ્રમ્પની ત્રુટીઓને ચલાવી લે છે, કારણ કે તેમને ટ્રમ્પના સારા હોવામાં નહીં, ખુદની સલામતીમાં રસ છે.

પ્રગટ : ‘બ્રેકીંગ વ્યુઝ’ નામક લેખકની સાપ્તાહિક કટાર, “સંદેશ”; 19 જુલાઈ 2020

Loading

કવિતા

વરવર રાવ, વરવર રાવ|Poetry|21 July 2020

તેલુગુ ભાષી વરિષ્ઠ કવિ વરવર રાવ

(સ્રોત : કાવ્યસંગ્રહ મુક્તકંઠમ્‌)

કવિતા સત્ય છે, ઉઘાડું
પડદાની જરૂર નથી એને
સરકારની અનિવાર્યતા પર
પ્રશ્નાર્થ મૂકતા લોકોને
કે અમૃતની લાલસા ન રાખતી
જિંદગીઓને હોય છે એમ

ખીસા ફંફોસો, ગમે તેટલા
કાગળો ને પુસ્તકો ઠાલવો ટેબલ પર
ડ્રોઅર ફેંદો, ઊંધા વાળો
કે ગલકાંનાં ફૂલમાં ઉઘડતી હૃદયની અસીમ સુરંગની કરો તપાસ:
કોઈ રહસ્યો નહિ મળે, મળશે ફક્ત કવિતા

તમને નહિ સમજાય:
મારી હસ્તીના સૌથી ખતરનાક
રહસ્યનું નામ છે
કવિતા

શું લાગે છે આ કાળોતરા આકાશના ચોકઠામાં
ચંદ્ર સપડાયેલો રહેશે શાશ્વતી સુધી
કે પછી તમે ખીસામાં ભંડારી દીધેલા હાથ
અને અપમાન કરવા નજર ઉઠાવશો ત્યાં સુધી:
જુઓ, આ કઈ ચાંદની ફેલાઈ રહી છે આકાશમાં.
આકાશના ચંદ્રને જોઈ ન શકતા
આ અદ્દભુત ચંદ્રની કથા સાંભળી
તમે ચકિત થઇ જશો

શરૂઆતમાં, પ્રતિબંધિત સામાન શોધવા
મારુ શરીર, નખશિખ, ફેંદતાં, ફંફોસતા
ત્યારે નફરત થતી ભારોભાર,
ચામડી પર જીવડાં સળવળતાં ધરાર !
હવે, આ સજીવી એકલતામાં,
ઘરડું લોહી વહાવી કવિતાનો સંચાર કરું છું
ત્યારે દયા આવે છે તારા પર
તલાશી ભલે લેતો મારી, અસલમાં
ખુદની માનવતા શોધવા મથી રહ્યો છે તું
હવે મારી હસ્તી તારે હવાલે
મારા ગળે પટ્ટો બાંધ
આ દિલ પર લેથ મશીન ચલાવ
મારાં કપડાં ઉતાર
ચામડી લોહીથી નવડાવ
અને ખુફિયા દેશોમાં, મારી પાછળ પાછળ આવ

ભારેખમ બેડીઓમાં જકડાયેલા
હાથનો અવાજ છે કવિતા
લગીરેક હલન, સ્હેજ ચલન
ને સાંકળ તોડી ઊડી જાય
આઝાદીનાં પારેવાં

સુનવણીના દિવસે
મુકદમાના ષડયંત્રનો
પર્દાફાશ થાય

જેટલો વધારે જાપ્તો એટલી જોરથી ભભૂકશે કવિતા
જેટલું વધારે શાસન એટલી જ પ્રેરણા આપશે કવિતા
મોતનો સકંજો જેટલો સખત
એટલી જ ઊંડી ઊતરશે કવિતા, તારા મનમાં

સત્તાને નાબૂદ કરતો
ખુલ્લો ભેદ છે કવિતા,
હૃદયમાં આકાર લેતી હોય
ત્યારે પણ વાચક સુધી પહોંચે તે કવિતા,
સમજી શકે એના દિલમાં બેશક
અર્થ બની જન્મે છે કવિતા
અંતરાકાશમાં ભીની સવાર પેઠે ઊગતી હોય
ત્યારે પણ વિરોધનો વંટોળ જગાવે તે કવિતા

ખરું રહસ્ય તો એ છે
કે સામાજિક અંદોલનોનું ધાવણ ધાવી
ઉછરી છે મારી કવિતા

બાંધી દીધેલા હાથમાંથી
શોક અને આક્રોશના અનંત તંતુ જેવી
દ્રષ્ટીમાંથી ઊઠતા અશ્રુઓનાં ભભૂકતા ઝરા જેવી
મારી ભાષાની લાલઘૂમ નસોમાંથી વહ્યા કરે છે કવિતા

અનુવાદ : હેમાંગ દેસાઈ (રોહિતના અંગ્રેજી અનુવાદ પરથી)

Varavara Rao's poem "Poetry" in Gujarati, based on dear friend Rohith's English translation.

Loading

કોરોનાકાળમાં પણ અકબંધ છે સરકારની આપખુદ મથરાવટી

ભરત મહેતા|Opinion - Opinion|20 July 2020

ગયા અઠવાડિયે સોશિયલ મીડિયા પર ૮૦ વર્ષ વટાવી ચૂકેલા જેલવાસી કવિ વારાવારા રાવને કોરોના લાગુ પડ્યાના સમાચાર આવ્યા. વિદ્રોહી કવિતાના એ સર્જકની તબિયત લથડી છે, પણ તેમને જામીન પણ આપતા નથી. (આ સમાચાર મુખ્ય ધારાનાં કહેવાતાં પ્રસાર માધ્યમોમાં ચમકતા નથી કે ઘણે ભાગે તો તેનો સમ ખાવા પૂરતો ઉલ્લેખ થતો નથી, એ પણ એક સમાચાર છે.) બીજી તરફ દિલ્હીની ચૂંટણીમાં ખુલ્લેઆમ ખૂની ભાષા બોલનારા, શાહીન બાગમાં જઈને બંદૂક ફોડનારા કેટલાક સામે કેસ થયા નથી, તો બીજા જામીન પર મુક્ત છે. કોરોનાની મહામારીના સંકટ વખતે પણ સરકાર જે રીતે કર્મશીલો પ્રત્યે કિન્નાખોરી દર્શાવવાનું ચાલુ રાખ્યું છે એ તેના આપખુદ માનસને પ્રગટ કરે છે. કટોકટીનો ઉત્સાહપૂર્વક વિરોધ કરતા રહેલા વડાપ્રધાન અને એમની સરકાર આજે સવાઈ કટોકટીનું નિર્માણ કરી રહ્યાં છે.

દલિત-વંચિત-પીડિતોની પડખે રહેતા અને અત્યારે જેલવાસ ભોગવતા અગ્રણી કર્મશીલોમાં કવિ રાવ ઉપરાંત પ્રખર બૌદ્ધિક આનંદ તેલતુંબડે, આદિવાસીઓના વકીલ તરીકે જાણીતાં સુધા ભારદ્વાજ, મહિલા અધિકારો માટે ઝઝૂમતા સોમા સેન, માનવ અધિકાર માટે લડતા વકીલ સુરેન્દ્ર ગાડલિંગ, અરુણ ફરેરા, વિસ્થાપનવિરોધી કર્મશીલ મહેશ રાઉત, વર્નન ગોંઝાલ્વિસ, લેખક-પત્રકાર સુનિલ ધવલે અને રોના વિલ્સન જેવાંનો સમાવેશ થાય છે. સુશાંત શીલનું તો ૧૬ જૂન, ૨૦૨૦ના રોજ મૃત્યુ થયું. તે પશ્ચિમ બંગાળની ડમડમ સેન્ટ્રલ જેલમાં કેદી હતા.

એક તરફ સુપ્રીમ કોર્ટ આદેશ આપ્યો છે કે જેલમાં ભીડથી બચવા કોરોનાકાળમાં રાજ્ય અને કેન્દ્ર સરકારોએ કેદીઓને પેરોલ પર છોડવા અથવા જામીન પર મુક્ત કરવા. આ આદેશનું સરેઆમ ઉલ્લંઘન કરીને ઘણા રાજકીય કેદીઓને તો આ ગાળામાં જ જેલમાં પૂરવામાં આવ્યા. વળી, આ આદેશમાં સ્પષ્ટ જણાવાયું છે કે વૃદ્ધ અને બીમારીથી પીડાતા દરદીઓને અગ્રતાક્રમ આપીને મુક્ત કરવા. તો શા માટે વારાવારા રાવ જેવા પ્રખ્યાત કવિને મુક્ત કરાતા નથી? સુપ્રીમ કોર્ટના આદેશ મુજબ વિવિધ સરકારોએ કેદીઓને મુક્તિ અવશ્ય આપી છે, પરંતુ તેમાં એક પણ રાજકીય કેદી નથી.

વારાવારા રાવે અને સોમા સેને આરોગ્યની આપદાની અરજી પણ કરી હતી. ૩૧મી માર્ચે NIAની વિશેષ અદાલતે એમની વિનંતીને ઠુકરાવી દીધી. ૧૩ કિલો જેટલું વજન ઘટી જવાથી પુન: રાવે અરજી કરી, જે હજુ એ અનિર્ણિત દશામાં પડી છે. એવી જ રીતે સુધા ભારદ્વાજની અરજી પણ ૨૯મી મેએ એમ કહીને ઠુકરાવી દીધી કે તેમને કોઈ જીવલેણ બીમારી નથી. તેમને જે જેલમાં રાખ્યાં છે, ત્યાં ઘણાં મહિલા કેદીઓ કોરોનાથી સંક્રમિત પણ છે. ત્યાર બાદ આંબેડકર જયંતીએ જ આંબેડકરની પૌત્રીના પતિ અને જાણીતા ચિંતક આનંદ તેલતુંબડે અને માનવધિકાર કાર્યકર્તા ગૌતમ નવલખાને પણ કેદી બનાવવામાં આવ્યા. દિલ્હી યુનિવર્સિટીના વિકલાંગ પ્રો. જી.એન. સાંઇબાબા પણ જેલમાં ખૂબ જ બીમાર છે. નેવું ટકા વિકલાંગ ગણાય એવા આ પ્રોફેસરને જેલમાં કોઈ મદદનીશ નથી અપાયો, નથી કોઈને મળવાની છૂટ કે ન તો પત્ર લખવાની છૂટ ! ઉત્તર પ્રદેશની હૉસ્પિટલમાં ઑક્સિજનના અભાવે બાળકોનાં મોત થયાં ત્યારે અને અવારનવાર ગરીબ દરદીઓના મદદગાર બનતા ડૉ. કફીલખાનને પણ સરકારની ટીકા કરવા બદલ જેલમાં પૂર્યા છે. તેમણે પેરોલ માટે રજૂઆત કરી હતી, જેથી તે ડૉક્ટર તરીકે સેવાઓ આપી શકે.

આ તમામ લડવૈયાઑ માટે દેશ-વિદેશથી અનેક શિક્ષણવિદો-કર્મશીલોએ મુક્તિની માગણી કરી છે. સોશિયલ મીડિયામાં ભરપૂર ચર્ચાઓ થાય છે, પણ બહેરી સરકારના કાને કશું પહોંચતું નથી. ૧૯મી જૂને, CPI, CPI (M), કૉંગ્રેસ, DMK, RJDના સાંસદ અને ધારાસભ્યોએ કવિ વારાવારા રાવની મુક્તિ માટે મહારાષ્ટ્રના મુખ્ય મંત્રી ઉદ્ધવ ઠાકરેને પત્ર લખ્યો હતો.

આપણાં દેશમા ન્યાયનું નાટક કેવું ચાલે છે તે આ ધરપકડોની સામે બીજી વિગતો મૂકી જોવાથી સમજાશે. શાહીન બાગમાં ગોળી ચલાવનાર કપિલ ગુર્જર, જામિયા વિશ્વવિદ્યાલયમાં ગોળી ચલાવનાર ગોપાલ અને હિઝબુલનાં અગ્રણી આતંકવાદીઓ સાથે જેની ધરપકડ થયેલી અને ત્યાર પહેલાં કાશ્મીરનો દરજ્જો બદલાયા પછી જેમને ‘શેરે કશ્મીર’નો પુરસ્કાર મળેલો એ દેવેન્દ્રસિંહ જામીન પર છૂટા છે! પરંતુ શાહીન બાગના આંદોલન-કારીઓને પકડવામાં સરકારે અસાધારણ ઉત્સાહ દર્શાવ્યો છે. પહેલી ધરપકડ જામિયા મિલિયાના Ph.D.ના વિદ્યાર્થી – RJDના દિલ્હી યુવા છાત્ર અધ્યક્ષ મીરાન હૈદરની બીજી એપ્રિલે થઈ. બીજી ધરપકડ ૯મી એપ્રિલના રોજ MBAની વિદ્યાર્થિની અને જાફરાબાદમાં CAAનો વિરોધ કરી રહેલી ગુલસિફાની થઈ. ત્યાર બાદ જામિયા મિલિયાની એમ.ફિલ.ની વિદ્યાર્થી સકૂરા ઝરગરની ધરપકડ થઈ. શાહીન બાગના આંદોલનની એ સક્રિય અગ્રણી હતી. તેને ૧૦મી એપ્રિલ પોલીસ સ્ટેશને કોમી આંદોલન સંદર્ભે પૂછપરછ કરવા બોલાવવામાં આવી અને ત્યાં જ ધરપકડ કરવામાં આવી ! એ સમયે તે ગર્ભવતી હતી. ત્યાર બાદ એક કેસ દાખલ કરીને સફુરા પર UAPA જેવો ખતરનાક કાયદો લાગુ પાડવામાં આવ્યો ! ૨૬મી એપ્રિલે જામિયાના ભૂતપૂર્વ વિદ્યાર્થીઓના મંડળનાં પ્રમુખ શિફા રેહમાનની ધરપકડ કરવામાં આવી. AISAની દિલ્હી અધ્યક્ષ (વિદ્યાર્થી નેતા) કંવલપ્રિત કૌરનો મોબાઇલ ૨૭મી એપ્રિલે ક્રાઇમ બ્રાંચ દ્વારા જપ્ત કરવામાં આવ્યો. ૩૦મી એપ્રિલે દિલ્હી સરકારના લઘુમતી આયોગના અધ્યક્ષ ઝફરુલ ઇસ્લામખાન પર ફેસબૂકની એક પોસ્ટ સંદર્ભે કેસ દાખલ કરવામાં આવ્યો !

જાણીતા મહિલા સંગઠન ‘પિંજરાતોડ’ની અગ્રણી યુવતીઓ નતાશા નરવાલ અને દેવાંગના કવિતાની ધરપકડ કરવામાં આવી. તે જૂથ શાહીન બાગમાં નિયમિત ગીતો, શેરીનાટક રજૂ કરતું હતું. બંનેની દિલ્હીના કોમી હિંસા સંદર્ભે ધરપકડ કરવામાં આવી છે. નતાશા JNUની Ph.D.ની વિદ્યાર્થી છે, જ્યારે દેવાંગના JNUમાં M.phil. કરી રહી છે. નતાશા પર પણ ૨૩મી મે UAPA લગાવવામાં  આવ્યો છે.

આમ, જોઈ શકાય છે કે CAA-NRCનો વિરોધ કરનાર ઘણી મોટી કિંમત ચુકાવી રહ્યા છે. સરકારે એમને વીણી વીણીને જાત જાતના કેસમાં ફસાવ્યા છે. આ યાદી હજુ લંબાવી શકાય તેમ છે. પણ સાર એ કે આ લોકો જેલમાં છે ત્યારે દિલ્હીની હિંસા ભડકાવનારા કે તેનું સમર્થન કરનારા અનુરાગસિંહ ઠાકુર, પ્રવેશ વર્મા અને કપિલ મિશ્રા આજે પણ નિરાંતે છૂટા ફરી રહ્યા છે.

e.mail :bharatmehta864@gmail.com

સૌજન્ય : “નિરીક્ષક” સાપ્તાહિક ડિજિટલ આવૃત્તિ; 20 જુલાઈ 2020; પૃ. 11-12

Loading

...102030...2,2952,2962,2972,298...2,3102,3202,330...

Search by

Opinion

  • ચોર ચોરી કેવી રીતે કરે છે? શાની અને કેમ કરે છે?
  • એપસ્ટીન ઇન્ડિયા ફાઇલ્સ: સત્તા, સોદાબાજી અને રહસ્યોનું રાજકારણ
  • સ્માર્ટ ફોનનો સ્માર્ટ ઉપયોગ : નવા વર્ષનો સંકલ્પ
  • ચલ મન મુંબઈ નગરી—328
  • આનંદ તેલતુંબડેની જેલડાયરી

Diaspora

  • છ વર્ષનો લંડન નિવાસ
  • દીપક બારડોલીકરની પુણ્યતિથિએ એમની આત્મકથા(ઉત્તરાર્ધ)ની ચંદ્રકાન્ત બક્ષીએ લખેલી પ્રસ્તાવના.
  • ગાંધીને જાણવા, સમજવાની વાટ
  • કેવળ દવાથી રોગ અમારો નહીં મટે …
  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !

Gandhiana

  • ગાંધી ‘મોહન’માંથી ‘મહાત્મા’ બન્યા, અને આપણે?
  • ગાંધીહત્યાના પડઘા: ગોડસેથી ગોળવલકર સુધી …
  • ગાંધીની હત્યા કોણે કરી, નાથુરામ ગોડસેએ કે ……? 
  • ગાંધીસાહિત્યનું ઘરેણું ‘જીવનનું પરોઢ’ હવે અંગ્રેજીમાં …
  • સરદાર પટેલ–જવાહરલાલ નેહરુ પત્રવ્યવહાર

Poetry

  • ગઝલ – 1/2
  • સખીરી તારો એ હૂંફાળો સંગાથ …
  • વસંતાગમન …
  • એ પછી સૌના ‘આશિષ’ ફળે એમ છે.
  • ગઝલ

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved