Opinion Magazine
Number of visits: 9680943
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

આ મુશ્કેલ સમયમાં (32)

સુમન શાહ|Opinion - Opinion|24 July 2020

= = = = પ્રેમ આજે પ્રશ્નાર્થ હેઠળ છે. લગ્નસંસ્થા ડામાડોળ છે અને કાલગ્રસ્ત ભાસે છે = = = =

= = = = ભારતીય પરમ્પરામાં કોકશાસ્ત્રના રચયિતા કોક અને કામસૂત્રના રચયિતા વાત્સ્યાયન જેવા કામધર્મીવિજ્ઞાનીઓએ દર્શાવ્યું છે કે યમનિયમસંયમની રીતેભાતે પરમ જાતીય સુખની પ્રાપ્તિ સર્વથા શક્ય છે. ભારતીય સંસ્કૃતિની સંતુલનને વરેલી મહાનતા તો જુઓ, એને યોગાસનો સૂઝ્યાં તેમ ભોગાસનો પણ સૂઝ્યાં ! = = = =

વિજ્ઞાન અને તેમાંથી પ્રભવતી ટૅક્નોલૉજીએ માનવજાતનું ભલું તો કર્યું જ છે પણ નુક્સાન પણ ઘણું કર્યું છે. અણુની શોધ શારીરિક સારવાર અને ઉપકારક ઔષધો પરત્વે કલ્યાણકારી નીવડી છે પણ એણે વિશ્વયુદ્ધની માનસિકતાને વિકસાવી હતી ને તેને કારણે વ્યાપક જનસંહાર જેવી દારુણ ઘટનાઓ ઘટી છે. એ વિકાસ અટક્યો નથી. આમાં જવાબદાર તો માણસ જ છે. એનો વિવેક – એનું જજમૅન્ટ – એનું ડહાપણ – એનું વિઝડમ – જો અસ્ત પામ્યાં હોય કે ઊંઘી ગયાં હોય તો આમ જ બને ! આપણી પાસે એક કહેવત છે : સોનાની છરીથી શાક સમારાય, એને પેટમાં ન ઘોંચાય … પણ ઘોંચનારા હોય છે, મળી આવે છે.

જુઓને, સાયબરનેટિક્સ, ઇન્ફર્મેશન-ટૅક્નોલૉજી, કમ્પ્યૂટર-સાયન્સ વગેરે વગેરે સંશોધનોએ અને તદનુવર્તી ટૅક્નોલૉજીએ માનવસંસારની તાસીરને આજે સાવ બદલી નાખી છે. આપણે સૌ એક એવા ‘ઇલૅક્ટ્રૉનિક’ પરિવર્તનમાંથી પસાર થઇ રહ્યાં છીએ, જે જીવનમૂલ્યો માટે રસપ્રદ છતાં ધરાર ઘાતક પણ પુરવાર થયું છે.

બે દાખલા ધ્યાનપાત્ર છે : એક દાખલો છે, કૉન્ટ્રાસેપ્શનનો. સન્તતિનિયમનનાં કૃત્રિમ સાધનોની શોધ અને બીજો દાખલો છે, ઈન્ટરનેટે જન્માવેલો જાતીયભોગનો વિલક્ષણ તરીકો, સાયબર સૅક્સ. સાયબર સૅક્સનાં અવર નામો છે, વર્ચ્યુઅલ સૅક્સ, ટૅક્નો સૅક્સ, નેટસૅક્સ. બોલચાલમાં કહેવાતું હોય છે – લેટ’સ બી ફૉર સાયબરિન્ગ …

પૃથ્વી પરના સૌ જીવો સહિત મનુષ્યજીવ માટે જી-વ-ન અને જીવન-સન્તતિ માટે કામવાસનાભોગ અનિવાર્ય છે. એ બાબતે મનુષ્યેતર જીવો કુદરતે અર્પેલી વૃત્તિ અનુસારની પ્રવૃત્તિ કરતાં હોય છે. જેમ કે, અન્ય કોઈ જીવોને અતિવસ્તી નડી નથી. એ જીવો એવું નથી જીવતાં કે એમને સન્તતિનિયમન કરવાં પડે, તે માટે કશાં કૃત્રિમ સાધનો, ઇલાજ કે ઉપચાર અપનાવવાં પડે …

પણ માનવજાતને, ખાસ તો, અર્વાચીન ભારત અને ચીન જેવા દેશોની પ્રજાઓને, સ્વકલ્યાણની સુરક્ષા માટે વસ્તીવધારાને નાથવાની જરૂરત ઊભી થઈ. તે માટે સન્તતિનિયમનને, અને તે માટે ગર્ભાધાનને નિયન્ત્રણમાં લેવાની જરૂર પડી, અને ગર્ભાધાનને રોકવા, સમ્ભોગ જેવી ઘણી કુદરતી ક્રીડાને અવરોધવાની જરૂરત ઊભી થઈ. પણ કૉન્ટ્રાસૅપ્શન મદદે આવ્યું. આપણને અને ચીનને એની જરૂર ખાસ પડી કેમ કે આપણે અતિવસ્તીજન્ય પીડાઓમાં સપડાયેલાં હતાં. એ પીડાઓ હજી ચાલુ છે. પશ્ચિમના સમૃદ્ધ દેશોની પ્રજાઓ સ્વૈરવિહાર અને નિર્મુક્ત મૉજમજા ખાતર કૉન્ટ્રાસેપ્શનને વહાલથી વળગી પડી.

સંલગ્ન ટૅક્નોલૉજીએ નીપજાવેલાં કન્ડોમ અને ફિમેલના અંડાશયમાં ઇંડાં છૂટે એ ઑવ્યુલેશન પ્રક્રિયાને અવરોધનારા સિન્થેટિક સૅક્સ-હૉરમોન્સની પિલ્સ કે પછી કૉઇલ જેવાં સાધનો વપરાશમાં આવ્યાં. પુરુષો ગૅલમાં આવી ગયા. કેટલાક પુરુષો કન્ડોમ ન વાપરે અને સ્ત્રી પિલ્લ લે એવો આગ્રહ રાખે. એથી સંભવે કે સ્ત્રીઓ મેદસ્વીતાનો અથવા વન્ધ્યીકરણનો ભોગ બને. સ્ત્રીને વાંઝ બનાવનારી એ પ્રક્રિયા એવી કે લાઇફનાં તમામ રૂપોને મારી નાખે, તેનો નાશ કરે. તેમ છતાં સ્ત્રીઓ અને પુરુષો બન્ને હસીખુશીથી કૃત્રિમ સાધનો વાપરતાં થઈ ગયાં. મને યાદ છે, અમે ત્યારે કપડવણજમાં હતાં. લેટ સિક્સ્ટીઝનો સમય. એના એક બજારમાં ફુલાવેલાં કન્ડોમનું તોરણ બાંધવામાં આવેલું – આ તરફની દુકાનેથી રસ્તાની સામી બાજુની દુકાન લગીનું એ રૂડું રૂપાળું કૌતુક ભૂરા આકાશના બૅક્ગ્રાઉન્ડમાં હળવી હવાના સેલારા લેતું ઝૂમતું’તું …

કન્ડોમ વગેરેનો વપરાશ આજે તો ચડ્ડી-બનિયન પ્હૅરવા-ઉતારવા જેવો સ્વાભાવિક મનાય છે. પણ કામવાસનાભોગ માટે સાયબર સૅક્સ નવતર પ્રયોગ છે. જરા સમજીએ.

આ કોરોના જો ઇન્ટરનેટને અને સાથોસાથ ફોન, કમ્પ્યૂટર કે ટૅબને ભરખી ગયો હોત તો તો આપણું શું યે થાત? એના પ્રતાપે આપણાં વ્યાખ્યાન, વેબિનાર, ગીતગાન, નૃત્ય કે ચલચિત્ર વિશ્વ આખામાં વાયરલ થઈ શકે છે. આપણે જાત-અલગાવ સ્વીકાર્યો છે છતાં ભેગાં ને ભેગાં હોઈએ એમ જિવાય છે. દેશ-વિદેશ જેટલે દૂર હોવાછતાં નિકટતા અનુભવીએ છીએ. રૂ-બ-રૂ થવાની કે ફેસ-ટુ-ફેસ મળવાની જરૂર નથી રહી. ઇન્ટરનેટે સંપડાવેલું આ ઍક્ચ્યુઅલ નહીં પણ વર્ચ્યુઅલ વર્લ્ડ છે.

વર્ચ્યુઅલ સૅક્સ પણ ઍક્ચ્યુઅલ નથી. વર્ચ્યુઅલ એટલે, એ કે જે ખરેખર નથી પણ ખરાનો આભાસ છે. એમના ‘સૉફિસ્ટ’ ગ્રન્થમાં પ્લેટો બે પ્રકારનાં ઇમેજ-મેકિન્ગની વાત કરે છે : એક છે, પ્રામાણિક નકલ, જેને પુનર્નિર્માણ કહી શકાય. બીજું છે, મૂળને ઇરાદાપૂર્વક મચડીને ઊભું કરાયું હોય. એ નકલ ખરી પણ ખરી નહીં, પ્રપંચ હોય છે. વર્ચ્યુઅલ સૅક્સ પણ ઍક્ચ્યુઅલનું પ્રપંચી બલકે વિકૃત રૂપ છે. વ્યક્તિઓ ‘ગંદું ગંદું’ લખી મોકલતી એ તો જમાનાજૂની વાત છે પણ આજે ઇન્ટરનેટે એ તરીકાને બ્હૅકાવી મૂક્યો છે.

ઝાં બૉદ્રિલા / Baudrillard : Courtesy : Goodreads

ફ્રૅન્ચ સમાજવિજ્ઞાની ઝાં બૉદ્રિલાર્ડ (1929-2007) એમના સુખ્યાત ગ્રન્થ ‘સિમ્યુલાક્રમ ઍન્ડ સિમ્યુલેશન’-માં દર્શાવે છે કે આ પોસ્ટ-મૉડર્ન સંસ્કૃતિ છે ને એમાં ખરા-ખોટા વચ્ચેનો ભેદ ભુંસાઈ ગયો છે. સિમ્યુલાક્રમ મૂળની નકલ નથી પણ એ પોતે જ મૂળ ભાસે છે – એ ‘હાઇપર રીયલ’ છે. હકીકતે એ એમ સૂચવે છે કે કશું છે જ નહીં ને મૂળને શોધવાની કોશિશ મિથ્યા છે. સિમ્યુલેશન એટલે મૂળને રજૂ કરનારી પ્રક્રિયાઓની નકલોને માટેની પ્રક્રિયા. બૉદ્રિલાર્ડ ભારપૂર્વક જણાવે છે કે આજે મૂળ અને નકલ વચ્ચેનો ફર્ક બચ્યો નથી. આઇડિયાઝ અને ઇમેજીસ, સાથે, મૂલ્યો તેમ જ જીવનશૈલી નિરન્તર બદલાતાં ચાલે છે. બદલાવનું એક રૂપ સ્થિર થાય કે તરત તેનાં અવર રૂપો સરજાય છે. સિમ્યુલાક્રાનાં પૂર વહે છે – પ્રિસેશન ઑર ફ્લડ ઑફ સિમ્યુલાક્રા …

સિમ્યુલાક્રા એટલે સમજો, છાયા બલકે છાયાની પણ છાયા. વર્ચ્યુઅલ સૅક્સમાં દૂર દૂરના સ્થાને વસતી બે વ્યક્તિ – સ્ત્રી અને પુરુષ – કમ્પ્યુટર નેટવર્ક દ્વારા એટલે કે વિડીઓ કૉલથી કનેક્ટ થાય છે. એ લાભ પાસે પાસે કે અડોશપડોશમાં રહેનારાં પણ સાક્ષાત્કારને સારું કાયમથી ઝૂરનારાંઓને પણ મળે છે. એઓ સમલૈંગિક પણ હોઈ શકે છે. એકમેકને સૅક્સ્યુઅલિ ઍક્સપ્લીસિટ મૅસેજીસ – જાતીય વાસનાને વિશેના ઉઘાડા સંદેશા – મોકલે છે. જાતીય ભોગનાં વર્ણન કરીને એકમેકને લલચાવે છે. આગળ જતાં, વેબકૅમની મદદથી પ્રાઇવેટ પાર્ટ્સનાં દર્શન કરાવાય છે. રીયલ ટાઈમમાં જાતીય સમાગમના વિડીઓ બતાવાય છે. સામાન્યપણે પુરુષ ઉત્તેજિત હોય અને સ્ત્રીને થોડી વાર લાગે. અથવા ઊંધું ! કેટલાક દાખલાઓમાં હસ્તમૈથુનને પણ સામેલ કરાય છે. પણ આ વર્ચ્યુઅલ સૅક્સમાં સ્ત્રી કે પુરુષ ધીમે ધીમે રાગે પડી જાય છે. સ્ત્રીને ક્રમે ક્રમે સારું લાગવા માંડે છે કેમ કે એને થાય છે કે આમાં ખરેખરી સૅક્સ તો છે જ ક્યાં? ને વધારામાં, નો પ્રૅગ્નન્સી, નો કિડ્સ ! વળી, વાત બિલકુલ ખાનગી અને સાવ સલામત !

આ પ્રવૃત્તિમાં પારસ્પરિક સમ્મતિ ન હોય તો સાયબર સૅક્સ ટ્રાફિકિન્ગ ક્રાઇમ પણ સંભવે છે. વૅરિફાયેબલ ફૅક્ટ્સના અભાવે છેવટે સાર પકડાય કે છેતરામણી થઈ. વ્યક્તિ કૉર્ટે જઈ શકે છે. બાકી, ઉપલક દૃષ્ટિએ આખી પ્રવૃત્તિ નિર્દોષ દેખાય છે. કેમ કે બે જણ આમ વર્ચ્યુઅલમાં મંડ્યાં રહે એમાં ત્રીજા કોઈએ દુ:ખી થવાનું કારણ જ ક્યાં છે? આમાં જોડાનારી વ્યક્તિઓ પરિણિત, અપરિણિત, વિધુર, વિધવા કે નેવર મૅરીડ સિન્ગલ્સ હોય છે. સામી વ્યક્તિ બધું રૅકર્ડ કરી લેતી હોય તો એ જોખમી છે, પ્રાઇવસી સચવાય નહીં. ભાંડો ફોડી દે તો? ખરાં શરીરોની ગેરહાજરીમાં ઇન્ટરનેટ રોમાન્સ પૂરબહાર ખીલ્યો હોય તો વફાદારી નામની બહુમૂલ્ય ચીજ પ્રશ્નાર્થ હેઠળ આવી જાય છે. સાથીની કલ્પનાશક્તિ જ આ ભોગની ગુણવત્તા અને સફળતાનો આધાર છે, એની કમી હોય તો કંટાળો જ નીપજવાનો. અપરિણિત, વિધુર, વિધવા કે સિન્ગલ્સ ઍક્ચ્યુઅલ લાઇફમાં કદી જોડાતાં નથી અને પરિણિતનું દામ્પત્યજીવન સખળડખળ થઈ જાય છે.

પરિણામે, પ્રેમ આજે પ્રશ્નાર્થ હેઠળ છે. લગ્નસંસ્થા ડામાડોળ છે અને કાલગ્રસ્ત ભાસે છે.

મનોવિજ્ઞાનીઓ જણાવે છે કે આ ભોગ બહુ ઝડપથી હોલો – ખોખલો – અને અસંતોષકારી પુરવાર થાય છે. ઘણાં તો ભીરુ હોય છે. એકબીજાંનાં અંગાંગનાં માપ માગવાથી આગળ કશું કામ-ઉત્તેજક સંભવતું નથી. ખરાં શરીરોની અનુપસ્થિતિમાં સંભવતી આ ક્રિયાપ્રતિક્રિયાએ ઑન્ટોલૉજી ઑફ ઍમ્બોડિમૅન્ટનાં દિનરાત વધતાં પરિવર્તનો વિશે વિદ્વાનોને વિચારતા કરી દીધા છે. મોટાભાગના સમાજવિજ્ઞાનીઓ વર્ચ્યુઅલ સૅક્સને સોશ્યલ ટ્રૅસ – કચરો – ગણે છે. સૅક્સોલૉજિસ્ટ્સ – કામશાસ્ત્રીઓ – તેમ જ આ દિશાના સંશોધકો એને ખતરનાક ગણે છે. સંભવ સેવાય છે કે આના અતિચારને પરિણામે પુરુષો નપુંસકતાનો ભોગ બને, સ્ત્રીઓ ઓર્ગેઝમનું – ચરમાનન્દનું – સામર્થ્ય ગુમાવે. મનોવિજ્ઞાન દર્શાવે છે કે એમાં સાયકોલૉજિકલ ડિસઑર્ડરનો પણ પૂરેપૂરો ભય છે. જતે દા’ડે માણસો એકલા એકલા બોલે, લવરી કરે, ગાળો પણ બોલે, સન્નિપાતમાં સરી પડે, વગેરે.

કૉન્ટ્રાસેપ્શન અને વર્ચ્યુઅલ સૅક્સ બન્ને અ-કુદરતી છે. પણ ભારતીય પરમ્પરામાં કોકશાસ્ત્રના રચયિતા કોક અને કામસૂત્રના રચયિતા વાત્સ્યાયન જેવા કામધર્મીવિજ્ઞાનીઓએ દર્શાવ્યું છે કે યમનિયમસંયમની રીતેભાતે પરમ જાતીય સુખની પ્રાપ્તિ સર્વથા શક્ય છે. ભારતીય સંસ્કૃતિની સંતુલનને વરેલી મહાનતા તો જુઓ, એને યોગાસનો સૂઝ્યાં તેમ ભોગાસનો પણ સૂઝ્યાં ! એથી સંભવે સમાધિનો અનુભવ કરાવતી અખણ્ડ રાત્રિઓ.

વિશાળ પરિવારના સંદર્ભમાં ઋગ્વેદકાર કહે છે કે ઘણાં બાળકો ઝંખતો માણસ દુ:ખોને નિમન્ત્રણ આપે છે. આ બૈલ મુઝે માર ! પ્રાચીન ભારતમાં મનાતું હતું કે હજાર અબુધ પુત્રો કરતાં એક બુધી સારો છે. (ભેદ કરીને પુત્રીને બાજુ પર રાખતું આ વિધાન મને નામંજૂર છે). શુક્રની – સૅમિનલ ફ્લુઇડની – જાળવણી પર ભાર મુકાતો હતો. સન્તાનેષણાના હેતુ વિનાનો, સવિશેષે પુત્રેષ્ણા વિનાનો, સમ્ભોગ ધર્માજ્ઞા વિરુદ્ધ હતો. (ભેદ કરીને પુત્રીને બાજુ પર રાખતું આ વિધાન પણ મને નામંજૂર છે). કશીપણ જાતીય ક્રીડા, ધર્મનો ભાગ હતી અને એ ક્રીડાના દરેક તબક્કામાં જોડાવા માટેના વિશિષ્ટ મન્ત્રો હતા, સ્ત્રી-પુરુષે તદનુસાર વર્તવાનું હતું. રજસ્વલાધર્મ પળાતો હતો અને તે પછીના અમુક દિવસે જ સમ્ભોગની છૂટ હતી. અમાસ અને આઠમની તિથિઓ વર્જ્ય અને અપશુકનિયાળ મનાતી હતી. શ્રાદ્ધના દિવસોમાં અને ઘરમાં વડીલો અને અતિથિઓ હોય ત્યારે પણ એ કામ ન કરાય. એમ નક્કી હતું કે અધ્યયનકાળ સમ્પન્ન થાય પછી જ પરણાય અને દામ્પત્યજીવનને પચાસની વય પછી લગભગ સમાપ્ત સમજવાનું હોય. આ બધાં કામધર્માનુશાસનોને અનુવર્તવાથી પ્રજોત્પત્તિને લંબાવી શકાતી, બાળકોની સંખ્યાને નાની રાખી શકાતી.

નર-નારીનું આટલું સુખસમ્પન્ન જાતીય જીવન હોય પછી એને કન્ડોમની શી જરૂર? ફોન ને કૅમેરાનાં રમકડે રમી ખાવાની જરૂર જ ક્યાં …?

= = =

(July 24, 2020: Ahmedabad)

Loading

અમરનાથ યાત્રા બંધ, પણ સોમનાથ યાત્રા ચાલુ…

રવીન્દ્ર પારેખ|Opinion - Opinion|24 July 2020

ક્રિકેટની કોમેન્ટ્રી બંધ પડી છે, પણ આપણા નેતાઓ, કમિશનરો, મીડિયા … વગેરે એની ખોટ સાલવા દેતા નથી. બધા કોરોનાનો સ્કોર, કોઈ સિદ્ધિ હોય તેમ જાહેર કરતા રહે છે – વિશ્વમાં દોઢ કરોડથી વધુ લોકો કોરોનાનો ભોગ બન્યા છે ને મૃતકોનો આંક લગભગ સવા છ લાખ પર પહોંચ્યો છે. ગુરુવારે મીડિયાએ જાહેર કરેલા આંકડા મુજબ ભારતમાં કોરોના સંક્રમિતોનો આંકડો ૧૨,00,000 તરફ જઈ રહ્યો છે ને મૃતકોનો આંકડો ૨૮,૦૦૦ને આંબી ગયો છે. જૂનના પ્રારંભે ભારતમાં લગભગ ૯,૦૦૦ કેસ હતા. તેમાં ૫૦ દિવસમાં ૩૦૦ ટકાનો વધારો થયો છે. ગુજરાતનો સ્કોર ૫૧,૦૦૦થી વધુ થયો છે ને મૃતકોની સંખ્યા ૨,૨૦૦ને પાર કરી ગઈ છે. સુરતનો આંકડો ૯,૦૦૦ને આંબવામાં છે ને મૃતકોની સંખ્યા ૫૦૦ની નજીક છે. આમ તો રોગની ભયાનકતાનો ખ્યાલ આના પરથી આવવો જોઈએ, પણ લોકો અને તંત્રો જાણકારી મેળવીને કે આપીને ફરજ બજાવી લેતા હોય એવું લાગે છે.

એક તરફ શિક્ષણ વિભાગ સ્કૂલો, યુનિવર્સિટીઓ બંધ રાખવાની વાત કરે છે ને બીજી બાજુએ ૯થી ૧૨ ધોરણની પરીક્ષાઓ ૨૯-૩૦ જુલાઈએ ફરજિયાત લેવાશે જ એની જાહેરાત પણ કરે છે. ઓનલાઈન શિક્ષણની વ્યવસ્થા મર્યાદાઓ વચ્ચે ચાલે છે ને એનું ભવિષ્ય કેવું છે તેનો એક જ દાખલો જોઈએ. વોટ્સએપ પર શિક્ષકો રેકોર્ડેડ વીડિયો મૂકીને અંતર્ધ્યાન થઈ જાય છે ને વિદ્યાર્થીઓ ફાંફાં જ મારતા રહે છે.

હાઇકોર્ટે સ્કૂલો ચાલુ ન થાય ત્યાં સુધી ફી ન લેવાનો હુકમ ફરમાવ્યો છે. એ સારી વાત છે, પણ ખાનગી સ્કૂલોના શિક્ષકોને પગાર કોણ ચૂકવશે એની કોઈ સ્પષ્ટતા નથી. રાજ્ય સંચાલક મંડળે તો જાહેર કરી દીધું છે કે સ્વનિર્ભર સ્કૂલોએ ફી જ ન લેવાની હોય તો ઓનલાઈન એજ્યુકેશન બંધ કરવું ને સ્ટાફને છૂટો કરવો. આમ પણ ખાનગી સ્કૂલો ફી લેવા છતાં શિક્ષકોનું હોલસેલમાં શોષણ કરતી જ હતી તો હવે ફી નહીં મળે તો આવી સ્કૂલો શિક્ષકોનું પેટ પાળે એમ બનવાનું નથી. સંચાલક મંડળના હોદ્દેદારો તો શિક્ષકો ભૂખે મરશે તેવી આગાહી કરીને દરમાં ભરાઈ ગયા છે. એમણે એવી તટસ્થતાથી વાત કરી છે કે શિક્ષકો સાથે એમને સ્નાન સૂતકનો ય સંબંધ ન હોય.

એમ લાગે છે કે આભ ફાટ્યું છે ને તંત્રો થીંગડાં મારે છે ને નથી સૂઝતું ત્યાં મનસ્વી નિર્ણયોથી કામ લે છે, એમ કરતાં હાલત વધારે ખરાબ થાય છે. આખો દેશ રઘવાયો થયો હોય તેમ, જેને જેમ ફાવે તેમ સૌ વર્તે છે. એમ લાગે છે કે આખું જગત કોઈનું પણ ગળું કાપીને કોરોના કાળમાં વધારે ને વધારે કમાઈ લેવામાં પડ્યું છે ને એમાં રોગ બેફામ રીતે વકરી રહ્યો છે તે તરફ ધ્યાન ખાસ જતું જ નથી.

ભારત લોકશાહી દેશ છે એ સાચું, તે સ્વતંત્ર દેશ છે એની પણ ના નથી, તો પણ પ્રજા હિતમાં કેટલાક નિર્ણયો સરકારોએ લોકડાઉનના લીધા. એ નિર્ણયોને પ્રજાએ માન્ય પણ રાખ્યા. એવા જ કેટલાક નિર્ણયો અત્યારે સરકારે લેવાની જરૂર છે.

સરકારે બે કામ કરવાં જેવાં છે. એક, કોઈ પણ પ્રકારનું શિક્ષણ ને તેને લગતી પરીક્ષાઓ, સ્થિતિ થોડી પણ સામાન્ય ન થાય ત્યાં સુધી પૂર્ણપણે બંધ રાખવાં અને બે, જ્યાં સ્થિતિ ખરાબ છે ત્યાં તમામ ધાર્મિક સ્થાનો જડબેસલાક રીતે બંધ રાખવાં. યાદ રહે, આમાં શિક્ષણ કે ધર્મનો જરા જેટલો પણ વિરોધ નથી. સ્થિતિ સામાન્ય કરવામાં આ પગલાં મહત્ત્વનાં બની રહે તેમ છે, તેટલા પૂરતું જ તેનું મહત્ત્વ છે.

અત્યારે સ્કૂલો શરૂ ન થાય ત્યાં સુધી ફી ન લેવાનું હાઈકોર્ટે ઠરાવ્યું છે તે સારી વાત છે, પણ ખાનગી સ્કૂલો ફી ન લેવાની હોય તે સંજોગોમાં શિક્ષકોનો પગાર કેવી રીતે થશે તે અંગે પણ સ્પષ્ટતાઓ સરકારે કરવાની રહે. વારુ, સરકારે સ્પષ્ટતાઓ કરીને અટકી જવાનું નથી, તેણે નક્કર આર્થિક સહયોગ પણ એવી રીતે કરવાનો છે જેથી શૈક્ષણિક સ્ટાફ રસ્તે ન આવી જાય. આમાં થોડી મદદ વાલીઓ પણ કરી જ શકે. સ્કૂલોમાં વેકેશનની ફી લેવાતી જ હતી ને વાલીઓ તે આપતા પણ હતા, એ ક્રમ ચાલુ રાખી શકાય ને અડધી ફી વાલીઓ આપે ને અડધી મદદ સરકાર અને સંચાલકો કરે તો રસ્તો નીકળે એમ છે. શરત એટલી કે એક પણ સભ્યને છૂટો ન કરવો કે ન તો તેને વેતનથી વંચિત રાખવો. સંચાલકો આમાં આડા ફાટી શકે ને કહી શકે કે તેમની પાસે પૈસા નથી. આમ કહેવામાં સચ્ચાઈ સિવાય બધું જ હશે. દુનિયા જાણે છે કે ખાનગી સ્કૂલોએ અનેક બહાને હોજરી ફાડતી ફી ઉઘરાવી જ છે ને ઓનલાઈનને નામે પણ એમાં ઓટ આવી નથી. એની સામે શિક્ષકોને શું ને કેટલું આપ્યું છે તે સંચાલકોએ, જો હોય તો અંતરાત્માને પૂછી જોવા જેવું છે. કેટલાક અપવાદોને બાદ કરતા આજે પણ સંચાલકો શિક્ષકોને પાળી શકે એમ છે, જો દાનત સાફ રાખે તો!

રહી વાત ધાર્મિક સ્થાનોને બંધ કરવાની તો વાત ધર્મ બંધ કરવાની નથી, સ્થાનક બંધ કરવાની છે. અત્યારે ભીડ ન કરવા પૂરતું જ ધાર્મિક સ્થાનોને બંધ રાખવાનું કહેવાનું છે. પ્રજા તરીકે આપણે વખતો વખત સાબિત કર્યું છે કે ગમે તે કારણે આપણે બધા નિયમો બાજુ પર મૂકીને ભયંકર ભીડ કરી શકીએ છીએ. એમાં શરૂઆત રાજકારણીઓથી થાય છે. ચૂંટણીસભા હોય, શક્તિ પ્રદર્શન હોય કે રેલી-રેલા હોય ભીડ કરવાનો કોઈને સંકોચ થતો નથી. એમાં વળી કોઈ તહેવાર ઉજવવાનો રહી જવાનો હોય તો તેનો અફસોસ મીડિયા વ્યક્ત કરીને ધ્યાન ખેંચે છે. જેમ કે અંબાજીની ભાદરવી પૂનમની જાત્રા બંધ રહેવાની. તો ,બંધ ન રહે ને જોખમ વધારે, એમ? આ વખતે ગોવિંદા મટકી નહીં ફોડી શકે તે જાણે જીવનમરણનો પ્રશ્ન હોય તેમ ચગાવવામાં આવે છે. એ મટકી ફોડવા જતાં ઘણાની મટકી ચકલે ફૂટી જાય તે કેમ સમજાતું નથી?

શ્રાવણ મહિનો શરૂ થાય એટલે ભગવાન પ્રગટ થાય તે પહેલાં ભક્તો પ્રગટ થાય છે ને ભીડમાં ધક્કામુક્કી કરવામાં ધન્યતા અનુભવે છે. એ સંજોગો સામાન્ય હોય તો, ભલે એનો આનંદ લેવાય, પણ અત્યારે એ કરવા જેવું છે? બધા નિયમો પળાતા હોય તો પણ દરેક વખતે લોકો નથી જ માનતા તે અનુભવ હોવા છતાં સરકાર નથી જ સમજતી. બીજાની શું વાત કરીએ, આપણા મંત્રીશ્રી પણ કોરોના કાળમાં સોમનાથમાં માથું ટેકવી જ આવ્યા છેને! પછી બીજાનો શો દોષ કાઢવો?

શ્રાવણનો પહેલો દિવસ હતો ને ભક્તોએ સોમનાથમાં એટલી ભીડ કરી કે પોલીસે લાઠીચાર્જ કરવો પડ્યો. હવે આમાં ક્યા નિયમો, માસ્કના કે અંતર જાળવવાના પળાયા? ભગવાને એવું ક્યારે કહ્યું કે રોગચાળો ચાલતો હોય ત્યારે પણ મારા દર્શને આવવું જ? એવું કોઈ ભગવાન કહે કે? ભક્તો એટલા ‘પવિત્ર’ છે કે ભગવાનને ય કોરોનાનો ચેપ લગાવી શકે. આ ભક્તિ છે? ધર્મ છે? જો સરકાર જાણતી જ હોય કે ભક્તો ગમે ત્યારે ભીડ કરીને ભગવાનને ત્રાસ કરી શકે એમ છે જ તો મંદિરો ચાલુ રખાવીને તે ડહાપણનું કામ નથી કરી રહી તે નક્કી છે. મંદિરનાં ટ્રસ્ટીઓએ સ્વેચ્છાએ સોમનાથ મંદિર બંધ રાખવું જોઈએ તેને બદલે પાસ સિસ્ટમ દાખલ કરીને રોજના ૧૦,૦૦૦ ભક્તોને દર્શનનો લાભ આપવાની પેરવી કરી છે. તેનાથી બધા નિયમો પળાશે જ તેની કોઈ ખાતરી નથી. વળી આ પાસ મફત અપાશે એવું પણ જાહેર થયું નથી. બને કે એની ફી રખાઈ હોય અને લોકોની ભીડે કમાણીની નવી વ્યવસ્થા કરી આપી હોય એવું ખરું કે કેમ? મંદિરોને આવક અટકી હોય એટલે એ તો ખુલ્લું રાખવાનું વિચારે જ, પણ સરકારને એમાં શું મળવાનું છે તે નથી સમજાતું.

ખરેખર તો આ દેશના મંદિરોએ સરકારની, સેવા સંસ્થાઓની મદદમાં આવવું જોઈએ, કારણ આ દેશના મંદિરો એટલી આવક તો ધરાવે જ છે કે તે આખા દેશને આરામથી ચલાવી શકે, તેને બદલે કમાણીના નવા નુસખા શોધાય ત્યારે ધર્મને નામે કેટલો અધર્મ થઈ શકે, તેનો જ દાખલો પૂરો પડાય છે.

એક તરફ અમરનાથ શ્રાઈન બોર્ડે મંગળવારે અમરનાથ યાત્રા રદ કરી અને એ જ દિવસે સોમનાથ યાત્રા એવી ભીડે ચડી કે પોલીસે લાઠીચાર્જ કરવો પડ્યો. જો એ જ ધર્મનું સાચું સ્વરૂપ હોય તો અમરનાથ યાત્રા બંધ કરનારા અધાર્મિક છે એમ કહીશું? જો ઈશ્વર અત્ર, તત્ર સર્વત્ર છે તો ઘરમાં ઈશ્વર નથી એવું કેમ માનીએ છીએ? જો માનીએ છીએ તો વારતહેવારે મંદિરોમાં ભીડ કરીને એ જ ઈશ્વર પર ધસી કેમ જઈએ છીએ? એવા કેટલા ય કિસ્સાઓ છે જેમાં કચડાઈ જવાને કારણે અનેકોએ જીવ ગુમાવ્યા છે. કોઈ ધર્મ કે ઈશ્વર એમ ઈચ્છે કે તેના ભક્તો જીવનું જોખમ ઉઠાવીને ભક્તિ કરે? માનવધર્મ જેવું પણ જગતમાં કંઈ છે ને અત્યારે સૌથી વધારે અનાદર માણસનો થઈ રહ્યો છે. દુખ એ છે કે આપણને એનું દુખ નથી.

૦

પ્રગટ : ‘આજકાલ’ નામક લેખકની કટાર, “ધબકાર”, 24 જુલાઈ 2020

e.mail : ravindra21111946@gmail.com

Loading

ફેશન રે’વલૂશન વેબિનાર

આશા બૂચ|Opinion - Opinion|23 July 2020

2013ની સાલમાં બાંગલાદેશના રાણા પ્લાઝામાં આવેલ કપડાં બનવાતી ફેકટરીમાં સલામતીના અભાવે આગ લાગી, જેમાં લગભગ 1,138 કારીગરો મોતને ભેટ્યાં. એ સમાચાર જેમણે સાંભળ્યા હશે તેમના મનમાં હજુ તાજા હશે. ઘણી મોટી સંખ્યામાં લોકોને એ ઘટનાની બૂરી અસર થયેલી અને સંખ્યાબંધ લોકોનાં જીવન બરબાદ થયેલ. આ દુર્ઘટનાએ મોટી સંખ્યામાં ગ્રાહકો અને ફેશન ડિઝાઈનરોને વિચારતા કરી મુક્યા. કારી સોમર્સ અને ઓરસોલ ડી કાસ્ટ્રો – બે આગળ પડતા ફેશન ડિઝાઇનર્સે ‘ફેશન રે’વલૂશન’ સંગઠન શરૂ કર્યું અને કાપડ ઉદ્યોગમાં કામ કરતા કારીગરો માટે ન્યાય પૂરો પાડવાની અને કપડાં વેંચનારી કંપનીઓ પાસે પારદર્શિકતાની માગણી કરવી શરૂ કરી. તેમણે ગ્રાહકોને ‘મારાં કપડાં કોણે બનાવ્યા?’ એવા સવાલો પૂછવા પ્રોત્સાહિત કરવા માંડ્યા.

ત્યાર બાદ, વર્ષો વર્ષ આ ઝુંબેશ જોર પકડતી જાય છે. નવ એથિકલ બ્રાન્ડ્સથી શરૂ કરેલ ફેશન રે’વલૂશન આજે 30 એથિકલ બ્રાન્ડ્સની સાથે કામ કરતું થયું છે. ઘણી કંપનીઓ આ ચળવળ માટે ખૂબ ધગશથી કામ કરવા માગે છે અને પોતાના માલ બનાવનારની કામ કરવાની પરિસ્થિતિની અને કપડાં બનાવવાની પ્રક્રિયા  વિષે વાત ગ્રાહકોને કહેવા માગે છે. આ ઝુંબેશમાં 2017થી વ્હેર ડઝ ઈટ કમ ફ્રોમ (Where Does It Come From?) સંગઠન અને બીજી પારદર્શિકતાને અનુસરનારી એથિકલ બ્રાન્ડ્સ પણ જોડાઈ એવી અપેક્ષા સાથે કે ગ્રાહકો ‘મારા કપડાં કોણે બનાવ્યા?’ એવા સવાલો પૂછતા રહેશે તો વેંચાણ કરતી કંપનીઓને પણ પોતાના માલ વિષે સાચી હકીકતો પૂરી પાડવાની ફરજ પડશે. એક સામાન્ય ખ્યાલ છે કે સસ્તા કપડાં, જેવાં કે એક પાઉન્ડનું શર્ટ એ માત્ર મશીનથી બનતાં હશે. જયારે સાચી હકીકત જાણવા મળે ત્યારે જ એ વાતનું ભાન થાય કે એ બનાવનાર કારીગરોને કઈ સ્થિતિમાં કામ કરવું પડે છે અને તેમને કેટલું ઓછું વળતર મળે છે. ઘણા લોકોને ખબર નથી હોતી કે સસ્તાં કપડાં બનાવનાર મશીનો આખર માણસો જ ચલાવે છે અને ઓછી કિંમતના માલની એ કારીગરો પર કેવી અવળી અસર થતી હોય છે. 

આયોજિત સંમેલનોમાં પ્રત્યક્ષ હાજર રહેવાનું હાલના સંયોગોમાં અસંભવ હોવાને કારણે એપ્રિલ માસમાં ફેશન રે'વલૂશનનો એક સપ્તાહનો કાર્યક્રમ, ઝૂમ દ્વારા, યોજાઈ ગયો. તેમાં ફેશન રે’વલૂશન એ શું છે અને તે શા માટે કરવું? આપણે ફેશન રે’વલૂશન મારફત શી સિદ્ધિ હાંસલ કરવા માંગીએ છીએ? વગેરે જેવા મુદ્દાઓને ધ્યાનમાં લઈને યુનાઇટેડ કિંગ્ડમ અને ભારતમાં આ ક્ષેત્રમાં કામ કરતાં લગભગ તેરથી પંદર જેટલા સંગઠનો અને વિશેષજ્ઞો વચ્ચે વાર્તાલાપ ગોઠવાયેલ જેમાંના કેટલાકની તસ્વીર અહીં શામેલ છે :

ફેશન રે’વલૂશન અને લઘુ નાણાકીય વ્યવસ્થા વચ્ચે સહકાર સાધવાના પ્રયાસો વિષે ચર્ચા થઇ જેનાથી જાણવા મળ્યું કે 2004-05ની આસપાસ સ્ટુઅર્ટ રધરફર્ડ ઓછી આવક ધરાવતા લોકોના જીવન વિષે જાણકારી મેળવવા કટિબદ્ધ થયા. તેમણે C@A ફાઉન્ડેશન દ્વારા ભારત, બાંગ્લાદેશ અને કંબોડિયામાં એક શોધ અભ્યાસ આદર્યો. લગભગ 1,300 જેટલા બાંગ્લા કાપડ ઉદ્યોગમાં કામ કરતા કારીગરો સાથે યુનિવર્સિટીના 40 વિદ્યાર્થીઓએ કામ કર્યું અને એ કારીગરો કેટલું કમાય છે, તેમની કેટલી જાવક છે, તેઓ કેટલી બચત કરે છે, કેટલી રકમ ખોરાક અને શિક્ષણ તથા દવા-દારૂ પાછળ ખર્ચે છે, કેટલું ધિરાણ કરે છે, તેમના કામના સરેરાશ કલાકો કેટલા હોય છે, ઓવર ટાઈમ કેટલો કરે અને તેનું શું મહેનતાણું મળે અને કામના સ્થળની સ્થિતિ કેવી હોય છે એ તમામ માહિતી એક્ઠી કરી. એ બધી માહિતી ફાઇનાન્સિયલ ડિટેલના એપ્લિકેશન(આપ)માં મૂકી. લગભગ ત્રીસેક જેટલા દેશોમાં થયેલ અભ્યાસ પરથી આવી 17 ડાયરીઓ તૈયાર થઇ જેમાં તેઓ કેવા આવાસોમાં રહે છે અને કેવી સ્થિતિમાં કામ કરે છે તેના ફોટાઓ અને વીડિયો પણ શામેલ હોવાથી ગ્રાહકો અને લોન આપનારાઓને નિર્ણય લેવામાં મદદ થાય. સહુથી વધુ ફાયદો તો એ કારીગરોને પોતાની આવક-જાવક-ઓવરટાઈમ અને લોનના વ્યાજ વિશેની માહિતી મળવાથી ઓછું વેતન અને લોનનું વધુ વ્યાજ લઈને પોતાનું શોષણ થતું અટકાવવામાં મદદ મળી. 

અમદાવાદ સ્થિત Moral Fibres સંગઠન મારફત શાઇલિનીબહેન ભારતમાં અને વિદેશોમાં નૈતિક મૂલ્યો સાચવીને પેદા કરેલ કાપડ દેશ-વિદેશના ડિઝાઈનર્સને પૂરા પાડવાનું અને ભારતમાં એ ક્ષેત્રમાં પડેલ કારીગરોને પૂરતી રોજગારી પૂરી પાડવાનું કામ કરી રહ્યાં છે. તેમણે સહુને વિચારતા કરી મૂકે તેવા કેટલાક સવાલો મુક્યાં; આ કોરોના વાયરસના ફેલાવા જેવી વૈશ્વિક કટોકટીનો સામનો કર્યા બાદ પણ શું આપણા ગ્રાહક તરીકે ખોરાક, કપડાં અને ઘર વપરાશની વસ્તુઓ અંગેનાં વલણો બદલશે? અત્યારે માલ પૂરો પાડનારાઓની સાંકળ બદલાઈ રહી છે, તો શું નાના ઉદ્યોગો અને ધંધાઓ કરનારાઓની સ્થિતિ સુધરશે? આપણી જીવન જરૂરિયાતો પૂરી પાડનારા કારીગરો, તેમના કામનાં મહત્ત્વનું મૂલ્ય અને તેની પાછળની નૈતિકતા ખૂબ મહત્ત્વના છે એ સમજાશે ખરું? હવે આપણે જે કઇં વાપરીએ, ખરીદીએ તે બનાવનાર માણસોનો વિચાર કરવો પડશે. માત્ર માનવ જાત નહીં, બીજા જીવ-જંતુઓને પણ ગણનામાં લેવાં પડશે. હાલના સંયોગોમાં માણસોની બજારો પાછળની દોટ ઓછી થઇ તો પર્યાવરણ સુધર્યું એ શું સૂચવે છે? આથી જ તો એથિકલ ક્લોધિંગ, એટલે કે કાપડ બનાવવા પાછળ નૈતિક સિદ્ધાંતો જળવાતાં હોય તેવાં કાપડનાં ઉત્પાદન, વેંચાણ અને વપરાશની વધુ જરૂર છે. જો કે શાઇલિનીબહેને ચેતવ્યાં કે હાલની પરિસ્થિતિમાં સુધાર આવતાં જ બજારો ખૂલશે અને સેલના પાટિયાં અને એક ખરીદો તો બીજું મફત મળશેની જાહેરાતમાં આપણા જેવા વિચરનારાઓનો અવાજ ડૂબી જશે. ગ્રાહકોને ગ્રામ્ય વિસ્તારના કારીગરોની આજીવિકાને ટકાવી રાખે તેવાં કપડાં વાપરવાં અને સસ્તાં નહીં પણ એથિકલ ખરીદીની ટેવ પાડવા પ્રોત્સાહિત કરવા સમય પાક્યો છે.

વિદેશોમાં હસ્ત કલાકારીગરીની વસ્તુઓ પૂરી પાડનારી ઘણી સંસ્થાઓ છે. તેમાંના એક રાજસ્થાનમાં ગ્રામ્ય વિસ્તારમાં અડ્ડો જમાવી બેઠેલા મધુ વૈષ્નવ આ વેબિનારમાં જોડાયાં. તેમણે ‘સહેલી’ નામની સંસ્થા સ્થાપી જે ગ્રામ્ય વિસ્તારની મહિલા કામદારોને શોષણવિહીન રોજગારી મળી રહે તે માટે પ્રયત્નશીલ રહે છે. તેઓ અર્ધ શિક્ષિત મહિલાઓ સાથે કામ કરવા લાગ્યામ ત્યારે જાણ્યું કે તેમના મરદોને રોજગારી નથી, એટલે જો એમને પૈસા મળે તો માલ પેદા કરવાની તક મળે. પણ તેમનો માલ હાથ બનવાટનો. મશીન બનાવટનો માલ વાપરવા ટેવાયેલ પ્રજા એમનો માલ શા માટે ખરીદે? વિદેશોમાં આ મહિલાઓનો માલ વેંચાય તો વધુ વળતર મળે, પરંતુ એ માટે ભાગીદાર અને બજાર જોઈએ એ સમસ્યા હતી. છેવટ પારંપરિક કલાના નમૂનાઓ ખરીદનાર મળ્યા. એમાંથી જે આવક થઇ તેમાંથી સીવવાના જૂના સંચા એ મહિલાઓને અપાવ્યા. ભરતકામ કરતી મહિલાઓને સિલાઈ આવડે નહીં. તેઓ નકામાં કપડાંમાંથી સીવતા શીખ્યા. ચાર વર્ષથી આ બહેનો સિલાઈ કામ કરીને જીવન નિર્વાહ કરી રહ્યાં છે જેને કારણે તેમની જિંદગી બદલી. પાયાનાં કાર્યો કરવા માટે ખૂણાના વિસ્તારોમાં જઈને દટાઈ જવું પડે. જાતે ભૂલો કરવાની તક સાથે એ બહેનોને સોઈ-દોરા આપ્યાં તો આર્થિક રીતે પગભર થયાં. આથી માત્ર એક વ્યક્તિ નહીં, આખું કુટુંબ અને ગામ બદલાઈ શકે. સ્ત્રીઓના કુટુંબ અને સમાજમાંના સ્થાનમાં સુધારો જણાયો, પગભર થવા અને કમાણીનું સાધન ઊભું કરવા અંગે બધા તેમની સલાહ માંગે, તેમનો અભિપ્રાય સાંભળે એવી પરિસ્થિતિ ઊભી થઇ અને એ રીતે તેઓનું સશક્તિકરણ થયું. આજે તો હવે તેમનો તૈયાર થયેલ માલ યુનાઇટેડ કિંગ્ડમ, ઓસ્ટ્રેલિયા અને અમેરિકામાં વેંચાય છે. જો કે મહિલાઓના અધિકારો માટે તેમની સાથે સંકળાઈને પાયાનું કામ કરીને ‘સહેલી’ સંસ્થા તેમના અધિકારોના સમર્થક થઈ એ તેમનું જમા પાસું છે, પણ ભારતમાં હજુ સારું બજાર નથી મળતું અને ભાગીદારોના નફામાં એ મહિલાઓને સમાન હિસ્સો નથી મળતો એ તેમની નબળું પાસું છે. એ મહિલાઓ પોતાના કામ સાથે ઊંડી લાગણીથી જોડાઈ ગયાં છે, પરંતુ આંતરરાષ્ટ્રીય ધોરણો સતત જાળવવા મુશ્કેલ પણ છે. હવે આ મહિલાઓ ઇંગ્લિશ ન જાણતા હોવા છતાં આંતરરાષ્ટ્રીય તખ્તા પર આવીને પોતાનો અવાજ સંભળાય તે માટે પ્રયત્નશીલ બન્યાં છે. એથિકલ ક્લોધિંગના પ્રચાર પ્રસાર સાથે તેમને ફાયદો થાય તેમ ઇચ્છીએ.

ફેશન જગતમાં ક્રાંતિ લાવવી હોય તો આપણા પોષાકમાં કયા પ્રકારના રેસાઓ, કાપડ, રંગ અને તે બનાવવા માટે કેવાં સાધનોનો ઉપયોગ થયો છે, એ જાણવું જરૂરી ગણાય. એ માટે વડોદરા સ્થિત ‘જતન’ ટ્રસ્ટના સૂત્રધાર કપિલભાઈ શાહ અને તેમની પુત્રી મેધા શાહે કહ્યું કે સહુથી વધુ કપાસ પેદા કરવામાં ભારત આગળ પડતો ભાગ ભજવે છે. અને આનંદની વાત એ છે કે સજીવ કપાસની ખેતીનું પ્રમાણ વધ્યું છે કેમ કે એ આપણી જમીન, ખેડૂત અને ગ્રાહકો માટે લાભદાયી છે. 1985ની સાલથી ટકાઉ ખેતી પદ્ધતિ અંતર્ગત અનાજ, શેરડી, સિરિયલ, રોકડિયા પાક અને કપાસમાં સજીવ ખેતીને જતન ટ્રસ્ટ પ્રોત્સાહન આપતું રહ્યું છે. જિનેટિકલી મોડીફાઇડ કોટન પ્રચારમાં આવ્યું જેની પરાગ રજથી અન્ય પાકને નુકસાન થાય છે એ સમજાવવું અઘરું હતું કેમ કે ખેડૂતો પાસે બીજો કોઈ વિકલ્પ નહોતો. જો જી.એમ. કપાસ ન ઊગાડે તો તેમનો માલ ન વેંચાય. આજે ભારતમાં 95% કપાસ જી.એમ. છે. દાળ, કઠોળ અને અનાજ ઊગાડે તો ઓછું વળતર મળે એટલે ખેડૂતો ન છૂટકે કપાસ ઊગાડે. જી.એમ. કપાસમાં ખૂબ જંતુનાશક દવાઓનો ઉપયોગ કરવો પડતો હોવાથી ખેડૂતોને દેવું થાય અને એ વાળી ન શકે એટલે આત્મહત્યા કરે એવી હાલત છે. સજીવ કપાસની ખેતીમાં ખાતર અને જંતુનાશક દવાઓનો ઓછો ઉપયોગ કરવો પડે છે એ વાત ગળે ઉતરાવતાં ઘણાં વર્ષો અને મહેનત માંગી લે છે.

અલબત્ત સજીવ કપાસ અને ખાદીનું ઉત્પાદન રસાયણોથી સાવ મુક્ત નથી એ ખરું, પણ સજીવ કપાસ અન્ય કપાસની તુલનામાં વધુ લાભદાયી ખરું જ. ઝડપથી બદલાતી ફેશનના પાગલપનથી નહીં પણ ધીમી ગતિએ બદલાતી ફેશન અપનાવવાની સાથે જ સજીવ ખેતી નભે. પર્યાવરણમાં આવતા બદલાવ અને આજના વિકાસની તરાહ ટકાઉ નથી એ સમજીને કાપડ પેદા કરતી ‘buy more, more’ના નારા લગાવતી મોટી મોટી કંપનીઓ દ્વારા દોરવાઈને નહીં પણ કપાસથી માંડીને કાપડ પેદા કરતા લોકોથી દોરવાઈને આપણી જરૂરિયાતોને અંકુશમાં રાખવી જોઈશે. જરૂરતને આધારે ખરીદવું, ઈચ્છાથી લોભાઈને નહીં એ મંત્ર બધાએ જપવો જોઈશે. 

કપિલભાઈએ ભારે હૃદયથી કબૂલ કર્યું કે કોરોના વાયરસના ફેલાવાને કારણે ખેડૂતોએ પાક લણ્યો છે એની 20% ઓછી કિંમત મળે છે, એ પાક નાકમો નહીં જાય, પણ વચેટિયા ભાવ વધારીને શોષણ કરે તેવી સંભાવના ખરી.

મેધા શાહ કાપડ ડિઝાઈનર છે જે વીવર બર્ડ નામના સંગઠન દ્વારા સજીવ કપાસ પેદા કરનારા ખેડૂતો સાથે મળીને કપડાંની અદ્યતન ડિઝાઇન કરે છે. એક ખેડૂતે કહ્યું, “મારો કપાસ નથી વેંચાતો.” મેધાએ ખાદી યુનિટને એ કાંતીને વણવા આપ્યું, એમ સાત વર્ષ પહેલાં માત્ર સજીવ કપાસથી બનતી ખાદીની ડિઝાઇન કરવાનો યજ્ઞ તેણે માંડ્યો. ફાસ્ટ ફેશન અનુસરવી એટલે વિચાર્યા વિના જરૂર ન હોય તો પણ કપડાંની ખરીદી કરવી અને થોડા વખતમાં જૂની ફેશન લાગે એટલે ફેંકી દઈએ; આવો ઘમંડી વ્યવહાર બંધ કરવો જોઈશે એમ તેને લાગે છે. પર્યાવરણ અને ગ્રાહક બંને માટે સારું. ગ્રાહકને ખેતર સુધી લઇ જઈ, કપાસ ઊગાડવાની બધી પ્રક્રિયાઓ બતાવીએ અને કાપડ તેમ જ કપડાં પેદા કરનારાઓ સાથે જોડાણ કરાવી આપીએ તો ગ્રાહકો સમગ્ર ઉદ્યોગ પ્રત્યે જાગૃત અને તેમાં જરૂર પડતી મહેનત માટે સંવેદનશીલ બનશે. મેધાને અપેક્ષા છે કે કોરોના વાયરસને કારણે લોકોને આવા મુદ્દાઓ વિષે વિચારવાનો સમય મળ્યો, તો માલ પૂરો પાડનાર સાંકળ પર અસર થઇ અને હવે આગળ ઉપર શું કરવું તે સમજીને પોતાની જીવન પદ્ધતિ બદલવાનો નિર્ણય કરશે. રાણા પ્લાઝા જેવી ઘટના ફરી ક્યારે ય ન બને તે જોવું રહ્યું. સજીવ કપાસમાંથી હાથે કાંતેલા સૂતર, હાથે વણેલ અને કુદરતી રંગોથી રંગેલ કાપડ, હાથે સીવેલાં જથ્થાબંધ માત્રામાં નહીં તેવાં કપડાં ઉત્તમ વિકલ્પ છે કેમ કે એ કુદરતી રીતે વિઘટિત થનારા અને પરસ્પરાધારિત સમાજ રચનાને પોષનારા છે, એવું મેધાને અનુભવે સમજાયું છે.  

આ વેબિનારમાં ભાગ લેનારા સહુ પાસેથી તેમનાં કાર્યનો પરિચય થયો. એથિકલ ફેશન ફોરમ એન્ડ કોમન ઓબ્જેક્ટિવની પ્રતિનિધિ જિઓવાના (www.commonobjective.co) આ વિષય પર સુંદર વાત પીરસી ગઈ. આફ્રિકામાં ઉછરેલી, મૂળ વ્યવસાય સ્થપતિનો. બીજા દેશોની લોકકલા અને ભરતકામથી મોહિત થયેલી. લંડનમાં એવા પોષાક પહેરાતા નથી તે સમજી. પણ યુનાઇટેડ કિંગ્ડમના લોકોમાં પણ આવી કુશળતા ભરી પડેલી છે એમ લાગ્યું. ફેર ટ્રેડ અને એથિકલ બાયિંગ જેવા વિચારોથી આકર્ષાઈને એ વ્યવસાય કરવા ધાર્યું. પણ એ માટે માલ પૂરો પાડનાર ક્યાં શોધવા? બહેન પહોંચી બાંગ્લાદેશ. એ તો કાપડ ઉદ્યોગનું થાણું. ત્યાં ખાદી મળી. સફળ વેપાર માટે ગ્રાહકોની જરૂરતો અને પસંદગી જાણવી અને તેમની સાથે વાત કરતા રહેવી એ શીખી લીધું. ત્યાર બાદ તો ઘાનાના કારીગરો સાથે કામ શરૂ કર્યું. ત્યાંની સ્ત્રીઓ પોતાને માટે અને બાળકો માટે બાટિક છાપનાં કપડાં બનાવે. જિઓવાનાના સાથથી એ લોકોનો વેપાર દસ ગણો વધ્યો. એ કારીગરોની કુશળતા અને વિશેષ જ્ઞાન કેવી રીતે ટકાવી રાખવા અને તેનો કાપડ ઉદ્યોગમાં કેવી રીતે ઉપયોગ કરવો એ જાણી લીધું. આજે તો યુ.એન. પણ એ લોકોને ફન્ડ આપે છે. 130 દેશોમાં તેમનું કામ પથરાયેલું છે.

જિઓવાનાએ મુદ્દાની વાત કરી. એથિકલ કપડાં મોંઘા કેમ બને છે એ વિચારીએ. કારીગરોને પૂરતી મજૂરી આપીએ તો આ કપડાં મોંઘા થાય એ વાત ગ્રાહકોને કેમ સમજાવવી? ફેકટરીમાં બનતા પુષ્કળ માલને કારણે વેપારીઓ ખૂબ વેંચવાની મથામણ કરે, માલ સસ્તો હોય એટલે લોકો ખૂબ ખરીદે. ખરીદી એક વ્યસન બની ગઈ. પેદા થયેલ માલનું મૂલ્ય ગ્રાહકો નથી સમજતા. ખરીદી સારી વસ્તુની કરો, સસ્તી વસ્તુની નહીં એ કોણ સમજે? તેને એ વાત પર ભરોસો છે કે લોકોનાં વલણો બદલશે અને વસ્તુઓની કિંમત, તેની સમાજ અને પર્યાવરણ પર થતી અસર એવો ત્રિપરિમાણીય વેપારનો ઢાંચો હવે આવશે. કાપડની ગુણવત્તા સારી હોવી અને પેદાશોનું પ્રમાણ એટલું અને એવું હોવું જોઈએ કે ટકાઉ હોય અને કાપડ ઉદ્યોગ તેની સાથે જોડાયેલા કારીગરોને લાંબા સમય સુધી રોજી આપનાર હોય એ વાતનો ખ્યાલ કરવો જોઈશે. ઓછું ખરીદો અને સારા માલ માટે વધુ કિંમત ચૂકવો, જીવન જરૂર પૂરતું જ એટલે કે ઓછું પેદા કરો; અને તો જ બીજાની જિંદગી સુધરશે. એ માટે કપડાં પૂરા પાડનારા તે બનાવરનારાઓ સાથે મળે તો થાય. નીતિમત્તાને એક બાજુ રાખીને થતા વેપારો પગદંડો જમાવી બેઠા છે, પણ હવે કાપડ ઉદ્યોગની રૂખ બદલતી જોવા મળે છે. સાચી દિશામાં ડગ માંડીએ છીએ તેમ લાગે છે. 

એથિકલ ફેશન એક્ટિવિઝમ અને માર્કેટિંગ સ્ટ્રેટેજી માટે કામ કરતાં Sian Conwayની વાત પણ સમજવા યોગ્ય ખરી. કપડાં વેંચતી મોટી કંપનીઓ અને નાના વેપારીઓ માટે જાહેરાતો આપવી, વેંચાણ વધારવું અને માલ પૂરો પાડનાર સાંકળના તમામ મણકાઓ સાથે સંપર્ક રાખવો અતિ અનિવાર્ય બને. વ્યાપાર માટે ગ્રાહકોનું મનોવિજ્ઞાન જાણવું પડે. કંપનીઓને ગ્રાહકોની ઉંમર, તેઓનું રહેઠાણ, આવક અને અભ્યાસ તથા કામના પ્રકાર વિષે માહિતી હોવી જરૂરી. હવે પ્રજાને એ રીતે કેળવવાની જરૂર છે કે તેઓ પોતાની જરૂરિયાત પ્રમાણે ખરીદી કરે, તો બિનજરૂરી વસ્તુઓ નહીં ખરીદે અને બગાડ થતો અટકશે. સામાન્ય લોકો એમ માને છે કે તેમનાં કપડાં રોબોટ બનાવે છે. એમને કારીગરોના અધિકારોથી વાકેફ કરવા જોઈશે. ગ્રાહકો કંપનીઓને માંગણી કરે કે તેમનાં કપડાં કોણ બનવે છે, તેઓ કઈ હાલતમાં જીવે છે, શું ખાય છે, કેવું સ્વાસ્થ્ય ભોગવે છે વગેરે માહિતી પૂરી પાડે. જો આ બધી હકીકતો ઉપલબ્ધ થશે તો ગ્રાહકો કદાચ પોતાના ભોગવિલાસ માટે શરમ અને ગુનો કર્યાની લાગણી અનુભવશે. જેનાથી દુઃખ કે શરમ અનુભવાય તેવા પ્રશ્નોના જવાબ ન આપવા એ કંપનીઓ અને વેપારીઓની નીતિ હોય છે. આથી જ બાળ મજૂરી અને શોષણ થતું હોય તેવા માલ વિષે કશી માહિતી અપાતી નથી. એક એવું વેન્ડીંગ મશીન શોધાયું છે જેમાં એક ટી શર્ટનો ઓર્ડર આપો, તો તેની સામે આ તમામ માહિતી પ્રામાણિક પણે આપી છે, અને ગ્રાહકને એ ખરીદવા કે કરીગરોની હાલત સુધારવા એટલી કિંમત દાન કરવા વિકલ્પ આપ્યો છે.

કાપડ ઉદ્યોગને વધુ નીતિમાન બનાવવાના વિવિધ પ્રયાસો થઇ રહ્યા છે અને રસપ્રદ વિચારો વહેતા થયા છે. હવે તૈયાર કપડાં નાનાં કે મોટાં આવે તો તેને સુધારીને પહેરો, ફાટે તો સાંધીને પહેરો, ટૂંકા પડે તો બીજાને આપો એવી સલાહ અપાવા લાગી છે. રિસાઇકલની માફક હવે ‘અપસાઇકલ’ કરવાની હિલચાલ શરૂ થઇ છે. જૂની દેખાતી વસ્તુઓને નવો ઓપ આપીને તેનું આયુષ્ય વધારવા પ્રોત્સાહિત કરવા ઘણા લોકો આગળ આવ્યા છે. નકામી અને ફેંકી દીધેલ વસ્તુઓમાંથી કપડાં અને બીજી વપરાશની વસ્તુઓ બનવા લાગી છે. ઓછું ખરીદો, કબાટમાં કપડાંની સિલક જોઈને જરૂર હોય તો જ દુકાનોમાં જાઓ તેવું યુવા પેઢીને કહેવામાં આવે છે. આ બધું સૂચવે છે કે હવેની પેઢીને તેમના વડદાદાઓના સમયમાં હતી તેવી જીવનપદ્ધતિ અપનાવવામાં જ તેમની ભલાઈ થશે તેનું ભાન થયું છે. આજે હવે એ પણ સ્પષ્ટ થતું જાય છે કે ટકાઉ વિકાસને નૈતિક ઉત્પાદન અને વપરાશ સાથે અજોડ સંબંધ છે. એ બંને આપણા શારીરિક અને માનસિક સ્વાસ્થ્યને અસર કરે છે. સાંધેલું પહેરો, ખરીદી કરતા પહેલાં વિચાર કરો એ બધાં નાનાં પગલાં છે, પણ તેનું પરિણામ મોટું આવશે એ આમ પ્રજા ક્યારે સમજશે? એ માટે પૂરા સમાજે આંકડા ભીડવા જોઈશે, દરેક વ્યક્તિનો નિર્ણય અને એ દિશામાં ઉઠાવેલ કદમ આપણા જીવન પર સારી કે માઠી અસર કરનાર છે. 

બીજો એક નવો વિચાર વહેતો થયો: છ જોડી કપડાં પસંદ કરો અને એ છ અઠવાડિયા પહેરો. એક વર્ષ સુધી નવાં કપડાં ન ખરીદવાનું વ્રત લો.

આ વેબિનારમાં stitch and bitchની બેઠક પણ હતી! જાણીને નવાઈ ઉપજે, પરંતુ હા, પાંચ મહિલાઓ કંઈને કઇં સાંધવાનું, ભરત ભરવાનું અને સીવવાનું કામ લઈને અનૌપચારિક રીતે વાતો કરતાં કરતાં ફેશનમાં નૈતિકતાની જાળવણી કેવી રીતે કરવી એવા બહુ મહત્ત્વના મુદ્દાઓની ચર્ચા કરતાં હતાં. ઘડીભર તો મારી નાની-દાદી કે મા-માસીના સમયમાં હું હોઉં તેવું લાગ્યું. આ બેઠકમાં ભાગ લેનારા સહુ કોઈને કોઈ સંગઠન ચલાવે છે અને પોતપોતાનાં ક્ષેત્રમાં નિષ્ણાત છે. તેમની વાતોનો સાર આ પ્રમાણે : નવયુવાનોને હવે સેકન્ડહેન્ડ કપડાં પહેરતાં શરમ અનુભવવાની જરૂર નથી તેમ કહેવું, ફાટે તો સાંધો અને ટૂંકા પડે તો બીજાને આપો એ પણ ટેવ પાડવાનું સમજાવવું રહ્યું. ફેશનને નામે ચળકાટ વાળી પ્લાસ્ટિકની વસ્તુઓ પહેરવી એ પર્યાવરણ માટે હાનિકર્તા છે તે વિષે વધુ માહિતી આપવી રહી. જથ્થાબંધ તૈયાર થતાં કપડાં બનાવનાર કારીગરોને કેવી હાલતમાં કામ કરવું પડે છે, અને કેટલી મજૂરી મળે છે એ માટેના વીડિયો બતાવીને ખ્યાલ આપવો વધુ અસરકારક થશે. એ વાત સ્વીકારીએ કે યુનાઇટેડ કિંગ્ડમ જેવા દેશમાં દરેક ઋતુમાં અલગ અલગ પ્રકારના કપડાં હોવા જરૂરી છે, પરંતુ એ દર વર્ષે જે તે ઋતુમાં કામ આવે, દર વર્ષે ફેંકી દેવાની જરૂર ખરી? અમે માન્ચેસ્ટરમાં 10 કિલોમીટર દોડમાં ભાગ લઈએ ત્યારે ગરમી થાય એટલે લોકોને પોતાના સ્વેટર રસ્તા પર ફેંકી દેતાં જોયાં છે. મનમાં હશે કે ‘પ્રાઈમાર્ક’માં માત્ર £3નું મળે છે, એક કોફી કપના ભાવે, તો એમાં શું? આ બહેનોએ એ વાત પર ભાર મુક્યો કે કપડાં ખરીદતી વખતે આટલી વાત ધ્યાનમાં રાખીએ, મારે તેની જરૂર છે? મને એ ગમે છે, મારા શરીર પર શોભે છે? કપડાં ટકાઉ હોવા જોઈએ અને બીજાને આપી શકાય તેવાં હોવાં જોઈએ. મારા કપડાં પર લાગેલા લેબલ પાછળ કેટલી મજૂરી લાગે છે તે જાણવું અનિવાર્ય છે, જો આપણે આ ઉદ્યોગને નૈતિક બનાવવા માંગતા હોઈએ. સાંપ્રત સમસ્યા કોરોના વાયરસની છે. આજે જાત જાતના સ્પ્રે, સેનિટાઇઝર્સ, હાથના મોજાં, માસ્ક્સ, ગાઉન અને વાઇઝર્સ એ તમામ સાધનો આપણને રોગમૂક્ત રાખવા જરૂરી મનાય છે, પરંતુ આજથી પાંચ-સાત દાયકાઓ બાદ અચાનક ખ્યાલ આવશે કે આટલો બધો પ્લાસ્ટિકનો કચરો શું કોરોના કાળ દરમ્યાન થયો? શું એ લોકો પાસે પ્લાસ્ટિક સિવાય બીજો કશો વિકલ્પ નહીં હોય? આજે fast ફેશનની જરૂર છે કે fix it ફેશનની? એવી ફેશન જે કપડાં સાંધીને પહેરતાં ગૌરવ અનુભવતાં શીખવે અને એ રીતે પર્યાવરણને પણ સાંધી આપે? પરિવર્તન રાતોરાત ન આવે. નાના પગલાંના મોટાં પરિણામ આવે. વૈશ્વિક સમસ્યા માટે સામૂહિક જવાબદારી સ્વીકારીએ અને બીજાને સાથે લઈને ગણતરીપૂર્વકના પગલાં લઈએ તો જરૂર સામૂહિક સર્વનાશમાંથી બચી જઈશું. 

બીજી એક વાત, up cycling એટલે એક વસ્તુમાંથી બીજી બનાવવી. જેમ કે એક જંપર ફાટે તો તેના પર સુંદર ભરત ભરીને સાંધી દેવાય. એક બ્લાઉઝ ઘણો વખત પહેર્યું, કંટાળી જવાય તેટલો વખત. તેને જુદા રંગની નવા પ્રકારની બાંય સીવીને રસપ્રદ બનાવ્યું. જૂના ડ્રેસમાંથી સ્કર્ટ કે બ્લાઉઝ બનાવે. શું ખોટું છે તેમાં? take it up, wear it out જેવાં સૂત્રો યુવાનોને મોહક લાગે. પણ તે દ્વારા તેમને બિનજરૂરી ખરીદી કરીને કપડાં ફેંકી દેવા પાછળ કારીગરોને ભાગે આવતા કામના લાંબા કલાકો, કામ પર સહેવો પડતો ત્રાસ અને જોહુકમી એ બધું આધુનિક ગુલામીનું જ સ્વરૂપ છે એ સમજાઈ જશે.

એવી જ રીતે મારાં કપડાં કોણે બનાવ્યાં? એ જાણવાની ઝુંબેશ ચાલી છે. કંપનીઓ અને તેમને માલ પૂરો પાડનારાઓ સાથે સંવાદ થતો રહે તે જરૂરી. લેબલ પરથી મારાં ખરીદેલ કપડાં ક્યાંથી આવ્યાં તે જાણી શકું. પણ એ કેવી રીતે બન્યાં, કેવા વાતાવરણમાં બન્યાં અને કારીગરોને કેટલી નજૂરી મળી તે કેમ કરીને જાણવું? આ Who made my clothes સંગઠનને પોતાના ગ્રાહકો કોણ હશે તે ખબર નહોતી. વ્યાપ વધતો ગયો પોતાના કામનો, આજે 85% માલ વિદેશોથી આવે છે અને 28 જેટલા દેશોમાં પહોંચાડાય છે. આશરે 2,500 જેટલા કારીગરોને સહાય મળી રહે છે. લઘુ ઉદ્યોગોને વધુ લાભ થાય. સૂતર કાંતવાથી માંડીને કપડાં સીવવાં સુધીના ઉદ્યોગ દ્વારા તેમનું સશક્તિકરણ થયું. કોરોના વાયરસની મહામારીને કારણે ખેતરોમાં પાક લણવાનું બંધ છે તેથી ઘણાં સિલાઈકામ કરીને પેટિયું રળે છે. રોજમદારી પર જીવતા લોકોને રાશન મળે, પણ પૂરતું નથી હોતું. તેમાં ય રંગારા અને છાપનારાને વધુ તકલીફ. દરજીઓને માસ્ક બનાવવા કાપડ નથી મોકલી શકાતું. આવા સમયે કયા વ્યવસાયો કરનારા અને કઈ કઈ સેવાનું વધુ મહત્ત્વ છે એ સમજાય. 

સરકારોનો ફેશન રે’વલૂશનમાં શો ફાળો? એ વિષય પર પણ ચર્ચા થયેલ. જેના માતા-પિતા હેર ડ્રેસિંગ સલોનનાં માલિક હતાં તેવી ટમારા UCLમાં ભણી અને હાલમાં ફેશન ટકાઉ કેમ બનાવવી અને નહિ નફો નહિ નુકસાનના પાયા પર વેપાર કેમ વધારવો એ માટે નીતિ ઘડીને વ્હાઇટ હોલ સુધી પહોંચાડવાનું કામ કરે છે.

કાપડ ઉદ્યોગના બધા ક્ષેત્રો સાથે મળીને ફેશન જગતમાં ક્રાંતિ લાવે તો જ બદલાવ આવે. આપણે શું કરી શકીએ તે વિચારીએ, નહીં કે શું શું નથી થઇ શકે તેનું રટણ કરીએ. કપડાં સુંદર, આકર્ષક લાગે તે સહુને ગમે, પણ વધુ પડતા ખર્ચાળ હોવા જરૂરી નહીં. મોટી મોટી કંપનીઓને જથ્થાબંધ માલ પૂરો પાડવો મુશ્કેલ હોય છે. આજકાલ રિસાઇકલ કરવાનું મહત્ત્વ સમજાયું છે, પરંતુ એ માટેનો માલ કોણ એકઠો કરી, છુટ્ટો પાડીને કાપડ પેદા કરનારને મોકલી આપે? આ સમસ્યાઓના હલ પરસ્પરના સહકારથી જ થશે.

આપણે જાણીએ છી કે પોલિયેસ્ટર દુનિયાના ⅓ પ્રદૂષણ માટે જવબદાર છે. કપડાં બનાવતી કોર્પોરેટ કંપનીઓ આ વિષે વિચારે, પર્યાવરણ બચાવવા માટેની નીતિ ઘડવામાં સહભાગી થાય તો માનવ અને અન્ય સૃષ્ટિનો બચાવ થાય. આપણે કદાચ એ પણ નહીં જાણતા હોઈએ કે લાકડાના માવામાં રસાયણો ભેળવીને વિસ્કસ બને છે. વિચાર કરીએ, કેટલા જંગલોનો નાશ થતો હશે? એટલું તો નક્કી, કાપડ ઉદ્યોગે પોતાના ધંધાનો ઢાંચો બદલવો પડશે. સ્વાસ્થ્ય અને શક્તિવર્ધક અને નવજીવન બક્ષનારો વ્યાપાર ખપશે. આપણી જીવનપદ્ધતિ ભૂતકાળ તરફ નહીં લઇ જવાય, પરંતુ ઊભા રહીને વિચારીએ અને થોડો પણ બદલાવ લાવીએ તો ય પૃથ્વી બચશે. ફેશન ડિઝાઇન કરવી જરૂર, પણ જવાબદારીપૂર્વક. સવાલ એ છે કે ફેશનમાં અને કાપડ ઉદ્યોગમાં પરિવર્તન કોણ લાવે? બધા એકબીજા સામે આંગળી ન ચીંધીએ તો જ ઉકેલ મળે. ગ્રાહકોને પોતાનાં કપડાં વિષે પૂરતી માહિતી મળે, તેઓ કંપનીઓને સવાલો પૂછે અને ઉત્પાદકો, કારીગરો અને ગ્રાહકો સહુ પોતાના કર્મોના પરિણામો વિષે વિચારે અને સુધારો લાવે તો ફાયદો થાય.  

ફેશનમાં પ્લાસ્ટિકનો વપરાશ એ વિષય પર ગ્રીન પાર્ટીનાં ભૂતપૂર્વ નેતા નાટલી બેનેટે એ કહીકત પર ધ્યાન દોર્યું કે વપરાશ પૂરો થાય બાદ પ્લાસ્ટિક ક્યાં જાય છે અને માઈક્રો પ્લાસ્ટિક વાતાવરણમાં ભળે છે એ આપણે ગ્રાહક તરીકે જાણીએ છીએ? કપડાં એક બેગમાં મૂકીને વોશિંગ મશીનમાં ધોવાથી અને ફિલ્ટર મુકવાથી એ કચરો નિકાલ થયેલ પાણી વાટે નદી-સરોવરો ને દરિયામાં જતો અટકાવી શકાય. યુરોપ કરતાં યુનાઇટેડ કિંગ્ડમમાં કાપડમાં પ્લાસ્ટિકનો ઉપયોગ બે ગણો વધુ થાય છે. એ જાણીને આંચકો લાગશે, પરંતુ ફેશન ઉદ્યોગ એવિયેશન અને શિપિંગ જેટલા જ હાનિકારક તત્ત્વો હવા અને પાણી જેવાં માણસ માટે મૂળભૂત જરૂરી સ્રોતોમાં નિકાલ કરે છે. એમનું માનવું છે કે ઓછાં કપડાં વાપરવાની ટેવ પાડવી પડશે. આજથી સો વર્ષ પહેલાં ઘણાં વર્ષોની કમાણી બાદ થયેલ બચતમાંથી એકાદ સૂટ કરાવતો ઘરનો વડીલ જોવા મળતો. આજે નાના બાળકથી માંડીને તમામ ઉંમરના સ્ત્રી-પુરુષો માટે બનાવટી કાપડના બનેલ સૂટ એકાદ-બે વાર પહેરીને ફેંકી દેવા લાગ્યા છે. પર્યાવરણ જ નહીં, માનવના સ્વાસ્થ્યને બચાવવા કુદરતી રેસાઓમાંથી બનેલ ઓછી સંખ્યામાં ખરીદેલ કપડાં પહેરવાં આપણે માટે હિતાવહ છે.

આપણાં કપડાંની બનાવટમાં કયા રસાયણો વપરાય છે તે વિષે પીટર ગોર્સ હાલ સંશોધન કરી રહ્યા છે. તેમનું કહેવું છે કે કાપડ બનાવવાની તમામ પ્રક્રિયા રાસાયણિક છે. કપાસમાંના રેસાઓ અને લાકડાના માવાને પાતળા રેસા બનાવવા પણ રસાયણો વપરાય છે, પરંતુ તેઓ પર્યાવરણને હાનિકર્તા ન હોય તેવા રાસાયણિક દ્રવ્યો શોધી રહ્યા છે. ખાદીમાં પણ બ્લીચ અને રંગ કરવા પણ રસાયણો વપરાય છે એટલું જ નહીં, કપડાં ધોતાં સતત રસાયણો નીકળે છે. આથી કપડાં કેવાં લાગે, શરીરને કેટલું સુખ આપે તેના કરતાં તેમાંથી કેવા રસાયણો નીકળે છે તેના પર ધ્યાન આપવું રહ્યું. માઈક્રો ફાઈબર પાણીમાં જાય, જેના પર શુદ્ધ કરવાની પ્રક્રિયા થયા બાદ આપણે પીએ અને ખાઈએ છતાં તેમાં એ પ્રવેશે છે. ફેશનમાં ક્રાંતિ લાવવી એ જીવનપદ્ધતિને બદલવાનો મુદ્દો છે. વોટર પ્રૂફ કપડાં બનાવવા ઘણા પ્રમાણમાં રસાયણો વપરાય છે જે માણસ અને પ્રાણીઓ માટે ખૂબ હાનિકારક છે. ⅔ કપડાં માત્ર રસાયણ જ છે. મુશ્કેલી એ છે કે કાપડ બનાવનારી કંપનીઓ તો આ હકીકત જાણે છે, પણ ખાનગી રાખે છે. કેમ કે વિકલ્પ છે મોંઘા રસાયણો વાપરવાનો, જે આટલી મોટી સંખ્યામાં કાપડ અને કપડાં બનાવવા માટે પોસાય નહીં એથી સસ્તો, પણ હાનિકારક માર્ગ લેવાય છે. આજકાલ ગ્રીન વોશિંગ અને ગ્રીન ક્લોધિંગ એ પ્રચલિત શબ્દ સાંભળવા મળે. પ્લાસ્ટિક બોટ્લ્સને હાનિકારક રસાયણો નાખી રિસાઇકલ કરે ત્યારે તેમાંથી એક શર્ટ બને, શું એ રસાયણોનો ઉપયોગ સાર્થક છે? ફેશન ઉદ્યોગમાં જોડાયેલા તમામ સંકુલોએ ગ્રાહકોને વધુ માહિતી આપવી જોઈશે. કાપડમાં કયા રેસાઓ, રસાયણો વગેરે છે, તેને કેમ ધોવા વગેરે માહિતી આપવાથી થોડો ફર્ક પડે.

કપાસ અને શણ વિઘટિત થઇ શકે તેવા જૈવિક રેસાઓ છે, જ્યારે પોલિયેસ્ટર નથી. આમ તો તદ્દન હાનિકારક એવા રેસાઓ બહુ ઓછા મળશે, પરંતુ ઓછામાં ઓછી હાનિ પહોંચાડે તેવાનો વપરાશ વધારવો હિતાવહ. આપણે આશા રાખીએ કે ગ્રાહકોને તમામ માહિતી આપી શકીએ તો તેઓ નૈતિક રીતે બનેલા કાપડ જ ખરીદશે. પણ સાથે સાથે પ્રામાણિકતા અને પારદર્શિકતા શોધવી મુશ્કેલ છે. માનવો અને બીજા જીવો માટે સલામત હોય તેવા રસાયણો બને છે. યુ.એન. સસ્ટેનેબલ પ્રોજેક્ટ માટે નિયમો લાવવા કોશિશ કરે છે. વનસ્પતિ આધારિત કાપડ અને જીવવિજ્ઞાન આધારિત કપડાં એ જ નવો માર્ગ છે. અત્યારે તો ખૂબ કપડાં પેદા થાય છે, તે ઓછાં કરવાં પડશે, લોકોને સીવતાં અને સાંધતાં શીખવું પડશે.   

કાપડ ઉદ્યોગને નીતિમય માર્ગે દોરવાની વાત હોય ત્યાં ખાદીનો પ્રવેશ ન થાય તે સંભવ નથી. ખાદી લંડનના સૂત્રધાર કિશોરભાઈ શાહે ખાદી એટલે શું? એ વિષે સંક્ષિપ્તમાં વાત કરી. હાથે કાંતેલ-વણેલ કાપડ તે ખાદી. સમય જતાં સાધનો બદલાયા. ત્રાકથી માંડીને બાર-સોળ ત્રાકના અને હાથથી કે સૂર્ય ઉર્જાથી ચાલતા અંબર ચરખા આવ્યા. પહેલાં જ્યાં કપાસ ઊગતો ત્યાં જ કાપડ અને કપડાં તૈયાર થતાં. ઔદ્યોગિકરણને કારણે નાના પાયા પરના ઉદ્યોગો પડી ભાંગ્યા. ગ્રામીણ અર્થવ્યવસ્થા તૂટી અને સામૂહિક સ્થળાંતર અનિવાર્ય બન્યું. કાપડ ઉદ્યોગ સાથે બીજા અનેક ઉદ્યોગ-ધંધા જોડાયેલા છે, આથી જ તો ભારતને આર્થિક રીતે બેઠો કરવા અને તેની અસ્મિતા પાછી લાવવા ગાંધીજી ચરખાને મુખ્ય તખ્તા પર લાવ્યા. ખાદી લંડનનો હેતુ ટકાઉ વિકાસની તારાહને બઢાવો આપવાનો છે. ખાદીને વિશ્વ તખ્તા પર લઇ જવી છે, પણ તે માટે મજબૂત પાયો જોઈશે. વિકેન્દ્રિત અર્થવ્યવસ્થાને પોષવા, પ્રદૂષણ અને શોષણમુક્ત સમાજ રચવા ઇંગ્લેન્ડ સ્થિત એથિકલ ડિઝાઈનર્સને ખાદી પૂરી પાડે છે. તાજેતરમાં યુ.સી.એલ. અને ચેલ્સી કોલેજના ટેક્સટાઇલ અને ડિઝાઇન શાખાના વિદ્યાર્થીઓને આ કામમાં શામેલ કર્યા છે. આશા છે, નવી પેઢી ખાદીના ફાયદા અને આજના સમયમાં તેની પ્રસ્તુતતા સમજીને તેનો પ્રચાર કરશે. 

ફેશન જગતમાં હવે ‘કેટ વોક’ એ સહુને જાણીતો શબ્દ છે. કેટ વોકથી માંડીને એ કપડાંની બનાવટ સુધીની કથા જાણવા યોગ્ય હોય છે. (The Catwalk2Creation) Charney પાસેથી કેટલીક રસપ્રદ વાતો જાણવા મળી. દુનિયામાં લગભગ 1,50,000 વૃક્ષો કપાય છે અને 150 બિલિયન કપડાં (ગારમેન્ટ) બને છે. હવે આ સ્થિતિમાં પ્રદૂષણ કેવી રીતે રોકાય? પર્યાવરણ અને કુદરતી સ્રોતોને ટકાવી રાખે એવી પોષાકની શૈલી કરવી પણ શક્ય છે. બસ, એટલું વિચારવાની જરૂર છે કે સુંદર ભાતવાળાં વસ્ત્રો એ જ્યાં સુધી ટકી શકે તેટલી મુદ્દત માટે હોય છે, નહીં કે માત્ર એક ઋતુ માટે. સામાન્ય સૂઝ સમજ અને આ વિચારથી જાગૃત વ્યક્તિ સારા ડિઝાઈનર બની શકે. ઓછા સંસાધનો વાપરીને ડિઝાઇન કરવાનો સંકલ્પ કરનારાઓ પર્યાવરણ અને ગ્રાહકો બંનેને ફાયદો કરે. પ્લાસ્ટિકની બનાવટોમાંથી બનેલ સિન્થેટિક રેસાઓની બનાવટવાળાં કપડાં પહેરવાની ઘેલછા છોડી હવે કુદરતી રેસાઓ વાપરવા તરફ વળવું હિતાવહ છે. સૂતરાઉ કપડાંનો રંગ કદાચ ઊતરે, પણ તેમાંથી હવા પસાર થાય અને તે વિઘટનક્ષમ હોય છે જયારે સિન્થેટિક રેસાઓ નથી હોતા એ નવી પેઢીને ખબર નથી. આ પૃથ્વી ટકશે તો આપણે જીવીશું. સવાલ માનવી અને તમામ પ્રકૃતિના અસ્તિત્વનો છે.

વિચાર કરો, સિન્થેટિક કપડાંમાંના માઈક્રો પ્લાસ્ટિક વોશિંગ મશીનમાં ધોવાયા બાદ તેના નિકાલ થયેલ પાણી મારફત દરિયામાં ઠલવાય. દરિયાઈ જીવોને હાનિ થાય અને અંતે માણસને હાનિ થવા લાગે. હા, કુદરતી રેસાઓના વપરાશમાં પણ કેટલાક પડકારો છે, જેમ કે સજીવ કપાસની ખેતીની ક્ષમતા, તેના રંગોનું ટકાઉપણું, રંગકામથી ફેલાતાં હાનિકારક રસાયણો અને બજારની માગને પહોંચી વળવાની તેની ક્ષમતા. આમ છતાં આ બંને પ્રકારના કાપડ શેમાંથી બને છે અને વપરાય પછી ક્યાં જાય છે એ વિચારવાથી સાચી પસંદગી કરવા બળ મળશે. અપસાઇકલ કરવાનું ઉદાહરણ ‘ગીતાંજલિ’ નામની સંસ્થાની મહિલાઓ પૂરું પાડે છે. ત્યાં નકામાં કપડાંને અલગ કરીને તેમાંથી ફરી કાપડ બનાવવાનું કામ થાય છે. ફેકટરીમાં દરેક કામદાર એક શર્ટ કે ડ્રેસનો છૂટ છૂટક ભાગ બનાવે, જ્યારે દરજી આખું શર્ટ/ડ્રેસ સીવી આપે. બંને પાસે નકામાં કાપડના ઢગલા અને તેના વપરાશના પ્રમાણમાં ફેર પડતો હોય છે. તૈયાર કપડાં વેંચતી કંપનીઓ ક્યાંથી અને કેવી રીતે બનાવાયેલ કપડાં વેંચે છે તેની સાચી માહિતી મેળવી ગ્રાહકોને આપવી અનિવાર્ય બન્યું છે. વિઘટન ન થાય એ કપડાં નુકસાનકારક છે એ લોકોને સમજાયું છે, તો હવે ડિઝાઈનરોએ આ સમસ્યાનો ઉકેલ આવે તેવાં કાપડનો ઉપયોગ કરવો જોઈશે, વધુ સમસ્યાઓ ખડી થાય એ નહીં પોસાય. કપડાંને જાળવીને વાપરવાં અને સાચવવાં જોઈશે. ખરેખર તો ગ્રાહકો પાસે કેવું કાપડ વાપરવું અને કેવી ડિઝાઈનનું પહેરવું એ માટેની સત્તા હોવી જોઈએ, તેને બદલે મોટી કંપનીના માલિકો પાસે સત્તા છે. એમાં બદલાવ લાવવા લોકોનાં વલણો બદલવા રહ્યા.  

એક સપ્તાહ દરમ્યાન સજીવ કપાસની પેદાશથી માંડીને ફેશન અને કપડાંના વેપારમાં નૈતિકતાનો સમાવેશ કરવાના મુદ્દાઓની ચર્ચા થઇ, હવે તે અમલમાં આવે તે માટે સહુ લગતા વળગતા લોકોએ જોવાનું રહેશે. 

e.mail : 71abuch@gmail.com

Loading

...102030...2,2902,2912,2922,293...2,3002,3102,320...

Search by

Opinion

  • ચોર ચોરી કેવી રીતે કરે છે? શાની અને કેમ કરે છે?
  • એપસ્ટીન ઇન્ડિયા ફાઇલ્સ: સત્તા, સોદાબાજી અને રહસ્યોનું રાજકારણ
  • સ્માર્ટ ફોનનો સ્માર્ટ ઉપયોગ : નવા વર્ષનો સંકલ્પ
  • ચલ મન મુંબઈ નગરી—328
  • આનંદ તેલતુંબડેની જેલડાયરી

Diaspora

  • છ વર્ષનો લંડન નિવાસ
  • દીપક બારડોલીકરની પુણ્યતિથિએ એમની આત્મકથા(ઉત્તરાર્ધ)ની ચંદ્રકાન્ત બક્ષીએ લખેલી પ્રસ્તાવના.
  • ગાંધીને જાણવા, સમજવાની વાટ
  • કેવળ દવાથી રોગ અમારો નહીં મટે …
  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !

Gandhiana

  • ગાંધી ‘મોહન’માંથી ‘મહાત્મા’ બન્યા, અને આપણે?
  • ગાંધીહત્યાના પડઘા: ગોડસેથી ગોળવલકર સુધી …
  • ગાંધીની હત્યા કોણે કરી, નાથુરામ ગોડસેએ કે ……? 
  • ગાંધીસાહિત્યનું ઘરેણું ‘જીવનનું પરોઢ’ હવે અંગ્રેજીમાં …
  • સરદાર પટેલ–જવાહરલાલ નેહરુ પત્રવ્યવહાર

Poetry

  • ગઝલ – 1/2
  • સખીરી તારો એ હૂંફાળો સંગાથ …
  • વસંતાગમન …
  • એ પછી સૌના ‘આશિષ’ ફળે એમ છે.
  • ગઝલ

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved