Opinion Magazine
Number of visits: 9680884
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

ખમ્મા વીરાને જાઉં વારણે રે લોલ

નંદિની ત્રિવેદી|Opinion - Opinion|6 August 2020

હૈયાને દરબાર

આ વખતની રક્ષાબંધન સાવ મોળી લાગી. વીડિયો કોલ કરીને ભાઈને રાખડીનાં દર્શન કરાવ્યાં અને મીઠાઈનો ટુકડો દૂરથી જ બતાવ્યો. શું દિવસો આવ્યા છે! જિંદગીમાં કલ્પના ય નહોતી કરી કે આવી દૂરતાના દિવસો આવશે! નજીક રહેતાં ભાઈ-બહેન કદાચ એકબીજાને મળ્યાં હશે, એ ય માસ્ક પહેરીને, એટલે સ્મિત દ્વારા વ્યક્ત થતી ખુશી આંખ વડે અભિવ્યક્ત થઈ. ડેટોલથી ન્હાઈ, હાથ સેનિટાઈઝ કરીને રાખડી બાંધવાની! નહીં તો ઓનલાઈન! ભગવાન, રક્ષાબંધને ભાઈઓ અને બહેનો બધાંની રક્ષા કરો અને હવે આ કપરાકાળમાંથી ઉગારો! બીજું તો શું કહી શકીએ! બાકી, ગમે એવી મહામારી ભાઈ-બહેનના પ્રેમને તો ઓછો કરી જ શકે નહીં. ભાઈ એ બહેન માટે અડીખમ સુરક્ષાકવચ અને બહેન એટલે લાગણીનો મેળો. સૂતરને તાંતણે બહેન ભાઈની રક્ષાની પ્રાર્થના ભગવાન પાસે કરે એ લાગણી ગુજરાતી ગીતો દ્વારા વ્યક્ત થઈ છે.

‘કુંતા અભિમન્યુને બાંધે અમ્મર રાખડી હોજી’ અને ‘ખમ્મા વીરાને જાઉં વારણે રે લોલ’ જેવાં પ્રાચીન ગીતો બાદ અત્યંત લોકપ્રિય થયેલું ગીત ‘કોણ હલાવે લીમડી, ભાઈની બેની લાડકી’ આવ્યું. ‘વીરા બાંધું રે બાંધું તને રાખડી રે, મારા વીરાને રે કેજો કે વહેલો આવજે રે’ જેવાં કેટલાંક પારંપરિક ગીતો પણ સાંભળવા મળે. પરંતુ આજે વાત કરવી છે ‘ખમ્મા વીરાને જાઉં વારણે રે લોલ …’ ગીતના આધુનિક વર્ઝનની, જે યુવાનોને ય પસંદ આવે એવું છે. આ ગીતનો ભાઈ-બહેનનો બહુ સરસ વીડિયો છે.

‘ખમ્મા વીરાને જાઉં’ ગીત વર્ષો પહેલાં સાંભળ્યું હતું. એનો પારંપરિક, સરળ ઢાળ હોવાથી ગમી ગયું હતું. પરંતુ આ જ ગીત આપણા લોકલાડીલા ગાયક પ્રફુલ દવેનાં સંતાનો ઈશાની દવે અને હાર્દિક દવે પાસે આધુનિક વાદ્ય અરેન્જમેન્ટ સાથે સાંભળીને ખૂબ મજા પડી ગઈ. ગીતનો ભાવ બરકરાર રાખીને અત્યંત હૃદયસ્પર્શી રીતે આ ભાઈ-બહેને નવી ટ્રીટમેન્ટ સાથે રજૂ કર્યું છે. ઈશાની પ્રોફેશનલ સિંગર છે અને સરસ ગાય છે જ પણ હાર્દિકને સાંભળીને તો જાણે પ્રફુલ દવે ગાતા હોય એવી જ અનુભૂતિ થાય! બંને બહુ ટેલેન્ટેડ સંતાનો છે જેનો પ્રફુલભાઈને ઘણો ગર્વ છે. ઈશાનીએ ઘણાં સિંગલ્સ આપ્યાં છે જેમાં પ્રફુલભાઈ સાથેનું ‘પા પા પગલી’ ગીત ખૂબ હૃદયસ્પર્શી છે. ‘ખમ્મા વીરા’ને ગીત વિશે ઈશાની દવે કહે છે, "નાનપણથી મેં મારાં માતા-પિતાને ગાતાં સાંભળ્યાં છે. એમાં ય પપ્પાના કંઠેથી લોકગીતો મધની જેમ ઝરે. કવિ ન્હાનાલાલની આ કવિતા એમને ભણવામાં આવતી હતી. પપ્પા ખૂબ ભાવવાહી રીતે ગાતા. એટલે મને પણ બહુ જ ગમવા લાગી. અનોખા ગુજરાતી ગીતોનો પરિચય મને પપ્પાએ જ કરાવ્યો હતો. ૨૦૧૫માં રક્ષાબંધનના દિવસે મારા ભાઈને આ ગીત રેકોર્ડ કરીને મેં ગિફ્ટ આપ્યું, મિત્રો-સ્વજનોને સંભળાવ્યું. બધાનો સરસ પ્રતિભાવ મળતાં પપ્પા સાથે જ મેં ગીત ફરી વીડિયો રેકોર્ડ કરાવ્યું જેમાં પ્રથમ બે કડીઓ મૂળ ગીતની રાખી જેમાં બહેન ભાઈ પ્રત્યેની લાગણી વ્યક્ત કરે છે. બીજી બે કડીઓ કવિ પ્રણવ પંડ્યા પાસે લખાવી. એ બે પંક્તિઓ ભાઈની બહેન પ્રત્યેની લાગણી દર્શાવતી હતી. પછી, આ વર્ષે થયું કે હું અને હાર્દિક જ વીડિયો બનાવીને મૂકીએ. આમ, આ વર્ષે અમે ભાઈ-બહેને જ સાથે ગાઈને ગીત વહેતું મૂક્યું. સગાં ભાઈ-બહેન રક્ષાબંધનનું ગીત ગાય એ વધારે અસરકારક લાગે.

હાર્દિક દવે પોતે ગાયક-સ્વરકાર છે. ગુજરાતી ફિલ્મ ‘ઓત્તારી’માં સંગીત આપ્યું છે. જેનું મિલિન્દ ગઢવીએ લખેલું ‘ગુલાબી’ ગીત સરસ મ્યુઝિક અરેન્જમેન્ટ સાથેનું મોડર્ન ગીત છે. ઈશાની દવેએ ગુજરાતી ભાષાનાં જવલ્લે જ સાંભળવા મળતાં ગીતોનું રિમેક કરીને યુવાપેઢી સુધી પહોંચાડવાનું બીડું ઝડપ્યું છે. ‘ચાલો, થોડાં વધારે ગુજરાતી બનીએ’ સૂત્ર સાથે ગુજરાતી કવિતા, સંગીત, સાહિત્ય લોકો સુધી પહોંચાડે છે. જેમ કે, ફટાણાં. એને નવી ટ્રીટમેન્ટ આપીને કેવી રીતે લોકો સુધી પહોંચાડવાં એના પર એ હમણાં કામ કરે છે. ઓસ્ટ્રેલિયા જઈ સાઉન્ડ એન્જિનિયરિંગનો કોર્સ કર્યો પણ હવે એ સંપૂર્ણપણે ગાયનને સમર્પિત છે.

ફિલ્મ, સૂફી સંગીત તો ઈશાની ગાય છે જ પણ આ ભાઈબહેન જેવી યંગ ટેલન્ટ ગુજરાતી ભાષા-સાહિત્ય અને સંગીત પ્રત્યે પ્રતિબદ્ધ હોય એ ગર્વની વાત છે.

‘ખમ્મા વીરાને …’ ગીતના રચયિતા છે જાણીતા ગુજરાતી સાહિત્યકાર, વિદ્વાન અને ડોલનશૈલીના જનક કવિ ન્હાનાલાલ. એમના પિતા દલપતરામ ડાહ્યાભાઈ નર્મદયુગના મહાન કવિ હતા. ન્હાનાલાલનો જન્મ માર્ચ ૧૬, ૧૮૭૭માં અમદાવાદમાં થયો હતો. એમની મૂળ અટક ત્રિવેદી હતી. અમદાવાદની ગુજરાત કોલેજ, મુંબઈની ઍલ્ફિન્સ્ટન અને પૂનાની ડેક્કન કોલેજમાં અભ્યાસ કર્યો. ૧૮૯૯માં તત્ત્વજ્ઞાનના મુખ્ય વિષય સાથે બી.એ. અને ૧૯૦૧માં ઇતિહાસ સાથે એમ.એ. થયા. તેઓ ફારસી પણ બહુ સારું જાણતા હતા.

૧૯૧૯માં ગાંધીજીની પચાસમી જન્મજયંતી નિમિત્તે ‘ગુજરાતનો તપસ્વી’ રચના ગાંધીજીને અર્પણ કરી હતી. તેઓ સંસ્કૃતના પ્રકાંડ પંડિત. એમણે ગીતોના વિવિધ પ્રકારોમાં ખેડાણ કર્યું હતું. ઉપનિષદ અને ભગવદ્ ગીતા પર આધારિત સુપ્રસિદ્ધ પ્રાર્થના, ‘પ્રભો અંતર્યામી જીવન જીવના દીનશરણા’, જેની છેલ્લી ત્રણ કડીઓ સ્વતંત્ર પ્રાર્થના તરીકે ગવાય છે; ‘અસત્યો માંહેથી પ્રભુ પરમ તેજે તું લઈ જા …’ જેવી સંસ્કૃત પ્રધાન કાવ્યરચનાથી લઈને ‘ખમ્મા વીરાને જાઉં વારણે રે લોલ’ જેવી નિતાંત લોકરચના જે હાલરડા તરીકે પણ ગવાય છે, એ એમણે આપી. રક્ષાબંધને આ બધાં ગીતો અચૂક યાદ આવે.

આ વર્ષે રક્ષાબંધને બે સરસ નવાં ગીતો સાંભળવા મળ્યાં. એક તો અમદાવાદના નિશીથ મહેતાએ કમ્પોઝ કરેલું, કવિ તુષાર શુક્લે રચેલું ગીત ‘ઓ બહેના’. એનાં શબ્દ-સ્વરાંકન બન્ને સરસ છે.

સુરતનાં કવયિત્રી યામિની વ્યાસનું એક સુંદર ગીત સાંભળ્યું જેનું વ્હાલપભર્યું ભાવવાહી સ્વરાંકન અમદાવાદનાં ગાયિકા ડો. ફાલ્ગુની શશાંકે કર્યું છે તેમ જ એમણે પોતે જ ગાયું છે. એ ગીતના શબ્દો છે;

વહાલપના તાંતણાથી બાંધું
રે વિરલાને વહાલપના તાંતણાથી બાંધું
ઈટ્ટા કિટ્ટાને શું રાખું?
રે વિરલાને વહાલપના તાંતણાથી બાંધું
આશિષ દીર્ઘાયુના માગું મંદિર દોડી
સુખમય જીવન તારું યાચું રે હાથ જોડી
દીવડામાં પ્રાર્થનાને સાધું
રે વિરલાને વહાલપના તાંતણાથી બાંધું …!

આવી નવી રચનાઓ તહેવારોમાં આવે તો એ રીતે તહેવાર ગીતોની સમૃદ્ધિ વધે. શ્રાવણ મહિનો આમે ય તહેવારોનો મહિનો છે. શિવભક્તિ તો આખો મહિનો કરીએ જ, વચ્ચે નટખટ કાનુડો ય આપણી પ્રતીક્ષામાં છે. ચાલો, ત્યારે શ્રીકૃષ્ણ જન્મની વધામણીમાં લાગી જઈએ ને!

—————————

ખમ્મા! વીરાને જાઉં વારણે રે લોલ
મોંઘામૂલો છે મ્હારો વીર જો
               ખમ્મા! વીરાને જાઉં વારણે રે લોલ

એક તો સુહાગી ગગનચાંદલો રે લોલ
બીજો સોહાગી મ્હારો વીર જો
                ખમ્મા! વીરાને જાઉં વારણે રે લોલ

રાજ તો વિરાજે રાજમન્દિરે રે લોલ
પારણે વિરાજે મ્હારો વીર જો
                 ખમ્મા! વીરાને જાઉં વારણે રે લોલ

ચંપો ખીલે છે ફૂલવાડીમાં રે લોલ
ફૂલમાં ખીલે છે મ્હારો વીર જો
                  ખમ્મા! વીરાને જાઉં વારણે રે લોલ

આંગણે ઉજાસ મ્હારે સૂર્યનો રે લોલ
ઘરમાં ઉજાસ મ્હારો વીર જો
                  ખમ્મા! વીરાને જાઉં વારણે રે લોલ

એક તો આનન્દ મારા ઉરને રે લોલ
બીજો આનન્દ મ્હારો વીર જો
                  ખમ્મા! વીરાને જાઉં વારણે રે લોલ

દેવે દીધી છે મ્હને માવડી રે લોલ
માડીએ દીધો મ્હારો વીર જો
                   ખમ્મા! વીરાને જાઉં વારણે રે લોલ

•   કવિ : ન્હાનાલાલ દ. કવિ   •   સ્વર-સંગીત : હાર્દિક દવે-ઈશાની દવે

સૌજન્ય : ‘લાડકી’ પૂર્તિ, “મુંબઈ સમાચાર”, 06 ઑગસ્ટ 2020

http://www.bombaysamachar.com/frmStoryShowA.aspx?sNo=633432

Loading

બ્રાહ્મમુહૂર્તે અઝાન

વલીભાઈ મુસા|Opinion - Short Stories|6 August 2020

દિવાળીના તહેવારની સળંગ ત્રણ રજાઓનો આજે બીજો દિવસ હતો. ભિવંડીની લગભગ તમામ પાવરલુમ્સ ફેક્ટરીઓ આખું વર્ષ ત્રણેય શિફ્ટમાં ચાલતી, પણ વર્ષાંતે આ બોતેર કલાક સંપૂર્ણ લોકડાઉન રહેતું અને આખો ઈન્ડસ્ટ્રીઅલ એરીઆ કબ્રસ્તાનની શાંતિમાં ફેરવાઈ જતો. મારી નોકરી હંમેશ માટે રાતપાળીની જ રહેતી હતી અને ભવિષ્યે પણ એમ જ રહેવાની હતી, કેમ કે એ શરતે જ તો મને કામ મળ્યું હતું. મારી પાળી રાત્રે દસથી સવારના છ વાગ્યા સુધી રહેતી અને આમ આખું વર્ષ મારા માટે દિવસ એ રાત અને રાત એ દિવસ બની રહેતાં. કહેવાય છે કે સોબત તેવી અસર અને તે ન્યાયે હું પણ યંત્ર સાથે કામ કરતાં કરતાં યંત્ર બની ગયો છું. જોજો પાછા કોઈ ગેરસમજ ન થવી જોઈએ કે હું સંવેદનાશૂન્ય યંત્રમાનવ(રોબોટ)માં ફેરવાઈ ગયો છું; પરંતુ હા, એટલું તો ખરું જ કે હું ઘડિયાળના કાંટે ચાલતો સંવેદનશીલ માનવયંત્ર તો અચૂક બની ચૂક્યો છું.

આ સળંગ ત્રણ રજાઓમાં મારે માનવયંત્રમાંથી માત્ર અને માત્ર માનવ જ નહિ; પરંતુ એક પાગલ પ્રેમી બની રહેવાનું છે, મારી સલમાના દીવાના બની રહેવાનું છે અને તે માટે વાલદૈને સંતાનો સાથે વતનમાં ચાલ્યાં જઈને સાનુકૂળ માહોલ પણ પૂરો પાડ્યો છે. જો કે એક વિકટ કોઠો તો મારે જ જીતવાનો છે અને તે છે, જેટલોગને પરાસ્ત કરવાનો; મારે મારી સલમાના દિવસરાતમાં ગોઠવાઈ જવાનો અને તેના હૃદયાંચલમાં સમાઈ જવાનો!

સાયંકાલીન નમાજ પછીનું ભોજન પતાવીને હું મુખવાસ ચગળતો ચગળતો ટેરેસ ઉપર પહોંચી ગયો અને સલમાની રાહ જોવા માંડ્યો. આજે પણ અગાઉનાં વર્ષોની જેમ સલમાએ ફૂલછોડનાં કૂંડાંઓને ટેરેસ ઉપર સજાવ્યાં હતાં અને સીરીઝ લાઈટની રોશની પણ કરી હતી. સરકારી જાહેરાત અનુસાર નિશ્ચિત ડેસિબલ અવાજની મર્યાદાવાળા ફટાકડા રાત્રિના આઠથી દસ વાગ્યા સુધી ફૂટવાના હતા. હું ટેરેસ ઉપર ઊભો ઊભો આકાશમાંની આતશબાજીના નજારાને માણતો વિચારી રહ્યો હતો કે સલમા તેનાં કામ જલદી પતાવીને ઉપર આવી જાય તો સારું; અને લ્યો, તે આવી પણ ગઈ. જમ્યા પછીના મારા પ્રિય ડેઝર્ટ ફાલૂદાની તપેલી અને બે ગ્લાસને ટિપોય ઉપર મૂકતાં સલમાએ કહ્યું, ‘જમીલ, ફટાકડા ફોડવાની ઇચ્છા હોય, તો લઈ આવું; મેં છોકરાંને આપ્યા પછી થોડાક રાખી મૂક્યા છે.’

મેં મજાક કરતાં જવાબ વાળ્યો, ‘મારી ફટાકડી સામે એ ફટાકડાઓની શી ઓખાત?’

‘લુચ્ચા! શું હું ફટાકડી છું?’

‘હા, હાલ સુધી તો ફિગર જાળવી રાખ્યું છે, એટલે ફટાકડી ખરી; પણ આવી જ કાળજી ચાલુ નહિ રાખે તો કોઠી થતાં વાર નહિ લાગે! ખુદાનખાસ્તા એમ થયું તો મારે બીજી ફટાકડી લાવવી પડશે, હોં!’

‘એ ઉંમરે તો તમે પણ કોઠા જ થઈ ગયા હશો અને કોઠાને તો કોઠી જ મળે!’ આમ કહેતાં તેણે મારો કાન આમળ્યો.

‘સલમા, હવે એ ગમ્મતની વાત રહેવા દે તો હું તારી સાથે થોડીક ગંભીર વાત કરવા માગું છું.’

‘જુઓ જમીલ, ચિંતા થાય તેવી વાત હોય તો મોજમજા માણવાના આ તહેવારના દિવસોમાં મારે એ નથી સાંભળવી. આમ અચાનક જ ટોળટપ્પાના આનંદમાં તમે વિક્ષેપ નાખી રહ્યા છો.’

‘જો સલમા, પતિ જ્યારે હતાશ થાય, ત્યારે પત્ની જ તેનો સહારો બની રહે છે. વળી કુદરતનો કરિશ્મા પણ એવો હોય છે કે એવા ટાણે પત્નીમાં કોણ જાણે ક્યાંથી એવી શક્તિ ઊભરી આવતી હોય છે કે જે થકી તે પતિની હતાશાને પળવારમાં દૂર કરી દે છે.’

’હવે મૂળ વાત ઉપર આવશો કે મને પતંગની જેમ ઊંચે ને ઊંચે હવામાં ઉડાડ્યે જ જશો!’ સલમાએ કાજળમઢી આંખો ઉલાળતાં કહ્યું.

‘સલમા, ગઈકાલે રાત્રે મોડેથી પણ તું ઘસઘસાટ ઊંઘતી હતી, જ્યારે મારે તો ‘કરવટેં બદલતે રહે, સારી રાત હમ, આપકી કસમ’ જેવું થઈ રહ્યું. જેટલોગની પહેલી રાત્રિ અને વધારામાં આખી રાત આવતાં જતાં વિમાનોની ઘરઘરાટી, વાહનોની અવરજવર, ભસતાં કૂતરાં વગેરે અવાજોએ જરા ય આંખ મળવા ન દીધી. પરંતુ પછી તો કોણ જાણે મંદમંદ હવાની લહેરકીથી છેક મોડે ઊંઘમાં સરી પડ્યો, જે અઝાનના અવાજે હું જાગી ગયો હતો. મને પેલા બાહ્ય અવાજો જ નહિ, મારા અંતરનો અવાજ પણ મને સતાવી રહ્યો હતો. મારા અંતરનો અવાજ મને કહી રહ્યો હતો કે આપણે મુંબઈ છોડીને વતનભેગાં થઈ જઈએ. આજકાલ દેશની શાંતિ એવી ડહોળાઈ ગઈ છે કે સૌ કોઈ અજંપો અનુભવે છે; અને એમાં ય ખાસ તો આપણે મુસ્લીમો અગાઉ કદી ય નહિ એવી અસલામતી અનુભવી રહ્યા છીએ. એક પછી એક આવ્યે જતા મુદ્દાઓમાં હવે વહેલી સવારની અઝાનનો મુદ્દો ચગાવવામાં આવી રહ્યો છે. તોફાનો ફાટી નીકળે અને આપણે ભોગ બનીએ તે કરતાં રોજીના રઝાકાર અલ્લાહ ઉપર ભરોંસો રાખીને મુંબઈને અલવિદા કહેવામાં આપણી ભલાઈ છે. મારી જિંદગીમાં આવી હતાશા મેં ક્યારે ય અનુભવી નથી.’

‘આ તો મહિનાઓથી ચાલી રહ્યું છે અને તમને અચાનક આજે કેમ આ યાદ આવી ગયું. કોઈની સાથે આ મુદ્દે કોઈ ચડભડ થઈ છે કે શું?’

‘સલમા, તને મારા સ્વભાવની ખબર છે જ કે આવા સંવેદનશીલ મુદ્દાઓ અંગે હું કદી ય કોઈની સાથે વાદવિવાદમાં ન જ ઊતરું! પરંતુ કાને પડતું હોય કે જાણી જોઈને પાડવામાં આવતું હોય તેનાથી તો કઈ રીતે બચી શકાય! અમારી ફેક્ટરીના માલિક મુસ્લીમ છે અને ત્યાં કામ કરતા લગભગ ૮૦% જેટલા કામદારો બિનમુસ્લીમ છે. મારા બ્લોકમાં અમે વીસ કારીગરો છીએ, જેમાં હું એકલો જ મુસ્લીમ છું. મારા મિલનસાર સ્વભાવના કારણે બધા મને ખૂબ માનસન્માન આપે છે. ચારેક જણ તો મારા જિગરી દોસ્ત બની ગયા છે. હવે છેલ્લા એકાદ અઠવાડિયાથી એક બદલી કામદાર આવે છે, જે હજુ ત્રણ દિવસ રહેવાનો છે. પહેલી નજરે જ આપણને તે રૂક્ષ અને ટપોરી જ દેખાય. એ બીજાઓ સાથે ભળવાનો પ્રયત્ન કરે છે, પણ મારાથી તો દૂરી જ રાખે છે. વળી એટલું જ નહિ, તે મને કરડી નજરે જોતો હોય એવું લાગ્યા કરે. અમારાં મજદૂર યુનિયનો કોઈક ને કોઈ રાજકીય પક્ષના પ્રભાવ હેઠળ હોય છે. અમારી ફેક્ટરીના તમામ કારીગરો આઝાદી વખતે સ્થપાયેલા જૂનામાં જૂના રચનાત્મક અભિગમ ધરાવતા યુનિયનના સભ્યો છે, જ્યારે પેલો વિધ્વંસક વિચારધારા ધરાવતા અન્ય કોઈ યુનિયનનો સભ્ય હોઈ શકે છે. પરમ દિવસે તે એક કારીગર કે જે તેને અવગણતો હોવા છતાં તે તેની સાથે પરાણે વાત કરતો હતો. જોગાનુજોગ વેફ્ટ થ્રેડ (વાણો) ખલાસ થવાના કારણે તેની ત્રણ પાવરલુમ એક સાથે બંધ પડતાં તેના શબ્દો મને સ્પષ્ટ સંભળાયા કે ‘મસ્જિદોનાં ભૂંગળાંને તોડીફોડી નાખવાં જોઈએ’. બસ, એટલું સાંભળતા જ મારો મુડ ગયો અને ત્યારનો હું હતાશામાં ઘેરાઈ ગયો છું. અહીં આપણને વાંધો એ છે કે પ્રજા જો કાયદો હાથમાં લે તો સરકારની શી જરૂર રહે! ત્રણ તલાક, હજ સબસિડી વગેરે કાયદા દ્વારા નાબૂદ થયાં, તેમાં મુસ્લીમોએ શાંતિ જ જાળવી રાખી હતી ને! પહેલી નજરે ઘોર અન્યાય દેખાતા બાબરી મસ્જિદના ચુકાદાને મને કે કમને મુસ્લીમોએ માન્ય રાખ્યો. મુકદ્દમો હારનારને પણ ખુશ કરવામાં આવે તેવું વિશ્વના ન્યાયતંત્રના ઇતિહાસમાં પ્રથમ વાર બન્યું હશે! મૂળ મુદ્દા ઉપર આવું તો માઈક ઉપર સવારની અઝાનને કાયદો પસાર કરીને બંધ કરાવી શકાય. આઝાદી પછી કોણ જાણે કેટલાં ય રમખાણો લોકો વડે કાયદો હાથમાં લેવાના કારણે જ થયાં અને કેટલા ય નિર્દોષોનો ભોગ લેવાયો.’

સલમા ફાલૂદાના બે ગ્લાસ ભરી લાવીને મારી પાસે ઝૂલા ઉપર બેસતાં બોલી, ‘હવે મને જરા કંઈક કહેવા દેશો, પ્લીઝ? તમે કહો છો કે માઈક ઉપર સવારની નમાઝની અઝાનને કાયદા દ્વારા બંધ કરાવી શકાય. પરંતુ મારું માનવું છે કે આવો કાયદો ઘડવો જ ન પડે એ દિશામાં શું ન વિચારી શકાય? શું મુસ્લીમો વગર કાયદાએ આ આચારસંહિતાનું પાલન ન કરી શકે? કોઈને કોઈપણ પ્રકારની હાનિ ન પહોંચાડવાનો ઈલાહી કાનૂન શરિયતમાં મોજૂદ હોવા છતાં દુન્યવી આવો કાયદો પસાર થવાની રાહ જોવી કે એવી તાર્કિક દલીલ આપવી તે ઈસ્લામના માનવતાવાદી અને શાશ્વત કાયદાનો ઈન્કાર કરવા બરાબર નથી શું?’

‘સલમા, માની લે કે આપણે તારા કહેવા પ્રમાણે આ પ્રશ્નનો નિવેડો લાવીએ; પણ એ લોકો નવું કંઈક લાવશે, તો દરેક વખતે આપણે જ નમતું નાખવાનું?’

‘હા, જો એમના દરેક વાંધામાં વ્યાજબીપણું હોય અને આપણા શરિયતી કોઈ કાનૂનનો ભંગ ન થતો હોય, તો દરેક વખતે નમતું મૂકવું જ જોઈએ.’

હું સલમાની મક્કમતાપૂર્વકની ધારદાર દલીલોને સાંભળીને મનોમન પોરસાતો રહ્યો. ગ્રેજ્યુએટ સલમાની વાકપટુતા અને બોલતી વખતે પાંપણોને પટપટાવતી તેની આંખો સામે હું જોતો જ રહ્યો.

‘તારી વાત સાથે હું સહમત છું. પરંતુ મને બીજો એક વિચાર આવે છે કે દરેક ધર્મમાં ઈશ્વરસ્મરણ કરવાનો ઉત્તમ સમય વહેલી પરોઢ નહિ હોય?’

‘બીજા ધર્મોની તો મને ખબર નથી, પણ આપણી અઝાન સામે જેમને વાંધો છે; તેવી આપણી ભાઈબંધ કોમ માટે સૂર્યોદય પહેલાં ‘બ્રાહ્મમુહૂર્ત’નો સમય હોય છે, તેવું અબ્બુ કહેતા હતા. વળી યુનો દ્વારા ૨૧મી જૂનને યોગ દિવસ તરીકે જાહેર કરવામાં આવ્યો છે, તે યોગ કરવા માટેનો આદર્શ સમય પણ બ્રાહ્મ મુહૂર્ત દરમિયાન જ હોવાનો વિદ્વાનોનો મત છે. આપણા વતનના અબ્બુના એક બ્રાહ્મણ મિત્રનું કહેવું હતું કે આપણે મુસ્લીમો સાચે જ બ્રાહ્મમુહૂર્તના સમયે જ ઈશ્વર-અલ્લાહને પ્રાર્થીએ છીએ અને તેથી આપણે સાચા બંદા છીએ. તેમની વાત સાચી જ છે, કેમ કે આપણે પણ તે સમયને નૂરવેળા કહીએ છીએ. બ્રાહ્મમુહૂર્તના માહાત્મ્યને એ લોકો સમજે તો તે સમય ચૂકી ન જવાય તેની ચિંતામાં રાત્રે તેઓ ઠીક રીતે ઊંઘી પણ ન શકે! વળી તે જ રીતે મુસ્લીમો પણ અલ્લાહની આભારવશતા દર્શાવતાં તેઓ સજદામાંથી માથું ઊચું પણ ન કરે. જો કે આપણામાં પણ એવા કોઈ આકડા જેવા હોઈ શકે કે જેઓ દિવસ ઊગ્યા પછી કજા નમાજો પઢતા હોય! ’

‘સલમા, બ્રાહ્મમુહૂર્તના સમયની તને જાણ હોય તો મને બતાવ ને કે જેથી મારા સાથીમિત્રોને હું સમજાવી શકું. બે સમુદાય વચ્ચેની આવી હકારાત્મક વાત હાલ ભલે થોડા માણસો સુધી પહોંચે, પણ છેવટે તો વધુ ને વધુ આગળ ફેલાવાની જ છે.’

‘અબ્બુનું કહેવું હતું કે સાધકોની કક્ષા પ્રમાણે ત્રણ પ્રકારનાં બ્રાહ્મમુહૂર્ત છે. સૌથી વધારે લાંબા સમયગાળાનું કે જે થોડું કઠિન કહેવાય, તે રાત્રિના ત્રણ વાગ્યાથી સૂર્યોદય સુધીનું છે; જે ખાસ કરીને વયોવૃદ્ધો કે જેમને ઓછી ઊંઘ આવતી હોય અને બીજા જે વહેલા સૂઈ જનારા હોય તેમને લાગુ પડતું હોય છે. બીજું મધ્યમ સમયગાળાનું બ્રાહ્મમુહૂર્ત કે જે ભક્તકવિ નરસિંહ મહેતાના મતે છ ઘડી એટલે કે સૂર્યોદય પહેલાંની ૧૪૪ મિનિટથી શરૂ થાય. ત્રીજું વધારે પ્રચલિત અને દરેકને અનુકૂળ પડે તેવું ટૂંકામાં ટૂંકું બે ઘડી એટલે કે ૪૮ મિનિટનું બ્રાહ્મમુહૂર્ત છે. હવે જોવાની ખૂબી એ છે કે આપણી ફજર(સુબ્હ)ની નમાજ માટેની અઝાન સૂર્યોદયની ૮૦ મિનિટ પહેલાં થતી હોય છે, જે પેલા ત્રીજી કક્ષાના સાધકોને સ્નાનશૌચાદિ માટે ૩૨ મિનિટ પહેલાં જગાડે છે. અબ્બુના મિત્રનું કહેવું હતું કે અમારામાંના સૂર્યવંશીઓ (!) કે અઘોરીઓ જે મોડી રાત સુધી રખડતા હોય છે, તડકા ચઢ્યે પથારી છોડતા હોય છે અને જેમને ધર્મધ્યાન સાથે કોઈ લેવાદેવા હોતી નથી; તેવાઓને તમારી અઝાનથી ઊંઘમાં ખલેલ પહોંચતી હશે, પણ અમારા જેવાઓ માટે તો એ અઝાન આશીર્વાદરૂપ છે.’

‘સલમા, તારી આ સમજૂતિથી એક વાત તો સ્પષ્ટ થઈ કે આપણી અઝાન બ્રાહ્મમુહૂર્ત દરમિયાન જ થતી હોય છે, પરંતુ રાજકારણીઓના હાથા બનેલા ઉપદ્રવીઓ જ અઝાનના મુદ્દે આવા બખેડા ઊભા કરતા હોય છે. થોડાક સમજદાર માણસો આ વાત સમજે તો સવારની અઝાનનો વિવાદ એ વિવાદ રહેતો જ નથી. એક વાત કહું કે તું જે રીતે આ બધું મને સમજાવી શકી છે, તે રીતે હું મારા સાથીમિત્રોને સમજાવી નહિ શકું; માટે આપણે મારા એ મિત્રોને આપણા ત્યાં ભોજન માટે સજોડે નિમંત્રીએ અને તું જ તેમને સારી રીતે સમજાવી શકે તો કેવું સારું!’

‘બહુ જ સરસ. તમારી પાસે તેમના મોબાઈલ નંબર હોય તો હાલ જ તેમને કાલે બપોરના જમણ માટે નિમંત્રણ આપી દો. બીજી એક વાત કે હું આપણા મુસ્લીમ સમુદાય માટે હાલ તેઓ જે કરી રહ્યા છે તેમને ક્લિન ચીટ નથી આપી રહી, તેમણે પણ આ બાબતે કેટલીક ખોટી પ્રણાલિકાઓને છોડવી જ પડશે. આપણા સમુદાયમાં બધી જ મસ્જિદોમાં એક જ સમયે અઝાન થઈ જતી હોય છે, જ્યારે બીજા સમુદાયોમાં મસ્જિદે મસ્જિદે વારાફરતી અઝાનો થતી હોય છે; જેના કારણે શહેરોમાં આ અઝાનની પ્રક્રિયા અડધાપોણા કલાક સુધી ચાલુ રહેતી હોય છે, જે ગેરવ્યાજબી કહેવાય. બીજું રમઝાન માસમાં રોઝાના અને નમાજના પ્રારંભ માટે અમુક સમય બાકી, અમુક સમય બાકી તેવાં એલાનો થતાં રહે છે, તે પણ ખોટું છે. ત્રીજી છેલ્લી વાત કે તમારી ફેક્ટરીમાં જેમ ૮૫ ડેસિબલ સુધીના અવાજની મર્યાદા હોય છે, તેમ વસવાટનાં સ્થળોએ દિવસે ૫૫ ડેસિબલ અને રાત્રે ૪૫ ડેસિબલ સુધીના ઉપકરણોના અવાજો માન્ય છે. આમ અઝાન માટેના માઈકના અવાજના જે તે નિયમનું પણ પાલન થવું જોઈએ.’

‘વાહ, સલમા વાહ! તારી સમજદારી અને કાયદાકાનૂનોની જાણકારીને વખાણવા મારી પાસે શબ્દો નથી, માટે જો બેચાર શબ્દો ઉછીના આપે તો તને વખાણી લઉં!’

‘જુઓ વધારે હોશિયારી બતાવવાની અને મસ્કા મારવાની કોઈ જરૂર નથી. હવે તાકીદનું કામ હાથ ધરો અને તમારા મિત્રો સાથે કન્ફર્મ કરી લો, જેથી સવારે કેટલા જણની રસોઈ બનાવવી તેની મને ખબર પડે.’

‘યસ, બેગમ.’

સલમા ગ઼ાલિબના એક શેરને ગણગણતી અમારી સુખશય્યાને તૈયાર કરવામાં લાગી ગઈ:

યા-રબ વો ન સમઝે હૈં ન સમઝેંગે મિરી બાત


દે ઔર દિલ ઉન કો જો ન દે મુઝ કો જ઼બાઁ ઔર

‘શેર-ઓ-શાયરીમાં મને પણ ઘેલું લગાડનાર સલમાએ જાણે કે આવતી કાલના પોતાના મિશનની સફળતા માટે બીજા મિસરામાં ખુદાને દુઆ કરી લીધી કે કાં તો એ લોકોના દિલમાં એવું પરિવર્તન લાવે કે તેઓ તેની વાતને સમજી શકે અથવા તો પોતાની જીભને એવી શક્તિ આપવામાં આવે કે જે થકી એ તેમનાં દિલોને સ્પર્શે તેવી રીતે તેમને એ વાત સમજાવી શકે. આ દુઆ માટેનું કારણ પહેલા મિસરામાં એ છે કે શાયરના દિલની એ વાત તેઓ સમજ્યા નથી અને સમજશે પણ નહિ; આમ છતાં ય શાયરની દુઆથી એવી આશા બંધાય છે કે પ્રયત્નનું સુખદ પરિણામ આવે પણ ખરું! જો કે આ શેર ઇશ્ક અને માશૂકા સંબંધિત હોવા છતાં અહીં બરાબર બંધ બેસે છે.’

આમ વિચારતાં વિચારતાં મારાથી સલમાને શાબ્દિક દાદ અપાઈ ગઈ, ‘આફરિન….આફરિન…’.

સલમાએ પણ શાયરાના અંદાઝમાં મને ઝૂકીને જવાબ વાળ્યો, ‘શુક્રિયા, જનાબ.’

e.mail : musawilliam@gmail.com

Loading

માર્કસ અને ગાલિબનો પત્રવ્યવહાર *

અનુવાદ : રૂપાલી બર્ક|Opinion - Opinion|6 August 2020

માર્ક્સનો પત્ર

રવિવાર, એપ્રિલ ૨૧, ૧૮૬૭.

લંડન, ઇંગ્લૅન્ડ

પ્રિય ગાલિબ,

પરમ દિવસે મારા મિત્ર એન્જ્લ્સનો પત્ર મને મળ્યો. એની અંતિમ પંક્તિઓથી હું ખૂબ પ્રભાવિત થયો. ઘણી જહેમત પછી જાણવા મળ્યું કે તે મિરઝા અસદુલ્લાહ ખાન ગાલિબ નામના ભારતીય શાયરે લખેલી હતી. ભાઈ, આ તો ગજબ કહેવાય! મેં કદી ધાર્યું ન હતું કે ગુલામીમાંથી આઝાદી માટેની ક્રાંતિકારી ભાવના ભારત જેવા દેશમાં આટલી વહેલી પાકી જશે! ગઈકાલે એક લોર્ડની અંગત લાયબ્રેરીમાંથી મને તમારી શાયરીનાં બીજાં પુસ્તકો મળ્યાં. આ પંક્તિ તો કમાલની છે :

हम को मालूम है जन्नत की हक़ीक़त लेकिन,
दिल को बेहेलाने को ग़ालिब ये ख़याल अच्छा है।

તમારી શાયરીની આગલી આવૃત્તિમાં મજૂરોને સંબોધીને વિગતવાર લખજો : “સ્વર્ગની જાદુઈ દુનિયામાં તમને પહોંચાડીને જમીનદારો, વહીવટદારો અને ધર્મધૂરંધરો તમારી મહેનતનું ફળ ચૂસી જાય છે. આમ તો, જો તમે અમુક આવી પંક્તિઓ લખો તો સારું :

दुनियाभर के मजदूरो, मुताहिद हो जाओ।

ભારતીય શૈલી અને કાવ્યાત્મકતાનો મને ઝાઝો ખ્યાલ નથી. તમે શાયર છો, કાવ્યની સીમાઓમાં રહીને તમે કશું માતબર લખો છો. જે પણ હોય, તમારો મુખ્ય લક્ષ્ય લોકોમાં એના સંદેશ મારફતે ઉર્જાનો સંચાર કરવાનો છે. વધુમાં, મારી સલાહ છે કે તમે ગઝલ કે શાયરી જેવી ફુરસદમાં થતી રચનાઓ કરવાનું છોડીને અછાંદસ તરફ વળો જેથી ઓછા સમયમાં તમે વધુ લખી શકો અને જેટલું વધારે લખો એટલું કંગાળ લોકોને વાંચવાનું અને મનન કરવાનું વધારે ભાથું મળી શકે.

કોમ્યુનિસ્ટ મૅનિફૅસ્ટોની ભારતીય આવૃત્તિ સાથે પ્રથમ ભાગ, જેનો અનુવાદ દુર્ભાગ્યવશ હાલ ઉપલબ્ધ નથી, મોકલી રહ્યો છું. જો તમને આ પસંદ પડે તો આગલી વખતે વધુ સામગ્રી મોકલી આપીશ. હાલના સમયમાં ભારત સામ્રાજ્યવાદીઓનો અડ્ડો બની ગયું છે. શોષિત અને દમિત લોકોનો સહિયારો પ્રયત્ન જ તેમને શોષણકર્તાઓની ચુંગાલમાંથી બચાવી શકશે.

એશિયાના વિદ્વાનોના જૂનવાણી અને અવ્યવહારુ વિચારોને બદલે તમારે પશ્ચિમના આધુનિક તત્ત્વદર્શનનો અભ્યાસ કરવો જોઈએ. મોગલ રાજાઓ અને નવાબોની દંતકથાઓ અને પ્રસંશા લખવાનું મૂકીને લોકોના ક્રાંતિકારી મુદ્દા ઉઠાવતું સાહિત્યનું સર્જન કરો. ક્રાંતિ ઢુકડે છે. ગુરુ અને શિષ્યની પરંપરા લુપ્ત થઈ જવાનો સમય આવી રહ્યો છે.

ભારતને ક્રાંતિ ભણી અવિચલ માર્ગ મળે એવી આશિષ પાઠવું છું.

તમારો,

કાર્લ માર્ક્સ

~

ગાલિબનો ઉત્તર

સપ્ટેમ્બર ૯, ૧૮૬૭.

મને તમારો પત્ર અને કોમ્યુનિસ્ટ મૅનિફૅસ્ટો મળ્યા. જવાબમાં શું લખું? પ્રથમ, તમારી વાત સમજવી ખૂબ અઘરી લાગે છે. બીજુ, લખવા અને બોલવા માટે હું હવે બહુ વૃદ્ધ થઈ ચૂક્યો છું. આજે એક મિત્રને પત્ર લખ્યો એટલે થયું તમને પણ લખું. ફરહાદ (ગાલિબની એક ગઝલમાં આવતો ઉલ્લેખ) અંગેનો તમારો ખ્યાલ ભૂલ ભરેલો છે. તમે ધારો છો એવો મજૂર નથી એ. બલકે તે એક પ્રેમી છે. જો કે પ્રેમની તેની વિભાવનાથી હું પ્રભાવિત નથી. તે પ્રેમમાં પાગલ છે અને તેની પ્રેમિકા ખાતર આખો વખત આત્મહત્યાનો વિચાર કર્યા કરે છે. અને તમે કેવા ઇન્ક્લાબની વાત કરો છો? એ તો ભૂતકાળ બની ચુક્યો છે. દસ વર્ષ પૂર્વે સમાપ્ત થઇ ચુક્યો છે. હવે તો અંગ્રેજો છાતી કાઢીને ફરી રહ્યા છે અને અહીં બધાં જ એમના ગુણગાાન ગાવા લાગ્યા છે. રાજવી ઠાઠ અને જાહોજલાલી હવે ભૂતકાળ બની ચુક્યા છે. વળી, ગુરુ-શિષ્ય પરંપરા એની આકર્ષકતા ગુમાવી રહી છે.

જો તમારા માન્યામાં ન આવતું હોય તો દિલ્હીની મુલાકાત લઈને સાક્ષાત જોઈ લો …. વળી, આ દિલ્હી પૂરતુ સીમિત નથી. લખનઉનો હાર્દ પણ લુપ્ત થઈ રહ્યો છે … ક્યાં ગઈ એ તહેઝીબ … એ સજ્જનો! હવે, કયાં ઇન્કલાબની ભવિષ્યવાણી કરો છો? મને જાણવા મળ્યું કે તમારા પત્રના મધ્યમાં તમે કાવ્યશૈલી બદલવાનું સૂચન કર્યું છે. તો તમને કહી દઉ કે કવિતા ઘડી શકાતી નથી, એ સહજ રીતે સ્ફૂરે છે. અને મારો કિસ્સો બહુ સ્પષ્ટ છે. જ્યારે વિચારો વહેતા આવે છે, તે કોઈ પણ સ્વરૂપમાં ભળી જાય છે, ગઝલ કે શાયરી.

હું માનું છું કે કાવ્યની દુનિયામાં ગાલિબની શૈલી અદ્વિતીય છે. એના જ લીધે રાજાઓ રહ્યા નથી. અને મારી સારસંભાળ લેતા નવાબો અને જજમાનોથી પણ મને વંચિત કરવા માગો છો …

એમની પ્રસંશામાં થોડી પંક્તિઓ કહી નાખું તો એમાં નુકશાન શું છે?

તત્ત્વદર્શન શું છે અને જીવન સાથે એનો શો સંબંધ છે એ મારાથી સારુ કોણ જાણતું હોય? મારા વહાલા, કયા આધુનિક વિચારની વાત કરો છો? જો તમને એમાં રસ હોય તો વેદાંત અને વાહદત-ઉલ-વજૂદ વાંચવા જોઈએ તમારે. અને વિચાર ઉપર વિચાર વ્યક્ત કરવાને બદલે એ દિશામાં કંઇ કાર્ય કરો તો સારું … તમે અંગ્રેજ છો, મારા પર આટલી કૃપા કરો. વાઇસરૉયને પત્ર લખીને મારું પેન્શન ફરી ચાલુ કરાવો … હવે હું ખૂબ થાકી ગયો છું. માટે, એનો અંત આણું છું,

વિનમ્રપણે તમારો,

ગાલિબ

* ૧૫ વર્ષની જહેમત બાદ આબિદા રિપલી ઇન્ડિયા ઑફિસ લાયબ્રેરી, લંડનમાંથી આ દુર્લભ પત્રો મેળવી શકેલાં. (માર્ક્સનો પત્ર અંગ્રેજીમાં. ગાલિબના ઉર્દૂ પત્રનો તારીક ઇક્બાલે કરેલો અંગ્રેજી અનુવાદ.)

સ્રોત :  marvisirmedblog.wordpress.com

Loading

...102030...2,2732,2742,2752,276...2,2802,2902,300...

Search by

Opinion

  • ચોર ચોરી કેવી રીતે કરે છે? શાની અને કેમ કરે છે?
  • એપસ્ટીન ઇન્ડિયા ફાઇલ્સ: સત્તા, સોદાબાજી અને રહસ્યોનું રાજકારણ
  • સ્માર્ટ ફોનનો સ્માર્ટ ઉપયોગ : નવા વર્ષનો સંકલ્પ
  • ચલ મન મુંબઈ નગરી—328
  • આનંદ તેલતુંબડેની જેલડાયરી

Diaspora

  • છ વર્ષનો લંડન નિવાસ
  • દીપક બારડોલીકરની પુણ્યતિથિએ એમની આત્મકથા(ઉત્તરાર્ધ)ની ચંદ્રકાન્ત બક્ષીએ લખેલી પ્રસ્તાવના.
  • ગાંધીને જાણવા, સમજવાની વાટ
  • કેવળ દવાથી રોગ અમારો નહીં મટે …
  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !

Gandhiana

  • ગાંધી ‘મોહન’માંથી ‘મહાત્મા’ બન્યા, અને આપણે?
  • ગાંધીહત્યાના પડઘા: ગોડસેથી ગોળવલકર સુધી …
  • ગાંધીની હત્યા કોણે કરી, નાથુરામ ગોડસેએ કે ……? 
  • ગાંધીસાહિત્યનું ઘરેણું ‘જીવનનું પરોઢ’ હવે અંગ્રેજીમાં …
  • સરદાર પટેલ–જવાહરલાલ નેહરુ પત્રવ્યવહાર

Poetry

  • ગઝલ – 1/2
  • સખીરી તારો એ હૂંફાળો સંગાથ …
  • વસંતાગમન …
  • એ પછી સૌના ‘આશિષ’ ફળે એમ છે.
  • ગઝલ

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved