Opinion Magazine
Number of visits: 9574950
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

અલવિદા નગીનબાપા

પ્રકાશ ન. શાહ|Opinion - Opinion|13 July 2020

શતાયુ નગીનદાસ સંઘવીનું, મોરારિબાપુના સેવ્યા નગીનબાપાનું જવું – અને તે બિલકુલ કલમકર્મે જોતરાયેલ જેવા અગર તો બુટ સોતા સોલ્જર પેઠે જવું – એ ખરું જોતાં જીવનનો ઉત્સવ છે. એમના વર્ગશિક્ષણ વિશે તો કોઈ છાત્ર કહેશે ત્યારે જાણીશું. પણ આ અધ્યાપકે વિશેષરૂપે નિવૃત્તિ પછી કલમ ઝાલી એ મુદ્દત આખી આપણે એમની તડફડાટીથી જાણીએ છીએ. આ પ્રક્રિયામાં હવાઇ આડી ફાટી શકે પણ સામાન્યપણે સેનિબિટી (વયપ્રાપ્ત આડાઅવળી) શોધી ન જડે.

મળવાનું તો મોડેથી થયું, નવનિર્માણ આસપાસના ગાળામાં એકાદ રાતે અમારે ધાબે પણ રોકાયા હશે, પણ એમની કીર્તિ એ પૂર્વે ભોગીભાઈ પાસે ખાસી સાંભળી હતી. જ્ઞાનગંગોત્રી ગ્રંથ શ્રેણીમાં એ ‘સ્વરાજ દર્શન’ સાથે લેખક તરીકે જોડાયેલા હતા અને સંપાદક ભોગીલાલ ગાંધી ને લેખક સંઘવી પળ પળ માથાઝીકના પાછળથી સંભારવા ગમે એવા દોરમાંથી પસાર થયા હતા. કેટલીક વાર સિનિક જેવા વરતાતા નગીનદાસે, પાછળથી એક વાર મને કહેલું કે ભોગીભાઈનિમંત્ર્યા ઢેબરભાઈએ ‘સ્વરાજદર્શન’ની પ્રસ્તાવના લખવાનું સ્વીકાર્યું ત્યારે સાદ્યંત વાંચી જવાના એમના આગ્રહે અમારે ચર્ચામાં ઊતરવાનું આવ્યું અને એમણે ઝીણી ઝીણી વિગતોમાં સ્વાનુભવને ધોરણે ઊંડા જવું પસંદ કર્યું એ જુદો જ અનુભવ હતો. ઢેબરભાઈની આ ગુણસંપદાથી સામા નહીં તો પણ અલગ છેડાનો એમનો અનુભવ રતુભાઈ અદાણી સાથેનો હતો. એમની મુલાકાત લેવા ગયેલા નગીનદાસ પ્રશ્નને બદલે પ્રવચનની લંબાઈમાં સરી જતા જણાયા ત્યારે રતુભાઈએ એમને આંતર્યાઃ માસ્તર, તમે ઈન્ટરવ્યુ લો છો કે હું. (નરભેરામ સદાવ્રતી એ વખતે હાજર હતા અને એમણે મને આ કહ્યું હતું.)

ગમે તેમ પણ, ઢેબરભાઈ – રતુભાઈના (અને એવા બીજા પણ અનેક) દાખલા પરથી સમજાતું વાનું એ છે કે નગીનદાસ લખવા પાછળ ઉદ્યમ ખાસો કરતા. એક છેડેથી બીજે છેડે ફરી વળતા. વાંચવામાં આળસ નહીં ને મુલાકાતમાં વાર નહીં. જેવા માથાના, એવા પગના પણ આખા.

હમણાં રતુભાઈને યાદ કર્યા. હું ધારું છું ત્યાં સુધી કેન્દ્રમાં મોરારજી દેસાઈની સરકાર ગઈ અને ગુજરાતમાં બાબુભાઈની સરકારની મુદ્દત પૂરી થવામાં હતી એના વચગાળાની એ વાત હશે. નગીનદાસે ત્યારે ગુજરાતનું હવેનું ચૂંટણીચિત્ર શું હશે એને અનુલક્ષીને ‘જન્મભૂમિ’ના તે વખતના તંત્રી જયન્તી શુક્લના સૂચનથી લેખમાળા કરી હતી. (અને પછીથી તે પુસ્તિકારૂપે બહાર પણ પડી હતી.)

તડફડ, અભ્યાસમંડિત અને મુલાકાતખચીત તડફડ, એ જરૂર હતી. પણ ગુજરાતચૂંટણીની પિછવાઈ એમણે પકડી હશે કે કેમ તે બાબત હું ચોક્કસ નથી. નવનિર્માણના દિવસોમાં અને જેપી આંદોલનના વચગાળાના દિવસોમાં અમારે એક વાર જે ચર્ચા થયેલી તે હું સંભારું. નગીનદાસે કહ્યું કે તમે ગુજરાતના લોકો રાજ્યશાસ્ત્ર, રાજવટ અને રાજકારણનો પાયાનો સિદ્ધાંત સમજતા નથી. ગૃહમાં પક્ષનો નેતા (અને તેથી મુખ્યમંત્રી) કોણ બને, ન બને એ ચૂંટાયેલ ધારાસભ્યોએ નક્કી કરવાનું છે. એમાં લોકોએ આંદોલન કરવાનું ક્યાં આવ્યું. મને એમનું દૃષ્ટિબિંદુ નકરું ટેક્‌નિકલ બલકે ક્લિનિકલ લાગ્યું હતું. ધારાસભા, કારોબારી અને ન્યાયતંત્રમાં લોકશાહીની ઇતિ નથી. લોકપહેલ, લોકહસ્તક્ષેપ, લોકસહભાગિતા વિના લોકશાહી સજીવ-સપ્રાણ બની શકતી નથી. લોકઆંદોલન એ રાજકીય સાર્વભૌમ (જનતા) તરફથી કાનૂની સાર્વભૌમ (સરકાર / રાજકીય શાસકીય અગ્રવર્ગ) જોગ અપીલ છે એવું વ્યાકરણ એમને કાવ્યની પેઠે પારલૌકિક લાગતું હશે ? વસ્તુઃ આપણી રાજવટ લોકશાહી હશે, પણ સમાજ લોકશાહી નથી એવી એક પાયાની પ્રતીતિ જેમણે એકથી વધુ વાર બોલી બતાવી છે તે નગીનદાસને તો આ પકડાવું જોઈતું હતું.

હમણાં જે તડફડાટીની જિકર કરી તે ક્યારેક કેવી ભળતી ધાર પર લાવી મૂકે એનો એક દાખલો આપું. થોડા મહિના પર એમણે એક સુરેખ અને સ્વાધ્યાયમંડિત કૉલમ નેહરુની ભૂમિકા અને યોગદાન વિશે કરી હતી. વૉટ્‌સઍપ યુનિવર્સિટીના સ્નાતકોના જવાહરલાલ એ સ્વાભાવિક જ નહોતા, એમને સારુ નેત્રદીપક હોઈ શકતા એ નિઃશંક હતા. પણ આખા લેખમાં એક લીટી બાપાએ એમ જ ફટકારી’તી કે નેહરુ શરાબ અને સુંદરીના શોખીન હતા. (સામાન્યપણે  સરદારસ્તુતિમાં સામેલ થતે છતે નગીનદાસને એમ કહેતા સાંભળ્યાનું યાદ છે કે જવાહરલાલે એડવિનાપ્રેર્યા ભાગલા સ્વીકાર્યા એમ કહેવામાં માલ નથી. સરદારને ભાગલા અનિવાર્ય જણાયા હતા, વ.) નેહરુના જીવનનું એક હેડોનિસ્ટિક પાસું જરૂર હશે, પણ તે એમનાં ત્યાગ અર્પણ અને યોગદાન પરનું ગ્રહણ નથી. કૉલમમાં એમણે એક લીટી અમથી જ તડફડ કરી નાખી અને વૉટ્‌સઍપ યુનિવર્સિટીના અદકપાંસળા ચાન્સેલરોને અણચિંતવ્યા ન્યાલ કરી દીધા, બીજું શું.

એમની કોલમકારી કેવળ ચાલુ રાજકીય બાબતોમાં સીમિત નહોતી એ એક વિશેષ પણ અહીં આદર સાથે સંભારવો જોઈએ. ‘દિવ્ય ભાસ્કર’ની એમની છેલ્લી કોલમ ‘ચાતુર્માસ : ધર્માચરણ અને ધર્મસાધનાનો અવસર’ એ શીર્ષકે છે. અને એમણે કે સંપાદકે વિન્ડોમાં કાઢેલી બે પંક્તિ પણ મજબૂત છે કે ‘ધર્મ બેધારી તલવાર છે.’ અને કૉલમની છેલ્લી પંક્તિઓ તો વાંચો : ‘માણસ મરી જાય પણ તેનાં હાડપિંજરો સદીઓ સુધી ટકે છે. પયગંબરોએ સર્જેલા ધર્મોને આપણે હાડપિંજર બનાવી દીધાં છે.’

આ લખી રહ્યો છું ત્યારે સાંભરે છે કે દસેક વરસ પર સુરતના સાહિત્યસંગમે નાનુબાપાની પહેલથી અને જનક નાયકના સંયોજનમાં ગ્રંથયાત્રા શ્રેણીનું આયોજન કર્યું ત્યારે નગીનબાપાએ એને સારુ તારવી આપેલા લેખો ‘ધર્મ અને સમાજ’ નામે ગ્રંથસ્થ થયા હતા. અધ્યાત્મને નામે ચાલતી બુવાબાજીથી ઉફરાટે સીધા સમાજસંદર્ભમાં ધર્મ પ્રવાહોની ચર્ચા એમાં જોવા મળે છે.

નગીનદાસનું આ વિશેષ પાસું લક્ષમાં આવે છે અને એ કદર તેમ જ કૃતજ્ઞતાપૂર્વક સંભારવાનું બને છે ત્યારે લવર્સ ક્વૉરલ જેવો એક મુદ્દો ચર્ચામાં સાથેલગો મૂકવા ચહું છું. આપણે ત્યાં સાંપ્રદાયિકતા અને બિનસાંપ્રદાયિકતાની જે ચગડોળે ચડેલ ચર્ચા છે એમાં મોટાભાગના લોકો અને લેખકો હિંદુધર્મ અને હિંદુત્વ વચ્ચે વિવેક કર્યા વગર કૂદી પડેલા ને ભટકતા માલૂમ પડે છે. એથી ઊલટું, કોઈ બાબતમાં નગીનદાસ કૉંગ્રેસના ટીકાકાર અને ભા.જ.પ. સરકારના પ્રશંસક માલૂમ પડે ત્યારે પણ સામાન્યપણે તે આ વિવેક કરતા. તો, શી વાતે છે, મારી ફરિયાદ ? ભલા ભાઈ, જેમ હિંદુધર્મ અને હિંદુત્વ વચ્ચે વિવેકનો કોઠો ભેદવાનો રહે છે તેમ ધર્મ અને હિંદુધર્મ વચ્ચે પણ વિવેક કરવો રહે છે.

આપણી પરંપરામાં ધર્મનો જે વ્યાપક (કહો કે રૂઢાર્થમાં ‘ધર્મ’મુક્ત) અર્થ છે, ઓગણીસમી સદીના ઉત્તરાર્ધમાં જેની કંઈક ઝાંખી વિવેકાનંદમાં તો વીસમી સદીના પૂર્વાર્ધમાં ગાંધીમાં જોવા મળે છે, એના સગડ આપણા કૉલમિસ્ટે કાઢવા જોઈતા હતા. એમના તડફડ રનવે પરથી એ એક નવો જ ટેક ઑફ હોઈ શકત. મોરારિબાપુએ ધર્મ ધર્મ વચ્ચે સંવાદનો જે ઉપક્રમ હાથ ધર્યો હતો એમાં સંકળાયેલા ને સંડોવાયેલા, કંઈક અંશે આ પ્રક્રિયામાં ફ્રૅન્ડ, ફિલોસોફર ને ગાઈડ જેવા, નગીનદાસે આ અવસર તેમ જ સંભાવના કેમ અણકાલવી જવા દીધી હશે ? રામાયણની અંતર્યાત્રાના લેખક અને એક રામાયણી વચ્ચે ઊઘડતી ક્ષિતિજોના નવસંચારની શક્યતા પણ એમાં હશે સ્તો.

કેમ કે આ એક ભરપેટ, ભરપુર ઇનિંઝ સબબ ‘જીવનના ઉત્સવ’ની વિદાયનોંધ છે, એક સૂચન નકરી કૉલમજીવી વિચારપેઢી સંદર્ભે કરું ? છેલ્લા ત્રણચાર દાયકાને લક્ષમાં રાખી જે તે પ્રસંગે, વહેણવળાંકવમળે, નગીનદાસ સંઘવીએ અને બીજા કૉલમલેખકોએ કરેલ ટીકાટિપ્પણ સાથે મૂકીને જોવાંતપાસવાં જોઈએ. નિરામય પથશોધનની રીતે એક વણથક જિંદગીને વૃત્તગુજરાતની એ અનોખી અંજલિ હશે.

જુલાઈ ૧૨, ૨૦૨૦

સૌજન્ય : “નિરીક્ષક”, 16 જુલાઈ 2020; પૃ. 01-02

નગીનદાસ સંઘવીના કૅરિકેચર માટે અશોકભાઈ અદેપાળનું સહૃદય સૌજન્ય

Loading

ત્રણ કાવ્યો

મનીષ શિયાળ|Poetry|13 July 2020

૧

કીડીઓ

અરર … આ શું ?
કીડીઓ ટપો-ટપ મરી રહી છે,
કંઈ-કેટલી ય આઈસીયુમાં છે.
એનાથી લાખો-કરોડો
દૂરસંચારની અફવાઓ સાથે અથડાતાં
મૂર્છિત થઈ છે.
એમાંની કેટલીક  દિશાહીન થઈ છે.
એને લાગી છે લા'હ, પેટમાં.
એને ઠારવાનુ તો દૂર …
આ …
અસહ્ય યાતનાઓ વચ્ચે
એની કોઈ ખર-ખબરે ય લેતું નથી.
બધા છૂપાઈ બેઠા છે, બિલમાં.
કેટલાક ઝીલમાં.
એ બધા કાને મુંગા
મુખે આંધળા
અને
આંખે બહેરા થયા છે,
હવે એનો કોઈ ઈલાજ નથી.
ભૂખ અને મોત વચ્ચે
કીડીઓ ઝઝુમી રહી છે, એકલી‌.

૨

કરોળિયાનું જાળું

કરોળિયાએ ગૂંથ્યુ છે, એક જાળું.
એમાં આવી ફસાયું,
કીડીઓનું ટોળું.
તે બચવા આમ-તેમ ફાંફાં મારે છે,
તરફડે છે,
ને
અંદરને અંદર ગૂંચવાઈ મરે છે.
એને શી ખબર
કરોળિયે લગાવ્યું છે,
પ્રથમી આખીને તાળું.

૩

છપ્પનની છાતીઓ

એ મજૂર છે,
એ જ તો રોગ ફેલાવે છે,
એનાથી જ અર્થતંત્ર ભાંગ્યું છે.
હા, આ બધો જ વાંક મજૂરો ને આમ જનતાનો છે,
એવું ‘એ' કેહે છે.
ને હવે આ એકાએક,
બધાને છૂટછાટ મળી ગઈ છે,
જુઓ, આ કીડીઓના
ટોળેટોળાં જઈ રહ્યાં છે,
કોઈ ઉત્તર
કોઈ દખણ
બધી જ દિશાઓમાં ભમી રહ્યા છે.
એને કોઈ રોકતું નથી, કોઈ ટોકતુ નથી.
છપ્પનની છાતીઓ તૈયાર છે !!

e.mail : shiyalmanish1996@gmail.com

Loading

મુશ્કેલ સમયમાં (૩૦)

સુમન શાહ|Opinion - Opinion|12 July 2020

= = = = અમને ગમ ન પડે એવા ચમત્કારો અને આછાંપાછાં વચનોનાં વાદળ પાછળ ઈશ્વર શા માટે સંતાયેલો રહે છે? ઈશ્વરમાં માનવા ચાહીએ પણ નથી માની શકતા એવા અમારા સૌનું શું થવાનું? અને પેલાઓનું શું – જેઓ માનવા ચાહતા પણ નથી અને માની શકતા પણ નથી …? = = = =

૧૪-મી સદીની વાર્તા છે. સ્વીડનના એક ગામમાં પ્લેગની મહામારી પ્રસરી હોય છે. એક સુભટ હોય છે – knight. નામ એનું ઍન્ટોનિયસ બ્લૉક. Holy landમાં હતો. દસેક વર્ષથી ધર્મયુદ્ધમાં – crusadesમાં – મચી પડેલો, પણ છેવટે એની ઈશ્વરને વિશેની શ્રદ્ધા ડગી જાય છે. એટલે થાકીહારીને પાછો ફરે છે. બ્લૉક ધર્મયુદ્ધમાં કશી રાજકારણી માનસિકતાથી ન્હૉતો ગયો. એ તો ઈશ્વરની સેવા કરવાના ધર્મભાવથી ગયેલો. પણ એ હવે ત્રસ્ત છે. કેમ કે એક તો પોતે ધર્મયુદ્ધમાં નાસીપાસ થયો ને બીજું એ કે પંથકમાં પ્લૅગને કારણે હાડમારીઓ વધી રહી છે. બ્લૉકની સાથે તેનો જૉન્સ નામનો squire હોય છે. એટલે કે, નાઇટનો સેવક. નાઇટની ઢાલ અને રક્ષાકવચ ઊંચકીને ફરવું એ એનું મુખ્ય કામ હોય છે. જતે દા’ડે એને જો નાઇટ થવું હોય તો એ સેવા કરવી એના માટે ફરજ્યાત હોય છે.

બને છે એવું કે સુભટ બ્લૉક અને સેવક જૉન્સ બન્ને જણા એક વાર પ્લેગથી તારાજ થઈ ગયેલી જગ્યાઓમાં થઈને જતા હોય છે ત્યારે તેઓ એક નટમંડળીના સમ્પર્કમાં આવે છે. નટમંડળીમાં મુખિયા એવું એક દમ્પતી હોય છે. સુખી હોય છે. પણ ચોપાસ પ્લેગને કારણે વ્યથા અને ગમગીની હતી. એમાં એમનો શો ભલે ને દિલધડક હતો પણ શી રીતે ચાલવાનો’તો? મિથ્યા પુરવાર થાય છે. એટલે બન્ને જણાં બ્લૉકને મળે છે. પરિણામે એઓ અને બીજા નટ, આખી મંડળી, બ્લૉકની સંગાથે નીકળી પડે છે.

પણ એ દરમ્યાન, એક જબરો બનાવ બને છે. ડેથને મળવાનું થાય છે. ડેથ એટલે તો મૃત્યુ સ્વયં પણ આ વાર્તામાં એ એક પાત્ર છે. ડેથ ચતુર છે પણ ચતુરાઇ બતાવવા ડેથને બ્લૉક પડકારે છે. એમ કહે છે, કંઈક એવું કર કે હું ફરી પાછો શ્રદ્ધાળુ થઈ જઉં. પરન્તુ ડેથ કશું કરતો નથી. બન્ને વચ્ચે બોલાચાલી બલકે તડાતડી થઈ જાય છે. બન્ને આમનેસામને આવી જાય છે. મામલો હાર-જીત સુધી પ્હૉંચી જાય છે. છેવટે નક્કી એમ થાય છે કે બ્લૉકે ડેથ સાથે ચેસ રમવી. બ્લૉક જો જીતે તો ડેથ એને છોડી દેશે. બ્લૉક ડેથને થોડા સમય માટે આમતેમ હંફાવી શકે છે, પ્યાદાં ફગાવી દે છે, પણ જીત તો ડેથની જ થાય છે. બધાં ભેગાં કિલ્લે પ્હૉંચે છે પણ ડેથને હાથે નીપજનારા ભવિતવ્યને કોઈ ટાળી શકતું નથી.

મૃત્યુની અહીં કલ્પના નથી કરવાની પણ એ હકીકત સ્વીકારવાની છે કે સાક્ષાત્ મૃત્યુ સાથે – ડેથ સાથે – બ્લૉક ચેસ રમે છે. એનો સીધો અર્થ તો એ છે કે મૃત્યુ બ્લૉકની સન્નિકટ છે અને બ્લૉક જીવતે જીવત તો એનાથી છટકી શકવાનો નથી. ડેથ ચતુર છે વળી ચંચળ પણ છે. ગમે ત્યારે ચાલ બદલી નાખે. એને હરાવવો સ્હૅલ નથી.

મૃત્યુ અનિવાર્ય તો છે જ પણ મૃત્યુ મનસ્વી પણ છે. એ હકીકત બીજા અનેક પ્રસંગોમાં વ્યક્ત થઈ છે : જેમ કે, સ્કાતનું મૉત ઝાડ પર થયું. પહેલાં એણે આપઘાતનો પ્રયાસ કરેલો પણ પછી વિચાર બદલાઈ ગયેલો. રવાલ ગ્રેવ – રોબર છે, એટલે કે, ઘોરખોદિયો. કબરો ખોદે ને જે કંઈ જણસ જડી આવે એ લઈ પાડે, ચોર છે. જૉન્સ એને એ ચોરી કરતાં તેમ જ એક સ્ત્રી પર બળાત્કાર કરતાં પકડી પાડે છે. આમ તો રવાલ seminarist હતો – પાદરી થવાને ઉત્સુક શિષ્ય ! જૉન્સ એને પડકારે છે. રવાલનું પ્લેગથી મૉત નીપજે છે.

ફિલ્મરસિયાઓ સમજી ગયા હશે કે હું જગવિખ્યાત ફિલ્મમેકર ઇન્ગમાર બર્ગમૅનની એટલી જ ખ્યાત ફિલ્મ ‘ધ સેવન્થ સીલ’-માં છે તે વાર્તાની વાત કરી રહ્યો છું. ૧૯૫૭-ની એ ફિલ્મની અસર આ દિવસોમાં મને એકદમની જલદ અનુભવાય છે. કેમ કે ફિલ્મમાં ચેસબૉર્ડ પર Life Vs. Deathનો – જીવન સામે મૃત્યુનો – જે ખેલ મંડાયો છે એવો જ ખેલ પૃથ્વી પર કોરોના પાન્ડેમિકનો પ્રસારથી મંડાયો છે.

વાર્તામાંથી બે સવાલ પ્રગટે છે : એક તો એ કે મરતાં પહેલાં માણસ કશુંક અર્થપૂર્ણ કરવા માગતો હોય છતાં નિષ્ફળ જાય તે કોને લીધે. પોતાના જીવનમાં માણસ કશીક ધાર્મિકતાથી મચી પડ્યો હોય ને છતાં કશો અર્થ હાથ ન આવે તે શાને લીધે? સુભટ બ્લૉક આ બન્ને પ્રશ્નોને જીવતો હોય છે.

Bengt Ekerot as Death

વહેમો અને ધર્મશ્રદ્ધાની ભેળસેળ જેવી માનસિકતા આ કોરોનાકાળે છે, ત્યારે પણ હતી. ત્યારે પણ જનમાનસમાં એ જ વાત ઘર કરી ગયેલી કે પ્લેગ ઈશ્વરે મોકલ્યો છે. ફિલ્મમાં flagellants -નું એક સરઘસ નીકળ્યું હોય છે. એમાં એ લોકો પોતાની જાતને ચાબૂકથી ફટકારતા હોય છે, જેથી પોતે કરેલાં પાપોનો નાશ થાય, પોતમાં વસતા સેતાનને તગેડી દેવાય, સરવાળે પ્લેગને ભગાડી મુકાય. એક ધરમશાળામાં બેઠેલા કેટલાક ચર્ચાએ ચડ્યા હોય છે કે – આ ખતરનાક પ્લેગની અસરો તો શી યે થવાની છે. ત્યાં એક સ્ત્રી હતી તે બોલી કે : આ તો ભઈ કયામતનો દિવસ છે, અપશુકનો તો જુઓ – પેલીએ વાછડાના મૉઢાવાળું બાળક જણ્યું ! કોઈ કોઈએ તો આગમાં શેકાઈને મૉત વ્હૉરી લીધું ! જો કે પાદરી એમ કહે છે કે નરકમાં જવા કરતાં તો સારું જ ને !

આમ તો, વાર્તાની પાર્શ્વભૂમિકામાં ૧૩૪૭થી ૧૩૫૧ દરમ્યાનની મહામારી, બ્લેક ડેથ છે – એ એવી ભયાનક હતી કે જેમાં યુરેશિયા નૉર્થ આફ્રિકા અને યુરપમાં ૨૫-૨૦૦ મિલિયન લોકોનાં મૉત થયેલાં.

ફિલ્મના શીર્ષકનો સંદર્ભ છે, The Book of Revelation, the final book of the Christian Bible. બર્ગમૅને ફિલ્મ પોતાના જ ‘વૂડ પેઇન્ટિન્ગ’ નાટક પરથી બનાવી છે. ફિલ્મને એમણે એક રૂપકની રીતે બહેલાવી છે. કેન્દ્રસ્થ મુદ્દો એક જ છે – ઈશ્વર જો છે તો એ આમ શી રીતે કરી શકે? કેમ કે મહામારીમાં તો પાપી અને પુણ્યશાળી બન્ને હોમાઈ જાય છે ! વળી, કોણ પાપી ને કોણ નહીં તે શી રીતે નક્કી થવાનું? મહામારી એમ ચીંધે છે કે ઈશ્વર નથી અને જો છે તો ક્યાં છે?

બ્લૉક ડેથને પાદરી સમજીને કહે છે : હું પ્રામાણિકતાથી એકરાર કરવા ચાહું છું પણ મારું હૃદય ખાલી છે. ખાલીપો મારા ચ્હૅરે દર્પણ બનીને ચીપકી ગયો છે. જો કે બ્લૉક પાદરીને તીવ્ર સવાલો પણ કરે છે : અમને ગમ ન પડે એવા ચમત્કારો અને આછાંપાછાં વચનોનાં વાદળ પાછળ ઈશ્વર શા માટે સંતાયેલો રહે છે? ઈશ્વરમાં માનવા ચાહીએ પણ નથી માની શકતા એવા અમારા સૌનું શું થવાનું? અને પેલાઓનું શું – જેઓ માનવા ચાહતા પણ નથી અને માની શકતા પણ નથી? મારામાંના ઈશ્વરભાવને મારે શું કામ નષ્ટ ન કરવો? શા માટે મારામાં એણે નામોશીભર્યું ને દુખી જીવન ગુજારવું જોઈએ? હું એને મારું હૃદય ચીરીને બહાર કાઢવા ઝંખું છું પણ એ તો એક મજાકભરી વાસ્તવિકતા બનીને ત્યાં જ પડ્યો રહે છે ને એનાથી મારો કશો જ છુટકારો થતો નથી … મને જ્ઞાન જોઈએ છે. નહીં કે માન્યતા. નહીં કે સંશય. પણ જ્ઞાન. પાદરી એને પૂછે છે : તું પ્રશ્નો પૂછવાનું બંધ કરીશ? : એ કહે છે : કદી નહીં … બ્લૉક પોતાનો એકરાર ચાલુ રાખે છે ને કહે છે કે જો ઈશ્વર નથી, તો જીવન અર્થ વગરની એક જફા છે. કોઈથી પણ ડેથ જોડે ન જિવાય અને એમ પણ ન મનાય કે સરવાળે બધું અસાર છે.

છેવટે ડેથ કિલ્લામાં આવે છે, બ્લૉક ધ્રૂજતો હોય છે, પ્રાર્થનાઓ બોલવા માંડે છે. જૉન્સ એને કહે છે, આપની કાકલૂદીને કોઈ સુણવાનું નથી. મરણ પછી શું થશે એ તમારી ચિન્તાનું નિવારણ થઈ શક્યું હોત, પણ એ બાબતે હવે બહુ મૉડું થઈ ગયું છે.

એ પછી જૉન્સ જે સત્ય ઉચ્ચારે છે એ મને બહુ ગમ્યું છે અને આજે હું ત્યાં જ અટકું છું : પરન્તુ હજી આપ જીવતા છો, એ તમારા વિજયને અન્ત લગી માણો ને !

= = =

(July 12, 2020: Ahmedabad)

Loading

...102030...2,2722,2732,2742,275...2,2802,2902,300...

Search by

Opinion

  • લાઈક-રીલ્સથી દૂર : જ્યારે ઓનલાઈનથી ઓફલાઈન જિંદગી બહેતર થવા લાગે
  • રુદ્રવીણાનો ઝંકાર ભાનુભાઈ અધ્વર્યુની કલમે
  • લોહી નીકળતે ચરણે ….. ભાઇ એકલો જાને રે !
  • ગુજરાતની દરેક દીકરીની ગરિમા પર હુમલો ! 
  • શતાબ્દીનો સૂર: ‘ધ ન્યૂ યોર્કર’ના તથ્યનિષ્ઠ પત્રકારત્વની શાનદાર વિરાસત

Diaspora

  • દીપક બારડોલીકરની પુણ્યતિથિએ એમની આત્મકથા(ઉત્તરાર્ધ)ની ચંદ્રકાન્ત બક્ષીએ લખેલી પ્રસ્તાવના.
  • ગાંધીને જાણવા, સમજવાની વાટ
  • કેવળ દવાથી રોગ અમારો નહીં મટે …
  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !
  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ

Gandhiana

  • ગાંધીસાહિત્યનું ઘરેણું ‘જીવનનું પરોઢ’ હવે અંગ્રેજીમાં …
  • સરદાર પટેલ–જવાહરલાલ નેહરુ પત્રવ્યવહાર
  • ‘મન લાગો મેરો યાર ફકીરી મેં’ : સરદાર પટેલ 
  • બે શાશ્વત કોયડા
  • ગાંધીનું રામરાજ્ય એટલે અન્યાયની ગેરહાજરીવાળી વ્યવસ્થા

Poetry

  • ગઝલ
  • કક્કો ઘૂંટ્યો …
  • રાખો..
  • ગઝલ
  • ગઝલ 

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved