વિશિષ્ટ વાચનઃ
ગુજરાતી વાચનમાં જુદી ભાત પાડનાર છમાસિક ‘સાર્થક જલસો’નો સળંગ ૧૪મો અંક પ્રકાશિત થયો છે. તેમાં રાબેતા મુજબનું આશ્ચર્યજનક વિષયવૈવિધ્ય જોવા મળે છે. અનોખાપણાનો અને વિવિધતાનો ખ્યાલ આપતા કેટલાક લેખઃ બનાસકાંઠાના આદિવાસી વિસ્તારમાં ત્રણ દાયકાની કામગીરી (હસમુખ પટેલ), અંગકોરવાટનું પ્રવાસવર્ણન (છાયા ઉપાધ્યાય), મહેમદાવાદમાં સેવાભાવે સેલ્ફ-ફાઇનાન્સ્ડ કૉલેજ ઊભી કરવાની સંઘર્ષકથા (બિપીન શ્રોફ), પિતા નીરવ પટેલ સાથેનાં સંસ્મરણો (ઋચા નીરવ પટેલ), ત્રણ દાયકા પહેલાં મુંબઈમાં કેટલાક મહાન ફિલ્મ- કલાકારોને સામાન્ય ચાહકો તરીકે મળવાના વિશિષ્ટ અનુભવો (બીરેન કોઠારી – ઉર્વીશ કોઠારી), બાલી અને ઇઝરાઇલમાં કોરોનાકાળ પહેલાં, તહેવારને કારણે થતા ‘લૉકડાઉન’ના અનુભવો (હેતલ દેસાઈ), કોરોના-સંદર્ભે રોગચાળા અંગે વર્તમાન અને ભૂતકાળની વિશિષ્ટ જ્ઞાનસામગ્રી (ડૉ. દુર્ગેશ મોદી), ચા વિશેનાં દેશપરદેશનાં સંભારણાં (કૅપ્ટન નરેન્દ્ર), શૈશવથી જીવનસંધ્યા સુધી દવાખાનાંના અનુભવો (ચંદુ મહેરિયા), તકિયા-કલામ વિશે (સલિલ દલાલ), ફૉરેસ્ટ ઑફિસર તરીકેનાં સંભારણાં (ચંદ્રશેખર પંડ્યા) …
આ ઉપરાંત રજનીકુમાર પંડ્યાનો આત્મકથનાત્મક અંશ અને દીપક સોલિયા, નરેશ મકવાણા, અમિત જોશી, નિશા પરીખ-સંઘવી, કિરણ જોશી તથા ડૉ. અશ્વિનકુમારના વિશિષ્ટ લેખ સામેલ છે. નડિયાદના જાણીતા (હવે દિવંગત) તસવીરકાર મનહર ચોકસીએ ખેંચેલી પંડિત નહેરુ, રવિશંકર મહારાજ જેવા અગ્રણીઓની અને પૃથ્વીરાજ કપૂર જેવા ફિલ્મ-કલાકારોની યાદગાર તસવીરોનું ફોટોફીચર પણ આ અંકમાં જોવા મળે છે.
મે, ૨૦૨૦નો અંક કોવિડ-૧૯ને કારણે પ્રગટ થઈ શક્યો ન હતો. માટે, આ વખતનો અંક સામાન્ય રીતે આવતાં ૧૪૪ પાનાં- કિંમત રૂ.૮૦ને બદલે, ૧૭૬ પાનાં અને કિંમત રૂ.૧૦૦નો છે.
(સાર્થક જલસો-૧૪, સાર્થક પ્રકાશન, ફોન-વૉંટ્સએપઃ કાર્તિક શાહ, ૯૮૨૫૨ ૯૦૭૯૬)
સૌજન્ય : “નિરીક્ષક”, 01 નવેમ્બર 2020; પૃ. 15
![]()


ક્યારે ય નથી વેઠી એવી અસ્થિરતામાં મુકાઈ ગયા છીએ આજકાલ. ક્યારે ય નહોતી એવી ભંગુરતાને કાંઠે આવી ચઢ્યા છીએ આજ. “…આ સંસાર સુખરૂપછે કે દુઃખરૂપ ?” એવા દ્વિધાભાવમાં સપડાયા છીએ આપણે સૌ. કોરોનાવાઇરસનો ચેપ બધાને મોત આપતો નથી. એના સકંજામાંથી ઊગરી જનારાઓ મોટી સંખ્યામાં છે, પરંતુ જેઓને કોરોનાનો મૃત્યુદંડ મળે છે, તેઓની સ્થિતિ જોઈ/સાંભળી અન્યોને જે પીડા થાય છે, તે અભૂતપૂર્વ એવી છે. કોરોનાગ્રસ્ત વ્યક્તિ મોતનો ભોગ બને તે ક્ષણ સુધી જે પીડા ભોગવતી હશે એ જ પીડા તેમનાં સ્વજનો પછીના સમયમાં ક્યાં ય સુધી ભોગવે છે. આજ સુધી આવું મોત ક્યારે ય જોયું/સાંભળ્યું નથી. ગરુડપુરાણમાં વર્ણવાયેલી નરકપીડા જાણે તાદૃશ થાય છે.
બીજી સપ્ટેમ્બરના રોજ કોલકાતા ઇન્ટરનેશનલ કલ્ટ ફિલ્મફેસ્ટિવલના આયોજકોને ઇમેલ આવે છે કે, તમારી ફિલ્મ ‘‘કૌન સે બાપુ?’ શૉર્ટફિલ્મ કૅટેગરીમાં ઑફિશિયલ સિલેક્ટ થઈ છે. અમેરિકા, યુરોપ, કોરિયા, જાપાન, તાઇવાન, આરબ અને આફ્રિકન દેશો એમ દુનિયાભરમાંથી આવેલી લગભગ પાંચસો ફિલ્મોમાંથી ચુનંદા ફિલ્મોનું ઑફિશિયલ સિલેક્શન થયું હતું. પહેલી જ ફિલ્મ અને આવા પ્રતિષ્ઠિત આંતરરાષ્ટ્રીય ફિલ્મફેસ્ટિવલમાં સિલેક્શન સુધી પહોંચે એ રોમાંચની હવા ઓસરે એ પહેલાં તો પાંચમી સપ્ટેમ્બરના રોજ ફિલ્મ ફાઇનલમાં પહોંચવાના સમાચાર આવે છે. બે દિવસ પછી સાતમી સપ્ટેમ્બરના રોજ વિવિધ વિભાગોમાં વિજેતાફિલ્મોની યાદી જાહેર કરવામાં આવે છે. ‘કૌન સે બાપુ?’-ને આઉટસ્ટૅન્ડિંગ એચિવમેન્ટ ઍવૉર્ડ જાહેર થાય છે.