Opinion Magazine
Number of visits: 9573445
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

‘ભીતર’માં છારાનગર

કુશલ એમ. તમંચે, કુશલ એમ. તમંચે|Opinion - Opinion|15 November 2020

ઉમેશ સોલંકીની ‘ભીતર’ પદ્યનવલકથાનો હું પ્રથમ દિવસથી સાક્ષી રહ્યો છું. પદ્યનવલકથાની પંક્તિઓ લખાતી હતી, ત્યારે મારી, ઉમેશ સાથે ઘણા મુદ્દા પર વિસ્તારથી ચર્ચા થતી. નાના અમથા મુદ્દા પર પણ તેમણે ખૂબ જ ચીવટથી પોતાની કલમ કસી છે. જો મારી ભૂલ ન થતી હોય તો વિક્રમ શેઠ દ્વારા લખાયેલ ધ ગોલ્ડન ગેટ (Novel in Verse – પદ્યનવલકથા) પછી ‘ભીતર’ કદાચ ભારતની બીજી પદ્યનવલકથા છે. આવી ઑફબીટ સાહિત્યકૃતિ લખવા બદલ ઉમેશને અભિનંદન.

‘ભીતર’ પદ્યનવલકથા ખૂબ ધ્યાનથી વાંચવી પડશે, ધ્યાનથી વાંચ્યા વગર પદ્યનવલકથામાં ખબર નહિ પડે જે લેખકનું જમાપાસું છે. મારે પણ ‘ભીતર’માં  છારાનગર વિષે આલેખાયેલ વર્ણન ખૂબ ધ્યાનથી વાંચવું પડ્યું. ‘ભીતર’ નવ પ્રકરણમાં વહેચાયેલી પદ્યનવલકથા છે. આ નવ પ્રકરણમાં વિવિધ બાબતોનું વિગતે આલેખન છે. આ વિવિધ બાબતો વિષે તો અહીં નહિ લખી શકાય એટલે એક મુદ્દાની વાત કરીશ અને મુદ્દો છે છારાનગરનો. છારાનગરમાં બનેલા પોલીસદમન અને છારાનગર વિશે ટૂંકું પણ ખૂબ જ ઊંડાણથી આલેખન ‘ભીતર’માં કર્યું છે. ઉમેશ છારા ન હોવા છતાં છારાનગર વિષે તેમણે જે આલેખન કર્યું છે, તે હું છારા થઈને પણ ના કરી શકું. જે તેમની કસાયેલી કલમની ખાસિયત છે. છારાનગરનું વર્ણન, જીવનસંસ્કૃતિ, પરિવર્તન, છારા પ્રત્યેનું લોકમાનસ આ બધી બાબતો ઘણા બધા અર્થોને આવરી લે છે.

“સહેજ અડું સદીઓને
અડે ટેરવાંને
સપાટી ખરબચડી અણિયાળી લોહી કાઢે એવી.
વાત ગમે એવી
સદીઓમાંથી કેમની લેવી?
સદીઓ એમની તેં રચેલી
મેં રચેલી
ભેગા મળીને આપણે રચેલી
ક્યાં નગરના વાસીઓએ રચેલી.”

(પાના નંબર – ૮૬)

‘ભીતર’ની આ નવ પંક્તિઓમાં છારા સમાજનો ઇતિહાસ સમાયેલો છે : છારાજાતિનું મૂળ નામ ભાંતુ છે. સંવત ૧૫૦૦ વર્ષ દરમિયાન મહારાણા પ્રતાપની હકૂમત ચિત્તોડગઢ(રાજસ્થાન)માં હતી ત્યારે ભાંતુ જાતિ કુચિયાળા ગામમાં રહેતી હતી. તેમનું મૂળ વતન મારવાડ માનવામાં આવે છે. વખત જતાં તેઓ સ્થળાંતર કરવા લાગ્યા, જીવનનિર્વાહ માટે કોઈ સાધન ન હોવાથી તેઓ ચોરી, લૂંટફાટ કરવા લાગ્યા. અંગ્રેજોના આગમન પછી આ જાતિ જન્મજાત ગુનેગાર ગણાઈ.

અંગ્રેજોએ પોતાની હકૂમત સરળ રીતે ચાલે તે માટે ચોરી-લૂંટફાટ કરતી જાતિઓના સમૂહને ગુનેગાર જાતિઓનું લેબલ લગાવ્યું અને તેઓને બંદીવાન બનાવ્યા અને સામાન્ય જનસમૂહથી અલગ કરી કાંટાળી વાડોની વચ્ચે અમાનવીય રીતે રાખ્યા, ત્યારથી આ સમાજ બહિષ્કૃત બન્યો છે.

બ્રિટિશ શાસન દરમિયાન બ્રિટિશ સરકારે ઈ.સ.૧૮૭૧માં ક્રિમિનલ ટ્રાઇબ્સ ઍક્ટ (સેટલમેન્ટ ઍક્ટ) પસાર કર્યો, જે અન્વયે ગુનાહિત પ્રવૃત્તિઓ કરતી જાતિઓને ગુનાહિત જાતિઓ તરીકે ઓળખવામાં આવી અને જાહેર કરવામાં આવી. આ જાતિઓનાં તમામ પુરુષ, મહિલા, બાળકોને ગુનેગાર ગણવામાં આવ્યાં. ભારતમાં ૧૯૪૭ પછી સત્તાનું હસ્તાંતરણ થયું તેના પછી પણ ઉપર્યુક્ત જાતિસમૂહો પાંચ વર્ષ સુધી સેટલમેન્ટમાં (કાંટાળી વાડો) જ રહ્યા અને તેઓને છેક ૧૯૫૨માં કાયદો રદ્દ કરી વિમુક્ત કરવામાં આવ્યા. 

ગુજરાતમાં કુલ ૧૨ જેટલી ડીનોટિફાઇડ ટ્રાઇબ (વિમુક્ત જાતિ) છે, જેમાં બાફણ, છારા, ડફેર, હિંગોરા, મેં, મિયાણા, સંધી, ઠેબા, વાઘેર, વાઘરી, ચુંવાળિયા કોળી અને કોળીનો સમાવેશ થાય છે.

છારા સમાજનું ગુજરાતમાં રાજકીય, આર્થિક અને સામાજિક પ્રતિનિધિત્વ શૂન્ય છે. સરકારી નોકરીઓમાં અને સરકારી ભલામણવાળાં ખાતાં, જેમાં રાજ્ય સરકારની ભલામણથી હોદ્દા મળે છે, તેવાં ખાતાંઓમાં ફકત ૦.૧ જેટલું પ્રતિનિધિત્વ છે. છારાઓની સૌથી વધુ વસ્તી અમદાવાદ મ્યુનિસિપલ કૉર્પોરેશનના કુબેરનગર વોર્ડમાં છે. આ વૉર્ડમાં તેમની સાથે સિંધી, એસ.સી. અને ઓ.બી.સી.ની વસ્તી છે તેમાં સૌથી વધારે શિક્ષણનું પ્રમાણ છારા જાતિમાં છે, તેમ છતાં અમદાવાદ મ્યુનિસિપલ કૉર્પોરેશનમાં, ના તો તેમનો કોઈ કૉર્પોરેટર છે. વિધાનસભામાં ના તો કોઈ તેમનો ધારાસભ્ય છે અને લોકસભામાં સંસદસભ્યનો તો કોઈ સવાલ જ નથી. રાજ્ય સરકારે કોઈ દિવસ આ જાતિને મુખ્ય ધારામાં લાવવા માટે કોઈ ખાસ પ્રયત્ન કર્યા નહિ, એટલે સુધી ૧૯૯૮માં જે-તે વખતના શિક્ષણ મંત્રી આનંદીબહેન પટેલે છારાનગરને ગોદ લીધેલ, તેમ છતાં છારાનગર હંમેશાં વિકાસથી વંચિત જ રહ્યું :

“નગર
નગર નામે છારાનગર,
તોતિંગ અડીખમ દીવાલની પેલી પા
ધબકતું નગર જીવનને પીવે છે,
પોતીકી સદીઓને લાડકોડથી જીવે છે.
સદીઓમાં
આંસુની નદી છે,
નદીને પાર કરતાં હલેસાં છે,
સંવેદના છે,
ચાલ એવી કે હમણાં જાણે નાચવાનું છે-
બોલે તો લયમાં બોલે એવું લાગે,
બોલી છે બોલીમાં ગાવાનું છે,
કરી જાણવાનો પ્રેમ છે,
વેઠી જાણવાનો વિયોગ છે,
ભાત-ભાતનાં દુઃખ છે,
રોઈ નાંખવાનાં દુઃખ છે,
હસી કાઢવાનાં દુઃખ છે,
થાપટોની બરછટતા ચહેરા પર તરવરે
હલકાંફૂલકાં સપનાં પાંપણ પકડી હીંચકે
ભાલ પર ભીડ થોપેલી લાગે ભલે
હાથમાં જોર જીવતરનું જડે.”

(પાના નંબર – ૮૫-૮૬)

છારાસમાજ મુખ્યત્વે પોતાના દમ પર આગળ આવ્યો છે અને પગભર બન્યો છે. જો કે અમુક સ્વૈચ્છિક સંસ્થાના પ્રયાસોથી અને અમુક સેવાભાવી તેમ જ માનવતાવાદી લોકો દ્વારા છારા સમાજને મદદ મળી છે.

છારા સમાજની સૌથી મોટી સિદ્ધિ એ છે કે અહીં બસોથી વધુ વકીલો છે, આ ઉપરાંત શિક્ષકો, ડૉક્ટર, જજ, એન્જિનિયર, પત્રકાર, બૅંક-ઑફિસર, બોલિવૂડ ફિલ્મ ડિરેકટર, ઍક્ટર, ડ્રામા આર્ટિસ્ટ, ગાયક, સંગીતકાર, લેખક અને નાનામોટા સરકારી હોદ્દા પર થોડા ઘણા લોકો સંકળાયેલા છે. તેમ છતાં દારૂ ગાળવી અને ચોરી કરવી એ પણ છારાસમાજની એક હકીકત છે. હજુ પણ કેટલાક લોકો એવા વ્યવસાય સાથે જોડાયેલા છે, જેના લીધે છારા સમાજનું સારું પાસું હંમેશાં ઢંકાઈ જાય છે. અને મુખ્ય ધારાના લોકો છારા સમાજના લોકોને ગુનેગાર તરીકે ઓળખે છે અને ખાસ કરીને અત્યાર સુધીની તમામ રાજ્ય સરકારો અને પોલીસની છારા સમાજ પ્રત્યેની માનસિકતામાં કોઈ બદલાવ આવ્યો નથી. છારા સમાજમાં આટલું ક્રીમ હોવા છતાં છારાનગર કેવું છે? ભીતરમાં બહુ ઓછી પંક્તિઓમાં આવરી લેવાયું છે :

“ઊબડખાબડ રસ્તા મળે,
રસ્તામાંથી લઘરવઘર સાંકડી ગલીઓ નીકળે,
ગલીઓ વાંકીચૂંકી થઈ આમતેમ વરે,
વાંકીચૂંકી ગલીઓમાં ખાટી-ખાટી ગંધ ભળે,
થેલી મળે,
થેલી ગલીઘેલી મળે,
ઉપરનીચે આગળપાછળ એમ ગતિઘેલી મળે,
આપણે સૌ અટવાયા થેલીમાં,
ગૂંચવાયા થેલી પડખે બેઠેલી ચોરીમાં,
બેની લાયમાં બધ્ધું ભૂલ્યા,
બેને ઠોકર મારતા, આવતા, થનગનતા નવયુગને ન સમજ્યા.”

(પાના નંબર – ૮૭-૮૮)

સર્વશ્રેષ્ઠ મીડિયામાર્કેટિંગ દ્વારા દેશના આદર્શ રાજ્ય તરીકે ઉપમા પામનાર ગુજરાત રાજ્યની સૌથી મોટી અને લોકપ્રિય સિદ્ધિ સરકારી નોકરીમાં ફિક્સ પગાર અને પ્રોબેશન-પિરિયડ છે, એટલે કે જે કોઈ વ્યક્તિ રાજ્ય સરકારની જાહેર ક્ષેત્રની ભરતીમાં સિલેક્ટ થાય, તો તેને શરૂઆતનાં પાંચ વર્ષ સુધી હંગામી ધોરણે હોદ્દો મળે અને તેને સળંગ પાંચ વર્ષ સુધી ખૂબ જ ઓછા પગારમાં કામ કરવું પડે. ઉપરાંત જો રાજ્ય સરકારના જે-તે વિભાગને લાગે કે કોઈ વ્યક્તિ એમના પ્રમાણે ના વર્તતો હોય તો તેને કાયમી ન પણ કરી શકે. જો કે રાજ્ય સરકારની આવી મૂળભૂત અધિકારો વિરુદ્ધની નીતિ સામે ગુજરાત હાઈકોર્ટે રાજ્ય સરકારને ફટકાર લગાવી છે અને મૂળભૂત અધિકારોનું રક્ષણ કર્યું છે. પણ આદર્શ વાઇબ્રન્ટ ગુજરાત સરકાર હાઈકોર્ટના ચુકાદા સામે સર્વોચ્ચ અદાલતમાં અપીલમાં ગઈ છે. રાજ્ય સરકારની આ નીતિની પોલીસ ફોર્સ પર અસર સારી નથી થતી. સરકારને સારું લાગે એવું નવી ભરતીવાળા પોલીસને કરવું પડતું હોય છે, પરિણામે છારાનગર પ્રત્યેની સરકારની સૂગ પણ પોલીસમાં આવવાની. પોલીસમાં આવેલી સૂગને આલેખતી પંક્તિઓ :

“નવો-નવો અક્કડ પોલીસ,
નવો રોફ, નવી જીદ,
નગરને એણે ધાર્યું જુદું,
અંદરબહાર ગંદુંગોબરું,
ગંદવાડમાં ખણખણ કરતી ખાણ,
ખાનનું એને ઘણું ખેંચાણ,
ખેંચાણમાં એણે ઉમેર્યો રોફ, રોફ પર કર્યો હઠનો છંટકાવ,
છંટકાવથી ઊઠી ગંધ તીવ્ર,
નગરનું ઘર કંટાળ્યું શીઘ્ર,
પોલીસના નાકનું ચડ્યું ટેરવું,
ઘરની અંદર ધસ્યું ટેરવું,
ટેરવા પર હતી માખી,
માખીએ ન બાપ ભાળ્યો, ન મા ભાળી,
ધાવતા બાળકની સાંભળી ન ઘૂઘરી રૂપાળી,
વાળ ઝાલ્યા, ચોટલી ઝાલી,
રૂઢિઘેલી ગાળ બોલી બણબણ કરતી,
માખીને પકડી મસળી ટેરવાથી,
ટેરવું લાવ્યું ધાડાં બોલાવી.”

(પાના નંબર – ૮૩)

ઉપરની પંક્તિઓને સમજીએ : પ્રોબેશન-પિરિયડ પર નવા-નવા નોકરી પર આવેલ અક્કડ પોલીસ સબઇન્સ્પેક્ટર ડી.કે. મોરીએ છારાનગર પ્રત્યે એવું તો ઝેર મનમાં રાખ્યું કે એ ઝેરે છારાનગરના નિર્દોષ લોકોને બે વર્ષ અગાઉ ૨૬/૧૧ની રાત્રીએ ઘમરોળી નાખ્યા. ડી.કે મોરી સહિત આખી પોલીસફોર્સ અને રાજ્ય સરકારની છારાનગર પ્રત્યેની સૂગ અને ચીડ એ રાત્રે સ્પષ્ટ દેખાઈ આવ્યાં.

ડી.કે. મોરીની માનસિકતા કેવી ભયાવહ હતી કે સરદારનગર પોલીસ સ્ટેશનમાં સમાવિષ્ટ છારાનગર વિસ્તારમાં પોસ્ટિંગ મળતાની સાથે જ તેણે સામાન્ય લોકો પર રોફ જમાવાનું ચાલુ કરી દીધું. પોલીસ-ટ્રેનિંગમાં એવી તો કેવી એને માનસિકતા મળી કે છારા લોકોથી એને એટલી નફરત હતી. સામાન્ય (છારા) લોકો સાથે ગાળાગાળી, દાદાગીરી, ઘરમાં ઘૂસી ખોટા ગુનાના આરોપમાં સંડોવાની અને ધાકધમકી આપવાની એની ટેવ એકદમ સામાન્ય બની ગઈ, એટલી સામાન્ય કે બાળકને ધવડાવતી મહિલાના ઘરમાં પણ તે ઘૂસી ગયો અને પોતાની અક્કડતા બતાવવા લાગ્યો અને ખોટા આક્ષેપો કરવા લાગ્યો. એક રાત્રે એ બાબતનો પ્રતિકાર થતાં તેનો અહમ્‌ એટલો આસમાને જતો રહ્યો કે એણે કાયદા હેઠળ મળેલી સત્તાનો દુરુપયોગ કરી, જૂઠું બોલી અને પોલીસફોર્સને ગેરમાર્ગે દોરી, સામાન્ય બે જણાં સામેની સામાન્ય બોલાચાલી ને વિકૃત રૂપ આપી પોલીસ-ફોર્સ બોલાવી અને છારાનગરને બાનમાં લઈ લીધું :

“ધાડાં પોલીસનાં ઊતર્યાં અડધી રાત,
કાન ફાડતો કરતા અવાજ,
ડંડામાં દોડ્યા કરતી ગાળ,
ગાળ વીંઝાતી જ્યાં પણ પડતી,
તોડીને એ કકડા કરતી,
ગાડી તોડી,
બાઇકની લાઇટ મોટી-નાની તોડી,
દરવાજો તોડ્યો, ઘરમાં ઘૂસી ટીવી તોડી
વાસણ પટક્યાં, ડોલ તોડી બરણી ફોડી,
પગ તોડ્યાં હાથની આંગળી ટચલી તોડી,
માથું ફોડ્યું, તોડ્યા દાંત, હોઠને અડધા નાખ્યા ચીરી,
ચીરામાંથી ટપક્યું લોહી ઘાટું ડગર પર,
લોહીનું થયું ટપકું નાનું ડગર પર”.

(પાના નંબર – ૮૨)

પોલીસ-ટ્રેનિંગમાં શીખેલ બદમાશી અને રાજકીય આશીર્વાદ હેઠળ તૈયાર થયેલ પોલીસ-ફોર્સ અક્કડ પોલીસ ડી.કે. મોરીના એક મૅસેજ પર છારાનગરમાં રાતે ધાડાં લઈને ઊતરી આવ્યો. આવતાની સાથે રીઢા ગુનેગારો પણ ન બોલે એવી ગાળો બોલી ઘર આગળ પડેલ વાહનો, સાધનોનો ભુક્કો બોલાવી દીધો. જેમાં ટૂવ્હીલર, થ્રીવ્હીલર, ફોરવ્હીલર વાહનોનું એટલી હદે નુકસાન કર્યું કે જેવી રીતે હિન્દુ-મુસ્લિમ હુલ્લડ વખતે રાજકીય પાર્ટીઓના ઇશારા પર  કરવામાં આવતું નુકસાન હોય. બે-રહેમ પોલીસ-ફોર્સે વાહનો અને લોકોની જીવનજરૂરિયાતનાં સાધનોનું નુકસાન કરી છારાનગરના નિર્દોષ લોકો પર આડેધડ તૂટી પડ્યાં. એમાં વકીલો, પત્રકારો, ડ્રામાઆર્ટીસ્ટ, ફિલ્મ-ડિરેક્ટર, બૅંકકર્મચારી, ધંધાર્થી અને સામાન્ય મજૂરી કરી પોતાનું ગુજરાન કરતા લોકોને માનવતા વિરોધી અને હંમેશ રાજકીય વફાદારી દાખવતા પોલીસ-ફોર્સે છારાનગરમાં આતંકવાદી કૃત્ય કર્યું હોય એ રીતે બે-રહમીથી માર્યા. ઘરમાં ઘૂસી અને રાત્રીના સમયે આરામ કરી રહેલા લોકોને બહાર ખેંચી લાવી ડંડા વડે આડેધડ ફટકાર્યા, કોઈનો હાથ ફ્રૅકચર થઈ ગયો, કોઈની હાથની આંગળીઓ ભાંગી ગઈ, કોઈના પસવાડા અને કમરના નીચેના ભાગ સૂઝી ગયા. તો બીજી તરફ વૃદ્ધમહિલાઓને પણ ઘરમાં ઘૂસી ફેંટો મારી તો અન્ય મહિલાને હાથે ફટકારી આંગળીઓ ભાંગી નાંખી. ઉપરાંત, છોકરાની જેમ કપડાં પહેરતી પણ તરુણ વયની છોકરીને તે છોકરી છે કે છોકરો તે તપાસવા તે છોકરીની છાતી દબાવી પોલીસફોર્સે બેશરમી અને અમાનવીયતાની તમામ હદ વટાવી દીધી. એ રાત્રીએ ગુજરાત પોલીસ ફોર્સે છારાનગરના નિર્દોષ લોકો પર આતંકી પ્રકારનું કૃત્ય કર્યું. અને છારાનગરના નિર્દોષ લોકો સામે ગેરકાયદે મંડળી, હુલ્લડ, તોડફોડ, લૂંટ અને રાજ્યસેવક પર હુમલા વગેરે જેવી ૧૧ કલમો લગાવી તેઓને આરોપી બનાવી દીધા. ડી.કે. મોરીએ એ સામાન્ય બે જણના ઝઘડાને આતંકી કૃત્યમાં ફેરવી દીધું. અને એ સામાન્ય ઝઘડાએ છારાનગરમાં ક્યારે ય ન થયેલી  એવી ૨૬/૧૧ની પોલીસહિંસાની ઘટના થઈ.

પોલીસ-અત્યાચાર પછી અત્યાચાર સહન કરનાર મારા સહિત ૩૨ નિર્દોષને પાંચેક દિવસ સાબરમતી સેન્ટ્રલ જેલમાં રાખવામાં આવ્યા. છારાનગરથી સેન્ટ્રલ જેલ સુધીની પ્રક્રિયાનો પહેલો તબક્કો : 

“ઊબડખાબડ ડખળવખળ,
જેલની ડગર ઘણી કઠણ.
કઠણાઈ વેઠતો કઠણ નયન,
વેઠતા બીજા ત્રીસેક જણ.”

(પાના નંબર – ૮૩)

નયન ‘ભીતર’ પદ્યનવલકથાનું એક પાત્ર છે, જે છારા છે. અહીં આવતા ઉબડખાબડ ડખળવખળ શબ્દો બહુ મહત્ત્વના છે. કેવી રીતે? સમજીએ :

“દવા નામની સારવાર નામની,
ડગર વચ્ચે આવી ભરમાર નામની.”

(પાના નંબર – ૮૩)

ગુજરાત પોલીસ દ્વારા જે આતંકી કૃત્ય આચરવામાં આવ્યું. એમાં ઘણાં નિર્દોષ લોકોને ગંભીર ઈજાઓ પહોંચી. જેથી સારવાર કરાવવા પીડિત લોકોએ ઍમ્બ્યુલન્સને ફોન કરી બોલાવી. ઍમ્બ્યુલન્સવાળા પણ સરકારને વફાદાર હતા. તેમનો ઇન્ચાર્જ અમને જોઈને આનાકાની કરવા લાગ્યો. આટલા માણસ ઍમ્બ્યુલન્સમાં નહીં આવે. બધાની પહેલાં વિગતો લખવી પડશે. બીજી ઍમ્બ્યુલન્સ બોલાવો. અડધા એમાં જતા રહો.

એક ઍડવોકેટનાં પત્નીના ડાબા હાથમાંથી લોહી નીકળતું હતું, જે બંધ જ નહોતું થતું. ફોટોજર્નાલિસ્ટ સ્ટ્રેચર પર હતા, ઍડ્‌વોકેટ અને અન્ય લોકો દુખાવાથી પીડાઈ રહ્યાં હતાં અને ઇન્ચાર્જને પોતાની ફૉર્માલિટીસની ફિકર રહી. અમારી ઇન્ચાર્જ સાથે બોલાચાલી થઈ, જેમાં ઇન્ચાર્જે પાંચ જણાને ઍમ્બ્યુલન્સમાં બેસવા દીધા. બાકીના ત્રણને નીચે ઉતારી દીધા, જેમાં ઍડ્‌વોકેટના બે મોટા દીકરાઓ અને એક અન્ય વ્યક્તિનો સમાવેશ થાય છે. તરત પછી ઍડ્‌વોકેટ ફેમિલી અને ફોટોજર્નાલિસ્ટ સહિત ઍમ્બ્યુલન્સમાં અને અન્ય લોકો બાઇક દ્વારા સિવિલ હૉસ્પિટલના ટ્રૉમા-સેન્ટર પહોંચ્યાં.

સિવિલ હૉસ્પિટલ પહોંચ્યા બાદ તેઓએ જાતે જ કેસપેપર કઢાવ્યા, ભર્યા અને જમા કરાવ્યા. ત્યાર બાદ ઓ.પી.ડી.માં ડૉક્ટરને ઈજાઓ અંગે બતાવ્યું. ડૉક્ટરે તરત બધાને એક્સ-રે પડાવી આવવા કહ્યું. ફરફરિયું લઈ એક્સ-રે ડિપાર્ટમેન્ટમાં ગયા, જ્યાં ડિજિટલ એક્સ-રે વિભાગ પણ હતો. છતાં અમારા બધાના ખખડધજ એક્સ-રે વિભાગમાં એક્સ-રે કાઢ્યા. એક્સ-રેની ફિલ્મો હાથમાં આપી, જે પાણીથી તરબોળ હતી, પકડતા પણ ન ફાવે. મુખ્યત્વે બધાના હાથમાંથી એ એક્સ-રે ફિલ્મો છૂટતી રહી.એ એક્સ-રે ફિલ્મો લઈ રૂમ નં-૧૭માં ગયા, જ્યાં દરદી અને ડૉક્ટરડ્રેસ પહેરેલ વ્યક્તિઓ ઊંઘતી હતી. બે જુવાન ડૉક્ટર ડ્રેસમાં ઉપસ્થિત હતા. એક પછી એક બધાએ એક્સ-રે ફિલ્મો બતાવી. પેલા ડૉક્ટરે બધાને રૂમ નં. ૪૦ પર એક્સ-રે રિપોર્ટ કઢાવી આવવા જણાવ્યું. રૂમ નં. ૪૦ અડધો કિલોમીટર દૂર હતો. એક પછી એક અમે ગયાં. દુઃખ સહન કરતા ગયાં. ચાલતા ગયાં ત્યાં મહિલા ડૉક્ટર જોડે એક્સ-રે રિપોર્ટ કરાવ્યા. ત્યાંથી પાછાં રૂમ નં. ૧૭માં આવ્યાં. સમય એમ ને એમ જ પસાર થઈ રહ્યો હતો. પીડા વધતી જતી હતી. ઍડ્‌વોકેટનાં પત્નીને હાથમાંથી લોહી નીકળવાનું બંધ જ નહોતું થતું. રૂમ નં. ૧૭માં કોઈ સારવાર શરૂ કરવામાં આવી નહીં. બધાંનું દરદ વધી રહ્યું હતું. ડૉક્ટર કેમ સારવાર નહોતા આપતા એ ખબર નહોતી પડતી.

ઍડ્‌વોકેટના ઍડ્‌વોકેટ દીકરાનું મગજ છટકી ગયું. તેણે ડૉક્ટરને ઝાટકી નાંખ્યો, ‘આટલો સમય થઈ ગયો છે, સારવાર કેમ નથી આપતા. અમે દર્દથી બેહાલ થઈ રહ્યા છીએ અને તમે ફાલતુ સમય પસાર કરી રહ્યા છો, નોબલ (મહાન) પ્રોફેશનમાં કામ કરો છો અને આવું બેહૂદું વર્તન કરો છો.તમે પણ રીઢા ગુનેગારો જ છો.’ (દુનિયામાં એક માત્ર ડૉક્ટરના પ્રોફેશનને જ નોબલ પ્રોફેશન કહેવામાં આવે છે.) ડૉક્ટરને ખખડાવ્યા બાદ તેણે સારવાર ચાલુ કરી, જેમાં ઍડ્‌વોકેટનાં પત્ની એમના મોટા દીકરા અને ફોટોજર્નાલિસ્ટને હાથમાં ફ્રૅક્ચર થયેલું હતું.

“પોલીસનું થાણું
લાગે એવું આવ્યું પરબારું”

(પાના નંબર – ૮૩)

આ બે પંક્તિમાં રહેલું સત્ય : પોલીસ અને હૉસ્પિટલની પીડા સહન કરી સારવાર લીધી અને અચાનક વહેલી સવારે મહિલા પોલીસ વગરનો કાફલો રૂમ નં. ૧૭માં આવી પહોંચ્યો અને અમને ઘેરી ઊભો રહી ગયો. પોલીસ-જમાદારે કહ્યું, ‘તમારે અમારી સાથે આવવાનું છે.’

સારવાર પત્યા બાદ પોલીસ-કાફલા સાથે જવા સાત જણાં મોબાઇલ-વાનમાં બેસી ગયાં. સિવિલ હૉસ્પિટલમાં તેઓ પીડિત તરીકે સારવાર લેવા આવ્યાં પણ પોલીસવાળા એમને આરોપી તરીકે લઈ ગયાં. નિયમ મુજબ સિવિલ હૉસ્પિટલમાં સારવાર અર્થે જઈએ અને ડૉક્ટરને ઈજા અંગે બતાવીએ તો ડૉક્ટર, જો પોલીસકેસ બાબત હોય, તો તરત પોલીસને જાણ કરે અને FIR-NCR(ફર્સ્ટ ઇન્ફૉર્મેશન રિપોર્ટ – નૉન-કૉગ્નિઝેબલ રિપોર્ટ)ની કાર્યવાહી થાય, પણ અમારી FIR પોલીસવિરુદ્ધ હતી, એટલે તેઓએ કોઈ પ્રક્રિયા હાથ ધરી નહીં અને સારવારમાં જાણીજોઈ સિવિલ હૉસ્પિટલ સત્તાવાળાઓએ સમય લીધો, જેથી પોલીસ આરામથી અમારા બધાની ધરપકડ કરી શકે.

સિવિલ હૉસ્પિટલમાંથી ધરપકડ થઈ, એના તરત પછી સાતેય જણાંને સરદારનગર પોલીસ-સ્ટેશન લઈ જવામાં આવ્યાં અને તેઓની જરૂરી વિગતો લઈ તેમને આરોપી ઘોષિત કરવામાં આવ્યાં. પીડિત સિનિયર ઍડ્‌વોકેટે પોલીસને કહ્યું, ‘અમારે પણ FIR કરવી છે, અમારી FIR લખો!’ પોલીસે પ્રતિઉત્તર આપ્યો :‘હાલ મોટા સાહેબ નથી, હું તમારી FIR ના લઈ શકુ.’ પોલીસ દરેક ક્ષણે કાયદાનો ભંગ કરી રહી હતી. FIR લખવા માટે કોઈ મોટા અધિકારીની જરૂર નથી રહેતી. જે પોલીસ-સ્ટેશન-ઇન્ચાર્જમાં હોય એ FIR લઈ શકે. ખબર નહોતી પડતી કે પોલીસને અમારા રક્ષણ કરવા માટે નોકરીએ મૂક્યા છે કે લોહી ચૂસવા માટે.

લૉકઅપમાં ઍડ્‌વોકેટનો ઍડ્‌વોકેટ દીકરો વિચારતો રહી ગયો કે કલમ અને દંડો બેઉ તમારા હાથમાં હોય, તો તમે કંઈ પણ કરી શકો છો. કોમી રમખાણો – નકલી ઍન્કાઉન્ટર કેસો જેવી ઘટનામાં બોગસ કામગીરી કરવા બદલ ગુજરાત-પોલીસનું આખી દુનિયામાં નામ ખરાબ થયું. આટઆટલી બદનામી છતાં ગુજરાત-પોલીસમાં કોઈ સુધાર આવ્યો નહીં.

“પરબારી આવેલી માંડ બચેલી રાત કાઢી,
થાણાની બહાર કિરણો પર આવી લોકસવારી,
પોલીસ ફફડી,
પડદો પકડી,
પાછલા બારણે દોડાવી ગાડી,
કરાવવા નામની સારવાર લાંબી.”

(પાના નંબર – ૮૪)

“પડી રાત, જજના બંગલે કોરટ ભરાણી
ખોટી કલમ ખોટા ગુના ખમતા સૌ જાણી-જાણી.
રમેશ જોતો કોરટને તાકી,
કાનો જોતો નયનને તાકી,
તાકી-તાકી જોતાં ઉસ્માન-વાણી.”

(પાના નંબર – ૮૪)

છારાનગરમાં રાત્રીના પોલીસ દ્વારા આતંકી કૃત્યના બનાવ બાદ વહેલી સવારે લોકોનાં ટોળાં સરદારનગર પોલીસ-સ્ટેશન પર જમા થઈ ગયાં. સવારે ૮-૦૦ વાગે આરોપીઓનાં કુટુંબીઓ ચા-બિસ્કિટ, નાસ્તો વગેરે પોલીસ-પરમિશનથી લૉકઅપમાં આપવા આવ્યાં. બહાર ભીડ વધતી જતી હતી. એવામાં સિનિયર ઍડ્‌વોકેટ અને પીડિતો માટે કાર્યરત શમશાદ પઠાણ આવ્યા. શમશાદે પીડિતો વિરુદ્ધ FIR અંગે વિગત માંગી, પણ પોલીસે FIR અંગે કોઈ ફોડ પાડ્યો નહીં.

થોડો સમય પસાર થયો અને ‘ઍડ્‌વોકેટ કોણ છે?’ બૂમ પડી. ઍડ્‌વોકેટ અને તેમના બે ઍડ્‌વોકેટ દીકરાઓને લૉકઅપમાંથી બહાર કાઢી પોલીસ-સ્ટેશનના અધિકારીની ઑફિસમાં લઈ ગયા. જ્યાં મેટ્રો કોર્ટબાર એસોસિયેશન અને બાર કાઉન્સિલ ઑફ ગુજરાતના વકીલસભ્યો મોટી સંખ્યામાં ઉપસ્થિત હતા. અમે વકીલ-સભ્યોને ઘટના અંગે જાણકારી આપી. ઘટના અંગે સાંભળી એમને પણ આંચકો લાગ્યો. ત્યાર બાદ વકીલસભ્યોએ પોલીસ-સ્ટેશનના ઉપરી અધિકારીને રજૂઆત કરી. રજૂઆત બાદ પોલીસ તરફથી એવી ઑફર આવી કે અમે ઍડ્‌વોકેટના ફૅમિલીના પાંચ માણસોને અહીંથી જ કોઈ કેસ કર્યા વગર છોડી દઈએ છીએ (૨૭ આરોપીઓમાંથી હું, મોટાભાઈ અને પિતા ત્રણેય ઍડ્‌વોકેટ છીએ, મારી માતા અને અન્ય ભાઈ મળી કુલ પાંચ જણ), તેથી તેમણે તાત્કાલિક ઍડ્‌વોકેટ ફૅમિલીને છોડવાની ઑફર કરી. પરંતુ ઍડ્‌વોકેટે કહ્યું કે હું સમાજ સાથે ગદ્દારી નહીં કરી શકું. ઑફર ઠુકરાવી દીધી.

સુપ્રીમકોર્ટની ગાઇડલાઇન્સ મુજબ દરેક આરોપીનું અટકાયત બાદ મેડીકલ ચેક અપ કરાવવું જરૂરી હોવાથી પોલીસે અમને બપોરે મેડિકલ ચેકઅપ કરાવવા સિવિલ હૉસ્પિટલ લઈ જવા  લૉકઅપમાંથી બહાર કાઢ્યાં ત્યારે પોલીસ-સ્ટેશન બહાર અસંખ્ય ઍડ્‌વોકેટ, કર્મશીલો, મીડિયા અને આમજનતાને જોઈ પોલીસની ગભરાહટ સાફ દેખાઈ આવતી હતી.

સિવિલ હૉસ્પિટલ ટ્રૉમા સેન્ટરમાં મેડિકલ ચેકઅપ ચાલુ થયું અને અમે બધાંએ એ જ બોગસ પ્રક્રિયામાંથી પસાર થઈ ચેકઅપ કરાવ્યું. સિવિલ હૉસ્પિટલ બહાર પણ ભીડનો જમાવડો હતો. ચેકઅપ બાદ અમને પેશકશી માટે કોર્ટમાં રજૂ કરવાના હતા, પરંતુ ઍડ્‌વોકેટ અને આમજનતાથી ગભરાયેલી પોલીસે સારવારમાં સમય પસાર કર્યો, જેથી તેઓને કોર્ટની જગ્યાએ અરજન્ટ ચાર્જમાં ઉપસ્થિત મૅજિસ્ટ્રેટ સામે રજૂ કરવાનો મોકો મળી ગયો. ત્યાર બાદ રાત્રે શાહીબાગ સ્થિત મૅજિસ્ટ્રેટના બંગલે અમને બધાંને રજૂ કર્યાં.

મૅજિસ્ટ્રેટના ઘરની બહાર ખુલ્લી જગ્યામાં ટેબલ-ખુરશી લગાવી કોર્ટ કામગીરી શરૂ કરી. મૅજિસ્ટ્રેટના બંગલા પર પણ ઍડ્‌વોકેટ, કર્મશીલો, મીડિયા અને આમજનતા મોટી સંખ્યામાં ઉપસ્થિત હતાં. મૅજિસ્ટ્રેટે એક પછી એક આરોપીઓને પૂછ્યું : તમને પોલીસવિરુદ્ધ કોઈ ફરિયાદ છે ? બધાં આરોપીઓએ પોલીસવિરુદ્ધ ફરિયાદ છે એવું જણાવ્યું. એક પછી એક આરોપીઓએ પોતાનું નિવેદન નોંધાવ્યું પછી મૅજિસ્ટ્રેટે પર્સનલી આરોપીઓને ઘરમાં બોલાવી તેમની ઈજા વિશે જોયું-જાણ્યું અને લખ્યું : દિન-૭ દરમિયાન પોલીસે ફરીથી મેડિકલ ચેકઅપ કરાવવું. આટલી કાર્યવાહી પતતાં રાતના ૪.૩૦ વાગી ગયા. ૫૮ વર્ષ પહેલાં કોર્ટ આટલી લાંબી ચાલી હતી. અને એક અમારા કેસમાં કોર્ટ આટલી મોડી રાત સુધી ચાલી. ત્યાર બાદ મૅજિસ્ટ્રેટે સાબરમતી સેન્ટ્રલ જેલ મોકલવાનો આદેશ કર્યો, કેમ કે પોલીસે અમારી સામે લૂંટ, હુલ્લડ, પોલીસ પર હુમલો જેવી કુલ ૧૧ જેટલી અલગ-અલગ કલમોનો ગુનો નોંધ્યો હતો.

“સવાર ભણી રાત ચાલી,
જેલ ભણી ચાલી ગાડી,
જેલની ડગર બહુ કઠણ-,
ઊબડખાબડ ડખળવખળ.”

(પાના નંબર – ૮૪)

સાબરમતી સેન્ટ્રલ જેલમાં ગયા પછી :

“ઊબડખાબડ ડગર
ઘૂસી તરત જેલની અંદર,
અંદર ડગર નાગી નક્કર,
ખેંચી લાવે જેને અંદર,
નાગા કરે એને તરત,
ધરપત ન એને એક વાર,
કરે નાગા અનેક વાર
વૃદ્ધ યુવાન બાપ ભાઈ
ફરક ન પડતો ડગરને કાંઈ.”

(પાના નંબર ૮૪-૮૫)

જેલ-સત્તાધીશોએ ચેકિંગના ઓઠા હેઠળ દરેક વખતે અમારાં બધાં કપડાં કઢાવ્યાં. બૉડી-સ્કૅનિંગ મશીન હોવા છતાં બધાની સામે કપડાં કઢાવ્યાં, ચહેરાપટ્ટી અને મેડિકલ ચેકઅપ વખતે પણ અમારા બધાની વચ્ચે બધાં કપડાં કઢાવ્યાં. મૅજિસ્ટ્રેટે સિવિલ હૉસ્પિટલમાં લખી આપેલ મેડિકલ ચેકઅપ બાદ જ્યારે પાછાં જેલમાં આવ્યાં ત્યારે પણ બધાની વચ્ચે કપડાં કઢાવ્યાં. દર વખતે કપડાં કાઢવાની પ્રક્રિયા ઘણી તકલીફદાયક હતી. દર વખતે અમારી પ્રાઇવસીનો ભંગ થઈ રહ્યો હતો. આ સરેઆમ બંધારણીય અને માનવ-અધિકારોનો ભંગ હતો. ભારતદેશ અંગ્રેજોનો ગુલામ હતો, ત્યારે અંગ્રેજોએ કેદીઓના બૉડી-માર્ક ચેક કરવા માટે ૧૮૬૦માં જેલ મૅન્યુઅલ કાયદો બનાવ્યો હતો. આ કાયદામાં બૉડી-માર્ક ચેક કરવું ઓછું મહત્ત્વનું હતું અને કેદીઓનાં કપડાં કઢાવી, તેઓને નગ્ન કરી અપમાન કરવું વધારે મહત્ત્વનું હતું, તેથી તેઓનું વારંવાર અપમાન થવું જોઈએ. અંગ્રેજોની થિયરી હતી કે તમે જેમને ગુલામ બનાવી રાખવા માંગો છો, તો તેમનું વારંવાર અપમાન કરવું જોઈએ. કેમ કે ભારતીય કેદીઓ અંગ્રેજોના કેદી ઓછા અને ગુલામ વધારે હતા. ગુલામનું વારંવાર અપમાન થાય એના માટે તેઓ તેમના બોડી-માર્ક ચેક કરવાના બહાના હેઠળ કપડાં ઉતરાવી તેઓને અપમાનિત કરતા. આ કાયદો આજે પણ બદલાયો નથી. આ ઉપરાંત કોઈ માનવાધિકાર સંગઠન પણ આ અંગે સવાલ નથી ઉઠાવતું કે કેમ બૉડી-માર્કના ઓઠા હેઠળ વ્યક્તિના મૂળભૂત અધિકારો અને માનવ-અધિકારોનું રાજ્યસત્તા દ્વારા હનન થાય છે.

કપડાં કઢાવી ચેક કરવાનો એવો હેતુ છે કે કોઈ વ્યક્તિ પ્રતિબંધિત વસ્તુ જેલની અંદર ન લઈ જઈ શકે. પણ ‘કાગડા બધે કાળા’ એમ જ્યારે જેલમાં રહ્યાં, ત્યારે બધી પ્રતિબંધિત વસ્તુઓનો કેદીઓ આરામથી ઉપયોગ કરી રહ્યા હતા. જેલમાં દરેક જગ્યાએ સી.સી.ટી.વી. લાગેલા છે. અહીં પણ કલમ અને દંડો જેલ સત્તાધીશોના હાથમાં છે, એટલે તેઓ મન-મરજી મુજબ બધું જ કરી શકે.કપડાં કઢાવી ચેક કરાવ્યા બાદ :

“બરાક પાસે ડગર થોભતી,
લાકડાં નાંખે એમ સૌને નાખતી,
બરાક લાકડાં ભરેલો કંતાનનો થેલો,
થેલો ગણગણ-બણબણ અવાજનો ઘેલો.
બરાક પછી ચામડી બનતી,
ચામડી પર ચોંટી પડતી,
લાખ યત્ન કરો ઉતેડવા ચામડી તો ય ન ઊતડી શકતી,
ચામડી ક્યારેક કાંચળી બનતી,
કાંચળી પાછી ચામડી બનતી,
ચામડી સાથે જીવ્યા કરે,
ચામડી શ્વાસ ખેંચ્યા કરે.”

(પાના નંબર – ૮૫)

બૅરેકમાં રહેવાની વ્યવસ્થા પણ કોઈ ખાસ સારી નહીં. જેલમાં અંદાજે ૨,૨૦૦ કેદીઓને સમાવવાની ક્ષમતા છે, પણ ત્યાં રહે છે ૫,૫૦૦થી ઉપર કેદીઓ, તેથી સ્વાભાવિક છે એક કેદીનો પગ બીજા કેદીના પગ ઉપર, બીજા કેદીનો પગ ત્રીજાના પગચોથા કેદીના ખભા-માથા પર.

જેલવાસ દરમિયાન બૅરેકની દૃશ્યવાડની સીમામાં જ રહેવું પડ્યું. દૃશ્યવાડથી બહારનું કોઈ જીવન નહીં. ૨૪ કલાકમાંથી ફક્ત ૭ કલાક જ બૅરેક બહાર એકદમ મર્યાદિત જગ્યામાં અમે જઈ શકતા.

સેન્ટ્રલ જેલમાં નહાવા-ધોવા અને ખાવાની વ્યવસ્થા કેવી હોય છે એનું ભીતરમાં ખૂબ કાવ્યાત્મક વર્ણન છે :

“પાણીની લગની જેલને અપાર-
પાણીનાં પાછાં રૂપ હજાર :
રગડો પાણી, રગડાથી લગીર પતલું પાણી,
કાળું પાણી, પાણી જેવું નકરું પાણી,
ગોબરાથી સહેજ છેટું પાણી.
પાણીને જોઈ ઉબકા આવે એવું અજાણ્યું ઉબકિયું પાણી.
પીળું-લાલ ખાવાનું પાણી,
અટકી-અટકી પીવાનું પાણી,
પાણીને જોઈ ધિક્કાર ઊપજે એવું પાણી તેવું પાણી
પાણી,પાણી,પાણી,પાણી.”

(પાના નંબર – ૮૫)

જેલ-સત્તાધીશો દ્વારા આપવામાં આવેલી ભોજનની વાત કરું તો જાનવરો પણ ન ખાઈ શકે,’ એવું ભોજન પીરસવામાં આવ્યું. બેસ્વાદ બિનપૌષ્ટિક, બિનઆરોગ્યપ્રદ પણ મજબૂરીવશ એ જમવું પડ્યું. જમ્યા બાદ એવું લાગ્યું કે આ પ્રકારનું ભોજન અમને સજાના ભાગ રૂપે જ પીરસવામાં આવે છે. નાહવા-ધોવાની પણ ગંદી-ગોબરી વ્યવસ્થા હતી, જેનું હું અહીં વર્ણન પણ ન કરી શકું, પણ કેદીએ એ ગંદી-ગોબરી વ્યવસ્થાને સ્વીકારવી જ પડે એ જ સજા છે.

છારાનગરમાં અક્કડ પોલીસની સામાન્ય બે જણાં વચ્ચેનો ઝગડો આખા ગુજરાતમાં ગાજ્યો. શરૂઆતમાં પોલીસે છારાનગરના નિર્દોષ લોકો પર કરેલ આતંકી કૃત્યને મીડિયા મારફતે યોગ્ય ઠેરવવાનો પ્રયત્ન કર્યો. પોલીસે એક કરતાં વધુ વખત એવું જ કહ્યું કે છારાનગરના લોકોએ પોલીસની કાયદેસરની કાર્યવાહી સામે પોલીસ પર હુમલો કર્યો, જેના બચાવમાં પોલીસે છારાનગરના લોકો પર કાર્યવાહી કરી. શરૂઆતમાં પોલીસ દ્વારા બોલવામાં આવેલ જૂઠ પર મીડિયાએ પણ ભરોસો કરી છારાનગરના લોકો વિરુદ્ધ સમાચારો પ્રસિદ્ધ કર્યા, પણ પોલીસનું એ અધૂરું સત્ય હતું. છારાનગરના નિર્દોષ લોકો પર પોલીસ દ્વારા થયેલ અત્યાચારોની પોલ છારાસમાજના લોકોએ ખોલી. પોલીસને એમ હતું કે અમે છારા સમાજના નિર્દોષ લોકો પર ગેરકાનૂની કૃત્ય કરીશું, તો કોને ખબર પડવાની છે પણ પોલીસને સ્વપ્ને પણ ખ્યાલ નહિ હોય કે પછાત ગણાતા છારાનગરમાં ઘરે-ઘરે ક્લોઝ સર્કિટ કેમેરા (સી.સી.ટી.વી. કૅમેરા) હશે. શરૂઆતમાં પોલીસે મીડિયાને ગેરમાર્ગે દોરી છારા સમાજને બદનામ કર્યો, પણ છારા સમાજના લોકોએ પોલીસ દ્વારા આચરાયેલ આતંકી કૃત્યને સી.સી.ટી.વી. કૅમેરાનાં ફૂટેજ જુદાં-જુદાં માધ્યમો દ્વારા વાઇરલ કર્યા. જેમાં પોલીસ આલમ બૅકફૂટ પર આવી ગઈ. સી.સી.ટી.વી. ફૂટેજમાં સ્પષ્ટ રેકૉર્ડ થયેલું હતું કે કેવી રીતે પોલીસ છારાનગરના નિર્દોષ લોકો પર અત્યાચાર આચરી રહી છે અને તેમની માલમિલકતને નુકસાન પહોંચાડી રહી છે. આવાં અસંખ્ય ફૂટેજ સામે આવતા પોલીસની નિર્દયતાની પોલ ખુલ્લી પડી. એ બધાં ફૂટેજ જુદાં-જુદાં માધ્યમોમાં પ્રકાશિત થયાં. ત્યારે પોલીસ નિસહાય જોવા મળી. ચારે બાજુથી ગુજરાત પોલીસ પર ફિટકાર વરસી રહી હતી. એક તરફ છારા સમાજના નિર્દોષ પીડિત લોકો જેલમાં બંધ હતા. તો બીજી તરફ ન્યાયપ્રિય લોકો પીડિત લોકોની વહારે હતા. તેઓએ ગુજરાત-પોલીસની વિરુદ્ધ મૌન રેલી કાઢી.રેલીમાં ત્રણ હજારથી વધુ લોકો જોડાયા અને સહેજ પણ અવાજ કર્યા વગર સફળ કરી :

“થનગનાટ થયો એવો કંઈક,
ડફ્લીનો તાલ થયો એવો કંઈક,
શબ્દો નીકળ્યા એવા કંઈક,
ભાવથી ભર્યા એવા કંઈક,
પુરાવા મળ્યા એવા કંઈક,
દાગ થયો ઊંચોનીચો વર્દી પરનો,
દાગના કદે વધીને પકડ્યો વર્દીનો ખૂણો.’

(પાના નંબર – ૮૮)

જેલમાં ઍડ્‌વોકેટ ફેમિલીના ત્રણ ઍડ્‌વોકેટને પણ ગેરકાયદે બંધ કરી દેવામાં આવ્યા હતા જેના પગલે આખા શહેરની ઍડ્‌વોકેટ આલમ તેમની મદદે આવી ગઈ. જેમાં અમદાવાદ ક્રિમિનલ કોર્ટ બાર એસોસિઍશને ઍડ્‌વોકેટસની ખોટી રીતે મારપીટ કરવાના વિરોધમાં મેટ્રોપોલિટન કોર્ટ કમ્પાઉન્ડની ૪૦ જેટલી કોટ્‌ર્સની કામગીરી બંધ કરાવી, તેઓએ કોર્ટ કંપાઉન્ડને સીલ કરી દીધો. તેથી કોઈ કોર્ટમાં અંદર આવી શકે નહિ. એ દિવસે ઍડ્‌વોકેટ્‌સ અને પોલીસ આમસામે હતા. વકીલોએ એ દિવસે પોલીસને રેગ્યુલર કામકાજ માટે કોર્ટ કમ્પાઉન્ડમાં ઘૂસવા જ ન દીધા. થોડું ઘર્ષણ થયું. પણ વકીલો ઝૂક્યા નહિ. પોલીસ હવે તમામ રીતે બૅકફૂટ પર આવી ગઈ હતી. સામાન્ય લોકો, વકીલ-આલમ અને મીડિયા મારફતે રાજ્ય સરકાર ઉપર પોલીસ સામે ઍક્શન લેવા માટે દબાણ ઊભું થયું. જેમાં રાજ્ય સરકારે છારાનગરમાં બનેલ બનાવની તપાસ માટે બે એજન્સીઓને કામગીરી સોંપી. જો કે સરકારની આ કોઈ નવી રીત નથી મામલો શાંત પાડવા અને લોકોને છેતરવા માટે આ પદ્ધતિનો ઉપયોગ થતો હોય છે. એજન્સીઓને કામગીરી સોંપવાથી સરવાળે એમાંથી ખાસ કાઈ ઊકળતું નથી. એજન્સીઓ સરકારતરફી જ કામગીરી કરતી હોય છે.

ઉમેશ સોલંકી અને કુશલ તમંચે

ઍડ્‌વોકેટ ફેમિલી સહિત અન્ય લોકોને જેલમાંથી છોડાવવા ઍડ્‌વોકેટ આલમે વિનામૂલ્યે કામગીરી કરી અને બધા પીડિતોને જામીન પર મુક્ત કરાવ્યાં, ઍડ્‌વોકેટ આલમનું આ ઋણ છારાનગરના લોકો ક્યારે ય નહિ ભૂલે. આ ઉપરાંત છારા સમાજના એ તમામ લોકો, જેઓએ પીડિતોને પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે મદદ કરી અને તેઓને સાથસહકાર આપ્યો, એ ઉપકાર પણ પીડિતો ક્યારે ય નહિ ભૂલે. વકીલ આલમ અને લોકોના પ્રયાસોથી એક પછી એક પીડિત લોકો જામીન પર મુક્ત થઈ પાછા આવ્યા બાદ પોલીસ વિરુદ્ધ કેસ કરવાનો માહોલ જામી ગયો. રોજેરોજ મિટિંગો થઈ અને બધા પીડિતોએ પોલીસ વિરુદ્ધ કેસ કરવાનું નક્કી કર્યું. સૌ પ્રથમ ઍડ્‌વોકેટ ફૅમિલીએ પોલીસ વિરુદ્ધ મેટ્રોકોર્ટમાં કેસ કર્યો. પછી પત્રકાર અને ડ્રામાઆર્ટિસ્ટએ મેટ્રોકોર્ટમાં કેસ દાખલ કર્યો. પોલીસ સામે કેસ થતાં અને કોર્ટનું કડક વલણ જોતાં પોલીસ અને રાજ્ય સરકાર એકબીજાના બચાવમાં આવી ગઈ. પોલીસ-આલમ સામે કેસ થતાં પોલીસને પણ પોતાના બચાવ માટે વકીલની જરૂરત ઊભી થઈ, પરંતુ કોઈ વકીલ પોલીસનો કેસ લેવા તૈયાર ના થયો તેથી પોલીસ વધારે મુશ્કેલીમાં મુકાઈ ગઈ. વકીલોની એકતા પોલીસને બરાબર નડી રહી હતી. જો કે પાછળથી પોલીસનો મહામુશ્કેલીએ એક વકીલે કેસ હાથમાં લીધો હતો. અત્યાર લગી રાજ્ય સરકાર અને પોલીસ, છારા સમાજના ગુનાખોરી કરતા લોકો સાથે જ સંપર્કમાં આવી હતી. પરંતુ છારા સમાજના બૌદ્ધિકવર્ગ સામે પનારો પડતા તેઓ પણ આશ્ચર્ય પામી ગયા.

“ખૂણામાં ગયું તંત્ર આખું,
લેતું આવ્યું મોટું લાકડું થેલાનું,
ગુસપુસ-ગુસપુસ કરવા લાગ્યું,
જોર નખશીખ કરવા લાગ્યું.”

(પાના નંબર – ૮૮)

તંત્ર પછી છેલ્લી કક્ષાએ ઊતરી આવ્યા, તેઓએ સૌ પ્રથમ ઍડ્‌વોકેટ ફૅમિલી ઉપર દબાણ લાવવાનું શરૂ કર્યું. ઍડ્‌વોકેટ ફેમિલીએ મેટ્રોકોર્ટમાં કેસ તો દાખલ કર્યો હતો. આ ઉપરાંત તેઓએ માહિતી-અધિકાર કાયદા હેઠળની અરજી પણ કરી હતી. જેમાં તેમણે સી.સી.ટી.વી .ફૂટેજની માહિતી માંગી હતી. જ્યાં બનાવ બન્યો હતો, કેમ કે પોલીસ એવું કહી રહી હતી કે છારાનગરના ૨૦૦થી વધુ લોકોનાં ટોળાંએ પોલીસ પર હુમલો કર્યો હતો. આ બનાવ જ્યાં બન્યો એ બનાવના સ્થળ પર ટ્રાફિકપોલીસ દ્વારા સી.સી.ટી.વી. કૅમેરા લગાવામાં આવેલા હતા. જેથી એ સી.સી.ટી.વી. ફૂટેજ કેસ માટે ખૂબ મહત્ત્વનાં સાબિત થઈ શકે એમ હતાં. આ ઉપરાંત નિર્દોષ લોકો પર આતંકી કૃત્ય આચરનાર એવા પોલીસની તમામ વિગતોની માહિતી માંગવામાં આવી હતી. આ બે આર.ટી.આઈ. અરજી મારફતે પાછું પોલીસ પર દબાણ વધ્યું, પરંતુ રીઢા ગુનેગાર બની ગયેલા પોલીસ તંત્રએ એ બંને આર.ટી.આઈ. અરજીઓનો કોઈ સંતોષકારક જવાબ આપ્યો નહિ, કેમ કે પોલીસ એવું કહી રહી હતી કે છારાનગરના ૨૦૦થી વધુ લોકોએ પોલીસ પર હુમલો કર્યો હતો, એટલે પોલીસે ફોર્સ બોલાવી વળતી કાર્યવાહી કરી હતી, પરંતુ હકીકતમાં છારાનગરના લોકોએ એવો કોઈ હુમલો પોલીસ પર કર્યો ન હતો, તેના કારણે પોલીસે આર.ટી.આઈ.માં એવો જવાબ આપ્યો હતો કે બનાવવાળી જગ્યા પર પોલીસ દ્વારા એવા કોઈ સી.સી.ટી.વી. કૅમેરા લગાવવામાં આવેલા નથી તેથી એવી કોઈ માહિતી આપી શકાય નહિ. પરંતુ એ જગ્યા પર આજે પણ કેમેરા લાગેલા છે. આ આર.ટી.આઈ. અરજીમાં પ્રથમ અપીલ થઈ, એમાં પણ અપીલ-અધિકારીએ પોલીસ તરફી નિર્ણય લઈ માહિતી આપવાનું માંડી વાળ્યું. ત્યાર બાદ બીજી અપીલ કમિશનરને કરવામાં આવી જેની એક વર્ષ પછી સુનાવણી હાથ ધરવામાં આવી જેમાં જાહેર માહિતી અધિકારી અને અપીલ સત્તાધિકારી બંને ગેરહાજર રહ્યા અને તેમના બદલે નીચલી પાયરીના પોલીસ હાજર રહ્યા, જેમની સામે કોઈ અરજી ન હતી, પરંતુ કમિશનરે એ વસ્તુ નજરઅંદાજ કરી સુનાવણી હાથ ધરી. અરજીકર્તા વતી ઍડ્‌વોકેટ અને કર્મશીલ સુબોધ કુમુદ હાજર રહ્યા અને તેમણે ધારદાર દલીલો કરી સાબિત કરી દીધું કે પોલીસે જાણીજોઈને એમના વિરુદ્ધ કોઈ પુરાવો ના ઊભો થાય એના માટે સી.સી.ટી.વી. ફૂટેજની માહિતી આપી નથી, કેમ કે કોર્ટમાં એ સી.સી.ટી.વી. ફૂટેજની માહિતી જાય, તો પોલીસ દ્વારા છારા સમાજના લોકો પર કરેલ આખો કેસ જ રદ્દબાતલ થઈ જાય. પોલીસે સુનાવણી દરમિયાન એવો બચાવ કર્યો કે ઉપર્યુક્ત કૅમેરા અમારા દ્વારા લગાવવામાં આવ્યા નથી, તો કમિશનરે સામે કહ્યું કે આર.ટી.આઈ. કાયદાને ૧૫ વર્ષ વીતી ગયાં અને કાયદામાં સ્પષ્ટ જોગવાઈ કરવામાં આવેલી છે જે કોઈ માહિતી પોતાના વિભાગને લગતી ન હોય, તો જે-તે વિભાગે સંલગ્ન વિભાગને એ અરજી તબદીલ કરી દેવાની જેથી અરજદારને માહિતી સમયસર મળી શકે. પરંતુ પોલીસે જાણીજોઈ એવી કોઈ તબદીલી કરી ન હતી કેમ કે એમના વિરુદ્ધનો પુરાવો ઊભો થઈ શકે એમ હતો. કમિશનરે ફાઇનલ ઑર્ડરમાં સંલગ્ન વિભાગને આદેશ આપ્યો કે જો સી.સી.ટી.વી. કૅમેરાની માહિતી ઉપલબ્ધ હોય તો એક મહિનામાં એ માહિતી પૂરી પાડવામાં આવે, પોલીસે જાણીજોઈ માહિતી આપી ન હતી જેના કારણે ટેક્‌નિકલી ઉપલબ્ધ માહિતી ઓવરલેપ થઈ ગઈ. બીજી તરફ આર.ટી.આઈ. કમિશનરે પોલીસ પર મહેરબાની કરતાં બંને જવાબદાર અધિકારીઓને કાયદા મુજબ દંડ ફટકારવાની જગ્યાએ તેઓને કોઈ જ દંડ ના કર્યો.

“લાકડું છેવટે નહોતું લાકડું,
માણસ એ તો જીવતુંજાગતું,
માણસની એમાં હતી સમજણ,
સમજણમાં નીતરતું રહેતું સંવેદન,
તંત્ર નામે બલા ભાળી,
બલામાં તણખાની કલા ભાળી,
લાકડાંમાં ફરતી હવા ભાળી.”

(પાના નંબર – ૮૮)

આ સાત પંક્તિઓ અતિ મહત્ત્વની છે, વ્યવસ્થા સામેની પ્રક્રિયામાં કેવા વળાંકો આવે છે, તેને ઉજાગર કરતી આ પંક્તિઓ છે. ઍડ્‌વોકેટ ફૅમિલી ઉપર પોલીસ વિરુદ્ધ કરેલ કેસ પાછો ખેંચવા ચારે બાજુએથી દબાણ વધી રહ્યું હતું. બીજી તરફ છારા સમાજમાં પણ એવી હવા ફેલાઈ ગઈ હતી કે ઍડ્‌વોકેટ ફૅમિલી સમાધાન કરી સમાજ સાથે દગો કરી રહ્યું છે. ઍડ્‌વોકેટ ફૅમિલીના મુખિયાને વિરોધીઓ તરફથી અંતિમ પ્રકારની ધમકી મળી જેના કારણે તેમણે પોતાના પરિવારના અસ્તિત્વને બચાવવા અને એક ફૅમિલીમેન તરીકે ની જવાબદારી સમજી તેમણે કમને મેટ્રો કોર્ટમાં કરેલ કેસ પાછો ખેંચી લીધો. કેસ પાછો ખેંચતાની સાથે છારા સમાજના અમુક લોકો તરફથી નારાજગીનો સામનો કરવો પડ્યો. ઍડ્‌વોકેટ ફૅમિલીના મુખિયાએ જીવનનાં ૩૫થી વધુ વર્ષ સમાજની નિઃસ્વાર્થ સેવા કરવામાં કાઢ્યાં હતાં, અને કેસ પાછો ખેંચવાના પગલા સામે તેમની ૩૫ વર્ષ સમાજની કરેલ સેવાને એક મિનિટમાં નજરઅંદાજ કરી દેવામાં આવી. છારા સમાજના લોકો એટલું ના સમજી શક્યા કે કેવી પરિસ્થિતિ અને કેવી મજબૂરીમાં તેમણે કમને કેસ પાછો ખેંચ્યો. કેસ પાછો ખેંચી તેઓ ખુશ ન હતા, ન તેમનો પરિવાર ખુશ હતો, પરંતુ સંજોગ એવા ઊભા કરવામાં આવ્યા કે તેમણે આવી વિશાળ સિસ્ટમ સામે નમતું જોખવું પડયું. અંગેજી છાપાના પત્રકારે પણ ન્યાય ન મળવાની ઉમ્મિદ સાથે કેસ પાછો ખેંચી લીધો પણ હજુ અન્ય પીડિતો દ્વારા પ્રોડક્શન વખતે મેજિસ્ટ્રેટ સમક્ષ કરવામાં આવેલ ફરિયાદ ચાલુ છે, હવે જોવાનું રહેશે કે એમાં તેઓને ન્યાય મળશે કે કેમ?

છારાનગરના નિર્દોષ લોકો પર થયેલ અત્યાચાર સામે રાજ્ય સરકારે પીડિતો માટે એક શબ્દ પણ ના ઉચાર્યો ના જવાબદાર પોલીસ સામે કોઈ ઍક્શન લીધા. અમદાવાદ પોલીસ-કમિશનરને ૨૯ પીડિતોએ અરજી સાથે સી.સી.ટી.વી. ફૂટેજની સી.ડી. બનાવી આપી અને અરજ કરવામાં આવી કે આતંકી કૃત્ય આચરી રહેલ જવાબદાર પોલીસ-કર્મચારીઓ વિરુદ્ધ કાયદાકીય કાર્યવાહી કરવામાં આવે. પોલીસ કમિશનરે કોઈ જ પ્રકારની કાર્યવાહી ના કરી અને જવાબદાર પોલીસ-કર્મચારીઓને છાવરવાનું કામ કર્યું જે ખૂબ જ દુઃખદાયક છે.

રાજ્ય માનવાધિકાર પંચે કે કેન્દ્રીય માનવાધિકાર પંચે ના પીડિતો માટે કોઈ કામગીરી કરી કે ના કોઈ રાજ્ય સરકારથી પોલીસ દ્વારા આચરવામાં આવેલ આતંકી કૃત્ય માટે કોઈ સવાલ કર્યો. આમ તો આ પંચો ખૂબ જ ઓછાં શક્તિશાળી છે. તેને ફક્ત દીવાની પ્રકારની સત્તા આપવામાં આવેલી છે તેથી તેની પાસેથી કોઈ અપેક્ષા રાખવી પણ નક્કામી છે. સરકાર ઉપર્યુક્ત પંચોને જાણીજોઈ શક્તિશાળી બનાવતી નથી. રાજ્ય સરકાર કે માનવાધિકાર પંચ એવા જ બનાવમાં બોલે છે કે હરકતમાં આવે છે, જેમાં સામે છેડે કોઈ વગદાર લોકો હોય પણ સામાન્ય લોકો માટે તેઓ કોઈ ખાસ ફરજ કે ભૂમિકા નિભાવતાં નથી. ભારતીય લોકશાહીની સૌથી મોટી નબળાઈ એ છે કે અહીં રાજ્ય સરકાર કે કેન્દ્ર સરકાર વાતવાતમાં પાવર પ્રોજેક્ટ (પોતાને મળેલ શક્તિનું પ્રદર્શન) કરતી જોવા મળે છે. પોતાની નાનીઅમથી સિદ્ધિને સરકાર લોકો સામે શક્તિપ્રદર્શન કરીને મૂકતી હોય છે, સરકાર સામાન્ય લોકો પર હરહંમેશ પ્રભાવ પાડવાની કોશિશ કરતી રહે છે, ભલે એ જ સામાન્ય લોકો મારફતે તેઓ સત્તામાં બેઠી હોય. પરંતુ કોઈ નિર્દોષ લોકો પર અત્યાચાર થાય ત્યારે તેઓ પોતાનો પાવર પ્રોજેક્ટ નથી બતાવતા, ત્યાં તેમને કોઈ લાભ નથી દેખાતો. ભારત સિવાય અન્ય લોકશાહી દેશોમાં સરકારો પાવર પ્રોજેકટ નથી કરતી, પણ લોકશાહીનાં મૂલ્યોનું જતન કરે છે. ત્યાં સામાન્ય લોકો સરકાર સામે પાવર પ્રોજેક્ટ કરે છે, જે અસલી લોકશાહીની નિશાની છે. આવી બાબતોની અસર ‘ભીતર’માં આવે છે :

“નયનની પાંપણે આંસુ લટક્યું,
કાનાનાં આંસુમાં ગીત ઝૂલ્યું,
રમેશનું ટેરવું ટેબલ પર થડક્યું,
વાણી આવી, આવ્યો ઉસ્માન,
ચેહરા પર પરસેવાની ધાર
ધીરે-ધીરે ટપકવા લાગી ધાર,
ટપટપટપાક.”

(પાનાં નંબર – ૮૮-૮૯)

(‘ભીતર’(પદ્યનવલકથા), ઉમેશ સોલંકી, કુલ પાનાં ૨૮૦, પ્રકાશન-વર્ષઃ ૨૦૨૦, પ્રકાશકઃ નિર્ધાર પ્રતિબદ્ધ સાહિત્યમંચ, મૂલ્ય : ૧૭૦ રૂપિયા)

સૌજન્ય : “નિરીક્ષક”, 16 નવેમ્બર 2020; પૃ. 09-15

Loading

ચલ મન મુંબઈ નગરી—70

દીપક મહેતા|Opinion - Opinion|14 November 2020

હાંડીઓ અને કાચના ગ્લાસમાં મલોખાંના દીવાથી ઝગમગતું મુંબઈ

ચીનાબાગની લાઈટો જોવા આખું મુંબઈ ઉમટે

મરાઠી દિવાળી અંકોની ૧૧૧ વરસ જૂની પરંપરાના મૂળમાં ગુજરાતી માસિક  

ઓગણીસમી સદીના મુંબઈમાં દિવાળી

દિવાળીના દિવસોમાં મુંબઈમાં જેટલો ઉત્સાહ જોવા મળે છે તેટલો આખી દુનિયામાં બીજે ક્યાં ય જોવા મળતો નહિ હોય. આ ઉત્સવ સતત પાંચ દિવસ ચાલે છે અને એ જોવા લોકો દૂર દૂરથી મુંબઈ આવતા હોય છે. જાતજાતનાં ચિત્રો, અરીસા, હાંડીઓ, ઝુમ્મર વગેરેથી ઘરોનાં દિવાનખાના, પેઢીઓ, વગેરે એટલાં તો શણગારાય છે કે તેની સામે શ્રીમંતોના આરસમહેલ તો પાણી ભરે. કિલ્લામાં, બજારોમાં, રસ્તાઓ અને ગલ્લીઓ પર, ઘરોમાં અને ઘરોની બહાર, હાંડીઓ અને કાચના ગ્લાસમાં મલોખાંનાં દીવા ઝગમગતા જોવા મળે છે. આ જોવા માટે લોકોનાં ટોળેટોળાં ઉમટી પડે છે અને ઠેર ઠેર ઘોડા ગાડીઓની લાંબી હાર જોવા મળે છે. ચોપડા પૂજનની સાંજે તો પેઢીઓમાં જે ઉજવણી થાય છે તેનું વર્ણન કરવું અશક્ય છે. નવા આણેલા ચોપડાઓનું પૂજન દરેક પેઢીમાં થાય છે. તે સાંજે તો કોટ અને બજાર વિસ્તારમાં એટલા લોકો હોય છે કે તેમની ગાડીઓની લાંબી લાંબી કતાર જાણે નદીમાં પૂર આવ્યું હોય તેમ આગળ ને આગળ ધપતી જોવા મળે છે.

તે દિવસે ગુજરાતી ઘોડાવાળાઓ એક સરખો પોશાક પહેરી એકઠા થાય છે અને પગે ઘૂઘરા અને કમ્મરે કમરબંધ બાંધી, હાથમાં બે બે લાકડી લઈ ઘરે ઘરે જઈ નાચતા હોય છે અને ગાતા હોય છે. તેમને આઠ આના-રૂપિયાની બક્ષીસ આપીને લોકો રાજી કરતા હોય છે. બલિપ્રતિપદા એ ગોવાળિયાઓ માટે બહુ મોટો તહેવાર હોય છે. તે દિવસે પોતાનાં ગાય-ભેંસને શણગારીને તેઓ પંચવાદ્ય વગાડતા ઘરે ઘરે ફરે છે. લોકો પંચારતી (પાંચ દીવાવાળી આરતી) કરીને તેમને વધાવે છે. 

દિવાળીના દિવસોમાં અડોશપડોશનાં બૈરાંઓ સાંજે ભેગાં મળીને કેવળ મોજ ખાતર જાતજાતનાં ગીતો ગાય છે. જેમ કે,

મુંબઈ શે’રની મોજ માણવા
નીકળ્યાં બૈરાં ઘરની બા’ર,
મુંબઈમાં બઈ, જહાં જુઓ ત્યાં રસ્તાનો નહિ પાર.
બંને બાજુ ઘર છે મોટાં, શોભે નકશીદાર.
ઘરને રંગ્યાં અનેક રંગે, રંગોનો શણગાર.
મુંબઈ તો છે ભપકાદાર, મુંબઈ તો છે ઠસ્સાદાર.
મુંબઈ શે’રની મોજ માણવા ..

મુંબઈમાં તો અલી! જુઓ ને શોભે તૈણ બજાર,
ભાયખળામાં શાક સવારે, ફૂલ, ફળોની હાર,
માર્કેટની બાજાર, તહીં કીડિયારું અપરંપાર.
માળી ઘરે ન આવતા, મુંબઈ શે’ર મોઝાર.
ફૂલ લાવવા જવું પડે બઈ ઠેઠ ચીરાબાઝાર.
ગુલાબ દેશી, વેલાતી ચંપો,
આસોપાલવનાં તોરણની ઠેર ઠેર છે હાર.
મુંબઈ શે’રની મોજ માણવા ..

મુંબઈમાં તો એક નહિ, પણ બબ્બે છે દરબાર,
ટંકશાળમાં સિક્કા ને નોટોની છે લંગાર,
ટૌન હોલમાં જહાં જુઓ ત્યાં ચોપડીઓની હાર.
મુંબઈના દરિયાને કાંઠે બંદર તો છે સાત,
બોરીબંદર, ચીંચબંદર, કોયલાબંદર,
ઉરણબંદર ચાર,
માહિમનું ને ભાયખળાંનું બંદર,
અને સાતમું ભાઉચા ધક્કાનું બંદર
છે મુંબઈ મોઝાર.  
મુંબઈ શે’રની મોજ માણવા
નીકળ્યાં બૈરાં ઘરની બા’ર,
મુંબઈમાં બઈ, જહાં જુઓ ત્યાં રસ્તાનો નહિ પાર.

(૧૮૬૩માં પ્રગટ થયેલ ગો.ના. માડગાંવકરના મરાઠી પુસ્તક ‘મુંબઈચે વર્ણન’માંથી મુક્ત અનુવાદ)

મુંબઈની દિવાળી ગાંધીજીની નજરે

હવે દિવાળી આવી પહોંચી. શહેરની શેરીઓ બધી આંખને આંજી નાખનારી રોશનીથી ઝળાંહળાં થઈ રહી છે. અલબત્ત, જેણે લંડનના રિજન્ટ સ્ટ્રીટ અથવા ઓક્સફર્ડ સ્ટ્રીટ જોયાં જ નથી તેને જ એ આંજી નાખનારી લાગે, અને તેની સરખામણી ક્રિસ્ટલ પેલેસ પર જે પ્રમાણમાં રોશની કરવામાં આવે છે તેની સાથે કરવાની હોય નહિ. મુંબઈ જેવાં મોટાં શહેરોની વાત વળી જુદી છે. પુરુષો, સ્ત્રીઓ, અને બાળકો પોતાનાં સારામાં સારાં વસ્ત્રો પહેરી ફરવા નીકળે છે. એ વસ્ત્રોના રંગોની વિવિધતાનો પાર નથી. તેથી અદ્ભુત એવી ચિત્રવિચિત્ર અસર પેદા થાય છે ને બધાં વસ્ત્રો એકઠાં મળી સુમેળવાળું અખંડ રંગબેરંગી સુંદર દૃષ્ય ઊભું કરે છે. વિદ્યાની દેવી સરસ્વતીની પૂજા પણ આજે રાતે કરવાની હોય છે. વેપારીઓ ત્યારે નામાનો પહેલો આંકડો પાડી નવા ચોપડા શરૂ કરે છે. પૂજા કરાવનારો સર્વવ્યાપી બ્રાહ્મણ પૂજામાં થોડા શ્લોકો બબડી જઈ દેવી સરસ્વતીનું આવાહન કરે છે. પૂજા થઈ રહે એટલે છેક અધીરાં થઈ ગયેલાં બાળકો દારૂખાનું ફોડવા મંડી પડે છે અને આ પૂજાનું મુહૂર્ત આગળથી નક્કી થયેલું હોવાથી શહેરની બધી શેરીઓ ફટાકડાઓના અને બીજા દારૂખાનાના ફૂટવાના ફટફટ ને સૂ સૂ અવાજોથી ગાજી ઊઠે છે. ધાર્મિક વૃત્તિના લોકો પછી મંદિરોએ દર્શને જાય છે પણ ત્યાંયે આ રાતે તો આનંદ અને ઉત્સાહ આંજી નાખનારી રોશની અને જાતજાતની શોભા વગર બીજું કંઈ જોવામાં આવતું નથી.

– ગાંધીજી

(લંડનના સામયિક ‘ધ વેજિટેરિયન’ના એપ્રિલ ૪, ૧૮૯૧ના અંકમાં લખેલા લેખના અનુવાદના સંકલિત અંશો)

***

ચીનાબાગની લાઈટો જોવા આખું મુંબઈ ઉમટે

જરા મોટપણે જોયેલા ચીનાબાગના ઓચ્છવ-જમણવારો પણ મને બરાબર યાદ છે. દિવાળી ટાણે ચીનાબાગની લાઈટો જોવા આખું મુંબઈ ચાર દિવસ ઉમટે. ચીનાબાગમાં જમણ હોય. ગીરગામમાં એકજથ્થે સેળભેળ વસતાં અને મોરારજી ગોકુળદાસની નોકરીઓ કરતાં અમારા પાંચ-સાત દખણી ગુજરાતી કુટુંબોને સાકટમે નોતરાં હોય. જમણ પછી નાના શેઠિયાઓને હાથે પુરુષવર્ગને અને ધનીમા તરફથી પાછળ બૈરાંઓને નવાજેશો થાય. બંગલાના કિમતી પર્શિયન ગાલીચા બિછાવેલા મોટા હોલમાં મખમલ મશરૂથી મઢેલાં કોચ ગાદીતકિયા પર, કપાળે કેસરપીળ કાઢેલા નાના શેઠિયાઓ અઢેલીને પૂર દમામથી બેસે, ને અમારા મહેતા-કારકૂન કુટુંબોના વડીલો બધા બેઉ બાજુ ધોળી ફૂલ ખોળો ચઢાવેલી ઊજળી દૂધ ગાદીઓની બિછાયતો પર ઠેઠ દેશી પોશાકોમાં (અહીંની જ નવાજેશોમાં મળેલાં પાઘડી, અંગરખા, ઉપરણા ને ત્રણ આંગળ પહોળી લાલ રેશમી કિનારનાં નાગપુરી ધોતિયામાં) હારબંધ બેસે. અમે નાના છોકરાઓ બધા તેમની આગલી બાજુએ અદબપૂર્વક બેસીએ.

પછી અકેક કુટુંબનો વડીલ ઊઠીને અકેક છોકરાને અગાડી કરે. લાવીને શેઠિયાઓ સન્મુખ ઊભો રાખે, ને દર વખતે નવેસર ઓળખ કરાવે! અમને તો આ પ્રસંગે કેમ ઊભા રહેવું, કેમ જવાબ દેવા, કેમ લળીલળીને હાથ જોડવા, શેઠિયાઓ આપે તે ભેટની વસ્તુ કેવી નમનતાઈથી નીચા નમીને લેવી, ને કપાળે અડકાડી પાછે પગે પોતાની જગાએ જઈને કેમ બેસવું, એવી અકેક બાબતની દિવસોના દિવસો અગાઉથી અમારા ઘરોમાં તાલીમ અપાઈ હોય, ને રિહરસલો પણ કરાવી હોય! વરસોવરસનો આ ક્રમ તે મુજબ જ બધું કરવાનું.

પછી ભરજરીના તોરાવાળી નવીનકોર લાલ ચણોઠી જેવી પાઘડીઓ અને કોરી કડકડતી બાસ્તા જેવી ધોળી જગન્નાથનાં ચૂડીદાર ટૂંકા અંગરખાં પહેરેલા સતારા મામલેસરના ધિપાડ ધિંગા ઘાટીઓને હાથે પાનબીડાંના થાળ ફરે. સોનવાણી ગુલાબદાનીઓમાંથી ગુલાબજળ છંટાય. મોંઘા અત્તરના મઘમઘાટથી હોલ બહેકી ઊઠે, ને અમને દરેકને અમારા નાના શેઠિયાઓને હાથે સપરમા દિવસની નવાજેશો થાય. ઘરની મિલોના વણાટની કોરી ધોતલીઓના જોટા, ઝીકભરતની કે રેશમી ભરતની ગોળ મખમલ-ટોપીઓ, રેશમી રૂમાલ, સાવલિયાં, ને વડીલ વર્ગને મિલનાં કે નાગપૂરી હાથવણાટનાં કિમતી ધોતી જોટા, લાલ પાઘડીપાગોટાં, જગન્નાથીના તાકા, — એવું એવું મળે.

પાછલી પરસાળે ધનીમા કુંવારકા છોકરીઓને ચણિયાઓઢણી, અને મોટાંને બબ્બે છાયલ ને ચોળખણ આપે. વડીલ બઈરાંઓને દખણી હાથવણાટનાં ને કાળી કે લાલ સળીનાં સોલાપૂરી લૂગડાં, ને ક્યારેક શાલજોડી મળે. સોભાગવતીની ઓટી પુરાય. હલદીકંકુના પડા, ને ક્યારેક કાળી ચંદ્રકળાઓ પણ મળે.

(નોંધ: સ્વામી આનંદની પોતીકી જોડણી વ્યવસ્થા હતી, અને તેના તેઓ આગ્રહી હતા. એટલે ઉપરના લખાણમાં ભાષા-જોડણી મૂળ પ્રમાણે રાખ્યાં છે.)

(સ્વામી આનંદ કૃત નિબંધ ‘ધનીમા’માંથી)

મરાઠી દિવાળી અંકોની ૧૧૧ વરસ જૂની પરંપરા

આજે તો મરાઠીમાં દર વર્ષે લગભગ દોઢ સો જેટલા દિવાળી અંક પ્રગટ થાય છે. તેમાં માસિક-સાપ્તાહિકના વિશેષાંકો તો ખરા જ પણ વરસમાં એક જ વાર પ્રગટ થતા હોય તેવા દિવાળી અંકોની સંખ્યા ઘણી મોટી. મરાઠી દીવાળી અંકોની પરંપરાને આ વરસે ૧૧૧ વરસ પૂરાં થયાં. ૧૯૦૯ની દિવાળી વખતે ‘મનોરંજન’ માસિકનો દિવાળી અંક પ્રગટ થયો તે મરાઠીનો પહેલો દિવાળી અંક. કાશીનાથ રઘુનાથ આજગાંવકર (મિત્ર) નામના ૨૩ વરસના છોકરડાએ ૧૮૯૫ના જાન્યુઆરીમાં ૧૨ પાનાંનો ‘મનોરંજન’ માસિકનો પહેલો અંક મુંબઈથી બહાર પાડ્યો. પણ આવો વિચાર તેને સૂઝ્યો કઈ રીતે? આપણી ગુજરાતી ભાષામાં મુંબઈથી પ્રગટ થતું ‘પખવાડિયાની મજાહ’ નામનું પાક્ષિક જોઈને. બીજી ઘણી બાબતોની જેમ હળવું (હલકું નહિ) મનોરંજન આપતાં સામયિકોની બાબતમાં પણ પારસીઓએ પહેલ કરી હતી. છેક ૧૮૮૫ના ફેબ્રુઆરીની પહેલી તારીખે જીજીભાઈ ખરશેદજી કાપડિયાએ ‘પખવાડિયાની મજાહ’ નામનું પાક્ષિક મુંબઈથી શરૂ કર્યું હતું. લગભગ ત્રણ વરસ તેમણે તે ચલાવ્યું અને પછી તે વખતના ખૂબ જાણીતા પ્રકાશક જાંગીરજી બેજનજી કરાણીની કંપનીને વેચી દીધું. મરાઠી માસિક શરૂ કરવાનું નક્કી કર્યું ત્યારે પહેલાં તો આજગાંવકરે તેનું નામ ‘માસિક મૌજ’ રાખવાનું નક્કી કર્યું હતું. એ નામવાળાં જાહેરાતનાં હેન્ડ બિલ પણ વહેંચ્યાં હતાં. પણ આ નામ પોતાના સામયિકને ઘણું મળતું આવે છે એમ જણાવી જહાંગીર કરાણીએ મરાઠી સામયિકનું નામ બદલવા જણાવ્યું. એટલે પછી નામ રાખ્યું ‘મનોરંજન.’ પોતાનું પાક્ષિક વેચી દીધા પછી જીજીભાઈએ ૧૮૯૦માં ‘ગમ-ગોસાર’ નામનું માસિક કાઢેલું. આ ઉપરાંત ‘એ તે બૈરી કે …’ ‘વેલાતી મલાઉન’ નામનાં કથાત્મક પુસ્તકો પણ તેમણે લખેલાં. 

ત્યારથી શરૂ થયેલી મરાઠી દિવાળી અંકોની પરંપરા આજે તો ઘણી સમૃદ્ધ થઈ છે. છેલ્લાં કેટલાંક વરસથી છાપેલા અંકની સાથોસાથ તેની ડિજિટલ આવૃત્તિ પણ ઘણાં દિવાળી અંકોએ શરૂ કરી છે, તો કેટલાક હવે માત્ર ડિજિટલ આવૃત્તિ જ પ્રગટ કરે છે. બીજો એક નવતર પ્રયોગ પણ શરૂ થયો છે, ઓડિયો દિવાળી અંકોનો. આનો લાભ એક બાજુથી ઘડપણને લીધે વાંચવાની તકલીફ હોય તેવા લોકો લઈ શકે છે, તો બીજી બાજુ અંગ્રેજી માધ્યમને કારણે મરાઠી ભાષા લખી-વાંચી શકતા નથી, પણ સમજી અને બોલી શકે છે તેવા યુવક-યુવતી લે છે. અને મરાઠી દિવાળી અંકોમાં માત્ર કવિતા, વારતા, લેખ, વગેરે જ હોય છે એવું ય નથી. કુટુંબજીવન, લગ્નજીવન, કમ્પ્યુટર શિક્ષણ, સમતોલ આહાર, સ્ત્રીઓના પ્રશ્નો, ઇતિહાસ, વિજ્ઞાન જેવા કોઈ એક વિષય પરના લેખો અને માહિતી આપ્યાં હોય એવા દિવાળી અંકો પણ દર વરસે પ્રગટ થાય છે અને સારા એવા વેચાય છે પણ ખરા. ગિરગામ, દાદર, પાર્લા ઇસ્ટ, જેવા વિસ્તારોમાં આવેલી સરક્યુલેટિંગ લાઈબ્રેરીઓમાંથી પાંચ-છ મહિના સુધી લાવીને દિવાળી અંકો વાંચનારો પણ મોટો વર્ગ છે. દર વરસે પ્રગટ થયેલા દિવાળી અંકોની સ્પર્ધા પણ થાય છે, અને ઇનામો અપાય છે. પણ આં સમૃદ્ધ પરંપરાના મૂળમાં એક પારસી નબીરાએ શરૂ કરેલું ગુજરાતી સાપ્તાહિક રહેલું છે એ હકીકત આજે ભાગ્યે જ કોઈ જાણતું હશે.

e.mail : deepakbmehta@gmail.com

XXX XXX XXX

પ્રગટ : “ગુજરાતી મિડ-ડે”, 14 નવેમ્બર 2020

Loading

ફાધર વાલૅસ નહીં પણ ફાધર “વ્હાલેશ”

લિપ્યંતર : રૂપાલી બર્ક|Opinion - Interview|14 November 2020

શ્રદ્ધાંજલિ

અતિથિ કાર્યક્રમમાં દેવાંગ ભટ્ટને આપેલી જૂની મુલાકાત [14 જુલાઈ 2014]

નોંધ : ૯મી નવેમ્બર, ૨૦૨૦ના રોજ, સ્પેનના મૅડરિડ શહેરમાં, “ગુજરાતના ઘેરઘેર અને હૈયેહૈયે વસેલા”* ફાધર કારલૉસ ગોંઝાલેઝ વાલૅસ એસ. જે.નું ૯૫ વર્ષે નિધન થયું. સવાયા ગુજરાતી સ્વ. ફાધર વાલૅસને વંદન. પ્રભુ એમના આત્માને શાંતિ અર્પે. એમણે કરેલી વાતોની પુન:મુલાકાત કરીને એમને યાદ કરવાનું યોગ્ય લાગ્યું. અંગ્રેજીમાં એમનાં લખાણો, વિચારો, માર્ગદર્શન એમની official website www.carlosvalles.com પર ઉપલબ્ધ છે. Website પર મુલાકાતીઓના સ્વાગતમાં એમના પુલકિત વ્યક્તિત્વનો રણકો ધરાવતા ઉત્સાહી શબ્દો નીચે મુજબ લખેલાં છે:

Good that we meet. On screen and heart. In electronic company. In Peace and Joy.

— રૂપાલી બર્ક

~ ~ ~ ~ ~ ~

દેવાંગ ભટ્ટ : નમસ્કાર મિત્રો, ‘અતિથિ’માં ફરી એકવાર તમારું સ્વાગત છે. ‘અતિથિ’ ઓટલો એવો કાર્યક્રમ કે જે વિશિષ્ટ વ્યક્તિઓ સાથે મુલાકાત કરાવે છે. આજે ‘અથિતિ’માં એવી વિશિષ્ટ વ્યક્તિ સાથે અંતરંગ વાતો કરવાની છે કે જે બોલેને ત્યારે એમને સાંભળવા પણ ગમે અને તેમને વાંચવા પણ ગમે. બહુ જ ઓછા એવા સિદ્ધહસ્ત લેખકો હોય છે જેમની વાણી પણ આપણા કાને પડે તો મજા આવે અને ખાસ કરીને તેમના શબ્દો પણ નજરે ચડે તો મજા પડે તેવાં અનેક યુવાનોના પ્રેરક જેઓ બન્યા છે, તેવા ફાધર વાલૅસ અમારી સાથે હાજર છે. ફાધર, આપનું સ્વાગત છે આ કાર્યક્રમમાં. (ફાધર નમસ્તેમાં હાથ જોડે છે.) ફાધર, સૌથી પહેલા તો, ક્યાંથી સફર શરૂ થઈ? (ફાધરનું ઝીણું હાસ્ય સંભળાય છે.) હિન્દુસ્તાનની સફર ક્યાંથી શરૂ થઈ?

ફાધર વાલૅસ : ક્યાંથી? (સ્મિત સાથે) હવે તો યાદ મારે કરવી પડે છે. ૧૯૬૦માં હું આવ્યો હતો. કેટલા વરશ (ફાધર ‘વરશ’ ઉચ્ચાર કરે છે.) થયાં તમે પૂછ્યું. એટલે લગભગ ૫૦ ઉપર વધારે વરશો હું અહીંયા જ અને ખાસ કરીને, વિશેષ કરીને અમદાવાદમાં જ હું રહ્યો. અમદાવાદમાં મારા જીવનનાં ઉત્તમ ૪૦ વરશ થયાં. એ જ મારા મનમાં ખાસ યાદમાં છે. ખાસ પ્રસંગ છે, ખાસ મારું જીવન છે. અમદાવાદના પેલા ૪૦ પૂરાં વરશ. 

દેવાંગ ભટ્ટ : જ્યારે સ્પેનથી આવ્યા ત્યારે ક્યાંક પ્રશ્ન થયો હશે ભાષાનો. પસંદગી કરી અમદાવાદ કે ગુજરાતની. પરંતુ વાત આવીને અટકે છે ભાષાની. હંમેશાં એવું કહેવાય છે કે બુદ્ધિશાળી જે વ્યક્તિ હોય છે એને કોઈ ભાષાનાં કોઈ બંધનો નડતાં નથી. પરન્તુ, પરન્તુ, લોકો સુધી પહોંચવા માટે સ્થાનિક ભાષાનો ઉપયોગ તો કરવો જ પડે. અને એના માટે આપે કોઈકનો સહારો લીધો હશે. જો મારી ભૂલ ના થતી હોય તો કદાચ ચંદ્રકાંત શેઠ. આપ ગુજરાતી ભાષા કોની પાસેથી શીખ્યા?

ફાધર વાલૅસ : (હસતાં) જુઓ, આટલો સરસ પ્રશ્ન પૂછ્યો એનો જવાબ આપીશ તો કલાક લાગે કારણ એની અંદર લગભગ મારી આખી આત્મકથા આવી જાય છે. એ આકર્ષણની પાછળ ઘણી બધી … હું જરા લાંબુ કરું પણ તમે વચ્ચે વચ્ચે બોલો નહીં તો આખું ભાષણ થઈ જશે. (દેવાંગ ભટ્ટ કહે છે ‘ઓકે ઓકે’. બન્ને હસે છે.) પહેલી વાત. હું નાનો હતો, એટલે ૮૦ જેટલાં વરશ પહેલાંની વાત કરું છું. મારા બાપુજી, ઍન્જીનિયર, સ્પેનમાં. એમણે શું કર્યું ભાષાઓના માટે, ખબર છે? અમારી માતૃભાષા સ્પૅનિશ. સ્પૅનિશ તો ખરું, એ તો ચાલે. પછી કઈ સ્કૂલમાં … હું પાંચ વરશનો હતો ત્યારે મારા બાપુએ મને મોકલ્યો. નવાઈ લાગે હું તમને કહું. પચાસ વરસ … એંસી વરશ પહેલાંની વાત છે. જર્મન સ્કૂલમાં મને મૂકી દીધો  કારણ કે એ વખતે યુરોપની અંદર બીજી કોઈ ભાષા કરતાં સૌથી અગત્યની, સૌથી ઉમદા, સૌથી ઊંચી ભાષા જર્મન. અંગ્રેજીનું કોઈ મહત્ત્વ ન હતું. નવાઈ લાગે છે હું તમને કહું. તો સાંભળો શું થયું તે. સ્પૅનિશ, સ્પૅનિશ ઉપરથી જર્મન અને જર્મન પછી એક શિક્ષક બોલાવીને ઘેર ફ્રૅંચના ક્લાસ કરે. સ્પૅનિશ, જર્મન, ફ્રૅંચ. એ વખતે મારા બાપુજીનું એવું કેવું વલણ હતું, કેવી જાગૃતિ હતી કે નાના છોકરાઓને ત્રણ ભાષા. પછી મને કહે, તમને હસવું આવશે, તમારું સ્પૅનિશ તો છે, જર્મન તો સ્કૂલમાં પાક્કું થશે અને આ ફ્રૅંચ પણ ખરું. કદાચ, પાછળથી, ના કરે ભગવાન ને અંગ્રેજીની જરૂર પડે તો તમે શીખી શકશો. (ફાધર એવી રમૂજી નાટ્યાત્મક્તાથી બોલે છે કે દેવાંગ ભટ્ટ હસી પડે છે.) એ વખતે અંગ્રેજીનું મહત્ત્વ નહોતું અત્યારે છે તેમ. હવે તો ક્યાં જર્મન, ક્યાં ફ્રૅંચ, અંગ્રેજી, અંગ્રેજી, અંગ્રેજી. બીજી વાત કહું. કહું એટલે મારો ઇતિહાસ આવી જાય. કહું છું આ તો કે અંગ્રેજી શીખવાનું પા….પ મેં ભારતમાં આવીને કર્યું … (દેવાંગ ભટ્ટ સૂચક રીતે “ઓ…” બોલે છે.) અંગ્રેજી હું અહીં આવીને શીખ્યો,સમજ્યા. તે વખતે જરા વધારે પ્રસિદ્ધ …

દેવાંગ ભટ્ટ : ફરી વાર કહું, રિપીટ કરું, રિપીટ કરું આપના શબ્દો, તો અંગ્રેજી શીખવાનું પા…પ, આપે કીધું પા…પ એમ ખેંચીને (ફાધર ખડખડાટ હસે છે.) Do you feel કે એ પાપ હજી પણ ભોગવી રહ્યા છે હિન્દુસ્તાનીઓ?

ફાધર વાલૅસ : સાચી વાત. પા…પ શબ્દ તમે ઉચ્ચાર્યો, બરાબર નકલ કરી. જરા રમૂજ સાથે. પાપ શા માટે કહું છું, આપણને જાણે દુ:ખ છે કે હવે તો આખી દુનિયામાં અંગ્રેજી, અંગ્રેજી. અંગ્રેજી એ ઉત્તમ ભાષા છે. શેક્સપિયર છે ને બધાં છે, એની ના નથી, જરૂર. પરંતુ જે રીતે અંગ્રેજી બોલાય — પ્રથમ તો એક અંગ્રેજી ભાષા નથી, બહુ અંગ્રેજી ભાષાઓ હોય છે. બીજું કહું છું, અંગ્રેજી ભાષા તો ખરી પણ એનો ઉચ્ચાર કેવો? ખરેખર શરમ આવે એવું. ગુજરાતીમાં હોય તો ક, ખ, ગ, ઘ … આ બધું સ્પષ્ટ આવી જાય છે. સ્પૅનિશ ભાષા હોય તો જેવી લખાય એવી બોલાય. એમાં આ સ્વર છે — આ, ઍ, ઈ, ઑ, ઉ. બીજું કશું નહીં. અંગ્રેજીમાં જે ગોટાળા આવે છે એ તમે જાણો છો, હું જાણું છું, બધાં જાણીએ છે. અહીંયા હું છું, (ફાધર હસી પડે છે.) આજે સવારે મને ટાવલ જોઈએ છે, ટાવલ. ટુવાલ લાવો. ટાવલનું ટુવાલ. (બન્ને હસે છે.) જુવલરી-જૂલરી — એ બધું થઈ જાય છે. એ તો અંગ્રેજીનું પાપ છે. તમે જરા સ્પષ્ટ કહો ને, ભાઈ.

દેવાંગ ભટ્ટ : જેવું લખ્યું છે એવું બોલો.

ફાધર વાલૅસ : એવું બોલો.

દેવાંગ ભટ્ટ : Fine. મારો basic પ્રશ્ન એ હતો કે ગુજરાતી ભાષા કોણે શીખવી અને કઇ રીતે ગુજરાતી પ્રત્યેનો પ્રેમ વિશેષ થયો.

ફાધર વાલૅસ : બરાબર છે. મારી આત્મકથામાં, ભાષાની આત્મકથામાં આગળ આવી જાય છે. હું ભારતમાં આવું, અંગ્રેજી શીખવાનું પાપ કરી લઉં અને મારા મનમાં તો એમ હતું કે અહીં અંગ્રેજી ચાલશે. બીજું, હું અહીંયા આવ્યો તે ગણિતના શિક્ષક તરીકે યુનિવર્સિટીમાં. અને મારા મનમાં ત્યારે એવું હતું કે ગુજરાતીમાં ગણિતનો વર્ગ ચાલશે તો અંગ્રેજીમાં એટલે મારે બીજી કોઈ ભાષા શીખવાની જરૂર નથી, પરંતુ ઘણી ડિગ્રી માટે મેં પૂછ્યું કે ભારતમાં અત્યારે યુનિવર્સિટી સારી કઈ? મદ્રાસ યુનિવર્સિટી. ચેન્નાઈ હું ગયો. લોલવાલા કૉલૅજ હું ગયો અને ત્યાં ગણિતમાં હું દાખલ થયો. બધું તો સ્પષ્ટ અને શુદ્ધ અંગ્રેજીમાં, પરંતુ, મેં એક વાત જોઈ. હું વર્ગમાં જઉં, બધાં વિદ્યાર્થીઓ, સાચું કહું, મારા બધાં ત્યાંના, ઘણા આદમી તો કેવા હતાં, ખબર છે? દક્ષિણના બ્રાહ્મણ લોકો. રામાનુજન. મજા તો પૂરી પૂરી આવી. ઘણાં બધાં પ્રસંગ મનમાં આવે. એક વખત શિક્ષક ભણાવતા હતાં અને કહ્યું અંગ્રેજીમાં “Today we have to teach the napkin-ring problem. Napkin-ring problem.” પછી કહે નૅપ્કીન-રીંગ શું છે મને ખબર નથી. પણ પ્રૉબ્લૅમ શું છે એ હું બતાવી આપું. એટલે મેં હાથ ઊંચો કર્યો કે સાહેબ, મને ખબર છે કે નૅપ્કીન-રીંગ પ્રૉબ્લૅમ શું છે. હા, તમે સમજાવો. નૅપ્કીન-રીંગ પ્રૉબ્લૅમ શું છે એ તમને ખબર છે? અહીં તો હવે વાપરીએ છીએ નૅપ્કીન-રીંગ પણ અમે જ્યારે નાનાં હતાં ત્યારે યુરોપમાં જે કરતાં હતાં તમે લોકો કરતાં નહોતાં. નૅપ્કીન-રીંગ તો ગોળ હોય છે, નહીં? અને જમવાના ટેબલ ઉપર એ જાતનું cloth હોય છે, નહીં? પછી અમે શું કરતાં કે નૅપ્કીન રીંગ કાઢીને ટેબલ ઉપર મૂકીને, પછી આમ ગોળ હોય (હાથથી આકાર બનાવી, ઈશારાથી સમજાવતા જાય છે) એ ઉપરથી તમે આમ કરો તો પછી એ આગળ જાય પણ સાથે સાથે એનો પાછળ આવવાનો ધ્યેય આપ્યો એટલે એ જરા આગળ આવી ને પછી પાછો આવી જાય, તમે જોયું હશે. (દેવાંગ ભટ્ટ કહે છે “જી, જી”.) એ નૅપ્કીન-રીંગ પ્રૉબ્લૅમ. ગણિતમાં કરવાનું કે આટલા માપનું છે એટલે એનું વજન આટલું, એટલે લંબાઈ આટલી અને એને એટલું જોર મળે તો ક્યાં સુધી જશે અને ક્યારે પાછું આવશે. એવું ગણિત કરવાનું. (બોર્ડ પર લખવાનો અભિનય કરે છે.) એ બધું શિક્ષકે બરાબર બતાવ્યું. પછી મેં કહ્યું કે રીંગ તો આ છે. એટલે આ ભાષા ને આ ગણિત ને (હસી પડે છે.) … પણ મૂળ વાત ઊપર આવું છું. હું તો મદ્રાસ યુનિવર્સિટીમાં. સારાસારા અધ્યાપકોની સાથે. અંગ્રેજી શુદ્ધ બોલે, ભલે નૅપ્કીન-રીંગની વાત જાણતા ના હોય, પરંતુ મારા મનમાં એ વાત આવી, અને એ અગત્યની વાત છે. કેવી રીતે જીવનમાં બદલાવ જોવા મળે છે, બીજું મેં એ જોયું કે વર્ગમાં તો બધું શુદ્ધ અંગ્રેજીમાં ચાલે છે, ઉત્તમ રીતે, અધ્યાપકો અને વિદ્યાર્થીઓ પણ સરસ રીતે, પરંતુ ઘંટ વાગે, પિરિયડ પૂરો થાય, વિદ્યાર્થીઓ બહાર પગ મૂકે કે તરત જ એમની પોતાની માતૃભાષા તામિલમાં બોલવા જાય. અહંહં … મનમાં કાંઈક આવ્ચું કે પેલું ગણિત અહીંયા ચાલ્યું, બહાર જઈએ તો … ત્યારે મારા મનમાં બેસી ગયું, જાણે વ્રત મેં લીધું. મને હવે અમદાવાદ જઈને ગણિત ભણાવવાનું છે યુનિવર્સિટીમાં. મારા ખ્યાલ પ્રમાણે … (કાનમાં કહેતા હોય એવો અભિનય કરે છે.) જે ખ્યાલ પાછળથી ખોટો પડ્યો, સમજાવું. એમ હતું કે યુનિવર્સિટીમાં ગણિત ભણાવવાનું તો અંગ્રેજીમાં હશે, પછી અંગ્રેજીનું ગુજરાતી યુનિવર્સિટીમાં પણ થઈ ગયું (આંખો મિચકારીને ધીમું ધીમું હસે છે.) પણ એ વાત પાછળ મૂકીએ. મારા મનમાં તો એમ કે મારું ભણાવવાનું કામનું, ગણિતનું કામ તો અંગ્રેજીમાં ચાલશે પરંતુ મારે કામ સાથે, ગણિત સાથે નહીં, મારું કામ કાળા પાટિયા સાથે નહીં, વિદ્યાર્થીઓની સાથે છે અને વિદ્યાર્થીઓના મગજ સાથે નહીં, વિદ્યાર્થીઓનાં હૃદય સાથે છે. (દેવાંગ ભટ્ટ “Okay” કહી પ્રતિસાદ આપે છે.) એ હૃદયમાં પહોંચવાનો રસ્તો કેવો? (સહેજ મોં બગાડીને બોલે છે.) અંગ્રેજીમાં? (દેવાંગ ભટ્ટ બોલે છે “No way”.)  માતૃભાષા. (ખૂબ જુસ્સાથી અને મક્કમતાથી બોલે છે.) ત્યારથી, મારા મનમાં એ નિર્ણય લીધો, એક વ્રત લીધું કે હું ગુજરાતમાં જઈશ તો હું ગુજરાતી શીખીને જઈશ.

દેવાંગ ભટ્ટ : ફાધર, હું તમને અહીંયા રોકીશ.

દર્શક મિત્રો, ખૂબ જ રોચક વાત. શા માટે ગુજરાતી? એક સ્પૅનિશ કે જેમણે જન્મ લીધો સ્પેનમાં. એમણે કીધું એ પ્રમાણે એમના પિતાજી એક અલગ વિચારધારાવાળા વ્યક્તિ હતા, તેમણે જર્મન લૅંગ્વૅજ શીખવાડી અને કીધું અંગ્રેજી તો જરૂર આવશે ત્યારે શીખી લઈશું. બહુ સૂચક વાત કરી કે અંગ્રેજી શીખવાનું પાપ તેમણે ભારતમાં આવીને કર્યું. ચેન્નાઈમાં તેમણે પ્રયત્ન કર્યો ગણિત શીખવાનો અંગ્રેજીમાં. પરંતુ ત્યારે મનમાં ગાંઠ વાળી લીધી કે મારે અમદાવાદ જાવું છે, ગુજરાતી માતૃભાષા છે, ચોક્કસપણે ગુજરાતીમાં જ આ વાત હું શીખવીશ. આના પછીની ઘણી બધી રસપ્રદ વાતો એક નાનકડા બ્રેક બાદ. દર્શકમિત્રો, સમય થયો છે વિરામનો …

વિરામ બાદ ફરી વખત તમારું સ્વાગત છે ‘અતિથિ’માં. વાત કરી રહ્યાં છીએ આપણે ફાધર વાલૅસ સાથે. … ફાધર, નક્કી કરી જ લીધું કે ગુજરાતી શીખવું છે પણ કોની પાસે? એ પણ પ્રશ્ન આવ્યો હશે. (ફાધર હસી પડે છે ને હકારમાં માથું હલાવે છે.) કોણ શીખવાડે આ સ્પેનથી આવેલા ગોરી ચામડીવાળા કોઈ ભાઈને, કોણ ગુજરાતી શીખવાડશે? એને શોધવાનું પણ એક અઘરું કામ હશે. અને કદાચ, શોધી લીધા પછી એમના માટે પણ વધું અઘરું થઈ ગયું કે આ વ્યક્તિને ગુજરાતી શીખવાડવાનું. (ફાધર ટૂંકું ખડખડાટ હસે છે.) કોણ હતું એ? આ ભગીરથ કામ ઉપાડવાવાળું?

ફાધર વાલૅસ : (હસતાં હસતાં બોલે છે.) ભાષાની આત્મકથાનાં પ્રકરણ આગળ વધતાં જાય છે. પણ ઠીક ઠીક  કહેવાનું છે મારે. અમે જે પ્રદેશથી, સ્પેનથી આવતાં હતાં, મારા જેવા ફાધરોની સાથે એક ભાષા શાળાની વ્યવસ્થા કરી હતી જેમાં એક વરશ દરમ્યાન એક ગુજરાતી શિક્ષક આવીને અમને ગુજરાતી શીખવાડે. અમને ક, ખ, ગ, ઘ — કશું આવડતું નથી, પહેલેથી જ માંડીને એક વરશ સુધી બધા સાથે મળીને પાયામાંથી ગુજરાતી ભાષા શીખ્યા. એટલે એમાં હું ગયો. એમાં કોઈ ખાસ શિક્ષક સારા-ખરાબ નહીં, સામાન્ય હતા. બતાડતા હતા. અમે પ્રયત્ન કરતા હતા. અને એ વરશ પૂરું થયું ને બધા મારા જે સાથીઓ હતા એમને સંતોષ થયો. અમે કોર્સ કર્યો. પ્રમાણપત્ર મળ્યું. એક વરશ દરમ્યાન ગુજરાતીનો અભ્યાસ કર્યો. કેટલું આવડ્યું, કેટલું આવડ્યું નહીં, એનું કારણ નહીં પણ પેલું પ્રમાણપત્ર આવ્યું, certificate છે એ આવી ગયું. એ લઈને અમે બહાર જઈએ, આગળ જઈએ. અમારી કારકિર્દી બહુ લાંબી હોય છે, હં, બહુ વરશ થાય એટલે એ લોકોને ઉતાવળ છે કે બધું પૂરું કરીને કામ ઉપર આવીએ. અને મારી કારકિર્દી પણ લાંબી હતી, એ મદ્રાસમાં ગણિતના અભ્યાસને લીધે વધારે લાંબી થઇને! એટલે બધા રાહ જોતા હતા કે ભાઈ, તમે તો મોડા છો હવે જલદી કરો. મેં શું કર્યું? મેં કહ્યું કે ભાઈ, તમારી સાથે હું વરશ સુધી ગુજરાતમાં શીખવા રોકાઉં. વરશ પછી મને ખાતરી થઈ કે આ પૂરતું નથી. (દેવાંગ ભટ્ટ “Okay” બોલે છે.) પ્રયત્ન બહુ કર્યો પરંતુ પાછળથી મારા વિશે યશવંત શુક્લ કહેવાના હતા એ અત્યારે કહું, “ગુજરાતી એ કોઈ પરદેશીના હાથમાં જાય એ કોઈ ભાષા નથી. (દેવાંગ ભટ્ટ આશ્ચર્યના ભાવથી “Oh!” બોલે છે.)

પરદેશીના હાથમાં જાય એ કોઈ ભાષા નથી. પ્રસંગ પણ કહું પછી મૂળ વાત પર આવી જાઉં. હું એમની કૉલૅજમાં પ્રવચન કરતો હતો અને પ્રવચન કરતાં કરતાં ગુજરાતીમાં મેં એક પ્રયોગ વાપર્યો કે ગુજરાતમાં આ બાજુ આમ છે, આ બાજુ આમ છે (બે હાથથી વારાફરતી ત્રાજવાનાં પલ્લાં ઊંચાંનીચાં થતાં હોય એવું કરી બતાવે છે.) એટલે એનો ધડો કરવા … એટલે યશવંતભાઈએ મારી સામે વળીને કહ્યું કે ધડો શબ્દ પરદેશીના હાથમાં જાય એવો નથી. (બન્ને હસે છે.) સાચું છે, નથી? ગુજરાતી આવડે, કેમ છો? સારું છે. પણ ધડો કરવા જરા … (દેવાંગ ભટ્ટ બોલે છે “હટ કે”) એનો ભાગ જોડણીકોષમાં જોવો પડે છે, આવે તો સારું. એટલે એ રીતે, મૂળ વાત ઉપર આવું. મારા સાથીઓ ગયા. મને હસી કાઢીને ગયા. તમે ફસાઈ જશો. એક વરશ બગાડ કર્યો. હું બીજું વરસ રોકાવાનો છું. એક વરશ સુધી હું શીખતો હતો, પૂરતું નથી. અને મારા બાપુજીના તરફથી એવા સંસ્કારો મળ્યા હતા કે ભાઈ, તું જે કામ કરશે તે કરશે પણ જે કરીશ તે સારી રીતે કરીશ. શ્રેષ્ઠતાનો પાઠ પહેલેથી, નાનપણથી. ગુજરાતીને વરશ સુધી કર્યું, સંતોષ નથી, બીજું વરશ મને આપો અને હું બીજા વરશ માટે રોકાયો. ને હું કહું છું કે બધાં મારા સાથીઓ મારી હાંસી કરતા હતા અને મને કહેતા હતા કે તમે પસ્તાઈ જશો. એક વરશ બગાડી  નાખો છો. શું કામ રોકાવ છો? એટલે સહેલું ના હતું તો ય મેં નક્કી કર્યું તમે જાવ (એકદમ કડકાઇભર્યાં સ્વરે ને હાવભાવ સાથે બોલે છે.) તમારે કામ હોય તો જાવ.હું એક વરશ માટે રોકાઈ જઉં છું. અને એક વરશ માટે, વાત પૂરી કરવા માટે, વલ્લભ વિદ્યાનગર યુનિવર્સિટી છે ને? એમાં હું ગયો. અમારી પેલી, મેં તમને કહ્યું બધાની સ્કૂલ હતી એમાં બધું ભેગું હતું, અંગ્રેજી, સ્પૅનિશ, ગુજરાતી. જ્યારે હું વલ્લભ વિદ્યાનગર ગયો ત્યાં સવારથી સાંજ ગુજરાતી, ગુજરાતી, ગુજરાતી. હું છોકરાઓની હૉસ્ટૅલમાં રૂમ રાખીને રહેતો …

દેવાંગ ભટ્ટ : અહીંયા, અહીંયા હું રોકું છું. અહીં એક પ્રશ્ન મને પુછવાનું મન થાય. Being a priest you had been over here. અહીં આવ્યા, આપ. આપને એવું નથી લાગતું કે ગુજરાતી ભાષા પ્રત્યેનો કદાચ પ્રેમ અથવા તો ગણિત પ્રત્યેનો પ્રેમ, એના કારણે, ખરેખર priestનું જે કામ હતું એ ક્યાંક થોડું ઓછું થયું  એના કારણે ઘણાં પ્રશ્નો પણ સર્જાયા હશે. આપને જે સંસ્થાએ મોક્લ્યા’તા, એ લોકોએ પણ પૂછ્યું હશે કે ફાધર, આપ અહીંયા ગુજરાતી ભાષા શીખવા આવ્યા છો એમાં ક્યાંક you are wasting your years. ઘણો બધો સમય આપનો waste કરી રહ્યા છો એવો પ્રશ્ન પણ આવ્યો હશે.

ફાધર વાલૅસ : બધાથી સારી વાત કરી, એકદમ સાચી વાત છે. હું અહીં આવ્યો ત્યારે મન ખુલ્લું રાખીને, ખુલ્લું રાખીને મારે કબૂલ કરવું પડે કારણ કે એ વખતનું વાતાવરણ પણ એવું હતું. મારો ધર્મ સાચો, બીજા બધા ખોટા. લોકોને સમજાવું ઘણું, તમે કહો છો કે મારું કામ એ મિશનરીનું કામ. એ બધું લઈને પેલું હતું. હવે મેં ધીરે ધીરે જોયું, એટલે તમે જે કહ્યું અને બહુ સાર્થક રીતે કહ્યું કે priestનું કામ ઓછું અને પછી આ સંસ્કાર-સંસ્કૃતિનું કામ વધારે. Priestનું કામ ઓછું એમ હું નથી કહેતો પણ priestનું ખરું કામ વધારે થાય કારણ કે priestનું ખરું કામ એ ધર્માંતર કરાવવાનું નહીં, એ લોકોને સારા બનાવવાના છે.

દેવાંગ ભટ્ટ : પણ ફાધર, આ જ વિચારના કારણે લોકોને આ વિચાર નહીં ગમ્યા હોય આપના.

ફાધર વાલૅસ : એવું બન્યું નથી, કોઈ જગ્યામાં, એવું બન્યું નથી. કદાચ, મને એક વાત કહેવા દો, મારી નથી, કાકાસાહેબની વાત છે. મારા વિશે વાતો કરતા એમણે શું કહ્યું હતું એ તમને કહું. બનતા સુધી બધું સ્પષ્ટ થઈ જશે, નહીં તો તમે પૂછતા રહેજો. બહુ જ સારી રીતે કરો છો તમે. એમની વાત મને આટલી બધી ગમી અને આ જાણે સ્પષ્ટ કરી દેશે. ટૂંકમાં કહું. કોઈ સંજોગોમાં અમે ભેગા થયા કરતા હતા, (ચહેરા પર છલકાતી પ્રસન્નતા સાથે ઉષ્માભેર બોલે છે.) કાકાસાહેબની સાથે મારે બહુ સંબંધ, હં, ખૂબ, પહેલેથી. અને એ ચુસ્ત હિન્દુ તરીકે અને હું ચુસ્ત નહીં પણ ખ્રિસ્તી તો ખરો (બન્ને થોડું હસે છે.) બીજી કાકાસાહેબની વાત, ફાધર વાલૅસ હિન્દુઓને ઇસુ ખ્રિસ્તને ચાહતા બનાવે છે, ખ્યાલ આવ્યો, એમાં મારું જીવન. એ કર્યું. પેલો કોઈનો પ્રચાર, આગળપાછળ કોઈનું સારુંખોટું, એવું નહીં. પણ તમે જેવા છો, ત્યાં છો, મારા સંપર્કમાં આવ્યા એટલે તમારું જીવન કંઈક ઊંચું આવે, બીજું શું પણ તમને વાંચ્યાનો આનંદ થાય. લોકો મને પૂછે છે લોકો તમારાં પુસ્તકો બહુ  વાંચે છે, તમારે શું જોઈએ છે? હું કહું છું કે મારું પુસ્તક લખીને કંઈ નહીં તો એક કલાક કે એક દિવસ માટે એને જરા આનંદ થાય. એમાંથી કશું પમાય તો ઠીક છે. એને પુસ્તકોમાંથી કશું લેવાનું, શીખવાનું નહીં પરંતુ વાંચીને તમે ખુશ થઈ જાવ કલાક માટે તો સાર્થક થયું પુસ્તક.

દેવાંગ ભટ્ટ : અહીંયા રોકીશ again, again, again. લાગણીસભર વાતો, દિલ ખોલીને વાતો, અંતરંગ વાતો, છેલ્લાં તબક્કાની વાતો એક નાનકડા વિરામ બાદ.

વિરામ બાદ ફરી એક વખત સ્વાગત છે આપનું કાર્યક્રમ ‘અતિથિ’માં. ફાધર, ઘણાં લોકો કહે છે મજાકમાં આપનું એક પુસ્તક લગ્નજીવન પર સરસ આવ્યું છે (ફાધર ખિલખિલાટ હસવા લાગે છે.) ફાધર કુંવારા પણ સલાહ બહુ સરસ આપી છે. કઈ રીતે આ બન્યું? How it’s possible?

ફાધર વાલૅસ : (હસતાં હસતાં) મેં લગ્ન તો કર્યા નથી.

દેવાંગ ભટ્ટ : એટલે જ ને.

ફાધર વાલૅસ : લોકો મને બહુ પૂછતા હતા. લગ્ન તો કર્યા નથી અને આટલું બધું … કારણ તો એ છે કે લગ્ન મેં કર્યા નથી એટલા માટે છોકરા-છોકરીઓ આવે મારી પાસે સલાહ પૂછવા માટે કે મારા ઘરમાં આમ થાય છે, મારા પતિ આમ છે, મારી પત્ની આમ છે, બધી વાતો તો આવ્યાં જ કરી છે અને મેં બોલવાનું, જાણવાનું, સલાહ આપવાની વાત આવે એટલે બધું આવી જાય છે. એક મજાનો પ્રસંગ તમને કહું. એક દિવસ એક યુવાન માણસ મારી પાસે આવે. “તમારું કહું છું પેલું લગ્ન વિશે ‘લગ્નસાગર’ (બે હાથ ફેલાવી વિશાળતા દર્શાવે છે.) સાગર છે. ‘લગ્નસાગર’ તમારું પુસ્તક એ હું બહુ જ વાંચું છું, એટલું જ નહીં પણ કાંઇક લગ્નના પ્રસંગે જઈએ ત્યારે ભેટ લઈને હું આપું છું.” માટે બહુ સુંદર, સુશોભિત આવૃત્તિ પણ કાઢી છે અમે તો. પછી કહ્યું … “હવે હું ફરીથી કોઈ તમારું પુસ્તક ભેટ આપવાનો નથી.” કેમ? કહે કે “હું તો એટલા માટે કે હું જ્યારે લાઈનમાં હતો ત્યાં વર-કન્યાની આગળ, મારા હાથમાં તમારું પુસ્તક લઈને, મારી આગળ બે-ત્રણ માણસો એ જ પુસ્તક લઈને ઊભાં હતાં. (બન્ને જોરથી હસી પડે છે.) એટલે હું  ફરીથી લેવાનો નહીં.

દેવાંગ ભટ્ટ : અંતિમ સવાલ. છેલ્લાં પાંચ-છ સવાલ. જે આપની પાસે માર્ગદર્શક એકએક lineના જવાબ મને જોઈએ છે. (ફાધર ગંભીર બની તત્પરતા બતાવે છે.) કોઈ પણ યુવાનનો આદર્શ goal કયો હોવો જોઈએ? ધ્યેય કયો હોવો જોઈએ?

ફાધર વાલૅસ : (ઊંડો શ્વાસ છોડતાં માથું ધુણાવતા જાય છે.) મને દિલમાં લાગે છે એટલી વાત તમને કહી દઉં. તમને ખબર પણ નથી કે કેટલી અસર થઈ મારા ઉપર. લગભગ ગળગળો થઇ ગયો છું કારણ કે અમે નાના હતા, જુવાનો હતા, પેલી વાત, તમે કરી હતી તે જ. દિલમાં, મનમાં, કેટલી વાર, ગુજરાતીમાં પણ એ શબ્દ વાપર્યો છે — આદર્શ, ધ્યેય, લક્ષ્ય, goal. નાનપણથી જ, પહેલેથી જ અમને કહેતા હતા (ઊંડો શ્વાસ છોડે છે ને તીવ્ર નિસ્બતના ભાવથી સ્વરમાં મક્કમતા લાવીને, હાથ ઊંચો કરીને બોલે છે.) ક્યાં ય જવાનું હોય તો પસંદ કરવાનું છે કે ક્યાં જવાનું છે… એટલે એ ધ્યેય, એ લક્ષ્ય, એ goal પહેલું હોવું જોઈએ તમારા મનમાં, દિલમાં, અને પછી શું છે કે આમ હોય ત્યારે પછી ગમે તે પ્રયત્ન, ગમે તે સાધના કરવાની હોય તો ત્યાં જવાનું છે એટલે હું કરી દઈશ. પણ પેલું ના હોય તો (ગતાગમ ના પડતી હોય એવો અભિનય કરે છે.) ક્યાં જવાનું હોય, ખબર નહીં. એટલે કહું છું મને દિલ સ્પર્શે એ વાત તમે કરી કે (પાછી અવાજમાં મક્કમતા સાથે.) જીવનમાં એ નક્કી કરીએ તો પછી એ જ કરવાની … દુ:ખ તો એ છે તમે જોયું તે, મને જે સંસ્કારો મળ્યા એ હું નથી જોતો કે આજના યુવાનોને એ મળતા હોય. તેમને પૂછું તમારું ધ્યેય શું જીવનમાં. ધ્યેય? (માથું ખંજવાળીને વિચારવાનો અભિનય કરતા.) કહે અહીંયા છું, પાસ કરવાનો છું, પછી નોકરી લાગીશું, છોકરી લાઈશું, કોઈ નક્કી નથી. એટલે એક goal નથી તમે કહ્યું એમ. એક ધ્યેય નથી, એક લક્ષ્ય નથી. ઉપર જવાની નેમ નથી એટલે પછી એવું થાય છે. માટે દિલથી, મારા જીવનથી, અનુભવથી તમે કહ્યું કંઈ કરવાનું હોય તો જીવનમાં એ જાતનું ધ્યેય, એ જાતનું લક્ષ્ય. જીવન તો નાનું છે, જીવીને શું કરવું છે મારે? કોઈ વખત પૂછે છે તમે મરી જાવ પછી લોકો તમારા વિશે શું કહે એ તમારી એક જ ઈચ્છા છે. લોકો તમારી … તમને યાદ રાખે તો શા માટે યાદ રાખે? એવું કાંઇક મનમાં  બેસાડો તે તમે તો જુઓ. એ જ સૌથી અગત્યનું છે આ જુવાન લોકોના માથે.

દેવાંગ ભટ્ટ : ફાધર, આપના મત મુજબ દુનિયામાં મોટામાં મોટું પાપ કયું?

ફાધર વાલૅસ : (ઊંડો શ્વાસ ખેંચે છે.) પાપની વાત કરવાનું હવે તો મેં બહુ ટાળ્યું છે. પરન્તું જે મોટી … એના કરતાં તમને બીજી એક વાત … એક બીજો શબ્દ વાપરવા દો … જો એની વાત નથી, આટઆટલા પ્રશ્નો પૂછ્યા પણ એક પણ વાત મારા મનમાં નાની નથી. યુરોપમાં પાપ, પાપ, પાપ, બધે ચાલે છે. I am a  sinner, sinner, sinner. એ બધું એ ઉપરથી મળ્યું છે. આપણી ભાષામાં પાપ શબ્દ છે પણ સંસ્કારમાં, પ્રાર્થનામાં પાપ નથી અને બીજો શબ્દ વાપરીએ છીએ અને એ વધારે મજાનો છે. આપણી ભૂલ.

દેવાંગ ભટ્ટ :  જી. કઈ મોટામાં મોટી ભૂલ આપને લાગે છે જે નહીં કરવી જોઈએ? જી.

ફાધર વાલૅસ : ભૂલ, ભૂલ. એ આખું વાતાવરણ બદલાય. હા ભઈ, (બે હાથ જોડી પ્રાર્થના કરવાનો અભિનય કરતા.) હે ભગવાન … ભૂલ એટલે માણસ માત્ર ભૂલને પાત્ર.

દેવાંગ ભટ્ટ : Fine, fine. Father, last question, last question. આ programme અંતરંગ વાતો કરવા માટે જાણીતો છે. અનેકો લોકોએ પોતાના દિલની વાત, દિલ ખોલીને આ કાર્યક્રમમાં કરી છે. અંતિમ સવાલ. કોઈ એવું confession કરવા માગો છો આજે? On screen? જે કદાચ આજ સુધી કોઈને કીધું ના હોય.

ફાધર વાલૅસ : (ખૂબ એકાગ્રતાથી સાંભળીને. ખૂબ ગંભીર મુખમુદ્રા સાથે વાત કરે છે.) એની વાત … હું તો … મારું મન એકદમ ખુલ્લું છે, ખુલ્લું છે. દરેક રીતે, દરેક બાબતમાં. સ્પષ્ટતા અને ખાસ કરીને પારદર્શક્તા એ મારો ખૂબ વહાલો ગુણ છે એ જોઈએ છીએ. કોઈ સંતાડવું, કોઈક … કોઈ ના જાણે એવું કહેવાનું, એ મારા વાતમાં, હું વિચાર કર્યા જ કરું છું અત્યારે. તમને ખરી વાત કહું અને એ સાચો જવાબ છે. મારા જીવનમાં બતાવ્યું એ છે પણ એનું એક મુખ્ય કારણ કે મારા જીવનમાં મિત્રતા બહુ વહાલી અને ઉત્તમ અને જરૂરી વસ્તુ છે. અને એ મિત્રોની સાથે, મિત્રતા એટલે શું? તમે કહ્યું તેમ કે હું કોઈ વાત સંતાડતો નથી. ગમે તે થયું હોય. ગમે છે, ગમતું નથી. યોગ્ય કર્યું છે કે ખોટું કર્યું છે. એ બધાં મિત્રોની સાથે cool, દિલ ખુલ્લું મુકીને. ગમે તે … જો એમણે આ ભૂલ કરી તો આ થયું. કહું છું. જરા મેં ખોટું કર્યું તો સંતાડીને કર્યું હોય એવું મને યાદ નથી. એટલે મનમાં વિચાર કરી કરીને બીજી રીતે તમે કહો તો ના થયું હોય તો સારું એવો વિચાર કરાવીશું તો સાચું કહું મને એવું જડતું નથી. મારું સિદ્ધાંત તો આ છે જીવવા માટે. અને આને માટે હું ધર્મ કે ભગવાન કે ઈશ્વર ઇચ્છા એ વચ્ચે લાવતો નથી હં, જેથી બધાંને માટે ખુલ્લું છે. જીવન મને લઈ જાય ત્યાં જઈશ. ઉપર, નીચે, દૂર, નજીક, ક્યાં છે મને ખબર નથી પણ મારી તૈયારી છે જ. અને આજ સુધી હું જોઉં તો પણ એવું થયું. મને પૂછ્યું હોત કે તમે ભારત શા માટે આવ્યા? મને મોક્લ્યો એટલા માટે. તમે ગણિત શા માટે લીધું? મને ત્યાં મોક્લ્યો એટલા માટે. હું અમદાવાદમાં આવ્યો, મને સૂઝ્યું એટલે જે થયા. જે થાય છે અંદરથી એ તૈયાર રહેવાનું. કોઈ દબાવવાનું નહીં. કહેવાય નહીં પણ નજરે જોઈને જીવન મને લઈ જાય છે તો લઈ જવા દેવાનો. એ મારો  મોટો સિદ્ધાંત છે. એ સિદ્ધાંત ઉપરથી હું અહીંયા સુધી લાવ્યો છે. જીવન મને અહીંયા સુધી, ટી.વી. સુધી, તમારા સુધી લઈ આવ્યો છે.

દેવાંગ ભટ્ટ : (હાથ મિલાવતાં.) Father, thank you very much, thanks a lot.

દર્શક મિત્રો, એક પ્રેરક વ્યક્તિ,એક જીવન, એક ખરેખર કહી શકાય કે પથદર્શક બને છે. ફાધર વાલૅસની લખેલી વાતો, એમનાથી બોલાયેલી વાતો અથવા એમના વિશે સાંભળેલી વાતો જે કદાચ એમણે કીધું કે જીવનમાં પારદર્શક્તા, કદાચ આ જ, આ જ, આ જ ગુણ એમને આટલા સ્વસ્થ અને આજની તારીખમાં પણ ક્યાંક આપણને ઇર્ષા થાય તે પ્રકારનું સ્મિત, તે પ્રકારનું સ્વાસ્થ્ય અને આશા રાખીએ પ્રભુ પાસે હજુ પણ અનેકો વર્ષો સુધી ફાધર આપણી વચ્ચે રહે, સ્વસ્થ રહે અને ફરી વાર ચોક્કસપણે સમય મળશે ત્યારે ઘણી બધી વાતો એમની સાથે કરીશું. પરંતુ અહીંયા સમય થયો છે આપથી વિદાય લેવાનો. ફરી મળીશું next episodeમાં નવા ‘અતિથિ’ સાથે, ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર, Thnk you very much. Thanks a lot, again.

ફાધર વાલૅસ : (હાથ જોડીને.) નમસ્તે.

ફાધર વાલૅસને અર્પેલી શ્રદ્ધાંજલિમાં ગુજરાતના આર્ચબિશપ ટોમસ મૅકવાનના શબ્દો  (https://youtu.be/34go0_178ZU)

સ્રોત: Devang Bhatt youtube channel

https://www.youtube.com/watch?v=QmVFmO5A3lc

Loading

...102030...2,0832,0842,0852,086...2,0902,1002,110...

Search by

Opinion

  • રુદ્રવીણાનો ઝંકાર ભાનુભાઈ અધ્વર્યુની કલમે
  • લોહી નીકળતે ચરણે ….. ભાઇ એકલો જાને રે !
  • ગુજરાતની દરેક દીકરીની ગરિમા પર હુમલો ! 
  • શતાબ્દીનો સૂર: ‘ધ ન્યૂ યોર્કર’ના તથ્યનિષ્ઠ પત્રકારત્વની શાનદાર વિરાસત
  • સો સો સલામો આપને, ઇંદુભાઇ !

Diaspora

  • દીપક બારડોલીકરની પુણ્યતિથિએ એમની આત્મકથા(ઉત્તરાર્ધ)ની ચંદ્રકાન્ત બક્ષીએ લખેલી પ્રસ્તાવના.
  • ગાંધીને જાણવા, સમજવાની વાટ
  • કેવળ દવાથી રોગ અમારો નહીં મટે …
  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !
  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ

Gandhiana

  • ગાંધીસાહિત્યનું ઘરેણું ‘જીવનનું પરોઢ’ હવે અંગ્રેજીમાં …
  • સરદાર પટેલ–જવાહરલાલ નેહરુ પત્રવ્યવહાર
  • ‘મન લાગો મેરો યાર ફકીરી મેં’ : સરદાર પટેલ 
  • બે શાશ્વત કોયડા
  • ગાંધીનું રામરાજ્ય એટલે અન્યાયની ગેરહાજરીવાળી વ્યવસ્થા

Poetry

  • ગઝલ
  • કક્કો ઘૂંટ્યો …
  • રાખો..
  • ગઝલ
  • ગઝલ 

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved