Opinion Magazine
Number of visits: 9747026
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

કવિતા વિલાપ

રેખા સિંધલ|Opinion - Literature|19 May 2021

હોય મરદ તે આવી બોલો ‘રાજા મેરા નંગા’
રાજ, તમારા રાજ્યમાં શબવાહિની ગંગા

કોરોનાથી ઘવાયેલી લોહિયાળ મર્દાનગીને ઢંઢોળવા કવયિત્રી પારુલ ખખ્ખર જ્યારે હૈયાફાટ સંવેદનશીલતા સાથે કાવ્યરૂપે ચીખી ઊઠી છે, ત્યારે આ વિશ્વવ્યાપી વેદનાનો કંપ હ્રદયને થરથરાવી રહ્યો. મડદાં ઊભાં થઈ જાય એવો આ ચાબખો કાવ્ય દ્વારા એકી સાથે અનેકને ઢંઢોળશે એવી તો કદાચ કવયિત્રીને પણ કલ્પના નહીં હોય. કાવ્યમાં આલેખાયેલું નગ્ન સત્ય જીરવવું કેટલાંક માટે અસહ્ય થઈ પડ્યું અને કવયિત્રીની આ ધારદાર સહજ અભિવ્યક્તિ રાજકીય હથિયાર બની ગઈ. પ્રતિભાવોના જે પૂર અચાનક ઊમટ્યા તે પણ વિસ્મયકારક ઘટના છે. અભિવ્યક્તિની રૂંધામણનો આ વિસ્ફોટ ઘણાને ડરથી થરથરાવી ગયો તો ઘણાને અનુકંપાથી! આ ઊહાપોહની કવયિત્રી પર શી અસર થઈ છે તે એના શબ્દોમાં જાણવાની ઉત્કંઠા થાય છે. બાબુ સુથારે ફેસબુક પરની એક પોસ્ટમાં વિચારદારિદ્રયની વાત કરી છે. પારુલ ખખ્ખરની કવિતાના પ્રતિભાવોમાં આ દારિદ્રય સ્પષ્ટ થાય છે.

આ રચનામાં રાજા અને પ્રજા બંને પર ચાબુક વિંઝાયો છે. નાગો રાજા અને નામર્દ પ્રજા વચ્ચે ડૂબતી આશાના કરુણાજનક વિલાપની કથા અને વ્યથા આ કાવ્યમાં છે. દરેક પંક્તિએ છલકાતી અસહ્ય વેદનાથી વિચલિત થયેલાં કેટલાં ય લોકોનું ધ્યાન કાવ્ય કરતાં ય વધુ કવયિત્રીની સંવેદનાની ધાર બુઠ્ઠી કરવા તરફ કેંદ્રિત થયું, તે તો હદની ય હદ થઈ. શાસકો સામે બકરી થઈ બેઠેલા લોકો એક ભાવુક સ્ત્રી સામે વાઘ થવા નીકળ્યા છે. પોતાનું ઘર ચલાવવામાં નિષ્ફળ ગયેલા જ્યારે દેશ ચલાવતા હોય, ત્યારે અંધેર હોવાની નવાઈ નથી. આ અંધેરમાં કઠોરતા અને મક્કમતા વચ્ચેનો ભેદ ભૂંસાઈ ગયો જણાય છે. બે વિરોધી પક્ષોમાં આવેશમય પ્રશંસા અને ટીકાઓ દ્વારા જે વિવાદ સર્જાર્યો તેમાં સર્જકને કે એના સર્જનને સમજવાના પ્રયત્નની ઊણપ જણાય છે. કોઈ પારુલની હિંમતને દાદ આપે છે, ત્યારે મને પ્રશ્ન થાય છે કે વેદનાની ધારદાર સહજ અભિવ્યક્તિ માટે શું હિંમત કેળવવી પડે? આ કે આવાં કોઈ કાવ્યને પ્રગટ કરવા માટે હિંમત કે મંજૂરીની જરૂર પડે એ સ્થિતિ જ લોકશાહી ખતરામાં છે તે સૂચવે છે. કાવ્ય દ્વારા પડેલી વ્યાપક અસરની રાજકીય ચર્ચામાં જોડાયા વગર પરિસ્થિતિને સમજી શકવાની ક્ષમતાનો અભાવ ભાવકોમાં પણ વર્તાય છે.

પારુલ  જ નહીં હજારો લોકોના વાણી સ્વાતંત્ર્ય ઝૂંટવી લેવાયાં છે. એમાં સાહિત્યકારો પણ છે જેઓ દંડ નહીં તો દામ, શામ કે ભેદથી હારી ચૂક્યા છે. શાસકોની શરણાગતિ સ્વીકારી લીધી હોય તેવા લોકો પાસે સહકારની અપેક્ષા વ્યર્થ છે. ગુલામી માનસ ધરાવતી ભારતની પ્રજા લોકશાહીને લાયક નથી એમ માનનારા પણ છે. અનેક વાડાઓમાં વહેંચાયેલાં જૂથોના અંદરોઅંદરના કુસંપનો દોષ આપણે શાસકો પર નાખી શકીએ નહીં. રાજકારણીઓ આવી પરિસ્થિતિ સુધારવાને બદલે લાભ કે ગેરલાભ લે તે વાત અલગ છે. નાગરિક તરીકેની આપણી ફરજોમાંથી ચ્યૂત થઈ આપણે હકો માંગવા ઝંડા લઈને નીકળી પડીએ છીએ.

પારુલ ખખ્ખરે ‘હોય મરદ તો આવી બોલો’ પંકતિમાં પ્રજા સામે પણ પડકાર ફેંક્યો છે. નાગરિક તરીકે આપણે આપણા દોષો જોતા ક્યારે શીખીશું? અન્યના દોષો જોવા ટેવાયેલી આપણી દ્રષ્ટિ ચીંથરેહાલ પ્રજાની આસપાસ વીંટળાઈને પડેલા પ્રશ્નો તરફ ફરશે ખરી?  વિચારદારિદ્રયમાં કદાચ રાજા અને પ્રજા બંને સરખા છે. આગ લાગે ત્યારે આપણે કૂવો ખોદવા બેસીએ છીએ ત્યાં સુધીમાં તો કેટલું ય ભસ્મીભૂત થઈ ચૂક્યું હોય છે. વાણી સ્વાતંત્ર્ય પરનો ખતરો કંઈ આજકાલનો નથી. કોરોનાને કારણે સત્યનો સામનો કરવાની ફરજ પડી એટલે લોકો વધારે આકુળ વ્યાકુળ થઈ ઊઠ્યા. કેટલીકવાર સામૂહિક પ્રશ્નોને પણ આપણે વ્યક્તિગત ધોરણે જ મૂલવીએ છીએ. વાકચાતૂર્ય ધરાવતા કોઈ નેતા વિષેની આપણી માન્યતાઓ સાચી છે કે જૂઠી તે ચકાસ્યા વગર વિરોધ કે તરફેણ કરતા હોઈએ છીએ. મતદાનમાં પણ જૂથવાદ અને જ્ઞાતિવાદ ભાગ ભજવે છે. દેશ કે રાજ્યના હિતમાં સૌનું હિત જોનારા કેટલા? ઊંચનીચના ભેદનું વિષ તો કેન્સરની જેમ આખા વિશ્વમાં ફેલાયેલું છે. ભારત એમાંથી કેમ બાકાત રહે? પાયાની આ નબળાઈઓ દૂર કર્યા વગરની પ્રગતિ પત્તાના મહેલ જેવી પૂરવાર થાય તો નવાઈ નથી.

પારુલ ખખ્ખરની રચનાથી જાગીને ખળભળી ઊઠેલો વર્ગ ફરીથી ઘેનમાં સરી ન જાય અને પ્રજામાં હિંમત અને જુસ્સો પ્રેરતો રહે તે આશા સાથે સત્યમેવ જયતે!  

e.mail : rekhasindhal@gmail.com

Loading

શુદ્ધ ખરખરો

નારાયણ દેસાઈ|Gandhiana|19 May 2021

એ વખતના આઝાદીની લડતના આગેવાનો – મૌલાના મહમદઅલી અને મૌલાના શૌકતઅલી એક વેળા અમદાવાદની મુલાકાતે આવ્યા. સાલ હશે 1923.

તેમની એક લાંબી મુલાકાત મહાદેવભાઈ 04-11-‘23ના नवजीवनમાં છાપે છે. તેમના જેલના અનુભવોમાં ‘મ્હાવા’ નામના એક ગુનેગાર કેદીનું ચિત્રણ તો ભલભલા પથરાને પીગળાવે તેવું છે :

‘એક ‘મ્હાવો’ કરીને ભંગી ફાંસીની સજા ખાઈને આવ્યો હતો. તેનો કિસ્સો કહેતાં મૌલાના અપાર આવેશમાં આવી જાય છે અને સામાની ઉપર પણ અજબ અસર પાડે છે. મ્હાવો બિચારો એક વાર નશામાં ચકચૂર થઈ પોતાની ગર્ભવતી સ્ત્રીનું ખૂન કરીને આવ્યો હતો. સજા પછી અપીલ વગેરે થયા પછી ફાંસીનો દિવસ નક્કી થઈ ચૂક્યો હતો. અને આ ફાની દુનિયા ઉપર રહેવા વિશે તેણે હાથ ધોઈ નાખ્યા હતા. મૌલાનાની પાસે પાસે જ તેની ખોલી હતી. તેનો મૌલાના સાથે પ્રસંગ પડતાં મૌલાનાએ આખી વાત તેને પૂછી. મૌલાના કહે છે કે સાચા પશ્ચાતાપથી તેણે બધી વાત મારી આગળ કરીને જણાવ્યું કે, ‘મને સજા થઈ છે તે વાજબી થઈ છે, હવે તો જેટલી ઘડી રહી છે તેટલી ઘડી કિરતારનું ભજન કરવામાં મજા છે.’ એક દિવસ રાત્રે પાસેથી નાચવાનો અને ગાવાનો અવાજ આવ્યો. પેલા ભાઈ કિરતારના ભજનમાં ગુલતાન થઈ નાચતાં નાચતાં ગાતા હતા :

’કર લે સિંગાર ચતુર અલબેલી,
સાજનકે ઘર જાના હોગા;
માટી બિછાના, માટી ઓઢાના,
માટી કા સિરહાના હોગા.’

આ પ્રસંગ કહેતાં મૌલાનાની આંખમાં પાણી આવી ગયાં. આ રાત પેલાની ફાંસીએ જવાની આગલી રાત હતી. ફાંસીનો હુકમ મળ્યો કે બહાદુરની માફક નીકળ્યો, જે માંચડા ઉપર જઈને ફાંસી લેવી પડે છે તેના ઉપર દોડતો દોડતો હસતો હસતો ચડ્યો, માથા ઉપર ફાંસી ખાનારની ટોપી પહેરાવવામાં આવતાં જ પોકાર કર્યો, ‘મહાત્મા ગાંધી કી જે,’ − આખી જેલમાં કેદીઓએ પડઘો આપ્યો : ‘મહાત્મા ગાંધી કી જે.’ − બીજો પોકાર કર્યો ‘શોકતઅલી બાપુ કી જે’ − મૌલાના રાજકોટમાં શૌકતઅલી બાપુ કહેવાતા. પછી ‘રામ’, ‘રામ’, ‘રામ’; ચોથે રામે તેનું ધડ મસ્તકથી જુદું થઈ ગયું હતું. બધા કેદીઓએ આવીને આ ઘટનાનું વર્ણન આપતાં મૌલાનાને કહ્યું, ‘છેલ્લાં પંદર-વીસ વર્ષમાં આવું મરણ જોયું નથી.’ સુપરિન્ટેન્ડેન્ટે પણ કહ્યું, ‘આવું બહાદુર મરણ કદી નથી જોયું.’ સુપરિન્ટેન્ડેન્ટે આશ્ચર્યથી પૂછ્યું, − ‘આવા ભંગીને પણ મહાત્માં ગાંધી સાથે શું લેવાદેવા છે ?’ મૌલાનાઓ જવાબ આપ્યો, ‘કારણ, આવતો અવતાર આપે તો ઈશ્વર મને ઢેડભંગીનો અવતાર આપજે એમ કહેનાર દુનિયામાં મહાત્મા ગાંધી એકલા છે.’

એક દિવસમાં ત્રણ વાર આ કિસ્સો મૌલાનાએ કહી સંભળાવ્યો અને કહ્યું, ‘મહાત્માં ગાંધીને પ્રથમ મારું શિર ઝૂકે છે, તે પછી મારું શિર પેલા બહાદુર મ્હાવાને પણ ઝૂકે છે. આવી રીતે હથેળીમાં માથું લઈને ફરતાં આવડવું જોઈએ. થોડા માણસ આવા નીકળે તો આપણો ઉદ્ધાર ચોક્કસ છે. મ્હાવામાં પોતાના અપરાધ માટે શુદ્ધ ખરખરો હતો, ખુદાનો બરોબર ડર હતો અને મરતાં ખુદાની આંખ તેણે જોઈ હતી. એટલે જ તે ગાતો હતો અને નાચતો હતો, એટલે જ તેને મરણ મીઠી નિદ્રામાં પડવા જેવું લાગ્યું.’

[‘અગ્નિકુંડમાં ઊગેલું ગુલાબ’, પૃ. 308-9]

Loading

આ મુશ્કેલ સમયમાં (56)

સુમન શાહ|Opinion - Opinion|19 May 2021

= = = = શ્રમજીવીઓ તો કહેશે – ખાઈ કરીને સાજાસમાં હઇશું તો કોરોના અમને મારશે ને ! એમને મન જીવન પહેલું, મરણ પછી, આવશે તો જોયું જશે, કોરોનાથી આવશે તો ભલે ભલે, એ એમની માનસિકતા છે = = = =

દેશમાં કોરોના રોજે રોજ એનાં શિખરો સર કરી રહ્યો છે. જીવન-મરણની કટોકટી તીવ્રથી તીવ્ર થઈ છે. ઉપાયો અને વ્યવસ્થાતન્ત્રો પૂરતાં કારગત નથી નીવડ્યાં. ચોતરફ જોક્સ ચાલે છે. જેને જે સૂઝે ને જે ફાવે તે બોલે છે, તે કરે છે. ગપ્પાંબાજી ખીલી છે. ભણેલાંગણેલાં પણ કહે છે કે કોરોના થોડા દિવસોમાં જતો રહેશે, ગભરાશો નહીં. વૅક્સીન નહીં લેતા, ચાલશે. ઑક્સિજન જેવી અતિ જરૂરી ચીજોના કાળાબજાર શરૂ થયા છે. અતિ વસતીના આ દુર્ભાગી દેશનું વર્તમાન જીવન ભયાવહ છે.

એવા સંજોગોમાં, જનતા-જનાર્દન બોલે, બૂમો પાડે, પોકાર કરે, એની નવાઈ ન લાગવી જોઈએ, એમ થવું સ્વાભાવિક છે. એમ ન થાય તેની નવાઈ લાગવી જોઈએ. એ પોકારમાં લૉજિક ન જોવાય, જનતાને મળેલી માહિતીનાં લેખાંજોખાં ન કરાય, કે ન તો એમના દોષ કઢાય. ઇટ’સ અ પીપલ્સ વૉઈસ, એ એમ જ હોય, અને ખરેખર તો દિન-પ્રતિદિન એ વૉઇસનો વિકાસ થવો જોઈએ. એ બૂમો અને પોકારથી જે ઘોર સરજાય એ સરકારના કાને પ્હૉંચે ને સુધારને માટે એને સાવધ કરે. શાણી સરકારો સુધરતી હોય છે.

એથી જુદી દિશાનું એ કે દાઝીલા સાહિત્યકારો કાવ્ય, વાર્તા કે નવલકથા લખીને પ્રજાના વાચકવર્ગ માટે મનગમાડાની તેમ જ જનતા-જનાર્દનના એ પોકારમાં સૂર પુરાવવા માટેની તકો ઊભી કરતા હોય છે. એમનાં એ લેખનોનું પ્રાસંગિક મૂલ્ય હોય છે. એની ખરાખરી ન કરાય કેમ કે એ સર્જન છે. સર્જનમાં વાસ્તવિકતા હોય તેમ કલ્પકતા પણ હોય. પેલા પોકારમાં સર્જનસૂર ભળે છે એટલે એ લેખનો ઝિલાય છે અને એ જ એના કર્તાઓની સફળતા હોય છે. બાકી, એ સફળતાની નુક્તેચિની કરવાથી કશું હાથ નથી આવતું, સિવાય કે મતામતી ને પખાપખી …

શ્રીમન્તોને આ કોરોના-કટોકટી અડતી નથી. એમની પાસે અનેક રૂમવાળા બંગલા અને નોકરચાકરની પાયાની સગવડો છે. એમના હાથ પ્હૉંચતા હોય છે. યેન કેન ઉપાયે તેઓ વેડિન્ગ કે બર્થડે પાર્ટિઓ યોજી લે છે. હસતા રહીને તેઓ આ કટોકટીની મજાકો કરતા હોય છે, મજા લેતા હોય છે.

મધ્યમવર્ગીય નોકરિયાતોને ચિન્તા નથી, બૅન્ક-ઍકાઉન્ટમાં પગાર જમા થતો જ હોય છે. એમની ફરિયાદ એટલી જ હોય છે કે અમે માસ્ક પ્હેરીએ છીએ, તમામ શિસ્ત પાળીએ છીએ, એવું નાગરિક વર્તન બીજા બધાઓ કેમ નથી કરતા. એ વર્ગ અકળાયેલો જીવે છે. ઉચ્ચ મધ્યમવર્ગીઓ એમની એ ફરિયાદોના વત્તેઓછે અંશે સહભાગી બને છે.

મોટો સવાલ તો સવાર પડે ને રોજીરોટી માટે ઘરેથી નીકળી જ જવું પડે એ શ્રમજીવીઓનો છે. એ વર્ગ મોટો છે. એ વર્ગ માસ્ક, સોશ્યલ ડિસ્ટન્સ કે સેલ્ફ આયસોલેશનમાં સમજતો નથી એમ નથી પણ એ બધું એમને પરવડે એવું નથી. એ તો કહેશે – ખાઈ કરીને સાજાસમાં હઇશું તો કોરોના અમને મારશે ને ! એમને મન જીવન પહેલું, મરણ પછી, આવશે તો જોયું જશે, કોરોનાથી આવશે તો ભલે ભલે, એ એમની માનસિકતા છે. એમનો વાંક જોવાને બદલે કે એમને વખોડતાં ને ભાંડતાં પહેલાં, એ માનસિકતાને આપણે સૌએ ધ્યાનમાં લેવી જોઈએ.

Picture Courtesy : Thesaurus.plus

સરકારી કે અર્ધ સરકારી બધાં વ્યવસ્થાતન્ત્રોએ પોતાના કાર્યક્રમોમાં અગ્રિમતા – પ્રાયોરિટી – પ્રજાના એ વર્ગને આપવી જોઈશે. જેમ કે, એ વર્ગને મફત કે નજીવા દરે હૉસ્પિટલાઈઝેશન તેમ જ વૅક્સીનેશન મળે એમ પહેલું થવું જોઇશે. સરકારે અને શ્રીમન્તોએ એ કાજે એક થઈને કામયાબ તન્ત્ર ગોઠવવું જોઈએ. નિષ્ણાતોએ એ કાજે આગળ આવવું જોઈએ. સેવાભાવી યુવક-યુવતીઓએ જોડાવું જોઈએ.

સાચા પત્રકારો સ-ટીક દર્શાવતા હોય છે કે એવું કશું થયું છે કે નથી થયું. એમણે કરેલી અન્ય ટીકાઓ પણ, સરકારની કે પ્રજાની, સંશોધન-અધ્યયન પર ઊભી હોય છે. તેઓ પત્રકારધર્મ અને કર્મ બરાબર બજાવતા હોય છે.

સરકારપરસ્ત છાપાંની વાત શું કરવી? વધુ તો એ છાપાં જાહેરાતોનો ધંધો કરતાં હોય છે. સ્વધર્મ ચૂકી ગયાં હોય છે. પ્રજામતનું ઘડતર કરવાનું પાયાનું કામ અભરાઈએ મુકાઈ ગયું હોય છે.

ખરા બુદ્ધિજીવી નાગરિકો પાસે પણ લૉજિક હોય છે, હોવું જ જોઇએ. રૅશનલ રહીને તેઓ પણ ઠોસ માહિતીના આધારે પરિસ્થતિની સમીક્ષાઓ કરતા હોય છે. કેમ કે જો એમણે સમ્ ઇક્ષા નહીં કરી હોય, જમા અને ઉધારનાં બન્ને પાસાં નહીં દર્શાવ્યાં હોય, તો બધું વ્યર્થ જશે – ઘાસફૂસ સમજો ! કેમ કે કોઇ પણ સમ્ ઇક્ષા જ સાર્થક અને પરિણામદાયી નીવડતી હોય છે.

બાકી, ક્હૅવાતા બુદ્ધિજીવીઓ, સ્યૂડો, કાલયાપન આરામથી કરતા હોય છે. એમનો દાવો હોય છે કે પોતે સર્વજ્ઞ છે. જેમ સાહિત્યમાં કૃતિનું વાચન કર્યા વગર જે બોલવું હોય એ બોલી શકાય છે, વિદ્રોહને નામે યદ્વાતદ્વા બકી શકાય છે, તેવું બધું જ આ કટોકટીકાળે એમનાથી કરી શકાતું હોય છે.

આવા મુશ્કેલ સમયમાં એને બૌદ્ધિક વ્યભિચાર કહેવાય એમ જો કોઈ કહે તો એ બચારો ભૂંડો ભાસે છે. તાત્પર્ય એ કે જે પ્રજાઓ પાસે સમીક્ષાધર્મી વિચારકો નથી હોતા તો એ પ્રજાઓના ઉગારની તકો દૂરની દૂર રહે છે.

આ છે દુ:ખદ વાતોને વિશેની મારી નિસબતનું સ્વરૂપ. મારાથી આમ વિચારો કરાય છે, વાતો કરાય છે, એ છે મારી પ્રતિબદ્ધતાનું સ્વરૂપ. પણ એનો પાર નથી આવતો. એથી કિંચિત્ પણ જાગૃતિ આવે તો સારી વાત છે. બાકી, વર્તમાન સંકટગ્રસ્ત છે. સારા ભવિષ્યની આશા છે, પણ હાલ તો દૂરની ક્ષિતિજે પણ નથી દેખાતી.

ત્યારે મને એવું થાય છે કે મારી પાસે કે કોઇ પણ મનુષ્ય પાસે પોતાનો એક ભૂતકાળ તો હોય જ છે. ચાલો ને, થોડા વખત માટે એ ભૂતકાળમાં ચાલી જઈએ, શૈશવને સંભારીએ, મૅમરિલેનમાં નીકળી પડીએ. હું ક્યારેક એમ કરીશ, તમે પણ કરજો …

= = =

(May 19, 2021: USA)

Loading

...102030...1,9531,9541,9551,956...1,9601,9701,980...

Search by

Opinion

  • વિદેશનીતિમાં વળાંક: સમજી-વિચારીને લીધેલું પગલું કે કેવળ પ્રચાર?
  • સાઝિશ રમકડાંની
  • શિક્ષણને મામલે આટલી ગરીબ સરકાર ગુજરાતમાં ક્યારે ય આવી નથી …
  • સ્ટ્રેટ ઑફ હોર્મુઝઃ “બહોત કઠિન હૈ ડગર પનઘટ કી …” ભારતની ઊર્જા સુરક્ષા પર સાંકડા માર્ગનો સકંજો
  • ચલ મન મુંબઈ નગરી—334

Diaspora

  • યુ.કે.માં ડ્રાઇવિંગની પરીક્ષા
  • અમીના પહાડ (1918 – 1973) 
  • છ વર્ષનો લંડન નિવાસ
  • દીપક બારડોલીકરની પુણ્યતિથિએ એમની આત્મકથા(ઉત્તરાર્ધ)ની ચંદ્રકાન્ત બક્ષીએ લખેલી પ્રસ્તાવના.
  • ગાંધીને જાણવા, સમજવાની વાટ

Gandhiana

  • માનવતાવાદી ત્રિપુટીને સ્મરણાંજલિ 
  • ગાંધી ‘મોહન’માંથી ‘મહાત્મા’ બન્યા, અને આપણે?
  • ગાંધીહત્યાના પડઘા: ગોડસેથી ગોળવલકર સુધી …
  • ગાંધીની હત્યા કોણે કરી, નાથુરામ ગોડસેએ કે ……? 
  • ગાંધીસાહિત્યનું ઘરેણું ‘જીવનનું પરોઢ’ હવે અંગ્રેજીમાં …

Poetry

  • કવિ
  • ગઝલ
  • ગઝલ
  • કોઈ અપાવે જો એ બાળપણ પાછું …
  • પન્નાને, વેલન્ટાઈન ડે, ફેબ્રુઆરી 14, 2026 ~ સોનેટ ~ નટવર ગાંધી

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • My mother cries on the phone’: TV’s war spectacle leaves Indians in Israel calming frightened families
  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved