અંગ્રેજોએ આ દેશને લૂંટયો, પણ તેણે પોતાના હેતુઓ માટે કેટલુંક એવું કર્યું કે આઝાદીનાં 75માં વર્ષે પણ આપણે તેમની ઇમારતોમાં, પુલો પર, શાળાઓનાં મકાનોમાં, ઓફિસો ને વ્યવહારો ચલાવીએ છીએ. જો કે, અંગ્રેજોમાં હતી એટલી વફાદારી આપણી, આપણા દેશ માટે છે કે કેમ તે દરેકે પોતાને પૂછવા જેવો પ્રશ્ન છે. આઝાદીનાં શરૂઆતનાં વર્ષોમાં આપણામાં પણ ઈમાનદારી ને વફાદારી હતી, પછી ભ્રષ્ટાચાર વધતો આવ્યો ને આજે તો એ ચરમ સીમાએ છે. એમાં સરકારથી માંડીને નાનામાં નાનો માણસ પણ આવી જાય. આ બધું છતાં વાતો તો ઈમાનદારીની ને સચ્ચાઈની જ થાય છે એ કેવું?
આમ થાય છે તે બેવડાં ધોરણોને કારણે. પ્રજા ભ્રષ્ટ છે, તો સરકાર પણ અપ્રમાણિક છે. બધાં જ સચ્ચાઈ દાખવી શકે, પણ કોઈ તેમ કરે એમ નથી, કારણ એમ કરવા જતાં હરામનો પૈસો જતો કરવો પડે ને એને માટે કોઈ તૈયાર નથી. પ્રજા દેખાડો કરે છે તો સરકાર સારું ચિત્ર આપવામાં માને છે. કોરોના આવ્યો માર્ચ, 2020માં. તે જોખમી છે એ વાતની ખબર બધાંને હતી, પણ પ્રમાણમાં કેન્દ્ર સરકાર વહેલી જાગૃત થઈ અને ક્યાં લાગુ કરવા જેવું છે એનો લાંબો વિચાર કર્યા વગર, આખા દેશમાં લોકડાઉન લાગુ કરી દીધું. એની આર્થિક વિકાસ પર સીધી અસર પડી. એ પછી બીજી લહેરમાં જ્યાં ઝડપી ને પૂરાં લોકડાઉનની જરૂર હતી, ત્યાં છાશ પણ ફૂંકીને પીવા જેવું થયું. એમાં બીજી લહેર ઘાતક પુરવાર થઈ. લોકો ઓક્સિજનની, વેન્ટિલેટરની, ઈન્જેક્શન્સની કમીને કારણે મર્યાં ને સરકારે ઢાંકપિછોડો જ કર્યા કર્યો.
પહેલી લહેર આથમી તે સાથે જ લોકો ને સરકારો કોરોના પર વિજય મેળવી લીધાના વહેમમાં રાચ્યા. લગ્નો, ક્રિકેટ ને ચૂંટણીસભાઓમાં એટલી ભીડ થઈ કે કોરોના વધારે ઝનૂનથી પાછો ફર્યો. સરકારો ઘાંઘી થઈ અને બધું કાબૂમાં હોવાનું નાટક ચાલ્યું. ટેસ્ટ બંધ કે ઓછા કરી દેવાયા જેથી સંક્રમણનો આંકડો ઓછો બતાવી શકાય. આ બધું ઓછી આવક બતાવીને ટેક્સ બચાવવા જેવું હતું. સરકાર ઈલાજ વિચારવાને બદલે સાચું છુપાવવામાં પડી, પણ મૃત્યુને સરકારની શું પડી હોય? તેણે સ્મશાનની ચીમનીઓ ઓગાળીને ભયાનકતાનો ચિતાર આપી દીધો. કોર્ટોએ સરકારની આ બેદરકારીને માનવહત્યાનું નામ આપ્યું. સાચા આંકડાઓ જાહેર કરવાની તાકીદ કરાઈ ત્યારે માંડ સરકાર સાચું કહેવા બેઠી. વત્તાઓછાં લોકડાઉન થયાં ને બધી રાજ્ય સરકારો ખાતર પર દિવેલ કરવા તૈયાર થઈ. ગુજરાત સરકારે થોડા દિવસ પર જ કબૂલ્યું કે માર્ચ-એપ્રિલ, 2020માં જ 61,000 ડેથ સર્ટિફિકેટ ઇસ્યૂ થયાં હતાં. આના પરથી વિચારી લેવાનું રહે કે સરકારે કેવુંક છુપાવ્યું હશે !
અસત્ય એ સરકાર માત્રની ઓળખ છે. જો કે, ખોટું કરવાથી જ સરકારો પાછી સત્તા પર આવતી રહી છે એટલે સાચું કરવાથી શું થાય તે કોઈ સરકાર જાણતી જ નથી. ખોટું કરવાથી સરકારો ટકી ગઈ હશે, પણ કેટલીકવાર સરકારો ઊથલી પણ છે. એ હકીકત છે કે કૉન્ગ્રેસ સાચું કરવાથી ગઈ નથી. લગભગ સિત્તેર વર્ષ કૉન્ગ્રેસી શાસન દેશ પર રહ્યું હોવા છતાં જો સરકાર જઈ શકતી હોય તો ભા.જ.પ.ની સરકારને તો દાયકો ય થયો નથી. તે એવા કોઈ વહેમમાં ન રહે કે તેનું શાસન અમર છે. પ્રજા છેતરાય છે ખરી, પણ લાંબા સમય સુધી છેતરાતી નથી. એ સારી વાત છે કે સરકાર સાનમાં સમજી છે. તે એ પણ સમજી છે કે સત્યનો માપદંડ જ નિર્ણાયક બને છે. પ્રજા ગમે એટલી મૂરખ ને ભ્રષ્ટ કેમ ન હોય, સત્તા જ્યારે પણ બદલાઈ છે, ઓછી ભ્રષ્ટતા જ માપદંડ બની છે.
હાલની સ્થિતિ જોઈએ તો સંક્રમણના આંકડાઓ ઘટી રહ્યાં છે, પણ એક જ દિવસમાં 4,529 મોતનો ભારતમાં નોંધાયેલો આંકડો ચિંતા ઉપજાવનારો છે. કેસો ઘટવાને કારણે મીડિયા કોરોનાનાં વળતાં પાણી- કહીને હરખાવા માંડયું છે, આવો હરખ કરવા જતાં અગાઉ વીત્યું છે, એટલે જરા પણ રાજી થવા જેવું નથી. વડા પ્રધાને વધતાં મોતથી સાવધ રહેવાનું કહ્યું જ છે. અત્યાર સુધીમાં 2.83 લાખ મોત દેશમાં થઈ ચૂક્યાં છે. કોરોનાને લાગે વળગે છે ત્યાં સુધી મરણના આંકડાઓ સરકાર પાસે નાના અને મીડિયા પાસે મોટા જ રહ્યા છે.
એ સાચું કે આખા દેશમાં મહામારી ફેલાયેલી હોય ત્યારે તંત્રો બધે પહોંચી ન વળે, પણ સમય હોય, સાધનો હોય ત્યારે અરાજકતા જ ફેલાય એવું તો ન વર્તી શકાય ને ! વાવાઝોડું ત્રાટક્યું અને તેણે જે તબાહી સર્જી તેમાં સરકારનો વાંક ન કાઢી શકાય, કારણ અગાઉથી સાવચેતીનાં પગલાં લીધાં હોય, પછી વિનાશ સર્જાય તો લાચાર થઈને જોઈ રહેવું પડે. આ બધું છતાં વડા પ્રધાને તારાજીનો અંદાજ મેળવ્યો ને હજાર કરોડની સહાય કરી તથા મૃતકોને નામે 2 લાખ જાહેર કર્યા. તેમાં મુખ્ય મંત્રીએ રાજ્ય તરફથી મૃતકોને, દરેકને 4 લાખ ઉમેર્યા. મુખ્ય મંત્રીએ પોતે અસરગ્રસ્ત વિસ્તારોની મુલાકાત લીધી. આ બધું સરકારને જમાપક્ષે મૂકી શકાય, પણ આઇ.સી.યુ.માં આગ લાગે ને દરદી આગમાં બળી મરે ને આવું એકથી વધારે વખત થાય, એ સરકાર માટે સહાનુભૂતિ ન રહેવા દે એ શક્ય છે.
વાવાઝોડા, આગ, ભૂકંપ જેવી આફતોમાં લોકો મરે છે તો સરકાર મૃતકોનાં કુટુંબને આર્થિક સહાય આપે છે. તેમાં હેતુ તો કુટુંબીજનોને આવી પડેલી આપદામાંથી બેઠા કરવાનો છે. કોરોના જેવી મહામારીમાં સાધારણ લોકો સારવારનો બોજ ઉપાડી શકતાં નથી. તેમાં જો કમાનાર વ્યક્તિનું જ મૃત્યુ થાય તો કુટુંબને બેઠાં થવાનું મુશ્કેલ થઈ પડે છે. કોરોનાથી ભાંગી પડેલાં એવાં કુટુંબોને સરકાર આર્થિક સહાય કરે તો કુટુંબીજનો પર ઉપકાર જ થશે. એવાં તો ઘણાં હોય એવો વિચાર ઘણાંને આવે, પણ બધાંની વાત અહીં નથી. જે ખરેખર મદદને પાત્ર છે એવાં કુટુંબોની સહાય માટે જ આ કહેવાનું છે. એનો દુરુપયોગ પણ થઈ શકે, પણ એ તો ક્યાં નથી થતો? મુશ્કેલ છે થોડું, પણ નીચલા મધ્યમ વર્ગનાં કુટુંબોને પાંખમાં લઈ શકાતાં હોય તો લેવાનું સૂચન માત્ર છે.
રસીકરણને મામલે વ્યવસ્થિત વિચારણાની જરૂર છે. દિલ્હીમાં, રસી વિદેશોને આપી દેવાઈ તેના પોસ્ટર લાગ્યા તો ધરપકડ થઈ અને એફ.આઇ.આર. દાખલ કરવામાં આવી. સરકારો આજકાલ બહુ આળી થઈ ગઈ છે. સરકારનો વિરોધ કરી કરીને જ આજની સરકારો બની છે એ ભૂલવા જેવું નથી. એ વિરોધ જો દેશદ્રોહ હોય તો આજના બધાં શાસકો જેલમાં હોવા જોઈએ. સરકારનો વિરોધ દેશદ્રોહ નથી. સરકારો જો લોકશાહીમાં માનતી હોય તો રીસાઈ જવાનો આ એટિટ્યૂડ તેણે બદલવો ઘટે.
કોરોનાની રસી ન હતી ત્યારે તે આવે તેની રાહ જોવાતી હતી. રસી આવી ત્યારે પણ લોકો તે લેવા અંગે ઉદાસીન હતાં, પછી સરકારે ફોન પર, ટી.વી. પર, અખબારોમાં રસી એ જ એક માત્ર ઈલાજ છે એમ ચલાવ્યું. એમાં પહેલાં 60+ અને ડોક્ટર્સ, કોરોના વોરિયર્સને રસી આપવાનું શરૂ થયું. એ પૂરું થાય તે પહેલાં 45+ના એજ ગ્રૂપને, એ પતે તે પહેલાં 18+ને રસી આપવાની જાહેરાત થઈ. એનું રજિસ્ટ્રેશન પૂર જોશમાં ચાલ્યું. બીજી તરફ રસીકરણનો ઉત્સવ કરવાનું વડા પ્રધાને જાહેર કર્યું. આ બધું ચાલ્યું ત્યારે એ જોવાયું નહીં કે રસી છે કે નહીં? બધે રસી, રસી થઈ રહ્યું ને રસીનો દુકાળ પડ્યો. જુવાનિયાઓને કલાકો લાઇનમાં ઊભા રહ્યા પછી પણ રસી મળતી ન હતી. બીજી તરફ રસી મુકાવ ઝુંબેશ તો ચાલુ જ હતી. અમેરિકાથી, રશિયાથી રસીની વાતો આવતી રહેતી હતી પણ રસી અંતર્ધ્યાન હતી અને કોરોનાને કારણે લોકો તો મરતાં જ હતાં. વાવાઝોડું આવ્યું એ દરમિયાન રસીકરણ બંધ રહ્યું. કાલથી રસી આપવાનું વળી ચાલુ થયું છે, પણ તે દરિયામાં ખસખસ જેવું છે. આજની તારીખમાં પણ, કોઈ પણ ગ્રૂપમાં પૂરી રસી અપાઈ રહે એટલી રસી નથી. જો રસી નથી તો જુદા જુદા સમૂહને રસી મૂકવાની જાહેરાત મૂરખ જ બનાવે છે કે બીજું કૈં?
રસી નથી એની સ્પષ્ટતા કરવાને બદલે કઈ કઈ જગ્યાએથી કરોડો ડોઝ આવવાના છે એની જાહેરાતો થતી રહે છે. ગુજરાતમાં કોવેક્સિનના 3-4 મહિનામાં 2 કરોડ ડોઝ બનશે, તેમાંથી રાજ્યને 1 કરોડ ડોઝ મળશે કે દિવાળી સુધીમાં સેંકડો કરોડ ડોઝ રસીના મળશે એવી જાહેરાતો થાય છે, પણ આજે રસીની ખેંચ છે એવું કબૂલતાં સરકારને ક્યાં દુ:ખે છે તે નથી સમજાતું. આટલી તંગી છે તો દેશની દવા બનાવનારી કંપનીઓને ફોર્મ્યુલા આપીને રસી બનાવવાનું કહી શકાયને, પણ એ બાબતે ઓછું જ વિચારાય છે.
કમાલ તો એ છે કે બે ડોઝ વચ્ચેનો ગાળો પણ લંબાઈને 90 દિવસનો થઈ ગયો છે. જે રસીનો બીજો ડોઝ 28 દિવસમાં લેવાનો હતો તે 90 દિવસ લંબાયો તેમાં કારણ તો રસીની અછતનું લાગે છે. ભલે એમ તો એમ, પણ આ સમય દરમિયાન રસીની કોઈ અસર ન રહેવાની હોય તો આ લંબાવેલા સમયનો કોઈ અર્થ રહેશે ખરો? મીડિયા પણ 28ના 90 દિવસ થાય છે તો પૂછતું નથી કે આમ કરવાનું કારણ શું છે? 28નો ગાળો ખોટો છે કે 90નો કે બંને સાચા છે ને તે ક્લિનિકલી ઓકે છે કે રસીની અછતને કારણે છે તેની કોઈ વાતો બહાર આવતી નથી. કોઈ કહે છે 90 દિવસ, તો મીડિયા કહે છે 90 દિવસ. કોઈ સવાલ નહીં. આટલાં આજ્ઞાંકિત ને વફાદાર તો હવે કૂતરાં પણ રહ્યાં નથી, એનો નંબર હવે બીજો છે. પહેલા નંબર માટે ભક્તો અને મીડિયા વચ્ચે ગળાકાપ સ્પર્ધા છે, જોઈએ કોણ જીતે છે તે –
0 0 0
e.mail : ravindra21111946@gmail.com
પ્રગટ : ‘આજકાલ’ નામક લેખકની કટાર, “ધબકાર”, 21 મે 2021
![]()


સુરેશ જોષીના એક કાવ્યની પંક્તિ છે : હસી શકે તો હસજે જરા વધુ : ‘સન્નિધાન’-ના તેમ જ ભાવનગર યુનિવર્સિટીના ગુજરાતી વિભાગે યોજેલા અભ્યાસ શિબિરોમાં મારું વ્યાખ્યાન સમ્પન્ન થાય પછી વિદ્યાર્થીઓ ઑટોગ્રાફ તો માગે જ પણ આગ્રહ કરે કે કશીક પંક્તિ લખી આપો. વીસેક વર્ષ થઈ ગયાં. ભાવનગર તો ગણ્યા ગણાય નહીં એટલા બધા કવિઓનું ગામ, મારે લખવું શું? હું ‘સુમન શાહ’ સહી કરતો ને અવતરણ ચિહ્ન સાથે લખી દેતો, “હસી શકે તો હસજે જરા વધુ”.

Khakhar, 51, is essentially known for her romantic poetry; political issues are not something she had earlier touched. She started her literary journey comparatively very late in life, after getting married, having had children and settled.