Opinion Magazine
Number of visits: 9676172
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

દિલીપકુમાર સરતચંદ્રના દેવદાસને એક નવી જ ઊંચાઈ પર લઇ ગયા

રાજ ગોસ્વામી|Opinion - Opinion|30 July 2021

દિલીપ કુમારની ઈમેજ ત્યારે ટ્રેજેડી કિંગની હતી. કરુણ પાત્રો ભજવીને તેમનાં માનસિક સ્વાસ્થ્ય પર એવી અસર થઇ હતી કે સાઈકિયાસ્ટ્રીસ્ટની સલાહથી તેમણે હળવી અને મનોરંજક ફિલ્મો કરવાની શરૂ કરી હતી. 'કોહિનૂર' એ દિશામાં પહેલો પ્રયાસ હતો. દિલીપ કુમારે કહ્યું હતું કે બીજા એકટરો કારકિર્દીના અંત ભાગે ટ્રેજિક ફિલ્મો કરતા હોય છે, પણ મારા કિસ્સામાં હું શરૂઆતથી જ એવી ફિલ્મો કરતો થયો હતો. ટ્રેજિક ફિલ્મોના એ દૌરની સૌથી મહત્ત્વની અને યાદગાર ફિલ્મ ૧૯૫૫માં આવેલી 'દેવદાસ.' આ ફિલ્મ દિલીપ કુમારની ધમાકેદાર કારકિર્દીમાં સીમાચિહ્નરૂપ તો છે જ, ઉપરાંત સિનેમાની દુનિયામાં પણ તેનો દબદબો અસાધારણ છે.

‘દેવદાસ’ વ્યક્તિનું નામ નથી. એ એક માનસિક પરિસ્થિતિનું રૂપક છે. બંગાળીબાબુ સરતચંદ્ર ચટ્ટોપાધ્યાય ૧૭ વર્ષના હતા, ત્યારે તેમણે પ્રેમમાં નાસીપાસ થઇને તવાયફના કોઠા પર શરાબમાં ખુવાર થતા બંગાળી બ્રાહ્મણ યુવાન દેવદાસની નવલકથા લખી હતી. સરતબાબુને તેમની નવલકથા બહુ પસંદ પડી ન હતી. તેમને લાગતું હતું કે તેની કહાનીમાં પરિપક્વતા નથી. એ નાદાની જ તેની તાકાત બની ગઈ.

૨૧મી સદીના ભારતમાં આવો કમજોર અને આત્મઘાતી હીરો હાસ્યાસ્પદ લાગે, પણ એક જમાનામાં તેનો એટલો પ્રભાવ હતો કે અલગ-અલગ ભાષામાં તેના પરથી ૨૦ ફિલ્મો બની છે અને ૫ ફિલ્મી ગીતોનો એ વિષય બન્યો છે. અસલ જીવનમાં કોઈ પ્રેમી નાસીપાસ રહેતો હોય તો તેને કહેવાતું હતું કે “શું દેવદાસ જેવો ફરે છે?”

હિન્દીમાં તેના પરથી અત્યાર સુધીમાં ૪ મોટી ફિલ્મો બની છે; ૧૯૩૫માં કે.એલ. સાયગલની ‘દેવદાસ,’ ૧૯૫૫માં દિલીપ કુમારની ‘દેવદાસ,’ ૨૦૦૨માં શાહરૂખ ખાનની ‘દેવદાસ’ અને ૨૦૦૯માં અભય દેઓલની ‘દેવ.ડી.’ એમ તો, શક્તિ સામંતે ૧૯૭૧માં રાજેશ ખન્નાની ‘અમર પ્રેમ’ ફિલ્મમાં દેવદાસનું પોતાનું વર્ઝન પેશ કર્યું હતું. એમાંથી દિલીપ કુમારની ‘દેવદાસ’ ટ્રેજિક હીરો માટે ટેક્સ્ટ-બૂક બની ગયો. આ ફિલ્મથી તેમને ટ્રેજેડી કિંગનો ખિતાબ મળ્યો અને આ ફિલ્મથી જ તેમનું સ્ટારડમ સ્થાપિત થયું.

‘દેવદાસ’ સાથે સિનેમાનો રોમાન્સ શરૂ થયો ૧૯૨૮માં. તે વર્ષે બંગાળી અભિનેતા-નિર્દેશક નરેશ મિત્રાએ બંગાળીમાં ‘દેવદાસ’ પરથી પહેલીવાર મૂંગી ફિલ્મ બનાવી હતી. ૧૯૩૫ સુધીમાં બોલતી ફિલ્મો આવી ગઈ હતી અને કલકત્તાની ન્યૂ થિયેટર કંપનીએ બંગાળી અને હિન્દીમાં બોલાતી ‘દેવદાસ’ બનાવી હતી. આસામમાં ગૌરીપુરાના મહારાજાના દીકરા પ્રોમ્તેશ ચંદ્ર બરુઆએ બંને ફિલ્મોનું નિર્દેશન કર્યું હતું. બંગાળીમાં એ પોતે જ હીરો હતા અને એમાં તવાયફના કોઠા પર હારમોનિયમ વગાડતા કુંદન લાલ સાયગલ હિન્દીમાં હીરો બન્યા હતા.

આ ફિલ્મમાં, બિમલ રોય કેમેરા આસિસ્ટન્ટ હતા. તેમણે ૧૯૫૩માં ‘દો બિઘા જમીન’ ફિલ્મથી સ્વતંત્ર નિર્માતા-નિર્દેશક તરીકે પદાર્પણ કર્યું હતું. તે પછી તેમણે મધ્યમ કક્ષાની બિરાજ બહુ, નૌકરી અને બાપ બેટી બનાવી. સ્વતંત્ર ફિલ્મ સર્જક તરીકે મુંબઈમાં બરાબર જામી ગયેલા બિમલ રોય ૧૯૫૫માં મોટી તોપ જેવી ‘દેવદાસ’ લઈને આવ્યા. એવું કહેવાય છે કે બિમલ રોયની ‘દેવદાસ’ સરતચંદ્રની નવલકથાની સૌથી પ્રમાણિક ફિલ્મી કોપી છે.

બિમલ રોયની અગાઉની બંગાળી ફિલ્મોના લેખક નબેન્દુ ઘોષે ‘દેવદાસ’ની પટકથા લખી હતી (સંવાદો ઉર્દૂ-હિન્દીના મશહુર લેખક રાજીન્દર સિંહ બેદીએ લખ્યા હતા). લતા ખૂબચંદાની નામની પત્રકાર સાથે એક ઇન્ટરવ્યૂમાં ઘોષ કહે છે;

“અમે બંને સાહિત્યના શોખીન હતા. સરતચંદ્રની ‘દેવદાસ’ નવલકથાને લોકોએ પસંદ કરી હતી અને તેના પરથી બનેલી ફિલ્મો સારી ચાલી હતી. બિમલ’દા સાયગલની ફિલ્મમાં કેમરામેન હતા. સાયગલ સાબ દેખાવડા ન હતા, પણ અવાજના જાદુથી તે ફિલ્મને ખેંચી ગયા. બિમલ’દાને ત્યાંથી ખંજવાળ ઉપડી હતી. અમે તેને ફરીથી હિન્દીમાં બનાવવાનું નક્કી કર્યું, અમે પી.સી. બરુઆની નકલ કરી ન હતી. અમને લાગ્યું કે સરતચંદ્રની વાર્તાને જ વળગી રહેવું જોઈએ."

બિમલ રોયે પહેલાં જ નક્કી કરી રાખ્યું હતું કે તેમનો દેવદાસ દિલીપ કુમાર જ હશે. દિલીપ કુમારે ત્યાં સુધીમાં ૨૩ ફિલ્મો કરી હતી, અને શહીદ, અંદાઝ, સંગદિલ અને આન જેવી ફિલ્મોથી પોતાનું સ્થાન બનાવ્યું હતું. મુશ્કેલી હિરોઈનોને લઈને થઇ. બિમલ રોય અને નબેન્દુ ઘોષ પારોની ભૂમિકામાં મીના કુમારીને અને ચંદ્રમુખીની ભૂમિકામાં નરગીસને લેવા માંગતા હતા. એમાં પારો તરીકે મીના સેન્ટ પરસેન્ટ ફીટ હતી, પરંતુ તેના પતિ કમાલ અમરોહીએ કંઇક એવી શરતો મૂકી કે બિમલ રોય સહમત થઇ ન શક્યા. નબેન્દુ ઘોષ કહે છે કે ફિલ્મ કરવા ના મળી એટલે મીના રડી પડી હતી.

નરગીસે ચંદ્રમુખીની ભૂમિકા કરવાની ના પાડી દીધી. તઅણે કહ્યું કે મને પારો આપો. બિમલ રોય પારો તરીકે નરગીસને જોઈ શકતા ન હતા. એટલે નરગીસનું નામ પણ કેન્સલ થયું. તેમણે બીના રોયનો સમ્પર્ક કર્યો, તેણે ય ના પાડી. સુરૈયાને પૂછ્યું તો તેણે કહ્યું કે પારોનો રોલ આપો. એ પછી બંગાળી એક્ટ્રેસ સુચિત્રા સેનનો વિચાર કરવામાં આવ્યો. તેણે હા પાડી, કારણ કે તેને ‘દેવદાસ’થી હિન્દી ફિલ્મોમાં આવવા મળતું હતું. નબેન્દુ ઘોષ કહે છે કે, “પાર્વતીની ભૂમિકા માટે સુચિત્રાનો ચહેરો બહુ સોફિસ્ટિકેટેડ અને સભ્ય હતો. એટલે મને લાગે છે કે મીના કુમારી એકદમ અનુકૂળ હતી – તેનામાં મધ્યમ વર્ગની, અર્ધશિક્ષિત છોકરીની સાદગી હતી.”

ઘોષ એવું પણ કહે છે કે ચંદ્રમુખીની ભૂમિકામાં વૈજયંતિમાલાની પસંદગી પણ મંજૂર ન હતી, પરંતુ બીજો કોઈ વિકલ્પ ન હતો, કારણ કે ચંદ્રમુખીની ભૂમિકા કરવા કોઈ તૈયાર ન હતું. બિમલ રોયનું યુનિટ તૈયાર હતું, અને વિલંબ પાલવે તેમ ન હતો. ઇન્‌ફેક્ટ, વૈજયંતિમાલા રણમાં મીઠી વીરડી સમાન હતી, તેણે સામે ચાલીને બિમલ રોયને કહ્યું હતું કે તમને જો ઠીક લાગતું હોય તો હું એ ભૂમિકા કરવા તૈયાર છું.

દિલીપ કુમાર અને બિમલ રોય એકબીજાને સારી રીતે જાણતા હતા. બંને એક જ સ્ટુડીઓમાં દોઢ વર્ષ સુધી બાજુ-બાજુમાં કામ કરતા હતા. બંને વચ્ચે એક ફિલ્મને લઈને ચર્ચા પણ થઇ હતી, પરંતુ એ ન બની શકી. બંને વચ્ચે વાતોનો સિલસિલો ચાલતો હતો, એવામાં એક દિવસ બિમલ’દાએ કહ્યું કે તેમને દિલીપ કુમાર સાથે ‘દેવદાસ’ બનાવવી છે. દિલીપ કુમારને સાયગલની ‘દેવદાસ’ ફિલ્મ કે નવલકથા વિષે કશી ખબર ન હતી. બિમલ રોયે તેમને નવલકથાનો અનુવાદ વાંચવા આપ્યો હતો.

એક ઇન્ટરવ્યુમાં એ કહે છે, “મેં સરતચન્દ્રની નવલકથા અનેકવાર વાંચી. હું વાર્તાથી સારી પેઠે અવગત થયો. મેં તેમની અન્ય નવલકથાઓ પણ વાંચી. ‘દેવદાસ’માં જે પાત્રો, વાતાવરણ અને પ્રકૃતિ છે તેની સાથે તમે સંબંધ કેળવતા થઇ જાવ. એટલે ઉત્તરોત્તર હું દેવદાસથી પરિચિત થતો ગયો અને મને દેવદાસ તરીકે જોતો થયો.”

દિલીપ કુમારનો દેવદાસ પરંપરાવાદી છે. એ પાર્વતીને અત્યંત ચાહે છે, પરંતુ ઘર-સમાજના નિયમો સામે વિદ્રોહ નથી કરી શકતો, એટલે તેની સજા તે ખુદને આપે છે. આ એ જમાનાની વાત હતી, જ્યારે છોકરો કે છોકરી મન પડે તેમ કરી શકતાં ન હતાં અને પરિવારના વડીલો કહે તેમ કરવા માટે મજબૂર હતાં. કદાચ એ કારણથી સરતચંદ્રની નવલકથા અને ફિલ્મ અત્યંત લોકોપ્રિય થઇ હતી.

આજે આવો પ્રેમ ટોક્સિક લાગે, કારણ કે એમાં દેવદાસ અને તેની સાથે જોડાયેલા તમામ લોકો બહેતર થવાને બદલે બરબાદ થાય છે. એમાં દેવદાસ તેની નિરાશા, એકલતા અને શરાબીપણાને રોમેન્ટિસાઈઝ કરે છે. દેવદાસ જ્યારે ઘર અને પારોને છોડીને જતો રહે છે, ત્યારે તે ખુદને સંભાળવાને બદલે ખુવાર કરી નાખે છે. દિલીપ કુમારને એવો અહેસાસ થયો હતો કે ‘દેવદાસ’ની લોકપ્રિયતા કદાચ પ્રેમમાં નાસીપાસ યુવાનોમાં શરાબખોરીને પ્રોત્સાહન આપશે. તેમની આત્મકથામાં તેઓ લખે છે;

“હું બહુ વિગતોમાં ઊંડો નહીં ઊતરું, પણ શરૂઆતમાં મને એ વાતની તકલીફ થતી હતી કે હું એક એવો કિરદાર ભજવી રહ્યો છું, જેની ભીતર ગહેરી પીડા અને ઉદાસી છે અને કદાચ અધકચરા યુવાનોમાં એવું માનવાની ગેરસમજ થાય કે પ્રેમની નિરાશામાંથી છૂટવા માટેનો સૌથી શ્રેષ્ઠ ઉપાય શરાબ છે. મેં જેમ જેમ એ વિષય પર વિચાર કર્યો તો મને લાગ્યું કે હું જો પૂરતા વિવેક સાથે આ પાત્ર ભજવું તો એક યાદગાર ફિલ્મ બને તેમ છે.”

દિલીપ કુમારે જાતને આપેલું એ વચન પાળી બતાવ્યું હતું. જો કે, એ સહેલું ન હતું. એક દિવસ શુટિંગમાં બ્રેક પડ્યો, ત્યારે  નબેન્દુ ઘોષે જોયું કે દિલીપ સાબ ક્યાંક ખોવાયેલા છે અને છેટા રહે છે. ઘોષ તેમની પાસે ગયા અને પૂછ્યું કે શું થયું છે? તો ટ્રેજેડી કિંગે કહ્યું, “નબેન્દુ બાબુ, એ ત્રણે જણા મારા ખભા પર ચઢી બેઠા છે?” કોણ ત્રણ જણા? તેમણે કહ્યું, “સરતબાબુ, પ્રમ્તેશ બરુઆ, કુંદન લાલ સાયગલ.”

દિલીપ કુમાર ‘દેવદાસ’માં એ ભાર ઊંચકીને ત્રણેથી આગળ નીકળી ગયા હતા.

પ્રગટ : ‘બ્લોક બસ્ટર’ નામક લેખકની સાપ્તાહિક કોલમ, “ગુજરાતી મિડ-ડે”, 24 જુલાઈ 2021

Loading

ગ્રાન્ટેડ કોલેજોના લાભો ઘટવાના ન હોય તો તેને ખાનગી યુનિવર્સિટીઓ સાથે જોડવાનું કોઈ કારણ ખરું?

રવીન્દ્ર પારેખ|Opinion - Opinion|30 July 2021

સરકારમાં અત્યારે ખાનગીકરણનો વાવર ચાલે છે. બેંકો ખાનગી હતી તો તેનું 1969માં રાષ્ટ્રીયકરણ થયું ને હવે સરકારને લાગે છે કે રાષ્ટ્રીયકરણ નિષ્ફળ ગયું છે તો બેન્કોને ફરી ખાનગી કરીએ. આનો બેન્કોને વિરોધ છે. વિરોધ એટલે છે કે તેના કર્મચારીઓને નોકરી અને પગારની સલામતી જણાતી નથી.

સરકારી શાળાઓ રામ ભરોસે જ ચાલે છે, પણ સરકારને તે ઠીક ન લાગતાં તેણે ખાનગી શાળાઓને ઉત્તેજન આપવા માંડ્યું, પરિણામે ખાનગી શાળાઓનો રાફડો ફાટ્યો ને તેનું વર્ચસ્વ વધતાં સરકારી શાળાઓ ગરીબડી થતી ગઈ ને એમાં ગરીબો બચ્યા ને તેનું શિક્ષણ પણ ગરીબ જ થતું ગયું. ખાનગીના અર્થો પણ સ્પષ્ટ થયા. જેમ કે ખાનગીમાં ફી વધારે જ હોય, તેમાં છાશવારે વાલીઓ પાસેથી ઉઘરાણીઓ ચાલ્યા જ કરતી હોય ને તેના શિક્ષકોનું ભાવિ અને પગારનું ધોરણ અચોક્કસ જ હોય તથા તાલીમ પામેલા શિક્ષકો જ ભણાવે એ નક્કી ન હોય. હવે કોરોનાની સ્થિતિમાં સરકાર ખાનગી સ્કૂલોને ફી ઘટાડવાનું કહે છે તો તેનો સંચાલકોને વાંધો પડે છે અને તેઓ સરકારની ઐસી તૈસી કરીને વાલીઓને લૂંટવા તૈયાર છે. એક તરફ વાલીઓની આવકનાં ઠેકાણાં નથી ને બીજી તરફ ફીનું ઉઘરાણું ચાલુ જ છે એટલે ઘણા વાલીઓનાં સંતાનો સરકારી સ્કૂલોમાં પણ પહોંચ્યાં છે.

આટલા પરથી એટલું તો સમજાય છે કે ખાનગીકરણ સરવાળે મોંઘું પડે છે. આના પરથી બોધપાઠ લેવાને બદલે સરકારે ખાનગીકરણ કોલેજ કક્ષાએ વધુ સઘન કરવાની કોશિશો કરવા માંડી છે. તેણે ગુજરાતમાં કેટલીક ખાનગી યુનિવર્સિટીઓ શરૂ કરી છે. અન્ય શહેરની જેમ સુરતને પણ આ વર્ષે સાર્વજનિક અને વનિતા વિશ્રામ એમ બે યુનિવર્સિટીઓ મળી છે. આ યુનિવર્સિટીઓ કેવી રીતે કાર્યરત થશે કે તેની પ્રવેશની અને અધ્યાપકોની કેવી અને કેટલી સલામતી હશે તેની કશી જ વ્યવસ્થાઓ વગર યુનિવર્સિટીઓની જાહેરાત કરી દેવામાં આવી છે, તે એ હદ સુધી કે સાર્વજનિક યુનિવર્સિટીએ ખાનગી યુનિવર્સિટીનું કોઈ આવેદન આપ્યું નથી ને તેને યુનિવર્સિટીનું સ્ટેટસ પ્રાપ્ત થઈ ગયું છે.

જુદા જુદા શહેરોને આમ લહાણીમાં યુનિવર્સિટીઓ આપી દેવાનું શું કારણ છે તે સમજાય તે પહેલાં તો અરાજકતાઓ સામે આવવા માંડી છે. સરકારની જાણમાં, વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીએ સાર્વજનિક એજ્યુકેશન સોસાયટી સાથે જોડાયેલી કોલેજોનું જોડાણ એમ કહીને કાપી નાખ્યું છે કે તે હવે ખાનગી સાર્વજનિક સોસાયટીની કોલેજો છે. એમાં સુરત ઉપરાંત બારડોલી અને અન્ય વિસ્તારની કોલેજો પણ ખરી. ગમ્મત એ છે કે ખાનગી યુનિવર્સિટીઓ એવી નવજાત અવસ્થામાં છે કે એને પોતાના અસ્તિત્વની જ ખાસ ખબર નથી, ત્યાં એ બીજી કોલેજોને પોતાની સાથે જોડે તો પણ કઈ રીતે ને કયાં ધોરણે એ મૂંઝવણ છે. નર્મદ યુનિવર્સિટીએ તો એમ કહીને મર્દાઈ બતાવી દીધી કે સરકાર માઈબાપે છેડો છૂટકો કરવાનું કહી જ દીધું છે એટલે આજથી આપણે છુટ્ટા ! સાર્વજનિક યુનિવર્સિટી કહે છે કે હે ગ્રાન્ટેડ કોલેજો, અમારે તમને સમાવવાના છે એની અમને જ ખબર નથી. આ વેપલામાં થોડીક કોલેજો ન ઘરની કે ન ઘાટની થઈ ગઈ છે. સાર્વજનિક એજ્યુકેશન સોસાયટી હતી ત્યારે તેણે એમ.ટી.બી., કે.પી., વી.ટી. ચોક્સી, એસ.પી.બી. જેવી કોલેજોને પાંખમાં લીધી હતી, પણ જેવી તે સાર્વજનિક યુનિવર્સિટી થઈ કે આ કોલેજોને ન તો સાથે રાખી શકાય કે ન તો હાંકી કઢાય એવી – સાપે છછુંદર ગળ્યા – જેવી હાલત તેની થઈ છે. સાર્વજનિક સોસાયટીના સંચાલકો શિક્ષણ મંત્રીનું બારણું ઠોકી આવ્યા તો સાહેબે કહ્યું કે આ ખાલી તમારો જ પ્રશ્ન નથી, ઘણાનો પ્રશ્ન છે ને ચિંતા ન કરો, નિરાકરણ આવી જશે. સાહેબ તોડ પાડે કે લાવે ત્યારની વાત ત્યારે, પણ અત્યારે તો સાર્વજનિક, વનિતા વિશ્રામ ને બારડોલીના મળીને નવેક કોલેજના વિદ્યાર્થીઓ એડમિશનનું શું થશે એ વાતે અકળાયેલા છે. બારડોલીમાં તો કોલેજના વિદ્યાર્થીઓએ શિક્ષણનું ખાનગીકરણ બંધ કરો – કહીને સરઘસ કાઢયું ને મામલતદારને આવેદનપત્ર પણ આપી દીધું.

બીજે પણ વિરોધ ઊઠ્યો છે. સરકાર એનો શો ઉકેલ લાવે છે તેની રાહ જોવાની રહે, પણ કોરોના જેવી મહામારીનું ઠેકાણું ન પડતું હોય ત્યારે જંપી જવાનું હતું, તેને બદલે પેટ ચોળીને શૂળ ઊભું કર્યું. કોણ અત્યારે યુનિવર્સિટી વગર રહી જતું હતું તે નથી ખબર ને યુનિવર્સિટી ચાલુ કરી તો ભલે, ચાલુ કરતાં પહેલાં એ તો જુઓ કે દુકાનમાં માલબાલ છે કે કેમ? ખાલી પાટિયું જાહેર કર્યું ને સરકારને લાગ્યું કે યુનિવર્સિટી શરૂ થઈ ગઈ. સોસાયટી સાથે જે કોલેજો જોડાયેલી છે, તે ગ્રાન્ટેડ કોલેજો છે ને તેનું જોડાણ નર્મદ યુનિવર્સિટી સાથે હતું. નર્મદે ના પાડી, એટલે સોસાયટીએ કહ્યું પણ ખરું કે તે હજી પૂરી યુનિવર્સિટી થઈ નથી તો હમણાં છે તે જોડાણ ચાલુ રાખો, પણ તેને દાદ મળી નથી કે નથી તો સરકારે હજી સુધી ખુલાસો કર્યો. કમાલ છે ને કે સોસાયટી તરીકે ફોડી લેતી હતી તે યુનિવર્સિટી બનતાં કફોડી હાલતમાં મુકાઈ. અત્યારે તો હજારો વિદ્યાર્થીઓ ત્રિશંકુની દશામાં છે. આ કોલેજો સાધારણ કોલેજો નથી, સોસાયટી ને એમ.ટી.બી. તો શતાબ્દી પાર કરીને સિદ્ધિ પામી ચૂકેલી સંસ્થાઓ છે, તે સૌની હાલત યુનિવર્સિટી બનતાં કથળી છે.

ધારો કે સાર્વજનિક યુનિવર્સિટી સાથે જોડાણ થાય છે તો આ ગ્રાન્ટેડ કોલેજો ખાનગી યુનિવર્સિટી સાથે જોડાશે. એ કોલેજોનું સ્ટેટસ શું હશે? તે કોલેજો ગ્રાન્ટેડ ગણાશે કે ખાનગી? ગ્રાન્ટેડ ગણાય તો, તો બહુ વાંધો નહીં આવે, પણ ખાનગી ગણાય તો વિદ્યાર્થીઓની અને અધ્યાપકોની હાલત ખરાબ થશે. ખાનગીની તાજી વ્યાખ્યા વધારે ફી અને ઓછા પગારની છે. સુરત, બારડોલીની ગ્રાન્ટેડ કોલેજોમાં ભણનારા વિદ્યાર્થીઓ આદિવાસી વિસ્તારમાંથી આવનારા ને મધ્યમવર્ગના શહેરી વિદ્યાર્થીઓ છે. જો તેઓ ખાનગી યુનિવર્સિટીમાં જાય તો ફીનું ધોરણ તેમને પરવડી શકે નહીં. એ સ્થિતિમાં કેટલાકે ભણવાનું છોડવું પડે. સરકાર એવું ઈચ્છે છે કે ગરીબ વિદ્યાર્થીઓ ભણે નહીં? એ તો ઠીક, આ કોલેજોમાં પીએચ.ડી.ના ગાઇડ્સ છે, સિનિયર અધ્યાપકો છે, એ પણ ખાનગી યુનિવર્સિટીમાં ધકેલાય તો તેમનું પગાર ધોરણ અને બીજા લાભોનું શું તે પણ વિચારવાનું રહે. ખાનગી શાળાઓમાં શિક્ષકોનું જે શોષણ થાય છે તે અહીં નહીં જ થાય એની ખાતરી નથી. સરકાર તો કહે છે કે ખાનગી યુનિવર્સિટીઓમાં ગ્રાન્ટેડ કોલેજો જોડાશે તો વિદ્યાર્થીઓએ વધારે ફી નહીં ભરવી પડે કે ન તો અધ્યાપકોના હકો ડૂબશે. એવી વાત પણ છે કે નર્મદ યુનિવર્સિટીમાં રહીને સોસાયટીની કોલેજોના અધ્યાપકોની જે રાજનીતિ ચાલતી હતી તે અટકી પડે એવું લાગતાં અધ્યાપકો ખાનગીનો વિરોધ કરે છે. અધ્યાપકો રમત રમવા જ યુનિવર્સિટીમાં આવે છે એવું ધારી લેવું વધારે પડતું છે. એમને ખાનગીમાં હિતોનું રક્ષણ થશે કે કેમ એ ચિંતા હોય ને તેથી વિરોધ કરતાં હોય એ વાત સાવ કાઢી નાખવા જેવી નથી.

માની લઈએ કે વિદ્યાર્થીઓ અને અધ્યાપકોનાં હિતોનું રક્ષણ થશે, પણ એ આજની કબૂલાત છે. એ સ્થિતિ આગળ ઉપર પણ સચવાશે જ તેની ખાતરી નથી, વળી ખાનગી યુનિવર્સિટી ગ્રાન્ટેડ હિતોનું રક્ષણ કરવાની હોય તો તે ખાનગી કઈ રીતે છે તે પ્રશ્ન જ છે ને જો વિદ્યાર્થીઓનું કે અધ્યાપકોનું રક્ષણ ખાનગીમાં થવાનું હોય ને હાલની સ્થિતિમાં ફેર ન પડવાનો હોય તો તેને ખાનગીમાં નાખવાની જરૂર શી છે? એ કેવું કે યુનિવર્સિટી ખાનગી, પણ તે ગ્રાન્ટેડનાં હિતો માટે હોય ને વિદ્યાર્થી ને અધ્યાપકો ખાનગીમાં, પણ તેના હિત ગ્રાન્ટેડ જેવાં જ જળવાય. જો બધું જૈસે થે – જ રહેવાનુ હોય તો આ આખો વેપલો કરવાની કોઈ જરૂર હતી?

નવી શિક્ષા નીતિમાં કોલેજો અને યુનિવર્સિટીઓને સ્વાયત્તતા આપવાની વાત છે. એ ધ્યાને લઈએ તો એમ લાગે છે કે સરકાર શિક્ષણમાંથી હાથ કાઢી લઈને આખો કારભાર ખાનગી કોલેજોને અને યુનિવર્સિટીઓને માથે નાખવા માંગે છે. એમ થાય તો ખાનગી સંસ્થાઓ, કોલેજો અને યુનિવર્સિટીઓ ચલાવશે. જેને એમાં રસ છે તે સોર્સિસ ઊભા કરશે ને આર્થિક તેમ જ શૈક્ષણિક માળખું તૈયાર કરી ને સ્વતંત્ર રીતે કારભાર કરશે. એમાં તંદુરસ્ત સ્પર્ધા થાય તો ઉચ્ચ શિક્ષણની સુવિધાઓ વધે ને નવાં કીર્તિમાન સ્થપાય એમ બને. પણ, એ આદર્શ છે. ખાનગી શિક્ષણમાં અત્યાર સુધી કેવાક આદર્શો સ્થપાયા છે તે કોઈથી અજાણ્યું નથી. સ્વાયત્તતા તો સ્થપાય ત્યારે ખરી, પણ શોષણના નવા માર્ગો ખૂલે તો નવાઈ નહીં, છતાં આશાવાદી થવાનો ય વાંધો નથી. ચિંતા એક જ રહે કે સ્થિતિ સંપન્ન નથી એવા વિદ્યાર્થીઓ આર્થિક સુવિધાના અભાવમાં શિક્ષણથી દૂર ન થઈ જાય. એવું થશે તો એ ખોટ કોઈ પણ આદર્શ કરતાં મોટી હશે.

વેલ, નર્મદ યુનિવર્સિટીએ ગ્રાન્ટેડ કોલેજો સાથેનો છેડો તો ફાડી નાખ્યો, પણ તેને વિદ્યાર્થીઓ, અધ્યાપકોની કોઈ ગરજ છે કે કેમ? ફેંકી દેતાં હજારો વિદ્યાર્થીઓ ખાનગી યુનિવર્સિટીમાં ધકેલાતા વિદ્યાર્થીઓની જે તૂટ પડશે એ કેવી રીતે સરભર થશે તે વિચારાયું છે ખરું કે અધ્યાપકો ખાનગીમાં ધકેલાશે તો શિક્ષણકાર્યને વાંધો નહીં આવે એવી ખાતરી છે કે યુનિવર્સિટી વિદ્યાર્થીઓ વગર પણ ચાલી રહેશે એવી સરકારને શ્રદ્ધા છે?

ખરેખર તો સરકાર તરંગોમાંથી નીચે આવે ને નક્કર ધરાતલ પર રહીને ગંભીરતાથી આખી સમસ્યાનો ઉકેલ લાવે તે અપેક્ષિત છે. અસ્તુ !

000

e.mail : ravindra21111946@gmail.com

પ્રગટ : ‘આજકાલ’ નામક લેખકની કટાર, “ધબકાર”, 30 જુલાઈ 2021

Loading

ટૂંકું અજંપ જીવન, રંગસમૃદ્ધ ભવ્ય ચિત્રો : અમૃતા શેરગિલ

સોનલ પરીખ|Opinion - Opinion|30 July 2021

‘અમૃતા શેરગિલ ભારતીય ઉપખંડમાં આધુનિક ચિત્રશૈલીનો પાયો નાખનારાઓમાંની એક હતી. પોતાની પીંછી દ્વારા તેણે 1930ના ભારતીય સ્ત્રીપુરુષોની રોજિંદી જિંદગીને, એની હતાશાઓ અને એકલતાઓ સમેત અભિવ્યક્તિ આપી.’ 1941માં અમૃતા શેરગિલ મૃત્યુ પામી ત્યારે ‘ન્યૂ યૉર્ક ટાઈમ્સ’ ઓબિચ્યુરીની શરૂઆત આ શબ્દોથી થઈ હતી. ‘ન્યૂ યૉર્ક ટાઈમ્સ’માં માત્ર શ્વેત લોકોને શ્રદ્ધાંજલિ અપાતી, અપવાદરૂપ વ્યક્તિઓની જ નોંધ લેવાતી. અમૃતા શેરગિલ આવો અપવાદ હતી. માત્ર ઓગણત્રીસ વર્ષના ટૂંકા અજંપ જીવન અને ભવ્ય કલાકૃતિઓ વડે તે હંમેશાં આંતરરાષ્ટ્રીય ચર્ચામાં રહી. તાજેતરમાં એનું એક પેઈન્ટિંગ ‘ઇન ધ લેડીઝ એન્ક્લોઝર’ સેફ્રોનેટ ઑક્શન હાઉસે 37.8 કરોડ રૂપિયામાં વેચ્યું. આથી એ બીજા નંબરનું સૌથી મોંઘું ભારતીય પેઈન્ટિંગ બન્યું છે (પહેલા નંબરનું વી.એસ. ગાયતોંડેનું પેઈન્ટિંગ 39.98 કરોડમાં આ વર્ષના માર્ચમાં વેચાયું હતું). અમૃતા શેરગિલની ચિત્રશૈલીએ કલાકારોની એકથી વધારે પેઢીઓને પ્રભાવિત કરી છે. તેના પર પુસ્તકો લખાયાં છે, ટપાલ ટિકિટ નીકળી છે, સલમાન રશદીની એક નવલકથા ‘ધ મૂર્સ લાસ્ટ સાય’નું પાત્ર તેનાથી પ્રેરિત છે, દિલ્હીમાં તેના નામનો એક માર્ગ છે.

એનો નાનકડો જીવનકાળ યુરોપ અને ભારત વચ્ચે વહેંચાયેલો રહ્યો. 1913ની 30મી જાન્યુઆરીએ ડાન્યુબ નદીને કાંઠે, બુડાપેસ્ટના એક સુંદર-શાંત ઘરમાં, પંજાબી રાજકૂળના સંસ્કૃત-ફારસીના વિદ્વાન ઉમરાવસિંહ શેરગિલ અને હંગેરિયન-યહૂદી ઓપેરા ગાયિક મેરી એન્ટોઈનેટને ત્યાં તેનો જન્મ. બાળપણનો મોટા ભાગનો સમય બુડાપેસ્ટમાં જ વીત્યો. વિશ્વયુદ્ધ પછીની હાડમારીથી બચવા 1921માં શેરગિલ પરિવાર ભારત આવી સિમલામાં વસ્યો. અમૃતાના પેઈન્ટિંગની શરૂઆત અહીં જ થઈ. નોકરોને મોડેલ બનાવી તે ચિત્રો દોરતી રહેતી. એટલી નાની ઉંમરે પણ તે પોતાને ‘એથેઈસ્ટ’ કહેતી. એ માટે એક વાર તેને કૉન્વેન્ટ સ્કૂલમાંથી કાઢી મૂકી, તો પણ. અમૃતા અને એની બહેન ઇન્દિરા બન્ને પિયાનો શીખતી અને સિમલાના ગેઈટી થિયેટરમાં યોજાતાં નાટકો અને કૉન્સર્ટ્સમાં ભાગ લેતી.

મામા અર્વિન બેકેટ સિમલા આવ્યા ત્યારે એમણે અમૃતાની કલાને પારખી, માએ પણ પ્રોત્સાહન આપ્યું. પેઈન્ટિંગ શીખવા અમૃતા ઈટલી, ફ્રાન્સ અને અન્ય યુરોપીય દેશોમાં ફરી અને ત્યાંની પ્રખ્યાત આર્ટ સ્કૂલોમાં ભણી. પેરિસમાં ‘યંગ ગર્લ્સ’ને ગોલ્ડ મેડલ મળ્યો ત્યારે તે માત્ર 19 વર્ષની હતી. એમાં જે તરુણીઓ બતાવી છે તેમાં એક તેની બહેન ઈન્દિરા હતી. ત્યાં કરેલું ‘ટ્રેડિશનલ વુમન’ આજે પણ સીમાચિહ્નરૂપ ગણાય છે. ત્યાં તેણે ઘણાં ન્યૂડ પેઈન્ટિંગ અને સેલ્ફ પોટ્રેટ્સ બનાવ્યાં. ઉપરાંત સ્ટીલ લાઈફ, પેરિસનું જીવન, મિત્રો-વિદ્યાર્થીઓનાં પેઈન્ટિંગ પણ કર્યાં. ‘કન્વર્ઝેશન્સ’ પણ અહીંનું. ભરપૂર પ્રશંસા અને પ્રસિદ્ધિ મળતાં ગયાં. પેરિસના ગ્રાન્ડ સલૂનમાં ચૂંટાનારી તે પ્રથમ અને સૌથી નાની ઉંમરની એશિયન હતી. આ બધું છતાં તે ભારત આવવા ઝંખતી – ધેર લે માય ડેસ્ટિની એઝ અ પેઈન્ટર. પોતાના અપાશ્ચાત્ય, અપરિચિત મૌલિક સ્વની શોધ તેને ભારત જવા પ્રેરતી હતી.

તેણે માને લખ્યું, ‘હું પેઈન્ટિંગ શીખું છું, છતાં કોઈ મને એ શીખવે છે એમ નથી. બિકૉઝ આઈ પઝેસ ઇન માય સાયકોલૉજિકલ મેકઅપ અ પિક્યુલિઆરિટી ધૅટ રિસેન્ટ્સ એની આઉટ્સાઈડ ઈન્ફ્લ્યુઅન્સ.’ વિવેચકો તેના પેઈન્ટિંગ પર હંગેરિયન પેઈન્ટર્સ અને પૉસ્ટ ઈમ્પ્રેશનિઝમનો પ્રભાવ જોતા. તેના એક પ્રોફેસર કહેતા કે ‘અમૃતાના પેઈન્ટિંગમાં જે રંગસમૃદ્ધિ છે તે પશ્ચિમની દેણ નથી. અમૃતાની કલાપ્રતિભા તેનો સાચો ઉન્મેષ પૂર્વમાં જ પ્રાપ્ત કરી શકશે.’

અને 1934માં પેરિસના ઠંડા, ભૂખરા સ્ટુડિયોઝને છોડી તે ભારત આવી – સૂર્યપ્રકાશિત ધરતી, ઘેરા રંગો અને ઘઉંવર્ણ નમ્ર લોકોના દેશમાં. અહીં તેને પત્રકાર માલ્કમ મગરિજ મળ્યો. બન્ને સાથે થોડું રહ્યાં. તેણે માલ્કમનું પેઈન્ટિંગ પણ બનાવ્યું જે અત્યારે દિલ્હીની નેશનલ ગૅલેરી ઑફ મોર્ડન આર્ટમાં છે. ભારત સરકારે અમૃતાનાં પેઈન્ટિંગ્સને ‘રાષ્ટ્રિય કલાનિધિ’ ઘોષિત કરી આ ગેલેરીમાં સાચવ્યાં છે. લાહોર અને પેરિસનાં મ્યુઝિયમોમાં પણ તેનાં ચિત્રો છે.

સિમલાના મકાનના ઉદ્યાનમાં એક તરફ અમૃતાએ સ્ટુડિયો બનાવ્યો હતો. આખો વખત તે ચિત્રો બનાવતી. 1935માં સિમલાની ફાઈન આર્ટ્સ સોસાયટી ચિત્રપ્રદર્શન ભરવાની હતી. અમૃતાએ 10 ચિત્રો મોકલ્યાં. તેમણે પાંચ પાછાં મોકલ્યાં જે ખરેખર તો વધારે સારાં હતાં. જે પાંચ સ્વીકાર્યાં હતાં એમાંના એકને ગોલ્ડ મેડલ મળ્યો, જે પાછું એ પાંચમાં છેલ્લા ક્રમે આવે. અમૃતાને આખી વાતનો એટલો કંટાળો આવ્યો કે તેણે મેડલ ‘વધુ યોગ્ય વ્યક્તિના લાભાર્થે’ પાછો મોકલ્યો. દિલ્હીમાં યોજાયેલા એક પ્રદર્શનમાં પણ આવો જ અનુભવ થયો. કલાપ્રદર્શનોની ‘મિડિયોક્રસી’થી ત્રાસીને તેણે પ્રદર્શનમાં ચિત્રો મોકલવા બંધ કર્યાં. 

1936માં એ પોતાનાં ભુલાયેલા ભારતીય મૂળને શોધવા ખૂબ ફરી. ભારતીય પરિધાન અપનાવ્યું. માએ ગૂંથી આપેલાં પુલઓવર પણ ન પહેરતી. લોકજીવન નજીકથી જોયું. મોગલ અને પહાડી શૈલી તેમ જ અજંતાનાં ગુફાચિત્રોથી પ્રભાવિત થઈ. કોચીન અને ત્રાવણકોર પણ ગઈ. પદ્મનાભપુરમના મહેલના મધ્યકાલીન ચિત્રો તેને ખૂબ ગમ્યાં. ‘હું વ્યક્તિવાદી છું. સંતો અને ગરીબોના આ દેશનું આકલન અને આલેખન મારી પોતાની શૈલીથી કરું છું, જે પરંપરાગત અર્થમાં ભારતીય ન કહેવાય, પણ તેનો આત્મા ભારતીય છે.’ ત્રિવેન્દ્રમમાં પહેલી વાર કથકલી જોયું, ‘અજબ છે. કલાત્મક પણ.’

1937માં તેણે દક્ષિણ ભારતમાં ત્રણ ચિત્રો બનાવ્યાં – ‘બ્રાઈડલ ટૉયલેટ્સ’, ‘બ્રહ્મચારીઝ’ અને ‘સાઉથ ઈન્ડિયન વિલેજર્સ ગોઈંગ ટુ માર્કેટ.’ એ જ વર્ષે તેને ‘થ્રી ગર્લ્સ’ માટે બોમ્બે આર્ટ સોસાયટીએ ગોલ્ડ મેડલ આપ્યો. શરણાગતિ અને નિયતિના સ્વીકારના ભાવવાળી, ઢળેલી આંખોવાળી ત્રણ છોકરીઓના ચહેરા અને બેસવાની રીત ઘણું કહી જાય છે. ‘મને મારું લક્ષ્ય મળી ગયું છે. ગરીબ, ગ્રામીણ ભારતીયોની મૌન, ધૈર્યપૂર્ણ, એકલવાઈ છબિને, તેમનાં શ્યામલ છાયાચિત્રો સમાં શરીરો દ્વારા ચિત્રિત કરવી.’

1938માં તે હંગેરી ગઈ. વિક્ટર એગન સાથે લગ્ન કર્યાં. જતા પહેલાં લખ્યું, ‘હંગેરી જઈને હું શિલ્પ શીખીશ. મને નથી લાગતું કે હું યુરોપમાં ચિત્રો કરીશ. હું ભારતમાં જ ચિત્રો કરી શકું. બીજે ક્યાં ય હું એટલી સહજ, સ્વાભાવિક કે આત્મવિશ્વાસપૂર્ણ નથી રહી શકતી. યુરોપ પિકાસો, મેટિસ અને બ્રાકનું છે પણ ભારત માત્ર મારું છે.’

‘અમૃતા શેરગિલ ભારતીય ઉપખંડમાં આધુનિક ચિત્રશૈલીનો પાયો નાખનારાઓમાં મુખ્ય હતી. પોતાની પીંછી દ્વારા તેણે 1930ના ભારતીય સ્ત્રીપુરુષોની રોજિંદી જિંદગીને, એની હતાશાઓ અને એકલતાઓ સમેત અભિવ્યક્તિ આપી.’

અમૃતા શેરગિલ મૃત્યુ પામી ત્યારે ‘ન્યૂ યૉર્ક ટાઈમ્સ’ ઓબિચ્યુરીની શરૂઆત આ શબ્દોથી થઈ હતી. ‘ન્યૂ યૉર્ક ટાઈમ્સ’માં માત્ર શ્વેત લોકોને શ્રદ્ધાંજલિ અપાતી, અમૃતા શેરગિલ એમાં અપવાદ હતી. માત્ર ઓગણત્રીસ વર્ષના ટૂંકા અજંપ જીવન અને ભવ્ય કલાકૃતિઓ વડે તે હંમેશાં આંતરરાષ્ટ્રીય ચર્ચામાં રહી. તાજેતરમાં એનું એક પેઈન્ટિંગ ‘ઇન ધ લેડીઝ એન્ક્લોઝર’ સેફ્રોનેટ ઑક્શન હાઉસે 37.8 કરોડ રૂપિયામાં વેચ્યું …

1039માં તે પતિ વિક્ટર સાથે ભારત આવી. યુરોપના આકાશમાં યુદ્ધના વાદળ ઘેરાવા માંડ્યાં હતાં. બન્ને સરાયા જઈને રહ્યાં. સરાયા તેની ચેતના પર અજબ અસર કરતું. અમૃતા ખૂબ કામ કરતી. ‘ધ સ્વિંગ’, ‘ધ એન્શિયન્ટ સ્ટોરી ટેલર’, ‘ધ બ્રાઈડ’, ‘ધ હૉર્સ એન્ડ ધ ગ્રુમ’, ‘વુમન રેસ્ટિંગ ઓન ચારપાઈ’, ‘ટાહિટિયન’, ‘રેડ બ્રિક્સ હાઉસ’, ‘હિલ સીન’, ‘વિમેન ઈન રેડ’, ‘એલિફન્ટ્સ બૅધિંગ ઈન ધ ગ્રીન પૂલ’, ‘ધ હલ્દી ગ્રાઈન્ડર’, ‘રેસ્ટિંગ’ ‘વિલેજ સીન’, ‘ઇન ધ લેડીઝ એન્ક્લૉઝર’, ‘સીએસ્ટા’ કર્યાં. ‘સમય નથી.’ એ વારંવાર કહેતી. તેને એક જાતનો અજંપો ઘેરતો ગયો.

1941ના સપ્ટેમ્બરમાં પતિપત્ની લાહોર ચાલ્યા ગયાં. લાહોર ત્યારે સંસ્કૃતિ અને કલાનું કેન્દ્ર ગણાતું. ‘કેમલ્સ’ અને અધૂરું છતાં મનમોહક છેલ્લું ચિત્ર તેણે લાહોરમાં કર્યાં. ડિસેમ્બરમાં તેને લાહોરમાં પોતાના ચિત્રોનું મોટું પ્રદર્શન ભરવું હતું. પણ ત્રીજી ડિસેમ્બરે તે માંદી પડી, કોમામાં ચાલી ગઈ અને પાંચમી ડિસેમ્બરે તેનું મૃત્યુ થયું. તેનું મૃત્યુ આજ સુધી અફવાઓમાં વીંટળાયેલું એક રહસ્ય જ રહ્યું છે.

અમૃતાનાં ચિત્રો ભારતીય સંસ્કૃતિ માટે એટલાં મહત્ત્વનાં ગણાયાં કે જ્યારે પણ લીલામ થાય, સરકાર આગ્રહ રાખે કે દેશની કલા દેશમાં જ રહેવી જોઈએ. દસેક ચિત્રો જ બહાર વેચાયાં છે. 2006માં તેનું ચિત્ર ‘વિલેજ સીન’ 6.9 કરોડના વિક્રમી ભાવે વેચાયું હતું. 2018માં ‘ધ લિટલ ગર્લ ઈન બ્લ્યૂ’ 18-69 કરોડમાં વેચાયું. એ અમૃતાની પિતરાઈ બહેન બબીતનું પોટ્રેટ હતું. 1934માં અમૃતાએ એ બનાવ્યું ત્યારે બબીત આઠ વર્ષની હતી. યુનેસ્કોએ વર્ષ 2013ને અમૃતા શેરગિલ ઈન્ટરનેશનલ યર ઘોષિત કર્યું હતું.

પોતાના સમયથી બહુ આગળ, નિર્ભય મુક્તતા સાથે એ જીવી. એ કાળના ભારતમાં તેના જેવી આધુનિક, પ્રતિભાશાળી અને કંઈક નિરંકુશ જીવન જીવતી સ્ત્રીનો સ્વીકાર થવો મુશ્કેલ હતો. તેનો પરિવાર બ્રિટિશ રાજ સાથે ઘરોબો ધરાવતો હતો, પણ અમૃતાને ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ, પંડિત નહેરુ અને મહાત્મા ગાંધી પ્રત્યે આકર્ષણ હતું.  

અમૃતા ભારતની ફ્રિડા કાહલો ગણાતી. ફ્રિડા મેક્સિકન પેઈન્ટર હતી. બન્ને ન્યૂડ ચિત્રો અને સેલ્ફ પોટ્રેટ માટે જાણીતાં હતાં. ફ્રેડા પણ નાની ઉંમરે મૃત્યુ પામી હતી અને અનેક સ્ત્રીપુરુષો સાથે અંતરંગ સંબંધ ધરાવતી હતી. કલા અને પોતાની જાત પ્રત્યેનું ઉગ્ર વળગણ બન્નેમાં સમાન હતું.

કલા વિવેચક રિચર્ડ બાર્થોલોમ્યુએ 1992માં લખ્યું હતું, ‘અમૃતાના જીવનનાં છેલ્લાં વર્ષો ભવ્ય અભિવ્યક્તિ અને વિકટ સંજોગોનાં હતાં. કલાકાર તરીકે તે અદ્દભુત હતી. ઓગણત્રીસ વર્ષની જિંદગીમાં આ કક્ષાએ ભાગ્યે જ પહોંચી શકાય. પણ તેણે જે શિખરો સર કરવા ધાર્યું હતું ત્યાં તે પહોંચી હતી? આપણને એની ખબર પડવાની નથી. તેનામાં કેટલાં શિસ્ત, આત્મવિશ્વાસ અને ધૈર્ય હતાં; કેટલી કલાભૂખ, વ્યાકુળતા, ઝંખના ને પીડા સળગતી હતી તેની આપણે તો કલ્પના જ કરવાની રહે છે.’ 

પ્રગટ : લેખિકાની ‘રિફલેક્શન’નામક સાપ્તાહિક કોલમ, “જન્મભૂમિ પ્રવાસી”, 25 જુલાઈ 2021

e.mail : sonalparikh1000@gmail.com

Loading

...102030...1,8401,8411,8421,843...1,8501,8601,870...

Search by

Opinion

  • ચલ મન મુંબઈ નગરી—328
  • આનંદ તેલતુંબડેની જેલડાયરી
  • જ્ઞાતિસૂચક અટકોની નાબૂદીથી જ્ઞાતિ નિર્મૂલન શક્ય છે?
  • આવ્યા આવ્યા દિવસો હડતાલના …
  • ૧૪૪મી કલમનો મનસ્વી ઉપયોગ : મૂળભૂત અધિકારોનું હનન છે.

Diaspora

  • છ વર્ષનો લંડન નિવાસ
  • દીપક બારડોલીકરની પુણ્યતિથિએ એમની આત્મકથા(ઉત્તરાર્ધ)ની ચંદ્રકાન્ત બક્ષીએ લખેલી પ્રસ્તાવના.
  • ગાંધીને જાણવા, સમજવાની વાટ
  • કેવળ દવાથી રોગ અમારો નહીં મટે …
  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !

Gandhiana

  • ગાંધી ‘મોહન’માંથી ‘મહાત્મા’ બન્યા, અને આપણે?
  • ગાંધીહત્યાના પડઘા: ગોડસેથી ગોળવલકર સુધી …
  • ગાંધીની હત્યા કોણે કરી, નાથુરામ ગોડસેએ કે ……? 
  • ગાંધીસાહિત્યનું ઘરેણું ‘જીવનનું પરોઢ’ હવે અંગ્રેજીમાં …
  • સરદાર પટેલ–જવાહરલાલ નેહરુ પત્રવ્યવહાર

Poetry

  • ગઝલ – 1/2
  • સખીરી તારો એ હૂંફાળો સંગાથ …
  • વસંતાગમન …
  • એ પછી સૌના ‘આશિષ’ ફળે એમ છે.
  • ગઝલ

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved