Opinion Magazine
Number of visits: 9674846
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

ગાંધી આશ્રમ પર થતો સરકારી કબજો અટકાવો

——, રાજેન્દ્ર શુક્લ|Opinion - Opinion|10 August 2021

સાબરમતી આશ્રમ

અમદાવાદમાં સાબરમતી આશ્રમ તરીકે ઓળખાતો ગાંધી આશ્રમ એ આંતરરાષ્ટ્રીય મહત્ત્વ ધરાવતું અનન્ય સ્મારક છે. ૧૯૧૭થી ૧૯૩૦ સુધી તે ગાંધીજીનું ઘર હતું. તેમણે આશ્રમથી વિખ્યાત દાંડીયાત્રાનું નેતૃત્વ કર્યું અને આઝાદી ન મળે ત્યાં સુધી આશ્રમમાં પાછા ન આવવાની પ્રતિજ્ઞા લીધી.

દાંડી કૂચ પછી, ગાંધીજીએ ૧૯૩૩માં આઝાદીની લડતના એક ભાગરૂપે આશ્રમને વિખેરી નાખ્યો હતો. આઝાદી પછી ગાંધીજીના સહયોગીઓ અને અનુયાયીઓએ આશ્રમની ઇમારતો અને આર્કાઇવલ સંપત્તિની રક્ષા માટે ‘સાબરમતી આશ્રમ પ્રિઝર્વેશન એન્ડ મેમોરિયલ ટ્રસ્ટ’ની રચના કરી હતી. આશ્રમ હેઠળ બીજાં પાંચ ટ્રસ્ટ હતાં. તેઓ તેમની પ્રવૃત્તિઓ સ્વતંત્ર રીતે ચલાવે છે. ‘સાબરમતી આશ્રમ પ્રિઝર્વેશન એન્ડ મેમોરિયલ ટ્રસ્ટ’, ગાંધીજી અને કસ્તૂરબાના નિવાસસ્થાન હૃદય કુંજ સહિતની ઇમારતોની સંભાળ રાખે છે.

સરળતા અને ગરીમા

હૃદય કુંજ અને સ્મારક સંગ્રહાલય, દરરોજ વિશ્વના તમામ ભાગોમાંથી આવતા હજારો મુલાકાતીઓને કોઈ પણ પ્રકારની હોહા અથવા સુરક્ષા તપાસ કે સશસ્ત્ર વ્યક્તિઓની દૃષ્ટિ-તપાસ વગર, સાચા અર્થમાં ગાંધીવાદી શૈલીમાં આવકાર આપે છે. મુલાકાતીઓ પણ સ્થળની સુંદરતા, નિખાલસતા અને પવિત્રતાનો સ્પર્શ અનુભવે છે અને પ્રેરણા મેળવે છે. ચાર્લ્સ કોરિયા દ્વારા ૧૯૬૦ના દાયકાની શરૂઆતમાં રચાયેલું મ્યુઝિયમ-બિલ્ડિંગ, ઉપરોક્ત તમામ મૂલ્યોને પ્રતિબિંબિત કરે છે અને પરિસરના અભિન્ન ભાગ તરીકે ઉપસી આવે છે. રસ્તા પરથી પસાર થતી કોઈ પણ વ્યક્તિ, હૃદય કુંજની ટૂંકી મુલાકાત માટે આવી શકે છે અથવા અનુકૂળતા અને સમય મુજબ સંગ્રહાલયની ઝલક મેળવી શકે છે.

સૂચિત યોજના

હાલની સરકાર '૧૯૪૯ના દેખીતા સ્વસ્થતા, સુલેહ-શાંતિ અને સુવ્યવસ્થિત વાતાવરણ' ને 'ફરી' મેળવવા અને તેને ૫૪ એકરમાં ફેલાયેલું 'વર્લ્ડ ક્લાસ' પ્રવાસન-સ્થળ બનાવવા માટે તૈયાર છે. તેણે 'ગાંધી આશ્રમ મેમોરિયલ એન્ડ પ્રિસિંક્ટ ડેવલપમેન્ટ પ્રોજેક્ટ' માટે રૂ .૧૨૦૦ કરોડના બજેટની જાહેરાત કરી છે. અખબારના અહેવાલો અનુસાર નવા બનાવેલા 'વર્લ્ડ ક્લાસ' મેમોરિયલમાં નવા સંગ્રહાલયો, એક એમ્ફી થિયેટર, વી.આઇ.પી. લાઉન્જ, દુકાનો, ફૂડ કોર્ટ વગેરે હશે.

અહેવાલો કહે છે કે, આ પ્રોજેક્ટ વડા પ્રધાન અને મુખ્ય મંત્રીની સીધી દેખરેખ હેઠળ થશે. દેશની તમામ ગાંધીવાદી સંસ્થાઓને સરખી કરવી અને તેનું વ્યાપારીકરણ કરવાની હાલની સરકારની વ્યૂહરચનાને અનુરૂપ આ પગલું છે. આનું સૌથી ખરાબ ઉદાહરણ સેવાગ્રામમાં જોઈ શકાય છે, પરંતુ તમામ ગાંધીવાદી આર્કાઇવ્સ પર સરકારી નિયંત્રણ એ સૌથી ભયાનક પાસું છે. જયારે મહાત્મા ગાંધીની જે તત્ત્વો દ્વારા હત્યા કરવામાં આવી હતી તેમની વિચારધારા હજુ પણ ભારતમાં સત્તામાં રહેલા કેટલાક લોકોને પ્રેરણા આપે છે, ત્યારે આ જોખમને નજર અંદાજ ન કરી શકાય.

આનો અર્થ શું છે?

– પ્રસ્તાવિત યોજના હાલના આશ્રમ, મુખ્યત્વે હૃદય કુંજ, આસપાસની ઇમારતો અને સંગ્રહાલયની ગરીમા અને પવિત્રતાના મહત્ત્વને ગંભીર રીતે જોખમાવે છે.

– ૧૨૦૦ કરોડ રૂપિયાના પ્રોજેક્ટમાં આશ્રમની સાદગી સંપૂર્ણપણે ખોવાઈ જશે.

– હૃદય કુંજ, અન્ય ઐતિહાસિક ઇમારતો, અને વર્તમાન સંગ્રહાલયો, જો અડવામાં ન આવે તો પણ, તે કેન્દ્રમાં રહેશે નહીં, પરંતુ નવા મ્યુઝિયમ, એમ્ફી થિયેટર, ફૂડ કોર્ટ, દુકાનો વગેરે દ્વારા ખૂણામાં ધકેલી દેવામાં આવશે.

– હ્રદય કુંજ અને હાલના મ્યુઝિયમ સુધી સરળતાથી પહોંચી શકાશે નહીં, કારણ કે તેમાંથી પસાર  થતો રસ્તો બંધ રહેશે. નવા પ્રવેશદ્વારમાં હૃદય કુંજ અને વર્તમાન મ્યુઝિયમ પહેલા ઓછામાં ઓછું એક વી.આઈ.પી. લાઉન્જ અને નવું મ્યુઝિયમ હશે.

– દર વર્ષે લાખો ભારતીયો, ખાસ કરીને શાળાનાં બાળકો, તેમ જ વિદેશી મુલાકાતીઓ સાબરમતી આશ્રમમાં આવે છે. પ્રવાસીઓને આકર્ષવા માટે આ સ્થળને ક્યારે ય 'વર્લ્ડ ક્લાસ' નવનિર્માણની જરૂર નથી. ગાંધીની આભા અને આ સ્થળની અધિકૃતતા અને સરળતા એ માટે પૂરતી છે.

– સૂચિત યોજના શ્રેષ્ઠ રીતે 'ગાંધી થીમ પાર્ક' અને સૌથી ખરાબ રીતે ગાંધીની 'બીજી હત્યા'ની કલ્પના કરે છે.

– ટૂંકમાં, જો આ પ્રોજેક્ટ પાર પડ્યો, તો ગાંધીનું સૌથી અધિકૃત સ્મારક અને આપણો સ્વતંત્રતા સંગ્રામ, કાયમ માટે આડંબર અને વ્યાપારીકરણમાં ખોવાઈ જશે.

સરકાર આવી સંસ્થાઓની યોગ્ય જાળવણી અને દેખરેખ માટે જાહેર નાણાંનો ઉપયોગ કરવાનું ચાલુ રાખે એની ખાતરી માટે આપણે ભારત અને વિશ્વભરના પ્રખ્યાત ગાંધીવાદીઓ, ઇતિહાસકારો અને આર્કાઇવિસ્ટસ સાથે પરામર્શ કરીને, સામૂહિક રીતે ગાંધીવાદી સંસ્થાઓના કોઈ પણ પ્રકારના સરકારી કબજાનો વિરોધ કરવો જોઈએ.

લિ.

પ્રકાશ ન શાહ, 

ગણેશ દેવી, 

મનીષી જાની, 

ગુલામ મોહમદ શેખ,

માર્ટીન મેકવાન,

દક્ષિણ બજરંગે,

ઉત્તમ પરમાર

નોંધ :- ઉપરોક્ત નિવેદન વાંચીને આપની સંમતી તથા નિવેદનના સમર્થનમાં આપની સહી પ્રકાશિત કરવાની અનુમતિ પાઠવશો.

સંપર્ક :- 9925959014, 9925959175,

ઇ-મેલ:- uttambhaiparmar@gmail.com

સહી કરનાર:

Prakash Shah, Journalist, writer and editor Nireekshak, G N Devy, Writer, cultural activist, Anand Patwardhan, Film-maker, Ram Punyani, Writer, activist, Rajmohan Gandhi, Historian, public intellectual, G. G. Parikh, Veteran freedom-fighter, Nayantara Sahgal, Writer, Ramachandra Guha, Historian, public intellectual, Justice AP Shah, Retired High Court Judge, Rao saheb Kasbe, Author, Gandhi-Ambedkar scholar, Dilip Simeon, Public intellectual, writer, Uttam Kamble, Author and activist, Aruna Roy, Former IAS, social activist, Shanta Sinha, Child rights activist, Sanjoy Hazarika, Analyst, commentator, Gulammohammed Sheikh, Artist, poet, Sandeep Pandey, Social activist, Kumar Ketkar, Journalist, P. Sainath, Writer, public intellectual, Kavitha Lankesh, Film maker, Githa Hariharan, Writer, activist, T M Krishna, Musician, Cultural activist, Laxminarayan Ramdas, Retd. Admiral, Indian Navy, Lalita Ramdas, Social activist, Matheswaran, Retd. Air Marshal, IAF, Rajan Gavas, Writer, professor, Atamjit Singh, Playwright, C. Rammanohar Reddy, Editor, scholar, Vinay Lal, Historian, professor, Ashish Kothari, Environmentalist, activist, Martin Macwan, Human Rights activist, Arun Rodrigues, Concerned citizen, Damodar Maouzo, Writer, Nishikant Kolge, Scholar, Kapil Patil, Rights activist, Harsh Mander, Retd. IAS, Peace activist, Daniya Rehman, Concerned citizen, M. A. Kalam, Anthropologist, education administrator, Datta Naik, Writer, Madan Meena, Indigenous activist, artist, Rajendra Chenny, Public intellectual, activist, Sachin Rao, Gandhan activist, Dakxin Bajrange, Theatre activist, film-maker, Sanjiv Shah, Filmmaker, architect, Apoorvanand, Public intellectual, activist, Anil Sadgopal, Educationist, Subhash Ware, Constitution-norms activist, Nitin Vaidya, Film maker, Sheba George, Concerned citizen, Sunita Viswanath, Human Rights activist, Rahamath Tarikere, Public intellectual, scholar, Ashraf Ali Basheer Ali, Communal harmony activist, Nagal Samy, (Retd) Principal Accountant General of Tamil Nadu,  Teesta Setalwad, Social activist, Shabnam Hashmi, Social activist, Patricia Mukim, Rights activist, Uttambhai Parmar, Educationist, Manishi Jani, Poet, activist, Sheba Chacchi, Artist, photographer, Ranjit Rai, Historian, Commander, Sati Taneja, Commander (Retired) India Navy, Laxmi Krishnamoorthy, Actress, Primila Lewis, Journalist, writer, Gurveen Kaur, Gandhian scholar, Achin Vanaik, Writer, peace activist, Dr. Hanif Lakdawala, Social activist, Usha Naik, Concerned citizen, Sudhir Naik, Concerned citizen, Maj Gen S G Vombatkere, VSM (Veteran), Maj Gen T K Kaul PVSM ,AVSM,VSM (Veteran), Abha Bhaiya, Womens’rights activist, Nandini Oza, Writer, environmentalist, Rajendra Chenni, Professor, Ramesh Chand, Retired banker, D.B.Kapila, Vice Admiral (Retired), Maj Priyadarshi Chowdhury, SC (Retd), Gurmehar Kaur, Journalist & Video Blogger, Faisal Khan, Khudai Khidmadgar, Yogendra Yadav, Social activist, Javed Anand, Social activist, Anuradha Bhasin, Senior journalist, Ravi Nitesh, Social activist, Kishore Mariwala, Social activist, Anand Grover, Lawyer, Jaya Iyer, Artist, Amberin Memon, Software professional, S.P. Ambrose , IAS (Retd.), Former Addl Secretary, Ministry of Shipping & Transport, GoI, Anand Arni, RAS (Retd.), Former Special Secretary, Cabinet Secretariat, GoI, Mohinderpal Aulakh, IPS (Retd.), Former Director General of Police, Govt. of Punjab, G. Balachandhran, IAS (Retd.), Former Additional Chief Secretary, Govt. of West Bengal, Gopalan Balagopal, IAS (Retd.), Former Special Secretary, Govt. of West Bengal, Chandrashekhar Balakrishnan,IAS (Retd.), Former Secretary, Coal, GoI, Rana Banerji, RAS(Retd.), Former Special Secretary, Cabinet Secretariat, GoI, Sharad Behar, IAS (Retd.), Former Chief Secretary, Govt. of Madhya Pradesh, Aurobindo Behera, IAS (Retd.), Former Member, Board of Revenue, Govt. of Odisha, Sundar Burra, IAS (Retd.), Former Secretary, Govt. of Maharashtra, Rachel Chatterjee, IAS (Retd.), Former Special Chief Secretary, Govt. of Andhra Pradesh, Gurjit Singh Cheema, IAS (Retd.), Former Financial Commissioner, Govt. of Punjab, Vibha Puri Das , IAS (Retd.), Former Secretary, Ministry of Tribal Affairs, GoI, P.R. Dasgupta, IAS (Retd.), Former Chairman, Food Corporation of India, GoI, Keshav Desiraju , IAS (Retd.), Former Health Secretary, GoI, M.G. Devasahayam, IAS (Retd.), Former Secretary, Govt. of Haryana, Meena Gupta, IAS (Retd.), Former Secretary, Ministry of Environment & Forests, GoI, Ravi Vira Gupta , IAS (Retd.), Former Deputy Governor, Reserve Bank of India, Wajahat Habibullah , IAS (Retd.), Former Sec, GoI and Chief Information Commissioner, Subodh Lal, IPoS(Resd), Former Deputy DG, Ministry of Communications, GoI, P.M.S. Malik , IFS (Retd.), Former Ambassador to Myanmar & Special Sec, MEA, GoI, L.L. Mehrotra, IFS (Retd.), Former Special Envoy to the Prime Minister and former Secretary, Ministry of External Affairs, GoI, Aditi Mehta, IAS (Retd.), Former Additional Chief Secretary, Govt. of Rajasthan, Sonalini Mirchandani , IFS (Resd.), GoI, Malay Mishra, IFS (Retd.), Former Ambassador to Hungary, Deb Mukharji , IFS (Retd.), Former High Commissioner to Bangladesh and former Ambassador to Nepal, Shiv Shankar Mukherjee, IFS (Retd.), Former High Commissioner to the United Kingdom, Gautam Mukhopadhaya, IFS (Retd.), Former Ambassador to Myanmar, P.A. Nazareth , IFS (Retd.), Former Ambassador to Egypt and Mexico, P. Joy Oommen, IAS (Retd.), Former Chief Secretary, Govt. of Chhattisgarh, S.K. Pachauri, IAS (Retd.), Former Director General, National Productivity Council, GoI, Amitabha Pande , IAS (Retd.), Former Secretary, Inter-State Council, GoI, R. Poornalingam, IAS (Retd.), Former Secretary, Ministry of Textiles, GoI, N.K. Raghupathy , IAS (Retd.), Former Chairman, Staff Selection Commission, GoI, Julio Ribeiro , IPS (Retd.), Former Adviser to Governor of Punjab & former Ambassador to Romania, A.K. Samanta, IPS (Retd.), Former Director General of Police (Intelligence), Govt. of West Bengal, G. Sankaran, IC&CES (Retd.), Former President, Customs, Excise and Gold (Control) Appellate Tribunal, A. Selvaraj , IRS (Retd.), Former Chief Commissioner, Income Tax, Chennai, GoI, Ashok Kumar Sharma, IFoS (Retd.), Former MD, State Forest Development Corporation, Govt. of Gujarat, Ashok Kumar Sharma, IFS (Retd.), Former Ambassador to Finland and Estonia, Navrekha Sharma , IFS (Retd.), Former Ambassador to Indonesia, Raju Sharma , IAS (Retd.), Former Member, Board of Revenue, Govt. of Uttar Pradesh, K.S. Sidhu, IAS (Retd.), Former Principal Secretary, Govt. of Maharashtra, A.K. Srivastava, IAS (Retd.), Former Administrative Member, Madhya Pradesh Administrative Tribunal, Geetha Thoopal, IRAS (Retd.), Former General Manager, Metro Railway, Kolkata, Hindal Tyabji, IAS (Retd.), Former Chief Secretary rank, Govt. of Jammu & Kashmir.

તારીખ: ઑગસ્ટ ૪, ૨૦૨૧

Loading

સફળતા દુનિયા માણે છે, જ્યારે સંઘર્ષ વ્યક્તિ પોતે જ જાણે છે…

રવીન્દ્ર પારેખ|Opinion - Opinion|9 August 2021

ટોકિયો ઓલિમ્પિક્સમાં અત્યાર સુધીમાં ભારતીય મહિલાઓએ જ લાજ રાખી છે. જો કે, જર્મનીને હરાવીને 41 વર્ષે પુરુષ હોકી ટીમે બ્રોન્ઝ મેડલ જીતીને ભારતને ગૌરવ અપાવ્યું છે. આ લખાય છે ત્યાં સુધીમાં ભારતના ખાતામાં 5 મેડલ જમા થયા છે, તેમાંથી ત્રણ મહિલાને મળ્યા છે. પ્રથમ સિલ્વર મેડલ વેઇટ લિફ્ટિંગમાં મીરાબાઈ ચાનુએ ભારતને અપાવ્યો. બીજો બ્રોન્ઝ મેડલ બેડમિન્ટન સ્ટાર પી.વી. સિંધુએ ભારત માટે મેળવ્યો. આ અગાઉ પણ સિંધુએ રિયો ઓલિમ્પિકમાં 2016માં સિલ્વર મેડલ અપાવ્યો હતો. સતત બે ઓલિમ્પિકમાં મેડલ જીતનાર સિંધુ પહેલી ભારતીય મહિલા બની છે ને એ રીતે તેણે સુશીલકુમારના રેકોર્ડની બરાબરી કરી છે. ત્રીજો મેડલ બોક્સિંગમાં લવલિના બોરગોહેને જીત્યો છે ને તે બ્રોન્ઝ લઈને ભારત આવશે.

મહિલા હોકી ટીમ સેમિફાઇનલમાં પહોંચી ત્યારે તે ગોલ્ડ મેડલ મેળવશે એવી આશા જન્મી હતી, પણ બ્રિટન સામે મહિલા હોકી ટીમ હારી ગઈ છે એટલે બ્રોન્ઝની આશા પૂરી થઈ નથી. પણ, અહીં ઓલિમ્પિકનો ઇતિહાસ આપવો નથી. વાત આ ખેલાડીઓ કેવી રીતે ઓલિમ્પિક સુધી પહોંચે છે એની કરવી છે. મીરાબાઈ ચાનુ કે રાની રામપાલ કે મહિલા ટીમની ગોલકીપર સવિતાએ ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ 9 પેનલ્ટી કોર્નર દીવાલની જેમ રોક્યા તે થોડા દિવસોમાં જ દુનિયાએ જાણ્યું હશે, બાકી ઘણાંને તો નામની ખબર પણ નહીં હોય એમ બને. આ નામ કમાવવાનું જરા પણ સહેલું નથી. ઓલિમ્પિક સુધી પહોંચતામાં જ કેટલા ય ખેલાડીઓને ફીણ વળી જતાં હોય છે. કેટલા ય ખેલાડીઓ શક્તિ છતાં રાજ્યની સ્પર્ધા સુધી પણ પહોંચી શકતા નથી ને પ્રોત્સાહનના અભાવમાં વચ્ચે જ ક્યાંક અટવાઈ જતા હોય છે.  

મોટે ભાગે ભારતીય ખેલાડીઓ ગરીબ અને મધ્યમ વર્ગમાંથી આવતા હોય છે, એટલે એમને રમતની આબોહવા લગભગ મળતી જ નથી. રમત માટેનાં સાધનો કે ખોરાક ઘણાંના નસીબમાં હોતાં નથી, તો પરિવારના વડીલોને પણ રમતમાં રસ હોતો નથી, એમાં જો કોઈને થોડી પણ મદદ મળી જાય તો, તેટલા નાજુક સહારાથી જ ખેલાડીએ વૈતરણી પાર કરવાની રહે છે. હરિયાણાની 31 વર્ષીય સવિતા ગિયર પહેરીને 2 કલાકે સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ઇન્ડિયા પહોંચતી હતી. એને એટલું હતું કે તેના દાદા ને પરિવારનો તેને સાથ હતો. તેની પોતાની ઇચ્છા જો કે, હોકી પ્લેયર બનવાની ન હતી, પણ દાદા મહિન્દર સિંહે તેને હોકી તરફ વાળી. 2001માં સવિતાની માતાને આર્થરાઇટિસ થયો ને ઘરની જવાબદારી સવિતા પર આવી. એ તો સારું છે કે કુટુંબના સભ્યો ઇચ્છતા હતા કે સવિતા હોકીમાં આગળ વધે એટલે તેમણે ઘરકામ માથે લઈ લીધું. સવિતાના પિતા પાસે પૈસા ન હતા એવા સમયે સવિતા પાસે ગોલકીપિંગની કીટ આવી, પછી કઈ દીકરી કુટુંબના સપનાંઓ સાકાર કરવા જીવ ન રેડે ! 2011માં તેણે પહેલીવાર આંતરરાષ્ટ્રીય સ્તરે પ્રારંભ કર્યો ને પછી તો અર્જુન એવોર્ડ સહિત અનેક માન અકરામ તેને મળ્યાં.

ભારતીય પહેલવાન રવિકુમાર દહિયાએ કુસ્તીમાં સિલ્વર મેડલ મેળવ્યો છે. જો કે, રવિની પહેલવાની સરળ રહી નથી. તેની સ્થિતિ એવી ન હતી કે તેને પહેલવાની પરવડે. ભાડાનાં ખેતરોમાં મહેનત કરનાર પિતા રાકેશે 60 કિલોમીટર દૂર આવેલાં સ્ટેડિયમમાં દીકરાને દૂધ માખણ પહોંચાડવામાં લોહીનું પાણી કર્યું છે, ત્યારે વર્ડ ચેમ્પિયનશિપમાં બ્રોન્ઝ સુધી પહોંચાયું છે. આ ઉપરાંત પણ એશિયન ચેમ્પિયનશિપમાં બે ગોલ્ડ મેડલ તથા 2015માં વર્લ્ડ જુનિયર રેસલિંગ ચેમ્પિયનશિપમાં રવિકુમારને સિલ્વર મેડલ મળી ચૂક્યો છે. આ બધું છતાં સરકારની નજર રવિ કે તેના ગામ પર ખાસ પડી નથી. તેના ગામમાં આજે પણ 3-4 કલાક જ વીજળી આવે છે. પાણી પણ પાણી વગરનું જ આવે છે એમ કહીએ તો ખોટું નથી.

મીરાબાઈ ચાનુ પણ મેડલ મેળવવા ખૂબ મથી છે. તે બે વર્ષ પોતાની માતાથી દૂર રહી છે. તેની ટ્રેનિંગ અમેરિકામાં થઈ. માતાએ તેને ખૂબ મોટિવેટ કરી છે. 26 વર્ષની ચાનુ હવે માતાને પૂરો સમય આપવા માંગે છે. તેનું લક્ષ્યાંક 2024ની પેરિસ ઓલિમ્પિક છે ને તે ગોલ્ડ પર નજર રાખીને બેઠી છે. જો કે, સૌથી વધુ સંઘર્ષ કદાચ મહિલા હોકી ટીમની કેપ્ટન રાની રામપાલના ભાગે આવ્યો છે. ઘરમાં કોઈ જ ઇચ્છતું ન હોય કે છોકરી રમતમાં આગળ વધે, એવે વખતે ખેલાડી જીવને રમવું ને મરવું વચ્ચે બહુ ફરક રહેતો નથી. હરિયાણાનાં કુરુક્ષેત્રની રાની માટે તો ઘર જ કુરુક્ષેત્રથી ઓછું ન હતું. રાતના મચ્છરોનો ગણગણાટ ને ખોરાક પર માખીનો બણબણાટ હોય ત્યાં શાંતિ કેવીક હોય તે સમજી શકાય એવું છે. પિતા ગાડી હાંકતા ને મા લોકોનાં ઘરકામ કરતી. આ બધાંમાં પિતાની આવક હતી રોજના 80 રૂપિયા. માબાપ થાય એટલું કરતાં. બે મોટા ભાઈઓ પણ હતા, તેમાંનો એક દુકાનમાં ને બીજો સુથારીમાં મહેનત કરતો, પણ હોય જ એટલું કે વધારે કશું લાગે જ નહીં.

રાનીનાં ઘરની પાસે જ હોકી એકેડેમી હતી. પ્લેયરોને રમતાં જોઈ જોઈને એ થાકી હતી, કારણ તેનો જીવ રમવામાં હતો, પણ પિતાના 80 રૂપિયામાંથી હોકી સ્ટિક તો ન આવે ને !  તે એકેડેમીમાં દાખલ થવા ગઈ તો કોચે તેની નાજુક હાલત જોઈને જ ના કહી દીધી. તે જાણતો હતો કે રાનીની હાલત એવી નથી કે તે વ્યવસ્થિત ડાયેટ લઈ શકે. આમ પણ તે કુપોષણનો શિકાર હતી. એવામાં તેને ભાંગેલી સ્ટિક હાથ લાગી ને એનાથી જ તેણે હોકીનાં શ્રીગણેશ કર્યાં. રાનીની વારંવારની વિનંતીઓ પછી તેને ટ્રેનિંગની છૂટ મળી. પણ કુટુંબને દીકરી હોકી રમે તે મંજૂર ન હતું. કુટુંબ તો એટલું જ જાણતું હતું કે છોકરીઓ તો ઘરકામમાં જ ખપે, તેને વળી સ્કર્ટ પહેરીને રમવાનું કેવું? રાનીએ કુટુંબને સમજાવ્યું કે રમવા જવા દો, જો તે સફળ ન થઈ તો કુટુંબ કહેશે તેમ જીવશે.

ઘર માની ગયું ને વહેલી સવારની ટ્રેનિંગ શરૂ થઈ. ઘરમાં ઘડિયાળ હતું નહીં કે વહેલાં ઊઠવાનો એલાર્મ રણકે, એટલે સવારનું કૂકડે કૂક માએ કરવાનું સ્વીકાર્યું. મા આકાશને જાગતું જોતી ને રાનીને ઉઠાડતી. એકેડેમીનો નિયમ હતો કે પ્લેયરે રોજ 500 એમ.એલ. દૂધ લઈ આવવાનું, પણ તે માંડ 200 એમ.એલ. દૂધ જ લઈ જઈ શકે એમ હતું ને તેણે કૈં પણ થાય રમવું તો હતું જ ! 300 એમ.એલ. પાણી ઉમેરીને તેણે દૂધ તો 500 એમ.એલ. કર્યું, પણ ડ્રેસ કોડનો પ્રશ્ન હતો. તે તો સલવાર કમીઝ પહેરીને પ્રેક્ટિસ કરતી હતી, પણ ટેલન્ટેડ હતી એટલે કિટની ને બૂટની વ્યવસ્થા કોચે જ કરી. તેણે તેના કુટુંબ જોડે રાનીને રાખી ને તેનાં જરૂરી પૌષ્ટિક આહારની વ્યવસ્થા પણ કરી. રાનીએ થાક્યા વગર સતત પ્રેક્ટિસ કરી. એમ કરતાં એક ટૂર્નામેંટ તે જીતી ને તેની પહેલી કમાણી 500 રૂપિયાની થઈ. એ રકમ તેણે પિતાના હાથમાં મૂકી. પિતાએ એક સાથે 500 રૂપિયા એ પહેલાં કદી પકડ્યા ન હતા. રાનીએ વચન આપ્યું કે એક દિવસ આપણું પણ ઘર થશે. રાજ્યની સ્પર્ધાઓ પછી રાની 15 વર્ષે રાષ્ટ્રીય સ્પર્ધા માટે બોલાવાઈ. સગાંઓ લગ્નની વાત છેડતા, પણ પિતાએ કહી દીધું કે મન હોય ત્યાં સુધી રમ. રાનીએ પણ તેનું શ્રેષ્ઠ આપવામાં કોઈ કસર ન રાખી ને એનું પરિણામ એ આવ્યું કે તે હોકી ટીમની કેપ્ટન બની.

એક દિવસ રાની ઘરે હતી ને પિતાના મિત્ર તેમની પૌત્રીને લઈને આવ્યા ને કહ્યું કે આ તને જોઈને હોકીની ખેલાડી બનવા માંગે છે. રાની એટલી ખુશ થઈ કે રડી પડી ! 2017માં તેણે ઘરનાં ઘરનું વચન પૂરું કર્યું. એ દિવસે ઘરનાં સૌ એકબીજાને વળગીને ખૂબ રડયાં. બસ, પછી તો 2021માં ટોકિયો ઓલિમ્પિકમાં ગોલ્ડ મેડલ જીતવો હતો. એ સપનું તો પૂરું ન થયું, પણ થશે એટલું નક્કી છે.

મેડલ તો આવે કે ન આવે, પણ જે સંજોગોમાં આપણા ખેલાડીઓ સમર્પિત ભાવથી દુનિયા સામે ટક્કર લે છે તેને માટે ખેલાડીને વંદન જ કરવાં ઘટે. વિદેશી ખેલાડીઓ પોતાની રમત પર પૂરેપૂરું ધ્યાન આપી શકે તેવી સગવડો તેને અપાય છે ને તે મહેનત કરીને મેડલ મેળવે છે. ત્યાં કોઈમાં થોડું પણ સત્વ જણાય તો સરકાર અને સંસ્થાઓ તેની સઘળી જવાબદારી ઉપાડી લે છે. ભારતમાં એવું નથી. કોઈ ખેલાડીને શોધતું નથી. ખેલાડી જ તેની બધી ગરજ હોય તેમ રમત સુધી પહોંચે છે, ત્યાં પહોંચ્યા પછી પણ ઠેકાણું પડતું નથી. પહેલાં તો તેની પાત્રતા નથી એમ કહીને તેને હતાશ કરવામાં આવે છે. જો ખેલાડી મહિલા હોય તો તેની કસોટીનો તો પાર જ નથી રહેતો. તેનું કુટુંબ જ તેને ચૂલો ને લગ્ન બતાવીને એ ભાન કરાવી દે છે કે રમત તેનું ક્ષેત્ર જ નથી. તેમાં જો કોઈ માથું ફેરવીને આગળ વધે તો તેને રોકવાના બધા જ પ્રયત્નો થતા રહે છે. એમાં જો કોઈ ઈનામ મળ્યું કે રાજ્યમાં કે દેશમાં જીત મળી તો તેનો દિવસ ઊગે છે ને વાત આંતરરાષ્ટ્રીય સ્તરે પહોંચી તો બધાં જ તેનાં સમર્થનમાં ટોળે વળી જાય છે. જો વડા પ્રધાન કે રાષ્ટ્રપતિ સુધી વાત પહોંચી તો પછી ઇનામોનો અને પ્રશંસાનો વરસાદ વરસે છે. વડા પ્રધાન પણ જીતે તેને બિરદાવે છે, પણ તે જીતે તેને માટે ભાગ્યે જ કોઈ ભૂમિકા સરકાર ઊભી કરે છે. બનવું તો એવું જોઈએ કે થોડી પણ ક્ષમતા કોઈ ખેલાડીમાં જણાય તો સરકારે સામે ચાલીને તેનો હાથ પકડવો જોઈએ, જેથી ખેલાડીને જીવલેણ સંઘર્ષમાં થોડો પણ આધાર મળે. એના ઘણા બધા દિવસો આમ તો ઘર માટે કમાવા અને ટકવામાં જ પૂરા થાય છે, એ પછી સમય રહે તો તે રમત અંગે વિચારે છે. આવામાં ઓલિમ્પિક ગેમ્સમાં કોઈ થોડો પણ સારો દેખાવ કરે તો તે મેડલથી જરા પણ ઓછું નથી. 

સાચું ને સારું તો એ ગણાય કે ખેલાડીને રમત સિવાયની બીજી કોઈ જવાબદારી જ ન રહે એટલો ટેકો ખેલાડીને થાય. સરકાર જીત પછી ખેલાડીને ભવિષ્યની ઘણી તકો પૂરી પાડે છે તે સારી વાત છે, પણ વધારે સારી વાત તો એ જ હોય કે તે જીતે તે માટેની બધી તકો સરકાર જ પૂરી પાડે, જેથી કોઈ પણ સક્ષમ ખેલાડીએ તકના અભાવમાં અડધેથી જ પાછા ન વળી જવું પડે. એ દિશામાં સરકાર સતત જાગતી રહે ને યોગ્ય તે પગલાં ભરે તો સોનામાં સુગંધ ભળે, ખરું કે નહીં?

000

e.mail : ravindra21111946@gmail.com

Loading

જ્ઞાન મંથનનો પરિપાક : સમણસુત્તં

રમજાન હસણિયા|Opinion - Opinion|9 August 2021

કોઈપણ ધર્મ બે મુખ્ય આધારો પર ટકેલો હોય છે – એક એના સ્થાપકનું જીવન અને બીજું એમણે આપેલ ઉપદેશ. ધર્મપુરુષનું જીવન ધર્મની પરાકાષ્ઠાએ સ્થિર થયેલું હોય છે જે સાધક માટે એક લક્ષ્યાંક ઊભું કરે છે કે એણે કેટલી ઊંચાઈ સુધી પહોંચવાનું છે. આ ઊંચાઈને આંબવાનું બળ મળે છે પ્રભુના ઉપદેશમાંથી. ધર્મોપદેશમાં વાત એકડે એકથી શરૂ થાય છે. કોઈ પણ જીવાત્મા જેને આત્મોત્કર્ષ કરવો છે તેને આરંભથી લઈને અંતિમ ઉપલબ્ધિ સુધીનું માર્ગદર્શન મળી રહે છે ઉપદેશમાં. સાદી ભાષામાં કહીએ તો તીર્થંકર પરમાત્માનું જીવન તે ગિરિરાજની ટોંચ છે ને એના પગથિયાં તે એમની વાણીમાં વહેલો ધર્મોપદેશ. આ પગથિયાંના સહારે પરમ સુધી પહોંચવાનું છે. એટલે સાધક માટે જીવનની લગોલગ બલકે વિશેષ ઉપકારક છે પ્રભુનો સંદેશ. જૈન ધર્મનો આવો જ એક મજબૂત પાયો એટલે પ્રભુ મહાવીરનો ધર્મોપદેશ (દેશના). કેવળજ્ઞાન પ્રાપ્ત કરનાર પરમાત્માના સઘળા કર્મો ખપી ગયા પછી જે  શેષ રહે છે તે છે અનુગ્રહ. ભગવાનની દેશના એટલે પ્રાપ્તિ પછીની પ્રસાદની વહેંચણી. કેટલા ય જીવોના કલ્યાણના કારણરૂપ ભગવાન મહાવીરના આ દિવ્ય પ્રસાદને ઝીલી લીધો એમના અધિકારી શિષ્યોએ. આકંઠ પીધેલા એ  અમૃતને એમણે પચાવ્યું તો ખરું જ પણ કંઠોપકંઠ પરંપરાએ એને વહેતું પણ રાખ્યું. એટલું જ નહીં એને આગમોમાં સંકલિત કરીને આપણી સમક્ષ મૂકી આપ્યો. પ્રભુ મહાવીરનો જેટલો ઉપકાર છે એટલો જ મોટો ઉપકાર ગણધર ભગવંતોનો છે  કે જેમણે આ વાણીને હૃદયસ્થ કરીને શબ્દસ્થ કરી લીધી, ગ્રંથસ્થ કરી લીધી.

પ્રભુ મહાવીરે પોતાનો ઉપદેશ લોકબોલી પ્રાકૃતમાં આપ્યો. ધર્મનો માર્ગ  વીતરાગ પ્રભુએ સાદી સીધી ભાષામાં સામાન્યજનને પણ સમજાઈ જાય એવી રીતે પ્રબોધ્યો. પરંતુ સમયનાં વહેણની સાથે અને ભાષાના નિત્ય બદલાતા સ્વરૂપની સાથે એ સમયની ભાષામાં થયેલી એ બધી વાતો હવે આપણા જેવાં જનસામાન્ય માટે દુર્ગમ બનતી ગઈ. વળી આટલા બધા આગમોમાંથી પસાર થવું પણ એક સામાન્ય વ્યક્તિ માટે અઘરી વાત ગણી શકાય. એટલે આધુનિક સમયના ઋષિ વિનોબા ભાવેને એક વિચાર સ્ફૂર્યો કે આ બધા જ આગમોના સારરૂપ જો કોઈ ગ્રંથ તૈયાર થાય કે જેની બધી જ વાતો સર્વસ્વીકૃત હોય તો તે ગ્રંથ જૈન ધર્મના ધર્મગ્રંથ તરીકેની ગરજ સારી શકે. કોઈ પણ જૈન-જૈનેતર અભ્યાસીને ટૂંકમાં જૈન દર્શનનો પરિચય કરાવવા માટે તે ગ્રંથ પર્યાપ્ત હોય. આ વિચાર-બીજમાંથી અંકુરિત થયેલું યજ્ઞકાર્ય સમાન ગ્રંથ એટલે ‘સમણસુત્તં’. અગમને સમજાવે તે આગમ. ને આગમોના અર્કરૂપ ગ્રંથ એટલે સમણસુત્તં.

સમણસુત્તં જેવા જૈન ધર્મના સારરૂપ ગ્રંથના સંકલન, પ્રકાશન અને અનુવાદનું કાર્ય એ જૈન ધર્મના ઇતિહાસમાં અનેક રીતે વિશિષ્ટ કહી શકાય તેવી ઘટના છે. રાષ્ટ્રીય સંત વિનોબાજીની પ્રેરણાથી આરંભેલું આ ભગીરથ કાર્ય કેટલા ય સાધુજનો, વિદ્વાનો અને સુશ્રાવકોના અનન્ય પ્રયાસોથી સંપન્ન થઈ શક્યું છે. જિનાગમોમાંથી ચૂંટેલા સર્વમાન્ય જિનવચનોના સંચયરૂપ સમણસુત્તંના સર્જનનો ઇતિહાસ પણ જાણવા જેવો છે.

સમણસુત્તંનું વિચારબીજ સૌપ્રથમ સંત વિનોબાજીના મનમાં રોપાયું હતું. મુસ્લિમ, ખ્રિસ્તી આદિ ધર્મનાં ધર્મગ્રંથો સહજ સુલભ છે જેના પરથી જે તે ધર્મનો પરિચય સરળતાથી મેળવી શકાય છે. આ પ્રકારનો કોઈ એક ગ્રંથ જૈન ધર્મ પાસે નહોતો. આ સંદર્ભે જૈન ધર્મના તમામ પેટા સંપ્રદાયો-ફિરકાઓને માન્ય હોય તેવા એક ગ્રંથની આવશ્યકતા વિનોબાજીને જણાઈ. વિનોબાજીના આ ઉમદા વિચારને મૂર્તિમંત કરવાની જહેમત ઉઠાવી જિનેન્દ્ર વર્ણીજીએ. તેમણે અથાગ પરિશ્રમ થકી આગમોનું પરિશીલન કરી જૈન ધર્મના પ્રત્યેક સંપ્રદાયને માન્ય હોય તેવી ગાથાઓનું એક સંકલન તૈયાર કર્યું, જેની ‘જૈન ધર્મસાર’ નામે એક હજાર નકલ છપાવી ભારતભરના મુનિઓ, આચાર્યો, જૈન-જૈનેતર વિદ્વાનોને મોકલાવી. વિદ્વાનોનાં સૂચનો અને સંશોધનોને ધ્યાન પર લઈ બીજું સંકલન પંડિત દલસુખભાઈ માલવણિયાએ કર્યું. સંત કાનજી સ્વામીની પ્રેરણાથી ડૉ. હુકુમચંદ ભારીલ્લે કેટલીક જરૂરી ગાથાઓ સૂચવી. ઉદયપુરના ડૉ. કમલચંદજી સોગાણીએ પણ ઊંડાણપૂર્વક અધ્યયન કરી સૂચનો કર્યા. આ બધાં સૂચનોનું અવલોકન કરી શ્રી વર્ણીજીએ ત્રીજું સંકલન કર્યું જેને ‘જિણધમ્મ’ એવું નામ અપાયું.

આ ગ્રંથને અંતિમ રૂપ આપવા અર્થે વિનોબાજીના સૂચનથી ભગવાન મહાવીરના ૨૫૦૦મા નિર્વાણ વર્ષની ઉજવણીના ભાગરૂપે દિલ્હીમાં તારીખ ૨૯-૩૦ નવેમ્બર ૧૯૭૪ના રોજ અણુવ્રત વિહાર તથા જૈન બાલાશ્રમમાં વિશાળ સભા ભરાઈ, જેમાં જૈન ધર્મના સર્વ પેટા સંપ્રદાયના અગ્રણી સાધુ ભગવંતો, આચાર્યો તેમ જ વિદ્વાનો હાજર રહ્યા. બે દિવસ ૪ બેઠકોમાં ચાલેલા આ સંમેલનની બેઠકોની અધ્યક્ષતા અનુક્રમે મુનિશ્રી સુશીલકુમારજી, મુનિશ્રી નથમલજી, મુનિશ્રી જનકવિજયજી તથા ઉપાચાર્ય શ્રી વિદ્યાનંદજીએ સંભાળી હતી. આ સંમેલનને આચાર્ય તુલસી, આચાર્ય ધર્મસાગરજી, આચાર્ય વિજયસમુદ્રસૂરિજી તથા આચાર્ય દેશભૂષણજીના આશીર્વાદ પ્રાપ્ત થયા હતા. ઉપાધ્યાય કવિ અમરમુનિજી, મુનિ સંતબાલજી, પૂ. કાનજી સ્વામી, આચાર્યશ્રી આનંદઋષિજી, મુનિશ્રી યશોવિજયજી આદિ સંતોએ પણ આ કાર્યને સમર્થન આપ્યું હતું. સંમેલનની નિષ્પત્તિરૂપ અંતિમ અને સર્વમાન્ય ચયન ‘સમણસુત્તં’ના નામે ઈ.સ. ૧૯૭૫માં પ્રકાશિત કરવામાં આવ્યું. આ પ્રકાશનમાં પંડિત દલસુખ માલવણિયા અને મુનિ શ્રી નથમલજીનું  વિશેષ પ્રદાન રહ્યું, તો ડૉ. એ.એન. ઉપાધ્યાયે તથા ડૉ. દરબારીલાલજી કોઠિયા જેવા વિદ્વાનોનો સહયોગ પણ સાંપડયો. ‘સમણસુત્તં’ની ગાથાઓનું સંસ્કૃત છાયા પરિશોધન પંડિત બેચરદાસજીએ કર્યું તો એનો હિંદી અનુવાદ પંડિત કૈલાશચંદ્રજી શાસ્ત્રી અને મુનિશ્રી નથમલજીએ કર્યો.

મહાવીર જયંતીના અવસર પર દેશના અનેક શહેરો તેમ જ તીર્થક્ષેત્રોમાં એક સાથે આ ગ્રંથનું ઉત્સાહપૂર્વક વિમોચન કરવામાં આવ્યું. એપ્રિલ ૧૯૭૫માં છપાયેલી પ્રથમ આવૃત્તિની બધી જ નકલો બીજા જ દિવસે સમાપ્ત થઈ ગઈ અને તાત્કાલિક મે ૧૯૭૫માં ૮,૦૦૦ પ્રત સાથે તેની બીજી આવૃત્તિ પ્રકાશિત કરવામાં આવી. ઈ.સ. ૧૯૮૨માં રાજસ્થાન સરકારના સૂચનથી ૭,૩૦૦ પ્રત સાથે તેની ત્રીજી આવૃત્તિ પ્રકાશિત કરાઈ. ઉદયપુર તથા નાગપુર યુનિવર્સિટીમાં પ્રાકૃત અને જૈન ધર્મના બી.એ. તથા એમ.એ.ના અભ્યાસક્રમમાં પાઠ્યપુસ્તક તરીકે તેનો સમાવેશ કરવામાં આવ્યો. આ કારણસર ઈ.સ. ૧૯૮૨માં ચોથી આવૃત્તિ થઈ અને તે પછી પણ તે પ્રકાશિત થતું રહ્યું છે. યજ્ઞ પ્રકાશન, વડોદરાએ તાત્કાલિક તેનો ગુજરાતી અનુવાદ કરાવવાનું નક્કી કર્યું અને જાન્યુઆરી ૧૯૭૬માં તેનું પ્રથમ ગુજરાતી સંસ્કરણ પાંચ હજાર પ્રત સાથે પ્રકાશિત કરવામાં આવ્યું. પ્રથમ ગુજરાતી અનુવાદ અંગ્રેજી, સંસ્કૃત તેમ જ પ્રાકૃત ભાષાના વિદ્વાન શ્રી અમૃતલાલ સવચંદ ગોપાણીજીએ કર્યો હતો.

આ સમયગાળા દરમિયાન રાજસ્થાનના વિદ્વાન અધ્યાપક ડૉ. કમલચંદ સોમાણીએ સંપાદિત કરેલ ‘समणसुत्तं चयनिका’નું પ્રકાશન પ્રાકૃત ભારતી અકાદમી જયપુર દ્વારા ૧૯૮૫માં કરવામાં આવ્યું, જેની પાંચ આવૃત્તિઓ થઈ. મૂળ ‘સમણસુત્તં’માં ૭૫૬ ગાથાઓ સમાવવામાં આવેલ છે. પ્રસ્તુત ચયનિકામાં એમાંથી ચૂંટેલી ૧૭૦ ગાથાઓનો હિન્દી-અંગ્રેજી અનુવાદ કરવામાં આવ્યો છે. સમગ્ર ‘સમણસુત્તં’નો અંગ્રેજી અનુવાદ ડૉ. કમલચંદ સોમાણીએ કર્યો છે, જે પ્રાકૃત ભારતી અકાદમી દ્વારા ૧૯૯૩માં પ્રકાશિત કરવામાં આવ્યો છે.

આ કાર્યની સમાંતરે પંડિત દલસુખભાઈ માલવણિયાના સૂચનથી ડૉ. કે.કે. દીક્ષિતે પણ ‘સમણસુત્તં’નો અંગ્રેજી અનુવાદ કર્યો, તો વળી ભારતના તત્કાલીન ઉપરાષ્ટ્રપતિ શ્રી બી.ડી. જટ્ટીના સૂચનથી શ્રી ટી.કે તુક્કલે પણ અંગ્રેજી અનુવાદ કર્યો. આ બંને અનુવાદ પાર્શ્વનાથ શોધપીઠ વારાણસીના નિયામક ડૉ. સાગરમલ જૈનને સુપ્રત કરાયા. ચીમનલાલ ચકુભાઈ શાહે તેની ભલામણ કરેલી. બંને લેખકોના અનુવાદોને ભેગા કરી, સુધારીને અંતિમ લખાણ તૈયાર કરાયું. ડૉ. હરિહર સીંઘ (લેકચરર, બનારસ હિંદુ યુનિવર્સિટી ઇતિહાસ વિભાગ) તથા ડૉ. આર.કે. સીંઘે ‘સમણસુત્તં’ની ગાથાઓનુ રોમન લિપિમાં લિપ્યંતર કર્યું. ઈ.સ. ૧૯૯૩માં સર્વ સેવા સંઘ પ્રકાશન-રાજઘાટ દ્વારા તેનું પ્રકાશન થયું. બીજી આવૃત્તિ ભગવાન મહાવીર મેમોરિયલ સમિતિએ ૧૯૯૯માં બહાર પાડેલી.

આગળ નોંધ્યું તેમ ‘સમણસુત્તં’નો પ્રથમ ગુજરાતી અનુવાદ શ્રી અમૃતલાલ સવચંદ ગોપાણીએ કરેલો. આ અનુવાદ હિન્દી-સંસ્કૃત શબ્દોના પ્રાચુર્યના કારણે વિદ્વદભોગ્ય બની રહ્યો હતો. યજ્ઞ પ્રકાશન, વડોદરાના સંવાહકો તેનો સરળ છતાં અર્થસભર ગુજરાતી અનુવાદ કરવવા મથી રહ્યા હતા. તેમણે કેટલાક વિદ્વાનોને આ કાર્ય માટે વિનંતી પણ કરેલી. કચ્છ ગાંધીધામના જાણીતા લેખક, ચિંતક, અનુવાદક શ્રી માવજીભાઈ સાવલાને પણ અનુવાદ કરવા માટે અનુરોધ કરાયો હતો. તેમણે આ કાર્ય માટે પાર્શ્વચંદ્રગચ્છીય મુનિશ્રી ભુવનચંદ્રજીનું નામ સૂચવ્યું. મુનિશ્રી ભુવનચંદ્રજીએ ભારે ખંતપૂર્વક આ કાર્ય પાર પાડ્યું. ઈ.સ.૧૯૯૫માં જૈન સાહિત્ય અકાદમી ગાંધીધામ દ્વારા મુનિશ્રી ભુવનચંદ્રજી દ્વારા ગુજરાતીમાં અનુવાદિત ‘સમણસુત્તં’ પ્રકાશિત કરવામાં આવ્યું, જેના ત્રણ પુનઃમુદ્રણો સમયાંતરે યજ્ઞ પ્રકાશન, વડોદરા દ્વારા કરવામાં આવ્યા. તદ્ઉપરાંત પ્રાધ્યાપક શ્રી કુમુદચંદ્ર ગોકળદાસ શાહે પણ અમૃતલાલ સવચંદ ગોપાણી દ્વારા અનુદિત ‘સમણસુત્તં’માંથી માત્ર ગુજરાતી અનુવાદ અલગથી પ્રકાશિત કરાવેલ. શ્રી  જ્યોતિબહેન અને નવીનભાઈ શાહે શ્રુતરત્નાકર પ્રકાશન દ્વારા પ્રાકૃત, ગુજરાતી અને અંગ્રેજી અનુવાદ રોમન લિપ્યંતર સાથે વર્ષ ૨૦૦૮માં ‘સમણસુત્તં’નું પ્રકાશન કરાવેલ છે. આ સિવાય પણ અન્યત્રથી પ્રકાશન થયેલ હોવાનો સંભવ છે.

વળી, ‘સમણસુત્તં’નો પંજાબી ભાષામાં પણ અનુવાદ થયેલ છે. આ અનુવાદ પંજાબના નામાંકિત સહલેખકો શ્રી રવીન્દ્ર જૈન તથા શ્રી પુરુષોત્તમ જૈને કરેલ છે. તદુપરાંત તેનો ઉડિયા ભાષામાં પણ અનુવાદ થયેલો છે. આ બંને અનુવાદો પુસ્તકાકારે પ્રાપ્ય નથી. પરંતુ www.jainworld.comની વેબસાઇટ પર E-Bookના રૂપમાં Pdf ફોર્મેટમાં ઉપલબ્ધ છે. ડોક્ટર અનુપમ જે સંશોધનો બંગાળી અનુવાદ કરી રહ્યા હતા જેની આગળની વિગત પ્રાપ્ત થઈ શકી નથી.

વિશ્વ સમસ્તમાં  ફેલાયેલા જૈન ધર્મના સારરૂપ ગ્રંથનો વિદેશી ભાષાઓમાં પણ અનુવાદ થાય તે સ્વાભાવિક ઘટના છે. તેમાં ઈટાલીના લેખિકા ક્લાઉડિયા પેસ્ટોરીનો દ્વારા ઈટાલિયન ભાષામાં અનૂદિત ‘સમણસુત્તં’ Saman Suttam il Canone del jainismo la piu Antica Dettrina Della Nanviolanza’ નામે ‘Mondadori Editior’ જેવી પ્રતિષ્ઠિત પ્રકાશન સંસ્થા દ્વારા વર્ષ ૨૦૦૧માં પ્રકાશિત થયેલ છે. તો વળી ‘Le Saman Suttam’ નામે તેનો ફ્રેંચ ભાષામાં પણ અનુવાદ થયેલો છે. ચાઈનીઝ તેમ જ હોંગકોંગ તથા ચાઈનાના કેટલાક વિસ્તારોમાં બોલાતી કેન્ટનીઝ ભાષામાં પણ તેનો અનુવાદ થયેલો છે. ચાઈનીઝ તેમ જ કેન્ટનીઝ ભાષાના અનુવાદો અંગ્રેજી લિપ્યંતર સાથે મૂકવામાં આવ્યા છે, તો ફ્રેન્ચમાં માત્ર સીધો અનુવાદ મૂકાયો છે. સ્પેનીશ ભાષામાં અનુવાદ થયેલ હોવાની નોંધ મળે છે, પરંતુ પુસ્તક પ્રાપ્ત થઈ શક્યું નથી. ઈટાલિયન ભાષાના અનુવાદને બાદ કરતાં અન્ય વિદેશી ભાષામાં થયેલ અનુવાદો મોટે ભાગે E-bookના રૂપમાં જ પ્રાપ્ત થાય છે. તેથી તેમના અનુવાદક કે પ્રકાશક વિશે માહિતી પ્રાપ્ત થઈ શકી નથી. આ સઘળાં અનુદિત પુસ્તકો www.jainworld.org તથા www.jainelibrary.org પર સહજ સુલભ છે.

‘સમણસુત્તં’માં આગમો ઉપરાંત અન્ય પ્રમુખ ગ્રંથોમાંથી કુલ ૭૫૬ ગાથાઓ પસંદ કરી સંકલિત કરાઈ છે. આ ગ્રંથને ચાર પ્રમુખ વિભાગોમાં વિભાજીત કરાયો છે : જ્યોતિર્મુખ, મોક્ષમાર્ગ, તત્ત્વદર્શન અને સ્યાદ્વાદ. ચાર ખંડ પેટા ૪૪ વિભાગોમાં વહેંચાયા છે. જૈન દર્શનના પ્રમુખ વિચારો અહીં કર્મસૂત્ર, ધર્મસૂત્ર, શિક્ષાસૂત્ર, આવશ્યકસૂત્ર, તપસૂત્ર, સાધનાસૂત્ર, તત્ત્વસૂત્ર, સમન્વયસૂત્ર વગેરે જેવાં ૪૪ જેટલાં પેટા શીર્ષકો હેઠળ મુકાયાં છે. એક-એક વિચારને સ્પષ્ટ કરતી ગાથાઓ એક સાથે મૂકીને અભ્યાસુ માટે જે તે વિષયને સમજવા અહીં સગવડ કરી અપાઈ છે. પરંતુ જે તે વિષયની ગાથાઓ ભિન્ન ભિન્ન આગમાદિ ગ્રંથોમાંથી લીધેલી હોઈ તેમાં વિષય સિવાય કોઈ આંતર સંબધ નથી. દરેક ગાથા સ્વતંત્ર છે. હા, ક્યાંક બે-ચાર શ્લોકોમાં સળંગ-સૂત્રતા દેખાય પણ ખરી.

અહીં જૈન દર્શનના પ્રમુખ સિદ્ધાંતોની સમજ અપાઈ છે તો સાથોસાથ એ સિદ્ધાંતોના રોજિંદા જીવનમાં અમલીકરણ માટેની કેડી પણ કંડારી અપાઈ છે. મનુષ્ય-જીવનની ગુંચોને ઉકેલવાની ગુરુચાવીઓ અહીં છે તો જીવનને સાધનામય બનાવી ઉન્નતિના પથ પર લઈ જવા માટેનું માર્ગદર્શન પણ અહીં છે. આ સંદર્ભમાં આ ગ્રંથ જીવન જીવવાની કળા શીખવતું શાસ્ત્ર બની રહે છે. અહીં એની કેટલીક ગાથાઓના પરિચય દ્વારા ગ્રંથનો આસ્વાદમૂલક પરિચય કરાવવાનો જ આશય છે. કેટલીક શાસ્ત્રીય બાબતોની ચર્ચા મારા ગજાની વાત ન હોઈ તેની વાત ટાળી છે. એક વિહંગાવલોકન દ્વારા ભાવકને ગ્રંથ સમીપે લઈ જવા માટેનો આ એક નાનકડો પ્રયાસ છે. મૂળ રત્નો મેળવવા તો રત્નાકરની અંદર ભાવકે સ્વયં જ ડૂબકી લગાવવી રહી. માંહે પડી સૌ મહાસુખ પામે એવા ભાવ સાથે થોડાં છબછબિયાં કરવાની કોશિશ કરું છું.

ભારતીય પ્રણાલી અનુસાર ગ્રંથારંભે કરાયેલા મંગલાચરણમાં જેમણે આ ધર્મમાર્ગ પ્રબોધ્યો છે એવા અરિહંત પરમાત્માથી માંડીને આ માર્ગ પર ચાલતા તમામ સાધુભગવંતોને વંદના કરાઈ છે. દરેકના ગુણવિશેષનું સ્મરણ કરી ભાવપૂર્વક વંદના કરાઈ છે. અહીં કેટલીક ગાથાઓ લોગસ્સ સૂત્ર, જયવીયરાયસૂત્ર જેવાં પ્રસિદ્ધ પ્રાર્થનાસૂત્રોમાંથી સીધેસીધી લેવાઈ છે. જિનશાસનની મહત્તા સમજાવી આરંભે જ એકવીસમી ગાથામાં જિનવચનના અનુરાગી અને એના પ્રમાણે આચરણ કરનારને અલ્પસંસારી ગણાવી શાસ્ત્રકાર ભગવંતોએ સાધકનો જુસ્સો વધાર્યો છે, તો સાથોસાથ ૨૩મી ગાથામાં જિનવચનના મર્મને કોણ સમજાવી શકે તે માટેની સ્પષ્ટ કરી અભ્યાસીની અધિકૃતતા પર પણ ભાર મુક્યો છે. શાસ્ત્રકારો નોંધે છે, ‘સ્વશાસ્ત્ર અને પરશાસ્ત્રના જ્ઞાતા, ગંભીર, તેજસ્વી, પવિત્ર, સૌમ્ય અને એવા બીજા સેંકડો ગુણોથી સંપન્ન મુનિ જ જિનવચનના મર્મને સમજાવી શકે.’ (ગાથા-૨૩) સ્વશાસ્ત્રની સાથે પરશાસ્ત્રના જ્ઞાન પર પણ અહીં ભાર મુકાયો છે, તો વળી તેજસ્વીતાની સમાંતરે ગંભીરતા અને સૌમ્યતાની આવશ્યકતા પર પણ ભાર મુક્યો છે. ગાંધીજીના અગિયાર વ્રતોનું ગીત સ્મરણમાં આવે. ‘આ અગિયાર મહાવ્રત જાણી નમ્રપણે દૃઢ આચરવા …' અહીં બે શબ્દો બહુ મજાના છે – નમ્રતા અને દૃઢતા. આ વ્રતો નમ્રપણે કોઈ પણ જાતની મોટપ અનુભવ્યા વિના ને છતાં દૃઢપણે આચરવાના છે. આચરણ કરનાર જ ધર્મનો મર્મ બરાબર પામી શકે છે ને એ જ અધિકારી બને છે ધર્મના મર્મને સમજાવવા. પોથી પંડિતોનો છેદ અહીં આપોઆપ ઊડી જાય છે.

૨૫મીથી ૩૧મી ગાથામાં જિનેશ્વર ભગવંતોએ સ્થાપિત કરેલ શ્રી સંઘની મહત્તા ગવાઈ છે. ૩૦ અને ૩૧મી ગાથામાં શ્રી સંઘનું કેવું આલંકારિક વર્ણન કરાયું છે તે જુઓ : ‘સંઘ એક કમળ સમાન છે, તે કર્મરૂપી પાણીમાં ઉત્પન્ન થાય છે; એને શ્રુતજ્ઞાનરૂપી લાંબી દાંડી છે; એ પાંચ મહાવ્રતરૂપી કર્ણિકા અને ગુણરૂપી તાંતણા ધરાવે છે; શ્રાવકજનરૂપી ભમરા તેને વીંટળાયેલા રહે છે; જિનેશ્વરરૂપી સૂર્ય દ્વારા વિકસિત થાય છે; હજારો શ્રમણો જાણે એનાં પાંદડાં છે; આવા સંઘકમળનું સદા કલ્યાણ હો !’ (ગાથા-૩૦-૩૧) બે જ ગાથામાં શ્રી સંઘનું સ્વરૂપ સમજાવી આપણને મળેલ આ ભવ્ય વિરાસતનો શાસ્ત્રકાર ભગવંતો કેવો કાવ્યાત્મક પરિચય કરાવે છે તે સમજાવવાની જરૂર ખરી ?

ધર્મ માર્ગનું પ્રબોધન અત્યંત સરળ શૈલીમાં તીર્થંકર પરમાત્મા દ્વારા કરવામાં આવ્યું છે. ધર્મના માર્ગને કોણ જાણે કોણે આટલો અટપટો ચીતરી દીધો બાકી મૂળ સ્થાપકોની વાત તો જુઓ કેટલી સરળ છે. સંસારચક્ર સૂત્રમાં સંસારના ભ્રામક સુખનું સ્વરૂપ કેવાં વ્યવહારિક ઉદાહરણ દ્વારા પરમાત્માએ સમજાવ્યું છે, જુઓ : ‘કેળના ઝાડમાંથી ખૂબ શોધવા છતાં કોઈ સારભૂત (નક્કર) ભાગ હાથમાં આવતો નથી તેમ, ગમે તેટલું શોધો તો પણ ઈન્દ્રિયવિષયોમાંથી સુખ મળી શકતું નથી. (ગાથા-૪૭) દેખીતું સુખ પણ ઘણીવાર દુઃખનું કારણ હોઈ આખરે દુઃખરૂપ જ હોય છે ત્યારે સાચા સુખની શોધમાં નીકળી પડવા આવી ગાથા ક્યાંક ઓચિંતા ચિનગારીરૂપ બની રહે છે.

એક બહુ મોટી વિટંબણા તરફ પણ ભગવાને અંગુલીનિર્દેશ કર્યો છે. ધર્મનો માર્ગ જાણતા હોવા છતાં એને ન અનુસરી શકનાર આપણા સૌમાં એક દુર્યોધન શ્વસી રહ્યો છે જેને ધર્મ શું છે એની ખબર છે છતાં એનું આચરણ કરી શકતો નથી અને અધર્મ શું છે એની જાણ હોવા છતાં એને છોડી શકતો નથી. શાસ્ત્રકારો કહે છે કે, ‘જન્મ-જરા-મરણનાં દુઃખોને જાણવા છતાં, વિચારવા છતાં વિષયોથી વિરક્ત થવાતું નથી. કેવી દૃઢ છે આ ગુપ્તગાંઠ ?’(ગાથા-૫૧) ભવોભવના દૃઢ થયેલા સંસ્કારો કઈ રીતે ધર્મમાર્ગમાં બાધક બને છે એ સમજાવી ભગવાન એ સંદર્ભે સાધકને સાવધ પણ કરે છે.

આ સંસ્કારોના ગાઢ થવા પાછળનું કારણ છે કર્મબંધન સમયની અભાનતા. અભાન અવસ્થામાં બંધાઈ ગયેલાં કર્મોના ભોગવટા સમયે આત્મા લાચાર થઈ જાય છે. કર્મની આ વાત એકદમ સચોટ ઉદાહરણ સાથે સમજાવતા ભગવાન કહે છે કે, ‘ઝાડ પર ચડતી વખતે માણસ પોતાની ઈચ્છાથી ચડે છે. પણ પડતી વખતે એ પરવશ હોય છે. એમ લોકો કર્મ બાંધતી વખતે સ્વતંત્ર હોય છે પણ એ કર્મોનો ઉદય થાય ત્યારે પરાધીનપણે તેનું ફળ તેમણે ભોગવવું પડે છે.’( ગાથા-૬૦) આ ગાથા આપણને યાદ અપાવે છે કે આપણે જ આપણા સંસારનું નિર્માણ કરીએ છીએ. ઝાડ પર ચડવું એટલે કે કર્મબંધ વખતની કાળજી આપણા હાથની વાત છે એ જો ન લઈ શક્યા તો પછી મળનાર પછડાટ આપણા હાથમાં નહિ રહે. એક એવી સઝ્ઝાય છે કે, ‘હસતાં બાંધ્યા રે કર્મ ,રડતાં ન છૂટે પ્રાણિયા …’ આ ગાથા એક સંકેત છે કે આપણી આ સ્થિતિ થાય એ પહેલાં ચેતી જઈએ.

સમજાતો હોવા છતાં ધર્મ કેમ ગમતો નથી એનું કારણ કેવાં કેવાં અનુભવમૂલક ઉદાહરણ દ્વારા ભગવાને સમજાવી આપ્યું છે. જુઓ : ‘તાવવાળા માણસને મીઠી વસ્તુ નથી ભાવતી તેમ મિથ્યાત્વને આધીન વ્યક્તિનું દર્શન વિપરીત બની જાય છે – તેને ધર્મ પણ ગમતો નથી.’ (ગાથા-૬૮) તકલીફ મીઠાઈમાં નથી આપણને તાવ છે એમાં છે ને દોષ આપણે મીઠાઈને આપીએ છીએ. આ બધી વાતો એટલી સચોટ રીતે કહેવાઈ છે કે એક વાક્યમાં જ સમજાઈ જાય. વીરવિજયજી મહારાજ યાદ આવે, ‘રીસ કરે દેતાં શિખામણ, ભાગ્યદશા પરવારીજી.’

આ બધા માટે જવાબદાર કોણ ? તો જવાબ છે આપણા જ રાગ અને દ્વેષ. સઘળાં કર્મોના બંધ પાછળ મુખ્ય કારણરૂપ આ રાગ-દ્વેષ જ આપણા ખરા રિપુઓ છે. ભગવાન સ્પષ્ટ શબ્દોમાં કહે છે કે, ‘નિરંકુશ એવા રાગ અને દ્વેષ આપણું જેટલું બૂરું કરે છે એટલું ગમે તેટલો છંછેડાયેલો અને બળવાન શત્રુ પણ નથી કરી શકતો.’ (ગાથા-૭૨) દુઃખનું કારણ આપે અને નિવારણ ન આપે તો ભગવાન શાના ? એટલે આગળની ગાથામાં કહે છે કે, ‘ભયંકર ભવસાગરને પાર કરવાની ઈચ્છા હોય તો હે સુજ્ઞ બંધુ ! તપ અને સંયમરૂપી નૌકા જલ્દી મેળવી લે.’ (ગાથા-૭૪) સંયમ દ્વારા સંવર અને તપ દ્વારા નિર્જરાનો માર્ગ બતાવ્યો એ વાત તો અગત્યની છે જ પણ વધુ અપીલિંગ છે સુજ્ઞ બંધુ સંબોધન. ગુજરાતી અનુવાદક મુનિશ્રી (હવે ઉપાધ્યાયશ્રી) ભુવનચંદ્રજીની એક સાધક તરીકેની મૃદુતા-કોમળતા હૃદયને સ્પર્શી જાય છે. ‘બંધુ’ સંબોધન પોતીકું લાગે છે ને અનુવાદમાં ભગવાનને અભિપ્રેત મીઠાશ અનુભવાય છે.

ધર્મસૂત્રના આરંભે દશવૈકાલિક સૂત્રની પ્રથમ ગાથા મૂકી ધર્મની સ્પષ્ટ વ્યાખ્યા આપી દીધી છે. ભગવાન કહે છે, ‘ધર્મ ઉત્કૃષ્ઠ મંગળ છે, અહિંસા, સંયમ અને તપ એ જ ધર્મ છે. જેનું મન સદા ધર્મમાં લીન રહે છે તેને દેવો પણ નમન કરે છે.’ (ગાથા-૮૨) અહિંસા, સંયમ અને તપને જ ધર્મ ગણાવી આ ત્રણ બાબતોમાં સઘળું સમાવી લઈ આ સંજ્ઞાઓનો કેવો અર્થ વિસ્તાર કર્યો છે ભગવાને ! ધર્મવાન વ્યક્તિનું કેટલું અદકેરું મૂલ્ય છે એ પણ અહીં સૂચિત કરી ભગવાને એ દિશામાં અગ્રેસર થવા જાણે સૂચન કરી દીધું છે. ‘વત્થુ સહાવો ધમ્મો’ એ ન્યાયે વસ્તુ એટલે કે આત્માનો સ્વભાવ જ ધર્મ છે. આત્માનો સ્વભાવ એના ક્ષમા આદિ દશ ગુણો છે, તેથી એ ગુણ તે જ ધર્મ. ગુણવાન હોવું એટલે ધર્મવાન હોવું. યશોવિજયજીના એક સ્તવનમાં પણ ભગવાન પરમપદને કેમ વર્યા એનું રહસ્ય સાદી સીધી શૈલીમાં સમજાવતાં તેઓ કહે છે કે, ‘ગુણ સઘળાં અંગી કર્યાં, દૂર કર્યાં સવી દોષ લાલ રે.’ સાધકે આટલું જ તો કરવાનું છે. પોતાના આત્મસ્વરૂપના સઘળાં ગુણોને એનાં મૂળ રૂપમાં આત્મસાત કરવાના છે ને એની પ્રાપ્તિ માટેનો માર્ગ તે જ ધર્મ.

ધર્મ પમાડવાની રીત પણ કેટલી મનોહર છે પ્રભુની ! એનાં ઉદાહરણ પણ આપણને ઠેરઠેર મળી રહે છે. આચાર્ય મમ્મટ્ટ સાહિત્યના છ પ્રયોજનો પૈકી એક પ્રયોજન પ્રિય પત્નીની જેમ ઉપદેશ આપવાનું ગણાવે છે. જુઓ ભગવાન સત્ય બોલવાથી શું થાય એ સમજાવી કેવી સલુકાઈથી સત્યકથન તરફ વાળી દે છે. ‘સત્યભાષી વ્યક્તિ માતાની જેમ વિશ્વાસપાત્ર, ગુરુની જેમ પૂજ્ય અને સ્વજનની જેમ સૌને પ્રિય બને છે.’ (ગાથા-૯૫) જો તમારે આ સ્થાન મેળવવું હોય તો સત્યના માર્ગે ચાલો એવો સીધો ઉપદેશ ન આપી ભગવાન અહીં માત્ર ઈશારો કરી ચૂપ થઈ જાય છે ને એમાં જ સાધકની ગરિમા પણ જળવાય છે. તો જરૂર પડે સામાન્ય ભાવકો માટે વાર્તા આદિ દૃષ્ટાંતોની મદદથી પણ શાસ્ત્રકારો પથપ્રદર્શન કરે છે. ૯૭મી ગાથામાં લાભ વધતાં લોભ કેવી રીતે વધતો જાય છે તેની વાર્તા કહી લોભથી બચવાની સીધી શીખ પણ આપી છે. ટૂંકમાં ભગવાન દરેક પ્રકારના સાધક માટે તેમને યોગ્ય ઉપદેશ આપી તેમના રાહબર બન્યા છે. આ જ છે એમની કરુણા.

ધર્મોપદેશ સીધો અને સ્પષ્ટ હોવો જોઈએ. એનો વિનિયોગ અભિધામાં જ થાય તે વધુ અપેક્ષિત છે. એમાં બહુ ઝાઝી સાહિત્યિકતાની અપેક્ષા ન રાખવી જોઈએ. કેમ કે સાહિત્યમાં અર્થઘટનના વૈવિધ્યના પ્રશ્નો રહે છે. ભગવાને મોટે ભાગે બધું એકદમ સ્પષ્ટ શબ્દોમાં જ કહ્યું છે જેથી સાધકે ક્યાંક અટવાવાનું ન આવે. આ ગ્રંથમાં આપેલી કેટલીક સ્પષ્ટ વ્યાખ્યાઓને લઈને અલગથી અભ્યાસ થઈ શકે. ત્યાગીની વ્યાખ્યા આપતાં ભગવાન કહે છે કે, ‘જે વ્યક્તિ સુંદર અને પ્રિય એવા ભોગો મળતા હોય છતાં તેની સામે ન જુએ અને સ્વાધીન હોય એવા સુખોનો પણ ત્યાગ કરે તે ખરો ત્યાગી કહેવાય.’ (ગાથા-૧૦૪) કશું પાસે ન હોય તે વ્યક્તિની અભાવગ્રસ્ત અવસ્થા ત્યાગ નથી. ભીખારી અને ત્યાગીમાં આ પાયાનો ફરક છે. રાજેશ વ્યાસ ‘મિસ્કીન’ની ગઝલ યાદ આવે : ‘તારું કશું ન હોય તો છોડીને આવ તું, તારું જ બધું હોય તો છોડી બતાવ તું.’ પ્રિય વસ્તુ કે વ્યક્તિના પાશમાંથી છૂટી શકે તે ત્યાગી … આવી જ વ્યાખ્યા કરી છે બ્રહ્મચર્યની. ‘બ્રહ્મ એટલે આત્મા. દેહ અને પરની આસક્તિથી મુક્ત મુનિ બ્રહ્મને અર્થે જે આચરણ કરે તેને બ્રહ્મચર્ય કહે છે.’ (ગાથા-૧૧૧) બ્રહ્મચર્યની કેટલી સુક્ષ્મ વાત ભગવાને આપણને શીખવી ને આપણે એની કેટલી સ્થૂળ વ્યાખ્યામાં અટવાઈ ગયા ! આત્મરમણતા એ જ બ્રહ્મચર્ય. જે પોતાના મૂળ સ્વરૂપમાં રમમાણ કરે એને સ્થૂળ બ્રહ્મચર્ય આદિ ગુણો તો સહજ ઉપલબ્ધ થઈ જાય. આવા સાધકનું એકેએક કૃત્ય બ્રહ્મ પ્રાપ્તિ અર્થે જ હોય. નિજ સ્વરૂપમાં ઠરવાની મથામણને જ અહીં બ્રહ્મચર્ય કહ્યું છે.

આગળ નોંધ્યું તેમ વાર્તા દ્વારા જીવન સંદેશ આપવાની પ્રણાલીને તિર્થંકર પરમાત્મા પણ અનુસર્યા છે. બાળજીવો માટે આ વાર્તાઓ માત્ર વાર્તાઓ ન રહેતા કલ્યાણદાત્રી બની રહી છે. એક સમાન ધર્મ માર્ગ મેળવનાર વ્યક્તિ તેનો કયા પ્રકારે વિનિયોગ કરી કઈ સ્થિતિને વરે છે એની વાત વેપારીની વાર્તાથી સમજાવતાં ભગવાન કહે છે કે, ‘ત્રણ વેપારીઓ સરખી મૂડી લઈને નીકળ્યા. એકે નફો કર્યો, બીજો મુદ્દલ લઈને પાછો આવ્યો, ત્રીજો વેપારી મૂળ રકમ ગુમાવીને પાછો ફર્યો. એવું જ ધર્મ વિશે પણ સમજવું.’ (ગાથા-૧૧૯-૧૨૦) આના બે અર્થ થઈ શકે. એક : ધર્મ તો બધાને સરખો મળ્યો પણ જેણે જે રીતે એનો વિનિયોગ કર્યો એ પ્રમાણે તેનું પરિણામ મેળવ્યું.  બીજો : આત્મનો સ્વભાવ એટલે કે તેના ગુણો જ ધર્મ છે. આ સંપદા તો બધાને સરખી જ મળી છે. આપણે આપણી સંપદાને વેડફી દઈએ એમાં બીજાનો શો વાંક ? આપણા વિકાસ અને રકાસ માટે આપણે સ્વયં જ જવાબદાર છીએ એમ જણાવી ભગવાને ત્રણેય વિકલ્પ સામે ધરી દીધાં. હવે સાધકે નક્કી કરવાનું છે કે એણે કયો વિકલ્પ પસંદ કરવો.

૧૨૧મી ગાથામાં તો બહુ મોટી વાત ભગવાને કરી દીધી. ‘આત્મા આત્માને જાણે છે. આત્મસાક્ષીએ કરાતો ધર્મ સાચો છે. ધર્મ એવી રીતે આચરવો કે જેથી આપણા પોતાના માટે એ સુખદાયક નીવડે.’ (ગાથા-૧૨૧) ધર્મ એ પ્રદર્શનનો વિષય નથી. આત્માથી મોટો કોઈ પરીક્ષક નથી. આપણે પોતે જ જોનાર ને જાણનાર છીએ. ધર્મ લોકરંજન માટે કરવાનું નથી. જો એમ થયું તો એનું મૂલ્ય કેટલું થઈ જશે એની બહુ જ માર્મિક વાત શ્રી યતિધર્મ બત્રીશી-સંજમ બત્રીશીની ૨૮મી ગાથામાં ઉપા.યશોવિજયજી મહારાજ કંઈક શબ્દોમાં કરે છે : 

‘આતમ સાખે ધર્મ જે તિહાં જનનું શું કામ ?
જનમનરંજન ધર્મનું મૂલ ન એક બદામ ….’

આજ વાતને વિસ્તરતા આગળની ગાથામાં શાસ્ત્રકારો કહે છે કે,  ‘હું મારી જાતે તપ અને સંયમ વડે મારા પર કાબૂ મેળવું એ જ સારું છે. વધ અને બંધન જેવી શિક્ષાઓ વડે બીજાઓ મને કાબૂમાં લે એ ઠીક નહિ. (ગાથા-૧૨૮) દુઃખના ડરથી કે સુખની અપેક્ષાથી કોઈ પણ કાર્ય જ્યાં સુધી આપણે કરીએ છીએ ત્યાં સુધી સમજવું કે આપણે બાલમંદિરમાં છીએ. આપણે જ આપણા નિરીક્ષક ને પરીક્ષક થવાનું છે. પાપભીરુતા એના સ્થાને યોગ્ય છે પણ ક્રમશઃ એ ભૂમિકાએથી આગળ વધી સાધકે સ્વયંશિસ્ત પાલન કરતાં શીખવાનું છે. એ જ ખરી રીત છે. અખાની જેમ ગુરુ થા તારો તું જ કહીને પ્રભુએ જાતને જીતવાનો રાજમાર્ગ બતાવી દીધો છે.

સાધના માર્ગે આગળ વધતા સાધકે સતત સાવધ રહેવું પડે. નાનકડો લાગતો કષાય ક્યારે મોટું રૂપ લઈ લે એનો ખ્યાલ જ ન રહે માટે ભગવાન એનો જરા પણ વિશ્વાસ ન કરવાની શીખ આપે છે. બધાં જ દૃષ્ટાંત એટલાં વ્યવહારુ છે કે સામાન્યથી પણ સામાન્ય વ્યક્તિને તરત સમજાઈ જાય. જુઓ કેવી રીતે ભગવાને વાત કરી છે, ‘થોડુંક કરજ, નાનો ઘા, નાનકડી આગ કે જરાક જેટલો કષાય – આ બધાંનો તમારે કદી વિશ્વાસ ન કરવો. એમને નાનામાંથી મોટું રૂપ લેતાં વાર લાગતી નથી.’ (ગાથા-૧૩૪) પહોંચેલા સાધકો કહે છે કે જ્યાં સુધી કેવળજ્ઞાન ન થાય ત્યાં સુધી મનનો વિશ્વાસ ન કરવો. ક્રોધ, માન, માયા, લોભ આદિ જેવાં તણખલાથી સાવધ કરી ભગવાન મોટી આગથી આપણને બચાવી લે છે. આ માટે જરૂરી સાવધાની કઈ રીતે રાખવી એનો રસ્તો પણ ભગવાન બતાવે છે. તેઓ કહે છે, ‘કાચબો પોતાના અંગોને પોતાની અંદર લઈ લે છે એમ વિચારશીલ પુરુષ આત્મલક્ષ્ય વડે સંવરણ કરે. (ગાથા-૧૩૭) આ રીતે ભગવાન રોગ પણ બતાવે છે ને રોગની દવા પણ આપે છે.

કોઈ સાધક પૂછે કે મારે અન્ય જીવો પ્રત્યે કેવી રીતે વર્તવું ? તો તેનો જવાબ ભગવાન કઈંક આ રીતે આપે છે : ‘જેમ તને દુઃખ ગમતું નથી તેમ બીજા સર્વ જીવોને પણ ગમતું નથી. સૌને પોતાના સમાન ગણીને ખૂબ આદર અને સાવધાનીથી, સર્વ જીવો પર દયા રાખ.’ (ગાથા-૧૫૦) દરેક વાતે ભગવાનની સરળ છતાં વિશિષ્ટ એવી શૈલીનો પરિચય સાધક મેળવતો જાય છે. દરેક વાત એટલી કન્વીન્સીંગલી કરાઈ છે કે તમને કાન પકડીને કબૂલવું પડે. જો તમને દુ:ખ ગમતું હોય તો બીજાને આપો, જો તમને નથી ગમતું તો બીજાને કેવી રીતે ગમે ? એટલું જ કહીને ભગવાન અટક્યા નહિ; એમણે સૌને સમાન ગણવાની વાત કરી સાવધાનીપૂર્વક સમાદર આપવાની વાત પણ કરી. આપણે ફરિયાદ કરીએ કે સામેવાળી વ્યક્તિ તો આવી છે, તો ભગવાન કહે કે એ જેવી હોય તેવી, તને તો સુખી થવું છે ને ? તારો સદવ્યવહાર તારા જ સુખનું કારણ બનશે ને તારો દુર્વ્યવહાર તારા દુઃખનું. નક્કી તારે કરવાનું છે ને એ પ્રમાણે વ્યવહાર પણ તારે જ કરવાનો છે. કેટલી મજાની છે વિભુની આ રીત ! તેઓ આગળ વધુ સ્પષ્ટતા કરતા કહે છે કે, ‘કોઈ જીવને મારવો એ પોતાને મારવા બરાબર છે; કોઈના પર દયા કરવી એ પોતાની ઉપર દયા કરવા બરાબર છે. તેથી આત્મહિતૈષીજનો સર્વજીવોની હિંસાથી દૂર રહે છે.’ (ગાથા-૧૫૧) અહિંસા એ સ્વયં પર જ કરેલો ઉપકાર છે ને હિંસા એ આત્મદ્રોહ છે. માટે જે આત્મહિતૈષી છે તે જાતને બચાવવા સર્વજીવોને બચાવે છે.

આ પ્રકારે અહિંસા પાલન માટે આવશ્યક છે અપ્રમત દશા. સાધક માટે સૌથી અનિવાર્ય છે તેની ક્ષણેક્ષણની સાવધતા. ૧૬૧મી ગાથામાં આચાંરાગ સૂત્રનું ભગવાનનું સીધેસીધું વચન જેમનું તેમ મુકાયું છે. ‘સુત્તા અમુણિ, મુણિણાં સયા જાગરંતિ ..’ અસાવધ તે અસાધુ ને સાવધ તે સાધુ.’ ભગવાન મહાવીરે શિષ્ય ગૌતમને આપેલ આત્મ જાગૃતિનો આ સંદેશ પ્રત્યેક સાધક માટે સાધનાની અનિવાર્ય શરત બની જાય છે.

આટલું જાણ્યા પછી પણ સાધક અસાવધ રહે છે એવું આપણને જણાય તો એની પાછળનું કારણ ભગવાન સાધકની મોહદૃષ્ટિને ગણાવે છે. બે દૃષ્ટિ છે : મોહદૃષ્ટિ અને જ્ઞાનદૃષ્ટિ. મોહદૃષ્ટિમાં બધું જ મારું લાગે ને એના પ્રત્યે આસક્તિના સંસ્કાર દૃઢ થતાં રહે. દૃષ્ટિ મંજાઈ જાય, પરિમાર્જિત થઈ જાય ત્યારે જે જેવું છે તેવું જ દેખાય. જે તે પદાર્થનું અનિત્ય સ્વરૂપ સમજાઈ જતાં તેની આસક્તિ પણ સહજ રીતે છૂટતી જાય. એમ કરતાં પોતાનું પણ મૂળ સ્વરૂપ સમજાય. જાતને ભૂલી ગયેલાં ને પોતાનાં મૂળ સ્વરૂપને બદલે ભ્રમણાઓમાં ફસાઈ ગયેલાં આપણા જેવાંને ભગવાન યાદ કરાવે છે કે, ‘હું દેહ નથી, મન નથી, વાણી નથી, એમનું કારણ પણ નથી, નથી કોઈનો પ્રેરક કે નથી કોઈનો અનુમોદક.’ (ગાથા-૧૮૯) હું તો શુદ્ધ આત્મ સ્વરૂપ છું એ વાતને અનુભૂતિના સ્તરે લઈ જવાનો મહાવરો સાધકે સતત કરવાનો છે. પોતાના મૂળ રૂપને સતત ઘૂંટવાનું છે ને સાથોસાથ એને જીવવાનું છે. હું આત્મા છું એવું રટણ આપણા સંસ્કાર બદલશે ને આચરણ – એમાં રમણતા આપણો સ્વભાવ બદલશે. રટણ માત્ર શુકપાઠ ન બની રહેતાં આચરણનું સત્ય બને એમ જ્ઞાનીઓ ઈચ્છે છે ને એમાં જ સાધકનું શ્રેય છે.

સાધનામાર્ગમાં કેટલુંક એવું પણ છે જે આપણને એવું તો ગમવા લાગે કે આપણે એમાં જ અટવાઈ જઈએ. ભક્તિને પરમ આનંદના બીજરૂપ ગણાવવામાં આવી છે એ જેટલું સત્ય છે એટલું જ એ પણ સત્ય છે કે એના વ્યમોહમાં પણ અટવાઈને અટકી જવાનું નથી. ભક્તિ શુભ આલંબન છે, એનો ટેકો સાધકે લેવાનો છે, પણ શુભમાં અટકી પડશે તો શુદ્ધને કઈ રીતે પામી શકશે ? સાધક ગમતી અવસ્થામાં અટકી ન જાય તે માટે ભગવાન કહે છે કે, ‘શાસ્ત્રાભ્યાસી વ્યક્તિ પણ ભ્રમવશ એવું માનવા લાગે કે ભક્તિ આદિ શુભભાવ મોક્ષકારક છે, તો તે વ્યક્તિ પરભાવમાં રમનારો છે એમ સમજવું.’ (ગાથા-૧૯૪) ભક્તિ સીડી છે, જેને મુકવી પડશે. ભક્તિનું આલંબન બનાવી આગળ વધવાનું છે, એમાં અટવાઈ જવાનું નથી એમ સમજાવી ભગવાનને લપસી જતાં બચાવે છે.

ભગવાને સમન્વયનો માર્ગ બતાવ્યો છે. વ્યવહાર અને નિશ્ચયના સમન્વયની વાત ભગવાને કરી છે. બંનેમાંથી એકેયની ઉપેક્ષા ન કરવાની શીખ આપતાં ભગવાન કહે છે કે, ‘નિશ્ચય અને વ્યવહાર – આ બંને દ્રષ્ટિએ રત્નત્રયને જે આત્મા સમજતો નથી તે જે ધર્માચરણ કરતો હોય તે જિનેશ્વરનિર્દિષ્ટ હોય તો પણ મિથ્યા છે.’ (ગાથા-૧૯૬) વ્યવહાર કરવાનો છે પણ વ્યવહાર જડ નથી થવાનું ને નિશ્ચયવાદી થઈ વ્યવહાર ત્યજવાનો નથી. સાધનામાં એકાંગી બનવું એ કેટલું ભયાવહ છે તેનો ભગવાને અહીં ઈશારો કરી દીધો છે.

મોક્ષમાર્ગસૂત્રમાં ભગવાન પાપ-પુણ્ય બંને પ્રકારના કર્મોથી મુક્ત થવાની વાત કરે છે. સંસારમાં લઈ જનાર પુણ્યકર્મ શ્રેયસ્કર કઈ રીતે હોઈ શકે એવો પ્રશ્ન કરતાં ભગવાન કહે છે કે, ‘પુણ્યકર્મને સારું અને પાપકર્મને ખરાબ ભલે સમજો, પરંતુ સુક્ષ્મદ્રષ્ટિએ વિચારીએ તો જે કર્મ (પુણ્ય કર્મ) સંસારમાં ખેંચી જાય તેને સારું કેમ કહેવાય ?’ (ગાથા-૨૦૦) ધર્મનો માર્ગ એટલે મુક્તિનો માર્ગ, માત્ર દુઃખ-મુક્તિનો નહિ. નરસિંહ મહેતા યાદ આવે – ‘પુણ્ય કરી અમરાપુરી પામ્યા અંતે ચોરાસી માહીં રે.’ પણ ભગવાનની સમજાવવાની રીત તો જુઓ કેવી મજાની છે ! કોઈ એમ વિચારે કે તો પુણ્યકાર્ય પણ નહિ કરવાના ? તો ભગવાન જવાબ આપે છે, ‘તેમ છતાં, વ્રત-તપ વગેરે શુભભાવોથી સ્વર્ગ કે સદ્ ગતિની પ્રાપ્તિ થતી હોય તો ભલે થાય, હિંસા આદિ અશુભ ભાવો કરીને નરકાદિ દુઃખોને આમંત્રણ આપવું એ તો સારું નહિ. રાહ જોવી જ હોય તો છાંયડામાં ઊભા રહીને જોવી સારી છે, તડકામાં ઊભા રહીને નહિ.’ (ગાથા-૨૦૩) કર્મ માત્ર બંધનકર્તા હોવાં છતાં જ્યાં સુધી કોઈને કોઈ કર્મ કરવાના જ છે તો નિરપેક્ષભાવે પુણ્ય કર્મ કરવાની વાત કેવી સરસ રીતે કરી. રાહ જોવી જ છે તો છાંયડે ઊભા રહીને રાહ જોવાની વાતમાં ભગવાનના માતૃત્વ-પિતૃત્વના દર્શન થાય છે. ભગવાને માવતરની અદાથી સલાહ આપી છે એ વાત વધુ ગમી જાય તેવી છે.

ક્રિયા અને જ્ઞાનના સમન્વયની વાત ભગવાને આંધળા અને લંગડાની વાર્તા દ્વારા સામાન્યજનને પણ સમજાઈ જાય એ રીતે કરી હોવા છતાં આપણે એકાંગી થઈ કેમ ગોથા ખાઈએ છીએ એ સમજાતું નથી. ભગવાન સ્પષ્ટ કહે છે કે, ‘ક્રિયા વિનાનું જ્ઞાન નકામું છે અને જ્ઞાન વિનાની ક્રિયા નકામી છે. લંગડો દેખી શકતો હોય અને આંધળો દોડી શકતો હોય છતાં બંને જંગલમાં લાગેલી આગથી બચી ન શકે. બંનેનો સંયોગ થાય તો સફળતા મળે છે. રથ એક પૈડાથી નથી ચાલતો. વનમાં આંધળા અને લંગડાએ પરસ્પર સુમેળ સાધ્યો અને સાથે મળીને તેઓ સ્વસ્થાને પહોંચ્યા.’ (ગાથા-૨૧૨,૨૧૩) જ્ઞાનની આંખ અને આચરણની પાંખ થકી આ સંસારાગ્નિમાંથી બહાર નીકળવાની વાતની આનાથી સરળ પ્રસ્તુતિ બીજી કઈ હોઈ શકે ?

રત્નત્રયસૂત્રની વાતને વધુ સૂક્ષ્મતાથી સમજાવતાં ભગવાને સમ્યકદર્શનસૂત્રમાં સમ્યકદર્શનનો કેટલો બધો મહિમા કર્યો છે તે તો જુઓ ! ભગવાન કહે છે કે, ‘સમ્યગ્ દર્શનથી જે ભ્રષ્ટ થાય છે તેને પૂરો ભ્રષ્ટ સમજવો. સમ્યક્ત્વરહિતનો મોક્ષ નથી. ચારિત્ર્યરહિતનો મોક્ષ થાય, સમ્યક્ત્વરહિતનો કદી નહિ.’ (ગાથા-૨૨૩) જે જેવું છે તેવું જોવું, જાણવું ને સમજવું તે સમ્યકદર્શન. સમ્યકદર્શનની મહત્તા સમજાવતાં ભગવાને તેને ચારિત્ર્ય કરતાં પણ અગ્રીમ સ્થાન આપ્યું છે. આપણી પાસે ભરત ચક્રવર્તીનું ઉદાહરણ પણ છે કે જેમને અરીસાભુવનમાં કેવળજ્ઞાન થયેલું. દર્શન શુદ્ધિ વિના સઘળું વ્યર્થ છે એમ કહી ભગવાને તેની અનિવાર્યતા અહીં પ્રમાણી છે.

સમ્યક દર્શન કેળવી સાધક સંસારના કર્મો ભોગવે. પુણ્ય કે પાપ જે ઉદયે આવે તેમાંથી અલિપ્ત ભાવે પસાર થઈ કર્મ ખપાવે, પણ નવા કર્મ ન બાંધે. કર્મને કર્મ તરીકે ભોગવે ને કર્મ ખપાવી મુક્ત બને. જુદી રીતે કહીએ તો બધું જ કરવા ખાતર કરે. આજ વાતને નાટકના ઉદાહરણથી સમજાવતાં ભગવાન કહે છે કે, ‘કોક વિષયોનો ઉપભોગ કરતો હોવા છતાં નથી કરતો એમ કહી શકાય, ને કોક ન કરતો હોવા છતાં ઉપભોગ કરે છે એમ કહી શકાય. કોઈ માણસ નાટકમાં લગ્નાદિ કાર્યમાં જોડાયો હોય તો તે કાર્ય કરતો હોવા છતાં કાર્યનો કર્તા ગણાતો નથી, તેની જેમ. (ગાથા-૨૨૯) શેક્સપિયર યાદ આવે, ‘All the world’s a stage, and all the men and women merely players …’ આપણે આપણને મળેલ વિભિન્ન ભૂમિકા સારામાં સારી રીતે નિભાવવાની છે એવી શેક્સપિયરની વાતથી ભગવાન એક ડગલું આગળ વધીને કહે છે કે આ ભૂમિકા નિભાવતી વખતે એ સભાનપણે યાદ રાખવાનું છે કે આ ભૂમિકા અદા કરનાર અદાકાર તે હું નથી. મારે તો લીંપાયા વિના માત્ર અભિનય કરીને સરકી જવાનું છે. અકર્મ બનવાની થિયરીની સમજાવવાની કેટલી સરળ રીત ! 

તો વળી, ભગવાને જ્ઞાનનું મૂલ્ય સમજાવવા કેવું ઘરગથ્થુ ઉદાહરણ આપ્યું છે તે જુઓ :  ‘દોરો પરોવેલી સોય પડી જાય તોયે ખોવાઈ જતી નથી, તેવી જ રીતે જ્ઞાનયુક્ત આત્મા સંસારમાં ફસી જવા છતાં તેમાં ખોવાઈ જતો નથી.’ (ગાથા-૨૪૮) જ્ઞાનરૂપી સંસ્કાર પડ્યા હશે તો કદાચ ભટકી જવાશે તોયે જ્ઞાનનો દોરો આપણી આત્મરૂપ સોયને ગુમ થવા નહિ દે. આ વાતને વિવરણની જરૂર ખરી ? ભગવાને ધર્મમાર્ગની પ્રરૂપણા કેટલી સરળત્તમ વાતોથી કરી છે એના એકથી એક ચડે એવા ઉદાહરણ વાચક અહીં મેળવી શકશે. આગળની ગાથાઓમાં જ્ઞાન સાથે આચરણની વાત ઉમેરતાં ભગવાનના કથનોમાં જાણે એક પછી એક આવતાં આત્મોન્નતિના પગથિયાંના દર્શન થાય છે. આચરણ વિનાના જ્ઞાનને જ્ઞાનીઓ નિરર્થક માને છે. રસ્તો જાણવાથી મંજિલે પહોંચી જવાતું નથી. ચાલવું અનિવાર્ય છે. ભગવાન કહે છે, ‘ઉચિત આચરણ વિના જ્ઞાન ઈચ્છિત લક્ષ્યની પ્રાપ્તિનું સાધન બનતું નથી. રસ્તો જાણતો હોય પણ ચાલતો ન હોય એવો મનુષ્ય અથવા પવનનો સાથ જેને ન હોય એવું વહાણ ઈષ્ટ સ્થાને પહોંચતા નથી.’ (ગાથા-૨૬૫) આચરણ સાથેનું ઓછું જ્ઞાન પણ કામનું અને આચરણ વિનાનું પાંડિત્ય પણ નકામું એ વાતને સમજાવતાં ભગવાન આગળ કહે છે કે, ‘જે ચારિત્રયુક્ત છે તે થોડું શીખ્યો હશે તો પણ વિદ્વાનને હરાવી દેશે. જે ચારિત્રવિહીન છે તે ગમે તેટલું ભણે તો ય તેથી શું ?’ (ગાથા-૨૬૭) ચારિત્ર્ય પાળવું એટલે ચારિત્ર્ય જીવવું. ભગવાને કોરા જ્ઞાન કરતાં આચરણને વધુ મૂલ્યવાન ગણ્યું છે. અનુભવીનું બોલ્યું શાસ્ત્ર બની જાય ને ભણેલા શાસ્ત્ર બોલ્યા કરે આ પાયાનો ભેદ.

સમણસુત્તંમાં કોઈને કોઈ રૂપે ધર્મમાર્ગની વાત સતત આવ્યા કરે છે. ક્યાંક અંગુલીનિર્દેશ છે તો ક્યાંક આ રહ્યો માર્ગ એમ કહી સાધકે શું કરવું ને શું ન કરવું એની વાત સ્પષ્ટ રીતે ભગવાન કરે છે. સાધનાસૂત્રમાં ભગવાનના વચનોમાં સીધા માર્ગની વાત આ રીતે આવે છે, ‘અને મોક્ષની ઉપલબ્ધિ માટેનો આ છે માર્ગ : ગુરુ અને વડીલોની સેવા, અજ્ઞાનીના સંગનો ત્યાગ, સ્વાધ્યાય અને એકાંતની આરાધના, સૂત્ર અને અર્થનું મનન અને અખૂટ ધૈર્ય.’ (ગાથા-૨૯૦) એકલની પગદંડી પર કઈ રીતે ચાલવું એની વાત કરતાં ભગવાને Does and Don’tsની વાતો કરી છે. છેલ્લે અખૂટ ધૈર્યની આવશ્યકતા પર ભગવાને ભાર મુક્યો છે. અવધૂત આનંદઘનજી મહારાજે વિતરાગના માર્ગે ચાલવા માટે ભૂમિકારૂપ જે ત્રણ શરતો બતાવી છે તેમાં પણ એક છે ધૈર્ય. તેઓ કહે છે, ‘સેવન કારણ પ્રથમ ભૂમિકા રે, અભય, અદ્વેષ, અખેદ ..’ અહીં અખેદ એટલે વણથાક્યા ચાલ્યા કરવું. અનંતની યાત્રાના પથિકે નિરપેક્ષભાવે અણથક અવિચળ ચાલ્યા જ કરવાનું છે. ફળની અપેક્ષા આવે ત્યાં ધૈર્ય ખૂટી પડે. માટે સાધકે પોતાના કતૃત્વને ગૌણ બનાવી માત્ર જે આવતું જાય છે તેનો સ્વીકાર કરતાં જીવવું. મીરાની ભાષામાં કહીએ તો રામ રાખે તેમ રહેવું.

આ ગ્રંથમાં ભગવાને દેખીતી રીતે નાની નાની લાગતી પણ મૂળે બહુમૂલ્ય એવી વાતોનો ખજાનો જાણે છુટ્ટે હાથે વહેંચ્યો છે ! ભગવાનની વાત મુકવાની શૈલી પણ એટલી જ અસરકારક છે. તેઓ કહે છે, ‘રસપ્રચુર ભોજન અધિક કદી ન કરવું જોઈએ, કારણ કે સામાન્ય રીતે રસયુક્ત આહાર મદવર્ધક છે અને મદોન્મત પુરુષને કામ એવી રીતે સતાવે છે કે જેવી રીતે સ્વાદિષ્ટ ફળવાળાં વૃક્ષને પક્ષીઓ સતાવે છે.’ (ગાથા-૨૯૩) સાધકે ખાવા-પીવામાં પણ કેટલી તકેદારી લેવાની છે તેની વાત ભગવાને અહીં કરી છે. કામવાસનાનાં મૂળમાં પણ આ પ્રકારનો ખોરાક છે એ વાત કરી આ પ્રકારના ભોજનથી મન પર થતી અસરની વાત કેવાં લોકભોગ્ય ઉદાહરણથી સમજાવી. વળી અતિમાત્રામાં પણ ખોરાક ન લેવાની વાત શાસ્ત્રો કરે છે. ગાંધીજી તો કહેતા કે, ‘શરીરને એટલું જ પોષણ આપવાનું જેટલું એની પાસેથી આપણે કામ લઈ શકીએ.’ આ પ્રકારે હિતચિંતા કરીને વિતરાગ પ્રભુ જગતના જીવમાત્રના કલ્યાણમિત્ર બની શક્યા છે.

ભગવાનની એક એક વાત સ્પર્શી જાય તેવી છે. આપણે સામાન્યરીતે ઘડપણમાં ભગવાનનું નામ લઈશું, પૂજા, ભક્તિ કરીશું એવું વિચારનારા. ભગવાન જાણે ટકોર કરતાં કહે છે કે ધર્મપાલન તો યુવાનીનો વિષય છે. ઘડપણમાં ગોવિંદના ગુણ ગાઈશુંની અવધારણા જ ખોટી છે. મીઠાઈ માવા કેમ અત્યારે ખાઈએ છીએ ? તેમ ધર્માચરણ પણ અત્યારે જ કરવાનું છે. પછી તો એને માત્ર વાગોળવાનું છે. વૃદ્ધાવસ્થા સુધી ધર્મપાલનમાં એવા ચોક્કસ થઈ જઈએ કે પછી તો એ સહજ ઘટના બની જાય. માટે ભગવાન કહે છે કે, ‘જ્યાં સુધી ઘડપણ આવીને પજવતું નથી, જ્યાં સુધી રોગો વધ્યા નથી અને ઈન્દ્રિયોની શક્તિ જ્યાં સુધી ઘટી નથી ત્યાં સુધીમાં ધર્મસાધના કરી લેવી જોઈએ.’ (ગાથા-૨૯૫)

ધર્માચરણ માટે જૈન દર્શને બે માર્ગ બતાવ્યા છે : એક શ્રમણનો અને બીજો શ્રાવકનો. ગાથા ક્રમાંક ૩૦૧થી ૩૩૫માં શ્રાવક-ધર્મની અને ૩૩૬થી ૩૮૩માં શ્રમણ-ધર્મની વાતો બહુ જ સરળ છતાં અસરકારક રીતે મુકવામાં આવી છે. જો આચરી શકાય તો શ્રમણ-ધર્મ ઉત્તમોત્તમ છે, પણ જો કોઈ કારણસર નથી આચરી શકાતો તો ભગવાને શ્રાવક-ધર્મ પણ આપ્યો ને એમાં પણ કેટકેટલી સુવિધાઓ કરી આપી. નિયમોની જડતાની વાત કરનાર જરા ઊંડાણપૂર્વક જોશે તો એમને એમાં ગર્ભિત લવચીકપણાંના દર્શન થયા વિના નહિ રહે. સાધક જે પણ ભૂમિકાએ હોય ત્યાંથી કઈ રીતે આગળ જઈ શકાય એનો જાણે એક ધોરીમાર્ગ ભગવાને કંડારી આપ્યો છે. શ્રાવકને કરવા યોગ્ય અને ન કરવા યોગ્ય કાર્યોની તમામ વાતો ભગવાને અહીં કરી છે. દરેક શ્રાવકે આ ગાથાઓમાંથી પસાર થવું રહ્યું, તેમને જીવનઉત્કર્ષનો રસ્તો અહીં મળી રહેશે. એવું જ માર્ગદર્શન પ્રત્યેક સાધુ ભગવંત પણ અહીં પ્રાપ્ત કરી શકશે.

૩૪૦મી ગાથામાં સાધુતા વિશેનું કેટલું સ્પષ્ટ કથન છે તે જુઓ : ‘માથું મુંડાવવા માત્રથી શ્રમણ થવાતું નથી, ઓમનો પાઠ કરવાથી બ્રાહ્મણ થવાતું નથી, જંગલમાં વસવાથી કોઈ મુનિ બની જતો નથી અને દર્ભના વસ્ત્ર પહેરવાથી કોઈ તાપસ થઈ જતો નથી.’ (ગાથા-૩૪૦) સાધુતા એ આંતરિક ભૂમિકાની વાત છે, બાહ્ય પરિવેશની નહિ. સાધુતા વેશમાં જ માત્ર નહિ પરંતુ વ્યવહારમાં પણ અનુભવાય એ જરૂરી છે. જેના આરાધ્ય તેના વ્યવહારમાં અનુભવાય તે સાચો સાધક. યોગમાર્ગના સંત શ્રી કૃષ્ણપ્રેમજીએ વૈષ્ણવના સંદર્ભમાં કરેલું વિધાન અહીં કામ લાગે. તેઓ કહે છે કે, ‘જેને જોતાં વેંત મનમાં કૃષ્ણનું સ્મરણ વીજળીની પેઠે ઝબૂકી ઊઠે તેનું નામ વૈષ્ણવ.’ આવા સાધુ કઈ રીતે થવાય એનો જવાબ આગળની ગાથામાં મુકાયો છે. ‘સમતાથી શ્રમણ બનાય અને બ્રહ્મચર્યથી બ્રાહ્મણ થવાય, જ્ઞાન વડે મુનિ થઈ શકાય અને તપથી તાપસ થવાય.’ (ગાથા-૩૪૧)

સાધુ એટલે કે બહોળા પરિપ્રેક્ષ્યમાં સાધક માત્ર કઈ-કઈ પરિસ્થિતિમાં સમભાવ રાખે છે તેની વાત આગળ આવે છે. ‘લાભ-હાનિ, સુખ-દુઃખ, જીવન-મરણ, નિંદા-પ્રસંશા, માન-અપમાન, દરેકમાં મુનિ સમાનભાવ રાખે છે.’ (ગાથા-૩૪૭) સાધકને મન આ બધા જ પૌદ્ગલિક ભાવો છે. આ પ્રકારના સમભાવની અપેક્ષા તો દરેક દર્શનમાં સાધક પાસે રખાઈ છે. ગંગાસતીએ પોતાના ભજનમાં આ વાતને પ્રમાણતા કહ્યું કે, ‘ભાઈ રે, હરખ ને શોકની નાવે જેને હેડકી રે, શીશ તો કર્યાં કુરબાન રે .. તો વળી નરસિંહ મહેતાએ પણ વૈષ્ણવજનના લક્ષણોમાં સમદૃષ્ટિની વાત કરી છે. અભિવ્યક્તિ ભલે ભિન્ન રહી પણ વિચાર તો એ જ છે. એનું કારણ સત્યની સર્વવ્યાપકતા છે. સાધકે તો માત્ર પસાર થઈ જવાનું છે. ભગવાન બુદ્ધની ભાષામાં કહીએ તો સાક્ષીભાવે માત્ર દૃષ્ટા બની જોવાનું છે, એમાં વહી જવાનું નથી. ચિદાનંદજી મહારાજ ‘અવધૂ, નિરપક્ષ વિરલા કોઈ ..’ કહી સંતત્વની આ ઊંચાઈએ ભાગ્યે જ કોઈ વિરલા પહોંચી શકે એમ કહી તેમની મહત્તા કરી છે.

મોક્ષસુખને અવગણીને સંસારસુખની અપેક્ષા સેવનારને આત્મા વિશે ભગવાન કહે છે કે, ‘મોક્ષસુખની અવગણના કરીને જે અસાર ભૌતિક સુખની માગણી કરે છે તે આત્મા કાચના ટુકડા માટે ઉત્તમ રત્ન ખોઈ રહ્યો છે.’ (ગાથા-૩૬૬)’ આજ વાતને સંતકવિ નિત્યલાભજી ‘હાંરે હું તો મોહ્યો રે લાલ, જિન મુખડાને મટકે …’ સ્તવનમાં કહે છે

“મુજ મન લોભી ભ્રમર તણી પેરે, પ્રભુ પદ કમળે અટકે ..                  

રત્નચિંતામણી મૂકીને રાચે, કહો કોણ કાચ તણે કટકે …”

શાસ્ત્રોમાંથી ચૂંટીને અપાયેલી કેટલીક વ્યાખ્યાઓ આપણને ફેરવિચાર કરવા પ્રેરે એવી છે. ૩૭૯મી ગાથામાં ભગવાને આપેલી પરિગ્રહની વ્યાખ્યા શાસ્ત્રકારો આ રીતે ટાંકે છે, ‘વસ્તુના સંગ્રહને ભગવાને પરિગ્રહ નથી કહ્યો; એ મહર્ષિએ મૂર્છા(આસક્તિ)ને પરિગ્રહ કહ્યો છે.’ ભગવાને વસ્તુના સંગ્રહને નહિ તેની આસક્તિને પરિગ્રહ કહ્યો છે. વસ્તુ તો શક્તિ હશે એટલી જ ભેગી કરી શકાશે પણ મનમાં તો કલ્પનાઓના મહેલ બાંધી શકાય છે. મનથી પરિગ્રહ દૂર કરવા પ્રેક્ટીસરૂપે પરિગ્રહપ્રમાણ બાંધવાની વાત ભગવાને કરી છે. ઈચ્છાઓ ગાંડા બાવળ જેવી છે, એને મૂળસોતાં નહિ ઉખેડીએ તો એ વારે-વારે ઊગ્યા જ કરશે. એટલે મૂળે આસ્ક્તિમુક્ત થવાની કોશિશ સાધકે કરવાની છે.

ગાથા ક્રમાંક ૩૮૪થી ૪૧૬ સુધી પાંચ સમિતિ અને ત્રણ ગુપ્તિ – અષ્ટપ્રવચનમાતાની વાત વિગતે સમજાવી છે. જે કરવાથી અટકવાનું છે તેની સમજ ગુપ્તિ દ્વારા આપી, જે કરવાનું થાય તો કેવી રીતે કરવું એ માટે સમિતિની સમજ ભગવાન આપે છે. આ બંને આત્માની કેળવણીના સાધન છે. સાધુ આત્મહાનિ થાય એવી પ્રવૃત્તિ ન જ કરે. સાધુ અહિંસક હોય. અહિંસાના મૂળમાં કરુણા છે. કરુણાનો અભાવ એ જ હિંસા. કરુણા હશે તો સહજ સાવધાની રહેશે ને હિંસાથી સહજ અટકી જવાશે. ૩૮૮મી ગાથામાં જયણાપાલનથી અન્યના રક્ષણ દ્વારા સાધુ સ્વરક્ષણ કરે છે એની વાત છે. જયણાથી અહિંસાનો ભાવ ઘૂંટાય છે ને હિંસાનો ભાવ પાતળો થતો જાય છે. જયણા બહુ ઝીણું કામ છે. સાધુ દ્વારા થતાં પડીલેણને શાસ્ત્રકારોએ આત્મનિરીક્ષણનું કાર્ય કહ્યું છે. જો સાધક સંભાળીને ચાલે ને હિંસા થઈ પણ જાય તો તેનો દોષ ઓછો લાગે છે. મૂળે સંભાળનો ભાવ અગત્યનો છે. સાધુ ભગવંતોની એક-એક પ્રવૃત્તિ પર નજર કરીશું તો તેમનાં જીવનમાં વણાઈ ગયેલ સમિતિ-ગુપ્તિના દર્શન થશે. એકાદ ઉદાહરણ જોઈએ : સાધુજન ક્યા પ્રકારે ગોચરી વહોરી પોતાના જીવનનો નિર્વાહ કરે છે એ વાતની રજૂઆત જુઓ કેટલી કાવ્યાત્મક છે : ‘ભમરો વૃક્ષનાં ફૂલોમાંથી રસ ચૂસે છે ત્યારે ફૂલને ઈજા પહોંચાડતો નથી અને પોતાને તૃપ્ત કરે છે; એવી જ રીતે લોકમાં જે નિર્લોભી સાધુજનો છે તે દાનમાં મળેલા આહારથી પોતાનો નિર્વાહ કરે છે.’ (ગાથા-૪૦૭,૪૦૮) દશવૈકાલિક સૂત્રની પ્રારંભિક જ ગાથાઓનો કેવો મધુરો શબ્દશઃ ગુજરાતી કાવ્યાનુવાદ શ્રીપાળરાજાના રાસમાં સાધુપદની વાત કરતાં ઉપા. યશોવિજયજી મહારાજે કર્યો છે તે જુઓ …

જિમ તરુ ફૂલે ભમરો બેસે, પીડા તસ ન ઉપાવે

લેઈ રસ આતમ સંતોષે, તિમ મુનિ ગોચરી જાવે

                        રે ભવિયા સિદ્ધચક્ર પદ વંદો ….

ભગવાને આપેલી માર્મિક વ્યાખ્યાઓની થોડી વાત પૂર્વે કરી, તેનાં એકાદ-બે વધુ ઉદાહરણ જોઈએ. સામાયિક કોને કહીશું ? ભગવાન કહે છે – ‘દરેક પ્રત્યે સમાન ભાવ અનુભવવો એ સામાયિક છે.’ (ગાથા-૪૨૩) તો ઉપવાસની પણ કેવી માર્મિક વ્યાખ્યા આપી છે જુઓ : ‘ઈન્દ્રિયોની ઉપશાંતિ એ જ ઉપવાસ છે. માટે જેઓ જિતેન્દ્રિય છે તે ભોજન કરતા હોય ત્યારે પણ ઉપવાસી છે.’ (ગાથા-૪૪૬) ઈન્દ્રિયો શાંત થાય ત્યારે ઉપવાસ થયો કહેવાય. ઉપવાસની આ તાત્ત્વિક વ્યાખ્યાના સંદર્ભમાં જ સાધુને નિત્ય ઉપવાસી કહ્યા છે. આપણે સ્થૂળ વ્યાખ્યાઓમાં અટવાઈ ન જતાં તેના મૂળ મર્મોને પકડતાં થઈએ એ માટે આ ગ્રંથ આપણને વિચારતા કરે છે. સ્થૂળતાથી સૂક્ષ્મતા ભણી લઈ જાય તે ખરું શાસ્ત્ર. આ ગ્રંથ આ સંદર્ભે શાસ્ત્રની ગરજ સારે છે.

સાધુજીવનમાં ધ્યાનનું મૂલ્ય કેટલું ? એવા પ્રશ્નના જવાબમાં ભગવાન કહે છે કે, ‘મનુષ્યના શરીરમાં મસ્તક મુખ્ય છે અને વૃક્ષોમાં એનું મૂળ મુખ્ય છે, તેમ સાધુના સર્વ ધર્મોમાં ધ્યાન મુખ્ય છે.’ (ગાથા-૪૮૪) આપણે ધડનું મૂલ્ય વધારે કર્યું કે માથાનું ? કોઈ કહે કે ધ્યાનને આટલું મહત્ત્વ કેમ આપ્યું એનો જવાબ છે ૪૩૩મી ગાથામાં. ભગવાન કહે છે કે, ‘ધ્યાનમાં લીન બનેલો સાધુ સર્વ દોષોને દૂર કરી શકે છે, માટે ધ્યાન જ સર્વ અતિચારો(દોષો)નું પ્રતિક્રમણ છે.’ (ગાથા-૪૩૩) દોષમુક્ત થવાનો આ જ તો રાજમાર્ગ છે. નિર્જરાના એક સબળ સાધન તરીકે સાધક સાધનાને વરે છે. અત્યારે મેલા નહિ થઈએ, પણ આગળના મેલનું શું ? એને ધોવા માટે ધ્યાન આવશ્યક છે. અંદરનું પરિશોધન કરવું એને શાસ્ત્રકારોએ ધ્યાન કહ્યું છે. ધ્યાન અને એકાગ્રતામાં ફરક છે. આપણે એ કક્ષાનું ધ્યાન કરવાનું છે, ભાવ-પ્રતિક્રમણ કરવાનું છે કે જેનાંથી ભીતર ચોખ્ખું થાય.

શુદ્ધ થવા માટે પહેલી શરત સ્વદોષ દર્શનની ને તેની ગુરુ સમક્ષ સ્વીકૃતિની છે. શાસ્ત્રકારો કહે છે કે, ‘જેમ પગમાં કાંટો લાગતાં આખા શરીરમાં વેદના અનુભવાય છે અને કાંટો કાઢી લેવાય ત્યારે શલ્યરહિત થવાથી શાંતિ અનુભવાય છે; તેમ જેણે દોષોને ગુરુ સમક્ષ પ્રગટ નથી કર્યા તે કપટી આત્મા અંતરથી બેચેન રહે છે અને જો દોષોને ગુરુ સમક્ષ પ્રગટ કરે તો તે શુદ્ધ થવાથી શાંતિ અનુભવે છે.’ (ગાથા-૪૬૩, ૪૬૪) શાંત થવું છે તો શુદ્ધ થવું પડશે ને શુદ્ધ થવા માટે સરળ થવું પડશે. દંભ તો દાટી દે તેવું તત્ત્વ છે. ડોક્ટર પાસે જઈને દરદ જણાવીએ નહિ તો દરદ મટશે કેમ ? ગુરુ પાસે ખુલ્લા થવું એ પ્રથમ શરત છે. સ્વદોષ સ્વીકારથી આરંભાયેલી યાત્રા અચૂક દોષમુક્ત અવસ્થા સુધી પહોંચશે.

૪૬૮મી ગાથામાં તો બે જ વાક્યોમાં કેટલી મોટી વાત કરી દીધી જુઓ : ‘એકના અપમાનમાં બધાનું અપમાન છે, એકની પૂજામાં સર્વની પૂજા આવી જાય છે.’ (ગાથા-૪૬૮)  સર્વ આત્મ સ્વરૂપ હોઈ સમાન છે. એકનું અપમાન કરો તો આત્મભાવે સર્વનું અપમાન કર્યું કહેવાય. જેમ ‘નમો અરિહંતાણં’ બોલતાં સર્વ અરિહંતોને વંદન થઈ જાય છે તેમ સૌ આત્મા ગુણદ્રષ્ટિએ સરખા હોઈ એકના સન્માનમાં સૌનું સન્માન અને એકના અપમાનમાં સૌનું અપમાન આવી જાય છે. માટે સાધક સૌનું સન્માન કરે ને કોઈનું અપમાન ન કરે. ‘સકળ લોકમાં સૌને વંદે, નિંદા ન કરે કેની રે’ જેવી ભાવદશાને વરેલો સાધક આ કામ કરી શકે છે. આ માટે આવશ્યક ગુણ છે વિનય. માટે ભગવાન કહે છે, ‘વિનય ધર્મનું મૂળ છે; વિનયી આત્મા જ ચારિત્ર્યવાન બને છે. વિનયરહિતને ધર્મ ક્યાંથી અને તેને તપ પણ ક્યાંથી હોય ?’ (ગાથા-૪૬૯) પોતાના અહમને ઓગળી દઈએ ત્યારે વિનય ગુણ સર્વાંગે ખીલે છે. સાધનાના મૂળમાં જ વિનમ્રતા છે.

પ્રસ્તુત ગ્રંથની એક એક ગાથા એવી છે કે એની પાસે અટકવાનું મન થાય ને તેની વાત કરવાની ભાવના જાગે પણ એ લોભ જતો કરવો રહ્યો. કેટલાંક ઉલ્લેખોથી જ સંતોષ માનું. ગાથા ક્રમાંક ૫૦૫થી ૫૩૦માં બાર-ભાવનાની વાત છે. ગાથા ક્રમાંક ૫૩૧થી ૫૪૫માં લેશ્યાની વાત આવે છે. આધુનિક વિજ્ઞાન જેને ઓરા કહે છે એવી લેશ્યાની વાત વાર્તાથી ભગવાને સમજાવી છે. લેશ્યા એ થર્મોમીટરનું કામ કરે છે. એનાથી પોતાના ભાવઆરોગ્યને તપાસી તેને સુધારવા સાધકે કામે લાગી જવાનું છે. ગાથા ક્ર્માંક ૫૪૬થી ૫૬૬માં ચૌદ ગુણસ્થાનકની વાત વિગતે  આલેખી છે. તો ગાથા ક્ર્માંક ૫૬૭થી ૫૮૭માં સંલેખનાની વાત વિસ્તારપૂર્વક મૂકી આપી સાધકને જીવતરની સાથોસાથ મૃત્યુની કળા પણ શીખવી છે ભગવાને. અખાએ કરેલ વિધાન ‘મરતાં પહેલાં જાને મરી’નો માર્ગ શીખવી જાય છે આ ગ્રંથમાં સમાવિષ્ટ સંલેખનાની ગાથાઓ. ઈચ્છા-મૃત્યુ આપણા હાથમાં નથી પણ ઈચ્છાનું મારણ આપણા હાથની વાત છે. મમત્વ જશે તો પંડિત મરણ થશે. જ્યાં સુધી શરીર છે ત્યાં સુધી એનો મહત્તમ ઉપયોગ કરી, લાગે કે હવે એ કંઈ કામ આવી શકે એમ નથી ત્યારે સંથારો લઈ એનો સાધન તરીકે મહત્તમ કામ લઈ લેવો. મૃત્યુનો ભય નથી રાખવાનો પણ સ્મૃતિ રાખવાની છે. દેહભાવથી મુક્ત થઈ પરમ સુખની દિશામાં અગ્રેસર કરાવનાર આ ગ્રંથ જીવન જીવવાની જડીબુટ્ટી તો આપે જ છે પણ મૃત્યુને મહોત્સવ બનાવવાની કલા પણ હાથવગી કરી આપે છે.

સમણસુત્તંના તૃતીય ખંડ ‘તત્ત્વદર્શન’માં જૈન દર્શનના મૂળભૂત સિદ્ધાંતોને આવરી લેતી ગાથાઓ આયોજનપૂર્વક સંકલિત કરાઈ છે. તત્ત્વસૂત્ર, દ્રવ્યસૂત્ર અને સૃષ્ટિસૂત્રના પેટા વિભાગોમાં ગાથા ક્રમાંક ૫૮૮થી ૬૫૯ સુધીની ગાથાઓમાં જીવ-અજીવ આદિ નવ તત્ત્વ, કર્મના પ્રકાર, ધર્માસ્તિકાય આદિ છ દ્રવ્ય, પૃથ્વીકાય આદિ જીવના પ્રકાર તથા લોક, પરમાણું, પુદગલ વગેરેની ટૂંકમાં છતાં અર્થસભર માહિતી આપી છે. એકાદ જ ઉદાહરણ જોઈએ : કર્મ મુક્ત થવા માટેનો સંવર અને નિર્જરાનો સીધો-સ્પષ્ટ માર્ગ ભગવાને કેવી સરળત્તમ રીતે સમજાવ્યો છે તે જુઓ : ‘કોઈ મોટા તળાવમાં પાણીને આવવાના રસ્તા બંધ કરી દેવામાં આવે તો બાકીનું પાણી ઉલેચાઈને ખલાસ થઈ જાય છે અથવા તાપથી સોસાઈ જાય છે, એવી જ રીતે સંયમી પુરુષ નવાં કર્મોને આવવાનાં દ્વાર બંધ કરે ત્યારે અનેક જન્મોનાં એકત્ર થયેલાં તેનાં પુરાણાં કર્મો તપ વડે ખરી પડે છે.’ (ગાથા-૬૦૯,૬૧૦) આ જ પ્રકારે અન્ય મુદ્દાની સમજુતી પણ આટલી જ સરળ રીતે અપાઈ છે.

જૈન દર્શને જગતને આપેલ એક અનન્ય વિચાર એટલે સ્યાદ્વાદ. સત્યની સર્વ પ્રકારની સંભવિતતાઓને સ્વીકારતું જૈન દર્શન અનેકાંતનો સિદ્ધાંત આપી વિવાદનો છેદ ઉડાવી દે છે. આ ગ્રંથના ચોથા ખંડમાં ‘સ્યાદ્વાદ’માં ગાથા ક્રમાંક ૬૬૦થી ૭૩૬માં વિભિન્ન પ્રકારે અનેકાંતની મહત્તા શાસ્ત્રકારોએ પ્રમાણી છે. જગત સંચાલન અને સહજીવન માટે અનેકાંતની અનિવાર્યતા પર ભાર મુકતા જ્ઞાનીઓ અનેકાંતવાદને નમસ્કાર કર્યા છે, ‘જેના વિના આ જગતનો વ્યવહાર બિલકુલ ચાલી ન શકે એવા, ત્રણ લોકના એક માત્ર ગુરુ સમાન અનેકાંત-વાદને નમસ્કાર.’ (ગાથા-૬૬૦)  પોતાના મતના આગ્રહને સ્થાને સર્વ મતના સ્વીકારની વાત કરતા જૈન દર્શનનો વ્યાપ કેટલો મોટો છે તે કહેવાની જરૂર ખરી ?

આ પ્રકારે ધર્મનું પ્રબોધન કરનાર ને જન્મ-મરણના ફેરામાંથી મુક્ત થનાર વિતરાગ પરમાત્મા જે નિર્વાણ અવસ્થાને વર્યા છે એ અવસ્થાનું વર્ણન કરીને સાધકને એ દિશામાં આગેકૂચ કરવા જાણે આ ગ્રંથ ઈજન આપે છે. જેણે અનુભવ્યું છે એ ભગવાન નિર્વાણના અનુભવને વર્ણવતા કહે છે કે, ‘જ્યાં નથી દુઃખ, નથી સુખ, નથી પીડા કે નથી બાધા; નથી જન્મ, નથી મરણ – એ જ છે નિર્વાણ.’ (ગાથા-૬૧૭) તો આગળની ગાથામાં ત્યાં શું છે એનું વર્ણન કર્યું છે. ‘ત્યાં છે માત્ર જ્ઞાન, માત્ર સુખ, માત્ર વીર્ય, માત્ર દર્શન; ત્યાં છે માત્ર અમૂર્ત-નિરાકાર અસ્તિત્વ-સત્તા માત્ર.’ (ગાથા-૬૨૦)

ગ્રંથના આરંભ અને અંત ભાગે જેમના થકી આ માર્ગ મળ્યો એ વીર પ્રભુનું સ્તવન કરવાની આપણી પરંપરા તો છે પણ આ પરંપરા પાછળ પણ કારણભૂત છે સાધકનો કૃતજ્ઞભાવ. અહીં પણ વીરસ્તવન વિભાગમાં જગતગુરુ એવા તીર્થંકર પરમાત્માને વંદતા સાધકના ભાવને વાચા આપતી કઈંક આવી પંક્તિઓ ટાંકી છે :

“જયઈ જગજીવજોણી – વિયાણઓ જગગુરુ જગાણંદો
જગણાહો  જગબંધુ, જયઈ જયપ્પિયામહો ભયવં”

‘જગતના સર્વ પ્રકારના જીવોને જાણનારા, જગતગુરુ, જગતને આનંદ આપનારા, જગતના નાથ, જગતના બંધુ, જગતના પિતામહ આપનો જય હો’ (ગાથા-૭૫૫) અહીં ભગવાનના જગતના જીવમાત્ર પરના ઉપકારોને યાદ કરી કરાયેલી સ્તુતિમાં શાસ્ત્રકારોએ વિતરાગ પ્રભુને સાંપ્રદાયિક કોચલામાં ન બાંધી દેતાં તેમની કરુણાનો વ્યાપ કેટલો મોટો છે તે વાત પણ આડકતરી રીતે સમજાવી દીધી છે.

સમગ્ર ગ્રંથમાંથી પસાર થનાર ભાવક સાધક આગમના શબ્દોમાં અગમનો સાર મેળવી શકે છે. અહીં સિદ્ધાંતો પણ છે ને એમને જીવવાની રીતિ પણ છે. આગમ જો ભગવાનની વાણીનું નવનીત હોય તો આ ગ્રંથ એ નવનીતમાંથી તાવીને બનાવેલું ઘી છે. અહીં માહિતી પણ છે ને માર્ગદર્શન પણ છે. જ્ઞાનમંથનના પરિપાકરૂપ આ ગ્રંથ સમણસુત્તંમાંથી પસાર થનાર પ્રત્યેક અભ્યાસી સાધક જીવન ઉત્કર્ષની સાથોસાથ મુક્તિનો માર્ગ મેળવી શકશે તે નિશંક વાત છે.

જોગાનુજોગ વિનોબાજીની ૧૨૫મી જન્મજયંતિના વર્ષે તેમની પ્રેરણાથી તૈયાર થયેલ આ ગ્રંથનો અભ્યાસ કરવાની તક મળવી એને પણ હું પરમ સદ્ભાગ્ય સમજું છું. આ અભ્યાસ નિમિત્તે  આગમના શબ્દોનો રોમાંચક સંગ મેળવી વીરની વાણીને પ્રત્યક્ષ પામ્યાની ધન્યતા અનુભવતાં વિરમું છું.

નોંધ – આ લેખ માટે ઉપા. ભુવનચંદ્રજીએ કરેલ સમણસુત્તંના ગુજરાતી અનુવાદનો આધાર લીધો છે. પ.પૂ. ઉપા. શ્રી.ભુવનચંદ્રજી મહારાજ તેમ જ પ.પૂ. રત્નકીર્તિવિજયજી મહારાજના પ્રેરક માર્ગદર્શનથી આ કાર્ય થઈ શક્યું છે એનો સાનંદ સ્વીકાર કરી એમની કૃપા પ્રાપ્ત થયાની ધન્યતા અનુભવું છું.

e.mail : ramjanhasaniya@gmail.com

પ્રગટ : “પ્રબુદ્ધ જીવન”, જૂન 2021; પૃ. 11-22

Loading

...102030...1,8281,8291,8301,831...1,8401,8501,860...

Search by

Opinion

  • ચલ મન મુંબઈ નગરી—328
  • આનંદ તેલતુંબડેની જેલડાયરી
  • જ્ઞાતિસૂચક અટકોની નાબૂદીથી જ્ઞાતિ નિર્મૂલન શક્ય છે?
  • આવ્યા આવ્યા દિવસો હડતાલના …
  • ૧૪૪મી કલમનો મનસ્વી ઉપયોગ : મૂળભૂત અધિકારોનું હનન છે.

Diaspora

  • છ વર્ષનો લંડન નિવાસ
  • દીપક બારડોલીકરની પુણ્યતિથિએ એમની આત્મકથા(ઉત્તરાર્ધ)ની ચંદ્રકાન્ત બક્ષીએ લખેલી પ્રસ્તાવના.
  • ગાંધીને જાણવા, સમજવાની વાટ
  • કેવળ દવાથી રોગ અમારો નહીં મટે …
  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !

Gandhiana

  • ગાંધી ‘મોહન’માંથી ‘મહાત્મા’ બન્યા, અને આપણે?
  • ગાંધીહત્યાના પડઘા: ગોડસેથી ગોળવલકર સુધી …
  • ગાંધીની હત્યા કોણે કરી, નાથુરામ ગોડસેએ કે ……? 
  • ગાંધીસાહિત્યનું ઘરેણું ‘જીવનનું પરોઢ’ હવે અંગ્રેજીમાં …
  • સરદાર પટેલ–જવાહરલાલ નેહરુ પત્રવ્યવહાર

Poetry

  • ગઝલ – 1/2
  • સખીરી તારો એ હૂંફાળો સંગાથ …
  • વસંતાગમન …
  • એ પછી સૌના ‘આશિષ’ ફળે એમ છે.
  • ગઝલ

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved