Opinion Magazine
Number of visits: 9571170
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

એક મિત્રના કા’ન પેલા ગીતાના કા’નાની ખોટ પૂરે છે!

વિજય ભટ્ટ|Opinion - Opinion|12 July 2021

ફ્રાઈડેની સાંજ, સરસ પવન, બેકયાર્ડમાં બેસીને, મારો પ્રિય રેડ-વાઈન, જે હું નાપા વેલી વાઈન કન્ટ્રીમાંથી ખાસ લાવ્યો હતો, તેની લિજ્જત લેતો હતો, અને સાથે હતી ભરૂચી સિકંદરની શિંગ!

અચાનક જ મિત્ર મહેશનો ફોન આવ્યો. સહેજ કેમ છો, કેમ નહિ, આમ તેમ વાત. લાગ્યું કે તે વાતો કરવાના મૂડમાં હતો. પછી તો તરત જ એ માંડ્યો બોલવા. જાણે બોલવે ચઢ્યો. પોતાના બધાં જ પ્રશ્નો, મૂંઝવણ, ઘરની, કામની, પત્નીની, અને બોસની ફરિયાદ. એક પછી એક અનેક, એકી શ્વાસે!

મને મજા આવતી હતી. નહિ કેમ કે તેને ઘણી મુશ્કેલીઓ હતી. નહિ કેમ કે તે ફરિયાદ કરતો હતો. પણ કારણ કે હું મારો પ્રિય વાઈન, સાથે સિકંદરની શિંગ, અને એક મિત્ર સાથે નિરાંતે વાતો કરતો હતો, તે પણ ફ્રાઈડે સાંજે!

જો કે માર્ચ ૨૦૨૦ પછી આજ સુધી સોમવાર અને શુક્રવારમાં ખાસ ફરક નથી હોતો. તો પણ, જેમ કહે છે ને TGIF! (થેન્ક ગોડ ઈટ ઇસ ફ્રાઈડે!)

મારી પાસે સમય જ સમય હતો તેના માટે. તેનો એકધારો એકતરફી સંવાદ, જો કે સંવાદ જ્યારે બે વ્યક્તિ વાત કરે ત્યારે ગણાય. આ તો મોનોલોગ કહી શકાય, ડાયલોગ નહિ. અમુક વાત પત્ની વિશે, તો વાત જાય બોસની ફરિયાદ પર, અને બીજી મૂંઝવણો. બધી જ વાતમાં અને બધાને વિષે જેમ અગ્નિશામક પાઇપનો આખો નળ ખૂલી ગયો હોય તેમ ધોધમાર, વિના સંકોચે, ખુલ્લી તલવારથી ફરિયાદ અને ભાંડે.

હું અવારનવાર "હા" .. "હં" .. "યસ"… "બરાબર" .."યસ" બોલ્યા કરતો, તેથી તેની વાગ્ધારાને ટેકો મળતો રહેતો. જાણે ઘણા વખતથી બોલવાનો ભૂખ્યો થયેલ અને પોતાની આપવિતી સંભળાવવા તત્પર માણસને કોઈ કાંઈ પૂછે અને એ જેમ તૂટી પડે, તેમ જ.

'બેફામ'ની ગઝલનો શેર યાદ આવી ગયો :

"થાય સરખામણી તો ઉતારતા છીએ તે છતાં આબરૂને દીપાવી દીધી ..
કોણ જાણે હશે કેવી વર્ષો જૂની જિંદગીમાં અસર એક તન્હાઇની,
કોઈએ જ્યાં અમસ્તું પૂછ્યું કેમ છો, તેને આખી કહાની સુણાવી દીધી."

સાચે જ જો મેં પૂરેપૂરા ધ્યાનથી સાંભળ્યું હોત, તો મને બધી જ વાત પૂરા સંદર્ભથી સમજણ પડત. પણ શું ખરેખર એવા ધ્યાનથી સાંભળવાની જરૂરિયાત હતી, તેને કે મને? ના. હું માત્ર એક સારા મિત્ર તરીકે વર્તાતો હતો, પણ એક આદર્શ અને ધ્યાનસ્થ શ્રોતા તરીકે તો નહીં જ. છતાં કોઈ માણસ પિસ્તાલીસ મિનિટ સુધી એકધારી જુદી જુદી ફરિયાદ અને ગાથા ચલાવે રાખે, તે સાબિતી છે કે તે માણસને કાંઈક કહેવું છે!

ખેર, જે હોય તે. હજી સુધી તો મેં માત્ર સાંભળ્યું. મેં કોઈ સૂચન કે સલાહ આપી ન હતી.

હું તો હતો માત્ર તેની કહાનીનો, તેના પ્રશ્નોનો, એક માત્ર રડ્યો ખડયો, ઝપાટામાં આવી ગયેલો સહાનુભૂત શ્રોતા!  

હું રાહ જોતો હતો કે તે જરા થંભે તો હું કાંઈ કહું. મારું શાણપણ બતાવી હું તેને કાંઈક એવું આપું જે મફત આપવા મોટા ભાગના લોકો તત્પર હોય છે તે – 'સલાહ'! મારા વર્ષોના નીવડેલ અનુભવની મહામૂલી મૂડીના ખજાનામાંથી કાઢીને એક બે સલાહરૂપી જણસો તેને આપવા હું પિસ્તાલીસ મિનિટથી રાહ જોતો રહ્યો.

તેની આટલી લાંબી વાતો કાંઈ ફોગટમાં થોડી સાંભળી છે?

પણ મારું આજનું નસીબ માત્ર સરસ રેડ વાઈન અને સિકંદરની શિંગ પૂરતું જ મર્યાદિત હતું. મારી મૂલ્યવાન મફત સલાહ એક જરૂરમંદ મિત્રને વહેંચવા જેટલું મારું સદ્ભાગ્ય મારી આજની કુંડળીમાં ન હતું !

છેવટે તે થોભ્યો. મને કહે "વિજય, થેન્ક યુ, આજે એટલું બધું સારું લાગ્યું કે આપણે બે મિત્રો એકબીજાને આપણા પ્રશ્નોની વાત કરી અને એક બીજાને (!) સલાહ આપી.  કેમ ચાલે છે બીજું? કેમ છે પત્ની, બાળકો? તું, યાર, લકી છે. ખેર, કાંઈ પણ કામકાજ હોય તો કહે જે. સંભાળજે. સમય બહુ ખરાબ છે. આજે આપણે ગપ્પા માર્યા એટલે સારું લાગ્યું. બહુ ચિંતા કરવી નહીં. બધું બરાબર થઈ જશે. બસ, આ સમય નીકળી જાય એટલે છૂટ્યા!" આમ એણે મને સલાહ આપી. એ બોલ્યા જ કર્યો. હું હજી કાંઈ મારા તરફથી કહું ત્યાં તો તેણે કહ્યું "ચાલ, બાય, થેન્ક યુ.” એણે ફોન મૂકી દીધો.

મને થયું, કે બે કે ત્રણ પૂરા વાક્ય બોલ્યા વગર જ, મેં મારા મિત્રને કેટલું સારું લાગે તેવી મદદ કરી! તેને પ્રશ્નો હતા, પણ તેને શું ખરેખર તેના પ્રશ્નોના જવાબ કે નિરાકરણ જોઈતા હતા? ના. તેણે મને સલાહ લેવા કે જ્ઞાન લેવા ફોન કર્યો હતો? ના. તેને માત્ર જરૂર હતી બે કાનની! સહાનુભૂતિપૂર્ણ, ધીરજ વાળા કાનની.

એક એવો જણ જે તેને 'સંભળાવે નહિ' પણ તેને 'સાંભળે'!  

આ કોવિડ કાળમાં, બધાને અનેક મૂંઝવણ અને પ્રશ્નો છે. પણ મોટિવેશનલ સ્પીકરસને બદલે  જરૂર છે મોટિવેશનલ લિસનર્સની!

અહો રૂપમ્‌ અહો ધ્વનિ જેવા, નવા ફૂટી નીકળેલ ડેલ કાર્નેગીઓ, ઓન લાઈન ભાષણકારો, પૉવર પોઇન્ટ  પ્રેઝન્ટેશન્સ, લાઈફ કોચિંગ એડવાઈઝર, ઝૂમ અને યુટબ પરના જ્ઞાનીઓ, કરતાં  જીવંત અને પ્રત્યક્ષ 'સાંભળનાર કા'ન'ની જરૂર છે.

એક મિત્રના કા'ન પેલા ગીતાના કા'નાની ખોટ પૂરે છે!

બાય ધ વે, હું દરેક શુક્રવારે સાંજે છ પછી ફ્રી જ હોઉં છું, સાંભળવા. શરત એટલી કે રેડ વાઈન નાપા વેલીનો અને શિંગ ભરૂચી, સિકંદરની શિંગ હોવી હોવી જરૂરી છે.

July 10th  2021

e.mail : vijaybhatt01@gmail.com

Loading

‘હિંદના દાદા’ની આ પૌત્રી પણ કમ નહોતી!

સોનલ પરીખ|Opinion - Opinion|12 July 2021

1904માં અઠ્ઠોતેરની ઉંમરે એ ભવ્ય વૃદ્ધે સિંહની જેમ હુંકાર કરી કહ્યું હતું, ‘સ્વરાજ એ ભારતની બ્રિટિશશાસિત પ્રજાનો અધિકાર છે. સ્વરાજ એ જ આપણી આશા, તાકાત અને સિદ્ધિ છે. હું હિંદુ હોઉં, મુસ્લિમ હોઉં કે પારસી હોઉં – એ બધાની પહેલા હું એક ભારતીય છું.’ આ વૃદ્ધ તે દાદાભાઈ નવરોજી. ભારતના પહેલા નેશનાલિસ્ટ, સ્વરાજ જ ભારતનું ધ્યેય હોઈ શકે તેમ કહેનારા પહેલા દેશભક્ત. 30 જૂન 1917માં તેમનું મૃત્યુ થયું. એ જ વર્ષે ગાંધીજીએ ભારતમાં તેમનો પહેલો, ચંપારણ સત્યાગ્રહ કર્યો હતો. ગ્લોબલ શબ્દ ચલણી બન્યો નહોતો, ત્યારે જે લોકો ભારતનું હિત ચિંતવતા, ભારતના હિત માટે ખુવાર થતા એક ગ્લોબલ લાઈફ જીવ્યા તેમાં હિંદના દાદા અને તેમની પૌત્રીને પહેલા મૂકવા પડે. મુંબઈમાં તો દાદાભઈ નવરોજી રોડ છે જ, કરાંચીમાં પણ છે. મુંબઈના ફૉર્ટ વિસ્તારમાં દાદાભાઈ નવરોજીની સુંદર પ્રતિમા છે, દિલ્હીમાં નવરોજી નગર છે. યુનાઇટેડ કિંગ્ડમમાં તેમના નામનો અવૉર્ડ અપાય છે.

નવરોજી દાદાભાઈના પિતાનું નામ હતું. દાદાભાઈએ પોતાના નામ પાછળ દોરજી અટકને બદલે પિતાનું નામ રાખ્યું હતું. માતાનું નામ માણેકબાઈ. 4 સપ્ટેમ્બર 1825માં આ દંપતીને ત્યાં દાદાભાઈ જન્મ્યા. પરિવારનો પૈતૃક વ્યવસાય અગિયારીમાં પૂજાવિધિ કરવાનો. પિતા મૃત્યુ પામ્યા ત્યારે દાદાભાઈ ઘણા નાના એટલે એમના પર પૂજારીકામ આવ્યું નહીં. તેઓ મુંબઈના કોસ્મોપોલિટન વાતાવરણમાં ઊછર્યા.

દાદાભાઈ ત્રણ વાર કૉન્ગ્રેસ અધિવેશનના પ્રમુખ બન્યા હતા. 1893માં બ્રિટિશ પાર્લામેન્ટના સભ્ય તરીકે અને કૉંગ્રેસની બ્રિટિશ કમિટીના આગેવાન તરીકે તેમણે ભારતના અને દક્ષિણ આફ્રિકાના ભારતીયોની ખૂબ સેવા કરી. 1906માં 80 વર્ષની ઉંમરે તેઓ કલકત્તા અધિવેશનના પ્રમુખ બન્યા હતા. તેમના પુસ્તક ‘પોવર્ટી એન્ડ અનબ્રિટિશ રૂલ ઈન ઈન્ડિયા’ પરથી બ્રિટન દ્વારા થતા ભારતના આર્થિક ધોવાણ પર પ્રકાશ પડ્યો હતો. તેઓ ‘ધ ગ્રાંડ ઓલ્ડ મેન ઑફ ઇન્ડિયા’ અને ‘અનોફિશ્યલ એમ્બેસેડર ઑફ ઇન્ડિયા’ કહેવાતા.

11 વર્ષની ઉંમરે તેમનાં લગ્ન 7 વર્ષની ગુલબાઈ સાથે થયાં. ત્રણ સંતાનો થયાં – અરદેશર, શિરીન અને માકી. અરદેશરજીને ઘણાં સંતાનો હતાં. તેમાંની એક મહેર એડિનબર્ગ યુનિવર્સિટીની પહેલી ભારતીય ગ્રેજ્યુએટ હતી. દીકરો કેરશાસ્પ પહેલા વિશ્વયુદ્ધમાં લડ્યો હતો. પેરિન અને ગોશી આ બે દીકરીઓ ક્રાંતિકારી હતી, ગાંધીજીને મળ્યા પછી તેમણે ક્રાંતિનો માર્ગ છોડ્યો. આ બંને અને ત્રીજી નરગિસ કૅપ્ટન પરિવારના ત્રણ ભાઈઓને પરણી હતી અને કૅપ્ટન સિસ્ટર્સ તરીકે ઓળખાતી. ખાદી અને રચનાત્મક કામોમાં કૅપ્ટન સિસ્ટર્સ આગળ પડતી હતી. મુંબઈના ગ્રાંટ રોડ પર આવેલું ગાંધી સેવા સેના એમણે શરૂ કરેલું. આનંદથી જેલવાસ ભોગવતાં. એમનો ભાઈ જાલ ટાટા એક્ઝિક્યુટિવ હતો અને નહેરુ પરિવારની નિકટ હતો.

ખુરશીદ અરદેશરજીની સૌથી નાની દીકરી. ખુરશીદબહેનની જિંદગી એક અનોખા જ સ્તર પર જિવાઈ હતી. તેમનો જન્મ 1894માં. જીવનની ત્રીસી શરૂ થઈ ત્યારે તેઓ સુંદર સંગીત કારકિર્દી ધરાવતાં હતાં. તેઓ ક્લાસિકલ ટ્રેઈન્ડ સોપ્રાના સિંગર હતાં. પણ એમણે એ છોડી મહાત્મા ગાંધીનો પંથ અપનાવ્યો.

વેસ્ટર્ન ક્લાસિકલમાં છ પ્રકારની વૉઈસ રેન્જ હોય છે : બાશ, બેરિટોન, ટેનર, અલ્ટો, મેઝો-સોપ્રાનો અને સોપ્રાનો. એમાં સોપ્રાનો એટલે અત્યંત ઊંચી પીચ. તેમાં નિષ્ણાત થવા ખુરશીદબહેન 20 વર્ષની ઉંમરે પેરિસ ગયાં હતાં. ત્યાં તેમને ઈવા પામર સિકેલિયનોસ સાથે મૈત્રી થઈ. ઈવા ગ્રીક સંસ્કૃતિના ઉત્થાન માટે કામ કરતાં. બંનેએ ગ્રીક અને ભારતની સંગીતપરંપરાઓ વિશે વિચારોની આપલે કરી. પરિણામસ્વરૂપ એથેન્સમાં નોન વેસ્ટર્ન મ્યુઝિકની એક સ્કૂલ ખોલી ખુરશીદબહેન પેરિસ છોડી ગ્રીસ જઈ વસ્યાં અને યુરોપના સંગીતવર્તુળમાં ખૂબ પ્રસિદ્ધ થયાં. ભારતીયતાના પ્રતીકરૂપ સાડી તેમના પશ્ચિમી સ્પર્શવાળા વ્યક્તિત્વને સુંદર ઉઠાવ આપતી. સાડી પહેરી તેઓ કૉન્સર્ટ્સમાં જતાં અને અગ્રસ્થાનો શોભાવતાં.

‘મધર ગ્રીસ’ પ્રત્યેના પ્રેમ-આદરે તેમની ઊર્જાને ‘મધર ઇન્ડિયા’ તરફ વાળી. તેઓ મહાત્મા ગાંધીથી પ્રભાવિત હતાં. ભારત વિશે વાત કરતાં. પ્રથમ ડૅલ્ફિક ફેસ્ટિવલમાં ઈવા સિકેલિયનોસે તેમની મદદ માગી ત્યારે ઈનકાર કરી પેરિસના કૉન્સર્ટ્સ પણ છોડીને તેઓ મુંબઈ આવી ગયાં. થોડા વખતમાં અમદાવાદ સાબરમતી આશ્રમ ગયાં. 1930માં અમદાવાદની બ્રિટિશ સરકાર સંચાલિત કૉલેજ પર ભારતીય ધ્વજ ફરકાવતા ધરપકડ વહોરી અને જેલમાં ગયાં. ગાંધીજીએ રાષ્ટ્રીય પ્રવૃત્તિઓમાં સ્ત્રીઓનું પ્રદાન વધારવા કરેલા પ્રયત્નો માટે તેમને ઘણો આદર હતો. કહેતાં, ‘ગાંધીજીનાં આંદોલનોએ સ્ત્રીઓને જાગૃત કરી છે, હવે તેઓ અટકશે નહીં.’

એ વખતે એ આખો પ્રદેશ ચોરલૂંટારાઓથી ખદબદતો હતો. પણ એ જ તો ત્યાં જવાનું કારણ હતું … પેરિસમાં સંગીતની તાલીમ લઈ નિપૂણ સોપ્રાના આર્ટિસ્ટ બનેલાં અને ગ્રીસમાં મ્યુઝિક સ્કૂલ ચલાવતાં ખુરશીદબહેન હિંદના દાદા તરીકે ઓળખાતા દાદાભાઈ નવરોજીનાં પૌત્રી. મહાત્મા ગાંધીના વિચારોની પ્રેરણાથી ખુરશીદબહેન ભારત આવ્યાં અને વાયવ્ય સરહદે લૂંટારાઓને અહિંસા અને હિંદુમુસ્લિમ એકતા શીખવવા ગયાં …!   

ગાંધીકામ તેમને વાયવ્ય સરહદે લઈ ગયું. અત્યારે એ પ્રદેશ પાકિસ્તાનમાં છે અને ખૈબર પખ્તુનવા નામે ઓળખાય છે. એ વખતે એ ચોરલૂંટારાઓથી ખદબદતું હતું. પણ એ જ તો ત્યાં જવાનું કારણ હતું. ત્રીસના દાયકાની શરૂઆતમાં જ અહિંસક રાષ્ટ્રકાર્યો દ્વારા તેઓ ત્યાં જાણીતાં થઈ ગયાં. સરહદના ગાંધી ખાન અબ્દુલ ગફારખાન તેમના મિત્ર હતા. જેલમાં પુરાવાની હવે નવાઈ નહોતી રહી. પેશાવરની એક જેલમાંથી ગાંધીજીને લખેલા એક પત્રમાં તેમણે લખ્યું છે, ‘ઠંડી ઘણી છે. માંકડો અને હું એકબીજાને હૂંફ આપીએ છીએ.’

અહીં તેમનાં બે કામ હતાં. હિંદુમુસ્લિમ એકતા સ્થાપવી અને અહિંસાનો પ્રસાર કરવો. તેઓ ડાકુઓને મળતાં અને તેમને આવા હિંસક કામ ન કરવા સમજાવતાં. આ ડાકુઓ હિંદુઓને ઉઠાવી જતા અને વઝિરિસ્તાનમાં ગુલામ તરીકે વેચી દેતા. ખુરશીદબહેન તેમને આ હિંદુ અપહૃતોને છોડી દેવાનું કહેતાં. તેઓ પગપાળા ફરતાં જેથી સ્થાનિક લોકોને મળાય, બેઠકો યોજી શકાય. સ્ત્રીઓને મળતાં અને પતિઓને લૂંટ-અપહરણના રસ્તેથી પાછા વાળવાનું શીખવતાં.

એટલે પછી એમને ધમકીઓ મળતી, હુમલા પણ થતા. એક પત્રમાં તેઓ લખે છે, ‘એક ગોળી સૂસવાટો કરતી કાન પાસેથી પસાર થઈ અને રેતીમાં ખૂંચી ગઈ.’ પણ ડર્યા વિના તેઓ કામ કર્યે જતાં. પરિણામ પણ દેખાતાં. 1940 સુધીમાં લૂંટફાટ ઓછી થઈ. કોમી એકતા વધી. એમના પ્રયાસો સ્થાનિક બ્રિટિશ અધિકારીઓના ધ્યાનમાં પણ આવ્યા. તેઓ ખુરશીદબહેનની હિંમત અને નિષ્ઠાને પ્રશંસાની નજરે જોતા.

પણ હજી એક પડકાર બાકી હતો. વઝિરિસ્તાનમાં હિંદુઓના એક મોટા જૂથને અપહરણ કરી કેદ રાખ્યું હતું. ત્યાં જવાનું બ્રિટિશ પોલિસ પણ ટાળતી. ખુરશીદબહેને નક્કી કર્યું કે પોતે ત્યાં જશે. જોખમની એમને ખબર હતી – હત્યા પણ થઈ જાય ને કેદ પકડાય તો કાન કે આંગળી કાપી ગાંધીજીને મોકલી ધાર્યું કરાવવાનો પ્રયત્ન પણ થાય. તો પણ તેઓ ગયાં. પણ અપહરણકારો સુધી પહોંચી શક્યાં નહીં. વઝિરિસ્તાનની સરહદે જ બ્રિટિશ પોલિસે એમને પકડ્યાં અને જેલમાં પૂર્યાં.

1944 સુધી તેમને એકથી બીજી જેલોમાં ફરતાં રહેવું પડ્યું. છૂટ્યા પછી પણ તેઓ વાયવ્ય સરહદે જઈ શક્યાં નહીં. 1947માં એમણે બહુ દુ:ખપૂર્વક આ પ્રદેશને ભારત પાસેથી છીનવાઈ જતો જોયો. થોડા વખતમાં ગાંધીજીની હત્યા થઈ. થોડાં વર્ષ ભારત સરકારનાં વિવિધ કમિશનોમાં કામ કરી તેઓ પોતાની સંગીત કારકિર્દી પૂરી કરવા વિદેશ ચાલ્યા ગયાં.

ખુરશીદબહેનની આ અનોખી જીવનકથા, દાદાભાઈ નવરોજીનું જીવનચરિત્ર લખનાર દિન્યાર પટેલના એક લેખ દ્વારા જાણવા મળે છે. દાદાભાઈ કહેતા, ‘હિંદના દાદા હોવાનો મને ખૂબ આનંદ છે. આ શબ્દોમાં મારા દેશવાસીઓનાં હૂંફ, કૃતજ્ઞતા અને ઉદારતાભર્યાં હૃદયોના પ્રેમનો પડઘો છે. મારા માટે આ સર્વશ્રેષ્ઠ ખિતાબથી કમ નથી.’ તેમનાં પૌત્રપૌત્રીઓએ દેશપ્રેમની પરંપરાને એમના ગૌરવને છાજે એ રીતે આગળ વધારી. આ પરંપરા અને ગૌરવનો વારસો આપણે પ્ણ શોભાવવાનો છે, એ યાદ રાખીએ. 

e.mail : sonalparikh1000@gmail.com

Loading

જ્યાંથી અમેરિકન સૈન્ય રાતોરાત ખસી ગયું છે, તેવા અફઘાનિસ્તા પાસે હવે શું વિકલ્પ છે?

ચિરંતના ભટ્ટ|Opinion - Opinion|11 July 2021

હવે અફઘાનિસ્તાને તાલીબાનની તલવાર, પાકિસ્તાનનો સ્વાર્થ, સરકાર ટકાવવાની આવડત જેવી સમસ્યાઓનો સામનો પોતાની સમજ અને ક્ષમતા પ્રમાણે કરવો પડશે

અફઘાનિસ્તાન – આ નામને આપણે ઘણી બધી બાબતો સાથે જોડીએ છીએ. ફિલ્મો, વાર્તાઓ, હિંદુ કુશની પર્વતમાળાનાં દ્રશ્યો, દિલદાર પઠાણો અને બીજું ઘણું ય, પણ તેની સાથે આપણે તેની યુદ્ધ, આતંકવાદ, સતત તણાવમાં રહેતો એક પ્રદેશ એવી તમામ બાબતો સાથે પણ જોડીએ છીએ. હૉલિવુડમાં અફધાનિસ્તાનમાં તૈનાત યુ.એસ. આર્મીના પૃષ્ઠભૂમિ પર અનેક ફિલ્મો બની છે. અમેરિકન સૈન્યની અફઘાનિસ્તાનમાં હાજરી એક એવું દ્રશ્ય છે જે કોઇને ય આટલાં વર્ષો પછી અજુગતું નથી લાગતું. ત્યાં રહેતા લોકો માટે પણ એ સ્વાભાવિક જ હોય, પણ તાજેતરમાં, આ મહિનાની શરૂઆતમાં અચાનક જ અફઘાનિસ્તાનાં દ્રશ્યમાં પરિવર્તન આવી ગયું. અમેકિન સૈન્યએ અફઘાનિસ્તાનમાં તેમના મુખ્ય મથકમાંથી વિદાય લઇ લીધી. વળી આ વિદાયમાં રાતની ચુપકીદી હતી. અફઘાનિસ્તાનના બગરામ એર બેઝમાંથી અમેરિકન સૈન્યએ રાતોરાત ખસી જવાનું નક્કી કર્યું અને યુ.એસ.એ.ના ઇતિહાસના સૌથી લાંબા યુદ્ધનો જાણે અચાનક જ એક પ્રભાવી અંત આવી ગયો. જો કે પેન્ટાગોને સ્ટેટમેન્ટ આપ્યું છે કે અફઘાન ફોર્સિઝની રક્ષા કરવાની સત્તા હજી પણ યુ.એસ. મિલિટરી પાસે છે. તે અધિકાર હજી પણ અસ્તિત્વમાં છે. અમેરિકન પ્રમુખ જો બાઇડેને પણ કહ્યુ કે સૈન્યનું ત્યાંથી નિકળવું યોગ્ય રસ્તે થઇ રહ્યું છે પણ કેટલાંક અમેરિકન સૈન્ય હજી પણ ત્યાં સપ્ટેમ્બર સુધી રહેશે.

અફઘાનિસ્તાનમાંથી યુ.એસ. સૈન્યની એક્ઝિટ અંગે જો બાઇડેને એપ્રિલમાં ડેડલાઇનની જાહેરાત કરી હતી. ૧૧ સપ્ટેમ્બર જે ટ્વિન ટાવર પર ૨૦૧૧માં થયેલા અલ-કાયદાના હુમલાની એનિવર્સરી છે, તે દિવસને ધ્યાનમાં રાખી આ જાહેરાત કરાઇ હતી. આ હુલમાને પગલે જ યુ.એસ.એ અફઘાનિસ્તાન પર ચડાઇ કરી હતી. આ સમયે યુ.એસ.એ.ના પ્રમુખ જ્યોર્જ બુશે અફઘાનિસ્તાન સામે યુદ્ધ જાહેર કર્યું હતું. બુશના મતે તાલીબાની નેતાઓએ અલ કાયદાના મુખ્ય ચહેરાઓ જેમાં બિન-લાદેનનું પણ નામ હતું, તેમને અમેરિકાને સોંપાવાની ના પાડતાં આ પગલું લેવાયું હતું. અમેરિકન સૈન્યને કારણે તાલીબાની શાસનની પકડ હટાવીને અફઘાનિસ્તાનમાં ટ્રાન્ઝિશનલ સરકાર સ્થાપી. અલ કાયદાના ઑપરેટિવ્ઝે પાકિસ્તાનની દિશા પકડી. ૨૦૦૩માં યુ.એસ.એ. ડિફેન્સ સેક્રેટરીએ અફઘાનિસ્તાનમાં યુ.એસ.એ.ના મોટા ભાગનાં મિલિટરી ઑપરેશન્સ પૂરાં થઇ ગયા હોવાની વાત કરી. જલદી જ યુ.એસ.નું ધ્યાન ઇરાક તરફ ગયું અને અફઘાનિસ્તાનમાં યુ.એસ. સત્તાએ કેન્દ્રિય લોકશાહી સ્થપાવામાં અને સરકારી માળખાને સંસ્થાકીય સ્થિરતા આપવાનું કામ હાથે લીધું. જો કે તેનાથી યુદ્ધનો અંત પણ ન આવ્યો અને દેશને કોઇ સ્થિરતા પણ ન મળી. યુ.એસ.એ.ને પહેલાં જ એ વાતનો ખ્યાલ આવી ગયો હતો કે આ યુદ્ધનો કોઇ અંત નથી કે નથી તેને કોઇ રીતે જીતી શકાવાનું. બરાક ઓબામાના સમયથી યુ.એસ. સૈન્ય ત્યાંથી પાછું ખેંચાશેની વાતો ચાલતી હતી, પરંતુ ત્યારે થયેલી વાટાઘાટો પહેલી બેઠક પછી ખોરંભે ચઢી ગઇ. ડોનાલ્ટ ટ્રમ્પ યુ,એસ,એ,ના પ્રેસિડન્ટ હતા ત્યારે તેમણે યુ,એસ, સૈન્ય પાછું ખેંચી લેવાની વાત તાલીબાની લીડર્સ સાથે જ કરી. આ ચર્ચામાં કાબુલની સરકારને ગણતરીમાં ન લેવાની તાલીબાનીઓને શરત યુ.એસ.એ.એ માન્ય રાખી. ટ્રમ્પે મે ૨૦૨૧માં આ પગલું લેવાની વાત કરી હતી. યુ.એસ.એ.માં તખ્તો પલટાયો અને જો બાઇડેને આ તારીખ સપ્ટેમ્બર સુધી લંબાવી.

અફઘાનિસ્તાનનું હવે શું? આ એક પેચીદો પ્રશ્ન છે અને ભારત તથા પાકિસ્તાન આ પરિવર્તનોમાંથી શું ઇચ્છે છે, તે પણ અગત્યનું છે. જો કે પહેલાં અફઘાનિસ્તાનની જ વાત કરીએ તો વૉલ સ્ટ્રીટ જરનલના એક રિપોર્ટ અનુસાર કાબુલ તો છ મહિનામાં જ પડી ભાંગે તેવી શક્યતા છે. યુ.એસ.એ.ના એકેય વડાને એવી ખાતરી નથી કે અફઘાનિસ્તાનની સરકાર ટકશે.  બાઇડેનને જ્યારે આ અંગે પુછાયું ત્યારે તેમણે કંઇક આમ કહ્યું, – ‘તેમનામાં સરકાર ટકાવી રાખવાની ક્ષમતા છે,’ એટલે કે સરકાર પોતે ટકી શકે એવી કોઇ એંધાણી નથી એમ અર્થ થયો એવું કહી શકાય. અમેરિકન સૈન્યની વિદાય એક રીતે સત્તાના યુદ્ધમાં તાલીબાનનું પલડું ભારે કરનારી સાબિત થઇ છે. તાલીબાન ગમે ત્યારે શહેરો પર ટાર્ગેટ કરવાનું શરૂ કરી દઇ શકે છે.

આ સંજોગોમાં ત્રણ શક્યતાઓ છે, – તાલીબાન અને અફઘાની સરકાર સત્તાની વહેંચણી કરીને સાથે મળી અફઘાનિસ્તાનનું ભવિષ્ય ઘડે. આ શક્યતા સાવ પાંખી છે. બીજું તો સિવિલ વૉર છેડાઇ જાય જેમાં આર્થિક અને લશ્કરી દ્રષ્ટિએ પશ્ચમિનો ટેકો ધરાવતી સરકાર મુખ્ય શહેરોમાં પોતાનો કાબૂ જાળવી રાખે અને તાલીબાન બીજા હિસ્સાઓમાં પહોંચી જાય, જ્યાં ત્યાંના સ્થાનિક લોકો તેની સામે પોતાની લડાઇ લડે. ત્રીજી શક્યતા છે કે તાલીબાન આખા દેશને ફરી પોતાના તાબામાં લઇ લે. જે પણ દેશ અફઘાનિસ્તાન સાથે વાટાઘાટ કરવાનું વિચારતો હોય તેણે આ બધી શક્યતાઓને પણ ગણતરીમાં રાખવી રહી.

પાકિસ્તાનની વાત કરીએ તો તે એવો પહેલો દેશ છે જેણે તાલીબાન શાસનને નેવુંના દાયકામાં માન્યતા આપી, તેને ગણતરીમાં લીધું. પાકિસ્તાનના આઇ.એસ.આઇ.ની મદદથી તાલીબાને મોટા ભાગના અફઘાનિસ્તાનને કાબૂમાં લઇ લીધો. ૯/૧૧ના હુમલા પછી બુશના દબાણમાં મુશર્રફે તાલીબાન સાથે છેડા છોડ્યા અને આતંકવાદ સામે અમેરિકાની લડાઇમાં પાકિસ્તાન પણ જોડાયો. જો કે તેણે તાલીબાનીઓને શરણ આપી ડબલ ગેમ કરી. તાલીબાનીઓ પણ પાકિસ્તાનના શરણમાં મજબૂત બન્યા. હવે અમેરિકાની આ એક્ઝિટ પછી તાલીબાન જોરમાં છે તો પાકિસ્તાન પણ કેન્દ્ર સ્થાને છે. તાલીબાન જો અફઘાનિસ્તાન પર બળજબરી કરે તો પાકિસ્તાનને લાભ નહીં થાય. પાકિસ્તાનને ભારતનો અફઘાનિસ્તાન પર શું પ્રભાવ છે તે જાણવામાં વધારે રસ હોય તે સ્વાભાવિક છે. વળી કાબુલમાં પણ તાલીબાનીઓનું જ રાજ હોય તેવું પાકિસ્તાન ઇચ્છે તેવી પૂરી શક્યતા છે. જો કે પાકિસ્તાનમાં એટલી ક્ષમતા છે કે નહીં કે તેઓ અમેરિકાની વિદાય પછીના અફઘાનિસ્તાનને ઘડી શકે તેની કોઇ ગેરંટી કે સ્પષ્ટતા નથી.

ભારતે ક્યારે ય પણ તાલીબાનનો અફઘાનિસ્તાનમાં મહત્ત્વનો રોલ છે તે બાબત નકારી નથી. તાલીબાન સાથે વાટાઘાટોમાં ભારતે ત્રણ બાબતો સાચવવી રહી. પહેલું તો અફઘાનિસ્તાનમાં પોતાનાં રોકાણ બચાવવા, બીજું કે ભાવિ તાલીબાની શાસકો રાવલપીંડીની પ્યાદા બનીને ન રહી જાય અને ત્રીજું કે પાકિસ્તાનની મદદથી ખડા થયેલા આતંકી જૂથોને તાલીબાનનો ટેકો ન મળે. આ પહેલાં તાલીબાનને ગણતરીમાં નહીં લઇને ભારતે તગડી કિંમત ચૂકવી છે, હવે શું વ્યૂહરચના અપનાવાય છે, એ જોવું રહ્યું.

અફઘાનિસ્તાનમાંથી ચાલી નિકળેલા યુ.એસ. સૈન્યએ ત્યાં ૩.૫ મિલિયન જેટલી તો વસ્તુઓ રહેવા દીધી છે જેમાં પાણીની બોટલ, એનર્જી ડ્રિંક્સ અને રેડી મેડ મીલ્સનો સમાવેશ થાય છે. વળી સિવિલિયન વાહનોની કતારો પણ છે પણ એકેયમાં ચાવી નથી કે ચાલુ કરી તેનો કોઇ ઉપયોગ કરી શકાય. ઘણાં સશસ્ત્ર વાહનો પણ અહીં પાર્ક કરાયેલાં છે. એક લાખ જેટલા લશ્કરી સૈનિકો રાતોરાત અહીંથી ચાલ્યા ગયા છે. અફઘાની સૈનિકોને એ વાતનો આઘાત લાગ્યો છે કે વીસ વર્ષના આ સંબંધોને તેમણે એટલા ય ગણતરીમાં ન લીધા કે તેમની સાથે આગલી રાતે પેટ્રોલિંગ કરનારા અફઘાની સાથી સૈનિકોને પણ તેમણે જાણ ન કરી.

બાય ધી વેઃ

અમેરિકન સૈન્ય જે વિસ્તારોમાંથી ખસી ગયા ત્યાં તેમણે ઇલેક્ટ્રીસિટી બંધ કરી દીધી. જતાં પહેલાં અફઘાન કમાન્ડરને જાણ ન કરી. યુ.એસ. સૈન્યની વિદાયના બે કલાક પછી તેમને સવારે સાત વાગ્યાની આસપાસ ખબર પડી કે યુ.એસ. સૈન્ય ત્યાંથી બિસ્તરાં પોટલાં લઇને ચાલ્યું ગયું છે. તેઓ એરબેઝ પર પહોંચે અને પરિસ્થિતિ સંભાળે ત્યાં સુધીમાં તો લૂંટફાટ કરનારાઓની ટોળકી ત્યાં પહોંચી ગઇ અને ખાલી પડેલાં બધાં બરૅક્સ તથા સ્ટોરેજ ટેન્ટ્સ ખેદાન મેદાન કરી નાખ્યા. તાલીબાનનો આતંક ઉત્તર અફઘાનિસ્તાનમાં તો ચાલી જ રહ્યો છે અને અચાનકથી થયેલી આ એક્ઝિટને કારણે અફઘાની સૈન્ય પર નવી જ જવાબદારી આવી ગઇ છે. બીજું એક બાય ધી વે એ કે આ લખતાં લખતાં મેં ૨૦૦૭માં કાબુલમાં દોઢ મહિનો ગાળ્યો તેની બધી જ યાદો તાજી થઇ ગઇ પણ, વો કહાની ફિર કભી.

પ્રગટ : ‘બહુશ્રૃત’ નામક લેખિકાની સાપ્તાહિક કટાર, ’રવિવારીય પૂર્તિ’, “ગુજરાતમિત્ર”,  11 જુલાઈ 2021

Loading

...102030...1,8211,8221,8231,824...1,8301,8401,850...

Search by

Opinion

  • ગુજરાતની દરેક દીકરીની ગરિમા પર હુમલો ! 
  • શતાબ્દીનો સૂર: ‘ધ ન્યૂ યોર્કર’ના તથ્યનિષ્ઠ પત્રકારત્વની શાનદાર વિરાસત
  • સો સો સલામો આપને, ઇંદુભાઇ !
  • અ મેસી (Messie / Messy ) અફેરઃ ઘરનાં છોકરાં ઘંટી ચાટે, ઉપાધ્યાયને આટો
  • ચલ મન મુંબઈ નગરી—320

Diaspora

  • દીપક બારડોલીકરની પુણ્યતિથિએ એમની આત્મકથા(ઉત્તરાર્ધ)ની ચંદ્રકાન્ત બક્ષીએ લખેલી પ્રસ્તાવના.
  • ગાંધીને જાણવા, સમજવાની વાટ
  • કેવળ દવાથી રોગ અમારો નહીં મટે …
  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !
  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ

Gandhiana

  • ગાંધીસાહિત્યનું ઘરેણું ‘જીવનનું પરોઢ’ હવે અંગ્રેજીમાં …
  • સરદાર પટેલ–જવાહરલાલ નેહરુ પત્રવ્યવહાર
  • ‘મન લાગો મેરો યાર ફકીરી મેં’ : સરદાર પટેલ 
  • બે શાશ્વત કોયડા
  • ગાંધીનું રામરાજ્ય એટલે અન્યાયની ગેરહાજરીવાળી વ્યવસ્થા

Poetry

  • ગઝલ
  • કક્કો ઘૂંટ્યો …
  • રાખો..
  • ગઝલ
  • ગઝલ 

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved