Opinion Magazine
Number of visits: 9674823
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

નવીનીકરણ પ્રોજેક્ટ વિ. ગાંધીવિચાર

તેજસ વૈદ્ય|Opinion - Opinion|29 August 2021

અમદાવાદમાં આવેલા પ્રખ્યાત ગાંધી આશ્રમનું ૧૨૦૦ કરોડના ખર્ચે નવીનીકરણ થઈ રહ્યું છે. આ મુદ્દે દેશભરમાં ઊહાપોહ ઊભો થયો છે. કેટલાંક ગાંધીવાદીઓ નારાજ છે. ૧૩૦ જેટલા કર્મશીલો અને ગાંધીવાદીઓએ પત્ર લખીને તેની સામે વિરોધ નોંધાવ્યો છે.

તેમણે કહ્યું છે કે આટલા જંગી ખર્ચમાં ગાંધીજીની સાદગી ખોવાઈ જશે. આ આયોજન ગાંધીવિચારની વિરુદ્ધ છે. જો આ પ્રોજેક્ટ પાર પડ્યો તો ગાંધીનું સૌથી અધિકૃત સ્મારક અને આપણો સ્વતંત્રતા સંગ્રામ કાયમ માટે આડંબર અને વ્યાપારીકરણમાં ખોવાઈ જશે એવું તેમનું માનવું છે.

બી.બી.સી. સાથે વાત કરતાં અમદાવાદના ગાંધી આશ્રમ એટલે કે સાબરમતી આશ્રમ પ્રિઝર્વૅશન ઍન્ડ મૅમોરિયલ ટ્રસ્ટનાં ચૅરપર્સન ઈલાબહેન ભટ્ટે કહ્યું, ગાંધીમૂલ્યોના જોખમે કશું નહીં કરીએ. સરકાર તરફથી એવું લેખિતમાં આપવામાં આવ્યું છે કે એનું સરકારીકરણ નહીં થાય. જે સાચવવાનું છે તે ગાંધી આશ્રમની શુચિતા, સાદાઈ, ગાંધીવિચારનાં તત્ત્વો છે.

તેમને જાળવીને જ આશ્રમમાં સૌની સહમતીથી અને નિસબતથી ફેરફાર થાય એ બાબતે સરકાર સાથે થયેલી મસલતમાં સમજૂતી થયેલી છે. આ બાબતો મિનિટ્‌સ – નોંધમાં પણ લખાયેલી છે. સરકારનો જે પત્ર આશ્રમ પર આવ્યો તેમાં આ બાબતો નોંધાયેલી છે.

સાબરમતી આશ્રમમાં પ્રતિબિંબિત થતી ગાંધીજીની સાદગી કરોડોના ખર્ચે મરી પરવારશે એવો ભય વ્યક્ત કરવામાં આવી રહ્યો છે, તેના જવાબમાં ઈલાબહેને કહ્યું, એવું આપણે નહીં કહી શકીએ. સરકાર પણ લોકો દ્વારા ચૂંટાયેલી છે, આપણામાંથી જ આવી છે. તેથી મુલાકાતીઓ સહિત પ્રજા અને સરકારની એટલે કે બધાંની ફરજ છે કે જે છે તેને આપણે જાળવી રાખીએ.

ગાંધીજીના પ્રપૌત્ર તુષાર અરુણ ગાંધીએ બી.બી.સી.ને કહ્યું, લોકોએ તો લોકશાહી પદ્ધતિથી હિટલરને પણ ચૂંટ્યો હતો. તેથી તેણે જે કર્યું એમાં બધા લોકો સહમત એવું માનવાનું? લોકશાહીમાં અસહમતીનું ખૂબ મહત્ત્વ છે. મેં એક વખત સહમતી આપી દીધી એટલે જીવનભર સહમત જ રહેવાનું એવું ન હોય?

તુષાર ગાંધીએ આક્ષેપ કરતાં એમ પણ કહ્યું, ગાંધી સ્મારકનિધિ જ્યારે બની એમાં જે બંધારણીય સિદ્ધાંતો હતા એમાં સ્પષ્ટપણે એવું લખેલું છે કે કોઈ દિવસ આશ્રમ કે સ્મારકના કોઈ પણ કામમાં સરકાર સીધી સામેલ નહીં થાય. પહેલાં તો એમાં એવું પણ લખ્યું હતું કે સરકાર પાસેથી પૈસા પણ ન લેવા.

સાથે એમ પણ લખ્યું છે કે જો જરૂર પડે તો પૈસા સરકાર પાસેથી લેવા પણ સરકારની ભૂમિકા ફક્ત પૈસા આપનાર તરીકેની જ એમાં હોવી જોઈએ. એમાં કોઈ પણ જાતનું કામ કરવાનું હોય તો એ ટ્રસ્ટની ધારણા મુજબ થવું જોઈએ.

સરકારે ભંડોળ આપીને અલગ થઈ જવાનું રહે.

ગુજરાતી સાહિત્ય પરિષદના પ્રમુખ અને વિચારપત્ર ‘નિરીક્ષક’ના તંત્રી પ્રકાશ ન. શાહ સાથે બી’બી’સી'એ વાત કરતા એમણે કહ્યું, હાલની સરકારનું વલણ મૅગલોમૅનિયક પ્રકારનું એટલે કે ભવ્ય-અતિભવ્ય તરફ આકર્ષણ ધરાવતું છે.

આશ્રમના સંદર્ભમાં કહીએ તો સહેજ પણ મૅગલોમૅનિયક રીતે પ્રગટ થાય એટલે ગાંધીની વિચારસરણી કરતાં વિરુદ્ધ છે. સરદાર પટેલની પ્રતિમા સ્ટૅચ્યૂ ઑફ યુનિટી જોઈએ તો એ એવો ખર્ચ અને એવી પ્રતિમા હતાં જે વલ્લભભાઈ પટેલને પોતાને ગ્રાહ્ય લાગે નહીં. આશ્રમને પણ વર્લ્ડ ક્લાસ ઢબે રજૂ કરવાની વાત છે.

મૂળભૂત રીતે આ ચર્ચાને હું એક નાગરિક તરીકે જોઉં છું તો મને લાગે છે કે ગાંધી અને ગાંધી આશ્રમની વિશેષતા એના બિનસરકારી હોવામાં છે. સ્વરાજ પછી સરકારો ગાંધી સંસ્થાઓ જોડે એક સાનુકૂળ વલણ રાખતી અને એને ઉપયોગી થતી.

પરંતુ સરકારથી એક 'ક્રિટિકલ ડિસ્ટન્સ' રાખવું એ ગાંધીજીનો એક સ્વાભાવિક આગ્રહ હતો. આજે જે તબક્કો છે તે આગલી સરકાર કરતાં જુદો છે. આજની સરકાર આ સમગ્ર બાબત આંચકી લેવા માગે છે. ખંડી લેવા માગે છે.

સાબરમતી આશ્રમના નવીનીકરણ સામે ૧૨૫થી વધુ સામાજિક કાર્યકરો અને કર્મશીલોએ ખુલ્લો પત્ર લખ્યો છે

આશ્રમ નવીનીકરણ માટે સરકારે એક ગવર્નિંગ કાઉન્સિલ રચી છે. રાજ્યસભા સાંસદ નરહરિ અમીન એ કાઉન્સિલના સભ્ય છે.

બી.બી.સી. સાથે વાત કરતા તેઓ કહે છે, એવી કોઈ વાત જ નથી. ગાંધીમૂલ્યોને સાથે રાખીને જ એને સહેજ પણ ઝાંખપ ન લાગે એ રીતે જ આ પ્રોજેક્ટનું કામ થવાનું છે. પ્રોજેક્ટનો મુખ્ય ઉદ્દેશ છે કે વિશ્વના લોકો અહીં આવે અને શાંતિનો સંદેશ લઈને જાય. અહીં કોઈ મોટી ઇમારતો કે ફાઇવસ્ટાર હોટલો નથી બનવાની. ગાંધીમૂલ્યોને લગતી તમામ પ્રવૃત્તિ ચાલુ રહેવાની છે.

પરંતુ વિશ્વના લોકો તો અત્યારે પણ આવે જ છે. પૂર્વ અમેરિકન રાષ્ટ્રપ્રમુખ બરાક ઓબામા હોય કે ડોનાલ્ડ ટ્રમ્પ હોય કે વિશ્વના અનેક મોટા નેતા હોય તેઓ આશ્રમમાં વર્ષોથી આવે જ છે. આ મુદ્દે નરહરિ અમીન કહે છે કે, મુદ્દો એ છે કે કોઈ સારી પ્રવૃત્તિ થઈ રહી હોય તો એનો વિરોધ કરવાની શું જરૂર છે? ગાંધી વિચારધારા વિશ્વમાં વધુ ફેલાય એ જ ઉદ્દેશ છે. અત્યારે ગાંધી આશ્રમ આસપાસ ઘણાં ગેરકાયદે બાંધકામ થઈ ગયા છે. હોટલો છે, નાનીમોટી દુકાનો પણ છે.

પ્રકાશ ન. શાહ કહે છે, આશ્રમના નવીનીકરણ કે ગૌરવ જે કહો તે એ પ્રોજેક્ટની વિગતો જનતા પાસે આવી હોય અને એ અંગે કોઈ જાહેર સૂચનો કે ચર્ચા થયા હોય એ જનતા જાણતી નથી. સરકાર દિલ્હીમાં સેન્ટ્રલ વિસ્ટા બનાવે તો એ ચાલે પણ ગાંધી આશ્રમ એ વસ્તુતઃ પ્રજાની પોતાની જગ્યા છે.

આશ્રમના ટ્રસ્ટીઓને એ મુદ્દો પકડાવો જોઈએ કે આ આશ્રમના ટ્રસ્ટીઓ અને સરકાર પૂરતો સીમિત સવાલ નથી. એ ભારતના જનવિરાટની સીધી નિસબત છે. તેથી સાદગી અને શુચિતા જળવાશે એવું ટ્રસ્ટી કે સરકાર કહે તો એનો આખો નકશો નિખાલસ ઢબે પ્રજા સમક્ષ મૂકવો જોઈએ.

તુષાર ગાંધી હોય કે પ્રકાશ ન. શાહ બંને એ વાત પર સહમત છે કે સરકાર જે કામ કરવા માગતી હોય તે તેમણે જાહેર કરવું જોઈએ. તેમણે રહસ્યમય ન રહેવું જોઈએ.

આ બાબતે નરહરિ અમીને કહ્યું, આમાં કોઈ રહસ્યમય રાખવાની વાત જ નથી. પ્રોજેક્ટ હજી આયોજન સ્તરે છે. પ્રોજેક્ટ ફાઇનલ થયો નથી. એ પ્રોસેસમાં છે. ૫૫ એકરની જમીનની પ્રક્રિયા ચાલી રહી છે. ત્યાં મકાનો છે. ત્યાં વિવિધ છ ટ્રસ્ટ છે. તેમની સાથે વાત ચાલે છે.

સરકારનું કહેવું છે કે આશ્રમના નવીનીકરણમાં ગાંધીમૂલ્યોમાં કોઈ ફેરફાર કરવામાં નહીં આવે.

'ગાંધી સંસ્થાનો પર થતો સરકારી કબજો અટકાવો' એવા મથાળા સાથે ૧૩૦ જેટલા કર્મશીલોએ પત્ર લખીને એક ઝુંબેશ આદરી છે.

જેમાં રામચંદ્ર ગુહા, રાજમોહન ગાંધી, નયનતારા સહગલ, આનંદ પટવર્ધન, ગણેશ દેવી, પ્રકાશ ન. શાહ પણ સામેલ છે. એ પત્રમાં લખવામાં આવ્યું છે કે,

હાલની સરકાર '૧૯૪૯ના દેખીતા સ્વસ્થતા, સુલેહ-શાંતિ અને સુવ્યવસ્થિત વાતાવરણને 'ફરી’ મેળવવા અને તેને ૫૪ એકરમાં ફેલાયેલું 'વર્લ્ડ ક્લાસ’ પ્રવાસન-સ્થળ બનાવવા માટે તૈયાર છે. તેણે 'ગાંધી આશ્રમ મૅમોરિયલ ઍન્ડ પ્રિસિંક્ટ ડેવલપમૅન્ટ પ્રોજેક્ટ’ માટે રૂ. ૧૨૦૦ કરોડના બજેટની જાહેરાત કરી છે. અખબારના અહેવાલો અનુસાર નવા બનાવેલા 'વર્લ્ડ ક્લાસ’ મૅમોરિયલમાં નવા સંગ્રહાલયો, એક એમ્ફી થિયેટર, વી.આઈ.પી. લાઉન્જ, દુકાનો, ફૂડ કોર્ટ વગેરે હશે.

અહેવાલો કહે છે કે આ પ્રોજેક્ટ વડા પ્રધાન અને મુખ્ય મંત્રીની સીધી દેખરેખ હેઠળ થશે. દેશની તમામ ગાંધીવાદી સંસ્થાઓને સરખી કરવી અને તેનું વ્યાપારીકરણ કરવાની હાલની સરકારની વ્યૂહરચનાને અનુરૂપ આ પગલું છે.

આનું સૌથી ખરાબ ઉદાહરણ સેવાગ્રામમાં જોઈ શકાય છે, પરંતુ તમામ ગાંધીવાદી આર્કાઇવ્સ પર સરકારી નિયંત્રણ એ સૌથી ભયાનક પાસું છે. જ્યારે મહાત્મા ગાંધીની જે તત્ત્વો દ્વારા હત્યા કરવામાં આવી હતી તેમની વિચારધારા હજુ પણ ભારતમાં સત્તામાં રહેલા કેટલાક લોકોને પ્રેરણા આપે છે, ત્યારે આ જોખમને નજરઅંદાજ ન કરી શકાય.

ગાંધી આશ્રમના નવીનીકરણને લીધે આશ્રમ જે સાદગી અને ગાંધીમૂલ્યોનો સંદેશ આપે છે એ નામશેષ થશે એવો તેમનો આરોપ છે. પત્રમાં તેઓ લખે છે કે, ૧૨૦૦ કરોડ રૂપિયાના પ્રોજેક્ટમાં આશ્રમની સાદગી સંપૂર્ણપણે ખોવાઈ જશે. દર વર્ષે લાખો ભારતીયો, ખાસ કરીને શાળાનાં બાળકો, તેમ જ વિદેશી મુલાકાતીઓ સાબરમતી આશ્રમમાં આવે છે.

પ્રવાસીઓને આકર્ષવા માટે આ સ્થળને ક્યારે ય 'વર્લ્‌ડ ક્લાસ' નવનિર્માણની જરૂર નથી. ગાંધીની આભા અને આ સ્થળની અધિકૃતતા અને સરળતા એ માટે પૂરતી છે.

આશ્રમમાં આવેલ હૃદયકુંજ, અન્ય ઐતિહાસિક ઇમારતો, અને વર્તમાન સંગ્રહાલયો, જો અડવામાં ન આવે તો પણ તે કેન્દ્રમાં રહેશે નહીં, પરંતુ નવા મ્યુઝિયમ, એમ્ફી થિયેટર, ફૂડ કોર્ટ, દુકાનો વગેરે દ્વારા ખૂણામાં ધકેલી દેવામાં આવશે.

સૂચિત યોજના શ્રેષ્ઠ રીતે 'ગાંધી થીમ પાર્ક' અને સૌથી ખરાબ રીતે ગાંધીની 'બીજી હત્યા'ની કલ્પના કરે છે. જો આ પ્રોજેક્ટ પાર પડ્યો તો ગાંધીનું સૌથી અધિકૃત સ્મારક અને આપણો સ્વતંત્રતા સંગ્રામ કાયમ માટે આડંબર અને વ્યાપારીકરણમાં ખોવાઈ જશે.

નરહરિ અમીને કહ્યું, ગાંધીજીની પ્રવૃત્તિ ચાલુ જ રહેવાની છે. ૧૨૦૦ કરોડ રૂપિયા જે છે એમાં રસ્તા, લાઇટ્‌સ, પાર્કિંગની સુવિધા વગેરે કરવાની છે. બગીચો બનાવવાનો છે. હોટેલો, રેસ્ટોરાં કે વૈભવી ઇમારતોની વાત જ નથી. સાદગી અકબંધ જ રહેશે.

જે લોકો આશ્રમ પરિસર આસપાસ રહે છે. તેમને નવા મકાનો તેમ જ વળતર વગેરે આપવાનું છે. એ બધું મળીને રૂ. ૧૨૦૦ કરોડનો ખર્ચ થવાનો અંદાજ છે.

વડા પ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાતી છે. ગાંધીજી પણ ગુજરાતી હતા. ગુજરાતી તરીકે નરેન્દ્ર મોદીને મન ગાંધીજીનું ખૂબ મહત્ત્વ છે. તેથી આ પ્રોજેક્ટ હાથ ધરવામાં આવ્યો છે.

ગાંધી આશ્રમને જેમ છે તેમ જાળવી રાખવા માટે ૧૩૦ લોકોએ લખેલા સહિયારા પત્ર પછી સાબરમતી આશ્રમ પ્રિઝર્વેશન ઍન્ડ મૅમોરિયલ ટ્રસ્ટે એક પ્રેસ નિવેદન બહાર પાડ્યું હતું.

જેમાં લખ્યું હતું કે, ટ્રસ્ટીઓ એ સુનિશ્ચિત કરવા પ્રતિબદ્ધ છે કે આ જગ્યાએ આટલાં વર્ષોથી વિશ્વ માટે જે નૈતિકતા અને મૂલ્યોની પ્રતિષ્ઠા કરી છે તેને સુરક્ષિત રાખવામાં આવે અને ગુણવત્તા વધારવામાં આવે. આનો અર્થ એ છે કે આશ્રમ હંમેશાં વિશ્વ માટે ગાંધીજીની છેલ્લી વ્યક્તિ તરફ ધ્યાન આપવાની હાકલ, તમામ બાબતોમાં સાદાઈ, કરકસર, મિતવ્યવસ્થા, શુચિતા અને કુદરત સાથે માનવી પ્રત્યેનો આધરનો સંદેશ આપતો રહેશે. અમારી સમજણ છે કે આ પરિસર સાથે સંકળાયેલા તમામ હિતધારકો અને અધિકારીઓ જેની સાથે આશ્રમના ટ્રસ્ટીઓ સંપર્કમાં છે તેમની વચ્ચે આ મૂલ્યો વિશે સમજ પ્રવર્તે છે."

તુષાર ગાંધીએ કહ્યું કે ટ્રસ્ટીઓએ આ નિવેદન કરીને પોતાના કાંડા કાપીને આપી દીધા છે.

જે ૧૩૦ લોકોએ પત્ર લખ્યો છે તેમાં પ્રકાશ ન. શાહ પણ છે. તેમણે બી.બી.સી.ને કહ્યું, હું જરૂર એમ ઇચ્છું કે આ પત્ર લખીને સહી કરનારાઓ તેમ જ સરકાર વચ્ચે વાત થાય. એમાં સહેજ પણ મોડું થયું નથી. સરકાર અને ટ્રસ્ટીઓ વચ્ચે જે સમજૂતી થઈ હોય એની વિગતો પણ મૂકવી જોઈએ. એમાં સુધારાવધારાને અવકાશ છે એમ વાત કરવી જોઈએ. જેમણે પત્ર લખ્યા છે એ કોઈ આશ્રમના વિરોધીઓનો મોરચો નથી.

આ ગાંધીપ્રેમી અને આશ્રમના પ્રેમીઓની સહિયારી નિસબત છે. અને એ વાઇડર કન્સલ્ટેશન મારફતે નિવારવી જોઈએ.

પરંતુ ઈલાબહેને તેમ જ આશ્રમના ટ્રસ્ટીઓએ લેટરમાં પણ કહ્યું છે કે, આશ્રમની સાદગી અકબંધ રહેશે. આનો જવાબ આપતાં પ્રકાશ ન. શાહે કહ્યું કે, ઈલાબહેને કહ્યું હોય તો એમનાં મોંમાં સાકર, પણ આ બાબત સમગ્ર પ્રજાકીય પ્રક્રિયામાં થઈને જવી જોઈએ.

તુષાર ગાંધી ટ્રસ્ટી તેમ જ સરકારને કહે છે કે, તમે આશ્રમનું હિત જ જોવા માગતા હોય તો એક બ્લૂપ્રિન્ટ લઈને લોકોની વચ્ચે કેમ નથી આવતા? લોકોની સહમતીથી કામ થશે.

એક વાત એવી પણ થઈ રહી છે કે ગાંધી આશ્રમમાં જે ફેરફારો થઈ રહ્યા છે એનાંથી એક એવી છાપ પણ ભવિષ્યમાં ઊભી થશે કે નવીનીકરણ પછી ગાંધી આશ્રમ જો કોઈને દિવ્ય કે ભવ્ય કે આકર્ષક લાગતો હોય તો એ ભા.જ.પ.નાં શાસનમાં થયું છે. મોદી સરકારે કર્યું છે. આવા એક અભિપ્રાયની આશંકા વ્યક્ત થઈ રહી છે.

આ વિશે ઈલાબહેને કહ્યું હતું, આશંકા તો અનેક પ્રકારની હોઈ શકે. અમે તો શ્રદ્ધા અને વિશ્વાસથી કામ કરીએ છીએ. સરકાર એટલે તો ચૂંટાયેલી સરકાર. એમાં તો પક્ષાપક્ષી હોય જ પણ હજુ સુધી આમાં કોઈ પાર્ટી પૉલિટિક્સ કે દબાણ આવ્યું નથી.

અમદાવાદનાં કર્મશીલ તેમ જ ગાંધીપ્રેમી મનીષી જાનીએ કહ્યું કે, જે લોકો ગોડસેના મંદિર બનાવતા હોય એ લોકો ગાંધી આશ્રમની ચિન્તા કરવા માંડે તો શંકા તો જાય જ. આ ફાસીવાદી સરકાર છે. દરેક સંસ્થાને ખતમ કરી રહી છે. સ્વાયત્તતાને ખતમ કરી રહી છે. ઇતિહાસ એવું કહે છે કે એ હંમેશાં પોતાનાથી જુદા પ્રકારના ઇતિહાસને ભૂંસવા પ્રયત્ન કરતા હોય છે. આશ્રમનું નવીનીકરણ એ ઇતિહાસ ભૂંસવાની પ્રક્રિયાનો આ એક ભાગ છે. એટલા માટે પણ અમે વિરોધ કરીએ છીએ.

મનીષી જાનીએ ટ્રસ્ટીઓને પણ હાકલ કરી કે, સરકાર આવી એક સંસ્થાને હાથમાં લઈ લેવા માગતી હોય ત્યારે ટ્રસ્ટીઓએ બોલવું જોઈએ. ટ્રસ્ટી એટલે શું? અંતે તો રખેવાળ જ છે ને, એ માલિકો નથી.

તેઓ ઉમેરે છે, સાચવણી કરવાની તેમની ફરજ છે. ગાંધીજી હોત તો પોતે પણ અત્યારે આશ્રમનાં નવિનીકરણ સામે લડવા નીકળી પડ્યા હોત. ગાંધીજી હોત તો શું એ ટ્રસ્ટીઓની જેમ મૌન રાખીને બેઠા હોત?

આ સવાલ ટ્રસ્ટીઓએ જાતને પૂછવાની જરૂર છે. આવો વિચાર, સત્યાગ્રહનો વિચાર ટ્રસ્ટીઓને આવવો જ જોઈએ.

ટ્રસ્ટીઓની ટીકા થઈ રહી છે એ મુદ્દે ઈલાબહેનને પૂછવામાં આવ્યું ત્યારે તેમણે કહ્યું કે,

ટીકા તો કરી શકે. જાહેર જીવનમાં આ કોઈ નવો અનુભવ નથી. આશ્રમમાં જે કોઈ કામમાં જ્યારે પણ મૂલ્યોનો ભંગ થશે તો એ બાબતનો સત્યાગ્રહ કરવામાં અમે ડરતા નથી. મને તો એકંદરે અમદાવાદના લોકોનો અને બીજા લોકોનો ટેકો જ દેખાય છે. કોઈની નિસબત કે અભિપ્રાય જુદા હોય તો એ કહેવાની લોકશાહીમાં છૂટ છે, અને આપણે બધું નૅગેટિવ જ શા માટે લઈએ?

સરદારને સંઘ પરિવાર પ્રત્યે કૂણી લાગણી હતી?

સ્ટેચ્યૂ ઑફ યુનિટીની જમીન સરદાર પટેલે ભારતમાં કેવી રીતે ભેળવી હતી?

'સરકાર જે પરિવારોને આશ્રમ પરિસરમાંથી હટાવશે એ જમીનની માલિકી કોની રહેશે?’

આશ્રમનાં ટ્રસ્ટીઓનાં વલણ પર ગાંધીપ્રેમીઓ તેમ જ ગાંધીજીના વંશજો સવાલ ઉઠાવી રહ્યા છે.

તુષાર ગાંધીએ કહ્યું હતું કે, જે કાંઈ નિવેદનો ટ્રસ્ટીઓ તરફથી આવી રહ્યા છે તેમાં તો કાયરતા દેખાય છે. જો ટ્રસ્ટીઓ કાંઈ કરી ન શકતાં હોય તો બહેતર છે કે તેઓ રાજીનામું આપી દે.

તેઓ કહી દે કે તેમને જે જવાબદારી આપી હતી તે નથી નિભાવી શકતા. આ બાબતે પણ કોઈ ખુલાસો નથી કે આશ્રમ પરિસરમાં જે પરિવારો પેઢીઓથી રહે છે. નવીનીકરણનાં ભાગરૂપે તેમને પૈસા વગેરે આપીને અન્ય સ્થળે મોકલવાનું ચાલી રહ્યું છે.

મુદ્દો એ છે કે જે લોકોનું સ્થાનફેર થશે એ જે મિલકતનું હસ્તાંતરણ છે એ પછી કોની રહેશે? હાલમાં તો એ હરિજન સેવક સંઘના ઇજારામાં છે.

સરકાર જો પૈસા આપીને તેમને છૂટા કરશે તો એ ટુકડાની માલિકી કોની રહેશે? એના વિશે ન તો કોઈ ખુલાસો થયો છે કે ન તો ટ્રસ્ટીઓ કોઈ જવાબ માગી રહ્યા છે.

મનીષી જાની માને છે કે ગાંધી આશ્રમનું નવીનીકરણ એ તેને છેવાડાના માનવીથી દૂર થઈ જવાની પ્રક્રિયા છે. તેઓ કહે છે :

ગાંધી આશ્રમ જાવ તો તમને સાદગીની ભાવના આવે. હવે એની આસપાસ તમે મહેલો ચણો એ કેવું લાગે. મહેલોની આસપાસ ઝૂંપડું. આ પરિસ્થિતિ ન ચલાવી લેવાય. ગાંધી આશ્રમ પાસેથી પસાર થતા હો અને અંદર લટાર મારવી હોય તો તે એકદમ સરળ છે. કોઈ ટિકિટ નહીં, કોઈ સિક્યૉરિટી નહીં. તરત તમે અંદર જઈ શકો છો. કોઈ બંધન નથી, સહજ છે. જ્યારે ટિકિટો આવે, બંધન થઈ જાય, ખાદીના બ્યૂટિક થઈ જાય. ચકચકિત દુકાનોમાં ખાદી વેચાય. આ બધું ચલાવવા માટે ટિકિટ તો રાખવી જ પડે તમે એક પ્રકારની ચાળણી કરીને સામાન્ય માણસને ત્યાંથી દૂર કરી રહ્યા છો.

બીજો મુદ્દો એ છે કે માનવજાતના ઇતિહાસમાં જે દશ સૌથી અગત્યની કૂચ ગણાય છે એ દાંડીકૂચ ગાંધી આશ્રમમાંથી નીકળી હતી. તમે ચારે તરફ વર્લ્ડ ક્લાસ ટુરિઝમની વાત કરો એટલે સત્યાગ્રહ શબ્દની ગરિમા ઝાંખી પડે છે. સત્યાગ્રહની વિભાવના મરી પરવારે છે. એની સામે વાંધો છે. સરકાર અને ટ્રસ્ટીઓ ભલે કહે પણ આજુબાજુમાં આડંબર ઊભા થાય તો સાદગી અને શુચિતા કેવી રીતે સચવાય? ગુમ થઈ જાય. આ તો ચારેબાજુ મહેલોની વચ્ચે ઝૂંપડું મૂકી દો એવી વાત છે. ઝૂંપડું અટવાઈ જાય, ગૂંચવાઈ જાય.

અખબાર ‘ટાઇમ્સ ઑફ ઈન્ડિયા'ને ટાંકીએ તો નવીનીકરણ થયા બાદ સાબરમતી આશ્રમ પ્રિઝર્વેશન ઍન્ડ મૅમોરિયલ ટ્રસ્ટ પાંચ એકરમાંથી ૫૩ એકરમાં વિસ્તરશે. આસપાસમાં જે ૧૭૭ બિલ્ડિંગ્સ છે, એમાંથી ૬૫ આ નવતર કૅમ્પસમાં રહેશે.

સૌજન્ય : બી.બી.સી. ગુજરાતી

સૌજન્ય : “નિરીક્ષક”, 01 સપ્ટેમ્બર 2021; પૃ. 03-05

————————————————————-

ગાંધી આશ્રમ પરનું સરકારી ગ્રહણ અટકાવવા અંગે નાગરિક હસ્તક્ષેપને ધોરણે જે નિવેદન પ્રસારિત થયું તેના સમર્થનમાં ઠેકઠેકાણેથી સહીઓનો પ્રવાહ અવિરત ચાલ્યો આવે છે. અહીં સ્થળસંકોચ લક્ષમાં રાખી નમૂના દાખલ થોડાંક જ નામો આપીએ તો લેખકો ચંદ્રકાન્ત ટોપીવાળા, રમણ સોની, સંજય ભાવે, પ્રવીણ ગઢવી, ભારતી રાણે, જયદેવ શુક્લ, પરેશ નાયક, યશવંત મહેતા તેમ જ કૃષ્ણકાંત વખારીયા (પૂર્વ પ્રમુખ, વિશ્વ ગુજરાતી સમાજ), શંકરસિંહ વાઘેલા (પૂર્વ મુખ્ય મંત્રી), પ્રવીણસિંહ જાડેજા (પૂર્વ મંત્રી), પત્રકાર નચિકેતા દેસાઈ, ધીમંત પુરોહિત, રંગકર્મી રાજુ બારોટ, અદિતિ દેસાઈ, કપિલદેવ શુક્લ, શિક્ષાકર્મી રમેશ થાનવી (જયપુર), એ અન્નામલાઈ (નવી દિલ્હી), હિમાંશુ કુમાર (છત્તીસગઢ), રચનાકર્મી નફીસા બારોટ, રેશનલિસ્ટ સુજાત વલી, અફલાતૂન (સમાજવાદી જનપરિષદ બનારસ), લાલજી દેસાઈ (અધ્યક્ષ રાષ્ટ્રીય સેવા દળ) આદિનો સમાવેશ થાય છે.

નિવેદનકારો વતી નમ્રતાપૂર્વક કહેવાનું કે આશ્રમ પ્રોજેક્ટની પૂર્ણ રૂપરેખા જાહેર થાય તે જરૂરી છે. સંબંધિત ટ્રસ્ટીગણ પરત્વે પૂરા આદર સહ કહેવું રહે છે કે આ પ્રશ્ન માત્ર સરકાર અને ટ્રસ્ટીઓ વચ્ચેનો જ કેવળ નથી. સરકાર જો Legal Sovereign હોય તો નાગરિકો Political Sovereign છે. ગાંધીએ શીખવેલી અને જયપ્રકાશે સંમાર્જેલી આ બુનિયાદી સમજથી નિવેદનકારો પરિચાલિત થયા છે અને એ ધોરણે ટ્રસ્ટીઓને પણ તે પોતાની એટલે કે પ્રજાની તરફે કલ્પી સાર્થક સટીક સંવાદ અને સુસ્પષ્ટ ભૂમિકાની અપેક્ષા રાખે છે.

— પ્ર.ન.શા.

તંત્રી, “નિરીક્ષક”

Loading

તો શું હવે સાબરમતી આશ્રમની સાદગી ખોવાઈ જશે ? જાણો શું છે સમગ્ર વિવાદ

કરણ નેગાંધી|Opinion - Opinion|29 August 2021

નવીનીકરણ માટે ૧૨૦૦ કરોડ જેવી મોટી રકમ સાંભળીને ગાંધીવાદી લોકોએ આનો આકરો વિરોધ નોંધાવ્યો છે.

સાબરમતી આશ્રમ. ફોટો – યાહૂ

શાંત, સૌમ્ય અને સરળ ગાંધી બાપુના સ્વભાવના પ્રતિબિંબ સમા સાબરમતી આશ્રમનો ૧૨૦૦ કરોડના ખર્ચે તેના ૧૯૪૯ના માળખા મુજબ કાયાકલ્પ કરવાના સરકારના પ્રસ્તાવનો ચારે બાજુથી વિરોધ થઈ રહ્યો છે. જો કે, આ પ્રસ્તાવની સંપૂર્ણ પરિકલ્પના સરકારે હજી બહાર પાડી નથી, તેથી લોકોના મનમાં આ અંગે ઘણી અસમંજસ ઊભી થઈ રહી છે. ૧૨૦૦ કરોડ જેવી મોટી રકમ સાંભળીને ગાંધીવાદી લોકોએ આનો આકરો વિરોધ નોંધાવ્યો છે. ગાંધીજીની વિચારધારાને અનુસરતા લોકોનો મત છે કે બાપુ પોતાનું આખું જીવન સાદગી અને કરકસર સાથે જીવ્યા, હવે તેમના આશ્રમ પાછળ ૧૨૦૦ કરોડનો ખર્ચ કરવામાં આવે તે તેમની વિચારધારાથી સદંતર વિરોધી છે.

સૌ પ્રથમ એ સમજવું જરૂરી છે કે ગાંધી આશ્રમ મોટી જમીનમાં પથરાયેલો છે અને તેનું સંચાલન કુલ વિવિધ પાંચ સ્વાયત ટ્રસ્ટ દ્વારા કરવામાં આવે છે, જેમાં સાબરમતી આશ્રમ પ્રિવેન્શન એન્ડ મેમોરિયલ ટ્રસ્ટ (SAPMT), સાબરમતી આશ્રમ ગૌશાળા ટ્રસ્ટ, હરિજન સેવક સંઘ, ખાદી ગ્રામોદ્યોગ પ્રયોગ સમિતિ અને હરિજન આશ્રમ ટ્રસ્ટનો સમાવેશ છે. સરકારે આ સંદર્ભે આ તમામ ટ્રસ્ટ સાથે આશ્રમના નવનિર્માણ માટે વાતચીત શરૂ કરી છે. દરમિયાન કેટલાંક ગાંધીવાદીઓ નારાજ છે. 140 જેટલા ગાંધીવાદીઓએ અને કર્મશીલોએ પત્ર લખીને તેની સામે પ્રખર વિરોધ નોંધાવ્યો છે. તેમનું માનવું છે કે આટલા જંગી ખર્ચમાં ગાંધીજીની સાદગી ખોવાઈ જશે. આ યોજના ગાંધીવિચારની વિરુદ્ધ છે. જો આ પ્રોજેક્ટનું અમલીકરણ કરાશે તો બાપુનું સૌથી અધિકૃત સ્મારક વ્યાપારીકરણમાં ખોવાઈ જશે.

‘ધ ઇન્ડિયન એક્સપ્રેસ’ના એક અહેવાલ મુજબ સાબરમતી આશ્રમ 200થી વધુ પરિવારોનું ઘર છે, જેમને ડર છે કે જો પ્રોજેક્ટ અમલમાં મૂકવામાં આવે તો તેમને રહેવા માટે જગ્યા આપ્યા વગર છોડી દેવામાં આવશે. મોટા ભાગની રહેણાંક મિલકતો વંશજોના કબજામાં છે, જેમની સાથે બાપુ 1900ના દાયકાની શરૂઆતમાં આશ્રમમાં સ્થાયી થયા હતા. જો કે, સરકારી અધિકારીઓએ સ્પષ્ટતા કરી હતી કે આ નાણાંનો મોટો ભાગ મુખ્યત્વે આશ્રમની આજુબાજુના રહેવાસીઓના જમીન સુધારણા અને પુનર્વસનનો માટે વાપરવામાં આવશે. “અહી વર્ષોથી વિવાદિત મિલકતો પણ છે. આનું સમાધાન પણ બજેટનો મોટો ભાગ છે.” તેમ એક સરકારી સૂત્રએ ડાઉન ટુ અર્થને જણાવ્યું હતું.

આ નવીનીકરણનો પ્લાન અમદાવાદ સ્થિત એચ.સી.પી. ડિઝાઇન, પ્લાનિંગ એન્ડ મેનેજમેન્ટ પ્રાઇવેટ લિમિટેડ દ્વારા તૈયાર કરવામાં આવ્યો છે, જેનું નેતૃત્વ બિમલ પટેલ કરે છે, જે સેન્ટ્રલ વિસ્ટા પ્રોજેક્ટનું કામ પણ કરી રહી છે. આ સંદર્ભે એચ.સી.પી. ડિઝાઇને પ્રોજેક્ટ વિશે માહિતી આપતા ‘ગુજરાતી મિડ-ડે ડૉટ કૉમ’ને જણાવ્યું કે “આશ્રમમાં આવતા મુલાકાતીઓ મહાત્મા ગાંધીના જીવન અને તેમની ફિલોસોફીને વધુ સારી રીતે સમજી શકે તે માટે તેની સુવિધાઓ વધારવી અને આશ્રમના મૂળ શાંત વાતાવરણને ફરીથી બનાવવાનો આ પ્રોજેક્ટનો મૂળ હેતુ છે.”

કંપનીએ સવાલના લેખિત જવાબમાં કહ્યું કે “આ પ્રોજેક્ટ આશ્રમની પ્રવૃત્તિઓ અને જમીનના વિભાજનને પૂર્વવત્ કરશે અને વિસ્તારને 5 એકરથી 55 એકર સુધી વિસ્તૃત કરશે, જેમાં આશ્રમની તમામ મૂળ ઇમારતોનો સમાવેશ કરશે અને તેમને પુન:સ્થાપિત કરાશે.” આશ્રમમાં રહેતા લોકો માટે કંપનીએ કહ્યું છે કે “ઐતિહાસિક કારણોસર આશ્રમ વિસ્તારના નિવાસી પરિવારોને યોગ્ય વળતર આપવામાં આવશે અથવા આશ્રમ વિસ્તારના નિયુક્ત વિસ્તારમાં નવા ઘર આપવામાં આવશે.” આ કાર્ય પરામર્શ, સંવાદ અને તમામ હિસ્સેદારોની ભાગીદારી દ્વારા કરવામાં આવશે. તેવી સ્પષ્ટતા પણ કામની દ્વારા કરવામાં આવી છે.

ફોટો સૌજન્ય :  એચ.સી.પી. ડિઝાઇન, પ્લાનિંગ એન્ડ મેનેજમેન્ટ પ્રાઇવેટ લિમિટેડ

આશ્રમમાં બદલાવ જરૂરી બદલાવ વિશે કંપનીએ કહ્યું કે “આશ્રમ રોડ, જે આશ્રમ વિસ્તારની મધ્યમાંથી પસાર થાય છે, તેને ડાઈવર્ટ કરવામાં આવશે જેથી શાંતિપૂર્ણ વાતાવરણ આશ્રમમાં ફરી સ્થાપિત કરી શકાય.” ઉપરાંત મુલાકાતીઓ માટે આશ્રમમાં પાર્કિંગ જેવી મૂળભૂત સુવિધાઓમાં પણ વધારો કરવામાં આવશે.

કંપનીએ ઉમેર્યું હતું કે “તે એક અર્થઘટન કેન્દ્ર બનાવશે જે મુલાકાતીઓને બહુવિધ ભાષાઓમાં માર્ગદર્શન આપી શકે અને તેમના અનુભવને સાંસ્કૃતિક અને બૌદ્ધિક રીતે વધુ સમૃદ્ધ બનાવે. ઉપરાંત દિવ્યાંગ મુલાકાતીઓ માટે અને દૃષ્ટિહીન લોકો માટે પણ જરૂરી સુવિધાઓ ઉપલબ્ધ કરાવવામાં આવશે.”

સાબરમતી આશ્રમ પ્રિવેન્શન એન્ડ મેમોરિયલ ટ્રસ્ટ(SAPMT)ના ચેરમેન ઇલાબહેન ભટ્ટે ‘ગુજરાતી મિડ-ડે ડૉટ કૉમ'ને જણાવ્યું કે “તમામ કાર્ય ગાંધી આશ્રમની શુચિતા, સાદાઈ અને ગાંધીવિચારનાં તત્ત્વો જળવાઈ રહે તે રીતે જ કરવામાં આવશે. જો ગાંધીમૂલ્યોથી વિરુદ્ધ બદલાવ કરવામાં આવશે, તો અમે તેનો ચોક્કસપણે વિરોધ કરીશું.”

ઈલાબહેન ભટ્ટ. ફોટો સૌજન્ય : વિકીપેડિયા

ટ્રસ્ટના ડાયરેક્ટર અતુલ પંડયાએ આ સંદર્ભે કહ્યું હતું કે “આશ્રમમાં આવતા મોટા ભાગના મુલાકાતીઓ પોતાના વાહન દ્વારા આવે છે અને અપર્યાપ્ત પાર્કિંગની સુવિધાને કારણે ઘણી વખત તેમનો ટ્રાફિક પોલીસ સાથે વાદ-વિવાદ પણ થાય છે. તેથી આશ્રમમાં પાર્કિંગની સુવિધા વધારવી આવશ્યક છે. જો કે, ટ્રસ્ટને હજી સરકાર તરફથી પ્લાનની વિગતવાર માહિતીના દસ્તાવેજ મળ્યા નથી.”

આ સંદર્ભે વાતચીત કરતાં ગાંધી વિચાર પર ઘડાયેલી ગૂજરાત વિદ્યાપીઠના ભૂતપૂર્વ વાઇસ ચાન્સેલર સુદર્શન ઐયંગરે ‘ગુજરાતી મિડ-ડે ડૉટ કૉમ’ને કહ્યું કે “આશ્રમ રોડને ખસેડવાની માંગ તો ટ્રસ્ટ ઘણા સમયથી કરી રહ્યું હતું, કારણે કે તેને આશ્રમના શાંત વાતાવરણમાં ખલેલ પડતો હતો. આ સંદર્ભે તત્કાલીન ગુજરાત રાજ્યના ગવર્નરને પણ વિનંતી કરવામાં આવી હતી, પરંતુ હવે આ કાર્ય માટે નવા ચક્રો ગતિમાન થયા છે અને હવે સરકારની સમિતિ પાંચ ટ્રસ્ટ સાથે અલગથી વાતચીત કરી રહી છે.” તેમણે ઉમેર્યું હતું કે “સરકારે બાયંધરી આપી છે કે આશ્રમના મૂળમાં કોઈ ફેરફાર કરવામાં આવશે નહીં. સરકારના ‘વર્લ્ડક્લાસ’ અને ‘અમ્યુઝમેન્ટ પાર્ક’ અને ‘ટુરિસ્ટ એટ્રેકશન’ જેવા શબ્દો સામે અમે વાંધો ઉઠાવ્યો છે.”

સુદર્શન આયંગાર

તેમણે પોતાનો વ્યક્તિગત મત રજૂ કરતાં કહ્યું હતું કે “આ આખી યોજનામાં હોવી જોઈએ તેટલી પારદર્શિતા નથી. સરકારે જે કઈ યોજના બનાવી હોય તે તેમણે પાંચ ટ્રસ્ટોને સાથે બોલાવીને સમજાવવી જોઈએ અને આદર્શ પરિસ્થિતિ એ હોવી જોઈએ કે સરકાર યોજનામાં જ પાંચ ટ્રસ્ટોનો મત લે અને બાદમાં યોજના તૈયાર કરે. યોજના તૈયાર કર્યા બાદ તેના અમલીકરણ માટે ટ્રસ્ટનો સંપર્ક કરવામાં આવે તે વાત હું વ્યક્તિગત રીતે વાજબી નથી સમજતો.”

આ સમગ્ર પ્રકરણ બાબતે વાત કરતાં ગાંધીજીના પ્રપૌત્ર તુષાર ગાંધીએ ‘ગુજરાતી મિડ-ડે ડોટ કૉમ'ને જણાવ્યું કે “જો ૧૨૦૦ કરોડ રૂપિયાનું બજેટ હોય તો, આ કોઈ નાનીસૂની રકમ નથી. આવા જંગી ખર્ચ બાદ તેમાં કોઈ સાદગીનું તત્ત્વ હોય શકે નહીં. ગાંધીના સ્મારક પાછળ ૧૨૦૦ કરોડ કરવામાં આવે જેણે પોતાની જરૂરિયાતો સદંતર ઘટાડવાનો પ્રયાસ કર્યો હોય અને કરકસર કરી હોય, તે ગાંધી તત્ત્વ નથી. ઉપરાંત જે લોકોને બાપુએ જ આશ્રમમાં વસાવ્યા હતા, તેમને ખસેડવાની જરૂર શું છે?”

તુષાર ગાંધી

તેમણે ઉમેર્યું હતું કે “સરકાર શું કરવા માંગે છે, તેની જાણકારી તેમણે આપી નથી. દરરોજ મીડિયા અહેવાલો દ્વારા નવી જાણકારી સામે આવે છે, પરંતુ એક પણ વાત સરકાર તરફથી સત્તાવાર રીતે કહેવામાં આવી નથી. આ પ્રસ્તાવ બિન જરૂરી અને ગેરવાજબી છે. ગાંધીમૂલ્યોની વિરુદ્ધ છે. ગાંધીજીએ વિરોધીઓથી પણ કોઈ કાર્ય છૂપી રીતે કર્યું ન હતું અને જો આ વ્યક્તિના સ્મારક માટે સરકાર વિગતો ન આપતી હોય તો તેમની દાનતમાં કચાશ હોય તેવું લાગે છે.”

સૌજન્ય : “ગુજરાતી મિડ-ડે ડૉટ કોમ”, 28 ઑગસ્ટ 2021

ચિરંતનાબહેન ભટ્ટની ફેઇસબૂક દિવાલેથી સાદર

Loading

ગેલ ઓમવેટ

પ્રકાશ ન. શાહ|Opinion - Opinion|29 August 2021

અલવિદા

પચીસની ઑગસ્ટે એ ગયાં અને કર્મશીલ બૌદ્ધિકતાનો, ખાસ કરીને ન્યાય ને સમાનતાના પક્ષમાં વૈચારિક સ્પષ્ટતા ને સંઘર્ષશીલતાનો એક અધ્યાય પૂરો થયો : ગેલ ઓમવેટ (૧૯૪૧-૨૦૨૧) ગયાનું સાંભર્યું ત્યારે જરી વિલક્ષણ લાગે પણ મને થઈ આવેલું પહેલું સ્મરણ નિવેદિતાનું હતું. વિવેકાનંદનાં ખેંચાયાં ભગિની નિવેદિતા ભારત આવ્યાં અને ભારતનાં થઈને રહ્યાં. ગેલ પણ તમે જુઓ, અહીં આવ્યાં તો હતાં ડૉક્ટરલ અભ્યાસના સિલસિલામાં પણ સહજક્રમે એમનો સંસાર પણ અહીં જ મહોર્યો.

અમેરિકી કન્યકા ગેલ ઓમવેટ અને મહારાષ્ટ્રમાં સાંગલી કનેનો ભારત પાટણકર પરણ્યાં તે બૉય મિટ્‌સ એ ગર્લ ઍન્ડ ધે ગો ધ વે ઑફ ઑલ ફૅલશ એવી ચાલુ કિસમની કહાણી નહોતી.

ગેલ ઓમવેટ અમેરિકાથી અહીં શોધ છાત્રા તરીકે આવ્યાં ત્યારે વતનથી જે વારસો અગર સંસ્કાર સાથેલગો લેતાં આવ્યાં હતાં તે વિયેટનામ વૉરના વારામાં અમેરિકી કેમ્પસો જે યુદ્ધવિરોધી છાત્ર આંદોલનથી ધણધણી ઉઠેલાં એનો હતો, અને અભ્યાસવિષય સામાજિક ઊંચનીચગત શોષણનો હતો. આ અભ્યાસે એમને ફૂલે-આંબેડકર પરંપરામાં સમયતા સંઘર્ષના મુખર સિપાહી બનાવ્યાં. સંઘર્ષના એક સાથી તરીકે એમનો ને ઈન્દુમતી પાટણકરનો પરિચય થયો. બાબુજી અને ઈન્દુમતી એ પાટણકર દંપતી સ્વાંતંત્ર્યસૈનિક પરંપરામાંથી આવતું હતું અને બંનેનું, બાબુજીને ઈન્દુમતીનું પ્રથમ મળવું પતરી કહેતાં પ્રતિ સરકારના સાથી તરીકે થયું હતું. સન બાયાલીસમાં એક છેડે જો ચંદ્રશેખરનું બલિયા ગાજ્યું હશે તો બીજે છેડે નાના પાટિલનું સાતારા. પતરી સરકારનો દોર પૂરો થયો તે સાથે ઈન્દુમતીનું સંધાન સાને ગુરુજીના રાષ્ટ્ર સેવાદળ સાથે થયું. સ્વાંતત્ર્ય માટેની કૉંગ્રેસ ચળવળ દરમિયાન સામ્યવાદ તરફ વળેલા પિતાના વારસા અને સેવાદળના સંસ્કાર સાથે ઈન્દુમતીનું આજીવન રુઝાન દલિતો ને શ્રમિકો તરફે રહ્યું. પુત્ર ભારત એમ.ડી. (ગાયનેક) થયો પણ થોડાં જ વરસોમાં એ સમતાસંઘર્ષમાં હોલટાઇમર બની રહ્યો. કર્મશીલ રુઝાનવાળાં બૌદ્ધિક ગેલ કદાચ, ઈન્દુમતીને કારણે જ ભારતના સંપર્કમાં આવ્યાં હશે. ગમે તેમ પણ, સ્વરાજના આગલા પડાવ તરીકે સમતા સંઘર્ષલક્ષી શ્રમિક મુક્તિદળનું ૧૯૮૦માં આવવું સહજ હતું, અને સાસુવહુનો એમાં સક્રિય સહભાગ પણ.

ગેલ ઓમવેટનાં પુસ્તકો ‘ઇન કોલોનિયલ સોસાયટી, નૉન-બ્રાહ્મિન મુવમેન્ટ ઇન વેસ્ટર્ન ઇન્ડિયા’; ‘મહાત્મા ફૂલે, દલિત એન્ડ ધ ડેમોક્રેટિક રેવોલ્યુશન’, ‘વી વિલ સ્મૅશ ધ પ્રિઝન’, ‘ન્યુ સોશ્યલ મુવમેન્ટ ઇન ઇન્ડિયા’ વગેરેને અનુલક્ષીને યથા પ્રસંગ ચંદુ મહેરિયા જેવા કોઈ અભ્યાસી સાથી લખશે. પણ ભારત પાટણકરમાં જો અભ્યાસીઓએ માર્ક્સ, ફૂલે, આંબેડકર, ગ્રામસી આદિની અજબ જેવી મિલાવટ નોંધી હોય તો એ આપણી નવી ચળવળો બાબતે અચ્છો સહવિચારમુદ્દો બની રહે છે. ગઈ સદીમાં ત્રીસીનાં વર્ષોમાંથી જેમ માર્કસસાત્‌ ગાંધી અને ગાંધીસાત્‌ માર્ક્સ એવી કર્મશીલે બૌદ્ધિક ધારા આવી એનું, નવપરિમાણ સમેત આ એક અગ્રસંધાન નથી શું.

સૌજન્ય : “નિરીક્ષક”, 01 સપ્ટેમ્બર 2021; પૃ. 16

Loading

...102030...1,8081,8091,8101,811...1,8201,8301,840...

Search by

Opinion

  • ચલ મન મુંબઈ નગરી—328
  • આનંદ તેલતુંબડેની જેલડાયરી
  • જ્ઞાતિસૂચક અટકોની નાબૂદીથી જ્ઞાતિ નિર્મૂલન શક્ય છે?
  • આવ્યા આવ્યા દિવસો હડતાલના …
  • ૧૪૪મી કલમનો મનસ્વી ઉપયોગ : મૂળભૂત અધિકારોનું હનન છે.

Diaspora

  • છ વર્ષનો લંડન નિવાસ
  • દીપક બારડોલીકરની પુણ્યતિથિએ એમની આત્મકથા(ઉત્તરાર્ધ)ની ચંદ્રકાન્ત બક્ષીએ લખેલી પ્રસ્તાવના.
  • ગાંધીને જાણવા, સમજવાની વાટ
  • કેવળ દવાથી રોગ અમારો નહીં મટે …
  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !

Gandhiana

  • ગાંધી ‘મોહન’માંથી ‘મહાત્મા’ બન્યા, અને આપણે?
  • ગાંધીહત્યાના પડઘા: ગોડસેથી ગોળવલકર સુધી …
  • ગાંધીની હત્યા કોણે કરી, નાથુરામ ગોડસેએ કે ……? 
  • ગાંધીસાહિત્યનું ઘરેણું ‘જીવનનું પરોઢ’ હવે અંગ્રેજીમાં …
  • સરદાર પટેલ–જવાહરલાલ નેહરુ પત્રવ્યવહાર

Poetry

  • ગઝલ – 1/2
  • સખીરી તારો એ હૂંફાળો સંગાથ …
  • વસંતાગમન …
  • એ પછી સૌના ‘આશિષ’ ફળે એમ છે.
  • ગઝલ

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved