Opinion Magazine
Number of visits: 9570946
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

અર્થઘટનપરક વિવેચનાત્મક વિધાનો (4) : ઇન્ટરપ્રીટેટિવ સ્ટેટમૅન્ટ્સ :

સુમન શાહ|Opinion - Literature|23 October 2021

(સંભવ છે કે આ લેખ સહેલો ન લાગે. સહેલો લાગે તેણે જ આગળ ધપવું. એમાં રજૂ થયેલા વિચારો અને મુદ્દાઓ વિશેના જ પ્રતિભાવો સ્વીકારાશે.)

ધારો કે તમે મને સરસ મજાનું પરફ્યુમ ભેટ આપો છો. હું જોઈ રહું છું ને મલકાઈને થૅન્કસ કહું છું. ત્યારે મેં એ પરફ્યુમનો અર્થ ઘટાવ્યો હોય છે – તમારો મારા માટેનો, ‘સ્નેહાદર’. મેં ત્યારે ‘પ્રેમ’ કે ‘મૈત્રી’ અર્થ પણ ઘટાવ્યો હોત. મેં ત્યારે ‘વ્હાલ’ કે ‘વાત્સલ્ય’ અર્થ પણ ઘટાવ્યો હોત – આપનાર કોણ છે એ પર આધારિત છે.

પરફ્યુમમાં આમાંનો એકે ય અર્થ સંભરવામાં નથી આવ્યો, એમાં તો પરફ્યુમને શક્ય બનાવનારાં માત્ર કૅમિકલ્સ છે ! પણ મેં એ અર્થ કર્યો, ઘટાવ્યો. ભેટરૂપ પરફ્યુમનું મેં અર્થઘટન કર્યું.

પરફ્યુમ ઉપરાન્ત, લૉ ગાર્ડન, કમાઠી બાગ, કીર્તિમન્દિર, લક્ષ્મીવિલાસ પૅલેસ, યુનિવર્સિટી ટાવર, તાજમહાલ, વગેરે બિલ્ડિન્ગોનાં કે સ્થાનોનાં આપણે – કેટલું રળિયામણું છે – કેટલું કલાત્મક છે, એમ અર્થઘટન કરતા હોઈએ છીએ.

સ્ટૅચ્યુ ઑફ લિબર્ટી, સ્ટૅચ્યુ ઑફ યુનિટી, ખજૂરાહોની કામરત નર-નારી મૂર્તિઓ, શિવલિન્ગ, શિવનો નાન્દી, રાધા-કૃષ્ણ અને સીતા-રામની કે મહાવીર અને બુદ્ધની મૂર્તિઓનાં – જુઓ ને, કેવાં આબેહૂબ છે, કેટલાં ભવ્ય છે – જુઓ ને, કેવો ભક્તિભાવ જગાડે છે – જુઓ ને, કેટલી શાતા આપે છે, એમ અર્થઘટન કરતા હોઈએ છીએ.

ફળિયામાં ભેગી થયેલી બધી જ સ્ત્રીઓ સફેદ સાલ્લામાં દેખાય તો આપણે એ દૃશ્યનો અર્થ ઘટાવીએ છીએ. ખોપરીની નીચે ક્રૉસમાં બે હાડકાંનું ચિત્ર જોવા મળે તો એનો અર્થ ઘટાવીએ છીએ. કહો કે, આપણને જોવા મળતાં દૃશ્યોનાં, ચિત્રોનાં, અર્થઘટન કરતા હોઈએ છીએ.

રાગ મલ્હાર, દીપક કે શિવરંજનીનાં ગાયન અને શ્રવણ મનુષ્યચિત્તને અમુક અર્થભાવમાં દોરી જાય છે. કહો કે ત્યારે આપણે એ સંગીતી ગાયનના અર્થસંકેત પકડતા હોઈએ છીએ, અર્થ ઘટાવતા હોઈએ છીએ.

અરે, આપણે આંસુ પરસેવો નિસાસો હાસ્ય ગુસ્સો વગેરેના પણ અર્થ ઘટાવતા હોઈએ છીએ.

પરન્તુ ‘મારું ઘર રસ્તા પર છે’ એવું વાક્ય સાંભળીએ કે વાંચીએ ત્યારે વાત ૪ બાબતે થોડી બદલાય છે :

૧ :

ત્યારે આપણી સામે પરફ્યુમ સ્ટૅચ્યુ શિવલિન્ગ ખોપરી કે રાગ મલ્હાર નહીં પણ ભાષાના શબ્દો આવે છે.

૨ :

પરફ્યુમ વગેરે વસ્તુસંજ્ઞાઓ બિનભાષિક છે. ‘મારું ઘર રસ્તા પર છે’-માંની બધી જ સંજ્ઞાઓ શાબ્દિક છે, ભાષિક છે.

૩ :

પરફ્યુમ વગેરેના અર્થ આપણે ઝાઝું વિચાર્યા વિના મરજી પડે એમ ઘટાવેલા. જેમ કે, રાધા-કૃષ્ણ, સીતા-રામ, મહાવીર કે બુદ્ધની મૂર્તિઓ ભક્તિભાવ જગાડે છે એવું અર્થઘટન આપણે વગર વિચાર્યે જ કરેલું, આપણાથી ટેવવશ થઈ ગયેલું.

૪ :

પણ ‘મારું ઘર રસ્તા પર છે’ એ વાક્યનો અર્થ મરજી પડે એમ નથી ઘટાવી શકાતો. પ્રશ્ન જાગે છે કે ઘર રસ્તા પર શી રીતે હોઈ શકે. તાત્પર્ય, બિનભાષિક સંજ્ઞાઓની સરખામણીમાં ભાષિક સંજ્ઞાઓ આપણને બાંધે છે, રોકે છે, વિચારવા કહે છે, ઊંડે ઊતરવા કહે છે.

સમજવાનું એ છે કે બિનભાષિક અને ભાષિક, તમામ સંજ્ઞાઓ, હકીકતો છે અને તે મનુષ્યજીવન સાથે જોડાયેલી છે અથવા મનુષ્યજીવન સંજ્ઞાઓ સાથે જોડાયેલું છે. ફિલસૂફો જ્યારે એમ કહે છે કે આખું વિશ્વ એક ટૅક્સ્ટ છે, એથીયે આગળ વધીને એમ કહે છે કે શબ્દ બ્રહ્મ છે, ત્યારે તેઓ આ જ હકીકતને ફિલોસોફાઇઝ કરે છે.

પરન્તુ નૉંધો કે સાહિત્ય-વિવેચનમાં અર્થઘટનો અભાનપણે ન કરાય, ઊલટું, એ માટે એકદમના સાવધ રહેવું પડે. કૃતિના એકમ એકમને જાણવો રહે, એકમ એકમ વચ્ચે રચાયેલા સમ્બન્ધને જાણવો રહે – જેમ કે, ‘રસ્તા પર ઘર’-માં ‘રસ્તો’ ‘પર’ અને ‘ઘર’ એ ત્રણ એકમો વચ્ચેનો વ્યાકરણી સમ્બન્ધ બરાબર છે, પણ એનો અર્થ પકડવા જઈએ છીએ તો એ શબ્દો એકબીજા જોડે અથડાતા લાગે છે. એ વાક્યનો સીધો અર્થ નથી કરી શકાતો. આપણું ચિત્ત એ પર કામ કરે છે, એ અથડામણને ખસેડી નાખે છે, અને અર્થ ઘટાવે છે કે ‘રસ્તા પર ઘર’ એટલે ‘રસ્તાની સામે ઘર, પાસે ઘર’.

Pic Courtesy : Spanish Solutions Language Services

આપણે શી રીતે સમજી લીધું કે ઘર રસ્તા પર છે એટલે રસ્તાની સામે કે પાસે છે? જવાબ એ છે કે ‘રસ્તા પર’ – એ બે શબ્દોના મૂળ અર્થ પર આપણે ઊંડો વિચાર કર્યો અને ‘રસ્તાની બિલકુલ પાસે’ એવો એક નવો અર્થ કર્યો. અર્થ હતો જ પણ આપણે એક બીજો અર્થ ઘટાવ્યો.

આ એટલી બધી ત્વરાથી થયું કે શી રીતે થયું તેની આપણને ખબર ન પડી. પણ એ રીતનું નામ છે, અર્થઘટન. હોશિયાર લોકો તો એ નવા અર્થને પણ વિકસાવતા હોય છે – રસ્તા પર એટલે તરત મળી જાય એવું – રસ્તા પર એટલે ગલીકૂંચીમાં નહીં – રસ્તા પર એટલે માણસને આમન્ત્રણ આપતું ઘર. વગેરે.

સાહિત્યકૃતિ તો ભાષિક શબ્દોની બનેલી છે. છતાં એમાં પરફ્યુમ, સફેદ સાલ્લો, રાગ મલ્હાર, આંસુ, પરસેવો, નિસાસો, હાસ્ય, વગેરે બિનભાષિક વસ્તુઓ આપોઆપ ‘સરજાય’ છે. એ રૂપે શબ્દ ખૂબ શક્તિશાળી છે.

આમેય ભાષામાત્ર પરિદૃશ્યમાન વાસ્તવનું એક પ્રકારનું સંહિતાકરણ છે – કોડિફિકેશન. કહો કે, ભાષામાં વાસ્તવનું નિસ્યંદન થઈ ગયું હોય છે. ભાષિક સંજ્ઞાઓ નિશ્ચિત અર્થો તો આપે જ છે પણ ન-નિશ્ચિત સંકેતો પણ કરે છે. ભાષા એવી સંદિગ્ધ છે તેથી સંદિગ્ધતાને જુદી જુદી રીતે ઘટાવી શકાય છે. વિલિયમ ઍમ્પસને સાત સંદિગ્ધતાઓની વાત કરેલી, એ સુવિદિત છે.

સાદી રીતે એમ કહેવાય કે એ શક્તિને કારણે એક અર્થ લેવા જતાં બીજા અનેક અર્થ ખૅંચાઈ આવે છે. દાખલા તરીકે, ‘ગુલાબ સરસ છે’ એમ કહીએ એટલે મોગરો વગેરે બીજાં ફૂલ તેમ જ ‘ગુલાબ’ નામનો ઑફિસ-પ્યૂન, ‘ગુલાબ-બા’ અને ‘ગુલાબદાસ’-નો સંકેત થઈ જાય છે. સંકેતકનો એક સંકેતિત અર્થ નિશ્ચિત પણ બીજા સંકેતિતોની શક્યતા ઘણી.

પણ શબ્દની એવી શક્તિને લીધે જ સાહિત્યકૃતિનું અર્થઘટન કરવું પડે છે. ક્યારે આપણે કૃતિના મૂળ શબ્દાર્થ સ્વીકાર્યા, ક્યારે એ અર્થોને અમુક અર્થમાં ઘટાવ્યા, કેમ ઘટાવ્યા, એથી શી પ્રાપ્તિ થઈ, એ બધું સમજવું પડે છે. એટલું પાયાનું સમજીએ એટલે અર્થઘટનની પ્રક્રિયાને સમજવાની શરૂઆત થઈ કહેવાય.

ઍમ્પસને ભલે સાત સંદિગ્ધતાઓ શોધી આપી, સંસ્કૃત કાવ્યશાસ્ત્રીઓ તો સદીઓ પૂર્વે ભાષાની વાચિક અને બહુવ્યંજક પ્રકૃતિને ઓળખીને બેઠા છે. તેઓ આ સમજને ૪ પ્રકારની શબ્દશક્તિઓનું પરિણામ કહે છે – અભિધા – લક્ષણા – વ્યંજના – તાત્પર્ય.

તેઓ વાચ્યાર્થ, વાચ્યાર્થનો બાધ, લક્ષ્યાર્થ, લક્ષણા-પ્રયોજન, અને વ્યંગ્યાર્થ દર્શાવીને આખી વાતને નિરાંતે સમજાવે છે. ‘મારું ઘર રસ્તા પર છે’ એમ હું જ્યારે કહું છું ત્યારે મારું ‘તાત્પર્ય’ એ હોય છે કે હું રસ્તાની સામે, બિલકુલ પાસે, રહું છું ને હું એકદમનો સરળ માણસ છું, તમને આમન્ત્રણ આપું છે કે ખુશીથી પધારો, મળી જશે.

મારા એટલા સરખા વાક્યમાં વાચ્યાર્થ, વાચ્યાર્થનો બાધ, લક્ષણા, લક્ષણાનું પ્રયોજન અને વ્યંગ્યાર્થ આવી જાય છે. એ વાતને અહીં રમતી મૂકીને અટકું કેમ કે આટલી સાદી રીતે કહેવા જતાં મને ડર લાગે છે હું કશોક શાસ્ત્રદોષ કરી બેસીશ. 

’તે આ જાય શકુન્તલા પતિગૃહે આપો અનુજ્ઞા સહુ’ એ પંક્તિનું આગામી લેખમાં અર્થઘટન કરીશું અને સમજૂતીપરક વિધાનોની વાત કરીશું …

= = =

(October 23, 2021: USA)

સૂચનાઓ :

• સંભવ છે કે આ લેખ સહેલો ન લાગે. સહેલો લાગે તેણે જ આગળ ધપવું.

• એમાં રજૂ થયેલા વિચારો અને મુદ્દાઓ વિશેના જ પ્રતિભાવો સ્વીકારાશે.

• આ FB પેજ પર રજૂ થતાં મારાં કાવ્યો, અનુવાદો કે લેખો કૉપિરાઇટથી સુરક્ષિત છે.

Loading

ચલ મન મુંબઈ નગરી—117

દીપક મહેતા|Opinion - Opinion|23 October 2021

વાગી ઘર ઘરમાં હાક, ઓ નળ આવ્યો રે!

પ્રાઈમસનો ઠાઠ દેશી રજવાડાના ઠાકોરસાહેબ જેવો

મસાલા વગરની ચાને ગુજરાતી ઘરમાં ‘ચા’ કહેવાય જ નહિ

‘માગ, માગ, વત્સ! હું તારા પર પ્રસન્ન છું.’ આજે સવારે બ્રાહ્મ મૂહુર્તમાં અમને આ શબ્દો સંભળાયા. ના, ના, અમે કાંઈ ‘રાત રહે જ્યાહરે પાછલી ખટ ઘડી’ ત્યારે સૂઈ ન રહેનારા ‘સાધુ પુરુષ’ નથી. પણ અમે અમારા પૂરતો એક નિયમ બનાવ્યો છે કે જાગ્યા ત્યારથી સવાર. સૂતી વખતે અમે ચશ્માં કાઢી નાખ્યાં હતાં એટલે આ બોલનાર કોણ છે એ બરાબર દેખાયું નહિ. એટલે :

‘આપ કોણ છો, અને મારા પર શા કારણસર રીઝ્યાં છો?’

‘મને ન ઓળખી? હું જગદમ્બા.’

‘પેલા ૫૧૫ નંબરના ફ્લેટમાં રહેતા જગતભાઈનાં મા?’

‘અરે અલ્પમતિ! એ પાંચસો પંદરિયા જગતની નહિ, હું તો આખા જગતની, વિશ્વની, મા છું. અને તારા પર પ્રસન્ન થઈ છું એટલે વરદાન આપવા આવી છું. જે માગવું હોય તે ઝટ માગી લે વત્સ, મારે બીજી પણ એપોઈન્ટમેન્ટ હોય ને?’

માન ન માન, મૈં તેરી મહેમાન જેવાં આ માતાજીને ઝટ વિદાય કરવા અમે કહ્યું :

‘બીજું તો કંઈ નહિ, પણ આ કાંદા-ટમેટાના ભાવ નીચા આવે તો ય ઘણું.’

‘વત્સ, ભાવનિયંત્રણ ખાતું મારા હાથમાં નથી, સરકારશ્રીના હાથમાં છે. એટલે બીજું કંઈ ઝટ માગી લે.’

અને કોણ જાણે ક્યાંથી, આપના આ સેવકને તુક્કો સૂઝ્યો : ‘મા, આપવું જ હોય તો મને ટાઈમ મશીન આપો.’

‘આંગ્લ ભાષાના નવલકથાકાર એચ.જી. વેલ્સ પાસે હતું એવું?’

આ સાંભળી અમે તો પથારીમાં બેઠા થઈ ગયા. ‘આપ એચ.જી. વેલ્સ અને એના ટાઈમ મશીન વિષે પણ જાણો છો?’

‘અરે ઓ મંદબુદ્ધિ! તારી આ દુનિયામાં એવું કશું નથી જે હું જાણતી ન હોઉં. અને જે હું પ્રસન્ન થાઉં તો આપી ન શકું.’

‘એટલે મને એ આપશો?’

‘હા, પણ બે શરતે. પહેલી એ કે એ મશીન વડે તું કેવળ ભૂતકાળમાં જ જઈ શકીશ, ભવિષ્યમાં નહિ. કારણ તું ભવિષ્યમાં જા તો સરકારને માટે સિક્યોરીટી પ્રોબ્લેમ થઈ શકે.’

ભાગતા ભૂતની ચોટલી સહી, એમ વિચારી અમે કહ્યું : ભલે, પણ આપો તો ખરાં જ.’

દેવી ઉવાચ : ‘બીજી શરત એ કે ભૂતકાળમાં પણ તું માત્ર ૮૦ વરસ સુધી જ પાછળ જઈ શકીશ.’

‘મંજૂર છે.’ અને જગદંબાએ અમને આપી દીધું ટાઈમ મશીન

ઓ નળ આવ્યો રે!

વાગી ઘર ઘરમાં હાક, ઓ નળ આવ્યો રે!
મૂકો બીજાં ઘરનાં કામ, ઓ નળ આવ્યો રે.

આ પંક્તિઓ એ જમાનામાં ઘરે ઘરે વહેલી સવારે ગિરગામ, કાલબાદેવી, ભીંડી બજાર, પાયધૂની જેવા લત્તાઓના મધ્યમ વર્ગના લગભગ દરેક ઘરમા ગૂંજતી નહિ, ગાજતી. એ વખતે સવાર-સાંજ એકાદ કલાક નળમાં પાણી આવે ત્યારે ઘર ઘરમાં આખા દિવસ માટેનું પાણી ભરી લેવું પડતું. આ નળરાજાની સવારી પણ ધૂમધડાકા સાથે આવતી. નળ ખોલો એટલે પહેલાં તો ભખ્ ભખ્ કરતી જોસબંધ હવાની સવારી આવે. પછી એ અવાજ કોઈ પડછંદ પુરુષ ખોંખારા ખાતો હોય એવો થાય, ખોઉં, ખોઉં, ખોઉં. પછી વધુ હવા ને થોડું પાણી આવે. પછી હવા હારી જાય અને પાણી ધોધમાર વહેવા લાગે. ઘરવાળી પાણી ભરતી જાય, અને ગામડામાં પાછળ મૂકેલું ગીત, બીજું કોઈ જાગી ન જાય એવા હળવા સાદે ગણગણતી જાય :

ભારી બેડાં ને હું તો નાજુકડી નાર,
કેમ કરી પાણીડાં જવાય રે,
ભમ્મરિયા કૂવાને કાંઠડે.

અને હા, બ્રહ્મની જેમ આજે સર્વવ્યાપી બની ગયેલ પ્લાસ્ટિક અને સ્ટેનલેસ સ્ટીલ ત્યારે સાવ અજાણ્યાં હતાં. એટલે મોટું ઘર હોય તો બે-ત્રણ પીપડામાં રબરની ટ્યૂબથી પાણી ભરવું પડે. રસોડાના નળને મોઢે સફેદ માદરપાટનું ગળણું બાંધીને પાણી માટલામાં ભરી લેવાનું. જાત-ભાતનાં વોટર ફિલ્ટર વગરનું પાણી પીવા છતાં લોકો આજ કરતાં વધુ માંદા પડતા નહોતા. માટલાં બે જાતનાં, કાળી માટીનાં અને લાલ માટીનાં. કુંભાર ટુકડાથી વરસે બે વરસે નવાં માટલાં લઈ આવવાનાં. બે પાંદડે સુખી ઘરમાં માટલા પર પિત્તળનું બુઝારું ઢાંક્યું હોય. કેટલાંક ઘરોમાં નળવાળી કોઠી વપરાય, કાં સફેદ, કાં આછી લાલ. તેના પર માટીનું જ ઢાંકણું હોય. એ વખતે પીવાનું પાણી ફ્રીજનું ઓશિયાળું નહોતું, એટલે માટલામાં પણ ઠંડુ રહેતું.

પાણી ભરાઈ જાય એટલે ‘કાલા દંતમંજન’થી દાંત ઘસી ઘસીને સાફ કરવાના. જો કે મોટેરાંઓ તો લીલાંછમ્મ દાતણ જ વાપરે. રાત્રે સૂતાં પહેલાં ઘરની વહુઆરુએ કાપીને ત્રાંબાના કળશામાં પલાળી રાખ્યાં હોય.

રજવાડાના ઠાકોરસાહેબ જેવો પ્રાઈમસ

પછી રસોડામાં પ્રાઈમસ દેવની પૂજા શરૂ થાય. સવારની ચા માટે ઘણાંખરાં ઘરોમાં આ પ્રાઈમસ કહેતાં કેરોસીન સ્ટવ વપરાય. પ્રાઈમસનો ઠાઠ ત્રીજા વર્ગના દેશી રજવાડાના ઠાકોરસાહેબ જેવો. સાથે બે-ચાર હજુરિયા જોઈએ જ. પહેલો તો બે અર્ધ ગોળાકાર ધરાવતો કાળો કાકડો. સાથે હોય દાસી જેવી ઘાસલેટની નાની બાટલી. કાકડાના બંને અર્ધ ગોળાકાર વારાફરતી ઘાસલેટમાં બોળવાના. પછી પ્રાઈમસ ઠાકોરના ગળામાં હાર પહેરાવતા હોઈએ તેમ કાકડો પ્રાઈમસના મોઢિયા આસપાસ મૂકવાનો. પછી આવે માચીસ કહેતાં બાકસનો વારો. મોટે ભાગે પીળા રંગના લેબલવાળું વિમકો કમ્પનીનું. બાકસ હવાઈ ન જાય એટલે તેના પર હલકી ધાતુનું ખોળિયું હોય. દિવાસળી સળગાવીને કાકડાને ચાંપવાની. સાથોસાથ પંપથી હવા ભરવાની, ઠાકોરસાહેબના કાનમાં ખોટાં વખાણની જેમ. એટલે બાપુ રંગમાં આવી જાય, ને ભખ ભખ કરતાં આખા મોઢિયાને અજવાળી દે. એટલે માથે પાઘડીની જેમ મૂકાય ચા માટેના પાણીની તપેલી. ક્યારેક પ્રાઈમસ રાજા આળસુ થઈ જાય તો રાણી જેવી પીન ઘડીના છઠ્ઠા ભાગમાં એને ઠેકાણે લાવી દે. 

ઘર ઘરની ચા બનાવવાની રીત જૂદી. ક્યાંક પહેલાં પાણી, પછી દૂધ, પછી ખાંડ, પછી ચાપત્તી, વારાફરતી નખાય. તો ક્યાંક બધું એક સાથે ચૂલે – સોરી, પ્રાઈમસે – ચડે. અને હા, ચાના મસાલા વગર બનેલી ચાને તો ગુજરાતી ઘરમાં ‘ચા’ કહેવાય જ નહિ. એ તો માંદાને પીવાનું ગરમ પાણી. હા, મસાલાને બદલે ફૂદીનો, લીલી ચા, તાજું પીસેલું આદુ, કે વારતહેવારે એલચી-કેસર ચાલે. ડાયાબિટિસની ઐસીતૈસી. કપ દીઠ બે ચમચી ખાંડ તો હોય જ. કેટલાક મીઠડાઓ તો પાછા ઉપરથી ખાંડ ઉમેરે. ફણફણતી ચા, ગરણીથી ગળાઈને સીધી કપમાં. કપની નીચે રકાબી. બંને એક સરખાં જાત-ભાતનાં હોય એ જરૂરી નહિ. વિધવા થયેલી રકાબી અને વિધુર થયેલા કપનાં પુનર્લગ્ન રોજ થાય. કાચનાં કે ચીની માટીનાં કપ-રકાબી આવી ગયાં હતાં. પણ ગલઢેરાં એને અપવિત્ર માનતાં અને પિત્તળનાં કપ-રકાબીનો આગ્રહ રાખતાં. ઘણાં ઘરમાં એક-બે કાળાં ઘેટાં હોય, ચા ન પીએ, પણ ‘કાફી’ પીએ. ઇન્સ્ટન્ટ કોફી ત્યારે અજાણી. કોફીનો થોડો ખરબચડો પાઉડર દૂધપાણીમાં નાખીને ઉકાળવાનો. સાથે બે ચમચી ખાંડ તો ખરી જ. ઘરનાં બાળકોને મોટે ભાગે શરૂઆતમાં ચા-કોફી ન અપાય. પોસાણ પ્રમાણે અડધો-પોણો કપ ગરમ દૂધ અપાય. પણ પછી ધીમે ધીમે એમાંનાં મોટા ભાગનાં ચા પીતાં થઈ જાય.

નહાવા માટે પિત્તળની બાલદી

ચા પીધા પછી વારાફરતી નહાઈ લેવાનું. મધ્યમ વર્ગના ઘરમાં શાવર બાથ અજાણ્યો. રનિંગ વોટર જ ન હોય ત્યાં શાવર શું કામનો? સવારે પાણી ભર્યા પછી તાંબાનો ‘બંબો’ પેટાવીને પાણી ગરમ કરવા મૂક્યું હોય. તેમાંથી થોડું ગરમ પાણી બાલદીમાં લઈ તેમાં સમોવણ ઉમેરી લોટાથી નહાઈ લેવાનું. અને સમોવણ માટે નરસિંહ મહેતાની જેમ મલ્હાર રાગ ગાવાની જરૂર ન પડે. નળનું પાણી પીપડામાં ભર્યું હોય તેમાંથી લઈ લેવાનું. ટર્કિશ ટુવાલ અજાણ્યા. ગમછા જેવા પાતળા ટુવાલ વપરાય. સાબુ ઘણાખરા ઘરમાં. પણ બજારમાં બે-ચાર બ્રાંડના જ મળે. કપડાં ધોવા માટેના ડિટરજન્ટ પાઉડર હજી આવ્યા નહોતા. કપડાં ધોવાના પીળા રંગના સાબુના લાટા વપરાતા. રોજ થોડો થોડો છીણીને પાણીમાં ઉકાળવાનો. પછી એ સાબુવાળું પાણી બાલદીમાં રેડીને તેમાં કપડાં બાફવાનાં. લાકડાનો ધોકો મારીને ધોવાનાં. ઘરની બહાર બાંધેલી કાથાની દોરી પર લાકડાની કલીપ મારીને સૂકવી દેવાનાં. કપડાં ધોવાનાં મશીન આવશે એવી તો ત્યારે કલ્પના ય નહિ.

ચાની જાહેરખબર

આજના જેવો બ્રેકફાસ્ટનો વિધિ ત્યારે અજાણ્યો. ઘણાં ઘરમાં આઠેક વાગે ‘બીજી વારની ચા’નો રિવાજ. એની સાથે ચવાણું, ગાંઠિયા કે એક-બે ખાખરા ખાઈ લેવાના. હા, આ ખાખરા એ આજે બજારમાં મળતા ચાલીસ-પચાસ જાતના ખાખરા નહિ હોં! કારણ ત્યારે બજારમાં ખાખરા મળતા નહિ. આગલા દિવસની રોટલીને લોઢી પર શેકીને ઘરે બનાવેલા તાજા ખાખરા. ઉપર લગાડવાનું ઘરે બનાવેલું ઘી – એ ‘શુદ્ધ’ હોય એવું કહેવાની જરૂર જ નહિ. ‘ડાયટિંગ’ શબ્દ એ વખતે લગભગ અજાણ્યો. પણ સાદું ખાવું, સારું ખાવું, ઘરનું બનાવેલું ખાવું એવું ઘણાખરા માને. એ વખતે દૂધ તો ગરમ કરીને જ વપરાય તેવો રિવાજ. ફ્રિજ તો હતાં નહિ એટલે ઠંડા દૂધનો  સવાલ જ નહોતો. આને કારણે એક વાર ભારે ગમ્મત થયેલી. છેક ૧૯૯૪માં એક જાણીતી પરદેશી કંપનીએ તેના બ્રેકફાસ્ટ સિરિયલ્સ મુંબઈની ફાઈવ સ્ટાર હોટલમાં લોન્ચ કર્યા, એક સવારે. મહેમાનો માટે ટેબલ્સ પર સિરિયલ્સ અને ઠંડા દૂધના જગ. હોટેલના મેનેજરે કહેલું કે સાહેબ, સાથે ગરમ દૂધના જગ પણ મૂકો. પણ કંપનીવાળા માન્યા નહિ. પરિણામે અડધા મહેમાનોએ સિરિયલ્સને હાથ પણ ન અડાડ્યો. કારણ એ વખતે આપણા લોકો ગરમ દૂધના જ હેવાયા.

હવે થયો છે ઘરની બહાર નીકળવાનો સમય. સાથોસાથ આજની વાત પૂરી કરવાનો સમય પણ થઈ ગયો છે. એટલે ઘરની બહાર મળશું, હવે પછીના શનિવારે.

e.mail : deepakbmehta@gmail.com

xxx xxx xxx

પ્રગટ : “ગુજરાતી મિડ-ડે”, 23 ઑક્ટોબર 2021

Loading

મૂળને જાણ્યા વિના…

"પ્રણય" જામનગરી|Poetry|23 October 2021

મૂળને જાણ્યા વિના થડ; ડાળ; પર્ણોની કથા,
માંડી બેઠી વ્યાસપીઠો; એ જ છે મારી વ્યથા !
મોતની યે બાદ ચિંતા મોક્ષની પરીવારને,
કર્મકાંડો સદગતિ માટેની પણ કેવી પ્રથા !
દેહ ક્યાં કોઈ રહ્યો; ને કોણે જોયો આત્‌મા ?
બારમા ને પ્રેતભોજન; એમ ને એમ જ યથા !    
કાં "પ્રણય" અભિગમ હવે અપનાવો વૈજ્ઞાનિક યા,
કાં તો એની એ જ રીતે જીવવાનું અન્યથા !

તા. ૨૨/૧૦/૨૦૨૧

Loading

...102030...1,7151,7161,7171,718...1,7301,7401,750...

Search by

Opinion

  • ગુજરાતની દરેક દીકરીની ગરિમા પર હુમલો ! 
  • શતાબ્દીનો સૂર: ‘ધ ન્યૂ યોર્કર’ના તથ્યનિષ્ઠ પત્રકારત્વની શાનદાર વિરાસત
  • સો સો સલામો આપને, ઇંદુભાઇ !
  • અ મેસી (Messie / Messy ) અફેરઃ ઘરનાં છોકરાં ઘંટી ચાટે, ઉપાધ્યાયને આટો
  • ચલ મન મુંબઈ નગરી—320

Diaspora

  • દીપક બારડોલીકરની પુણ્યતિથિએ એમની આત્મકથા(ઉત્તરાર્ધ)ની ચંદ્રકાન્ત બક્ષીએ લખેલી પ્રસ્તાવના.
  • ગાંધીને જાણવા, સમજવાની વાટ
  • કેવળ દવાથી રોગ અમારો નહીં મટે …
  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !
  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ

Gandhiana

  • ગાંધીસાહિત્યનું ઘરેણું ‘જીવનનું પરોઢ’ હવે અંગ્રેજીમાં …
  • સરદાર પટેલ–જવાહરલાલ નેહરુ પત્રવ્યવહાર
  • ‘મન લાગો મેરો યાર ફકીરી મેં’ : સરદાર પટેલ 
  • બે શાશ્વત કોયડા
  • ગાંધીનું રામરાજ્ય એટલે અન્યાયની ગેરહાજરીવાળી વ્યવસ્થા

Poetry

  • ગઝલ
  • કક્કો ઘૂંટ્યો …
  • રાખો..
  • ગઝલ
  • ગઝલ 

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved