Opinion Magazine
Number of visits: 9570902
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

પાંચ સાંસ્કૃતિક પરંપરાનો સમન્વય કરતું નાટક ‘શકુંતલાનો ઊરદુ ઓપેરા’

દીપક મહેતા|Opinion - Literature|26 October 2021

 

નાહી સિર પર ફિર ભંવરે રે,
કમલ સમઝ નહીં નાદાન મોહે…નાહી
મોહે સંગ આવત, કાહે સતાવત,
પીછે ન આ તુ ગુમાની રે.
લટ છટકા કે દૂર કરુંગી,
સિસ ન ઘુમ હમરે …કમલ સમઝ
સખીઅન આવો, મોહે છુડાવો,
ભવરે ને કર દી દીવાની રે.
બરજોરી એ તો મોહે કરત હયે,
મોરે બાલ છુટત સગરે… કમલ સમઝ

પીલુ રાગમાં ગવાતી આ ઠુમરી ૧૯મી સદીની છેલ્લી પચ્ચીસીમાં મુંબઈ શહેરમાં ભજવાયેલા અને પુસ્તિકા રૂપે છપાયેલા નાટકમાં એક સ્ત્રીપાત્ર ગાય છે. આ સ્ત્રીપાત્ર કોણ હશે? ગમે તેટલું માથું ખંજવાળીએ તો પણ મોટે ભાગે જવાબ ન મળે. એ નાટકનું નામ છે : ’શકુંતલાનો ઊરદુ ઓપેરા : તમામ ગાયન રૂપી ખેલ, ઊરદુ રાગ રાગનીમાં.’ એટલે કે આ ઠુમરી ગાય છે શકુંતલા. આ નાટકના બનાવનાર કહેતાં લેખક છે નસરવાનજી મેરવાનજી ખાનસાહેબ.

એક જમાનામાં અમેરિકાને દુનિયાનું મેલ્ટિંગ પોટ કહેવામાં આવતું. ૧૯મી સદીના હિન્દુસ્તાનનું મેલ્ટિંગ પોટ હતું મુંબઈ. દેશના અને દુનિયાના જુદા જુદા ભાગમાંથી આવીને અહીં લોકો વસ્યા હતા. તેમનાં ‘વતન’, ભાષા, ધર્મ, જીવન જુદાં જુદાં હતાં. ક્યારેક તેને કારણે સંઘર્ષ પણ થતો, જેને એ જમાનામાં ‘હુલ્લડ’ કે ‘દંગલ’ કહેવાનો રિવાજ હતો. પણ એકંદરે આ બધા લોકો હળીમળીને, સંપીને રહેતા. એટલું જ નહિ તેમની વચ્ચે ભાષા, સાહિત્ય, રંગભૂમિ, નાટક, સંગીત વગેરેમાં લેવડદેવડ થતી રહેતી.

આ નાટક આવી લેવડદેવડનો એક મજેનો દાખલો છે. તેમાં પાંચ સાંસ્કૃતિક પરંપરાનો સુમેળ સધાયો છે. આ નાટકનાં કથાનક, પાત્રો કવિ કાલિદાસના અભિજ્ઞાન શાકુન્તલ નાટકનાં છે. અને તેનાં મૂળ મહાભારતના આદિપર્વમાં છે, એટલે કે સંસ્કૃત સાહિત્યની પરંપરાનાં છે. એની ભાષા હિન્દુસ્તાની – આજે આપણે જેને ઉર્દૂ કહીએ છીએ – છે. પણ એ ભાષા છપાઈ છે ગુજરાતી લિપિમાં. એના લેખક ખાનસાહેબ પારસી છે. અને નાટકનું સ્વરૂપ પશ્ચિમના ઓપેરાનું છે. અને આ નાટક એ જમાનામાં છપાયું છે એટલું જ નહિ, ભજવાયું છે, સફળતાથી ભજવાયું છે. આજે કોઈને સવાલ થાય કે દુષ્યંત શકુંતલા જેવાં પાત્રો ઉર્દૂ બોલે એ કેવું લાગે? પ્રેક્ષકો એ અપનાવી શકે? પીટર બ્રુક્સના નાટકમાં મહાભારતનાં પાત્રો અંગ્રેજી બોલે એ આજે આપણે જેમ સ્વીકારીએ છીએ તેમ એ વખતનો પ્રેક્ષક પણ આવી વાત સ્વીકારી લેતો.

આજે મુંબઈની રંગભૂમિ ગુજરાતી, મરાઠી, હિન્દી, અંગ્રેજી, વગેરેમાં વહેંચાઈ ગઈ છે. નાટક લખનારા અને ભજવનારાઓ વચ્ચે થોડી લેવડદેવડ થતી રહે, પણ એ દરેકનો પ્રેક્ષક વર્ગ અલગ અલગ છે. એ વખતે એવું નહોતું. પારસીઓ ભજવે તે નાટક જોવા બિન-પારસીઓ પણ જતા. મરાઠી નાટકો બીજી ભાષા બોલતા લોકો પણ જોતા. આ નાટક જેવાં હિન્દુસ્તાની નાટક જોવા ગુજરાતી, પારસી, મરાઠી, ઉર્દૂભાષી અને બીજા લોકો પણ જતા. ૧૯મી સદીનાં છેલ્લા ૨૫ વરસમાં અને ૨૦મી સદીની પહેલી પચ્ચીસી દરમ્યાન આ સ્થિતિ હતી. અને આવું કાંઈ નાટકની બાબતમાં જ થતું એવું નહોતું. શિક્ષણ, સમાજ સુધારો, સાહિત્ય, પત્રકારત્વ, નાટક ઉપરાંત બીજી કલાઓ, બધાં ક્ષેત્રોમાં જુદા જુદા વર્ગના લોકો ભેગા મળીને કામ કરતા. એ જમાનાનું મુંબઈ સાચા અર્થમાં ‘કોસ્મોપોલિટન’ શહેર હતું.

ખેર, આપણે ‘શકુંતલાનો ઊરદુ ઓપેરા નાટક’ તરફ પાછા વળીએ. છે તો છાપેલાં ૨૬ પાનાંનું નાટક પણ અહીં બધું જ પદ્યમાં, ગીતમાં કહેવાયું છે. એટલે આ ૨૬ પાનાં ભજવતાં સહેજે ચાર-પાંચ કલાક તો લાગતા હશે. કારણ અહીં બાર જેટલાં નાનાં-મોટાં પાત્રો છે. ભૈરવી, ઝિંઝોટી, પીલુ, જોગિયા, બિહાગ, ખમાજ, કાફી, જેવા શાસ્ત્રીય સંગીતના રાગોમાં ગવાતાં ગીતો છે. એક ગીત ‘લ્યુસી નીલ’ નામના અંગ્રેજી ગીતની ચાલ પ્રમાણે પણ ગાવાનું છે! (એ વખતનાં ઘણાં પારસી-ગુજરાતી નાટકોમાં આવાં અંગ્રેજી ચાલનાં ગીતો મૂકવામાં આવતાં.) નાટકમાં ઠુમરી, હોરી, ગઝલ, દાદરા, તરાના, પદ, લાવણી, મરસિયા(!), જેવા ગેય પ્રકારો છે. આખા નાટકને બે જ ‘બાબ’(અંક)માં સમાવ્યું છે, બંને અંકમાં છ-છ ‘પરદા’ (દૃશ્યો) છે. એ વખતના રિવાજ પ્રમાણે અહીં એક આખું દૃષ્ય ‘કોમેડી’ કે ‘ફારસ’નું પણ છે. આવું કોઈ દૃષ્ય કાલિદાસના શાકુન્તલ નાટકમાં નથી. ખાનસાહેબ એ ક્યાંથી લઈ આવ્યા એ જાણી શકાયું નથી. તો બીજી બાજુ કાલિદાસના શાકુન્તલનો સૌથી વધુ જાણીતો અને હૃદયસ્પર્શી એવો કન્યાવિદાયનો પ્રસંગ અહીં છે જ નહિ! પુસ્તક કોટ વિસ્તારની પારસી બજાર સ્ટ્રીટમાં આવેલ ‘જહાંગીર બેજનજી કરાણી ચોપડી વેચનારે’ પ્રગટ કર્યું છે.

આ ખાનસાહેબ હતા કોણ? પારસીઓ વિશેના એનસાઈકલોપીડિયા જેવા ‘પારસી પ્રકાશ’માં એક નાનકડો ફકરો જોવા મળે છે. એ પ્રમાણે ૧૮૮૨ના માર્ચની ૨૦મી તારીખે માત્ર ૨૯ વર્ષની ઉંમરે તેઓ બેહસ્તનશીન થયા. એટલે કે તેમનો જન્મ ૧૮૫૩માં થયો હોય. પિતાનું નામ જમશેદજી રતનજી બેલગામવાલા. ખાનસાહેબ વનસ્પતિ શાસ્ત્ર(બોટની)ના અને હિન્દુસ્તાની ભાષાના જાણકાર હતા. ‘આરામ’ ઉપનામથી તેમણે હિન્દુસ્તાની નાટકો લખ્યાં છે. ઉપરાંત પારસી ગુજરાતીમાં તેમણે ‘મેહર મસ્તની મુસાફરી’ નામનું પુસ્તક પ્રગટ કર્યું હતું. જે સર્વાન્ટિસની જગવિખ્યાત નવલકથા ‘દોન કિહોટે’નું પારસી પાત્રો અને સુરતની ભૂમિકા ધરાવતું રૂપાંતર હતું. ‘શકુંતલાનો ઊરદુ ઓપેરા’ વાંચ્યા પછી આપણે કહી શકીએ કે તેઓ હિન્દુસ્તાની ઉપરાંત સંસ્કૃત, અંગ્રેજી, ગુજરાતી, ભાષા-સાહિત્યના તથા આપણા શાસ્ત્રીય સંગીતના અચ્છા જાણકાર હોવા જોઈએ.

વધુ ખાંખાખોળાં કરતાં બીજી કેટલીક હકીકતો પણ જાણવા મળે છે. ખાનસાહેબનાં બે પ્રકારનાં નાટક જોવા મળે છે. એદલજી ખોરીએ પહેલાં પારસી ગુજરાતીમાં લખેલાં નાટકોના હિન્દુસ્તાની ભાષામાં કરેલા અનુવાદ. આવાં નાટકોમાં સોને કે મોલ કી ખુરશેદ (૧૮૭૧), નૂરજહાં, જહાંગીર, મજહબે ઇશ્ક, બકાવલી-તાજૂલમલૂક, ગુલબકાવલી, હાતિમ (બધાં ૧૮૭૨), જાલમજોર(૧૮૭૬)નો સમાવેશ થાય છે. આ નાટકો ભજવાતાં પણ બંને ભાષામાં. તેમનાં મૌલિક હિન્દુસ્તાની નાટકોની પ્રકાશન સાલ મળતી નથી પણ તેમાં આ નાટકોનો સમાવેશ થાય છે : ગુલવાસવનોવર, છેલબટાઉ મોહનારાની, પદમાવત, લાલો ગૌહર, ચંદ્રાવલી, વગેરે. શકુંતલા ઉપરાંત ખાનસાહેબે બીજાં ઓપેરા પ્રકારનાં નાટકો લખ્યાં છે. બદરેમનીર-બેનઝીર તેમનું પહેલું ઓપેરા. બીજું ઓપેરા જહાંગીરશાહ-ગૌહર જે ૧૮૭૪માં પ્રગટ થયું. અને ત્રીજું આ શકુંતલા, જેની ભજવણીની કે પ્રકાશનની સાલ હજી સુધી મળી નથી. પારસી નાટક મંડળીએ પૂનામાં ભજવેલ ‘ઇન્દ્રસભા’ નાટક જોયા પછી અન્નાસાહેબ કિર્લોસ્કરને મરાઠીમાં સંગીત નાટક લખવાનો વિચાર આવ્યો. ૧૮૮૦માં ભજવાયેલું તેમનું ‘સંગીત શાકુન્તલ’ મરાઠીનું પહેલું સંગીત નાટક. પછી તો વર્ષો જતાં એ પરંપરા ખૂબ સમૃદ્ધ થઈ. પણ મોટે ભાગે તેમના ‘સંગીત શાકુન્તલ’ પહેલાં ખાનસાહેબનું ‘શકુંતલાનો ઊરદુ ઓપેરા’ નાટક લખાયું અને ભજવાયું. કારણ ૧૮૭૬ પછી લખાયેલું તેમનું કોઈ નાટક મળતું નથી. અને ૧૮૮૨માં તો તેમનું અવસાન થયું છે.

ખાનસાહેબે જેમનાં ગુજરાતી નાટકોના હિન્દુસ્તાની અનુવાદ કર્યા તે એદલજી જમશેદજી ખોરીનો જન્મ ૧૮૪૭માં. હજી ભણવાનું ચાલુ હતું ત્યારે બીજા બે પારસી મિત્રો સાથે મળીને ‘અરેબિયન નાઈટસ’નો ગુજરાતી અનુવાદ બે દળદાર ભાગોમાં ૧૮૬૫માં પ્રગટ કરેલો. ૧૮૬૯માં વિક્ટોરિયા નાટક મંડળીએ નાટક માટે હરીફાઈ જાહેર કરી ત્યારે ૩૦૦ રૂપિયાનું પહેલું ઇનામ ખોરીના ‘રુસ્તમ અને સોહરાબ’ નાટકને મળેલું અને તેથી એ મંડળીએ ભજવેલું, અને ૧૮૭૦માં એ મંડળીએ જ છાપીને પ્રગટ કરેલું. ખોરીનું આ પહેલું નાટક. ‘ખોદાબક્સ’ ૧૮૭૧માં ઝોરાસ્ટ્રિયન નાટક મંડળીએ ભજવેલું અને ખોરીએ પોતે પ્રગટ કરેલું. એ જ વર્ષે વિક્ટોરિયા નાટક મંડળી માટે તેમણે ‘સોનાનાં મુલની ખોરશેદ’ લખ્યું જેનો હિન્દુસ્તાની અનુવાદ બેહરામજી ફરદુનજી મર્ઝબાને કરેલો તે વિક્ટોરિયાએ ભજવેલો અને પ્રગટ કરેલો. હિન્દુસ્તાની (ઉર્દૂ) ભાષામાં ભજવાયેલું આ પહેલવહેલું નાટક. આ ઉપરાંત તેમણે બીજાં ત્રણ-ચાર નાટક લખ્યાં જેના હિન્દુસ્તાની અનુવાદ ખાનસાહેબે કર્યા અને ભજવાયાં. પણ પછી ખોરીની કારકિર્દીએ અણધાર્યો વળાંક લીધો. તેઓ કાયદાના અભ્યાસ માટે ઇન્ગ્લંડ ગયા અને ૧૮૮૨માં બેરિસ્ટર બન્યા. પહેલાં સિંગાપુરમાં અને પછી ઇન્ગ્લંડમાં પ્રેક્ટિસ કરી, પણ નાટક સાથેનો સંબંધ સદંતર તૂટી ગયો. ૧૯૧૭ના જૂનની ૧૦મી તારીખે ઇન્ગ્લંડમાં જ તેઓ બેહસ્તનશીન થયા.

પારસી નાટક મંડળીઓ પારસી ગુજરાતી નાટકો ભજવતી હતી, ક્યારેક ‘શુદ્ધ’ ગુજરાતી નાટક અને અંગ્રેજી નાટક પણ ભજવી લેતી. પણ તેમણે હિન્દુસ્તાની નાટકો ભજવવાનું કેમ શરૂ કર્યું? બે મુખ્ય કારણ. એક તો મુંબઈમાં પ્રેક્ષકોના વધુ મોટા સમૂહ સુધી પહોંચવા માટે. મુસ્લિમો ઉપરાંત એ જમાનામાં ઘણા પારસીઓ અને હિંદુઓ પણ ઊર્દૂ ભાષા જાણતા હતા. પોર્ટુગીઝો અને અંગ્રેજોના આગમન પહેલાં દેશના ઘણા મોટા ભાગની દરબારી અને કાનૂની ભાષા હિન્દુસ્તાની હતી. એટલે ઘણા લોકો માટે ભલે થોડી ઘણી, પણ આ ભાષા જાણવાનું જરૂરી હતું. આવા લોકો ગુજરાતી કે અંગ્રેજી ઉપરાંત હિન્દુસ્તાની નાટકો જોવા પણ આવે તો પ્રેક્ષકો વધે. બીજું, ઘણી પારસી નાટક મંડળીઓ દર વર્ષે મુંબઈની બહાર, ખાસ કરીને ઉત્તર અને પૂર્વ ભારતમાં, નાટકો ભજવવા માટે પ્રવાસે જતી. વિક્ટોરિયા અને બીજી એક-બે મંડળી તો  પરદેશના પ્રવાસે પણ જતી. આવા પ્રવાસો દરમ્યાન માત્ર ગુજરાતી નાટકો ભજવવાને બદલે સાથે હિન્દુસ્તાની નાટકો પણ ભજવ્યાં હોય તો વધુ આર્થિક લાભ થાય. બીજું કારણ એ કે હિન્દુસ્તાની નાટકોમાં વિવિધ પ્રકારનાં સંગીત અને નૃત્યને વધુ અવકાશ હતો અને તેનાથી આકર્ષાઈને પણ પ્રેક્ષકો આવી શકે. એટલે વિક્ટોરિયા નાટક મંડળી પછી બીજી પારસી મંડળીઓ પણ હિન્દુસ્તાની નાટક ભજવવા લાગી.

આ લખનારે હિન્દુસ્તાની નાટકોનાં લગભગ પચાસ પુસ્તક મેળવ્યાં છે. તેમાંનું એકેએક ગુજરાતી લિપિમાં છપાયું છે. તેમાંનાં ઘણાં પુસ્તકોનાં પૂંઠા અને ટાઈટલ પેજ પર છપાયું હોય છે : ‘ઝબાને ઊર્દૂ બ હર્ફે ગુજરાતી’. એટલે કે ભાષા ઉર્દૂ, પણ લિપિ ગુજરાતી. આમ કેમ? ઉર્દૂ જે લિપિમાં લખાય છે તેમાં જોડાક્ષર મળીને લગભગ ૨૦ હજાર જેટલા અક્ષરો વપરાય છે. ૧૯૮૧ પહેલાં ઉર્દૂ છાપવા માટેના ટાઈપ (ફોન્ટ) જ બની શક્યા નહોતા. એટલે ત્યાં સુધી લિથોગ્રાફ (શિલાછાપ) પદ્ધતિથી ઉર્દૂ લખાણ છાપવું પડતું. આ માટે પહેલાં પુસ્તકનું એક એક પાનું લહિયા પાસે ખાસ જાતના પોચા પથ્થર પર લખાવવું પડતું અને પછી તેના વડે છાપકામ કરવું પડતું. આ આખી પ્રક્રિયા ખર્ચાળ અને વધુ સમય માગી લે તેવી હતી. વળી એવા પણ ઘણા લોકો હતા જે હિન્દુસ્તાની ભાષા જાણતા, પણ તેની લિપિ નહિ. મુવેબલ ટાઈપ વાપરીને ગુજરાતી છાપકામની શરૂઆત મુંબઈમાં તો છેક ૧૮મી સદીના છેલ્લા દાયકામાં થઈ ગઈ હતી, અને પારસીઓ તેમાં અગ્રણી હતા. એટલે, હાજર સો હથિયાર કરીને તેમણે આ ઉર્દૂ નાટકો ગુજરાતી લિપિમાં છાપ્યાં. 

e.mail : deepakbmehta@gmail.com

XXX XXX XXX

પ્રગટ : “બુદ્ધિપ્રકાશ” ઑક્ટોબર 2021

Loading

સમજૂતીપરક વિવેચનાત્મક વિધાનો (4) : ઍક્સ્પ્લેનેટરી સ્ટેટમૅન્ટ્સ :

સુમન શાહ|Opinion - Literature|26 October 2021

સમજૂતીપરક વિધાનો વિશે કહું એ પહેલાં, ‘તે આ જાય શકુન્તલા પતિગૃહે આપો અનુજ્ઞા સહુ’ એ પંક્તિનું અર્થઘટન કરીએ.

એક વાતની સ્પષ્ટતા : હાલ હું ખરાં કે ખોટાં અર્થઘટનોની ચર્ચામાં નથી જવા માગતો, અત્યારે તો મારે અર્થઘટન કેમ કરાય તે વિશે થોડું કહેવું છે.

દાખલા તરીકે, ’તે આ જાય શકુન્તલા પતિગૃહે આપો અનુજ્ઞા સહુ’-ને કેમ ઘટાવીશું?

સામાન્યજનો તો એટલું જ ઘટાવે છે કે શકુન્તલા પિયર જઈ રહી છે, સૌએ એને પરવાનગી આપવાની છે.

Apna Art Adda -WorldPress.com

જુઓ, કૃતિના અર્થઘટન વખતે એક પણ એકમને વીસરી જઈએ તે ન ચાલે, તેમ એકમના એક પણ શબ્દને વીસરી જઈએ તે પણ ન ચાલે.

આપણે આપણને પૂછવું જોઈશે : ‘તે’ એટલે કઈ શકુન્તલા? ‘આ’ તે કઈ? કવિનો કથક પંક્તિના પ્રારમ્ભમાં જ એ બે શબ્દ મૂકે છે, તો કંઈક ને કંઈક તો હશે ને એના મનમાં !

હું ‘તે’-નો અર્થ એમ ઘટાવું કે – જેનાં ગાંધર્વવિધિથી દુષ્યન્ત સાથે લગ્ન થયાં છે. એ આશ્રમવાસી કન્યા હવે પરિણીતા છે.

‘આ’-નો અર્થ ઘટાવું કે – આ એ શકુન્તલા પતિગૃહે જઈ રહી છે, જેને પ્રેમના પ્રતીક રૂપે દુષ્યન્તે વીંટી આપી છે; જેને દુષ્યન્તે લેવા આવવાનું વચન આપ્યું છે.

‘પતિગૃહે જઈ રહી છે’ એટલે? એટલે, પરિણીતા પતિના ઘરે પિયર છોડીને જઈ રહી છે.

‘આપો અનુજ્ઞા’ કેમ કહ્યું? કેમ કે, જવા વિશે શકુન્તલા દુ:ખી છે એટલે એને એમ જ નથી જવા દેવાની, એટલે કે, સૌએ એને અનુજ્ઞા રૂપી બળ આપવાનું છે.

જેઓને છોડીને જઈ રહી છે તેઓ એને આજ્ઞા નહીં કરી શકે, આદેશ કે સલાહ નહીં આપી શકે, કેમ કે એ તો કઠોરતા કહેવાય. વળી, તેઓ પણ દુ:ખી છે. જો કે, તેઓ દુ:ખી ભલે છે પણ ઍળે કે બૅળે વિદાય આપવાને સમર્થ છે, એમ ‘અનુજ્ઞા’ શબ્દથી સૂચવાય છે – અનુજ્ઞા નામની વ્યક્તિઓ સ્વભાવથી જ સૅલ્ફઍસરટિવ હોય છે !

આમ, અનુજ્ઞા એટલે સમ્મતિ, હૃદયપૂર્વકની ખરી ‘હા’. જીભ હલાવવા જેવું ઉપરચોટિયું આવજો આવજો નહીં.

‘સહુ’ કેમ? એક-બે જણાં અનુજ્ઞા આપે ને બીજાં જોયા કરે એમ નહીં, એ અનુજ્ઞામાં સૌએ જોડાવાનું છે.

આ સંશ્લિટ પંક્તિને અર્થઘટનમાં આમ વિશ્લિષ્ટ કરવી પડે છે. શબ્દ શબ્દને ખોલવો પડે છે. એવા વિશ્લેષણ વિના અર્થઘટન શક્ય જ નથી. હું તો વિશ્લેષણ અને અર્થઘટનને એકમેકનાં હરીફ ગણું છું. અર્થઘટન વિશ્લેષણને અને વિશ્લેષણ અર્થઘટનને હંફાવે …

સંસ્કૃત પણ્ડિતોએ ‘કૈશિકી વૃત્તિ અને વિશ્લેષણ’-ની કલ્પના કરી છે, જેને હિન્દીમાં ‘બાલ કી છાલ નિકાલના’ અને અંગ્રેજીમાં ‘હૅઅર-સ્પિલ્ટ ઍનાલિસિસ’ કહેવાય છે. એટલી હદે જવાની જરૂર પડે એવી જટિલ સાહિત્યકૃતિ હોય, તો જુદી વાત, બાકી, એવા વિશ્લેષણથી તો સુગરીનો માળો ફૅંદી નાખવાનું થશે – વાનરવેડા ! ડૉક્ટરે સર્જરિ કરવાની, પણ સાવધાન રહેવાનું કે વાઢકાપ દરમ્યાન દરદી બચારો મરી ન જાય !

એક જ પંક્તિનું છે તેથી આ અર્થઘટનને માઇક્રો લેવલનું કહેવું જોઈશે, વળી એ કામચલાઉ પણ છે. છતાં, એના દૃષ્ટાન્તે, એ અંકનું અને સમગ્ર નાટકનું સંગીન અર્થઘટન કરી શકાય. એ જ ન્યાયે કાવ્ય કે ટૂંકીવાર્તાના સંગ્રહનું તેમ જ નવલકથા કે કોઈપણ કૃતિનું કરી શકાય. શેનું અને કેટલું કરવું છે તે વિવેચકે જાહેર કરેલી પ્રતિજ્ઞા પર આધારિત છે.

તાત્પર્ય એ કે માઇક્રો આવડી ગયું હોય એટલે મૅક્રો આવડી જાય, પ્રૅક્ટિસનો મામલો છે. પણ યાદ રાખીએ કે સીધા મૅક્રોથી શરૂ કરીશું તો ફાવટ નહીં આવે, ગોટાળા કરી બેસીશું.

સમુચિત અર્થઘટન કૃતિના હાર્દ લગી લઈ જશે. સમુચિત અર્થઘટન આપણી સર્વસામાન્ય સમજદારીની ધાર કાઢશે ને એને વધુ ને વધુ કાર્યકારી – ફન્કશનલ – બનાવશે. પરિણામે, જીવનને વધારે ને વધારે સમજતા થઈશું. આ અર્થહીન જીવન ઘડી બે ઘડી અર્થવતું અનુભવાશે.

++

એ ગુણે કરીને સમજૂતીપરક વિધાનો કૃતિથી કૃતિ-ઇતર જવાની આપણને છૂટ આપે છે. કહું કે સાહિત્યકલાથી જીવનને સમજવાની આપણામાં સૂઝબૂઝ પ્રગટે છે.

મુખ્ય તો એ કે મેં કરેલાં અર્થઘટનોને મારા વિવેચનલેખમાં મારે સમજાવવાં જોઈશે. એ માટે પહેલું તો એ કે મને સમજ પડેલી હોવી જોઈશે.

હું આવું બધું લખી શકું :

પિતા કણ્વ અનુપસ્થિત હતા છતાં લગ્ન કર્યાનો શકુન્તલાને વસવસો હોઈ શકે છે. તેમ છતાં, કહી શકાય કે પ્રિયને પરણ્યાનું મીઠું સંવેદન પણ અનુભવતી હશે. જો કે લગ્ન એના આરણ્યક જીવનમાં આવેલું મોટું પરિવર્તન હતું, અને હવે પતિગૃહે જઈ રહી છે એ એથી પણ મોટું પરિવર્તન છે. હવે એ સમ્રાટને ત્યાં, રાજધાનીમાં, નગરજીવન જીવવાની છે.

લગ્નાયેલી યુવતીને, નવવધૂને, કોડ ઘણા હોય છે. પિયરઘરથી નીસરીને પતિઘરે, સાસરે, પ્હૉંચી જવાની એને તાલાવેલી લાગી હોય છે. કલ્પતી હોય છે, કેવું હશે. એ નવોઢાને દામ્પત્યજીવનની  સ્મિતમધુર કલ્પનાઓ થતી હોય છે. એ પ્રકારે, પિયર છોડીને જવાનું એનું દુ:ખ શુદ્ધ દુ:ખ નથી હોતું, સુખદ મન એ દુ:ખની સાથે જોડાયેલું હોય છે. એ એના જીવનનો સંદિગ્ધ સમય હોય છે. એ સંદિગ્ધતાને સેવવાનું અને માણવાનું એને ગમતું હોય છે. સંભવ છે કે શકુન્તલાના મનોરાજ્યમાં પણ આવું બધું ઘટ્યું હોય.

મારે સમજાવવું જોઈએ કે ભારતીય સંસ્કૃતિમાં પિતાના ઘરનો અને શ્વશુરના ઘરનો કેટલો બધો મહિમા છે. લગ્નથી બે જણ તો પરણે જ છે પણ બે પરિવાર પણ પરણે છે. પરિવાર વિસ્તરે છે. લગ્નથી જોડાયેલાં બે પરિવારોનો સામાજિક આર્થિક મોભો સમાન હોય તો સારી વાત, એ અસમાન પણ હોઈ શકે છે. શકુન્તલા તો સમ્રાટની રાજ્ઞી બનશે, એથી મોટું મહિમાવન્ત શ્વશુરગૃહ શું હોય વળી !

મારે ઉમેરવું જોઈએ કે શકુન્તલા-દુષ્યન્તના દૃષ્ટાન્તમાં નાત-જાતના ભેદ નથી. આજના ભારતમાં પણ એ ભેદ ભુંસાઈ રહ્યો છે. જ્ઞાતિ-સમાજના કાયદા નથી રહ્યા. પિયર અને સાસરું એવી જુદાઈ પણ ઑસરી ગઈ છે. પણ લગ્નગ્રન્થીથી જોડાવાનું ઓછું થવા માંડ્યું છે. મુક્ત સહચારની માનસિકતા જોર પકડી રહી છે. ત્યારે શકુન્તલા-દુષ્યન્તનું દૃષ્ટાન્ત ‘અતિ’ લાગવાનો સંભવ છે. બને કે ‘આદર્શ’ પણ લાગે. વગેરે.

આ સમજૂતી પણ કામચલાઉ છે. એના દૃષ્ટાન્તે, એ અંકની અને એમ સમગ્ર નાટકની સમજૂતી આપી શકાય. એ જ ન્યાયે કાવ્ય કે ટૂંકીવાર્તાના સમગ્ર સંગ્રહની તેમ જ નવલકથા કે કોઈ પણ કૃતિની સમજૂતી આપી શકાય. એ પણ પ્રૅક્ટિસનો મામલો છે.

અલબત્ત, સમજૂતીને નામે, યાદ રાખો કે નિબન્ધ નથી લખવાનો, ના, નહીં જ ! શેની અને કેટલી સમજૂતી આપવી છે તે વિવેચકે જાહેર કરેલી પ્રતિજ્ઞા પર આધારિત છે. તેમ છતાં, એને જો અંદાજ હોય કે પોતાનો વાચક સમજદાર છે, તો એણે જરૂરી સંકેતો કરીને અટકી જવું જોઈશે. પ્રતિજ્ઞા જાહેર કરી એટલે પૂર્વપક્ષ, પ્રતિપક્ષ, વિચારવિમર્શ અને ઇતિ સિદ્ધમ્-નો મહા મોટો વિધિ હાથ નથી ધરવાનો. વિવેચક એ રૂપે પણ સમજુ હોવો જોઈશે.

હવે પછી, મૂલ્યાંકનપરક વિધાનો વિશે …

= = =

(October 26, 2021: USA)

Loading

ફારૂખ અબ્દુલ્લાએ અમિત શાહને મળવાની ના પાડી, એમાં માણસાઈ નથી, ઉધ્ધતાઈ છે …

રવીન્દ્ર પારેખ|Opinion - Opinion|25 October 2021

ગૃહ મંત્રી અમિત શાહ શનિવારથી ત્રણ દિવસના કાશ્મીર પ્રવાસે છે. 5 ઓગસ્ટ, 2019ને રોજ 370મી કલમ રદ્દ કરવામાં આવી, તે પછી 25 મહિને પહેલીવાર ગૃહ મંત્રી શાહ જમ્મુ-કાશ્મીરની યાત્રાએ છે. શ્રીનગરમાં સુરક્ષા વ્યવસ્થા અંગે ઉચ્ચ સ્તરીય બેઠક દરમિયાન કાશ્મીરની શાંતિમાં કોઈ અવરોધ સર્જી શકે નહીં ને 370ની નાબૂદી પછી ઘાટીમાં આતંકી પરિવારવાદનો અંત આવ્યો છે એવી જાહેરાત ગૃહ મંત્રીએ કરી છે, તો શાહે શહીદ ઈન્સ્પેકટર પરવેઝ અહેમદના ઘરે જઈ તેનાં કુટુંબીજનોને આશ્વસ્ત પણ કર્યાં છે ને શહીદની પત્નીને સરકારી નિમણૂક પણ આપી છે. જડબેસલાક સુરક્ષા વ્યવસ્થા વચ્ચે ગૃહ મંત્રી કાશ્મીરી યુવકોને રમતગમતમાં જોડવાની વાત એટલે કરી રહ્યા છે કે તેઓ હિંસાથી પરત વળે ને દેશની રચનાત્મક પ્રવૃત્તિઓનો હિસ્સો બને.

ગૃહ મંત્રીએ કાશ્મીર પ્રવાસ દરમિયાન પૂર્વ મુખ્ય મંત્રી ફારૂખ અબ્દુલ્લાને મળવાની ઇચ્છા કરી ને તે અંગેનો સંદેશો પણ તેમણે ફારૂખને મોકલ્યો, પણ કાશ્મીરના પૂર્વ મુખ્ય મંત્રીએ શાહને મળવાની ના પાડી દીધી.  ફારૂખનો આ નકાર એ રીતે પણ યોગ્ય છે કે 370ની નાબૂદી વખતે ફારૂખ અને મહેબૂબા મુફ્તીને નજરકેદ કરવામાં આવેલાં ને એની કડવાશ હજી રહી હોય એમ બને. જો નજરકેદ ન કરાયા હોત તો  કાશ્મીરમાં હિંસા વકરી હોત અને અનેક નિર્દોષોનાં લોહી રેડાયાં હોત ! સ્વાભાવિક રીતે જ ફારૂખ અબ્દુલ્લા અને મહેબૂબા મુફ્તી 370 નાબૂદીનાં પક્ષમાં ન હતાં. આજે પણ નથી. શાહે જ્યારે ફારૂખને મળવાની ઇચ્છા પ્રગટ કરી ત્યારે વધુ સારું તો એ ગણાયું હોત કે તેમણે સંમતિ આપી હોત ને મળવાનું સૌજન્ય દાખવ્યું હોત, પણ તેટલો વિવેક ન દાખવતા તેમણે એ જ જૂનો રાગ આલાપ્યો હતો કે 370 ફરી લાગુ કરવામાં આવે. કાશ્મીરને જે વિશેષ દરજ્જો મળ્યો હતો તે સ્થિતિ 370 નાબૂદ થતાં બદલાઈ હતી. એને લીધે જે તે સમયના મુખ્ય મંત્રીઓની સત્તા પર કાપ પડવા જેવું પણ થયું ને જે એકચક્રી શાસન ચાલતું હતું તેને બ્રેક લાગી. એવી પૂરી શક્યતા છે કે 370 નાબૂદીને પગલે કાશ્મીરમાં નવી આતંકી પ્રવૃત્તિઓ વિકસી છે. એવી ધારણા હોઈ શકે કે આતંકી હત્યાઓ વધતાં ભારત 370ને ફરી લાગુ કરે. જે ફારૂખની ઇચ્છા પણ છે જ !

એટલે જમ્મુ-કાશ્મીરમાં આતંકી પ્રવૃત્તિઓને છૂટો દોર મળ્યો છે એ સાચું, પણ જો ત્યાંની પ્રજા એમ માનતી હોય કે 370 પૂર્વવત થશે, તો તે ભીંત ભૂલે છે. પાકિસ્તાન પણ ઇચ્છે છે કે 370 પૂર્વવત લાગુ કરવામાં આવે. એવી ઇચ્છા મુર્ખાઈથી વિશેષ કૈં નથી. ભારતે તેના દેશમાં શું કરવું તે પાકિસ્તાન જેવું કંગાળ રાષ્ટ્ર ન સૂચવી શકે. પાકિસ્તાનની દખલ અને કાશ્મીરી શાસકોની ઉદાસીનતાએ ત્યાંની બિનમુસ્લિમી પ્રજાની ને કાશ્મીરી પંડિતોની સ્થિતિ કફોડી કરી છે ને હાલત એ થઈ છે કે અહીંની પ્રવાસી પ્રજા પણ હવે કાશ્મીર જતાં વિચાર કરે છે.

ભા.જ.પી. શાસન સામે અનેક ફરિયાદો છે, પણ તેણે 370 નાબૂદી જેવું મહત્ત્વનું પગલું ભરીને કાશ્મીરી અને ભારતીય પ્રજાનું તો હિત જ કર્યું છે. દાયકાઓનાં કાઁગ્રેસી શાસન છતાં આ શક્ય બન્યું નથી તે પણ એટલું જ સાચું છે. ફારૂખ અબ્દુલ્લા હજી પણ માને છે કે સરકાર કલમ 370 ફરી લાગુ નહીં કરે ત્યાં સુધી કાશ્મીરમાં શાંતિ સ્થપાવાની નથી. શાંતિ કેવી રીતે નહીં સ્થપાય તેનો કોઈ ફોડ ફારૂખ પાડતા નથી. માત્ર બોલ્યા કરે છે. 370 નાબૂદ થતાં આતંકવાદ ખતમ થઈ જશે એવું કહેનારાઓ આતંકી હુમલા રોકી શકતા નથી એવું ફારૂખને લાગે છે. ફારૂખનો બીજો આરોપ એવો પણ છે કે ભા.જ.પ. યુ.પી.માં ચૂંટણી જીતવા નફરત ફેલાવી રહી છે. આ સાચું હોય તો પણ તેનાથી કાશ્મીરનું કયું અહિત થાય છે તે તેઓ કહેતા નથી. એ સાથે જ કાશ્મીરમાં વધી રહેલી હત્યાઓ પ્રેરિત નથી, એવું ફારૂખ પ્રમાણિકતાથી કહી શકે એમ છે? કાશ્મીરમાં આતંકી પ્રવૃત્તિઓ વકરે એવું પાકિસ્તાન તો ઇચ્છે જ, પણ એમાં કાશ્મીરના પૂર્વ શાસકોનો કોઈ જ હાથ નથી, એમ કહેવાનું મુશ્કેલ છે.

370 નાબૂદી પછી, એટલે કે 5 ઓગસ્ટ, 2019 પછી કેન્દ્ર સરકારે જે ત્વરિત નિર્ણયો કાશ્મીરમાં શાંતિ સ્થાપવા કરવાના હતાં, તે ઉરીની સર્જિકલ સ્ટ્રાઈકને બાદ કરતાં ખાસ થયા નથી. ઉરીની સર્જિકલ સ્ટ્રાઈકને ત્રણ વર્ષ જેવો સમય થયો, તે પછીની શાંતિ જોખમી રહી છે. આ સમય દરમિયાન ઘાટીઓમાં આતંકી પ્રવૃત્તિઓ વિકસી હોવાનું લાગે છે. કદાચ આ ગાળો આતંકીઓએ તૈયારીનો મેળવ્યો છે. એવું ન હોત તો સરહદ પર અને ઘાટીઓમાં આતંકી પ્રવૃત્તિઓમાં ઉછાળ આવ્યો ન હોત. છેલ્લા થોડા મહિનાઓમાં નિર્દોષોની હત્યાનું પ્રમાણ વધ્યું છે. એ ખરું કે ભારતીય સૈનિકોએ આતંકવાદીઓને ઠાર માર્યા છે, પણ સામે આપણા જવાનો પણ હોમાયા છે એ પણ નોંધવું ઘટે. 370 નાબૂદી પછી પ્રાપ્તિ બહુ મોટી નથી.

ગૃહ મંત્રી ભલે કહેતા હોય કે આતંકીઓનો ને પરિવારવાદનો અંત થયો, પણ એવું ઓછું જ છે. ઘરેલુ આતંકી પ્રવૃત્તિઓ વિકસી છે. હુમલાખોર કોઈ સંગઠનમાંથી નહીં, પણ કોઈ કુટુંબમાંથી આવે છે ને નિર્દોષની હત્યા કરીને ફરી ઘરેલુ પ્રવૃત્તિમાં જોડાઈ જાય છે. આમ થવાને લીધે આતંકવાદીની ઓળખ કરવાનું અઘરું થઈ ગયું છે. આ મહિનાની જ વાત કરીએ તો 8 નિર્દોષોની હત્યા થઈ હોવાનું નોંધાયું છે. એમાં કોઈ વેપારી છે, કોઈ શિક્ષક છે, કોઈ મજૂર છે, કોઈ કાશ્મીરી પંડિત છે. 2021ની વાત કરીએ તો ત્રીસેક લોકોની હત્યા ટાર્ગેટ કિલિંગને નામે ચડી છે. 90નાં દાયકામાં જમ્મુ-કાશ્મીર લિબરેશન ફ્રન્ટે પણ આમ જ નિર્દોષોની હત્યાઓ કરી હતી, એને પરિણામે કાશ્મીરી પંડિતોની હિજરત શરૂ થઈ હતી. એ સિલસિલો ફરી શરૂ થયો છે. પાકિસ્તાની એજન્સી આઇ.એસ.આઈ.એ પી.ઓ.કે.માં મીટિંગો કરીને હત્યાનો સિલસિલો વધારવાની વાત કરી છે એ જોતાં આવનારા દિવસોમાં હત્યાનું પ્રમાણ વધે તો નવાઈ નહીં. આની સામે સેના આતંકીઓનો સફાયો કરે જ છે. છેલ્લા પંદર દિવસમાં સેના સાથેની અથડામણમાં 17 આતંકવાદીઓ ઠાર મરાયા છે ને 9 ભારતીય જવાનોએ શહીદી વહોરી છે. કોણ જાણે કેમ પણ આ સામસામે મારવાની પ્રવૃત્તિથી આતંકીઓનો સફાયો થઈ જાય છે એ ખરું, પણ તે અટકતો નથી. એ સાથે જ નિર્દોષો પરનું જોખમ પણ ઓછું થતું નથી.

એમ પણ લાગે છે કે બાંગ્લાદેશમાં મંદિરોની તોડફોડ ને હિંસા દ્વારા ભારતીય સત્તાધીશોનું ને પ્રજાનું ધ્યાન બીજે દોરવાનો પ્રયત્ન થઈ રહ્યો છે. કાશ્મીર તરફ ભારતનું ધ્યાન ન રહે એ માટેના પ્રયત્નો પાકિસ્તાન અને ત્યાંનાં આતંકવાદી સંગઠનો કરતાં રહે તો આશ્ચર્ય ન થવું જોઈએ. કાશ્મીરમાં થઈ રહેલા લઘુમતી પરના હુમલાઓ ને સુરક્ષા એજન્સીઓ પહોંચી વળે એમ છે. તેની પાસે આવા હુમલાઓ રોકવાનો ત્રણેક દાયકાઓનો અનુભવ છે, પણ એક બાબત ભારતે સમજી લેવાની રહે કે પાકિસ્તાન સીધું યુદ્ધ નહીં કરે. તે આતંકી હુમલાઓ દ્વારા જ ભારતને રોકાયેલું રાખે એમ બને. એ પણ નોંધવું જોઈએ કે ખીણમાં નવા વિસ્તારો પર નવા આતંકીઓ સક્રિય થયા છે એટલે ભારતે નવી સ્ટ્રેટેજી અપનાવવાની રહે જ છે. આવું વારંવાર બન્યું છે ને બને એમ છે. 1996 અને 2001માં વધુ આતંકી હુમલાઓ થયા હતા. તે પછી સુરક્ષાતંત્ર વધુ સજ્જ થયું છે. સુરક્ષા અધિકારીઓ પણ સ્થિતિ મુજબ નિર્ણયો લઈ શકે એટલી સત્તા તેમને આપવામાં આવી છે. આમાં ધર્મગુરુઓ પણ મદદમાં આવી શકે. કેટલીક મસ્જિદોમાંથી બિનમુસ્લિમોને હિજરત ન કરવાની અપીલ કરવામાં આવી. આ સારી બાબત છે. એમાં પ્રજા-પ્રજા વચ્ચેનો વિશ્વાસ ને સમભાવ વધે એમ બને.

આમાં જરૂરી છે તે ફારૂખ અબ્દુલ્લા ને મહેબૂબા મુફ્તી જેવાં રાજનેતાઓ ભારત સરકારમાં વિશ્વાસ મૂકે તેની. માત્ર પોતાનું વર્ચસ્વ જાળવવાની વાતનો કોઈ અર્થ નથી. જો કાશ્મીર ભારતનું છે તો તેની પ્રજા ભારતનો હિસ્સો બને ને તે મુખ્ય પ્રવાહમાં ભળે તેવા પ્રયત્નો કરવાને બદલે કાશ્મીરી નેતાઓ પડોશી દેશ તરફની વફાદારીનો છૂપો રાગ આલાપે તો દેશભક્તિના પ્રશ્નો ઊઠે. કમસેકમ પૂર્વ મંત્રીઓએ ભારત પ્રત્યેની વફાદારી પ્રગટ કરવાની રહે જ છે. એ સાથે જ સરકારે એ પણ જોવાનું રહે છે કે 370 નાબૂદીથી જો ભારતીય નાગરિક કાશ્મીરમાં વસી શકે એ સ્થિતિનું નિર્માણ કરવાનું હોય તો એવું કેમ છે કે ત્યાંનાં મૂળ નિવાસીઓને જ ત્યાં જીવવાના ફાંફાં પડી રહ્યાં છે? વિચારીએ –

000

e.mail : ravindra21111946@gmail.com

પ્રગટ : ‘આજકાલ’ નામક લેખકની કટાર, “ધબકાર”, 25 ઑક્ટોબર 2021

Loading

...102030...1,7121,7131,7141,715...1,7201,7301,740...

Search by

Opinion

  • ગુજરાતની દરેક દીકરીની ગરિમા પર હુમલો ! 
  • શતાબ્દીનો સૂર: ‘ધ ન્યૂ યોર્કર’ના તથ્યનિષ્ઠ પત્રકારત્વની શાનદાર વિરાસત
  • સો સો સલામો આપને, ઇંદુભાઇ !
  • અ મેસી (Messie / Messy ) અફેરઃ ઘરનાં છોકરાં ઘંટી ચાટે, ઉપાધ્યાયને આટો
  • ચલ મન મુંબઈ નગરી—320

Diaspora

  • દીપક બારડોલીકરની પુણ્યતિથિએ એમની આત્મકથા(ઉત્તરાર્ધ)ની ચંદ્રકાન્ત બક્ષીએ લખેલી પ્રસ્તાવના.
  • ગાંધીને જાણવા, સમજવાની વાટ
  • કેવળ દવાથી રોગ અમારો નહીં મટે …
  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !
  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ

Gandhiana

  • ગાંધીસાહિત્યનું ઘરેણું ‘જીવનનું પરોઢ’ હવે અંગ્રેજીમાં …
  • સરદાર પટેલ–જવાહરલાલ નેહરુ પત્રવ્યવહાર
  • ‘મન લાગો મેરો યાર ફકીરી મેં’ : સરદાર પટેલ 
  • બે શાશ્વત કોયડા
  • ગાંધીનું રામરાજ્ય એટલે અન્યાયની ગેરહાજરીવાળી વ્યવસ્થા

Poetry

  • ગઝલ
  • કક્કો ઘૂંટ્યો …
  • રાખો..
  • ગઝલ
  • ગઝલ 

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved