Opinion Magazine
Number of visits: 9746196
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

અધર્મને ટકવા માટે ધર્મ સિવાય બીજું ઠેકાણું નથી …

રવીન્દ્ર પારેખ|Opinion - Opinion|17 January 2022

ધર્મની આપણી સમજ બદલાતી આવે છે. પોતાના ધર્મ માટે દરેકને માન હોવું જ જોઈએ એની ના નથી, પણ એનો અર્થ એવો નથી કે બીજા ધર્મને અપમાનિત કરવાનું કોઈને પણ લાઇસન્સ મળી જાય છે. કોઈ પણ ધર્મ, અધર્મના પ્રચાર માટે નથી સ્થપાયો, પણ ધર્મ, આજે, અધર્મ વગર ફેલાતો ન હોય તેવું  પણ લાગે છે. આમ તો મનુષ્ય ધરતી પર આવ્યો ત્યારે તે ધર્મ લઈને અવતર્યો ન હતો. ધર્મ ન હતો, ત્યાં સુધી અધર્મ પણ ન હતો. સમાજ ન હતો, ત્યાં સુધી અસામાજિકતા પણ ન હતી. સમાજ આવ્યો તે સાથે અસામાજિકતા પણ આવી. એ જ રીતે ધર્મ આવ્યો તો તે અધર્મને પણ પકડતો આવ્યો. સંસ્કારનું નામ પડ્યું ન હતું, ત્યાં સુધી કુસંસ્કારને પણ કોઈ જાણતું ન હતું. આ બધું, વધુ સ્પષ્ટ થવા જતાં વધ્યું છે. ધર્મની વ્યાખ્યા જેમ જેમ વધુ સ્પષ્ટ થતી ગઈ તેમ તેમ અધર્મ પણ વધુને વધુ સ્પષ્ટ થતો આવ્યો. અમુક તમુક  થાય તો ધર્મ, એવું નક્કી થયું એટલે એ સિવાયનું બધું અધર્મના ખાનામાં જઈને પડ્યું. એક કાળે આપણે ધર્મ ભીરુ હતા. આજે પણ મોટે ભાગના ધાર્મિકો ભયને લીધે ધર્મને સ્વીકારે છે. અમુક નહીં કરો તો પાપ લાગશે, અમુક કરશો તો નર્ક મળશે – જેવું નાનપણથી જ ઠસાવી દેવાય છે એટલે કૈં પણ જાણ્યા મૂક્યા વગર લોકો ધર્મ કે વિધિવિધાનો પાળતાં રહે છે. એક વર્ગ એવો છે જે ડરાવી, ધમકાવીને ધર્મ પળાવે છે ને પોતે રોટલો ને ઓટલો મેળવી લે છે.

ધર્મ તેનાં મૂળ સ્વરૂપે બહુ મનાતો નથી. જો કે, હવે ધર્મને આપણી તરફેણમાં મચડતા આવડી ગયું છે. એટલે જે પળાય છે તે ધર્મ સગવડિયો વધુ છે. એમ પણ લાગે છે કે આજનો સમય ધર્મ તરફ નહીં, પણ ધર્માંધતા તરફ વિશેષ ગતિ કરે છે. અગાઉ ન હતી એટલી જરૂર અત્યારે મંદિરોની ઊભી કરવામાં આવી છે. એમાં પણ ભવ્યતાથી ઓછું કશું ખપતું નથી. આપણે ઈશ્વરને મંદિરથી વધુ વિરાટ ન રાખવા ઘણી મહેનત કરી રહ્યા છીએ, પણ એ ભૂલી જઈએ છીએ કે ઈશ્વર, મંદિર માટે છે, મંદિર, ઈશ્વર માટે નથી. એ એટલો નાનો નથી કે એટલામાં જ પુરાઈ રહે. ઈશ્વર એટલો ઓશિયાળો થઈને રહે એવું લાગે છે? ઈશ્વરને વિરાટ આપણે જ કર્યો છે ને તેને સમાવવા મંદિરો વધુને વધુ ભવ્ય ને વિરાટ કરતાં જઈએ છીએ. એમાં મંદિર તો સચવાય છે કદાચ, પણ ઈશ્વર કેટલો સચવાય છે એ વિચારવાનું રહે.

ઈશ્વરને નાદાન સમજવા જેટલા ચબરાક તો આપણે છીએ જ ! ઈશ્વર કે અલ્લાહ એટલો બહેરો નથી કે માઈકમાં તેને આરતી કે અજાન સંભળાવવી જ પડે, પણ આપણે ઈશ્વર કે અલ્લાહને સંભળાવવા નહીં, બીજાઓને ‘સંભળાવવા’ જ બધું કરતાં હોઈએ છીએ. એક વાત બહુ સ્પષ્ટ છે કે બધા જ ધર્મના ધાર્મિકો માઇક પર પોતપોતાની પ્રાર્થના એક જ સમયે શરૂ કરે તો લાગે છે કે કોઈને પણ કૈં સ્પષ્ટ સંભળાય? એ વિરાટ ઘોંઘાટ સિવાય બીજું કૈં ન હોય ને ધર્મ તો ન જ હોય. માઇક પરથી બાંગ પોકારાય તો હનુમાન ચાલીસા કેમ ન પોકારાય? એટલે સુરતમાં હનુમાનચાલીસા માઇક પરથી ગાવાનું શરૂ થયું, એમાં બાંગ તો બંધ ન થઈ, હનુમાનચાલીસા ઉમેરાઈ, એટલે અવાજ ઘટવાને બદલે વધ્યો. એવી જ રીતે ગુરુદ્વારામાંથી, અગિયારીમાંથી, દેશ-પરદેશમાં મોટા સ્પીકર પર, બધાં બધી પ્રાર્થનાઓ શરૂ કરે તો ધર્મ તો નહીં વધે, ઘોંઘાટ જરૂર વધશે. કોઈ ધર્મે હિંસાની તરફેણ નથી કરી, પણ ધર્મયુદ્ધો ઓછાં થયાં નથી ને ધર્મને નિમિત્તે જગતમાં શાંતિ હોય એવું પણ અનુભવાતું નથી. ધર્મ, માનવતાની વિરુદ્ધ હોય એ રીતે અત્યારે જગત વર્તી રહ્યું છે એવું નથી લાગતું?

માણસ બીજી કોઈ રીતે થાય એ કરતાં ધર્મને નામે ઝનૂની વધુ થાય છે. એમાં સિલકમાં હિંસા રહે છે ને ધર્મ ઉધારી ભોગવે છે. આજના જ સમાચાર છે. સુરતમાં જુમ્માની નમાજ પઢવા, ગયા શુક્રવારે 300 લોકો રસ્તો બ્લોક કરી બેઠા. એક બાજુ કોરોના પિક પર છે ને લોકો તેની ચિંતા કર્યા વગર ગમે ત્યાં ભીડ કરે જ છે, તેમાં 300 લોકો નમાજ પઢવા રસ્તો રોકે એ કોઈ રીતે આવકાર્ય નથી જ. ચાલુ નમાજે ત્યાં પોલીસ પહોંચી ને બધાં નમાજીઓ પોલીસને જોતાં ભાગ્યા. પોલીસ નજીકની મસ્જિદમાં તપાસ કરવા પહોંચી તો મસ્જિદના ટ્રસ્ટીઓએ કહ્યું કે મસ્જિદમાં ભીડ થઈ જતાં લોકોને બહાર થોભવા કહ્યું છે. હવે બહાર થોભવા કહ્યું કે નમાજ પઢવા તે તો ટ્રસ્ટીઓ જાણે, પણ લોકોએ બહાર નમાજ પઢવા રસ્તો બ્લોક કર્યો અને પોલીસ આવી તો નમાજ પઢવાનું બાજુએ મૂકીને લોકો ભાગ્યા. મતલબ કે પોલીસ આવી ન હતી ત્યાં સુધી નમાજને વાંધો આવ્યો ન હતો, પણ જેવી પોલીસ આવી કે નમાજ રહી ગઈ. જે વિસ્તારમાં મસ્જિદ છે ત્યાં નમાજીઓની સંખ્યા લગભગ નક્કી જ છે, કારણ જુમ્માની નમાજ દર જુમ્મે થતી હોય એમ જ ગયા શુક્રવારે પણ થવાની ગણતરી હોય. કોઈ એવો ખાસ પ્રસંગ પણ ન હતો કે બહારથી નમાજીઓ એકાએક વધી પડે. ટૂંકમાં, જુમ્માની નમાજ જેમ અગાઉ થતી હતી એમ જ ગયા શુક્રવારે પણ હતી ને આ અગાઉ રસ્તા પર નમાજ પઢવી પડે એટલી સંખ્યા થઈ ન હતી, તો આ વખતે એવું શું થયું કે લોકોને બહાર નમાજ પઢવાનો વારો આવ્યો? મસ્જિદમાં ભીડ કયાં કારણે હતી એનો ખુલાસો ટ્રસ્ટીઓએ નથી કર્યો, પણ ગયા શુક્રવારની નમાજ કુદરતી નથી લાગતી. જો સંખ્યા એકાએક વધી ન હોય તો નમાજ અગાઉની જેમ મસ્જિદમાં જ થઈ શકતી હતી, પણ તેમ ન થયું ને રસ્તો બ્લોક થઈ જાય એ હદે રસ્તે નમાજ પઢવાની ફરજ પડી. આ ગળે ઊતરે એમ નથી, કારણ અગાઉ એવું થયું નથી. વારુ, નમાજ એટલી જરૂરી પણ નથી લાગતી, નહિતર, પોલીસના આવવાથી નમાજમાં ભંગ પડવાને બદલે તે ચાલુ રાખી શકાઈ હોત !

આ એક જ ધર્મની વાત નથી. ધર્મને નામે ભીડ કરવાનું કે રસ્તા બ્લોક કરવાનું નવું નથી. વૈષ્ણોદેવીની ઘટના તાજી જ છે. એમાં નજીવી વાતે ચડસાચડસી થઈ અને થોડાક લોકોએ જીવ ગુમાવ્યા. ઉત્તરાયણ પર્વે નદી સ્નાનનો મહિમા કેટલાક ભક્તોને સમજાય છે અને વારાણસીની ગંગા પર ભીડ એકઠી થઈ જાય છે. આજે પોષની પૂનમ છે. આજથી મહા સ્નાન શરૂ થાય છે. તે 16 ફેબ્રુઆરી સુધી ચાલશે. પ્રયાગરાજમાં આ માસમાં ભક્તો પુણ્ય કમાવા નદીમાં ઊતરી પડતા હોય છે. આ માસમાં નદી સ્નાન માટે દેવતાઓ પણ આવતા હોય છે એવું સંતો, જ્યોતિષીઓ કહેતાં રહે છે. એને પરિણામે ભક્તો જાણીને કે અજાણતાં ભીડ કરે જ છે. આડે દિવસે ધર્મ સ્નાન કે ભીડનો બહુ વાંધો ના પડે પણ, કોરોનાની ત્રીજી લહેર, કહેર વર્તાવતી હોય ત્યારે એવી કોઈ પણ ભીડને ધર્મને નામે ચલાવી શકાય નહીં. ધર્મને સંતો, જ્યોતિષીઓ, વર્તમાનપત્રો, ચેનલો એટલું ચગાવે છે કે શ્રદ્ધાળુઓ ભીડ કર્યાં વગર રહે નહીં. એટલે કોઈ કોમ રસ્તે નમાજ પઢવા ભીડ કરે એમ જ કોઈ નદી પણ મેલી કરે, તો વાલને વખાણવાનો નહીં ને ચણાને ચાખવાનો નહીં એમ જ માનવું પડે. આમ પણ કુંભના મેળાથી કોને કેટલું પુણ્ય મળે છે તેની ખબર નથી, પણ કુંભથી લાભ કરતાં હાનિ વધારે જ પહોંચી છે તે કુંભના મેળાનો ઇતિહાસ તપાસવાથી સમજી શકાય એમ છે. રાજકીય મેળાવડાઓ, તહેવારો, લગ્ન વગેરે પ્રસંગોએ ભીડ સામાન્ય રીતે ન થાય તો આઘાત લાગે. એ સંજોગો સામાન્ય હોય તો કૈંકે ક્ષમ્ય, પણ કોરોના કાળમાં એ બધું બેફામ રીતે વકરે તો તે કેવળ ને કેવળ અક્ષમ્ય છે. દીક્ષા કે ઉપનયન સંસ્કાર નિમિત્તે પણ આખે રસ્તે હાથી, ઘોડા અને બગીઓમાં જે રીતે ભીડ ખડકાય છે ને એને માટે જુદો બંદોબસ્ત કરવો પડે છે કે રસ્તાઓ પર ટ્રાફિક રોકવો પડે છે ને એમાં એમ્બ્યુલન્સ પણ ફસાય ત્યારે એવાં ઉજવણાં કોઈ પણ રીતે આવકાર્ય નથી જ, તેમાં ય કોઈ મહામારી ચાલતી હોય ત્યારે તો તે અમાનવીય અને સૂક્ષ્મ રીતે હિંસક પણ છે જ ! ધર્મ દેખાડાનું કે કોઈને બતાવી આપવાનું નિમિત્ત કદી ન બને, પણ અત્યારનો ટ્રેન્ડ દેખાડાની દિશાનો વધુ જણાય છે. ધર્મ આમ તો અંગત બાબત છે. તે કોઈ માને એમ જ કોઈ ન માને એમ બને. કોઈ અમુક ધર્મને માને તો કોઈ બીજા ધર્મને માને એમ પણ બનવાનું, એનો અર્થ એવો નથી જ કે અમુક ધર્મ મહાન ને બીજો નબળો. જે ધર્મ પોતે જ પોતાને શ્રેષ્ઠ માને ને બીજા ધર્મને નબળો ગણે, તે શ્રેષ્ઠ હોવા વિષે શંકા જ રહેવાની. પોતાના ધર્મ વિષે ભલે કોઈને અભિમાન હોય, પણ તેથી બીજા ધર્મને કારણ વગર અપમાનિત કરવાનું કારણ તો તે ન જ બની શકે. જે ધર્મ બીજાને અપમાનિત કરવા જ અસ્તિત્વમાં છે તે ધર્મ નથી, અધર્મ જ છે …

000

e.mail : ravindra21111946@gmail.com

પ્રગટ : ‘આજકાલ’ નામક લેખકની કટાર, “ધબકાર”, 17 જાન્યુઆરી 2022

Loading

2021નું નોબેલ પારિતોષિક અબ્દુલરઝાક ગુરનાને

ઉદયન ઠક્કર|Opinion - Opinion|17 January 2022

'પિંજરાં' [The Cage]

ઝાંઝીબાર(આજના તાન્ઝાનિયા)માં જન્મેલા અને વીસની વયે શરણાર્થી તરીકે ઇંગ્લેંડ ગયેલા અબ્દુલરઝાક ગુરના(જન્મ ૧૯૪૮)ને ૨૦૨૧નું નોબેલ પારિતોષિક મળ્યાની ઘોષણા થઈ છે. ગુરનાની માતૃભાષા સ્વાહિલી અને સાહિત્યિક ભાષા અંગ્રેજી છે. તેમણે દસ નવલકથા લખી છે. 'પિંજરાં' નામની તેમની ટૂંકી વાર્તા માણીએ, જેના નાયકનું નામ છે હમીદ.

‘ક્યારેક તો હમીદને લાગતું કે પોતે આ દુકાનમાં જ પેદા થયેલો અને આ દુકાનમાં જ મરશે. દુકાન મોકાની હતી, નગરના પરાંના મુખ્ય માર્ગો પર આવેલી.’ મોંસૂઝણાથી મોડી રાત સુધી હમીદ દુકાનમાં જ કામ કર્યા કરતો. વરસેકથી તો દુકાન છોડીને કશે ગયેલો સુધ્ધાં નહિ. (વાર્તાનું શીર્ષક 'પિંજરાં' આવા બંધિયાર અસ્તિત્વને અનુરૂપ છે. હમીદની પાસે પૈસાને નામે મીંડું છે. કદાચ તેનો વસવાટ ગેરકાયદેસરનો હોવાથી તેનું શોષણ કરાઈ રહ્યું છે.)

‘છોકરીએ મોડી સાંજે દુકાનમાં દેખા દીધી, ત્યારે તેને ઝોકું આવી ગયેલું. તેને લાગ્યું કે એક રાક્ષસી હાથે તેને બોચીથી ઝાલ્યો છે અને તે ઝબકીને જાગી ગયો. જુએ તો છોકરી તિરસ્કારથી તાકી રહી છે.’ (જ્યારે જુઓ ત્યારે કામ, કામ ને કામ. સપનાં બિહામણાં જ આવે ને.) છોકરીએ ઘી માગ્યું. તત્ક્ષણ હમીદ આકર્ષાયો. છોકરીના સ્કંધ ઉઘાડા અને તગતગતા હતા. સૂતરાઉ વસ્ત્રની અંદરથી વળાંકો દેખાતા હતા. છોકરી દુકાનની બહાર ઠેકીને ગઈ ત્યારે હમીદ સાવચેત રહેવાની બૂમ પાડતાં માંડ અટક્યો.

વળતી સાંજે છોકરી ફરી પાછી આવી. મન્સૂર નામના ઘરાક સાથે હમીદ ગપ્પાં મારતો હતો. બત્રીસલક્ષણો મન્સૂર લાગલો જ છોકરીને કહેવા લાગ્યો, ‘આવ, આવ, પ્યારી, કેમ છે તું? મહેકે છે ને કંઈ! તારી કાયા તો હરણી જેવી. રાતે સમય મળશે? મારે ચંપી કરાવવી છે.’ પછી તે ખિસ્સામાંના સિક્કા ખખડાવવા માંડ્યો. છોકરીએ તેની સામે જોયું સુધ્ધાં નહિ. તેના ગયા પછી મન્સૂરે ખંધાઈથી કહ્યું: બૈરાં બધાં ય સરખાં! મેડમ થઈને ફરે છે પણ બિછાનામાં આવવા તો દે એક વખત!

હમીદને વાત ગમી નહિ. તેને પ્રતીતિ થતી ગઈ કે થોડા સિક્કાથી મેળવી શકાય એવી વસ્તુ નથી આ. તે છોકરીનું સામીપ્ય ઝંખવા લાગ્યો. છોકરી પાછી આવી ત્યારે હમીદે તેને લટકામાં વધારે સાકર આપી. તે હસી, હાસ્યમાં તુચ્છકાર ભળેલો હતો જો કે. તેણે કહ્યું કે તેનું નામ રુકિયા છે અને તે હોટેલમાં કામ કરે છે.

હમીદે રાતે પોતાના ખોખા જેવા ઘરની બહાર ઊભા રહીને રુકિયાના નામનો ઉચ્ચાર કર્યો અને અનુભવ્યું કે પોતે વધારે એકલો થઈ ગયો છે. આ પિંજરામાંથી ક્યારે છુટાશે? ‘તેણે વિદેશી શહેરની શેરીઓ તરફ જોઈને વિચાર્યું કે અજાણી છોકરીના સ્પર્શથી તેને આખરે મુક્તિ મળશે.’ (ગુરનાના મોટા ભાગના કથાનાયકો ઝાંઝીબારમાં જન્મેલા દર્શાવાયા છે, વળી તે શરણાર્થી તરીકે અન્ય દેશોમાં વસતા હોય છે.) તેણે શેરીમાં ચાલવા માંડ્યું. કોઈ પોલીસવાળો દેખાયો નહિ. (પોલીસવાળાથી ડરવાનું હશે?) જળનો અવાજ સંભળાયો, ખારી ગંધ આવી, તે દરિયાની ખાડી પાસે પહોંચ્યો. તેને પોતાના વતનના દરિયા કાંઠે વીતાવેલું બાળપણ યાદ આવ્યું. (વતનઝૂરાપો આ લેખકનું એક લક્ષણ છે.)

‘ખાડીની પેલે પારના અંધારામાં અહીં-ત્યાં દીવા ઝબૂકતા હતા. કોણ રહેતું હશે ત્યાં? ભયનું લખલખું ફરી વળ્યું. તેણે કલ્પના કરી કે ક્રૂર મોંવાળા જોરાવર માણસો રહેતા હશે, જેમના પગ નૃત્યમાં ધમધમતા હશે અને શત્રુઓનાં લોહીને ધૂળમાં રગદોળતા હશે. આ માણસોને ખબર હતી કે તેઓ ક્યાં હતા અને પોતે જાણતો સુધ્ધાં નહોતો કે ક્યાં આવી પડ્યો છે.’ (આફ્રિકાના આદિવાસીઓના રિવાજો તરફ ઇશારો.)

છોકરી દુકાને આવે ત્યારે હમીદ તેને કંઈ ને કંઈ વધારે આપી દેતો. કશાની અછત હોય તો વિશેષ ઘરાકો માટે સાચવેલી સામગ્રીમાંથી આપતો. રાતે કલ્પના કરતો કે રુકિયા પડખામાં જ છે. શેરીએ ટહેલતાં તેને લાગતું કે ખભે તેનો જ હાથ છે. ના, મન્સૂરની ડંફાસ ખોટી હતી. ‘થોડી શિલિંગથી ખરીદાઈ શકે એવી છોકરી નહોતી આ, એને માટે તો ગાવું પડે, ઠઠારો કરવો પડે, બહાદુરી બતાડવી પડે.’

એક મોડી સાંજે રુકિયા દુકાને આવી. અન્ય ઘરાકો નહોતા. તેણે મશ્કરી માંડી, ‘અલ્યા, કેટલું કામ કરે છે તું! પૈસા ક્યાં દાટીને સંતાડ્યા છે?’ બિચારો હમીદ બોલ્યો, ‘મારી પાસે તો કશું જ નથી. દુકાન શેઠની છે.’ પેલી કહે, ‘આટઆટલું કામ અને મોજમજા કશી નહિ?’ હમીદે ચમચો સાકર વધુ મૂકી એટલે રુકિયાએ સ્મિત કર્યું, ‘તું મને કાંઈ ને કાંઈ વધુ આપતો જ રહે છે. મને ખબર છે, બદલામાં તારે કશું જોઈતું હશે. જ્યારે જોઈએ ત્યારે તારે મને આ નાની-નાની વસ્તુઓથી વધારે કંઈક આપવું પડશે.’

‘શરમથી હમીદના હોઠ સિવાઈ ગયા. હળવું હાસ્ય કરીને છોકરી અંધકારમાં સરી ગઈ.’ (હમીદની ભ્રમણાનું નિરસન થયું. શુદ્ધ પ્રેમ મળવો ભલે અસંભવ નહિ હોય, પણ અઘરો તો છે જ.)

આ વાર્તા વાંચીને તમને બીજી કઈ વાર્તા યાદ આવી? ફણીશ્વરનાથ રેણુની ‘મારે ગયે ગુલફામ?' જેના પરથી 'તીસરી કસમ' ફિલ્મ બની હતી – રાજ કપૂર અને વહીદા રહેમાન! હિરામન નામના ચાળીસ વર્ષના અપરિણિત, ભલાભોળા બળદગાડીવાળાને કોઈ સ્ત્રીને મેળામાં લઈ જવાની સવારી મળે છે. સ્ત્રી કે ચંપાનું ફૂલ? ગાડી મહેક-મહેક થાય છે! હિરામન બળદ પર લાકડી વીંઝે ત્યાં ગાડીના પરદા પાછળથી ચાંદીની ઘંટડી શો સ્વર સંભળાયો, 'અહા! મારો મત!' હિરામન તળે ઉપર થઈ ગયો, કોણ બેઠું હશે અંદર? ત્યાં તો ચંદ્રકિરણ પડ્યું અને સ્ત્રીના નાકે આગિયો ચમક્યો. ડાકણ-પિશાચણ તો નથી? તેટલામાં ગાડું વળતાં ચાંદનીમાં આકૃતિ દેખા ઈ… 'અરે બાપ! આ તો પરી છે!'

પરીએ પૂછ્યું, 'ભૈયા, તમારું નામ શું?' ‘હિરામન …' 'ત્યારે તો હું તમને મીતા કહીશ, કારણ કે મારું નામ પણ હીરા છે … હીરાબાઈ.' હિરામને કદી નાટક-ચેટક જોયાં નહોતાં, એ શું જાણે કે હીરાબાઈ મશહૂર અભિનેત્રી હતી. તેણે ગાડા પર પરદો ઢાંકી દીધો. હીરાબાઈના આગ્રહથી હિરામન ગાવા માંડ્યો, 'સજનવા બૈરી હો ગય હમારો …' હીરાબાઈએ કહ્યું, 'તમે મારા ગુરુ, કેટલું સુંદર ગાઓ છો.' હિરામનનું મોં શરમથી લાલ થઈ ગયું.

હીરાબાઈ પાણી પીવા ઊતરી ત્યારે હિરામન તેના તકિયાને સ્પર્શ્યો. પાંચ ચલમ ગાંજો સામટો પીધો હોય તેવો કેફ ચડી ગયો. તેગછિયા ગામમાંથી ગાડું નીકળ્યું. બાળકો પરદાવાળું ગાડું જોઈને ગાતાં ગાતાં સાથે દોડ્યાં, 'લાલી-લાલી ડોલિયા મેં લાલી રે દુલ્હનિયા …' હિરામનને પોતાનું સપનું પૂરું થતું લાગ્યું.

મેળાનું સ્થળ આવ્યું. કંપનીવાળા હીરાબાઈને લેવા આવ્યા, હિરામનને સવારીના કડકડતા રૂપિયા આપીને છૂટો કરાયો. હિરામનને લાગ્યું, પોતાનું જાણે અપમાન થયું. હીરાબાઈએ બક્ષિસના રૂપિયા આપ્યા. આ તો વધુ અપમાન! હીરાબાઈએ આગ્રહ કર્યો – મારું નાટક જોવા આવજે.

મન તો નહોતું પણ હિરામન નાટક જોવા ગયો. હીરાબાઈએ લટકાંમટકાં સાથે નાચવું શરૂ કર્યું. ભીડમાંથી કેટલાંક 'રંડી'ને વખાણવા માંડ્યા. આવી ભાષા હિરામન સહી ન શક્યો. પેલાઓ વિફર્યા, 'કેમ 'લ્યા, તું એનો ભડવો છે?' હિરામન સૌને પીટવા માંડ્યો. પુલીસ વચ્ચે પડી.

હીરાબાઈ હો કે રુકિયા – જ્યારે નિર્દોષતાનો ભ્રમ ભાંગે છે ત્યારે સાચા પ્રેમીને બહુ તકલીફ થાય છે!

પ્રગટ : ‘વિન્ડો સીટ’ નામક લેખકની કોલમ, ‘રવિપૂર્તિ’, “ગુજરાત સમાચાર”

સૌજન્ય : ઉદયનભાઈ ઠક્કરની ફેઇસબૂક દિવાલેથી સાદર

Loading

મારી વિદ્યાયાત્રા == પુનશ્ચ == AGAIN ==

સુમન શાહ|Opinion - Opinion|17 January 2022

(૧૦) વ્યાખ્યાન ઍક્ટિન્ગ નથી, પરફૉર્મન્સ છે

= = = વર્ગવ્યાખ્યાનોના અને અન્ય વ્યાખ્યાનોના મારા આજ સુધીના સુ-દીર્ઘ અનુભવનો એક સાર એ છે કે વ્યાખ્યાન રજૂઆત જરૂર છે, પરફોર્મન્સ, પણ એ ઍક્ટિન્ગ નથી. = = =

કોઈ કોઈ અધ્યાપકો સાભિનય વ્યાખ્યાન કરતા હોય છે. હાથ ઊંચા-નીચા કે લાંબા-ટૂંકા કરે. નયન આમતેમ ફેરવતા રહે. મુખમુદ્રાઓ બદલ્યા કરે. અહીંથી તહીં આવ-જા કરે. શક્ય બધું આંગિકમ્ કરે. એને એમ હોય કે – અભિનયથી વ્યાખ્યાન અને હું છવાઇ જઇશું.

નાટકના ‘ખાં’ ગણાઇ ગયેલા એક અધ્યાપકનો સાંભળેલો પણ સાચમાચનો એક કિસ્સો કહું :

કહેનારે કહ્યું મને : એક અધ્યાપક, હમેશાં નાટ્યાત્મક વ્યાખ્યાન કરે છે; કહે, દાખલો આપું, નવલકથામાં આવેલા વર્ણનને એમની સ્ટાઇલમાં સાંભળો; કહે :

અધ્યાપક આસ્તેથી બોલે છે : રૂમનાંઆં … બારણાંઆં … ખૂલ્યાંયાં (અધ્યાપક સાઇડમાં જઈને બારણાં ખોલવાનું માઇમ કરે છે). પ્રિયતમે પ્રિયાને પલંગમાં સૂતેલી જોઈ (અધ્યાપક લયપૂર્વકના હસ્તાભિનયથી ‘સૂતેલી’ દર્શાવે છે). પછી હળવેકથી ઢંઢોળી (અધ્યાપક હળવેકથી ઢંઢોળવાની ચેષ્ટા કરે છે). પ્રિયતમ નમ્રતાથી બોલ્યો – વ્હાલી કુંજુઉઉ …! (ખરેખર તો અધ્યાપક બોલેલા) … જો, મારે તારા જીવનમાં પાછા ફરવું છે … આટલી વખત મને માફ કરી દે … સદા કાળ તારો જ રહીશ … એમ કહી પ્રિયતમે એને બાહુપાશમાં લીધી. (અધ્યાપક બાહુ ફેલાવીને હવામાં બાથ ભીડી બતાવે છે. અને, લાઇક ધૅટ લાઇક ધૅટ કરતા, ફટાફટ, હતા એવા થઈ જાય છે). તાજ્જુબ થઈ વર્ગ એમને જોતો રહી જાય છે.

આ ઉદાહરણમાં મને લાગેલું કે કહેનારે અતિશયોક્તિ કરી છે, પણ વાત પાછળનો કટાક્ષ હું પકડી શકેલો.

વર્ગવ્યાખ્યાનોના અને અન્ય વ્યાખ્યાનોના મારા આજ સુધીના સુ-દીર્ઘ અનુભવનો એક સાર એ છે કે વ્યાખ્યાન રજૂઆત જરૂર છે, પરફોર્મન્સ, પણ એ ઍક્ટિન્ગ નથી.

મેં વ્યાખ્યાનને સર્જકતા સાથે જોડવાની વાત કરેલી. એ સર્જકતાનો શુભારમ્ભ અધ્યાપકના અવાજથી થાય છે. એણે અવાજનું મૉનિટરિન્ગ આવડવું જોઈએ. જરૂર પડ્યે સૉફ્ટ કે હાર્ડ; ફાસ્ટ કે સ્લો.

બીજું, પરફૉર્મન્સને વાગ્મિતાનો હમેશાં ખપ પડે છે. અલબત્ત, વ્યાખ્યાતાએ વાગ્મી નથી થઈ જવાનું પણ વાણીનો ઉચિત માત્રામાં વિનિયોગ કરવાનો છે : એક્કી શ્વાસે ન બોલવું. યતિ, વિરામ – અંગ્રેજીમાં જેને ‘પૉઝ’ કહે છે – એ લેવા. જરૂર હોય ત્યાં પ્રવાહી થઈ જવું : સૂર – ટોન – જાળવવો. કાકુ, સ્વરભાર, હ્રસ્વત્વ-દીર્ઘત્વ કે આરોહ-અવરોહ પણ જાળવવાં.

લખવામાં, અલ્પ અર્ધ પૂર્ણ અને ગુરુ વગેરે વિરામચિહ્નો છે. આજ્ઞાર્થ છે. પ્રશ્નાર્થચિહ્ન છે. ઉદ્ગારવાચક છે. આ બધાં વાણીનાં રૂપો છે. લખીએ ત્યારે તેમ જ બોલીએ ત્યારે પણ એ પ્રગટ થવાં જોઈએ. એટલે તો, સારા લેખકના લેખનમાં જેમ એનો અવાજ 'સંભળાતો' હોય છે તેમ સારા વક્તાની વાણીમાં એનું લેખન ‘દેખાતું’ હોય છે.

સાહિત્યકલા ભાવો અને તદનુસારી અર્થોની સૃષ્ટિ છે. સાહિત્યના અધ્યાપકો પોતાની સર્જક વાણી વડે ભાવોનું ‘અર્થપૂર્ણ દર્શન’ કરાવે અને અર્થોનું ‘ભાવપૂર્ણ શ્રવણ’ કરાવે એ બહુ જરૂરી છે.

વાણીના વિનિયોગને વિશેની ઉચિત સભાનતાથી અભિવ્યક્તિ વધારે સુન્દર બને અને એથી શ્રોતાને વક્તા સાથે જોડાયેલા રહેવાની મજા આવે. સારા વક્તાઓને એ ખાસ આવડતું હોય છે. શ્રોતાને જરા જેટલો ય ચસકવા ન દે.

જો કે અતિ સભાનતા નુક્સાન કરશે. અધ્યાપક ચાવળો લાગશો. આપણા એક વિદ્વાન વિવેચક બોલવામાં પણ હ્રસ્વત્વ-દીર્ઘત્વ અણીશુદ્ધ જાળવતા – પરિશુદ્ધ ! ‘કૂતરું’ બોલે તો ‘કૂઊ’ – એમ લાંબું સંભળાય. જોઈ શકાય કે ‘રું’-ના અનુસ્વાર વખતે એમના નાકનાં ફોરણાં કેટલે ઊંચે ચડી ગયાં.  આરોહ-અવરોહની ચડ-ઊતરથી પણ વક્તા ઘરેડિયો લાગે છે. ઉતાવળે બોલનારને સભા સાંભળવાનું બંધ કરી દે છે.

છેવટે તો ઔચિત્ય જ વ્યાખ્યાતાને અને વ્યાખ્યાનને બચાવી શકે. પરમ ઔચિત્ય એ છે કે વ્યાખ્યાનને અન્તે વ્યાખ્યાતાએ સભામાં કે પોતાના ઘરે થોડા સમય માટે મૌન ધારણ કરવું. મૌન પણ વાણીનું જ એક રૂપ છે.

વ્યાખ્યાનના અનેક પ્રકારો છે. પોતે અધ્યાપક હોય એ નાતે દરેક જગ્યાએ એ-ની-એ સ્ટાઇલમાં લૅક્ચરબાજી કરે તે ન ચાલે. આવકાર-પ્રવચન, વક્તા-પરિચય, અવૉર્ડીની નવાજેશના ફન્કશનમાં પ્રશંસા-વચન, શોકાંજલિ કે આભારદર્શન જેવાં સાવ સામાન્ય વક્તવ્યોને પણ સુન્દર રૂપ આપી શકાય છે. જો કે સવિશેષે તો એ વક્તાની વૈયક્તિક સર્જકતાના પ્રતાપે થવાનું.

પણ, શું ન કરવું કે અનિવાર્યપણે શું કરવું એ કહું :

આવકારમાં પોતાની સંસ્થાની જીવનકથા કહીને લાંબું સ્તુતિગાન ન કરવું. કહેવું તો એ યોગ્ય કહેવાય કે – અમે કાર્યક્રમ પાછળના સાહિત્યિક આશયને ચરિતાર્થ કરવા જોડાયા છીએ.

તાજેતરના એક સમારમ્ભમાં એક જાણીતા વાર્તાકાર-વક્તાનો પરિચય માત્રવિવેચક તરીકે અપાયો. એ તો જાણે બરાબર, પણ સમારમ્ભ તો ટૂંકીવાર્તાઓના પુસ્તક-લોકાર્પણના હતો ! જાણકારો જાણતા હતા કે એ વક્તા ૬ વાર્તાસંગ્રહોના વાર્તાકાર છે, નેશનલ અવૉર્ડી છે, ૨૫ વર્ષથી ટૂંકીવાર્તાને માટેની વર્કશૉપ્સ ચલાવે છે. ખરેખર તો, એ બધી વીગતોને પ્રસંગોચિત વીગતો કહેવાય. સભાને એની જરૂર હોય છે. વક્તાનો આડોતેડો નહીં પણ માત્ર પ્રસંગોચિત પરિચય યોગ્ય ગણાય.

ઍન્કર કે એ કામ કરતો અધ્યાપક ગોખી મારેલાં કવેતાઇ રસિકડાંથી વક્તા અને વિષયને જોડ્યા કરે એથી એ પોતે રસકડો જરૂર લાગે છે, પણ એટલે જ, સભા ધ્યાનસ્થ નથી થઈ શકતી. રાહ જોતી થઈ જાય છે – બીજું રસિકડું ક્યારે આવશે !

અવૉર્ડી કે દિવંગત સાહિત્યકારની સંસિદ્ધિઓના પણ ગુણાનુવાદ કરાય; ત્યારે એની ટીકા ન કરાય. શોકાંજલિસભામાં મૃતક સાથેના પોતાના ‘સબંધ’-ની વાતોનાં વડાં ન કરાય. ‘પોતાની અતિ વ્યસ્તતામાંથી કીમતી સમય કાઢીને પધાર્યા’ – જેવું મસ્કાછાપ આભારવચન ઘણું જ ચવાયેલું તો છે જ, પણ ફાલતુ ખુશામત સૂચવે છે.

Pic Courtesy : Newdesignfile.com

અભિવ્યક્તિ આટલી સુચિન્તિત હોય એટલે સંક્રમણ નામનું ફળ મળે જ મળે. તેમ છતાં, સંક્રમિત થનાર સહભાગી વિદ્યાર્થીઓની કે અન્ય શ્રોતાઓની પણ એ સફળતામાં એટલી જ જવાબદારી છે.

વર્ગમાં બેઠેલો પ્રત્યેક વિદ્યાર્થી સંક્રમણની ઇચ્છા અને ગરજથી ચિત્ત ધરી રહ્યો છે એમ માનવું વિશફૂલ થિન્કિન્ગ છે. ત્યાં વિદ્યાના અર્થીની સરખામણીએ પરીક્ષાના અર્થી વધારે હોય છે. સાહિત્યસભાઓમાં પણ જેને સહેતુક શ્રોતા કહેવાય એવા તો જૂજ મળે. કૉલેજોમાં જેને ગુરુનો 'અન્તેવાસી’ કહેવાય એવો તો કો’ક સદ્ભાગીને જ મળે. મોટા ભાગના ‘આગન્તુક' હોય છે. અધ્યાપક એવા મિક્સ્ડ્ લૉટને સમ્બોધતો હોય છે.

તેથી સંક્રમણ હમેશાં 'પર્ટિક્યુલર કેસ’ હોય છે. કોને થયું કોને ન થયું તેનાં કારણોની વિશિષ્ટ તપાસમાં ઊતરવું પડે છે.

અભિવ્યક્તિ બાબતે ‘ઇન જનરલ’ કહી શકાય છે એવું સંક્રમણ વિશે નથી કહી શકાતું.

તેમ છતાં, એટલું ચૉક્કસ કે વિદ્યાર્થીમાં સંક્રમિત થવાની દાનત હોય, વિદ્યાવૃત્તિ હોય, તો અધ્યાપક એને જરૂર સંભળાય, એ સાંભળતો રહે, ને એમ સંક્રમણ શરૂ થાય. પરન્તુ સંક્રમણ સમ્પન્ન થયું તો ત્યારે જ કહેવાશે જ્યારે અધ્યાપકની વાતો એને સમજાઇ હોય બલકે એની સંચિત સમજમાં ઘડીભર ઠરી હોય.

જો કે, શરૂ થઈને સમ્પન્ન થતાં સુધીમાં તો રીસેસ પડી જાય, છૂટવાનો બેલ પણ પડી જાય. આજના સરેરાશ વિદ્યાર્થીમાં જોડાવાની જિગર નથી એટલી છૂટવાની લ્હાય વધારે છે !

આ સઘળી આપણી કરુણ વાસ્તવિકતા છે ને તેનો મને તો હૃદયથી સ્વીકાર છે ને એટલે સ્તો આટલી નુક્તેચીની ! 

દીવાલો વિનાની યુનિવર્સિટીના આ વિષયમાં, લેખનકલા, વાચન અને ચર્ચા એ ત્રણ પરિમાણની વાત બાકી રહે છે. એ દરેક વિશે પણ મારે ઘણું કહેવું છે, માંડીને કહેવું છે. પણ એટલે જ, બાકી રાખું છું, કોઈ બીજા તબક્કે.

મધુર રસભરી કેરીને ચૂસતાં ચૂસતાં ગોટલા લગી તો ટૅસથી પ્હૉંચી જવાય, પણ પછી ગોટલાને અમુક હદથી વધારે નથી ચૂસી શકાતો, જતો કરવો પડે છે. સાહિત્યકલાની વાતનું પણ એવું છે. મીન્સ, બીજા સુ-અવસરની રાહ જોવી રહે છે.

= = =

(January 17, 2022: Ahmedabad)

સૌજન્ય : સુમનભાઈ શાહની ફેઇસબૂક દિવાલેથી સાદર

Loading

...102030...1,6961,6971,6981,699...1,7101,7201,730...

Search by

Opinion

  • વિદેશનીતિમાં વળાંક: સમજી-વિચારીને લીધેલું પગલું કે કેવળ પ્રચાર?
  • સાઝિશ રમકડાંની
  • શિક્ષણને મામલે આટલી ગરીબ સરકાર ગુજરાતમાં ક્યારે ય આવી નથી …
  • સ્ટ્રેટ ઑફ હોર્મુઝઃ “બહોત કઠિન હૈ ડગર પનઘટ કી …” ભારતની ઊર્જા સુરક્ષા પર સાંકડા માર્ગનો સકંજો
  • ચલ મન મુંબઈ નગરી—334

Diaspora

  • યુ.કે.માં ડ્રાઇવિંગની પરીક્ષા
  • અમીના પહાડ (1918 – 1973) 
  • છ વર્ષનો લંડન નિવાસ
  • દીપક બારડોલીકરની પુણ્યતિથિએ એમની આત્મકથા(ઉત્તરાર્ધ)ની ચંદ્રકાન્ત બક્ષીએ લખેલી પ્રસ્તાવના.
  • ગાંધીને જાણવા, સમજવાની વાટ

Gandhiana

  • માનવતાવાદી ત્રિપુટીને સ્મરણાંજલિ 
  • ગાંધી ‘મોહન’માંથી ‘મહાત્મા’ બન્યા, અને આપણે?
  • ગાંધીહત્યાના પડઘા: ગોડસેથી ગોળવલકર સુધી …
  • ગાંધીની હત્યા કોણે કરી, નાથુરામ ગોડસેએ કે ……? 
  • ગાંધીસાહિત્યનું ઘરેણું ‘જીવનનું પરોઢ’ હવે અંગ્રેજીમાં …

Poetry

  • કવિ
  • ગઝલ
  • ગઝલ
  • કોઈ અપાવે જો એ બાળપણ પાછું …
  • પન્નાને, વેલન્ટાઈન ડે, ફેબ્રુઆરી 14, 2026 ~ સોનેટ ~ નટવર ગાંધી

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • My mother cries on the phone’: TV’s war spectacle leaves Indians in Israel calming frightened families
  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved