Opinion Magazine
Number of visits: 9570962
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

હવે સત્યથી ઓછું તો કોઈ કૈં જાણતું જ નથી …

રવીન્દ્ર પારેખ|Opinion - Opinion|15 November 2021

આજકાલ એટલું મનોરંજન જાહેર માધ્યમો પૂરું પાડે છે કે હવે ટુચકાઓની જુદી ચોપડીઓ વાંચ્યા વગર પણ લોકો હસી કાઢે છે. એક સમય હતો જ્યારે સત્યવાદી તરીકે માત્ર રાજા હરિશ્ચંદ્રનું નામ લેવાતું. હવે એટલા સત્યવાદીઓ થઈ ગયા છે કે સત્યથી ઓછું તો કોઈ કૈં જાણતું જ નથી. આમ તો ભૂલેચૂકે ય કોઈ કૈં ફેંકતું નથી, અરે, જાહેરખબરો ય જુબાં કેસરી થઈ ગઈ છે ! કોઈ ખોટું બોલતું જ નથી, પણ ધારો કે કોઈ બોલે છે તો તે પણ સત્ય થઈ જાય છે. જન્મે ત્યારે બાળક કૈં બોલતું નથી, પણ હવેનું દરેક બાળક સત્યવાદી છે એમ માનવું જ પડે એટલું સત્ય લોકો રોજ રોજ બોલવા લાગ્યા છે. અફસોસ એટલો જ રહેવાનો કે અસત્ય જેવું તો હવે કદી જણાવાનું જ નહીં ! એક સમય હતો જ્યારે કહેવાતું કે સત્ય એક જ હોય, એ પછી સત્ય સાપેક્ષ હોય એવું આવ્યું, હવે સત્ય અનેક હોય એવી સ્થિતિ છે. દરેકનું સત્ય જુદું એટલે અસત્યે ક્યાંક રહેવું હોય તો પણ તેને જગ્યા ન મળે એ સ્થિતિ છે. કોઈ કૈં પણ બોલે એ સત્ય જ છે ને સત્યથી ઓછું તો કોઈ કૈં …

દાખલા તરીકે કોઈ ગૃહ મંત્રી હિન્દી પખવાડિયાની પૂર્ણાહુતિમાં જાય તો જેની ઘંટીનો લોટ હોય તેને જ વખાણે તે સમજી શકાય એવું છે ! તે ગુજરાતી હોય તો પણ કહી શકે કે મને ગુજરાતી કરતાં હિન્દી વધુ પસંદ છે તો એ એક સત્ય છે. એમ જ, એ જ મંત્રી ગુજરાતમાં માતૃભાષા દિવસે એમ પણ કહી શકે કે દરેકે માતૃભાષામાં જ વાત કરવી જોઈએ તો એ બીજું સત્ય છે. ધારો કે એ વિદેશ જાય તો અંગ્રેજીની આરતી પણ ઉતારે એમ બને. તેનો અર્થ એવો નહીં જ કે એ ખોટું બોલે છે. એ તેનું ત્રીજું સત્ય છે. સત્ય હવે વ્યક્તિએ, વ્યક્તિએ જુદું હોવાનું, એટલું જ નહીં, વ્યક્તિનાં પોતાનાં સત્ય પણ અનેક હોવાનાં, હવે આમાં અસત્યે રહેવું હોય તો પણ જગ્યા ક્યાં છે? આ તો બુલેટ ટ્રેન જેવું છે. ટ્રેન એક, પણ રાજ્યે રાજ્યે જુદી ! બુલેટ ટ્રેન ડ્રીમ પ્રોજેક્ટ છે. એ સૌ પ્રથમ સુરતથી બિલિમોરા શરૂ થવાની છે. સુરતનું કેવું (અદ)ભૂત નસીબ છે કે તે વર્લ્ડ ક્લાસ સ્ટેશન બનવાનું છે, પહેલી બુલેટ ટ્રેનનું નસીબ પણ તેને જ મળ્યું ! સુરતથી બિલિમોરા લોકલ શરૂ થઈ છે કે કેમ તે તો નથી ખબર, પણ સુરતથી બિલિમોરા બુલેટ ટ્રેન શરૂ થશે એ નક્કી છે, કારણ એ ડ્રીમ પ્રોજેક્ટ છે. હવે તો ડ્રીમ પણ સત્ય જ છે ! સ્વપ્ન, સત્ય નથી થતાં, શું? તો, એમ શંકા ના કરો, પ્લીઝ !

ગુજરાતની જ વાત કરીએ તો સુરત શિક્ષણનું હબ બનવા જઈ રહ્યું છે, પણ ગમ્મત એ છે કે રાજ્યની ઢગલો યુનિવર્સિટીઓમાંથી એક પણ દેશની શ્રેષ્ઠ યુનિવર્સિટીઓમાં નથી, તેથી હબ વાળી વાત કૈં ખોટી ન થઈ જાય ! કહ્યુંને, ખોટું હવે કૈં રહ્યું જ નથી ! ગુજરાતમાં આટલી યુનિવર્સિટીઓ છે એ તો સાચું છે ને ! એ જુદી વાત છે કે ગુજરાતનાં અઢી લાખ વિદ્યાર્થીઓને વાંચતાં – લખતા આવડતું નથી કે ગણિતમાં 3.80 લાખ વિદ્યાર્થીઓ નબળા છે, તો શું થયું? આ વિદ્યાર્થીઓ જ કોલેજોમાં ને યુનિવર્સિટીઓમાં ડિગ્રીઓ લેશે ને પીએચ.ડી. પણ થશે. કોઈ ડિગ્રી હવે ભણતરની મહોતાજ નથી. આટલી બધી યુનિવર્સિટીઓ છે તે કૈં ખાલી થોડી જ રહેવાની છે ! સત્ય એ છે કે ન ભણાવાય તો પણ પરીક્ષાઓ લેવાશે. પરીક્ષા ન લેવાય તો પણ પરિણામો અપાશે. પરિણામોમાં ટોપર્સ પણ હશે ને પ્રમાણપત્રો પણ મઢાવવા માટે અપાશે જ ! શિક્ષકો નહીં હોય ને વિદ્યાર્થીઓ ભણતા હોય, તો વિદ્યાર્થીઓ વગર પણ સ્કૂલો ચાલશે ને કોલેજો, યુનિવર્સિટીઓ પણ નેટ, નેકથી પ્રગતિ કરવાની જ છે. હવે શું છે કે ઓછામાં ઓછું પ્રગતિ ને વિકાસ તો થાય જ છે. ધારો કે અહીં એડમિશન નથી મળતું, તો વિદેશમાં કૈં એજ્યુકેશનનો દુકાળ નથી. આ જ નબળા કહેવાતા વિદ્યાર્થીઓ ભણશે ને ભણાવશે પણ ! હવેનું સત્ય એ છે કે ભણવા કે ભણાવવા માટે જ્ઞાન જરૂરી નથી.

સાચું એ છે કે કોઈ હવે ખોટું નથી. ભણેલો ખોટો નથી, તો અભણ પણ ખોટો નથી. જેમ અસત્ય રહ્યું નથી, એમ જ હવે કોઈ અભણ પણ રહ્યું નથી. બધાં, બધું જ જાણે છે. કોઈ પણ માણસ કૈં પણ બોલે, એ સત્ય જ હોય છે ને ન હોય તો એ સત્ય થઈ જ જાય છે. ઉત્તર પ્રદેશના એક પૂર્વ મંત્રીએ કહ્યું કે મહંમદઅલી જિન્નાહ પણ ગાંધી, નહેરુ, સરદારની જેમ બેરિસ્ટર થયા ને એમણે પણ આઝાદી અપાવી. જિન્નાહને આઝાદીનું શ્રેય આપવાનું ‘અખિલ’ સત્ય કે ખિલખિલ સત્ય સરદાર જયંતી નિમિત્તે પ્રગટ થયું ને આપણે જે ભણેલા કે જિન્નાહની ભાગલાવાદી વિચારધારાને કારણે પાકિસ્તાન પહેલાં આઝાદ થયું ને ભારત એ પછી એક દિવસે, 15 ઓગસ્ટે આઝાદ થયું, એ વાતની તો પથારી જ ફરી ગઈ ને ! જે માણસ ખલનાયક હતો તેને એક પૂર્વ મંત્રીએ નાયક બનાવી દીધો. દ્રોહીઓ હવે દેશની બહાર નથી. તે આ દેશમાં જ રહી શકે એવી પૂરતી સગવડ છે. એમ થાય કે મંત્રીએ આવું સત્ય કેમ ઘડ્યું? એને કદાચ એવું છે કે એમ કરવાથી 2022ની વિધાનસભા ચૂંટણીમાં મુસ્લિમોના મત મળી જશે. આ દેશની પ્રજા એટલી અબૂધ અને મૂરખ છે કે કોઈ પણ નેતા કૈં પણ ભણાવે તો તે માની લે? મત મેળવવા જે સત્ય નેતાઓ પ્રગટ કરતાં હોય છે એ લોકો ભૂલી જાય છે કે પ્રજાને પણ પોતાનું સત્ય છે. પહેલું સત્ય તો એ કે પ્રજા નાપ તોલ કે બોલમાં માને છે. કોઈ કોર્ટ ન આપે એવો ચુકાદો પ્રજા આપે છે ને ત્યારે સૈકાઓનું, દાયકાઓનું શાસન પણ શીર્ષાસન કરવા લાગે છે. કોઈ શાસન ત્યારે પરિણામ નથી આપતું, પરિણામ પ્રજા આપે છે !

શું છે કે સત્ય અનેક થઈ ગયાં છે ને અસત્ય ક્યાં ય રહ્યું જ નથી એટલે જાતભાતનાં સત્યો સામે આવતાં રહે છે. એવું એક તાજું સત્ય સામે આવ્યું છે કે સાચી આઝાદી 2014માં ભારતને મળી. એ અગાઉ જે 1947માં આઝાદી મળી તે તો ભીખમાં મળી હતી. આ સત્ય એક જાણીતી ફિલ્મ અભિનેત્રીએ બહાર પાડ્યું છે. હવે સત્ય છે એટલે માનવું તો પડે જ ! નટીએ પોતાની વાતના સમર્થનમાં કહ્યું કે 1947માં કોઈ યુદ્ધ થયું નથી, તો આઝાદી ભીખમાં મળેલી જ ગણાય. જો કે, અભિનેત્રી મહાન છે એટલે એને પુછાય તો નહીં કે 2014માં સાચી આઝાદી મળી હોય તો ત્યારે કોઈ યુદ્ધ થયેલું કે કેમ? આમ તો એ હિંગનું ઝાડ છે એટલે બહુ વતાવાય તો નહીં, કદાચ એ ચૂંટણી યુદ્ધ હશે. એ 1947માં લડાયું ન હતું, એ ખરું. એટલે એક સત્ય એ લાધ્યું કે યુદ્ધ થયું હોય ને તાજું થયું હોય, ને પ્રજા તાજી આઝાદ થઈ હોય તો જ એ સાચી આઝાદી ગણાય, બાકી એ પહેલાં 1857નો સ્વાતંત્ર્ય સંગ્રામ થયો હોય કે ભગતસિંહ, ખુદીરામ બોઝ, સુભાષચંદ્ર બોઝ કે જલિયાનવાલા હત્યાકાંડ ને બીજા અનેક પ્રયત્નોનો કોઈ ખાસ અર્થ રહેતો નથી, એ ભીખની આઝાદી જ ગણાય ! જો કે, નટીને એ યાદ હતું કે લક્ષ્મીબાઈએ 1857ના સંગ્રામમાં ભાગ લીધેલો. તે એટલે કે એણે લક્ષ્મીબાઈની ફિલ્મ કરેલી ને એનો એવોર્ડ પણ એને તાજો જ મળ્યો છે. વધારામાં પદ્મશ્રીનો ખિતાબ પણ આ વિશિષ્ટ અભિનેત્રીને તાજેતરમાં જ મળ્યો છે. હવે આટલું બધું સત્ય જેને પક્ષે જમા થયું હોય તે 1947ની આઝાદી ગાય કે 2014ની? જરા તો વિચારો !

બને કે અભિનેત્રીશ્રીનું અગાધ જ્ઞાન જોતાં કોઈ એને 2014 પછીનો ભારતનો ઇતિહાસ લખવાનું કહે તો નવાઈ નહીં ! કારણ સત્ય તો એ જ જાણે છે ને એ પહેલાં તો જે કૈં સત્ય હતું તે ભીખની આઝાદી જેટલું જ હતું. એ ક્યાં આઝાદી હતી, એ તો ભીખ હતી, જે અંગ્રેજોએ જતાં જતાં ભારતના ઠોબલાંમાં નાખી હતી. કાલે કોઈ એવું સત્ય લાવે તો નવાઈ નહીં કે ગાંધીજી આ દેશમાં થયા જ ન હતા તો આઘાત ન લાગવો જોઈએ. નહેરુને ઇતિહાસમાં રખાય એમ બને, કારણ એ પહેલા વડા પ્રધાન હતા ને કાઁગ્રેસના હતા ને કાઁગ્રેસે 2014 સુધી ભારત પર રાજ કર્યું હતું. સરદારનો પણ એકડો ભૂંસાય એમ નથી, કારણ 2014 પછી જ તો એમનું વૈશ્વિક કક્ષાનું સ્ટેચ્યૂ કેવડિયામાં સ્થપાયું ને હવે ચલણી નોટો કેસરિયાં કરતી સરદારનું સત્ય પ્રગટ કરે તો નવાઈ નહીં. બાકી, ગાંધી તો હવે રિચાર્ડ એટનબરોની ફિલ્મમાં જ જોવા મળે એમ બને.

મહાત્મા ગાંધીએ ‘સત્યના પ્રયોગો’ લખી, એ પછી સૌથી વધારે સત્યના પ્રયોગો તો ગાંધી પર થયા છે. હવે તો મુગલાઈ કાળના માર્ગોના નામો બદલાઈ રહ્યા છે, એ જો ઝડપ પકડશે તો ગાંધી આશ્રમ કે માર્ગ  બદલાતા બહુ વાર નહીં લાગે ને ચલણી નોટો પરથી ગાંધીને ખસેડવા હોય તો, નોટબંધીની ક્યાં નવાઈ છે? બોલો રે બધાં, (અ)સત્યમેવ જયતે !

000

e.mail : ravindra21111946@gmail.com

પ્રગટ : ‘આજકાલ’ નામક લેખકની કટાર, “ધબકાર”, 15 નવેમ્બર 2021

Loading

તમે તમારા બાળકને માથું ટેકવીને રડતો જોવા માંગો છો કે સામે કાંઠે પુરુષાર્થ કરતો?

રમેશ ઓઝા|Opinion - Opinion|14 November 2021

કમાલની સમસ્યા છે. જેમને હિંદુ રાષ્ટ્ર જોઈએ છે એ મેધાવી અને મૌલિક હિંદુ પેદા કરી શકતા નથી અને જે મેધાવી અને મૌલિક હિંદુ છે તેને હિંદુ રાષ્ટ્ર જોઈતું નથી. આવી વિડંબના માત્ર હિંદુ રાષ્ટ્રવાદીઓ સામે જ છે એવું નથી, તમામ પ્રકારના ધાર્મિક રાષ્ટ્રવાદીઓ સામે છે. એટલે તો જગતમાં એવો એકે ય દેશ જોવા નહીં મળે જ્યાં ધાર્મિક બહુમતી રાષ્ટ્રવાદી શાસનનું મોડેલ સફળ થયું હોય. ઈસાઈ, ઇસ્લામ, બૌદ્ધ કે બીજા કોઈ પણ ધર્મ આધારિત રાષ્ટ્રવાદમાં માનનારો દેશ આગળ નીકળીને ખાટી ગયો હોય અને આપણે રહી ગયા હોઈએ એવો એક દાખલો બતાવો. (ઇઝરાયેલનો દાખલો આપવાનો કોઈ અર્થ નથી. ઇઝરાયેલ મુંબઈ શહેર કરતાં પણ નાનો ખોબા જેવડો દેશ છે અને તેને અમેરિકા અને વિદેશોમાં વસતા યહૂદીઓનો ટેકો છે. એ લોકો જ ઇઝરાયેલને ટકાવી રહ્યા છે એમ કહીએ તો પણ ખોટું ન કહેવાય.) એ શક્ય જ નથી. જે શાસકો પ્રજાને ભૂત અને ભવિષ્યમાં જીવાડતા હોય અને વર્તમાનથી દૂર ભાગતા હોય અને પ્રજાને દૂર ભગાડતા હોય ત્યાં પુરુષાર્થ શક્ય નથી અને સુખ અને સમૃદ્ધિ માટે પુરુષાર્થ જરૂરી છે અને પુરુષાર્થનો સીધો સંબંધ વર્તમાન સાથે છે. જે શાસકો પ્રજાને રડાવતા હોય, ડરાવતા હોય અને વર્તમાનને ચાતરીને ભવિષ્યનાં મનોહર સપનાં બતાવતાં હોય ત્યાં સુખ અને સમૃદ્ધિ શક્ય નથી.

ભારતને આઝાદી મળી એ પછી કાઁગ્રેસના કેટલાક ટોચના નેતાઓ વેરાવળમાં સોમનાથનું મંદિર બાંધવાના કામે લાગ્યા હતા. સરદાર વલ્લભભાઇ પટેલ, ડૉ. રાજેન્દ્ર પ્રસાદ, કનૈયાલાલ મુનશી અને બીજા દિગ્ગજ નેતાઓએ સોમનાથના મંદિરને બાંધવાના કામને પ્રાથમિકતા આપી હતી. તેઓ હિંદુઓના ઘવાયેલા ગર્વને પુન: સ્થાપિત કરવા માગતા હતા. એ સમયે આપણા જાણીતા કવિ કૃષ્ણલાલ શ્રીધરાણીએ જેરુસલેમની વેઈલીંગ વૉલ સાથે સોમાનાથની સરખામણી કરતો એક લેખ લખ્યો હતો. તેમાં તેમણે જવાહરલાલ નેહરુને પણ ટાંક્યા છે. એમાં તેમણે લખ્યું હતું કે સૈકાઓથી યહૂદીઓ જેરુસલેમમાંના તોડી નાખવામાં આવેલાં યહૂદી મંદિરના અવશેષરૂપ બચેલી પશ્ચિમ દિશાની દીવાલનો ઉપયોગ રોવા અને છાતી પીટવા માટે કરી રહ્યા છે. આમ તો એ દીવાલનું મૂળ નામ વેસ્ટર્ન વૉલ છે પણ સદીઓથી યહૂદીઓ તેનો ઉપયોગ જખમ યાદ કરીને રડવા માટે કરતા હોવાથી તેનું નામ વેઈલીંગ વૉલ પડી ગયું છે. અક્ષરસઃ યહૂદીઓ જેરુસલેમ જઇને એ દીવાલ ઉપર હાથ ફેરવીને ધ્રુસકે ધ્રુસકે રડે છે. વેઈલીંગનો અર્થ થાય છે, રુદન કે રોકકળ. ઈશુની ક્રોસ ઉપર ખીલ્લા ઠોકેલી લોહી નિંગળતી તસ્વીર તમે જોઈ હશે. શિયા મુસલમાનોને મોહરમમાં કરબલાની શહાદતને યાદ કરીને જાહેરમાં રડતા અને છાતી પીટતા જોયા હશે.

જ્યારે તમને રડાવવામાં આવે છે ત્યારે રડવાનું કારણ આપવામાં આવે છે અને એ કારણનો રાજકીય ખપ હોય છે. સદીઓથી યહૂદીઓની એક પેઢી બીજી પેઢીને રડવાનું કારણ આપીને જાય છે. સદીઓથી ખ્રિસ્તીઓની એક પેઢી બીજી પેઢીને રડવાનું કારણ આપીને જાય છે. સદીઓથી શિયા મુસલમાનોની એક પેઢી બીજી પેઢીને રડવાનું કારણ આપીને જાય છે. જુઓ આપણી સાથે દુશ્મનોએ શું કર્યું હતું! એ પછી એ દુશ્મન કે દુશ્મનોનું ચિત્ર તૈયાર કરવામાં આવે છે, એમાં પેઢી – દર પેઢી દુષ્ટતાનાં આવરણો ચડાવવામાં આવે છે, રડવા માટેનાં કારણોની દાસ્તાનો વધારેને વધારે હૃદયસ્પર્શી બનાવવામાં આવે છે, વગેરે. એ પછી? એ પછી તમે જાણો છો કે જ્યાં દ્વેષ હોય ત્યાં વેર હોય અને વેરવૃત્તિનો રાજકીય ખપ હોય છે.

કૃષ્ણલાલ શ્રીધરાણીએ નેહરુને ટાંકીને લખ્યું છે કે ઇતિહાસને માત્ર ભૂલીને ભૂંસી શકાય છે. સોમનાથનું નવું મંદિર પરાજીત હિંદુઓના ઘવાયેલા ઇતિહાસની યાદ ભૂલાવવાનું નથી, પણ કાયમ રાખવાનું છે. તો પછી પ્રતિષ્ઠાની પુન:સ્થાપના ક્યાં થઈ? એનાથી ઊલટું જો વર્તમાનમાં પુરુષાર્થ કરીએ, પ્રજાની અંદર આત્મવિશ્વાસનું આરોપણ કરીને તેને પુરુષાર્થી બનાવીએ તો તેઓ આધુનિક યુગનાં એવાં મંદિરોનું નિર્માણ કરી શકશે કે દુનિયા જોતી રહે. માત્ર વર્તમાન જ ભવિષ્ય રચે છે જે આગળ જતાં પ્રજા ગર્વ લઈ શકે એવો ભવ્ય ભૂતકાળ કે ઇતિહાસ બનવાનો છે. અતીતમાં પરાજીત થયા તો પરાજીત થવા માટેનાં કારણો હતાં અને વર્તમાનમાં વિજયી થઈને ભવિષ્ય બનાવવું હોય તો વિજય માટેનાં કારણો શોધવાં અને અપનાવવાં જોઈએ.

તો વાતનો સાર એ છે કે સફળ લોકો સમયનું મૂલ્ય જાણે છે. તેઓ ભૂતકાળના જખમોને યાદ કરતા રહીને રડીને સમય વેડફતા નથી કે નથી સપનાંઓ જોતાં રહીને ભવિષ્યમાં. તેઓ પુરુષાર્થ કરીને વર્તમાનમાં સમયનું રોકાણ કરે છે. માટે હજારોની સંખ્યામાં એવા ઐશ્વર્યવાન હિંદુઓ મળી આવશે, જેઓ પોતાને હિન્દુત્વવાદી તો કહેતા નથી, પણ હિંદુ કોમી રાષ્ટ્રનો વિરોધ કરે છે. તેઓ સમયનું અને જિંદગીનું મૂલ્ય જાણે છે. બીજી બાજુએ હિન્દુત્વવાદીઓ તેના સો વરસના ઇતિહાસમાં એવા દસ હિંદુ આપી શક્યા નથી, જેનાં જીવન અને કવનને જોઇને આપણે નતમસ્તક થઈ જઈએ. હા, રાજકારણમાં સફળ થઈ શકાય. અલગ અલગ પ્રકારની વેઈલીંગ વૉલ્સ ઉપલબ્ધ છે, જે પ્રજાની અંદર દીવાલો રચી આપે છે, જેનો રાજકીય ખપ છે. રાજકીય અને ધાર્મિક સત્તા સિવાય વેઈલીંગ વૉલ્સનો કોઈ ખપ નથી.

નાઉ, ધ ચોઈસ ઈઝ યોર્સ. તમે તમારા બાળકને આ કાંઠે વેઈલીંગ વોલ પર માથું ટેકવીને રડતો જોવા માગો છો કે સામે કાઠે પુરુષાર્થ કરતો?

પ્રગટ : ‘નો નૉનસેન્સ’, નામક લેખકની કટાર, ‘રવિવારીય પૂર્તિ’, “ગુજરાતમિત્ર”, 14 નવેમ્બર 2021

Loading

પ્રવાસના શોખીન ગુજરાતીઓના ગમતા શબ્દો : સ્ટેકેશન, રિવેન્જ ટ્રાવેલ, સોલો ટ્રિપ્સ, ઑફબીટ રૂટ્સ

ચિરંતના ભટ્ટ|Opinion - Opinion|14 November 2021

પેરિસ, રોમ, ગ્રીસ કે પ્રાગનું નામ લઇને ‘રોલાં પાડવા’નો પ્રયાસ કરનારા ગુજરાતીઓ હવે ગર્વથી ‘ઓફબીટ એક્સપિરિયન્સ’ની વાતો કરે છે

દિવાળીની રાહ જોતા હતા અને તહેવાર આવીને ગયો પણ ખરો. મુંબઇ જેવાં શહેરોમાં બધી દોડાદોડી એકાદ દિવસ પૂરતી માંડ બંધ રહે અને પછી ઘરેડ જેવી હતી તેવી.

આ વર્ષે માસ્કવાળી બીજી દિવાળી રહી. ફરવાનો ‘પોગ્રામ’ કર્યા વિના આપણને ગુજરાતીઓને મજા ન પડે. નોકરી ધંધા તો આખું વર્ષ ચાલવાના અને એમાં પાછું આ વર્ષે તો ત્રીજા વેવની તલવાર મ્યાનમાં રહેશે કે નિકળશેની ચિંતા પણ ખરી. આવી હાલતમાં મોટે ભાગે ‘ટ્રાવેલ ટૂરિઝમ’ના ધંધામાં તેજી લાવનારા ગુજરાતીઓએ ‘લિઝર’ માટે નવા રસ્તા શોધી કાઢ્યા. આ વખતે વાઇરસને ‘નાખો વખારે’ કરીને ગુજરાતીઓએ એકે ય ટૂરિઝમ સ્પોટને ખાલી નથી રહેવા દીધા. આસાપાસ હોય કે દૂર – ફરવું તો પડશે જ ભાઇસાબના ઝોનમાં આવેલા ગુજરાતીઓએ ટ્રાવેલ અને ટૂરિઝમની મંદીને તેજીમાં ફેરવી નાખી, એમ કહેવામાં કોઇ અતિશયોક્તિ નથી.  રોમમાં રસ પૂરી અને પેરિસમાં પાતરા ન થાય, તો કંઇ વાંધો નહીં, પણ જલસા તો કરવા જ પડે અને માટે જ ‘સ્ટેકેશન’, ‘ફાર્મ હાઉસ’,  ‘વિલા સ્ટેઝ’, ‘વિનયાર્ડ ટ્રીપ્સ’, ‘આઉટ સ્કર્ટ્સ વિકેન્ડ્ઝ’ જેવા રસ્તા શોધી કાઢ્યા છે.

રોગચાળાને કારણે ૨૦૨૦નું મોટા ભાગનું વર્ષ ચિંતામાં જ પસાર થયું, પણ દિવાળીની આસપાસ અને ખાસ કરીને વર્ષાંતે લોકોની હિંમત જરા ખૂલી. છતાં ય ટ્રાવેલનાં રિસ્ટ્રિક્શન્સ હતાં અને હજી દૂર સુધી પ્રવાસ કરવામાં લોકોમાં ખાસ્સો ખચકાટ હતો. રોગચાળાને પગલે લોકો જે રીતે મુસાફરી કરતા હતા, તેમાં ભારે ફેરફાર આવ્યા અને સૌથી વધુ જો કોઇ ટ્રેન્ ઉપડ્યો હોય તો એ હતો ‘સ્ટેકેશન’નો ટ્રેન્ડ! સ્ટેકેશનનનો સરળ અર્થ થાય સ્ટે અને વેકેશન – જેમાં તમે એવું વેકેશન લો જે તમારા ઘરની નજીક હોય અને તમારા સામાન્ય હૉલીડે કરતાં જરા એક-બે દિવસનો સમય તમે વધારે લો. ન્યુ નોર્મલ તરફ આગળ વધી રહેલી દુનિયામાં સ્ટેકેશન લોકોમાં પૉપ્યુલર બન્યા. જે શહેરમાં રહેતાં હોય ત્યાંની જ કોઇ લક્ઝૂરિયસ હૉટેલમાં અથવા તો શહેરથી સહેજ દૂર આવેલા કોઇ લક્ઝૂરિયસ રિસોર્ટમાં રહેવા જવું અને ત્યાં મળતી બધી જ સવલતો માણવાનો ટ્રેન્ડ ફરવા-ઉત્સુક ગુજરાતીઓને માફક આવી ગયો. લૉકડાઉનમાં પરણેલાં કપલ્સે હનીમૂનના વિકલ્પ તરીકે હાઇ-એન્ડ રિસોર્ટ જે ઘરની નજીક હોય ત્યાં જવાનું પસંદ કર્યું તો બર્થ ડે ઉજવવા માટે પણ યંગસ્ટર્સે થ્રી સ્ટાર હોટલ્સથી માંડીને ફાઇવ સ્ટાર હોટલ્સના રૂમ્સ હાયર કરી ગણતરીના લોકો સાથે સેલિબ્રેશન કરવાનું પસંદ કર્યું. કલાકો સુધી વર્ક ફ્રોમ હોમ કરનારાઓ માટે પણ સ્ટેકેશનનો ડિ-સ્ટ્રેસિંગ અનુભવ અનિવાર્ય બની ગયો. આ સંજોગોમાં હોટેલિયર્સે પણ તગડાં ડિસ્કાઉન્ટ, એક્સ્ટ્રા પર્ક્સ વાળી ડીલ્સ જેવું ઘણું ઑફર કર્યું. 

ટ્રાવેલ ઇન્ડસ્ટ્રીમાં વપરાતો એક શબ્દ છે રિવેન્જ ટ્રાવેલ – બદલો લેવા માટે ટ્રાવેલ કરનારા એટલે કોઇ ખુન્નસથી ફરવા જનારાઓ નહીં પણ રૂટિન – ઘરેડ તોડવા માગતા લોકો જ્યારે મુસાફરી કરવાનું નક્કી કરે, ત્યારે તેને રિવેન્જ ટ્રાવેલ કહેવાય. લૉકડાઉન ફટિગને તોડવા માટે, એક સરખી ઘટમાળમાંથી બહાર આવવા માટે પહાડોની ટોચ હોય કે દરિયા કાંઠો હોય – જ્યાં ખાસ ભીડ ન હોય તેવી જગ્યાઓ પર મુસાફરી કરનારાઓની સંખ્યા વધી. વળી સોલો ટ્રિપ્સનો ટ્રેન્ડ પણ તેજીમાં આવ્યો. ઘરમાં સતત બધાં સાથે રહ્યા પછી તો ભાઇસા’બ મિત્રો ય ન ખપે એવી માનસિક સ્થિતિ થઇ હોય તેવા લોકોની સંખ્યા ઓછી નથી. આવા લોકોએ સોલો ટ્રિપ લેવાનું પસંદ કર્યું અને તે પણ દૂર જવાને બદલે શહેરની સરહદે આવેલા સ્થળોએ જવું, એડવેન્ચર ટ્રાવેલ જેવું કંઇ જ્યાં ટ્રેકિંગ કરી શકાય તેવી સ્થળે જવાનું પસંદ કર્યું. બીજી તરફ ફેમિલી ઑરિયેન્ટેડ ધનિકોને ફાર્મ હાઉસ પાર્ટી સિવાયના હેતુસર કામે લાગ્યા. વાઇરસને કારણે ખાસ કરીને ફાર્મ હાઉસ કલ્ચર ખાસું એવું વિકસ્યું છે. એક સમયે વિકેન્ડ પાર્ટી માટે જ વપરાતા ફાર્મ હાઉસ પર કમ્ફર્ટ વધારીને ત્યાં શાંતિથી સમય પસાર કરનારાઓની સંખ્યા વધી. લોકલ એક્સપિરિયન્સને મહત્ત્વ આપનારા ગુજરાતીઓને ભજિયાં તળી આપતા મહારાજ અને ચાઇનિઝ લાવી આપનારા ગુરખાઓ સાથે ફાર્મ હાઉસ પર કે લોનાવલાના બંગલાઓ પર સમય પસાર કરવાનું હવે વધારે માફક આવે છે.

આ બધા ઉપરાંત કંઇક નવો અનુભવ મળે તેવો પ્રવાસ કરનારાઓની સંખ્યા પણ વધી.  ઇન્ટરનેટ જનરેશનના પ્રભાવમાં યોલો – એટલે કે યુ ઓનલી લિવ વન્સની મેન્ટાલિટી વાઇરસને કારણે પ્રબળ થઇ. આ સંજોગોમાં ઓછો ખેડાયેલો હોય તેવો વિકલ્પ પસંદ કરવો અને કંઇક અલગ અનુભવવાની ચાહ ગુજરાતીઓમાં વિકસી. સાપુતારા હોય કે દમણ કે પછી ડાંગ કે પછી મુંબઇની આસપાસ આવેલા કામશેત જેવા વિસ્તારોનો અનુભવ લઇ ત્યાંના લોકો સાથે કનેક્ટ થવું વગેરે ૨૦૨૧ના ટ્રાવેલ ટ્રેન્ડ્ઝમાં પૉપ્યુલર બન્યા. વળી વેડફાટમાં એક્સપર્ટ લોકો હવે સસ્ટેનેબલ ટ્રાવેલ કરવાનું પસંદ કરે છે. વળી વિલાઝ કે કોટેજ હાયર કરી કામના બોજ વિના જાતે ખાવા પીવાનું મૅનેજ કરવાનો અનુભવ લેનારાઓની સંખ્યા પણ વધી. વળી પીવાના શોખીન ગુજરાતીઓ નાસિકની આસપાસના વિનયાર્ડ્ઝને એક્સપ્લોર કરીને કેલિફોર્નિયાની નાપા વેલીમાં હમણાં નહીં જઇ શકાયના અફસોસને હાંસિયામાં ધકેલી દે છે.

વળી, ખાવા પીવાના શોખીન ગુજરાતીઓ માટે ચાર ધામ યાત્રાના વિકલ્પો પણ હાલમાં ખોરંભે મુકાયેલા છે. કુદરતી આફત અને કથિત રીતે માનવસર્જીત વાઇરસે ભલભલું બદલી નાખ્યું છે અને ગુજરાતીઓની પ્રવાસના વિકલ્પોમાં આવેલો ફેરફાર આ સંજોગોનું જ પરિણામ છે. મુદ્દો એ છે કે તેઓ (આપણે) હજી ય કશું જતું કરીને કે મન મનાવીને બેસવાને બદલે રસ્તા તો શોધી જ લે છે (લઇએ છીએ).

બાય ધી વેઃ

સોશ્યલ ડિસ્ટન્સિંગ, હાઇજીનની કાળજી, સેનિટેશનની સગવડમાં કોઇ પણ બાંધછોડ કર્યા વિના મુસાફરીની પૂરેપૂરી મોજ કેવી રીતે લઇ શકાય, તેની કુનેહ ગુજરાતીઓએ કેળવી લીધી છે.  પેરિસ, રોમ, ગ્રીસ કે પ્રાગનું નામ લઇને ‘રોલાં પાડવા’નો પ્રયાસ કરનારા ગુજરાતીઓ હવે ગર્વથી ‘ઓફબીટ એક્સપિરિયન્સ’ની વાતો કરે છે.  વાઇરસની વિદાયનો ડંકો વાગે એટલી વાર છે, પછી ફરી એકવાર, રોમમાં રસ પૂરી અને પેરીસમાં પાતરાંની જાહેરાતોથી આકર્ષાઇને વીસ દિવસમાં ૧૨ શહેરો ફરી આવેલા ગુજરાતીઓની વાતો સાંભળા તૈયાર રહેજો.

પ્રગટ : ‘બહુશ્રૃત’ નામક લેખિકાની સાપ્તાહિક કટાર, ’રવિવારીય પૂર્તિ’, “ગુજરાતમિત્ર”,  14 નવેમ્બર 2021

Loading

...102030...1,6951,6961,6971,698...1,7101,7201,730...

Search by

Opinion

  • ગુજરાતની દરેક દીકરીની ગરિમા પર હુમલો ! 
  • શતાબ્દીનો સૂર: ‘ધ ન્યૂ યોર્કર’ના તથ્યનિષ્ઠ પત્રકારત્વની શાનદાર વિરાસત
  • સો સો સલામો આપને, ઇંદુભાઇ !
  • અ મેસી (Messie / Messy ) અફેરઃ ઘરનાં છોકરાં ઘંટી ચાટે, ઉપાધ્યાયને આટો
  • ચલ મન મુંબઈ નગરી—320

Diaspora

  • દીપક બારડોલીકરની પુણ્યતિથિએ એમની આત્મકથા(ઉત્તરાર્ધ)ની ચંદ્રકાન્ત બક્ષીએ લખેલી પ્રસ્તાવના.
  • ગાંધીને જાણવા, સમજવાની વાટ
  • કેવળ દવાથી રોગ અમારો નહીં મટે …
  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !
  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ

Gandhiana

  • ગાંધીસાહિત્યનું ઘરેણું ‘જીવનનું પરોઢ’ હવે અંગ્રેજીમાં …
  • સરદાર પટેલ–જવાહરલાલ નેહરુ પત્રવ્યવહાર
  • ‘મન લાગો મેરો યાર ફકીરી મેં’ : સરદાર પટેલ 
  • બે શાશ્વત કોયડા
  • ગાંધીનું રામરાજ્ય એટલે અન્યાયની ગેરહાજરીવાળી વ્યવસ્થા

Poetry

  • ગઝલ
  • કક્કો ઘૂંટ્યો …
  • રાખો..
  • ગઝલ
  • ગઝલ 

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved