Opinion Magazine
Number of visits: 9674299
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

અલવિદા, ડેસમંડ ટુટુ

ડંકેશ ઓઝા|Opinion - Opinion|31 December 2021

થોડાં વરસ પર વિપુલ કલ્યાણી અને હું દક્ષિણ આફ્રિકાનાં ગાંધીતીર્થની યાત્રાએ ગયા ત્યારે ઈલા ગાંધી સ્વયંસેવી ઊલટથી અમને સેલ્ફડ્રાઈવ કરી ફાતિમા મીરને મળવા લઈ ગયાં હતાં. એ જ સવારે અમે ગાંધીજી વિશે ઘસાતું (દક્ષિણ આફ્રિકી મૂળ પ્રજા સંદર્ભે) સાંભળ્યું હતું અને કંઈક ક્ષુબ્ધ પણ હતા. વાત ચાલી, ત્યારે ફાતિમા મીરે તળ ગુજરાતી પારસી લહેકામાં ને વળી હલકથી કહ્યું, ‘મધુરાધિપતેર અખિલં મધુરમ’ની તરજ પર, કે એવણનું બધ્ધું મીઠ્ઠું અને પછી ઉમેર્યું, હમણાં જ ડેસમંડ ટેટુએ કહ્યું તે તમે સાંભળ્યું કે નહીં – અમારું હૃદય ફાડીને જુઓ. એમાં ગાંધી દેખાશે.

— પ્ર.ન.શા.

“નિરીક્ષક” તંત્રી

°°°

ભારતનો અને દક્ષિણ આફ્રિકાનો સંબંધ જૂનો અને જાણીતો છે. મોહનદાસ કરમચંદ ગાંધી ત્યાં વસતા ભારતીયો અને ગિરમીટિયાઓ માટે, તેમના અધિકારો માટે લડ્યા અને તે સમયે ‘ગાંધીભાઈ’ તરીકે જાણીતા થયા અને ત્યાં શરૂઆતના બે આશ્રમો સ્થાપ્યા, એ સઘળી વિગતો પાછળથી ગાંધીજીએ લખેલા પુસ્તક ‘દક્ષિણ આફ્રિકાનો ઇતિહાસ’માં સંગ્રહેલી છે. ઘણાને યાદ હશે કે આ પુસ્તક ગાંધીજીએ જેલમાં રહ્યા-રહ્યા લખ્યું હતું અને ઇન્દુલાલ યાજ્ઞિક ગાંધીજી લખાવે તેમ લખતા હતા.

આ બધું આજે યાદ કરવાને કારણ છે રંગભેદ વિરોધી નેતા ડેસમંડ ટુટુ નેવું વર્ષની વયે ૨૬મી ડિસેમ્બરના રોજ દક્ષિણ આફ્રિકાના જોહાનિસબર્ગમાં અવસાન પામ્યા છે. કાળા-ગોરાની લડાઈ દાયકાઓ સુધી ચાલી છે. ઘણા લોકોએ તેમાં જાન ગુમાવ્યા છે. ૧૯૮૦ના દાયકામાં તે ઘણી ઉગ્ર બની હતી. ઘણું લોહી વહ્યું હતું, ત્યારે અશ્વેત લોકોના નેતા તરીકે ડેસમંડ ટુટુ ઊભર્યા હતા.

ગાંધીજી રંગભેદનો ભોગ બન્યા હતા અને વાજબી ટિકિટ હોવા છતાં રેલવેના પહેલા વર્ગના ડબ્બામાંથી પ્લૅટફૉર્મ પર ધકેલી દેવાયા હતા ! જે ઘટના થકી જ તેમનો ઉદય મહાત્મા સુધી થયો હતો. આ એક ઘટનાની આપણને ખબર છે, પરંતુ આનાથી વધુ અપમાનજનક અને આઘાતજનક હિંસાત્મક ઘટનાઓ તે સમયના શ્વેત-શાસન તરફથી અશ્વેત પ્રજા પર આચરવામાં આવતી હતી, જે જાણીએ અને વાંચીએ તો માનવજાત પ્રત્યે નફરત જ નફરત પેદા થાય! ભલું થજો નેલસન મંડેલાનું જે પોતે રંગભેદનીતિ સામે લડતાં-લડતાં દાયકાઓ સુધી જેલમાં રહીને, બહાર નીકળ્યા પછી ૧૯૯૪માં દક્ષિણ આફ્રિકાના રાષ્ટ્રપતિ તરીકે ચૂંટાયા હતા. તે વખતે મંડેલાએ ડેસમંડ ટુટુને અગાઉની સરકારોએ આચરેલા અત્યાચારો અંગેના તપાસપંચના અધ્યક્ષ નીમ્યા હતા.

મંડેલા અને ટુટુ બન્ને ત્યાંના સ્થાનિક નેતાઓ હતા. રંગભેદ વિરોધી ચળવળના લડવૈયાઓ હતા. ટુટુ તો ખ્રિસ્તી-ધર્મના પુરોહિતવર્ગમાંથી લડવા માટે આગળ આવ્યા હતા. ધર્મ એટલે કર્મકાંડ માત્ર નહિ, પરંતુ દેખીતા અન્યાય સામે લડત એ સાચો ધર્મ. એ વાત આવાં અનેક ઉદાહરણો થકી આપણને જાણવા મળે છે. આ બન્ને નેતાઓ તેમના લાંબા સમયના કાર્યકાળ પછી નોબેલ પારિતોષિક પ્રાપ્ત કરનારા પણ બન્યા હતા, જે આપણે સૌ જાણીએ છીએ.

ડેસમંડ ટુટુનો જન્મ ૭-૧૦-૧૯૩૧ના રોજ પશ્ચિમ જોહાનિસબર્ગના એક પરગણામાં થયો હતો. ૧૯૬૧માં તેઓને ચર્ચના પુરોહિતવર્ગમાં દાખલ કરવામાં આવ્યા હતા. તેમનાં પત્ની આજે ૬૬ વર્ષનાં છે અને તેમને ચાર બાળકો છે. એક સમયે જ્યારે એમને એમ પૂછવામાં આવ્યું કે તમને લોકો કેવી રીતે યાદ કરે તે ગમે, ત્યારે એમણે જવાબ વાળેલો કે : “આ એવો માણસ હતો જેણે લોકોને ચાહ્યા, લોકો સાથે હસ્યાં અને રડ્યાં, તેને ક્ષમા મળી અને તેણે ક્ષમા આપી. આવા વિશેષાધિકારો તેને જીવનભર પ્રાપ્ત થતા રહ્યા.”

અનેક લોકોએ પોતાને લગતા અન્યાયો સામે સતત લડતો આપી છે. એમ પણ કહેવાયું છે કે અન્યાય સહન કરનાર અન્યાય આચરનાર જેટલો જ મોટો ગુનેગાર છે. માણસજાતે ખોટા અન્યાયો લાંબો સમય સુધી સહન કરતા રહેવાની કોઈ જરૂર નથી એ ગાંધી, મંડેલા, ટુટુ જેવા અનેક નેતાઓ આપણને શીખવી ગયા છે. શાસક કે શોષણખોર ગમે તેટલો જલ્લાદ કેમ ન હોય – પ્રજાએ અને પ્રજાકીય નેતાઓએ પોતાના નૈતિક બળથી લાંબી લડતો આદરીને, ક્યારેક સફળતા તો ક્યારેક નિષ્ફળતા, અવશ્ય મેળવી છે. પરંતુ આખરે વિજય તો સત્યનો જ થયો છે. આવી ઇતિહાસસિદ્ધ હકીકતો આપણને પ્રેરણા પૂરી પાડે છે.

ડેસમંડ ટુટુ સદાય કહેતા કે હું ચૂપ નહિ રહી શકું. તેઓ એમ પણ કહેતા કે ઘાંટા પાડીને બોલવાને બદલે તમારી દલીલ એવી મજબૂત કરો જેનો પ્રતિકાર ન થઈ શકે! લડતમાં લડવાનું પણ છે અને જતું પણ કરવાનું છે. ક્યારે માફ કરી દેવું અને ક્યારે અડગ રહેવું એ બરાબર સમજવાનું છે. સદાય એવી આશા રાખવાની છે કે ગાઢ અંધકારને અંતે તેજકિરણ મળવાનું જ છે. તમે જ્યાં પણ હોવ, ત્યાં રહીને અન્યાય વિરુદ્ધ પોતાનાથી થાય તેટલું અવશ્ય કરતા રહો અને બાકીનું ઈશ્વરના ભરોસે છોડી દો. ઈશ્વરી સત્તા એ ન્યાયી છે અને હરહંમેશ એ તમારી પડખે છે એવો અહેસાસ અનુભવો. હું શાંત રહી શકું એવું જરૂર ઇચ્છું છું, પણ અન્યાય સામે જોઈને તેમ ન કરી શકું અને નહિ કરું.

કોઈકે ઠીક કહ્યું છે કે સદીઓના ઇતિહાસનો અભ્યાસ કરીએ, તો એવું જાણવા મળે છે કે માણસજાત ઇતિહાસમાંથી કશું શીખી નથી. એનો અર્થ એ થયો કે આપણે એકની એક ભૂલો ફરી કરીએ છીએ. લોકોએ અન્યાય સામે લડીને જીત મેળવી છે એ વાત અંકે કરીને સક્રિય બનવાને બદલે નિરાશ થઈએ છીએ. ભૂતકાળ આપણને ભવિષ્ય માટે ઉત્સાહ પ્રેરનારો હોવો જોઈએ, નિરાશ કરનારો નહિ.

રિવાજ તો મૃતાત્માઓેને અંજલિ આપવાનો રહ્યો છે. આમ જોઈએ એ એક પ્રકારનો, કર્મકાંડ થઈ ગયો છે. આપણે શ્રાદ્ધપક્ષમાં દૂધપાક ખાઈને અટકી જઈએ છીએ. પૂર્વજોએ શ્રદ્ધા પૂરી પાડનાર જે તત્ત્વો આચરી બતાવેલાં તેને અનુસરવાનું ભાગ્યે જ કરીએ છીએ. ઇતિહાસનાં પાત્રો પણ આપણા પૂર્વજો જ છે. તેમનાં કાર્યોમાંથી આપણે પ્રેરણા મેળવવાની છે. એ પ્રેરણા કદી પણ હતાશા કે નિરાશાની ન હોઈ શકે, પરંતુ પ્રોત્સાહન અને વિજયની જ હોઈ શકે.

ચાલો, આજે પણ આપણે ગાઢ અંધકારથી ડર્યા વિના તેજકિરણની આશાએ આપણને લાગતા-અનુભવાતા વ્યક્તિગત, સામાજિક અને જાહેર અન્યાયો સામે આપણી શક્તિ મુજબની નાની કે મોટી લડત લડવાનું કે તેમાં જોડાવાનું કે લડતા હોય તેમને ટેકો આપવાનું નક્કી કરીએ. આવું કરી શકીએ, તો તે કર્મકાંડથી આગળની વાત હશે.

સૌજન્ય : “નિરીક્ષક”, 01 જાન્યુઆરી 2022; પૃ. 03

Loading

વસતિ સમસ્યાનો અંત

રમેશ બી. શાહ|Opinion - Opinion|31 December 2021

એક સારા સમાચાર આવ્યા છે. ભારતની વસતિ સમસ્યા ઉકલવા પર છે. જેને અંગ્રેજીમાં ‘ટોટલ ફર્ટિલીટી રેટ’ કહેવામાં આવે છે તે ઘટીને ર.૦ જેટલો થયો છે. આ આંકડા પાંચમા નૅશનલ ફેમિલી હેલ્થ સર્વેમાંથી સાંપડ્યાં છે. ગુજરાતીમાં આપણે આ દરને કુલ પ્રજનન દર કહીશું. આ દર સ્ત્રીઓ દીઠ સરેરાશ બાળકોની સંખ્યા દર્શાવે છે, એટલે કે સ્ત્રીઓ દેશમાં સરેરાશ કેટલાં બાળકોને જન્મ આપે છે તે દર્શાવે છે. આ દર દેશમાં ર.૧ થાય ત્યારે દેશની વસતિ સમય જતાં સ્થિર થાય છે. તેથી અંગ્રેજીમાં એને ‘રીપ્લેસમેન્ટ લેવલ’ કહે છે. ભારતમાં ર૦૧પ-૧૬માં આ પ્રજનન દર ર.ર હતો, જે ઘટીને ર.૦ થયો છે. શહેરી વિસ્તારોમાં એ દર ૧.૬ છે. જ્યારે ગ્રામીણ વિસ્તારોમાં એ ર.૧ છે. એનો અર્થ એ છે કે દેશના ગ્રામીણ વિસ્તારો પણ વસતિવધારાના પ્રશ્નથી મુક્ત થયા છે.

દેશનાં બધાં રાજ્યોમાં આ પ્રજનન દર એક સરખો નથી. પશ્ચિમ બંગાળ અને પંજાબમાં તે ૧.૬ છે. મહારાષ્ટ્ર, કર્ણાટક અને આંધ્રમાં તે દર ૧.૭ છે. બીજી બાજુ બિહારમાં ૩.૦ અને ઉત્તર પ્રદેશમાં ર.૪ છે. ઝારખંડમાં તે ર.૩ છે. આના પરિણામે જે એક ધારણા હતી કે ર૦ર૪થી ર૦ર૮ના ગાળામાં ભારત સૌથી વધુ વસતિવાળો દેશ થશે, તેમાં હવે વિલંબ થશે. એકંદરે દક્ષિણનાં રાજ્યોમાં આ દિશામાં વધારે પ્રગતિ થઈ છે. મહારાષ્ટ્ર, કર્ણાટક અને નાગાલૅન્ડમાં પ્રજનનદર ૧.૭ છે. આઠ રાજ્યોમાં તે ૧.૮ છે. એમાં કેરલ, તામિલનાડુ, તેલંગાણા અને ઓડિશાનો સમાવેશ થાય છે. પાંચ રાજ્યોમાં દર ૧.૯ છે. એમાં હરિયાણા, આસામ, ગુજરાત વગેરેનો સમાવેશ થાય છે.

ભારતે ૧૯પરથી કુટુંબનિયોજનની નીતિ અપનાવી હતી, જ્યાં સરકારી રાહે વસતિનીતિ અપનાવવામાં આવી હતી. આ વસતિનીતિ ૭૦ વર્ષે ફળદાયી નીવડી છે. જો કે, જે પ્રજનન દરમાં જે ઘટાડો થયો છે, તેનો સઘળો યશ સરકારની કુટુંબનિયોજનની યોજનાને આપી શકાશે નહીં. દેશમાં શિક્ષણનો પ્રસાર થયો છે, વસતિનું શહેરીકરણ થયું છે અને લોકોની આવકમાં વધારો થયો છે, તે પરિબળોએ પણ ભાગ ભજવ્યો છે. દુનિયાના આજના વિકસિત દેશોમાં આર્થિક વિકાસની સાથે વસતિવૃદ્ધિનો દર ઘટ્યો હતો, એની સાથે એ દેશોમાં શિક્ષણનો પ્રસાર થયો હતો. તેથી કુટુંબનિયોજનની નીતિ વગર પણ વસતિવૃદ્ધિનો દર ઘટ્યો હતો એટલે કે લોકોએ આપમેળે કુટુંબનિયોજન કર્યું હતું.

વિવિધ રાજ્યોમાં પ્રજનનદરમાં જે તફાવત છે, તેનો સૂચિતાર્થ સમજવા જેવો છે. જે રાજ્યોમાં પ્રજનનદર ર.૦ કરતાં ઓછો છે, ત્યાં સમય જતાં વસતિ ઘટશે અને યુવાન વસતિનું પ્રમાણ ઘટશે. બીજી બાજુ, વૃદ્ધોનું પ્રમાણ વધશે તેથી એ રાજ્યોમાં કામદારોની અછત સર્જાશે. જો કે, આ લાંબા ગાળાની વાત છે. જે પાંચ રાજ્યોમાં પ્રજનનદર ર.૧ કરતાં વધારે છે, ત્યાં વસતિવધારો લાંબો સમય ચાલુ રહેશે. ત્યાં પણ છેવટે પ્રજનનદર ઘટીને ર.૧ કે તેથી ઓછો થશે જ.

આ પરિણામ પ્રત્યેક દેશમાં આવ્યું છે. જ્યાં પ્રજનનદર ર.૦ કરતાં ઓછો થયો છે. એ દેશોમાં યુવાનોનું પ્રમાણ ઘટ્યું છે અને વૃદ્ધોનું પ્રમાણ વધ્યું છે. વૃદ્ધો ઉત્પાદક ન હોવાથી તેમને નિભાવવા યુવાન કામદારોની જરૂર પડે છે. જો કે, ટેકનોલોજીની પ્રગતિને લીધે કામદાર દીઠ ઉત્પાદકતા વધી હોવાથી રાષ્ટ્રીય આવકનો વૃદ્ધિદર ટકાવી શકાય છે અને વૃદ્ધોને નિભાવવાનું સરળ પડે છે. પણ શરત એ છે કે કામદારોની ઉત્પાદકતા વધવી જોઈએ.

ઉપર આપણે એમ લખ્યું છે કે પ્રજનનદર ઘટવાનો યશ કેવળ કુટુંબનિયોજનની નીતિને આપી શકાય નહીં. પણ એક વાતની નોંધ લેવી જોઈએ. સંતતિનિયમનનાં સાધનોમાં ઘણો વધારો થયો છે. એટલે કે એનો ઉપયોગ કરનારાંની સંખ્યા વધી છે. ર૦૧પ-૧૬માં કુટુંબનિયોજનનાં સાધનોનો ઉપયોગ કરનારાં ૪૯.૮ ટકા હતાં. એ પ્રમાણ વધીને ર૦૧૯-ર૧માં પ૬.પ ટકા થયું છે. સ્ત્રીઓનું વંધ્યત્વીકરણ ર૦૧પ-૧૬માં ૩૬ ટકા હતું, જે વધીને ર૦૧૯-ર૧માં ૩૮ ટકા થયું છે. આમ, કુટુંબનિયોજનનો બોજો મુખ્યત્વે સ્ત્રીઓ ઉપર છે. કુટુંબનિયોજનની ગુણવત્તામાં પણ વધારો થયો છે, જે લોકોએ કુટુંબનિયોજનની માહિતી અધિકૃત સ્રોતોમાંથી મેળવી હતી, તેનું પ્રમાણ ૪૬ ટકાથી વધીને ૬ર ટકા થયું છે. આમ, કુટુંબનિયોજન એ આપણી જીવનશૈલીનો એક ભાગ બન્યું છે. આ એક મોટું સામાજિક પરિવર્તન છે.

સૌજન્ય : “નિરીક્ષક”, 01 જાન્યુઆરી 2022; પૃ. 04

Loading

ભારતમાં માનવ અધિકારોની ઉપેક્ષા થાય છે ?

ચંદુ મહેરિયા|Opinion - Opinion|30 December 2021

માંડ અઠ્ઠાવીસ વરસની આવરદા ધરાવતું નવજવાન ‘નેશનલ હ્યુમન રાઈટસ કમિશન’, માનવ અધિકારોના જતનની બાબતમાં મરિયલ ભાસે છે.

જાહેર વૈશ્વિક મૂલ્ય ધરાવતાં માનવ અધિકારોનું ભારતમાં જતન થાય છે, કે તે ઉપેક્ષિત છે ? માનવ અધિકારોના ભંગથી પીડિત નાગરિક અને સરકાર વચ્ચે ઊભેલા, માનવ અધિકારોની સુરક્ષાની બંધારણીય પ્રતિબદ્ધતા સ્થાપવા રચાયેલા, ‘રાષ્ટ્રીય માનવ અધિકાર આયોગ’ના અધ્યક્ષ જ સરકારના તરફદારની જેમ વર્તે તો માનવ અધિકારનું રક્ષણ કોણ કરશે તેની વિમાસણ થાય છે. તાજેતરમાં ‘નેશનલ હ્યુમન રાઈટ્સ કમિશન’ના ચેરપર્સન, સુપ્રીમકોર્ટના નિવૃત્ત ન્યાયાધીશ જસ્ટિસ અરુણકુમાર મિશ્રાએ, વડા પ્રધાન અને ગૃહ પ્રધાનની હાજરીમાં સરકારની ભાટાઈ કરી હતી. તેમણે આંતરરાષ્ટ્રીય શક્તિઓના ઈશારે સરકાર પર માનવ અધિકારોના ભંગના જૂઠા આરોપો લગાવાતા હોવાનું જણાવી જમ્મુ-કશ્મીર અને નોર્થ ઈસ્ટમાં શાંતિના યુગની સ્થાપનાનું શ્રેય કેન્દ્રીય ગૃહ મંત્રીને આપ્યું હતું.

સંયુક્ત રાષ્ટ્રસંઘે પેરિસ સિદ્ધાન્તને અનુસરીને દુનિયાભરમાં માનવ અધિકારોના રક્ષણ માટે માનવ અધિકાર પંચોની રચના કરાવી હતી. તેને કારણે ૧૯૯૩માં જ ભારતમાં રાષ્ટ્રીય માનવ અધિકાર આયોગની રચના થઈ હતી. માનવ અધિકારોના જતનની બાબતમાં માંડ અઠ્ઠાવીસ વરસની આવરદા ધરાવતા નેશનલ હ્યુમન રાઈટસ કમિશનની ભૂમિકા ભર જુવાનીમાં મરિયલ ભાસે છે. શાયદ એટલે જ આ બંધારણીય નહીં પણ કાનૂની સંસ્થાને સર્વોચ્ચ અદાલતે ટૂથલૈસ ટાઈગર કહી છે.

ભારતીય નાગરિકના જીવનની સ્વતંત્રતા, સમાનતા અને સન્માન સાથે જોડાયેલા અધિકારોનું હનન થાય તો તેની તપાસ કરવાનું કામ માનવ અધિકાર પંચનું છે. સત્તાવાર કહેવાયું છે તેમ છેલ્લા અઠ્ઠાવીસ વરસોમાં તેણે માનવ અધિકાર ભંગના વીસ લાખ કેસોનું નિરાકરણ કર્યું છે; માનવ અધિકાર સંરક્ષણ અધિનિયમની કલમ ૧૮ હેઠળ પંચને પીડિતને વળતર આપવાની તેને સત્તા મળી છે. અને તેણે રૂ. ૨૦૫ કરોડના વળતરની ભલામણો કરી છે. પરંતુ આયોગની ભલામણો સરકારને બાધ્ય નથી. આયોગને મળેલા સિવિલ કોર્ટના અધિકાર અને તેની સમક્ષની ન્યાયિક કાર્યવાહી દેખાડાની તેમ જ કાગળ પર જ રૂપાળી લાગે છે.

માનવ અધિકારના રક્ષણની કામગીરી જેના માથે છે તે પોલીસ સામે જ કાયમ સૌથી વધુ માનવ અધિકાર ભંગની ફરિયાદો થાય છે. ‘નેશનલ ક્રાઈમ રેકોર્ડ બ્યૂરો’ના અહેવાલ મુજબ છેલ્લા દસ વરસોમાં પોલીસ વિરુદ્ધ વાર્ષિક ૪૭.૨ ટકાના દરે માનવ અધિકાર ભંગના અપરાધિક મામલા નોંધાય છે. ૨૦૧૦થી ૨૦૧૯ દરમિયાન પોલીસ કસ્ટડીમાં દર વરસે સરેરાશ સો લોકોના મોત થાય છે. ‘જેલ નહીં બેલ’ના નિયમ અને જામીનના અધિકાર છતાં જેલોમાં ૩.૫ લાખ કાચા કામના કેદીઓ છે અને તે પૈકી ૭૦ ટકા વિચારાધીન કે સજા કરતાં વધુ સમયથી જેલમાં છે. માર્ચ ૨૦૧૭થી ઓગસ્ટ ૨૦૨૧ સુધીમાં દેશના સૌથી મોટા રાજ્ય ઉત્તર પ્રદેશમાં પોલીસ ગોળીબારની ૮,૪૭૨ ઘટનાઓ બની હતી. તેમાં ૧૪૬ લોકોના મોત અને ૩,૩૦૨ ઘાયલ થયા હતા.

પોલીસ આત્મરક્ષામાં ગુનેગારોને મારી નાંખવા મજબૂર બને છે તેમ જેના માટે કહેવાય છે તે પોલીસ એન્કાઉન્ટરની ઘટનાઓ માનવ અધિકારોનાં હનનનું વરવું રૂપ છે. સુપ્રીમ કોર્ટના રિટાયર્ડ જજ જસ્ટિસ મદન લોકુર તેને કોલ્ડ બ્લડેડ મર્ડર કહે છે. ‘સેન્ટર ફોર ક્રિમિનલ જસ્ટિસ રિફોર્મ એન્ડ રિસર્ચ’નો, માર્ચ ૨૦૧૭થી માર્ચ ૨૦૧૮ના એક વરસમાં પશ્ચિમ યુ.પીની પોલીસ મૂઠભેડના સત્તર બનાવોનો અભ્યાસ, આંખ ઉઘાડનારો છે. આ ૧૭ એન્કાઉન્ટરમાં ૧૮ લોકોના મોત થયા હતા. મૃતકોમાં ૧૭ લઘુમતી સમુદાયના અને ૧ બહુમતી સમુદાયના હતા. પોલીસ જેને સ્વબચાવમાં મોત નિપજાવ્યાનું ગણાવે છે તે એટલે પણ ખોટું ઠરે તેમ છે કે આ ૧૭ મામલામાં ૨૮૦ પોલીસ અધિકારી-કર્મચારી સામેલ હતા. તેમાંથી માત્ર ૨૦ જ ઘાયલ થયા હતા અને તે પૈકી ૧૫ને તો સાવ મામૂલી ઈજાઓ થઈ હતી. આ ૧૭માંથી ૧૪ એન્કાઉન્ટરની રાષ્ટ્રીય માનવ અધિકાર પંચની તપાસ પૂર્ણ થઈ હતી અને તેને માત્ર એક જ મૂઠભેડ નકલી લાગી છે !

ભારત માનવ અધિકારના જતન, રક્ષણ, સંવર્ધનનો ઉજળો ઇતિહાસ ધરાવે છે. દક્ષિણ આફ્રિકાના રંગભેદ સામે લડવા તેણે જ દુનિયાને તૈયાર કરી હતી. હાલમાં તેણે જ અફઘાનિસ્તાનની વર્તમાન હાલત અંગે ચર્ચાની પહેલ કરી છે. ૧૯૪૫માં સંયુક્ત રાષ્ટ્ર સંઘની માનવ અધિકાર ઘોષણાઓ અને ૧૯૯૩માંના ‘ઈન્ટરનેશનલ બિલ ઓફ રાઈટસ’ના ઘડતરમાં ભારતનો સિંહફાળો છે. બાંગ્લાદેશનો મુક્તિ સંગ્રામ, તિબેટના દલાઈ લામાની લડત, શ્રીલંકામાં તમિળોના અધિકારો માટે ભારત અગ્રેસર રહ્યું છે. એટલે તે ઘર આંગણે માનવ અધિકારની બાબતમાં પાછળ કેમ રહે છે તે સવાલ છે. રાજકીય હસ્તક્ષેપને લીધે ઈન્ટરનેશનલ હ્યુમન રાઈટસ કમિશને ભારતના નેશનલ હ્યુમન રાઈટસ કમિશનના ગુણાંક ૨૦૧૬માં ઘટાડ્યા હતા. જો કે ૨૦૧૭માં પછી તે સુધર્યા હતા તે આશ્વસ્ત કરે છે. એ જ રીતે ભારતીય ફોજદારી ધારા હેઠળ ૨૦૧૦થી ૨૦૧૯ દરમિયાન ગુનાઓ વધ્યા છે પણ ધરપકડો ઘટી છે. ભારતે માનવ અધિકારના રક્ષણ ક્ષેત્રે તેની આ સિદ્ધિ જાળવી રાખવાની છે.

નેશનલ હ્યુમન રાઈટ્સ કમિશનની દંતનહોરવિહીન ભૂમિકા છતાં તેણે કેટલુંક ઉત્તમ કામ કર્યું છે. જુદા જુદા વિષયોની આયોગની બાવીસ માર્ગદર્શિકાઓ માનવ અધિકારના સંરક્ષણ માટે મહત્ત્વની બની છે. પરંતુ તેની પાસે ઘણી વધારે અપેક્ષા રહે છે. આયોગ સમક્ષના દસ કામોમાંથી એક જ ન્યાયને લગતું છે પરંતુ તે જ મુખ્ય બની ગયું છે. આયોગના પ્રતિનિયુક્તિ પરના પોલીસ અધિકારીઓ માનવ અધિકાર ભંગના મામલાની તપાસમાં તેમના વ્યવસાયી લોકો પ્રત્યે નિષ્ઠા કે ઉદારતા રાખતા હોવાનું બને છે. આયોગ પણ માનવ અધિકાર ભંગની તપાસ સંબંધિત પોલીસ થાણાના અધિકારીઓ પાસે જ કરાવે છે. રાષ્ટ્રીય માનવ અધિકાર આયોગની રચનામાં વિપક્ષનો અવાજ સંભળાતો નથી કેમ કે આયોગના અધ્યક્ષ અને સભ્યોની નિમણૂક માટેની સમિતિમાં સત્તાપક્ષના સભ્યોની બહુમતી છે. માનવ અધિકાર ભંગના કેસોમાં સરકાર કશી કાર્યવાહી ન કરે તો આયોગને સ્વતંત્ર તપાસનો અધિકાર કાયદા થકી મળ્યો છે, પણ તેનો કદી અમલ થતો નથી. જો આયોગની રચના, કામગીરી અને સત્તામાં સુધારા થાય તો માનવ અધિકારોનું વધુ સારી રીતે જતન થઈ શકે તેમ છે.

અદાલતોએ માનવ અધિકાર ભંગની બાબતમાં ઘણા પ્રગતિશીલ ચુકાદા આપ્યા છે. મૂળભૂત અધિકારો બંધારણથી મળ્યા છે પણ માનવ અધિકારો તો જન્મથી જ મળે છે. કાયદા સમક્ષની સમાનતા છતાં કાયદાનો અમલ અસમાન રીતે થાય છે તેમ માનવ અધિકારો સમાન હોવા છતાં નબળાઓના જ માનવ અધિકારોનું વધુ હનન થાય છે. એટલે પણ તેની જાળવણી અનિવાર્ય છે.

e.mail : maheriyachandu@gmail.com

Loading

...102030...1,6881,6891,6901,691...1,7001,7101,720...

Search by

Opinion

  • આનંદ તેલતુંબડેની જેલડાયરી
  • જ્ઞાતિસૂચક અટકોની નાબૂદીથી જ્ઞાતિ નિર્મૂલન શક્ય છે?
  • આવ્યા આવ્યા દિવસો હડતાલના …
  • ૧૪૪મી કલમનો મનસ્વી ઉપયોગ : મૂળભૂત અધિકારોનું હનન છે.
  • સત્ય, તથ્ય અને નિસબતનો દસ્તાવેજ એટલે ડાર્વિનની આત્મકથા

Diaspora

  • છ વર્ષનો લંડન નિવાસ
  • દીપક બારડોલીકરની પુણ્યતિથિએ એમની આત્મકથા(ઉત્તરાર્ધ)ની ચંદ્રકાન્ત બક્ષીએ લખેલી પ્રસ્તાવના.
  • ગાંધીને જાણવા, સમજવાની વાટ
  • કેવળ દવાથી રોગ અમારો નહીં મટે …
  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !

Gandhiana

  • ગાંધી ‘મોહન’માંથી ‘મહાત્મા’ બન્યા, અને આપણે?
  • ગાંધીહત્યાના પડઘા: ગોડસેથી ગોળવલકર સુધી …
  • ગાંધીની હત્યા કોણે કરી, નાથુરામ ગોડસેએ કે ……? 
  • ગાંધીસાહિત્યનું ઘરેણું ‘જીવનનું પરોઢ’ હવે અંગ્રેજીમાં …
  • સરદાર પટેલ–જવાહરલાલ નેહરુ પત્રવ્યવહાર

Poetry

  • ગઝલ – 1/2
  • સખીરી તારો એ હૂંફાળો સંગાથ …
  • વસંતાગમન …
  • એ પછી સૌના ‘આશિષ’ ફળે એમ છે.
  • ગઝલ

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved