Opinion Magazine
Number of visits: 9745664
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

ચલ મન મુંબઈ નગરી—139

દીપક મહેતા|Opinion - Opinion|2 April 2022

પહેલા ગુજરાતી ગ્રેજ્યુએટનું પહેલું નાટક

જ્યારે ખારાં પિસ્તાં ને બદામનું પડીકું ચાર આનામાં મળતું!

અંક બીજો

બીજા અંકનો પડદો ઉપડવાને થોડી વાર છે હજી. ખારાં બદામ-પિસ્તાંનું પડીકું ચાર આનામાં ખરીદીને પેટનો ખાડો થોડો પૂરી લીધો હશે. બટેટાં વડાં, સમોસાં, સેન્ડવિચ, પોપ કોર્ન વગેરે એ વખતે થિયેટરમાં વેચાતાં નહિ. એનું કારણ કદાચ હતું ખાવા-પીવાની બાબતમાં ઉજળિયાત વર્ગના ઘણાખરા લોકોના કડક વિધિ-નિષેધ. હા, ખભે ગમછો લટકાવેલા કોઈ ભૈયાજી પિત્તળની કિટલી લઈ થિયેટર બહાર ‘બામણિયા ચા’ વેચતા દેખાય ખરા. પહેલી ચાર-પાંચ રોમાં મુંબઈના જાણીતા શેઠિયાઓ, શેર બ્રોકરો, વેપારીઓ, જ મોટે ભાગે જોવા મળે. ક્યારેક કોઈક પારસી, ખોજા કે વહોરાજી પણ હોય. શેઠિયાઓએ બગલાની પાંખ જેવું ‘પરમસુખ’ ધોતિયું પહેર્યું હોય. ઉપર ૫૬ ઈંચનો એવો જ સફેદ ડગલો. ડગલાનાં સોનાનાં બટન ચમકતાં હોય. તો બે-ચારના ડગલામાં સોને મઢ્યાં હીરાનાં બટન પણ ઝગારા મારતાં હોય. ઉપલા ખિસ્સામાંથી સોનાની ચેન લટકતી હોય. તેને છેડે ગોલ્ડ પ્લેટેડ ઘડિયાળ. માથે ઝીણા ભરતકામવાળી ક્રીમ કે બ્રાઉન કલરની ટોપી. પગમાં કાળાં બૂટ-મોજાં. તો કોઈના પગમાં મોજડી. કેટલાકના હાથમાં ચાંદીની મૂઠવાળી સીસમની લાકડી. ટેકા માટે નહિ, મોભા માટે. આખા થિયેટરમાં ‘બૈરાં’ બહુ ઓછાં દેખાય. જે હોય તેમણે ભારે સાડી પહેરી હોય અને સોના-હીરાના દાગીના શરીર પર લાદ્યા હોય. ઈન્ટરવલમાં નજર પગના અંગૂઠા પર ખોડાયેલી રહે. અને હા, શેઠિયાની બાજુમાં જે ‘બૈરું’ બેઠું હોય તે તેમની ‘ઘરવાળી’ જ છે એમ માની લેવાની ભૂલ કરવી નહિ.

પણ હવે પડદો ઉપડવાની તૈયારીમાં છે. અરે, આ ઉપડ્યો!

પ્રવેશ પહેલો

“ગુજરાતીમાં હજુ સુધી આવું નાટક લખાઉં નથી ને આ પેલું છે. માટે એમાંની ખોડોને વાસ્તે માફ માગવાનો મને વધારે હક છે એવો મારો વિચાર છે.” આ શબ્દો લખાયા છે ૧૮૬૨ના ઓગસ્ટની પાંચમી તારીખે. લખનાર છે નગીનદાસ તુલસીદાસ. ઉંમર વર્ષ બાવીસ. વ્યવસાય? મુંબઈની એલ્ફિન્સ્ટન કોલેજમાં અભ્યાસ. એ ઉંમરે પણ પોતાની પહેલી કૃતિને વિવેચકની દૃષ્ટિથી જોઈ શકે એટલા પરિપક્વ હતા નગીનદાસ. પ્રસ્તાવનામાં લખે છે : “આ નાટકના પહેલા બે અંકો અને છેલ્લા ત્રણ અંકોમાં કંઈ જ સંબંધ નથી એવું કેટલાકને લાગશે, પણ ઊંડી નજરે જોતાં માલમ પડશે કે તેઓમાં સંબંધ છે.” એ જમાનામાં આ નાટક દ્વારા લેખકે પુખ્તવયે થતાં પ્રેમલગ્નનો પુરસ્કાર કર્યો છે. અલબત્ત, એ વખતે જ્ઞાતિપ્રથાની પકડ એટલી મજબૂત હતી કે નાટકનાં નાયક-નાયિકા ભોગીલાલ અને ગુલાબ બન્ને એક જ જ્ઞાતિનાં છે એવું લેખકે જણાવવું પડ્યું છે.

નગીનદાસ તુલસીદાસ અને તેમનું નાટક ‘ગુલાબ’

સાહિત્યના વિવેચન અને ઇતિહાસમાં એક ભ્રમ એવો ફેલાયો છે કે આપણા સાહિત્યમાં પ્રાદેશિક કે વર્ગવિશેષની બોલીનો ઉપયોગ તો ગાંધી યુગથી જ શરૂ થયો. પણ આ નાટકના પહેલા બે અંકમાં લેખકે એ જમાનામાં બોલાતી વિવિધ બોલીઓનો ભરપટ્ટે ઉપયોગ કર્યો છે. સુરતી વેપારીની બોલી, ખલાસીઓ અને બંદર પરના મજૂરોની બોલી, પારસી તથા નાગર અમલદારોની બોલી, અરે, બ્રિટિશ જજની અંગ્રેજી મિશ્રિત ગુજરાતી બોલી. અહીં પાત્ર અને પ્રસંગને અનુરૂપ થાય એવી રીતે પ્રયોજાઈ છે. અદાલતના સીનમાં તો બોલીઓનો ભરપટ્ટે ઉપયોગ કરવાની તક લેખકને મળી ગઈ છે. અંગ્રેજ જજ, અદાલતનો નાગર અધિકારી મધુવછરામ, અને જુદી જુદી કોમના સાક્ષીઓ. દાયકાઓ પછી ચંદ્રવદન મહેતાએ લખેલા નાટક ‘આગગાડી’ના પ્લેટફોર્મ સીનનો પુરોગામી બની રહે તેવો આ કોર્ટ સીન છે.

ગુજરાતી રંગભૂમિ પરના નાટકનું દૃષ્ય

પણ આ નગીનદાસ હતા કોણ? નગીનદાસનો જન્મ સુરતમાં, ૧૮૪૦માં. વેપારી કુટુંબ. આડતિયાનું કામ એટલે અટક પડી મારફતિયા. પ્રાથમિક શિક્ષણ સુરતમાં. પછી આગળ ભણવા મુંબઈ. ૧૮૬૨માં મુંબઈ યુનિવર્સિટીએ પહેલી વાર બી.એ.ની પરીક્ષા લીધી. તેમાં માત્ર ચાર છોકરા પાસ થયેલા, ચારે મરાઠીભાષી. બીજે વર્ષે, ૧૮૬૩માં લેવાયેલી પરીક્ષામાં પાસ થઈ નગીનદાસ પહેલવહેલા ગુજરાતી ગ્રેજ્યુએટ બન્યા. પોતે ભણેલા તે એલ્ફિન્સ્ટન કોલેજમાં જુનિયર દક્ષિણા ફેલો તરીકે કામ કર્યું. પછી વકીલ થયા, વકીલાત કરી. કોલેજમાં ભણતા ત્યારથી કવિ નર્મદ સાથે દોસ્તી. આ ગુલાબ નાટક નર્મદને જ અર્પણ કર્યું છે. નર્મદના સાપ્તાહિકનું ‘ડાંડિયો’ નામ પાડનાર પણ નગીનદાસ જ. તેમાં અવારનવાર લખતા પણ ખરા. ગુલાબ ઉપરાંત બીજું એક નાટક ‘માણેક’ પણ લખેલું જે ત્રિમાસિક ‘બુદ્ધિવર્ધક ગ્રંથ’માં પ્રગટ થયેલું. પણ પુસ્તકરૂપે પ્રગટ થયું હોવાનું જાણવા મળતું નથી. નગીનદાસ આમ તો રોજ હવેલીમાં દર્શને જતા, ત્યાં બેસી ભજનો ગાતા. પણ મહારાજ લાયબલ કેસમાં સુધારાવાદીઓની સાથે રહેલા. નર્મદના પુનર્લગ્નને પણ ટેકો આપેલો અને નર્મદના અવસાન પછી પણ તેની પત્નીઓ ડાહીગૌરી, સવિતાગૌરી, અને પુત્ર સાથે સંબંધ ચાલુ રાખેલો. ૧૯૦૨માં ૬૨ વર્ષની વયે તેમનું અવસાન થયું.

પ્રવેશ બીજો

૧૮૫૩ના ઓક્ટોબરની ૨૯ તારીખ, શનિવાર. પહેલવહેલું ગુજરાતી નાટક ‘રૂસ્તમ અને સોરાબ’ અને ફારસ ‘ધનજી ગરક’ નાના શંકર શેઠે બંધાવેલા ગ્રાન્ટ રોડ થિયેટરમાં ભજવાયું. તેમાં જે પારસી પુરુષોએ ભાગ લીધો હતો તેમાંના એક હતા નાનાભાઈ રૂસ્તમજી રાણીના. નાટ્યલેખક અને રંગકર્મી, કોશકાર. કવિ નર્મદ, કરસનદાસ મૂળજી જેવા સુધારકોના મિત્ર અને મદદગાર. વ્યવસાયે પહેલાં શિક્ષક, પછી લાઈબ્રેરિયન. ૧૮૫૭માં ધોબી તળાવ પર ‘યુનિયન પ્રેસ’ શરૂ કર્યું. પછીથી તે હોર્નિમન સર્કલ નજીક ખસેડાયું, જ્યાં હજી આજે પણ એ ચાલુ છે. શેક્સપિયરના ‘ટેમિંગ ઓફ ધ શ્રૂ’ પરથી બનાવેલું ‘ફેરાવન ફરન્ગીઝ’ તેમનું પહેલું નાટક. ‘પાક દામન ગુલજાર’ એલ્ફિન્સ્ટન નાટક મંડળીએ ૧૮૭૦-૭૧માં ભજવેલું. ૧૮૮૦માં ‘નાજાં શીરીન,’ ૧૮૮૧માં ‘કાળાં મેંઢાં,’ ૧૮૮૭માં ‘હોમલો હાઉ,’ ૧૮૯૩માં ‘વેહમાયલી નજર’, વગરે તેમનાં લખેલાં નાટકો મુંબઈની રંગભૂમિ પર સફળતાથી ભજવાયેલાં. હિંદુ દંતકથા પરથી લખેલું ‘સાવિત્રી’ ૧૮૮૨માં પ્રગટ થયેલું. ૧૮૬૫માં પ્રગટ થયેલ ‘શેકસપિયર નાટક’માં ‘કોમેડી ઓફ એરર્સ’ અને ‘ઓથેલો’ પરથી કરેલાં પારસી-ગુજરાતી રૂપાંતરો સમાવ્યાં છે.

પારસી રંગભૂમિ પર ભજવાતું એક પૌરાણિક નાટક

નાનાભાઈના બાપનાં બપાઈનું નામ હતું રાણીબાઈ. તેમના વંશજો પહેલાં ‘રાણીબાઈના’ અને પછીથી ‘રાણીના’ તરીકે ઓળખાયા. રૂસ્તમજી પૂનામાં કોમેસેરિયેટ ખાતાના કોન્ટ્રેકટર તરીકે કામ કરતા. પણ નાનાભાઈનો જન્મ મુંબઈના મોસાળના ઘરે થયેલો, ૧૮૩૨ના મે મહિનાની ૩૧મી તારીખે. શરૂઆતનું શિક્ષણ પૂનામાં. ખાધેપીધે સુખી કુટુંબ, એટલે દીકરાને લાડકોડમાં ઉછેરતા. પણ પછી પહેલાં માતા ડોસીબાઈનું અને પછી પિતા રુસ્તમજીનું અણધાર્યું અવસાન થયું. છેવટનાં વર્ષોમાં રુસ્તમજીને ધંધામાં ભારે ખોટ આવેલી એટલે કુટુંબ પૈસેટકે પાયમાલ થઈ ગયેલું. ત્રણ ભાઈ-બહેન મુંબઈ મોસાળમાં રહેવા આવ્યાં.

૧૮૬૨ના અરસામાં આખા દેશમાં અને પરદેશમાં પણ ‘મહારાજ લાયબલ કેસ’ ખૂબ ગાજેલો. કરસનદાસ મૂળજીના ‘સત્યપ્રકાશ’ સામે જદુનાથજી મહારાજે લાયબલ(માનહાનિ)નો કેસ માંડેલો. એ સત્યપ્રકાશ છપાતું નાનાભાઈના યુનિયન પ્રેસમાં. એટલે કેસમાં નાનાભાઈ પણ સંડોવાયા. કેસ શરૂ થતાં પહેલાં મહારાજશ્રીએ પોતાના એક ખાસ માણસને નાનાભાઈ પાસે મોકલીને સંદેશો કહાવ્યો : ‘આ તો અમારો હિન્દુઓનો આપસનો ઝગડો છે. એમાં તમે નાહકના ખુવાર થઈ જશો. તમે એક વાર આવીને અમારી મૌખિક માફી માગી લો તો કેસમાંથી અમે તમારું નામ કાઢી નાખીએ.’ ત્યારે નાનાભાઈએ જવાબમાં કહેવડાવ્યું : ‘મહારાજશ્રીને કહેજો કે તમારો હિંદુ ધરમ શું કહે છે  એની તો મને ખબર નથી. પણ મારો જરથોસ્તી ધરમ તો મિત્રદ્રોહને મોટું પાપ માને છે.’ છેવટ સુધી નાનાભાઈ કરસનદાસની સાથે જ રહ્યા, કેસ લડવાનો અડધો ખરચ પણ પોતે આપ્યો, અને અંતે એ બંને કેસ જીત્યા.

નાનાભાઈ રૂસ્તમજી રાણીના અને તેમનું નાટક નાજાં-શીરીન

નગીનદાસે પોતાના નાટકમાં પારસી ગુજરાતીનો ઉપયોગ કરેલો, તો નાનાભાઈ મરાઠી ભાષાનો ઉપયોગ કરે છે. પારસી શેઠ અને નોકરની ભાષા પણ બહુ દેખીતી રીતે જૂદી પડી આવે તેવી છે. આ નાટકના નાયક બામજીને માથે પાંચ હજાર રૂપિયાનું દેવું છે. એ સબબ તેને પકડવા વોરંટ લઈને કોર્ટનો બેલીફ આવે છે. યાદ રહે, ૧૯મી સદીમાં દેવાદાર માટેનો બ્રિટિશ કાયદો બહુ કડક હતો. એ ફોજદારી ગૂનો ગણાતો અને દેવાદારને લાંબી કેદની સજા થઈ શકતી. નાનાભાઈના નાટક ‘નાજાં-શીરીન’ના એક દૃશ્યના થોડા સંવાદ :

શેહરીઆર (અંદરથી બૂમ) : થુને અંદર નેઈ જવા દેચ. ચાલ, જાં. નેઈ થો થારા માંથા ભોંઆગી નાંખેચ.

બેલીફ : ચલચલ, અમી કોન હયે તે ઓલખતેસ કાએ? માજા નાઉ મીસતર રામચંદર. તુજા બામજી શેઠ ઘરામદી અસતાની તૂ માલા મદી જાઊન નાહી દેઈત, પણ બગ, માઝા કામા મદી હરકત કેલીસ તર તુલા ચોકી મદી ગેઊન જાઈલ.

શેહરીઆર : શું ચૂકીમાં લેઈ જોએચ? થારા ભાપના કઈ ખાધાચ બાધાચ કે થું મેને ચુકીમાં લેઈ જાએચ? મારાં સીઠનાં હોકમ થેઈચ કે કોઈને એન્દર ઓવવા નેઇ દેચ. હું સીઠનાં પગાર નેથી ખોતીકે થેના હુકમ નેઈ માનેચ. ચાલ, જા.

બેલીફ : બગ, એ માલા મદી જાવુંન દે. તૂ હયેસ કોન? એરા હાયે એરા. (બેલીફ ધક્કો મારી દાખલ. શેહરીઆર પછવાડેછે પકડેચ.)

શેહરીઆર : શું કહ્યા, હું ઘેરા! થું ઘેરા! થેરા બાપ ઘેરા! થારા જીવ લેચ. થુંને મોરી નાખેચ!

બેલીફ : (બામજીને) મીસતર બામજીભાઈ બેહેલા બોગા તુમચા નાવ કાહે? તુમચે વરતી પાંચ હજાર રૂપીએ સાટી વોરંટ આહિત. તુમી રીસ્પેક્ટયાબલ મ્યાન આહે મ્હનૂન મી હાફ અવર લેટ રાહેલ. પાએઝલ તર મની દ્યા, નાહીતર ચાલા માજી સંગાતી. મીસતર બામજી! તુમી આમાલા બલેમ કરું નકો હો. અમી તર આમચી ડ્યૂટી બજાવતો.

અને હવે અમે પણ અમારી ડ્યૂટી બજાવીને બીજા અંકનો પડદો પાડી દઈએ છીએ.

ઇન્ટરવલ (સિર્ફ ૧૬૮ ઘંટો કા)

e.mail : deepakbmehta@gmail.com

xxx xxx xxx

પ્રગટ : “ગુજરાતી મિડ-ડે”, 02 ઍપ્રિલ 2022

Loading

ચાલો જાતને સવાલો કરીએ

સુમન શાહ|Opinion - Literature|1 April 2022

મનોવિજ્ઞાની ફ્રૉઇડે (1856-1939) મનુષ્યવ્યક્તિનાં ચેતન, અર્ધ-ચેતન અને અ-ચેતનની વિસ્તારથી નિરૂપણા કરેલી. અ-ચેતનમાં માણસ કેટલીયે સ્મૃતિઓ સંભરીને બેઠો હોય છે. તેનો પરચો તેને એકલાને જ મળતો હોય છે.

મનોવિજ્ઞાની કાર્લ યુન્ગે (1875-1961) મનુષ્યવ્યક્તિઓના અ-ચેતનની નિરૂપણા કરેલી – કલેક્ટિવ અન્કૉન્સ્યસ. એક સર્વસામાન્ય સ્વરૂપનું સામુદાયિક અ-ચેતન.

વૉલ્ટર બૅન્જામિને (1892-1940) ૧૯૩૬માં પ્રકાશિત એમના સુખ્યાત પુસ્તક “ધ વર્ક ઑફ આર્ટ ઇન ધી એજ ઑફ મિકેનિકલ રીપ્રોડક્શન”-માં દર્શાવ્યું કે આ યન્ત્રયુગમાં કલાનું કામ શું હોઈ શકે અને તેને કઇ રીતે મૂલવી શકાય. કલાકારોએ અને તેના સમીક્ષકોએ જોવું જોઈશે કે કલા કઇ ઐતિહાસિક પ્રક્રિયાઓમાંથી પસાર થઈ રહી છે. એમણે કલાના ક્રાન્તિ સરજી આપનારા સામર્થ્યની વાત કરી છે. દર્શાવ્યું છે કે રાજ્યે સરજેલી વાસ્તવિકતાઓ સામે કલા કેવી કેવી ક્રાન્તિકારી માગણીઓ – રીવૉલ્યુશનરી ડીમાન્ડ્સ – મૂકી શકે.

અમેરિકન સાહિત્યસમીક્ષક, કૅપિટાલિઝમ અને પોસ્ટમૉડર્નિઝમના સુખ્યાત વ્યાખ્યાકાર ફ્રૅડ્રિક જેમ્સને (1934-  ) પોલિટિકલ અન્કોન્સ્યસનો – રાજપરક અચેતનનો – વિભાવ રજૂ કર્યો.

આ ચારેય વિદ્વાનોની વિચારધારાઓ સાહિત્યકારોને ટૂંકમાં એટલું જ સૂચવે છે કે કૃતિનાં સર્જન અને તેની સમીક્ષાને જ્યારે પણ સમાજ અને રાજસત્તા સાથે જોડો ત્યારે તેમાં વ્યક્તિ, સમાજ અને યન્ત્રયુગનાં પરિબળોએ જનમાવેલાં પરિવર્તનોને પણ ધ્યાનમાં લેજો.

હું આજે જેમ્સનની વધુ વાત કરું :

જેમ્સન પોસ્ટમૉડર્ન કલ્ચરમાં ‘ડેપ્થલેસનેસ’ જુએ છે. આજનું કલ્ચર એમને છીછરું લાગ્યું છે. પોસ્ટમૉડર્નિઝમમાં એમણે લેટ કૅપિટાલિઝમનું – ઔદ્યાગિક યુગ પછીના કૅપિટાલિઝમનું – કલ્ચરલ લૉજિક જોયું છે. મૂડીવાદે ઊભા કરેલા પૅંતરાઓથી, એણે રચેલી જુક્તિઓથી, મનુષ્યોની જીવન જીવવાની રીતભાત બદલાઈ ગઈ છે. ખાસ તો એમણે સર્જનાત્મક કૃતિઓની ગર્ભિતે રહેલા રાજકીય પરિમાણને લક્ષમાં લીધાં છે.

એમણે આપેલો પોલિટિકલ અન્કોન્સ્યસ – રાજપરક અચેતનનો – વિભાવ છે શું? એ જ કે રાજસત્તા અને તેની આસપાસનાં તેમ જ અન્ય તમામ શાસકીય તન્ત્રોનાં સારાં-માઠાં પરિણામોને વિશેનું સામુદાયિક અ-ચેતન. બીજા શબ્દોમાં કહેવાય કે પ્રજામાનસમાં જડ ઘાલી ગયેલું રીઢું ઊંઘરેટિયાપણું.

એમણે એમ પણ જણાવ્યું છે કે કશી ને કશી રેડીમેડ બલકે આઉટડેટેડ આઇડિયોલૉજીનો આશ્રય કરીને સમાજ પોતાના વણઉકલ્યા સંઘર્ષો અને અંદરના વિરોધોને રૂંધી રાખે છે. સંસ્કૃતિ નામના સુપરસ્ટ્રક્ચરમાં – મહાસંરચનામાં – આજે સાહિત્યનું સ્થાન ચિન્તાજનક છે અને તેનું કાર્ય ગૂંચવાડિયું બની ગયું છે.

જેમ્સન જણાવે છે કે સાહિત્ય આ રાજપરક અ-ચેતનને પામવા અને પહોંચી વળવા માટેનું ઉપકરણ, સાધન, બની શકે એમ છે. એવી ભૂમિકાએ લખાયેલી કૃતિમાં આઇડિયોલૉજિકલ-પોલિટિકલ અ-ચેતન ગૂંથાઇ ગયું હોય છે અને એની પાછળ હોય છે ક્લાસ-કૉમ્ફ્લીક્ટ. જેમ્સન જણાવે છે કે કૃતિના સર્જકે એ કૉન્ફ્લીક્ટ જોડે કલાની રીતે – ઍસ્થેટિકલિ – સમાધાન દાખવવું જોઈશે. કૃતિના વિશ્લેષકે એની ગર્ભિતે રહેલા પોલિટિકલ અન્કૉન્સ્યસને ખોલી બતાવવું જોઈશે, એના ઐતિહાસિક સ્થિતિસંજોગનાં ‘સિમ્ટમ્સ’ દર્શાવવાં જોઈશે. જેમ્સને સૂચવેલા વિશ્લેષણમાં માર્ક્સવાદ તથા સૅમિયોટિક અને સાયકોઍનાલિટિક વિશ્લેષણોની રીતભાતો ભળેલી છે.

સાહિત્યનો કાળજીપૂર્વકનો સઘન અભ્યાસ હાથ ધરાય તો એ બધાંને પામી શકાય, એટલું જ નહીં, વિચારસરણીઓના બીબાંઢાળ વિનિયોગોને પણ જોઇ શકાય. કલાકૃતિઓને તેઓ વાસ્તવના પ્રતીકાત્મક ઉકેલો ગણે છે ખરા પણ જણાવે છે કે ખરેખર તો એ અભાનપણે અનુભવાતા સામાજિક અને સાંસ્કૃતિક કોયડાઓ હોય છે. સમીક્ષકે એ કોયડાઓને ઉકેલી શકાય તેવા રસ્તા દર્શાવવા જોઈશે. એની સમીક્ષા છેવટે તો એ પ્રશ્ન પાસે જઈને ઊભશે કે એવી કૃતિ તમારા સમાજમાં અવતરી જ કેમ -? વગેરે.

ચાર સવાલ :

૧ :

રાજકારણ અને બધાં જ શાસકીય તન્ત્રોનાં સારાંમાઠાં પરિણામોને વિશે પ્રજાના કયા સમૂહો આપણે ત્યાં જાગ્રત છે? રાજસત્તાથી ન ડરનારાં, સર્વથા સ્વાયત્ત કેટલાંક છાપાં, અને અમુક ગણગાંઠ્યા બૌદ્ધિકો, લખે કે બોલે એથી શું વળે? કેટલીક વાર તો એમાં પણ અભિપ્રાય કે મન્તવ્યની ચમકદમકથી વિશેષ કશું હોતું નથી. ઘણી યે વાર એમાં વસ્તુલક્ષીતા નહીં પણ હૂંસાતૂંસીભરી આત્મલક્ષીતા હોય છે, જેને નાહકની કાગારોળ અથવા અમસ્તી ગપસપ કહી શકાય.

તેમ છતાં, એને ડિસૅન્ટ અથવા અ-સમ્મતિ ગણી શકાતી હોય તો ભલે, પણ એનો પરિણામદાયી વિકાસ ઊહાપોહ, ચળવળ, ધરણાં કે લડત લગી કેમ નથી થતો? સરવાળે પ્રજામત કેળવાવો જોઈએ ને ચૂંટણીઓમાં પ્રતિબિમ્બિત થવો જોઈએ, તે કેમ થતું નથી? બૌદ્ધિકતા આપણે ત્યાં આઇવરી ટાવરમાં વસતી હોય અને નામની હોય, એક સ્વાંગ હોય, એવું જ કેમ લાગ્યા કરે છે?

૨ :

સામ્પ્રત ગુજરાતી સાહિત્ય રાજપરક અ-ચેતનને પામે ને તેને પ્હૉંચી વળે એવી એમાં અભિલાષા અને એવું એમાં સામર્થ્ય છે ખરું? નવા કે જૂના કયા સાહિત્યકારોની કઈ રચનાઓને ગણાવી શકીશું? કયાં નામો આપી શકીશું?

ગુજરાતી સાહિત્ય મુખ્યત્વે વાસ્તવાભિમુખ નથી અને લગભગ હમેશાં ઊર્મિશીલ રહ્યું છે એ મારા મતનું નિરસન આ ૨૧-મી સદીમાં ય મારાથી નથી કરી શકાતું. કદાચ આપણે સાહિત્યને નામે મનગમાડાની રમતો તો નથી રમી રહ્યા ને?

૩ :

આપણે ત્યાં રાજસત્તા, સમાજ અને સંસ્કૃતિની વીગતે ટીકાટિપ્પણી અને સમીક્ષા કરી શકે, અવારનવાર ઉપકારક વિચારો પૂરા પાડે, એવા સાહિત્યસમીક્ષકો કેટલા? કોનાં કોનાં નામ લઈ શકાય?

૪ :

ગુજરાતી સાહિત્યના અભ્યાસક્રમોમાં આવા વિષયોને સ્થાન છે ખરું? કઈ યુનિવર્સિટીનું નામ લઈ શકાય એમ છે?

= = =

(April 1, 2022 : Ahmedabad)

સૌજન્ય : સુમનભાઈ શાહની ફેઇસબૂક દિવાલેથી સાદર

Loading

પચ્ચીસ વરસ પછીના ગુજરાતમાં

બાબુ સુથાર|Opinion - Opinion|1 April 2022

એક લટાર

*          મેં શાકભાજીવાળાને કહ્યું, “કાલે તમે આપેલા બટાકામાંના ચાર બગડેલા નીકળ્યા.” દુકાનદાર કહે, “કર્મ પ્રમાણે થાય.”

*          મેં મારા મિત્રને કહ્યું કે મારાં બહેનનો સ્વર્ગવાસ થયો. તો એ કહે, “આત્મા અમર છે. એ નથી જળથી પલળતો, નથી અગ્નિથી બળતો, નથી …”

*          હું પોલીસ સ્ટેશને ગયો. મેં કહ્યું, “મારું લેપટોપ ચોરાઈ ગયું છે.” તો પી.એસ.આઈ. કહે, “યદા યદા હી ધર્મસ્ય … કૃષ્ણ જન્મે પછી તમને તમારું લેપટોપ પાછું મળશે. ખાતરીપૂર્વક કહું છું.”

*          એક ઓફિસના મોટા સાહેબને એક કામ વહેલું કરવા માટે મેં લાંચ આપવાનો પ્રયાસ કર્યો તો એ કહે, “અમે લાંચ નથી લેતા. એ પાપ કહેવાય. હા, દાન આપવું હોય તો મારાં પત્નીને આપો.” પછી એણે મને એના ઘરનું સરનામું આપી દીધું.

*          એક શાળાના ગણિતના શિક્ષક નહોતા આવ્યા. હેડમાસ્તરે બીજા શિક્ષકને કહ્યું, “તમે જરા ક્લાસ ઍંગેજ કરશો?” તો એ કહે, “પરધર્મ ભયાવહ. એ કામ હું નહીં કરું.”

*          બે જણા લડતા હતા. બાથંબાથ. હું એમને જોવા ગયો. એટલામાં ત્યાં ત્રીજો માણસ આવ્યો. મને એમ કે એ આ બન્નેને લડતાં અટકાવશે. ત્યાં જ એણે પેલા બેમાંના એકને બોલાવીને કહ્યું, “ક્લૈબ્યં મા સ્મ ગમઃ”. મને સમજણ ન પડી. હજી નથી પડતી.

*          વડોદરાના અલકાપુરી ગરનાળા નીચે બેત્રણ ભિખારીઓ બેઠા હતા. મેં કહ્યું કે તમે કામ કેમ નથી કરતા? તો એ કહેઃ “ભોક્તું ભૈક્ષમપીહ લોકે” (આ લોકમાં ભીખ માગીને ખાવું સારું.)

*          હું આ બાસમતી ખરીદું કે પેલા? એવી કોઈક મુંઝવણમાં હતો. ત્યાં જ દુકાનદાર બોલ્યો, “ધીર્રસ્તત્ર ન મુહ્યતિ” (ડાહ્યા માણસો થતા નથી).

*          હું રસોઈ બનાવતાં દાઝી ગયો. પછી દાક્તર પાસે ગયો. તો દાક્તર કહે, “માત્રાસ્પર્શાસ્તુ બાબુ શીતોષ્ણસુખદુઃખદાઃ / આગમાપાયિનોઅનિત્યાસ્તાંસ્તિતિક્ષસ્વ, કોહ્યાપુત્ર.” હું દવા કરાવ્યા વગર પાછો આવ્યો.

*          એક માણસનાં માબાપ અકસ્માતમાં માર્યાં ગયાં. સરકારે એને એક શોકસંદેશો મોકલ્યોઃ સમુઃખસુખં ધીરં … (શાણા માણસો માટે સુખ અને દુઃખ બન્ને એકસમાન હોય છે).

*          અમારો ભગલો એના પાડોશીને કહેવા ગયો કે તમે તમારાં માબાપને વૃદ્ધાશ્રમમાં ન મોકલતા. કેમ કે, “કુલક્ષયે પ્રણશ્યન્તિ કુલધર્માઃ સનાતનાઃ / ધર્મે નષ્ટે કુલં કૃત્સ્નમધર્મોઅભિભવયુક્ત.” પાડોશીએ ભગલાને એટલો બધો માર્યો કે .. હજી એ દવાખાનામાં સારવાર હેઠળ છે.

*          એક ભાઈ ઓફિસમાં મોડા ગયા. સાહેબે પૂછ્યું, “કેમ મોડા આવ્યા?” પેલા ભાઈએ જવાબ આપ્યો, “ન ત્વેવાહં ઝાતું નાસં…” સાહેબ હજી બેભાન.

*          અદાલતે એક હત્યારાને પૂછ્યું, “તેં હત્યા કરીને જ ઘન્ય ગુનો કર્યો છે.” હત્યારાએ કહ્યું, “ન હન્યતે હન્યમાને શરીરે.” પછી શું થયું એ વિશે કૃષ્ણને ખબર.

બસ, હવે થાકી ગયો. હજી મારો ભગવદ્‌ ગીતાનો અભ્યાસ ચાલુ છે.

E-mail : basuthar@gmail.com 


સૌજન્ય : “નિરીક્ષક”, 01 ઍપ્રિલ 2022; પૃ. 16

Loading

...102030...1,6111,6121,6131,614...1,6201,6301,640...

Search by

Opinion

  • વિદેશનીતિમાં વળાંક: સમજી-વિચારીને લીધેલું પગલું કે કેવળ પ્રચાર?
  • સાઝિશ રમકડાંની
  • શિક્ષણને મામલે આટલી ગરીબ સરકાર ગુજરાતમાં ક્યારે ય આવી નથી …
  • સ્ટ્રેટ ઑફ હોર્મુઝઃ “બહોત કઠિન હૈ ડગર પનઘટ કી …” ભારતની ઊર્જા સુરક્ષા પર સાંકડા માર્ગનો સકંજો
  • ચલ મન મુંબઈ નગરી—334

Diaspora

  • યુ.કે.માં ડ્રાઇવિંગની પરીક્ષા
  • અમીના પહાડ (1918 – 1973) 
  • છ વર્ષનો લંડન નિવાસ
  • દીપક બારડોલીકરની પુણ્યતિથિએ એમની આત્મકથા(ઉત્તરાર્ધ)ની ચંદ્રકાન્ત બક્ષીએ લખેલી પ્રસ્તાવના.
  • ગાંધીને જાણવા, સમજવાની વાટ

Gandhiana

  • માનવતાવાદી ત્રિપુટીને સ્મરણાંજલિ 
  • ગાંધી ‘મોહન’માંથી ‘મહાત્મા’ બન્યા, અને આપણે?
  • ગાંધીહત્યાના પડઘા: ગોડસેથી ગોળવલકર સુધી …
  • ગાંધીની હત્યા કોણે કરી, નાથુરામ ગોડસેએ કે ……? 
  • ગાંધીસાહિત્યનું ઘરેણું ‘જીવનનું પરોઢ’ હવે અંગ્રેજીમાં …

Poetry

  • કવિ
  • ગઝલ
  • ગઝલ
  • કોઈ અપાવે જો એ બાળપણ પાછું …
  • પન્નાને, વેલન્ટાઈન ડે, ફેબ્રુઆરી 14, 2026 ~ સોનેટ ~ નટવર ગાંધી

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • My mother cries on the phone’: TV’s war spectacle leaves Indians in Israel calming frightened families
  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved