Opinion Magazine
Number of visits: 9570819
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

સંસદમાં જુઠ્ઠાણાંના વરસાદની મોજ લેતા મોદીજી

ભરત મહેતા|Opinion - Opinion|15 February 2022

છેલ્લાં કેટલાંક વખતથી મોદીજીએ એક નવી શૈલી કે સંસ્કૃતિ વિકસાવી છે. જૂઠું બોલો, જોરથી બોલો. એમની આ શૈલી એમના ભાષણેભાષણે ભયજનક રીતે વધી રહેલી માનસિક બીમારી થઈ ચૂકી છે. રાજનેતાઓ માટે પ્રજા પપ્પુ કે ફેંકુ જેવાં નામ પાડી દે છે એ એક અર્થમાં આજનું લોકસાહિત્ય છે. આ વખતે સંસદમાં અદાણી-અંબાણી જેવાં કોર્પોરેટની વધી રહેલી સંપત્તિ, મોંઘવારી અને ચીન-પાકિસ્તાનની વધી રહેલી દોસ્તી વિશે રાહુલ ગાંધીએ પ્રશ્નો પૂછ્યા તો એ પ્રશ્નોને ચાતરીને કોરોના પર ઊતરી આવ્યા! કોરોના માટે વિપક્ષ જ જવાબદાર છે, એમણે ભારતને બદનામ કર્યું છે–ની રાડારોળ કરવા માંડ્યા.

કોરોના વિષયક એક પછી એક જુઠ્ઠાણાંનો વરસાદ વરસાવી, એક કલાક અને વીસ મિનિટ સુધી આનંદ લીધો! એમણે કહ્યું કે લૉકડાઉન WHOની સૂચનાથી કરાયું હતું. WHOએ રદિયો આપ્યો કે એમણે આવી કોઈ સૂચના આપી ન હતી. માત્ર ચાર કલાકની અવધિમાં. એકાએક લૉકડાઉન લાગુ કરાયું હતું જેણે લાખો મજૂરોની પરિસ્થિતિ કફોડી બનાવી. મોદીજીના ભાષણ વખતે હવે હવે 'નિકાહ’નું ગીત યાદ આવે કે આ હવે છેલ્લાં સિતમ હશે, પરંતુ એના પછીનું વ્યાખ્યાન અગાઉની ઊંચાઇને પણ આંટી દે. એમના વ્યાખ્યાનનું જુઠ્ઠાણું, વ્યાખ્યાનનાં વિરોધી વિધાનોથી જ પકડાઈ જાય છે. એક તરફ એમણે કહ્યું તમારી (કાઁગ્રેસ) પાસે જનાધાર નથી, કેવળ ૪૪ સાંસદો છે. બીજી તરફ કહ્યું કે કાઁગ્રેસે મુંબઈના ૪ કરોડ યુ.પી.-બિહારના મજૂરોને ગામડે ધકેલી દઈને ભારતભરમાં કોરોના ફેલાવ્યો! થોડીક શરમ કરો વડા પ્રધાનજી. લૉકડાઉન જાહેર કરી સત્તા તો કુંભકર્ણની નિંદ્રામાં ચાલી ગઈ હતી. ટ્રમ્પના દરબારમાં મુજરો કરતી હતી; કુંભના મેળામાં સરકાર સ્નાન કરતી હતી!

તમે બીજું જુઠ્ઠાણું કોરોનાની રસી સંદર્ભે ફેલાવો છો. આટલા કરોડને મફત રસી આપી! અરે સાહેબ, તમે તો લેખિતમાં કહ્યું હતું કે મફત રસી નહીં આપી શકાય. સુપ્રીમ કોર્ટે લાલ આંખ કર્યા પછી તમે મફત રસી આપી છે. આ ગાળામાં તમે હાઈ કોર્ટે અને સુપ્રીમ કોર્ટે કેટલીવાર ઠપકા આપ્યા એ યાદ કરો. શું આ ન્યાયાલયો ભારતને બદનામ કરે છે? કેન્દ્ર સરકાર, રાજ્ય સરકાર કે કંપની વચ્ચે રસી બિચારી કેટલી ફસાઈ હતી એ યાદ કરો? તમે કોરોનાની એક પણ હોસ્પિટલની રૂબરૂ મુલાકાત લીધી? આ જ તમારી સંવેદનહીનતાનો જીવતો-જાગતો પુરાવો છે.

માત્ર ચાર કલાકમાં થોપાયેલું લૉકડાઉન આ સદીનું સૌથી મોટું પાપ હતું. ત્યારે સોનિયા ગાંધીએ સૂચન કરેલું કે ૨૦ હજાર કરોડનો સેન્ટ્રલ વિસ્ટાનો પ્રોજેકટ અટકાવી મજૂરોને મદદ કરો પરંતુ તમે ગણકાર્યું જ નહીં. પગપાળા મજૂરોની હિજરત અવિસ્મરણીય અને દુઃખદ છે. મુંબઈમાં વિપક્ષના કારણે ગયાં તો સુરતમાંથી કોના કારણે ગયાં? મજૂરોને વતન મોકલવાની વ્યવસ્થા પૂરી પાડનાર પર દોષનો ટોપલો ઢોળી દેવો તમને શોભતો નથી.

વળી, તમે ભાષણમાં વિષ્ણુપુરાણની જેમ યોગને અને દેશી દવાઓને ખેંચી લાવ્યા. વિપક્ષે એનો વિરોધ કર્યો એમ કહ્યું. મોદીજી, જે બાબા રામદેવની કોરોનિલ નીતિન ગડકરીએ લોન્ચ કરી હતી એ દવાને ભારતભરના વૈજ્ઞાનિકોએ નકારી. બાબા રામદેવે દવા પાછી ખેંચી, માફી માંગી. તથાકથિત દવાનો સ્વાસ્થય મંત્રી હર્ષવર્ધને વિરોધ કર્યો તો આપે એમને મંત્રીપદેથી રવાના કર્યાં!

ઓક્સિજન અને દવાના અભાવે લાખો લોકો મર્યા એ કોરોનાના કારણે નહીં પણ વ્યવસ્થાના અભાવે મર્યાં છે, જેના માટે સીધી જવાબદારી આપની છે. વળી, તમે આંકડાઓ છૂપાવ્યાનું ઘોર પાતક પણ કર્યું. સરકારી ચોપડે ગુજરાતમાં દસ હજાર મર્યાનું કહો છો? અને મૃતકોનું વળતર લેવાં લાખ નાગરિકોએ ફોર્મ ભર્યું છે! આ તો એક નાનું ઉદાહરણ છે. વેન્ટિલેટર ખરીદીના ભ્રષ્ટાચાર કૌભાંડનો શું જવાબ આપશો?

તમારી જુઠ્ઠાણાં સંસ્કૃતિનો પ્રભાવ કેવો પડે છે એનું એક ઉદાહરણ જુઓ. યુ.પી.ની ચૂંટણી સભામાં તમારી તર્જ પર યોગીજી પણ ગરજે છે કે ઓક્સિજનના અભાવમાં એક પણ મૃત્યુ થયું નથી! કોરોના પૂર્વે જ પાંત્રીસ બાળકો ઓક્સિજન વિના ટળવળી મરી ગયાં! કોરોનામાં તો બેહિસાબ નાગરિકો. TMC સાંસદ ડેરેક બ્રાયને ગંગામાં વહી ગયેલી લાશોની વિગત માંગી હતી જેનો જવાબ જળશક્તિ મંત્રી વિશ્વેશ્વર ટૂંડુંએ આપ્યો કે અમારી પાસે શૂન્ય માહિતી છે! જ્યારે ૧૪મી મે, ૨૦૨૧ના ‘દૈનિક ભાસ્કરે’ ગંગાના ૧,૧૪૦ કિ.મી.માં સર્વે કરી બે હજારથી વધુ લાશો વહેતી મૂકાયાનો હેવાલ આપેલો છે!

તમે વારેતહેવારે વિપક્ષને ઝૂડવાના બદલે આત્મનિરીક્ષણ કરો. પ્રજાએ વિપક્ષને નહીં તમને  સૂંડલે સૂંડલે મત આપ્યાં છે. તમે ગેસના બાટલા માટે, પેટ્રોલ માટે ર્નિભયા માટે શેરીઓ ગજવતા હતા. આજે? શું જવાબ આપશો? સેંગર માટે, હાથરસ માટે, ચિન્મયાનંદ માટે, પાટણ માટે મૌન ધારણ કરી લો છો! સાત વર્ષમાં વિદેશી દેવું છગણું કરી બેઠા એ તમારી અણઆવડતનો બોલતો પુરાવો છે. તમારું રોલ મોડલ કાઁગ્રેસ છે? કે તમે એને જ યાદ કર્યા કરો છો? નહેરુ-ઇન્દિરાને છોડો. અત્યારે તમે આવ્યા ત્યારે જે કાળું નાણું સ્વિસ બેંકમાં હતું એ બમણું થયું છે એ તમે યાદ કરો. દેશ કો બીકને નહીં દુંગા, તમે હવે કેમ બોલી નથી શકતા? ડોલર-રૂપિયાની હરીફાઈ વિશે તમે કેટલું બોલતા હતા? આ બધાનો જવાબ નથી એટલે શીખોની હત્યા, હિંદુને ખતરોનું જ ગીત હવે ગાવું પડે છે. તમારી રાષ્ટ્રભક્તિ પણ ચીનની અરુણાચલની ઘૂસણખોરીમાં બહાર આવી ગઈ. ત્યાંના ભા.જ.પ.ના ધારાસભ્યો તમને માહિતી આપે છે છતાં ચૂં કે ચા નથી થઈ શકતું. પુલવામાના જવાબદારોને પકડી શકયા નથી. જે CRPF માટે તમે હવાઈવ્યવસ્થા આપી ન હતી, એ પક્ષ યુ.પી.માં ચૂંટણી માટે ૪૨ હેલિકોપ્ટર ભાડે રાખે છે!

છેલ્લી વાત :

તમે વિષ્ણુપુરાણ નિમિત્તે ભારતની સરહદોને યાદ કરી. સંસદમાં સંવિધાનને યાદ કરો. રાષ્ટ્ર-રાજ્યની વિભાવના, સમાનતાની વિભાવના તે કાળે ન હતી. તમે રાજ્યશાસ્ત્રના વિદ્યાર્થી છો, પંડિત નહીં. આમાંથી મારા જેવાને હિંદુરાષ્ટ્રની ગંધ આવે છે.

સૌજન્ય : “નિરીક્ષક”, 16 ફેબ્રુઆરી 2022; પૃ. 03

Loading

જોખમો સાથે તાલ મિલાવવો જ રહ્યો : ઇલાબહેન ભટ્ટ

સોનલ પરીખ|Opinion - Opinion|14 February 2022

મને સાદગી અત્યંત પ્રિય છે. હું ત્યાં સુધી માનું છું કે સાદગી અપનાવવાથી અંગતથી માંડી વૈશ્વિક પ્રશ્નો હલ થઈ જાય છે. સાદગીથી જીવનારને ખોટું બોલવાની કે ખોટું કરવાની જરૂર જ રહેતી નથી. લોભ, ઈર્ષા, ગુસ્સો, ધિક્કાર કે હિંસા તેને પજવતાં નથી. માણસ અંદરબહારથી સ્વચ્છ-સુંદર થતો જાય છે. દુનિયાને આવાં જ સૌંદર્યની જરૂર છે.

— ઇલાબહેન ભટ્ટ

‘દરેક કામમાં જોખમો તો હોય જ છે. દરેક સફળતાની અંદર નિષ્ફળતાનું બીજ હોય જ છે, પણ તે અગત્યનું નથી. તમે તેની સાથે શી રીતે તાલ મિલાવો છો એ જ ખરો પડકાર છે.’

કોઈ પણને ક્યારે પણ પ્રેરણા આપી શકે એવા આ શબ્દો છે ‘સેવા’ના પર્યાયરૂપ બની રહેલાં ઇલાબહેન ભટ્ટના. ગયા રવિવારે [એટલે કે 02 જાન્યુઆરીને દિવસે] ડેસ્મન્ડ ટુટુને શ્રદ્ધાંજલિ આપતા લેખમાં મેં ‘ધ એલ્ડર્સ’નો ઉલ્લેખ કર્યો હતો. વિશ્વના કપરા પ્રશ્નોને હલ કરવા પોતાના જ્ઞાન તથા અનુભવને કામે લગાડવાના આશયથી જુલાઈ ૨૦૦૭માં નેલ્સન મંડેલા, વાર્કા માકેલ અને ડેસમન્ડ ટુટુ, એ એક સભા ગોઠવી જેને પછીથી નેલ્સન મંડેલાએ નવા જૂથ તરીકે સ્થાપી ‘ધ એલ્ડર્સ નામ આપ્યું. બેન કી મૂન, પાકિસ્તાની માનવઅધિકાર કર્મશીલ હીના જિલાની, બાંગલાદેશના મહમ્મદ યુનુસ, કોફી અન્નાન જેવાં લોકો તેના સભ્યો હતાં. આ ‘ધ એલ્ડર્સ’ના ભારતીય સભ્ય હતાં ઇલાબહેન ભટ્ટ.

‘ધ એલ્ડર્સ’ની વૅબસાઇટ પર ઇલાબહેને લખેલું છે, ‘અન્યાય સામેની લડત અહિંસક રૂપે હોય તો વધુ અસરકારક સાબિત થાય છે. આ લડતમાં શસ્ત્રો વાપરનાર કાયર સાબિત થાય છે. અહિંસક લડતમાં વધુ શક્તિ અને મહેનતની જરૂર પડે છે. ‘ધ એલ્ડર્સ’ સ્ત્રી સમાનતા અને બાળવિવાહ અંગે જાગૃતિ ફેલાવવાનું કાર્ય કરે છે. ૨૦૧૨ના ફેબ્રુઆરીમાં ઇલાબહેને ‘ધ એલ્ડર્સ’નાં સભ્યો ડેસમન્ડ ટુટુ, ગ્રોહાર્લેમ બ્રુટાલેન્ડ અને મેરી રોબિન્સન સાથે બિહારનો પ્રવાસ કર્યો, ‘જાગૃતિ’ નામની બાળવિવાહને લગતાં કાર્ય કરતી સંસ્થાની સમીક્ષા કરી. તેમણે ઑગસ્ટ ૨૦૦૯ અને ઑક્ટોબર ૨૦૧૦માં એલ્ડર્સના પ્રતિનિધિમંડળ સાથે મધ્યપૂર્વના દેશોની મુલાકાત લીધી હતી.

88 વર્ષની ઉંમરે અડીખમ અને ગૂજરાત વિદ્યાપીઠ તેમ જ સાબરમતી આશ્રમમાં ઉચ્ચ સ્થાનો સંભાળી રહેલાં ઇલા રમેશ ભટ્ટ જન્મ ૧૯૩૩માં અમદાવાદમાં થયો. એમના પિતા સુમંતરાય ભટ્ટ સફળ વકીલ હતા અને માતા વનલીલા ઓલ ઇન્ડિયા વિમેન્સ કોન્ફરન્સના સેક્રેટરી હતાં. ઇલાબહેનનું બાળપણ સુરતમાં વીત્યું, ૧૯૫૨માં અંગ્રેજી વિષયમાં સ્નાતક થયાં અને ૧૯૫૪માં સુવર્ણ ચંદ્રક સાથે તેમણે એલએલ.બી કર્યું.

થોડો વખત મુંબઈની એસ.એન.ડી.ટી. વિમેન્સ યુનિવર્સિટીમાં અંગ્રેજી શીખવ્યા બાદ ૧૯૫૫માં તેઓ અમદાવાદની મિલ મજૂર સંઘમાં જોડાયાં અને અનસૂયા સારાભાઈ સાથે ઘણું કામ કર્યું. ૧૯૫૬માં તેમનાં લગ્ન રમેશ ભટ્ટ સાથે થયાં. ગુજરાત સરકારમાં થોડાં વર્ષ કાર્ય કર્યા બાદ તેમને મજૂરસંઘની મહિલા પાંખનાં વડા બનવાનું કહેવામાં આવ્યું. ૧૯૭૧માં તેમણે ઈઝરાઈલના તેલ અવીવની આફ્રો એશિયન ઇન્સ્ટિટ્યૂટ ઑફ લેબર કો-ઓપરેટિવ્સમાં ત્રણ મહિના અભ્યાસ કરી, મજૂર અને સહકારી મંડળનો આંતરરાષ્ટ્રીય ડિપ્લોમા મેળવ્યો.

મિલો બંધ થવા માંડી ત્યારે ઘણી સ્ત્રીઓ ઘરમાં ટેકો કરવા મજૂરી કરતી, પરંતુ તેમને કાયદાનું સંરક્ષણ ન મળતું. ઇલાબહેને આવી બહેનોને મજૂર સંઘની મહિલા પાંખ હેઠળ સંગઠિત કરી. ૧૯૭૨માં તેમણે સ્વાશ્રયી મહિલા સેવા સંઘ(સેલ્ફ-એમ્પ્લૉય્ડ વિમેન્સ એસોશિયેશન)ની સ્થાપના કરી અને ૧૯૭૨થી ૧૯૯૬ સુધી તેના જનરલ સેક્રેટરી પદે રહ્યાં. કાયદાના સ્નાતક તો હતાં જ, ઈન્ટરનેશનલ લેબર, સ્ત્રીઓને લગતા વિષયો, માઈક્રો ફાયનાન્સ અને સહકારી મંડળ સંલગ્ન ચળવળો સાથે પણ જોડાતાં ગયાં અને લાખો ગરીબ સ્ત્રીઓનાં સશક્તિકરણ બદલ પદ્મભૂષણ, રેમન મેગ્સેસે ઍવોર્ડ, રાઈટ લાઈવલીહુડ એવૉર્ડ, નીવાનો શાંતિ પુરસ્કાર, ગ્લોબલ ફેરનેસ ઍવોર્ડ, રેડક્લિફ પદક તેમ જ ઇંદિરા ગાંધી શાંતિ પુરસ્કાર જેવાં અનેક સન્માનો મેળવ્યાં. 

૧૯૭૯માં સ્થપાયેલી વિમેન્સ વર્લ્ડ બેંકિંગના તેઓ એસ્થર ઓક્લૂ એમીશેલા વોલ્શ સાથે સ્થાપક સભ્ય હતાં. ૧૯૮૦થી ૧૯૯૮ સુધી તેના પ્રમુખ રહ્યાં. સેવા કો-ઑપરેટીવ બેંક, લારીવાળાઓના આંતરરાષ્ટ્રીય સંગઠન-હોમનેટના તેઓ પ્રમુખ હતાં. હાલમાં તેઓ વિમેન ઈન ઇન્ફોર્મલ એમ્પ્લોયમેંટ : ગ્લોબલાઈઝીંગ એન્ડ ઑર્ગેનાઈઝીંગના બોર્ડ ઑફ ડાયરેક્ટર તેમ જ રોકેફેલર ફાઉન્ડેશનના ટ્રસ્ટી પણ છે. તેમને અમેરિકાની હાવર્ડ અને જ્યોર્જટાઉન યુનિવર્સિટી, બેલ્જિયમની યુનિવર્સિટી લીબ્રે અને યેલ અને નાતાલ યુનિવર્સિટીએ માનવતા માટેની ડોક્ટરેટની પદવી આપી છે.

તેમણે અંગ્રેજીમાં  પુસ્તકો લખ્યાં છે જે ગુજરાતી, ઉર્દૂ, હિન્દીમાં અનુવાદિત થયેલ છે, હાલમાં તેનો તમિળ અને ફ્રેંચ ભાષામાં પણ અનુવાદ થયો છે. ‘વી આર પુઅર બટ સો મેની : ધ સ્ટ્રોરી ઑફ સ્લેફ-એમ્પ્લોય્ડ વુમન ઈન ઇંડિયા’ તેમ જ  ‘અનુબંધ : બિલ્ડીંગ  ઓફ હન્ડ્રેડ માઈલ કોમ્યુનિટીઝ’ ખૂબ જાણીતાં થયાં છે.

ઇલાબહેન કહે છે, ‘મહિલાઓને આર્થિક અને સામાજિક ક્ષેત્રે યોગ્ય સ્થાન અને તક આપીએ ત્યારે જ તેઓ ખરા અર્થમાં સ્વંતત્ર થઇ શકે. અમારા સમયમાં વાતાવરણ ખૂબ પ્રેરક હતું. માતાપિતા શિક્ષિત અને સેવાભાવી, શિક્ષકો પણ આઝાદીનાં સંઘર્ષ વિશે માહિતી આપતાં. આમ ગાંધીમૂલ્યો, સ્વતંત્રતા તેમ જ આત્મનિર્ભરતા મારામાં સહેજે સહેજે ઊતરી આવ્યાં.’  

ઘરે બેસીને રોજગારી મેળવવા ઈચ્છતી કે હુન્નર જાણતી મહિલાઓને કામ મળે અને સન્માનજનક આવક મળે એ માટે ઇલાબહેનની દીર્ઘદૃષ્ટિ હેઠળ અનેક પ્રોજેક્ટ્સ કાર્યરત છે, જેનો લાખો મહિલાઓએ લાભ લીધો છે. મહિલાઓને રોજગાર માટે લોન મળે એ માટેના તેમનાં પ્રોજેક્ટ્સનું વિશ્વમાં અન્યત્ર પણ અનુકરણ થયું છે. સેવા 8 રાજ્યોમાં કામ કરે છે. 120 સહકારી સંસ્થાઓ ચાલે છે. સેવાનાં નામથી બૅન્ક ચાલે છે. સેવા યુનિયન પણ ચાલે છે. સેવાની કુલ સભ્ય સંખ્યા 19 લાખની છે.

વર્તમાન શિક્ષણવ્યવસ્થા માટે પૂછવામાં આવે તો તેઓ કહે છે, ‘તોબા તોબા. હાલનું શિક્ષણ પ્રાથમિક જરૂરિયાત પણ નથી પૂરી પાડી શકતું. હાલના સમયમાં પ્રામાણિક અને મહેનતુ લોકો ગરીબ જ રહે છે. તેમના પર અત્યાચારો થતા રહે છે. શિક્ષણનો સમાજ સાથે સીધો સબંધ હોવો જોઇએ, તે ક્યાં છે? શિક્ષણથી યુવાન ચારિત્રશીલ અને ઉદ્યમી બનવો જોઈએ. તેના હૈયે સમાજનું હિત વસવું જોઈએ. એવું ક્યાં થાય છે ? જેને કામ મળે છે એ સ્વાર્થી થઈ જાય છે. બીજી બાજુ શિક્ષિત બેકારોની સંખ્યા વધતી જાય છે. આપણે આઝાદ છીએ પણ ટેક્નોલોજીનાં ગુલામ બની રહ્યાં છીએ. ટેક્નોલોજી નહીં, પણ તેનો ખોટી રીતનો ઉપયોગ માણસને ગુલામ બનાવે છે.’

આજની યુવતીઓ વિશે પણ તેમનો આવો જ મત છે. તેઓ કહે છે કે ‘આજે યુવતીઓ શિક્ષિત, વિશ્વના પ્રવાહોથી પરિચિત અને આત્મવિશ્વાસથી ભરપૂર થતી જાય છે એ તો સારી વાત છે. પણ તેમનામાં મૂલ્યોની તાકાત નથી. સમજનું ઊંડાણ નથી. અન્ય પ્રત્યેની જવાબદારીની ખેવના નથી. જિંદગીના ધ્યેય અને અર્થની બાબતમાં તેમની પાસે નક્કર વિચાર નથી. દુનિયાની પ્રગતિમાં મહત્ત્વનું પરિબળ મહિલા ચળવળ છે. મહિલાઓએ દેખા-દેખીથી દૂર રહેવું જોઇએ. સ્ત્રીસહજ, માતૃસહજ મૂલ્યોને જાળવવાં જોઇએ. આ ગુણોથી જ ભારત વિશ્વશાંતિની આગેવાની કરી શકાશે. સ્ત્રીમાં પરિવર્તનની આગેવાની લેવાની શક્તિ છે. એના સક્રિય પ્રદાન વગર આપણે ગરીબીને દૂર કરી શકવાના નથી. સ્ત્રી પોતાનાં કુટુંબ અને સમાજનો વિચાર કરે છે. ઘરકામ અને બાળઉછેર પણ સ્ત્રીસશક્તિકરણનાં ક્ષેત્રો છે. દરેક સ્ત્રી માતા અને પત્ની છે તેમ જ કુટુંબ ચલાવે છે. આ પ્રદાનને આધુનિક મહિલાએ અવગણવું જોઈએ નહીં.’

તેઓ લોકોને પણ જાગૃત કરે છે, ‘આરોગ્ય, શિક્ષણ અને બૅન્કિંગ આપણી પાયાની સેવાઓ છે. તેને લગતી યોજનાઓ સરકાર આપે છે, પણ તેનું અમલીકરણ થવું જરૂરી છે. માત્ર સરકારી સ્તરે નહીં, લોકો દ્વારા પણ અમલીકરણ થવું જોઇએ. આજે લોકશક્તિ તૈયાર કરવી આવશ્યક છે. લોકશક્તિથી પાયાનાં સવાલોનું નિરાકરણ આવી શકે.’

ઇલાબહેન જીવનભર ગાંધીજીનાં માર્ગે જ ચાલ્યાં છે, ‘મને સાદગી અત્યંત પ્રિય છે. હું ત્યાં સુધી માનું છું કે સાદગી અપનાવવાથી અંગતથી માંડી વૈશ્વિક પ્રશ્નો હલ થઈ જાય છે. સાદગીથી જીવનારને ખોટું બોલવાની કે ખોટું કરવાની જરૂર જ રહેતી નથી. લોભ, ઈર્ષા, ગુસ્સો, ધિક્કાર કે હિંસા તેને પજવતાં નથી. માણસ અંદરબહારથી સ્વચ્છ-સુંદર થતો જાય છે. દુનિયાને આવા જ સૌંદર્યની જરૂર છે.’

e.mail : sonalparikh1000@gmail.com

પ્રગટ : ‘રિફ્લેક્શન’ નામે લેખિકાની સાપ્તાહિક કોલમ, “જન્મભૂમિ પ્રવાસી”, 09 જાન્યુઆરી 2022 

Loading

એબીજી શિપયાર્ડનું 28 બેન્કો સાથે 22,842 કરોડનું સૌથી મોટું લોન કૌભાંડ

રવીન્દ્ર પારેખ|Opinion - Opinion|14 February 2022

મોટાં માથાંઓની બેન્કો પાસેથી લોન લઈને બેંકોને નવડાવવાની હવે નવાઈ રહી નથી. ઘણી વાર તો બેન્ક પોતે ના’વા તૈયાર હોય છે ને તેનાં સાહેબો થોડા રૂપિયાની લાલચે ‘ગમે તેને’ લોન આપી પણ દે છે. લોન લેનારને ય ખબર હોય છે કે બેન્કના પૈસા ડુબાડવાના છે ને બેન્ક પણ જાણતી હોય છે કે આપેલી લોન પાછી આવવાની નથી. લોન પાછી નથી આવતી તો બેન્ક ઉઘરાણીઓ કરે છે, નોટિસ આપે છે, પોલીસ ફરિયાદ કરે છે ને લોન લેનારની મિલકતની હરાજી પણ કરે છે, પણ લોન પાછી આવતી નથી ને છેવટે બેન્ક તેનું નાહી નાખીને કેટલીક લોન માંડી વાળે છે. આ રીતે માંડી વળાયેલ લોનને નોન પરફોર્મિંગ એસેટ્સ(એન.પી.એ.)માં નાખીને બેન્ક ટકવા મથે છે, પણ બધી બેન્કોનો એન.પી.એ.નો આંકડો લાખો કરોડમાં હોય છે તે ભૂલવા જેવું નથી. માર્ચ 2020માં એન.પી.એ. 8.2 ટકા હતી જે માર્ચ 2021માં 7.3 ટકા થઈ છે. એ ટકાવારી ઘટીને સપ્ટેમ્બર, 2021 સુધીમાં 6.9 ટકા પર આવી ગઈ છે. આ માહિતી રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયાએ 28 ડિસેમ્બરે તેના રિપોર્ટમાં આપી છે. આ ઘટાડામાં કોરોના કાળની અસરો ભાગ ભજવતી હોય એમ બને. મોટાં ધિરાણ ઘટવાને કારણે પણ એન.પી.એ.નો આંકડો ઘટ્યો હોય એમ બને.

એન.પી.એ. વધવામાં દરેક વખતે બેન્કો જ જવાબદાર છે એવું પણ નથી. બેન્કોને રાજકીય હેતુપૂર્તિ માટે ક્યારેક ધિરાણ કરવાની ફરજ પણ પાડવામાં આવે છે ને પછી એ લોન પાછી આવવાની શક્યતાઓ ઘટે છે ને એન.પી.એ. વધે છે. ખેડૂતોને અપાતી લોન માંડી વાળવાનું સરકારી વલણ પણ એન.પી.એ. પર પ્રભાવ પાડે છે. કેટલાક કિસ્સાઓમાં જાહેર ક્ષેત્રની બેન્કોની ઓછી કાર્યક્ષમતા ને સ્ટાફને પોષવાની જવાબદારી પણ ખોટનો આંકડો વધારે છે. આ સ્થિતિ પછી બેન્કોના મર્જરમાં પરિણમે છે ને નબળી બેન્કોનું નફો કરતી બેન્ક સાથેનું મર્જર બેંકની નફાકારકતા પર પણ અસર પાડે છે. સરવાળે તો એ ખોટનો ધંધો જ બની રહે છે.

એ ખરું કે સુપ્રીમ કોર્ટના આદેશ પછી ગ્રાહકોની માહિતી જાહેર કરી શકાય છે. પહેલાં તો ગ્રાહકોની ગોપનીયતાને નામે રિઝર્વ બેન્ક ગ્રાહકોની માહિતી જાહેર કરી શકતી ન હતી, પણ સુપ્રીમના આદેશ પછી હવે ગ્રાહકોની માહિતી જાહેર કરી શકાય છે, એટલે જે ઇરાદાપૂર્વક લોન ભરવા નથી માંગતા એમને પણ હવે ખુલ્લા પાડી શકાય છે. આ બધું છતાં કેટલીક બેન્કોની લોન પાછી નથી જ આવતી ને બેન્કો નબળી પડે છે તે હકીકત છે.

ગઈ કાલે લોનનું મહાકૌભાંડ સામે આવ્યું છે ને એમાં એક બે નહીં, 28 બેન્કોના 22,842 કરોડ સલવાયા છે. આ દેશનું અત્યાર સુધીનું સૌથી મોટું કૌભાંડ છે ને મામલો સી.બી.આઈ. પાસે પહોંચ્યો છે. અત્યાર સુધીમાં નીરવ મોદીએ 14 હજાર કરોડ, વિજય માલ્યાએ 9 હજાર કરોડની કરેલી છેતરપિંડી ગવાઈ છે. આ ઉપરાંત મેહુલ ચોક્સી, લલિત મોદી, સાંડેસરા ગ્રૂપ જેવાં પણ કૌભાંડમાં સંડોવાયાં છે ને એમાંના કેટલાક તો વિદેશ ભાગી જવામાં પણ સફળ થયા છે. એમની મિલકત જપ્ત કરીને રકમ વસૂલાય તો પણ પરિણામ બેન્કોની ખોટમાં જ મોટે ભાગે આવે છે. આમાં બેન્કો પણ દૂધે ધોયેલી હોય એવું જરૂરી નથી. સાધારણ માણસને નાની રકમની લોન જોઈતી હોય તો તેની પાસેથી જરૂરી ડોક્યુમેન્ટ્સ મેળવવામાં બેન્ક જેટલી કાળજી રાખે છે, એટલી કાળજી મોટી રકમની લોનમાં ભાગ્યે જ રખાતી હોય છે. બેન્કોની રહેમ નજર આવાં મોટાં ધિરાણમાં રહેતી હોય કે રાજકીય દબાણને વશ થવાનું બેન્કોને આવે તો લોન પાછી આવવાની શક્યતાઓ ઘટી જાય છે. નીરવ મોદી, વિજય માલ્યા જેવા પરદેશ ભાગી છૂટવામાં સફળ થાય છે, પછી બેન્કોએ લોન પરત મેળવવા ફાંફાં જ મારવાના રહે છે. એક બાબત બહુ સ્પષ્ટ છે કે ક્યાંકને ક્યાંક અપ્રમાણિકતા ને છેતરપિંડીનો ઇરાદો કેન્દ્રમાં રહે છે ને સરવાળે બેન્કે ભોગવવાનું આવે છે.

અત્યાર સુધીમાં છેતરપિંડીનો મોટો આંકડો માલ્યા કે મોદીનો લાગતો હતો, તેને ટપી જાય તેવો આંકડો 22,842 કરોડના કૌભાંડનો સી.બી.આઈ.એ ફોડ્યો છે. એ.બી.જી. શિપયાર્ડ લિમિટેડના પૂર્વ ચેરમેન અને મેનેજિંગ ડિરેક્ટર ઋષિ કમલેશ અગ્રવાલ અને બીજા સાત અધિકારીઓ સામે સી.બી.આઈ.એ કેસ દાખલ કર્યો છે. અહીં પણ અગ્રવાલ પરદેશ વસી ગયાની વાત છે જ. બેન્કોને નવડાવીને પરદેશ વસી જવાની યુક્તિ અહીં પણ કામે લગાડાઈ હોવાનું લાગે છે. ગઈ 7 ફેબ્રુઆરીએ સી.બી.આઈ.એ કેસ દાખલ કર્યો ને તેનાં અનુસંધાને ડિરેક્ટરોના સુરત, ભરૂચ, મુંબઈ, પુના સહિતના 13 ઠેકાણે દરોડા પાડી દસ્તાવેજો કબજે કર્યા છે. કંપનીના તત્કાલીન ડિરેક્ટરો સામે તથા બીજી એક કંપની એ.જી.બી. ઇન્ટરનેશનલ સામે (જે પણ આ કંપનીનો જ ભાગ છે) ગુનાહિત કાવતરું, છેતરપિંડી અને વિશ્વાસઘાતના કેસ દાખલ થયા છે.

2012થી 2017 દરમિયાન આરોપીઓએ એકબીજાના મેળાપીપણામાં સંપત્તિનો દુરુપયોગ કર્યાનું સી.બી.આઈ.નું માનવું છે. લોન જે હેતુસર લેવામાં આવી તેનો તે હેતુ માટે ઉપયોગ ના થયો ને બીજા જ કામમાં લોન વપરાઈ. 2016માં કંપનીનાં ખાતાં એન.પી.એ. જાહેર થયાં અને પછી 2019માં તેને ફ્રોડ એકાઉન્ટ્સ જાહેર કરાયાં. 2019ના નવેમ્બરમાં 28 બેન્કોએ આ કંપનીઓ વિરુદ્ધ સી.બી.આઈ.માં ફરિયાદ દાખલ કરી. દોઢ વર્ષ ફોરેન્સિક ઓડિટ ચાલ્યું જેમાં 22,842 કરોડનું કૌભાંડ પકડાયું. પ્રમોટરોએ મેળાપીપણામાં ગરબડ કરી હતી. વેપારના નામે લોન લેવાઈ હતી, પણ તેમાંથી સંપત્તિ ખરીદાઈ હતી અને નાણાં વિદેશ પણ મોકલાયાં હતાં. 2020માં બેન્કોએ ફરી ફરિયાદ કરી ને સી.બી.આઈ.એ દોઢ વર્ષ તપાસ કરીને 7 ફેબ્રુઆરીએ એફ.આઇ.આર. નોંધી. 6 બેન્કોની જ 17.734 કરોડની રકમ સલવાઈ છે જેમાં સૌથી વધુ રકમ 7.089 કરોડ આઇ.સી.આઇ.સી.આઇ.ની છે. સ્ટેટ બેન્કના પણ 2.925 કરોડ બાકી લેણાં છે. આ ઉપરાંત આઇ.ડી.બી.આઇ.ના 3,634 કરોડ સાથે બીજી બેન્કોના પણ કરોડો રૂપિયા બાકી લેણાં નીકળે છે.

એ.બી.જી. શિપયાર્ડ જહાજ બનાવવાનું અને મેઇન્ટેનન્સનું કામ કરતી હતી. આ કંપની 1985માં સુરતના મગદલ્લામાં શરૂ થઈ હતી ને તે દહેજમાં પણ ચાલતી હતી. 1991 સુધી તો કંપની નફો પણ કરતી હતી, પણ 2016માં કંપનીને 55.7 કરોડ ડોલરની ખોટ ગઈ ને વૈશ્વિક મંદીમાંથી પણ તે બેઠી ન થઈ શકી. આ સાચું હોય તો કંપનીના ડિરેક્ટરોએ, જે હેતુ માટે લોન અપાઈ હતી, તે સિવાયના હેતુઓ માટે રકમ સગેવગે કરી એનું શું? એ મંદીનું પરિણામ તો ન જ હોય. એટલે કંપની મંદી અને વેપાર ઘટતાં ને ખર્ચ વધતાં લોન ભરપાઈ ન કરી શકી કે ડિરેક્ટરોએ લોનનો દુરુપયોગ કર્યો તે લોન ડૂબવાનું મુખ્ય કારણ છે એ સ્પષ્ટ થતું નથી. આ ફ્રોડમાં એલ.આઇ.સી.ના પણ 136 કરોડ સલવાયેલા છે ને બીજી બેન્કોના પણ કરોડો રૂપિયા તો ખરા જ !

આમ તો આ કૌભાંડ કોરોના કાળ પહેલાંનું છે, પણ કોરોના દરમિયાન પણ થયેલાં લોકડાઉનમાં નોકરીધંધા મંદા પડ્યાં હતાં એટલે બેન્કો પાસેથી લોન લઈને વેપાર કરવાનું મુશ્કેલ જ હતું. એ દરમિયાન રિઝર્વ બેન્કે પણ વ્યાજદરોમાં ફેરફાર કરવાનું એટલે ટાળ્યું કે બેન્કો વધુને વધુ ધિરાણ કરી શકે. રિઝર્વ બેન્કની  ધિરાણને પ્રોત્સાહિત કરવાની નીતિએ પણ એવી સ્થિતિ સર્જી કે બેન્કો ખરાંખોટાં ધિરાણ માટે આકર્ષાય અને એમાં જે જેન્યુઇન ધિરાણ છે તે તો પાછું આવે, પણ કેટલુંક ન પણ આવે ને એ એન.પી.એ.નો આંકડો વધારે એમ બને. બેન્કોની લોન પરત આવે તેમ જરૂર ઈચ્છીએ, પણ ધિરાણની ફરજ પડે એવું પ્રોત્સાહન કેટલીક વાર બેડ લોનનું નિમિત્ત પણ બને છે. આ અટકવું જોઈએ. મોટાં ધિરાણમાં વધુ નફાની તકો બેન્કોને રહેલી છે જ, પણ એમાં જોખમ પણ છે જ. 22.842 કરોડ નાનું ધિરાણ નથી જ. એમાં એક, બે નહીં, 28 બેન્કો ફસાઈ છે ત્યારે આટલી બધી બેન્કોમાંથી કોઈને પણ લોન પરત નહીં આવે એવી ચિંતા થઈ હશે કે કેમ તે નથી ખબર. આટલી બધી બેન્કો એક બે કંપનીને જ આટલાં મોટાં ધિરાણ માટે એક સાથે તત્પરતા દાખવે એ પણ ધિરાણની ગરજ, બેન્કોની વધારે રહી હોવાનો સંકેત કરે છે. આ રકમમાંથી કેટલી રકમ પરત આવશે તે તો સમય જ કહેશે. જવાબદારો સામે કેવાં પગલાં લેવાશે એની પણ રાહ જોવાની રહે, પણ એટલું ચોક્કસ છે કે અગાઉનાં માલ્યા, મોદીનાં લોન ડુબાડીને વિદેશ ભાગી જવાનાં ઉદાહરણો સામે હોય, પછી પણ બેન્કો સમૂહમાં આટલું મોટું ધિરાણ કઈ ખાતરીથી કરતી હશે એનું પરમ આશ્ચર્ય જ સામાન્ય માણસ પાસે રહી જાય છે. એક સમય હતો જ્યારે બેન્કોને ડિપોઝિટના ટાર્ગેટ અપાતા ને ડિપોઝિટ પર 10થી 12 ટકા જેવું સારું એવું વ્યાજ અપાતું. આજે ડિપોઝિટ તરફ બેન્કો બેધ્યાન છે. એમાં જે સિનિયર્સ ડિપોઝિટ પર ટકી ગયા હતા, એમના હાથમાં વ્યાજ ચણામમરા જેવું માંડ આવે છે. એમની સ્થિતિ દયનીય છે. એનું પણ આશ્ચર્ય જ છે કે ડિપોઝિટની બહુ પરવા ન કરતી બેન્કો ધિરાણને આટલું પ્રોત્સાહન કયા આધારે આપે છે ! આ ભેદ સાધારણ માણસને સમજાતો નથી. કોઈ ભલે કહે કે ખાતો નથી ને ખાવા દેતો નથી, પણ હવે તો ખાઈને ખવડાવો એ નીતિ જ કદાચ કેન્દ્રમાં છે. અનીતિ જ નીતિ હોવાનો વહેમ પડે છે.

000

e.mail : ravindra21111946@gmail.com

પ્રગટ : ‘આજકાલ’ નામક લેખકની કટાર, “ધબકાર”, 14 ફેબ્રુઆરી 2022

Loading

...102030...1,5971,5981,5991,600...1,6101,6201,630...

Search by

Opinion

  • ગુજરાતની દરેક દીકરીની ગરિમા પર હુમલો ! 
  • શતાબ્દીનો સૂર: ‘ધ ન્યૂ યોર્કર’ના તથ્યનિષ્ઠ પત્રકારત્વની શાનદાર વિરાસત
  • સો સો સલામો આપને, ઇંદુભાઇ !
  • અ મેસી (Messie / Messy ) અફેરઃ ઘરનાં છોકરાં ઘંટી ચાટે, ઉપાધ્યાયને આટો
  • ચલ મન મુંબઈ નગરી—320

Diaspora

  • દીપક બારડોલીકરની પુણ્યતિથિએ એમની આત્મકથા(ઉત્તરાર્ધ)ની ચંદ્રકાન્ત બક્ષીએ લખેલી પ્રસ્તાવના.
  • ગાંધીને જાણવા, સમજવાની વાટ
  • કેવળ દવાથી રોગ અમારો નહીં મટે …
  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !
  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ

Gandhiana

  • ગાંધીસાહિત્યનું ઘરેણું ‘જીવનનું પરોઢ’ હવે અંગ્રેજીમાં …
  • સરદાર પટેલ–જવાહરલાલ નેહરુ પત્રવ્યવહાર
  • ‘મન લાગો મેરો યાર ફકીરી મેં’ : સરદાર પટેલ 
  • બે શાશ્વત કોયડા
  • ગાંધીનું રામરાજ્ય એટલે અન્યાયની ગેરહાજરીવાળી વ્યવસ્થા

Poetry

  • ગઝલ
  • કક્કો ઘૂંટ્યો …
  • રાખો..
  • ગઝલ
  • ગઝલ 

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved