Opinion Magazine
Number of visits: 9745324
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

प्रधानमंत्री संग्रहालय

कुमार प्रशांत|Opinion - Opinion|19 April 2022

कई बार तीनमूर्ति भवन गया हूं. जवाहरलाल की स्मृतियों को हर बार कई कोणों से निहारा है. हर बार यह पछतावा गहरा ही हुआ है कि इतना बड़ा परिसर, इतनी बड़ी कोठी और इतना सारा तामझाम आजाद भारत के सर पर थोप कर जवाहरलाल ने देश का क्या उपकार किया ? वह तामझाम देश के माथे लदा रह गया, जवाहरलाल नहीं रहे. 

तीनमूर्ति जाने पर इसके अलावा भी कुछ दिखाई देता था. सारे तामझाम के बीच जवाहरलाल के निजी जीवन की सादगी हैरान करती थी. वहां जो झलकता था वह था भारत को नया बनाने की दिशा में की गई  उनकी बेहिसाब जद्दोजहद. वह इतिहास ले कर हम वहां से लौटते थे. वह किसी व्यक्ति का या किसी पद का संग्रहालय नहीं था, एक दौर की दुनिया थी जिससे जुड़ने का अहसास वहां होता था.

अब तीनमूर्ति से जवाहरलाल की उस मूर्ति को प्रधानमंत्री की मूर्ति में बदल दिया गया है. ऐसा बताने की कोशिश की जा रही है कि जवाहरलाल कुछ विशेष नहीं थे, देश के प्रधानमंत्रियों में एक थे. ऐसी कोशिश करने वाले यह सीधी-सी बात भूल जाते हैं कि प्रधानमंत्री कोई भी बन सकता है, बनता ही रहा है लेकिन जवाहरलाल कोई भी नहीं बन सकता है.

मुझे पता नहीं है कि दुनिया में कहीं किसी पद का कोई संग्रहालय बना हुआ है या नहीं. संग्रहालय विस्मृत प्रकृति-प्राणियों के होते हैं; बीते जमाने के वैभव के होते हैं; ऐतिहासिक घटनाअओं के होते हैं या फिर उनके होते हैं जिनके ईर्द-गिर्द इतिहास आकार लेता है. कुर्सियों के संग्रहालय में संग्रह करने लायक और उससे आज के वक्त को मिलने लायक क्या होगा, मैं समझ नहीं पाता हूं.

सरकारी अधिकारियों/प्रशासकों के दफ्तरों में आप देखते होंगे कि एक तख्ती लगी होती है जिस पर वर्षानुक्रम से दर्ज होता है कि इस कुर्सी पर कौन, कब से कब तक बैठा; और आज उस पर जो महाशय विराजमान हैं उनका प्रारंभ-काल दर्ज होता है और अंतकाल की जगह खाली छोड़ी होती है जो इन महाशय को याद दिलाती रहती है कि आप भूतपूर्व बनने से कितनी दूर हैं. उस तख्ती का न तो दूसरा कोई मतलब होता है और न वह दूसरा कोई भाव जगाती है. काठ की वह तख्ती, काठ हो गए इतिहास का भी कोई संदेश नहीं दे पाती है. कुर्सियां इससे अधिक न कुछ जानती हैं, न कह सकती हैं.

प्रधानमंत्री की कुर्सियों का संग्रहालय क्या कहेगा हमसे ? यही न कि कौन, कब से कब तक इस कुर्सी पर बैठा ? इससे प्राइमरी स्कूल के बच्चों की किताब का एक पन्ना तैयार हो सकता है, देश का इतिहास नहीं जाना जा सकता है. यह संग्रहालय यह तो नहीं बताएगा कि कौन, किस परिस्थिति में, किस तिकड़म से इस कुर्सी पर बैठा और कितना अक्षम साबित हुआ ? इस बड़ी कुर्सी पर पहुंचने के लिए किसने कितने छोटे उपक्रम किए, क्या इस संग्रहालय में यह भी दर्ज होगा ? इतिहास में आपकी जो जगह नहीं है,उस पर काबिज होने की कोशिशों का यह खतरा है. आप बौने और कुर्सियां आदमकद हो जाती हैं.

किसी के मन में यह हीन भाव या अहंकार बैठा हो कि हमें जवाहरलाल के समकक्ष माना जाए, तो यह कैसे इतिहासप्रमाणित हो सकता है ? बहादुरी में, ज्ञान में, इतिहास-बोध में कोई पासंग तो हो ! देश के दूसरे सभी प्रधानमंत्रियों से जवाहरलाल अलग हैं तो इस अर्थ में कि उन्होंने बला कि दीवानगी से इस देश का इतिहास बनाया और उतनी ही शिद्दत से इसका वर्तमान सजाया. आजादी लाने व आजाद भारत बनाने का ऐसा योग सबके हिस्से में तो आ भी नहीं सकता है. जवाहरलाल ने परिवार और परिस्थिति, दोनों के विरुद्ध जा कर औजादी का सिपाही बनना चुना था. वे उसके सबसे चमकीले सिपाही-नायक रहे, अथक संघर्ष किया. दस वर्ष से ज्यादा की जेल काटी. प्रधानमंत्री की कुर्सी पर पहुंचने के कारण वे बड़े या चमकीले नहीं हुए बल्कि वे इतने बड़े व चमकीले थे इसलिए उन्हें वह जगह मिली.

गांधी की कसौटी इतनी सख्त थी कि उस पर खरा उतरना किसी के लिए भी, कहीं से भी आसान नहीं था. जवाहरलाल बार-बार उस कसौटी पर विफल भी होते हैं, फिसलते भी हैं लेकिन कभी हार नहीं मानते हैं. उनका यह हार नहीं मानना ही उन्हें गांधी का प्रिय बनाता गया. दोनों के बीच मतभेद थे. दोनों ने ही उन मतभेदों को कभी छिपाया या दबाया नहीं. गांधी अंतत: यहां तक गए कि नाता तोड़ लेने और दुनिया को यह भेद बता देने की बात कह दी. वह सारा इतिहास अभी यहां दर्ज नहीं किया जा सकता है. लेकिन यह तो दर्ज हो ही सकता है कि जद्दोजहद के उसी काल में कभी गांधी के पास राममनोहर लोहिया यह तीखी शिकायत ले कर गए कि आपने जवाहरलाल को सबसे अच्छा कैसे कह दिया ? गांधी ने बेझिझक, सीधा जवाब दिया : मैंने उसे सबसे अच्छा नहीं कहा; इतना ही कहा है कि मेरे पास जो हैं उनमें वह सबसे अच्छा है ! जवाहरलाल के बारे में गांधी का यही आकलन अंतिम था; और इतिहास का भी यही आकलन है.

आजाद भारत के पहले प्रधानमंत्री जवाहरलाल नेहरू से हमारे भी कई मतभेद हैं – गहरे व बुनियादी ! उनकी गलतियों को हम क्षमा कर सकते हैं जैसे किसी की भी गलतियों को क्षमा कर सकते हैं, करना चाहिए लेकिन जो अक्षम्य है वह यह है कि बगैर समझे-जाने-बूझे देश को गांधी की दिशा से उल्टी दिशा में वे ले गए जिसकी गहरी कीमत हम आज भी अदा कर रहे हैं. जिस देश में एक नई दुनिया बनाने की संभावना दुनिया ने देखी थी, वह धीरे-धीरे देशों की भीड़ में शामिल हो गया. लेकिन क्या यह अकेले जवाहरलाल की गलती थी ? तब तो देश का सारा तथाकथित बौद्धिक वर्ग, वैज्ञानिक व पंडित सब वाह-वाह कर रहे थे कि जवाहरलाल गांधी की दकियानूसी दिशा को छोड़ कर देश को आधुनिकता की तरफ ले जा रहे हैं. वैसे ही लोग आज भी तालियां बजा रहे हैं. अकेले जवाहरलाल नहीं थे जो ब्रितानी फौजी कमांडर की कोठी में रहने लगे थे, राष्ट्रपति से ले कर सारे राज्यपालों ने, मंत्रियों से ले कर नौकरशाही के सारे आला अधिकारियों ने अंग्रेजों के छोड़े जूते में आराम से पांव डाल लिये थे. गांधी दिल-दिमाग से निकाल कर दफ्तरों की दीवारों पर टांग दिए गए. यह सब भी है जो देखने वालों को तीनमूर्ति के नेहरू-संग्रहालय में दिखाई देता था. इतिहास को देखने की आंख भी और उसे सुनने के कान भी बनाने पड़ते हैं. यह अंधों का तोतारटंट नहीं है.

अब कुर्सियों का यह संग्रहालय न इतिहास बयान कर सकता है, न उसकी फिसलन, न उसकी कमजोरियां. वह ऐसा फोटो अलबम बना दिया गया है जिसमें किसी एक को उभारने की फूहड़ कोशिश की गई है. जितने ज्यादा फोटो उतना बड़ा आदमी; जितना ज्यादा शोर उतना गहरा ज्ञान जैसा समीकरण हमें भी और समाज को भी खोखला बनाता जा रहा है. ऐसी फूहड़ता किसी देश को विश्वगुरू नहीं बना सकती. वैसे विश्वगुरु बनने की आकांक्षा भी कैसी फूहड़ व खोखली आकांक्षा है !

(18.04.2022)

मेरे ताजा लेखों के लिए मेरा ब्लॉग पढ़ें 

https://kumarprashantg.blogspot.com

Loading

એક અવનવો પ્રકાશન પર્વ

દીપક મહેતા|Opinion - Opinion|19 April 2022

રવિવાર, ૧૭ એપ્રિલ ૨૦૨૨ની સવારે યોજાયેલ વર્ષા અડાલજાની આત્મકથા ‘પગલું માંડું હું અવકાશમાં’ના પ્રકાશન પર્વ વખતે રજૂ કરેલું પ્રાસ્તાવિક વક્તવ્ય

આજથી ૫૩ વરસ પહેલાંના મુંબઈની એક સાંજ. જૂન મહિનાનું બીજું અઠવાડિયું પૂરું થવા આવ્યું છે. વાદળાં ઘેરાયાં છે પણ વરસાદનું નામનિશાન નથી. વાતાવરણમાં અકળામણ, ઉકળાટ. એવી એક સાંજે પતિ ઓફિસેથી ઘરે આવે છે. પત્નીના મોં સામે જોતાં જ પામી જાય છે કે વધુ અકળામણ અને ઉકળાટ તો બહાર કરતાં અહીં વધારે છે.

કેમ, શું ચાલે છે?

આ ભંગાર ચોપડી વાંચું છું, ટાઈમ પાસ કરવા, બીજું શું?

એના કરતાં તું જ એક સારી ચોપડી લખ ને!

હું? મને લખતાં ક્યાં આવડે છે?

પ્રખ્યાત લેખકની દીકરીને લખતાં ન આવડે એવું બને? લખી તો જો.

અને બીજે દિવસે સાંજે પતિ મોંઘી દાટ પાર્કર પેન અને કોરા કાગળની થપ્પી હાથમાં મૂકે છે.

પહેલાં દસેક પાનાં લખવાનું અઘરું લાગ્યું, પણ પછી તો ધીમે ધીમે પાત્રો ઉમેરાતાં ગયાં, કથા આગળ વધવા લાગી. થોડા દિવસ પછી એ નવલકથાની હસ્તપ્રત લઈને લેખિકા એક પ્રકાશક પાસે ગયાં. હસ્તપ્રત આપી કહ્યું : એક નવલકથા લખી છે. પ્રકાશકે છાપી. ‘પાંચ ને એક પાંચ’ ૧૯૬૯માં પ્રગટ થઈ. જો કે બીજી લખાયેલી ‘શ્રાવણ તારાં સરવડાં’ તેની પહેલાં પ્રગટ થયેલી. અને પછી તો અંગ્રેજીમાં કહે છે એમ, The rest is history, sorry, the rest is HER story.

સમય અને સમાજના વિશાળ પટને આવરી લેતી ‘ક્રોસરોડ’ નવલકથા ૨૦૧૬માં પ્રગટ થઈ. વચમાંનાં ૪૮ વરસમાં બીજાં ૫૦ કરતાં વધારે પુસ્તકો પ્રગટ થયાં. અને હવે આવે છે ‘પગલું માંડુ હું અવકાશમાં.’ અત્યાર સુધીમાં સર્જનાત્મક ગદ્યના બધા પ્રકારો – નવલકથા, વાર્તા, રંગભૂમિ, રેડિયો, અને ટી.વી. માટેનાં નાટક અને એકાંકી, નિબંધ, પ્રવાસ વર્ણન – આ બધાંનાં અઢળક પુસ્તકો વર્ષાબહેને આપણને આપ્યાં. ખોટ હતી તો એક આત્મકથાની. હવે તેમણે એ ખોટ પૂરી કરી છે.

પહેલ કરવાનું તો વર્ષાબહેનને ગળથૂથીમાંથી મળ્યું છે. મરાઠી, બંગાળી, હિન્દી જેવી ભાષાઓની સરખામણીમાં ગુજરાતીમાં બહુ ઓછી સ્ત્રીઓએ આત્મકથા લખી છે. અને આજ પહેલાં આપણી કોઈ મોટા ગજાની લેખિકાએ તો આત્મકથા લખી નથી જ. બીજી પહેલ એ કે છાપેલા પુસ્તક રૂપે પ્રગટ થાય તે પહેલાં વર્ષાબહેનનું આ ‘પગલું’ ‘આપણું આંગણું’ બ્લોગની ડિજિટલ ભૂમિ પર પડ્યું અને ભારત ઉપરાંત અનેક દેશોમાં છવાઈ ગયું. ત્રીજી પહેલ, આપણી ભાષાની આત્મકથાઓમાં ચિત્રો, ફોટા, ભાગ્યે જ હોય છે. જ્યારે વર્ષાબહેનની આત્મકથા સચિત્ર છે. માત્ર પોતાના ફોટા નહિ, બીજી વ્યક્તિઓ, સંસ્થાઓ, સ્થાનો, પ્રસંગો વગેરેના ફોટાને કારણે વાચક લખાયેલા શબ્દ સાથે વધુ સહેલાઈથી સંકળાઈ શકે છે અને એક વીતેલો કાળખંડ તેની નજર સામે ઊભો થાય છે.

વર્ષાબહેનની આત્મકથા ગાંધીજીની આત્મકથાની વારસદાર છે? ના. એ વારસો લેવાનું કોઈ માટે શક્ય નથી. કાકાસાહેબ કાલેલકરની ‘સ્મરણયાત્રા’ના કુળની છે? ના, અહીં એવું કાવ્યાત્મક ગદ્ય નથી. ‘પગલું માંડું હું અવકાશમાં’ને  નજીકનું સગપણ હોય તો તે છે  કનૈયાલાલ મુનશીની આત્મકથા સાથે. મુનશીની આત્મકથાની જેમ જ વર્ષાબહેનની આત્મકથા પણ પાત્રો, પ્રસંગો, ભાવો, અનુભવોથી ભરપૂર છે. આ એક નખશિખ story tellerની આત્મકથા છે. અહીં ‘કથાકારની આત્મકથા’ એમ જાણી જોઈને નથી બોલ્યો. કારણ અત્યારે ગુજરાતીમાં સ્થિતિ એવી છે કે ‘કથાકાર’ શબ્દ સાંભળતાં વેંત ઘણાને ‘તલગાજરડા’ સાંભરી આવે છે.

છેલ્લે થોડી અંગત વાત. ગયું વરસ અમારી મૈત્રીની ષષ્ટિપૂર્તિનું હતું. વર્ષાબહેન સાથેનો પહેલો પરિચય ૧૯૬૧ના જૂનમાં અમે બંને જૂદી જૂદી કોલેજનાં વિદ્યાર્થી હતાં ત્યારે થયેલો. વિલ્સન કોલેજની બહારના એચ રૂટના બસ-સ્ટોપ પર પહેલી વાર પરિચય થયેલો, બલકે અમારા બંનેના common friend રાજેન્દ્ર નાણાવટીએ કરાવેલો. વખત જતાં રાજેન્દ્ર સંસ્કૃતનો મોટો સ્કોલર બન્યો. વર્ષાબહેન મોટાં લેખિકા. પરિચય ક્યારે મૈત્રીમાં પરિણમ્યો એની તો ખબરે ન પડી. ફરકણો ફોન હાથવગો થયો તે પહેલાં ઘરમાં ડાઈનિંગ ટેબલથી થોડે દૂર ટેલિફોનનું કાળું ડબલું રહેતું. ફોન ઉપાડ્યા પછી ખુરસી ખેંચીને બેસું એટલે વંદના અચૂક પૂછે : ‘કોનો, વર્ષાબહેનનો ફોન છે ને?’ હવે મળવાનું ભલે ઓછું થાય, અવારનવાર વર્ષાબહેન સાથે ફોન પર અડધો-પોણો કલાક ગપ્પાં મારવાનું તો ચાલુ જ. આજ સુધી તેમની સાથેનો મૈત્રીસંબંધ લીલોછમ્મ રહ્યો છે. અલબત્ત, આવો અનુભવ તેમના બીજા અસંખ્ય મિત્રો અને ચાહકોનો પણ છે.

આજનો આ કાર્યક્રમ એ પુસ્તકના ‘વિમોચન’નો નથી, ‘લોકાર્પણ’નો નથી. પણ પ્રકાશન પર્વનો છે. ‘વિમોચન’ શબ્દ સાંભળતાં મને તો જાણે ગાયને કસાઈવાડેથી છોડાવવાની હોય એવું લાગે છે. ‘લોકાર્પણ’માં તો નકરો દંભ છે. એ વખતે લોકોને પુસ્તકની નકલો મફતમાં થોડી મળે છે? આપણા શીખ ભાઈ-બહેનો ગુરુ ગોવિંદસિંહજીનો જન્મ દિવસ ‘પ્રકાશપર્વ’ તરીકે ઊજવે છે. તેમાંથી પ્રેરણા લઈને ‘પ્રકાશન પર્વ.’ અને પર્વ એટલે ઉજવણી. આજનો આ કાર્યક્રમ એ મુલાકાત કે પ્રશ્નોત્તરીનો નથી. પણ ‘ગોઠડી’નો છે. અને ગોઠડીમાં વર્ષાબહેન સાથે જોડાયાં છે ઇલાબહેન અને ખેવના. આજના આ પ્રસંગ માટે જ ખાસ ચિંતનભાઈ અમદાવાદથી આવ્યા છે. ચિંતનભાઈ એટલે છેલ્લાં પચાસેક વરસથી વર્ષાબહેનનાં પુસ્તકોના પ્રકાશક આર.આર. શેઠની કંપનીની આજ. અને હંમેશની જેમ અડખેપડખે ઊભા રહ્યા છે લલિતભાઈ. આ સૌનો અને આપ સૌનો આભારી છું.

e.mail : deepakbmehta@gmail.com

Loading

અબજોપતિ ફિલ્મી કલાકારો એટલા જ ગરીબ હોય તો તેમને ફાળો ઉઘરાવીને મોકલી આપવો જોઈએ …

રવીન્દ્ર પારેખ|Opinion - Opinion|18 April 2022

મોટે ભાગે ફિલ્મની શરૂઆતમાં અક્ષય કુમાર, એક જાહેરાતમાં, એના સિગારેટ પીતા મિત્રને કહે છે કે જેટલા પૈસામાં એ સિગારેટ ખરીદે છે એટલામાં તો એની પત્નીને સેનેટરી પેડ ખરીદીને આપી શકે, જેથી ગંદુ કપડું વાપરવાથી થતી બીમારીથી તે બચી શકે. અક્ષય કુમાર તો ‘પેડમેન’માં પણ દેખાયો ને એણે સ્ત્રીઓનાં  આરોગ્યની સુરક્ષાનો પ્રચાર પણ કર્યો. સ્વચ્છતા સંદર્ભે તેણે ‘ટોયલેટ : એક પ્રેમકથા’ ફિલ્મ કરી જેમાં ટોયલેટની જરૂરિયાતનું મહત્ત્વ સમજાવ્યું. એટલે એક સારા આરોગ્ય સંવર્ધક તરીકેની અક્ષયની છાપ છે. એક ઇન્ટરવ્યૂમાં તેણે પ્રોડક્ટની મળતી જાહેરાતની ઓફરો અંગે કહ્યું કે જાહેરાત કરવાથી ઘણા પૈસા મળે એમ છે, પણ જે ખોટું છે તે ખોટું જ છે ને તેવી નબળી વસ્તુઓની જાહેરાતોમાં તે નહીં જ પડે. એ અક્ષય કુમાર હવે ‘વિમલ’ની ‘જુબાં કેસરી’ જાહેરાતમાં જોડાયો છે. એ જાહેરાતમાં, શરૂઆતમાં અજય દેવગણ આવતો હતો. એક તરફ અજય નશીલા પદાર્થોથી દૂર રહેવાનું લોકોને કહે છે ને બીજી તરફ પાન મસાલાની જાહેરાત કરવાથી પણ નથી ચૂકતો. તેની સાથે શાહરુખ ખાન પણ જોડાયો ને તે ઓછું હોય તેમ હવે અક્ષય કુમાર ઉમેરાયો છે. આ ત્રણ ત્રણ જણા ‘વિમલ’ની જાહેરાતમાં જોડાય તો લોકો વધારે ખેંચાય ને વસ્તુ વધુ ઊપડે એમ બનવાનું. અક્ષય કુમાર તો અગાઉ સિગારેટની જાહેરાત પણ કરી ચૂક્યો છે. એ સ્વસ્થ ભારતની વાત કરે છે ને એમ કરીને પોતે તો સ્વસ્થ રહે છે પણ, પાન મસાલાની જાહેરાત કરીને ભારત અસ્વસ્થ થાય એવું પણ કરે છે. ‘વિમલ’ની જાહેરાતમાં અક્ષય કુમારથી પત્તો ન લાગે તો બીજા ફિલ્મી કલાકારો પણ જોડાય ને એમ કરતાં આખું ભારત ‘જુબાં કેસરી’ થઈ જાય તો નવાઈ નહીં ! ફિલ્મી કલાકારો એટલો સઘન પ્રચાર કરી રહ્યા છે કે હવેનું બાળક ‘વિમલ’ના સેશે સાથે જન્મે તો આશ્ચર્ય ન થવું જોઇએ.

આમ તો કોઈ પણ વસ્તુની જાહેરાત થોડું વધારીને જ થતી હોય છે. એ રીતે તે ગ્રાહકો સાથેની છેતરપિંડી જ છે, છતાં કેટલીક સારી કંપનીઓ પણ છે જે નફાનું વાજબી ધોરણ જાળવીને ગુણવત્તા પણ જાળવે છે, પણ ઘણી કંપનીઓ તો લોકોને છેતરીને, તેમને માથે જીવનું જોખમ ઊભું કરીને અમર્યાદ નફો રળે છે. જે કંપની માત્ર જાહેરાત કરનાર કલાકારને કરોડો રૂપિયા ખુશીથી આપતી હોય તે કેટલું કમાતી હશે તેની તો કલ્પના જ કરવાની રહે. એ કમાણી તે લોકોના જીવ પર જ કરે છે. હવે જે કમાણી કરાવે તેને જ ગરદન તો ન મરાયને ! પણ, મરાય છે.

લોકો જીવે કે ન જીવે, પણ ફિલ્મી કલાકારો આવી જાહેરાતો પર જીવે છે. હિન્દી ફિલ્મ જગતમાં આ કલાકારોનું નામ છે. એમના અભિનય પર લોકો આફરીન છે. એમની એક ઝલક પામવા હજારો લોકો સદા ઉત્સુક હોય છે, તેમના અભિનયને બિરદાવીને લાખો લોકોએ તેમને કરોડોની કમાણી કરાવી છે ને એ કલાકારો લોકોને પાન મસાલા ખાવાનો આકર્ષક ઉપદેશ આપીને લોકોને નાદુરસ્તી તરફ ધકેલે છે તે શરમજનક છે. પાન મસાલાનું સેશે એ લોકો મોઢામાં ઓરતા દેખાય તો છે, પણ ખરેખર પછી એ કેટલું ખાતાં હશે તે નથી ખબર. જો એ સારી જ પ્રોડક્ટ છે તો તેની પોતાનાં કુટુંબથી શરૂઆત કરવી જોઈએ, પણ ખાવામાં કુટુંબ દેખાતું નથી. આવી ઉત્તમ પ્રોડક્ટથી પોતાનું કુટુંબ વંચિત રહે એ તો ચાલે જ કેમ? પણ, આ કલાકારો ઘરમાં ખાલી સેશે પણ ઘૂસવા નથી દેતા ને અનેક નિર્દોષ લોકોને લલચાવીને મોતને રસ્તે વાળે છે. આ કોઈ રીતે યોગ્ય નથી.

મનોજ બાજપાયી પાન વિલાસની જાહેરાત કરે છે, સની દેઓલ સંતૂર મીઠા / સાદા પાન મસાલાની જાહેરાત કરે છે અને તેમાં તો મહિલાઓને પણ ખાતી બતાવાઈ છે. હવેની પાન મસાલાની જાહેરાતો અભિનેત્રીઓ કરે તો આઘાત નહીં લાગે. એટલું જ બાકી રહ્યું છે. ટાઈગર શ્રોફ પાનબહારની જાહેરાત કરે છે, તેમાં એલચીની જાહેરાત છે પણ તે એલચીને નામે નહીં, પાનને નામે થાય છે. રિતિક રોશન દિલબાગ પાન મસાલા ખપાવે છે, પણ એ પોતે ખાતો દેખાતો નથી, માત્ર ઘોડાને પંપાળતો દેખાય છે, એ કદાચ ઘોડાને ગધેડો બનાવતો હોય તો નવાઈ નહીં. સલમાન ખાન ‘રાજશ્રી’ એલચીની જાહેરાતની આડમાં, પાન મસાલાની જાહેરાત કરતાં કહે છે, ’સબ બનેંગે ફોલઅર્સ, સબ બનેંગે ફેન.’ એમાં પોતાનાં ફોલોઅર્સ કે ફેન બનાવવા કરતાં પાન મસાલાનાં વ્યસની બનાવવાની ચાલ વધારે છે. અમિતાભ બચ્ચન જેવા મહાનાયકને પણ પાનમસાલાની જાહેરાત કર્યા વગર ચાલ્યું નથી. એણે કમલાપસંદ પાન મસાલાની જાહેરાત એલચીની આડમાં કરી. પછી ખબર પડી કે જાહેરાત પાનમસાલાની જ છે તો પીછેહઠ કરી ને કોન્ટ્રાક્ટના પૈસા પાછા આપી દીધા. બચાવ એવો કર્યો કે એ તો એલચીની જાહેરાત હતી. સાથે જ એવી દલીલ પણ કરી કે થોડા પૈસા કમાઈ લઉં તો તેનો ચાહકોએ વાંધો શું કામ લેવો જોઈએ ! એ અત્યંત લોભી માનસિકતા સૂચવે છે. બચ્ચને ફરી પાન મસાલાની જાહેરાત શરૂ કરી હોય એવું લાગે છે એ પરથી એણે કોન્ટ્રાક્ટ કેન્સલ કર્યો છે એ વાતમાં ગરબડ લાગે છે. આ ઉપરાંત ગોવિંદા, સંજય દત્ત, શમ્મી કપૂર, અરબાઝ ખાન ને બીજા પણ ઘણા આવી જાહેરાતોમાં પડ્યા છે અથવા તો પડી ચૂક્યા છે. આટલા બધા કલાકારો માત્ર પાન મસાલાની જાહેરાત જ કરે છે એ પણ કેવું? એ પરથી પણ જાહેરાત કરનાર ને કરાવનાર કેટલાં પ્રમાણિક હશે તે સમજી શકાય એવું છે.

જો કે, સરકાર તંબાકુના જોખમોની ઘણી જાહેરાતો ટી.વી., ફિલ્મમાં કરે છે ને તમાકુને કારણે થતાં કેન્સરની ભયાનકતા પણ બતાવે છે ને તેની સમાંતરે જ પાન મસાલાની લોભામણી જાહેરાતો પણ આવે છે. આમ તો ગુટખા, પાનમસાલા (જેમાં તમાકુ હોય), દારૂ પર પ્રતિબંધ છે, પણ તે કોઈને કોઈ રીતે પ્રચારમાં છે. જાહેરાતો એવી યુક્તિથી બતાવાય છે કે કાયદો કૈં બગાડી ન શકે. દારૂ બનાવતી કંપનીઓ સોડા વોટર પણ બનાવે છે. પાન મસાલા બનાવતી કંપનીઓ એલચી કે મુખવાસ પણ બનાવે છે. એટલે એલચી કે મુખવાસ ખાનાર પણ મોડો વહેલો પાન મસાલા તરફ વળે એમ બને. ઇરાદો પ્રતિબંધિત મસાલા તરફ વાળવાનો હોય જ છે. જેની એલચી સારી લાગે તેનો પાન મસાલો કેવો હશે એ જોવા કોઈ પણ ખેંચાય ને તે જ હેતુ જાહેરાતમાં હોય છે. એવી જ રીતે સોડાને નામે, દારૂ તરફ વળવાનું પણ બને જ છે. તે એટલે કે બંનેને બનાવનાર કંપનીઓ એક જ છે. એક કંપનીની એક જ નામની બે પ્રોડક્ટ ગ્રાહકને ગૂંચવે છે. એ રીતે  ગૂંચવવાનો હેતુ એ છે કે એકને નામે બીજું ખરીદવાની ભૂલ થાય. ખરેખર તો એક કંપની, કોઈ છેતરાય તેવી બીજી પ્રોડક્ટ્સ ન બનાવે એવી કાનૂની જોગવાઈ હોવી જોઈએ, પણ એવું નથી.

સરકાર તમાકુ ન ખાવાની જાહેરાત બનાવીને છૂટી પડે છે, પણ તે પોતે જ ઈચ્છે છે કે ગુટખા, સિગારેટ, દારૂનું વેચાણ ન ઘટે, કારણ તેમાંથી તેને સૌથી વધુ ડ્યૂટી મળે છે. સૌથી વધુ કમાણી સરકાર દારૂ, સિગારેટ, તમાકુમાંથી કરતી હોય તો નવાઈ નહીં. એની આવકમાં વધારો કરી આપે છે ફિલ્મી કલાકારો, જે તેનાં ચાહકોને પાન મસાલા ને બીજી નશીલી વસ્તુઓ ખરીદવા લલચાવે છે ને તેને આદર્શ માનતા ચાહકો તે હોંશે હોંશે ખરીદે છે ને નશીલી વસ્તુઓ પેટમાં પધરાવી મોતને નજીક તેડી લે છે. તે એટલે ખાય છે કારણ તેનો હીરો ખાય છે. હીરોને એ ખાવાથી કરોડો રૂપિયા મળે છે ને એ ખાવાથી ચાહકોના તો ગજવાં ને તબિયત, બંને ખંખેરાય છે. આ ફિલ્મી કલાકારો ગરીબ નથી. ફિલ્મોમાં અભિનય કરવાથી તેમને લાખો, કરોડો રૂપિયા મળે છે. અભિનેતા તરીકે આ બધાં જ ખૂબ માન ભર્યું સ્થાન, ચાહકોમાં ધરાવે છે, પણ  કલાકારો ફાલતુ ચીજ વસ્તુઓની જાહેરાત કરીને ચાહકોને છેતરે છે ને તેમની જિંદગી જોડે રમત રમે છે. અમિતાભ બચ્ચન જેવો કલાકાર એવી કઈ ખોટ છે કે પાન મસાલાની જાહેરાત કરે છે ને ઉપરથી બચાવ કરે છે કે આ બધું તે પૈસા માટે કરે છે. આ શરમજનક છે. એવા તમામ કલાકારો કે જેમણે આવી ચીપ પ્રોડક્ટની જાહેરાત કરવાની જરૂર જ નથી, તેઓ આવી વસ્તુઓની જાહેરાત કરીને હજારો જિંદગીને દાવ પર લગાવે છે તે દુ:ખદ છે. એ હત્યા કરતાં નથી, પણ જે કરે છે તે હત્યાથી ઓછું નથી. એક વાત બહુ સ્પષ્ટ છે કે આ બધાંનું મૂળ તમાકુ છે. તમાકુનું ઉત્પાદન જ સરકાર બંધ કરી દે તો તેને લગતી પ્રોડક્ટ્સ જ બંધ થઈ જાય, પણ સરકારની દાનત ખોરી છે. સરકાર કાઁગ્રેસની હોય કે ભા.જ.પ.ની, કોઈએ નશીલા પદાર્થોનાં ઉત્પાદન પર રોક લગાવી નથી. તેનું કારણ એ છે કે એ પદાર્થોનાં વેચાણમાંથી તેની હોજરી ભરાય છે. તે ગરીબોને અનાજ મફત આપે છે, પણ તેને ખબર છે કે આજ ગરીબો નશીલા પદાર્થો ખરીદીને અનેક ઘણી રકમ પરત કરવાના છે. સરકાર પેટનો ખાડો પૂરે છે ને લોકોને ખાડામાં પૂરવાની વ્યવસ્થા પણ તે જ કરી આપે છે.

– ને એ ગરીબ કલાકારોને શું કહેવું, જે લોકોને ટેકે ઊભા થાય છે ને એમને જ ખભો આપવાનું હલકું કામ કરે છે. એ જો ખરેખર જ એટલા ગરીબ હોય તો લોકોએ ફાળો ઉઘરાવી થોડા કરોડ એમને મોંએ નાખવા જોઈએ જેથી આવી ભદ્દી જાહેરાતો કરતાં તો અટકે, શું કહો છો?

000

e.mail : ravindra21111946@gmail.com

પ્રગટ : ‘આજકાલ’ નામક લેખકની કટાર, “ધબકાર”, 18 ઍપ્રિલ 2022

Loading

...102030...1,5891,5901,5911,592...1,6001,6101,620...

Search by

Opinion

  • શિક્ષણને મામલે આટલી ગરીબ સરકાર ગુજરાતમાં ક્યારે ય આવી નથી …
  • સ્ટ્રેટ ઑફ હોર્મુઝઃ “બહોત કઠિન હૈ ડગર પનઘટ કી …” ભારતની ઊર્જા સુરક્ષા પર સાંકડા માર્ગનો સકંજો
  • ચલ મન મુંબઈ નગરી—334
  • મારે મોગલ ને ફુલાય પિંજારા 
  • અસત્યના પ્રયોગો  

Diaspora

  • યુ.કે.માં ડ્રાઇવિંગની પરીક્ષા
  • અમીના પહાડ (1918 – 1973) 
  • છ વર્ષનો લંડન નિવાસ
  • દીપક બારડોલીકરની પુણ્યતિથિએ એમની આત્મકથા(ઉત્તરાર્ધ)ની ચંદ્રકાન્ત બક્ષીએ લખેલી પ્રસ્તાવના.
  • ગાંધીને જાણવા, સમજવાની વાટ

Gandhiana

  • માનવતાવાદી ત્રિપુટીને સ્મરણાંજલિ 
  • ગાંધી ‘મોહન’માંથી ‘મહાત્મા’ બન્યા, અને આપણે?
  • ગાંધીહત્યાના પડઘા: ગોડસેથી ગોળવલકર સુધી …
  • ગાંધીની હત્યા કોણે કરી, નાથુરામ ગોડસેએ કે ……? 
  • ગાંધીસાહિત્યનું ઘરેણું ‘જીવનનું પરોઢ’ હવે અંગ્રેજીમાં …

Poetry

  • કવિ
  • ગઝલ
  • ગઝલ
  • કોઈ અપાવે જો એ બાળપણ પાછું …
  • પન્નાને, વેલન્ટાઈન ડે, ફેબ્રુઆરી 14, 2026 ~ સોનેટ ~ નટવર ગાંધી

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • My mother cries on the phone’: TV’s war spectacle leaves Indians in Israel calming frightened families
  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved