Opinion Magazine
Number of visits: 9570121
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

ગાંધી અને હિન્દુત્વ

રામચંદ્ર ગુહા|Gandhiana|28 February 2022

એપ્રિલ ૧૯૧૫માં, દક્ષિણ આફ્રિકાથી વતન પરત આવ્યાના થોડા મહિના પછી, મોહનદાસ કરમચંદ ગાંધી દિલ્હી ગયા હતા અને ત્યાં સેન્ટ સ્ટિફન્સ કૉલેજના વિદ્યાર્થીઓને સંબોધન કરેલું. શ્રોતાગણમાં વિવિધ ધર્મના અનુયાયીઓ હતા અને ગાંધીએ તેમને પોતાના રાજકારણી ક્ષેત્રના ગુરુની વાત કરી. થોડાં અઠવાડિયાં પહેલાં જ ગોપાલકૃષ્ણ ગોખલે અવસાન પામ્યા હતા. ગાંધીએ કહ્યું કે ગોખલે હિન્દુ હતા, પણ “સાચા પ્રકારના”. ગાંધીના શબ્દોમાં, “એક વાર એક હિન્દુ સંન્યાસી તેમને મળવા આવ્યા અને તેમની સમક્ષ હિન્દુઓને રાજકારણમાં આગળ લાવવાની એવી દરખાસ્ત રજૂ કરી જેમાં મુસ્લિમોને દબાવવામાં આવે. સંન્યાસીએ આ દરખાસ્તની તરફેણમાં અનેક ધાર્મિક કારણો પણ ગણાવ્યાં. ગોખલેએ આ માણસને જવાબ આપ્યો કે, જો હિન્દુ હોવા માટે મારે તમે જે ઇચ્છો છો તે કામ કરવાનું હોય તો કૃપા કરીને એક જાહેરાત બહાર પાડો કે હું હિન્દુ નથી.” (‘મિ. ગાંધીઝ વિઝિટ’, સેન્ટ સ્ટિફન્સ કૉલેજ મૅગેઝિન, એપ્રિલ ૧૯૧૫.)

ધીરેન્દ્ર કે. ઝાનું જાન્યુઆરીમાં પ્રકાશિત થયેલું નવું પુસ્તક, ‘ગાંધીઝ એસેસિન’, નવા અને નક્કર પુરાવા સાથે કહે છે કે નથુરામ ગોડસેએ ૧૯૪૦ના દશકામાં આર.એસ.એસ. સાથે ઘનિષ્ઠ સંબંધો જાળવી રાખ્યા હતા. ભલે એ વાત ભુલાવવા જાતભાતના દાવાઓ કરવામાં આવે પણ ૩૦મી જાન્યુઆરી, ૧૯૪૮ના રોજ ગાંધીહત્યા વખતે પણ તેઓ સંઘ સાથે જોડાયેલા જ હતા. જો કે, એક વ્યક્તિના સંસ્થાકીય સંબંધોથી આગળ જઈએ તો વિચારધારાના જોડાણનો પ્રશ્ન ખડો થાય છે. ગોડસેની જેમ આર.એસ.એસ. માનતું હતું – અને હજુ પણ માને છે – કે આ દેશની રાજકીય અને સાંસ્કૃતિક જીવનધારા પર હિન્દુઓનો દાવો બાકી કોઈથી વધારે જૂનો અને બાકી સૌથી વધારે મજબૂત છે. સંઘ એમ માને છે કે મુસ્લિમો અને ખ્રિસ્તીઓ કરતાં હિન્દુઓ વધુ કુદરતી રીતે સાચા ભારતીય છે. આવી હિન્દુકેન્દ્રી (‘હિન્દુ સુપ્રિમિસિઝ્મ’) વિચારસરણીના કારણે આર.એસ.એસ. અને તેના જેવી બીજી સંસ્થાઓ ગાંધીની બિલકુલ વિરુદ્ધમાં ખડી થાય છે, જે હવે પછીના ફકરાઓમાં વધુ સ્પષ્ટ થશે.

આર.એસ.એસ. માને છે કે ભારત પર હિન્દુઓનો વિશેષ દાવો કે અધિકાર બને છે, પણ ગાંધી માનતા કે આ દેશ પર અને તે જે કશાનું પ્રતિનિધિત્વ કરે છે તેના પર તમામ ધર્મોના અનુયાયી દેશવાસીઓનો એક સરખો અધિકાર છે. સૌને સમાવતા આ વિચારમાં ગાંધીના નૈતિક દર્શનનો પણ આધાર હતો, અને તેમની રાજકીય કામગીરીનો પણ. આ મુદ્દે એક દાખલો આપું તો, ૧૯૪૫માં તેમણે પક્ષના રચનાત્મક કાર્યક્રમ વિશે એક અગત્યની પુસ્તિકા પ્રકાશિત કરેલી (‘રચનાત્મક કાર્યક્રમ, તેનું રહસ્ય અને સ્થાન’). અસ્પૃશ્યતા નિવારણ, ખાદીને પ્રોત્સાહન અને આર્થિક સમાનતા જેવા બીજા પણ વિષયો હતા જે સૌ ગાંધી માટે એટલું જ મહત્ત્વ રાખતા હતા, પણ તેમના કાર્યક્રમમાં તેમણે પહેલું સ્થાન કોમી એકતાને આપ્યું હતું. ગાંધીએ તેમાં લખેલું કે,

“કોમી એકતાનો અર્થ તો છે તોડી ન તૂટે એવી હાર્દિક એકતા. એવી એકતા સાધવાને પ્રથમ આવશ્યક વસ્તુ એ છે કે, દરેક મહાસભાવાદીએ – તેનો ધર્મ ગમે તે હોય તો પણ – પોતે જાતે હિંદુ, મુસલમાન, ખ્રિસ્તી, જરથોસ્તી, યહૂદી વગેરે – ટૂંકામાં દરેક હિંદુ તેમ જ ઇતરધર્મી – સહુના પ્રતિનિધિ બનવું જોઈએ. હિંદુસ્તાનના કરોડો રહેવાસીઓમાંના એકેએકનાં સુખદુ:ખનો પોતે ભાગીદાર છે એવી ભાવના તેના મનમાં સદૈવ જાગ્રત હોવી જોઈએ. એવી સ્થિતિ પ્રાપ્ત કરવા માટે દરેક મહાસભાવાદીએ અન્ય ધર્મોના માણસો સાથે અંગત મિત્રાચારી કેળવવી જોઈએ. તેને જેટલો આદર પોતાના ધર્મને વિષે હોય તેટલો જ તેણે બીજા ધર્મોને વિષે પણ રાખવો જોઈએ. (પૃષ્ઠ ૪–૫ઃ ચંદ્રશંકર પ્રાણશંકર શુક્લના ગુજરાતી અનુવાદમાં.)

બે વર્ષ પછી કાઁગ્રેસ અને ગાંધી ધાર્મિક ધોરણ પર દેશના ભાગલા થતા અટકાવી શક્યા નહિ. પણ નસીબને દોષ દઈ બેસી રહેવાના કે નિરાશાવાદમાં જવાના બદલે – અને એથી ય વધુ તો બદલાની ભાવના પાળવાના બદલે – ગાંધીએ ભારતમાં રહેવાનું પસંદ કરનારા મુસ્લિમોને એટલી ખાતરી આપવામાં પોતાની તમામ તાકાત લગાવી દીધી કે તેમને સ્વતંત્ર ભારતમાં સમામ નાગરિક અધિકાર મળશે જ. કલકત્તામાં સપ્ટેમ્બર ૧૯૪૭માં અને દિલ્હીમાં જાન્યુઆરી ૧૯૪૮માં તેમણે કોમી એકતા માટે ઉપવાસ આદર્યા, તે બાબતે ઘણું લખાઈ ચૂક્યું છે. પણ જે બાબતે ઓછું લખાયું છે, અને જે એટલી જ અગત્યની છે, તે ૧૫મી નવેમ્બર, ૧૯૪૭ના રોજ ઑલ ઇન્ડિયા કાઁગ્રેસ કમિટીમાં તેમણે આપેલા વક્તવ્યની છે. તે પ્રસંગે ગાંધીએ કહ્યું કે,

“હું ઇચ્છું છું કે તમે કાઁગ્રેસની મૂળભૂત લાક્ષણિકતાને વળગી રહો અને હિંદુ–મુસ્લિમોને એક કરો, જે આદર્શ માટે કાઁગ્રેસે ૬૦ વરસથી વધુ સમયથી કામ કર્યું છે એ આદર્શ હજુ પણ આપણી સામે છે. કાઁગ્રેસે કદી એવું કહ્યું નથી કે તે માત્ર હિંદુ હિતો માટે કામ કરે છે. કાઁગ્રેસ જન્મી ત્યારથી આજ લગી આપણે જે દાવો કર્યો છે તે શું આપણે હવે જતો કરીને નવી તરજ પર ગાવા માંડીશું?” (કલેક્ટેડ વર્ક્સ ઓફ મહાત્મા ગાંધી, વૉલ્યુમ ૯૦, પૃષ્ઠ ૩૮.)

ભારત તેમાં વસતા સૌ કોઈનો દેશ છે, પછી તે ચાહે હિંદુ હોય કે મુસ્લિમ કે અન્ય, એ માન્યતાને પકડી રાખવા માટે થઈને તો ગાંધીની હત્યા કરવામાં આવી. ગાંધીના અવસાનનાં થોડાં અઠવાડિયાં પછી, માર્ચ ૧૯૪૮માં, તેમના અમુક અંતેવાસી સેવાગ્રામમાં એકઠા થયા અને હવે પછી શું કરવું તેની ચર્ચા કરી. એ ચર્ચામાં આર.એસ.એસ.નો સંદર્ભ વારંવાર આવ્યો – ગોડસે તેના સભ્ય હતા એ કારણે જ નહિ, હત્યા પહેલાંના દિવસોમાં સંઘના વડા મા.સ. ગોળવલકર અનેક ઝેરી કોમી ભાષણો આપ્યાં હતાં એ કારણ પણ. વિનોબા ભાવેએ ઘણા ભાવ સાથે વાત કરી કે પોતે તો જાણે હવે મરાઠી બ્રાહ્મણના લેબલથી આગળ વધી ગયા હતા, પણ તેમના જ્ઞાતિબંધુઓના પ્રભાવ હેઠળની આ સંસ્થા માટે તેમને ભારે અવિશ્વાસ હતો. તેમણે કહ્યું કે, “સંઘે ભારે કૌશલ્ય સાથે તેનો વિસ્તાર વધાર્યો છે અને તેનાં મૂળિયાં ઊંડે ગયાં છે. તે હાડોહાડ ફાસીવાદી છે … તેના સભ્યો એકબીજાને વિશ્વાસમાં લેતા નથી. ગાંધીજીનો પહેલો સિદ્ધાન્ત જ સત્ય છે, પણ આ લોકોનો પહેલો સિદ્ધાન્ત જ અસત્ય હોય એમ લાગે છે. તેમની કાર્યશૈલી અને તેમની વિચારધારાનો પાયો જ અસત્યમાં છે.”

વિનોબાએ ગાંધી–પ્રેરિત રાષ્ટ્રીય આંદોલન અને હિંદુત્વના કર્તાકર્તાઓ વચ્ચેની મોટી ખાઈ વિશે વિગતે વાત કરી. “આર.એસ.એસ.ની કાર્યશૈલી કાયમ આપણી રીતિથી ઊંધી જ રહી છે. જ્યારે આપણે જેલ જતા હતા, ત્યારે તેમની નીતિ લશ્કર કે પોલીસ દળમાં જોડાવાની હતી. જ્યાં ક્યાં ય પણ હિંદુ–મુસ્લિમ રમખાણની શક્યતા હોય ત્યાં આ લોકો તત્કાળ પહોંચી જતા હતા. ત્યારની (બ્રિટિશ) સરકારને આમાં પોતાનો ફાયદો દેખાયો એટલે તેણે તેમને પ્રોત્સાહન આપ્યું અને હવે એનાં પરિણામો આપણે ભોગવવાનાં છે.” (જુઓ ગોપાલકૃષ્ણ ગાંધી–સંપાદિત ‘ગાંધી ઈઝ ગોન, હુ વિલ ગાઇડ અસ નાઉ?’)

ગાંધીના બીજા અંતેવાસીઓએ પણ સંઘનો બારીક અભ્યાસ કર્યો હતો અને તેઓ વિનોબાની સમજ સાથે સહમત હતા. ‘હરિજન’ પત્રિકાના ૧૯મી ડિસેમ્બર, ૧૯૪૮ના અંકમાં કિશોરલાલ મશરૂવાળાએ નોંધ્યું હતું કે, તેમને સંઘ બાબતે શંકાઓ હતી, “જે સમય વીતવા સાથે વધુ મજબૂત થતી ગઈ છે”. મશરૂવાળા મરાઠીમાં સંઘ વિશે અને સંઘના સભ્યો દ્વારા જે લખાતું તેનો અભ્યાસ કરતા આવ્યા હતા, અને તે વાચનના આધારે તેમનું તારણ હતું કે, સંઘના સૂત્ર –  હિંદુ ધર્મ માટે માન અને કોઈના પણ પ્રત્યે ન અપમાન (‘Love for Hinduism and ill-will towards None’) – “તેમાં મારો અભિપ્રાય છે કે ઉત્તરાર્ધ સાચો નથી. મેં તેના વિષે જે કાંઈ સાંભળ્યું છે અને વાંચ્યું છે તે પ્રમાણે તેમને મુસ્લિમો માટે દુશ્મનાવટ અને ધિક્કારની લાગણી છે” (“My opinion is that the last half is not true. It has, from all that I have heard about it and read of its literature, ill-will and dislike for Muslims.”) મશરૂવાળાએ જેને સંઘના સ્થાપક સિદ્ધાન્ત તરીકે વ્યાખ્યાયિત કરેલી તે આ “દુશ્મનાવટ અને ધિક્કારની લાગણી” સૌથી લાંબો કાર્યકાળ ધરાવતા સરસંઘચાલક ગોળવલકરનાં લખાણોમાં સારી પેઠે વ્યક્ત થયેલી છે. આર.એસ.એસ.ના અત્યારના વડા મોહન ભાગવત તેમના પુરોગામીઓ કરતાં થોડી ઓછી તીખાશ–કડવાશથી વાત કરે છે, પણ એમાં કોઈને કાંઈ શંકા નથી કે તેઓ પણ હિન્દુકેન્દ્રી વિચારધારાને વરેલા જ છે. (હરિદ્વારમાં ડિસેમ્બરમાં કહેવાતી ધરમ સંસદમાં જે સંહાર સુધીની વાતો થઈ તે અંગેનું તેમનું મૌન જ ઘણું કહી જાય છે.) જેમ ૧૯૪૮માં તેમ ૨૦૨૨માં પણ, ગાંધીના વિશાળહૃદયી સમાવેશી દર્શન અને હિંદુત્વની લઘુમતી–ઘૃણાની વિચારધારા વચ્ચે મોટું અંતર છે. જેમ ત્યારે તેમ અત્યારે પણ આપણે ભારતીયોએ બેમાંથી એકની પસંદગી કરવાની છે. આપણા પ્રજાસત્તાકનું ભાવિ કદાચ આપણે કેટલા સમજુ અને કેટલા ર્નિભય છીએ તેના પર આધાર રાખે છે.

અનુવાદક : આશિષ મહેતા

(મૂળ લખાણ અંગ્રેજીમાં ‘ધ ટેલિગ્રાફ’માં પ્રકાશિત થયું. અહીં સૌજન્યથી પુનઃપ્રકાશિત. 

https://www.telegraphindia.com/opinion/a-yawning-chasm-politics-and-play-gandhi-versus-hindutva/cid/1849592

નોંધઃ રચનાત્મક કાર્યક્રમના ઉદ્ધરણને બાદ કરતાં, સૌ ઉદ્ધરણોનાં અધિકૃત અનુવાદ હોય તોપણ તત્કાળ ઉપલબ્ધ ન હોવાથી અહીં સખેદ નવેસરથી જ ગુજરાતીમાં ઉતાર્યા છે. : અનુવાદક)

સૌજન્ય : “નિરીક્ષક”, 01 માર્ચ 2022; પૃ. 04-05

Loading

અનુવાદ માટે સન્માનિત અશ્વિન ચંદારાણા

સંજય સ્વાતિ ભાવે|Opinion - Opinion|28 February 2022

— અશ્વિન ચંદારાણાએ  હોલોકૉસ્ટ (holocaust) એટલે કે બીજા વિશ્વયુદ્ધના કાળમાં  નાઝીઓએ ચલાવેલા યાતનસત્ર અને માનવસંહારનાં બે ખૂબ મહત્ત્વનાં હૃદયસ્પર્શી  પુસ્તકો  ગુજરાતીમાં લાવીને બહુ પ્રસ્તુત યોગદાન આપ્યું છે ——

વડોદરાના અશ્વિન ચંદારાણાને ગુજરાત સાહિત્ય અકાદમીના અનુવાદ માટેના બે વર્ષોના પુરસ્કાર મળ્યા છે. 

વર્ષ 2018નો પુરસ્કાર ‘યાતનાઓનું અભયારણ્ય’ પુસ્તક માટેનો છે, જે એક કુષ્ઠરોગી વિશેની નવલકથા Who Walk Alone(1940)નો અનુવાદ છે. કુષ્ઠરોગના નિવારણ અને તેની અંગેની જાગૃતિને સમર્પિત અમેરિકન માનવસેવક પેરી બરજેસે (1886-1962) આ પુસ્તકમાં કુષ્ઠરોગનો સામનો કરનાર એક જીવનવીર નેડ લૅન્ગફોર્ડની કહાણી આલેખી છે. આ નિવૃત્ત સૈનિક રોગનિદાન થયા પછી કુષ્ઠરોગીઓ માટે ફિલિપાઇન્સના ક્યુલિઅન ટાપુ પરની Sanctuary of Sorrow  અર્થાત્ યાતનાઓનું અભયારણ્ય તરીકે ઓળખાતી વસાહતનો નિવાસી બને છે. આ પુસ્તક ગુજરાતી સાહિત્ય અકાદમીએ પ્રસિદ્ધ કર્યું છે.   

વર્ષ 2019ના પુરસ્કાર માટે અશ્વિનભાઈના અનુવાદ ‘ધ પિયાનિસ્ટ’(The Pianist, 1999)ની પસંદગી થઈ છે. મૂળ આ જ નામ ધરાવતું પુસ્તક પોલન્ડના લોકપ્રિય યહૂદી પિયાનોવાદક વ્લાદિસ્લોવ સ્પિલમેને (Władysław Szpilman,1911-2000) પોલીશ ભાષામાં લખેલી સ્મરણકથા  છે. હોલોકૉસ્ટની આ પીડાકારક આપવીતી એન્થિઆ બેલના અંગ્રેજી અનુવાદ પરથી ગુજરાતીમાં આવી છે. 

નાઝી જર્મનીએ સપ્ટેમ્બર 1939માં પોલન્ડ પર કબજો મેળવ્યો. સ્પિલમન અને તેમના પરિવારને દેશના પાટનગર વૉરસોમાં બનેલી યહૂદીઓ માટેની દોજખ સમી વસાહતોમાં – ‘ઘેટ્ટોઝ’માં રહેવાની ફરજ પડી. સમયાંતરે સ્પિલમનનાં મા-બાપ, ભાઈ-બહેનને યહૂદીઓ માટેના ટ્રેબ્લિન્કા ખાતેનાં 'કૉન્સન્ટ્રેશન કૅમ્પ' એટલે કે યાતનાછાવણીમાં મોકલી દેવામાં આવ્યાં, જ્યાં તેઓનાં મોત થયાં. સ્પિલમન બચી ગયા કારણ કે નાઝીઓથી નારાજ અને સંગીતપ્રેમી એવા જર્મન લશ્કરી અધિકારી વિલ્મ હોસેનફિલ્ડે તેમને મદદ કરી. પિયાનોવાદક વૉરસોની વસાહતમાં કાટમાળ અને યહૂદીઓનાં રખડતાં શબો વચ્ચે ભૂખમરો વેઠીને જીવ્યા. યુદ્ધ પૂરું થયા બાદ તેમણે પોતાનાં વીતક પ્રકાશિત કર્યાં જેમાં દિવંગત હોસેનફીલ્ડની ડાયરીનાં ખૂબ વ્યથાપૂર્ણ  પાનાંનો પણ સમાવેશ કર્યો. એક સૈનિકે નાઝીઓનાં દુષ્ટતા, અહંકાર અને અત્યાચારનો આપેલો ચિતાર પણ સંગીતકારની આપવીતી જેટલો વિદારક છે. આ લખનારની છાપ એવી છે કે આ પુસ્તક કરતાં તેના પર રોમાન પોલાન્સ્કીએ 2002માં બનાવેલી સાત ઑસ્કર અવૉર્ડ મેળવનારી ફિલ્મ વધુ જાણીતી છે. રાજકીય કર્મશીલ અને સાહિત્ય વિવેચક ભરત મહેતાએ ‘રોચક અનુવાદ’ મથાળા હેઠળની પ્રસ્તાવનામાં નોંધ્યું છે : ‘…આ [નાઝી] માનવસંહાર ધર્મના નામે વિશ્વસત્તા બનવા માટે જર્મનીના ઉગ્ર રાષ્ટ્રઝનૂનનું પરિણામ હતું .. .આ સ્મરણકથાનું ગુજરાતીમાં આવવું અત્યારે ખૂબ પ્રસ્તુત છે … આવી કથાઓ આપણને આપણો સાચો ધર્મ સમજાવવાની કોશિશ કરે છે. તેથી આ કોશિશનું અદકેરું મૂલ્ય છે.’ 

*****

પૉલન્ડની જ ભૂમિ પરનું, હોલોકૉસ્ટની ક્રૂરતા વર્ણવતું  જે બીજું એક મહત્ત્વનું પુસ્તક 'શિન્ડલર્સ લિસ્ટ' (Schindler's List) અશ્વિનભાઈ ચાર વર્ષ પહેલાં ગુજરાતીમાં લાવ્યા છે તે. ઑસ્ટ્રેલિયન સાહિત્યકાર થૉમસ માઇકલ કીનિલી(Keneally)એ લખેલી બુકર અવૉર્ડ વિજેતા 'શિન્ડલર્સ આર્ક' (1982) નવલકથાની અમેરિકન આવૃત્તિનું નામ 'શિન્ડલર્સ લિસ્ટ' છે. આ જ નામે સ્ટીવન સ્પિલબર્ગે 1993માં બનાવેલી હચમચાવી જનારી ફિલ્મને સાત ઍકેડેમી અવૉર્ડ મળ્યા હતા. અહીં ઓસ્કર શિન્ડલર નામના એક વેપારીની માનવતાની કથા માંડી છે. પોલંડમાં ઘૂસેલા લેભાગુ જર્મન વેપારીઓમાંના એક એવા શિન્ડલરે યહૂદીઓની બેફામ હત્યાઓ નજરે  નિહાળી, તેનું હૃદયપરિવર્તન થયું અને તેણે જાનના જોખમે પણ તેરસો જેટલા યહૂદીઓને નાઝીઓના હાથે થનારા મોતમાંથી બચાવ્યા. ગુજરાતી પુસ્તકની સરસ અભ્યાસપૂર્ણ પ્રસ્તાવનામાં જાણીતા વાર્તાકાર કિરીટ દૂધાતે લખી છે. તેઓ ઑસ્ટ્રેલિયન અંગ્રેજીમાં લખાયેલી લાંબી અને હિમ્મત માગી લેતી કૃતિના અશ્વિનભાઈના શબ્દશ: અનુવાદને  'હમ લાયે હૈં તૂફાન સે કશ્તી નિકાલ કે' જેવો ગણાવે છે.

*******

અશ્વિનભાઈ અનુવાદિત ત્રીજી યુદ્ધકથા તે એરિક મારિયા રિમાર્ક (Erich Maria Remarque,1898-1970)ની જર્મન નવલકથા 'ઑલ ક્વાએટ ઑન ધ વેસ્ટર્ન ફ્રન્ટ' (1928). પહેલા વિશ્વયુદ્ધમાં હિસ્સો લેવા ગયેલા જર્મન સૈનિકો આત્યંતિક શારિરીક અને માનસિક યાતના ભોગવીને નૉર્મલ જિંદગી જીવવાનું ભૂલી જાય છે તેની વાર્તા અહીં છે. લેખક હજુ તો શાળાએ જતાં કિશોરમાંથી રાતોરાત સૈનિકમાંથી રૂપાંતરિત થઈ ગયેલા, ઓગણીસ વર્ષના ભાવનાશાળી યુવક પૉલ બોમરની આંખે અને તેના મનોજગત દ્વારા યુદ્ધને વર્ણવે છે. 'સાહિત્યની પહેલી સૌથી મોટી યુદ્ધ-વિરોધી નવલકથા'ની સર્વકાલીન અને સમકાલીન પ્રસ્તુતતા ઉઘાડી આપતી પ્રસ્તાવના વરિષ્ઠ પત્રકાર રાજ ગોસ્વામીએ લખી છે. તે એ પણ નોંધે છે કે અનુવાદ માટે આ કૃતિને 'પસંદ કરવી તે જ એક સાહસનું કામ છે'. વરિષ્ટ રંગકર્મી ઉત્કર્ષ મઝુમદાર 'લાજવાબ અનુવાદ' માટે દાદ આપતાં લખે છે : 'કથામાં જરા ય રસક્ષતિ થતી નથી, કારણ કે એમનું એવું સરસ ભાષાકાર્ય છે.' 

અશ્વિનભાઈએ 'ઑલ ક્વાએટ' અનુવાદ અર્પણ કર્યો છે 'માનવજાતના ઇતિહાસની શરૂઆતથી આજ સુધી રાષ્ટ્રનાયકોની અંગત સત્તાલાલસાઓની આપૂર્તિ માટે ખેલાયેલા અનેક યુદ્ધોના નામે, દેશભક્તિ અને રાષ્ટ્રવાદની વેદી ઉપર જેમનાં માથાં બલિ ચડી ચૂક્યાં છે એ વીર શહીદોને'. હૉલોકોસ્ટ પરના બે પુસ્તકો 'વિશ્વયુદ્ધના ખપ્પરમાં હોમાઈ ગયેલાં સાઠ લાખ જેટલાં યહૂદી સ્ત્રી-પુરુષ-બાળકો અને સઘળાં સૈનિકોનાં પરિવારજનોને' અર્પિત છે.

*******

પુસ્તકોનાં અર્પણ અને અનુવાદકના નિવેદન અશ્વિનભાઈની વૈચારિક ભૂમિકા અને રાજકીય સમજનો  નિર્દેશ આપે છે. આપણે ત્યાં થતાં સંખ્યાબંધ અનુવાદોની વચ્ચે દેશકાળની સંપ્રજ્ઞતા સાથેના આવા અનુવાદો ઓછાં જોવા મળે છે. બે વિશ્વયુદ્ધો, હોલોકૉસ્ટ, દેશના ભાગલા, ગોધરાકાંડને પગલે થયેલાં કોમી રમખાણો અને લૉકડાઉનને પગલે થયેલું શ્રમજીવીઓનું સ્થળાંતર સહિતની વિભિષિકાઓ ગુજરાતી સાહિત્યમાં, સન્માનનીય અપવાદો બાદ કરતાં, ઓછી જ ઝીલાઈ છે. એવા સંજોગોમાં પણ અશ્વિનભાઈનું દૃષ્ટિપૂર્ણ કામ વિશેષ મહત્ત્વ ધરાવે છે.

******

અશ્વિનભાઈએ અત્યંત નિષ્ઠાથી શબ્દશ: અનુવાદો કર્યા છે એવું મૂળ સાથે નમૂના-કસોટી કરતાં ધ્યાનમાં આવે છે. શબ્દોની ભાવવાહિતા અને વિશેષનામોના ઉચ્ચારોને ગુજરાતીમાં લખવામાં પણ એકંદરે ચીવટ રાખી છે. લેખક અને પુસ્તક વિશેની માહિતી પૂરી પાડતાં વિગતવાર લેખો પણ મૂક્યાં છે. જો કે શિરમોર છે તે અશ્વિનભાઈ અને તેમના સર્જક જીવનસંગિની મીનક્ષીબહેનનું આ કામ સાથેનું ઉત્કટ  જોડાણ. અશ્વિનભાઈ જણાવે છે કે 'યાતનાઓના અભયારણ્ય'ની કહાણીનો ભાર અનુવાદની પ્રક્રિયા દરમિયાન સતત અનુભવાતો રહેતો. નાયક નેડનો એક પત્ર વાંચવામાં દરેક વખતે આંખો ભીની થતી. અનુવાદકે એક કરતાં વધુ વખત એ મતલબની વાત કરી છે કે યુદ્ધકથાઓના અનુવાદ દરમિયાન પુન:વાચન અને પ્રૂફરિડીંગમાં બંનેનું હૃદય ઉદ્વેગથી ભરાઈ આવતું, સામૂહિક હત્યાઓના દૃશ્યોનાં વર્ણનોનાં પ્રૂફ તપાસતાં-તપાસતાં મીનાક્ષીબહેનનું બ્લડ પ્રેશર વધતું, અને એટલા માટે બહેનને કામ અધૂરું મૂકી દેવું પડ્યું. અશ્વિનભાઈને ઝવેરચંદ મેઘાણીની ‘કોઈનો લાડકવાયો’ સતત યાદ આવતી. 

આવી ઉદ્વિગ્ન મનોદશામાં એક તબક્કે નિર્ણય લેવો પડ્યો કે ‘હમણાં તો આ યુદ્ધકથાઓ નહીં જ !’ તે પછી ફુરસદના સમયમાં સારાં વાચનની શોધ કરતાં કરતાં હાથ લાગ્યું ટૉલ્સ્ટૉયનું 'What Then Must We Do?' (1899) જેનો નરહરિ પરીખે અને પાંડુરંગ વળામેએ કરેલો ગુજરાતી અનુવાદ 'ત્યારે કરીશું શું ?' (1926). તે સંતોષકારક ન લાગતાં અશ્વિનભાઈએ ગયાં વર્ષે 'તો પછી આપણે કરવું શું ?' પુસ્તક આપ્યું અને અનુવાદના કામે તેમના 'મનને કશીક શાતા' આપી. 'વિશ્વસાહિત્યને ગુજરાતી ભાષામાં અનુવાદિત કરવાની' રઢ લઈને બેઠેલાં અશ્વિનભાઈએ એમ. ક્લાર્કના 'સ્ટોરિ ઑફ ટ્રૉય' અને એફ. સ્કૉટ. ફિટ્ઝ્જેરાલ્ડ(F. Scott-Fitzgerald)ની લોકપ્રિય અમેરિકન નવલકથા 'ધ ગ્રેટ ગૅટસબી'(The Great Gatsby, 1925) પણ ગુજરાતીમાં લાવ્યા છે. બાય ધ વે, ઇલેકટ્રિકલ એન્જિનિયર અશ્વિનભાઈ રિલાયન્સમાં એગ્ઝિક્યૂટીવ છે. તેમણે મહેનત અને નિસબત સાથે કરેલું કામ બહોળા વાચકવર્ગ સુધી પહોંચવું જરૂરી છે. બોરિસ પાસ્તરનાકની મહાનવલ ડૉ. ઝિવાગોનો તેમનો અનુવાદ ગુજરાતી સાહિત્ય અકાદમી નજીકના ભવિષ્યમાં પ્રસિદ્ધ કરી રહી છે એવા સમાચાર છે.

ભારતીય જનતા પક્ષના શાસનમાં ધર્મઝનૂન અને ઝનૂની રાષ્ટ્રવાદ ઘરઘરમાં પહોંચી રહ્યો છે. ફાસીવાદના આ સ્વરૂપો કેવી ભીષણ સંહારક ટોચે પહોંચી શકે તે હોલોકૉસ્ટ કથાઓ ગુજરાતી વાચકને હૃદયદ્રાવક રીતે બતાવે છે. પુતિને ચલાવેલી યુક્રેનની તારાજી વાંચતા થોડા દિવસ પહેલાં જ નજર નીચેથી પસાર કરેલી ‘ઑલ ક્વાએટ’ યાદ ન આવે તો જ નવાઈ.

*******

પેરી બરજેસના પુસ્તક સિવાયના અશ્વિન ચંદારાણાનાં અનુવાદ-પુસ્તકો તેમના પોતાના જ સાયુજ્ય પ્રકાશને બહાર પાડ્યાં છે.

સંપર્ક સૂત્ર : 9998003128, 9601257543,

e.mail : chandaranas@gmail.com

(તસવીર કોલાજ : પાર્થ ત્રિવેદી)

27 ફેબ્રુઆરી 2022

Loading

હિજાબ : મુસ્લિમ ઓળખ અને સ્ત્રીની પસંદગી-બેઉ અભિગમ ખોટા

ગઝાલા વહાબ|Opinion - Opinion|28 February 2022

ધર્મ અને રાજકારણના મિશ્રણથી ટૂંકા ગાળા માટે ફાયદો જરૂર થાય છે, પણ બહુમતી કોમને જ. સ્વતંત્ર ભારતના ઇતિહાસમાં એવો એક પણ દાખલો નથી જેમાં લઘુમતી કોમને કોમવાદની હરીફાઈ કરીને ફાયદો થયો હોય. છતાં, ભૂતકાળની એવી નિષ્ફળતાઓમાંથી કશું શીખ્યા વગર મુસ્લિમો બેવકૂફી કરીને એક પછી એક ટ્રેપમાં આવતા જ ગયા છે.

કર્ણાટકમાં હિજાબ પહેરવાનો વિવાદ 'આ બેલ મુજે માર'નું તાજું ઉદાહરણ છે. એમાં શું થયું હતું? ડિસેમ્બર મહિનામાં, કોવિડ-૧૯ના કારણે એક વર્ષની ગેપ પછી, ઉડુપીની સરકારી કૉલેજના કૅમ્પસમાં અમુક છોકરીઓ પાછી ફરી. એમાંથી છ છોકરીઓએ હિજાબ પહેર્યો હતો. એ ક્લાસરૂમમાં આવી, તો શિક્ષકે કહ્યું કે પ્રિન્સિપાલની પરવાનગી લઈ આવો, કારણ કે તેમણે નિયમ બહાર પાડ્યો છે કે કૅમ્પસમાં હિજાબ પહેરી શકાય, પણ ક્લાસરૂમમાં ઉતારવો પડશે.

છોકરીઓએ અગાઉના દાખલા ટાંકીને હિજાબ પહેરવાનો આગ્રહ રાખ્યો. તેમના કહેવા અનુસાર, તેમની પુરોગામી છોકરીઓએ ક્લાસરૂમમાં હિજાબ પહેર્યા હતા. પ્રિન્સિપાલે અગાઉ એવું થયાની ના પાડી. કોકડું ગૂંચવાયેલું રહ્યું. તેમાંની અલમાસ એ.એચ. નામની એક છોકરીએ બી.બી.સી.ના પત્રકારને કહ્યું કે પ્રિન્સિપાલે નનૈયો ભણ્યો એટલે તેણે કૅમ્પસ ફ્રન્ટ ઑફ ઇન્ડિયા (સી.એફ.આઈ.) નામના મુસ્લિમ વિદ્યાર્થી સંઘનો સંપર્ક કર્યો. એ પછી, સી.એફ.આઈ.ના સમર્થન સાથે છોકરીઓ પણ જીદે ચઢી. એમાંથી વાત ફેલાઈ, અને બીજા લોકોને મોકો મળી ગયો.

બીજી અન્ય કૉલેજો, જે હિજાબના વિરોધમાં નહોતી, એ પણ સક્રિય થઈ ગઈ. એમના દરવાજા હિજાબ પહેરેલી છોકરીઓ માટે બંધ થઈ ગયા. તેની સામે, અલગ અલગ કૅમ્પસમાં ભગવા ખેસ પહેરેલા છોકરાઓ મારફતે હિંદુ આઇડેન્ટિટીની પરેડ કરવામાં આવી. કૉલેજ સત્તાવાળાઓએ તેમને પણ અટકાવ્યા હતા. સત્તાવાળાઓ નૈતિક અભિગમ બતાવીને કહ્યું કે ભગવા ખેસ કે હિજાબ કૅમ્પસમાં પહેરી શકાશે, ક્લાસરૂમમાં નહીં. છોકરાઓએ તેમનો પૉઇન્ટ રજૂ કરીને ભગવા ખેસ કાઢી નાખ્યા અને ક્લાસમાં જતા રહ્યા. મુસ્લિમ છોકરીઓ દરવાજાઓ બહાર જ રહી અને હિજાબ સાથે અંદર આવવા દેવા વિનંતીઓ કરતી રહી, ચીસો પાડતી રહી.

ફ્રેબ્રુઆરીના પહેલા અઠવાડિયા સુધીમાં, ઉડુપી જિલ્લાની અંદર અને બહારની અમુક કૉલેજોએ હિજાબ પ્રતિબંધ જાહેર કર્યો. કર્ણાટક એજ્યુકેશન એક્ટ, ૧૯૮૩ના આર્ટિકલ ૧૩૩(૨)નો સહારો લઈને ભારતીય જનતા પાર્ટીની સરકારે પણ હિજાબ પર પ્રતિબંધ મૂક્યો. ઍક્ટમાં કહેવામાં આવ્યું હતું કે “યુનિફોર્મ જેવાં કપડાં ફરજિયાત પહેરવાં પડશે.”

સી.એફ.આઈ.ના સમર્થન સાથે, વિરોધ કરી રહેલી એક છોકરીએ કર્ણાટક હાઈકોર્ટનો સંપર્ક કર્યો અને તેની સુનાવણી ચાલુ છે. કોર્ટ છોકરીઓની તરફેણમાં ચુકાદો આપે તો પણ છોકરીઓને નુકસાન થવાનું છે. વિરોધ શરૂ થયો ત્યારથી તેમની ગેરહાજરી નોંધવામાં આવી છે. માર્ચમાં તેમની વાર્ષિક પરીક્ષા શરૂ થશે. કોર્ટ તેમને પરીક્ષામાં બેસવા દે તો પણ, કૉલેજવાળા તેમને ગેરશિસ્ત અને ગેરહાજરી બદલ સજા કરી શકે છે.

દેખીતું જ છે કે મુદ્દો હવે હિજાબનો રહ્યો નથી. એક કૉલેજમાં એક નાનકડી ગેરશિસ્તનો મામલો રાજકીય યુદ્ધ બની ગયું છે જેમાં કૉલેજો અખાડો છે અને યુવાન છોકરા-છોકરીઓ મહોરાં. જમણેરી રાજકારણના બ્રહ્માંડમાં બેઠેલા કોઈકે દીર્ઘદૃષ્ટિ વાપરીને મુસ્લિમોને હાંસિયામાં વધુ ધકેલી દેવા માટેની એક જાળ બિછાવી અને મુસ્લિમ સંગઠનો એ ટ્રેપમાં આવી ગયાં. તેમને સમજણ જ ન પડી કે તેમના જ કમજોર લોકોને તેનાથી વધુ હાનિ પહોંચશે.

આ છોકરીઓને મદદ કરી રહેલા બૅંગલુરુ સ્થિત એક કાર્યકરે કહ્યા અનુસાર, મોટા ભાગની છોકરીઓ નબળા પરિવારોમાંથી આવે છે. તેમના જીવનને બહેતર બનાવાનો એક માત્ર ઉપાય શિક્ષણ છે જે અત્યારે તો ખોરવાઈ ગયું છે. આ સ્થિતિનો ખ્યાલ આવતાં, બીજું એક વિદ્યાર્થી સંગઠન, સ્ટુડન્ટ ઇસ્લામિક ઑર્ગેનાઇઝેશન ઑફ ઇન્ડિયા જિલ્લા અને કૉલેજસત્તાવાળાઓ સાથે મંત્રણા કરીને સમાધાનનો રસ્તો કરી રહ્યું છે. એમાં થશે એવું કે છોકરીઓને કૅમ્પસમાં હિજાબ પહેરવા દેવામાં આવશે, પણ ક્લાસરૂમમાં નહીં. મામલાની શરૂઆત થઈ ત્યારે સ્થિતિ આવી જ હતી, પણ એનો અંત એવી રીતે નહીં આવે.

મુસ્લિમ છોકરીઓ માટે મુખ્ય ધારાની શૈક્ષણિક સંસ્થાઓમાં ભણવાનું ઉત્તરોત્તર અઘરું થતું જશે. વિદ્યાર્થી સમુદાયનું વધુ ધ્રુવીકરણ થશે, કૉલેજોમાં વિભાજન વધશે. ચૂંટણીઓના ફાયદા સત્તાધારી પાર્ટી માટે એકદમ સટીક હશે.

આ આખો વિવાદ ટાળી શકાયો હોત?

આપણે પાછા શરૂઆતમાં જઈએ. ધ ક્વિન્ટ નામના પોર્ટલને એક ઇન્ટરવ્યૂમાં એક છોકરીએ કહ્યું હતું કે તેમણે પહેલા વર્ષમાં હિજાબ નહોતો પહેર્યો, કારણ કે તેમને એવું લાગ્યું હતું કે તેમનાં માતા-પિતાએ કૉલેજને એવી ખાતરી આપી હતી. જો કે, તેમને જ્યારે ખબર પડી કે માતા-પિતાઓએ આવી કોઈ બાંહેધરી નથી આપી એટલે તેમણે હિજાબ પહેરવાનું નક્કી કર્યું. દેખીતું જ છે કે તેમને હિજાબ વગર પણ કૉલેજ જવામાં વાંધો નહોતો. પ્રિન્સિપાલને પણ તેઓ કૅમ્પસમાં હિજાબ પહેરે તે સામે વાંધો નહોતો. તેમની શરત એટલી જ હતી કે ક્લાસરૂમમાં તે ઉતારવો પડશે. આ વાત ન તો નવી હતી કે ન તો મોટી.

સી.એફ.આઈ.એ ટાંગ ન અડાવી હોત, તો છોકરીઓએ પ્રિન્સિપાલે કહ્યું તેમ જ કર્યું હોત. મુદ્દો ઊછળ્યો ન હોત અને તમામ કૉલેજોમાં જૈસે થેની સ્થિતિ જળવાઈ રહી હોત. આજે, બેઉ પક્ષ મમતે ચઢ્યા છે અને હિજાબને ઇસ્લામિક આઇડેન્ટિટી બનાવી દેવામાં આવ્યો છે. ડાહ્યા લોકો તેને સ્ત્રીની પસંદગીના મુદ્દા સાથે જોડે છે. બંને અભિગમ ખોટા છે.

ઇસ્લામમાં શારીરિક આઇડેન્ટિટી માટે કોઈ નિયમ નથી. જે ત્રણ આયાતોમાં દેખાવની વાત છે, તેમાં માત્ર છેલ્લી આયાતમાં સ્ત્રીઓનો ઉલ્લેખ છે. એમાં સ્ત્રીઓને બહારના એક વસ્ત્રથી ઢંકાયેલા રહેવાની વાત છે, જેથી મુસ્લિમ સમજીને કોઈ તેમને હેરાન ન કરે.

આ આયાતનું મહત્ત્વ સમય સાથે જોડાયેલું છે. મદીનામાં મુસ્લિમ સમુદાય લૂંટારાઓ વચ્ચે રહેતો હતો, જે રાતે બહાર નીકળતી સ્ત્રીઓને હેરાન કરતા હતા. એટલે લૂંટારાઓને ખબર પડે કે સ્ત્રીઓ મુસ્લિમ છે એટલે તેમને હિજાબ પહેરાવવામાં આવતો હતો. સદીઓ પછી, પુરુષ ઇસ્લામિક વિદ્વાનોએ એ પરંપરાને સ્ત્રીને ઢાંકેલી રાખવાનું રૂઢિચુસ્ત અર્થઘટન કર્યું. વાસ્તવમાં ત્રણે આયાતોને સાથે વાંચો તો તેમાં લજ્જાનો ભાવ છે; શરીરના અંગ તરફ કોઈનું ધ્યાન નહીં ખેંચવું.

વાત રહી વ્યક્તિગત પસંદગીની, તો રૂઢિચુસ્ત સમાજમાં, તમે જે ક્ષણે કોઈ ચીજને ધર્મ સાથે જોડી દો, એટલે તે વ્યક્તિગત પસંદનો મામલો નથી રહેતો. એ ધાર્મિક કર્તવ્ય બની જાય છે. જે મુસ્લિમ સ્ત્રીઓ એમ કહે છે કે હિજાબ પહેરવો એ તેમની વ્યક્તિગત ઇચ્છાનો મામલો છે, તે એ વાત ભૂલી જાય છે કે તેઓ તેમનો ધર્મ કહે છે એટલે જ એ પહેરે છે.

મુસ્લિમ સ્ત્રીઓને જે પહેરવું હોય તે પહેરે, મને કોઈ પ્રોબ્લેમ નથી. મારો પ્રોબ્લેમ એટલો જ છે કે કથિત મુસ્લિમ નેતાઓએ ફરી એક વાર મુસ્લિમોના અધિકારને આઇડેન્ટિટીનો મુદ્દો બનાવી દીધો છે. આ ૧૯૬૪નું પુનરાવર્તન છે, જ્યારે મુસ્લિમ બુદ્ધિજીવીઓ મુસ્લિમોની રોજી-રોટી માટે નહીં પણ આઇડેન્ટિટીની લડાઈ માટે એક થયા હતા. દુઃખ આ વાતનું છેઃ આપણે એટલું દોડ દોડ કરીએ છીએ કે ૭૫ વર્ષ પછી પણ ઠેરના ઠેર છીએ.

અનુવાદક : રાજ ગોસ્વામી (સાભાર – મિન્ટ-લોન્જ મૅગેઝિન)

(ગઝાલા વહાબ 'ફોર્સ’ પત્રિકાના સંપાદક અને Born A Muslim : Some Truths About Islam In India પુસ્તકનાં લેખિકા છે.)

સૌજન્ય : “નિરીક્ષક”, 01 માર્ચ 2022; પૃ. 11-12

Loading

...102030...1,5811,5821,5831,584...1,5901,6001,610...

Search by

Opinion

  • ગુજરાતની દરેક દીકરીની ગરિમા પર હુમલો ! 
  • શતાબ્દીનો સૂર: ‘ધ ન્યૂ યોર્કર’ના તથ્યનિષ્ઠ પત્રકારત્વની શાનદાર વિરાસત
  • સો સો સલામો આપને, ઇંદુભાઇ !
  • અ મેસી (Messie / Messy ) અફેરઃ ઘરનાં છોકરાં ઘંટી ચાટે, ઉપાધ્યાયને આટો
  • ચલ મન મુંબઈ નગરી—320

Diaspora

  • દીપક બારડોલીકરની પુણ્યતિથિએ એમની આત્મકથા(ઉત્તરાર્ધ)ની ચંદ્રકાન્ત બક્ષીએ લખેલી પ્રસ્તાવના.
  • ગાંધીને જાણવા, સમજવાની વાટ
  • કેવળ દવાથી રોગ અમારો નહીં મટે …
  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !
  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ

Gandhiana

  • ગાંધીસાહિત્યનું ઘરેણું ‘જીવનનું પરોઢ’ હવે અંગ્રેજીમાં …
  • સરદાર પટેલ–જવાહરલાલ નેહરુ પત્રવ્યવહાર
  • ‘મન લાગો મેરો યાર ફકીરી મેં’ : સરદાર પટેલ 
  • બે શાશ્વત કોયડા
  • ગાંધીનું રામરાજ્ય એટલે અન્યાયની ગેરહાજરીવાળી વ્યવસ્થા

Poetry

  • ગઝલ
  • કક્કો ઘૂંટ્યો …
  • રાખો..
  • ગઝલ
  • ગઝલ 

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved