Opinion Magazine
Number of visits: 9745556
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

યુદ્ધ દરેક નિષ્ફળતાનું અંતિમ બહાનું છે

રમેશ ઓઝા|Opinion - Opinion|28 April 2022

ચૂંટણીઓ તો લોકશાહી દેશોમાં સમયાંતરે યોજાતી જ રહે છે, પણ કેટલીક ચૂંટણીઓ ઐતિહાસિક હોય છે. ફ્રાન્સમાં યોજાયેલી પ્રમુખપદ માટેની આ વખતની ચૂંટણી આવી ઐતિહાસિક હતી. એટલા માટે નહીં કે બે દાયકા પછી કોઈ પ્રમુખને બીજી વખત સત્તા મળી, પણ એટલા માટે કે ફ્રાંસના નાગરિકોના એક વર્ગે સંકલ્પ કર્યો હતો કે પોતાને ફ્રેંચ રાષ્ટ્રવાદીઓ તરીકે ઓળખાવતા અંતિમવાદી જમણેરીઓથી દેશને બચાવવો. તેમને યુરોપના બીજા દેશોના ઉદારમતવાદી નાગરિકોનો ટેકો હતો, પછી ભલે તેઓ ફ્રાંસની ચૂંટણીમાં નાગરિક તરીકે મત આપવાનો અધિકાર નહોતા ધરાવતા. હકીકત તો એ પણ છે કે ફ્રાંસના લાખો નાગરિકો વર્તમાન પ્રમુખ ઈમેન્યુઅલ મેક્રોન [Emmanuel Jean-Michel Frédéric Macron] માટે તીવ્ર અણગમો ધરાવે છે.

 નાગરિકોના એક વર્ગની સક્રિયતા માટે કેટલાંક કારણ હતાં :

એક તો એ કે તાજેતરનાં વર્ષોમાં કેટલાક દેશોમાં જમણેરી રાષ્ટ્રવાદીઓએ વાળેલા નખોદની તેમને જાણ છે. કેટલાક દેશોનો અનુભવ એમ કહે છે કે તેઓ લોકતાંત્રિક માર્ગે ચૂંટાઈને લોકતંત્રનાં મૂળિયાં ઊખાડે છે. લોકતંત્રના રખેવાળ સમાન લોકતાંત્રિક સંસ્થાઓને નિર્બળ કરે છે. લોકતંત્ર સરવાળે કમજોર બને છે અને નાગરિક તેના મૂળભૂત અધિકારો ગુમાવીને હાંસિયામાં ધકેલાતો જાય છે, પછી ભલે તે નાગરિક બહુમતી સમાજનો હોય. બીજું તેઓ સમાજની અંદર દ્વેષ અને ધિક્કારની ભાવના પેદા કરીને ઊભી તિરાડ પાડે છે અને સમાજમાનસને ઝેરીલું બનાવીને તેના પર કબજો કરે છે. ત્રીજું, તેઓ પોતાની લોકપ્રિયતા ટકાવી રાખવા માટે દરેક પ્રકારના (અભદ્ર સુધ્ધાં) નુસખા અપનાવે છે અને જૂઠ બોલતા શરમાતા નથી. અંગ્રેજીમાં આને પોપ્યુલિસ્ટ પોલિટીકસ કહે છે. ચોથું તેમની પ્રાથમિકતા નક્કર સામાજિક-આર્થિક વિકાસ હોતી નથી. પ્રજાને જ્યારે લડાવીને, ડરાવીને અને રડાવીને સત્તા ભોગવી શકાતી હોય તો વિકાસની પળોજણમાં પડવાની જરૂર શું છે? એમાં બહુમતી સમાજનો એક વર્ગ નારાજ થાય જે રીતે આપણે ત્યાં ખેડૂતો નારાજ થયા હતા. આનું પરિણામ એ આવે છે કે દેશની પ્રજા પુરુષાર્થી બનવાની જગ્યાએ તે તેની ઉર્જા અનુત્પાદક નિરર્થક પ્રવૃત્તિમાં વેડફે છે.

બીજું કારણ હતું વ્લાદિમીર પુતિનનો પુતિનવાદ. પુતિન માત્ર વ્યક્તિ નથી એક પ્રકારની પ્રવૃત્તિ છે. જ્યારે પ્રજાને આપવા માટે કાંઈ ન હોય તો રાષ્ટ્રવાદ અને મહાન ભૂતકાળને પાછો જીવતો કરવાના નામે પ્રજાના હાથમાં યુદ્ધ પણ પકડાવી શકાય એ પુતિનવાદ. યુદ્ધ એ દરેક નિષ્ફળતાનું અંતિમ બહાનું છે. ફ્રાંસના જમણેરી નેતા અને વર્તમાન પ્રમુખ ઇમેન્યુઅલ મેક્રોનના પ્રતિસ્પર્ધી લી પેન પુતિનનાં પ્રસંશક છે અને ઉઘાડેછોગ પુતિનવાદનો બચાવ કરે છે. અત્યારે રશિયા ઉક્રેન સામે યુદ્ધે ચડ્યું છે એ સમયે જ ફ્રાન્સમાં ચૂંટણી યોજાઈ ત્યારે યુદ્ધજ્વરનો પ્રભાવ ચૂંટણી ઉપર પડ્યો હતો.

ત્રીજું કારણ યુરોપિયન યુનિયન છે. “આપણી” મહાન અસ્મિતા યુરોપિયનોના ભૌતિક વિકાસ કરતાં વધારે કિંમતી છે અને એ મહાન અસ્મિતા યુરોપના સંઘની વેદી ઉપર બલિ ચડાવવા માટે નથી એવી યુરોપની એકતાના વિરોધીઓ દલીલ કરે છે. એમાં કોઈ આશ્ચર્ય નથી કે મોટા ભાગના યુરોપિયન એકતાના વિરોધીઓ સંકુચિત રાષ્ટ્રવાદીઓ છે. એક તરફ દેશઅંતર્ગત સહિયારાપણું, યુરોપના સ્તરે વ્યાપક સહિયારાપણું અને બીજી તરફ ભાગીદારીની ઐસીતૈસી, “આપણે અને માત્ર આપણે જ મહાન”. આમ માત્ર બ્રિટન કે ફ્રાન્સમાં જ નહીં, સમગ્ર યુરોપમાં પ્રજાકીય ઊભી તિરાડ પડી છે. પરસ્પર સહકાર અને શાંતિ વિના ભૌતિક વિકાસ શક્ય નથી, એમ માનનારા સમજદાર લોકો સહયોગની ભૂમિ બચાવી લેવા માગે છે. અસ્મિતાઓથી પેટ ભરાતું નથી.

અને ચોથું કારણ વધારે મહત્ત્વનું હતું. ઉદારમતવાદી ફેંચ નાગરિકોને ભય હતો કે કદાચ મરિન લી પેન [Marion Anne Perrine "Marine" Le Pen] આ વખતે મેદાન મારી શકે એમ છે, કારણ જગતની પ્રજા ગાંડપણનો શિકાર બની છે અને જગતના કેટલાક દેશોમાં બની રહ્યું છે એ ફ્રાન્સમાં પણ બની શકે એમ છે. આને માટે કારણ પણ હતું. ૧૯૭૨માં જીન લી પેન [Jean Louis Marie Le Pen] નામના અંતિમે જઇને જમણેરી રાષ્ટ્રવાદી રાજકારણ કરનારા માણસે નેશનલ ફ્રન્ટ (અત્યારનું નવું નામ નેશનલ રેલી) નામના પક્ષની સ્થાપના કરી હતી. એ પક્ષ જી લીન પેનના નેતૃત્વમાં ખાસ કાંઈ ગજું નહોતો કાઢી શક્યો. અલબત્ત, ત્યારે સમય પણ બહુ અનુકૂળ નહોતો જેમ આપણે ત્યાં ભા.જ.પ. માટે ત્રણ દાયકા પહેલાં સમય અનુકૂળ નહોતો. ૨૦૧૧ની સાલમાં તેમની નાની પુત્રી મરિન લી પેનના હાથમાં નેતૃત્વ આવ્યું અને જે પક્ષ હાંસિયામાં હતો એ ગજું કાઢવા માંડ્યો. મરિન લી પેન બાપ કરતાં પણ વધારે આક્રમક છે, પ્રભાવી વક્તા છે અને ચોવીસે કલાક ઝેર ઓકતાં રહે છે. વળી સમય પણ આવા રાજકારણ માટે અનુકૂળ છે. ૨૦૦૨ની પ્રમુખપદ માટેની ચૂંટણીમાં નેશનલ ફ્રન્ટને ૧૮ ટકા મત મળ્યા હતા. ૨૦૧૭માં મરિન લી પેને પ્રમુખપદ માટે ઉમેદવારી કરી અને તેમને ૩૪ ટકા મત મળ્યા હતા. મેક્રોનને ત્યારે ૬૬ ટકા મત મળ્યા હતા. સમય બદલાયો, જે પક્ષ હાંસિયામાં હતો એ મુખ્ય વિરોધ પક્ષ બની ગયો. આ વખતે નેશનલ રેલીના પ્રમુખપદના ઉમેદવાર મરિન લી પેનને ૪૧.૫ ટકા મત મળ્યા છે અને મેક્રોનને ૫૮.૫ ટકા મત મળ્યા છે.

આમ ઉદારમતવાદી ફ્રેન્ચોનો ભય અસ્થાને નહોતો. પાંચ વરસમાં લી પેનના મતોમાં સાડા સાત ટકાનો વધારો થયો છે અને મેક્રોનના મતોમાં એટલો જ સાડા સાત ટકાનો ઘટાડો થયો છે. આ ઉન્માદના યુગમાં કાંઈ પણ બની શકે છે અને એને ટાળવા નાગરિકોએ સક્રિયતા બતાવી હતી. ફ્રાન્સના બંધારણ મુજબ પ્રમુખ માત્ર બે મુદ્દત માટે જ ઉમેદવારી કરી શકે એટલે હવે પછી ૨૦૨૭માં યોજાનારી ચૂંટણીમાં મેક્રોન ઉમેદવાર નહીં હોય, અને પાંચ વર્ષ દરમ્યાન લી પેનની લોકપ્રિયતામાં હજુ કેટલો વધારો થશે એ કહેવું મુશ્કેલ છે. આ સિવાય ૨૮ ટકા મતદાતાઓએ મતદાન જ નહોતું કર્યું. ફ્રાંસ માટે આ આંકડો ઘણો મોટો છે.

માટે મેક્રોનનું વિજય પછીનું ભાષણ સૂચક છે. તેમણે કહ્યું હતું કે મરિન લી પેનને મત આપનારા ૪૧ ટકા ફ્રેંચ નાગરિકો કઈ વાતનો ગુસ્સો ધરાવે છે કે તેઓ પોતાનું ભવિષ્ય દાવ પર લગાડવા તૈયાર થઈ ગયા છે? તેમને જુઠ્ઠી મહાનતા જોઈએ છે, વેર વાળવા છે અને નક્કર વિકાસ નથી જોઈતો. આ ૪૧ ટકા નાગરિકોને પરાવૃત્ત કરવા પડશે. ઠેકડી ઉડાડવી એ તેનો ઈલાજ નથી. બીજી વાત તેમણે એ કહી કે જે ૨૮ ટકા મતદાતાઓએ લી પેનને સુદ્ધાં મત નથી આપ્યા એ રાહતની વાત નથી. પ્રશ્ન એ છે કે શા માટે તેમણે ભૌતિક સુખાકારીના પક્ષે મત ન આપ્યા? એ ૨૮ ટકા મતદાતાઓ બીજી દિશામાં જઈ શકે છે.

મેક્રોને કહ્યું છે કે આનો ઈલાજ એ છે કે જે માર્ગમાં આપણી નિષ્ઠા છે એ માર્ગે વધારે પ્રામાણિકતાપૂર્વક અને વધારે દૃઢતાથી ચાલવું પડશે. અહીં મેક્રોન તેમના ભારતના મેક્રોન અર્થાત્ અરવિંદ કેજરીવાલથી નોખા પડે છે. કેજરીવાલ મૂંગા રહીને, પીઠ ફેરવીને કાયરનું રાજકારણ કરે છે. જુઓ ફ્રાન્સમાં આગળ શું થાય છે. આજના યુગમાં પ્રત્યેક દિવસ આશાની જગ્યાએ ભય સાથે ઊગે છે. ખબર નહીં, આજે શું થશે!

પ્રગટ : ‘વાત પાછળની વાત’, નામક લેખકની કટાર, “ગુજરાતમિત્ર”, 28 ઍપ્રિલ 2022

Loading

હરરોજ

"પ્રણય" જામનગરી|Poetry|28 April 2022

સીંઝાટાણું થાય અને ત્યાં અંધકારનું પંખી;
વિરાટ પાંખો વીંઝે.
સીંઝાટાણું થાય અને ત્યાં ઝાલર કેરું મૌન,
પાદરથી તે પથ્થરની એક મૂર્તિ સુધી;
નાદ રૂપે રૅલાય.
સીંઝાટાણું થાય અને ત્યાં બૅસી ફળિયે,
સાઠ વરસની આંખો;
સુણી-સાંભળી કથા જ કહેતી હોય;
અને કૈં સુણી એમને; હરખાતી સહુ;
ટબુક આંખમાં વિસ્મય ઝરતું હોય.
સીંઝાટાણું થાય અને ત્યાં વાળું કરતી વેળા,
તાણ કરીને કૉણ પીરસે મને ?
કૉની આંખો; મારી આંખો સામેરી મંડાય ?
સીંઝાટાણું થાય અને ત્યાં;
જીવવું પોતે બની જતું કૈં બોજ,
હવે અહીં હરરોજ !

તા. ૦૨/૦૨/૧૯૮૪  

સીંઝાટાણું = ઢળતી સાંજનો સમય

ટબુક આંખમાં = શિશુઓની આંખમાં

વાળું = રાત્રિ ભોજન

તાણ કરીને = આગ્રહ કરીને

Loading

જિગ્નેશ મેવાણીને એરેસ્ટ કરનાર આસામ પોલીસને સજા થઈ શકે છે !

રમેશ સવાણી|Opinion - Opinion|28 April 2022

વડગામના ધારાસભ્ય જિગ્નેશ મેવાણીને આસામ પોલીસે બે કેસમાં એરેસ્ટ કરેલ છે. પ્રથમ કેસ IPC કલમ-120 B (ગુનાનું કાવતરું. સજા – જે તે ગુનાની મુજબ.) / 153 (A) (બે સમુદાયો વચ્ચે દુશ્મનીને પ્રોત્સાહન આપવું. સજા – 3 વરસ કેદ.) / 295 (A), (બદઈરાદાથી ધાર્મિક અપમાન કરવું. સજા – 3 વરસ કેદ.) 504 (શાંતિ ભંગ કરવા જાણીજોઈને અપમાન કરવું. સજા – 2 વરસ કેદ.) તથા IT એક્ટ કલમ-66 હેઠળ દાખલ કરેલ છે. બીજો કેસ IPC કલમ-IPC 294 (જાહેરમાં અભદ્ર શબ્દો બોલવા. સજા – 3 મહિના કેદ.); 323 (સ્વૈચ્છિક રીતે ઇજા પહોંચાડવી. સજા – 1 વરસ કેદ.); 353 (ફરજ પરના જાહેર સેવક પર હુમલો કરવો. સજા – 2 વરસ કેદ.); 354 (સ્ત્રીના શીલભંગ માટે ગુનાઈત બળનો પ્રયોગ કરવો. સજા – 3 વરસ કેદ.) હેઠળ દાખલ થયેલ છે. આ બન્ને કેસમાં આસામ પોલીસે શું ગેરકાયદેસર કાર્યવાહી કરી છે, તેની ચર્ચા દરેક નાગરિકે સમજવી જરૂરી છે.

થોડા મુદ્દાઓ :

[1] કલમ-120B કાવતરું રચવાની છે. કાવતરા માટે બે કે તેથી વધુ વ્યક્તિ હોય તો જ આ કલમ હેઠળ ગુનો બને. આસામ પોલીસે બીજા કોઈને એરેસ્ટ કરેલ નથી; એટલે આ કલમનો કોઈ અર્થ નથી ! ટ્વિટ કરવામાં કાવતરું શું હોઈ શકે? 18 એપ્રિલના રોજ ટ્વિટ થાય છે / 19 એપ્રિલે FIR નોંધાય છે અને 20 એપ્રિલે એરેસ્ટ કરવામાં આવે છે ! રેપ / હત્યા / બોમ્બબાસ્ટના કિસ્સામાં આટલી ઝડપી કાર્યવાહી થાય છે? શું ‘ઉપરની સૂચના’ વિના આ શક્ય છે?

[2] બન્ને ગુનામાં જિગ્નેશ મેવાણીની અટકાયતમાં આસામ પોલીસે કાયદાની સ્થાપિત કાર્યરીતિનો ભંગ કરેલ છે. બંધારણના આર્ટિકલ-21 (કાયદાથી સ્થાપિત કાર્યરીતિ સિવાય કોઈ વ્યક્તિનું શરીર-સ્વાતંત્ર્ય છીનવી શકાય નહીં.)નો ભંગ થયેલ છે. સુપ્રિમ કોર્ટે 2014માં અરનેશ કુમાર વિરુદ્ધ બિહાર રાજ્ય કેસમાં ગાઈડલાઈન આપી છે, તેનો ભંગ થયેલ છે.

[3] અરનેશ કુમારના કેસમાં સુપ્રિમ કોર્ટે ઠરાવેલ છે કે એવા ગુનાઓ જેમાં 7 વરસ કે તેથી ઓછી સજા ઠરાવેલ છે, તેવા કેસમાં ‘ઓટોમેટિક એરેસ્ટ’ કરી શકાય નહીં. CrPC કલમ-41A  હેઠળ નોટિસ આપવી પડે. આ જોગવાઈ 1 નવેમ્બર 2010થી અમલી બની છે. શા માટે કલમ-41Aનો ઉમેરો થયો? પોલીસ કોઈને શંકાના આધારે કોઈ વ્યક્તિને એરેસ્ટ કરી લેતી હતી, જેથી તેની પ્રતિષ્ઠા / માનસન્માન / માનસિક ભાવનાઓને અને પરિવારને ઠેસ પહોંચતી હતી. એટલે 7 વરસ સુધીની સજા વાળા ગુનાઓ; ભલે તે નોન-બેઈલેબલ હોય / નોન કમ્પાઉન્ડેબલ હોય તો પણ આરોપીને નોટિસ આપવી જરૂરી છે. આરોપીનો પક્ષ સાંભળ્યા વિના તેને એરેસ્ટ કરી શકાય નહીં. કોઈને જેલના સળિયા પાછળ ધકેલી દેવામાં આવે ત્યારે તેની સાથે લાંછન જોડાયેલું છે. ખોટી ધરપકડથી અપમાન અને પ્રતિષ્ઠા ભંગ થાય છે જેની ભરપાઈ ન થઈ શકે ! આરોપી સામે પૂરતા પુરાવા એકત્ર કરવા પડે. 41Aની જોગવાઈનો હેતુ ખોટી FIRથી રક્ષણ આપવાનો છે. ઉપરાંત નોટિસ મળવાથી આરોપી આર્ટિકલ-22 મુજબ વકીલની સલાહ પણ લઈ શકે !

[4] કોઈ વ્યક્તિને પોલીસ ક્યારે એરેસ્ટ કરી શકે તેની જોગવાઈ CrPC કલમ-41 (1)માં કરવામાં આવી છે; જેમાં પોલીસની હાજરીમાં કોઈ વ્યક્તિ કોગ્નિઝેબલ ગુનો કરે / બીજો ગુનો કરે તેમ હોય / ગુનાની તપાસ માટે જરૂરી હોય / સાક્ષી-પુરાવાઓને ફોડે તેમ હોય / આરોપી નાસી જાય તેમ હોય વગેરે કારણોસર લેખિત કારણો નોંધીને પોલીસ આરોપીને એરેસ્ટ કરી શકે અને પોલીસ જામીન ઉપર છોડી શકે. જિગ્નેશ મેવાણીના કેસમાં જે કલમો હેઠળ ગુનો નોંધાયો છે તેમાં 7 વરસ કરતાં ઓછી સજાની જોગવાઈ છે, જેથી પોલીસે તેમને જામીનમુક્ત કરવા જોઈએ. પરંતુ પોલીસે મેજિસ્ટ્રેટ સમક્ષ રજૂ કરી રીમાન્ડ મેળવી. આવા કિસ્સામાં રીમાન્ડ આપનાર મેજિસ્ટ્રેટ સામે શિક્ષાત્મક કાર્યવાહી થઈ શકે ! જિગ્નેશ મેવાણી ચૂંટાયેલા ધારાસભ્ય છે, તેથી ફરાર થવાની શક્યતા ઓછી છે. ગુનો તેમણે કરેલ ટ્વિટ સાથે સંબંધિત છે, તેથી સાક્ષીઓને ધમકાવવા /પ્રભાવિત કરવાનો કોઈ પ્રશ્ન જ નથી. ટ્વિટને સંપાદિત કરી શકાતી નથી, તેથી સાક્ષીઓ સાથે ચેડા કરવાનો કોઈ પ્રશ્ન જ નથી. મેજિસ્ટ્રેટે આ બાબતો કેમ જોઈ નહીં?

[5] જિગ્નેશ મેવાણીએ ટ્વિટ કરેલ કે “વડા પ્રધાન ગોડસેને ભગવાન માને છે, એમણે ગુજરાતના સાંપ્રદાયિક દંગાઓની સામે શાંતિ અને સદ્દભાવની અપીલ કરવી જોઈએ !” આ ટ્વિટમાં બે ભાગ છે. ‘ગુજરાતના સાંપ્રદાયિક દંગાઓની સામે શાંતિ અને સદ્દભાવની અપીલ કરવી જોઈએ’ તેમ કહેવું તે ગુનો બને નહીં. વળી આ બાબત ગુજરાતની છે, ગુજરાતમાંથી ટ્વિટ કરેલ છે, તો ગુનો CrPC કલમ-179 મુજબ ગુજરાતમાં બને; આસામમાં બને નહીં. “વડા પ્રધાન ગોડસેને ભગવાન માને છે” તેમ કહેવામાં જેની બદનામી થઈ હોય તે વ્યક્તિ જ બદનક્ષીનો કેસ કરી શકે, જે નોન-કોગ્નિઝેબલ ગુનો છે; તેથી પોલીસ એરેસ્ટ કરી શકે નહીં. આ કિસ્સામાં આસામના સત્તા પક્ષના નેતાએ જિગ્નેશ મેવાણી સામે FIR દાખલ કરાવી છે, જે તદ્દન ગેરકાનૂની છે. IPC કલમ-120 B / 153 (A)/295 (A)/504 તથા IT એક્ટ કલમ-66 હેઠળ ગુનો નોંધવો તે કાયદાનો દુરુપયોગ છે. જ્યારે IPC કલમ-IPC 294 / 323 / 353 / 354 હેઠળના બીજા ગુનામાં એરેસ્ટ કરવાનું કૃત્ય અને જામીન ઉપર નહીં છોડવાનું પગલું પણ ગેરકાનૂની છે. ઉપરાંત જિગ્નેશ મેવાણી જે ટ્વિટ કરેલ તેને IPC કલમ-153 (A) (બે સમુદાયો વચ્ચે દુશ્મનીને પ્રોત્સાહન આપવું.); 295 (A) (બદઈરાદાથી ધાર્મિક અપમાન કરવું.); 504 (શાંતિ ભંગ કરવા જાણીજોઈને અપમાન કરવું.) સાથે કોઈ સંબંધ નથી; એવું કાયદા શાખાનો કોઈ પણ વિદ્યાર્થી સમજી શકે તેમ છે !

આસામ પોલીસનું આ પગલું અરનેશ કુમારના જજમેન્ટનો અનાદર કરનારું છે. ab-initio-illegal-શરૂઆતથી જ ગેરકાનૂની છે. જેથી ‘contempt of court – સુપ્રિમકોર્ટના તિરસ્કાર’ માટે આસામ પોલીસ જવાબદાર ઠરે છે. કેમ કે એરેસ્ટ કરનાર પોલીસ અધિકારીને નાગરિકના અધિકારો અને કાયદાની નિર્ધારિત પ્રક્રિયાની યોગ્ય જાણકારી હોવાનું કોર્ટ માને છે. 7 ડિસેમ્બર 2021ના રોજ દિલ્હી હાઈકોર્ટે રાકેશકુમાર વિરુદ્ધ વિજયંતા આર્યના કેસમાં; સુપ્રિમ કોર્ટે અરનેશ કુમારના કેસમાં CrPC કલમ-41A હેઠળ નોટિસ આપવાની ગાઈડલાઈનના ભંગ સબબ રાકેશકુમારને એરેસ્ટ કરનાર પોલીસ અધિકારીને એક દિવસની સજા સાથે 2,000નો દંડ કર્યો હતો ! આસામ પોલીસને પણ સજા થઈ શકે છે !

સૌજન્ય : રમેશભાઈ સવાણીની ફેઇસબૂક દિવાલેથી સાદર

Loading

...102030...1,5801,5811,5821,583...1,5901,6001,610...

Search by

Opinion

  • વિદેશનીતિમાં વળાંક: સમજી-વિચારીને લીધેલું પગલું કે કેવળ પ્રચાર?
  • સાઝિશ રમકડાંની
  • શિક્ષણને મામલે આટલી ગરીબ સરકાર ગુજરાતમાં ક્યારે ય આવી નથી …
  • સ્ટ્રેટ ઑફ હોર્મુઝઃ “બહોત કઠિન હૈ ડગર પનઘટ કી …” ભારતની ઊર્જા સુરક્ષા પર સાંકડા માર્ગનો સકંજો
  • ચલ મન મુંબઈ નગરી—334

Diaspora

  • યુ.કે.માં ડ્રાઇવિંગની પરીક્ષા
  • અમીના પહાડ (1918 – 1973) 
  • છ વર્ષનો લંડન નિવાસ
  • દીપક બારડોલીકરની પુણ્યતિથિએ એમની આત્મકથા(ઉત્તરાર્ધ)ની ચંદ્રકાન્ત બક્ષીએ લખેલી પ્રસ્તાવના.
  • ગાંધીને જાણવા, સમજવાની વાટ

Gandhiana

  • માનવતાવાદી ત્રિપુટીને સ્મરણાંજલિ 
  • ગાંધી ‘મોહન’માંથી ‘મહાત્મા’ બન્યા, અને આપણે?
  • ગાંધીહત્યાના પડઘા: ગોડસેથી ગોળવલકર સુધી …
  • ગાંધીની હત્યા કોણે કરી, નાથુરામ ગોડસેએ કે ……? 
  • ગાંધીસાહિત્યનું ઘરેણું ‘જીવનનું પરોઢ’ હવે અંગ્રેજીમાં …

Poetry

  • કવિ
  • ગઝલ
  • ગઝલ
  • કોઈ અપાવે જો એ બાળપણ પાછું …
  • પન્નાને, વેલન્ટાઈન ડે, ફેબ્રુઆરી 14, 2026 ~ સોનેટ ~ નટવર ગાંધી

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • My mother cries on the phone’: TV’s war spectacle leaves Indians in Israel calming frightened families
  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved